About Geeta & Subhash Bhatt

Geeta started her carrier as a lecturer in Gujrati , in India , and when migrated to Chicago with family of two toddlers she changed her carrier to Early Childhood Educator ; started her Childcare center and running it for 30 years , she retired and moved to sunny state of California . Subhash started as an engineer back at homeland and after coming to Chicago with family created his apartment rental business while contributing his share in Day care center management . Now , Retired couple is involved in many social activities.

એક સિક્કો બે બાજુ : 22) શિક્ષા અને ઇનામ !


હમણાં તાજેતરમાં એક વડીલે વાત વાતમાં પોતાના મનની વાત જણાવી .
કહે ; “ રેસ્ટોરન્ટમાં અમે ઓર્ડર આપીને રાહ જોતાં બેઠા હતાં પણ વેઈટર ઘણો મોડો આવ્યો અને તે પણ ઓર્ડર આપેલ તેનાથી કાંઈ જુદું જ બધું લઇ આવ્યો ! બરફવાળું ઠંડુ પાણી અને ઘી ચોપડેલી રોટલીઓ – જેની મનાઈ કરી હતી, એ બધું જ જેમ તેમ લઇને આવ્યો ! હવે તમે જ કહો કે એના માટે મેનેજરને બોલાવીને ફરિયાદ નોંધાવી જોઈએ કે નહીં ?” એ વડીલ મિત્રે હૈયા વરાળ ઠાલવતાં કહ્યું ;
“ વેઇટરોનેય મફતમાં ટીપ જોઈએ છે , ને ઓર્ડર પર ધ્યાન એવું નથી ! પણ આશ્ચર્યની વાત છે કે અમારાં ઘરનાં બધાં જ મારી વિરુદ્ધમાં થઇ ગયાં અને મને જ વઢવા માંડ્યાં! શો જમાનો આવ્યો છે ? સાચાને સાચુંય કહેવાતું નથી” એમણે કહ્યું .
ઘણી વખત એક જ પ્રસંગને તદ્દન જુદા અભિગમથી જોનારાં બે જૂથ હોઈ શકે છે .
જે વ્યક્તિનું કામ સૌને ખાવાનું આપવાનું છે , તે વેઈટર જો ભૂલ કરે તો એની સામે , એના માટે બળાપો વ્યક્ત કરવામાં કાંઈ વાંધો ના હોય , પણ કઈ રીતે એ વાત એના સુધી પહોંચાડીએ છીએ તે પણ મહત્વનું છે .
આપણું ખાવાનું એ જ તો લઈને આવવાનો છે ને ? એની સાથે ઝગડો કરશો તો એ કેવું ખાવાનું લઇ આવશે ? કાંઈ કહેવાય નહીં !
હાર્વર્ડ યુનિવર્સીટીનો એક સર્વે કહે છે તે મુજબ , લાંબા સમય સુધી ઘણું કામ કરીને થાકી જતા એમ્પ્લોયીને વઢવાથી કોઈ જ હેતુ નહીં સરે; ઉલ્ટાનું વાત બગડવા સંભવ છે ..ઘણી વખત રેસ્ટોરન્ટમાં માલિક વધારે નફો કરવાના ઈરાદાથી ઓછો સ્ટાફ રાખે ત્યારે વેઈટર ઉપર કામનો બોજો વધી જાય તે સ્વાભાવિક છે .
એ વડીલના કુટુંબી સભ્યે કહ્યું ; “ એને બદલે એ જ વ્યક્તિની પ્રશંશા કરીને જે કાર્ય એ કરી રહ્યો છે એને વધાવી લેવાથી ખાવામાં મીઠો સ્વાદ આવ્યો હોય . પણ દાદાએ ગુસ્સો કર્યો એટલે વાત વણસી !”
કોઈની ટીકા કરવી કે કોઈની પ્રશંશા કરવી એ એક જ ક્રિયાના બંને જુદા જુદા અભિગમ છે એટલે પરિણામ પણ જુદાં જુદાં જ આવવાનાને?
જેમ બાળકને શારીરિક શિક્ષા કરવાથી એના કુમળા મન પર અસર કરે છે અને લાંબા ગાળે એનો આત્મ વિશ્વાસ પણ ડગમગી શકે , એજ રીતે નકારાત્મક વલણથી સામેની વ્યક્તિ અંદરથી બળવો કરવા પ્રેરાય છે .
આજ કાલ શાળા કોલેજોમાં ગ્રેજ્યુએશનના કાર્યક્રમો ચારે બાજુએ થઇ રહ્યા છે ; વિદ્યાર્થી આટલાં બધાં વર્ષ ભણે પછી એની મહેનતનું બહુમાન કરવાનો પ્રસંગ એટલે ગ્રેજ્યુએશન પાર્ટી!
કેટલું જ્ઞાન લીધું , કયો ક્લાસ કે ગ્રેડ મળ્યા એનો મહિમા નહીં , માત્ર એણે મહેનત કરી તેનો મહિમા !
ગ્રેજ્યુએશનની ઉજવણીઓ એ જ તો દર્શાવે છે ! અમારો દીકરો કે દીકરી આટલું ભણ્યા એનો ઉત્સવ !
બાળકને પ્રોત્સાહન મળે એ માટેની ઉજવણી !
બાળમંદિરોમાં પણ હવે ગ્રેજ્યુએશન જેવી ઉજવણીઓ થાય છે : “અમારા વર્ગના ટોનીને ક્લાસમાં વાર્તા કહેતા આવડે છે એટલે એને આ સર્ટિફિકેટ આપવામાં આવે છે !”
“ અમારા વર્ગની શેફાલીને નર્સરી રાઈમ બાલ ગીત ગાતાં આવડે છે એટલે એને આ સર્ટિફિકેટ આપવામાં આવે છે ..
અમારા બાલમંદિરની સોનિયાને સુંદર સ્માઈલ આપવા બદલ , કે એ બી સી ડી ગાવા બદલ પ્રમાણ પત્ર આપવામાં આવે છે ..
વગેરે વગેરે સર્ટિફિકેટ આપીને નાનકડાં બાળકોને પણ પ્રોત્સાહન આપવામાં આવે છે , જેથી એમનો આત્મવિશ્વાસ વધે , એમને નવું નવું શીખવાનો ઉત્સાહ થાય અને બાળક આનંદી બને !
જેમ નાનકડાં બાળકોને પ્રોત્સાહન આપીએ તે એમને ગમે છે એજ રીતે વેઇટર્સ અને અન્ય વિદ્યાર્થીઓને પણ એમને પ્રોત્સાહન આપીએ એ ગમે જ ને ? પ્રસંશા તો ભગવાનને ય પ્યારી છે !
ઓ ઈશ્વર ભજીએ તને , મોટું છે તુજ નામ !
ગુણ તારાં નિત ગાઈએ થાય અમારાં કામ !
દલપતરામે સાચું જ લખ્યું છે ને ?
“ પણ , તો શું જે રેસ્ટોરન્ટમાં જમવા ગયાં હોઈએ ને વેઈટર જે તે ખાવાનું લઇ આવે તોયે એને કાંઈ કહેવાનું નહિ ?” વડીલ દાદા પૂછશે !
“ કહેવાનું ; પણ જરા જુદી રીતે ! કાણાંને નવ કહીએ કાણો; કડવાં લાગે વેણ! હળવે રહીને પૂછીએ શીદને ખોયાં નેણ? વેઈટરને એના હાર્ડ વર્ક માટે – એની મહેનત માટે બિરદાવીએ ; ભાઈ તું કેટલી બધી મહેનત કરે છે ? બની શકે કે એ યુવાન એની કોલેજની ફી ભરવા માટે નોકરી કરતો હોય ; કદાચ પોતાનું ઘર માંડવા પૈસા ભેગાં કરતો હોય કે કદાચ નવી ગાડી ખરીદવા આ નોકરી કરતો હોય ! એની પરિસ્થિતિ સાથે અનુરૂપ થવાથી , અને પછી એને એની ભૂલ બતાવવાથી એક સર્જનાત્મક ટીકા થઇ શકે ! એને કહી શકાયું હોત કે જો ભાઈ તું કેટલા બધાં કલાકોથી સતત કામ કરે છે ! પણ હા , તું ભૂલમાં અમારા માટે બરફવાળું ઠંડુ પાણી લઇ આવ્યો છું ..”
માત્ર ટીકા નહીં – એમાંથી બહાર નીકળવાનો રસ્તો પણ બતાવી શકાય ! એને વઢવાથી તો વાત વધુ વણસશે ; અને ધાર્યું કામ કરાવી શકશો નહીં .
પોતાને થયેલ શિક્ષાને આશીર્વાદમાં બદલનાર વિરલાઓને આપણે જાણીએ છીએ . ગાંધીજીને અંગ્રેજોએ જયારે જયારે જેલમાં મૂક્યા ત્યારે ત્યારે ગાંધીજીએ કાંઈક નવું , સર્જનાત્મક પગલું લીધું છે ! સાઉથ આફ્રિકાની ભયન્કર કમરતોડ જેલમાં એ હતા ત્યારે એમણે આપણાં દક્ષિણ ભારતનાં તમિળ લોકોની તમિળ ભાષા શીખવા પ્રયત્ન કર્યો હતો. ગાંધીજીએ પોતાની આત્મકથામાં લખ્યું છે તેમ , “ સાઉથ આફ્રિકાની જેલમાં તમિળ અને મહારાષ્ટ્રની યરવડા જેલમાં ઉર્દુ શીખવાનો પ્રયાસ કર્યો હતો .
એમણે ભગવદગીતાનો અભ્યાસ પણ કોઈ ટીકાને લીધે જ શરૂ કર્યો હતો .. અઢાર વર્ષની ઉંમરે જયારે રાજકોટથી એક શરમાળ, શાંત પ્રકૃતિનો છોકરો ઇંગ્લેન્ડ આવે છે ત્યારે પોતાના શાકાહારી ખોરાકને લીધે એ એવી એક મંડળીમાં જોડાઈ જાય છે જેનું નામ હતું થિયોસોફિકલ સોસાયટી . એ ગ્રુપમાં ઓલકોટ નામના બે ભાઈઓ સઁસ્કૃતમા લખાયેલ ભગવદ ગીતાનો અભ્યાસ કરતા હતા , સાથે એડવિન અરનોલ્ડનું અંગ્રેજીમાં ભાષાંતર પણ હતું . એમણે આ મોહન ગાંધીને – એ ભારતીય હોવાથી ભગવદ ગીતા વિષે પૂછ્યું , પણ ગાંધીજીએ તો એનો જરાયે સઁસ્કૃત કે ગુજરાતી ભાષામાં શાસ્ત્રીય અભ્યાસ કર્યો નહોતો ! પેલા લોકોએ એમની ટીકા કરી . બે કડવાં શબ્દો પણ કહ્યા .એ ટીકાને ગંભીર રીતે સકારાત્મક અભિગમમાં બદલીને ગાંધીજીએ એનો અભ્યાસ શરૂ કર્યો ! એટલું જ નહીં , પછી તો વિશ્વના ધર્મો વિષે જાણવા પ્રયત્નો શરૂ કર્યા – બાઇબલનો પણ અભ્યાસ કર્યો .. અને સામાન્ય મોહનદાસ ગાંધી માંથી મહાત્મા ગાંધી બનવાનાં માર્ગ ખુલ્યા!
બસ , સિક્કાને બંને તરફથી જોવાનો અભિગમ કેળવીએ ; ટીકાને પણ આશીર્વાદમાં ફેરવાની શક્તિ આપણાં સૌમાં છુપાયેલી છે . દરેક વ્યક્તિ ઇતિહાસનું એક પાનું છે , એ પાનું સુંદર કે કુત્સિત બનાવવાની શક્તિ આપણાં સૌમાં છે ..ક્યાં અને કઈ બાજુથી પહોંચવું એ આપણે નક્કી કરવાનું છે ! અસ્તુ !

