Monthly Archives: September 2015
વાચકની કલમે-(12)પી. કે. દાવડા
બાવન પુસ્તકોના લેખક, કવિ, નાટ્યકાર, નવલકથાકાર, વાર્તાકાર અને વિવેચક, સાહિત્યના અનેક પાસાંના સફલ કર્તા, સાહિત્ય અને પત્રકારત્વના પ્રાધ્યાપક, ગઝલગુરૂ ચિનુ મોદી ‘ઈશાર્દ’ ની ગઝલ પ્રથમ વાંચનમાં જેટલી સરળ લાગે, એટલી સરળ હોતી નથી. દર બે ત્રણ સહેલી પંક્તિઓની વચ્ચે એક માર્મિક અને સમજવામાં અઘરી પડે એવી પંક્તિ આવીને ઊભી રહે છે.
એમની ગઝલનો આસ્વાદ લખવો એટલે કપરા ચઢાણ ચડવા જેટલું અઘરૂં કામ છે. આ કામને સહેજ સહેલું બનાવવા માટે મેં એમની અસંખ્ય ગઝલોમાંથી એક નાની અને પ્રમાણમાં સહેલી ગઝલ પસંદ કરી છે. ગઝલનું શીર્ષક છે, “ક્યાંક તું છે, ક્યાંક હું છું.”
ક્યાંક તું છે ક્યાંક હું છું
ક્યાંક તું છે ક્યાંક હું છું અને સમય જાગ્યા કરે,
આપણા વચ્ચેનું જળ મને વાગ્યા કરે…
બારણું ખુલ્લું હશે અને શેરીઓ સૂની હશે,
આંગણે પગલાં હશે, તારા હશે લાગ્ય કરે…
એ હવાની જેમ અડકીને પછી ચાલ્યાં ગયાં,
પાંપણો ભીની થઈને પંથને તાક્યાં કરે…
રિકત મન ભરવા પવન મથતો રહેવાનો સદા,
ડાળ પરના પાંદડાં છૂટાં પડી વાગ્યા કરે…
-ચિનુ મોદી ‘ઇર્શાદ’
મારી સમજ પ્રમાણે કવિ આમાં એકબીજાને અતિશય પ્રેમ કરતી પણ સંજોગો વશાત અલગ પડી ગયેલી, પાછા સાથે થવા તડપતી, પણ અહંમ (EGO) ને લીધે તેમ ન કરી શકતી વ્યક્તિઓની વાત કરે છે.શીર્ષક યથાર્થ હોવાથી એની ચર્ચા નહિં કરૂં. કવિએ સશક્ત પંક્તિઓમાં જે વાતો વ્યક્ત કરી છે, એની છણાવટ ઉપર જ સીધા આવી જઈયે.
“ક્યાંક તું છે ક્યાંક હું છું અને સમય જાગ્યા કરે”
આ પહેલી પંક્તિમાં જ કવિએ પોતાની ક્લમનો કસબ દર્શાવી દીધો છે. હકીકતમાં બન્નેને ખબર છે કે કોણ ક્યાં છે, પૂરા સમય માટે મન એકબીજાના વિચારોમાં જ વ્યસ્ત છે (સમય જાગ્યા કરે.) અને હવે
“આપણ વચ્ચેનું જળ મને વાગ્યા કરે..”
નદીના બે કિનારા હોય છે, પણ નદી એક હોય છે, આ કિનારે કે સામે કિનારે નદીને એક જ નામે લોકો ઓળખે છે. અહીં કવિ ઇશારો કરે છે કે અલ્યા મારા કિનારે મને પાણીનો ધક્કો લાગે
છે, તને પણ સામા કિનારે લાગતો હશે. આજે ભલે આપણે બે જુદા જુદા કિનારા છીયે પણ પાણીથી સંકળાયલા છીયે. આ પાણી જ કદાચ પ્રેમ છે.
હવે કવિના હ્રદયનો તરફડાટ જુઓ,
“બારણું ખુલ્લું હશે અને શેરીઓ સૂની હશે,
આંગણે પગલાં હશે, તારા હશે લાગ્ય કરે…”
સામાન્ય રીતે શેરી સૂની હોય ત્યારે બારણાં બંધ હોય, પણ અહીં સૂની શેરી હોવા છતાં એમણે આશામાંને આશામાં બારણું ખુલ્લું રાખ્યું છે. બહાર કોઈના પગલાં સંભળાય છે, કદાચ જેની વાટ જોવાય છે એ જ બારણે આવ્યું છે એમ પણ લાગે છે, પણ અહમ ! નથી એ અંદર આવતો, નથી કવિ બહાર નીકળીને જોતા.
ઈર્શાદના પ્રતિકો અનોખાં જ હોય છે. હવે પછીની પંક્તિઓ જૂઓ
“એ હવાની જેમ અડકીને પછી ચાલ્યાં ગયાં,
પાંપણો ભીની થઈને પંથને તાક્યાં કરે…”
કવિને ખાત્રી છે, એ જ વ્યક્તિ આવી હતી, પણ જેમ પવન અડકીને ચાલ્યો જાય છે, રોકાતો નથી, તેમ એ વ્યક્તિ પણ બારણે આવીને ચાલી ગઈ, બસ હવે કવિ ભીની આંખે એ આવવા જવાના રસ્તા સામે તાક્યા કરે છે.
આ છેલ્લી બે પંક્તિઓમાં કવિ પ્રતિકોનો ઉપયોગ કરી, હાલની પરિસ્થિતિનું સંપૂર્ણ વર્ણન કરી દે છે.
“રિકત મન ભરવા પવન મથતો રહેવાનો સદા,
ડાળ પરના પાંદડાં છૂટાં પડી વાગ્યા કરે…”
અહીં પવનને વિચારોના પ્રતિક તરીકે વાપર્યો છે, મન હંમેશાં એના વિચારોથી જ ભરાયલું રહે છે. એક ડાળ પરના બે પાંદડા સમયના ઝપાટામાં આવી ખરી પડ્યા, હવે એ સૂકાઈને પવનથી ઘસડાઇને અવાજ કર્યા કરે છે. તમે સૂકા પાંદદાને રસ્તા પર ઘસડાઈને અવાજ કરતા સાંભળ્યા હોય તો તમને આ સમજાસે.
આ ગઝલ વગર સમજ્યે વાંચો તો તમારી Intellect ને ગમસે, સમજીને વાંચો તો તમારા Mind ને ગમસે.
-પી. કે. દાવડા
“વાચકની કલમે” (11) સપના વિજાપુરા
સાવ ખાલીખમ સમયનો સામનો કયાંથી ગમે ?
દર વખત સામે મુકાતો આયનો ક્યાંથી ગમે ?
હાથમાં આપી દીધો એકાંતનો સિક્કો મને,
બેય બાજુ એકસરખી છાપનો ક્યાંથી ગમે ?
એ ખરું કે જીરવી શકતો નથી ઉકળાટ પણ,
એક છાંટો પાછલા વરસાદનો ક્યાંથી ગમે ?
પાંદડાં ઝાકળ વિખેળે ડાળ પણ નિર્મમ થતી,
કોઇને પણ આ તકાદો કાળનો, ક્યાંથી ગમે ?
મૌનનાં ઊંચા શિખર આંબ્યા પછી ‘ઈર્શાદ’ને,
શેષ વધતો ટૂકડો આકાશનો ક્યાંથી ગમે ?
-ચિનુ મોદી
કવિશ્રી ચિનુ મોદીની આ ગઝલ ખૂબ વિવેચન માંગી લે છે..
સાવ ખાલીખમ સમયનો સામનો ક્યાંથી ગમે?
દર વખત સામે મુકાતો આયનો ક્યાંથી ગમે?
સમયના પાસામાં ભૂત ભવિષ્ય અને વર્તમાન છે..અને ભૂતકાળના સમયમાં સારા નરસા પ્રસંગો ભરેલા છે..આ ભૂતકાળ ના પ્રસંગો જ તમારાં સુખ અને દુઃખના સાથી બની જતાં હોય છે. જો આ પ્રસંગોને નજરથી હટાવી લેવામાં આવે તો?તો સમય એક ખાલી પાટી જેવો થઈ જશે..તો એમાંથી કેટલી ય પ્રિય વ્યકતિઓ અદ્રશ્ય થઈ જશે..પણ આ ભૂતકાળનો સામનો રોજ કરવો જ રહ્યો અને પ્રસંગો સાથે મમળાવવો રહ્યો..સાવ ખાલીખમ સમયનો સામનો કોને ગમે? અને ગમે તો પણ એ શક્ય છે?
