HopeScope Stories Behind White Coat – ૪૧ / Maulik Nagar “Vichar”

ધીરુભાઈ

“ધીરુભાઈ, મને થોડી મદદ કરોને! આ મારું સ્કૂટી નીકળતું નથી!” હોસ્પિટલમાં કામ કરતી સિસ્ટરે નવા જ નોકરી પર લાગેલા સિક્યુરિટી ગાર્ડ ધીરુભાઈને વિનંતી કરી.
બેબી સ્ટેપ જેવું દોડતા દોડતા ધીરુભાઈ સિસ્ટર પાસે આવ્યા અને બાઈક, મોપેડ આઘાપાછા કરીને સિસ્ટરને મદદ કરી.
જોકે, પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીમાં કામ કરતા ધીરુભાઈને બીજા કોઈએ સહારો આપવો પડે તેટલાં સુકલકડી હતાં.
બંને હાથ જાણે સૂતળીની દોરી જેવાં પાતળા, ગાલથી બેસી ગયેલું મોઢું, મૂર્તિ પર રેશમી કપડું ઓઢાડ્યું હોય તેમ હાડકા પર કરચલી પડી ગયેલી ચામડી ઓઢાડીને મૂકી હોય તેવું જ લાગે.
ધીરુભાઈને કોઈ પણ જાતનું વ્યસન ન હતું પરંતુ એમનાં જડબાંમાં ક્રિકેટના મેદાન જેટલી જગ્યા થઇ ગઈ હતી.
નામ પૂરતો પણ એક દાત ન હતો.
“થૅન્ક યુ ધીરુભાઈ” સિસ્ટરે પાછળ જોયા વગર પોતાની સ્કૂટી દોડાવી અને હાથ ઊંચો કરીને ભાઈનો આભાર માન્યો.
ધીરુભાઈને હવે કોઈ પણ “થૅન્ક યુ”નો વળતો જવાબ આપવાનું આવડી ગયું હતું.
કેમ કે, રોજ સવાર સાંજ એમને આ વાક્ય લગભગ ૧૦૮થી વધારે વખત સાંભળવા મળતું હતું.
“ભલુ થાઓ તમારું.” આજ એમનો “થૅન્ક યુ”નો વળતો જવાબ હતો.

ગાર્ડ શબ્દ સાંભળીયે એટલે આપણને આજના જમાનામાં જેમને ‘બાઉન્સર’ કહીએ તેવી જ ઘટાદાર આકૃતિઓ દિમાગમાં આવે.
પણ ધીરુભાઈ તો બિચારા ગરીબડી ગાય જેવાં હતા.
હોસ્પિટલનો મૅનેજમેન્ટ સ્ટાફ પણ કોઈ વાંધો ઉઠાવ્યાં વગર જાણે કે ધીરુભાઈને શિફ્ટ પર રાખીને કોઈ ધર્માદા કાર્ય કરતા હોય તેવું જ અનુભવતા હતા.

ધીરુભાઈના મુખ્ય કામોમાં ગળે લટકાયેલી સિસોટી મારીને સ્ટાફ કે દર્દીઓના સગાવ્હાલાઓના વાહનો સરખી રીતે પાર્ક કરાવવાના, આવતા જતા લોકોના ઓળખકાર્ડ ચેક કરવાનાં, સંદેશાઓ એક દરવાજેથી બીજાં દરવાજે પહોંચાડવાના, બસ આવા જ પરચૂરણ કામ કરવાના.

ધીરુભાઈ આવતા જતાં લગભગ બધાને સલામ કરતાં હતા. તેઓ તેમની ડ્યૂટીની ફરજ સમજતા હતાં.
એક દિવસ હોસ્પિટલના હેડ ડૉ. કમલેશ અને તેમના સાથી મિત્ર ડૉ. અખિલેશ પોતાની લકઝરી મર્સીડીસ સી કલાસ કારમાં હોસ્પિટલના વી.આઈ.પી એક્ઝિટથી પસાર થઇ રહ્યાં હતાં.
ત્યાંના સિકયુટી ગાર્ડનો લંચ ટાઈમ હોવાથી તે બપોરે ધીરુભાઈ પેલા ગાર્ડની ડ્યૂટી કવર કરતા હતાં.
પાણી પર સરકતી બોટની જેમ મર્સીડીસ જેવી નજીક આવી કે તરત જ ધીરુભાઈએ સલામ કરી.
ડૉ. કમલેશના મોંઢા પર કોઈ હાવભાવ ન હતો. છતાંય તેમણે ધીરુભાઈની સલામીની નોંઘ લીધી.
આમ તો કોઈ ગાર્ડ સલામ ભરે એ મોટા સાહેબો માટે સામાન્ય વાત ગણાય પરંતુ ખખડી ગયેલ ધીરુભાઈના વ્યક્તિત્વમાં કોઈક નોંઘપાત્ર જ ઉજાસ હતો.

“ધીસ ગાર્ડ ઇઝ સો ડિસિપ્લિન્ડ, ઇઝન્ટ ઈટ, ડૉ. કમલેશ?” સામાન્ય વાત હોવા છતાં પણ ડૉ. અખિલેશથી રહેવાયું નહીં.
“આઈ ડૉન્ટ થિંક ઇટ્સ ડિસિપ્લિન. ઈટ મસ્ટ બી સમ ફેસ્ટીવલ સ્ટ્રેટેજી.”
“વ્હોટ ડુ યુ મિન.”
“દોસ્ત, દિવાળી નજીક છે એટલે આ લોકો…..” હજુ ડૉ. કમલેશ આગળ કંઈ જ પણ બોલે તે પહેલાં સિગ્નલ પર ઉભેલા રંગોળીના બીબાં વેંચતા ફેરિયાએ કાચ ખખડાવીને ડૉ. કમલેશને ખલેલ પહોંચાડી.

દિવાળીના દિવસો ચાલું થયું. ધનતેરસ, કાળી ચૌદસ……!!!
હોસ્પિટલમાં ઇમરજન્સી સિવાય બીજી બધી પ્રવૃતિઓમાં ઘસારો ઓછો જણાયો.
ધીરુભાઈએ એક પણ રજા ન હોતી લીધી.
એમણે તો ઘણીય દિવાળી જોઈ હતી અને ફટાકડા પણ ઘણાં ફોડ્યાં હતાં.
એ તો ખડે પગે પોતાની ડ્યૂટી પર હાજર જ હતાં.

થોડાં ઘણાં પૈસા મળે એટલે તેમણે દિવાળી પૂરતી રાતપાળીની ડ્યૂટી પણ સ્વિકારી હતી.
દિવાળીના ફટાકડાના લીધે વાતાવરણના ઓક્સિજનમાં ધુમાડાએ પગદંડો જમાવ્યો હતો.
તેવી જ દાદાગીરી ઘોંઘાટે કાન સાથે કરી હતી.
રાતના બારેક વાગ્યાં હશે.
હોસ્પિટલનાં મુખ્ય ગેટ પર એક રીક્ષા આવીને ઉભી રહી.
“અલા, મુકા આ હું થ્યું અનિલને..?” ધીરુભાઈનું બોખું મોઢું અનિલની હાલત જોઈને ધ્રુજવા જ લાગ્યું
રાતે જમ્યા પછી ધીરુભાઈના નવ વર્ષના પૌત્રએ લૂમ ફોડવાની જીદ કરી હતી.
ધીરુભાઈના છોકરા મુકાએ આળસ કરી.
પોતે જોડે જવાની જગ્યાએ મિત્રો સાથે અનિલને ચાલીમાં જ લૂમ ફોડવા જણાવ્યું.
પણ આ તો નવ વર્ષનું લવિંગ્યું કહેવાય.
લૂમ તો ફૂટતા ફૂટી ગઈ પણ સાથે સાથ અનિલની આંખ પણ દાઝી ગઈ.

ધીરુભાઈ તો દીકરાના દીકરા અનિલને આવી હાલતમાં જોઈને જેટલાં હતા તેનાથીયે અડધા થઇ ગયા.
જલ્દી જલ્દી અનિલને અંદર ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં લઇ ગયાં.
ધીરુભાઈ તો બધાંના લાડકા હતાં.
જોકે, વાતોનો વહેવાર તો એકે સાથે ન હતો.
પણ દરેક સ્ટાફ સાથે સ્માઈલથી અનેક મુંગા સંવાદ થયા હતાં.

“ધીરુભાઈ, અત્યારે ઑન-ડ્યૂટી ડૉ. કમલેશ સર છે!”
“આપણે એમને બોલાવ્યા છે!”
“તમે ચિંતા ન કરો!”
“તેઓ હમણાં જ આવી જશે!” વારાફરથી એક એક વાક્ય બોલીને બધા જ સ્ટાફે પોતપોતાની હાજરી પૂરાવી.
ડૉ. કમલેશ થોડીક જ ક્ષણોમાં આવી પહોંચ્યા.
રિસૅપ્શનમાં આવતાં દરેક મહેમાનનું સ્વાગત કરતા હોય તેમ ધીરુભાઈ ડિપાર્ટમેન્ટના દરવાજા પાસે હાથ જોડીને ઊભા હતાં.
ડૉ. કમલેશે અનિલની આંખની તપાસ કરી.
એની જરૂરી સારવાર કરી અને ધીરુભાઈના ખભાને જકડીને પકડતા જણાવ્યું કે “ચિંતા ના કરો. આંખ બચી ગઈ છે. ચાર દિવસ ડ્રેસિંગ કરાવશો એટલે સારું થઇ જશે.”
ડૉ. કમલેશ તો ટ્રીટમેન્ટ કરીને જતા રહ્યા.
અનિલને રજા પણ આપી દીધી.
ઘરે જતી વખતે ધીરુભાઈએ સ્ટાફને “કેટલા રૂપિયા થયા?” તેમ પૂછ્યું.
તેમણે રિસૅપ્શન તરફ આંગળી ચીંધી.
“ભાઈ, અમારે કેટલા રૂપિયા આપવાના?” પૌત્ર બચી જવાના કારણે ધીરુભાઈની આંખમાં દિવાળીના ફટાકડા જેવી ચમક હતી.
“ધીરુભાઈ..સરે પૈસા લેવાની ના પાડી છે. તમે તો અમારા સ્ટાફના જેવાં જ કહેવાઓ.”
“પણ…અરે…એવું તો…….” કૈક લાંબી રક્ઝક ચાલી.
દિવાળી ગઈ..ક્રિસ્ટ્મસ ગઈ..હોળી ગઈ અને નાણાકીય વર્ષ પૂરું થવા આવ્યું.
અકાઉન્ટન્ટ સાથે બેઠેલા ડૉ. કમલેશ અને ડૉ. અખિલેશ એફ.ઓ.સી (ફ્રી ઑફ ચાર્જ)નો હિસાબ કરતા હતાં.
ડૉ. કમલેશને અચાનક યાદ આવ્યું અને એમણે બધી જ એન્ટ્રી ચકાસી પરંતુ ધીરુભાઈની એન્ટ્રી એમાં ન હતી.
હોસ્પિટલના રિવાજ પ્રમાણે અનિલની મેડિકલ ફાઈલ તો બની જ હતી.
તેનો પેશન્ટ નંબર ચકાસતા ૬,૦૦૦/-ની સામે એફ.ઓ.સી (ફ્રી ઑફ ચાર્જ)ની જગ્યાએ ૬,૦૦૦/- કૅશ લખ્યું હતું.

ડૉ. કમલેશે વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે ધીરૂભાઇએ પૈસા આપવા માટે ખૂબ જ રક્ઝક કરી હતી.
રિસૅપ્શન સ્ટાફ દ્વારા તેમને જાણવા મળ્યું કે “તેમણે એક જ લત પકડી રાખી હતી સર, “કે અમને તો અમારો અનિલ સાજો થઇ ગયો એ જ માતાજીના આશીર્વાદ છે. અમે ફ્રીમાં ટ્રીટમેન્ટ ન કરાવી શકીએ.”
જાણતાની સાથે જ અકાઉન્ટન્ટ સાથે બેઠેલા ડૉ. અખિલેશે ટિપ્પણી કરી.” સાચ્ચે જ ધીરુભાઈ!!”

By:Maulik Nagar “Vichar”

સ્પંદન-41




ધનતેરસે ઊઘડે ભાગ્ય
ધન, ધાન્ય કે આરોગ્ય
લક્ષ્મી થકી સહુ સર્જન
કરીએ લક્ષ્મીનું પૂજન

લક્ષ્ય સિદ્ધિ કરાવશે લક્ષ્મી
ભાગ્યનો ઉગશે સહસ્ત્રરશ્મિ
લક્ષ્મી કૃપાથી હર કાર્યસિદ્ધિ
લક્ષ્મી આશિષ અર્પે સમૃધ્ધિ.

અર્જુન હોય કે એકલવ્ય; આજનો વ્યવહાર કુશળ વ્યાપારી હોય કે પછી દિન પ્રતિદિન સંસાર સાગરમાં ઝઝૂમતો સામાન્ય માનવી – સહુ ચાહે છે લક્ષ્ય અને લક્ષ્યસિદ્ધિ. પુરાતન કાળના લક્ષ્યની વાત તો ઇતિહાસની ટાઇમ કેપ્સ્યુલમાં બંધ છે પણ આજે તો સવારનો સૂરજ ઉગે ને શરૂ થાય ભાગદોડ, જેના કેન્દ્રમાં હોય લક્ષ્મીપ્રાપ્તિનું લક્ષ્ય. દેશ હોય કે વિદેશ, સ્થળ હોય કે જળ કે પછી હવાઈ ઉડાનો; અર્થ (નાણાં ) એ જ એક માત્ર અર્થ, અર્થ એ જ શસ્ત્ર અને અર્થ એ જ શાસ્ત્ર. કારણ કે લક્ષ્મી એ જ સિદ્ધિ અને સમૃધ્ધિની કારક છે, લક્ષ્મી એ જ સંસારના દુઃખોની મારક છે અને લક્ષ્મી એ જ ભવસાગરની તારક છે તેવું સામાન્ય જ્ઞાન સહુના મનમાં પણ છે અને વ્યવહારમાં પણ. માતા લક્ષ્મીની કૃપા એ વૈદિક સંસ્કૃતિનો પણ સૂર છે. તેથી જ દિપાવલીના શુભ પર્વની શરૂઆતમાં જ આવે ધનતેરસ, અશ્વિન માસની કૃષ્ણ પક્ષની તેરસ. પણ લક્ષ્મીનો ચમકાર કોઈ પણ અંધકારને હરી લેવાની શક્તિ ધરાવે છે અને તેથી જ પ્રતિવર્ષ લક્ષ્મીપૂજનથી આ ઉત્સવ હર્ષભેર ઉજવાય છે.

ભારત એ સનાતન સંસ્કૃતિનો દેશ છે. સાંસ્કૃતિક વિચારધારા એ સદીઓથી દેશનો પ્રાણ રહી છે. સોનાની લંકા હોય કે દ્વારિકા કે સોમનાથનું મંદિર બધી જ કથાઓમાં ક્યાંક સમૃધ્ધિ કે ખજાનાનો સંદર્ભ છે અને આ ખજાનાની શોધમાં અને પછી તેજાનાની શોધમાં વિદેશીઓ ભારત આવતા રહ્યા છે. આ સાંસ્કૃતિક વારસો આપણા તહેવારો કે ઉત્સવોમાં પણ ઝળકે છે. હર દિપાવલી એટલે કે અંધકારમાં પણ દીપના પ્રાગટ્યથી પ્રકાશનો ધ્વનિ અહીં ઉત્સવ બને છે જેની શરૂઆત થાય છે ધનતેરસથી. ધનતેરસ એટલે ધન, ધાન્ય અને આરોગ્યની પ્રાપ્તિ અર્થે માતા લક્ષ્મી અને ધનવંતરીનું પૂજન. લક્ષ્મીજીનું અને ઔષધોના કુંભ સાથે ધનવંતરીનું પ્રાગટ્ય સમુદ્રમંથન સમયે થયેલું એવી વૈદિક કથા છે. તેથી જ ધનવંતરી અને લક્ષ્મીના પૂજનથી શરૂ થતી ધનતેરસ એટલે દૈવી શક્તિના એવા આશીર્વાદ જ્યાં તન, મન, ધન અને આરોગ્યથી સમૃધ્ધ માનવી કલ્યાણ ઝંખે.