એક સિક્કો બે બાજુ : 21) ઈર્ષા કે પ્રગતિનો પડકાર ?


આજ મૈં ઉપર , આસમાં નીચે , આજ મૈં આગે જમાના હૈ પીછે !
એવા કોઈ ઉત્સાહ ઉમંગ અને આનંદ સાથે બે યુવતીઓ અમદાવાદથી સિત્તેર કિલોમીટર દૂર આવેલા નાનકડા ગામ તલોદ જવા ટ્રેનના ડબ્બામાં મુસાફરી કરી રહી હતી .ત્યાં બંનેને ગુજરાતી અને હિન્દી વિભાગમાં ખંડ સમયના પ્રાધ્યાપકની નોકરી મળી હતી . હજુ તો હમણાં જ તેઓને અમદાવાદના ભાષા ભવનમાંથી માસ્ટર્સની ડિગ્રી એનાયત થઇ હતી .
એ બંને પાસે એક એક બિસ્ત્રો હતો જેમાં ભાડે રાખેલ રૂમમાં સુવા માટેનું ગાદલું હતું .
તલોદ સ્ટેશ પર બીજા ડબ્બામાંથી પણ બે નવયુવાનો ઉતર્યા . આ બંને યુવતીઓને તો એમ થયું કે પેલા બંને યુવાનો આવીને એમને મદદ કરશે ; પણ એમણે તો સહજ રીતે પોતાનો સામાન ઝટપટ ઉતાર્યો અને ગર્વ સાથે પોતાનો સમાન લઈને આ યુવતીઓ પાસેથી પસાર થતા સીધો જ પ્રશ્ન આ છોકરીઓને પૂછ્યો ; “ કોલેજમાં જોબ મળી છે ને ? શી જરૂર છે તમારે છોકરીઓએ નોકરી કરવાની ? શાંતિથી ઘેર બેસીને ટ્યુશનો કરો ; નાહકની તમારી આ બે સીટ જે કોઈ જરૂરિયાત વાળાને મળત તે તમે લોકોએ લઇ લીધી !” એક યુવાને કહ્યું , “ હવે ઉંચકો આ બિસ્તરો જો તમારામાં તાકાત હોય તો !”
એ લોકો તો ચાલ્યા ગયા પણ એ બે યુવતીઓ ગુસ્સામાં રાતી પીળી થઇ રહી . યુનિવર્સીટીમાં સારા માર્ક્સ લાવવાની મહેનત એ બંને યુવતીઓએ એટલી જ કરી હતી જેટલી બીજા બધા યુવાનોએ કરી હશે . શું પોતાનું ભવિષ્ય બનવવાનો તેમને હક્ક નહોતો ? પરાણે , ઘણી મહેનતે બન્ને જણ અડધો માઈલ દૂર આવેલી ઓરડીએ પહોંચ્યાં. કદાચ પેલા બે યુવાનોની ઈર્ષા પણ થઇ હશે .
“ એ છોકરાઓ છે એટલે તેઓ આપણને આવું કહી ગયા ને ?”
થોડી વાર માટે આ નવી જગ્યાના થાક અને ઈર્ષાની આગમાં એ લોકો બળતાં રહ્યાં પણ પછી ગાંઠ વાળી કે એ બંને એ પુરી મહેનત કરીને સમાજને અને ખાસ તો પેલા પ્રાધ્યાપકોને બતાવી દેવું , બતાવી દેવું પોતાનું ખમીર , પોતાની હોંશિયારી, પોતાની તાકાત ..
ઈર્ષા હિ મન પાપિષ્ઠાં , નિત્ય ઉદ્વેગ કરી, નૃણામ,
અધર્મ બહુલા ચૈવ , વિના અગ્નિ દહતે નૃણામ !
અર્થાત ઈર્ષા જ મનમાં પાપ કરાવે છે , ઉદ્વેગ – વ્યાકુળતા – ચિંતાને લીધે ઘણી વાર અધર્મ થાય અને ઈર્ષા અગ્નિ વિના વ્યક્તિને બાળી મૂકે છે !
ઈર્ષા શામાંથી જન્મે છે ? શંકા , ભય અને ક્રોધમાંથી .
જયારે વ્યક્તિમાં આત્મવિશ્વાસનો અભાવ હોય અને એક પ્રકારનો પઝેસીવનેસનો ભાવ હોય તો ઈર્ષા કે અદેખાઈ ઉભાં થાય .
હા, પેલા બંને યુવાનોનો. ગુસ્સો કે ઘૃણા સાવ અસ્થાને નહોતા-એની પાછળ એક કારણ હતું !
વર્ષ હતું ૧૯૭૫નું . અને જુલાઈ મહિનાનો સમય હતો . કોલજ શરૂ થઇ ગઈ હતી . અને હજુ બાવીસ વર્ષ પણ હમણાં જ પૂરાં કરશે એવી આ બે યુવતીઓએ ઇન્ટરવ્યૂમાં જે ઉમેદવારોની સામે પોતાની ગુણવત્તા બતાવેલી એ પેલા બંને યુવાનોના મિત્રો હતા .. એક પ્રકારનો ઉપહાસ , ઉદાસીનતા અને ગુસ્સો એ લોકોમાં આ રીતે આવી જ ગયો હતો ..
હા , વાચક મિત્રો ! જીવનના જંગમાં ઘણા પડાવો આવતા હોય છે : એમાંનો આ એક વણનોંતર્યો ફણગો ફૂટ્યો હતો !
આખી જિંદગી જે સ્વપ્નાં સેવ્યાં હતાં , આખી જિંદગી સતત એક જ ઝંખના હતી – કોલેજમાં પ્રોફેસર બનવું : એ સ્વપ્નું કેટલી મુશ્કેલીઓ બાદ સાકાર થયું હતું ! પ્રોફેસરગીરી !
ભલે માત્ર પાર્ટ ટાઈમ – અઠવાડિયામાં ત્રણ દિવસની નોકરી હતી , પણ તે માટે નાનકડા ગામમાં રૂમ પણ રાખી હતી !અને વિદ્યાર્થીઓ માટે લેક્ચર્સ તૈયાર કરવા સતત મહેનત પણ કરી , પણ હવે આ બે સહ અધ્યાયીઓ અને તેને લીધે બીજાં પણ અન્ય અધ્યાપકોનો ખોફ જ વહેવો પડશે ? અમે વિચાર્યું ..
હા હું , ગીતા પાઠક અને મારી સખી તરુલત્તા તિવારી ; અમને ગુજરાતી અને હિન્દી વિભાગમાં અમારી સ્વપ્નમાં જોયેલ પ્રાધ્યાપકની નોકરી મળી હતી – અમદાવાદથી ઘણે દૂર અને અન્ય વાહન વ્યવહારનો અભાવ હોવાથી અમે અમારાં કુટુંબીજનોને સમજાવીને છેવટે રૂમ પણ રાખી , પણ આ ઈર્ષાના બીજને કેવી રીતે દબાવવું ?
ઈર્ષાને લીધે સારા સબંધો પણ તૂટી જઈ શકે છે . અને ક્યારેક નાનકડો એ તણખો આખું જંગલ પણ બાળી દે !
“ તું એવી પંચાતમાં પડવાનું મૂકીને , બસ , તારું જે ધ્યેય છે તેને વળગીને આગળ વધ !” મારા બાપુજીએ મને સમજાવ્યું ,”ઘણી વાર કેટલીક પરિસ્થિતિ આપણા હાથમાં નથી હોતી . જે પણ ભાઈઓને તમારી નોકરીથી વાંધો આવ્યો છે તેમને તો તમે બે બહેનો બદલી શકશો નહીં , પણ પ્રામાણિકતાથી જો તમે બંને બહેનો કાર્ય કરશો તો તમારું કામ જ તમારા વતી બોલશે ..” અમને અમારાં કુટુંબી જનોએ સમજાવ્યું .
ખરાબ વિચારોથી દૂર રહીને , સારી વ્યક્તિઓના સહવાસથી, ઈર્ષાના છાંટાઓથી દૂર રહી શકાય – પણ હા તમારી જાત સાથે પ્રામાણિક રહેવું જરૂરી છે ..” એમણે કહ્યું .
“ જો કે , કોઈ તમારી ઈર્ષા કરે એ મને વધારે ગમે ;” બાએ અમને જીવનનું વાસ્તવિક સત્ય સમજાવ્યું : “ કોઈ તમારી દયા ખાય તેને બદલે ઈર્ષા કરે એ વધારે સારું છે , કારણકે તમારી પાસે એવું કૈક છે જે તેઓ પણ ઝંખે છે ..” બાએ સમજાવ્યું .
પણ , વાચકમિત્રો , આ તો સત્ય હકિકત હતી; પછી આગળ શું બન્યું એ જાણવામાં તમને રસ હશે જ , બરાબર ને ?
તો , અમે એ નવી નોકરીમાં સફળ થવા કમર કસી . ઘણાંને અમારાં માટે ઘણી જાતની ઈર્ષા થતી હશે , પણ અમે કોઈની લીટી ભુંસવાને બદલે અમારી લીટી લાંબી કરવા કૃતનિશ્ચયી બન્યાં! વિદ્યાર્થીઓને ભાષા અને સાહિત્યનું જ્ઞાન આપવા ઉપરાંત અમે ઈતર પ્રવૃત્તિઓ પણ શીખવાડવાનું નક્કી કર્યું . થોડા જ સમયમાં દિવાળીનો તહેવાર આવતો હતો , અમે તલોદ કોલેજે ક્યારેય જોયો ના હોય તેવો સુંદર , સરસ પ્રોગ્રામ વિદ્યાર્થીઓ પાસે તૈયાર કરાવ્યો . ગુજરાતી વિભાગની છોકરીઓએ ગરબા ,અને હિન્દી વિભાગની વિદ્યાર્થીનીઓએ લાવણી નૃત્ય સાથે અમે બંને બેનપણીઓ ખુબ રસ લઈને સમૂહગીતો વગેરે સુંદર ગીતો પણ તૈયાર કરાવ્યાં.. અમદાવાદથી બધાં માટે ભાડે ડ્રેસ લઇ આવ્યાં અને પ્રોગ્રામ તો સરસ જ થયો , પણ સાથે સાથે જે નકારાત્મક ભાવ અમારાં તરફ હતો એ દૂર થઇ ગયો – અથવા તો અમે એ નકારાત્મક વાતાવરણથી ઉપર આવી ગયાં !
જીવનની શરૂઆતમાં જ એક મોટો પદાર્થપાઠ શીખવા મળ્યો : કિસીકે દીયે કી રોશની દેખ હૈરાન મત હો ;
દિયા તેરા ભી જલા, હવા કિસી એક કી તો નહીં !
કોઈની સફળતાથી તું હેરાન ના થા , પ્રયત્ન કર સફળતા તને પણ મળશે !
ઈર્ષા આગ સમાન છે , પણ , એ જ ઈર્ષાને એક નાનકડા દીવડામાં ઢાળીને પ્રગતિનું પગથિયું કેમ ના બનાવી શકાય ?
કોઈએ કાંઈક સારું કર્યું હોય તો એમાંથી શીખ લઈને આપણે પણ એવું સારું કામ કેમ કરી શકીએ નહીં ?
ક્યારેક કોઈ સુંદર સુડોળ , સપ્રમાણ શરીરની સ્ત્રીને જોઈને એની અદેખાઈ કરવાને બદલે એની જેમ કસરત કરવાની , એની જેમ સમતોલ આહાર ખાવાની , વજન કંટ્રોલમાં રાખવાની અને શરીરની સંભાળ રાખવાની પ્રેરણા લઇએ તો ઈર્ષા આપણને આશીર્વાદ સમ લાગે – કારણકે એને લીધે આપણને પ્રેરણા મળે છે !
શેક્સપિયરે હેમ્લેટમાં એને મોઢે જ બોલાવે છે ; Jealousy thy name is woman !“. અદેખાઈ! સ્ત્રીનું બીજું નામ છે !” જો કે , અદેખાઈ કે ઈર્ષા માત્ર સ્ત્રીમાં જ હોય છે એમ નથી , મનુષ્ય માત્રમાં હોવું સ્વાભાવિક છે , પણ એનો કેવી રીતે ઉપયોગ કરવો એ પ્રત્યેક વ્યક્તિના હાથની વાત છે !
કોઈ સારું કમાતું હોય , સારો પૈસો હોય , કે કોઈની પાસે સારો ધંધો હોય , સારી હેલ્થ હોય , કોઈ પાસે સૌંદર્ય હોય તો કોઈની સારી શારીરિક તાકાત હોય , કોઈ પાસે સરસ મઝાનું મિત્ર મંડળ હોય .. આ બધાની ઈર્ષા કરી શકાય – પણ માત્ર એટલા માટે જ ઈર્ષા કરવાની કે જેને લીધે આપણને પ્રગતિ કરવાનું મન થાય !
કોઈ શાણા માણસે સાચું જ કહ્યું છે કે તમારી જાતને કોઈની સાથે સરખાવવાનું બંધ કરો , તમને ખબર નથી એને જીવનમાં કેટલાં પ્રશ્ર્નો છે !
આપણે આપણી જાતને જોરથી કહી દઈએ : એ જીતશે એટલે હું હારું છું એવું નથી જ નથી ! Their win is not my loss! Their beauty ,money , or success is not my loss !
તો કોઈની પ્રગતિ જોઈને તેમની ઈર્ષા કરવાને બદલે તેમાંથી પ્રેરણા લેશોને ?
સિક્કાની આ પણ એક બીજી બાજુ છે ને ?

