નવા વર્ષનો નવો સંકલ્પ –

મિત્રો નવા વર્ષની વધાઈ

‘બેઠક’ના ચાહકો સર્જકો અને વાચકોને મારી નવા વર્ષની શુભકામના,  પહેલા નૂતન વર્ષની ઉજવણી મર્યાદિત હતી,અને હવે પણ ચાર દીવાલોમાં હોવા છતાં બ્લોગ દ્વારા સમગ્ર વિશ્વમાં ઉજવાય છે.મિત્રો નવા વર્ષે એવી શુભ કામના કરીશ કે આપણે કારણ વિના એકબીજાને પ્રેમ કરીએ  બેઠક જાણે છે કે સૌની ભીતર પડ્યો હોય છે,એક ચમકતો હીરો,મિત્રો ચાલો નવા વર્ષના સંકલ્પ સાથે ભીતર જઈએ અને શોધી લઈએ આપણી જાતને, બસ વાત સ્વયં પ્રગટવાની છે. વાંચન અને સર્જન દ્વારા સ્વયં પ્રગટી બીજાને પણ પ્રગટાવીએ.ચાલો આજે  રજનીશના જ્ઞાન થકી અજ્ઞાનતાની ઉજવણી કરીએ.
તમે માત્દર આજે જ નહિ દરરોજ જીવનના નવા ક્ષેત્રમાં પ્રવેશ કરી રહ્યાં છો. કંઈક નવું, જે તમે જાણતા ન હતા તે,આજે તમારા અનુભવમાં આવ્યો છે. તમે ત્યારે જ સત્ય તરફ આગળ વધશો જ્યારે તમને “મને ખબર નથી” નો અહેસાસ થશે. જો તમને લાગે કે તમે જાણો છો, તો તમે અસત્ય તરફ આગળ વધવાનું શરૂ કરશો – કારણ કે “મને ખબર છે” એ ફક્ત એક વિચાર છે; “મને ખબર નથી” એ એક હકીકત છે, તે વાસ્તવિકતા છે. જેટલું જલ્દી તમે મેળવશો, તે વધુ સારું છે.

તમારા જીવનની સૌથી મોટી અનુભૂતિ એ છે કે તમે નથી જાણતા. “મને ખબર નથી” એક જબરદસ્ત સંભાવના છે. ફક્ત જ્યારે તમે “મને ખબર નથી” જોશો, ત્યારે ઝંખના અને જાણવાની કોશિશ અને જાણવાની સંભાવના વાસ્તવિકતા બની જશે.માટે વાંચન ની ભૂખ જરૂરી છે. ભલે આપણે કેટલુંય જાણીએ – પણ આપણી અજ્ઞાનતા અમર્યાદિત છે. તેથી જો તમે તમારી અજ્ઞાનતા સાથે ઓળખાઓ છો, તો તમે અમુક અર્થમાં અનહદ થઈ જાઓ છો, કારણ કે તમે જે કાંઈ પણ ઓળખો છો તે તમારા ગુણ હશે. રજનીશે સરસ રીતે કહ્યું છે કે, પ્રબુદ્ધતા એ અજ્ઞાનતાની ઉજવણી છે, આનંદિત અજ્ઞાનતા. વાંચન લેખન આ બધામાં -પ્રબુદ્ધતા ‘હું નથી જાણતો” એ અજ્ઞાનતા માંથી આવે છે.

“હું જાણું છું..” એ ભ્રમ પેદા કરે છે.અહંકાર એ સત્ય અંગે નું અજ્ઞાન છે.આપણો બધો જ સંઘર્ષ વધારે જાણવા નો છે….તમે તમારા થી બનતો બધો  જ પ્રયત્ન કરો,ફકત સાદી અને નિર્દોષ અવસ્થા-“ હું નથી જાણતો..!! મા રહો.આ જીદગી ગુઢ/રહસ્યમય છે.-સુંદર છે-તેને ભરપૂર જીવો,વાંચો વંચવો અને સર્જન કરો એવી ભાવના સદાય ‘બેઠક’ રાખે છે તમે પણ આજ ભાવના રાખો. નવા વર્ષે આનાથી વિશેષ શું સંકલ્પ હોઈ શકે.  સૌને ‘બેઠક’ તરફથી શુભ કામના

આયોજક અને સંચાલક -પ્રજ્ઞા દાદભાવાળા

સહ સંચાલક -રાજેશ શાહ ,કલ્પના રઘુ

દ્રષ્ટિકોણ 51: લેખકની જવાબદારી – દર્શના 

મિત્રો હું, દર્શના વારિયા નાડકર્ણી તમોને શનિવારે પ્રકાશિત થતી દ્રષ્ટિકોણ કોલમ ઉપર આવકારું છું. ગયા અંકે શનિવારે આપણે “મને લખવું ગમે છે દિવસ” “આઈ લાઈક ટુ રાઈટ ડે” (http://bit.ly/35Sd01r) વિષે વાત કરેલી। આપણે લખવાના શું ફાયદા છે તેના વિષે પણ ચર્ચા કરેલી। આજે આપણે એક લેખક ની શું જવાબદારી છે અને લખાણ ને ઉચ્ચ સ્તર ઉપર લઇ જવાના સૂચનો છે તે વિષે થોડી વાત કરીએ।

લખવાની ક્રિયાના ઘણા ફાયદાઓ છે અને તે વિષે તો આપણે વાત કરી. અને ધીમે ધીમે સારી રીતે લખવાની મહેનત પણ કરતા રહેવું જોઈએ। આપણા લખાણ માં સુધારો લાવવા માટે નીચે થોડા મુદ્દાઓ વાચકો સમક્ષ મુકું છું.

 

* જો આપણે માત્ર ડાયરી ન લખતા હોઈએ અને ઇચ્છતા હોઈએ કે કોઈક આપણું લખાણ વાંચે તો તે માટે આપણે વાચકો ને શું વાંચવાનો રસ હોય તે વિષે વિચાર કરી શકીએ। 

* આપણા વિષયો ને સ્પષ્ટ રીતે દર્શાવવા જોઈએ। જોડણી અને વાક્યોની ભૂલ સુધારી શકીએ તો તે ઉત્તમ છે.

* મારી ખાસ વિનંતી છે કે લેખકો તરીકે આપણી જવાબદારી છે કે આપણે અસત્ય ઘટનાઓ ને હકીકત તરીકે ન દર્શાવીએ. જો કાલ્પનિક વાર્તાઓ લખતા હોઈએ તો તે જરૂર યોગ્ય છે. પરંતુ હકીકત વિષે લખતા હોઈએ તો તે વિષે પૂરું સંશોધન કરીને, વિશ્વસનીય સ્ત્રોતો (ક્રેડિબલ સોર્સેસ) ને આધારે પુરી જાણકારી બાદ જ તે વિષે આપણે લખવું જોઈએ। મને ઘણા લોકોએ મારા બ્લોગ ઉપર લખવા માટે વિનંતી કરી છે. પરંતુ હું મારા બ્લોગ ઉપર ટેક્નોલોજી અને સત્ય ઘટનાઓ વિષે લખું છું અને જે હકીકત લખું છું તે ખુબ સંશોધન બાદ લખું છું, તેથી મારા બ્લોગ ઉપર હુંજ લખવાનું પસંદ કરું છું. 

* આપણું લખાણ નું ધ્યેય કોઈને ઉતેજ્જીત બનાવી, ચડાવવા અને ભડકાવવા માટે નું હોય તો તે વિષે પણ આપણે વિચાર કરવો જોઈએ કે તેનું શું પરિણામ આવી શકે છે. આ પહેલા મેં બ્લોગ લખેલ http://bit.ly/2xa5ijh તેનું શીર્ષક હતું ફેસબુક અને વૉટ્સએપ્પ વિરામ અને વિચાર માંગે છે.  ફરી વાચકોને વિનંતી કરું છું કે જરૂર વાંચશો અને ફેસબુક ઉપર મુક્ત પહેલા કે વૉટ્સએપ ઉપર ફોરવર્ડ કરતા પહેલા તે મોકલવાનો ધ્યેય શું છે તે વિષે વિચારશો। અને તે પણ વિચારશો કે આજના જમાના માં ખોટું લખનારાઓ પણ ઘણા છે અને જો તે ખોટું હોય અને કોઈ તે વાંચીને ઉતેજ્જીત થઇ ને બીજાને મોકલે અને તેમાં કોઈ વાંચનર ઉતેજ્જીત થઇ અને કોઈને નુકશાન પહોંચે તેવા પગલાં લ્યે તો આપણે તેવા અંતિમ પરિણામનું નિમિત્ત બનવું યોગ્ય છે? એવું નથી કે કોઈને ઉત્તેજિત કરવાનું આપણું ધ્યેય રહેવું જ ન જોઈએ। મેં પોતે ક્યારેક તેવું લખ્યું છે જેનો ધ્યેય કોઈને કૈક પગલાં લેવા માટે ઉતેજ્જીત કરવાનો હોય શકે. જેમ કે જયારે બોર્ડર ઉપર રેફયુજીસ બાળકો ને તેમના માતાપિતા થી અલગ કરવામાં આવ્યા ત્યારે તે વિષે મેં ઘણીવાર લખેલ। પણ કોઈપણ ઉત્તેજિત લખાણ ની શું અસર થઇ શકે તે વિચારવાની લેખકની પુરી જવાબદારી છે અને તેને આગળ મોકલનારાઓની પણ જવાબદારી છે. આપણા લખાણ થી વાચકો ઉતેજ્જીત થાય તે કરતા વાચકો પ્રેરિત થાય તેવું લખીએ તો તેની અસર ખુબ દૂર પહોંચે।

