૨૦-એવું કેમ ? પદ યાત્રા અને વોકાથોન! Walkathon !

વહેલી પરોઢે , વાતાવરણમાં ગુલાબી ઠંડી  હોય , બોગનવેલ પર રાતાં પાંદડા અને કેસૂડાં પર કેસરી ફૂલો મ્હોર્યા હોય ને એ આહ્લલાદક પર્યાવરણમાં તમે કોઈ સંઘ સાથે પદયાત્રાએ જઈ રહ્યા હોવ ..કલ્પના કરો !કેવું દિવ્ય અલૌકિક હોય એ દર્શન !

બસ , એ જ રીતે સેંકડો યાત્રાળુઓ તમને આજ કાલ ગુજરાતમાં ઠેર ઠેર માર્ગ પર પગપાળા પ્રયાણ કરતાં જોવા મળશે. આ સૌ અમદાવાદથી,ગોધરાથી, વડોદરા કે આણંદથી ડાકોર ભગવાન શ્રી રણછોડરાયના દર્શન કરવા પદયાત્રામાં જઈ રહ્યાં છે.  એ જ રીતે જો તમે સૌરાષ્ટ્ર તરફ ડ્રાઈવ કરશો તો માર્ગમાં તમને દ્વારિકાધિશનાં દર્શનાર્થે નીકળેલા પદયાત્રીઓનો સંઘ જરૂર ક્યાંક જોવા મળશે.

આમ તો દર પૂનમે પણ આ ફાગણી પૂનમે તો ખાસ – આવી પદયાત્રાઓનું મહત્વ હોય છે.
રસ્તામાં ઠેર ઠેર સેવા કેન્દ્રો -જે માત્ર સ્વયંસેવકોની ભાવપૂર્ણ સેવાને કારણેજ ચાલતા હોય છે -તેમાં ઠંડા પાણીથી માંડીને ચા , કોફી , નાસ્તો , છાસ અને ક્યાંક ગરમ ભોજન પણ આ ભાવિક પદયાત્રીઓ માટે અમુક દાતાઓના દાનને લીધે નિઃશુલ્ક આપવાની પ્રણાલિકા છે.  લગભગ એક લાખ પદયાત્રીઓ આ અઠવાડિએ માત્ર અમદાવાદથી જ ડાકોર પગપાળા જશે એવો અંદાજ છે.  હોળી – ધુળેટી પર આમ પદયાત્રાઓનું ખાસ મહત્વ છે.
લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે આપણાં ધર્મમાં ઋષિ મુનિઓએ આવા પ્રયોગો હજ્જારો વર્ષ પૂર્વેથી આપ્યા છે.

આપણે પગપાળા ચાલતાં જઈએ એટલે પ્રકૃતિ સાથેનું તાદાત્મ્ય અનાયાસે જ સંધાય.  માર્ગમાં આવતાં વનસ્પતિ અને રાહદારી સૌ સાથે બે ઘડી સંબંધ  બંધાય . રસ્તે આવતાં ગામડાઓમાં ગ્રામવાસીઓને મળવાનો મોકો મળે.  સ્વૈચ્છીક રીતે ઉભા કરેલ આવકાર કેન્દ્રોમાં આ પદયાત્રીઓને વિસામા દરમ્યાન મૈત્રી ભાવ બંધાય. ગાડીમાં જઈએ તો આપણે ઝડપથી આ બધું પસાર કરી નાખીએ. ના કોઈ કેસૂડાંનું અવલોકન કે ના કોઈ વટેમાર્ગુ સંગ ગોષ્ઠી પણ ધીમે ધીમે ચાલતાં ચાલતાં જઈએ તો આપણાં અંતર્ચક્ષુને ય વાચા મળે! કુદરતનું સૌંદર્ય નિહાળતાં બેઘડી આપણી જાત સાથે ય વાત કરવાની તક મળે.

પાશ્ચાત્ય સંસ્કૃતિમાં આ જાતની પદયાત્રાનો વિચાર બહુ પુરાણો નથી . બલ્કે હજુ ગઈ સદીમાંજ ઉદ્દભવેલો છે  અને તે પણ ધર્મને નામે નહીં પણ માનવ ધર્મને નામે. “તમે અમુક માઈલનું અંતર પગપાળા કાપો , તમારા આ સાહસ માટે અમે તમને અમુક પૈસા આપીશું.” અને આ મોટા સમૂહમાં સાથે ચાલવાથી જે પૈસા- ફાળો ભેગો થયો તે કોઈ માનવતાના હિતાર્થે વપરાય ! જુદા જુદા પ્રકારના કેન્સરના રિસર્ચ માટે- બ્રેસ્ટ કેન્સર , પ્રોસ્ટેટ કેન્સર , ફેફસાં કે હૃહદયરોગ કે કિડની ટ્રાન્સપ્લાન્ટ કે એઇડ્સ કે ડાયાબિટીસ. ગમે તે અસાધ્ય રોગો પર સંશોધન કરવા ફાળો ભેગો કરાય.  એમાં એક હકારાત્મક અભિગમ એ જોવા મળે છે કે કોઈ સારા કાર્ય પાછળ લોકોનો સપોર્ટ મળે તે પહેલા જ એ પ્રોજેક્ટ માટેની જાગૃતિ પણ ઉભી થાય.  જે લોકો આવા રોગોનો ભોગ બન્યા હોય તેમના કુટુંબીઓ અને મિત્રો પણ આવી પદયાત્રાઓને પ્રોત્સાહન આપી પોતાની કમ્યુનિટીમાંથી સ્પોન્સર શોધે અને ફાળો ભેગો કરે . (વોકાથોનની જેમ બીજી પણ અનેક ફિજિકલ ચેલન્જની રીતો પ્રચલિત છે)

બંને દેશોની પદયાત્રાઓ આખરે તો શરીરને પડકાર આપે છે.  છે તાકાત ? તો ચાલી બતાવ પચ્ચાસ – પંચોતેર માઈલ.  જાઓ ચાલતાં ડાકોર કે દ્વારકા કે નેશનલ પાર્ક કે ન્યુયોર્ક. આ એક ચેલેન્જ છે. આધુનિક વિજ્ઞાન આને Quantum Physics ક્વોન્ટમ ફિજીક્સ કહે છે: આપણું શરીર ( અને દુનિયાની તમામ ચીજ વસ્તુઓ ) ને તેના મૂળભૂત ગુણધર્મ હોય છે.પણ આ ગુણ ધર્મો સિવાય ઉત્સાહ , આવેગો અને ઉભરો આવતાં હોય ત્યારે મન પોતે શરીરને વધારે ( કે ઓછું ) કરવા આદેશ આપે: આને મન શરીરનું તાદાત્મ્ય: કહેવાય . Mind and Body Connection .મારા પગમાં ચાલવાની તાકાત છે પણ મન આળસને લીધે ચાલવાની
ના કહે છે.  એવી જ રીતે શરીરને કષ્ટ આપી કોઈ શુભ સંકલ્પ માટે મનને પડકારીને પદયાત્રામાં જોડાયેલાં મોટાભાગનાં પદયાત્રીઓ બીજે વર્ષે ફરીથી આવા પડકારો ઝીલીને જોડાતાં હોય છે !અને પછી એ માત્ર’ લાગણીનો ઉભરો ‘ ના રહેતા એક ટેવ પડી જાય છે.

બે દેશ : બે સંસ્કૃતિ !
બંનેમાં કુદરતને ખોળે ઘડીભર તાદાત્મ્ય સાધવાનો અભિગમ . બંનેમાં શરીરને કસવાનું – જરા વધારે, હજુ જરા વધારેની ભાવના પણ આપણે ત્યાં સ્વનાં કલ્યાણની ભાવના. ચાલતાં જાઓ ને રણછોડરાયને રીઝવો. આત્મા પરમાત્માની વાતો. ધર્મ જેટલો શ્રદ્ધા તરફ વળે એટલું મનોબળ વધે.  મારે પરમાત્માને પ્રસન્ન કરવા છે.  મારે પુણ્ય કમાવું છે.  મારે મૃત્યુ પછી સ્વર્ગમાં જવું છે. ધર્મ જેટલો વિજ્ઞાન તરફ લઇ જઈએ તેટલો સમાજને લાભ થાય. પણ આપણે ત્યાં એવી ભાવના કેમ નથી?
એવું કેમ?

મનોબળ વધારીને ઉપવાસો અઠ્ઠાઈ કે અન્ય કષ્ટદાયક પ્રવૃત્તિઓથી સ્વનાં હિત સાથે સમષ્ટિના હિતનો વિચાર કર્યો હોય તો?

આપણે શીતળા , બળિયા કે પોલિયો જેવા બાળરોગોને નાથવા શીતળામાતા અને બળિયાબાપજીની પૂજાઓ કરી. તેમને રીઝવવા ઊંધા પગલે , આડા પગલે , એક પગે ,ચાલીને શરીરને કષ્ટ આપી મનોબળ મજબૂત કર્યું .
પશ્ચિમે એ બાળરોગોની રસી શોધી બાળરોગને કાબુમાં લીધા.

પણ એવું કેમ ? કેમ આપણી દ્રષ્ટિ સ્વકેન્દ્રી જ રહી ? કેમ આપણી દ્રષ્ટિ સ્વથી આગળ વધતી જ નથી?
એવું કેમ? પશ્ચિમની સંસ્કૃતિમાંથી ઘણું ઘણું ન અપનાવવા જેવું યે મોર્ડન છે કહીને આપણે આંધળું અનુકરણ કરીએ જ છીએ તો આ પદયાત્રાઓ સ્ત્રી શિક્ષણ , બાળઉછેર વગેરેની અવેરનેસ – જાગૃતિ માટે યોજવાનો વિચાર કેમ કોઈને આવતો નથી?
એવું કેમ?

 

૨૪ – હકારાત્મક અભિગમ- સ્વથી સર્વ સુધી- રાજુલ કૌશિક

આજે ફરી એકવાર ઘેર બેઠા વહેતી સોશિઅલ ગંગામાંથી જરા અમસ્તુ આચમન…..

એક કૉર્પરેટ કંપનીના મોટા હૉલમાં કંપનીના લગભગ બધા મેમ્બરને એકઠા કરવામાં આવ્યા હતા. પ્રસંગ હશે એ સૌને મોટિવેટ કરવાનો. હૉલમાં અર્ધ ગોળાકારે ગોઠવાયેલી બેઠક પર સૌ મોટી કંપનીને છાજે એવા સુટ-કોટ-ટાઇમાં બિરાજમાન હતા. હવે તો કૉર્પરેટ કંપનીમાં કામ કરતા સભ્યોની માનસિક તેમજ શારીરિક સ્વસ્થતાને પ્રાધાન્ય આપવાનું ચલણ અને વલણ વધતું જાય છે. ( સારી વાત છે નહીં?)

પ્રવક્તાએ સ્ટેજ પર આવીને માઇક હાથમાં લેતા આ પ્રસંગને અનુરૂપ પ્રસ્તાવતા બાંધી. થોડી મહત્વની વાતો કરીને સૌને એમની સાથે સાંકળી લેતા એક ઘોષણા કરી.

“ આજના આ પ્રસંગે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણા આજના આ મહત્વના કાર્યક્રમ તરફ આગળ વધતા પહેલા હું ઇચ્છીશ કે અહીં ઉપસ્થિત સન્માનીય સભ્યો આપની જગ્યાએથી ઊભા થઈને હૉલમાં ઉપસ્થિત સૌને મળે, હાથ મિલાવે અથવા એકમેકને ભેટે.”