દર વખત સામે મુકાતો આયનો ક્યાંથી ગમે?
માણસને જો સામે આયનો રાખી દેવામાં આવે તો એને ગમશે? બીજાને સલાહ આપતાં અથવા તો બીજામાં દોષ કાઢતા વ્યકતિ સામે આયનો મૂકી દેવામાં આવે તો? તેને સાચે સાચુ બતાવી દેવામા આવે તો..આ સાની મિસરામાં ઈશુનો પ્રસંગ યાદ આવી ગયો..કે જ્યારે એક વૈશ્યા પર પથ્થર મારો થયો તો ઈશુએ બધાં ને રોકીને કહ્યુ કે પહેલો પથ્થર એ ઊઠાવે જેણે કોઈ ગુનો કર્યો નથી..એટલે બધાં નીચું મોઢુ કરી બેસી ગયાં..વળી એક બીજી ગઝલની પંકતિ છે કે “જબ કીસીસે ગીલા રખના સામને અપને આયના રખના” બીજાનાં દોષ જોતા પહેલા આપણી સામે આયનો રાખીએ તો બીજાનાં દોષ ખૂબ નાના લાગશે..પણ કોઇને આ સામે રાખેલો આયનો ગમતો નથી..
હાથમાં આપી દીધો એકાંતનો સિક્કો મને,
બેય બાજુ એકસરખી છાપનો ક્યાંથી ગમે ?
એકાંતનો સીક્કો હાથમાં હોય અને બન્ને બાજુ વિરહની છાપ હોય તો કોને ગમે..એકાંતનો સિક્કો પ્રિયતમાની દૂરતા બતાવે છે અને બન્ને બાજુ એકજ છાપ એટલે મિલનની કોઈ આશ નથી..એ બતાવે છે..પ્રિયજન જ્યારે છોડીને જાય છે ત્યારે એકલતામાં મિલનની આસ હોય છે પણ પ્રિયજન કદી પાછા ન આવવા માટે જાય તો એ સિક્કાની બન્ને બાજુ પર વિરહની છાપ છપાય જાય છે આવો સિક્કો પ્રેમ ઝંખતાં કવિને ક્યાંથી ગમે?
એ ખરું કે જીરવી શકતો નથી ઉકળાટ પણ,
એક છાંટો પાછલા વરસાદનો ક્યાંથી ગમે ?
પાછલા વરસાદનો પ્રેમનો એક છાંટો!! કેટલી મીઠી યાદ લઈ આવે છે..પણ એ મનનાં ઉકળાટને ઠંડક પહોંચાડવા માટે પૂરતો છે?પ્રેમનો ધોધ જોઇએ એ ઉકળાટ શમાવવા માટે..એક વરસાદના છાંટાથી શું વળે? અને ઘણી વાર ઓછો વરસાદ પણ ઉકળાટ જગાવે છે..એટલે કાંતો મનભરીને વરસ કાંતો કોરી રાખ મને..પણ પાછલા વરસાદનો એક છાટો બનીને મનને જીરવી ના શકાય એવા ઉકળાટમાં ના મૂકતો..
પાંદડાં ઝાકળ વિખેળે ડાળ પણ નિર્મમ થતી,
કોઇને પણ આ તકાદો કાળનો, ક્યાંથી ગમે ?
પાંદડા પરથી ઝાકળ ખંખેરાઈ જાય અને ડાળીઓ વિરકત થઈ જાય….કેટલું ઉદાસ દ્રશ્ય નજર પડે છે..ઝાકળ તો પાંદડા પર જ શોભે અને ઝાકળના ભારથી ડાળીઓ લચી પડે છે..પણ જેવું ઝાકળ વિખેરાઈ જાય એટલે ડાળીઓ પણ નિર્મમ થઈ જાય છે..અને આ દ્રશ્યમાં જો પાંદડાની જગ્યાએ પ્રિયતમાની બે અર્ધ બિડાયેલી આંખો લઈએ અને આંસુંને ઝાકળની જગ્યાએ લઈએ તો આ કાળનો તકાદો કોઇને ગમે ખરો?
મૌનનાં ઊંચા શિખર આંબ્યા પછી ‘ઈર્શાદ’ને,
શેષ વધતો ટૂકડો આકાશનો ક્યાંથી ગમે ?
મક્તામાં કવિ કહે છે કે મૌનના ઊંચા શિખર આંબ્યા પછી ‘ઈર્શાદ’ને શેષ વધતો ટૂકડો આકાશનો ક્યાંથી ગમે?..મૌન એવું ધર્યુ છે કવિએ કે આકાશનું સુનાપણું પણ કવિને શેષ જ લાગે છે…મૌન રહેવું ..કેવું મૌન !!!ઊંચા શિખર જેવું..આકાશ બે વેંત જ છેટુ છે..કેવી હશે આ એકાંત અને મૌનની કરુણતા કે આકાશનું સુનાપણું પણ ગમતું નથી..
સપના વિજાપુરા
Please visit my Website and leave valuable Comments,
For Gujarati ghazals: http://www.kavyadhara.com/
For hindi ghazals: www.kavyadhara.com/hindi
Najma’s Shayri: http://www.najmamerchant.wordpress.com
અહેવાલ -સપનાભરી શામે-ગઝલ- પ્રજ્ઞા દાદભાવાળા
ઇન્ડિયા કોમ્યુનીટી ખાતે મળેલી“સપનાભરી શામ-એ-ગઝલ’ “બેઠક” શાનદાર,જાનદાર રહી.
શાયરઃ શ્રી મહેશભાઈ રાવલ,સંચાલન અને રજુઆતઃ જયશ્રી મરચંટ,શાયરાઃ શ્રીમતિ સપના વિજાપુરા
18મી સપ્ટેમ્બર શુક્રવારની સાંજે સાત વાગે મિલ્પીટાસ ઇન્ડિયા કોમ્યુનીટી ખાતે“સપનાભરી શામ-એ-ગઝલ’ “બેઠક” મળી.
કેલીફોર્નીયામાં મળતી ગુજરાતી “બેઠક”નું વાંચન અને લેખન-કાર્ય યોગ્ય દિશામાં વિકસિત થાય તેવા હેતુથી “પ્રતાપભાઈ પંડ્યા” ના પ્રોત્સાહનથી મળેલ પુસ્તકો બેઠકમાં ફ્રી આપી, નિત નવા વિષયો આપી સર્જન કાર્ય તો થાય છે.સાથે ઉગતા લેખકો-કવિઓ ને યોગ્ય તક ની સાથે યોગ્ય માર્ગદર્શન પણ મળી રહે અને સર્જન થાય તે માટે યોગ્ય વાતાવરણ ઉભુ કરવા લેખકો અને કવિને બેઠકમાં આમંત્રણ આપી સર્જન ને યોગ્ય દિશા આપવામાં આવે છે. બેઠકના એ પ્રયત્નના ભાગ રૂપે આજના ની બેઠકના ખાસ મહેમાન શિકાગોથી આવેલ “શિકાગો આર્ટ સર્કલ” સાહિત્યક ગ્રૂપના સક્રિય કાર્યકર્તા સપનાબેને હાજરી આપી મહેમાનની પરંપરા જાળવી છે.
