ગત બે અંકથી આપણે વાત કરી રહ્યા છીએ મુનશીની ઐતિહાસિક નવલકથા ‘સ્વપ્નદ્રષ્ટા’ ની. સમય છે આઝાદી પહેલાંનો, જ્યારે લોકોના મનમાં દેશભક્તિની જ્વાળા પ્રગટી ઉઠી હતી. ખાસ કરીને યુવકોના મનમાં આક્રોશ હતો અંગ્રેજ સલ્તનત સામે, જુસ્સો હતો ગુલામીની બેડીઓ તોડવાનો. પણ નથી કોઈ નિશ્ચિત દિશા, નથી માર્ગદર્શન કે નથી નેતૃત્વ. મુનશી પોતે પણ વડોદરા કૉલેજમાં ભણતા હતા. એ વાસ્તવિક અનુભવો અને પાત્રોની છાંટ પણ આ નવલકથામાં અનુભવાય છે.
કેટલાંક સમાનશીલ યુવકો ‘મા ભારતી’ ને સ્વતંત્ર કરવાની યોજના બનાવવા ભીમનાથના તળાવે ભેગા થાય છે, તેમાં સુદર્શન પણ એક છે. સૌ એક પછી એક પોતાની યોજના રજૂ કરે છે. સુદર્શનને લાગે છે કે તેમનામાં બુદ્ધિ છે, હિંમત છે, દેશભક્તિ છે, પણ વ્યવસ્થિત માનવતા નથી. જુસ્સામાં વ્યવસ્થા નથી, ઉત્સાહ નથી. અને એ આવે તોજ એમની યોજના કારગત બને. તેઓ એક મંડળ બનાવે છે જેના પ્રમુખ કેરશાસ્પ અને મંત્રી સુદર્શન બને છે. એક વર્ષ પછી યોજના પરિપક્વ કરી ફરી ભેગા મળવાનું નક્કી કરી સૌ છુટા પડે છે.
નામદાર જગમોહનલાલના મિત્ર, પુસ્તકઘેલા પ્રોફેસર કાપડિયા ખૂબ રસપ્રદ વ્યક્તિ છે. જીવનની સામાન્ય જરૂરિયાત પ્રત્યે બેદરકાર પણ જ્ઞાન અને શાણપણનો ભંડાર. ચમરબંધીને પણ કહી શકે એવી હિંમત…રાજકીય અને સામાજિક પરિસ્થિતિઓ અને પ્રશ્નોની ઊંડી સમાજ અને ઉકેલની દૂરદર્શિતા..સંપૂર્ણ રાષ્ટ્રીયતા ખીલે તો જ ગુલામીની બેડીઓ તૂટે. પણ એ ક્યારે બને એના જવાબમાં તેમણે કહ્યું:
1.અગણિત પંથો વિસારી રષ્ટ્રધર્મ સ્વીકારતાં કેટલાં વર્ષો જાય?
2. જુદી જુદી ભાષા ભૂલી એક ભાષા કેટલા વર્ષે આવે?
3. દેશી રાજ્યોનો નાશ કરી રાજકીય એકતા કેટલા વર્ષે આવે?
આ ત્રણ વસ્તુ જ્યારે આવે ત્યારે સંપૂર્ણ રાષ્ટ્રીયતા ખીલે.
પ્રોફેસરે સુદર્શનને સમજાવ્યું કે વિજયી વિપ્લવ એટલે ઉત્ક્રાંતિક્રમ ટુંકા વખતમાં પૂરો કરવાનો અખતરો. ને બીજો રસ્તો રાષ્ટ્રીય સરકારનો. ધાર્મિક ને જાતીય વિરોધને વિસરાવી આખી કેળવણીને રાષ્ટ્રીય કરવી પડે. પ્રોફેસરનું માનવું હતું કે બે ટકા વિદ્યાર્થીઓ પણ કોલેજમાં સેવેલી ભાવનાઓને વળગી રહેતા નથી. તેઓ ભાવનાઓ છોડી નિર્માલ્ય બની સંસાર સાથે સમાધાન કરી લે છે. કોલેજમાં બધા વિપ્લવવાદી, મધ્યાવસ્થામાં બધા કોંગ્રેસવાળા, ઘડપણમાં બધા સરકારના સેવક. નાનપણમાં કંઈ ખાવાનું નહિ એટલે વિપ્લવવાદ સરસ લાગે, મધ્યાવસ્થામાં આગળ વધવા વ્યવસ્થિત ચળવળની જરૂર જણાય, ઘડપણમાં મેળવેલું સાચવવા કાયદા ને વ્યવસ્થાના મદદનીશ થઈ બેસે. સુદર્શને મનોમન કહ્યું કે પ્રોફેસરને ક્યાં ભાન હતું કે તેના અને અંબેલાલ જેવા ભાવનાશીલ યુવકો હવે પાકતા હતા. તેઓ જીવ જવા દેશે પણ ભાવના નહિ છોડે. તેણે હોઠ ભીંસીને જવાબ આપ્યો: ‘ પ્રોફેસર સાહેબ, આપનો જ્ઞાનયોગ નિરાશાની અંધારી ખાઇ છે. તમે જેને નકામાં ગણો છો તે કોલેજીયનો ભારતમાતાની ભક્તિમાં તલ્લીન થઈ ગયા છે. આપનું જ્ઞાન ગણતરીવાળું છે, તેમનું જ્ઞાન પ્રેરણાનું છે. સ્વતંત્ર અને સ્વાધીન થવા તત્પર થયેલી પરમ પ્રબળ ‘માતા ‘ તેમને પ્રેરી રહી છે.’
