વાત્સલ્ય વેલીની અંતર્ગત -3) !સફળતા અને આનંદ

જીવન એટલે જ ગતિ ! જન્મતાંની સાથે જ નવજાત શિશુ અસ્તિત્વ ટકાવી રાખવાની અથડામણ શીખી જાય છે : માંના ઉદરમાંથી બહાર આવી પોતાની જાતે નાક દ્વારા શ્વાસ લેતાં એને શીખવું પડે છે! એને કહેવાય છે Survival for the existence ! અને આ તો સૃષ્ટિનો નિયમ છે : ટકી રહેવા મહેનત કરવી જ પડે !પછી તે મનુષ્ય હોય કે ગમે તે પ્રાણી હોય!
પણ બુદ્ધિશાળી પ્રાણી મનુષ્યનું માતૃહ્ર્દય , (અને પિતા પણ) પોતાના જ એ અંશના વિકાસ સાથે સ્વની વિકાસ યાત્રા જોડી દે છે: ‘જે ભાવિ અમે જોવાનાં નથી એ ભાવિ ભણી ડગ ભરતાં અમે એને શીખવાડીશું ! ‘
બસ , એ જ વિચાર તંતુથી થાય છે વાત્સલ્ય વેલની શરૂઆત !
કેવાં ખાતર પાણીથી આ વેલને ઉછેરવી ? શું કરીએ તો આપણું બાળક ભવિષ્યમાં સુખી થાય? અને સફળ થાય?
મા બાપ બાળકને ‘ સુખી’ કરવા પોતે પેટે પાટા બાંધીને ,મજૂરી કરીને એને ગમતી ભૌતિક ચીજ વસ્તુઓ લઇ આપે છે!
તો ક્યારેક કોઈ મા બાપ સ્વભાવગત ,કે સંજોગવશાત દારૂ ,ડ્રગના રવાડે ચઢીને ઝગડા કંકાસથી ત્રાસનું વાતાવરણ ઉભું કરીને બાળકનું બાળપણ છીનવી પણ લે છે!
પણ કયાં સંજોગોમાંથી આવતું કયું બાળક કેવું નીવડશે એ સંપૂર્ણ વિશ્વાશથી કોઈ કહી શકે ખરું ?
ક્યારેક અતિશય લાડકોડથી ઉછરેલું બાળક સ્કૂલમાં (સમાજમાં) બીજાં છોકરાંઓ પાસેથી પણ પોતાને જોઈતી વસ્તુઓ લેવાનો આગ્રહ રાખે અને દાદાગીરી Bullying કરતાં પણ શીખી જાય!
આત્મવિશ્વાસ ટોક્ષિક બને તો એને રાવણ જેવા મિથ્યાભિમાની કે ઘમંડી બનતાં વાર ના લાગે ! આપણે ત્યાં એને દૂધ પાઈને સાપ ઉછેર્યો કહેવાય !
તો ખુબ ગરીબાઈમાંથી બહાર આવેલ ઍબ્રાહીમ અમેરિકાનો ૧૬મો પ્રેસિડન્ટ લિંકન બનીને ગુલમોનો તારણહાર બને!
ક્યારેક અતિશય શરમાળ પ્રકૃતિનો મોહનદાસ ભવિષ્યમાં મહાત્મા બને અને બસ્સો વર્ષની ગુલામીમાંથી દેશને આઝાદ કરે !
તો ક્યારેક આખાબોલો , સ્પષ્ટ વક્તા , તોફાની વલ્લભ ભવિષ્યમાં સરદાર બની અખંડ ભારતના વિચારને સાકાર કરે!
પણ એ બધું ભવિષ્ય સ્પષ્ટ રીતે ભાખી શકાય નહીં!
હા , તેમનાં જીવનને તપાસતાં તેમનાં ઉછેરનાં પરિબળોને શોધી શકાય ખરાં. કે બાળકનાં ઉછેરમાં કયાં ગુણો કયાં સંસ્કાર કેવી રીતે વિકસ્યાં!
ચારેક દાયકા પૂર્વે એક પુસ્તક મારા હાથમાં આવેલું : Roots of Success !સફળતાનાં મૂળિયાં ! અને વર્ષો સુધી એ મારુ પ્રિય પુસ્તક રહ્યું હતું . એમાં દુનિયાના અને અમેરિકાનાં ઘણાં બધાં મહા પુરુષોનાં બાળપણની વાતો હતી.
જો કે સફળતા મેળવ્યા બાદ પણ ખાલીપો અનુભવતાં મહાનુભાવોથી પણ ઇતિહાસ ભરેલો છે!
કઈ મહાન બનેલી વ્યક્તિનાં બાળપણમાં કયું પરિબળ કામ કરી ગયું હશે એની એ પુસ્તકમાં છણાવટ કરી હતી.