આ માટે પાંચ મિનિટ ફાળવવામાં આવી હતી. સમય પુરો થતા સૌ પોત-પોતાની બેઠક પર ગોઠવાયા પછી પ્રવક્તાએ ફરી એકવાર માઇક હાથમાં લેતા ઘોષણા કરી.

“આપ સૌને ખાતરી છે કે આપે સૌને મળી લીધું છે?.. કદાચ તમારો જવાબ હશે હા.. પણ હું કહીશ કે ના.. કારણ આપ સૌએ મોટાભાગનાને તો મળી લીધું પરંતુ હું પણ અહીં ઉપસ્થિત જ હતો તેમ છતાં મને તો કોઇ મળવા આવ્યું જ નહીં. એટલું જ નહીં પણ કેટલાક એવા સભ્યો પણ હતા કે  જે પોતાની જગ્યાએ જ બેસી રહયા હતા એમને પણ કોઇ મળવા ગયું નહી. કારણ?”

હૉલમાં તો કોઇની પાસે જવાબ હતો નહીં.

પ્રવક્તાએ પોતાની વાત આગળ વધારતા કહ્યું …“કારણ માત્ર એટલું જ કે મોટાભાગના સૌ પોતાની આસપાસ સુધી જ વિસ્તરેલા હોય છે.  મોટાભાગનાને પોતાના વર્તુળથી બહાર નિકળીને અન્ય સુધી પહોંચવામાં રસ નથી હોતો. કેટલાક એવા હતા જે પોતાની જગ્યાએથી ઊભા જ નહોતા થયા. જે ઊભા નહોતા થયા એમને સામે ચાલીને મળવા કોઇ આગળ વધ્યુ નહી.

સીધી વાત- દોસ્તી માટે જો હાથ લંબાવીએ તો જ દોસ્ત મળી રહેશે. તાલી એક હાથે ક્યારેય વાગતી જ નથી. સંબંધો વિકસાવવા માટે અંતરથી અને અંદરથી ખુલવાની જરૂર છે. આ વાત છે અપેક્ષા વગર, આપમાંથી બહાર આવી અન્ય સુધી પહોંચવાની. સ્વથી માંડીને સર્વ સુધી વિસ્તરવાની. દરેક સંબંધને જો નફા-નુકશાનના ત્રાજવે તોળવામાં આવશે તો શક્ય છે કે સાચો અને સારો સંબંધ ક્યાંય પામી નહી શકીએ.  ક્યારેક સ્વાર્થ વગરના પણ સંબંધ વિકસી શકે છે એવું સમજી લેવાની ય જરૂર છે.

 

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

 

 

`

 

 

 

 

 

 

૧૫-વાંચના-દીપલ પટેલ

હિમાલયનો પ્રવાસ

અગાઉ કહેલું એમ, મને અને અનુજને ગુજરાતી પુસ્તકોમાં કોઈ એક શ્રેણીમાં અમને બંનેને રસ પડતો હોય તો એ છે પ્રવાસ નિબંધ. અમને રાત્રે સુતા સમયે સાથે પ્રવાસ નિબંધો વાંચવાની ખુબ મજા પડે, રાત્રે સપના સરસ આવે! આ પુસ્તકે એક બેઠકે કે તરત નથી પત્યું, ૩ મહિના થયા હશે કદાચ. અને આ પુસ્તકમાં ૪૫ પ્રકરણ છે જેમાં અમે ૨ દિવસે એક એમ વાંચતા.

લેખક વિષે: આ પુસ્તકના લેખક છે કાકાસાહેબ કાલેલકર. મૂળ નામ દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર જેમનો જન્મ ૧ ડિસેમ્બર ૧૮૮૫માં થયો અને ૯૬ વર્ષનું આયુષ્ય એમણે ભોગવ્યું. ગુજરાતી સાહિત્યના ઉત્તમ નિબંધકાર અને પ્રવાસલેખકોમાંના એક. મૂળ મરાઠી પછી એલ.એલ.બી. ભણી, ગુજરાત આવ્યા અને ૧૯૧૫થી શાંતિનિકેતનમાં, ૧૯૨૦થી ગુજરાત વિદ્યાપીઠમાં પ્રાચીન ઇતિહાસ, ધર્મશાસ્ત્ર, ઉપનિષદો અને બંગાળીના અધ્યાપક રહ્યા. દશેક વખત કારાવાસ ભોગવેલો અને પાંચેક વખત વિદેશપ્રવાસ ખેડેલો. અને ૧૯૬૪માં ‘પદ્મવિભૂષણ’નો ઈલ્કાબ અને ૧૯૬૫નું સાહિત્ય અકાદમી, દિલ્હીનું પારિતોષિક મેળવેલું. ગાંધીજીના અંતેવાસીઓમાંના એક એવા કાકાસાહેબને ગદ્યસામર્થ્યને કારણે ગાંધીજી તરફથી તેમને “સવાઈ ગુજરાતી” નું બિરુદ મળેલું છે.

પ્રવાસ વિષે: એમણે હિમાલયનો પ્રવાસ ૧૯૧૨ની સાલમાં ખેડેલો અને તેઓ રોજના વીસ – ત્રીસ માઈલ પગપાળા ચાલીને કુલ પચીસસો માઈલનો પ્રવાસ ચાળીસ દિવસમાં કર્યો હતો. હિમાલયની યાત્રામાં તેમની સાથે અનંતબુવા મરઢેકર અને સ્વામી આનંદ હતા. કાકાસાહેબે ૭ વર્ષ બાદ આ લેખમાળા એક હસ્તલિખિત માસિક માટે સાબરમતી આશ્રમના સાથીઓ તથા વિદ્યાર્થીઓ ખાતર શરૂ કરેલી. અને ૧૯૨૪માં પુસ્તક સ્વરૂપે આ પ્રવાસનિબંધ પ્રગટ થયા.

himalaynopravas.jpg

લેખક: કાકાસાહેબ કાલેલકર
કીમત: ૬૦ રૂ.
પાન : ૨૩૩
પુસ્તક વિષે: એમની સ્મૃતિપટલ પરની યાદો કેટલી તાજી હશે અને એનાથીય ઉત્તમ એમની લખવાની શૈલી એટલી અદ્ભુત છે કે મારા જેવા જેને હિમાલય જોયો નથી એને પણ ત્યાં પહોચ્યાનું પ્રતીત થાય 🙂 સ્થળની સૂક્ષ્માતિસૂક્ષ્મ ખાસિયતો અને સ્થળસંદર્ભે ચિત્તમાં જાગતાં સ્મૃતિસાહચર્યોને તેઓ અદ્ભુત રીતે આલેખે છે.
પ્રવાસનોંધના પીસ્તાલીસ પ્રકરણો માત્ર હિમાલયપ્રવાસનાં નથી; એમાં પ્રયાગ, કાશી, ગયા, અયોધ્યા અને બેલુડ મઠની યાત્રાનો પણ સમાવેશ થયેલો છે. પ્રવાસનો આરંભ હરિદ્વારથી અને અંત જમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ તથા બદરીનાથ સમીપે થાય છે. ‘હિમાલયનો પ્રવાસ’ પુસ્તકમાં ત્રિસ્થળી યાત્રાનાં તીર્થો પ્રયાગરાજ, વારાણસી, ગયા અને ચાર ધામ યાત્રાનાં તીર્થો બદરીધામ, કેદારનાથ, ગંગોત્રી, જમનોત્રી એમ દરેક વિશે અલાયદાં પ્રકરણો છે. કાકાસાહેબે અયોધ્યા અને બોધિગયા, બેલુડ મઠ અને રામકૃષ્ણ સેવાશ્રમ અંગે સ્વતંત્ર પ્રકરણો આલેખ્યાં છે. લેખકે ગંગાદ્વાર અને હૃષીકેશ, દેવપ્રયાગ અને ઉત્તરકાશી, આલમોડા અને ભીમતાલ, ટેહરી અને પદમબોરી, રાણાગામ અને ભોટચટ્ટી જેવાં પ્રાકૃતિક-સાંસ્કૃતિક તેમજ ધાર્મિક-આધ્યાત્મિક સ્થળો અંગે પણ નોખાં પ્રકરણો પાડ્યાં છે. પર્યટનમાં – મોટું ધામ હોય કે નાનું ગામ, પહાડની તળેટી હોય કે નદીનો તટ – વાતાવરણ, વ્યક્તિદર્શન અને વસ્તુસ્થિતિનું વર્ણન જીવંત હોય છે. આપણને પણ કાકાની આંગળી પકડીને તેમના સહવાસમાં પ્રવાસ કરતાં હોઈએ એવી અનુભૂતિ થતી રહે છે.

દત્તુ એટલે દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર પોતાના શૈશવની સ્મરણયાત્રામાં સચવાયેલી હિમાલયની ઊંચાઈ અંગે કહે છે કે, “છેક નાનપણમાં જયારે હિમાલય વિષે સાંભળતો કે તે એટલો ઊંચો છે કે એનું શિખર જોવા જતાં માથાની પાઘડી નીચે પડી જાય છે…” (પૃ. 19) આ જ કાકાસાહેબે હિમાલયના સાક્ષાત્કાર પછી સર્જેલા શબ્દ-શિખર સામે આપણે નતમસ્તક થઈ જઈએ છીએ.
તેઓ આવું આગવું વર્ણન કરે છે : “હિમાલય – આર્યોનું આ આદ્યસ્થાન, તપસ્વીઓની આ તપોભૂમિ, – પુરુષાર્થી લોકોને માટે ચિંતન કરવાનું એકાંત સ્થાન, થાક્યાંપાક્યાંનો વિસામો, નિરાશ થયેલાઓનું સાંત્વન, ધર્મનું પિયેર, મુમૂર્ષુઓની અંતિમ દિશા, સાધકોનું મોસાળ, મહાદેવનું ધામ અને અવધૂતની પથારી છે. માણસોને તો શું, પશુપક્ષીને પણ હિમાલયનો આધાર અપૂર્વ છે. સાગરને મળનારી અનેક નદીઓનો એ પિતા છે. એ જ સાગરમાંથી ઉદ્દભવેલાં વાદળોનું એ તીર્થસ્થાન છે. કવિકુલગુરુએ એ ‘દેવાત્મા નગાધિરાજ’ને પૃથ્વીનો માનદંડ કહ્યો છે તે અનેક અર્થે યથાર્થ છે. હિમાલય એ ભૂલોકનું સ્વર્ગ, યક્ષકિન્નરનું વસતિસ્થાન છે. જગતનાં સર્વે દુઃખોને સમાવી લે એવડો તે વિશાળ છે; સર્વ ચિંતાગ્નિને શમાવી દે એટલો એ ઠંડો છે; કુબેરને પણ આશ્રય આપી શકે એવડો એ ધનાઢ્ય છે; અને મોક્ષની સીડી બની શકે એવડો એ ઊંચો છે.” (પૃ. ૪૪-૪૫)
સહજવૃત્તિ અને સમજવૃત્તિના સાધક કાકાસાહેબ રમૂજવૃત્તિના સ્વામી છે. આ પુસ્તકમાં ઘણાં બનાવો અને બયાનો એવાં છે કે આપણાં હોઠ અને હૈયાને મલકવાની મજા પડે છે. લ્યોઆ એક પ્રસંગનો પ્રસાદ ચાખીએ અને ધન્ય થઈએ : “… નાહવાનો શરીરશુદ્ધિ સાથે અથવા મલાપહરણ સાથે કશો સંબંધ નથીઆખું શરીર પલળ્યું એટલે સ્નાન સંપૂર્ણ થયું. એ વ્યાખ્યા પ્રમાણે જ અમે નાહ્યા અને પાણીમાંથી જીવતા બહાર નીકળ્યા. અભ્રક અને અત્યંત ઝીણી રેતીને કારણે પાણી ડહોળું હતું. હું જ્યાં નાહતો હતો ત્યાં પાણી પૂરતું ઊંડું નહીં હોવાથી માથું પલાળવા માટે મારે ઉતાવળે પાણીમાં ડૂબકી મારવી પડી. મને શી ખબર કે મારા માથા આગળ જ એક ગોળ પ્રાચીન પથ્થર પાણીમાં ધ્યાનસ્થ બેઠો છે! અમારાં બંનેનાં માથાં પ્રેમથી સખત ભેટ્યાં. અવાજ તો થયોપણ માથાની અંદર વેદના પહોંચવા જેટલું ચૈતન્ય ક્યાં રહ્યું હતું. બધિર શરીરે હું પાછો દોડતો નીકળ્યો ને ધૂણી આગળ હાથ તપાવ્યા પછી જ પલાળેલાં કપડાં નિચોવવા પામ્યો. બીજે દિવસે કપાળ ઉપર પેલા મારા મિત્રની નાનીશી પ્રતિકૃતિ ઊપસેલી દેખાઈ ત્યારે અમારો ભેટો કેટલો પ્રેમાળ હતો એનું પ્રદર્શન થયું.” (પૃ. ૧૪૯-૧૫૦)

