“ડાઇપર”
કપડાંની ગડી વાળતા વાળતા મધુનું માતૃત્વ આંખથી જ દીકરા માધવને પંપાળતુ હતું ત્યાં જ ફુલ ટાઈમ રાખેલ બાઈ શકીરાના શબ્દો એનાં કાને પડ્યા.
“મૅડમ, હવે તો બમણો પગાર કરવો પડશે!”
મધુને આ બીજી વખતનું સફળ માતૃત્વ સુખ હતું. છતાંય બંને બાળકની વચ્ચે બાર વર્ષનું અંતર હતું.
બાર-બાર વર્ષ પછી મધુનું બીજું સંતાન શારીરિક રીતે તો તંદુરસ્ત લાગતું હતું પણ મોટા દીકરા ઈશાનની જેમ એની માનસિક સ્થિતિ તો બે-ચાર વર્ષ પછી જ ખબર પડે તેમ હતી.
લોકોના ડિપ્રેશન, આઘાત, ડર જેવાં માનસિક રોગોને દૂર કરવામાં માહેર મનોચિકિત્સક અને સ્પીચ થેરાપિસ્ટ ડૉ. મધુને પોતાનું આ બીજું બાળક પણ માનસિક રીતે નાદુરસ્ત હશે એ અંગે શંકા અને ડર બંને હતાં.
બાઈ શકીરાને માથે હવે બે બાળકને સંભાળવાની જવાબદારી હતી. એ પણ માનસિક રીતે ડામાડોળ.
બંને બાળકોને આવી કોઈ બાઈ પાસે મૂકીને ક્લિનિક જવામાં મધુનો જીવ તો ચાલતો ન હતો પરંતુ એ વગર કોઈ છુટકો પણ ન હતો.
આવાં અનેક વિચારોની વચ્ચે મધુને થોડાં સમય પહેલાં આવેલા એક પેશન્ટ યાદ આવી ગઈ અને એનાં વિચારોમાં સરી પડી.
થોડાક વખત પહેલાં મધુ પોતાની કેબિનમાં લંચ લીધાં બાદ મોઢામાં પાણીનો ઘૂંટડો ગડગડાવતી હતી તે જ સમયે રિસેપ્શનિસ્ટે “લય આવી ગયો છે” એમ જણાવ્યું.
પાણી ભરેલા ફુલાયેલા મોઢે મધુએ લયને અંદર લઇ આવવા ઈશારો કર્યો.
લયનો આજે સ્પીચ થેરાપીનો પ્રથમ સેશન હતો. આ અગાઉ મધુએ લયને એક જ વખત જોયો હતો. એની મમ્મી સાથે.
લબડતી લાળ, ઘસાઈ ગયેલું ખાખી પેન્ટ, ચાંદામાં કાણું પડ્યું હોય તેવી કાણાંવાળી ઑફ-વ્હાઇટ ટી-શર્ટ અને એક જ પિચમાં મહાપરાણે કોઈ બેસૂરો ગાયક ગાતો હોય તેવો ગણગણતો અવાજ.
“કમ ઈન બેટા!” પોતાના સગા દીકરા માધવ અને ઈશાનને બોલાવતી હોય તેવા જ વ્હાલ સાથે મધુએ લયને અંદર આવકાર્યો.
સૂરોના ગણગણાટનો અવાજ પોતાની દિશામાં આવતા અવાજની પિચ થોડી ઊંચી જવા લાગી.
મધુએ એની ટ્રીટમેન્ટ ચાલુ કરી.
બે-ચાર ઔપચારિક પ્રશ્નો બાદ લયના સૂરોના લયની ઝડપ કોઈક ઈશારા સાથે વધી.
પહેલા તો મધુને એ ઈશારામાં કંઈ ખબર ન પડી.
મનોચિકિત્સક અને સાથે સ્પીચ થેરાપિસ્ટ મધુએ પોતાનું થોડું મગજ કસ્યું તો એનાં મૌન ઈશારાનો અવાજ પારખી ગઈ.
લય પોતાનાં લબડી ગયેલાં હાથે ઈશારો કરીને એનું પેન્ટ ઉતારવાનો ઈશારો કરતો હતો.
અજુક્તું તો હતું જ છતાંય મધુએ સ્ટાફને બોલાવી લયનું પેન્ટ કાઢવા જણાવ્યું.