સાહિત્યપ્રેમીઓએ આજની બેઠકની સુનહરી સાંજે ગઝલને વહાલથી વધાવી લીધી હતી.આજના કાર્યક્રમના ખાસ મહેમાન સપનાબેન વિજાપુર શિકાગોથી આવ્યા હતા જાણીતા સાહિત્યકાર જયશ્રીબેન મરચન્ટે બેઠકનું સંચાલન સમભાળ્યું અને જાણીતા કવિ ગઝલકાર ડો.મહેશ રાવલ મહેફિલની રોનક બન્યા,કાર્યક્રમની શરુઆત કલ્પનાબેને ગણેશવંદનાના શ્લોકોથી કરી હતી. બેઠકના આયોજક પ્રજ્ઞાાબેન દાદભાવાળાએ આજના ખાસ પધારેલા મહેમાનોને ગઝલપુર્વક આવકારી સપનાબેનનો પરિચય આપવા દાવડાસાહેબને વિનંતી કરી.દાવડાસાહેબે સપનાબેન નો પરિચય આપતા પહેલા ગઝલનો આસ્વાદ કેમ કરવો તે વિષે સમજણ આપી.ત્યારબાદ સમગ્ર સંચાલનનો દોર જયશ્રીબેને પોતાના હાથમાં લેતા કહ્યું કે સંચાલન થવું કપરું કામ છે.દરેક ગઝલકાર પોતાની રચનાને સંકલિત કરીને રજુ કરવા સક્ષમ હોય છે. અને મહેશભાઈ અને સપનાબેન બંનેની ગઝલમાં આપ સહુ ઓડિયન્સ આનંદ મેળવશો એમાં કોઈ શક નથી,હું સપનાબેન અને મહેશભાઈને આ બેઠકમાં ખુબ પ્રેમે આવકારું છું.સપનાબેન હ્રદયની સચ્ચાઈની શ્યાહીમાં બોળીને એક એક અક્ષર લખે છે,સપનાની ગઝલની ખૂબી એ છે કે એની ગઝલના પ્રત્યેક શેરમાં આગવા મિજાજને જાળવીને, વાચક/ભાવકના પોતાના ભાવવિશ્વને લાગણીની એકસૂત્રતાથી બાંધે છે.સપનાબેન વિષે કહેતા અને એમના જ શબ્દોમાં એમની ગઝલની બે પંક્તિ ટાકંતા કહ્યું તો, આ સપના છે કોણ? શાયરાની જ દિલની વાત,એની ખુદની ગઝલ સાંભળોઃ
“સપના ન હિન્દુ ના મુસલમાન છેસપના તો દોસ્તો એક ઈન્સાન છે!”
જયારે મહેશભાઈ વિષે વાત કહેતા જયશ્રીબેને કહ્યું મહેશભાઈ ન તો નવું નામ બે એરીયા માટે છે, ન બેઠક માટે કે ન તો ગુજરાતી ગઝલ માટે. એમનું સર્જન એમની “સ્વ”થી “સર્વ” સુધીની સફરની સાહેદી પૂરે છે. નિજાનંદ માટે લખનારી એક પેઢી હવે તો બે પેઢી પહેલાની થઈ ગઈ છે ત્યારે આ શાયર ખુમારીથી કહે છે કેઃ“લખું છું એ ગમે છે અને ગમે છે એ જ લખું છું”કોઈનીયે સાડીબાર રાખ્યા વિના આ કાઠિયાડી ભડભાદર કવિ, કડવી વાતોને, અનુભવોને બળવાખોર ગઝલમાં ઢાળે છે પણ સાથે ગઝલના પોતનું રેશમીપણું અને મુલાયમતા સાથે કોઈ સમજોતો આ શાયર થવા દેતા નથી કે નથી ગઝલના છ્ંદમાં કોઈ ખામી આવવા દેતા. એમની શિરમોર સમી ગઝલો મહેશભાઈના સિધ્ધહસ્ત શાયર હોવાની સાહેદી પૂરે છે.મહેશભાઈની બળવાખોર ગઝલ હોય કે પછી જીવનન કડવા સત્યને આલેખતી ગઝલ હોય, એમની ગઝલના શેરની નાજુકાઈ, સરળતા અને સહજતા ઉંચી કક્ષાની છે.ત્યાર બાદ બંને મહેમાનોએ એક પછી એક સુંદર રજૂઆત કરી અને પ્રેક્ષકોની દાદ મેળવી .
જયશ્રીબેને નવા સર્જકો માટે ગઝલની સમજણ આપતા કહ્યું ગઝાલ માટે ઘણું કહેવાયું છે અને કહેવાતું રહેશે. ગઝલતત્વને અરબીમાં તગઝ્ઝૂલ કહે છે, જે અભિવ્યક્તિનો રંગ છે. અરબીના શાબ્દિક અર્થ પ્રમાણે એ રંગ સ્ત્રીઓ સાથેની વાતચીતનો ભલે હોય પણ એનો અર્થ એવો પણ કરી શકાય કે સંભાળપૂર્વક, નરમાશથી અને નાજુકાઈથી વાત કરવામાં આવે છે, તો, એની સંભાળ ગઝલના શેર લખવામાં લેવાની હોય છે. વાત મુદ્દાસરની તો હોય દરેક શેરમાં, પણ ભાષા કર્ણપ્રિય, સરળ, મધુર અને ભાવગર્ભિત હોવી જોઈએ, એતકેદારી શાયરે રાખવી જ પડે છે. આ તકેદારી જ ગઝલનો મિજાજ બાંધે છે.ગઝલમાં જે પણ કહેવાય તે આત્મલક્ષી હોય એવું જરુરી નથી જ પણ સુધી કોઈ ભાવ કે વિચાર શાયર પોતાની જાત સાથે તાણાવાણાની જેમ વણી ન લે ત્યાં સુધી વજનદાર અને અર્થપૂર્ણ શેર લખી શકાય નહીં. પ્રથમ પંક્તિના ગઝલકાર શ્રી જલન માતરી કહે છે કે “ગઝલના દરેક શેર એક એકમ હોય છે છતાંયે એક સાંગોપાંગ સારી અને સાચી ગઝલ એને જ કહી શકાય કે દરેક એકમ – શેર –ની આગવી ઓળખ જાળવીને, દરેક શેર ગઝલના શરીરને સોષ્ઠવ આપે, નૂર બક્ષે. સારી અને સાચી ગઝલમાં બે લાક્ષણિકતાઓ હોય છે, સંકેત અને સંક્ષેપ. સારો ગઝલકાર સંકેત અને સંક્ષેપને આર્વિભૂત કરવા માટે ભાવપ્રતિકો યોજે છે અને આ ભાવપ્રતિકો જો ભાવક અને વાચકના અંતરમનમાં ઉતરી જાય તો સમજજો કે સારી ગઝલ રચાઈ છે”.સપના અને મહેશભાઈની ગઝલો આ કારણસર જ સાંભળનારાઓને પોતાની લાગે છે.અને અંતે આભાર માનતા કહ્યું કે તો આજે આટલી સુંદર ગઝલોની મહેફિલ જમાવી દેવા માટે સપનાનો અને મહેશભાઈનો આભાર.
અંતમાં સપનાબેન નું સન્માન કરતા પ્રતાપભાઈ પંડ્યા એ અને મહેશભાઈ એ પુસ્તકો આપી મહેમાનગતિ કરી સાથે પ્રતાપભાઈ પંડ્યાએ કહ્યું કે ગઝલ લખવા ખાતર ગઝલ લખવી, અને સુઝપૂર્વક, નિષ્ઠાથી સર્જન કરવું, એ બંને ક્રિયાઓમાં આભ જમીનનો તફાવત છે.ગઝલ તો સચોટ ટકોર કરે સમજણ આપે અને હૃદય સોસરવી ઉતરી જાય મહેશભાઈ અને સપનાબેન બંનેએ ખુબ સરસ રજૂઆત કરી છે.
અંતમાં પ્રજ્ઞાબેને આવનાર મહેમાન ,સંચાલન કરનાર જયશ્રીબેનનો તથા પ્રેક્ષકોનો આભાર માનતા બે પંક્તિ ટાંકતા કહ્યું કે “બેઠકમાં આભાર ખુબ સીધો સાદો હોય છે, બાકી ગુલદસ્તો બજારમાં ક્યાં મોઘો હોય છે.” અમારી હસ્તી તણખલા જેટલી છે પણ બધા સહિયારું સાથે કાર્ય કરી ભાષાને ઉજાગર કરીએ છીએ.આપ અહી આવ્યા નવા સર્જકોને અને બેઠકને બળ આપ્યું તે બદલ આભાર માની અળગા નથી કરવા પણ આવી આવી સુંદર મહેફિલ સજાવી આપે કાયમની યાદ છોડી છે.સાથે જણાવતા કહ્યું કે જાગૃતિબેને સૌને પ્રેમે જમાડી પોતાનો સહકાર બેઠકને આપ્યો છે.