ધર્મદર્શનના સઘન અભ્યાસી કાલેલકર સમાજજીવનના સચોટ અવલોકનકાર સાબિત થાય છે. તેઓ માત્ર પર્યટનમાંથી નિજાનંદ નથી લેતા, પર્યાવરણ અંગે નિસબત પણ વ્યક્ત કરે છે. તેઓ ઘટનાક્રમને બોધપાઠમાં ફેરવી આપે છે. એમણે આપેલા આ ઉદાહરણથી આપણી સમજણ પણ સ્પષ્ટ થશે : “ હિમાલયના ખેડૂતની રસોઈમાં અજબનું સ્વાવલંબન હોય છે. તેની પાસે વહોરાની ટોપી જેવી એક મોટી લોઢાની તપેલી કે તાંસળી હોય છે. એમાં એ પહેલાં લોટ બાંધીને પથરા પર મૂકી દે છે. પછી ત્રણ પથરાના ચૂલામાં દેવતા સળગાવી તેના પર એ જ તાંસળીમાં રોટલીઓ શેકી લે છે. એ બધી રોટલીઓ હાથરૂમાલ પર રાખી ફરી એ જ તાંસળીમાં શાક રાંધી લે છે. તાંસળી લોઢાની એટલે ગમે તે શાક એક જ રંગનું થઈ જાય છે. હવે એને શું જોઈએ? શાકરોટલી ધરાઈને ખાય અને તાંસળી ઊટકે એટલે પાણી પીવાનું પણ એ જ વાસણ. જમીને બપોરે જરા વામકુક્ષિ કરી લે, અને એ જ તાંસળી માથા પર રાખી એના પર ફેંટા જેવું બાંધી દે, એટલે કેરીના ગોટલા જેવડા કરા આકાશમાંથી પડે તોયે શિર સલામત. આટલી સૂઝ અને હિકમત હોવા છતાં શહેરીઓ કહે છે કે પહાડના લોકો જંગલી. જંગલી ખરા જ તો ! જંગલમાં રહે તે અપંગ હોય નહીં અને અપંગપણું એ તો સુધારાનો પાયો અને શિખર છે. અસંખ્ય સાધનો વગર જે ચલાવી ન શકે તે સુધરેલો, અને ઓછામાં ઓછાં સાધનથી ચલાવવાની બાહોશી જેનામાં છે તે જંગલી, એ વ્યાખ્યા શું સાચી નથી?” (પૃ. ૧૦૭-૧૦૮)

આ પુસ્તકમાં પદયાત્રી અને કલમયાત્રી કાકાસાહેબ કાલેલકરે પર્યટન-સ્થળોથી માંડીને પ્રકૃતિ-સૌંદર્યનું આબેહૂબ અને આહ્લાદક વર્ણન કર્યું છે. તેમણે મઠથી માંડીને મંદિર અને પાઠશાળાથી માંડીને ધર્મશાળાની મુલાકાતો લીધી છે. કાકાસાહેબે વૃક્ષો અને વાદળોપુષ્પો અને પહાડોઝરણાં અને તારલાસરોવર અને આકાશપથ્થર અને બરફ વિશે રસપ્રદ વાત માંડી છે. તેમણે સાધુઓ-સંન્યાસીઓઋષિ મુનિઓ-નાગા બાવાઓવેપારીઓ-પ્રવાસીઓખેડૂતો-મજૂરો સાથે સંવાદ કર્યો છે. કાકાસાહેબનાં બીજાં લખાણોની જેમ આ પુસ્તકમાં પણ સંસ્કૃત અને મરાઠી સાહિત્યમાંથી અવતરણો ઘણી જગ્યાએ જોવા મળે છે.

12. હિમાલયની પહેલી શિખામણ – પ્રકરણ મને readgujarati પરથી મળી ગયું જેની લીંક અહી મુકું છું
http://archive.readgujarati.in/sahitya/?p=3266

રેફેરંસ: http://ashwinningstroke.blogspot.com/2013/12/blog-post_31.html

હિમાલયની આ સફર કાકાસાહેબ સાથે કરવી જ રહયી 🙂

કલ્પનાબેનને જન્મદિવસની વધાઈ


જન્મદિવસે આ દોસ્તીનો આ ગજરો મુબારક

 

 

 

 

રાધાની ધારા મુબારક
નારી શક્તિ તને મુબારક
શબ્દજ્યોતી,શબ્દ મુબારક
કલ્પના ની કલ્પના મુબારક
કલમની, હરણફાળ મુબારક
ગુર્જરી,ગુજરાતણ મુબારક
રઘુની કલ્પના તને મુબારક
ગુણીજનના વ્હાલ મુબારક
મધુરા શબદનો રસથાળ મુબારક
છો બેઠકની દીપમાળ,મુબારક
સર્જકોનું વહાલ મુબારક
વાચકોની સંગત મુબારક
તંદુરસ્તીભર્યું તન મુબારક.
આજ મુબારક કાલ મુબારક ,
દરિયા જેટલું વ્હાલ મુબારક ,
તમે રહો ખુશ હરહાલ મુબારક ,
આ દિન તમને હર સાલ મુબારક.
કલ્પના રઘુ તને મુબારક
જન્મદિવસના લાખ મુબારક

વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -અષાઢી મેઘલી રાત -૫-

છન.. છન…છન.. છમ…છમ….

દૂરથી સંભળાતો એકધારો અવાજ પાસે અને પાસે આવી રહ્યો હતો. રાતના બાર વાગે સૂમસામ રસ્તાઓ પર ભેંકાર ભયાવહ સોપો પથરાઇ ગયો હતો. એવામાં આ એકધારા અવાજ સિવાય બીજો કોઇ અવાજ હોય તો એ હતો તમરાઓનો. પેલા છન..છન..ના અવાજમાં તમરાઓનો અવાજ ભળી જઈને કોઇ અજબ જેવી બિહામણી સૂરાવલિ રચતો જતો હતો.

આ આજ કાલની વાત નહોતી. છેલ્લા કેટલાય સમયથી રાત્રે વાગે બાર અને શરૂ થઈ જાય પેલો છન…છન. છમ અવાજ. જોનારાનું તો કહેવું હતું કે આ અવાજની સાથે કોઇ હાથમાં હાલતું ડોલતું ફાનસ પણ એની હારે હારે  હાલ્યુ આવે છે. કોઇ વળી એવી વાત લાવ્યું કે પેલા નાથાએ તો સફેદ લૂગડાંમાં કોઇ બાઇ માણસને હાથમાં ફાનસ લઈને આવતી ભાળી. અને બસ પછી તો પૂછવું જ શું?

અને પછી તો ધીમે ધીમે વાત વાયરે ચઢી..એક કાનેથી બીજા કાને વહેતી વાતે તો લોકોમાં ભયનું સામ્રાજ્ય ફેલાવા માંડ્યુ. વાત છે લગભગ ૧૯૬૮ની સાલની એટલે કે લગભગ પચાસ વર્ષ પહેલાની. ત્યારે તો અમદાવાદના આ વિસ્તારમાં આજના જેવી અને જેટલી સોસાયટીઓ વિકસી નહોતી. એક સીધી પાકી સડક હતી પણ એ સિવાય બાકીના તો કેટલાય કાચા રસ્તાઓ પાકી સડકમાં રૂપાંતરિત થવા માટે  સરકારી મંજૂરીની મહોર માટે રાહ જોતા હતા. વરસાદ પડે ત્યારે કાદવ-કીચડમાં બદલાઇ જતા આ કાચા રસ્તાઓ મૂળ તો ખેતરાઉ જમીન હતી એના પર ધીમે ધીમે સોસાયટીઓ બંધાવા માંડી હતી.

હા ! તો વાત હતી એ પાયલ જેવા છમકતા અવાજની. ઉનાળાના બળબળતા દિવસોનો અંત આવવા માંડ્યો હતો.  આકાશમાં કાળા વાદળોએ પોતાનું સામ્રાજ્ય જમાવા માંડ્યુ હતું. ક્યારેક કડાકા-ભડાકા સાથે એ ઘેરાયેલા વાદળો તુટી પડતા. અને એ કડાકા-ભડાકા સાથે તુટી પડેલા વરસાદ પછીની સાંજ એટલી તો ખુશનુમા બની જતી કે મન મોર બનીને થનગનાટ કરી દે અને મન એકલું જ ક્યાં મોર બનીને થનગનાટ કરતું ? સાથે દૂરથી સંભળાતા કેકારવમાં મોરનો થનગનાટ પણ અનુભવી શકાતો. પણ આ બધો ઉન્માદ સાંજ ઢળતાની સાથે જ આથમી જતો અને ફેલાતો જતો એક ભયભર્યો ઓથાર. આમ પણ આવી વાતની સાથે તો બીજી અનેક વાતો વહેતી થાય ને!

સાંભળ્યુ કે…..કહીને કોઇ વળી કહેતું કે “વી.એસ. હોસ્પીટલના રસ્તે એક ઘોડાગાડીવાળો છે જે તમને એની ઘોડાગાડીમાં બેસાડે અને જ્યારે તમે ઉતરવા જાવ ત્યારે એ પાછળ ફરીને તમારી સામે જુવે ત્યારે જ ખબર પડે કે એના ચહેરા પર તો આંખો છે જ નહીં… માત્ર બે બાકોરા જ છે…”

કોઇ વળી એવી વાત લાવતું કે….“ જો જે હોં ! રાત પડે રેલ્વેના પાટા ઓળંગીને પેલી પા જઈશ નહીં….જોયો નથી પણ કોક અવગતિયો આત્મા ત્યાં ભટકે છે…પાટા ઓળંગીએ ત્યારે આપણા પગમાંથી એ અવગતિયો જીવ ચંપલ જ ખેંચી લે છે..”  ભયથી થથરતા પણ તો ય આવી વાતોના પડીકા તો સૌ છૂટથી વહેંચતા રહેતા.