એક સિક્કો બે બાજુ :વાડી રે વાડી ! શું કહો છો દલા તરવાડી ?


નાનપણમાં – એટલેકે બાલમંદિરમાં અમે બાળકોએ એક નાટક કર્યું હતું : વાડી રે ભાઈ વાડી !
શું કહો છો દલા તરવાડી?
રીંગણાં લઉં કે બે ચાર ?
અરે ભાઈ , એમાં પૂછવાનું શું હોય ? લઇ લો ને દશ બાર !
હા , એ તો નાટક હતું ; વાડીના માલિકને પૂછ્યાં વિના રીંગણાં લેનારા દલા તરવાડી ની વાત હતી .
છાના માંના રીંગણાં લેવાની એમને ટેવ પડી ગઈ હતી !
હા , એ પોતે જ કહે છે તેમ ; “ કોઈની વાડી માંથી એમ માલિકને પૂછ્યાં વિના રીંગણાં લેવાય નહીં , એટલે વાડીને જ પૂછી ને પછી પોતે રીંગણાં લેવા જોઈએ . એટલે પોતે વાડીને પૂછીને રીંગણાં લેતા , પણ તોયે પછી તો એમને શિક્ષા થઇ !
બસ , એવી એક સાચુકલી વાત હમણાં અહીં બની ગઈ !
પણ , આપણે જાણીએ છીએ તેવા પરિણામથી સાવ જુદા જ અંત વાળી!
સિક્કાને બે બાજુ હોય છે , તો આ વાડી અને દલા તરવાડી ની વાર્તાને ય બીજી બાજુ હોઈ શકે , એનો તો મને ખ્યાલ જ નહોતો !
તો વાત માંડીને જ કહું ને ?
અમેરિકામાં ઉનાળાની મઝા જ કાંઈ ઓર હોય છે ; નિશાળોમાં રજા પડવા માંડે અને લોકો વેકેશન લેવાની તજવીજમાં હોય, પણ સુંદર હવામાનને લીધે લોક પ્રિય થયેલ કેલિફોર્નિયામાં તો ઉનાળો એટલે એક વધારાનો લાભ !
સુંદર અવનવાં ફળફળાદિ લગભગ વસંત ઋતુથી શરૂ થઇ જાય . અને ઉનાળામાં ઘણા બધાં ફળોની નવી ફસલ તૈયાર થાય ! એટલે લણણીની મઝા સૌથી વધુ અનેરી હોય ! માઈલોના માઈલો સુધી ફળ ફળાદીના ખેતરો અને વાડીઓ જોઈને દિલ ખુશ થઇ જાય !
એવી જ રીતે સૌનાં ઘરોની બહાર પણ અનેક પ્રકારનાં ફળ ફૂલ શાકભાજી થાય ..
આવી જ રીતે હમણાં અમારાં નેબરહૂડ બ્લોગમાં એક શાક ભાજી વિષયક ચર્ચાએ મારુ ધ્યાન ખેંચ્યું :
આમ તો અહીં સૌનાં ઘરની બહાર આગળ – પાછળ ફ્રૂટ્સ ટ્રી- ફળનાં વૃક્ષો હોય છે .પિચ, પેર, એવોકાડો અને સફરજન સાથે અંજીર અને બેરી – જુદા જુદા પ્રકારની બોર જેવી બેરી અને લગભગ દરેક ઘરમાં લીંબુ અને ઓરેન્જનાં એક બે ઝાડ હોય જ ! શાક ભાજી અને અમુક ઔષધિઓ – ફુદીનો , તુલસી – કે તુલસી જેવા દેખાતાં બેસિલના છોડ ઘરના પાછળના ભાગમાં નાનકડાં કૂંડાઓમાં કે ક્યારો કરીને વાવ્યાં હોય ! અને વાલોળ પાપડી જેવા શાકભાજીના વેલા ઘરની પાછળ વ્યવસ્થિત રીતે બાંધ્યા હોય! લટાર મારવા નીકળીએ અને જયારે એક એક વૃક્ષ ઉપર ચાલીસ પચાસ ઓરેન્જ – કે દાડમ કે જામફળ લાગેલા જોઈએ એટલે એ જોઈને જ જાણે કે દિલ ખુશ થઇ જાય !
પણ નેબરહૂડના બ્લોગ પર કોઈએ ચર્ચા માટે પ્રશ્ન મુક્યો હતો :
પ્રશ્ન હતો : “અમારાં ઘરનાં આંગણામાં અમે ઓરેન્જનાં બે નાનાં નાનાં ઝાડ વાવ્યા છે , ને કોઈ અજાણ બહેન આજ કાલ આવીને અમારાં ઝાડ પરથી અને કેટલીક નીચે પડેલી ઓરેન્જ- નારંગીઓ લઈ જાય છે.
અમારો પ્રશ્ન છે : તમે આને શું કહેશો ? અને અમારે એમની સાથે કેવું વર્તન કરવું જોઈએ ?
સ્વાભાવિક રીતે જ મારું મંતવ્ય હતું – જે કદાચ ઘણાં વાચક મિત્રોનું પણ હશે : “ આવી રીતે મકાન માલિકને પૂછ્યાં વિના કોઈના આંગણામાંથી , કોઈના ઝાડ પરથી ફ્રૂટ્સ લઇ શકાય નહીં . આંગણામાં , નીચે પડેલ ફળ પણ લઇ શકાય નહીં , એ ચોરી કરી કહેવાય ! સીધી ને સરળ વાત છે – એ બહેન રોજ આ રીતે પારકાના ઘર આંગણેથી ફળ લઇ આવતી હતી , કોઈની એ મંજૂરી લીધા વિના ! આ અણહક્કનાં, ચોરીનાં ફળ કહેવાય .”
પણ , મારાં આશ્ચર્ય વચ્ચે ઘણાએ સિક્કાઇ બીજી બાજુનો અભ્યાસ કરવાની તસ્દી લીધી હતી !!
એટલે ઘણાં બ્લોગર્સનો સામો પ્રશ્ન હતો : ઘરની બહાર , આંગણામાં વાવેલ વૃક્ષો ઉપરનાં લોભામણાં ફળ ગમે તેને લેવા લલચાવે ! વળી આટલી બધી ઓરેન્જ તમે ખાઈ શકો છો ખરાં? જો પુષ્કળ ફાલ ઉતરતો હોય તો કોઈ ફ્રૂટ્સ લે તેમાં તમને શો વાંધો ?
કોઈએ કાયદાની દ્રષ્ટિએ વિશ્લેષણ કર્યું હતું : ઝાડ ઉપરથી પડેલ ફ્રૂટ્સ અમુક જગ્યાએ હોય – આંગણાની બહાર હોય તો એના ઉપર સાર્વજનિક અધિકાર કહેવાય. એમણે કોમેન્ટ બોક્સમાં લખ્યું , તો કોઈએ લખ્યું; “ જો તમારી પાસે ખુબ ફળ હોય અને બીજા પાસે એ ના હોય તો એ ફ્રૂટ બીજાને વહેંચીને ખાવાં જોઈએ ! આ પાડોશી ધર્મ છે !
સાવ નજીવી વાત ,પણ સૌની વિચાર સરણી અલગ અલગ !
સોક્રેટીસે આ આખા પ્રશ્નને નીતિ અને ધર્મ અર્થાત માનવતાના તત્વ સાથે ચર્ચ્યો છે . “ યુથીફ્રો” માં સોક્રેટીસે પૂછ્યું છે કે દેવ દેવીઓ સારા લોકોને , ભલા , માણસાઈવાળા લોકોને શા માટે ચાહે છે ? કારણકે એ લોકો ભલાં છે એટલે ?
કે એ લોકોને દેવ દેવીઓ ચાહે છે અને પ્રેમ કરે છે એટલે એ લોકોમાં માણસાઈ અને ભલમનસાઈ છે ?
પ્રશ્ન ફરીથી વાંચો .
આ પ્રશ્નનો ઉત્તર આપણે આપી શકીએ કે નહીં પણ , અમારા પાડોશીઓના એ બ્લોગમાંના જવાબો વાંચીને મને સાનંદ
આશ્ચર્ય જનક અનુભૂતિ થઇ !
એક જણે લખ્યું હતું કે જે સ્ત્રી ફ્રૂટ્સ લઇ જતી હતી એને જરૂરિયાત હશે , કદાચ એને કોઈ માનસિક – એકલતા કે વિષાદ જેવી લાગણીઓ પણ હોઈ શકે ! દુઃખી કે ડિસ્ટર્બ પણ હોઈ શકે ! આ કોરોના સમયમાં એની પરિસ્થિતિ આર્થિક રીતે ખરાબ હોઈ શકે , નહીં તો સામાન્ય સંજોગોમાં કોઈ કોઇનાં ઘર બહારથી એમ ફળ શા માટે લે ? એક જાણે તો એટલી હદે લખ્યું કે ,’ મને એ બેનનું સરનામું આપો તો હું એને મારાં ઘરનાં ફ્રૂટ્સ આપીશ ! કોઈએ એના માટે સોસ્યલ સર્વિસિસનો સંપર્ક કરવા સૂચવ્યું હતું તો કોઈએ મનોચિકિત્સક માટે સૂચન કર્યું હતું !!
આવું હકારાત્મક વલણ મેં કદાચ કલ્પ્યું નહોતું .
દલા તરવાડી અને વશરામ શેઠની વાર્તામાં તો રીંગણાં લઉં કે બે ચાર ? એમ દલા તરવાડીજી પૂછે છે અને પછી પોતે જ વાડી બની ને જવાબ આપે છે ..
અને ત્યાર પછી આવે છે વશરામ શેઠ – વાડીનો માલિક; એ દલા તરવાડીને કુવામાં ડૂબકીઓ ખવડાવે છે :
કુવા રે ભાઈ કુવા !
શું કહો છો વશરામ ફુવા !
આમને ડુબીકો ખવડાવી શું બેચાર ? અરે , ભાઈ ખવડાવો દશ બાર !
હં ! દલા તરવાડીને કદાચ આમ અણ હક્કના રીંગણાં લેવા પાછળ માનસિક બિમારીનું કારણ હોઈ શકે ? હું આવું કાંઈ વિચારું છું ત્યાં સિક્કો જ પોતાની બીજી બાજુથી બોલી ઉઠ્યો ; “ કોઈના ઘરના આંગણામાંથી ફળ ઉપાડવા એ , અને વાડીમાંથી શાક ચોરવું એ બે અલગ વાત છે !”
સિક્કો જ બોલ્યો એટલે મારે હવે મૌન રહેવું જ ઉચિત છે !

