૧૪ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

જેની લાઠી તેની ભેંસ

કહેવત પાછળની બોધકથા રસપ્રદ છે. એક છોકરો ગામની ભાગોળે ભેંસ ચરાવતો હતો. ત્યાંથી એક મુછાળો પડછંદ માણસ નીકળ્યો. તેણે પોતાની પાસેની કડિયાળી ડાંગ બતાવીને પેલા છોકરાને કહ્યું, “ ભેંસ મને આપી દે અને ચુપચાપ ચાલતી પકડ નહીંતર તારી ખેર નથી”. બિચારો એકલો છોકરો કરે શું? તેણે વિચાર્યું માણસ બળમાં તો મારી સામે જીતી જશે એટલે એને કળથી હરાવવો પડશે. તેમ વિચારીને તેણે પોતાની ભેંસ આપી દીધી. પછી તેણે ચાલાકી વાપરીને કહ્યું, “હું ગરીબ બ્રાહ્મણનો દીકરો, તમે મારી પાસેથી એમ ને એમ ભેંસ પડાવી લેશો તો તમને પાપ લાગશે. એના કરતાં એમ કરો, ભેંસના બદલામાં મને તમારી લાઠી આપો. બસ, પછી તમે ભેંસ મફતમાં પડાવી નહી ગણાય”. પેલાને થયું, લાકડીની કિંમત શું? તેણે તો લાકડી આપી દીધી અને ભેંસ લઈને ચાલતી પકડી. છોકરાએ તેને બૂમ પાડીને ઉભો રાખ્યો અને લાકડી તેના પગમાં ફટકારીને તેને અધમૂઓ કરી નાંખ્યો. ભેંસને મૂકીને ચુપચાપ ચાલ્યા જવાનું કહ્યું.જેની લાઠી તેની ભેંસ” કહીને છોકરાએ ચતુરાઈથી પોતાની ભેંસ પાછી મેળવી અને પેલા માણસે પોતાની લાઠી ગુમાવી.

હંમેશાં બળવાન માણસ ફાવી જાય છે. યુગોથી ચાલ્યું આવ્યું છે.મારે તેની તલવાર”, મોટી માછલી નાનીને ખાય”,સત્તા આગળ શાણપણ નકામું” કહેવતો સમાનઅર્થી કહી શકાય. એક સમય હતો કે જ્યારે ભારત દેશ નાના નાના રજવાડાઓમાં વહેંચાયેલો હતો ત્યારે સૌરાષ્ટ્રમાંહાંકે તેની ભેંસ” અનેમારે તેની તલવાર”ની પરિસ્થિતિ હતી. માથાભારે તત્વોની દાદાગીરીને કારણે પ્રજા હેરાન થતી હોય છે. જ્યારે નેતૃત્વની નૈતિકતા રહેતી નથી અને રાજકારણની ઓથે જોરાવર વ્યક્તિઓની લાઠી મજબૂત બને છે ત્યારે સામેની વ્યક્તિ મજબૂર બની જાય છે. રક્ષકો ભક્ષકો બને ત્યારેવાડ ચીભડા ગળે” તેવી પરિસ્થિતિ ઊભી થાય છે. કાયદાકીય જડતાને કારણે જનતા કોર્ટના ચક્કરમાં સમય, પૈસા અને તંદુરસ્તી બરબાદ કરી દે છે. નાની દીકરીઓ સાથે દુષ્કર્મ કરનાર આરોપીઓ પૂરાવા નાશ કરીને નિમ્ન કક્ષાએ પહોંચી જાય છે ત્યારે લાગે છે,જેની લાઠી તેની ભેંસ”. બધાને કારણે જ્યારે સ્ત્રીઓની તરફેણમાં બનતા કાયદાની  ઓથે સ્ત્રીઓ, પુરુષો પર દમન કરે છે, તેમને મળતાં કાયદાકીય લાભોનો ગેરલાભ ઉઠાવે છે ત્યારે તેવી સ્ત્રીઓ પુરુષોને લાચાર કરી દે છે. આવે સમયે સમાજના આગેવાનો સાચા અર્થમાં પ્રજાના સેવકો બનીને રહે તો ગુના બનતાં અટકી શકે.

જાતિ અને ધર્મના નામે લાઠી  ઉગામાય છે ત્યારે ધર્મનું રૂપ ઘાતકી બને છે. ઘંટીનાં બે પડની વચ્ચે દાણા પીસાય એમ ધર્મ અને રાજ્યસત્તાની વચ્ચે પ્રજા પીસાય છે. અનેક સંસ્થાઓમાં પણ જે સત્તા પર હોય તેનું ચલણ હોય છે. ત્યાંસત્તા આગળ શાણપણ” નકામું બને છે. અનેક કુટુંબમાં પણસો દહાડા સાસુના તો એક દહાડો વહુનો” કહેવતમાં લાઠી અને ભેંસ સાસુ પાસે રહેતી. આજે સમયની સાથે કહેવત બદલાઈ છે. લાઠી અને ભેંસ બન્ને વહુ પાસે રહે છે.તારા પછી મારો અને મારા પછી તારો વારો” આમ ચક્ર ચાલ્યાં કરે છે. અહીં દરેક જગ્યાએ સમાનતા ની મહેક ફેલાય અને સંબંધો સંવેદનાસભર બની રહે તે જરૂરી છે.

સબળ અને સધ્ધર વ્યક્તિ  નિર્બળનું શોષણ કરે, તેના પર રાજ કરે પશુવૃત્તિ કહેવાય. માનવમાં વૃત્તિ હોય તેને વિકૃતિ કહી શકાય. આહાર, નિંદ્રા, ભય, મૈથુન માનવ અને પશુમાં સામાન્ય હોય છે પરંતુ બધાથી પર થઈને, માનવતા અપનાવીને માનવ માનવ બને તે જરૂરી છે. સત્તાના જોરે કોઈનો હક્ક, વસ્તુ,  માન-સન્માન કે મિલકત છીનવી લેવી પતંજલિના અષ્ટાંગ યોગનું એક અંગ છે. જે આપણું નથી તે કોઈની પાસેથી ઝૂંટવી લેવું કે પડાવી લેવું એટલે અસ્તેય.

વ્યક્તિ તેની તાકાતનો ઉપયોગ સકારાત્મક રીતે કરે તો સમાજની રુખ બદલાઈ જાય વાતને સમજવા હાથી અને કીડીની વાત સમજવી રહી. એક જંગલમાં હાથી રહે. તેને પોતાના મોટા કદનું ખૂબ અભિમાન. તે જંગલના અન્ય પ્રાણીઓને સતાવતો. એક દિવસ તેણે વૃક્ષની ડાળે પોપટ બેઠેલો જોયો. પોપટને કહે, તને દેખાતું નથી, હું પસાર થઈ રહ્યો છું. હું જંગલનું સૌથી શક્તિશાળી પ્રાણી છું. ચાલ, મને ઝૂકીને પ્રણામ કર. પોપટ કહે, હું શું કામ કરું? હાથી કહે, ઉભો રહે, હું તને સન્માન આપવાનું શીખવીશ એમ કહીને ગુસ્સે થઈને હાથીએ આખા વૃક્ષને ઉખેડી નાંખ્યું. પરંતુ પોપટ તો ઉડીને બીજા વૃક્ષ પર જઇ બેઠો. અપમાનિત થઈને હાથી તળાવ કિનારે પાણી પીવા ગયો. ત્યાં એક કીડી રહેતી. હાથી તેને રોજ સતાવતો. તેણે કીડીને કહ્યું, નાનકડી કીડી, લાડવો લઈને તું ક્યાં જાય છે? કીડી કહે, ચોમાસું આવે છે માટે હું મારા દરમાં ખાવાનુ ભેગું કરું છું. હાથીએ તેની સૂંઢમાં પાણી ભરીને કીડી પર છાંટ્યું. કીડીનો ખોરાક ખરાબ થઈ ગયો. કીડી બિચારી ભીની થઈ ગઈ. હાથી હસવા માંડ્યો. કીડીએ કહ્યું, તને તારી તાકાત પર અભિમાન છે તો હું તને એક દિવસ જરૂરથી પાઠ ભણાવીશ. હાથી કહે, તું મને શું પાઠ ભણાવવાની? હાથી કહે, નાનકડી કીડી, હું તને મારા પગ નીચે ચગદી કાઢીશ. એમ કહીને કીડીને ભગાડી. કીડીને ખૂબ ગુસ્સો આવ્યો હતો. હાથીને અભિમાનના નશામાં ખબર નહોતી કે “નાનો પણ રાઈનો દાણો” અને “શેરને માથે સવાશેર હોય છે”. કીડીએ હાથીને પાઠ ભણાવવાનું નક્કી કર્યું.  બીજા દિવસે કીડીએ જોયું કે હાથી એક ઝાડ નીચે સૂતો હતો. તે શાંતિથી તેની સૂંઢમાં ઘૂસી ગઈ. અંદર જઈને તેને બટકુ ભરવા માંડી. દુઃખાવો થતાં હાથી જાગી ગયો. વેદનાથી કણસવા માંડ્યો. દુઃખાવાથી રડવા માંડ્યો. તેણે બચાવોની બુમો પાડી. સાંભળીને કીડી બહાર આવી ગઈ. નાની કીડીને જોઈને હાથીને આધાત લાગ્યો. તે ઘૂંટણિયે પડી, કીડીની માફી માંગવા લાગ્યો, જેથી કીડી ફરીથી કરડે નહીં. હાથીને તેની ભૂલ સમજાઈ ગઈ. ત્યારબાદ તે કોઈનેય સતાવતો નહીં. નાની કીડી કેટલું બધું શીખવી ગઇ?

માનવ તેના સ્વભાવથી પાંગળો હોય છે. તે દુનિયાના કોઇપણ ખૂણે વસતો હોય પરંતુ પૈસો, સત્તા અને મોભાને લાઠી બનાવી સામેના પર ઝીંકવાનુ છોડતો નથી. “જેની લાઠી તેની ભેંસ”ના બદલે જો માનવી વિવેકપૂર્ણ રીતે સત્તાનો ઉપયોગ લોકકલ્યાણમાં કરે તો સમાજના માળખાનું ચિત્ર ચોક્કસ બદલાઇ જાય.

સંવેદના ના પડઘા- ૧૭ભૂલું ના એક ક્ષણ તુઝે

 
અમેરિકાના વસવાટને લગભગ ૧૨ વર્ષ થયા અને ગ્રીનકાર્ડ સાથે સાત.બંને બાળકો,નજીકના કુટુંબીજનો અને હ્રદયથી ખૂબ નજીક એવા મિત્રો ,બધા અમેરિકા હોવાથી ટ્રમ્પના રાજમાં કંઈ બદલાય જાય તો ……….,એમ વિચારી અમે પણ છેવટે અમેરિકન સિટીઝનશીપ લેવાનું નક્કી કર્યું. પચ્ચીસમી જાન્યુઆરીએ સવારે ફીંગરપ્રીંટની વિધિ પતાવી સાંજે ટી.વી સામે અમેરિકન સિટીઝનશીપ માટે પૂછવામાં આવતા સવાલોની ચોપડી લઈને વાંચતા વાંચતા ,સાથે ટી.વી પર ભારતમાં દિલ્હીમાં ચાલતી ૨૬મી જાન્યુઆરીની પરેડ પણ જોઈ રહી હતી. તનથી અમેરિકામાં હતી પણ મન તો ભારતમાં મ્હાલી રહ્યું હતું.ગુજરાતનો ટેબ્લો આવ્યો .કબીરજી ના દોહા સાથે ગાંધીબાપુ ની દાંડીયાત્રા ની સુંદર ઝાંખી,સાથે હ્રદયકુંજ, ગાંધીબાપુ જેલમાં અને સરદાર અને બાપુની મંત્રણા.વાહ શું સુંદર પ્રદર્શન !!!
બધાં રાજ્યોના ટેબલો નું પ્રદર્શન સરસ હતું પણ ગુજરાત સાથેનું એક અનોખું જોડાણ તો ખરું જ ને!


અમિતશાહની સાથે હું પણ આંખોમાં આંજેલ આનંદની ભીનાશ સાથે ઊભી થઈને તાળીઓ પાડી રહી હતી.એટલામાં  ટી.વી માં જાહેરાત આવતાં ચોપડીમાં સવાલ પર નજર ગઈ તો…..