પણા આ છન છન..છમ..વાળી તો સાવ નવી જ વાત હતી..સાંભળવામાં મીઠ્ઠા લાગતા અવાજે પણ એ એરિઆમાં જબરી ધાક ઊભી કરી દીધી હતી.

આમ તો આ છન..છનનો અવાજ કેટલો મીઠો લાગે ? કોઇ નવી નવેલી દુલ્હનના હળવા પગલાની ચાલ સાથે રણકતા પાયલનો અવાજ એના પીયુના મનમાં કંઇ કેટલાય કોડ જગાવે પણ આશરે રાત્રે બાર વાગ્યાના સુમારે સંભળાતા આ રણકારે તો આખા વિસ્તારમાં ભયનું સામ્રાજ્ય સ્થાપી દીધું હતુ. ઉનાળાની મોડી સાંજ સુધી ટહેલનારા લોકો પણ રાતની રાહ જોયા વગર ઘર ભેગા થવા માંડ્યા હતા.

*****

હવે અહીં વાત કરવી છે  નિહારિકાની…એટલે કે પેલી આકાશગંગા નહીં…. એ તો વળી આવી અષાઢી મેઘલી ઘનઘોર રાતે ક્યાં દેખાવાની હતી ? આ તો વાત છે નિહારિકા એટલે કોલૅજના પ્રથમ વર્ષમાં પ્રવેશેલી સોળ વર્ષી કન્યાની… જેના બંગલાથી જ પેલી એક માત્ર પાકી સીધી આલ્સ્ફાટની સડક શરૂ થતી હતી એ નિહારિકાની. આ બંગલો પણ જાણે મોકાની જગ્યાએ…..સીધી સડક જાણે આ બંગલા માટે જ ના બંધાઇ હોય! આ બંગલાના મેઇન ગેટમાં પ્રવેશો એટલે ડ્રાઇવ વૅ શરૂ થાય જે કારના પાર્કિંગ શેડ સુધી લંબાય . આ મેઇન ગેટની ઉપર અર્ધ કમાન પર ચઢેલી , ફાલેલી અને  ફૂલોથી લચેલી બોગનવેલ. એની જમણી બાજુએ મધુમાલતી, જૂઇ, રાતરાણી, પારિજાત, મોગરા અને બટ-મોગરાથી મઘમઘતા લીલાછમ ક્યારા. મેઇન ગેટની તરત જ ડાબી બાજુએ ગુલાબના ક્યારા અને એ ક્યારાની વચ્ચેથી નાનકડી પગદંડી અને ત્યાંથી શરૂ થતી લૉન. વરસાદથી ધોવાઇને તાજા દેખાતા આ ફૂલોના ક્યારા નિહારિકાને જોવા ખુબ ગમતા. વરસાદની ભીની માટી સાથે ભળી જતી રાતરાણીની સુગંધ એના મનને તરબતર કરી દેતી અને ભીની લૉન પર ચાલવું તો એને ખુબ ગમતું . સાંજ પડે ઇઝી ચેર ગોઠવીને તો નિહારિકા અને મમ્મી-પાપા પણ ક્યાંય સુધી બેસીને વાતો કરતાં અને એમનો તુલસી કામથી  પરવારીને સોસાયટીના નાકે એના જેવા ભેરુઓ સાથે પોરો ખાતો.

પણ હવે વાતાવરણ બદલાયું હતું. રાત પડે ઘરકામથી પરવારીને સોસાયટીના નાકે ભેગા થઈને બેસતા તુલસી અને એના ભેરુઓએ પણ ભેગા થવાનું માંડી વાળ્યુ હતું. આજ સુધી તો રાત્રે બંગલાના ઓટલા પર તુલસી સૂઇ જતો. અરે ! તુલસી જ કેમ સામે દેખાતા બંગલાનો બંસી, સોસાયટીના દરેક ઘરમાં કામ કરતા અને રહેતા શંકર, ભીમજી, લક્ષ્મણ, ગટુ સૌને ઓટલા પર જ સૂઇ જવું માફક આવતું પણ આ છન.. છન…છન.. છમ…છમ…. છન્ન્ન છન્ન્નના અવાજ અને એ અવાજની હારો-હાર હાલક-ડોલક કરતા હાલ્યા આવતા ફાનસે તો એ સૌની ઊંઘ હરામ કરી દીધી હતી. હવે તો કોઇ બહાર ઓટલા પર સૂવા તૈયાર નહોતા.

જો કે આ બધી ડરામણી વાતો ઘરની બહાર સૂતેલા માણસો વચ્ચે ઘૂમરાયા કરતી હતી. ઘરની અંદર એ.સીની ટાઢકમાં સૂતેલા નિરાંતવા જીવો સુધી તો એ ભયની ભૂતાવળ હજુ પહોંચી નહોતી. જે થોડી ઘણી છૂટી-છવાઇ ચર્ચાઓ કાન સુધી પહોંચી હતી એ વાતોમાં પણ એમને ખાસ દમ લાગતો નહોતો.

હા તો આપણે વાત કરતા હતા નિહારિકાની..નિહારિકા અને પ્રીતિ….કોલૅજ જુદી પણ મન ભેળા..સાંજ પડે કોલૅજથી છુટીને પ્રીતિ સીધી જ પોતાને મળવા આવશે જ એવી પાકી ખાતરી..એટલે નિહારિકા પણ એની રાહ જોતી. આખા દિવસની ભેગી થયેલી વાતોનો ખજાનો સાંજ પડે ખુલી જતો. વાતો કરવાનો આ એક જ સમય. કારણકે જમી પરવારીને બંને વાંચવા ભેગા થાય ત્યારે માત્ર વાંચવાનો નિયમ…….વાતો ?……ના રે ના…જરાય નહીં ને…

આજે જમીને પ્રીતિ આવી ત્યારે વાતાવરણ એટલું તો આહ્લાદક હતું કે બંને જણ લૉનમાં ઇઝી ચેર પર જ વાંચવા ગોઠવાઇ ગયા. વાંચવામાં મશગૂલ એવા નિહારિકા અને પ્રીતિનું પસાર થઈ રહેલા સમય પર જરાય ધ્યાન નહીં. સમય એની ગતિએ આગળ વધતો હતો.

ટપ..ટપ…ટપાક..ટપાક…વરસાદના બે-ચાર ટીપા બંનેના હાથ પર પડયા. હાથ પર કેમ…પુસ્તક પર પણ પડ્યા સ્તો…અને અચાનક બંને ધ્યાનભંગ થયા. ઝટપટ પુસ્તકો અને ઇઝી ચેર સમેટીને બંને લૉનમાંથી જ સીધા ઘરમાં જવાના બારણા તરફ વળ્યા કોણ જાણે કેટલા વાગ્યા હશે પણ રાત મધરાત તરફ ખસી રહી હતી એવું પણ એ વખતે જ સમજાયું.  હજુ તો ઘરમાં પ્રવેશે એ પહેલા જ લાઇટો ગૂલ.. અચાનક અમાવસની અષાઢી મેઘલી રાતનું ચોસલા પાડે એવું અંધારુ જાણે બંનેને વિંટળાઇ વળ્યું.  અંધારામાં હાથથી ફંફોસીને અહીં બારણું છે એવું અનુભવે  એ પહેલા તો દૂરથી અવાજ કાને પડ્યો…

છન. છન… છન..છન…છમ… બંને ભયથી પહેલા તો છળી ઉઠ્યા અને ત્યાં જ થીજી  ગયા. ઉડતી વાતો તો એમણે પણ સાંભળી હતી પણ જ્યાં સુધી અનુભવ ના થાય ત્યાં સુધી તો આવી વાતોને ગપગોળા જ માની લીધા હતા. કંઇ કેટલી ય વાર તુલસીએ પણ સમજાવવા પ્રયત્ન કર્યો હશે પણ અક્કલ એની વાત માનવા તૈયાર નહોતી. આજે સમજાયું કે અક્કલની પેલે પાર પણ કશુંક અપાર્થિવ હોઇ શકે ખરું. ઝટપટ ઘરમાં પેસવાનું બારણું બંધ કરીને ઇઝી ચેર ત્યાં જ પડતી મુકીને બંને જાણે હોડ પર ઉતર્યા હોય એમ એક બીજાના હાથ પકડીને ઘરમાં ધસ્યા.

અંધકારમાં એમના શ્વાસની ગતિ જોઇ કે સાંભળી હોય તો……બાપરે ! હવે ? બારણું બંધ થવાના લીધે પેલા અવાજની તિવ્રતા ઘટી હોય એવું ય લાગ્યું. વળી પાછી થોડી હિંમત આવી. ઘરમાં જ છીએ ને..ક્યાં રસ્તા પર કે ઓટલા પર બેઠા છીએ એવી ખાતરીથી શ્વાસની ગતિ જરા ધીમા લય પર આવી.

હવે ? એટલું તો હતું કે બંને સાથે હતા એટલે ઘરમાં કોઇને ઉઠાડવાની જરૂર તો ના લાગી. શ્વાસની ગતિ જરા ધીમી પડી હોય એટલે અથવા પેલો અવાજ વધુ નજીક આવી રહ્યો હતો એટલે  હોય પણ પાછી એ અવાજની તિવ્રતાએ જોર પકડ્યું.

વિસ્તારમાં ફેલાઇ રહેલી એ વાતો માત્ર અફવા કે ગપગોળા નહોતા એવું સ્વીકારવા મન તૈયાર થયું. પણ આ પાર કે પેલે પાર હવે તો આ વાતની ખાતરી કરી જ લેવી છે એવું ય નક્કી કરી લીધું. નિહારિકા અને પ્રીતિએ ડ્રોઇંગરૂમ તરફ હળવે પણ મક્કમ પગલે ખસવા માંડ્યુ. હજુ ય અંધારામાં હાથથી ફંફોસીને જ આગળ વધવું પડે એમ હતું. પપ્પાએ કેટલી વાત કહ્યું હતું કે આવા વરસાદની મોસમમાં બેટરી હાથવગી રાખવી સારી. એમ તો દરેક રૂમના  ટેબલ પર મીણબત્તી અને દિવાસળીની પેટી ય મમ્મીએ મુકી જ હશે પણ રખેને એ અજવાળું બહાર સુધી પહોંચી જાય તો !  ધીમે ધીમે બંને ડ્રોઇંગરૂમ સુધી પહોંચ્યા તો ખરા.  ડ્રોઇંગરૂમની એક બારી મેઇન રસ્તો દેખાય એવી રીતે પડતી હતી એ બારી જરાક જ ખોલીને બહાર રસ્તો દેખાય એવી રીતે બંને એકબીજાનો હાથ મજબૂતાઇથી પકડીને ઊભા રહયા. કોણ હશે ?

“સફેદ લૂગડામાં કોઇ બાઇ માણસ છે…” એવું તુલસી કહેતો..

“ના રે ના.. એને વળી ક્યાં ધડ કે માથુ છે? ખાલી હળગતું ફાનસ છે એ..” બંસી બોલતો..

આજ સુધી આવી બધી વાતો ક્યાં ગણકારી હતી પણ આજે એ વાતોમાં કંઇક તો તથ્ય હશે એવો વિચાર તો આવી જ ગયો નિહારિકા અને પ્રીતિ બંનેને.