તો અહીં મેં થોડા મારા વિચારો દર્શાવ્યા છે. પરંતુ એક લેખક માટે તો ઘણા ઘણા વિધવાનો અને સારા સારા લેખકોએ સલાહ સૂચનો આપ્યા છે. બેઠકના એક ગુરુ, તરૂલતા બહેને પણ નિબંધ કેવી રીતે લખાય તે ઉપર એક નિબંધ લખેલ અને તે આ બ્લોગ ઉપર મુકેલ તે તમે વાંચ્યો જ હશે. તો તમે કેવા સલાહ સૂચનો વાંચેલ છે અને  તેમાંથી તમને શું યાદ રહી ગયું છે અને તમને તેમાંથી કેવી પ્રેરણા મળે છે તે જરૂર શેર કરશો.
તમને પ્રેરણા મળે તે માટે અમુક સારા સારા સૂચનો જે થોડાજ શબ્દો એક લેખકને ઘણું બધું કહી જાય છે તે અહીં મુકું છું.

“એક હજાર પુસ્તકો વાંચો, અને તમારા શબ્દો નદીની જેમ વહેશે.” – લિસા સી

“તમે હંમેશાં ખરાબ પૃષ્ઠને સંપાદિત કરી શકો છો. તમે ખાલી પૃષ્ઠને સંપાદિત કરી શકતા નથી. ” – જોડી પિકોલ્ટ

“લખવાનું શરૂ કરો, ભલે ગમે તે હોય. નળ શરુ કાર્ય વગર પાણી વહેશે નહિ.” – લુઇસ એલ’આમોર

“જીવનની દરેક બાબતો ઉપર લખી શકાય છે. માત્ર તેના માટે જોઈએ લખવાનો જુસ્સો, અને કલ્પનાશીલતા. સર્જનાત્મકતાનો સૌથી ખરાબ દુશ્મન આત્મ-શંકા છે. ” – સિલ્વીઆ પ્લેથ

“મને કહો નહીં કે ચંદ્ર ચમકતો છે; પણ તમારા લખાણ માં તૂટેલા કાચ પર મને પ્રકાશનો ઝગમગાટ બતાવો. ” – એન્ટોન ચેખોવ

 

સારું લખવા માટે સારા શબ્દો શોધો। તેટલુંજ નહિ. પણ સારા શબ્દોને સરસ રીતે ગોઠવો।  – અજ્ઞાત

ખરાબ લેખક પોતે વિચારે છે તેના કરતા વધુ કહેશે અને સારા લેખક પોતે વિચારે તેના કરતા વધુ કહેશે નહિ. – વોલ્ટર બેન્જામિન

એમ કોઈએ  કહેલું છે કે લખવામાં પરફેકશન ત્યારે ના આવે જયારે કઈ વધુ ઉમેરવાની જરૂર ન લાગે પણ ત્યારે આવે જયારે લખાણ માંથી એક પણ શબ્દ કાઢવાની જરૂર ન લાગે। એટલે કે જયારે એકે એક શબ્દ જરૂરી હોય ત્યારે તે પરફેક્ટ લખાણ કહી શકાય।

બીજા એક સૂચન પ્રમાણે તમે લેખ લઈને ગાડીની જેમ ચલાવો અને જુવો તે ક્યાં લઇ જાય છે. સરસ લખાણ માં લેખકે સ્પષ્ટ કહ્યા વગર વાચકોને તેમની સમજદારી પ્રમાણે એક ઊંડો ઉદેશ ઉભરતો દેખાશે। ખરાબ લખાણ માં  ઠોકી ઠોકી ને હેતુ વાચકો ઉપર મારવામાં આવશે અથવા કોઈ દિશા નહિ દેખાય અથવા તે કોઈ હેતુ વગર ઘણી દિશામાં દોડશે।

અને આખરે જો લખાણ સત્ય અને હૃદયસ્પર્શી હશે તો તેને વાંચવા માટે પ્રેક્ષકો મળશે અને જો નહિ હોય તો તેમાં આંતરિક આનંદ તો હશે જ. તો ઉપાડો કલમ.

મને શબ્દોનું સર્જન બ્લોગ ઉપર લખવાનો મોકો મળ્યો તેના માટે હું પ્રજ્ઞાબેન ની ખુબ આભારી છું. તે સાથે હંમેશા તેમનો સહકાર અને સૂચનો મળ્યા જેથી મેં થોડી થોડી લખાણ સુધારવાની આદત પણ કેળવી। વાચકો નો પણ અંતર થી આભાર. આશા છે કે અન્ય લેખકો લખતા રહેશે અને નવું નવું પીરસતા રહેશે। મારા 51 લેખ પુરા થતા સાદર વંદન સાથે વિરમું છું. 

 

 

 

વાત્સલ્યની વેલી : અને અંતે : એક ચિત્ર હજાર શબ્દ બરાબર છે !

થોડાંક પાનાં … ઘણી યાદો👆સપ્ટેમ્બર મહિનો એટલે નવાં , નાનાં બાળકો આવે .. અને તે પહેલાં સમર વેકેશનમાં પેરેન્ટ્સ સાથે મિટિંગો મુલાકાતો !

👇 અને મહેમાનો -.. પોલીસ ઓફિસર ફ્રેન્ડલી કે લાયબ્રેરિયનપરંતુ હવે નિવૃત્તિનું ટાણું આવ્યું .. હવે આ સંસ્થા ની કામગીરી કોઈ અન્ય વ્યક્તિ સંભાળશે ; પોતાની રીતે એ આ વાત્સલ્ય વેલ સંભાળશે .. પરિવર્તન એ જ તો સૃષ્ટિનો નિયમ છે !

દ્રષ્ટિકોણ 50: “મને લખવું ગમે છે” – દર્શના

મિત્રો હું, દર્શના વારિયા નાડકર્ણી તમોને શબ્દોનુંસર્જન બ્લોગ ઉપરની દ્રષ્ટિકોણ કોલમ ઉપર આવકારું છું. તાજેતરમાં ઉજવણી થઇ “મને લખવું ગમે છે” દિવસની. તો આજે આપણે લખવા ઉપર થોડી વાતો કરીએ. “આઇ લવ ટુ રાઇટ ડે” “મને લખવું ગમે છે” દિવસ ની ઉજવણી જોન રિડલ નામના લેખકે 2002 માં શરુ કરી ।  જ્યારે તેઓને તેના વિષે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, “આઈ લવ ટુ રાઇટ ડે માટેનું મારું ધ્યેય એ છે કે બધી ઉંમરના લોકો થોડો સમય લખવામાં વ્યસ્ત રહે.

 

પણ શા માટે? લખવામાં શું ફાયદાઓ છે? બલ્કે આપણા સમાજ માં એવા નિષ્ણાત લેખકો અને વિધવાનો અને ટીકાકારો છે જેમણે બેઠક ના લેખકોની ટીકા પણ કરી છે. સાન ફ્રાન્સિસકો ના બે એરિયા માં પુસ્તક પરબ અને પછી તેમાંથી બેઠક ની શરૂઆત થઇ ત્યારે ધ્યેય એવો હતો કે બધા થોડું ગુજરાતી વાંચે, લેખકો અને કવિઓને જાણે અને એ રીતે તે ગુજરાતી ભાષાને જીવંત રાખવાનો એક સામુદાયિક નમ્ર  પ્રયાસ હતો.