What is one promise you make when you become a United States Citizen?
First option – give up loyalty to other countries…

આ વાંચી મારું ભારતીય હ્રદય ખળભળી ઊઠ્યું.ગુનાહીત સંવેદનાનું એક લખલખું મારા શરીરના એકેએક હિસ્સાને ઝંઝોડી ગયું.મને અમેરિકા કે બીજા કોઈ દેશ સાથે કોઈ અણગમો નથી.તેની સારી વાતો ,વિચાર અને લોકોને પણ હું આવકારું જ છું.પણ મારી માતૃભૂમિ માટેનો મારો પ્રેમ તો અતુલનીય છે.હું તો આખેઆખી મારાં દેશની દુનિયામાં ખોવાઈ ગઈ!!!!!!!પિતા દેશપ્રેમની એક મિસાલ ,જેમણે મારામાં બાળપણથી જ દેશપ્રેમ ઠાંસી ઠાંસીને ભર્યો છે.પંદર વર્ષની થઈ ત્યાં સુધી ખાદી પહેરી.અનેક દેશભક્તોને દેશસેવકોને આવકાર્યા.અને હવે હું….. મારા દેશ પ્રત્ચેનીનિષ્ઠા કેવી રીતે ત્યજી શંકુ????? જુદીજુદી સંસ્થાઓમાં નાની હતી ત્યારથી જ જઈને પિતા સાથે કરેલા એકેએક ૨૬મી જાન્યુઆરીના ધ્વજવંદન અને દેશ માટે ખાધેલ સોગંદ યાદ આવી ગયા. સંવેદનાની હેલીએ આંખમાં અનરાધાર આંસુની વર્ષા વરસાવી દીધી.દેશપ્રેમ ના વિરહની વેદનાએ મારી છાતી ને ભીંસીંને ચૂરચૂર કરી દીધી.વતનની માટીની સુગંધ અને સાબરમતી નદીનાં લહેરાતાં પાણીની યાદોં એ મન ને વિચલિત કરી મૂક્યું.અને પેલા ગીતે મનને ઘેરો ઘાલ્યો.


એય મેરે પ્યારે વતન,એય મેરે બિછડે ચમન,તુજ પે દિલ કુરબાન.
તુહી મેરી આરઝૂ,તુહી મેરી આબરૂ,તુજ પે કુરબાન મેરી જાન.
તેરે દામનસે જો આયે ઉન હવાઓંકો  સલામ, 
ચુમ લૂં  ઉસ જુબાનકો જિસપે આએ તેરા નામ,

 

અત્યાર સુધીના વતનના વિરહની જે વેદનાને ધરબી રાખી હતી તે વંટોળ બની મને ઘેરી રહી હતી.
ઘરના નાકા પરના મંદિરનાં આરતીના ઘંટારવથી શરુથતી સવાર ને સંધ્યાકાળ.ઉનાળાની બપોરનો કોયલ નો મીઠો ટહૂકાટ,વરસાદ આવતાં આંગણામાં મોરનો થનગનાટ,મધમઘતી રાતરાણીની  સુવાસથી મહેકતું મારા ‘આમ્રપલાશ ‘ઘરનું આંગણું, ધાબા પર તારલાંની ચાદર ઓઢીને ,ઠંડા પવનના વીંઝણાં લઈને લીધેલ નીંદરનો મધુર અહેસાસ….એ મિત્રો ને ભાઈબહેન સાથે વિતાવેલી બાળપણ ની એકએક પળ મારી નજર સમક્ષ  ઇતિહાસની જેમ ખડી થઈ ગઈ.


આપણા માતા-પિતા ,ભાઈ-બહેનો તથા આત્મીયજનો સાથે વિતાવેલ દિવસો જે માતૃભૂમિ પર
વિતાવ્યા હોય ,તે મારા મહાન ભારત પ્રત્યે ની નિષ્ઠા  તો મારા શરીરના શ્વાસ પૂરા થશે ત્યારે જ ત્યજાશે.હા ,બદલાએલ સંજોગો ને વશ થઈ,આજમાં જીવીને ચોક્કસ અમેરિકાને વફાદાર રહીશ,તેના કાયદાઓનું સંપૂર્ણ પાલન કરીશ પણ મારી નિષ્ઠા તો મારા માટે જે સ્વર્ગથી પણ અધિક છે તે મારા દેશ પર જ રહેશે.આટ આટલા વર્ષથી અમેરિકામાં રહી છું પણ મારું અચેતન મન હજુ ભારતમાં જ લાગે છે કારણકે મને હજુ રોજ સપના ભારતના જ આવે છે.પહેલાં દેશભક્તિના ‘હકીકત’ અને ‘બોર્ડેર ‘પીક્ચર જોઈને દેશપ્રેમમાં રડતી હતી તેવીજ રીતે અહીં આવીને ‘રાજી,’ ‘ઊરી-સર્જીકલ સ્ટ્રાઈક ‘અને ‘મનીકર્ણિકા ‘ જોઈને દેશપ્રેમમાં એટલી જ ઉત્તેજિત થઈ જાઉંછું અને ગાઈ ઊઠું છું


દેશ સે હૈ પ્યાર તો ,હર પલ યે કહના ચાહીએ ,મેં રહું યા ન રહું ,ભારત યે રહના ચાહીએ.
મેરી નસ નસ તાર કરદો ઔર બના દો એક સિતાર,રાગ ભારત મુઝપે છેડો ,ઝનઝનાઓ બારબાર.
દેશસે યે પ્રેમ આંખોસે છલકના ચાહીએ,હૈ મુઝે સૌગંધ ભારત,ભૂલું ના એકક્ષણ તુઝે
ભૂલુંના એક ક્ષણ તુઝે


( આ વાંચનારમાંથી કેટલાય ,વર્ષોથી કે હમણાં અમેરિકન સિટીઝનશીપ ધરાવતા હશે .શું તમને પણ સિટીઝનશીપ લેતા  મારા જેવાેજ અહેસાસ વતન માટે અનુભવાયો હતો?અહીંયાં ‘ જન ગણ મન ‘ગાઈએ ત્યારે  વતન ઝૂરાપો અનુભવાય છેને?જો હા ,હોય તો વાંચીને દરેક જણ “જયહિન્દ”જરુર લખજો.)

જિગીષા પટેલ

વાત્સલ્યની વેલી ૧૫) ખોટી જગ્યાએ: ખોટા સમયે !