ધનતેરસના દિવસે ધનની પૂજા થાય. માતા મહાલક્ષ્મી પ્રસન્ન થાય તેવી કામના અને પ્રાર્થના સાથે લક્ષ્મીજીના પગલાંની રંગોળી અને દીપના પ્રાગટ્ય સાથે લક્ષ્મીપૂજન કરી પંચામૃત અને પ્રસાદનો પરમ આનંદ સહુ ઉઠાવે છે ત્યારે પ્રશ્ન થાય કે લક્ષ્મી એટલે શું? હિન્દુ શાસ્ત્રોમાં માનવને સમૃધ્ધ બનાવતા લક્ષ્મીના આઠ વિભિન્ન સ્વરૂપોની વાત છે. આ અષ્ટ લક્ષ્મી એટલે…
1.આદિલક્ષ્મી, જે જીવન અને મૃત્યુના ફેરામાંથી મુક્તિ અપાવે છે.
2. ધન લક્ષ્મી, જે મનોબળ, શક્તિ, નિશ્ચય અને હિંમત સાથે સંકળાયેલ છે. જે સખત પરિશ્રમ કરે તેને ધન, વૈભવ અને સંપત્તિ આપે છે.
3. ધાન્ય લક્ષ્મી, જેની કૃપાથી ધાન્ય કે અન્ન મળે છે. સાથે જરૂરતમંદોને ભોજન કરાવવાનો મહિમા પણ છે. ધન હોય પણ ધાન્ય ન હોય તો શરીર કે મનની સુખશાંતિ ન હોય.
4. ગજ લક્ષ્મી, જે વાહન સાથે સંકળાયેલ છે તથા સત્તા અને સ્વામિત્વ પ્રદાન કરે છે.
5. સંતાન લક્ષ્મી, જે બાળકના માટે રક્ષણાત્મક માતાની વાત્સલ્યતા દર્શાવે છે.
6. વીર લક્ષ્મી, જે બહાદુરી અને વીરતા સાથે સંકળાયેલ છે. ભૌતિક અને આધ્યાત્મિક ઉન્નતિના પથ પર આવતા વિઘ્નો સામે લડવાની શક્તિ પ્રદાન કરે છે.
7. વિદ્યા લક્ષ્મી, જે જ્ઞાન સ્વરૂપ છે અને ભીતરના ખજાનાને ખોલી આપે છે.
8. વિજય લક્ષ્મી, જે આશા અને અપેક્ષા જગાવી વિજય અને સફળતા પ્રદાન કરે છે.

હવે જોઈએ આજના યુગમાં ધન એટલે શું?
આજે આખી દુનિયામાં આપણાં જીવન વ્યવહારમાં સૌથી વધુ મહત્વનું સ્થાન ધન કે નાણાંનું છે. છતાં જો કોઈ એમ કહે કે ધન એટલે માત્ર પૈસા કે નાણાં, તો એ ખોટું છે. નાણાં જીવન માટે ખૂબ જરૂરી છે. તેમ જ નાણાંના જોર પર કામ સરળતાથી કરવી શકાય છે તે માટે કોઈ બેમત નથી. પરંતુ, ફક્ત નાણાં એ જ સાચું ધન નથી. સાચું ધન છે –
સમય
સ્વાસ્થ્ય
સંતોષ
વિદ્યા/જ્ઞાન
ભક્તિ.

નાણાં જો વેડફાય, ખોવાય કે ચોરાઈ જાય તો પાછા મેળવી શકાય છે. પણ સમય એ એવું ધન છે જો વેડફવામાં આવે તો પાછું મેળવી શકાતું નથી. માટે સમયનો આદર કરતાં શીખીએ જેથી પસ્તાવાનો વખત ન આવે. વિદ્યાર્થી અવસ્થામાં જે ભણે નહીં, યુવાવસ્થામાં જે કારકિર્દી ન બનાવે તેની વૃદ્ધાવસ્થા ક્યાંથી સારી જાય? એક વાર સમય ચૂકયા તો જીવન એ મોકો ફરી નથી આપતું. પણ જે સમયના ધનનો સદુપયોગ કરે છે, તે જરૂર સફળતાને વરે છે.

ઓછાવત્તા અંશે પૈસાની માયામાં સૌ બંધાયેલા છે. પણ કેટલાક લોકો નાણાં કમાવામાં બધું ભૂલી જાય છે. પરિણામે નાણાં તો મળે છે પણ સ્વાસ્થ્યના ભોગે. જે નાણાં પ્રાપ્ત કરવા સ્વાસ્થ્ય ગુમાવ્યું તે ભોગવવાનો કોઈ આનંદ રહેતો નથી. એ નાણાં બીમારી પાછળ વપરાય છે. ‘ પહેલું સુખ તે જાતે નર્યા’ એ સમજીને જે કામ કરે છે તે સ્વાસ્થ્યનું ધન ભોગવી શકે છે. આરોગ્યનું મહત્વ શું છે તે કોઈને કોરોના કાળ પછી સમજાવવું પડે તેમ નથી કારણ કે બહુરાષ્ટ્રીય કંપની હોય કે ઊડતાં વિમાનો જ્યારે આરોગ્યના પ્રશ્ને ઊભાં રહી જાય, હરદમ દોડતી ઔદ્યોગિક અને આર્થિક તાકાત લાચારી અનુભવે અને ટુરિઝમની દુનિયા સત્કારના સ્થાને ચિત્કાર અનુભવતી થાય ત્યારે સહુને સમજાય કે આરોગ્ય વિનાની સિદ્ધિ અને સમૃધ્ધિ નિરર્થક છે.

રોકેટની ગતિએ દોડતી એકવીસમી સદીમાં ઉપભોક્તાવાદ પૂરા સમાજને ગ્રસી રહ્યો છે. સંતોષ નામનું સુખ નામશેષ થયું છે. લાવ લાવ અને વધુ ને વધુ ભેગું કરવાની એક હોડ લાગી છે. કેટલાક લોકો માટે ધન એ સાધન નહિ પણ લક્ષ્ય બની ગયું છે. ત્યારે સંતોષનું ધન બહુ ઓછાં લોકો પાસે જોવા મળે છે. જે લોકો સંતોષની વાત કરતાં હોય તેમનું પણ આચરણ કંઇક જુદું જ કહેતું હોય છે. ‘સંતોષી નર સદા સુખી.’

નાણાં વધુ હોય તો ચોરાઈ જવાનો ડર સ્વાભાવિક જ રહે છે. પરંતુ જેની પાસે વિદ્યા કે જ્ઞાનરૂપી ધન છે તેને ચોરી શકાતું નથી. નાણાં એવું ધન છે જે આપવાથી કે વહેંચવાથી ઘટે છે. જ્યારે જ્ઞાન એવું ધન છે જે વહેંચો એટલું વધે છે.

મીરાં એવું ગાય કે ‘પાયો જી મૈંને રામ રતન ધન પાયો. ‘ તો ભક્તિરૂપી ધન તો સૌથી શિરમોર છે. જેને આ ધન પ્રાપ્ત થાય તે સુખ કે દુઃખ, ગરીબી કે અમીરીથી પર થઈ જાય છે.

આ તમામ પ્રકારના ધન પ્રાપ્ત કરવા હોય તો જરૂર છે પ્રયત્ન, સંકલ્પ અને ઉત્સાહની. કેટલાક લોકોમાં સંકલ્પ, ઉત્સાહનો અભાવ હોય છે. તેઓ દારિદ્રયને નસીબનો અભિશાપ માની ગરીબી ઓઢી લે છે. એવા લોકો ક્યારેય ધન પ્રાપ્ત કરી શકતા નથી. આથી વિરુદ્ધ જે વ્યક્તિ હતાશા અને લાચારીને ફગાવી દે છે, આળસ,અસમર્થતા અને નિષ્ક્રિયતાને હટાવી મનને સંપન્નતાની કલ્પનાથી ભરી દે છે એ જરૂર ધન પ્રાપ્ત કરવા સક્ષમ બને છે. ઈતિહાસ પણ આવા લોકોની સફળતાની નોંધ લે છે. આ ધનતેરસ પર સહુ સર્વ પ્રકારે ધનવાન બને તેવી શુભેચ્છાઓ.

રીટા જાની
29/10/21

૪૧-વાર્તા અલકમલકની- રાજુલ કૌશિક

‘રાહી

“નામ?’

“રાહી”

“કયા અપરાધની સજા મળી છે?”

“ચોરી કરી હતી, સરકાર.”

“શેની ચોરી કરી હતી?”

“અનાજની બોરીની.”

“કેટલું અનાજ હશે એમાં?”

“હશે પાંચ -છ શેર.”

“અને સજા કેટલી થઈ?”

“સાલ ભરની સરકાર.”

“ચોરી કેમ કરી? મજૂરી કરી હોત તો થોડું અનાજ તો મળી જાત ને?”

“અમને મજૂરી નથી મળતી. અમે રહ્યાં માંગણજાતના. કેવળ માંગીને ખાવાવાળાં.”

“અને ભીખ ન મળે તો?”

“તો ચોરી કરીએ. એ દિવસે ઘરમાં થોડું ખાવાનું પણ નહોતું. છોકરાઓ ભૂખથી રડી રહ્યાં હતાં. લાંબો સમય સુધી બજારમાં કામ માંગ્યું. ભાર વેઠવાની ટોપલી લઈને બેસી રહી. પણ કંઈ કામ ન મળ્યું. સામે કોઈનું છોકરું રડતું હતું, એ જોઈને મારા ભૂખ્યા છોકરાઓની યાદ આવી ગઈ. ત્યાં કોઈએ મૂકેલી અનાજની બોરી જોઈ, એ લઈને ભાગવા જતી’તીને પોલીસે પકડી.”

“તો પછી તેં કહ્યું કેમ નહીં કે છોકરાઓ ભૂખ્યાં હતાં એટલે ચોરી કરી. સંભવ છે મેજિસ્ટ્રેટ ઓછામાં ઓછી સજા કરી હોત.”અનિતાએ ઊંડો શ્વાસ લઈને પૂછ્યું.

“અમ ગરીબોની કોઈ સાંભળતું નથ સરકાર. છોકરાઓ પણ કચેરીમાં આવ્યાં હતાં. ઘણું કહ્યું પણ કોઈએ સાંભળ્યું જ નહીં.” રાહી બોલી.

“હવે કોની પાસે છે તારા છોકરાં? બાપ છે એમનો?” અનિતાએ પૂછ્યું.

“બાપ તો એમનો મરી ગયો છે. જેલમાં એને એવો માર્યો હતો કે ત્યાંની હોસ્પિટલમાં જ મરી ગયો” રાહીની આંખમાં આંસુ હતાં.

“તારા છોકરાંઓનો બાપ પણ જેલમાં હતો, કેમ?” અનિતાએ સવાલ કર્યો.

“એને તો કોઈ વાંક વગર પકડી લીધો હતો. બે-ચાર દોસ્તો સાથે તાડી પીવા ગયો હતો. મારા ઘરવાળાને એક વાર પોલીસ સાથે માથાકૂટ થઈ હતી. એનો બદલો લીધો. ૧૦૯નું ચલાન ભરીને એક વર્ષની સજા ઠોકી દીધી. ત્યાં જ મરી ગયો.”

“ઠીક છે, જા તારું કામ કર.” અનિતાએ નિશ્વાસ મૂકતાં કહ્યું.

અનિતા સત્યાગ્રહ કરીને જેલમાં આવી હતી. પહેલાં એને ‘બી’ ક્લાસમાં મૂકી હતી. એના ઘરવાળાએ લખા-પટ્ટી કરાવીને એને ‘એ’ ક્લાસમાં મૂકાવી દીધી હતી.

અનિતાના મનમાં એક પ્રશ્ન ઘોળાયા કરતો હતો. દેશ પાસે ગરીબ અને આવા નિરિચ્છ લોકોના કષ્ટનું નિવારણ કેમ નથી? આપણે સૌ એક પરમાત્માના સંતાનો છીએ. એક દેશના વતની છીએ. કમ સે કમ સૌને એક સરખું ખાવા-પીવાનો એક સમાન અધિકાર કેમ ન મળે? કેટલાય લોકો એટલા આરામથી રહે છે અને કેટલાયને પેટનો ખાડો પૂરવા ચોરી કરવી પડે? સરકારી વકીલના વાકચાતુર્યના લીધે આવા કેટલાય અભણ લોકો જેલ ભોગવતા હશે, અને એમના છોકરાંઓ નિસહાય રખડી પડતાં હશે? દેશભક્તિના નામે અમે જેલ ભોગવીએ છીએ, પણ જેલમાં આવીને કયો એવો મોટો ત્યાગ કરીએ છીએ? અમારી સાથે અન્ય કેદીઓની સરખામણીમાં થોડો સારો વર્તાવ થાય છે, છતાંય અમને સંતોષ નથી. ‘એ’ ક્લાસ અને ‘બી’ ક્લાસ માટે માથાકૂટ કરીએ છીએ. જેલમાં રહીને કોઈ કષ્ટ ભોગવવાની તૈયારી હોતી નથી. પાછાં ભારે અભિમાનથી કહીએ છીએ કે, આ અમારી ચોથી જેલયાત્રા છે. આ અમારી પાંચમી જેલયાત્રા છે. જેટલી વાર જેલમાં જઈએ છીએ એટલી વાર દેશભક્તિની વધુ સીડીઓ ચઢતાં જઈએ છીએ. અને જ્યારે છૂટીએ છીએ ત્યારે એના જોર પર કોંગ્રેસ રાજ્યમાં મિનિસ્ટર કે સ્થાનિક સંસ્થાઓના મેમ્બર બની જઈએ છીએ.

અનિતા વિચારતી રહી. કાલ સુધી જે લોકો ખાદી પહેરતા નહોતા. વાત વાતમાં કોંગ્રેસની મજાક ઊડાવતા હતા. પછી એ લોકો જ કોંગ્રેસભક્ત બનીને ખાદી પહેરવા માંડશે. વાસ્તવમાં આ દેશભક્તિ છે કે સત્તાભક્તિ?

અનિતાના વિચારોનો અંત નહોતો. એ ભાવુક બની ગઈ. ભીતરથી કોઈ વહેરી રહ્યું હોય એવું અનુભવી રહી. એને વારંવાર લાગતું હતું કે ખરેખર આ સાચી દેશભક્તિ કહેવાય કે દેશભક્તિના નામે મજાક?