હવે તો અવાજ વધુ અને વધુ નજીક આવવાના લીધે સ્પષ્ટ થતો જતો હતો..અષાઢી મેઘલી રાતના આ અંધકાર અને સન્નાટાભર્યા વાતાવરણને ચીરતો એ પાયલનો છમ છમ..છન..છન…આવાજ જેમ જેમ નજીક આવતો ગયો એમ જાણે ફરી ભય બંનેને ઘેરી વળ્યો..હ્રદયના ધબકારા પેલા ડરામણા અવાજથી પણ વધુ તેજ બનતા ચાલ્યા.નિહારિકાને યાદ આવ્યું નાનપણથી મમ્મી કહેતી જ્યારે ડર લાગે ત્યારે હનુમાન ચાલીસા બોલવા. હનુમાનજીની આણ દેવી. એમાં એવી તો શક્તિ છે કે ભલભલા ભૂત, પ્રેત, પિશાચ કે ડાકણ તમારી પાસે ફરકતા પણ ડરે..

અને નિહારિકાએ “શ્રી ગુરુ સરોજ રજ,

નિજ મન મુકુર સુધારિ”….થી માંડીને એક શ્વાસે અને ધડકતા હ્રદયે

આપન તેજ સમ્હારૌ આપે

તીન લોગ હાંક તે કાંપે

ભૂત પિશાચ નિકટ નહીં આવૈ

મહાવીર જબ નામ સુનાવૈ….. સુધી  હનુમાન ચાલીસાનું રટણ શરૂ કરી દીધું.

નિહારિકા અને પ્રીતિથી માંડીને આખા વિસ્તારમાં ભયથી થરથરતા લોકોથી અજાણ એ અવાજ તો નિરંતર  મક્કમ ચાલે ચાલ્યો આવતો હતો. અષાઢી મેઘલી રાત અને ઘરમાં ફેલાયેલા અંધકારના સામ્રાજ્ય પર હાવી થતો જતો હતો….

વળી બહાર રસ્તા પર સ્ટ્રીટ લાઇટ ચાલુ હતી. એટલે જે હશે એ સ્પષ્ટ દેખાશે તો ખરું જ એમ વિચારીને નિહારિકા અને પ્રીતિ હિંમત એકઠી કરીને ઊભા તો રહ્યા જ. ડ્રોઇંગરૂમની જરા ખુલ્લી રાખેલી બારીમાંથી  થોડે દૂર સુધીનો રસ્તો દેખાતો હતો. હવે તો પાસે આવેલા અવાજની સાથે હાલક-ડોલક ફાનસ પણ નજરે પડ્યું. પણ ફાનસની પાછળનો ઓળો હજુ ય થોડો ઝાંખો હતો. એ જરા પાસે આવે તો ખબર પડે કે બાઇ છે કે ભાઇ…

ભયથી ધડકારા તેજ થતા ગયા.. હનુમાન ચાલીસાનું રટણ હજુ ય ચાલુ હતું.  પરસેવાના લીધે હથેલીઓ ભીની થઈ ગઈ હતી. ચહેરા પરથી પણ પરસેવો નિતરવા માંડ્યો હતો. બીકના માર્યા આંખો પલક ઝપકાવાનું સુધ્ધા ભૂલી ગઈ હતી અને એ રસ્તા પર મંડાયેલી અપલક નજર  સામે એ ઓળો ય સ્પષ્ટ થયો…શું હોઇ શકે એની કલ્પના આવે છે?

નહીં ને? તો સાંભળીએ નિહારિકા પાસે જ …

“ મમ્મા, જેમ જેમ ફાનસ પાસે આવ્યું તો ખબર પડી કે એ શું હતું..”… બીજે દિવસે સવારે ચા પીતા નિહારિકા એના મમ્મી-પાપાને આગલી રાતના અનુભવ વિશે વાત  કરતી હતી.  “મમ્મા એ તો પેલા ચાર રસ્તા પર પાણી-પુરીની લારી લઈને ઊભા રહે છે ને એ પર્બતસિંહ એમની લારી લઈને પાછા આવે છે ને  એ હતા.  તુલસી કહે છે એ હાલક-ડોલક દેખાય છે એ એમની લારીની આગળ લટકાવેલું ફાનસ છે અને જે છન્ન છન્ન..છમ..છમ..અવાજ છે ને એ તો એમની લારી પર બાંધેલા પૈડાનો અવાજ છે. .”

 

અવલોકન -૧૬-હીમકણિકા

     હવામાં ભેજનું પ્રમાણ વધતું જતું હતું. એમ જ ઠંડીનું પણ. થર્મોમીટરનો પારો શૂન્યથી પણ નીચે જતો રહ્યો હતો. ઝાડના પાંદડાં પરના બાષ્પબિંદુઓ થીજવા માંડ્યા હતા. કાચાં પોચાં પાંદડાં તો ક્યારનાંય ખરી ચૂક્યાં હતાં. પણ આ તો ઠંડા પ્રદેશનાં ખમતીધર, જાડી ચામડીનાં પર્ણો હતાં ને!

      ધીમે ધીમે વરસાદના છાંટાં પડવા માંડ્યા. હવાની ઠંડી હજુ તેમને થીજાવી શકે તેટલી પર્યાપ્ત ન હતી. જેમ જેમ એ વર્ષાબિંદુઓ ઠંડાગાર પાંદડાં ઉપર પડી એકઠાં થવાં માંડ્યાં; તેમ તેમ તે ઠંડાં અને વધુ ઠંડાં થવા લાગ્યાં. એમનો સરકતો એક રેલો ઠંડા બાષ્પબિંદુઓ પરથી પસાર થતો થતો, વધારે ને વધારે ઠંડો થવા લાગ્યો.

    પાંદડા પરથી ટપ્પક..ટપ્પક…ટપ્પ…ટપ્પાક, ટપ્પાક… નીચે ટપકી પડવાનો પોતાનો જાતિસ્વભાવ છોડી; નીચે ધરાશાયી થતાં પહેલાં જ એ તો ઠરી ગયો. સોડ વાળીને ઈવડો ઈ તો પોઢી ગયો!  ઓલ્યું બાષ્પબિંદુ, આ રેલાના આશ્લેષમાં પ્રાપ્ત થયેલી નવી સંપદાથી વધુ પુષ્ટ બનવા માંડ્યું. એ સાવ ઝીણા મોતી જેવું હતું; પણ હવે તેની કાયા વિસ્તરવા લાગી. એ તો લાખેરાં મૂલ્ય વાળા મોતી જેવું, મોટું મસ બનતું ગયું.

    વરસાદ ટૂટી પડ્યો. રેલે રેલા….. પાણીની છાકમ છોળ……. થીજેલા એ મોતી પરની એમની એ સફર એમનેય થીજવાની માયા લગાવતી ગઈ. હવે એ મોતી તો ઝૂલતું લટકણિયું બનવા માંડ્યું. એલચીના દાણા જેવડું, ને પછી લવિંગની લાકડી જેવડું, ને પછી પીકનની ફાડ જેવડું.

    અને લ્યો! આ તો ત્રણ ઈંચ લાંબી હીમકણિકા બની ગયું. એની આવી અનેક સહીપણીઓ ઝાડની ડાળ પર, પવનમાં  ઝૂલતી ઝૂલતી, ‘કોની મિલ્કત મોટી?’ – એની હોડ બકવા માંડી! ચારે બાજુ જ્યાં નજર કરો ત્યાં હીમનાં ઝુમ્મરો જ ઝુમ્મરો.

કોક કોક તો
મકાનના છાપરાં પરથી હીંચતા
વાર, બે વાર લાંબા
ઝુમ્મર !

iscicle

      વરસાદ થંભી ગયો. વાદળ વિખેરાઈ ગયાં. એમની આડશે ઢંકાયેલા સૂરજે, બીતાં બીતાં ડોકિયું કર્યું. એ તો ગુસ્સામાં રાતો પીળો અને આકુળ વ્યાકુળ બની ગયો. પોતાના ગરમાગરમ સામ્રાજ્ય પર વ્યાપી ગયેલી કડકડતી ઠંડીની આ અનધિકાર ચેષ્ટા જેવી વિરાસત પર કડવી, રાતી, તીખી નજર કરતો સૂરજરાણો, ક્રોધમાં પ્રદિપ્ત બની, થર્મોમીટરને ઉશ્કેરતો રહ્યો. પારાને ઊંચે ને ઊંચે ચઢાવતો રહ્યો.

   ધીમે ધીમે બધીય હીમકણિકાઓ ટપક ટપક ઓગળવા લાગી. ફરી પાછું એ ટપ્પક..ટપ્પક…ટપ્પ…ટપ્પાક, ટપ્પાક… ચાલુ! જમીનમાં ધરબાઈને પોઢેલા, સુક્કા ઘાસના મૂળની વાસંતી તરસ, વસંતના આગમન પહેલાં થોડી  જ સંતોષાવાની હતી? પણ શિયાળાની મોસમમાં ભીંજાવાનો, અનેરો લ્હાવો કાંઈ જતો કરાય ?

    કાલે દખણાદા વાયરા વાવાનો વાવડ છે. ફરી ભીંજાયેલી ધરતી તપશે. અને ભીંજાયેલું ઘાસ ફરી સુકાશે. ધીમે ધીમે એમાં લીલાશ ફરીથી પાંગરશે. એ હીમકણિકાઓ ફરી પાછી ભેજ બનીને વાતાવરણમાં ઓગળી જશે.

  • વરસાવું
  • રેલાવું
  • થીજાવું
  • જામવું
  • ઝુલવું
  • ઓગળવું
  • ફરી રેલાવું
  • સુકાવું
  • વિસ્તરવું
  • વિખેરાવું

   સતત પરિવર્તન જ પરિવર્તન …

રાજુલબેન જન્મદિવસની વધાઈ

રોજ ઉગતો દિવસ પણ આજે જુદો….

બધા રોજ ઉગતો દિવસ પોતપોતાની રીતે જીવે

પણ રાજુલબેન તમે કોઈના સપનાને સાચું પાડવા લાખો.

તો કોઈના સપના ઉજવતા કલમને તમે કહો લખ

લખ એવું કૈક કે દિવસ સાથે જન્મ પણ ઉજવાય.. 

બસ તો આજે 

વિશેષ પ્રાર્થનાઓ,

વિશેષ જાગૃતિ,

વિશેષ સંકલ્પ

 વાચકોની પ્રાર્થના

અને શુભભાવના 

સાથે જન્મદિવસ ઉજવતા રહો . 

વહેલો કે મોડો શું ફર્ક પડે છે ? આ તો ક્ષણ નું સૌંદર્ય છે.

જેણે અમને બળ આપ્યું

તેમને માટે સારું કે શુભ ઈચ્છવા માટે વિચાર થોડો કરાય. 