આજે આપણે કોઈ કોલેજમાં એડમિશન લેવું હોય તો ઘેર બેઠાં ઇન્ટરનેટ દ્વારા બધી માહિતી મળી જાય છે ; પણ ત્રણેક દાયકા પૂર્વે આવી માહિતી છાપાં અને ટેલિફોન ડિરેક્ટરી દ્વારા લેવી પડતી !શિકાગોના પશ્ચિમ પરાની સુંદર કોલેજમાં – બાળઉછેર અને બાળશિક્ષણના ક્લાસીસ પતાવ્યાં બાદ હવે મારે માત્ર એક જ મહત્વનો વિષય ભણવાનો બાકી હતો જે સ્કૂલ એડ્મીનીસ્ટ્રેશનનો હતો.
એ ક્લાસ ફોલ સેમેસ્ટરમાં વેસ્ટર્ન સબર્બની ટ્રાઈટન કોલેજમાં શનિવારમાં નહોતો એટલે મેં ફરી પાછું શિકાગોની સીટી કોલેજમાં તપાસ કરી.
મેં મારા અભ્યાસની શરૂઆત શિકાગો શહેરનીગવર્મેન્ટ કોલેજોમાંની એક રાઈટ કોલેજથી કરેલી ; ત્યાંથી ટી વી ક્લાસ લીધેલા. એ વિષે મેં આગળ જણાવ્યું છે. રાઈટ કોલેજ Wright College ઘરથી દોઢેક માઈલ જ દૂર હતી પણ ત્યાં મારે જરૂરીસ્કૂલ એડ્મીનીસ્ટ્રેશનનો વિષય એ સેમેસ્ટરમાં શનિવારના દિવસમાં શીખવાડવામાં આવતો નહોતો. હા , બીજી એક કોલેજ હતી જેનું નામ હતું ડોવસન ઇન્સ્ટિટયૂડ તેમાં ઓક્ટોબર પાનખર સેમેસ્ટરમાં એ વિષય શનિવારે શીખવાડવાના લિસ્ટમાં હતો. રાઈટ કોલેજની એડમિશન ઓફિસમાં કાઉન્ટર પર ઉભેલી બેને મને પૂછ્યું : ડોવસન કોલેજ કેમ્પસ માટે પણ તમારી ફી અહીં ભરી શકાય. કહો તો હમણાં જ એડમિશન સિક્યોર કરી લઉં!”
“શું કરીએ ? “મેં અને સુભાષે સહેજ વિચાર્યું.
અમારાં છોકરાંઓ ત્યાં લોબીમાં કાંઈક રમતાં ,દોડાદોડી કરતાં હતાં. અમારે ઝડપથી એડમિશન લઈને એ કામ પૂરું કરી બહાર જવું હતું ! વળી રાહ જોવા રહીએ તો રખે ને શનિવારનો એ ક્લાસ ફૂલ થઇ જાય તો? અમે વિચાર્યું!
અમે તરત જ એડમિશન લઇ લીધું ને સેમેસ્ટર શરૂ થવાની રાહ જોવા માંડી.
એ મારો છેલ્લો ક્લાસ હતો; એ પતે કે તરત જ અમે અમારાં ટેમ્પરરી કાયદેસરના સ્ટેટ્સ પર ચાર અઠવાડિયા વતન જવાનાં હતાં !ઉતાવળ અને ઉત્સાહમાં બીજા કોઈ વિચાર કરવાનું : કોલેજ કેવી હશે ,કેટલે દૂર હશે કેવાં લોકો હશે એવું તેવું અમારાં મનમાં જ ના આવ્યું !
નિશ્ચિત દિવસે સવારે સીટી મેપ લઈને અમે ચારેય જણ ગાડીમાં ગોઠવાયાં. આ રસ્તો , પેલો રસ્તો; રાઈટ ટર્ન, લેફ્ટ ટર્ન એમ ડાબે જમણે આગળ ને આગળ વધ્યાં ; પણ પછી વાસ્તવિકતા સમજાઈ કે આ સીટી કોલેજ આમ તો ભલે શિકાગોમાં હતી ,પણ છેક ઇન્ડિયાના સ્ટેટ નજીક! અમે થોડાં આગળ વધ્યાં ત્યાં નેબરહૂડ પણ બદલાઈ ગયું !
અમેરિકાના અમારાં ત્યારનાં સાતેક વર્ષના વસવાટ દરમ્યાન જોયું નહોતું તેવું ઉકરડા જેવું ચારે કોર ! રસ્તા ઉપરની દુકાનો ને મકાનોના બારીના કાચ તૂટેલ ફૂટેલ અને ગ્રિફિટી! પાનખર ઋતુ બેસી ગઈ હતી એટલે અને શનિવારની વહેલી સવાર હતી એટલે રસ્તાઓ ઉજ્જડ અને ભયાનક લાગતાં હતાં! દૂર ક્યાંક પોલીસની સાયરનો સંભળાતી હતી .. હા, અમે પૂરાં આફ્રિકન અમેરિકન કમ્યુનિટીના વિસ્તારમાં હતાં! શિકાગોમાં આ અશ્વેત પ્રજા આવીને વસી તેનું પણ એક કારણ છે .
આપણને જાણી ને આશ્ચર્ય થાય કે આટલાં પ્રગતિમય દેશમાં હજુ સો વર્ષ પહેલાં જ્યોર્જિયા- અલાબામા ,ટેક્ષાસ જેવા દક્ષિણી રાજ્યોમાં કાળી ચામડીનાં લોકો તરફ સરકારના કાયદાને અવગણીને પણ વિરુધ્ધ , ઓરમાયું વર્તન દાખવવામાં આવતું (એ લોકોને ઝાડ પર લટકાવીને મારી નાંખે વગેરે) ! ધોળી પ્રજા હજુ પણ તેમને ગુલામ તરીકે જ રાખવા માંગતી હતી; ત્યારે ૧૯૧૫માં પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન આ બધાં સાઉથનાં રાજ્યોમાંથી હજ્જારોની સંખ્યામાં કાળી પ્રજાએ ઉત્તરનાં રાજ્યો તરફ સ્થળાંતર કરવા માંડ્યું હતું .મિડવેસ્ટમાં શિકાગો જેવા મોટા શહેરોના વિકાસ માટે મજૂરોની જરૂરિયાતને પહોંચી વળવા મોટી ક્મ્પ્નીઓએ આ લોકોને સ્થળાંતર કરવા અને નવેસરથી વસવાટ કરવા બધી સગવડો આપી ને બોલાવ્યાં હતાં. શહેરના રસ્તાઓ,રેલવે લાઈનો ,કારખાના બધી જગ્યાએ હજ્જારોની સંખ્યામાં આ લોકોને કામ મળ્યું . અને એ બધાં જ અહીં સાઉથમાં સેટ થયેલાં!
સદીઓ સુધી ગુલામીમાં સબડતાં , ત્રાસ સહન કરતાં, અને શિક્ષણના અભાવે કાંઈક અંશે ઉગ્ર સ્વભાવનાં , બંડખોર ,આ અશ્વેત પ્રજામાં અસહિષ્ણુંતા , મારામારી વગેરે કુટેવો વધારે હોય તે સ્વાભાવિક છે. વળી અમેરિકામાં પોતાની જાતનો બચાવ કરવા બંદૂક રાખવાનો હક આપવામાં આવેલ હોવાથી છાસ વારે હિંસાનું પણ અમે સાંભળીએ ; તેથી સમજીને જ એનાથી દૂર રહેવાનું વલણ અમે કેળવેલું ! નાહકનું આવ પાણા પગ પર : એમ ઉપાધિને નોંતરવી શાને ? તેથી અમને એ લોકોનો ઝાઝો પરિચય નહોતો !
હું અંદરથી ડરી ગઈ હતી, કારણકે આવું અમે જોયું નહોતું. હા ,ફલાણી જગ્યાએ કે ફલાણા વિસ્તારમાં ધોળે દિવસે પણ ના જવાય એવું સાંભળ્યું હતું ખરું ! તેથી કોઈ દિવસ એવા વિસ્તારમાં જવાનું થયું જ નહોતું ! મોટા ભાગે શિકાગો ડાઉનટાઉનથી એક્ષપ્રેસવે ઉપર જ આગળ નીકળી જઈએ . પણ આજની વાત સાવ જુદી જ હતી ! છેવટે અમે એ એડ્રેસ પર પહોંચ્યાં!
મુખ્ય રસ્તા પર એક વિશાળ બિલ્ડિગમાં વચ્ચે લોંખડી ગેટ હતો .આજુબાજુ કોઈદેખાતું નહોતું. “ હું અંદર તપાસ કરીને પાછી આવું છું !” મેં કહ્યું . નવેક વર્ષના અમારા ખેલનને પણ મારો ક્લાસ રૂમ જોવા મારી સાથે આવવું હતું તો એને પણ સાથે લીધો .
બિલ્ડિગમાં અંદર પ્રવેશતાં પરસાળ – હોલવેમાં – એક સાડા છ ફૂટ ઉંચો પડઘમ સિક્યોરિટીનો માણસ બેઠો હતો.એણે પહેલા જ ધડાકે મારો ઉધડો લેતો હોય તેમ ઘૂરકયું કર્યું ; “ આ છોકરો કેમ આવ્યો છે?”
“ એને મારો ક્લાસ જોવો છે; લઇ જાઉં ?” મેં એમને વિવેકપૂર્વક પૂછ્યું. પણ એમને એ જરાયે ના ગમ્યું ! કચવાતે મને એણે મને રજા આપી.
આખ્ખા વિશાળ બિલ્ડિગમાં માત્ર એક જ ઓરડો ખુલ્લો હતો. હું અંદર ગઈ. દશેક કાળી સ્ત્રીઓ વાતો કરતી હતી પણ કોઈએ મારી સામે નજર સુધ્ધાં ના કરી! ક્લાસમાં પાછળ ત્રણ ચાર છોકરાઓ ખેલનની ઉંમરના જ – નવ દશ વર્ષના રમતા હતા. શનિવારના વર્ગોમાં આવું બનતું હોય છે. ક્યારેક ભણવા આવનાર મમ્મી બેબીસિટરના અભાવે પોતાના છોકરાને સાથે લઇ આવતી હોય છે . ખેલન પણ એમની સાથે જરા રમવામાં ભળ્યો . વધુ બે ચાર બહેનો આવી. હવે ક્લાસ શરૂ થવાનો હતો એટલે ખેલનને હું ગાડી સુધી મુકવા ગઈ. કાળીયાએ મને બરાબર ધ્યાનમાં રાખી હોય તેમ લાગ્યું . ખબર નહીં કેમ પણ મને લાગ્યું કે હું ઇન્ડિયન એ કોલેજમાં , એ જગ્યાએ હતી એ એને જરાયે ગમ્યું નહોતું! ત્રણ વાગે ક્લાસ પૂરાં થાય ,પણ મેં સુભાષને વહેલાં આવવા કહ્યું.
તદ્દન અવ્યવસ્થિત એ ક્લાસ હતો! શું ભણી તે સહેજ પણ યાદ નથી. હું જાણે કે કોઈ અજાણ જગ્યાએ સાવ અજાણ્યા લોકો દુશમ્નો વચ્ચે આવી પડી હોઉં તેમ લાગ્યું.
એ પહેલાનાં ( અને પછીનાં આજ દિન સુધીનાં ) કોઈ સ્થળે આટલી અવહેલના ઉપેક્ષા કે અપમાન મેં જોયાં કે અનુભવ્યા નથી ! ખબર નહીં કેમ પણ સિક્યોરિટી ગાર્ડને પહેલી નજરે જ મારી સાથે વાંકુ પડી ગયું !
જેન એલિયટે ક્લાસમાં પેલો પ્રયોગ કર્યો તે પૂર્વે એણે છોકરાઓને પૂછેલું કે તમે એ અશ્વેત લોકો માટે શું માનો છો ? આ છોકરાઓ જેમણે અશ્વેત લોકોને નજીકથી જોયાં પણ નહોતાં એમણે સ્ટીરીયો ટાઈપ જવાબો આપ્યાં; જવાબ લખેલ : તેઓ ગંદા ,ઝગડાળુ ,ચોરી કરે ,વગેરે અવગુણોથી નવાજેલ .
આજે એક ઇન્ડિયન હોવાને નાતે હું એક સ્ટીરીયો ટાઈપ ઇન્ડિયન હતી !
એ લોકો મારા વિષે શું વિચારતાં હતાં તેની ખબર મને વર્ષ પછી પડી!
આ કોલમની શરૂઆતમાં મેં લખ્યું છે કે કેટલીક ભૂલો અને ભ્રમણાઓમાંથી ભગવાને મને ઉગારી છે: આ એક એવું પગલું હતું જે ભરવા જેવું નહોતું, પણ ઉતાવળમાં લીધેલું !
બીજે અઠવાડિયે હું અધ્ધર દિલે ભણવા ગઈ. પણ આ વખતે બીજા ચાર પાંચ છોકરાઓ પણ તેમની મમ્મીઓ સાથે આવેલાં એટલે મેં પણ ખેલનને મારી સાથે ક્લાસમાં રહેવા દીધો : રિવર ફોરેસ્ટમાં શનિવારના વર્ગોમાં કેટલીક છોકરીઓ તેમની મમ્મી સાથે આવતી , ત્યારે મેં નૈયાને મારી સાથે ક્લાસમાં રહેવાની તક આપેલી ; આ વખતે ખેલનનો વારો હતો .
એકાદ કલાક બાદ પેલો કાળીયો ચાલુ ક્લાસે અંદર આવ્યો અને બધાંની હાજરીમાં મને વઢવા માંડ્યો : “છોકરાઓ ક્લાસમાં લાવવાની મનાઈ છે ! “ એણે કહ્યું .
“ પણ આ બીજા બધાં છોકરાઓ છે તેનું શું?” મેં એવું તેવું કૈંક ડરતાં કહ્યું .
એણે ગુસ્સાથી મારી સામે જોયું !
“પણ મેં તને ના પડેલી ને , ગયા અઠવાડીએ ?” એણે કહ્યું. જોકે એ મને ક્લાસની બહાર તો કાઢી શકે એમ નહોતો . અને બીલ્ડીગની બહાર જવું તો જરાયે સલામત નહોતું .
બીજો કોઈ ઉપાય નહોતો એટલે સમસમીને હું ડરની મારી ચૂપ બેસી રહી ! અને મારાં આશ્ચર્ય વચ્ચે ટીચર કે બીજી કોઈ બેન કાંઈ જ ના બોલી! હું તો ડઘાઈ જ ગઈ : ખરેખર આવું – આવું આ દેશમાં બની શકે ?? આટલો બધો વહેરો આંતરો?
અંદર અંદર એ લોકો વાતો કરતાં હતાં કે જેલમાં દશ વર્ષ ગાળીને એ અહીં સિક્યોરિટી ગાર્ડ તરીકે જોડાયો છે!!
આજે આટલાં બધાં વર્ષો પછી જે યાદ છે તે છે એ વખતે અનુભવેલો ડર!
ઘેર જતાં રસ્તામાં જ અમે નક્કી કર્યું કે આ જગ્યાએ આવવાનું સાહસ કરવા જેવું નથી.
“પણ મારાં આ એડ્મીનીસ્ટ્રેશનના ક્લાસનું શું થશે ?” મેં ચિંતા વ્યક્ત કરી .
“ આપણે કોઈને કોઈ બીજો રસ્તો શોધી કાઢશું !” સુભાષે એનું ધ્રુવ વાક્ય કહ્યું! “તું ચિંતા ના કરીશ !”
ભગવાનનો પાડ માની અમે વધુ મહત્વના કામે લાગી ગયાં : આ દેશમાં આવ્યે સાત આંઠ વર્ષનાં વહાણાં વહી ગયાં હતાં! દેશમાં બધાં અમારી આતુરતાથી કાગડોળે રાહ જોઈ રહ્યાં હતાં ..અમે વતનની મુલાકાતે જવાં તૈયારી શરૂ કરી!
દેશમાંથી પાછાં આવ્યા પછી હું એ ક્લાસમાં ભાગ્યે જ કદાચ એકાદ વાર ગઈ હોઈશ . પરીક્ષા આપવા અમારે કાયમ નજીકની લાયબ્રેરીમાં જ જવાનું હોવાથી મારે એ કેમ્પસમાં ફરીથી જવાની જરૂર ના રહી. બીજે વર્ષે જયારે મેં ડે કેર સેન્ટર શરૂ કર્યું ત્યારે એક ગવર્મેન્ટના મોટા ડે કેર સેન્ટરની ડિરેક્ટર સાથે ઓળખાણ થયેલી : એ કાળી બેન એના દીકરાને અમારા સેન્ટરમાં મુકવા આવતી! ત્યારે મેં વિગત વાર આ સમગ્ર બનાવની વાત કરેલી . એણે મને સહાનુભૂતિ દર્શાવતાં કહેલું; “ અદેખાઈ !લાગે છે કે એને તારા પ્રત્યે અદેખાઈ થઇ હશે! ગીતા, તમે પરદેશીઓ થોડા સમય પહેલાં આવીને અમારી આગળ નીકળી જાઓ તે એ ગાર્ડને ગમ્યું નહીં હોય !
એ કોલેજ નજીક કેનેડી કિંગ નામની મોટી હોસ્પિટલ હતી જ્યાં આપણાં ઇન્ડિયન ડોકટરો કામ કરતાં! આમ પણ મહેનત કરીને બુદ્ધિ બળે ઇન્ડિયન લોકો આર્થિક પ્રગતિ કરે તે સ્વાભાવિક રીતે જ સદીઓ સુધી દબાયેલ કચડાયેલા પ્રજાને ના ગમે ! બની શકે કે એને કોઈની સાથે કોઈ અણબનાવ થયો હશે !!
જે હોય તે! હું ભગવાનની કૃપાથી ઘણી જાણી અજાણી મુશ્કેલીઓમાંથી ઉગરી ગઈ હતી!
ઉછરી રહેલી વાત્સલ્યની વેલડી વળી એક મોટા ઝંઝાવાતમાં અટવાતાં બચી ગઈ…
ગીતા ભટ્ટ

૧૭- કવિતા શબ્દોની સરિતા-રાજુલ કૌશિક

એ દિવસે સવારે ઊઠીને જોયું તો આગળ-પાછળ ચારેકોર સ્નોનું સામ્રાજ્ય. હજુ તો ગઈકાલ સાંજ સુધી ઠંડી આખા શહેરને ઘેરી વળી હતી અને આજે સ્નોએ જાણે ધવલ બિછાત પાથરી. ગઈકાલ સુધી સાવ સૂક્કા થઈ ગયેલા વૃક્ષો પર સ્નોએ એક મુલાયમ ચાદર ઓઢાડી દીધી. એ સૂક્કા થઈ ગયેલા કેટલાય દિવસોથી પર્ણો વગરના એ ઝાડને પોતાના આગોશમાં સમાવી લીધા.

અરે! ક્યાંક પોતાના અસલી મિજાજને લઈને પોતીકી લીલાશ જાળવી રહેલા પેલા વૃક્ષો પર પણ પ્રકૃતિએ પ્રેમાળ હક જમાવી દીધો. પ્રકૃતિના એ પ્રેમાળ હકને એમણે સ્વીકારી જ લીધો હશે ને નહીંતર એ બર્ફીલી ચાદર વચ્ચેથી ક્યાંક ડોકાતી એની લીલી સળીઓ પર લચી રહેલી લાલ ચણોઠીઓ ય એટલી હસમુખી ના રહી હોત ને ? 