આત્મગ્લાનિ અનુભવતી અનિતાને લાગ્યું કે સાચી દેશભક્તિ તો આ ગરીબોના કષ્ટ-નિવારણમાં છે. આ સૌ આપણી ભારતમાતાનાં જ સંતાનો છે. આ નાગાં-પૂગાં, ભૂખ્યાં ભાઈ-બહેનોની થોડીક સેવા જો કરી શકીએ તો સાચા અર્થમાં દેશસેવા થઈ કહેવાશે. આપણો વાસ્તવિક દેશ તો ગામડાંમાં છે. ખેડૂતોની દુર્દશાથી આપણે અલ્પ પરિચિત છીએ. આ લોકો પાસે ન તો ઘર છે, ન જ્ઞાન. અજ્ઞાનનો આટલો ભાર લઈને કેવી રીતે જીવતા હશે? જરા ઉંમર થાય એટલે મા દીકરીને, સાસુ વહુને ચોરીની શીખામણ આપવા જ માંડતી હશે ને? એમને એમ જ હશે કે ભીખ માંગવી કે ચોરી કરવી, એ જ એમનું જીવન હશે? આજે અહીં તો કાલે બીજે ચોરી કરશે. બચી ગયા તો ઠીક નહીંતર વરસ બે વરસ જેલમાં? એમના જીવનનું કોઈ લક્ષ્ય હશે ખરું?

ઇતિહાસ, ધર્મ-દર્શન, જ્ઞાન-વિજ્ઞાનનો અર્થ સમજતા હશે ખરા? સંસારની મૃગતુષ્ણામાં આપણે લક્ષ્ય ભૂલી જઈએ છીએ? એક સપાટીથી ઉપર પહોંચેલા કોઈક મહાન આત્માઓ સિવાય બાકીના લોકો આ ભવાટવીમાં ખોવાયેલા રહી જાય છે. સત્ય, કર્તવ્ય, માનવતા જેવા શબ્દો કે એના અર્થ જાણતા હશે ખરા?

રાહી જેવી ભોળી પણ ગુમરાહ થયેલી વ્યક્તિઓને કોણ સાચા માર્ગે લાવશે? ખરેખર તો સત્યાગ્રહીઓની સૌથી પહેલી ફરજ આ ન હોવી જોઈએ? દેશભક્તિનો પહેલી પ્રતિજ્ઞા આ ન હોવી જોઈએ? અનિતા આખો દિવસ આવા વિચારોમાં અટવાયેલી રહી.  

રાતના ઊંઘમાં એણે સપનું જોયું કે જેલમાંથી છૂટીને એ માંગરોરી લોકોના ગામમાં પહોંચી ગઈ છે. ત્યાં એણે એક આશ્રમ ખોલ્યો છે. એ આશ્રમમાં નાના-મોટાં બાળકો ભણી રહ્યાં છે, સ્ત્રીઓ સૂતર કાંતી રહી છે. બીજી બાજુ પુરુષો કપડાં સીવી રહ્યા છે. રોજ સાંજ પડે એમને ધાર્મિક પુસ્તક વાંચી સંભળાવવામાં આવી રહ્યું છે. દેશમાં શું ચાલી રહ્યું છે, એ સરળ ભાષામાં સમજાવવામાં આવી રહ્યું છે. એ જ ભીખ માંગવાવાળા અને ચોરી કરવાવાળા લોકો આદર્શ ગ્રામવાસી બની ગયા છે. રહેવા માટે નાનાં-નાનાં ઘર બનાવી લીધા છે. રાહીના અનાથ છોકરાંઓને અનિતાએ પોતાની સાથે રાખી લીધાં છે.

અનિતા આ સુખ-સ્વપ્ન જોતી રહી. રાત્રે મોડી ઊંઘ આવવાના લીધે સવારે એ વહેલી ઊઠી શકી નહીં. અચાનક સ્ત્રી જેલરે આવીને એને ઊઠાડી. “તમે ઘેર જવા તૈયાર થઈ જાવ. તમારા પિતા બીમાર છે. તમને કોઈ શરત વગર છોડવામાં આવી રહ્યાં છે.”

અનિતા પોતાના સ્વપ્નને સચાઈમાં પરિવર્તિત કરવાની મધુર કલ્પના લઈને ઘેર જવા ચાલી નીકળી.

સુભદ્રા કુમારી ચૌહાણની વાર્તા ‘રાહી’ પર આધારિત ભાવાનુવાદ.

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

HopeScope Stories Behind White Coat – ૪૦ / Maulik Nagar “Vichar”

“ટણપા”
હા..હા..હા..હા..
ડૉ. પ્રભાકરની કૅબિનમાં હર્ષોલ્લાસ હતો.
જોકે હાસ્ય અને નિખાલસના ત્રાજવામાં સમતોલન ન હતું.
ક્યાં સામાન્ય નિખાલસ ડૉ. પ્રભાકર અને ક્યાં એમનાં સ્કૂલના મિત્ર આંતરરાષ્ટ્રીય ટેનિસ ખેલાડી અને સેલિબ્રિટિ મિ. વિશ્વનાથન.
વિશ્વનાથનનો કાફલો નીકળે એટલે જાણે કે કોઈ કેન્દ્રીય પ્રધાનનો કાફલો નીકળ્યો હોય તેવું લાગે.
એમની સાથે એમનાં બે ત્રણ બૉડિ ગાર્ડ હોય, એકાદ બે વ્યવસાયિક ચાપલૂસ મિત્રો હોય, બધી જ તારીખો અને મીટિંગ્સની નોંધ રાખે તેવી એમની સેક્રેટરી હોય અને અલગ અલગ લકઝરી ગાડીઓના ડ્રાઈવર્સ હોય.
ડૉ. પ્રભાકર પણ એમની દાક્તરી ફિલ્ડની સેલિબ્રિટી જ હતાં.
એક કૉર્પોરેટ હોસ્પિટલના સી.ઈ.ઓ. અને મૅનેજમેન્ટની સાથે પ્રૅક્ટિસ પણ એટલી કુશળતાથી કરતા હતા.
અલબત્ત વિશ્વનાથનની કક્ષા કંઈક અલગ જ હતી.
વિશ્વનાથનને કોઈ પણ મેડીકલ એડવાઇઝ જોઈતી હોય તો સીધો જ એમનાં સ્કૂલના મિત્ર ડૉ. પ્રભાકરને જ કન્સલ્ટ કરે.
ડૉ. પ્રભાકર પણ બને ત્યાં સુધી એમને ફોન પર જ સલાહ આપી દે.
પરંતુ આ વખતે વિશ્વનાથનને અમુક જરૂરી રિપોર્ટ્સ કરાવવાના હતાં એટલે એમનાં આખેઆખા સ્ટાફ સાથે તેઓ ડૉ. પ્રભાકરની હૉસ્પિટલમાં આવ્યા હતાં.
એમનાં આવવાની જાણ થતા ડૉ. પ્રભાકરના સ્ટાફના લોકોએ તો ઑટોગ્રાફ માટે પોતપોતાની ડાયરી, સેલ્ફી માટે ફોન અને લાલી લિપ્સ્ટીક કરીને પોતાના ચહેરા તૈયાર જ રાખ્યા હતાં.
વિશ્વનાથનના વર્તનમાં એમની પ્રસિદ્ધિ અને કામયાબીનો થોડો ભાર જણાતો હતો. એટલે જ તો એમની અને ડૉ. પ્રભાકરની નિખાલસતામાં થોડું ઘણું સંતુલન ઓછું હતું.

“નાથ, તારી એક પણ મેચ હું જોવાની છોડતો નથી.” એક ખેલાડી માટે તો આ ભારોભાર કૉમ્પ્લિમન્ટ કહેવાય પરંતુ વિશ્વનાથને “તું કારો” ખૂંચ્યો.
“હું પણ તારી આપેલી એકેએક લાલપીળી ટીકડીઓ લેવાનું ચૂકતો નથી.” વિશ્વનાથને માત્ર “સસ્તી” જ બોલવાનું બાકી રાખ્યું હતું. છતાંય એનાં શબ્દોમાં કટાક્ષ જણાઈ આવતો હતો.
“હા..હા..હા..” આ સાંભળીને ડૉ. પ્રભાકરે તો ખૂબ જ સહજતાથી હસી લીધું.
“પ્રભુ તે પણ જો ટેનિસ ચાલુ રાખ્યું હોત તો આજે આપણે બંને સ્ટાર હોત.” વિશ્વનાથને પાછી કટાક્ષ કરી.
આડકતરી રીતે પોતે સફળ છે એનો પૂરાવો આપ્યો.
ડૉ. પ્રભાકરની કપાળની રેખાઓ ભેગી થઇ ગઈ, “કમ ઑન નાથ!!
“વૉટ?”
“યુ આર પોઝિટિવ, તને મલેરિયાની અસર છે.”
“હેં!!” વિશ્વનાથના તો હોશકોશ ઊડી ગયાં.
“તો હવે? શું હું ટ્રાવેલ નહીં કરી શકું?”
“ના..ના..ચિંતા ના કર. તાવ આવતો નથી એટલે વાંધો નહીં. ” ડૉ. પ્રભાકરે એને શાંત્વન આવતા કહ્યું.
“હાશ! તો તો સારું. આવતા અઠવાડિયાથી મારી ‘ઑસ્ટ્રેલિઅન ઓપન ટૂર’ છે.”
“લે નાથ!..આ લાર્યાગો દવા લઇ લેજે. મને નીકળતા પહેલાં ફોન કરજે કે કેવું લાગે છે અને કીપ મી અપડેટેડ.”
નાથના હાથ તો મલેરિયા સાંભળીને જ કાંપવા લાગ્યા હતાં.
ગંભીર મોઢે ન છૂટકે લોકોને ઑટોગ્રાફ આપ્યા અને સેલ્ફી પડાવી.
મિલિયન ડૉલર્સની કમાણી અને એ.ટી.પી કપ જીતવા મિ. વિશ્વનાથન પોતાના સ્ટાફ સાથે ઑસ્ટ્રેલિયા જવા રવાના થઇ ગયાં.

ભઈએ તો બે દિવસ લાર્યાગો લીધી.
શરીરમાં થોડું સારું લાગતા એણે દવા લેવાનું બંધ કર્યું.
ઑસ્ટ્રેલિયા જવાની હૈયાહોળીમાં તે મિત્ર ડૉ. પ્રભાકરને પણ પોતાની અપડેટ આપવાનું ચૂકી ગયો.
એકાદ બે ફ્રેન્ડલી મેચમાં તો એણે હરીફને સીધા સેટમાં જ હરાવી દીધાં.
આયોજકોથી માંડીને દેશ-વિદેશમાં બધાં જ ટેનિસ રસિકોને લાગ્યું કે આ વખતે તો ભારતીય ખેલાડી વિશ્વનાથન ઘરેથી જ સેટ થઈને આવ્યા છે.
ટુર્નામેન્ટનો લીગ રાઉન્ડ ચાલુ થવાનો હતો તે જ દિવસથી વિશ્વનાથનને થોડું નરમગરમ લાગતું હતું.
તેનાં સપોર્ટ સ્ટાફે વિચાર્યું કે ‘ઈટ મસ્ટ બે સ્ટ્રેસ!’
મેચનો સમય થઇ ગયો હતો.
સ્ટેડીયમ ખચોખચ ભરેલું હતું. અમેરિકન હરીફની સામે વિશ્વનાથનની પ્રથમ મેચ હતી.
સ્ટેડિયમમાં ભારતીય પોશ પ્રેક્ષકો શૂટ બૂટ પહેરીને ગોઠવાઈ ગયા હતાં.
“વિશ્વનાથન..વિશ્વનાથન”થી ચીયર કરતા પ્રેક્ષકોનો અવાજ સંભળાતા ડ્રેસિંગ રૂમમાં વિશ્વનાથનના આત્મવિશ્વાસમાં વધારો તો થયો પરંતુ હજી પણ એનાં શરીરમાં એ જોશ ન હતો જણાતો.
લાર્યાગો લીધી તે બે દિવસ એને સારું લાગ્યું હતું.
એટલે ભાઈ એ તો પાઉચમાંથી દવા કાઢી અને ગડગડાઈ ગયો.
વાહ..થોડીક જ ક્ષણોમાં જોરદાર તાજગી આવી ગઈ.
વિશ્વનાથને તો વિશ્વ ચૅમ્પિયન અમેરિકન હરીફને તો પરસેવો પડાવી દીધો અને સફળતાથી એ.ટી.પીમાં ખાતું ખોલાવ્યું.
એણે તો સળંગ બે ત્રણ દિવસ લાર્યાગો દવાનો કૉર્સ ચાલુ જ રાખ્યો.
બીજી મેચની શરૂઆત તો થઇ પરંતુ અધવચ્ચે જ જાણે એને આંખે ઝાંખપ આવી, બધું જ ધૂંધણું દેખાવા લાગ્યું.
મેચ રેફરિ સાથે વાત કરી, એ મેચને રદ કરવામાં આવી.
અફકૉર્સ આ કાંઈ ગલી ક્રિકેટ તો હતું નહીં એટલે એણે એ મેચના પોઈન્ટ્સ ગુમાવવા પડ્યા.
સપોર્ટ સ્ટાફે તો દોડાદોડ કરી મૂકી.
આંખે ઝાંખપ હોવાથી એમને લાગ્યું કે કંઈ ઢીલું નથી મૂકવું.
સૌ પ્રથમ મેલબોર્નની હોસ્પિટલમાં બ્રેઈનનો એમ.આર.આઈ કરાવ્યો.
નોર્મલ આવ્યો.
કોઈ બુદ્ધિશાળી આત્માએ આંખની ચેક-અપ કરવાની સલાહ આપી.
એ પણ નોર્મલ.
અંતે પોતાની શારીરિક નબળાઈથી કંટાળીને વિશ્વનાથને ટુર્નામેન્ટ અધવચ્ચેથી જ કવીટ કરવાનો નિર્ણય કર્યો અને સીધો ભારત ભેગો થઇ ગયો.

પોતાના એ જ કહેવાતા ઇન્ટરનેશનલ કાફલા સાથે એ જ લાલપીળી ગોળી આપતા એનાં મિત્ર ડૉ. પ્રભાકરની હોસ્પિટલ પહોંચ્યો.
એને જોતાંની સાથે જ ડૉ. પ્રભાકર એનાં પર તાડૂક્યા.
“અલા ટણપા મૅસેજ તો ચેક કર. તારી પ્રથમ મેચ રદ થઇ ત્યારે જ મને ખબર પડી ગઈ હતી કે તે તને લાર્યાગોની આડઅસર થઇ લાગે છે.એ કાંઈ ધાણી મમરા નથી કે ડબ્બો ખોલીને ખાઈ લેવાનું.” મગજ પરનો પિત્તો ગુમાવી બેઠેલા ડૉ. પ્રભાકર જયારે ભાનમાં આવ્યા ત્યારે જોયું તો એમનાં સપોર્ટ સ્ટાફની સાથે બે-ચાર મીડિયાવાળા પણ અંદર ઘૂસી ગયાં હતાં.
બીજાં દિવસે બધાય છાપામાં આંતરરાષ્ટ્રીય ટેનિસ ખેલાડી વિશ્વનાથનના ફોટા સાથે હેડિંગ હતું “ટણપા”

By:Maulik Nagar “Vichar”

સ્પંદન-40




આભના ચંદરવે સોહે શરદપૂનમનો ચાંદ
માનસ પર છાઇ મુગ્ધતા, પ્રિયતમ કરે સાદ
અંધારને ઓગાળી , ચાંદની પૂરી રાત રેલાય
પૂર્ણિમા સદા મનોરમા, તનમન શીતળતા છવાય.

ચાંદનીની શીતળતા, જ્યોત્સનાની શુભ્રતા
રાતના નીરવ અંધકારે, રણઝણે દિલના તાર
પ્રેમ, પ્રસન્નતા, માધુર્ય વિસ્મય સાથે છલકાય
દૂધ પૌવાની મીઠાશ સાથે જીવન ધન્ય થાય.