આમ ડો. મહેશ રાવલની કાઠિયાવાડી બરકટ બોલીમાં રચાયેલી તળપદી મીઠાશવાળી ગઝલોને સર્વે ગઝલ પ્રેમીઓએ આવકારી અને મન મૂકીને માણી છે.તો સપનાબેનની ઉર્દુ,ગુજરાતી અનોખો સમન્વય‘‘.માણતા વાહ બોલી ઉઠ્યા. જયશ્રીબેનના સંચાલન ને મેહેફીલને સાંકળી રાખી તો આયોજક પ્રજ્ઞાબેનનો બેઠક દ્વારા ગુજરાતી ભાષાની અસ્મિતા અને ગુજરાતી સાહિત્યનું જતન કરવાનો વધુ એક નાનકડો પ્રયત્નો સફળ પુરવાર થયો.
પ્રજ્ઞા દાદભાવાળા
કવિતાનો આસ્વાદ
કવિતાનો આસ્વાદ
આસ્વાદ કરાવનાર વ્યક્તિ સાહિત્યજગત જોડે સંલગ્ન હોવી જોઈએ. એને ગુજરાતી સાહિત્યના ઇતિહાસનો અભ્યાસ હોવો જોઈયે, અને સાહિત્યના પ્રાચીન અને અર્વાચીન પ્રવાહોની માહીતિ હોવી જોઈયે.
કોઈપણ કવિતાનો આસ્વાદ કરાવતી વખતે, શરૂઆતમાં એ કવિ વિષે થોડી માહીતિ આપવી જોઈયે. એ કવિ ખાસ કવિ બાબતમાં જાણીતા છે, ઉદાહરણ તરીકે પ્રેમાનંદ આખ્યાનો માટે, અખો છપ્પા માટે, ભોજા ભગત ચાબખા માટે, અમૃત ઘાયલ ગઝલ માટે વગેરે..વગેરે.
ત્યારબાદ કવિતાના વિષયની ટુંકમાં ચર્ચા કરવી જોઈયે. આ વિષય માટે કવિએ અપનાવેલું કવિતાનું બંધારણ (છંદ, અલંકારો, ગીત, ગઝલ કે અન્ય) યોગ્ય છે કે નહિં, તેની ચર્ચા પણ કરી શકાય. પછી વારો આવે શીર્ષકનો. શીર્ષક સૂચક હોવું જોઈયે, આકર્ષક હોવું જોઈયે, ટુંકું હોય તો વધારે સારૂં પણ કોઈવાર લાંબા શીર્ષકની જરૂર પડી શકે,
પછી વારો આવે કાવ્યપંક્તિઓનો. કાવ્યપંક્તિઓને વિષયના સંદર્ભમાં સમજાવો, એમાં વપરાયલા પ્રતિકો અને ખાસ શબ્દોનું વિષેશ વિવરણ કરો. એમાં રહેલા ગર્ભિત ઈશારા, કવિના મનમાં રહેલા વિચારો વગેરેની સમજ આપો. એકે એક પંક્તિ સમજાવવી જરૂરી નથી, પણ એકપણ મહત્વની પંક્તિ રહી ન જવી જોઈયે.
ત્યારબાદ, કવિનો શું સંદેશ છે એની ચર્ચા કરો, અને અંતમાં ઉપસંહારમાં તમારા વિચારો લખો. કવિતામાં તમને જે જે ખામીઓ લાગે તેની ચર્ચા કરો, પણ તમારી મર્યાદાને ધ્યાનમાં રાખીને.
હવે આપણે ઉદાહરણ તરીકે એક નાટ્યગીતનો રસાસ્વાદ લખીયે.
http://mavjibhai.com/MadhurGeeto/104_Mithalagya.htm મીઠા લાગ્યા તે મને
મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા,
જોતી’તી વ્હાલાની વાટ રે : અલબેલા કાજે ઉજાગરો.
પગલે પગલે એના ભણકારા વાગતા,
અંતરમાં અમથા ઉચાટ રે : અલબેલા કાજે ઉજાગરો.
બાંધી મેં હોડ આજ નીંદરડી સાથ ત્યાં,
વેરણ હીંચોળાખાટ રે : અલબેલા કાજે ઉજાગરો.
ઘેરાતી આંખડીને દીધાં સોગન મેં,
મટકું માર્યું તો તારી વાત રે : અલબેલા કાજે ઉજાગરો.
આજના તે જાગરણે આતમા જગાડિયો,
(જાણે) ઊભી હું ગંગાને ઘાટ રે : અલબેલા કાજે ઉજાગરો.
– પ્રભુલાલ દ્વિવેદી
પ્રભુલાલ દ્વિવેદી એટલે જૂની રંગભૂમીના બાદશાહ. દેશી નાટક સમાજ દ્વાર ભજવાયલા અને લોકપ્રિયતાની તમામ હદો તોડી ગયેલા નાટકો, એટલે પ્રભુલાલ દ્વિવેદીના નાટકો. માત્ર પટકથા સંવાદ જ નહિં, પણ નાટકના ગીતો પણ એ પોતે જ લખતા. એમના અતિ લોકપ્રિય નાટક વડિલોના વાંકેનું આ અતિ લોકપ્રિય ગીત છે. એક નવોઢા, કોઈ કામઅંગે બહાર ગયેલા, અને ગમે ત્યારે આવી પહોંચવાની સંભાવનાવાળા પતિની વાટ જૂએ છે, એનું આ ગીત છે. મોટા ભાગના નાટક-સિનેમા માટે લખાયલા ગીતોનું શીર્ષક એ ગીતની પહેલી પંક્તિ જ હોય છે, અને અહીં પણ એ નિયમ જ પાળવામાં આવ્યો છે.
આપણે જાણીયે છીએ કે કોઈની અચોક્ક્સ સમય સુધી વાટ જોવાનું કેટલું કંટાળાજનક કામ છે, કોઈ ટ્રેઈન મોડી આવવાની હોય, એરપોર્ટ ઉપર વિમાન આવવાની રાહ જોતાં હોઈયે વગેરે ખૂબ જ કંટાળાજનક પ્રવૃતિ છે, અને તેમાં પણ રાતે મોડેથી આવું કરવાનું આવે તો માત્ર કંટાળાજનક જ નહિં પણ વસમું પણ લાગે.
આ ગીતમાં નવોઢા એના પતિની વાટ જૂએ છે. કવિએ અહીં પતિની વાટ માટે વહાલાની વાટ શબ્દો વાપર્યા છે, અર્ધો કંટાળો તો અહીં જ ઓછો થઈ જાય છે. અહીં કંટાળાને બદલે ઉત્સાહપુર્વકનો ઈંતેજાર આપોઆપ આવી જાય છે. એને ઉજાગરો વસમો નહિં પણ મીઠો લાગે છે. જ્યારે કોઈ મનપસંદ કામ માટે ઉજાગરો કરવો પડે ત્યારે એ ઉજાગરો ઉત્સવ બની જાય છે. અહીં કવિ માત્ર વહાલા કહીને જ નથી પતાવતા પણ નવોઢાના મનની લાગણી વધારે સ્પષ્ટ કરતાં એના માટે અલબેલા શબ્દ પણ વાપરે છે. એનો પતિ કંઈ સામાન્ય નથી, અલબેલો છે.
હવે કવિ એ વાટ જોતી નવોઢાની મનસ્થિતિને વધારે સ્પષ્ટ કરતાં કહે છે એને કોઈના પગલાંનાં ભણકારા વાગે છે, “એ આવ્યા..એ આવ્યા..” અને પછી જ્યારે સમજાય કે હજી નથી આવ્યા ત્યારે અંતરમાં ઉચાટ થાય છે, “બહું ઠીકઠાક તો હશેને?” આ ઉચાટને વધારે સ્પષ્ટ કરવા કવિ કહે છે, અમથો ઉચાટ. શંકા કરવાનું કોઈ કારણ નથી, છતાંપણ ઉચાટ થાય છે.