એક સિક્કો – બે બાજુ :19) મુખમેં રામ બગલમેં છૂરી !


‘ઝાંઝવાનાં જળ ભર્યો સાગર નિહાળ્યો – એ સમય ;
ને દિલ તણાં સાગરમાં આવી’તી સુનામી – એ સમય !’
એક સિક્કો : બે બાજુ ! આ કોલમમાં આજે વાત કરવી છે જે બહુ જ ચર્ચાઈ છે અને વગોવાઈ છે તે , માણસાઈ મૂકીને કોરોનામાં કાળાબજારિયાઓની ! એક બાજુએ આ મહામારીના કપરા સમયમાં ક્યાંક ક્યાંક માનવતા પ્રગતિ રહી હતી, તો મુખમેં રામ બગલમે છૂરી ની જેમ શેતાનિયતનાં બનાવો પણ બહાર આવી રહ્યા છે !
હજ્જારો માણસો ટપોટપ મરતાં હતાં ત્યારે કેટલાક તક સાધુઓ આ તકનો લાભ લઈને પૈસા કમાવામાં લાગી ગયાં હતાં ! કેટલાક અમાનુષી લોકોએ મદદ કરવાને બહાને લોકોને લૂંટી લીધાં , કેટલાકે સત્તાના જોરે વધુ શક્તિશાળી બનવા ઓક્સિજનના સિલિન્ડરો કબ્જે કરી લીધા ,અને કેટલાકે આવી પરિસ્થિતિમાં અનાથ બાળકોને મદદને બહાને અઘટિત વ્યવહાર કર્યા !
એક તરફ માનવતાનો સાદ પડ્યો હતો , બીજી તરફ એ જ સાદનો સોદો થઇ રહ્યો હતો !
દેશમાં લોકો ટપોટપ ઓક્સિજનના અભાવે મરી રહ્યાં હતાં ત્યારે કોઈ એક સદ્ગૃહસ્તે પોતાની કાર વેચીને લોકોને ઓક્સિજન સિલિન્ડર મળી રહે તે માટે જન સેવા શરૂ કરી હતી , અને ધીમે ધીમે પાંચ સિલિન્ડર મોકલવાની દિવ્ય ભાવનામાંથી સાતસો સિલિન્ડરો , દવાઓ ,અને ક્યાં કઈ હોસ્પિટલમાં કેટલી સુવિધા પ્રાપ્ત છે એવી માહિતીનું સંચાલન મોટા પાયે થવા માંડ્યું હતું … એક વ્યક્તિમાંથી અનેક સ્વયંસેવકોએ ભેગા થઈને આ ઉમદા કાર્ય ઉપાડી લીધું જેમાં દેશ વિદેશથી પણ ફાળો મળવા માંડ્યો! એ મૂક સેવકોએ લગભગ સાત હજજાર લોકોને મુંબઈમાં જીવન દાન દીધું ! આ થઇ મહામારી સમયની ઉજળી બાજુ !

અને એ જ મુશ્કેલીના સમયમાં જીવન બચાવવા જરૂરી દવાઓ અને ઓક્સિજનના કાળાબજાર કરનારાઓ પણ ફૂટી નીકળ્યા !
ઘણાં લાગવગ લગાવનારાઓ અને સત્તાધારીઓએ ઓક્સિજનના સિલિન્ડરો ઘરમાં સંઘરી રાખ્યાં ! દેશ પરદેશથી આવેલ ઓક્સિજનના સિલિન્ડરો અને ઓક્સિજન હવામાંથી મેળવી શકાય તેવાં જનરેટર વગેરે લોકો સુધી – હોસ્પિટલો સુધી પહોંચાડવાને બદલે પોતાનાં સગાંઓને કામમાં આવશે , કે કોઈ રાજકારણીને વ્હાલા થવા કામમાં આવશે એમ ગણતરીથી સઁગ્રહી રાખ્યા નાં કિસ્સાઓ પણ બહાર આવ્યા છે ! તો કોઈએ દશ ગણા ભાવમાં વેચીને એ તકનો લાભ લીધો ..એવું પણ ઠેર ઠેર બની રહ્યું !
લોભિયા વૃત્તિથી , લોકોના જીવન સાથે રમત રમનારાઓ , ભેળસેળ કરીને દવાઓ , ઇન્જેક્શનો અને જીવન જરૂરિયાતનો પ્રાણવાયુ વેચનાર પણ ઓછા નહોતાં! દવાને બદલે માત્ર ગ્લુકોઝનો પાવડર કે બનાવટી ઇન્જેક્શન પણ માર્કેટમાં મૂકીને આ ધૂતારાઓએ લોકોના જીવન સાથે રમત રમવામાં જરાયે ખચકાટ નાં અનુભવ્યો !!
દિલ્હીમાં એક ભયન્કર કિસ્સો બહાર આવ્યો !
વર્ષા એન્જીનીઅરીંગ નામની કંપની પાસેથી દિલ્હીની હોસ્પિટલે ઓક્સિજનના સિલિન્ડરોની માંગણી કરી ત્યારે પચાસ કે બહુ તો સો ડોલરનાં એ સિલિન્ડરના જયારે એ લોકોએ બસ્સો ડોલર માંગ્યા ત્યારે કોઈ ચેરિટી સંસ્થાએ એ કંપની બાબત તપાસ હાથ ધરી , કે આ કંપની કોણ છે , ક્યાંથી આ ઓક્સિજનનું ઉત્પાદન કરે છે , એના સિલિન્ડરો ક્યાંથી આવે છે વગેરે વગેરે .
પણ , પોલીસ રેડમાં ખબર પડી કે આગ હોલવવા માટે જે સિલિન્ડર રાખવામાં આવે છે એ સિલિન્ડરોને રંગી . ઓક્સિજન સિલિન્ડર જેમ ખપાવવામાં આવતાં હતાં! ફાયર એક્સટિગ્યુશર એટલા બધાં સ્ટ્રોંગ હોતાં નથી ! વળી આગ હોલવવા માટેના આ સિલિન્ડરોમાં માત્ર અંગારવાયુ જ નથી હોતો ; એને સાચવવા માટેનો કોઈ પાવડર પણ એમાં ભેળવેલો હોય છે ; ત્યારે એ જ સિલિન્ડરોમાં ઓક્સિગજન ભરવાથી દર્દી બિચારો મૃત્યુ પણ પામી શકે છે ! વળી ઓક્સિજન સિલિન્ડર એક સખ્ત હવાચુસ્ત વાલ્વથી સાચવવાના હોય છે ; એમાં સહેજ પણ ગફલત થાય તો દર્દીનું અને આજુબાજુની અન્ય વ્યક્તિનું પણ મૃત્યુ થઇ શકે છે !
આવડી મોટી છેતરપિંડી ?
ચેરીટેબલ સંસ્થાના સ્વયંસેવક શ્રી મુકેશ ખન્ના નાં જણાવ્યા પ્રમાણે એ છેતરપિંડી કરતી વર્ષા એન્જીનીઅરીંગ કંપનીના માલિકને આ જીવન જેલની સજા ફટકારવા અરજી કરી છે ; અને હા , આજે એવા અનેક ઠગ , લુચ્ચા ધુતારાઓ જેલમાં છે , મુકેશ ખન્ના જેવા પરમાર્થીઓની સહાયથી ! પણ આવાં ખતરનાક લોકોથી તમને ગુસ્સો અને અરેરાટી સાથે ઘૃણા પણ ઉત્પન્ન થઇ હશે , નહીં ?
પણ , આ ભેળસેળ , છેતરપિંડી , દગો , એ સૌથી વધારે ખતરનાક , હચમચાવી નાખનારી વાત હવે આવે છે : કોરોના મહામારીમાં બંને માતાપિતા ગુમાવનાર બાળકોને ઘર મળે એ હેતુથી દત્તક આપનાર ગવર્મેન શાખાઓ અને પ્રાઇવેટ કમ્પનીઓએ આ ક્ષેત્રમાં પણ અનિષ્ટ થતું અટકાવવા સજાગ પ્રયત્નો કર્યા છે .
હૈદરાબાદમાં અનાથ બાળકોને દયા ભાવથી દત્તક લેનાર સારાં લોકો હશે જ , પણ , નાની છોકરીઓને વેશ્યા બનવા મજબુર કરનાર એવી એક અન્ડગ્રાઉન્ડ ટોળકીને પકડી પડી છે .. સારું ઘર મળશે એ ભાવનાથી છોકરીઓને લઇ જઈને ગમે ત્યાં વેચી દેવાની , અનૈતિક કામ કરવા મજબુર કરવાની ??માણસાઈને નામે અમાનુષી વર્તન ?

દરેક સિક્કાને બે બાજુ હોય છે . દયા , પ્રેમ , લાગણી , માણસાઈ આ બધું આજે કપરા કાળમાં સજ્જનોના કાર્યમાં જણાઈ આવે છે ; પણ એટલું જ દુર્જન પોતાની શક્તિ પરિસ્થિતિનો ગેરલાભ લેવામાં વાપરે છે .. અને આવું સમગ્ર વિશ્વમાં બનતું હોય છે , અહીં અમેરિકામાં પણ આવાં સમાચારો સાંભળીએ છીએ : કાગડા તો બધે કાળા જ હોવાના , ને ? કોઈ જગ્યાએ થોડા તો ક્યાંક ઘણા કાગડાઓની જમાત હોવાની . બસ , એને પકડવા આકાશમાં બાજ પક્ષીઓ હોય એટલે બસ ! ,
હા , ક્યારે કઈ પરિસ્થિતિમાં કેવું વિચારવું એ વ્યક્તિગત હોવા છતાં જીવનમાં કેટલાક ઉચ્ચ મૂલ્યો હોવા જરૂરી છે .
મનુષ્યમાં દેવ અને દાનવ બંને બનવાના ગુણ – અવગુણ પડેલા છે . એને પંપાળીને ઉપર લાવવા કે દબાવી દેવા એ માનવીની ઈચ્છા શક્તિ ઉપર અવલંબે છે .
ઉમાશંકરે જોશીની એ કાવ્ય પંક્તિઓ યાદ આવે છે :
વ્યક્તિ માટી હું બનું વિશ્વ માનવી ;
માથે ધરું ધૂળ વસુન્ધરાની !
ક્યારેક માત્ર પોતાનું જ નહીં પણ સમાજનું અને પછી રાષ્ટ્રનું વિચારવાથી અજુગતું થાય તો પણ આપણો અંતરાત્મા આપણને કૈક સારું કર્યાનો હાશકારો આપે છે , એ સદાયે યાદ રાખીએ !
અને એજ ઉમાશંકર જોશીનો પ્રકોપ પણ અહીં જોઈ લઈએ :
‘સ્વપ્નોને સળગવું હોય તો બધીય સગવડ છે :
બજારોના કોલાહલનાં કાષ્ઠ , અને મીંઢા મૌનનો તણખો
-ભળ ભળ બળે સ્વપ્નાં’
ના , આજે અહીં તો સ્વપ્નાં નહીં સાચુકલાં માનવીઓના ઢગલાં બળી રહ્યાં છે .. આ મહામારીની કહાની છે! અસ્તુ !

એક સિક્કો – બે બાજુ :18) સત્ય કે અર્ધ સત્ય ?