પૂર્ણતાને કોણ નથી ચાહતું? અષ્ટ સિદ્ધિ અને નવ નિધિની પરિકલ્પના અને ભક્તિથી વ્યાપ્ત છે આપણી સંસ્કૃતિ, સંસ્કૃત સાહિત્યમાં પણ એના ઉલ્લેખો જોવા મળે છે. પરંતુ સાહિત્યની આ પ્રેરણા જ્યારે વાતાવરણમાં છવાય ત્યારે મન મલકે, ઉત્સાહ છલકે, આ પૂર્ણતા આકાશમાં છવાય. ક્યારે? શરદપૂર્ણિમાએ.

અજબ છે આ સૃષ્ટિ. દરેક પળને ખોલીને જુઓ તો કંઇક નવું જ ગીત સંભળાશે. હવાઓની લહેરમાં હરદમ નવું સંગીત સંભળાશે. વરસાદનો નાદ કાનમાં સાદ દે ત્યાં તો ઝરણાઓની ઝિલમિલ મનમાં રહેલી ઊર્મિઓને વહાવે અને વર્ષાના વાદળોની વિદાય થાય. સ્વચ્છ બનેલા આસમાનમાં ટમટમતા તારલાઓની વચ્ચે છવાઈ જતો સોળે કળાએ ખીલી ઉઠેલો ચંદ્ર અમૃતબુંદો વરસાવી આપણો અભિષેક કરે. આ ચંદ્ર એટલે શરદ પૂર્ણિમાનો ચંદ્ર.

રાતનો સમય હોય, આકાશમાં ચંદ્ર પૂર્ણપણે ખીલ્યો હોય, અનેક ગ્રહો, નક્ષત્રો, તારાઓથી મઢેલો આકાશનો અદ્ભુત ચંદરવો શોભતો હોય ત્યારે શરદપૂર્ણિમાનું એ સૌંદર્ય માણતા આનંદ અને ઉલ્લાસનો નશો ન ચડે જ નવાઈ. શરત એટલી જ કે આ સૌંદર્ય માણતા આવડવું જોઈએ, સૌંદર્યને પામતા આવડવું જોઈએ, તેની કદર કરતાં આવડવું જોઇએ. આજના ભૌતિકવાદી યુગમાં દરેક વસ્તુ પોતાની કરવાની એક ઘેલછા હોય છે. Virtual વિશ્વમાં જીવતો આધુનિક માનવી actual જીવન માણવાની તક ક્યારે ગુમાવી દે છે તેની સુધબુધ પણ રહેતી નથી.

પ્રખ્યાત સૂફી કવિ રૂમીએ એવું કહ્યું છે કે કોઈક દિવસ એવો ઉગે છે જ્યારે પવન પૂરેપૂરો અનુકૂળ હોય, પૂર્ણતાની ગતિમાં હોય ત્યારે આપણે કશુંયે કરવાનું નથી હોતું. માત્ર આપણા શઢને ખોલી નાખવાનો હોય છે. ત્યારે આપણને વિશ્વના સૌંદર્યનો પૂર્ણ અનુભવ થાય છે. શરદપૂર્ણિમા એ એવો દિવસ છે જ્યારે ઈશ્વરની પ્રેમમય સૃષ્ટિમાં તલ્લીન થઈ પૂર્ણ ચંદ્રમાની શુભ્ર ચાંદનીમાં દૂધ પૌવા ખાઈ સૌંદર્યનું પાન કરતાં પ્રકૃતિની લીલા, ક્રીડાને માણીએ, તેના ઝીણા ઝીણા સ્પંદનોમાં ઝૂમીએ.

ક્યારેક પ્રશ્ન થાય કે સુખની પહેચાન શું? જ્યારે જીવનમાં તાપ, પરિતાપ અને સંતાપની વિદાય થાય, શીતળતા મનને મહેકાવે, કુદરત પણ મહેરબાન થાય અને આકાશમાંથી અમૃત બુંદોની વર્ષા પળ પળ થાય, આવા તૃપ્ત વાતાવરણમાં, પૂરબહાર રેલાતી ચાંદનીમાં આ ક્ષણોને માણવી એટલે સુખ. આ સુખની ક્ષણો શતાયુ માનવજીવનમાં તો સો વાર આવે પણ આ જીવંતતાને માણવાની તૈયારી કેટલી? ખરેખર, સુખ શોધતા માનવીએ સમજવાનું છે કે સુખ શોધવાનું નથી માણવાનું છે. સુખની સુરાવલીઓ વહેતી જ હોય છે, જરૂર તો હોય છે માત્ર કાન સરવા કરી તેને સાંભળવાની.

શરદપૂર્ણિમાની સુરાવલીઓમાં ઘણું બધું છુપાયેલું છે. ક્યાંક તમને કૃષ્ણનો ગોપીઓ સાથે નિધિવનમાં રમાયેલ મહારાસ અને વેણુનાદ સંભળાય તો નવાઈ કે આશ્ચર્ય નથી કારણ કે આ દિવસ પ્રસિદ્ધ છે રાસ પૂર્ણિમાના નામે જ્યારે કૃષ્ણ એ ગોપીઓ સાથે મહારાસ રચેલો અને તેની પરંપરાને અનુસરી આજે પણ ઘણી જગ્યા એ રાસ ગરબાનું મહત્વ જોવા મળે છે. રાસ એ રસનું પ્રાગટ્ય છે. આ રસ પ્રચુર ક્ષણો માણીએ તો અમૃતવર્ષાનો અનુભવ તાદૃશ થાય. ગુજરાતમાં શરદ પૂર્ણિમા પર લોકો ગરબા રમે છે. મણિપુરમાં પણ શ્રી કૃષ્ણ ભક્તો રાસ રમે છે.

આ ઉપરાંત આ લક્ષ્મીજીનો પ્રાગટ્ય દિન પણ છે. તેથી લક્ષ્મીજીની આરાધના કરીને સુખ અને સમૃદ્ધિની કામના કરવામાં આવે છે. આ રાત્રે જે જાગૃત રહી અમૃતને માણે છે તેના પર માતા લક્ષ્મી આશીર્વાદ વરસાવે છે તેથી તેને કોજાગરી પૂર્ણિમા પણ કહે છે. કોજાગરી એટલે -કો જાગ્રતિ-માંથી ઉતરી આવેલો શબ્દ. પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં શરદ પૂર્ણિમાની રાત્રે મહાલક્ષ્મીની વિધિ સાથે પૂજા કરવામાં આવે છે. વ્રત એ શ્રધ્ધાનો વિષય છે પણ એક વાત સ્પષ્ટ છે કે અમૃતવર્ષા થાય તો પણ જે જાગૃત નથી તેને સમૃધ્ધિ ન મળે. પૌરાણિક કથાઓનો આધુનિક અર્થ પણ તેમાં રહેલ તત્વને દ્રઢ બનાવે છે તે તેની વિશિષ્ટતા છે.

ચંદ્ર એક મહિનામાં 27 નક્ષત્રમાં ભ્રમણ કરે છે છે.તે પૈકી આ પહેલું નક્ષત્ર છે. સાથે જ અશ્વિન નક્ષત્રની પૂનમ આરોગ્ય આપે છે. પ્રાચીન ગ્રંથોમાં, ચંદ્રને ઔષધીય એટલે કે દવાઓનો સ્વામી કહેવામાં આવ્યો છે. પૌરાણિકતાનું વાસ્તવિક સ્વરૂપ ભલે અલગ જગ્યાએ અલગ હોય પણ શીતળતા એ શરદ પૂર્ણિમા નું હાર્દ છે અને શીતળ અને મધુર પદાર્થ જેવી ખીર હોય કે દૂધ પૌંઆ, ચાંદનીમાં પૂરી રાતની શીતળતાથી વ્યાપ્ત આ વાનગીઓ સંદેશ છે શીતળતા અને માધુર્ય સાથેના સંબંધોનો. કારણ આ સંબંધો એ પણ સંસારનું અમૃત છે.

અમૃતની કામના દેવો અને દાનવોને પણ હતી. સમુદ્રમંથનની કથા તેની સાથે સંકળાયેલી છે. માનવ એ સૃષ્ટિનું વિશિષ્ટ સર્જન છે. કુદરત તેના માટે શરદપૂર્ણિમાની રાત્રિએ શુભ્ર જ્યોત્સના કે રેલાતી ચાંદનીના સ્વરૂપે અમૃતમય વાતાવરણ પ્રસ્તુત કરે છે. આ સાથે પ્રેમ અને પ્રસન્નતાનો અનુભવ થાય, રસનું માધુર્ય પ્રગટે અને પૂર્ણતાને પામવાના સંદેશને અનુસરીએ તો સુખ અને સમૃદ્ધિ સાથેનું આ અમૃતમય જીવન પૂર્ણ બને અને શરદપૂર્ણિમાના ચંદ્રની જેમ જ આપણું જીવન પણ સોળે કળાએ ખીલી ઉઠશે.

રીટા જાની
22/10/2021

અજ્ઞાતવાસ લખતા પહેલા ,પછી અને લખતા લખતા

એક નદી પરથી નાવ વહેણની સાથે વહે ત્યારે લાંબી મુસાફરીમાં દ્રશ્યો એક પછી એક સડસડાટ કરતાં તમારાં દ્શ્યપટલ પરથી બદલાતાં જાય. વચ્ચે વચ્ચે નાના નાના ગામ ,કસ્બા અને ક્યારેક પહાડો આવતા જાય,તમે શાંતિથી સફર કરતાં હોવ તો એનો આનંદ તમે ઉઠાવતાં જાઓ.બસ આખી નવલકથામાંથી હું એવી જરીતે પસાર થઈ સડસડાટ. નકુલની સાથે એક એક સંવેદનાઓ અનુભવી,તેની સાથે રડી,આનંદિત થઈ અને પ્રેમમાં રોમાંચિત થઈ ટીનએજ અવસ્થામાંથી તેની સાથેજ પસાર થઈ પ્રેમનાં સ્પંદનો અનુભવ્યા.જીવનની ફિલસુફી જાણી સમજી અને જીવનનું સત્ય સમજવા કોશિશ કરી.નસીબ માણસને ક્યાંથી ક્યાં લઈ જઈ શકે ,માત્ર મહેનત અને હોંશિયારીથી જીવનનો જંગ જીતાતો નથી તે પણ ખરા અર્થમાં સમજાયું.નસીબ ખરાબ હોય તો તમે ગમે તેટલી મહેનત કરો પણ તમને સફળતા ન મળે એવું પણ બને! શું નસીબનું પણ જીવનમાં એટલું જ મહત્વ છે? તે પ્રશ્ન સતત ઉદ્દભવ્યો.


અજ્ઞાતવાસ સાથે દરેક માણસ એકલો કે બધાંની વચ્ચે રહીને,ક્યારેક દુ:ખમાં કે ક્યારેક સુખદ અનુભવ સાથે અનુભવી ભીતરની વ્યક્તિ સાથે વાત કરી જીવે છે.તેમજ ઘોડા જેવા પ્રાણીમાં પણ માનવ સહજ સંવેદનો -પ્રેમ,ગુસ્સો,હતાશા,આત્મવિશ્વાસ જેવી લાગણીઓ હૂબહૂ હોય છે તે દર્શાવવા કોશિશ કરી છે. બીજું, એક સત્ય મારી આસપાસ હું જોતી હતી ત્યારે કોઈ એવી લાગણી પણ હું અનુભવતી કે આગલા જન્મમાં નકુલ ઘોડાસાથે કોઈરીતે સંકળાએલ હોય ,કે તેના કર્મો તેની સાથે જોડાએલ હોય ,તે અધૂરી રહી ગયેલ ઈચ્છાઓ કે પોતે પણ ઘોડો હોઈ શકે, એટલે ઘોડા થકી એને પ્રેમ ઉપજતો હોય અને ઘોડો એને શાંતિ આપતો હોય.તે એકાંતમાં ઘોડાને મળી તેની ભાષા એટલે પણ સમજતો હોય!આવું કંઈક હું તમારા સમક્ષ પહોંચાડવાં માંગતી હતી. તમે કહો ત્યારે ખબર પડે કે તે પહોંચાડવાનાં હું કેટલી સક્ષમ નીવડી છું.


અજ્ઞાતવાસ મારી પહેલી નવલકથા ,હું લખવાની શરુ કરવાની હતી ત્યારે ઉત્સાહ લખવાનો ખૂબ હતો પણ આ પહેલા પ્રયાસ માટે -આ બરાબર લખાશે? અને જે થીમને લઈને હું લખવા જઈ રહી હતી તે યોગ્ય છે કે નહીં તેને માટે દ્વિધામાં જરુર હતી.કોઈપણ વાર્તા કે નવલકથાનું બીજ સત્યઘટના પર આધારિત હોય કે આપણી આસપાસ જોયેલ જાણેલ હોય તો તે વાર્તા મજબૂતાઇ સાથે રજૂ થાય છે. મારું નકુલનું પાત્ર પણ મારી આસપાસનું મારી સામે જીવાએલ પાત્ર તેમજ ઘણી ઘટનાઓનાં મૂળ સત્યઘટના પર આધારિત ખરાં પરતું તેનાં તાણાવાણાં ,ગૂંથણી તો મારી કલ્પના સાથે જોડાઈને જ નવલકથા બની.નવરસ ,દરેક સંવેદનો ,ઉત્કંઠા,રેસ અને જુગારનો નશો ,નકુલ સાથે રહી મેં તમને પીરસવા કોશિશ કરી.મુંબઈ નું બ્રીચકેન્ડી,રેસકોર્સ,હાજીઅલીનાં દરિયા પાસેની જગ્યા અને બધીજ હોટલોની કરેલ સફરને જ વર્ણવી તેથી તાદ્રશ્યતા આવી શકે. તેમજ વિદ્યાનગર,અમદાવાદથી લઈ સ્વિત્ઝરલેન્ડ,અલાસ્કા,સિંગાપુર,કેનેડા-મેક્સિકોની બોર્ડર અને ન્યુયોર્ક,શિકાગો અને લોસએંન્જલસ બધીજ જગ્યાઓની કરેલી સફરને વાગોળી એટલે તે તે જગ્યાઓને સારી રીતે વર્ણવી શકું અને નકુલ સાથે તે જગ્યાઓની સફર મેં પણ કરી.


પ્રજ્ઞાબહેને ,મેં એમને કહ્યું કે મારે નવલકથા લખવી છે તો એકપણ સવાલ પૂછ્યા વગર ‘ તું કરી જ શકીશ’ નો આત્મવિશ્વાસ અને પ્રેરણા પૂરી પાડી તેમજ જહેમત સાથે તેમણે યુટ્યુબ બનાવી.જયશ્રીબહેન મર્ચન્ટને પણ મેં જ્યારે કોઈપણ સવાલ નવલકથા લખવા અંગે કર્યા ત્યારે મારી મોટીબહેનની જેમ સલાહસૂચનો અને પ્રોત્સાહન પૂરું પાડ્યું. તરુલત્તાબહેને પણ લખવા માટે પ્રોત્સાહન અને જરુરી સૂચનો આપ્યા.મારી વ્હાલી સખી રાજુલ કૌશિકે વિવેચક બની હંમેશા કોમેન્ટ કરી જેની પ્રેરણા મારે હંમેશા જરુરી હોય છે.મારા સૌ વાચકો,સ્નેહીઓ ,ભાઈબહેનો,કુટુંબીઓનો અને મિત્રોએ પર્સનલ પ્રોત્સાહન અને પ્રેરણા આપી નવાજી તેથી મારો ઉત્સાહ છેક સુધી જળવાઈ રહ્યો.
આવી જ પ્રેરણા અને પ્રોત્સાહન હંમેશા આપ સૌ તરફથી મળતા રહે તે જ આશા…


જિગીષા દિલીપ

૪૦-વાર્તા અલકમલકની- રાજુલ કૌશિક

સૌભાગ્યનું વિસર્જન

આપણે ગયા અંકમાં જોયુ કે, અન્ય યુવતી સાથે પ્રભુતામાં પગલાં માંડતા કેશવના જીવનને આખરી અંજામ સુધી પહોંચાડવાનો નિર્ણય સુભદ્રા કરી ચૂકી છે. પણ એ કેવી રીતે? તો ચાલો આપણે જઈએ સુભદ્રાની સાથે મંદિરે જ્યાં કેશવ ઉર્મિલા સાથે લગ્નના ફેરા લઈ રહ્યો છે.