આગલી સાંજે પહેલાં એવું લાગતું હતું કે જાણે વાયરો પણ કોઈ વાવાઝોડાની આગાહી લઈને વિંઝાઈ રહ્યો હતો. ઝાડ પણ કશુંક અકલ્પિત બનવાનું છે એવી આશંકાથી  ઠુંઠવાઈને સૂનમૂન………

અને એ ખાબક્યો…….

સૂસવાટા મારતા પવન સાથે એણે પોતાની પાંખ વિંઝવા માંડી. સાંજ સુધી રાખોડી લાગતા વાતાવરણે ધીમે ધીમે સફેદીની ઝાંય ધારણ કરવા માંડી. દૂર નજર કરો ત્યાં જાણે એવું લાગતું હતું કે..

ઝીણી ઝરમર વરસી !
આજ હવામાં હીરાની કંઇ કણીઓ ઝગમઝ વિલસી !
એવી ઝરમર વરસી…

અને થોડીવારે બારીની બહાર નજર કરી તો લાગ્યું કે જાણે પ્રકૃતિએ પોષી પૂનમને હીરા-મોતીની વર્ષાથી વધાવી. અને મારો ચોક તો પૂનમની ઉગતી રાત્રે  ઝળહળ ઝળહળ… જાણે

‘મોતી વેરાણા મારા ચોકમાં”

ચમકતા હીરા-મોતી જેવા બરફના કરા જોઈને એવુ લાગતુ કે પૂનમની ચાંદનીમાં ચમકવા ન મળ્યું એવા સૌ તારાએ આભ પરથી ઉતરીને અવનિને અજવાળી. શરૂઆતમાં આ તારાની બિછાત જોતો ચાંદ પણ મલકતો હશે. 

રાત આગળ વધતી જતી હતી અને એ ચાંદની રાતે ચમકતા હીરા-મોતી જેવા કરાના લીધે રૂપાળી લાગતી રાતની ચાંદને ચોક્કસ ઇર્ષ્યા આવી જ હશે. અવનિના પટ પર પથરાયેલી જાહોજલાલી જોઈને ચાંદને ચઢી રીસ અને બદલાયું એનું રૂપ.

ગૌર- ગૌરવવંતો ચાંદ જાણે ક્રોધે ભરાયો. કોપાયમાન ચાંદે પોતાની શુભ્રતા છોડીને રતાશ ધારણ કરવા માંડી. જાણે કોઈ રૂપગર્વિતાનો ચહેરો ગુસ્સાથી લાલ થયો….હાસ્તો વળી ! નહીંતર ચંદ્ર અને રતાશને તો સો જોજનની દૂરી. પોષી પૂનમનો ચાંદ એની સૌમ્યતા છોડીને ગુસ્સાથી રાતોચોળ થઈને દૂર રહ્યો ધગધગતો રહ્યો અને રાત ઝમઝમ કરતી આગળ વધતી રહી.

ખેર, દરેક એક રાત પછી સવાર તો ઊગે જ છે.

જાગીને જોયું તો બીજા દિવસની સવાર તો વળી સાવ અનોખી. જાણે કોઈ વંટોળિયો વિંઝાયો જ નથી. ખુલ્લા આકાશ અને જમીન વચ્ચે બરફાચ્છાદિત વૃક્ષો ય સૂર્યના અજવાળે ભારે રૂપાળા,વધુ રમણીય દિસતા હતા. જમીન પર પથરાયેલો પેલો ધવલ ગાલીચો સૂર્યની રોશનીથી ઝગમગ ઝગમગ… બરફની સફેદી પરથી પરાવર્તિત થઈને સોનેરી ઝાંય બરફાચ્છાદિત વૃક્ષોને પણ વધુ ચમકીલા બનાવતી હતી. આગલી રાત્રે હીરા-મોતી જેવા કણોથી ઢંકાયેલા એ વૃક્ષો પર જાણે આજે સોનેરી પાસ ચઢ્યો અને એ સોનેરી ઝાંયથી વધુ ભવ્ય લાગતા  હતા. બરફ પર છવાયેલો સોનેરી ચળકાટ વધુ સુંદર, વધુ મનમોહક લાગતો હતો..

એક સમય હતો જ્યારે ચારેકોર લીલી લીલી ઓઢણી ઓઢી ધરતી રૂમઝૂમ ઝૂમતી હતી ત્યારે પણ રસ્તે જતાં એક એવું ઝાડ આવતું કે જે કોઈ અકળ કારણોસર ક્યારેય પલ્લવિત જોયું જ નહોતું ત્યારે મનમાં હંમેશા એક એવો વિચાર આવતો કે જાણે એને શબ્દો મળે તો કહી દે કે…..

મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી
મને પાનખરની બીક ના બતાવો !

વાત તો સાચી જ ને કે જે કાયમથી ખાલીખમ છે એને વળી ખાલીપાનો શો ભય? આપણા જીવનમાં પણ પાનખર આવવાની જ છે એ જાણીએ છીએ તો પણ એનો આપણાં મનમાં સતત ભય તો રહેતો જ હોય છે. આપણામાં પણ જો પેલા સૂક્કાભઠ્ઠ ઝાડ જેવી મસ્તી કે ફકીરી ઉતરી આવે તો તો આપણને પણ આવનાર કોઈપણ સંજોગોનો ભય ન રહે..

આજે જોયું તો એ પેલા હંમેશા સૂક્કા રહેતા ઝાડે પણ પ્રકૃતિએ આપેલી સોગાત સ્વીકારી લીધી હતી અને એ પણ સૌની સાથે એમાનું જ એક બની રહ્યું હતું.

આપણે એવું કરી શકીશું? પેલાં અસલી મિજાજને લઈને પોતીકી લીલાશ જાળવી રહેલા, શીતાગારમાં પણ  હંમેશા લીલાછમ રહેતા વૃક્ષોની જેમ કે પછી ક્યારેય લીલાશ ન ધારણ કરતાં વૃક્ષોની જેમ પ્રકૃતિએ-ઈશ્વરે સર્જેલા સંજોગોને રાજીખુશીથી સ્વીકારી શકીશું? આપણાં પ્રાણ સાથે જ જતી પ્રકૃતિને વળગી ન રહેતાં ઇશ્વરે સર્જેલી પ્રકૃતિને અનુરૂપ થઈને રાજી રહી શકીશું?

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

કાવ્ય પંક્તિ

ઉપેન્દ્ર પંડ્યા, અનિલ જોષી

દ્રષ્ટિકોણ 28: પ્રેમ ને બંધન નહિ બનાવો – દર્શના

મિત્રો શનિવારે પ્રકાશિત થતી દ્રષ્ટિકોણ કોલમ ઉપર તમારું સ્વાગત। આજે જીવનસાથી દિવસે (spousal day) ચાલો થોડી પ્રેમ ની વાતો કરીએ। પહેલા તો એવું ખરું કે દંપતી હોય, જીવનસાથી હોય તો પ્રેમ હોય જ, કે એવું જરૂરી નહિ? પહેલાની કોલમ માં ભૌતિક પ્રેમ વિષે લખેલ કાવ્ય આ લિંક ઉપર જોવા મળશે. – http://bit.ly/2x3YbJ3 

જીવનસાથી વિષે તો ઘણું કહેવાયું છે, લખાયું છે અને દંપતી હંમેશા જોક્સ ના વિષય પણ બનતા હોય છે.

મને ગમતા વાક્યો અહીં લખું છું.
* આપણા સ્પાઉસ આપણી મુસાફરી નું ગંતવ્ય નહિ, પણ સાથી છે
* સરસ સંબંધોમાં પતિ-પત્ની એકબીજા ની પસંદ અને અવકાશ નું ધ્યાન રાખે છે અને એક બીજાના હેતુઓ અને ધ્યેય ને આગળ ધપાવે છે અને તેને પૂર્ણ કરવામાં મદદ કરે છે.
* આદર્શ પતિ તેની પત્નીએ નહિ ઉચ્ચારેલ દરેક શબ્દો સમજી શકે છે.
(ખબર નહિ કેમ પણ પત્ની ને જ સમજવી હંમેશા મુશ્કેલ હોય છે, પતિ ને સમજવાની વાતો ભાગ્યેજ જોવા મળે છે. કેમ સ્ત્રીઓને સમજવી મુશ્કેલ છે?)

શું દરેક જીવનસાથી, આત્માસાથી (સૉઉલમેટ) soulmate હોય છે?

મેં એવું વાંચ્યું કે
* “જીવનસાથી એ છે જેની સાથે તમે જિંદગી ગુજરી શકો છો અને આત્મસાથી એ છે જેના વગર તમે જિંદગી ગુજરી શકતા નથી”.
એવું પણ વાંચેલ કે “જીવનસાથી નો સબંધ કેળવી શકાય છે પણ આત્માસાથી નો સબંધ નસીબ માં લખાયેલ પૂર્વનિર્ધારિત સબંધ છે”.

વાચકો શું માને છે?

એક નાની વાત કહું છું. રોન ઓવેન અને રૂથ હોલ્ટ મળ્યા ત્યારે તેમની ઉમર હતી 18 વર્ષ। એક વર્ષ આ પ્રેમી પંખીડાએ સાથે ગુજાર્યું। તે પછી તેમની કેરીઅર વિષે વિચારતા રોને નિર્ણય કર્યો કે તે સંગીત અને નૃત્ય માં આગળ કેળવણી ધારણ કરીએ ને જાહેર માં પરફોર્મન્સ આપવાની ઈચ્છા ધરાવતો હોવાથી તેણે બીજા મોટા શહેર માં સ્થાયી થવાની જરૂર હતી. તેણે રૂથ પાસેથી વિદાય લીધી અને બીજા શહેર માં ચાલ્યો ગયો. તે વખતે ટેક્નોલોજી ની સુવિધા, સેલ ફોન અને ફેસબૂક તો હતા નહિ અને ધીમે ધીમે તેમની વચ્ચેના વાર્તાલાપ નો અંત આવ્યો। તે પછી રૂથ ના લગ્ન થયા અને રોને પણ લગ્ન કર્યા। સમય જતા બંનેએ તેમના જીવનસાથી ખોયા અને બંને એકલા રહેતા હતા. એક દિવસ રૂથ ની બહેને તેને આવીને કહ્યું કે રોન કરીને એક વ્યક્તિ તેની સામેના ફ્લેટ માં રહેવા આવ્યો છે. સપ્ટેમ્બર ની 2018 ની સાલ માં જયારે રૂથ ની બહેને આ માણસ નું વર્ણન કર્યું ત્યારે રૂથ ના મન માં કોઈજ શક ન રહ્યો કે બરોબર 60 વર્ષ પહેલા તેને જેની સાથે પ્રેમ હતો તે જ છે આ રોન. રૂથ તેના ઘરે પહોંચી ગઈ. અને આ વાત આગળ ચલાવતા કહું છું કે આવતા એક બે મહિના માં આ 80+ વર્ષના રૂથ અને રોન ના લગ્ન થવાના છે. રોન ક્યે છે કે આટલો સુખી હું મારી જિંદગી માં ક્યારેય હતો નહિ.  

રાધા તો ક્રષ્ણ ની જીવનસાથી હતી પણ મીરા કોણ હતી? શું તે આત્માસાથી હોઈ શકે? મારી જ એક અમેરિકન સહેલી ની વાત પણ કરું છું. તેને કોઈની જોડે પ્રેમ હતો અને પ્રેમ ના પ્રતીક રૂપે તેમને એક દીકરી પણ જન્મી। પણ કૈક કારણસર તે બંને જુદા થઇ ગયા અને ખાસ કોન્ટેક્ટ માં રહ્યા નહિ. આ બહેને તેમની દીકરી મોટી કરી અને કોલેજ પુરી કરાવી। અચાનક કોઈએ મારી સહેલી માટે બ્લાઇન્ડ ડેટ ગોઠવી અને પહોંચી તો તેને જેની સાથે પ્રેમ થયેલો તે જ હતો. ફરી તેઓ મળતા રહ્યા અને હવે તો ઘણા વર્ષોથી તેમના લગ્ન પણ થઇ ગયા છે.

શું એવું બની શકે કે જીવનસાથી બન્યા હોય કે નહિ પણ અમુક લોકો વચ્ચે આત્માસાથી (soulmate) નું જોડાણ હોય? કે તેમનો સબંધ પૂર્વનિર્ધારિત, તેમના નસીબ માં લખાયેલ હોય? તમારું શું માનવું છે?

અને બાકી તો બધા ને આત્માસાથી હાસિલ થાય કે ન થાય પણ ઘણા ને જીવનસાથી નો સહારો તો મળે જ છે. અને તેની સાથે વિતાવવાની પળોને અતિ મધુર બનાવવાની કોશિશ આપણે કરી શકીએ….