મધુ અને સ્ટાફ બંનેને લાગ્યું કે લયને બાથરૂમ જવું હશે.
ક્યાં તો એણે પેન્ટ બગાડ્યું લાગે છે!
“હાશ! ડાઇપર તો પહેર્યું જ છે.” સ્ટાફના મોઢાનાં ભાવ પરથી મધુએ પારખી લીધું.
પણ ડાઇપર તો ચોખ્ખું જ હતું!
પેન્ટ કાઢતાની સાથે જ લયના ચહેરા પર અનુકૂળતાના ભાવ દેખાયા.
મધુના મધુર સ્વભાવના કારણે ઑટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડરમાં તે પ્રખ્યાત હતી.
ઘણાં ખરા વર્ષથી પ્રેક્ટીસ કરતી મધુ માટે આવો બનાવ પ્રથમ વખત બન્યો હતો.
પ્રથમ સેશનમાં એટલી સફળતા તો ન જ મળે પણ લય તરફથી મળતો પ્રતિસાદ માયાળુ લાગ્યો.
નિર્ધારિત સમયે બીજાં સેશનમાં પણ લય ટાઈમ પર આવ્યો. આ વખતે રિસ્પૉન્સ એવો જ પોઝિટિવ!
પરિણામમાં માત્ર મોંઢા પરનું સ્મિત થોડું વધ્યું હતું.
પરંતુ સેશન દરમ્યાન એ જ પેન્ટ કાઢવાના ઈશારાથી મધુના ચહેરા પરનું સ્મિત થોડું મંદ પડી ગયું.
મધુના મનમાં અનેક પ્રકારના વિચારો ચાલુ થઇ ગયાં.
મધુને લાગ્યું કે નક્કી આ મેઇડ જ લયની કાળજી રાખવામાં કંઈક અધૂરું રાખે છે.
જોકે બંને સેશનમાં લયના માતા-પિતા તો આવ્યાં જ ન હતા.
લયની મમ્મી શરૂઆતમાં માત્ર એક જ વખત મળવા આવી હતી.
મર્સીડીઝમાં આવેલી એની માએ દરેક સેશન માટે ખાસ્સું એવું ડિસ્કાઉન્ટ પણ કરાવ્યું હતું.
ઘણી ખરી કચકચ સાથે “મારાં દીકરાને આમ, મારા લયને તેમ” જેવી આરતી પહેલાની અઢળક પ્રસાદી પણ આપીને ગઈ હતી. તે નફામાં.
લયની સાથે આવતી મેઇડ પહેરવા-ઓઢવામાં એકદમ સાફસૂથરી હતી.
“બાબા..બાબા” કરીને લયને સગા દીકરા કરતાંય સારી રીતે સાચવતી હશે એવું લાગતું હતું.
શેડ્યૂલ પ્રમાણે લય નિયમિત રીતે એનાં સ્પીચ થેરાપીના સેશનમાં આવવા લાગ્યો.
લગભગ પાંચ-છ સેશન થયા હશે. લયની સ્પીચના સુધારાની ગતિ થોડી મંદ હતી.
હંમેશની માફક એને એની મેઇડ જ લઈને આવતી હતી.
દરેક સેશનમાં લય જેવો મધુની સામેના ટેબલ ઊપર બેસે એટલે તરત જ પેન્ટ ખેંચીને એને કાઢવા માટે ઈશારો કરે.
સાથે સાથે આમ તેમ ડાફોળિયાં પણ મારે. જાણે કે બિલિયન ડૉલર્સ ખર્ચીને ચંદ્ર પર આવી ગયો હોય એમ.
વળી પાછું એ જ ટી-શર્ટ, એ જ પેન્ટ અને એ જ પ્રવૃત્તિઓ.
મધુને આ 12 વર્ષનાં છોકરાને ડાઇપરમાં બેસેલો જોઈને અજુક્તું તો લાગતું જ હતું પણ એનું કારણ જણાતું ન હતું.
લય ડાઇપરમાં જે કમ્ફર્ટ અનુભવતો તેવી જ કમ્ફર્ટ એણે પેન્ટ પહેર્યું હોય ત્યારે જણાતી ન હતી.