*********


સંધ્યા સમયે આર્ય મંદિરમાં સુભદ્રા પહોંચી. બરાબર ત્રણ વર્ષ પહેલાં એ અને કેશન લગ્ન વેદીની સામે બેઠાં હતાં, એમ એનો કેશવ, એનો પ્રાણવલ્લભ, એનું જીવન સર્વસ્વ ઉર્મિલાની સામે બેઠો હતો. કેશવને જોઈને એ સુધબુધ વિસરવા માંડી. કેટલા અપાર પ્રેમ, કેવી અભિલાષાથી જીવન-પ્રભાતનો ઉદય થઈ રહ્યો હતો! અનન્ય મધુર સંગીત જેવું બધું સુખદ ભાસતું હતું. આ એ કેશવ છે? આજ સુધી એના માટે કેશવ જેવો રૂપવાન, તેજસ્વી, સૌમ્ય, શીલવાન પુરુષ આખા સંસારમાં બીજો કોઈ હતો જ નહીં. પણ આજે એ અહીં બેઠેલા અન્ય પુરુષો જેવો સાવ સામાન્ય પુરુષ લાગ્યો. જેની પર એનો પૂર્ણ અધિકાર હોવો જોઈએ એના પર અન્યનો અધિકાર સ્થાપિત થવા જઈ રહ્યો હતો. એક થાંભલાની આડશે ઊભી એ સ્તબ્ધ બનીને જોઈ રહી.

મંત્રોચ્ચાર સાથે વિવાહ સંપન્ન થયો. મિત્રોની વધાઈ, સહેલીઓના મંગલગાનની સાથે દાવત શરૂ થઈ. થાંભલાની આડશે ઊભેલી સુભદ્રાની દુનિયા ઉજડી ગઈ. જીવન-સંગીત બંધ થઈ ગયું. જીવન જ્યોતની જાણે રોશની બુઝાઇ ગઈ. સૌ મંદિરમાંથી બહાર નીકળ્યા. પાષાણવત એ પણ નીકળી. રાતનો અંધકાર ઘેરો થવા માંડ્યો, પણ જેનું જીવન અંધકારમય બન્યું હોય એને બહારનો અંધકાર ક્યાં નડે? ઘરનો અતોપતો ભૂલી ગઈ હોય એમ,ઘરની ગલીની બહાર મોડી રાત સુધી રસ્તા પર ભટકતી રહી.


હજુ તો માંડ સવાર પડી હતી અને ઉર્મિલા આવી. કોઈ યુવતી એકાગ્ર થઈને શણગાર સજે એમ સુભદ્રા કપડાં સીવી રહી હતી. ઉર્મિલાનું રોમરોમ પ્રેમભાવથી છલકાતું હતું. એને જોઈને સુભદ્રાના હૃદયમાં અનન્ય ભાવ છલકાયા. નાની બહેનને જોઈને રાજી થાય એમ એ દોડીને ઉર્મિલાને ભેટી પડી.

“કાલે મંદિર કેમ ન આવી?” કવિની કોમળ કલ્પના જેવી લાગતી ઉર્મિલાએ પૂછ્યું.

“આવી હતી.”

“કેશવને જોયા? કેવા લાગ્યા?”

“તારા માટે જરાય યોગ્ય ન લાગ્યા. તું ઠગાઈ ગઈ છું” સ્નેહથી હસીને એણે જવાબ આપ્યો.

“મને તો એવું લાગે છે કે, મેં એમને ઠગી લીધા છે.” ઉર્મિલા ખીલખીલાટ હસી પડી.

“એક વાર વસ્ત્ર અને અલંકારથી સજીને આયનામાં તારી છબી જો. સમજાઈ જશે.”

“ઠીક છે. પણ આભૂષણ હું ક્યાંથી લાઉં? તાત્કાલિક તો એ ના બની શકે ને?” ઉર્મિલા બાળકની જેમ બોલી.

“હું તને મારા આભૂષણ પહેરાવીશ.” કહીને સુભદ્રા પોતાના અલંકાર લઈ આવી ને તમામ  ઉર્મિલાને પહેરાવી દીધા.

ઉર્મિલા માટે આ નવો અનુભવ હતો. આયનામાં જોયું તો જાત પર એ મુગ્ધ થઈ ગઈ. એ આટલી સુંદર લાગશે એવી એને કલ્પના નહોતી.

“કેશવ મને આ રીતે જોઈને મારી પર હસશે. પણ તમારી અનુમતિ હોય તો હું બે-ચાર દિવસ પહેરી શકું?”

“બે-ચાર દિવસ નહીં  બે-ચાર મહીના માટે પહેરી રાખ.”

“તમને મારી પર એટલો બધો વિશ્વાસ છે?”

“હા,” સુભદ્રા બોલી. ઉર્મિલા અત્યંત આનંદપૂર્વક પોતાના ઘરનું સરનામું આપીને ચાલી ગઈ. સુભદ્રા બારી પાસે ઊભી ઊભી એને મોટી બહેન જેવા વહાલથી જોઈ રહી. એના મનમાં ક્યાંય ઈર્ષ્યા, દ્વેષ કે રોષનું નામ-નિશાન નહોતું. 

માંડ કલાક પસાર થયો અને ઉર્મિલા પાછી આવી.

“માફ કરજો. હું તમારો બહુ સમય લઉં છું. પણ કેશવ તમને મળવા બહાર ઊભા છે.”

એક ક્ષણ સુભદ્રા અચકાઈ. પછી સ્વસ્થ થઈને અંદર આવવાનો માર્ગ મોકળો કરી આપ્યો. અંદર પ્રવેશતાની સાથે સામે સુભદ્રાને જોઈને કેશવ ચમક્યો. પગમાં અંગારા ચંપાયા હોય એમ બે ડગલાં પાછો ખસ્યો. મ્હોંમાંથી ચીસ નીકળતાં પહેલાં ગળામાં અટવાઈ ગઈ.  શાંત, ગંભીર, નિશ્ચલ એવી સુભદ્રા કોઈ અપરિચિતને જોઈને આવકાર આપતી હોય એમ બોલી.

“આવો મિસ્ટર કેશવ, ઉર્મિલા જેવી સુશીલ, સુંદર વિદુષી સ્ત્રીને પામવા માટે અભિનંદન. કેશવના ચહેરા પરથી રોનક ઊડી ગઈ. રસ્તો ભૂલેલા પથિકની જેમ ઊભો રહી ગયો. શરમ અને ગ્લાનિથી કેશવનો ચહેરો કાળો પડી ગયો. જ્યારે સુભદ્રા સાથે મુલાકાત થશે ત્યારે. એના આક્ષેપોના જવાબમાં શું કહેશે એ વિચારી લીધું હતું. પત્રમાં શું લખવું એ પણ વિચારી લીધું હતું. પણ સાવ આમ અચાનક મુલાકાત થશે એવું સપનામાંય વિચાર્યું નહોતું.

સામે ઊભેલી સુભદ્રાની સ્વસ્થતા જોઈને એ વધુ અસ્વસ્થ બન્યો. સુભદ્રાના ચહેરા પર આશ્ચર્ય, દુઃખ કે આઘાતનું એક ચિહ્ન નહોતું. સુભદ્રા એને ધિક્કારશે. નિર્દય કે નિષ્ઠુર કહેશે. ઝેર ખાવાની ધમકી આપશે, એવી બધી આપત્તિને પહોંચી વળવા એણે પોતાની જાતને સજ્જ કરી હતી. પણ એવું કશું ન બન્યું. સુભદ્રાની ગર્વયુક્ત ઉપેક્ષા માટે એ તૈયાર નહોતો.

અહીંયા ક્યારે અને કેવી રીતે આવી, એનું ગુજરાન કેવી રીતે કરતી હશે એવા અસંખ્ય સવાલોથી ચિત્ત ચંચળ બની ગયું. પણ એક સવાલ ન કરી શક્યો. સ્તબ્ધ બનીને ખુરશી પર ફસડાઈ પડ્યો.

“એમના પતિ અત્યારે જર્મની છે. બિચારી સંગીત શીખવાડીને, કપડાં સીવીને પોતાનું ગુજરાન કરે છે. એ આવી જાય તો …”

એનું વાક્ય પૂરું થાય એ પહેલાં સુભદ્રા બોલી,

“નહીં આવે, એ મારાથી નારાજ છે.”

“કેમ તું એમના પ્રેમ ખાતર, ઘર-બાર છોડીને અહીં રહી છું. મહેનત- મજૂરી કરીને નિર્વાહ ચલાવે છે. છતાં તારાથી એ નારાજ છે? આશ્ચર્ય.” ઉર્મિલાના અવાજમાં સહાનુભૂતિ અને અકળામણ બંને હતાં.

“પુરુષની પ્રકૃતિ હોય છે જ એવી. બરાબર ને મિસ્ટર કેશવ?”

ઉપરાઉપરી આવતા આંચકાથી સન્ન કેશવ શું જવાબ આપે?

“કેશવ સ્ત્રી અને પુરુષ, બંનેને સમાન અધિકાર આપવામાં માને છે.”

“ડૂબતાને તરણું મળે એમ કેશવે એ તરણું પકડી લીધું.

“વિવાહ સમજૂતી છે. બંને પક્ષને અધિકાર છે, જ્યારે ઇચ્છે ત્યારે તોડી શકે.”

“હા હવે તો સભ્ય સમાજમાં પણ આ આંદોલન જોર પકડી રહ્યું છે.” ઉર્મિલાએ પતિદેવની વાતને ટેકો આપ્યો.

“પણ સમજૂતિ તોડવાનું કોઈ કારણ તો હોવું જોઈએ ને” સુભદ્રાનો શાંત સ્વર પણ કેશવને તીરની જેમ વાગ્યો.

“જ્યારે કોઈ એકનો અનુભવ એવો હોય કે આ બંધનથી મુક્ત થઈને વધુ સુખી થઈ શકાશે, તો એ કારણ છૂટા થવા માટે પૂરતું છે. જો સ્ત્રીને પણ એમ લાગે કે એ અન્ય પુરુષ સાથે……” કેશવ માંડ બોલવા ગયો અને એની વાત કાપીને સુભદ્રા બોલી,

“માફ કરજો, મિસ્ટર કેશવ, મારામાં એટલી બુદ્ધિ નથી કે આ વિષય પર હું તમારી સાથે ચર્ચા કરી શકું. મારા મતે આદર્શ સમજૂતિ એ છે, જે જીવન-પર્યંત ટકે. હું માત્ર ભારતની વાત નથી કરતી. ત્યાં તો સ્ત્રી પુરુષની દાસી છે. પણ  અહીં ઇંગ્લેન્ડમાં પણ અનેક સ્ત્રીઓ સાથે મારે વાત થઈ છે, એ લોકો પણ છૂટાછેડાના વધતા કેસોથી ખુશ નથી. વિવાહ એની પવિત્રતા અને સ્થિરતાના લીધે સૌથી ઊંચો આદર્શ સંબંધ ગણાય છે. પુરુષોને એ આદર્શ તોડવામાં કોઈ છોછ નહીં લાગતો હોય પણ સ્ત્રીઓ હંમેશા આ આદર્શ નિભાવે છે. હવે પુરુષોનો અન્યાય સ્ત્રીઓને કઈ દિશામાં લઈ જાય છે. એ કહેવાય નહીં.” સુભદ્રાએ ગંભીર અને સંયત શબ્દોમાં પોતાનો અભિપ્રાય આપીને ચર્ચાનો અંત આણ્યો અને ચા બનાવવા ઊભી થઈ.

ઊભા થતાં કેશવથી પૂછાઈ ગયું, “ તમે અહીંયા ક્યાં સુધી છો?”

“કહેવાય નહીં.” સુભદ્રાએ એના તરફથી નજર ફેરવીને જવાબ આપ્યો.

“કોઈ જરૂર હોય તો મને કહી શકો છો.” કેશવે વિવેક કર્યો.

“આ આશ્વાસન માટે આભાર.” બે હાથ જોડીને સુભદ્રા બોલી.

એ પછીનો કેશવનો આખો દિવસ બેચેનીમાં પસાર થયો. સુભદ્રા પ્રેમવશ થઈને અહીં એના માટે આવી છે એ ખાતરી થઈ ગઈ. એના ત્યાગ અને વેઠવી પડેલાં કષ્ટનું અનુમાન એ કરી શકતો હતો. જો સુભદ્રા અહીં આવી છે એવી સહેજ પણ જાણ હોત તો એને ઉર્મિલા પ્રત્યે આટલું આકર્ષણ ન થાત. સુભદ્રાને જોઈને એની કર્તવ્યપરાયણતા જાગ્રત થઈ હોત. સુભદ્રાના પગ પકડીને એની માફી માંગવાનું મન અધીરું થઈ ગયું. જેમ તેમ દિવસ પસાર કર્યા પછી ન રહેવાયુ તો કોઈને મળવાના બહાને ઘરેથી નીકળ્યો.

કેટલા વિચારો, તરંગોથી એનું મન ચંચળ થઈ ગયું. સુભદ્રાને આશ્વાસન આપવા પોતે કહી દેશે કે, એ ખૂબ બીમાર પડી ગયો હતો. બચવાની કોઈ આશા નહોતી, ત્યારે ઉર્મિલાએ જે સેવા-સુશ્રુષા કરી. પણ આ કથાથી સુભદ્રા એને માફ કરી દેશે? એ સાથે રહેવા તૈયાર થશે? પોતે બંનેને એક સમાન પ્રેમ કરી શકશે? જો કે આજે પણ પોતાના હૃદયમાં સુભદ્રાનું સ્થાન ખાલી છે. ઉર્મિલા એ સ્થાન પર આધિપત્ય જમાવી શકી નથી. ઉર્મિલા પ્રત્યેનો પ્રેમ તો એક એવી તૃષ્ણા છે, જે સ્વાદયુક્ત પદાર્થોને જોઈને થાય. એવું કહીને, સુભદ્રાના પગ પકડીને મનાવી લેશે એવા વિચારો સાથે એ પહોંચ્યો.

પણ સુભદ્રા ન મળી. મકાન માલકણ મળી.

“એ તો નથી. આજે જ અહીંથી ચાલી ગઈ.”

“ક્યાં, ક્યારે?” આઘાતથી કેશવ એટલું પૂછી શક્યો.

“બપોરે.”

“એનો બધો અસબાબ લઈને ગઈ છે?”

“અહીં એનું છે કોણ, તે એના માટે મૂકીને જાય? હા પણ, એક પેકેટ એની સાહેલી માટે મૂકીને ગઈ છે. એની પર મિસિસ કેશવ લખ્યું છે. એ આવે તો એને આપવા. નહીં તો એક સરનામું આપ્યું છે એના પર મોકલવા કહીને ગઈ છે.”