અરેબિક કવિ ખલિલ જિબ્રાને થોડી  વાતો તેમના મશહૂર કાવ્યો માં કહી છે. તેના થોડા સુંદર વાક્યો નો અનુવાદ નીચે મુકેલ છે. (To see more of his poems and quotes, google Khalil Gibran).

“તમારા સબંધ માં વચ્ચે થોડી જગ્યા રાખો કે સ્વર્ગ નો પવન તમારી વચ્ચે નૃત્ય કરી શકે. એકબીજાને પ્રેમ કરો, પરંતુ પ્રેમ ને બંધન નહિ બનાવો। પ્રેમને અપેક્ષાઓના બંધન માં જકડી નહિ દ્યો. પ્રેમ ને બંધન માં જકડવાની બદલે તમારા આત્માના બે કિનારા વચ્ચે તમારા પ્રેમ ને વહેતા દરિયા જેવો રહેવા દ્યો। સાથે સંગીત બનાવો, ન્રત્ય કરો પણ તમારા જીવનસાથી ને ક્યારેક એકલતા પણ માણવા દ્યો। જેમ સિતાર ના તાર એક સાથે સંગીત બનાવે છે પણ એક એક છુટ્ટો તાર  છે તેમ. એકમેકને તમારું હૃદય આપો પણ સોંપી નહિ દ્યો કેમકે જિંદગી ને જ તે અધિકાર છે. જોડે ઉભા રહો પણ એકદમ નજીક નહિ. એકમેક ને ઉગવાની, પાંગરવાની જગા રહેવા દ્યો”.

જીવનસાથી પાસેથી અપેક્ષા રાખ્યા વગર જીવી શકાય? તે તો તમારા અનુભવ ઉપરથી તમે કહેશો તો જ ખબર પડશે :).

૧૩ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

મન હોય તો માળવે જવાય

માળવે જવા માટે મન જરૂરી છે પણ મન છે શું? મન કેવું હોવું જોઈએ? મનનું સ્વરૂપ અલૌકિક છે. તેનું ભૌતિક સ્વરૂપ હોતું નથી. મનની ગતિ વાયુથી પણ વિશેષ હોય છે. યોગશાસ્ત્રમાં મનને ચિત્ત કહેલ છે. મન એવી ઈંદ્રિય છે કે જે શરીરની બીજી ઈંદ્રિયોને તેમનાં કાર્ય, તેમની ફરજો કરવાની પ્રેરણા આપે છે. બૌધ્ધ ધર્મ તેને છઠ્ઠી ઈંદ્રિય કહે છે. યોગ દ્વારા તેને જાગૃત કરી શકાય છે. મન એટલે મતિ, મનસ્વિતા, મનોબળ. મનની એકાગ્રતામાં વિલક્ષણ શક્તિ હોય છે. ઐતિહાસિક પાત્ર એકલવ્ય, મનની એકાગ્રતાને કારણે ધનુર્વિદ્યા શીખ્યો હતો. મનનાં ત્રણ મૂલભૂત કાર્યો હોય છે. વિચારવું, અનુભવવું, ઈચ્છા કરવી. આજનો માનવ સમુદ્ર કે આકાશને આંબી શક્યો છે પરંતુ તે એકમેકનાં મન સુધી પહોંચી શક્યો નથી. મન વિષે ઘણું લખાયું છે છતાં માનવ તેને સમજી શક્યો નથી.

કબીરજી કહે છે, “મન મર્કટ મન ચાતુરી, મન રાજા મન રંક”. મન ચંચલ છે માટે તેને મર્કટની ઉપમા આપવામાં આવી છે, જયાં વિચારોનું ઘોડાપૂર ચાલતું જ રહે છે. તેને કાબુમાં રાખવું જોઈએ નહીતર મોટી હોનારત સરજાઈ શકે. શરીર રથ છે. આત્મા રથનો માલિક છે. ઈન્દ્રિયો ઘોડા છે. મન લગામ છે. ઘોડાઓને સંયમની લગામથી કાબૂમાં રાખવાથી શરીરરૂપી રથ સીધો ચાલે છે. માનસિક સ્થિરતા કરતા જીવનમાં કંઈ અગત્યનું નથી. મન જો અસ્થિર થાય તો ગમે તેવો મોટો માણસ ઝીરો થઈ જાય છે. તે ધાર્યું કરી શકતો નથી. મનને ખાલી કરીને માંજતા શીખવું જોઈએ. કચરો આંતરડાંનો હોય કે મનનો, આપણે એને સહેલાઈથી છોડતા નથી. “મન દુરસ્ત તો તન તંદુરસ્ત.” શારીરિક ઉપવાસની આપણને આવશ્યકતા હોય છે તેવી જ રીતે રોજ થોડી મિનિટો માટે માનસિક ઉપવાસ એટલેકે ધ્યાન પણ કરવું જોઈએ.

મનને કેળવવું રહ્યું. મનની સંવેદનશક્તિ, જાગૃતતા, બુદ્ધિનો આધાર મનની કલ્પનાશક્તિ પર છે. મનને સકારાત્મક બનાવવા માટે “થ્રી ઈડીયટ્સ”નો “all is well” મંત્ર અપનાવવો જોઈએ.પોતાની જાતને પ્રેમ કરો, જાતમાં વિશ્વાસ કરો, જાતને માફ કરો અને પોઝીટીવ સજેશન્સ આપો, જેનાથી હોરમોનલ ચેઈન્જ આવે અને મન તમારું ગુલામ બનીને તમારું ધાર્યું કામ કરી શકે. સુખી થવા માટે મનના અવરોધો દૂર કરવા જરૂરી છે. મનની મોસમમાં હંમેશ વસંત હોવી જોઈએ.

આપણા મન બે પ્રકારના હોય છે. જાગૃત મન અને અર્ધજાગૃત મન. જાગૃત મન પાસે બુધ્ધિ અને તર્ક હોય છે. અર્ધજાગૃત મન પાસે અનલીમીટેડ શક્તિ હોય છે. મનને જરૂરી દિશામાં વાળવા માટે હિપ્નોટીઝમની તરકીબ ખૂબ અસરકારક હોય છે, જે ભલભલાનાં માનસને કન્ટ્રોલમાં લઈ લે છે. ટેલીપથી પણ શુદ્ધ અને મક્કમ મનથી શક્ય બને  છે. પરિણામે આંતરમનમાંથી આંતરસ્ફુરણા પ્રગટતી હોય છે જેમાં અદ્રશ્ય સહાયકો મદદ કરતા હોય છે.

માણસ મનથી વિકલાંગ હોય છે. ઇચ્છાશક્તિ માણસને ધરાથી ગગન સુધી પહોંચવા સક્ષમ બનાવે છે. “મન હોય તો માળવે જવાય.” હિમાલય જેવી સમસ્યાઓ મક્કમ મનવાળી વ્યક્તિઓ ચમત્કારીક રીતે સુલઝાવે છે. હકારાત્મક મન આગળ ઈશ્વરને પણ ઝૂકવું પડે છે. નકારાત્મકતાની ઉધઈ માણસના મનને કોરી ખાઈને જીવનને ખોખલું બનાવી દે છે. કેન્સર જેવી બીમારી પણ મક્કમ મનવાળા રોગી દૂર કરી શકે છે.

મનને રવઈ સાથે સરખાવવામાં આવે છે. મનને મથે તે મન્મથ. એક વાર જો મન્મથનું વિચારવલોણું ફરી વળે અને હકારાત્મક હોય તો સારું માખણ મળે પરંતુ નકારાત્મક હોય તો તે વિષ બરાબર ગણાય. જેમ વલોણું દહીંને મથી નાંખે તેમ મન પણ તન, બુધ્ધિ, આત્માને મથી નાંખે છે. મન: એવ મનુષ્યાણામ્કારણમ્બંધ મોક્ષયો:” મન તો મોક્ષે લઈ જનાર નાવડું છે. મનને અને  ચંદ્રને સીધો સંબંધ છે. મનુષ્યની વૃત્તિઓ પર, જે રીતે તે કાર્ય કરે છે તે ક્રિયાઓની પાછળ ચોક્કસ કારણો હોય છે. ક્યારેક એવું બને છે કેમન કહે હું માળિયે બેસું ને કરમ કહે હું કોઠીમાં બેસું“. કોઈપણ રોગ આવતા પહેલા મનોમય શરીર બગડે છે. મન જે જે વિચારે છે, તે તરંગોની અસર તે સમયે શરીર પર થવી શરુ થાય છે. માટે શરીરમાં ગ્રંથિઓની ગાંઠો ના વળે તે માટે સજાગ રહેવું જોઈએ. માટે સત્સંગ, ઉપવાસ, મૌન, ધ્યાન વગેરે કરીનેશરીરને અને મનને શુદ્ધ કરીને તમે ધારેલું કરીને અંતરાત્માનો અવાજ સાંભળી શકો છો.

મનનો પટારો પણ અતિ વિશાળ હોય છે. તેમાં ભૂતકાળની યાદો, ફરિયાદો, ભવિષ્યનાં સપના,લાગણીઓ ઢબૂરાઈને પડી હોય છે. તે અંદર રહીને મલકે છે તો ક્યારેક છલકાઈને રડે છે તો ક્યારેક હસે છે. જીવનની નાની પળો મનના પટારામાં સંઘરાયેલી હોય છે. કોઈ પોતાનું હમસફર, સમદુ:ખીયા કે સહભાગી મળી જાય ત્યારે મનને ખોલવાનું મન થઈ આવે છે, મન ભરાઈ જાય છે, મન મૂકીને પળોને વાગોળવાનું મન થઈ આવે છે. મન માઝા મૂકે છે. મનનો મોરલો નાચી ઉઠે છે અને એમાંય મનનો માણીગર મળી જાય તો પરિતૃપ્તિના આનંદથી મન તૃપ્ત થાય છે. અને માળવે જવાનું મન થાય છે. મનને ઘણું બધું કરવું હોય છે ત્યારે ગૌરાંગ ઠાકોરની રચના યાદ આવે છે,

આ જગતને ચાહવાનું મન થયું,

લ્યો મને માણસ થવાનું મન થયું.

એક કૂંપળ ફૂટતી જોયા પછી,

ભીંત તોડી નાંખવાનું મન થયું.

આ તરસ સૂરજની છે કહેવાય ના,

અમને નદીઓ ઢાંકવાનું મન થયું.

જાળ ને જળ એક સરખાં લાગતાં,

માછલીને ઊડવાનું મન થયું.

કોણ જાણે કોઇ રમત રમતાં હતાં,

બેઉ જણને હારવાનું મન થયું.

મન મુજબ જીવ્યા પછી એવું થયું,

મન વગરનાં થઇ જવાનું મન થયું.

અને……મન વગરનો  માનવ એટલે નિષ્પ્રાણ, જડ, શબવત! એક અંતિમ મહોરું, મન વગરનું!!!

સંવેદના ના પડઘા -૧૬ દ્વિધા

Subject: દ્વિધા

શિયાળાની ગુલાબી સાંજે જાનકી અને છાયા અમદાવાદના અટીરાના વોકીંગ ટ્રેક પર ચાલી રહ્યા હતા.ત્યાં આગળ ચાલતી બે બહેનોની જરા મોટેથી ચાલતી વાતચીત સાંભળી જાનકી જરાક અચંબામાં પડી ગઈ.
યુવતી આધેડવયના બહેનને હક્કદાવા સાથે પણ ખૂબ વ્હાલથી કહી રહી હતી.

“ મમ્મી મને તમારું આ વર્તન બિલકુલ પસંદ નથી.તમે થોડો સમય પણ ધીરજ રાખીને મારી રાહ જોઈ નથી  શકતા.મહારાજનો ફોન નથી આવવાના ,એવું કહેવા છ વાગે આવ્યો,હું રોજ ઓફીસેથી સાડા છ એ તો આવી જ જાઉંછું તો તમારે મારી રાહ નહી જોવાની? હું આવીને રસોઈ ના કરી શંકુ?આખો દિવસ હું ઓફીસ હોઉં ત્યારેતો તમે છોકરાંઓનું અને ઘરનું બંધુજ જૂઓ છો.તો પછી એટલી શું ધાડ પડી ગઈ કે હું આવું તે પહેલા સૂપ, બિરીયાની ને સેન્ડવીચ બધું બનાવી દીધું.તમારી ઉંમર થઈ છે ,હવે તમે થાકી જાવ છો.થોડો આરામ કરો ,બીજીવાર આવું ન કરતા”

તેમનો આ સંવાદ સાંભળી જાનકીએ છાયાને પૂછ્યું “સાસુ વહુ લાગે છે નહી?”છાયાએ કીધુ “ઓળખું છું
એમને ,મારા દૂરના સગા થાય છે .હા ,બન્ને સાસુ-વહુ જ છે.ખૂબ પ્રેમ છે બન્ને વચ્ચે.બંને મા-દીકરીની જેમ જ
રહે,સાથે હરેફરે,સિનેમા જોવા, ખરીદી કરવા,રેસ્ટોરન્ટમાં જમવા,ચાલવા બધે સાથે જાય.એકબીજાની વાત ન ગમતી  હોય તો મોં પર જ કહીને પ્રેમથી લડે પણ ખરા.એકદમ સાફદિલ સંબંધ છે બંને વચ્ચે.”