પછીની પંક્તિઓમાં તો કવિએ કમાલ કરી છે. એ નવોઢા નીંદર સાથે ફરિફાઈ કરે છે, નીંદરને કહે છે કે હું તને જીતવા નહિં આપું. આવી કલ્પના તો પ્રભુલાલભાઈ જ કરી શકે. એ વાટ જોવા બેઠી તો હીંડોળા ઉપર છે, પણ હિંડોળા ઉપર ઊંધ આવી જાય તો? એટલે હીંડોળાખાટને એ વેરણ કહે છે.
હવે પછીની પંક્તિઓમાં નવોઢા ઊંધ ન આવી જાય માટે આંખોને સોગંદ આપે છે, ખબરદાર જો તેં મટકું પણ માર્યું છે તો ! આવી અંતરને છબી જાય એવી કલ્પના ભાગ્યેજ કોઈ કવિતામાં જોવા મળે. અંતિમ પંક્તિઓ આ ગીતની શિરમોર પંક્તિઓ છે. એ કહે છે, આજે હું નથી જાગતી, મારો આત્મા જાગે છે, હું તો જાણે પવિત્ર ગંગા ઘાટે ઉભી છું, અને મુક્તિની રાહ જોઉં છું.
આજથી ૭૦-૭૫ વર્ષ પહેલા લખાયલા આ ગીતનું આકર્ષણ મારા મનમાં કોઈપણ આધુનિક ગીતથી જરાપણ ઓછું નથી.
-પી. કે. દાવડા
મિત્રો આપ બધાની ઈચ્છાને માન આપી વધુ વિગત અહી મળશે.
“વાચકની કલમે” (10) મહેશભાઈ રાવલ
શ્રી ચિનુ મોદી ગુજરાતી ગઝલ-કવિતાનું એક સશક્ત નામ.
આપણા માટે સમજદારી નથી
મારી વાતો સાચી છે, સારી નથી.
વાવના એકાંત વચ્ચે કાંકરી,
પાણી જેવી સાવ નોધારી નથી.
એક બે કિસ્સાથી હું બદનામ છું
મારી આખી રાત ગોઝારી નથી.
સૂર્ય છો ને ઊગ્યો અડધી રાતના!
ઓસના ફૂલોમાં કંપારી નથી.
દોડતા શ્વાસો અટકવા જોઇએ
મારી ઇચ્છા મારી લાચારી નથી.
-ચિનુ મોદી
ગુજરાતી ગઝલક્ષેત્રે મુઠ્ઠી ઊંચેરૂં નામ- ચિનુ મોદી, એમનાં તખલ્લુસ
“ઈર્શાદ”થી વધારે પ્રસિદ્ધ છે.
પ્રારંભિક તબક્કાથી લઈ આજે જ્યારે ગુજરાતી ગઝલ ‘સોળેય કળાએ’
નિખરીને સહુથી વધારે ખેડાતો કાવ્ય પ્રકાર બની ગઇ છે ત્યારે,
એમની કલમ દ્વારા આપણને મળેલ અનેક ગઝલોનાં બહુમૂલ્ય વારસામાથી ગઝલનાંપ્રથમ શેર(મત્લા)ને ઉઘાડવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે, આ રીતે…
પ્રસ્તુત ગઝલમાં
કવિએ પોતપોતાની સમજની ગેરસમજણમાં રાચતા અને
‘મારૂં એટલું સારૂં’નાં વર્તુળમાં વિચરતા માણસોની માનસિક્તાને
આડા હાથે લીધી હોય એવું લાગે છે કારણ કે
આપણા માટે સમજદારી નથી એવું જ્યારે સમજદાર ગણાતી
શખ્સિયતનું બયાન હોય ત્યારે મર્મ જાણવો અનિવાર્ય થઇ જાય!
પછીની પંકિત જ આગળની પંક્તિને ઉઘાડે છે કે,
મારી વાતો સાચી છે,સારી નથી
પોતે જ આંખ બંધ કરી અંધારું નોતરી બેઠેલા, ખુલ્લી આંખનાં
અજવાળાને ક્યાંથી માણી શકે?
છતાં કવિ કહે છે કે સૂર્ય જેમ મારી વાત પણ સાચી હોવા છતાં
એનો મર્મ કે એમાં રહેલી વ્હેવારૂતા જે સમજવા તૈયાર જ નથી
એ સાચી હોવા છતાં સારી સાબિત નહીં જ ગણે!
એટલે અહીં કવિકર્મ એ છે કે,
સહુની પોતાની સમજ છે જ્યાં,સાચી હોવા છતાં વાત સારી નથી ગણાતી!
પ્રસ્તુત ગઝલના મત્લાનો અર્થ મને આ રીતે અભિપ્રેત છે.
વિવેચક તો છું જ નહીં(થવું ય નથી)પણ, એક ભાવક તરીકે
ચિનુકાકાની ગઝલને હું જે રીતે સમજ્યો છું એ,એમની
ક્ષમાયાચના સાથે…!
મહેશભાઈ રાવલ
“વાચકની કલમે” (9) પ્રવિણા અવિનાશ કડકિયા
શ્રી ચિનુ મોદીનો આ નાનો શેર થોડા શબ્દોમાં ઘણું કહી જાય છે. એવું અનુમાન બાંધું છું કે શેર લખવા પાછળ સંજોગ કારણભૂત હોઈ શકે ? ચિનુ મોદીની ઓળખાણ પણ નથી. માત્ર કલ્પનાને આધારે કહી શકું. ચિનુ મોદીની લખેલી કૃતિઓ ગમે છે. તેમાંય જ્યારે આ ‘મિત્ર’ ઉપર વાંચી ત્યારે હ્રદયને સ્પર્શી ગઈ. સારા નસિબે જીવનમાં સરસ મિત્રો મળ્યા છે. મિત્ર બનાવતા પહેલાં બે વખત વિચાર કરવાનો સ્વભાવ છે. જગજાહેર છે કે મિત્ર બનાવવા સહેલાં છે, મિત્રતા નિભાવવી અઘરી છે !શ્રી ચીનુ મોદીએ પોતાના કડવા અને મીઠા અનુભવ પછી આ લખ્યું હશે એવું મારું અનુમાન છે ! જે પણ કારણ હોઈ શકે !લખ્યું છે તે હૈયાના ઉદગાર સમાન નજર સામે છે.
શેર – ચિનુ મોદી ‘ઈર્શાદ”
દોસ્ત ! તારા દિલ સુધી પ્હોંચ્યા પછી
સ્વર્ગમાં પણ ક્યાં હવે જાવું હતું ?
પથ્થરો પોલા નીકળશે શી ખબર ?
મિત્ર સહુ બોદા નીકળશે શી ખબર?
એમની આંખો ભીંજાઈ’તી ખરી,
આંસુઓ કોરા નીકળશે શી ખબર?
__ ચિનુ મોદી ‘ઈર્શાદ”
મિત્રતાની કદર કરતી આ રચના દાદ માગી લે તેવી છે. કહેવાય છે, મિત્રતા કરવી સહેલી છે , નિભાવવી દુષ્કર . આ જગે જેને કદરદાન નિઃસ્વાર્થ અને પ્રેમાળ મિત્ર મળે એ સહુથી નસિબદાર વ્યક્તિ છે. તેથી તો
કહે છે,
દોસ્ત! તારા દિલ સુધી પહોંચ્યા પછી
સ્વર્ગમાં પણ ક્યાં હવે જાવું હતું !
દોસ્તીની કિમત અણમોલ છે. તેની આગળ સ્વર્ગનું રાજ્ય પણ કબૂલ નથી. કેટલા ભાગ્યવાન હશે એ મિત્ર કે જેમની પાસે સ્વર્ગના સઘળાં સુખોની કોઈ વિસાત નથી. આ શબ્દો તેના મુખેથી જ સરે જેમણે તેનો રસાસ્વાદ ચાખ્યો હોય. જ્યારે દોસ્તના દિલ સુધી પહોંચ્યા, બસ આગળ હવે ક્યાંય જવું નથી. અરે, મિત્રતા પાસે સ્વર્ગનું રાજ્ય પણ તુચ્છ ભાસે છે. કોઈ ખેવના બાકી નથી.
અરે, જરા આગળ વધીને જોઈશું તો જણાશે !
પથ્થરો પોલા નીકળશે શી ખબર ?