બેઠકના સૌ  વાચકો અને સર્જકોની હાર્દિક શુભેચ્છાઓથી 

બસ ખોબો ભરી નવા દિવસની નવી શરૂઆત કરો… જન્મદિવસ મુબારક 

૨૧ – શબ્દના સથવારે – ટપાલ – કલ્પના રઘુ

ટપાલ

ટપાલ શબ્દ ‘ટપ્પો’ પરથી આવ્યો. ડાક, પત્ર, ચિઠ્ઠી, કાગળ, પોસ્ટકાર્ડ, અંતરદેશીય, પરબીડીયુ એટલે ટપાલ. અંગ્રેજીમાં તેને ‘Post’ કે ‘Mail’ કહેવાય. જેમાં પત્રો નંખાય તેને ટપાલપેટી કહેવાય. ટપાલને, જે તે વ્યક્તિ સુધી પહોંચાડનારને ડાકીયા, ટપાલી કે પોસ્ટમેન કહેવાય. આ માટેની ઓફીસને ડાકઘર, ટપાલકચેરી કે પોસ્ટઓફીસ કહેવામાં આવે છે.

Mahatma Gandhi vintage post card3

ટપાલયુગથી ઇ-મેઇલ સુધીની યાત્રા રસપ્રદ છે. ટપાલ સંદેશાવહેવારનું સબળ અંગ છે. વિશ્વનો સર્વપ્રથમ પ્રેમપત્ર રૂકમિણીજીએ કૃષ્ણ ભગવાનને લખ્યો હતો. કવિ કાલીદાસે મેઘને પોતાનો ટપાલી બનાવીને પ્રિયતમાને સંદેશ મોકલ્યો હતો. રાજાઓ દૂત દ્વારા પોતાનો સંદેશ મોકલતા. ક્યારેક કબૂતરને દૂત બનાવતા. સૌ પ્રથમ પર્શિયાના રાજા સાયરસે સંદેશા પહોંચાડવા માટે ઘોડા દ્વારા ટપાલ વ્યવસ્થા શરૂ કરી. આમ કરવાથી સંદેશાવ્યવહારની ગતિ થોડી વધી. ભારતમાં ટપાલસેવાનો પ્રારંભ ૧૮૩૭માં થયો હતો. આજે ભારતમાં દોઢ લાખ ઉપર પોસ્ટઓફીસો છે. ટપાલના પ્રકારોમાં સાદી ટપાલ અને રજીસ્ટર્ડ પોસ્ટ, સ્પીડપોસ્ટ, અંતરદેશીય અને આંતરદેશીય, ટેલીગ્રામ કે તારસેવા કે મનીઓર્ડરનો સમાવેશ થાય છે. ભારતમાં ૧૯૧૧માં પહેલી વખત વિમાનમાં ટપાલ લઇ જવામાં આવી હતી. ટપાલને ઝડપથી છૂટી પાડવા માટે પોસ્ટઓફીસોને પીન કોડ આપવામાં આવ્યા હોય છે. પોસ્ટઓફીસોમાં જુદા જુદા રંગની ટપાલપેટીઓ મૂકવામાં આવી હોય છે. ૯ ઓક્ટોબર, વિશ્વ-ટપાલ દિન તરીકે ઓળખાય છે. ૧૫ ઓગષ્ટ ૧૯૪૭ના દિવસે પોસ્ટકાર્ડ પર જય-હિન્દનો ખાસ સીક્કો મારવામાં આવ્યો હતો. રક્ષાબંધન, દિવાળી કે અન્ય વાર-તહેવારે ટપાલ આશીર્વાદરૂપ બને છે. ટપાલ ટિકિટ, પોસ્ટકાર્ડ તેમજ પરબીડિયાના સંગ્રહનો લોકો શોખ ધરાવતાં હોય છે.

આજે ટપાલનું સ્થાન બદલાયું છે. કોમ્પ્યુટર પર ટાઇપ કરેલો મેસેજ કે ઇ-મેઇલ થોડીજ ક્ષણોમાં વિશ્વના કોઇપણ ખૂણે પહોંચાડી શકાય છે. આજના મોબાઇલના ટચસ્ક્રીન પર વોટ્સએપ ટપાલીનું કામ કરે છે. જય શ્રીકૃષ્ણને JSK લખનાર ભક્તોની ભક્તિનું પૂછવુંજ શું? ‘To the point’ વાત કરવાવાળો યુવાન ટપાલ અને ટપાલીને ક્યાંથી ઓળખે? સૌથી ટૂંકા પત્રમાં ‘I Love you’ લખાયેલું હશે, તો સાચા પ્રેમીઓ ‘between two lines’ વાંચીને પ્રેમીને નખશીખ ઓળખવાની ક્ષમતા ધરાવતા હશે!

એક જમાનામાં ટપાલીનો પણ વૈભવ અને ઠાઠ હતો. ટપાલનો કોથળો ઊચકી, સાયકલ પર ઘંટડી વગાડતા, પોસ્ટમેનકાકા, અષાઢી મૂશળધાર મેઘ હોય કે ભાદરવાના ઓતરા-ચિતરાના તાપ હોય કે પોષ મહિનાની કડકડતી ઠંડી હોય, ઘરના એક સદસ્યની જેમ આપણી લાગણીઓના સહભાગી બની ગયેલાં. ખાખી ડગલોને પાટલૂન, આંખે ચશ્મા, કાન પર ભેરવેલી પેન્સીલ, માથે ત્રણ બટનવાળી ત્રિકોણ ટોપી પહેરેલાં ટપાલીકાકાની યાદ તાજી થાય છે. ફળિયામાં સૌ તેમની વાટ જોતાં. કોઇ વિધવા તેના પેન્શનની, કોઇ બૂઢી આંખો પરદેશ ગયેલાં તેના દિકરાનાં વાવડની, કોઇ પરણેતર સરહદ પર ગયેલ તેના પિયુની, કોઇ બાળક તેનાં શાળાના પરિણામની તો કોઇ તેનાં પ્રમોશનની કે કોઇ કંકોત્રીની રાહ જોતાં હોય. જેવી સાયકલની ઘંટડી વાગે, સૌ ટપાલીને ઘેરી વળે જાણે સૌના હૈયા સાથે દસ્તાવેજ ના કર્યો હોય? તેમની આસપાસ લાગણીઓનો સમુદ્ર હિલોળા લે. અભણ વ્યક્તિનો કાગળ વાંચતા તે પોતાનાં દિલની વાત પણ વણી લેતો. નવલકથા ‘પોસ્ટમેન’ના ‘અલી ડોસા’ નું પાત્ર આ વાત લખતા જાણે જીવંત બની જાય છે! ‘ચિઠ્ઠી આઇ રે’, ‘ફૂલ તુમ્હે ભેજા હૈ ખતમેં’, ’લીખે જો ખત તૂઝે’, ‘યે મેરા પ્રેમપત્ર પઢકર’ ગાનારના જીવનમાં ટપાલનું કેટલું મહત્વ હતું?

આ ટપાલ એટલે પાંચ પૈસાનું પોસ્ટકાર્ડ પણ સૌના દિલની લાગણીઓનો રીમોટ કંટ્રોલ તેની પાસે હતો. ક્યાંક પેંડા વહેંચાતા તો ક્યાંક ગમગીની ફેલાઇ જતી. ટપાલની સાથે યાદોના પડીકા બાંધીને તેને વાગોળવાની લિજ્જત કંઇ ઓર જ હતી. ટપાલ હૂંફ હતી, આંધળી માનો કાગળ હતો, પિયુનો એકરાર હતો, વાટ નિરખતી પ્રેમીકા કે માતાનો આધાર હતો. તેમાં સંવેદના હતી અને માટેજ ટપાલી ભગવાન ગણાતો.

ટપાલ સેવા આજે પણ ચાલુ છે. માણસની હયાતિ છે ત્યાં સુધી બે વ્યક્તિનું જોડાણ છે. સંદેશો પહોંચાડવો છે ત્યાં સુધી ટપાલ લખાશે, વહેંચાશે, વંચાશે અને સંઘરાશે.

શું પ્રાર્થના પણ ઇશ્વરને લખેલી ટપાલ નથી? આપણે રોજ પ્રભુને ટપાલ મોકલીએ છીએ. કેટકેટલી અરજી! રોજ બદલાતી અરજી! ક્યારેક યોગ્ય ટપાલી મળે અને યોગ્ય રીતે અરજી મોકલાય, તો પ્રભુ તેને સ્વીકારે છે નહીં તો અરજી પહોંચતી નથી. માનવ પોતે ટપાલી છે. ધ્યાનમાર્ગે પાંચ ઇન્દ્રિયોના ઘોડા સાથે મન, બુધ્ધિ અને અહમ્‍ને અંદર વાળી આત્મા સુધી પહોંચવાની પ્રક્રિયા જો માનવ શીખી જાય તો તેની ટપાલ જરૂર ઇશ્વર સુધી પહોંચે અને તેને તેની સાબિતિરૂપ અનાહતનાદની ઘંટડી સંભળાય જ!

વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્થા -અષાઢી મેઘલી રાત-4-રશ્મી જાગીરદાર

સાક્ષી

‘અગિયાર વાગી ગયા, આજે એનેય મોડું થયું લાગે છે.’ વસંતભાઈ મનમાં બબડ્યા અને બહાર ઓટલે આવીને ઉભા. થોડીવાર થઇ ત્યાં તો સાયકલની ઘંટડી સંભળાઈ. નક્કી એ જ. એમણે સોસાયટીના દરવાજા તરફ મીટ માંડી. ૨ નંબરમાં જઈને એણે બુમ પાડી ‘પોસ્ટ’  અને પછી ૩ નંબરમાં વસંતભાઈને પણ ટપાલ આપી. ડીવીડંડ અને ઇન્વેસ્ટમેન્ટના ચેકના પરબીડિયાં  લઈને તેઓ ઘરમાં આવ્યા અને નજર કરીને ઠેકાણે મુક્યાં. ઘડિયાળમાં જોયું, ઓહ! હજી સાડા અગિયાર જ?  ભૂખ લાગી હતી પણ રસોઈયો હજી રસોઈ બનાવતો હતો. જો રસોઈયાને બદલે ‘એ’ રસોઈ કરતી હોત અને મોડું થયું હોત તો? કેટલો ગુસ્સો કરત હું? એટલા મોટેથી ઘાંટા પાડત કે બિચારી થથરી જાત! અને આજુબાજુ વાળા સાંભળશે તો કેવું લાગશે? એવું સમજાવવા હાથ જોડીને માફી માંગવાની ચેષ્ટા કરત, પણ આપણે રામ તો! બેડરૂમમાં જઈને એમણે જૂની ટપાલનું બંડલ કાઢ્યું. ખુબ સાચવીને મુકેલી બે જુદી જુદી થપ્પીઓમાંથી સહેજ વાંચીને એક થપ્પી બહાર કાઢી. તેમાંથી સૌથી નીચેની ટપાલ હાથમાં લીધી. સંબોધન વાંચ્યું.’મારા’ પ્રિય કે વ્હાલા લખવાને બદલે પુષ્પા  સંબોધનમાં કાયમ ‘મારા’ જ લખતી. તેમણે આગળ વાંચવા માંડ્યું.  એ કાગળના અક્ષરો  ઝાંખા પડી ગયા હતા. છતાં તેઓ વાંચવામાં ગરકાવ થઇ ગયા. -‘લી. વસંતનું પુષ્પ’ એ શબ્દો પર નજર ચોંટી રહી.