લયની મમ્મી તો એક પણ સેશન દરમ્યાન આવી જ ન હતી.
હકીકતમાં મધુની પણ એ જ ઈચ્છા હતી. કે એની મમ્મી ના જ આવે તો સારું!
મધુ મનમાં વિચારતી કે લયની મમ્મી સાથે કાઉન્સેલિંગ કરવાનું આવશે ત્યારે પાછું એનું એ જ “અમે તો આમ અને અમે તો તેમ”ની માથાઝીંક ચાલુ થશે.
લયની મમ્મી એક જ વખત મળી હતી પણ એ એપિસોડ ઘણો લાંબો ચાલ્યો હતો.
હવે તો મધુએ પણ પોતાની બાઈ પર નજર રાખવાનું ચાલુ કરી દીધું હતું.
પોતાના દીકરા ઈશાનની કાળજીમાં પણ બાઈ…..!!!
લયની સ્પીચમાં કોઈ જ સુધારો જણાતો ન હતો એ તો મધુ માટે એક મોટો પ્રશ્ન હતો જ પણ સાથે લયના દર વખતના એ જ કપડાં, રૂમમાં ડાફોળિયાં મારવા અને જેવો ટેબલ પર બેસે એટલે ઠરાવી નાખે તેવાં એ.સીમાં પણ લય પેન્ટ કાઢવા માટે ઈશારો કરે.
કોઈ પણ પેશન્ટની મેઇડને પૂછવું એ મધુ માટે તો અયોગ્ય જ હતું છતાં પણ એક સેશન દરમ્યાન જેવો લયે ઈશારો કર્યો ત્યારે પોતાના સ્ટાફને બોલાવાની જગ્યાએ મધુએ એની મેઈડને અંદર મોકલવા જણાવ્યું.
મહારાષ્ટ્રીયન લિબાસમાં હિન્દી ભાષી બાઈ મધુની કેબીન-કમ-થેરાપી રૂમમાં પ્રવેશી.
“જી..મે’મ સા’બ?”
“બાઈ..દેખો યે ક્યાં કેહ રહા હૈ?”
લયનો ઈશારો જોઈને બાઈને જરાક પણ નવાઈ ન લાગી.
મધુએ વિચાર્યું કે બાઈને તો શું ખબર પડે! બાઈને એમ હશે કે મારે ઈન્જેકશન મારવું હશે એટલે લય આમ ઈશારો કરે છે.
“અચ્છા બહેન આપ કિતને સાલ સે લય કી દેખભાલ કરતે હો?”
“લયબાબા જબ એક સાલ કે થે તબ સે..”
બાઈના અવાજમાં લય માટે લાગણી છલકાતી હતી.
મધુને થયું કે આ યોગ્ય સમય છે પૂછવા માટે.
“એક બાત બતાઓ..ઇસે યે પેન્ટ પસંદ નહીં હૈ, ફીર ભી ઉસે યે હી પેન્ટ કયું પહેનાતે હો?” હિન્દીભાષાએ ગુજરાતી સાડલો પ્હેર્યો હોય એવાં ગુજરાતી લહેકામાં મધુએ બાઈને પૂછ્યું.
“મેડમ એક બાત બતાઉં…આજ તક બાબાને કભી પેન્ટ પહેના હી નહીં હૈ, યે સમજ લો કે કપડે હી નહીં પેહને હૈ!
ઉનકો પહેનાને કે લીયે માલકીનને હમે સિર્ફ યે એક પેન્ટ ઓર એક ટી-શર્ટ હી દીયા હૈ!
લયબાબા કભી ભી રૂમ કે બહાર નહીં નિકલ શકતે. ઓર ઠંડી હો યા ગર્મી ઉનકો પૂરા દિન સિર્ફ ડાઇપર મે હી રહેનેકા.
કિસી કો ઉનકી નહીં પડી હૈ…ઇન્સે અચ્છા તો ઘર કે ચાર કુત્તે…….”
“ડાઇપર મંગાવી લેજો મૅડમ…પતવા આયા સ..” સાંભળતા જ મધુ ઝબકી અને વાળવા માટે હાથમાં પકડેલ મોટાં દીકરાનું પેન્ટ આંસુથી ભીનું લથબથ થઇ ગયેલું જોતી જ રહી.