જાનકીને આ સાસુ-વહુ ના સાફદિલ સંબંધની વાત ખૂબ ગમી ગઈ.શા માટે આ સિનેમામાં ,નાટકોમાં અને
ટી.વી સિરીયલોમાં સાસુ-વહુ ના સંબંધોને ખરાબ જ બતાવવામાં આવે છે? કેમ સાસુ-વહુ ,મા-દીકરી ન બની શકે???સમાજની જડ કરી ગયેલ માન્યતા સામે જાનકીને વાંધો હતો.અને એટલેજ આ સાફદિલ સંબધ તેને
સ્પર્શી ગયો અને તેણે મનમાં ઠાની લીધું કે મારે પણ મારી પુત્રવધુ આવે ત્યારે તેની સાથે મા-દીકરીનો જ
સંબધ જોઈએ છે.અનેક ગુરુઓના મંતવ્ય મુજબ “કોઈ વસ્તુ કે સ્થિતિની પ્રબળ ઈચ્છા ખરા મનથી કરો તો
તે મળે જ છે.”
જાનકીના દીકરાના લગ્ન થયા. જાનકીએ તો નક્કી જ કર્યું હતું કે મારે તો ખાલી આપવાનું જ કામ કરવાનુંછે.કોઈને તમે અવિરત પ્રેમ આપો તો સામે પ્રેમ મળે જ ને? થોડા સમય માટે તમારી અપેક્ષાના દ્વાર બંધ કરીદો.તમે વહુ હતા ત્યારે તમારા સાસુ સાથેના સંબંધો અને તમારા સાસુની તમારા તરફની અપેક્ષાઓ અને તમે તેમના તરફ નિભાવેલ ફરજો બધુ ભૂલી જાઓ.કારણ સમય બદલાઈ ગયો છે. નવા સમય સાથે નવીજનરેશન સાથે કદમ મિલાવવા પૂરતો પ્રયત્ન કરો.દરેક સમયે તમારી પુત્રવધૂમાં દીકરી જોવાનો પ્રયત્ન તો કરી જૂઓ !,અને ટેલીપથી નો સિધ્ધાંત તો એવું જ સાબિત કરે છે કે “તમે સામેની વ્યક્તિ માટે મનથી પણ જે વિચારો તેને તમારા માટે એવોજ વિચાર ને ભાવ પ્રગટ થાય.”

જાનકી ને તો પોતાની જિંદગીમાં જે જોઈતું હતું ,જે ઈચ્છા રાખી હતી તેવી જ દીકરી જેવીજ પુત્રવધુ મળી ગઈ .જાનકી તેની પુત્રવધુ સાથે મા-દીકરીના જ સંબંધો સાથે ખુશીથી જિંદગી જીવી રહી હતી.

પણ જેમ દિવસો વિતતા ગયા તેમ ઉંમરના ૬૫-૭૦ ના પડાવ નજીક પહોંચ્યા પછી જીવનમાં પહેલા જેવા જોમ,ઉત્સાહ અનેશારીરિક તંદુરસ્તીની ખામી લાગવા લાગી .તન સાથે મન પણ થોડું આળું થઈ ગયું .સહજ રીતે પતિની કહેલી વાત “તું તો નવરી જ છે ને તારે ક્યાં કંઈ જવાબદારી છે?”અને “મોમ ,તું આ છોકરાઓને હોમવર્ક કરાવીને રાખને ,સોના કામ પરથી આવીને ખૂબ થાકી જાય છે”જેવી વાતો પણ
ક્યારેક જાનકીને વિચાર કરતી કરી મૂકે છે. “ઘરનાં અને બાળકોનાં કામમાં સતત પરોવાયેલી રહેતી હું કંઈ નથી કરતી શું??” પતિની આવી વાતથી જાનકી અકળામણ અનુભવે છે.

ઉંમર વધતા શરીર અને મગજ બંને પરનો આત્મવિશ્વાસ ડગમગવા લાગ્યો છે.ત્યારે ક્યારેક “મારે હવે મનગમતું કરવું છે. ખૂબ વાંચવું છે.જીવનના છેલ્લા દિવસોમાં વેદ ને ઉપનિષદ ના રહસ્યો જાણવા છે.પરમ સમીપે જવા જે કંઈ કરવું જોઈએ તે કરવું છે.શું હું ઘરમાં બધાની સાથે રહી ધ્યાન કરી શકીશ? “જેવા અનેક વિચારો જાનકીના મગજને ઘેરી લે છે.

એવામાં પડોશીઓની ક્રિસમસ પાર્ટી હતી.નાના મોટા સૌ ભેગા થયેલા અને ભારતીબેનની પુત્રવધુ તેની બહેનપણીને કહેતી હતી.
“મારા સાસુ-સસરા તો હંમેશ માટે અમારી સાથે રહેવા આવી ગયા છે.અમને તો ક્યારેય સ્પેસ મળતી જ નથી.એકલા રહી સ્વતંત્રતાની મજા માણવાનું સુખ અમારા નસીબમાં છે જ નહી.”

આ સાંભળી જાનકી વિચારવા લાગી “શું મારે પણ જરુર છે સ્પેસ આપવાની મારા દીકરા-વહુ ને?
અમે પણ શું સાથે રહીને એમના સ્વતંત્ર જીવનમાં આડખીલી બનતા હોઈશું?”

હું તો હમેશાં એમ વિચારતી હોઉં છું કે “સાથે રહીને અમે મારા દીકરાને બાળકો ઉછેરવામાં મદદરુપ
થઈએ છીએ.ઘરના કામકાજમાં,રસોઈમાં, ગ્રોસરી લાવવામાં મદદરુપ થઈએ છીએ.આદર્શ કુટુંબ છે મારુંતો
કેવા પ્રેમથી બધાં સાથે રહીએ છીએ.”

ઘણા લોકો કહે “પહેલા તમારા છોકરા ઉછેર્યા,હવે છોકરાઓના છોકરા ઉછેરો છો.તો તમારે ,તમારે માટે જીવવાનું  ક્યારે?તમારે શાંતિથી એકલા તમારી રીતે રહી જીવવું જોઈએ.”

પણ …….પણ ….મને તો મારા દીકરાની,મારા પૌત્ર-પૌત્રીની,પુત્રવધૂની એટલી માયા છે કે તેમને છોડીને આમ ….સાવ એકલા રહેવું મનને જચતું નથી.

જાનકીને કંઈ સમજાતું નથી .બંને તરફના વિચારોની દ્વિધામાં તેના મનની સ્થિતિ ડામાડોળ છે.

જિગીષા પટેલ

Sent from my iPad

વાત્સલ્યની વેલી ૧૪) રંગભેદનો અનુભવ

રંગભેદનો અનુભવ!