 

ધીમે ધીમે લખવા તરફ થોડું ધ્યાન દોર્યું અને બધાએ થોડું થોડું લખવાની શરઆત કરી. એ સમયે અહીંના ટીકાકારે ફેસબુક ઉપર લખેલ કે ત્રીસ પચ્ચીસ માણસોની એક ટોળકી ભેગી થઈ અને ઢંગધડા વગરનું લખે છે. તેમના જવાબ માં મેં લખેલ કે કોઈને કોઈનું લખાણ વાંચવાનો દબાવ નથી. પણ એકબીજા લખીને એકબીજાને સંભળાવે છે અને આનંદ લ્યે છે તેમાં કોઈને કઈ ખરાબ અસર થતી નથી. તે ઉપરાંત થોડી ઘણી નિપુણતા કેળવવામાં કઈ ખોટું તો નથીજ।  આ દેશમાં મેં મારા બાળકો ના graduation — KG, પાંચમા ધોરણ, બારમા ધોરણ અને કોલેજ માં મનાવ્યા છે. ત્યારે મેં તેઓને એમ તો કીધું નથી કે તમે મારી જેમ Ph.D. કરો તેનેજ graduation કહેવાય। તેમજ હું વેસ્ટર્ન ડાન્સ શીખતી ત્યારે મારી દીકરીએ તો તેમાં ઘણા એવોર્ડ્સ મેળવ્યા છે પણ તેણે મને એમ નહિ કીધેલ કે મમ્મી આટલા વર્ષ ના અભ્યાસ પછી અને અવૉર્ડ્સ થી recognize થાય તો જ તું ડાન્સ કરે છે તેમ કહેવાય। ડાન્સ ને તો ડાન્સ જ કહેવાય। ભલે કોઈ ઉપરી કક્ષાએ હોય અને કોઈ નીચેથી શરૂઆત કરે. અને આનંદ પણ કોઈપણ કક્ષાએ થી જોઈએ તેટલોજ મેળવી શકાય

 

ખેર એ વાત જવા દો અને આજે આપણે લખવાના ફાયદા વિષે વાત કરીએ। લખવાની ક્રિયા માત્ર નિષ્ણાત લેખકો પૂરતી સીમિત નથીજ અને વધુ લખવાથી અને કેળવણી મળવાથી લખવામાં નિપુણતા પણ કેળવી શકાય છે. તો જ શાળાઓમાં લેખન કાર્ય શીખવાડવામાં આવે છે ને? દરેક બાબત માં નિપુણતા આપોઆપ પ્રગટ થતી નથી પણ ઘણી વખત વધુ પ્રયાસ કરવાથી કેળવી શકાય છે.  તેથી જ આઈ લવ તો રાઈટ દે ઘણી શાળાઓમાં ઉજવાય છે.

 

તો લખવા ના ફાયદાઓ શું છે? તમારા વિચારો જણાવશો। અને નીચે મારા વિચારો દર્શાવું છું. 
* લખાણ દ્વારા અસમકાલીન રીતે વિચારો દર્શાવી શકાય છે કારણ કે બીજી વ્યક્તિ કે બીજી વ્યક્તિઓ ની તે સમયે તે જગ્યાએ હાજરી હોવી જરૂરી નથી. 
* લખાણ દ્વારા વિચારો દર્શાવવા માં ચોકસાઈ કેળવી શકાય છે કેમ કે લેખન માં મૉટે ભાગે સમય નું બંધારણ ઓછું હોય છે અને તેથી સમજપૂર્વક વિચારોને દર્શાવી શકાય છે
* લેખિત રીતે વિચારો દર્શાવવાથી તર્ક અને જટિલ વિચારના અન્ય સ્વરૂપોને સુવિધાથી અને સ્પષ્ટતા થી દર્શાવી શકાય છે.
* લેખિત અભિવ્યક્તિ ની આપણને નિરંતર જરૂર પડતી હોય છે. મને ઘણી વખત મારી સહેલીઓ એ (તેમના માટે, તેમના બોસ તરફ, કોર્ટ માટે) વગેરે ઈ મેઈલ કંપોઝ કરી આપવાની વિનંતી કરી છે. વિચારો તો તેમના જ પરંતુ તેને હું સરળતાથી સમજાય તેમ લખી આપું છું. 
* ક્યારેક આપણે કરવાના કાર્યો ને લેખિત સ્વરૂપે કાગળ ઉપર ઉતાર્યા પછી તેની યાદ રહેવાની શક્યતા તો વધે જ છે બલ્કે અમુક સંશોધન અનુસાર તે કાર્યોને વ્યવસ્થિત રીતે પૂર્ણ કરવાની શક્યતા પણ વધે છે.  તેથી કરવાના કાર્યોને માત્ર મગજ માં યાદ રાખવાની બદલે તેનું લિસ્ટ બનાવવું વધુ યોગ્ય છે.
* લખવાથી આપણે વધુ શીખી શકીએ છીએ. કેમકે જટિલ વિષયોને લખવામાં ક્યારેક આપણે સ્પષ્ટ અભિવ્યકતી માટે શબ્દોનો વિચાર કરવો પડે છે, તેમને વાક્યો માં સ્પષ્ટ રીતે ગોઠવવાનો વિચાર કરવો પડે છે અને ઘણી વખત તે વિષયો ઉપર સંશોધન પણ કરવું જરૂરી હોય છે. 
* લખવાનું કાર્ય કરવાથી વાંચન માં પણ રસ કેળવાય શકે છે (અને કેળવવો જોઈએજ). અત્યારે બેઠક માં લખતા થયા પછી લોકો બીજા કવિઓ અને લેખકો ને માણતા પણ થયા અને બહારગામના લેખકો અને કવિઓ આવે ત્યારે મોટી સંખ્યામાં પધારે છે અને તેમનો ભાષા તરફ નો આનંદ વ્યક્ત કરે છે. 
* લખીને વિચાર દર્શાવવાથી વાંચવાવાળા પણ સમયની મર્યાદા વગર સમજપૂર્વક વિચારો સમજી શકે તેની શક્યતા વધે છે અને તેને પણ આપણા વિચારોની સહેમત માં કે વિરુદ્ધ માં શાંતિથી વિચારો દર્શાવવાની તક મળે છે.

 

આશા છે કે આપણે લખતા રહીશું અને અને સાથે સાથે વાંચતા રહીશું। ક્યારેક આપણે કોઈ વાંચે તે માટે જ નહિ પણ માત્ર આંતરિક આનંદ માટે લખવાનું ગમે છે. અને તેમાં પણ કૈજ ખોટું નથી. મેં લખવાનું શરુ કર્યું ત્યારે કોઈ વાંચે તે વિષે મેં વિચાર્યું જ નહિ. મને સારી ટેક્નોલોજી વિષે સાંભળવું ગમતું અને હું તેને ભૂલી ન જાવ તે માટે તે વિષે લખી નાખતી। તેમજ સારા નાટકો મને ખુબજ ગમતા અને તે આનંદ યાદ રાખું અને ફરી વાંચીને માણી શકું તે માટે લખી નાખતી। ધીમે ધીમે લોકો મારો બ્લોગ વાંચતા ગયા. 2012 માં શેડિ શેક્સપીયર થિયેટર કંપની ને http://www.shadyshakes.org તેમના નાટક ની મારી સમીક્ષાના આધારે બે એરિયા ની દસ શ્રેષ્ઠ નોન પ્રોફિટ માં સ્થાન મળ્યું અને ઇનામ અને માન્યતા મળી. મારા લખવાનો આનંદ વધતો ગયો અને ધીમે ધીમે મારા વાચકોને ધ્યાન માં રાખીને હું લખવા લાગી।  મિત્રો મારા બ્લોગ http://www.darshanavnadkarni.wordpress.com ની જરૂર મુલાકાત લેજો અને તમારી કોમેન્ટ મુકશો અને રસ પડે તો ક્યારેક વાચકોએ લખેલી કોમેન્ટ વાંચશો।

 