એક અગત્યના ઘટનાક્રમમાં સુરતમાં યોજાયેલ કોંગ્રેસ અધિવેશનની વાત છે. સુદર્શન અને મંડળી પણ ત્યાં પહોંચે છે. કોંગ્રેસની પ્રવૃત્તિ એને મન પાણીપત હતું. કોંગ્રેસમાં ‘જહાલ’ અને ‘મવાળ’ એમ બે ભાગ હતા. ‘મવાળ’ પક્ષ બહુમતીમાં હતો અને સુદર્શન અને તેના મિત્રો ‘જહાલ’ પક્ષમાં હતા. તેઓ સામા પક્ષનો પ્રેસિડેન્ટ ન આવે એ માટે પ્રયત્ન કરી રહ્યા હતા. તેઓ પ્રેસિડેન્ટ નક્કી કર્યા વગર જ સભા મુલતવી રાખવામાં સફળ થયા. છતાં મિત્રોની વર્તણુકથી સુદર્શનના હૃદયમાં અશ્રદ્ધા પેઠી હતી. તેને પ્રશ્નો થયા. આ કોંગ્રેસમાં ભેગા થયેલામાં શું ખૂટતું હતું? કાપડિયા શું ખરા હતા? નિર્માલ્યતા ક્યાં હતી?
સુદર્શન એક મહિનામાં દેશના ઉદ્ધાર માટેની યોજના બનાવવાની ભીષ્મ પ્રતિજ્ઞા લઈને મુંબઈ ગયો. એ માટે તેણે બુદ્ધિ, શક્તિ અને નિશ્ચયાત્મકતાનો ઉપયોગ કર્યો. તેણે દેશ દેશના ઈતિહાસનો અભ્યાસ કરી સાર કાઢ્યો. દરેક રાષ્ટ્રની સ્વાતંત્ર્ય સેનાની રચના ને સ્વાતંત્ર્ય યુદ્ધની તુલના કરી. દરેક રાષ્ટ્રની ઉન્નતિ અને અવનતિના કારણો ભેગાં કરી તેનું સરવૈયું કાઢ્યું. તેણે હિંદની દશા, મુશ્કેલી ને અશક્તિનું માપ કાઢ્યું. તેણે આદર્શ, શક્ય ને વ્યવહારુ, ત્રણે દૃષ્ટિનું બને તેટલું સંમિશ્રણ કર્યું. પરદેશીઓની શક્તિની ગણતરી કરી, રાત દિવસ મહેનત કરી એક સર્વાંગ સંપૂર્ણ યોજના ઘડી કાઢી. રાષ્ટ્રધર્મના મંત્રોનું ગુંજન કરતાં, વિશુદ્ધ અને પ્રોત્સાહિત અંતરથી સુદર્શને ‘મા’ ને વિનાવ્યા કરી. ‘મા ! પ્રેરણા આપો! શક્તિ આપો!’ યોજના લખાતી ગઈ. કાગળોના કાગળ લખ્યા, સુધાર્યા, કપાયા ને ફરી લખાયા. તેની આગળ કાગળની થોકડી જોઈ સંતોષ અને ગર્વથી એનું હૈયું ફૂલી ગયું. 31 જાન્યુ આરીએ તેમનું મંડળ વડોદરા મળવાનું નક્કી કરેલું ને હજુ તો 15મી તારીખ હતી ને તે સંપૂર્ણ યોજના સાથે તૈયાર હતો. સુદર્શને તેની પ્રોત્સાહક સહચરી, સચિવ, સખી, પ્રિય શિષ્ય એવી ધનીબહેનને કહ્યું કે તેણે કામ પૂરું કર્યું.
સ્વપ્ન એ આદર્શ હોય છે અને સાથે જ આદર્શ એ એક સ્વપ્ન હોય છે . કોઈ પણ સ્વપ્નદ્રષ્ટા પોતાના સ્વપ્નને વાસ્તવિક ભૂમિ પર ઉતારવા પ્રયત્નશીલ હોય છે .આ પ્રયત્ન ક્યાંક કળ અને બળ નું મિશ્રણ પણ હોય છે . શું સુદર્શનના સ્વપ્નનો રાહ તેને મંઝિલ તરફ દોરી જશે? આપણી આકાંક્ષાનો અંત સુદર્શનની 31મીની મીટીંગના દ્રશ્યની પશ્ચાદ ભૂમિ સાથે આવતા અંકે…
રીટા જાની