ઘટમાં ઘોડા થનગને ને આતમ વીંઝે પાંખ! અણદીઠેલી ભોમ જાવા યૌવન માંડે આંખ !
એ સમય 1988 જ એવો હતો કે મારે ઝટઝટ ઘણું બધું કરવું હતું !
ભણવાનું પતાવવું હતું!
પોતાનો બિઝનેસ શરૂ કરવો હતો!
અને સાથે જવાબદારી પણ હતી જ!
સંતાનોને ઉછેરવાનાં હતાં!
કુટુંબ સંભાળવાનું હતું !
બેબીસિટીંગ ચાલુ રાખવાનું હતું !
તો હવે સમય ક્યાંથી કાઢવો ?
સવારથી સાંજ બાળકોની ગોવાળી કરવામાં દિવસ પૂરો થઇ જાય ! પછી આખા દિવસનો થાક અને કંટાળો ;એટલેકે કાંઈ પણ નવું કરવાની આળસ આવે , ને ઈચ્છા મરી પરવારે એ સ્વાભાવિક છે. પણ એ જ ઈચ્છા પાછળ એક સુંદર સ્વપ્નું લટકતું હતું. એક મહત્વકાંક્ષા વળગેલી હતી ! અમારી પોતાની બાળનર્સરી શરૂ કરવી હતી! અમારું ડે કેર સેન્ટર શરૂ કરવા ભણવું ,બાળ જીવન -બાળ માનસનો અને બીજા જરુરુ વિષયોનો અભ્યાસ કરવો ફરજીયાત હતું!
આમ તો આ મારું ગમતું ફિલ્ડ હતું ! મને ફાવતું, બધી રીતે અનુકૂળ ક્ષેત્ર હતું. પોતાનું ડે કેર હોય તો અમારાં બાળકો માટે ક્યારેય બેબીસિટરની જરૂર ના પડે ! અમારાં સંતાનો નજર સામે ઉછરે એટલે સ્વાભાવિક રીતે જ એમનો આત્મવિશ્વાસ પણ જળવાઈ રહે ! વળી ઘરમાં આટલાં બધાં બાળકો હોવાથી ઘર પણ એક જાહેર જગા જેવું બની ગયેલું ! કાંઈ પ્રાયવસી જેવું તો રહ્યું જ નહીં ! અને રસોડું તો ક્યારેય બંધ જ ના હોય ! ! સતત રસોડામાં કાંઈક રંધાતું હોય કે કોઈ જમતું હોય કે ભેગાં થઈને હું બાળકો સાથે કેક ,કૂકીઝ કે કોઈ સેંડવિચ બનાવતી હોઉં ! કાંઈક ને કાંઈક રસોડા પ્રવૃત્તિ ચાલતી જ હોય! નાનાં બાળકોને ઘરમાં ટોયલેટ ટ્રેનિંગ આપું ત્યારે એનાં એક્સિડન્ટ પણ થાય ! એટલે હવે બધી રીતે પોતાનું ડેકેરબનાવવાનું સ્વપ્નું દ્રઢ બનતું જતું હતું!
મેં નજીકનું સબર્બ રિવર ફોરેસ્ટ્ની Triton college of River Forest ટ્રાઈટન કોલેજમાં સાંજના ક્લાસીસ અને શનિવારના વર્ગોમાં ઉત્સાહથી પ્રવેશ લીધો !
અમારી નવી નક્કોર ગાડી અને નવું નક્કોર ડ્રાયવર લાયસન્સ !
સૌથી આનંદની વાત તો એ હતી કે હું કોલેજ જાઉં એટલો સમય મારી સાથે એક પણ બાળક ના હોય!
મારે કોઈનું નાક સાફ કરવાનું કે ડાયપર બદલવાનું કે બાટલી પકડીને દૂધ પીવડાવવાનું કે સુવડાવવાનું ,રમાડવાનું ,રડતું હોય તો શાંત રાખવાનું ,બાળકની જેમ ચેનચાળાં કરીને ફોસલાવવાનું પટાવવાનું કે હાલરડાં કે ચકલીબેનનાં ગીતો ગાઈને કે ચાંદામામાની વાર્તાઓ કહીને કાંઈજ કરવાનું નહોતું ! બસ, કોલેજમાં જઈને ભણવાનું હતું! દશ બાર વર્ષ પહેલાં જેમ કોલેજમાં ભણતી – ભણાવતી એવી સરસ કોલેજ લાઈફ! સાચ્ચા અર્થમાં કોઈ પુખ્ત વયની વ્યક્તિઓ સાથે વાસ્તવિક જીવનની વ્યવસ્થિત વાતો કરવાની તક મળી ! પરીકથાઓ કે વાતો કરતાં વાંદરાભાઇ ને બકરીબેની કાલ્પનિક વાતો સિવાય વાસ્તવિક ધરતીની વાતોનો વિચાર વિમર્શ કરવાની તક મળી !
થાક અને કંટાળો બધું ગાયબ થઇ ગયાં!
શનિવારે સવારે ઉત્સાહથી અમારાં સંતાનોએ મને- જે રીતે હું તેમને રોજ’ Have a nice day !આવજો, ધ્યાન રાખીને ભણજો ‘એમ કહેતી તેમ તેઓએ મને “Best of Luck મમ્મી , ચોપડીઓ ,નોટબુક , નાસ્તો બધું લીધુંને ?ધ્યાન રાખીને ભણજે “ એમ કહ્યું! કદાચ એ ભવ્ય પળો હતી !
ઘટમાં ઘોડા થનગને ! આતમ વીંઝે પાંખ!
કંઈક આ દેશ – પેલો દેશ; અહીંની કોલેજ ત્યાંની કોલેજ એમ સરખામણી કરતાં હું કોલેજના નિશ્ચિત વર્ગમાં આવી. પર્યાવરણ અને સામાજિક સબંધો – સમાજ શાસ્ત્ર – કલચરલ અવેરનેસ ઉપરના વિષય હતા.
બપોરે લંચ બ્રેક પછી જયારે અમે બધાં પાછાં વર્ગમાં પ્રવેશવા ગયાં ત્યારે અમને બધાંને રોકવામાં આવ્યાં. “તારી આંખનો કલર બ્રાઉન છે એટલે તું પેલા પાછળના બારણેથી અંદર જા ! અને તારે ત્યાં પાછળ જ બેસવાનું છે,હોં!” ઇન્સ્ટ્રક્ટરે મને અને બીજાં દશેક જણને પાછળ કાઢ્યાં! અને કેટલાંક પૂરાં અમેરિકન દશેક જણને આગલે બારણેથી અંદર જવા દીધાં; “ એ લોકોની બ્લ્યુ આંખો છે એટલે!”
પેલી ઇન્સ્ટ્રક્ટરે કહ્યું કે વૈજ્ઞાનિક રીતે પુરવાર થયું છે કે બ્લ્યુ આંખ વાળા લોકો હોશિયાર હોય છે અને શુકનિયાળ હોય છે!
ચારે બાજુએ હો હા થઇ ગઈ! શરૂઆતમાં અમને લાગ્યું કે પેલી ઇન્સ્ટ્રક્ટરનું ચસ્કી ગયું છે, પણ એ અને એની સાથેના બીજાં મદદનીશો પણ એવું જ કહીને ઉદ્ધતાઇથી અમારો વિરોધ કરતાં હતાં!
પાછળ બેસો તમે !” એક મદદનીશ ભાઈ જે સિક્યોરિટીનો માણસ હોય તેવો લાગતો હતો એણે ઉદ્ધતાઇથી અમને બધાંને અપમાન કરતો હોય તેમ ઘાંટો પાડીને કહ્યું ! ધુંધવાઇને ,સમસમીને અમે બધાં પાછળની ખુરસીઓ પર બેઠાં. જો કે આગળ બેઠેલાંમાંથી એક ધોળી છોકરી જેની સાથે હું લંચ દરમ્યાન વાતો કરતી હતી એણે દિલગીરી સાથે મને કહ્યું કે આવું થયું છે તે બદલ એ ખુબ દુઃખી છે!
પેલા મદદનીશે એને પાછી આગળના ટેબલ તરફ મોકલી દીધી ! બીજા પણ બે ત્રણ જણે અમારાં તરફ હમદર્દી દર્શાવી !
દસ પંદર વીસ મિનિટ આમ જ ચાલ્યું ! ધાંધલ ધમાલ !ઘોંઘાટ ! કેટલાક અપશબ્દો પણ વરસ્યા !
ગભરાઈને અમે બે ત્રણ જણ બહાર જવા ગયાં, પણ અમને બારણે રોકી ને પાછાં ધકેલ્યાં.
પછી ત્યાં દૂર ઉભેલ ઇન્સ્ટ્રક્ટરે અમને આગળ બોલાવ્યાં અને બધાંને શાંત થઇ જવા કહ્યું, ને પછી બોર્ડ ઉપર એક નામ લખ્યું : જેન એલિયેટ ! Jane Elliot.
“રંગભેદ નીતિ વ્યક્તિને કેટલી હદે અસર કરે છે એ તેમને સૌને પ્રત્યક્ષ રીતે સમજાવવાનો આ પ્રયાસ હતો! “ અમારી ઇન્સ્ટ્રક્ટરે કહ્યું. “તમે અત્યારે એક પ્રયોગનાં પ્યાદાં હતાં! અને એ પ્રયોગનું નામ છે બ્લ્યુ આંખો / બ્રાઉન આંખો ! એ પ્રયોગ રચનાર હતાં જેન એલિયેટ!”
એમણે અમને સમજાવ્યું કે બાળકનાં ઘડતરમાં શિક્ષક કેટલો મહત્વનો ભાગ ભજવે છે. બાળકને માત્ર બાળક તરીકે જ જોઈને તેનો સંપૂર્ણ ઉછેર થવો જોઈએ. ચામડીનો રંગ કે આંખનો રંગ કે દેશ, જાતિ ,લિઁગ વગેરેના માધ્યમથી કોઈના પ્રત્યે વહેરો આંતરો દાખવવો એ યોગ્ય નથી વળી એ બિનકાયદેસર પણ છે! અને એની ઘેરી અસર બાળકનાં કુમળાં માનસ પર પડે છે.
જેન એલિયેટે પોતાના ત્રીજા ધોરણમાં ભણતાં વિદ્યાર્થો ઉપર સૌ પ્રથમ વાર આ પ્રયોગ કરેલો ! વાત એમ બનેલી કે ૧૯૬૮માં આગલે દિવસે માર્ટિન લ્યુથર કિંગનું મૃત્યુ – ગોળીબારથી ખુન થયેલું .આયોવાના નાનકડા ગામનાં બાળકોને એ કેવી રીતે સમજાવે કે અહિંસાના ઉપાસક કિંગનું ખુન એક રંગભેદ સમાજને લીધે થયું હતું! અશ્વેત લોકોના માનસ પર શું વીતે છે તેનો આછો અહેસાસ કરાવવાનો એ પ્રયાસ હતો.
અમારાં વર્ગમાં પણ બધાં આ પ્રેક્ટિકલ અનુભવથી સ્તબ્ધ થઇ ગયાં! સ્વાભાવિક રીતે જ અમને હોમવર્કમાં એ લાગણીઓ અને બાળ માનસ પર એ કેવી રીતે અસર કરે તે વિષે લખવાનું કહેલું .જો કે ભારતીય હોવાને લીધે, એક પરદેશી જે યુરોપીઅન કે મેક્સિકન કે ઓરિએન્ટલ નહીં પણ કોઈ જુદી રાષ્ટ્રીયતા ધરાવતી વ્યક્તિ હોવાથી અને જુદા લાગવાથી , અમને પણ વ્હેરા આંતરનાં અનુભવ નહોતા થતાં એવું નહોતું . ઇન્ડિયન બ્રાઉન ચામડીના હોવાથી ક્યારેક કોઈ એવું ઓરમાયું વર્તન કરતું , પણ જીવન નિર્વાહ માટે મારો સર્વિસ બિઝનેસ હોવાથી અમારો હાથ ઉંચો રહેતો : એટલે કે એવાં લોકોથી અમે સ્વેચ્છાએ દૂર રહેતાં! મોટે ભાગે તો આપણે જ આપણાં મનનાં માલિક હોઈએ છીએ ને?
પરંતુ એ જ કારણથી હું અંદરથી આપણી વર્ણ વ્યવસ્થાનો વિરોધ કરતી હોઈશ ? આપણે ત્યાં દેશમાં તો આવા ભેદભાવ ભારે તીવ્ર છે!જન્મથી કોઈ બ્રાહ્મણ કે અછૂત કેવી રીતે હોઈ શકે? જો કે વાત્સલ્યની, બાળ ઉછેર વિષયક કોલમમાં ;”એવું કેમ? “ એમ એવિષયક લખવું એ યોગ્ય નથી.
એ કેમ્પસના અનુભવો મને આ રીતે વધુ આ દેશ, આ લોકો અને અહીંની શિક્ષણ પદ્ધતિનો ખ્યાલ આપી રહ્યાં હતાં. પાંગરી રહેલી મારી વાત્સલ્યની વેલડીને આ તાજી હવા કાંઈક નવા જ ઉંચાણ આપી રહ્યાં હતાં!
ચાલો , આપણે કોઈ – રનિંગ બિઝનેસ ચાલુ ડેકેર સેન્ટરની તપાસ શરૂ કરીએ ! કોઈક બોલ્યું !!

૧૬- કવિતા શબ્દોની સરિતા- રાજુલ કૌશિક

કેટલીક ઘટનાઓ એવી હોય છે જે દરેક માટે થોડી વ્યક્તિગત હોય છે અને એ અંતર્ગતભાવ સાથે કાયમ માટે જડાયેલી રહે છે. જન્મ અને મરણ પણ એક એવું સત્ય છે જે દરેક માટે વ્યક્તિગત સુખ અને વ્યક્તિગત દુઃખ આપનારું હોઈ શકે. કંઈક પામ્યાનું સુખ અને કંઇક ગુમાવ્યાનું દુઃખ અંતર્ગતભાવ જગત સાથે સંકળાયેલું જ રહે. સુખ કે ખુશી એવો ભાવ છે જેને કોઈની સાથે વહેંચવું ગમે. આપણી ખુશીમાં સૌ કોઈને શામિલ કરવા ગમે.

એવી રીતે દુઃખ કે ગુમાવ્યાની વેદના એવી છે જેને હળવું કરવા કોઈનો ખભો જોઈએ, કોઈની હૂંફ જોઈએ. પરંતુ આ બાબત પણ અત્યંત વ્યક્તિગત છે. કોઈને કપરા સમયમાં એકલતા તો નહીં પણ એકાંત ગમે. માત્ર પોતે અને પોતાની વેદના વચ્ચે જ રહેવું હોય.

સુખ અને દુઃખની જેમ જ જન્મ અને મૃત્યુ સાવ બે છેડાના સત્યો. જન્મતાની સાથે આપણી એક્સપાયરી ડેટ લખાઈ ચૂકી હોય છે માત્ર એની આપણને જાણ નથી હોતી.  

જન્મ એક એવી ઘટના છે જેમાં અત્યંત ઉત્સુકતાપૂવક એ સમયની આપણે રાહ જોતા થઈ જઈએ છીએ. એને આવકારવાની આગોતરી તૈયારી આદરીએ છીએ. એવી જ રીતે મૃત્યુ પણ એક એવું સત્ય છે જે નિશ્ચિત છે જ એવું જાણવા છતાં ભાગ્યેજ કોઈ એની રાહ જોતું હોય છે કે ભાગેયજ કોઈ એને આવકારવા આગોતરી તૈયારી આદરતું હોય છે.

ક્યારેક મૃત્યુના ભણકારા અગાઉથી જ સંભળાવા માંડે છે અને ક્યારેક એ સાવ જ છાના પગલે આવીને એના પંજામાં જકડી લે છે. આવી રીતે  ક્યારેક અચાનક આવીને ઊભું રહેલું મોત પચાવતા, એના આઘાતને જીરવતા દિવસોના દિવસો પણ નિકળી જાય. નજર સામે જ આપણા સ્વજનને જતા જોઈને હ્રદય પણ પત્થર બની જાય અને માટે જ કહ્યું છે ને કે….

મૃત્યુ જેટલું મોટું પૂર્ણવિરામ કોઈ નથી.

શબ પર ફૂલ મૂકીએ છીએ

એ પહેલાં

હ્રદય પર પત્થર મુકવો પડે છે. 

જેનાથી વિખૂટા પડવાની કલ્પના પણ દુષ્કર છે એને પણ હ્રદય પર પત્થરના ભાર સાથે પણ વિદાય તો આપવી જ પડે છે. મોટાભાગે એવું બને કે મૃત્યુ સાથે રોક્કળ જ જોડાયેલી હોય છે. મૃત્યુને રૂદન અને આંસુ સાથે સીધો સંબંધ હોવા છતાં પણ મૃત્યુનો મલાજો સાચવીને અપાતી વિદાય ભવ્ય બની શકે. 

નેતાની વિદાયને અર્ધી કાઠી ઉતારેલા ધ્વજથી સન્માનિત થાય. રણમોરચે શહીદ થનાર વીરને તોપની સલામી શોભે. સદગુરુને આધ્યાત્મિક અંજલી શોભે. સ્વજનનો શોક સમજણપૂર્વકની સંવેદનાની ધારે વ્યક્ત કરી શકાય ત્યારે એ વધુ ગરિમાપૂર્ણ લાગે. આક્રંદભરી વિદાયની જગ્યાએ સ્વસ્થતાપૂર્વકની વિદાય પણ હોઈ શકે. લાગણીના પ્રવાહમાં તણાયા વગર પણ લાગણી વ્યક્ત થઈ શકે. દરેક વેદનાને વાચા નથી આપી શકાતી પણ વેદના વ્યકત કરવાની એક અનોખી રીત પણ હોઈ શકે.અને માટે જ આજે યાદ આવી એવી એક અનોખી વિદાય. ક્યારેક એવું બને કે સ્વજન ન હોવા છતાં કોઈ વ્યક્તિની વિદાય આપણા સ્મૃતિપટમાં અંકાઈ જાય. આજે એક એવી ઘટના સ્મૃતિના દાબડામાંથી જરાક અમસ્તુ ડોકિયું કરી ગઈ છે કારણ?