આવતા અંકના લેખમાં લેખક કેવી જવાબદારી લઇ શકે છે તે વિષે વાત કરીશું। 
 

વાત્સલ્ય વેલીની અંતર્ગત -3) !સફળતા અને આનંદ

જીવન એટલે જ ગતિ ! જન્મતાંની સાથે જ નવજાત શિશુ અસ્તિત્વ ટકાવી રાખવાની અથડામણ શીખી જાય છે : માંના ઉદરમાંથી બહાર આવી પોતાની જાતે નાક દ્વારા શ્વાસ લેતાં એને શીખવું પડે છે! એને કહેવાય છે Survival for the existence ! અને આ તો સૃષ્ટિનો નિયમ છે : ટકી રહેવા મહેનત કરવી જ પડે !પછી તે મનુષ્ય હોય કે ગમે તે પ્રાણી હોય!
પણ બુદ્ધિશાળી પ્રાણી મનુષ્યનું માતૃહ્ર્દય , (અને પિતા પણ) પોતાના જ એ અંશના વિકાસ સાથે સ્વની વિકાસ યાત્રા જોડી દે છે: ‘જે ભાવિ અમે જોવાનાં નથી એ ભાવિ ભણી ડગ ભરતાં અમે એને શીખવાડીશું ! ‘
બસ , એ જ વિચાર તંતુથી થાય છે વાત્સલ્ય વેલની શરૂઆત !
કેવાં ખાતર પાણીથી આ વેલને ઉછેરવી ? શું કરીએ તો આપણું બાળક ભવિષ્યમાં સુખી થાય? અને સફળ થાય?
મા બાપ બાળકને ‘ સુખી’ કરવા પોતે પેટે પાટા બાંધીને ,મજૂરી કરીને એને ગમતી ભૌતિક ચીજ વસ્તુઓ લઇ આપે છે!
તો ક્યારેક કોઈ મા બાપ સ્વભાવગત ,કે સંજોગવશાત દારૂ ,ડ્રગના રવાડે ચઢીને ઝગડા કંકાસથી ત્રાસનું વાતાવરણ ઉભું કરીને બાળકનું બાળપણ છીનવી પણ લે છે!
પણ કયાં સંજોગોમાંથી આવતું કયું બાળક કેવું નીવડશે એ સંપૂર્ણ વિશ્વાશથી કોઈ કહી શકે ખરું ?
ક્યારેક અતિશય લાડકોડથી ઉછરેલું બાળક સ્કૂલમાં (સમાજમાં) બીજાં છોકરાંઓ પાસેથી પણ પોતાને જોઈતી વસ્તુઓ લેવાનો આગ્રહ રાખે અને દાદાગીરી Bullying કરતાં પણ શીખી જાય!
આત્મવિશ્વાસ ટોક્ષિક બને તો એને રાવણ જેવા મિથ્યાભિમાની કે ઘમંડી બનતાં વાર ના લાગે ! આપણે ત્યાં એને દૂધ પાઈને સાપ ઉછેર્યો કહેવાય !
તો ખુબ ગરીબાઈમાંથી બહાર આવેલ ઍબ્રાહીમ અમેરિકાનો ૧૬મો પ્રેસિડન્ટ લિંકન બનીને ગુલમોનો તારણહાર બને!
ક્યારેક અતિશય શરમાળ પ્રકૃતિનો મોહનદાસ ભવિષ્યમાં મહાત્મા બને અને બસ્સો વર્ષની ગુલામીમાંથી દેશને આઝાદ કરે !
તો ક્યારેક આખાબોલો , સ્પષ્ટ વક્તા , તોફાની વલ્લભ ભવિષ્યમાં સરદાર બની અખંડ ભારતના વિચારને સાકાર કરે!
પણ એ બધું ભવિષ્ય સ્પષ્ટ રીતે ભાખી શકાય નહીં!
હા , તેમનાં જીવનને તપાસતાં તેમનાં ઉછેરનાં પરિબળોને શોધી શકાય ખરાં. કે બાળકનાં ઉછેરમાં કયાં ગુણો કયાં સંસ્કાર કેવી રીતે વિકસ્યાં!
ચારેક દાયકા પૂર્વે એક પુસ્તક મારા હાથમાં આવેલું : Roots of Success !સફળતાનાં મૂળિયાં ! અને વર્ષો સુધી એ મારુ પ્રિય પુસ્તક રહ્યું હતું . એમાં દુનિયાના અને અમેરિકાનાં ઘણાં બધાં મહા પુરુષોનાં બાળપણની વાતો હતી.
જો કે સફળતા મેળવ્યા બાદ પણ ખાલીપો અનુભવતાં મહાનુભાવોથી પણ ઇતિહાસ ભરેલો છે!
કઈ મહાન બનેલી વ્યક્તિનાં બાળપણમાં કયું પરિબળ કામ કરી ગયું હશે એની એ પુસ્તકમાં છણાવટ કરી હતી.
કાદવમાં પણ કમલ ખીલ્યું હોય તેવા પણ દાખલાઓ હતા અને બધી જ સગવડ સાહેબી સાથે જન્મેલાં સફળ મહાનુભાવોની વાતો પણ હતી!
તો એવાં સફળ બનેલ મહાનુભાવોમાંથી એવાં પણ અનેક હતાં જેઓ સફળ થયાં પણ સુખી ‘હેપ્પી’ નહોતાં થઇ શક્યાં! જાહેર જીવનમાં કુશળ એક્ટર કે કલાકાર તરીકે નામના મેળવનાર, અનેક એવોર્ડનાં વિજેતાઓ ભર્યાં ભાદર્યાં ઘરમાં ધન સંપત્તિ છતાં એકલતાં અનુભવતાં હોય અને આત્મહત્યાનો રસ્તો લીધો હોય તેવા દ્રષ્ટાંતો પણ એ પુસ્તકમાં હતાં!
અને ઇતિહાસ એવાયે મહાનુભાવોથી ભરેલો છે કે જેઓ મહાન બન્યાં અને શાંતિનો સંદેશ આપતાં , આપણને ગમે તેવા સંજોગોમાં સ્થિતપ્રજ્ઞ રહેવાનું શિખવાડતાં ગયાં ; પણ એમને કમોતે મારી નાખવામાં આવ્યાં! ! એટલે કે જેઓએ સમાજને શાંતિથી રહેતાં શિખવાડ્યું, સમાજે એને જ ઝેર આપ્યું કે ગોળીએ વીંધ્યા કે વધસ્થમ્ભ પર ચઢાવી દીધા !!
તો પ્રશ્ન થાય કે બાળકોને કેવી રીતે ઉછેરવાં? એમને કઈ દિશામાં વાળવાં?
વિશ્વનાં મોટાં મોટાં બાળ ઉછેર ક્ષેત્રનાં નિષ્ણાતો કહે છે કે બાળકને એનું બાળપણ આપો !
એને બાળ સહજ પ્રવૃત્તિઓ રમત ગમત , તોફાન મસ્તી , વગેરેથી વંચિત ના રાખો ! એમને મોંઘા દાટ રમકડાં પણ આપો જો તમારી ઈચ્છા અને શક્તિ હોય તો ! પણ એનો સર્વાંગી વિકાસ એટલે જ ગમ્મ્ત સાથે જ્ઞાન !
પહેલાંના જમાનામાં આપણે ત્યાં ‘ સોટી વાગે ચમ ચમ, વિદ્યા આવે ધમ ધમ!’ એમ મનાતું ! વળી ગોખણીયું જ્ઞાન સર્વોપરી રહેતું .
પણ પશ્ચિમના રાષ્ટ્રોએ રિસર્ચ બાદ શારીરિક શિક્ષા નાબૂદ કરી. High scope curriculum હાઈ સ્કોપ ક્યુરિકયુલમનો જન્મ થયો ! જેમાં બાળકને હસતાં રમતાં શીખવાની તક મળે ! ( જે ફિલોસોફી અમારાં ડે કેર સેન્ટરમાં અપનાવી છે)
સફળતા અને આનંદ એ બે જુદી વસ્તુઓ છે. સફળતા એ પરિસ્થીજન્ય છે ; આનંદ એ અનુભૂતિ છે!
ગમે તે પરિસ્થિતિમાં ,ગમે તે સંજોગોમાંયે આનંદ મળી શકે છે. અને તમને ખબર છે, કેમ ?
કારણકે હેપ્પીનેસ એ તો એક અનુભવ કરવાની મનની લાગણી છે! એ આપણી અંદર જ છુપાયેલી છે! એને બહાર સ્ટોરમાં કે એમ્યુઝમેન્ટ પાર્કમાં શોધવા જવાની જરૂર નથી !
બાળકોને આપણે સ્કૂલમાં શિક્ષણ આપીને જીવનમાં સફળ બનવા પ્રતિબદ્ધ કરીએ અને ઘેર એને કોઈ પણ પરિસ્થિતિમાં આનંદમાં રહેતાં શિખવાડીએ તો કેવું ?
બાળ ઉછેર ક્ષેત્રનાં મારા અનુભવો અગણિત છે અને સતત શ્રેષ્ટ રસ્તો શોધવાના મારા
પ્રયાસો રહ્યા છે…આ લેખમાળામાં એના યત્કીન્ચિત પ્રયાસ કરવા નમ્ર પ્રયત્ન કરવાની તક મળી… આવતે અંકે કેટલાક ફોટા વગેરેથી લેખમાળાનું સમાપન કરીશું !

૮ -કવિતા શબ્દોની સરિતાની સ્મૃતિ-રાજુલ કૌશિક

તાજેતરમાં જ કોમ્યૂટર સાયન્સમાં માસ્ટર્સ ડીગ્રી લઈને જોબ શોધતા હણહણતા વછેરાની વાત છે. એક સાથે દુનિયાભરમાં ડંકો વગાડતી એમેઝોન, માઇક્રોસોફ્ટ અને ગુગલ એમ ત્રણે કંપનીઓમાંથી ઇન્ટરવ્યુ આવ્યા અને એની કાબેલિયતના બળે એને ત્રણે કંપનીમાંથી જોબ ઓફર પણ મળી.. કેટલા આનંદ, કેટલા ગૌરવની વાત ! સ્વભાવિક છે. આજે આવી કેટલીય આઇ.ટી.કંપનીઓ છે જેમાં ગણ્યા ગણાય નહી એટલા કોમ્પ્યૂટર એક્સપર્ટ્સ કામ કરતા હશે.

આ સિવાય ફેસબુક, વ્હોટ્સ એપ જેવી અનેક માતબર કંપનીઓએ વિશ્વભરના લોકોને પોતાની મુઠ્ઠીમાં કરી લીધા છે.

હર સવાલો કા જવાબ ગુગલ…સવારે ઉઠવાથી માંડીને રાત્રે ઉંઘવા સુધીની સમસ્યાઓના હલ ગુગલ ગુરુ/ ગુગલ મહારાજ પાસે મળી જ જાય.- જય ગુગલદેવ….