‘ તમે સાંભળ્યું ત્યાં મંદિરમાં શું થયું તે ?” એક બેનપણીએ એકાદ બે અઠવાડિયા પહેલાં ફોનમાં પૂછ્યું હતું .
પણ ત્યારે અમને કોઈ સમાચારની જાણ નહોતી , પણ પછી બીજા એક મિત્રનો પણ ફોન આવ્યો એટલે ગુગલ મહારાજને પૂછીને વાત જાણી લીધી : વિશ્વનું સૌથી વધુ સુંદર મંદિર બનાવવા એક સંસ્થાએ બસ્સો જેટલાં કારીગરોને દેશમાંથી બોલાવ્યા હતા . પણ વધુ પડતું કાર્ય નહિવત પૈસાથી કરાવવાનો આક્ષેપ તેઓ ઉપર હતો .વાંચ્યું . અને મન દરેક દિશામાં વિચારવા લાગ્યું .
આપનો દેશ , આપણાં લોકો , આપણી સઁસ્કૃતિ અને એમાં પેસી ગયેલાં સડાઓ ! ઘણી વાર સારું કરવા માટે ખોટો માર્ગ અપનાવવાની લાલચ અને ધર્મને નામે ધતિંગ !
હા , આ બધું જ યાદ આવ્યું .
પણ , પછી બીજી તરફનો વિચાર કરવા પ્રેરણા થઇ .
હં, એ આક્ષેપ હતો ! પણ સિક્કાની બીજી બાજુ પણ છે ખરી .
દુનિયામાં ધર્મને નામે જે અધર્મો થયાં છે એટલા બીજા કોઈ કારણથી થયાનું જાણવામાં આવ્યું નથી .
જીસસ ક્રાઈષ્ટને વધસ્થંભ પર ચડાવનાર પાદરીઓ શું વિચારતા હતા ? ‘ આ માણસ બધાને બહેકાવે છે ભગવાનની વિરુદ્ધ , માટે એને ખીલાઓ ઠોકીને મારી નાંખો !’ એ લોકોએ કહ્યું હતું .
ને સોક્રેટીસને ઝેરનો પ્યાલો પી જવા ફરજ પાડનાર કહેવાતા શાણા માણસો શું ખરેખર શાણપણનું કામ કરતાં હતાં ?
અરે દેશ વિદેશની વાતો દૂર રાખો ; આપણી મેવાડની મીરાંને ઝેર પીવડારનારો આપણો જ સમાજ હતો ને ?
અને “ઇન્દ્ર ને બદલે તમે ગોવર્ધન પર્વતની પૂજા કરો” એમ જયારે કહ્યું હતું ત્યારે ખુદ ઇન્દ્રને જ શું ગુસ્સો આવ્યો નહોતો ?
પણ ; આજે વાત મારે એ ધર્મ કે ધાર્મિક્તાની નથી કરવી .
મારે તો ધર્મને નામે અને ન્યાયને નામે આપણાં જ દેશવાસીઓમાં જે ભાગલા પડી રહ્યા છે તેની કરવી છે .
ન્યૂજર્સીના મંદિરમાં જે થયું તે ખોટું છે કે સાચું તેની વાત નથી :
આપણને જે રીતે અંદર અંદર ઝગડાવવાની ચાલ રમાઈ રહી છે તેની વાત કરવી છે .
અમે અમેરિકા નવા નવા આવ્યાં ત્યારે શિકાગોમાં ક્રીશ્ચિયાનિટીનો અભ્યાસ કરતાં હતાં. અમને બાઇબલ શીખવાડવા એ સંસ્થાના પ્રિઇષ્ટ – પાદરી સાહેબ પોતે દર અઠવાડીએ એક વાર એમનો કિંમતી સમય અમને આપતા . એમણે કહ્યું હતું કે અમારા ચર્ચનો નિયમ છે કે બધાંએ સતત ચર્ચનું કાર્ય કરવાનું ; તમને ધર્મનું શિક્ષણ આપીએ છીએ એવી જ રીતે ધર્મનો પ્રચાર કરવા અમુક દિવસો બહાર દૂર દૂર સુધી જવાનું , અને અમુક દિવસે સવારે બાગ કામ કરવાનું . અમુક ચેરીટેબલ સંસ્થાઓને કાયમ મળતા રહેવાનું વગેરે વગેરે એ ચર્ચની આચાર સંહિતા હતી ..
. ક્રીશ્ચિયાનિટીમાં કડક નિયમોનું પાલન કરવાનું હોય છે . એ ચર્ચના સંકુલમાં રહેતી દરેક વ્યક્તિએ કુટુંબની આવકનો અમુક ભાગ ચર્ચને આપવાનો હોય છે .
અમારાં સંતાનોએ કેથલિક સ્કૂલમાં જ અભ્યાસ કર્યો હોવાથી આ સ્વાનુભવ છે .
પણ અહીં પ્રશ્ન ધર્મ ને નામે જે કાર્ય થાય છે તે નથી . જે ભાષા વાપરવામાં આવી છે તે સામે પ્રશ્ન થાય છે .
મૂળ પ્રશ્ર્ન છે કે તેમાં બસ્સો કારીગર કે બસ્સો ભારતીય કે હિન્દૂ નહીં પણ ‘બસ્સો દલિત લોકો’ એમ શબ્દ વાપર્યા છે .
હા; આપણે ત્યાં હજુ આજે પણ બ્રાહ્મણ વાણિયાને ઉંચી કોમ ગણવામાં આવે છે .
મહાત્મા ગાંધીજીએ જીવનના અંત સુધી આ વર્ણ ભેદ અને જાતિ ભેદ , છૂત અછૂત ના ભેદ હટાવવા મહેનત કરી હતી .
એમણે તો એટલી હદે કહ્યું હતું કે જો હું લાબું જીવીશ તો હિન્દૂ ધર્મમાંથી આ વર્ણભેદ હઠાવી દઈશ .
અરે અંગ્રેજોએ તો દેશને આઝાદી આપવા એક દરખાસ્ત પણ મૂકી હતી ; ‘ અમે તમને આઝાદી આપીશું પણ એમાં હરિજનોને અલગ સુવિધાઓ , દલિત વર્ગને અલગ સગવડો આપીશું .’
ત્યારે ગાંધીજીએ એનો વિરોધ કર્યો હતો ; એમને કહ્યું હતું ; “ હરિજન પ્રજા પણ હિન્દૂ પ્રજા છે એટલે તેઓ અમારી સાથે જ શોભે , એમને અલગ કરીને આપવામાં આવતું સ્વરાજ પણ મારે જોઈતું નથી ..”
આ એ સમય છે કે જયારે અમેરિકામાં અશ્વેત પ્રજા માટે અલગ વ્યવસ્થાઓ હતી : એમને બસમાં બેસવા પાછળનું બારણું વાપરવાનું . એમને પાણી પીવા માટે અલગ વ્યવસ્થા .એમના ટોયલેટ પણ અલગ … પાછળથી અમેરિકામાં માર્ટિન લ્યુથર કિંગે ગાંધીજીને ગુરુ માનીને એમને પગલે ચળવળ શરૂ કરી હતી … પણ , એ દિવસે , ૧૯૩૧માં અંગ્રેજોએ આપણાં દેશમાં આ રીતે ભાગલા પડાવવા યુક્તિ કરી હતી …
અને ત્યારે અંગ્રેજોએ મુસ્લિમ પાર્ટી ને મળીને ભારત પાકિસ્તાનના બે ભાગલા કરાવ્યે જ છૂટકો કર્યો !
તોડો અને આગળ વધો’ એ અંગ્રેજોનો ગુણ ધર્મ છે .
અમેરિકામાં ભારતીયોની વધતી જતી લોકપ્રિયતાને તોડવા માટે શબ્દો પણ એ લોકો કેવા વાપરે છે તે જુઓ !
‘બસ્સો દલિતોને કાળી મજૂરી કરવા મંદિરમાં જ ગોંધી રાખવામાં આવ્યા હતાં ;’
બધા સમાચાર પત્રોએ એવું લખીને હિંદુઓને જ અંદર અંદર ઝગડાવી મારવાનું કાવતરું છે .
એના છાંટા અમેરિકામાં ચારે બાજુએ પડ્યા :
સાન ફ્રાન્સિસ્કોને ટાઉન હોલમાં યોજાયેલ ડીબેટ સાંભળવાનું થયું .
સાન્ફ્રાન્સિસ્કોને એક આગળપડતી કમ્પનીમાં બે ભારતીય વ્યક્તિઓ કામ કરતી હતી . તેમાંથી એક વ્યક્તિ જેને પ્રમોશન મળ્યું તે ઉંચી જાતિની હતી , બીજી વ્યક્તિ જે દલિત જાતિની હતી એને પ્રમોશન ના મળ્યું એટલે એણે કેસ કરેલો !!! જો કે એમાં એ ભાઈ હારી ગયો , પણ વકીલોને અને બીજા કહેવાતાં લોકોએ વાતને ચગાવી !!
ઘર ફૂટે ઘર જાય ! પોતાની અણઆવડત ને આ રીતે ડિસ્ક્રિમેશનનું લેબલ લગાડીને વાત ને ચગાવનારાઓ આપણાં જ દેશનું અહિત કરી રહ્યા છે .

એ મિટિંગમાં બધાંએ તરફેણમાં કે વિરોધમાં વક્તવ્ય આપ્યું પણ , આખરે તો આપણા દેશવાસીઓ વચ્ચે જ ઝગડો કરાવ્યા ને ? એક બીજાના પગ ખેંચવાને બદલે આપણે હળીમળીને એક બીજોનો હાથ પકડવાનું ક્યારે શીખીશું ?
સિક્કાની આ પણ એક વિચિત્ર બાજુ છે . કોનો પક્ષ લઈએ છીએ , શા માટે એ પણ વિચારવું જરૂરી છે . ક્યારેક બહારથી સત્ય દેખાતું સત્ય કદાચ અંદરથી કેન્સરગ્રસ્ત જીવલેણ રોગ પણ હોઈ શકે !

એક સિક્કો – બે બાજુ :17) ચાલો શોધીએ વાદળની રૂપેરી કોર !

સાવ અચાનક સભા છોડી કોઈ ચાલ્યું ગયું ;
કોઈ ન પુરી શકે એવી જગા ખાલી પડી !
ચારે બાજુએ કોરોનના આ નવા મ્યુટેડ B -1 167 વાઇરસને લીધે હાહાકાર થઇ રહ્યો છે ! માનવીના જીવનની જાણે કે કોઈ જ કિંમત નથી રહી ! ઘડી બે ઘડીમાં તો એ હતો નહતો થઇ જાય છે !
આવા નિરાશાના ઘેર વાદળ વચ્ચે પણ કંઈક નવું શોધવાનો અહીં નમ્ર પ્રયાસ કરું છું .
તમે પણ એવું કંઈક આશ્વાશન શોધવા ઝંખો છો ને ?
ચાલો , પ્રયત્ન કરીએ :
આવા ભયંકર સમયમાંયે તમે એક વાત નોંધી ?
પહેલાં કરતાં હવે ઝડપથી સાજા થઇ જનાર દર્દીઓની સંખ્યા વધી ગયાં છે ! અને સમય ઘટી ગયો છે !પહેલાં દર્દીને બે કે ત્રણ અઠવાડિયા તો હોસ્પિટલમાં રહેવું જ પડતું !ક્યારેક વધારે સમય પણ રોકાવું પડે ! જ્યાં સુધી કોરોનનો ટેસ્ટ નેગેટિવ ના આવે ત્યાં સુધી દર્દીને હોસ્પિટલમાં કે એ સંક્રમિત જગ્યાએ રહેવું પડતું . પણ હવે અઠવાડિયામાં -દસ દિવસમાં – તો દર્દી સાજો થઇ ને ઘેર આવી જાય છે . સાજા થવાની ટકાવારી પણ વધી છે . હા , જરા વધુ પડતાં આત્મવિશ્વાસને લીધે – એટલે કે બેદરકારીને કારણે , અને અતિશય વસ્તી અને સ્વચ્છતા પ્રત્યે બેદરકારી વગેરે કારણોએ ઘણો મોટો ફટકો આપ્યો છે ..
આવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવું હોય તો મન સ્વસ્થ રાખવું જરૂરી છે! અમારાં અમદાવાદમાં રહેતાં પાડોશી ને જયારે ખબર પડી કે એમને કોરોના થયો છે , ફોન ઉપર એમનું રિઝલ્ટ જણાવવામાં આવ્યું કે તરત જ એ ગભરાઈ ગયા અને એમને હાર્ટ એટેક આવ્યો .. આ એટેક કોરોનના જંતુઓને લીધે નહીં , કોરોનના ભયને લીધે હતો !!( true story )
હા , ગભરાટ અને ભયમાં માણસ જીવન ગુમાવી શકે છે ; કારણ કે આપણું મગજ -આપણી ઇન્દ્રિયો જ નહીં , લાગણીઓને પણ કન્ટ્રોલ કરે છે .
બસ ! એ જ વિચારે સિક્કાની બીજી બાજુ માં કૈક સારું , શુભ , જીવનમાં આશા આપે એવું લખવા પ્રેરાઈ છું ..