આજે ૨૧ જાન્યુઆરી. આજે દેશના ખૂબ જાણીતા નૃત્યાંગના અને પદ્મભૂષણથી સમ્માનિત,.વૈશ્વિક સ્તરે નૃત્યને એક ઊંચાઈ પર મુકનાર મૃણાલિની સારાભાઈની પુણ્યતિથિ. નૃત્યને સમર્પિત જીવન એ જીવ્યા. પતિ શ્રી વિક્રમ સારાભાઈની પદ્મશ્રીની પદવીથી અંજાઈને બેસી ન રહેતા એમણે પોતાની કળાથી પદ્મભૂષણની પદવી પ્રાપ્ત કરી. એ ખુદ નૃત્યની એક વિદ્યાશાખા બની રહ્યા. જેવું ગૌરવશાળી જીવન એ જીવ્યા એવી ગૌરવશાળી એવી ગૌરવાંક્તિ વિદાય એ પામ્યા. એમના અંતિમ દર્શન સમયે એમની પુત્રી મલ્લિકા સારાભાઈએ એમને જે અંજલી આપી એ એમના જીવન અને મૃત્યુને સાર્થક કરી ગઈ. નૃત્યને મૃણાલિની સારાભાઈએ જીવી જાણ્યુ અને મલ્લિકા સારાભાઈએ એમના મૃત્યુને નૃત્યાંજલી થકી ઉજાળ્યું માતા અને ગુરુ એમ બે સંબંધો ગુમાવ્યાની વેદનાને અત્યંત ગરિમાપૂર્વ રીતે વ્યક્ત કરી. હ્રદયમાં ભારોભાર દુઃખ -શોક હોવા છતાં શાંત સ્વસ્થતાથી નૃત્યાંજલી અર્પી.

અને એ સમયે  માતાથી છૂટા પડવાની વ્યથા, વેદનાની સાથે અનોખું વ્યક્તિત્વ ધરાવતા માતા માટે મલ્લિકાના ચહેરા પર એક આદરભાવ પણ વ્યક્ત થતો જોયો જાણે કહેવા ન માંગતા હોય કે.. 

મારામાં તું ને તારામાં હું, તે સિવાય બીજું શું છું હું

તારા વદનકમળને ખીલવતું  તેજ ઝળહળતું હું

તારા ભવસાગરની ભરતીએ ભિંજાતી રેણુ છું હું

તારા અંતરનું દર્પણ ને સદૈવ સાથી પ્રતિબિંબ છું હુ.

આ  તો થઈ એક એવી અનોખી વિદાયની વાત પરંતુ દર એક વ્યક્તિ માટે સ્વજનની આખરી વિદાયની ક્ષણો કેવી કપરી હોઈ શકે એ કદાચ કોઈથી અજાણ નહીં હોય. સ્વજનને આખરી વિદાય આપતા સુધી છેલ્લામાં છેલ્લી ક્ષણો સુધી પણ નજર ભરીને જોવાનું, નજરમાં ચહેરાની આખરી છાયાની અમીટ યાદ ભરી લેવાનું, હાથ હાથમાં લઈ છેલ્લા સ્પર્શની અનુભૂતિ કાયમ કરવાનું કોણ ચૂકે ? ત્યારે મન જાણે કહેતું હશે કે…

ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો પછી

આ માટીની ભીની અસર મળે ના મળે

પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો

આ હસતો ચહેરો મીઠી નજર મળે ના મળે..

જે આજ પછીની ક્ષણે જોવા નહી મળે એવા ચહેરા માટે આવી અને આટલી વ્યથા તો હર કોઈને રહેતી જ હશે ને?

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

પ્રેમ એક પરમતત્વ-વૈશાલી રાડિયા


પ્રણયમાં કોઈ શરતોથી તો બન્ને નહિ ફાવીએ

પરવડે તો છુટ્ટા હાથે લાગણીના બીજ વાવીએ

પ્રેમ તો એક પરમ તત્વ છે પ્રિય પ્રકૃતિનું

મળી જાય તો મત્તું મારજે સો ટકા સ્વીકૃતિનું

       પ્રેમ શબ્દમાં જ એક અજીબ સંવેદન છે, ચુંબકીય તત્વ છે. જન્મ પહેલાથી જ આત્મા પ્રેમથી જોડાઈ જાય છે. માતાના ગર્ભમાંથી જ બાળકને પ્રેમનો અહેસાસ થતો રહે છે અને પછી શરુ થાય છે માતાપિતા, ભાઈબહેન અને પરિવારનો પ્રેમ. જે કોઈ પણ સજીવને ધબકતું રાખે છે.

       સારસ-સારસી, ચક્રવાક બેલડી કે પછી કાગડી ઈંડાને સેવે ત્યારે એ કોઈ દહેશત વિના પરમ પ્રેમથી સેવે છે કે આ ઈંડા મારા જ છે! કેટલો અદ્ભુત વિશ્વાસ! પારધી અને હરણીના બચ્ચાની વાર્તા બચપણમાં મોટાભાગનાએ વાંચી હશે. કુદરતની કોઈ પણ ઘટનાની જાણકારી પ્રાણીઓને ઘણી વહેલી જાણ થઇ જાય છે. એમની ઇન્દ્રિયો માનવ કરતાં સતેજ હોવાનું કારણ શું એમની મૌન રહેવાની શક્તિના લીધે હોઈ શકે? પ્રેમ અને વફાદારી પણ માનવ કરતાં પ્રાણીઓમાં વધુ ઉચ્ચ કક્ષાની જોવા મળે છે, તેનું કારણ શું એવું હોઈ શકે કે માનવ વાચા દ્વારા બધું વ્યક્ત કરીને હૃદયથી ખાલી થઇ જતો હશે!

       માનવજીવની વાત કરીએ તો પરિવારમાંથી બહાર નીકળ્યા પછી એક વિશાળ વિશ્વ તેની સમક્ષ ખુલે છે, જેમાં શરૂઆત દોસ્તીના પ્રેમથી થાય છે. દોસ્તીમાં રહેલો પ્રેમ એક અલગ જ ભાવવિશ્વમાં ખીલે છે. દોસ્તીનું તત્વ સૌથી વધુ પ્રેમાળ ને અખંડ રહેવાની તાકાત ધરાવે છે તેમજ તેમાં બીજા પ્રેમ સંબંધો  કરતાં સ્વાર્થ ઓછો ને પ્રેમતત્વ અગ્રેસર હોય છે. યુવાન વયે તો એ ખૂબ મજબુત બને છે. દોસ્તીમાં કોઈ ઉંમર, સજાતીય, વિજાતીય એ બધું ગૌણ રહે છે, બસ પ્રેમતત્વ વધુ સાચું હોય છે.

જેને  જિંદગીમાં બે-ચાર પ્યારા મિત્રો ન મળે

એ માણસને જિંદગીમાં કોઈ ‘માણસ’  જ ન મળે!

       યુવાનીનો પ્રેમ એટલે અલ્લડતા, મોજ, મસ્તી, ભાંગી નાખું, ભૂક્કો કરી નાખું, તોડી નાખું, ફોડી નાખું વાળું ધગધગતો લાવા અને ધગધગતો પ્રેમ! જેમાં કોઈ સરહદ કે સીમાડા આંબી જવાની ખેવના ને બધું જ કરી છૂટવાના સપના. જેમાં ‘તું’ ને ‘હું’ એટલી જ દુનિયા! સમગ્ર અસ્તિત્વ એક જ પાત્રમાં સમાઈ જાય એ પ્રેમતત્વ પાસે ‘પરમ’ પણ ટૂંકા પડે!

       દરેક અવસ્થામાં પ્રેમના સ્વરૂપ અલગ હોય છે. આત્માની અંત તરફની ગતિ વખતે એક હૂંફનો સ્પર્શ ને આંખોથી થતી વાતોમાં પ્રેમને સાબિત કરવાની જરૂર જ નથી હોતી એ અવસ્થાએ પહોંચેલ પ્રેમ એક અદ્ભુત અનુભૂતિ છે.

શબ્દોની જરૂરત નથી રહી હવે આજ

આંખો જ કહે છે હું છું ને તારે કાજ

       વિજ્ઞાન જ્યાં ટૂંકું પડે ત્યાં પ્રેમ કામ કરી જાય છે. અસાધ્ય બીમારીમાં પણ પ્રેમનો મૃદુ સ્પર્શ કે પ્રેમની એક નજરથી જ બીમારીમાંથી એક તાકાતથી કોઈ ઉભું થાય એ તત્વ એક જ છે, પ્રેમ!

       પ્રેમ શબ્દની વ્યાખ્યા આપણે ઘણીવાર સંકુંચિત મનથી અને સીમિત દ્રષ્ટિકોણથી કરી એ જ નજરથી માપી લઈએ છીએ. પરંતુ, પ્રેમ તો એક અહેસાસ છે જેને અનુભવ્યા વિના મૂલવવાનો કોઈને અધિકાર નથી. પ્રેમ એક એવું તત્વ છે જે અણુએ અણુમાં ફેલાય છે ત્યારે એને છુટ્ટું પાડવા કોઈ ઘટકોનો અભ્યાસ જરૂરી નથી. પ્રેમને રોમ-રોમમાં ઉતારી જીવંત રહી એની દિવ્ય અનુભૂતિથી જીવનને શાંત અને યોગ્ય દિશામાં ઉર્ધ્વ ગતિ તરફ જઈ શકવાની કેડી બનાવી શકાય છે.

       પ્રેમનો સાચો અર્થ સમજાય તો જીવનની દશા અને દિશા જ ફરી જાય. પ્રેમને ક્યારેય સ્થૂળ અર્થમાં ના બાંધતા વિશાળ દિલ અને ખુલ્લા મનથી એને સાચી રીતે સમજી એનો પૂરેપૂરો જીવનમાં ફેલાવીએ તો જીવંત રહી શકાશે અને જીવનનું લેવલ દિવ્ય ગતિ તરફ સરળ અને ઝડપી ગતિ કરશે એમાં બેમત નહિ હોય!

કોઈ છીછરા કે હલકા પ્રેમને આપણે પરમતત્વ જેવું રૂપાળું નામ ન આપી શકીએ. અને પરમતત્વ એટલે દુન્યવી પ્રેમથી પર એવું પણ નથી કહેવું. આ પૃથ્વી પર રહીને જ સાચો પ્રેમ પામવો ને કરવો એ જ તત્વ સાચું. એવું નથી કે સાચો પ્રેમ થાય ત્યાં સ્પર્શ ના હોય ત્યારે જ એ પવિત્ર. પ્રેમ એક એવું તત્વ છે, એવી દિવ્ય અનુભૂતિ છે કે એમાં બસ વહી જવાય ને ઓગળી જવાય કોઈ શરત વિના. ત્યારે થનાર સ્પર્શ પણ પવિત્ર જ હોય અને સંપૂર્ણ સંબંધ પણ પવિત્ર જ હોય. એ પ્રેમ જો શાંતિ અને સંતોષથી જીવન પસાર કરવામાં નિમિત બને તો એમાં કશું અપવિત્ર ના હોઈ શકે. એનો રસ્તો શાંત અને નિ:સ્વાર્થ હોવો જોઈએ. એ કોઈ પણ બે વ્યક્તિ વચ્ચે હોઈ, એમના સંબંધોનું સ્વરૂપ કોઈ પણ પ્રકારનું હોઈ શકે. એમાં સ્પર્શ હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે, મળવું જરૂરી હોય પણ અને ન પણ હોય. પ્રેમને પરમ રીતે ભાગ્યે જ કોઈ મેળવી શકે અને જે મેળવે તેને માટે એ આત્મીય જોડાણ હોય છે, જેને દેખાવ કે આવડત કરતાં દિલથી, આત્માથી જોડાણ હોય છે, અને તે ક્યારેય તૂટતું નથી. શબ્દો કે સ્વાર્થ વિના જ જરૂર પડ્યે સેવા પણ કરી શકે ને અદ્વિતીય પ્રેમ પણ એ જ કરી શકે. એ અહેસાસ આપનાર વ્યક્તિ જીવનમાંથી કે ધરતી પરથી જતી રહે તો પણ એનું સ્મરણ શાંતિ ને આનંદ જ આપે ત્યારે એ પ્રેમ જીવંત વ્યક્તિને એક ઉર્ધ્વ ગતિ તરફ પરમ સંતોષથી જવા દઈ શકે તો એ સ્વીકારવું જોઈએ કે નહિ?

પ્રેમનું છે એક પરમ તત્વ

મળે તો પામી લેજો એ સત્વ

~ વૈશાલી રાડિયા