તેઓ થીએટરમાં બેઠેલા એક ઊંચા, હેન્ડસમ છોકરાને જોવા લાગ્યા. હા તે મોસ્ટ એલીજીબલ, હેન્ડસમ મુરતિયો વસંત જ હતો. સ્માર્ટ, રુઆબદાર અને સ્ટાઈલીસ્ટ! વસંતભાઈ પોતે તેના પર ઓળઘોળ થઈને જોઈ રહ્યા. પણ ‘પેલો’ તો સ્ક્રીન પરનું મુવી જોવામાં વ્યસ્ત હતો. કયું મુવી હતું? કયું થીએટર? વસંતભાઈએ મગજ કસ્યું. અને એમ કરવાની કસરતમાં સ્વયં પોતે જઈને પેલા ફૂટડા યુવાનમાં સમાઈ ગયા! બિલકુલ ફીટ થઇ ગયા. અને એ સાથે નીકળી પડી ‘યાદોની બરાત’.

વિવાહ નક્કી થયા એટલે પોતે સીધો એના ઘરે પહોંચી ગયેલો અને કહેલું, “હું પુષ્પને ફિલ્મ જોવા લઇ જાઉં?” જવાબમાં એના પપ્પાએ હસીને  કહેલું, ” જાવ બેટા પુષ્પા, ફિલ્મ જોઈ આવો. કયું મુવી જોવું છે? ” ” જે થીએટર વધારે સારું હોય તેમાં જ જઈએ.”  ” હા તો જયલક્ષ્મી થીએટર સારું છે, ઘરથી નજીક જ છે.  તેમાં વૈજયંતીમાલાનું  ‘આશા’  મુવી ચાલે છે. એમ કરો તમે લોકો જમીને નિરાંતે ૯થી ૧૨ના શોમાં જાવ.”  જમી લીધા પછી પુષ્પા તૈયાર થઇને આવી. આછા ગુલાબી રંગની સાડી અને મેચિંગ બ્લાઉઝ સાથે હળવી જ્યુલરી, વસંત જોઈ જ રહ્યો અપલક!  શરમથી લાલ થઇ ગયેલી પુષ્પ-હા પુષ્પાને એ પુષ્પ જ કહેતા! બંને બહાર નીકળ્યાં ત્યારે આકાશ કાળા ડીબાંગ વાદળાંથી ઘેરાયેલું હતું. તે જોઇને પુષ્પા કહે,” બાપ રે, હમણાં તૂટી પડશે કે શું?” ” ભલે ને તૂટી પડે, મને તો પલળવાનું ગમશે!” “પલળવાનું કોને ના ગમે? પણ ઝડપથી પહોંચી જઈએ ભીનાં કપડાંમાં બેસતાં નહિ ફાવે.” પિકચર શરુ થતાં પહેલાં જ કડાકાભેર વીજળી થઇ અને વાદળો એકબીજા સાથે અથડાઈને કાનના પડદા તુટે તેવી ગર્જના કરવા લાગ્યા.” ગઈકાલ તો ચોખ્ખી હતી આજે એકદમ તૂટી પડ્યો આતો!” “મોસમ છે એની, આવે તો ખરોને? ” “હા આ તો અષાઢ મહિનો.” ” પુષ્પ, શું તે અષાઢસ્ય પ્રથમ દિવસે…વાંચ્યું છે?” હાસ્તો,ભુલી ગયા ? હું એમ એ વિથ સંસ્કૃત છું? તમે મેઘદૂતની  વાત કરો છો. પણ એ બધું પછી, જુઓ એડ પૂરી થઇ હમણાં મુવી ચાલુ થશે.” પછી તો વરસાદ એવો તૂટી પડેલો કે, વચ્ચે થીએટરમાં લાઈટ પણ જતી રહેલી. શો તો જનરેટરથી ચાલ્યો.પણ મુવી પત્યા પછી ઘરે જતાં બંને પ્રેમી પંખીડાં, અષાઢની એ મેઘલી રાત્રમાં મેઘદૂત-મહાકાવ્યના વિરહની  વાતો કરતાં કરતાં, અંધકારનો આધાર લઇ સાથ અને સાન્નિધ્ય માણતાં  રહ્યા હતાં.વસંતભાઈ એ સાથ અત્યારે પણ માણી રહ્યા હોય તેમ પત્ર તરફ તાકી રહ્યા.

પુષ્પા લાખો અરમાન લઈને સાસરે આવેલી ‘વસંત’ જેવો પતિ મેળવીને તે પોતાને ધન્ય સમજતી. આટલો હેન્ડસમ, સ્માર્ટ અને એલ આઈ સીમાં  ડાયરેકટ ક્લાસ વનમાં રીક્રુટ થયેલો- વસંત તેને એટલો બધો ગમતો કે, પોતાની પૂરી જિંદગી તેણે મનોમન તેના નામે કરી દીધેલી. વસંતની  કોઈ વાતથી તેને ખરાબ નહોતું લાગતું. સાથે રહેતાં તેણે જ્યારે વસંતનો ગુસ્સો જોયો, ત્યારે તે કેવી ડઘાઈ ગયેલી! ગુસ્સો પણ કેવો? વાતવાતમાં અને ઉંચી માત્રામાં નીકળતો ક્રોધ સહેવો સહજ નહોતો. વસંતભાઈને યાદ આવ્યું.– ‘લગ્નનાં પહેલા અઠવાડિયામાં જ ધૂળ જેવી વાત પર પોતે લાફો…એ આંસુની ધાર. આવું અનેક વાર બનેલું. આ પત્ર તો લગ્ન પહેલાંનો છે. હા લગ્ન  પહેલાં અને જ્યારે જ્યારે પિયર જાય ત્યારે તે અચૂક પત્ર લખતી અને મને જવાબ આપવાનો આગ્રહ કરતી. સાચી વાત તો એ હતી કે મને પણ  એ બધું ખુબ ગમતું. પુષ્પ પણ મને ખુબ ગમતી મને તે બહું વ્હાલી પણ ખરી. પણ મારો ગુસ્સો! હું માનતો કે, તે મારી પોતાની છે. મારાથી તેને આવું બધું કરાય! આવું જ બધું ચાલતું રહેતું. અમારી વચ્ચે અતુટ પ્રેમ હતો. પણ મારા ક્રોધી સ્વભાવને લીધે રૂબરૂમાં હું એના પ્રત્યેની લાગણી વ્યક્ત નહોતો કરી શકતો. ડરની મારી પુષ્પ પણ દિલમાં મારા માટે ઉભરાતા પ્રેમને વ્યક્ત નહોતી કરી શકતી. અને કદાચ એટલે અમે બંને પત્રોમાં અમારો ગાઢ પ્રેમ વ્યક્ત કરતાં.

અમારા પ્રેમનું સુંદર પ્રતિક એટલે મારો એક માત્ર દીકરો વિવાન. પુષ્પ મને સમજાવતી કે, દીકરાની હાજરીમાં હું તેનું અપમાન ના કરું. પણ આપણા રામ તો એ ના એ જ. આવા માહોલમાં જ વિવાન માસ્ટર્સ કરીને યુ એસ માં સેટ થયેલો. તે જ્યારે જ્યારે મારું વર્તન જોતો ત્યારે દુઃખી  થઇ જતો. ચાર વર્ષ પહેલાં તે લગ્ન કરવા માટે આવેલો. લગ્ન મંડપમાં પુષ્પા વેવાઇનાં  માતા સાથે કંઈ વાત કરતી હતી. ગોર બાપાએ કહ્યું,”વરનાં  માતાપિતા મંડપમાં આવી જાવ”. પુષ્પા દુર હતી. તેને સંભળાયું નહિ હોય એટલે તે હજી વાત કરતી હતી. મેં ગુસ્સે થઈને એટલા જોરથી બુમ પાડી કે, ગભરાઈને તે ઝડપથી આવવા ગઈને તેનું બેલેન્સ ગયું. અને તે પડી ગઈ. હાજર સૌ મારી તરફ કતરાતા હતા. હાજર મહેમાનો, વડીલો,અને ખુદ પ્રસંગનો મલાજો પણ મેં ના જાળવ્યો. પછી તો વિવાન પણ મારો જ દીકરો! તેણે પુષ્પને પોતાની પાસે બોલાવી લીધી. મારી જોબ હજી ચાલુ હતી એ બહાના હેઠળ હું અહીં જ રોકાયો. કદાચ પુષ્પને પણ તે યોગ્ય જ લાગ્યું. પુત્રવધુ સામે અપમાન સહેવાની તેની તૈયારી ના હોય તે સ્વાભાવિક જ હતું.-‘

મહારાજે કહ્યું, સા’બ રસોઈ થઇ ગઈ.” તેણે થાળી પીરસી પણ વસંતભાઈને જમવાનું જરાય મન ના થયું,  ભૂખ હતી છતાય. બેચેની સાથે તેમણે પરાણે જમવાનું ચાલુ કર્યું. તે જ સમયે ફોનની રીંગ વાગી. સામે વીવાન હતો તેણે કહ્યું,”મમ્મી નાસ લેવા મુકેલા ઉકળતા પાણીથી સખત દાઝી ગઈ છે, તે આઈસીયુ માં છે. તમારા વિઝા તો છે જ. તાત્કાલિક જે એરલાઈન્સમાં મળે ત્યાં બુકિંગ કરાવીને નીકળો તમે.” વસંતભાઈ ચિંતાજનક સમાચારથી ગભરાઈ ગયા. જે રીતે દીકરાએ વાત કરી, પુષ્પ સીરીયસ હોવી જોઈએ. બેગ ભરી ત્યારે પેલા પત્રોની કોથળી પણ મૂકી. એમાં સચવાયેલો પ્રેમ કદાચ એના દાઝેલા શરીરને શાતા આપે!

વસંતભાઈ પહોંચ્યા ત્યારે પુષ્પા આઈ સી યું માં જ હતી, બેભાન હતી. ડોકટરે કહ્યું, ” છેલ્લા પડ સુધી ચામડી બળી ગઈ છે. બે ઓપરેશન થયાં છે, હજી પણ બે કરવા પડે તેવું લાગે છે. સિચ્યુશન એવી છે કે, હવે ઓપરેશન કરવું રિસ્કી છે અને ન કરીએ તો વઘુ રિસ્ક છે. એટલે થોડીવારમાં ભાનમાં આવશે ત્યારે તમે અચુક મળી લેજો. અને નક્કી કરજો કે ઓપરેશન કરવું છે કે નહીં.”