ગુગલની વાત તો આજે ઘેર ઘેર ગવાવા માંડી છે પણ આજથી લગભગ ૧૨ વર્ષ પહેલાની એટલે કે ૨૦૦૭ની વાત છે. એ સમયે મણીરત્નમની ધીરુભાઈ અંબાણીની બાયોપિક -ફિલ્મ ગુરુ રજૂ થઈ હતી. હજુ તો ગુરુ વિશે જરા વાત જ કરતા હતા અને એક આઇ.ટી ફિલ્ડના ટેક્નૉસાવીએ માત્ર બે મિનિટમાં ગુરુ ફિલ્મ અને ધીરુભાઈ અંબાણીની આખેઆખી કુંડળી વાંચી સંભળાવી. અમે તો અચંબિત કારણકે એ સમયે આ ગુગલ નામના જાદુગરને આપણે એટલા ક્યાં જાણતા હતા?

આજે તો ક્યાં જવું છે થી માંડીને શું ખાવું છે, કેવી રીતે બનાવવું છે એનો ચપટી ભરતામાં ઉકેલ મળી જાય છે. અમેરિકામાં કે અન્ય દેશોમાં પણ દાદી-નાની વગર ઉછરતા બાળકોના દાદી-નાની પણ ગુગલદેવી જ બની ગયા છે.

ના, આજે આ ટેક્નોલૉજિ વિરુધ્ધ કોઈ વાત નથી કરવી કારણકે એનાથી થકી જ તો આપણે પણ એકબીજાથી  એટલા નિકટ છીએ ને? આજે વાત કરવી છે પરિવર્તનની. છેલ્લા લેખના અનુસંધાનમાં સ્તો… પ્રકૃતિ જેટલી સ્વભાવિકતાથી પુનરાવર્તન અને પરિવર્તન સ્વીકારી લે છે એવી જ સ્વભાવિકતાથી આપણે પણ પુનરાવર્તન અને પરિવર્તન સાથે અનુસંધાન મેળવી લેવાનું છે.

હમણાં થોડા દિવસ પહેલા એક એવા સમાચાર વાંચ્યા કે લોકમિલાપ પુસ્તક ભંડાર ૨૦૨૦ના જાન્યુઆરીમાં બંધ થઈ રહ્યો છે અને તે પણ આપણા પ્રજાસત્તાક દિન એટલે કે ૨૬મી જાન્યુઆરીએ.

આ તો આપણા જુના અને જાણીતા એક માત્ર પુસ્તક ભંડારની વાત છે પણ આપણી જાણ બહાર કેટલાય આવા પુસ્તક ભંડાર બંધ થઈ ગયા હશે. કોને સમય છે આજે પુસ્તક ભંડાર તરફ દોટ મુકવાનો? ઘેર બેઠા પગ લંબાવીને ફિલ્મ જોવા મળતી હોય તો થિયેટર સુધી ય કોણ લાંબુ થાય છે?

અરે! જ્યાં નેટ પર કંઈ કેટલીય વાંચન સામગ્રી હાથવગી હોય અને વળી પાછી એને કિંડલમાં ડાઉન લોડ કરી શકાતી હોય ત્યાં કોને આવો સમય આપવાનું મન થાય ?

હશે આ પરિવર્તન પણ સ્વીકારવું જ રહ્યું. આપણે પણ એમાંના એક બનવું જ રહ્યું. ત્યારે ગત વર્ષના વિશ્વ પુસ્તકદિને લખેલી વાતના સંદર્ભમાં રાજેશ વ્યાસ મિસ્કિન લિખિત એક કવિતા આજે ફરી યાદ આવી ગઈ…

પુસ્તક મિત્ર છે આપણા એકાંતનું,
તે વડીલ છે, સંસ્કારનું.
તે ભવિષ્ય છે આપણાં બાળકનું.

પુસ્તક અંધકારમાં દીવો લઈને
ઊભું હોય છે અજવાળું પાથરવા.

અને જીવનમાં જ્યારે ભૂલા પડો છો
ત્યારે તેનાં વાક્યો અને પંક્તિઓ
તમને રસ્તો બતાવે છે.

જ્યારે શ્રદ્ધા ડગી જાય,
મન થાકી જાય, હૈયુ હારી જાય ત્યારે
નિર્જિવ લાગતાં પુસ્તકનાં પાનાંઓ
તમારામાં પ્રાણ પૂરે છે.

પુસ્તક દીવાદાંડી છે
પુસ્તક બહાર અને
ભીતર જોડાતો સેતુ છે.

પુસ્તક વિનાનો માણસ ફરી પાછો કોઈ આરંભકાળનો
આદિવાસી બની જાય તે પહેલા ચાલો,
પુસ્તકના જગતમાં પ્રવેશ કરીએ.

પણ હવે ક્યાં એવું પુસ્તક જગત મળશે જ્યાં આપણાં જેવા વાચકોનો મેળો હોય? પુસ્તકની સાથે મન પણ વંચાતા હોય. એક સારું, મનગમતું પુસ્તક લાયબ્રેરીમાંથી મળી જાય એ દિવસ તો ઉત્સવ બની જાય.

એનો અર્થ એ નથી કે હવે કોઈ કશું વાંચતું નથી. વંચાય છે અઢળક વંચાય છે અને વાચક વર્ગ પણ વિસ્તરતો જાય છે કારણકે એને વાંચવા માટે ક્યાંય જવું પડતું નથી. ઘેર બેઠા ગંગા છે બસ એમાંથી આચમની ભરી લેવાની છે.

શક્ય છે ભવિષ્યમાં એક હતો રાજાની જેમ એક હતું પુસ્તક ભંડાર એવું કહેવાશે? તો તો એનો અર્થ એ કે આપણા માટે આજ સુધી દીવાદાંડી બની રહેલા, બહાર અને ભીતરને જોડતા સેતુ સમાન પુસ્તકનો ઈતિહાસ ભૂતકાળ બની જશે? જો કે લોકમિલાપના સંચાલકો તો કહે છે કે દરેક પ્રારંભનો અંતિમ પડાવ તો આવતો જ હોય છે. આપણે પણ એવી જે ખેલદિલીપૂર્વક આ વાત સ્વીકારવી જ રહી ને? પણ ના,  હવે એક વાત અહીંથી થોડી જુદી અને રાજી થવાની પણ સાંભળી કે શ્રી ઝવેરચંદ મેઘાણીના પુસ્તકો પ્લે-સ્ટોર પરથી મળશે જેમાં શ્રી મેઘાણીના પ્રખ્યાત પુસ્તકોનો સમાવેશ જોયો.. જો એક ૭૦ વર્ષ જુની સંસ્કૃતિ નવિનતા અપનાવી શકતી હોય તો આપણે ય ટેક્નોલૉજિમાં આવતા પરિવર્તનને મોકળા મને સ્વીકારવું રહ્યું ને? સમય સાથે તાલ તો મેળવવો જ રહ્યો ને?   

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

દ્રષ્ટિકોણ 49 – મુગલ રાજ્યની એક અનન્ય રાણી – નૂરજહાં 

ધર્મ ઉપર આપણે ઘણી વાતો કરી. પણ શનિવારે પ્રકાશિત થતી દ્રષ્ટિકોણ કોલમ ઉપર તો આપણે જુદા જુદા વિષયો ઉપર અને વિવિધ દ્રષ્ટિકોણ થી વાતો કરીએ છીએ. તો આજે એક નવા વિષય ઉપર વાતો કરીએ.

ઘણીવાર ઇતિહાસ માં સ્ત્રી કરતા પુરુષને વધારે મહત્વ મળ્યું છે અને તેથીજ મુમતાઝ મહાલ માટે તાજ મહાલ બનાવી ને શાહ જહાંને તેની રાણી ને અને તે બંને ની પ્રેમ કથા સાથે સાથે પોતાનું નામ અમર બનાવી દીધું. પણ એક બીજી રાણી જે મુમતાઝ ની ફઈ હતી અને મુમતાઝ ના લગ્ન પછી તે તેની ઓરમાન સાસુ બની તેની અને તેના પ્રેમ ની અને તેની સતા ની વાત કરીએ.