કેશવનું હૃદય બેસી ગયું. એક ભારે શ્વાસ લઈને બોલ્યો.

“મારું નામ કેશવ છે. મને આપી શકો છો.”

“તમારા મિસિસને વાંધો લેશે .”

“તમે કહો તો એને બોલાવી લાવું. પણ સમય ઘણો લાગશે.”

“ઠીક છે. લઈ જાવ, પણ કાલે મને એક રસીદ મોકલી આપજો.”

એ પેકેટ લઈને કોઈ ચોર ભાગે એમ કેશવ ભાગ્યો. એમાં શું હશે એ જાણવા વ્યાકુળ થઈ ઊઠ્યો. ઘરે જઈને જોવા જેટલો વિલંબ સહન કરી નહોતો શકતો. પાસેના એક પાર્કમાં જઈને, કાંપતા હાથે પેકેટ ખોલ્યું. પેકેટમાં એક પીળા રંગની સાડી, સિંદૂરની ડબ્બી, કેશવના ફોટા સાથે એક ચિઠ્ઠી હતી. જેમાં લખ્યું હતું,

“બહેન હું જઉં છું. આ મારા સુહાગની જોડી છે. એનું થેમ્સ નદીમાં વિસર્જન કરી દેજો. તમારા હાથે એના સંસ્કાર થઈ જાય તો સારું. તમારી સુભદ્રા.”

કેશવની આંખોમાં થેમ્સ નદીના પાણીનું પૂર ઉમટ્યું.

Copyright © 2021 Khulasaa. All rights reserved.

પ્રેમચંદ મુનશીજીની વાર્તા ‘सोहाग का शव‘ પર આધારિત ભાવાનુવાદ

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

HopeScope Stories Behind White Coat – 3૯ / Maulik Nagar “Vichar”

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ

“રઘુ, હવે તારા લેપટોપને બાજુ પર મૂક અને સૂઈ જા.”
“હા, મમ્મી આ પ્રોગ્રામમાં બગ આવ્યો છે તો મારે રિસોલ્વ કરવો પડશે. વર્ક ફ્રોમ હોમ મમ્મી, યુ સી.” રઘુની ભાષા ગુજરાતી હતી પણ છટા અંગ્રેજી હતી.
રઘુના પપ્પા ડૉ. દિનકર ચૌહાણે રઘુ નાનો હતો ત્યારથી જ એમના મોટાં ભાઈને ત્યાં અમેરિકા મોકલી દીધો હતો.
દિનકરભાઇનું માનવું એમ હતું કે ત્યાં અમેરિકામાં રહે તો છોકરાનું ભણતર અને ભવિષ્ય બંને સુધરી જાય.
દિનકરભાઇ પોતે જડબાના કૅન્સરના નિષ્ણાંત હતા. અને ગુજરાતની પ્રખ્યાત સરકારી હૉસ્પિટલના હેડ હતા.
ડૉ. દિનકર અનેક મેડિકલ સંસ્થાનોમાં પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકેની કામગીરી પણ બજાવતા હતા.
સેવા કાર્યોમાં ડૉ. દિનકર હંમેશા આગળ પડતા જ હોય.
દીકરો રઘુ હંમેશા એમને અહિયાંથી કાયમ માટે અમેરિકા સ્થાયી થવા આગ્રહ કરતો હતો.
પરંતુ પાણીપુરી અને ભાજીપાઉંના શોખીન, ટૂંકમાં ખાવાપીવાના શોખીન ડૉ. દિનકર હંમેશા એવું કહીને ટાળી દેતા કે,
“હમણાં નહીં બેટા. રિટાયર્ડ થઇ જઈશ એટલે હું અને તારી મમ્મી બંને તારી સાથે અમેરિકા આવી જઈશું. ત્યાં સુધીમાં અમે તો દાદા-દાદી પણ બની ગયાં હોઈશું.”

હજી પણ રઘુની લાઈટ ઓલવાઈ ન હતી એટલે દિનકરભાઇ પોતે જ રઘુને સુવાનું કહેવા માટે ઊપર ગયાં.
આર્ટિફિશલ ઇન્ટેલિજન્સ નિષ્ણાંત રઘુની સ્ક્રીન પર પંદર-સોળ જેટલા સી.સી.ટી.વી કૅમેરા જોઈને એનાં પપ્પાને એનું કામ વિસ્તારથી જાણવાની ઉત્સુકતા થઇ.
રઘુ પણ પોતાનું કામ કરતો જાય અને મોઢામાં લેયઝ વેફરના બે-ચાર કટકા મૂકતો જાય અને પપ્પાને એનું કામ સમજાવતો જાય.
ડૉક્ટરની ઉચ્ચ ડિગ્રી અને અનેક પ્રચલિત સંસ્થાઓની ટોચની પદવીઓ હોવાં છતાંય ડૉ. દિનકારને માત્ર ઑડિઓ અને વિડીયો એ બે શબ્દ સિવાય બીજી કઈ ગતાગમ ના પડી.
ખેર, રઘુની ભારત આવવાનું કારણ એક મહીના બાદ એનાં લગ્ન હતાં.

“બેટા, એક કામ કરજે કાલે તું અને મમ્મી ડ્રાઇવર સાથે સીધા હૉસ્પિટલ આવી જજો. ત્યાંથી આપણે ખરીદી કરવા નીકળીશું.” ડૉ. દિનકરને આર્ટિફિશલ ઇન્ટેલિજન્સમાં કઈ ટપ્પો ન પડ્યો એટલે એમણે પણ રઘુને ઉંઘાડવાનો વ્યર્થ પ્રયત્ન કરવાનો માંડી વાળ્યો.

પંદરથી પણ વધારે વર્ષ બાદ ભારત આવેલા રઘુએ સરકારી હૉસ્પિટલની ગંદકી વિશે સાંભળ્યું તો હતું પરંતુ જોવામાં આજે પ્રથમ વખત આવ્યું હતું.
એની મમ્મીએ તો પહેલેથી જ એને માનસિક રીતે તૈયાર કરી દીધો હતો કે “બેટા, બધી જ ઇન્દ્રિયો બંધ કરીને સીધેસીધા પપ્પાની કૅબિનમાં ઘૂસી જજે.”
રઘુએ એનાં પ્રોગ્રૅમીંગના કમાન્ડની જેમ બધું જ માન્યું પરંતુ આંખ તે કઈ રીતે બંધ થાય!!!
ચારે બાજુ પાનની પિચકારીઓ અને લોકો આમ-તેમ થૂંકતા નજરે પડ્યાં.
મેડિકલનો વપરાયેલો સામાન ગમે ત્યાં પડેલો જોયો.
બેડ શીટ્સ, પિલો કવર બધું જ ગંદી હાલતમાં ગંદકી પર પડેલું જોયું.
લિફ્ટની જાળીનો બદલાયેલો લાલ કલર જોયો.
આ બધું જ જોતાં તરત જ એણે એનાં પપ્પાને કહ્યું કે “પપ્પા આવી ગંદકીમાં તો માણસ વધારે માંદો પડે!”
પપ્પાએ પણ મોળો જવાબ આપ્યો. “શું કરીએ બેટા જે છે તે આ જ છે! એટલે તો તને અહીંયાથી હંમેશા દૂર રાખવો હોય છે.”
રઘુની બધી જ ઇન્દ્રિયો હજી પણ શાંત જ હતી.
એકાદ-બે વાક્ય સિવાય એણે બોલવાનું ટાળ્યું.
આખીય ખરીદી એણે માત્ર ઇશારાથી જ કરી.
એનું મન ક્યાંક ભટકતું હતું.
ખરીદી પત્યાં બાદ અંતે એણે મૌન તોડ્યું.
“પપ્પા આઈ હૅવ વન સોલ્યુશન!” સેવાભાવી બાપના સેવાભાવી બેટાને જાણે કૈક તુક્કો સૂઝ્યો હોય એમ ચપટી મારી.

“અલ્યાં….આવું બધું અહીંયા ના થાય…કેટકેટલી પરમિશન અને કેટકેટલી માથાકૂટ..” રઘુના પ્રસ્તાવથી તો બાપા ભડક્યાં.
રઘુની મા જો આને, “આ સમાજ સુધારકને હોસ્પિટલમાં સી.સી.ટી.વી લગાવીને કંટ્રોલરૂમ જોડે કનેક્ટ કરવાં છે. જાણે એનાં બાપની હૉસ્પિટલ હોય એમ.”
રઘુની માએ તો બંને બાપ દીકરામાં કઈ દખલ ન દીધી.
પણ અંતે રઘુ પપ્પાને કન્વિન્સ કરવામાં સફળ થયો.
જો બેટા, તારી આટલી જીદ છે તો બનાવ તારો પ્રોગ્રામ આપણે કોઈ સારી સી.સી.ટી.વી કંપની સાથે વાતચીત કરીશું પરંતુ સરકારી હૉસ્પિટલમાં આવું શક્ય નથી. “આપણે પ્રયોગ પૂરતું મેડિકલ એસોસિએશનની મેઈન ઑફિસમાં લગાવીશું.”
“જો એમાં સફળ થઈશું તો આપણે આગળ મિનિસ્ટ્રીમાં વાત કરીશું.”
રધુ તો ખુશ થઇ ગયો.
એણે તો લગ્નની તૈયારીઓ મૂકી પડતી અને એનું કૅમેરાનું પ્રોગ્રૅમીંગ કરવા મંડી પડ્યો. અવેલેબલ ડેટા કલેક્ટ કરાવી લીધાં.
ઍલ્ગરિધમ સેટ કરવાનું ચાલુ કરી દીધું.
જો કે એણે એટલી બધી મહેનત કરવાની પણ ન હતી.
આવો પ્રોગ્રામ એણે અમેરિકાની એક કંપની માટે બનાવ્યો જ હતો.
માત્ર થોડાં ઘણાં જરૂરી ફેરફાર જ કરવાના હતા.

હાર્ડવેર અને સોફ્ટવેર લગભગ તૈયાર થઇ ગયાં.
ડૉ. દિનકર મેડિકલ એસોસિએશનના પ્રમુખ હોઈ એમણે વિશેષ પરવાનગીની જરૂર ન હતી.
મેડિકલ એસોસિએશનની ઑફિસના જૂના કૅમેરા ઉતરાવીને નવા હાઈ રિસોલ્યૂશન, સેન્સર ડિટેક્શન અને ૩૬૦º ફરે તેવાં કૅમેરાનું ઈન્સ્ટોલેશન ચાલુ થયું.
ઑટમૅટિક સિસ્ટમના પ્રથમ પ્રયોગમાં જ કમિટિના બધાં જ મેમ્બર્સ ખુશ થઇ ગયાં.
બધાંના મોંઢામાંથી એક જ શબ્દ નિકળ્યો, “વાહ!”
સેવાભાવી અને દીર્ઘદ્રષ્ટા ડૉ. દિનકરના આનંદનો પાર ન રહ્યો.
એણે હાજર બધાં જ કમિટિ મેમ્બર્સને જણાવ્યું કે આપણી આ સફળતા હેલ્થ મિનિસ્ટ્રિ સુધી પહોંચવી જોઈએ.
આપણે આ નવતર પ્રયોગનું ઉદ્દઘાટન કરીશું અને એ ઉદ્દઘાટન માટે આપણે આપણા રાજ્યના હેલ્થ મિનિસ્ટરને આમંત્રણ આપીશું.
જોગાનુજોગ ૨જી ઑક્ટોબર પણ નજીક હતી.
રઘુના લગ્નને હજી થોડાં દિવસોની વાર હતી.
આવાં અનોખા પ્રયોગના સહભાગી બની ઉદ્દઘાટન કરવા માટે હેલ્થ મિનિસ્ટર પણ આતુર હતાં.
ખાદીની ગાંસડીમાં લપેટાઈને મિનિસ્ટરથી માંડીને બધાં જ કમિટિ મેમ્બર્સ અને પરિવારના સભ્યો અને બીજાં મહાનુભાવો નિર્ધારિત સમય અને તારીખે હાજર થઇ ગયાં.
એકાદ-બે ઔપચારિક ભાષણ થયાં.
રઘુના અને ડૉ. દિનકરના ગુણગાન ગવાયા.
ગાંધીજી કરતા આજે આ બંનેનું મહત્વ વધારે જણાયું.
આટલી હાઈ-ટેક સિસ્ટમ સરકારી હોસ્પિટલમાં પણ હોવી જોઈએ એવું હેલ્થ મિનિસ્ટરે સામેથી જ પોતાના ભાષણમાં જણાવ્યું.
આ સાંભળીને ડૉ. દિનકર અને રઘુની ખુશીમાં બમણો વધારો થયો.
સર્વેનો આભાર માનીને હેલ્થ મિનિસ્ટર શાહ સાહેબે જવાની પરવાનગી માંગી.
ડૉ. દિનકર પણ એમનાં સિક્યુરિટીના કાફલા સાથે જોડાઈને એમને છેક લાલ બત્તીવાળી ગાડી સુધી મૂકવા ગયા.
રઘુ અને બીજા કમિટી મેમ્બર્સ તો હજી સ્ટેજ પર જ હતા.
સફળ પ્રયોગ અને કાર્યક્રમની સફળતાની વાતો વાગોળતા હતાં ત્યાં જ રઘુના ફોનમાં નોટિફિકેશન આવી.
“વાહ…..”ની સાથે બધાના મોંઢા ખુલ્લા જ રહી ગયા.
રઘુએ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ થકી પ્રિમાઇસમાં અમૂક ગેરરીતિ થાય એનાં પેરામીટર્સ સેટ કર્યા હતાં.
ઑટોમેટેડ સિસ્ટમની ઉદ્દઘાટન બાદની આ પ્રથમ નોટિફિકેશન હતી.
રઘુએ પોતે જ ડેવલપ કરેલી ઍપ્લિકેશન ખોલી.

પાછળ બધાય કમિટિ મેમ્બર્સ જાણે ગાડી અને બાઈકની “મોત કા કુઆ” રમત ચાલતી હોય તેમ ડોકાચિયું નાખીને રઘુના ફોનમાં જોતા હતાં.

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના ડેટાબેઝમાં દરેક કર્મચારીની વિગત નાખી હતી એટલે એમાંથી જે પણ કોઈ ગેરરીતિ દાખવે તો એ ડિટેક્ટ કરીને એમનાં ત્રણ ફોટા સાથે એનાં નામની પાવતી બની જાય અને એના સરનામે કુરિઅર થઇ જાય.
હેડીંગમાં “સ્પિટિંગ ઓન ધ વૉલ” લખ્યું હતું.
ત્રણ અલગ અલગ એંગલથી મેડિકલ એસોસિએશનના એન્ટ્રન્સના ફોટા હતાં.
કૉર્નરમાં તારીખ 0૨/૧૦/૨૦૧૪ સમય:૧૧:30 લખ્યું હતું.
દંડ : અંકે ૧૦૦૦/-
અપરાધીનું નામ : ડૉ. દિનકર ચૌહાણ.

By:Maulik Nagar “Vichar”

સ્પંદન 39



હર ક્ષણ ઉત્સવની અભિલાષા
જીવન ઉર ઉમંગની પરિભાષા
દોષ, અનિષ્ટ વિકટ માર્ગમાં નડે
સત્ય, શ્રધ્ધા નવ શસ્ત્રથી લડે
શક્તિનું પ્રાગટ્ય થઈને જ રહે
મહિષાસુર રોળાય માના પગ તળે 
મદાંધ રાવણ  સતી સીતાને  હરે
રાવણ વધ કરી  રામ  વિજયને વરે
સત્ય, ન્યાયના વિજયની ગાથા ગવાય
વિજયા દશમી ઉમંગ, ઉત્સાહે છલકાય.