કાદવમાં પણ કમલ ખીલ્યું હોય તેવા પણ દાખલાઓ હતા અને બધી જ સગવડ સાહેબી સાથે જન્મેલાં સફળ મહાનુભાવોની વાતો પણ હતી!
તો એવાં સફળ બનેલ મહાનુભાવોમાંથી એવાં પણ અનેક હતાં જેઓ સફળ થયાં પણ સુખી ‘હેપ્પી’ નહોતાં થઇ શક્યાં! જાહેર જીવનમાં કુશળ એક્ટર કે કલાકાર તરીકે નામના મેળવનાર, અનેક એવોર્ડનાં વિજેતાઓ ભર્યાં ભાદર્યાં ઘરમાં ધન સંપત્તિ છતાં એકલતાં અનુભવતાં હોય અને આત્મહત્યાનો રસ્તો લીધો હોય તેવા દ્રષ્ટાંતો પણ એ પુસ્તકમાં હતાં!
અને ઇતિહાસ એવાયે મહાનુભાવોથી ભરેલો છે કે જેઓ મહાન બન્યાં અને શાંતિનો સંદેશ આપતાં , આપણને ગમે તેવા સંજોગોમાં સ્થિતપ્રજ્ઞ રહેવાનું શિખવાડતાં ગયાં ; પણ એમને કમોતે મારી નાખવામાં આવ્યાં! ! એટલે કે જેઓએ સમાજને શાંતિથી રહેતાં શિખવાડ્યું, સમાજે એને જ ઝેર આપ્યું કે ગોળીએ વીંધ્યા કે વધસ્થમ્ભ પર ચઢાવી દીધા !!
તો પ્રશ્ન થાય કે બાળકોને કેવી રીતે ઉછેરવાં? એમને કઈ દિશામાં વાળવાં?
વિશ્વનાં મોટાં મોટાં બાળ ઉછેર ક્ષેત્રનાં નિષ્ણાતો કહે છે કે બાળકને એનું બાળપણ આપો !
એને બાળ સહજ પ્રવૃત્તિઓ રમત ગમત , તોફાન મસ્તી , વગેરેથી વંચિત ના રાખો ! એમને મોંઘા દાટ રમકડાં પણ આપો જો તમારી ઈચ્છા અને શક્તિ હોય તો ! પણ એનો સર્વાંગી વિકાસ એટલે જ ગમ્મ્ત સાથે જ્ઞાન !
પહેલાંના જમાનામાં આપણે ત્યાં ‘ સોટી વાગે ચમ ચમ, વિદ્યા આવે ધમ ધમ!’ એમ મનાતું ! વળી ગોખણીયું જ્ઞાન સર્વોપરી રહેતું .
પણ પશ્ચિમના રાષ્ટ્રોએ રિસર્ચ બાદ શારીરિક શિક્ષા નાબૂદ કરી. High scope curriculum હાઈ સ્કોપ ક્યુરિકયુલમનો જન્મ થયો ! જેમાં બાળકને હસતાં રમતાં શીખવાની તક મળે ! ( જે ફિલોસોફી અમારાં ડે કેર સેન્ટરમાં અપનાવી છે)
સફળતા અને આનંદ એ બે જુદી વસ્તુઓ છે. સફળતા એ પરિસ્થીજન્ય છે ; આનંદ એ અનુભૂતિ છે!
ગમે તે પરિસ્થિતિમાં ,ગમે તે સંજોગોમાંયે આનંદ મળી શકે છે. અને તમને ખબર છે, કેમ ?
કારણકે હેપ્પીનેસ એ તો એક અનુભવ કરવાની મનની લાગણી છે! એ આપણી અંદર જ છુપાયેલી છે! એને બહાર સ્ટોરમાં કે એમ્યુઝમેન્ટ પાર્કમાં શોધવા જવાની જરૂર નથી !
બાળકોને આપણે સ્કૂલમાં શિક્ષણ આપીને જીવનમાં સફળ બનવા પ્રતિબદ્ધ કરીએ અને ઘેર એને કોઈ પણ પરિસ્થિતિમાં આનંદમાં રહેતાં શિખવાડીએ તો કેવું ?
બાળ ઉછેર ક્ષેત્રનાં મારા અનુભવો અગણિત છે અને સતત શ્રેષ્ટ રસ્તો શોધવાના મારા
પ્રયાસો રહ્યા છે…આ લેખમાળામાં એના યત્કીન્ચિત પ્રયાસ કરવા નમ્ર પ્રયત્ન કરવાની તક મળી… આવતે અંકે કેટલાક ફોટા વગેરેથી લેખમાળાનું સમાપન કરીશું !