સવા વર્ષથી ચાલતા આ દાવાનળમાંથી બચવા તમામ પ્રયત્ન કરવા જોઈએ .
તેમાંનો એક છે હકારાત્મક જીવન લક્ષી વલણ !
ચાલો ,બાળકોને લક્ષમાં રાખીને એનો વિચાર કરીએ :
આપણે અમેરિકાની વાત કરીએ તો અહીં ધીમે ધીમે જન સમુદાયમાં નિયમિતતા આવી રહી છે .. સ્કૂલો ધીમે ધીમે અમુક વિસ્તારોમાં ખુલવા માંડી છે ..બાળકોએ આખું વર્ષ કેવી કપરી પરિસ્થિતિમાં કાઢ્યું !!
પણ સ્કૂલો ખુલી રહી છે ત્યારે વિદ્યાર્થીઓએ જે હકારાત્મક જવાબો આપ્યા તે જાણવા જેવા છે :
“ પણ અમને તો ઘેર રહીને ભણવાની ખુબ મઝા આવી !” શાળાએ જવાનું શરૂ કર્યા પછી એક વિદ્યાર્થીએ કહ્યું ; “ ઘરમાં zoom ઝૂમ દ્વારા એટલું એકાગ્રતાથી ભણી શકાય નહીં , પણ -“ બાળકે સિક્કાની બીજી બાજુ દર્શાવી : “ઘેર મમ્મી હોવાથી એનું ઘરમાં હોવાનું , મને ગરમ ગરમ લંચ ખાવાનું અને વારંવાર ઘરમાં રમવા જવાનું સદ્ભાગ્ય સાંપડ્યું !”
હા , બાળકોને તો છેલ્લા સવા વર્ષથી જાણે કે નિશાળમાં વેકેશન છે !
બાળકો સ્કૂલે ના જાય એટલે માતા પિતાની જવાબદારી પણ વધી જાય !
તો બીજી તરફ , બાળક ઘેર હોય એટલે મા પોતે પણ ઓન લાઈન ક્લાસીસ વગેરે શીખવાડવા બેસે !
અમારાં નેબરહૂડમાં એક પબ્લિક પાર્ક છે , પણ ત્યાં એક સાઈન મૂકી દીધી હતી : કોરોના વાઇરસનો ફેલાવો અટકાવવાના હેતુથી આ બાલ ઉદ્યાન બંધ રાખીએ છીએ . તકલીફ બદલ ક્ષમા!
ત્યાં બે હાથ જોડેલ વિનંતી દર્શાવતું ચિત્ર પણ હતું .
હા , બાળકોએ ત્યાં રમવાની મનાઈ હતી .
બાજુમાં બાસ્કેટ બોલ રમવાની કોર્ટ (જગા )હતી ત્યાં પણ એવી જ નોટિસ હતી . અને એજ રીતે અન્ય સુવિધાઓ – ટેનિસ કોર્ટ , સ્વિમીંગપુલ – બધ્ધું જ બંધ !
જ્યાં આવીને બાળકોથી માંડીને યુવાનો, વૃદ્ધ વડીલો સૌ શારીરિક , માનસિક અરે આધ્યાત્મિક શાંતિ મેળવતાં- યોગા કરતાં , કસરત અને પ્રાણાયામ કરતાં અને સામાજિક વિનિયોગ કરતાં એ બધ્ધું જ બંધ!

માનસશાસ્ત્રીઓને એમ હતું કે સોસ્યલ સંપર્ક વિના , ઘરમાં જ ગોંધાઈ રહેવાથી બાળકોનો વિકાસ અટકશે .
પણ , માતા પિતાના ઘરમાં રહેવાથી બાળકોને વધારે હૂંફ મળ્યાં!
હા , મુશ્કેલીઓ તો હતી જ .
દરેક બાબતમાં બને છે તેમ , સવાર પડે તે પહેલાં કાળી ડિબાંગ રાત્રીમાંથી પસાર થવું પડે છે . પૂનમનાં શિતલ તેજને માણવા અમાવસ્યાની અંધારી રાત્રી પસાર કરવી પડે છે .અને વસંતની વાસંતી મધુર મનોહર મ્હેંક માણતાં પહેલાં પાનખરની સુષ્ક ઉકળાટભર ઋતુમાંથી પણ પસાર થવું પડે છે ને ?
મારો જ એક શેર :
‘અને આ વેદનાની વાત કહેવી કેમ ઓ દોસ્તો ,
મથ્યો , દોડ્યો અને હાંફ્યો , અંધારી રાત છે સામે !’
એ રીતે બાળકોને ઘરમાં જ ભરાઈ રહેવાનું એક બે દિવસ નહીં પણ મહિનાઓ સુધી લંબાયું .
બાળકના સર્વાંગી વિકાસની ચિંતા કરતા માનસશાત્રીઓને એથીયે વધુ મહત્વની બાબતોની ચિંતા કરવાનો સમય આવ્યો !!
સમગ્ર વિશ્વમાં અગ્નિ જેમ પ્રસરી રહેલ કોરોના વાઇરસથી બચવા સૌને માટે સૌથી પહેલાં તો ઘરમાં – અને ઘરમાં જ – બેસવાનું ફરજીયાત બન્યું .
પણ કાળા માથાનો માનવી એમ કાંઈ હાર થોડી જ માનવાનો હતો ? ગુજરાતીમાં કહેવત છે કે ઊંટે કર્યા ઢેકા તો માણસે કર્યા
કાઠડા !
નાનકડાં ઘરોની અંદર રમી શકાય તેવી રમતો શોધાઈ .
ને પુરાણી રમત બધી પાછી આવી !
બાળ રમતો ! દોડાદોડી – પકડાપકડી , સંતાકૂકડી અને સાથે ટી વી સામે ઉભા રહીને બાળકોને ગમે તેવી કસરતોનું પ્રસારણ પણ વધ્યું .
પણ , અમેરિકામાં તો મોટાભાગે ન્યુક્લિઅર કુટુંબો છે !
તેમાંયે એકલું બાળક દોડે , પણ પકડે કોને ? સંતાઈ જાય પણ શોધવા કોણ આવે ? અને દોડાદોડી કે કુદમકુદા કરવાની મઝા તો કોઈ સાથીદાર હોય તો જ આવે ને ?
એટલે તેમાં મમ્મી કે પપ્પાનો ભાગ લેવો પણ જરૂરી બન્યો .
“ ઓહ ! ડે કેરની શિક્ષિકા બેનોને ધન્યવાદ છે કે તેઓ રોજ અમારાં બાળકોને સતત પ્રવૃત્તિમય રાખે છે ! પણ , આ તો ઘણું અઘરું , ( અને બોરિંગ ) કામ છે . અમારાંથી નહિ થાય !” ઘણા માં બાપ ફરિયાદ કરતાં રહ્યાં..
પણ સિક્કાની સારી બાજુ પણ પ્રકાશમાં આવી :
સાચા અર્થમાં બાળકો સાથે સમય પસાર કરવાનો અવસર આવ્યો !
મા બાપ પણ ઘરે રહીને કામ કરે એટલે પોતાના સંતાનને નજીકથી જોવાનો , સમય પસાર કરવાનો અને એના ઉછેરમાં સહભાગી બનવાની તક મળી !
ટેક્નોલોજીને આપણે વગોવતા રહ્યાં હતાં : છોકરાઓ સતત ટી વી જુએ છે , ઘરમાં એમનું ધ્યાન જ નથી ! વગેરે વગેરે ટીકાઓ પાંચ વર્ષના બાળકથી માંડીને પુખ્ત વયના નવ યુવાનને સાંભળવી પડતી .
પણ , કોરોના વાયરસે બધાંને ઘરમાં ફરજીયાત બેસાડ્યાં એટલે ઘરમાં , ઘરના એક એક ખૂણામાં વર્ષોથી સચવાયેલ યાદોએ પણ સળવળાટ કર્યો ! સાથે બેસીને કેટલાક ટી વી શો જોવાની ટેવ પડી !
ઘરમાં થોડું કમ્યુનિકેશન શરૂ થયું : કોરોનાને કારણે સ્થગિત થયેલ જીવનમાં વળાંક આવ્યો
“ જો બેટા ,હું નાના હતો ને ત્યારે પપ્પાની સાયકલ સાફ કરવાનું કામ તો મારૂં જ , હોં! સાયકલ પરની ધૂળ સાફ કરું અને બે ચક્કર પણ મારવાનો લ્હાવો લઇ લઉં!” આજે વરસો પછી બાપને પુત્ર સાથે સવાર સવારમાં વાત કરવાની તક મળી ! :
“ અમે ત્યારે ગામડામાં રહેતાં હતાં અને ખેતરમાં મારા બાપુ ટ્રેકટર ચલાવતા , અમે રવિવારે ફાર્મર્સ માર્કેટમાં પણ જતાં.”
અમારાં ઘરની સામે બૉબ રહે છે એણે દસ વર્ષના એના દીકરા સાથેનાપોતાના કમ્યુનિકેશનની વાત કરતા કહ્યું .
એ જ રીતે ઘરની નજીક રહેતીઅમારી પડોશી યુવાન મા ક્રિસ્ટિના એ છ ફૂટની દુરી રાખીને , મોંઢે માસ્ક પહેરીને પોતાના આંગણામાં છોડવાઓને પાણી પીવડાવતાં ઔપચારિક વાત કરતાં કહ્યું કે એના છ વર્ષના દીકરા સેમ્યુઅલ – સેમ સાથે એ ડાયરી લખે છે .
ક્રિસ્ટિનાએ પોતાની વાત કરી . હોટલ રેસ્ટોરન્ટ પણ બંધ એટલે ફરજીયાત ઘરનું ભોજન ખાવાનો સમય આવ્યો .
‘ મેં મારા દીકરા સેમી ને કહ્યું “ હું જયારે નાની હતી ત્યારે આ રીતે મારી મમ્મી રવિવારે પેનકેક અને બટાકાની ફ્રેન્ચ ફ્રાઈસ બનાવતી .. ચાલ , આજે આપણે સાથે મળીને રસોડામાં એવું કંઈક બનાવીએ .”
“ એ મોટો થશે એટલે આ દિવસોની યાદ રહેશે ; મને ખબર છે કે આ દિવસો ઝાઝો સમય રહેવાના નથી ; હમણાં નોકરી ધંધા શરૂ થઇ જશે , સ્કૂલો શરૂ થશે , સેમ્યુઅલના કરાટે ક્લાસ અને સ્કાઉટ વગેરે શરૂ થશે પછી મને એની સાથે વધારે સમય નહીં મળે . બસ , એટલે અમે દર અઠવાડીએ જર્નલ લખીએ છીએ !” એણે સંતોષથી – કોઈ જ ફરિયાદ વિના – કહ્યું.
એ તો સિંગલ મધર છે .
એકલે હાથે બાળકને ઉછેરે છે .
ફરિયાદ કરવા માટે એની પાસે ઘણા મુદ્દા છે :
એના મા – બાપ ડિવોર્સ છે અને જુદ જુદા રાજ્યોમાં રહે છે .
એના એક્સ હસબન્ડે બીજા લગ્ન કરી લીધા છે એટલે હવે એના સેમ્યુઅલને પણ એના બાપનો સહવાસ નથી મળતો ! ક્રિસ્ટીનાની નોકરી પણ સામાન્ય છે ..
મુશ્કેલી તો ઘણી છે , પણ ગમે તેટલો પાતળો હોય , તો એ સિક્કાને બીજી બાજુ હોય છે જ . આ કોરોના સમયની હકારાત્મક અભિગમ ની વાત છે .
અને હા , ઘેર રહીને સેમ્યુઅલને ઉછેરવાનો આનંદ એનાં ચહેરા પર વર્તાય છે !
લોક ડાઉન, અસહ્ય હાડમારી અને કપરી પરિસ્થિતિમાં નાનકડાં બાળકોને સતત ચોવીસે કલાક સાથે રાખવા , ઘરમાં જ રાખવા અને તેમના સ્વસ્થ ઉછેર માટે સજાગ રહેવું સરળ નથી જ . પણ , જો આ પરિસ્થિતિને એક ચેલેંગ – પડકાર સમજીને જોઈશું તો ઘણું ઘણું શીખવા મળશે . આરોગ્ય અને સ્વચ્છતા વિષે અત્યારે જ શીખવાડી શકાય . બાળકની ઉંમર પ્રમાણે કોરોના વાઇરસ , બેક્ટેરિયા , ફંગસ વગેરે વિજ્ઞાનની વાત પણ કરી શકાય . એવા પ્રોજેક્ટ પણ કરી શકાય . રસોડામાં કોઈ વાનગી બનાવી શકાય , તો આર્ટસ – ક્રાફ્ટનો પ્રોજેક્ટ કરી શકાય કે સંગીત કે વાજિંત્ર પ્રત્યે પ્રીતિ કેળવવી શકાય . અને વિડિઓ કોલ દ્વારા વર્ષોથી જેમને મળી નથી શક્યાં તેવાં પિતરાઈ ભાઈબહેનોને મળીને સમયનો સદુપયોગ થઇ શકે . તો સ્કૂલના કે પડોશના મિત્રોને પણ વિડિઓ કોલ દ્વારા મળીને વિચાર વિમર્શ થઇ શકે .. ઘણું બધું નથી થઇ શકતું ; એ વાત સ્વીકારીએ ; પણ જે થઇ શકે છે તેનો અમલ કરવાનું પણ નક્કી કરી શકાય ને ?
બાળકોને સતત હિંમત રાખવાનું શીખવાડનારાં મા બાપ જો હિંમત હારશે તો બાળકો મૂંઝાઈ જશે અને તેમના સ્વાસ્થ્ય પર અસર થશે . પણ , જો પરિસ્થિતિનો સામનો કુનેહ પૂર્વક , કુશળતાથી કરીશું તો રસ્તો આપોઆપ મળી જશે .
કોશિશ કરનેવાલોંકી કભી હાર નહીં હોતી . બીના પ્રયત્ન સાગરસે નૌકા પાર નહીં હોતી .
કોરોના સમયમાં ઘણા ઘણા અજાણ્યા લોકોમાં માનવતાના દર્શન પણ થયા સિક્કાની સારી બાજુ -તેની વાત આવતે અંકે !