કલાક પછી ભાન આવતાં પુષ્પાએ પરાણે આંખ ખોલી. સામે વસંતને જોઈ તેની આંખમાં ચમક આવી. ” પુષ્પ જો હું આવી ગયો તને હવે કશું ના થાય.”ચારેય આંખોમાં આંસુ તગતગી રહ્યાં. દીકરો વહુ બંનેને એકલાં છોડીને બહાર ગયાં. શું બોલવું તે સમજાતું નહોતું. ડાયનીંગ ટેબલ પર નાસ લેવા રાખેલું  ઉકળતું પાણી સિધ્ધું ખોળામાં પડેલું એટલે નીચેનો ભાગ સખત રીતે દાઝી ગયેલો પણ ચહેરો અને હાથ બચી ગયેલા. હતપ્રભ થઇ ગયેલા વસંતભાઈએ અચાનક સાથે લાવેલા પત્રો કાઢ્યા. અને કહ્યું,” પુષ્પ જો હું શું લાવ્યો છું? ચાલ આપણે બંને સાથે આ પત્ર વાંચીએ. વીતેલાં વર્ષોની પ્રેમની પળો એમાં જેમની તેમ સચવાયેલી છે. તે માણીએ. જો આ કાગળ તો બરડ અને પીળા પડી ગયા છે, પણ કાળજીથી ખોલીને હું વાચું છું.” વસંત ભાઈએ પોતે લખેલો એક પત્ર વાંચ્યો. આંખો બંધ કરીને પુષ્પા સાંભળતી રહી. તેને યાદ આવ્યું, સગાઇ પછી મળવા દોડી આવેલા વસંતે પાછા ગયા પછી લખેલો પત્ર હતો એ. એમાં અષાઢની એ મેઘલી રાતમાં માણેલા સાથ અને રોમાંસ તેમજ,  ત્યાર પછી પાછા જઈને પોતાને વિરહની કેવી વ્યથા થયેલી તેની લાગણીસભર વાતો હતી. થોડીવાર બંને જાણે ફરીથી એ પળોને માણી રહ્યાં.” હવે મારો લખેલો પત્ર લાવો હું વાંચું.” એ મેઘલી રાતના સાથનો પોતાને કેવો નશો ચઢેલો! તે બાબત  પોતે કેવું નિર્લજ્જ થઈને લખી નાખેલું  એ બધું  વાંચતાં વાંચતાં તે રહી રહીને અટકી જતી હતી. દિલ લાગણીથી અને આંખો અશ્રુથી ઉભરાતી હતી.પણ પછી મન કઠણ કરીને તેણે વાંચવા પ્રયત્ન કર્યો. ધસી આવેલા અશ્રુને લીધે શબ્દો ચહેરાઈ જવા લાગ્યાં, ઝાંખા દેખાવા લાગ્યા.પણ અચાનક તે ખુશ થઈને બોલી, ” વસંત જુઓ આપણે છાંટેલા અત્તરની સુવાસ હજી બચી છે.” તેણે પત્રને નાક પાસે રાખીને ઊંડો શ્વાસ  લીધો અને એ મહેકને માણવા મથી રહી. એ મહેકનો શ્વાસ અને તેની ખુશીનો એહસાસ, જ્યારે અતિશય દાઝવાથી થતી બળતરા અને એનાથી લાગેલા મજ્જાઘાત સાથે ભળ્યો, ત્યારે એનું હૃદય થડકારો ચુકી ગયું. કાયમને માટે એ સુખ સાથે વિરમી ગયું. વસંતભાઈ  બેબાકળા  બનીને વલોપાત કરવા લાગ્યા. તેમણે મોટેથી બુમ પાડી.” બેટા વિવાન, જો જો તારી મમ્મી કેમ ચુપ થઇ ગઈ? ડોક્ટરને બોલાવ.” વસંતભાઈનો અવાજ ફાટી ગયો તેમની ચીસો સાંભળીને, ડોક્ટર, નર્સ, પુત્ર અને પુત્રવધુ સૌ દોડી આવ્યાં. ડોકટરે નકારાત્મક ડોકું હલાવ્યું.

આજે પણ બહાર વાદળોનો બિહામણો ગડગડાટ અને વીજળીના ચમકારની કારમી ચીસો સંભળાતી હતી. મુસળધાર વરસાદની ઝડી એ ક્ષણોને વધુ ગંભીર અને ડરાવણી બનાવી રહી હતી. વસંતભાઈ એ બંને મેઘલી રાતોની વચ્ચે ઝોલા ખાતા અટવાવા લાગ્યા. ” વિવાન, બેટા, હું તો એની માફી માંગવા આવ્યો હતો, એની સાથે રહીને સુખ આપવા આવ્યો હતો. પણ  હવે આગળ કંઈ જ નથી રહ્યું. માત્ર તારી મમ્મીના આ પત્રો જ સિલકમાં રહી ગયાં છે. શું હવે, જીવનભર મારે એ પાછલા પત્રોમાં જીવતી પુષ્પ સાથે જ રહેવાનું? મારાથી દુર છતાં  એને મળવાની આશા હતી.એટલે જાણે  મારી પાસે જ હોવાનો એહસાસ હતો. અષાઢની  ઓ મેઘલી રાત, તું તો અમારા પ્રથમ મિલનની સાક્ષી હતી અને આજે!  હવે? હવે? છેલ્લા મિલનની સાક્ષી! ” તેઓ ખુરશીમાં ઢળી પડ્યા.

 

અભિવ્યક્તિ -૧૮ -હોળી દર્શન…! -અનુપમ બુચ

હોળી દર્શન…!

બાળપણમાં બાંટવા ગામમાં ઊભા રહી ઋષિ કવિ રાજેન્દ્ર શુકલ ગિરનારની ટોચ પર બિરાજમાન અંબાજીના મંદિરના પ્રાંગણમાં પ્રગટતી હોળીના દર્શન કરતા. આ તરફ ગિરનારની તળેટીમાં વસેલા જૂનાગઢમાં પણ એક સાથે સેંકડો હોળી પ્રગટતી. એ ક્ષણે જો ગૂગલ કેમેરા જૂનાગઢ ઉપર ઝળુંબતો હોય તો એક સાથે પ્રગટતી અસંખ્ય હોળીઓનું દ્રશ્ય દુનિયા આખી જોઈ શકે, સાહેબ!

આ દ્રશ્ય ન્યૂયોર્કના ટાઈમ સ્ક્વેરની નાતાલની રોશની કે સિડનીની આતશબાજી જેવું જ ઝળાંહળાં લાગતું હશે.

હોળીના દિવસે માંગનાથ મહાદેવના પૂજારી શ્રી મનુભાઈએ કાઢી રાખેલ મુહુર્ત ટાણે તેઓ ઊઘાડા અને ભીના પગલે વડફળિયાના હોળી ખાડે આવતા. આસપાસ ગોઠવાઈ ગયેલ અબાલ-વૃદ્ધ હાથ જોડે અને મનુભાઈ શ્રદ્ધાપૂર્વક હોળીની આરતી ઉતારે. સૌ શ્રધ્ધાળુઓ અને કેસૂડાના રંગે રમી થાકેલા ઘેરૈયાઓનું ધ્યાન હોળી ખાડા નજીક આવેલ ભવસુખભાઈ કચ્છીની અગાસી તરફ હોય. અગાસી પર અધ્ધર શ્વાસે ઉભેલ એક –બે ઉત્સાહી વ્યક્તિઓની નજર પૂર્વ દિશામાં અંધારાઘોર ગિરનાર તરફ હોય. અંબાજીના પ્રાંગણમાં પ્રગટતી હોળીના અગ્નિનું ટપકું દેખાય એટલે અગાસી ઉપરથી બૂમ પડે, “હોળી પ્રગટી છે ….!” થાળી વગાડે, પિત્તળની મીઠી ટકોરી વગડે અને જયના થાય.

અંબાજીનાં મંદિરમાં વર્ષ દરમ્યાન એકઠા થતા નાળીયેરના કાચલાં અને રેસા એક મોટા ખાડામાં એકઠા કરી સાચવી રાખ્યા હોય એ મુખ્ય આહૂતિ!

બસ, આ તરફ વડ ફળિયાની હોળી પ્રગટે ત્યારે ભવનાથની તળેટીથી લઇ, શાહપુર દરવાજા, મજેવડી દરવાજા અને છેક પલાંસવા સુધીના હોળી ખાડાઓની અગ્નિશિખાઓથી ધરતી ઝળહળી ઊઠી હોય. ઘરને તાળાં માર્યા વિના સૌ પોતપોતાના ફળિયાના હોળી ખાડે એકઠા થાય. કોઈ નાળિયેર પધરાવે, કોઈ ખજૂરનો બનાવેલો વીંછી પધરાવે, ધાણી-ખજૂરની આહુતિ આપી હોળીની પૂજા કરે.

અમે પણ અમારી નાની મુઠ્ઠી ભરેલી ધાણી હોળીની જ્વાળાઓમાં સ્વાહા કરતા. શું અમે અમારી ભૂલો ખાક કરતા હશું?

સૌભાગ્યવતી બહેનો ત્રાંબાના કળશાનું પાણી રેડતાં રેડાતાં હોળીની પ્રદક્ષિણા કરે. કોઈ નવજાત શિશુને દૂરથી હોળીની આંચ અપાવે, કોઈ પૈસા તો કોઈ નાળિયેર પધરાવે. કોઈ લાકડીના ટેકે ફેરા ફરતાં ફરતાં હોળીની ઝાળમાં શેકાતું આયખું ચોર્યાસી લાખ ફેરામાંથી મુક્તિ માંગે.

પીપળેશ્વર ફળિયામાં હોળી પ્રગટાવવા કોઈ દલિત અણસમજુ છોકરાને પાવલી (૪ આના) આપી ફોસલાવાનો રિવાજ હતો. કદાચ અમારા જેવા ઉજળિયાત જીવજંતુ બાળતાં ડરતા. કેવો અણસમજુ રિવાજ! ભલે ફળિયે ફળિયે હોળી પ્રગટાવવાના રિવાજ જુદા-જુદા પણ અનેક હોળીનું પ્રગટવું એ માહોલ જ જૂદો હતો, સાહેબ!

અમે વાંઝાવાડના ભેરુઓને રંગવા જતા, દોસ્તારના હાથે ‘કીલ’ અને ‘હિરાકાણી’થી રંગાતા. અમે મરેલા વાલમભાઈને દર વર્ષે સળગતી હોળીમાં પધરાવી દર વર્ષે જીવતા કરતા એ બધું હોળી ખાડે પૂર્ણ થતું. પછી તો અમે હોળીની રાતે મોડે સુધી ભૂતપ્રેતની વાતો કરતા. હવે તો બાળકમાં મામા જિન અને ડાકણનો ડર જ ક્યાં રહ્યો છે? ડરવાની પણ મજા મરી ગઈ. હોળીની લબકારા મારતી આગની સામે બેસી અમે ટગર ટગર જોઈ રહેતા. હોળીમાંથી લાકડીને છેડે ચોંટેલી રાખનું તિલક કરી અમે એક ઘામાં ફોડેલું ધુમાડાની સુગંધવાળું ‘ટોપરું’ ચાવતા.

બીજે દિ’ હોળીના ઊંડા ખાડામાં મૂકેલા માટીના કુંભમાં બફાયેલા ચણા-ઘઉંનો પ્રસાદ હજુ દાંત વચ્ચે ચગળતાં હોવાનો ભાસ થાય છે . વળતે દિ’ હોળી ખાડે ધગધગતી રાખ ઉપર પાણીના હાન્ડા મૂકાતા. ઈ હાન્ડામાં ઉકળતા પાણીથી નહાવાથી વરસમાં કોઈ હઠીલો રોગ ન થાય એવી માન્યતા હતી. એ બહાને ઘણા ઘરનાં ચૂલામાં લાકડા ઓછા બળતાં! બીજે દિ’ ધણી બહેનો હોળી ખાડે જાડું મીઠું શેકવા અધૂકડી બેસી જતી. કદાચ શિયાળો આખો ઠીકરું થઇ ગયેલ મીઠું તાજું થઇ જાય અને કોઠારમાં ખૂણામાં વીંછીકુંછી ન હોવાની ખાતરી થઇ જાય. એ શ્રધ્ધાના દ્રશ્યો આજે પણ આંખ ભીની કરે છે.Anupam Buch

હું દર વરસે હોળીને દિ’ અચૂક ગૂગલ અર્થ સર્ચ કરું છું. એકાદ હોળીની રાત્રે ઇન્ડિયાના નકશાની પશ્ચિમે કોઈ અલભ્ય ભડકા દેખાય તો જીવન ધન્ય થઇ જાય!