મિત્ર સહુ બોદા નીકળશે શી ખબર?
આ તો અસહ્ય ઘા છે. દોસ્તીમાં દરાર ! જાણે પથ્થરો પોલા ! સ્વપને પણ આવો વિચાર ન આવે કે પથ્થર પોલા હોઈ શકે. ભુગર્ભમાંથી કે પર્વતમાંથી જેની હયાતી થઈ હોય તે આવા પોલા ? જે મિત્રને દિલ આપ્યું, તેનો વિશ્વાસ મેળવ્યો. જેની સાથે સુખ અને દુઃખના દરિયા તર્યા તે આવા બોદા ? ખૂબ નિરાશા સાંપડે. આ જગત પરથી વિશ્વાસ ઉઠી જાય. તેથી ચાણક્ય એ કહ્યું છે . “ખાસ મિત્રને પણ તમારી ખાનગી વાત કરશો નહી !’ આ સંસારે કોણ, ક્યારે, કયા કારણે બદલાઈ જાય તેની કોઈ ખાત્રી નથી. ખૂબ સંભાળીને ડગ માંડવું. કાચનો કપ ટૂટે તો તેનો અવાજ આવે છે. મિત્રતા બોદી નિકળે ત્યારે હૈયું જે રીતે ખંડિત થાય છે તેનો જરા પણ અવાજ આવતો નથી, માત્ર તેનું દર્દ અસહ્ય હોય છે ! મિત્રતાના પાયામાં વિશ્વાસ અને પ્રેમનું સિમેન્ટ હોય જ્યારે તે રેતીનું પુરવાર થાય ત્યારે શું કહેવું ?
તેનાથી એક કદમ આગળ વધીને ‘ઈર્શાદ’ કહે છે,
એમની આંખો ભીંજાઈ’તી ખરી,
આંસુઓ કોરા નીકળશે શી ખબર?
ભલે મિત્રો બોદા નિકળ્યા ગમ સહી લીધો. તેના પરિણામે જે આંસુ વહાવ્યા તો તે બન્ને આંખમાંથી કોરા કટાક નિકળ્યા! આંસુ અને તે પણ કોરાં ! દિલનું દર્દ આંખ વડે વહી રહ્યું હ્રદયની ભાવના સૂકાઈ ગઈ. જેને કારણે આંસુ કોરાં ! વેદનાની અંહી પરાકાષ્ટા જણાય છે. વેદના, સંવેદના એ હ્રદયનું ઘર છે. ભાવનાનું પવિત્ર ઝરણું તેમાં સદા વહેતું રહે તેવી તેની રચના છે. મિત્રતા બોદી નિકળી, આટલા વર્ષોનો સહવાસનું જાણે ક્ષણભરમાં બાષ્પિભવન થઈ ગયું. આ જગ પરથી વિશ્વાસ ઉઠી ગયો. પ્રેમ પલાયન થઈ ગયો. જાણે જીવનમાં શૂન્યતા વ્યાપી ગઈ. સુખ અને દુઃખના સાથી આંસુ પણ પોતાની ગરિમા વિસરી ગયા.િન આ
નિરંતર નવિન જગે કશું અસંભવ નથી. જે પણ સાંપડે તે સહેવાની તૈયારી રાખવી .
“વાચકની કલમે” (8) જયા ઉપાધ્યાય
યત્ન કર
છે સડક દોડી શકાશે , ચાલ થોડો યત્ન કર
આ જગત છોડી શકાશે ચાલ થોડો યત્ન કર
તું ભલે થીજી ગઈ છે , પણ સ્વભાવે છે નદી ,
આ બરફ તોડી શકાશે ચાલ થોડો યત્ન કર
કોઈ ઈચ્છા એકલી વટભેર ચાલી ના શકે ,
કંઈ કશું જોડી શકાશે ચાલ થોડો યત્ન કર
કાંધ પર થી હે કીડી ગાયબ થયો છે થાંભલો
આભ માં ખોદી શકાશે ચાલ થોડો યત્ન કર
બાતમી મળશે તને “ઈર્શાદ ” ના એકાંત ની
ગુપ્તચર ફોડી શકાશે ચાલ થોડો યત્ન કર
ઈર્શાદ
ઈર્શાદ ચિનુ મોદી ની ગઝલો માર્મિક અને હૃદયસ્પર્શી હોય છે , આ ગઝલ માં તેમણે અનુભવેલ જીવન ના દરેક પાસા નો નીચોડ આબેહુબ વ્યક્ત કર્યો છે,આ ગઝલ પુરુષાર્થ ને પ્રેરણા , આત્મવિશ્વાસ ને બળ અને હિંમત ને શ્રદ્ધા આપતી શબ્દ રચના છે, હારેલો માણસ જીવન માં નિરાશા જ પ્રાપ્ત કરે છે જયારે યત્ન કરનાર સફળતા પ્રાપ્ત કરે કે ના કરે , પણ સંતોષ જરૂર મેળવે છે , કરોંરીઓ હારતો નથી તો માણસ હિંમત હારી જાય તો કેમ ચાલે ?
છે સડક દોડી શકાશે ચાલ થોડો યત્ન કર
આ જગત છોડી શકાશે ચાલ થોડો યત્ન કર
આ પંક્તિ માં જીંદગી ના ખટમીઠાં અનુભવો રૂપી સડક ની વાત કરે છે ,જિંદગી સડક જેવી છે તેમાં આવતા વળાંકો ખાડા ટેકરા જેવી મુશ્કેલ – કઠીન પણ છે પરંતુ સાહસ થી , હિંમત થી અડગ ધ્યેય થી જો માણવા માં આવે તો જીંદગી સહજ બની જાય છે ,માત્ર પ્રયત્ન ની જ જરૂર હોય છે ,” જીવન ની ઘટમાળ છે સુખ અલ્પ દુખ થી ભરેલી ” પરંતુ સમજપૂર્વક નિષ્ઠાપૂર્વક , ઈમાનદારી થી પ્રયત્ન કરવાથી તેમાં આવતા અવરોધો શાંત થઇ સુખદાયક પરિણામો મળી શકે છે , અહીં કવિ જગત છોડવાના પ્રયત્ન ની વાત કરે છે ,પરંતુ જગત છોડવા કરતાં તેમાં રહેલા મોહ , માયા , લોભ , આડંબર ,ક્રોધ , નિંદા , જેવા ષડ રિપુ ઓ ને સંયમ , સહિષ્ણુતા , દયા , જેવા શાસ્ત્રો થી નાથવા પ્રયત્ન કરીશું તો આ જગત આપોઆપ જ છૂટી જાય છે , તેને માટે જગત છોડી હિમાલય પર તપ કરવા કે આશ્રમ શોધવાની જરૂર નથી ,ષડ રિપુ ઓ ને નાથવા થી ધીરે ધીરે સયમિત જીવન થઇ જશે અને જગત રહેવા છતાંય “જળકમળ વત જીંદગી બની જશે
તું ભલે થીજી ગઈ છે પણ સ્વભાવે છે નદી
આ બરફ તોડી શકાશે ચાલ થોડો યત્ન કર
આ પંક્તિ માં કવિ ઈર્શાદ નદી નું ઉદાહરણ આપીને જણાવે છે કે સતત વહેતા રહેવાનો નદી નો સ્વભાવ છે, તે હંમેશ ઉછળતી કુદતી વહેણ બદલતી કિલ્લોલ કરતી જ હોય છે. પરંતુ સંજોગ અનુસાર બાહ્ય પરિબળો થી ક્યારેક થીજી પણ જાય છે તો પણ ફરીથી અનુકુળ વાતાવરણ પ્રાપ્ત થાય ત્યારે તે પૂર્વવત ખળખળ વહેતી થઈ જાય છે, તેમ કવિ કહેવા માંગે છે કે મારા મન મંદિર માં નદી રૂપી કવિતા હમેશાં એકધારી અવનવી ભાવોર્મીઓ ધ્વારા સતત વહેતી જ રહે છે , પરંતુ ક્યારેક અજ્ઞાત મનના ઉડાણ માં થતી ગડમથલ ને કારણે આ ભાવોર્મીઓ ટૂંક સમય માટે થીજી જાય છે , પરંતુ કવિને આશા છે કે આ ભાવોર્મીઓ ક્યારેક તો સંવેદના રૂપે જરૂર વહેવા માંડશે , આ માટે માત્ર પ્રયત્ન પુરુષાર્થ ની જરૂર છે , ;’સિદ્ધી તેને જઈ વરે જે પરસેવે ન્હાય ,” હ્રદયને ઢંઢોળવા થી જરૂર કવિતાના સ્પન્દનો જાગૃત થશે જ , મતલબ કે બરફ થી થીજેલી નદી જેમ યથાવત પ્રવાહિત થઈ વહે છે તેમ મારા આંતરમન માં સ્તબ્ધ સુષુપ્ત થઈ રહેલી સંવેદનાઓ જરૂર પત્થર મન ને પીગાળી,કવિતા રૂપે વહેશે જ એવી કવિ ને આશા છે જ