એક સિક્કો – બે બાજુ :16) સુક્ષમતમ જંતુથી હાર્યો માનવી એવો સમય!

માનવ કહેતો હું કરું , કરી રહ્યું છે કોઈ –
આદર્યાં અધૂરાં રહે , હરિ કહે તેમ હોય !
“ના , હરિ ક્યારેય આવું ના જ કહે , આવું ના જ કરે ! આજે જે થઇ રહ્યું છે તે શું ભગવાન કરે ?” અમારાં એક સિનિયર મિત્રે ઝૂમ વિડિઓ દ્વારા યોજાતા “ઓટલો” ઉપર બળાપો કાઢતા કહ્યું .
“ શું થઇ રહ્યું છે આપણા દેશમાં ? કોરોના એ તો માઝા મૂકી છે ! ”
ફોન ઉપર રોજ કોઈના અવસાનના સમાચાર સાંભળીએ છીએ ત્યારે દિલ કકળી ઉઠાએ છે ! આજે કોરોના મહામારીમાં લોકો ટપોટપ મરી રહ્યાં છે ! ઓક્સિજનના સિલિન્ડરના અભાવે ,ઈન્જેક્શનોના અભાવે , દવાઓ કે દવાખાનાઓના અભાવે,બિચારો દર્દી સેવા સારવાર ના અભાવે ઘડી બે ઘડીમાં હતો નહોતો થઇ જાય છે !
આપણે કોઈએ જોયું કે જાણ્યું ન હોય તેવી ભયંકર પરિસ્થિતિ સર્જાઈ રહી છે ,અને તે પણ , હજુ ક્યારે અટકશે તે ખબર નથી !
ત્યારે ફરી ફરીને વિચાર એ તરફ જાય છે : આવું બન્યું ક્યાંથી ? શું થયું એકાએક આ દુનિયામાં ?
કુદરત આટલી ક્રૂર હોઈ શકે ખરી ?ભગવાન ક્યારેય આટલી ક્રૂરતા પોતાના સંતાનો તરફ ના જ દર્શાવે .આ ભગવાનનું કામ ના જ હોય !
અને તરત જ દોઢ વર્ષ પૂર્વે , નવેમ્બર -૨૦૧૯માં ચાઈનામાં , વુહાન શહેરમાંથી શરૂ થયેલ કોરોના વાઇરસના કાળા કેરની શરૂઆતની વાત યાદ આવે છે !
હા , સદીઓ પહેલાં પણ રોગચાળો થતો હતો . પહેલાં પણ પ્લેગ , મેલેરિયા , ટાઇફોઇડ અને શીતળા , પોલિયો જેવા રોગોમાં માનવી મોતને શરણ થયો છે . અને એનો સામનો કરવા , નવી દવાઓ , નવા ઇન્જેક્શન નવી રસીઓ -નવા ઈલાજ – આ દુઃખ દર્દમાંથી બચાવવા જે તે દેશમાં શોધાતાં રહ્યાં છે .
માનવીએ જેમ જેમ વિજ્ઞાનમાં પ્રગતિ કરવા માંડી તેમ તેમ એનું જીવન પણ સરળ બનવા માંડ્યું !
ત્રણસો વરસ પહેલાં ૧૭૯૬માં સૌથી પહેલી શીતળાની રસી એડવર્ડ જેનરે ઈંગ્લેન્ડમાં શોધી – માણસોને સ્મોલપોક્સ – શીતળામાંથી મુક્તિ અપાવવા . આ એક અજોડ શોધ હતી . માણસને આ રસી આપવાથી એ એવા ભયાનક જીવલેણ રોગમાંથી મુક્ત થઇ જાય – એટલે કે એ રોગ એને થાય જ નહીં !! આ એક મહત્વનું સંશોધન હતું .
રોગ થાય તે પહેલાં જ એને હરાવી દેવાનો .
એનો સામનો જ એ ઉગે તે પહેલાં ,નષ્ટ કરવાનો !
ને આખા વિશ્વમાંથી હવે શીતળાના રોગ નાબૂદ થઇ ગયો ! અને પછી તો ઘણા બધા રોગો માટે ઘણી રસી શોધાઈ ..
પણ કોરોના વાઇરસ એ એક નવો જ રોગ ૨૦૧૯માં શરૂ થયો .
ને , આ વખતે કોરોના વાઇરસનો ફેલાવો એકાદ દેશ પૂરતો સીમિત ના રહેતાંએ હોનારત વધીને છેક વિશ્વભરમાં તરત જ વ્યાપી !
જો વિજ્ઞાનની શોધ માનવીને બચાવી શકે છે તો વિજ્ઞાન માનવીને ડુબાડે પણ છે .
વિજ્ઞાન અને ટેક્નોલોજીના આ જમાનામાં , બધું જ આંગળીના ટેરવે છે ! દુનિયા બહુ નાની થઇ ગઈ છે . પહેલાં અમેરિકાથી ભારત જવું હોય તો મહિનાઓથી તૈયારી કરવી પડે . પણ હવે ? આ ફોનમાંથી જ ટિકિટ લઇ લીધી અને બેસી ગયા પ્લેનમાં ! હવે કોઈ ઝાઝી તૈયારીઓ કરવાની જરૂર ના પડે !ભારતમાં પણ અહીંની બધીજ જરૂરિયાતની ચીજ વસ્તુઓ આસાનીથી મળે છે.
પણ , એટલે જ તો મોટી મુશ્કેલી સર્જાઈ ! સંક્ર્મણની સરળતાને કારણે ચાઈનામાં શરૂ થયેલ કોરોના વાઈરસ તરત જ વિશ્વ ભરમાં પ્રસરી ગયો !
વિજ્ઞાન અને ટેક્નોલોજી ના સિક્કાની આ બે બાજુઓ છે .
એક તરફ વિજ્ઞાને મુસાફરી જ નહીં સમગ્ર જીવન આસાન કરી દીધું . સવારે લોસ એન્જલ્સથી નીકળીને સાડા ત્રણસો માઈલ દૂર સાનફ્રાન્સિસ્કો કે ફિનિક્સ મિટિંગમાં હાજરી આપીને માણસ આસાનીથી પાછો સાંજે ઘેર આવી જાય !
પણ સાથે સાથે , વાઇરસનું સંક્રમણ પણ થાય ને ?
પરિણામ એ આવ્યું કે આજે કોરોના વિશ્વમાં અગ્નિ જેમ પ્રસરી ગયો ! અને આપણા ભારતમાં તો આજે પરિસ્થિતિ ઘણી જ ખરાબ , ચિંતાજનક છે .
“ પણ , આ કાળમુખો કોરોના આવ્યો ક્યાંથી?”
એક વડીલે બળાપો કરતાં પૂછ્યું ; “ અમારા જમાનામાં અમે બળીયા અને શીતળા કે પોલિયો જેવા રોગો જોયા હતાં. ક્યારેય કોરોનાનું નામ પણ સાંભળ્યું નહોતું !” એમણે રડમસ થઈને પૂછ્યું : “ ચીનમાં મીટ માર્કેટમાંથી એકદમ આ રોગ શરૂ થયો કેવી રીતે ?”
વાચક મિત્રો , ફરીથી ટેક્નોલોજીની સારી -નરસી બન્ને બાજુને યાદ કરીને કહું :
આ જ્ઞાન મેં રિસર્ચ કરીને , કમ્પ્યુટર ફમ્ફોળીને મેળવ્યું છે – કોઈ કહે છે કે ચાઈનામાં આવેલ વુહાન શહેરના એક મીટ માર્કેટ જેમાં ચામાચીડિયાં, અને મોર જેવા પક્ષીઓનું માંસ રાખવામાં આવતું હતું ત્યાં , તેમાંથી આ વાઇરસ પ્રસર્યો છે.”
આ એક વાત થઇ .
પણ પ્રશ્ન થાય કે નવેમ્બર -૨૦૧૯માં શરૂ થયેલ આ ભયાનક રોગ વિષે જાન્યુઆરી ૨૦૨૦ સુધી ચાઈનાએ કોઈને જણાવ્યું નહીં .
વિચાર કરો : કેમ ?
આવા ઘાતક રોગથી વિશ્વને અજાણ રાખવાનું કારણ શું ?
W .H Oવર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઝેશનને ચાઈનાની સરકારે આ ભયાનક જાન લેનારા રોગની જાણ કેમ ના કરી ?
એ લોકોએ આ ભયાનક જીવલેણ રોગની વાત તો ના જ કરી પણ જયારે અમુક દેશોએ ,’આ એક ચેપી રોગ છે’. એવી જાણ થતા ચાઈનાથી આવતાં લોકો પર પ્રતિબંધ મુકવાનું નક્કી કર્યું તો ચાઈના છંછેડાયું!!
અને પછી શું બન્યું ? ઇટાલીમાં સુંદર રૂપાળી ચાઈનીઝ છોકરીઓએ લોકોની સહાનુભૂતિ મેળવવા “ અમે પણ માણસ છીએ , અમને વ્હાલ કરો” એવાં પોષ્ટર સાથે ઉભા રહીને સમગ્ર ઇટાલીમાં દેખાવો કર્યા! પરિણામ એ આવ્યું કે જાન્યુઆરી – ફેબ્રુઆરી ૨૦૨૦માં ત્યાં સૌથી વધારે કોરોના નો રોગ પ્રસર્યો ! ઓક્સિજનના અભાવે લોકો ટપોટપ મરવા માંડ્યાં!
વિજ્ઞાની બે બાજુઓ છે:
અને વિજ્ઞાન માનવીને મદદ કરે છે –
પણ ક્યારે કે માનવીનો ધ્વંશ પણ કરે છે . એક ચપ્પુ શાક સમારવામાં મદદ રૂપ થાય પણ એ જ ચપ્પુ ખીસ્સકાતરું ખરાબ કાર્યમાં પણ વાપરે છે ને?
મધમાખી મધપૂડામાં મધ ભેગું કરી આપે , પણ , જો એને પથ્થર મારી છંછેડો તો એ તમારા પર હુમલો કરીને જાન પણ લઇ લે ! બસ એવી જ રીતે અમુક સંવાદ દાતાઓનાં જણાવ્યા પ્રમાણે , કમ્યુનિષ્ટ ચાઈનાએ આ વાઇરસને લેબોરેટરીમાં બનાવ્યો હતો !!
ચાઈનીઝ વાઈરલોજીષ્ટ ર્ડો. લી મેન્ગ યાન જે ત્યાંની લેબોરેટરીમાં કામ કરતી હતી એણે જણાવ્યું કે જયારે તેના ધ્યાનમાં આવ્યું કે કૈક થઇ રહ્યું છે જે બરાબર નથી !એણે એના ઉપરીને કહ્યું , પણ ભયના માર્યાં એ લોકોએ મૌન સેવ્યું . જો કે ત્યાર પછી એ સિફ્તથી દેશ છોડીને ગયા વર્ષે અમેરિકા આવી ગઈ .
એવી જ રીતે ફ્રાન્સના સાયન્ટિસ્ર્ટ નોબલ પ્રાઈઝ વિજેતા ડો . લુક મોંટાગ્નિર એ જણાવ્યું કે ૨૦૦૩માં ચાઈનામાં શ્વાશને લગતો એક રોગ સાર્સ- થયો હતો અને એને નાથવા ચાઈનાના વૈજ્ઞાનિકો પ્રયોગશાળામાં રસી શોધી રહ્યાં હતાં . સાથે સાથે એડ્સ ના રોગ ઉપરની રસી પણ શોધી રહ્યાં હતાં .. ને તેમાંથી છટકેલ – અથવાતો છટકાવેલ – આ વાઇરસ છે !
અર્થાત આ વાઇરસ માનવ સર્જિત !!
શું સાચું છે ને શું ખોટું તે આપણને ક્યારેય ખબર નહીં પડે , કારણકે ત્યાં સરમુખત્યારશાહી છે .. લોકશાહી નહીં .
પણ , વિજ્ઞાનના આ જમાનામાં , જયારે વિજ્ઞાન એટલું બધું આગળ વધ્યું છે , માનવી છેક ચંદ્ર પર પહોંચ્યો હતો એ વાત ને પણ અર્ધી સદી વીતી ગઈ છે , અને હવે માનવે મંગળ તરફ ડગ ભર્યાં છે , ત્યારે જીવન મંગલમય કયારે બનશે ?
કોરોના એ સમગ્ર જીવન તરફની દ્રષ્ટિ જ બદલી નાખી છે :
કેવો છે આ સમય ?
મારી જ એક ગઝલનો આ શેર જુઓ :
કાંધ પર જે પણ ગયાં એનો હતો થોડો સમય ,
અંધારમાં એકલ સર્યાં લાચાર – ના ખટક્યો સમય !
ફૂલ ઉપવનમાં ખીલ્યાં’તાં, મહેકીયો ફાલ્યો સમય ,
ને અકાળે એ ખર્યા પણ તો ય ના લાજયો સમય !