રાત્રિના ઘેરા અંધકાર વચ્ચે માર્ગ કરતું પ્રકાશનું પહેલું કિરણ, અસત્યોથી ઘેરાયેલા વિશ્વમાં પર્દાફાશ થઈને પ્રગટતું સત્ય, જીવનમરણ વચ્ચે ઝૂલી રહેલા દર્દીના કાર્ડિયાક મોનીટરમાં  સુધારો નોંધાતા ચમકી ઉઠતી ડોક્ટરની આંખો કે બાળકનું પહેલું રુદન હોય કે અંકુરિત થઈ રહેલા બીજમાં ફૂટી રહેલ અંકુર, દરેક વસ્તુ તેજતિમિરની કહાણી છે. નિરાશાઓને કચડીને આગળ વધતી આશાની કહાણી છે, જડ વિશ્વની વચ્ચે પ્રગટ થઈ રહેલા ચેતનની કહાણી છે, મૃત્યુને મહાત કરી રહેલા જીવનની  કહાણી છે. જ્યાં આશાછે, પ્રેરણા છે તેવું જીવન. એ છે  જીવંત પ્રેરણાઓ. આ જ પ્રેરણાઓ પ્રાપ્ત થાય અને આપણી જીવંતતા પ્રગટી ઊઠે એવો જીવંત ઉત્સવ એટલે વિજયાદશમી.

વિજયાદશમી  એટલે વિજય, સફળતા અને સિદ્ધિ. સમયના વહેણ વહે, યુગો બદલાય પણ જે રંગ ઝાંખો ન પડે એ રંગ એટલે જ વિજય. વિજય દૈવી હોય કે માનવીય,  વિજય એ જીવનનું સીમાચિહ્ન છે અને વિજયની ક્ષણો એ એવી ક્ષણો છે જ્યારે ઉત્સાહ, ગૌરવ અને પ્રેરણાત્મકતાની કોઈ સીમા હોતી નથી. સફળતાને જો કોઈ સીડી કહે તો તેનું અંતિમ પગલું એટલે વિજય. વિજયાદશમી સાથે સંકળાયેલ વિજય એ  કથા છે માતા જગદંબાના વિજયની. આ એવો પવિત્ર તહેવાર છે જ્યાં મૂર્તિમંત થાય છે શ્રધ્ધા. આ શ્રધ્ધા એ શક્તિ પરત્વેની શ્રધ્ધા છે.  શક્તિ પરત્વે શ્રધ્ધા ન હોય તો વિજય ક્યારેય સાધ્ય હોતો નથી. શક્તિનું પ્રાગટ્ય થાય છે નવરાત્રિમાં. માતા જગદંબા દૈવી શક્તિ છે અને મદાંધ મહિષાસુર એ આસુરી શક્તિ છે.

આસુરી શક્તિ અને દૈવી શક્તિનો આ સંગ્રામ દસ દિવસ ચાલે છે અને અંતે માતા દુર્ગા મહિષાસુરનો સંહાર કરે છે તેના ઉપલક્ષ્યમાં વિજયાદશમી મનાવવામાં આવે છે. આપણી સંસ્કૃતિની સુવાસ એ છે કે તેમાં સામાન્ય કથાના સ્વરૂપમાં પણ ક્યાંક તત્વજ્ઞાન છુપાયું હોય તેમ લાગે છે. દરેક વ્યક્તિ કંઇક અંશે દૈવી અને આસુરી એટલે કે સારા અને ખરાબ ગુણો અને અવગુણોનું સંયુક્ત સ્વરૂપ છે. સારા ગુણોનું પ્રાગટ્ય અને પાલન થાય તો સમાજ ગુણવાન, સ્વસ્થ અને સમૃધ્ધ બને. જીવન એ જડ અને ચેતનનો અવિરત સંગ્રામ છે. જ્યારે આસુરી શક્તિ જેવી જડતા અને મદાંધતાનો વિકાસ થાય તો તેનો નાશ કરી જીવંત શક્તિઓ પ્રગટાવવી જરૂરી છે. નવરાત્રિના નવ દિવસો એ શક્તિનું આહ્વાન છે. આ શક્તિનો પ્રભાવ દિવ્ય છે જે વિનાશ નહિ પણ વિકાસનો પ્રેરક છે. નવ દિવસોમાં આ આત્મશક્તિ પ્રગટાવી જડતાનો નાશ કરી સ્વનો વિકાસ, શક્તિ અને જીવંતતાનો સ્ત્રોત બનાવવાનો શુભ સંદેશ એ દશેરા સાથે સંલગ્ન છે. આ સંદેશ ગ્રહણ કરી વિજય પ્રાપ્ત કરવા જો માણસ પ્રયત્ન કરે તો આવો વિકાસ સ્વ અને સમાજ માટે ઉપકારક થાય અને પૂર્ણતા પ્રાપ્ત કરી શકાય તેવો અદભુત ભાવ અહીં રહેલો છે.

મહિષાસુર મર્દીની ઉપરાંત એક કથા રામાયણમાંથી પણ છે.  આ દિવસનું મહાત્મ્ય એ છે આ દિવસે ભગવાન રામચંદ્રજીએ દશાનન રાવણનો વધ કરેલો. રામાયણ અને નવરાત્રિનું  મહાત્મ્ય એ છે કે રાવણ ઉપર વિજય મેળવી રાવણનો વધ કરવા શક્તિની પૂજા ભગવાન રામે પણ કરેલી.  ભગવાનને માતા દુર્ગાની પૂજા સહસ્ત્ર એટલે કે હજાર કમળથી કરવાનો સંકલ્પ હતો પરંતુ તેમને પ્રાપ્ત થાય છે 999 કમળ. હવે શું કરવું? પૂજન કરી રહેલા ભગવાન રામ આ સમયે પોતાનું નેત્ર કમળ સ્વરૂપે ધરવાનું નક્કી કરી તેમ કરવા જાય છે અને માતા દુર્ગા પ્રસન્ન થઈ તેને રોકે છે અને રાવણ પર વિજયની શક્તિનું વરદાન આપે છે.  રાવણ હણાય છે. દશેરાનું મહત્વ રાવણ દહનના ઉપલક્ષ્યમાં ભારતના મહદઅંશે ઉત્તરના ભાગોમાં જોવા મળે છે.

જેમ ગુજરાતમાં ગરબા પ્રચલિત છે તે જ રીતે ઉત્તર ભારતમાં રામલીલા પ્રચલિત છે, જેમાં જુદા જુદા પાત્રો રામાયણ ભજવે છે.  રામકથા જીવંત થાય છે નાટ્ય સ્વરૂપે અને આબાલવૃદ્ધ સહુ તેને નવ દિવસ માણે છે.  દસમા દિવસે રાવણદહનનો ઇંતેજાર કરે છે. રાવણ, તેના ભાઈ કુંભકર્ણ અને તેના પુત્ર મેઘનાદના ત્રણ પૂતળાં તૈયાર કરી તેમાં ફટાકડા ભરવામાં આવે છે.  રામ અને લક્ષ્મણ બનેલાં પાત્રો રથમાં આવે છે અને અગ્નિમય બાણ વડે ત્રણેના પૂતળાને તીર મારવામાં આવે છે. આ રીતે  રાવણનું દહન કરવામાં આવે છે અને આબાલ વૃદ્ધ હર્ષનાદો સાથે આ વધાવે છે. ઉત્સવના રાવણ દહનના સ્થૂળ સ્વરૂપની પરંપરા ઉપરાંત આમાં તત્વજ્ઞાન પણ દ્રશ્યમાન થાય છે. રાવણને બ્રહ્માજીનું વરદાન હતું કે કોઈ દેવ કે અસુરથી તે હણાશે નહિ. ભગવાન રામ વિષ્ણુનો માનવ અવતાર છે.  પણ કથાની સૂક્ષ્મતા એ છે કે રાવણ મદમાં આવી સીતાજીને કપટથી હરણ કરે છે.  રાવણ શક્તિશાળી છે પણ તેનો દુર્ગુણ છે અભિમાન અને મદ. અભિમાની રાવણ વિવેક ગુમાવે છે. સારાસારનો વિવેક ગુમાવી જ્યારે રાવણ મદાંધ બને છે ત્યારે તે હણાય છે. અનિષ્ટ પર ઇષ્ટના આ વિજયને વધાવવા રાવણ દહન થાય છે.

ગરબા હોય, રાસ હોય કે રાવણ દહન – સંસ્કૃતિ વિવિધ સ્વરૂપે પોતાનો પ્રભાવ દર્શાવી ઉલ્લાસ અને આનંદ સ્વરૂપે વ્યક્ત થાય છે. આ જ આનંદનું સ્વરૂપ કયારેક ફાફડા જલેબીના સામાજિક સ્વીકારમાં પણ દેખાય છે. સહુ તેનો આનંદ દશેરાના દિવસે માણે છે. દશેરાના દિવસે શસ્ત્રપૂજન પણ થાય છે અને શક્તિ પૂજનના પ્રતિક તરીકે વાહનની પૂજા પણ થાય છે.

દશેરા એટલે જ ઉત્સાહ અને આનંદ. આનંદ એ ઉત્સવ. હ્રુદય અને મન જ્યારે આનંદ અનુભવે ત્યારે પ્રકૃતિ જીવંત થઈ ઊઠે અને આ જીવંતતા જ સમૃધ્ધિના પ્રતિક તરીકે દિવાળીના તહેવારો તરફ આગેકૂચ કરે. યાદ રહે…વિજયાદશમી એ વિજયનું સિમાચિહ્ન અને માતા શક્તિની પરમ કૃપા. જ્યાં શક્તિ છે, શ્રધ્ધા છે, વિવેકપૂર્ણ આચરણ છે,  ઇષ્ટનો વાસ છે ત્યાં સંદેશ છે શુભનો, લાભનો,વિજયનો. વર્તમાન યુગ માટે સંદેશ એ છે કે મહિષાસુર કે રાવણની જેમ વ્યક્ત અનિષ્ટ હોય કે કુંભકર્ણ કે મેઘનાદની જેમ અવ્યક્ત, સત્યના હાથે તેનો પરાજય નિશ્ચિત છે.

રીટા જાની
15/10/2021

૩૯ -વાર્તા અલકમલકની – રાજુલ કૌશિક

સૌભાગ્યનું વિસર્જન

મધ્યપ્રદેશના પહાડી વિસ્તારનું એ ગામ. ગામના નાનકડા ઘરની એ છત. એ છત પર ઢળતી સંધ્યા સમયની નિસ્તબ્ધતામાં લીન બેઠેલો એ યુવક. સામે ચંદ્રના આછા મલિન પ્રકાશમાં દેખાતી પર્વતમાળા. આખું દૃશ્ય જાણે મનોહર, સંગીતમય પણ ગંભીર, રહસ્યમય અંતહીન સપના જેવું ભાસતું હતું. એ પહાડીઓની નીચેથી વહી જતી જળ-ધારા દૂરથી ચાંદીની રેખા જેવી લાગતી હતી. જાણે પર્વતોનું સમસ્ત સંગીત, સમસ્ત ગાંભીર્ય, સંપૂર્ણ રહસ્ય એ ઉજ્જવળ પ્રવાહમાં લીન ના થઈ ગયું હોય?

અસ્તવ્યસ્ત વાળ, આછી દેખાતી મૂછો, સાવ સામાન્ય વેશભૂષા, ઘડીયાળ વગરનું કાંડુ જોઈને લાગે કે ક્યાંતો એ સિદ્ધાંતપ્રેમી હશે ક્યાંતો આડંબરનો શત્રુ. પણ, એના ચહે્રા પર તેજ અને મનસ્વિતા છલકાતી હતી. વિચારોમાં લીન એ યુવક સામેની પર્વતમાળાને જોઈ રહ્યો હતો. પર્વતોમાં ઘોર સંગ્રામ છેડાયો હોય એમ સહસા વાદળોનો ભીષણ ગડગડાટ સંભળાયો. નદીનો મંદ પ્રવાહ એ ભીષણ નાદમાં ડૂબી ગયો. દૂરથી એક રલગાડી આવતી દેખાતી હતી.

એટલામાં એક યુવતી બહાર છત પર આવી. રેલગાડી જોઈને એણે નિસાસો નાખ્યો. આ રેલગાડીમાં કદાચ પેલા યુવકને ક્યાંક જવાનું હતું. યુવક ભાવુક બની ગયો. આ ભાવુક યુવક એટલે કે કેશવ એ યુવતી એટલેકે સુભદ્રાનો હાથ પકડીને બોલ્યો,

“તારા ખાતર મેં જવાની સંમતિ આપી હતી પણ તારા વગર ત્રણ વર્ષ કેવી રીતે પસાર થશે? મારું મન કહે છે હું ક્યાંય ન જાઉં.”

યુવતી જરા અધીર અવાજમાં બોલી,

“ત્રણ વર્ષના વિયોગ પછી જીવનભર કોઈ આપત્તિ નહીં નડે એ વિચારીને પણ જે નિર્ણય લીધો છે એ અમલમાં મૂકવો જ રહ્યો. અનંત સુખની આશામાં હું બધા કષ્ટ સહન કરી લઈશ.”

આંસુ ખાળવા પાણી લેવાના બહાને એ અંદર ચાલી ગઈ. એમના વૈવાહિક જીવનની એ પ્રથમ વર્ષગાંઠ હતી. મુંબઈ વિશ્વવિદ્યાલયમાંથી એમ.એ. ની ડીગ્રી પ્રાપ્ત કરીને નાગપુરની કૉલેજમાં પ્રોફેસર તરીકે જોડાયો હતો. પ્રોફેસર બન્યા પછી માતા-પિતાએ સૂચવેલી છોકરી સાથે એણે લગ્ન કરી લીધા. લગ્ન પછી પ્રેમ પ્રગાઢ બનતો ચાલ્યો. યુવક કેવળ રજાઓમાં આવી શકતો. બે-ચાર દિવસ મધુરા સ્વપ્નની જેમ પસાર થઈ જતા અને નાના બાળકોની જેમ રડીને બંને છૂટા પડતાં.

આટલું ઓછું હોય એમ એમના વિરહના દિવસો વધુ લાંબા બને એવી સમાચાર આવ્યા. કેશવને વિદેશમાં વધુ અભ્યાસ માટે એક યોગ પ્રાપ્ત થયો. વિના માંગેલી આ તકથી કેશવ પ્રસન્ન હતો. જો કે કેશવને તો પિતાંબર હોય કે કૌપિન, માથે મુગટ હોય કે જટા, એનાથી કશો ફરક નહોતો. ઘરમાં માતા-પિતાનો ઘણો વિરોધ હતો , પણ સુભદ્રાની મહત્વકાંક્ષાઓ અસીમ હતી.

એ હંમેશા કેશવને ઉચ્ચ સ્થાને જોવા ઇચ્છતી હતી. પતિ જ્યારે નજર સામે હતો ત્યારે પતિની સેવા એ જ એનો ધર્મ છે એમ માનતી. સામે પતિ એના માટે સોનાની લંકા વસાવશે એવી અપેક્ષાય હતી. સુભદ્રાએ કેશવને વિદેશ જવા મનાવી જ લીધો. આમ તો સુભદ્રા માટે કેશવ વગર ત્રણ વર્ષ ત્રણ યુગ જેવા લાંબી હતા. સાથે વિલાયતમાં એના માન-સન્માનની કલ્પના કરતી તો ત્રણ વર્ષ ત્રણ દિવસ જેવા લાગતા.