કોઈ ઈચ્છા એકલી વટભેર ચાલી ન શકે
કઈ કશું જોડી શકાશે ચલ થોડો યત્ન કર
આ પંક્તિઓ માં કવિ ઈર્શાદ વસુ ધેવ કુટુમ્બકમ ” સૌનો સાથ સૌનો સંગાથ ની ભાવના વ્યક્ત કરે છે , માણસ એકલો ચાલે છે , પ્રયત્ન કરે છે તો મનોબળ થી ચાલી તો શકે છે , ક્યારેક સફળતા પણ મેળવે છે પરંતુ સમય જતા થકાવટ નો અનુભવ કરે છે , એકલા સફળતા પણ જીરવી શકાતી નથી , તેને સાથ સંગાથ ગમે છે , સાથ સંગાથ થી જ દરેક કાર્ય માં ત્વરિત ગતિ થી સફળતા હાંસલ કરે છે “, એક થી ભલા બે ” ના ન્યાયે પરસ્પર સહકાર ની ભાવના થી માણસ ગમે તેવા કપરા ચઢાણો પણ સરળતા થી ચઢી શકે છે , આ રીતે જ ઇચ્છાઓ નું પણ છે , માણસ એકલો ઇચ્છાઓ અપેક્ષાઓ રાખે તો કદાચ પરિપૂર્ણ થાય પરંતુ તે માટે કુદરત ની મહેરબાની અને સૌના સાથ સંગાથ થી વધારે આવશ્યકતા હોય છે , ” મહેનત મેરી રહેમત તેરી ” ઉક્તિ અને ઝાઝા હાથ રળિયામણા ની કહેવત યથાર્થ રીતે લાગુ પડે છે ,
કાંધ પર થી હે કીડી , ગાયબ થયો છે થાંભલો ,
આભ માં ખોડી શકાશે , ચલ થોડો યત્ન કર
જગત માં કેટલીય વાર અનુભવ થાય છે કે પ્રારંભ માં જે સહકાર આપે તે અધવચે તમને છોડી ને જતો રહે , શરુ માં હાથ પકડનાર અંત સુધી સહયોગ ન આપે , આમાં મિત્ર હોય , સ્વજન હોય , સ્નેહીજન હોય કે પરિજન હોય , તમારી લડાઈ તમારે જ લડવાની છે , આત્મબળ , દ્રઢ મનોબળ અને હિંમત વગર તમે તમારી લડાઈ લડી શકવાના નથી ,જરાક ભય દેખાય ત્યાં લોકો વિશ્વાસઘાત કરી ને મિત્રતા ને છોડી ને તમારા થી અલગ થઇ જશે , કોઈ પણ સાહસ કરતા પહેલા દરેક વ્યક્તિ એ આવા પરિબળ સામે લડવાનું આયોજન પણ કરવું જ જોઈએ , ” હિંમતે મર્દા તો મદદે ખુદા ” આવું થાય ત્યારે દરેક વ્યક્તિ નો એક જ સહારો , એક જ આધાર , એક જ વિશ્વાસ અને તે આભ માં બેઠેલો પરમેશ્વર જે પોતાની જાત પર અને પરમાત્મા પર વિશ્વાસ રાખે છે તે જ સફળ થઇ શકે છે
બાતમી મળશે તને “ઈર્શાદ ” ના એકાંત ની
ગુપ્તચર ફોડી શકાશે ચાલ થોડોપ યત્ન કર ,
ચારે બાજુ ઓ થી વ્યક્તિ જયારે આફતો થી ઘેરાઈ જાય , કોઈ દિશા ન જડે , કોઈ વિચાર ન આવે , હિંમત હારી જવાય અને નિસહાયતા અનુભવાય ત્યારે એકલા બેસી એકાંત માં ધ્યાન ધરવું જોઈએ એમ કવિ કહે છે , અને જયારે એકાંત માં બેસી ને કોઈ પણ સમસ્યા પર વિચાર કરશો ત્યારે અગોચર માં થી સહાય જરૂર થી મળશે , માર્ગદર્શન મળશે , પ્રેરણા મળશે અને ઉકેલ મળશે ,, તમારી આફતો માં ઉપચાર બતાવવા માટે અગોચર માં થી ઈશ્વર તરફ થી દિશાદર્શન મળશે , એના જ વિશ્વાસે ચાલનાર ને પરમાત્મા ક્યારેય નિરાશ થવા દેતો નથી ,
આમ આ ગઝલ માં કવિ શ્રી ઈર્શાદે પુરુષાર્થ અને પ્રારબ્ધ બંને નું મહત્વ સમજાવ્યું છે , બંને એક સિક્કા ની બે બાજુ છે ઈશ્વર કૃપા હોય તો જ બધા પ્રયાસો ,-અરે સહિયારા પ્રયાસો જરૂર થી સફળ ,સફળ અને સફળ થાય જ છે અને પ્રયત્ન કરનાર ને ગેબી સહાય મળી રહે છે , કવિ ની આ ગઝલ દરેક ના જીવન માં ઉત્તરોત્તર સિદ્ધિ ના સોપાનો સર કરવાની પ્રેરણા પૂરી પાડે છે
શ્રીમતી જયા ઉપાધ્યાય
408 945 1717
ગઝલ-“સહેલો નથી”. – હેમંત ઉપાધ્યાય
સ્નેહી પ્રજ્ઞાબેન
આ સાથે આવડતી નથી છતાં મારી લાગણી ની એક ખરી કે ખોટી ગઝલ મોકલું છું .
તમને ગમેં તો આશીર્વાદ આપજો અને મહેશભાઈ સુધારી આપે તેમ કહેજો.
હેમંત ના પ્રણામ
સહેલો નથી
ઈર્શાદ ની કૃતિ પર આસ્વાદ લખવો સહેલો નથી.
અને ઈર્શાદ ના ભાવ ને સમજવો પણ સહેલો નથી.
શબ્દો ના સાથીયા માં અદભુત રંગ પૂરે છે એ ,
એના શબ્દો નો અર્થ શોધવો સહેલો નથી.
ગઝલ માં પણ વૈચારિક ક્રાંતિ સર્જે છે એ
એના ક્રાંતિ ઝંડા ને પકડવો સહેલો નથી.
અતીત ને ભવિષ્ય માં ફેરવી નાખે છે એ
એના વર્તમાન ને પહેચાનવો સહેલો નથી.
હેમંત ના કર નાહક ની કોશિશો તું
એના જોડા માં પગ ઘાલવો સહેલો નથી.
હેમંત ઉપાધ્યાય
408945 1717
“વાચકની કલમે” (7) ડૉ.ઇન્દુબેન શાહ.
“કારણ”
આ ગઝલ લખવાનું કારણ એ જ છે,
પાંદડે ભેગું કરેલું તેજ છે.
આ ગઝલ લખવાનું કારણ એ જ છે,
આંખને ખૂણે હજીયે ભેજ છે.
આ ગઝલ લખવાનું કારણ એ જ છે,
શબ્દ પોતે ક્યાં સુંવાળી સેજ છે ?
આ ગઝલ લખવાનું કારણ એ જ છે,
એક ખુરશી છે ને સામે મેજ છે.
વાયુંમાં વિશ્વાસનું કારણ હતું –
વણહલેસે વ્હાણ તો ચાલે જ છે.