Image result for Noor jahan, mehrunissa

તે છે નૂરજહાં, શાહજહાં ના પિતા જહાંગીર ની 20 મી પત્ની.  નાનપણ માં અનારકલી જોડે તેનો સબંધ તેના પિતા અકબરે માન્ય ન રાખ્યો પછી (સલીમ) જહાંગીર ની નજર માં આવી બીજી એક સામાન્ય છોકરી, મહેરુનિસ્સા. પણ અકબરને તે પણ માન્ય તો હોય જ નહી ને? તે સમય ની રસમ પ્રમાણે જહાંગીર ના 19 લગ્ન આજુબાજુના મહારાજાઓની જોડે સબંધ કેળવવા માટે કરવામાં આવેલા અને મહેરુનિસ્સા ના લગ્ન પણ થઇ ચૂકેલા. મહેરુનિસ્સાનો પતિ તેને મારપીટ કરતો અને તેમનું લગ્ન જીવન સુખી નહોતું. તેવામાં મહેરુનિસ્સાનો પતિ ગુજરી ગયો. જહાંગીર ના તો 19 લગ્ન થઇ ચૂકેલા અને એ સિવાય તેની નજર પડે તે સ્ત્રી તેના માટે મૉટે ભાગે તેને સ્વીકારવા અને સંતોષવા માટે હાજર હતી. એવા સમયે તેની નજર માં ફરી આવી મહેરુનિસ્સા, એક સામાન્ય સ્ત્રી, એક સામાન્ય સૈનિક ની દીકરી, એક વિધવા સ્ત્રી, એક બાળકી ની મા, તેની નાનપણની પ્રિયતમા, મહેરુનિસ્સા. જહાંગીર મહેરુનિસ્સા ઉપર ફરી ફિદા થઇ ગયો અને બંને વચ્ચે ફરી  ઊંડો પ્રેમ સબંધ બંધાયો. પણ પછી અચાનક મહેરુનિસ્સાએ તેના પ્રેમનો અસ્વીકાર કર્યો અને શરત મૂકી કે જો જહાંગીરને સાચો પ્રેમ હોય તો તે મહેરુનિસ્સા જોડે લગ્ન કરે. લોકો તાજ્જુબ થઇ ગયા અને જહાંગીરને ઘણી શિખામણ મળી કે તે બિલકુલ યોગ્ય નથી. તેમજ મહેરુનિસ્સાને ઘણી શિખામણ મળી કે આવા મોટા મહારાજાએ તેને અપનાવી છે તેને પોતાના નસીબ માની અને જિંદગી જીવી લેવી. જહાંગીરે મહેરુનિસ્સાને કપડાં અને જવેરાત મોકલી ને મનાવવાની કોશિશ કરી પણ મહેરુનિસ્સાએ બધું પાછું મોકલ્યું. છેવટે પ્રેમ માં પડેલ મહારાજાએ ધામધૂમથી મહેરુનિસ્સા જોડે લગ્ન કર્યા અને તેની 20 મી રાણીને નૂર જહાં (દુનિયા ની રોશની) ના નામ થી નવાજી.

નૂરજહાંએ તેના ભાઈ ની દીકરીના લગ્ન જહાંગીર ના દીકરા શાહજહાં જોડે કરાવ્યા.  શાહજહાં ની મા અને જહાંગીર ની પહેલી પત્ની જગત ગોસેઇન અને નૂરજહાં વચ્ચે બહુ સારો સબંધ હતો નહિ. નૂરજહાંએ શાહજહાંના અને જગત ગોસેઇન ના દીકરા ના વિવાહ પોતાની ભત્રીજી જોડે કરાવીને પોતાની સત્તા જમાવી લીધી — આ તેની પહેલી ચાલ. શાહજહાં ને મુમતાઝ જોડે પ્રેમ હતો અને અલબત્ત તેણે મુમતાઝ ની યાદ માં તાજ મહાલ બંધાવ્યો. પરંતુ તેના જીવન દરમ્યાન મુમતાઝ તેના છોકરાઓ જણવામાં વ્યસ્ત હતી અને નાની ઉંમરમાં તે બાળજન્મ સમયે મૃત્યુ પામી. પરંતુ તેની ફઈ નૂર જહાં ની વાત અલગ છે. ઇન્દુ સુંદરસેને તેના પુસ્તક, The Twentieth Wife (20મી પત્ની) માં નૂર જહાં ની સત્તા વિષે ઘણી જાણકારી આપી છે. 16 અને 17 મી સદીમાં મુગલ રાજ્ય દુનિયાભર માં તેની શાન અને સંપત્તિ માટે મશહૂર હતું. નૂરજહાં ખુબ બુદ્ધિશાળી સ્ત્રી હતી.  તેના લગ્ન પછી તેની સત્તા વધતી ગઈ. મક્કમ મનની, શક્તિશાળી અને બુદ્ધિશાળી નૂરજહાં માં તેના પતિને પૂરો વિશ્વાસ હતો અને તેના પતિ જહાંગીર કરતા નૂરજહાં વધારે રાજનીતિમાં હોશિયાર હતી. નૂરજહાં ને એટલા હક અને એટલું સન્માન આપવામાં આવતું કે તે કોઈ સ્ત્રીને તે જમાનામાં મળ્યું નથી.

નૂરજહાં ના નામના સિક્કા બનાવવામાં આવેલા. તે મહારાજની અદાલત માં હંમેશા હાજર રહેતી. ક્યારેક જહાંગીર બીમાર રહે તો નૂરજહાં એકલી અદાલત ભરતી. નૂરજહાં ને શાહી સીલ નો હવાલો જહાંગીરે આપેલો તેથી તે શાહી દસ્તાવેજ અને હુકમો ઉપર કાનૂની સહી કરી શકે. રાજનીતિ ના દરેક મામલામાં જહાંગીર તેના મંતવ્ય નો આગ્રહ રાખતો. અને એક સમયે નૂરજહાં યુદ્ધ માં પણ ઉતરેલી. શાહજહાંને તેના પ્રેમ ના નામથી મુમતાઝ ની યાદ માં તાજ મહેલ બાંધ્યો અને તેને લીધે મુમતાઝ નું નામ ઇતિહાસ માં અમર થઇ ગયું. પણ મુમતાઝે રાજ્યના કામકાજમાં ક્યારેય કોઈ રસ લીધેલો નહિ અને શાહજહાંને ક્યારેય કોઈ બાબત ઉપર તેનો મત પૂછેલો નહિ. જયારે નૂરજહાંએ તેના પતિની હારોહાર ઉભા રહીને, તેની જિંદગીની જીવનસાથી બનીને રહી અને આ રીતે નૂરજહાં મુગલ ઇતિહાસ માં એક અનન્ય સ્ત્રી રહી છે.

વધારે રસ પડે તો નીચેના લિંક ઉપર તેની વાત સાંભળશો.
https://www.youtube.com/watch?v=MLta9PCCltY

 

કહેવત – ગંગા સમીક્ષા – ૫ કલ્પના રઘુ

જ્યાં માનવ હોય ત્યાં બોલી હોય અને બોલી હોય ત્યાં કહેવતો સરળતાથી પ્રગટ થઈ જાય છે. વિશ્વનો કોઈપણ ખૂણો હોય, કહેવતોનો રોજીંદી વાતચીતમાં છૂટે હાથે ઉપયોગ થતો હોય છે. વિશ્વની એવી કોઈ ભાષા નહીં હોય કે જેમાં કોઈ કહેવત નહીં હોય. વિદેશી કહેવતોમાં પણ આપણી જેમ ત્યાંની વિશિષ્ટતા જોવા મળે છે. કહેવતો માણસનો સ્વભાવ, અનુભવો, ત્યાંના રીત રિવાજ કે ભૌગોલિક પરિસ્થિતિને પ્રદર્શિત કરે છે. કહેવતો લોકજીવનનું પ્રતિબિંબ કહેવાય. વ્યક્તિ, વસ્તુ કે સંજોગોને સચોટ, સ્વાભાવિક, ભાવવાહી બનાવવાનું કામ કહેવતોનું છે. જરૂરી નથી કે દરેક કહેવત બોધ આપી જાય છે.

જે તે કહેવત કોણે શોધી? કહેવતનું જન્મ સ્થળ કયુ? હા, કહેવતની ભાષા પરથી જે તે દેશની કહેવત છે તે ચોક્કસ ખબર પડે છે. કહેવત સદીઓ પહેલાં શોધાયેલી. પહેલાં શહેરો ન હતાં, ગામડા હતાં. ગામડાની ભાષા સૈકાઓ પહેલાં જે સહજ રીતે બોલાતી તેને ગ્રામીણ બોલી, સહજ વાણી, તળપદી ભાષા કહેવાય. દરેક બોલીની તળપદી ભાષામાં જે કહેવતો બોલાતી, જે સાંપ્રત ઘટનાઓ અને જીવનની ઘટમાળને વણી લેતી તે આજે પણ સાંભળવી ગમે છે, કાનને મીઠી લાગે છે. અસલ જૂના ગરબા, લોકગીતો, ચાબખા, ફટાણા, લગ્ન ગીતો તળપદી ભાષામાં બનેલાં છે, જેમાં ઝૂમવું દરેકને ગમે છે. કહેવત, બોલીએ બોલીએ બદલાય છે. એમાં નવો શબ્દ કે ભાવ ઉમેરાતો રહે છે. એક મોંઢેથી બીજે મોંઢે અને એક કાનથી બીજે કાન વાત વહેવા માંડે ત્યારે પૂછવું જ શું? “વાતનાં વડા થાય”, “વાતનું વતેસર થાય” અને અર્થાંતરો પણ થાય. તેના પઠનમાં પણ ફેરફારો જોવા મળે. પરંતુ એક વાત નક્કી કે તેને સમજાવવા કોઇ અલંકારોની જરૂર પડતી નથી.