કેશવ વિદ્વાન લોકો અને અપ્સરા જેવી લલનાઓની વચ્ચે રહીને સુભદ્રાને ભૂલી નહીં જાય. સુભદ્રાને નિયમિત પત્રો લખશે..જેવા પ્રેમભર્યા વચનો લઈને એણે કેશવને ભારે દિલે વિદાય આપી.

સુભદ્રાને દિવસો પહાડ જેવા અને રાત કાળી નાગણ જેવી ભાસતી, રડી રડીને એના દિવસો પસાર થવા માંડ્યા. ઘર કે પીયર, ક્યાંય એનો જીવ ગોઠતો નહોતો. બીમાર માંડ પાસા બદલીને રાત કાઢે એમ એનો સમય પસાર થતો.

શરૂઆતમાં કેશવના પત્રો નિયમિત આવતા જેમાં વિરહ ઓછો અને નવી દુનિયાનું વર્ણન વધું રહેતુ. ધીમે ધીમે પત્રોમાં વિલંબ થવા માંડ્યો. અને પછી તો કામના બોજાના લીધે એ પણ આવતા બંધ થઈ ગયા.

અંતે સુભદ્રાએ કોઈપણ ભોગે યુરૉપ જવાનો નિર્ણય કરી લીધો. ઘર-પરિવારના લોકોને સંમત કરવા સહેલા નહોતા. સુભદ્રાની જીદ સામે એમણે નમતું જોખ્યું. થોડી આર્થિક સહાય કરી. યુરૉપ જઈને એને કેશવના કામમાં ડખલ નહોતી ઊભી કરવી. માત્ર કેશવને જોઈ શકે એવી રીતે એ પોતાની વ્યવસ્થા કરી લેશે એવા મક્કમ નિર્ણય સાથે લાંબી દરિયાઈ મુસાફરીએ નીકળી. એના જેવી અનેક સ્ત્રીઓની સાથે દરિયાઈ મુસાફરી થોડી સરળ રહી.

લંડન પહોંચીને સાવ સાધારણ કહેવાય એવી જગ્યાએ રહેતા કેશવની થોડે દૂર એક રૂમમાં રહેવાની વ્યવસ્થા એણે કરી લીધી. દરિયાઈ મુસાફરી દરમ્યાન થયેલી ઓળખના લીધે બે મહિલાઓને ભારતીય સંગીત અને હિંદી ભાષા શીખવાડવાનું કામ મળી ગયું. બાકીના સમયમાં કપડાં સીવવાનું કામ શરૂ કર્યું. કેશવની પાસે આવીને એને મળ્યા વગર રહેવાનું કઠતું હતું, પણ કેશવને એના કામમાંથી એ વિચલિત નહોતી કરવા માંગતી. રૂમની બાલ્કનીમાંથી રસ્તા પર આવતા-જતા કેશવને જોવા એ કલાકો બેસી રહેતી.

નીચેથી પસાર થતાં યુગલોને જોઈને એનું મન કેશવને મળવા અધીર થઈ જતું. અંતે એની તપસ્યા જાણે ફળી. કેશવને એણે દૂરથી આવતો જોયો. પણ એ એકલો નહોતો. એની સાથે કોઈ યુવતી હતી. હાથમાં હાથ, જાણે ક્યારેય ન છૂટે એવો સાથ. બંને અત્યંત ખુશહાલ દેખાતા હતાં. સુભદ્રાના માથે આભા તૂટ્યું હોય એવી ભ્રાંતિથી એ હતપ્રભ બની ગઈ.

યુવતી એવી રૂપાળી નહોતી. શ્યામલ ચહેરો, ભારતીય પહેરવેશ, બસ એથી વિશેષ કંઈ દેખાતું નહોતું. સુભદ્રા ઘર બંધ કરીને લગભગ એમની પાછળ દોડી. પણ એટલામાં તો સાંકડી ગલી પસાર કરીને બંને કોઈ દિશામાં વળી ગયાં. આ ગલી પસાર કરીને સુભદ્રા ઘણે લાંબે સુધી ચાલતી જ રહી. બહાર મુખ્ય રસ્તા પર કેટલીય ઝગમગાતી દુકાનો, હોટલો હતી. ક્યાં શોધવા બંનેને?

નિરાશ થઈને પાછી વળી.  ન એને ખાવાની સુધ રહી કે ન એની આંખોમાં એ રાત્રે ઊંઘ ડોકાઈ. બાલ્કનીમાં મોડે સુધી કેશવની રાહ જોઈને જાગતી બેસી રહી.

બીજા દિવસે સુભદ્રા પોતાના કામે જવા તૈયાર થતી હતી કે એક યુવતી આવીને ઊભી રહી. રેશમી સાડીમાં લપેટાયેલી એ કન્યા સુંદરતાની પરિભાષામાં જરાય બંધબેસતી નહોતી. શ્યામલ ચહેરો, પહોળું મ્હોં, ચપટું નાક, આંખો પર ચશ્મા, નાનું કદ અને સ્થૂળ શરીર. પણ એની આંખોમાં વશીકરણ હતું. જાણે સરસ્વતીનું વરદાન મળ્યું હોય એમ સયંમિત વાણીમાં વિનમ્રતા અને અવાજમાં મધુરતા હતી. એની પાસે સુભદ્રાને પોતાની જાત તુચ્છ લાગી.

એણે યુવતીને આવકાર આપ્યો. યુવતીના લગ્ન થવાના હતા, એને વૈદિક વિધિથી લગ્ન કરવા હતા એટલે ભારતીય કપડાં સીવડાવવા હતાં. બંને વચ્ચે પહેલાં ઔપચારિક અને પછી અંગત વાતો થતી રહી. યુવતી એટલે કે ઉર્મિલા ખરેખર તો લગ્નના બંધનમાં બંધાવા માંગતી જ નહોતી. પણ એ યુવકને મળીને લગ્ન ન કરવાની પ્રતિજ્ઞા જ ભૂલી ગઈ. એ યુવકને મળીને ઉર્મિલાને સમજાયું કે પ્રેમની અનુભૂતિ કેટલી આનંદમય હોઈ શકે.

વાતો વાતોમાં ઉર્મિલાને સુભદ્રાની સંગીતપ્રીતિ વિશે જાણ થઈ. સહસા એ બોલી ઊઠી, “કેશવને પણ સંગીત અતિ પ્રિય છે.”

કેશવનું નામ સાંભળીને સુભદ્રાને જાણે વીંછીએ ડંખ માર્યો હોય એવી વેદના થઈ. પણ એણે મન વાળી લીધું કે કેશવ નામ એક જણનું જ ના હોય ને?

પણ ઉર્મિલાની વાતોમાંથી એક પછી એક પડ ખૂલતાં ગયાં. ઉર્મિલાનો કેશવ પ્રખર બુદ્ધિશાળી હતો. એના કેશવને પણ ભારત સરકારે અહીં વિદ્યાલયમાં ભણવા મોકલ્યો હતો. પ્રોફેસરોનો આદર પામતો એના કેશવ જેવું ભાષણ આજ સુધી એણે સાંભળ્યું નહોતું. ઉર્મિલામાં ન તો રૂપ હતું કે ન તો લાવણ્ય પણ કેશવે એને પસંદ કરી એના માટે પોતાની જાતને ભાગ્યશાળી માનવા લાગી હતી.

બસ આનથી વધારે સુભદ્રાના કાન કે મન સુધી કશુંજ પહોંચ્યું નહીં. ઉર્મિલાના ગયા પછી એ છાતી ફાડીને રડી પડી. આ જ એનો કેશવ હતો? જાણે એના પ્રાણ નીકળી ગયા હોય એમ નિર્જીવ લાકડાં જેવી બની ગઈ. આખા શરીરની જ્ઞાનેન્દ્રિય બધિર બની ગઈ. ઊંચા આસમાનથી નીચે પછડાઈ હોય એવી અનુભૂતિ થઈ.

આ એ જ કેશવ હતો જેને એણે ઉજ્જ્વળ ભાવિ માટે આગ્રહ કરીને અહીં મોકલ્યો હતો? આ એ જ કેશવ હતો જેણે એના જીવનમાં સર્વનાશ વેરી દીધો? કેશવની પ્રેમાતુર આંખો, સરળ સહજ પ્રકૃતિ યાદ આવવા માંડી. પોતે જરા બીમાર પડી હતી, તો પંદર દિવસની રજા લઈને એની જોડે રાત-રાતભર બેસી રહેતો, એ આ કેશવ હતો? ના. કેશવનો આમાં કોઈ વાંક નહીં હોય. ઉર્મિલાએ જ એની મધુર વાણી, વિદ્યા, બુદ્ધિ અને વાકપટુતાથી મોહી લીધો હશે.

એણે કેટલી વાર ભણવાની ઇચ્છા પ્રગટ કરી હતી? પણ કેશવને તો એ જેવી છે એવી, સરળ અને સ્વાભાવિક જ પસંદ હતી. ભણાવીને સુભદ્રા એની સરળતા ગુમાવે એ કેશવને મંજૂર નહોતું. આજે એને લાગ્યું કે કેશવે એની સાથે અન્યાય કર્યો છે. ઈર્ષ્યા, દુઃખ અને ક્રોધથી એ તમતમી ઊઠી. બંધ બારણે ઘાયલ માનુની આમથી તેમ આંટા મારતી રહી. હસતા હસતા કોઈને એનું ગળું ઘોંટી દીધું હોય એવો તરફડાટ અનુભવી રહી.

સહસા એક હિંસાત્મક ભાવથી એનો ચહેરો કઠોર બની ગયો. કેશવની ધૂર્તતા, નીચતા, સ્વાર્થપરાયણતા અને કાયરતા વિશે ઉર્મિલાને એક પત્ર લખવાનું મન થયું. કેશવના પાંડિત્ય, પ્રતિભા અને પ્રતિષ્ઠા પાછળનો અસલી ચહેરો દેખાડી દેવાની અદમ્ય ઇચ્છા થઈ. કેશવની પાસે જઈને સવાલો કરવાનું મન થયું પણ અભિમાને એના પગમાં બેડીઓ નાખી દીધી હોય એમ પગ ન ઉપડ્યાં.

બીજા દિવસે ઉર્મિલા આવી. કેશવને હવે જર્મની જવાનું હતું. અને ઉર્મિલા સાથે આવે તો કેશવની થીસિસ લખવામાં સહાયરૂપ બને એવી ઇચ્છાથી એને સાથે લઈ જવી હતી. અને એટલે બીજા દિવસે લગ્ન કરી લેવાનો નિર્ણય લેવાયો હતો એટલે સીવવા આપેલાં કપડાં માટે ઉતાવળ ન કરવા કહેવા આવી હતી.

સુભદ્રાએ સંકોચનું આવરણ હટાવીને હિંમતભેર કેશવ પરણેલો છે એ સત્ય ઉર્મિલાને જણાવ્યું. સુભદ્રા કેશવને કેવી રીતે જાણતી હતી, એમાં ઊંડા ઊતર્યા વગર ઉર્મિલાએ સુભદ્રાને જે કહ્યું એ એના માટે અસહ્ય હતું.

ઉર્મિલાના કહેવા પ્રમાણે, કેશવે એક નહીં સો વાર લગ્ન કર્યા હોત, તો પણ એને કેશવ સાથે લગ્ન કરવાનો જરાય વાંધો નહોતો. કેશવ પૂર્ણ પુરુષ છે. એના સાનિધ્યમાં એ ફૂલની જેમ ખીલી ઊઠતી. દુનિયાનો વિચાર કરીને જો એ એની સાથે લગ્ન ન કરે તો એને જીવનભર અવિવાહિત જ રહેવું પડત. કેશવના લગ્ન જેની સાથે થયા હતા એ કોઈ સાધારણ, અર્ધશિક્ષિત યુવતી હતી. કેશવ જેવો વિદ્વાન, ઉદારચેતા, મનસ્વી પુરુષનો એવી સ્ત્રી સાથે મનમેળ કેવી રીતે હોઈ શકે કે એ કેવી રીતે એની સાથે પ્રસન્ન રહી શકે?

સુભદ્રા ક્રોધથી તમતમી ઊઠી. ઉર્મિલા એને બીજા દિવસે લગ્નમાં હાજર રહેવા આમંત્રિત કરતી હતી અને બીજી ઘણી વાતો કરતી રહી. એ કહેતી હતી કે, કેશવ એની પ્રથમ પત્નીને ભરણ-પોષણનો પ્રબંધ કરીને છૂટી કરવા માંગતો હતો પણ હિંદુ પ્રથા મુજબ છૂટા ન થવાય તો એ મુસલમાન કે ઈસાઈ થવા તૈયાર હતો. આ જણાવતો પત્ર એની સ્ત્રીને લખવાનો હતો. પણ ઉર્મિલાને એ અભાગણી પર દયા આવતી હતી એટલે એને બહેન માનીને સાથે રાખવા તૈયાર હતી.

ઉર્મિલાના ગયા પછી સુભદ્રાનો એક એક અણુ પ્રતિકાર લેવા તડપી ઊઠ્યો. એને થયું કે આ સમસ્યા જો કેશવ સાથે બની હોત તો, કેશવ એના લોહીનો તરસ્યો ના બન્યો હોત? એને સજા આપવામાં કંઈ બાકી રાખ્યું હોત? પુરુષના માટે બધું ક્ષમ્ય છે એ સ્ત્રી માટે કેમ અક્ષમ્ય? સુભદ્રાનું મન વિદ્રોહી કરી ઊઠ્યું. શું સ્ત્રીઓને આત્મસન્માન જેવું હોય કે એણે માત્ર પુરુષના પગની જૂતી બનવામાં પોતાનું સૌભાગ્ય માનવાનું?

એ પોતાની આવી અવહેલના જરાય નહીં સહી લે. ભલે દુનિયા એને હત્યારી માને પણ એ જરૂર બદલો લેશે. પહેલાં એ ઉર્મિલાના અને પછી કેશવના જીવનનો અંત આણશે. જો કોઈ દુષ્ટ એના સ્ત્રીત્વ, સતીત્વને હણવા મથે તો એનો પ્રતિકાર કરી શકે. તો આ એના આત્મનું હનન છે. કેશવે એના અસ્તિત્વનું અપમાન કર્યું છે.

સુભદ્રા વિચારી રહી. આ એ જ કેશવ છે જેણે, માત્ર પોતાની વાસનાની તૃપ્તિ માટે સુભદ્રા સાથે પ્રેમનો સ્વાંગ રચ્યો? એનો વધ કરવાનું સુભદ્રાનું કર્તવ્ય છે અને એ એમ કરશે જ. જાણે એ લોહી તરસી વાઘણ બની ગઈ. કાલે લગ્ન સમયે એ મંદિરમાં જઈને કેશવના શરીરમાં ગોળીઓ ધરબી દેશે અને પછી પોતાના શરીરમાં. ભલે ને ઉર્મિલાને રડી રડીને જીવન પસાર કરવું પડે. એની પરવા નહીં.

*************

પોતાની નજર સામે અન્ય યુવતી સાથે પ્રભુતામાં પગ માંડતા પતિદેવને પરમધામ પહોંચાડવાના નિર્ણયને સુભદ્રા કેવી રીતે અંજામ આપે છે. એ જોઈએ આવતા અંકે.

પ્રેમચંદ મુનશીની વાર્તા ‘सोहागका शव’ ને આધારિત ભાવાનુવાદ

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com