ખ્યાલ કર પુષ્પો ભરેલી ડાળનો,
એ તને શણગાર તો આપે જ છે.
બેય આંખો સાવ કોરી રાખજે,
રોજ ઝાકળ રાતના આવે જ છે.
હું ય દેખાતો હતો આ દર્પણે,
ઓરડો આ વાત ક્યાં માને જ છે ?
જ્યાં સુધી ‘ઇર્શાદ’ નામે જણ જીવે,
લાગણી પૃથ્વી ઉપર તો છે જ છે.
– ચિનુ મોદી ‘ઇર્શાદ’
ચિનુ મોદી જેવા ગઝલ સમરાટ્રની ગઝલનો આસ્વાદ કરાવવો, એ કોઇ દિવસ દરમ્યાન ચાલુ રહી ગયેલ શેરીની બત્તી,સૂર્યનો પ્રકાશ સમજાવી રહી હોય તેવી વાત થઇ..ચીનુભાઇ અંતરમાં ભંડારેલ .સંવેદનાને પોતાની આગવી શૈલી અને મિનાકારીથી શણગારી અર્થસભર ગઝલની રચના આપણને આપે છે. એમાની એક રચના” કારણ” નો આસ્વાદ મારી સમજણ પ્રમાણે રજુ કરવાનો પ્રયત્ન કરું છું
પહેલા ચાર શેરમાં પ્રથમ પંક્તિના કાફિયા રદીફ સરખા છે.
પહેલા શેરની બીજી પંક્તિ
“પાંદડે ભેગું કરેલું તેજ છે.”
ગઝલ લખવાનું કારણ બતાવ્યું.
જેમ વૃક્ષ તેના લીલા છમ પાંદડાથી શોભાયમાન છે. આ પાંદડા સૂર્યના તેજ કિરણોથી લીલાશ મેળવે છૅ. પાનખર ઋતુમાં લીલા પાન રંગ બદલે જ્યાં સુધી તેની અંદર ભેગું કરેલ તેજ હોય, થોડા સમય માટે જ, છેવટૅ સુક્કા ભટ્ટ ખરી જ પડે વૃક્ષ પાન વગરનું નિર્જીવ ઠુંઠુ.
તેમ મનુષ્યના ભીતર રહેલ આત્માનું તેજ, પાંચ જ્ઞાનેન્દ્રિય અને પાંચ કર્મેન્દ્રિય માં એકત્ર થયેલ છે,તેનાથી જ આપણે સહુ દરેક જાતનું કાર્ય કરી શકીએ છીએ ,નિશ્ચેતન દેહ સાવ નકામો બની જતો હોય છે, જેને અંતિમ અગ્નિ સંસ્કાર આપી વિદાય કરાય છે.
કવિશ્રીની હ્રદય ગુહાની સંવેદનાઓ જે બીજા શેરની બીજી પંક્તિ,
“આંખને ખૂણે હજીએ ભેજ છે” માં જણાઇ છે
તે કાગળ પર કવિશ્રીની કર્મેન્દ્રિયથી વહેતી થાય છે.
ત્રીજા શેરની બીજી પંક્તિ્,
શબ્દ પોતે ક્યાં સુંવાળી સેજ છે.
બીજા કામોમાં વ્યસ્ત રહેવાથી, પોતાની અંદર વલોવાતી લાગણી, સંવેદનાઓ ભીતર શાંત રહે છે, જે રાત્રીએ પથારીમાં કાયા લંબાવે છે ત્યારે માનસ પટ પર આવે છે, સંવેદનાઓના શબ્દો જાણે સેજ બની જાય છે, જે કવિશ્રીની નિદ્રા હરી લે છે જાણે ખુંચવા લાગે છે,,હવે તો બસ એક જ ઉપાય સંવેદનાના શબ્દો કાગળ પર વહેતા મુકવા.કવિશ્રી પાસે ખુરશી અને મેજ તૈયાર જ છે, કાર્ય કરવાનું કારણ!
હવે પાંચમો શેર જોઇએ
વાયુમાં વિશ્વાસનું કારણ હતું –
વણ હલેસે વહાણ તો ચાલે જ છે
અનુકુળ પવન સાથે પરમ કૃપાળુ પરમાત્મા પર વિશ્વાસ હોય તો વહાણને હલેસાની જરૂર નથી.
જ્યાં સુધી અનુકુળ વાયુ જીવનની ગતિ ચાલુ રાખવા મળતો રહે છે જીનન નૈયા સરળતાથી આગળ ગતિ કરે છે,કવિશ્રી અહી પોતાનો ઇશ્વર પરના અટલ વિશ્વાસની વાત કરી રહ્યા છે.
“ખ્યાલ કર પુષ્પો ભરેલી ડાળનો
ઍ તને શણગાર તો આપે જ છે”
કવિશ્રી અહીં વૃક્ષને તેની પુષ્પોથી લચી પડેલી શાખાનો ખ્યાલ, રાખ્વાનું કહે છે, જે વૃક્ષનો શણગાર છે.
આ કાયા રૂપી વૃક્ષનો શણગાર તેની વિવિધતાના પુષ્પો ભરેલ યુવાની છે, તેનો ખ્યાલ કર, તે તને તારી જીંદગીની કોઇ પણ અવસ્થામાં શણગાર આપે જ છે મોટી ઉમરમાં એકલા થઇ ગયા હોઇએ ,મન કોઇવાર ઉદાસી અનુભવે ત્યારે આ વિવિધતા જે તમે કવિતા, સંગીત, ચિત્રકલા નૃત્યકલા કે બીજા કોઇ પણ ક્ષેત્રમાં હાસલ કરેલ છે, તેને યાદ કરો તેને જીવંત રાખશૉ તો તેજ તમારો શણગાર છે.
“બેય આંખો સાવ કોરી રાખજે
રોજ ઝાક્ળ રાતના આવે જ છે”
દિવસ દરમ્યાન જવાબદારી નિભાવતા જવાની કદી આંખોમાં થાક કે અશ્રુ નહીં.સાવ કોરી આંખો.
શાંત રાત્રીના છુપાયેલ, સંવેદનાઓ ઝાકળ બિંદુની જેમ ટપકે છે કાગળ પર!!
તેમન પત્ની હંસાબેનની સંવેદનાઓ ઝાકળ બની ઓશીકુ ભીંજવતી હશે!!!
“હું ય દેખાતો હતો આ દર્પણે
ઓરડો આ વાત ક્યાં માને જ છે?”
ઑરડામાં પોતાની હાજરી હતી, તેના પુરાવો દર્પણમાં પોતાની તસ્વીરના પ્રતિબિંબને હાજર કરે છે,જુઓ હું જ છું, પણ ઓરડો તસ્વીરના પ્રતિબિંબને સાચુ નથી માનતો, ઓરડો આવું જુઠાણું માને ખરો? ઍતો પોતાની એકલતા જ રજુ કરે છે.
હવે છેલ્લા શેરમાં પોતે લાગણીથી ભરપુર છે, લાગણી સંવેદના વગરના કોઇ કવિ હોય જ નહી.
“જ્યાં સુધી ઇર્શાદ નામે જણ જીવે
લાગણી પૃથ્વી ઉપર તો છે જ છે”
દરેક માનવમાં લાગણી છે, કોઇમાં સર્જનાત્મક લાગણી, જે નવીન સર્જન જગતને અર્પે.આવી લાગણીઓ કવિ લેખક ચિત્રકાર સંગિતકાર વૈજ્ઞાનિક પાસે હોય જેને પોતાની બુધ્ધિથી વિકસાવે અને નવી નવી કૃતિઓ જગતને આપે.આવા માનવ પૃથ્વી પર હંમેશ જીવંત રહે અને તેઓની લાગણી.એ શુભેચ્છા સાથે વિરમુ.
અસ્તુ
ડૉ.ઇન્દુબેન શાહ.
આ મારો બીજો પ્રયત્ન છે, પ્રથમ પ્ર્યત્નમાં કવિ કલાપીના “એક ઇચ્છા” કાવ્યનો આસ્વાદ કરેલો.
મારી સમજણ અને થોડુંક ચીનુભાઇ વિષે જાણું છું તેના આધારે આ આસ્વાદ કરેલ છે,ભૂલચૂક માફ કરશો.