તો ચાલો, આપણે કેટલીક તળપદી કહેવતોને માણીયે જેમ કે, “વાંદરી નાચે ને મદારી માલ ખાય”,  “જીવતાની ગણતી ને મુઆની ભરતી” (જીવતા વાહવાહી કરે ને મર્યા પછી ભૂલી જાય). પુષ્ય નક્ષત્રમાં વરસાદ પડે તો ભૂખ ભાંગે તેવું ધાન પાકે તેને તળપદી ભાષામાં “વસે પોખ તો મટે ભોખ”  કહેવાય. “બુદ્ધિના બામની બોબડી બંધ” (ભલભલા બુદ્ધિશાળીની પણ વાણી બંધ થઈ જવી). “લંકાની લાડી ને ઘોઘાનો વર”, “મારીએ તીર લાગે ફુલ”. “તું કોથળા જેવો છે, વેચું તો ચાર આના ય ન આવે” (તું ડફોળ છે, તારામાં અક્કલ નથી). “ચપટીમાં જીવ”, “પગનું ખાસડું પગમાં શોભે, માથે નહીં” (જ્યાં  જેનું સ્થાન હોય ત્યાં જ તે શોભે). “ટોપીમાં ત્રણ ગુણ, નહીં વેરો નહીં વેઠ”,  “બાવો બાવો સૌ કરે ને સુખે ભરીએ પેટ”, “કાં તો બાપ દેખાડ, કાં શ્રાદ્ધ કર”. “નદીના મૂળ અને ઋષિના કુળ ના શોધાય”, “બોડીને ત્યાં વહી કાંહકી કેવી?”, “શિંગડે ઝાલો તો ખાંડો, પૂંછડે ઝાલો તો બાંડો”, “ગાય ઉપર પલાણ” (ઉંધી રીતની સવારી), “ભેંસને ચાંદરો પાડો, એ એંધાણીએ  કણબી વાડો (કણબીવડાની એંધાણીઓળખાણ), “ગામનો હાકેમ ખીજે ત્યારે લોઢાના ચણા ચવરાવે” (ગામધણી હુકમના અમલમાં કડક હોય ), ગોલિયામાં જમવું અને પાંચ પાટલા માંડવા” (વગર નોતરે જમવા જવું ને પહોળા થઇને બેસવું). “બગાસુ ખાતા પતાસુ પડ્યું” (વિના પ્રયત્ને મોટી સફળતા મળી જવી) જેવી રમૂજી કહેવતો પણ બની છે. હવે તો સોફ્ટવેર એન્જિનિયરીંગની કહેવતો પણ બની છે.

કહેવતોની ખરી મઝા યોગ્ય સમયે, યોગ્ય સંદર્ભમાં વાપરવાની છે પછી તે ભાષા ચરોતરી, કચ્છી, પારસી, હુરટી, ફારસી, ચીની કે ગમે તે હોય. ટૂંકમાં “બાર ગાઉએ બોલી બદલાય” એમ કહેવત પણ બદલાય છે. મળીયે આવતા અંકે.

વાત્સલ્ય વેલીની અંતર્ગત : ૨) એક માત્ર સંદેશ !

એક માત્ર સંદેશ !

બાળકો વિષે ઘણું લખાયું છે , અને હજુ ઘણું લખાશે ; પણ કોલમને વિરામ આપતાં પહેલાં, વિષયને અહીં પૂર્ણ કરતાં પહેલાં , હું મારાં વિષય ઉપરનું ફરી ફરીને પુનરાવર્તન કરતી હોઉં તો એક વાતનું : બાળકોને આપણે શું શીખવવાનું છે?બાળઉછેર વિષયમાં મારો એક માત્ર સંદેશ શું હોઈ શકે?

તો માટે હું અમારાં ડે કેર સેન્ટરનર્સરિની પેરેન્ટ્સ હેન્ડ બુક પર નજર કરું છું:

Children are the message we send to the future ; the future we will not see ..

કોઈ સમજુ વ્યક્તિએ કહ્યું છે કે બાળકો આપણું એવું ભવિષ્ય છેકે જે જોવા આપણે જીવતાં નહીં હોઈએ !

અને એટલે તો આપણી જવાબદારી ઘણી વધી જાય છે!

ત્યારે આપણને ગૌરવ થાય કે હા; કોઈ બાળકનું સુંદર ભવિષ્ય ઘડવામાંમેં પણ અગત્યનો ફાળો આપ્યો છે….!

One hundred years from now , it will not matter what kind of car I drove , what kind of house I lived in ; nor it would matter how much i had in my bank account . But the world may be a little bit better , because I was important it the life of a child !

કેવો સુંદર સંતોષનો ઓડકાર !

અમારાં બાલમંદિરમાં આવતાં અસંખ્ય બાળકોમાંમેં જો માત્રએક ગુણ વિકસાવવા પ્રયત્ન કર્યો હોય તો તે કયો હોઈ શકે ?

“ Our center’s goal is ‘to instill a positive outlook toward life by nurturing self confidence in children!”

બાળકોમાં કદાચ શારીરિક તાકાત ઓછી હોય તો ચાલશે , કદાચ માનસિક રીતે પણ ભણવામાં થોડાં પાછળ હશે તો પણ વાંધો નહીં, કોઈ વિશિષ્ટ કલા કારીગરીમાં નિષ્ણાત નહીં હોય તોયે ભલે , પણ એમનામાં આત્મ વિશ્વાસ જળવાઈ રહે તે સૌથી વધારે મહત્વનું છે!

હા, નાનકડું બાળક શરમાળ હોય કે તોફાની , શાંત હોય કે વાચાળ , પણ એનામાં લઘુતા ગ્રન્થિ ના આવી જાય, પોતે જે પણ છે તે માટે એને આત્મવિશ્વાસ હોય તે જરૂરી છે.

કદાચ વાચક મિત્રોને સહેજ પ્રશ્ન થશે : શરમાળ કે શાંત કે કજીયાળું બાળક હોય તેનોવળી આત્મવિશ્વાશ કેવીરીતે દ્રઢ કરવો ?

મેંઆટલાં વર્ષો બાળકો સાથે નજીકથી કામ કરતાં , સ્વાનુભવથી જોયું છે કે આનંદી બાળક આનંદી હોય છે કારણકે એને પોતાની નાનકડી દુનિયામાંથી આનંદસંતોષ મળે છે! Happiness is within us ! We have to learn to find that happiness ..

કે! જો આનંદ આપણી અંદર છુપાઈ ને પડ્યો હોય તો એને શોધવો , બહાર લાવવો કઈ રીતે?

બસ, બાળકોને સંભાળતાં, ઉછેરતાં , એમનાં સર્વાંગી વિકાસમાં આનંદમાં રહેવાનું શીખવવાનો પણ અમારો પ્રયાસ રહે તે સ્વાભાવિક હતું ! એકાદ બે પ્રસંગથી , ટૂંકમાં જોઈએ!

તહેવારોના સમયે બાળકોને ગમતાં મોંઘા દાટ રમકડાં આપણે લાવી આપીશું ! શું તેનાથી ખુશ થશે? ઉત્સાહનો ઉભરો સમ્યા પછી, જે રમકડાં નથી મલ્યા તેનો કકળાટ શરૂ થશે!

જે માંગે તે લાવીને હાજર કરવાથી બાળકમાં સંતોષ ઉભો થશે નહીં; ઉલ્ટાનું , પોતાને ગમતું મોંઘુ રમકડું નહીં મળે તો એને કાં તો ગુસ્સો થશે, કાં તો દુઃખ થશે, કદાચ નારાજ થઈને રિસાઈ જશે !

તો, બાળકે જે માગ્યું તે હાજર કરીને આપણે બાળકને રડતાં અને રિસાતાં શિખવાડ્યું!

હવે બીજું દ્રશ્ય જુઓ :

બાળકને માટે આપણે કોઈ રમતબોર્ડ ગેઇમ લીધી ; અને ઘરનાં બધાં સભ્ય સાપ સીડી કે મોનોપોલીની ગેઇમ સાથે રમવા બેઠાં! બાળકને આનંદ થશે એમાં કોઈ શંકા નથી !એટલે તો અંગ્રેજીમાં એક કહેવત છે:

Family who prays together , stays together!

જે કુટુંબ સાથે ભજે તે સાથેરહે!

આપણે કહીશું જે કુટુંબ ભેગાં બેસીનેરમે તે ભેગાં બેસેનેજમે ! અને ભેગાં રહે!

આજે કુટુંબની વ્યાખ્યા બદલાઈ રહી છે, જુદી જુદી રીતે અને પોતાની ઈચ્છા અને અનુકૂળતા પ્રમાણે પેરેન્ટ્સ જિંદગી જીવતાં હોય છે ત્યારે સાથે બેસીને સમય ગાળવાની ભેટ સૌથી વધુ કિંમતીઅમૂલ્ય છે!

જ્યાં કુટુંબની હૂંફ છે ત્યાં ગમે તેવું નબળું બાળક પણ આત્મવિશ્વાસથી રહી શકે છે.

હા, પ્રેમ અને હૂંફ સાથે એક મહત્વનો ગુણ પાંગરે તે પણ જરૂરી છે!

અન્ય પરત્વે હમદર્દી ! જરૂરિયાતવાળા ,નબળાં કુટુંબનાં બાળકોની સાથે વહેંચીનેખાવાનું , રમવાનું વગેરે પાંચ સાત વર્ષની ઉંમરે બાળકોને શિખવાડી શકાય .

