સૂર, શબ્દ અને સંગીતને ક્યારેય સરહદરૂપી સીમાડા નડ્યા સાંભળ્યા છે? સંગીત તો એક એવી ઊર્જા છે જે તન, મનની ચેતનાઓને ઊર્જિત પણ કરે અને ઘેરા ભાવમાં પણ ખેંચી શકે. આ ગીત સંગીત તો સદીઓથી આપણા તન, મનની ચેતાઓને માત્ર જાગ્રત કરતાં આવ્યા છે એના કરતાંય જીવનના અનેક ગૂઢ સત્ય સમજાવતા ય આવ્યા છે..
અવિનાશ વ્યાસના આવ્યા પહેલાં ય ગુજરાતી ગીતો લખાતા અને ગવાતા આવતા જ હતા. જે સમયે ગીતો કોને કહેવાય એવી સમજ ઉગે એ પહેલાંથી આપણા પહેલાની ઘણી બધી પેઢી પણ આદ્ય કવિ નરસિંહ મહેતાના પદો ય લલકારતી જ હતી ને? પરંતુ અવિનાશ વ્યાસ આવ્યા અને એમણે નવા જ પ્રકારના ગીતો લખ્યા-સંગીતબદ્ધ કર્યા અને સાવ અનેકવિધ રચનાઓ આપી અને ગુજરાતી સંગીતનાના પર્યાય કહી શકાય એવા ગીતકાર-સંગીતકાર તરીકે ઓળખાયા.
જેવી એમની રચનાઓ અનોખી એવા વ્યક્તિ તરીકે પણ અનોખા.
કહેવાય છે કે અવિનાશ વ્યાસ એટલા તો મોકળા અને ઉદાર મનના હતા કે ક્યાંક એમની ટીકા થઈ છે એવું લાગવા છતાં કોઈની સાથેના એમના સંબંધમાં ઉણપ, ઓટ કે ખોટ આવી નહોતી. સુગમ સંગીતની વ્યક્તિ હોવા છતાં ફિલ્મના પ્રોડ્યૂસર કે દિગ્દર્શકને પણ ક્યારેય નિરાશ કર્યા નહોતા.
આજ સુધી ઘણીવાર એવું સાંભળ્યું છે જે અવિનાશ વ્યાસે ‘ રાખના રમકડાં’ની રચના કરી એ એક માત્ર રચના આપી હોત તો પણ એ અમર થઈ ગયા હોત.
પણ આ ‘રાખના રમકડાં’ એમના માટે લાખના પૂરવાર થયા એવું એમની વાતમાં પડઘાય છે. એ કહે છે કે “ આ ગીત તો મને ગીત તરીકે ગમે જ છે પણ આ ગીતે તો મારી પર જે ઉપકાર કર્યો છે એના લીધે પણ ગમે છે.” એમના કહેવા મુજબ એમનું આ ગીત એટલું તો લોકપ્રિય, લોકભોગ્ય બન્યું હતું કે ને ૧૯૪૯ની સાલમાં એટલે કે ૭૧ વર્ષ પહેલાં એમને આ ગીતે એમને રોકડા પચીસ હજાર રૂપિયા અપાવેલા એટલે એમના માટે રાખના રમકડાં લાખના રમકડાં નિવડ્યા એટલું જ નહીં ‘મંગળફેરા’ ફિલ્મમાં રજૂ થયેલા તેમના આ ગીતનું તો વિક્રમી વેચાણ થયું. એ.એમ.વી કંપનીએ તેમને દસ તોલાનો સુવર્ણચંદ્રક અને સાડા ત્રણ હજાર રોકડા રૂપિયા એ જમાનામાં આપ્યા.
સૌને યાદ તો હશે જ એ ભજન..
રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે
મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યાં રે
રાખનાં રમકડાં, રમકડાં …
બોલે ડોલે રોજ રમકડાં, નિત નિત રમત્યું માંડે
આ મારું આ તારું કહીને એકબીજાને ભાંડે રે,
રાખનાં રમકડાં, રમકડાં …
એઇ કાચી માટીને કાયામાંથી માયા કેરા રંગ લગાયા
એજી ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યાં ત્યાં તો વિંઝણલા વિંઝાયા રે
રાખનાં રમકડાં, રમકડાં …
તંત અનંતનો તંત ન તૂટ્યો ને રમત અધૂરી રહી,
તનડા ને મનડાની વાતો આવી એવી ગઇ,
રાખનાં રમકડાં, રમકડાં …
આજે અચાનક આ ભજન કેમ યાદ આવ્યુ હશે? ખબર નહીં કેમ પણ ગમે એટલો પ્રયત્ન કર્યા પછી આજે આ ભજન મનને ઘેરી વળ્યું છે કદાચ આપણી આસપાસના ઉદ્વિગ્ન વાતાવરણની મન પર અસર થઈ જ જતી હશે એટલે?
ચારેકોર કોરોનાના વણદિઠ્યા અને તેમ છતાં આખા વિશ્વને ભરડામાં લેતા આતંકની મન પર છવાયેલી અસર હશે? એવું જ હશે….
પણ અવિનાશ વ્યાસ કહેતા કે, “ સુખ કે દુઃખની પારાકાષ્ઠાથી પીડતી કોઈ એક વ્યક્તિનું કાળજું ચીરીને કોઈ ચીસનો ચિત્કાર બહાર નીકળી પડે, કોઈ અજંપાનો ઉજાગરો વેઠીને વેદનાની વાણી ઘાયલ થઈને ગાય ત્યારે જ ઍબ્સોલૂટ પોયેટ્રી (પૂર્ણ કાવ્યસૌંદર્ય)નો જન્મ થાય. બાકી બધા ફાંફા.”
હવે આપણને એ તો ખબર નથી કે સુખ-દુઃખની કઈ પારાકાષ્ઠાની અનુભૂતિ એમને થઈ હશે કે કેવા અજંપાની, વેદનાની ઘાયલ ક્ષણો એમના જીવનમાં આવી હશે ત્યારે આ ભજનનો આવિર્ભાવ થયો હશે? પણ આજે આ ક્ષણે એ વાત કેટલી તથ્યવાળી બની રહી છે એ સમજાય છે. આપણે પણ સહુ રાખના રમકડાં જ છીએ અને અહીં આ સંસારમાં છીએ એ પણ આપણા કારણે તો નથી જ. આ ઉપર બેઠેલા રામે આપણને જ્યાં સુધી રમતાં રાખ્યા છે ત્યાં સુધી જ આપણું અસ્તિત્વ. એ પછીની ક્ષણે તો આ માનવદેહ પણ રાખનો ઢગલો જ ને? આપણી રમતો પણ એણે જ નિર્ધારેલી ને ? આપણે તો ખાલી અમથા જ એવા ભ્રમમાં રહ્યા કર્યા કે જે કંઈ છે એ આ સંસારમાં આપણે માંડેલી રમત છે. જ્યારે એક સામટો, ઓચિંતો એ ભ્રમ ભાંગી ગયો કે આપણે તો માત્ર આ નિશ્ચિત કરેલો સમય પસાર કરી રહ્યા છીએ. નિશ્ચિત કરેલા જીવનપથ પરથી સાવ અજાણભાવે પસાર થઈ રહ્યા છીએ પણ કાળ તો એની પાંખો આમતેમ વીંઝતો ભમ્યા જ કરતો હોય છે. ભલેને એ કોઈપણ સ્વરૂપે કેમ ન હોય? આજે એ કોરોનાના સ્વરૂપે એની પાંખ વીંઝવા માંડ્યો છે ત્યારે એ કોને અને ક્યારે એની અડફેટમાં લઈ લેશે એની જ આપણને જરાય જાણ નથી હોતી પણ એની ઝપટમાં જે આવે એ તો પળવારમાં રાખ…..એ વાત નિશ્ચિત.
આજે તો બસ આટલું જ……
Rajul Kaushik
http://www.rajul54.wordpress.com