ચેરિટી વર્કહમદર્દીનું કામકોઈને માટે કરી છૂટવું , ગરીબોને જરૂરિયાત મુજબ આપવું, બાળકોને રમકડાં , કપડાં લત્તા , ચંપલ , ખાવા માટેની ચીજ વસ્તુઓ , વગેરેની સહાય અહીંની અનેક સંસ્થાઓ ,ચર્ચ , નાની મોટી કંપનીઓ , અને સરકાર તરફથી પણ સહાય થાય છે. આપણાં બાળકોને આપણે એવી એમ્પથી શીખવાડવી જોઈએ ! Sympathy & empathy! આપણે ત્યાં બે શબ્દો માટે એક શબ્દ છે: સહાનુભૂતિ !

બસ! આપણી સંસ્કૃતિમાં દાનનો મહિમા માત્ર મોક્ષ મેળવવા કે સ્વર્ગ મળે તે પૂરતો છે; પણ કોઈ પ્રકારની આશા વિના , બાળકોને નાનપણથી કોઈને માટે કાંઈક કરતાં શિખવાડવાથી એમનામાં એક પ્રકારનું ગૌરવસંતોષઅહોભાવની ભાવના ઘડાય છે; અને મેં ઘણી વાર સંતોષ અને ગૌરવ નાનાં બાળકોમાં પ્રત્યક્ષ અનુભવ્યાં છે!

ક્યારેક કોઈ ઇલેક્ટ્રોનિક મોંઘા રમકડાંની જીદ કરતાં બાળકનાં પેરેન્ટ્સને મેં સર્જનાત્મક ઉકેલ પણ સુઝાડ્યા છે.

તું મને ક્રિશ્ચમસ ટ્રી મુકવામાં મદદ કર , આપણે સાથે ઘર આંગણે રોશની કરીએ પછી હું તને ફલાણું રમકડું લઇ આપીશ !”એમ કહ્યા બાદ કામ પૂરું કરીનેબાળકને સ્ટોરમાં લઇ જઈને એની પસંદગીનું રમકડું અપાવવાથી બાળકનેપોતાનું મહત્વ સમજાય છે, એનો આત્મવિશ્વાસ દ્રઢ થાય છે, આનંદ થાય છે અને સાચી દિશામાં બાળકની પ્રગતિ થાય છે..

હા, જો મારો લેખમાળાનો છેલ્લો લેખ હોય તોહુંઆત્મવિશ્વાસનો ગુણ ખિલવવાને પ્રાધાન્ય આપું ! પણ, એમાંયે કાંઈક ખૂટે છે! એની વાત આવતા અંકે !

૭ -કવિતા શબ્દોની સરિતાની સ્મૃતિ-રાજુલ કૌશિક

આ ડીસેમ્બર તો આવ્યો…જોત જોતામાં ૨૦૧૯નું શરૂ થયેલું વર્ષ પણ પૂર્ણતાના આરે આવીને ઉભુ. ક્યારેક એવું લાગે છે કે સમય જાણે આગળ ખસતો જ નથી અને ક્યારેક પસાર થઈ ગયેલા સમય વિશે વિચારી તો એમ લાગે કે અરે! આ હમણાં તો વર્ષ શરૂ થયું અને એટલામાં પુરુ પણ થવા આવ્યુ? કેટલીય ક્ષણો આપણામાં તાજગી ભરતી ગઈ, કેટલીય ક્ષણો વ્યથા આપતી ગઈ પણ આ ક્ષણોનો સરવાળો એટલે જ તો સમય અને સમય એટલે શું? એ તો નિરાકાર છે.એને આપણે ક્યાં જોઈએ છીએ કે પકડી શકીએ છીએ ? એ તો એના પગલાની ય છાપ ક્યાં મુકતો જાય છે કે ભીંતે થાપા દેતો જાય છે અને છતાંય એના પસાર થઈ ગયાની અસર કે અનુભૂતિ તો આપણા મન પર આપણા જીવન પર છોડતો જ જાય છે ને?
ક્યારેક એમ લાગે કે સમય તો મુઠ્ઠીમાં ભરેલી રેતે, ગમે એટલો પકડવા મથો, ગમે એટલો સાચવવા મથો પણ એ તો બંધ મુઠ્ઠીમાંથી પણ સરતો જ જાય. ક્યારેક એવું પણ લાગે કે સમય સ્થિર થઈ ગયો છે. જડ થઈ ગયો છે. એને આગળ ધકેલવા મથો તો પણ જાણે ચસોચસ બારણા ભીડીને એ બેસી ગયો છે. એની સ્થિરતા, એની જડતા આપણને અકળાવનારી પણ બની જાય. આવા વહી ગયેલા સમય પર સરસરતી નજર નાખીએ તો કોણ જાણે કેટલીય યાદો મન છલકાવતી પણ જાય.
દર વર્ષની જેમ નોર્થ અમેરિકામાં સ્નૉએ પોતાનું સામ્રાજ્ય સ્થાપવાના શ્રીગણેશ કરી દીધા છે. થોડા સમય પહેલાના લીલાછમ દેખાતા વૃક્ષોએ અવનવા રંગો ધારણ કરીને પોતાના પીંછા પણ ખેરવી લીધા અને જોતજોતામાં સફેદી ધારણ કરીને બેસી ગયા, જાણે શ્વેત  કેશી- જટાધારી-લાંબી દાઢી ધરાવતા કોઈ પૂજનીય તપસ્વી..

આ કુદરત પણ કેટલી સરળ અને સ્વાભાવિક છે નહીં? જ્યારે જે પરિસ્થિતિ હોય એ તરત અપનાવીને એમાં એકરૂપ થઈ જતા જરાય વાર લાગે છે?

આપણે એવા છીએ ખરા? આપણામાં એટલી સ્વભાવિકતા છે ખરી કે આવશે ખરી?

હજુ ગઈ કાલની જ વાત છે. એક શબ્દ રોટેશન… અને એના વિશે અમારી વચ્ચે ચર્ચા ચાલી. આ રોટેશન એટલે શું? ચક્રમેનિકમ-ચક્રના આરાનો ક્રમ, પુનરાવર્તન..કુદરતનું પણ એક વણથંભ્યુ ચક્રમેનિકમ છે. સતત, નિરંતર, અવિરત ચાલ્યા જ કરે છે.પ્રકૃતિના તમામ તત્વોને પણ આ ઘટમાળ, આ પુનરાવર્તન મંજૂર જ હશે ને એટલે તો એ દરેક મોસમમાં, બદલાતી ઋતુના રંગમાં આસાનીથી ઢળી જાય છે. વસંતમાં પુલકિત થઈને મહોરી ઉઠતી પ્રકૃતિ વર્ષામાં વહી જવામાં ય બાધ નથી રાખતી તો ઉનાળાની ધોમધખતી ગરમીને ય સહી લે છે. ઠંડીમાં ય એ એટલી જ સ્થિતપ્રજ્ઞ….. અને આપણે?

આપણે આ ચક્રના આરાની જેમ જીવાતા જીવનના એકધારા ક્રમથી, પુનરાવર્તનથી ય ખુશ નથી કે પરિવર્તનથી ય રાજી ક્યાં હોઈએ છીએ? કરવું શું? આપણે તો હંમેશા સમય સાથે વહેવાના બદલે સમય આપણને અનુકૂળ થાય તો કેવું એની કલ્પનામાં રાચીએ છીએ.

એક ક્ષણ પણ એવો વિચાર નથી આવતો કે આ પુનરાવર્તન કે પરિવર્તન જે કંઈ છે એ આપણા હાથમાં તો નથી જ તો શા માટે આ ક્ષણ જે આપણી છે એને જ આનંદથી જીવી લઈએ? પ્રકૃતિની જેમ સહજતાથી ઢળી જઈએ?

ગત વર્ષના ‘કવિતા શબ્દોની સરિતા’ના એક લેખના સંદર્ભમાં પ્રજ્ઞાબેને કૉમેન્ટમાં એક સમજવા જેવી વાત લખી હતી એ આજે યાદ આવી…

બળી જશે લાકડા, ઠરી જશે રાખ, તારી ખુમારી તારી પાસે રાખ.

જીવી લે જીંદગી, મોજ મસ્તીની, તારી અકડ તારી પાસે રાખ.

રોપી દે પ્રેમનું તરુ, હેતનું ખાતર એમાં નાખ.

ઉગશે ફળ, મધ ભરેલું, વિશ્વાસના હોઠે એને ચાખ.

પૈસો કાંઈ બધુ જ નથી, માનવતાની બનાવ શાખ.

દરિયો બનશે કદી તોફાની, ધીરજની નાવ તું હાંક.

ખુલ્લી આંખે તું દુનિયા જુવે, ક્યારેક તો ભીતરે તું ઝાંખ.

હારની શરણે ના થા, આપી છે તને હોંસલાની બે પાંખ,

શ્વાસ આપ્યા પણ જીવે નહીં એમાં ઈશ્વરનો શું વાંક……..

અહીં જીવવા ખાતર જીવવાની નહીં પણ આનંદથી જીવવાની વાત છે. પ્રકૃતિની જેમ કોઈ ભાર વગર, આનંદથી એકરૂપ થઈને જીવવાની વાત છે.

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com