જે શ્વાસ આપણે રોજ લઈએ છીએ જન્મતાંની સાથે , એજ શ્વાસ માટે માનવી વલખે છે અને ના મળતાં જ વિલાઈ જાય છે !
આ આજનું કોઈ નવા પ્રકારનું વિશ્વ યુદ્ધ તો નથી ને ?પહેલાં યુદ્ધમાં તીર ,તલવાર અને ભાલાં વપરાતાં. પછી તોપ અને ટેન્ક આવ્યાં, પછી બીજા વિશ્વ યુદ્ધમાં અણુબૉમ્બ વપરાયો , ત્યાર બાદ કેમિકલ વેપનની લડાઈ પણ સદ્દામ હુશેને બતાવી .. શું આ બાયોલોજીકલ વોર તો નથી ને ?

બસ અટક તું , ખુબ ખેલ્યો ખેલ , ના અટક્યો સમય ;
ને સુનામી અશ્રુની ઉઠી , અરે વકર્યો સમય !
મૃતુદેહોનો નિકાલ કરવા માટેની સ્મશાનમાંની લાઈનો જોઈને ભગવાનનું દિલ તો દ્રવી જ જાય ; આ ભગવાનનું કાર્ય હોય જ નહીં ….કુપુત્રો જાયેત કપિ દપિ કુમાતા ન ભવતિ! મા આવી નિર્દય હોય જ નહીં ..

સુક્ષમતમ જંતુથી હાર્યો માનવી એવો સમય!
દિલના દાવાનળ મહીં આસું બની ઉભર્યો સમય!
વિજ્ઞાન પર અભિમાન કરતો માનવ , એની બીજી બાજુ જુઓ – કેવો પામર છે એ ?
માનવી ગમ્મે તેટલી શોધ ખોળ કરશે , પણ માનવી દુઃખી થશે ત્યારે આસું જ સારશે ..
હા , વિજ્ઞાન ગમે તેવી મોટી ટેક્નોલોજીની શોધ કરશે – પણ –
પણ શું મારી લાગણીઓને સમજવાની તાકાત છે એનામાં ?

એક સિક્કો – બે બાજુ :15) એક અધૂરી ભવાઈ !


એક વાર અમારી ભારતની મુલાકાત દરમ્યાન એક સાંજે મેં અમારાં એપાર્ટમેન્ટની બહાર કાંઈક કોલાહલ , ઝગડા જેવું કશું સાંભળ્યું !
સાસુ વહુનો ઝગડો હતો અને બૂમાબૂમ , ઘાંટાઘાંટ અને હાથ ઉલાળીને જોર શોરથી , મોટેમોટે બોલાબોલી થઇ રહી હતી ;
“ આ શું ભવાઈ માંડી છે? સીધી રીતે સમજવું છું કે ઘરમાં બેસીને તારાં વેશ ભજવ , આમ બહાર બેસીને આબરૂનો ધજાગરો કરતાં લાજતી નથી ?”
સાસુ ગુસ્સામાં આમ ઘણું ઘણું બોલતી હતી .
અને વહુ પણ રડતાં રડતાં સામે કાંઈક કહેતી હતી ;
“ તમારો દીકરો રોજ દારૂ પી ને આવે છે , ને મને ઢોર માર મારે છે , ને હવે સામી થાઉં છું તો તમે મને વઢો છો ? ભવાઈના વેશ તો તમે માંડ્યાં છે !” વહુએ સામે ગુસ્સાથી જવાબ આપ્યો , અને ફરીથી એ રડવા લાગી .
ને ત્યારે કોઈ આધેડ ઉંમરની બહેને ધીમેથી મને કહ્યું : “ મને તો આ છોકરી જ ગાંડી લાગે છે ! રોજ રોજ આવા નખરાં કરે છે ; અને ઘરનાં બધાને ત્રાસ આપે છે”
ત્યાં તો દારૂના નશામાં ચકચૂર એનો પતિ લથડિયાં ખાતો બહાર આવ્યો એટલે બધાં આડા અવળાં થઇ ગયાં.. મારાં આશ્ચર્ય વચ્ચે મેં નોંધ્યું કે લોકો આ મા અને દારૂડિયો દીકરો જે કાંઈ કમાતોય નહોતો એના પક્ષમાં હતાં!!!
બિચારી વહુનું જાણે કે કોઈ જ નહોતું !
“ ઘર હોય તો વાસણ ખખડે ય ખરાં; પણ આમ રોજ રોજ આવા ઘરનાં ઝગડા બહાર લાવવાના ?” કોઈ વૃદ્ધ માજી -સોરી – કોઈ ‘ઘરડું’ જણ બોલ્યું . મારે ઘણી ઘણી દલિલો કરવી હતી આ પ્રસંગ બાબતે ; મને સ્પષ્ટ દેખાતું હતું કે બિચારી વહુ અહીં ચારે બાજુઓથી ઘેરાયેલી હતી ; પણ એની તરફદારી કરે એવું કોઈ જ ત્યાં નહોતું .
સિક્કાની આ બીજી બાજુ કોઈનેય દેખાતી નહોતી !
મને તો અહીં સ્પષ્ટ દાદાગીરી , અન્યાય અને ત્રાસ જ દેખાતાં હતાં.
પણ જે મને દેખાતું હતું , અને તમને પણ દેખાતું હશે – એ -એ પેલાં લોકોને કેમ ના દેખાયું ?
ઘણી વખત સિક્કાની બીજી બાજુ જોવાની આપણે પરવા જ કરતાં નથી . કદાચ પરવા કરીએ તો આપણા પગ પર એ સળગતું લાકડું આવીને પડે તો ? પણ જે શબ્દો પેલી વહુને સાસુએ કહ્યા હતા તે શબ્દો મને મનમાં ચોંટી ગયા : ‘ આ શું ભવાઈ માંડી છે?’ હા , ભવાઈ !
ભવાઈ શબ્દની ઉત્પત્તિ પણ આવા જ એક પ્રસંગમાંથી થઇ હતી ને ?
પ્રિય વાચક મિત્રો , આજે રજૂ કરું છું હું એ “ ભવાઈ” ની વાત . એ વિષે વાંચવા બેઠી ત્યારે મારું લોહી ઉકળી ગયું હતું ; અને તમારું લોહી પણ ઉકળી જશે એ ચૌદમી સદીનો, ઊંઝા ગામનો પ્રસંગ વાંચીને !
ઈસ્વીસન ૧૩૬૦ ના અરસામાં , આપણા દેશમાં મુસ્લિમોનું રાજ્ય પ્રસરી રહ્યું હતું . દિલ્હીની ગાદી પર અલ્લાઉદ્દીન ખીલજીનું રાજ હતું . એનો સરદાર જહાનરોજ કનોજ થઈને ગુજરાતમાંથી પસાર થઇ રહ્યો હતો . એને ઊંઝા ગામ બહાર તંબુ તાણ્યાં હતાં . ઊંઝાના મુખી હેમાળ પટેલની અત્યતં સુંદર પુત્રી ગંગાના રૂપ વિષે કોઈએ કહ્યું . એટલે એણે કોઈને કહ્યું અને એ ગંગાને ઉપાડી આવ્યું ..
એ સમયે , ઊંઝા ગામનો બ્રાહ્મણ અસાઈત ઠાકર , જેનું ગામમાં સારું માન હતું , અને મુસ્લિમ લોકો પણ એનું માન જાળવતાં હતાં . ત્યારે અસાઈત ઠાકોર મુસ્લિમ સુબેદાર જહાનરોજ પાસે ગયો અને પોતાની દીકરી પાછી આપવા વિનંતી કરી .
‘પોતાની દીકરી ?” અસાઈત ઠાકોરની દીકરી ?
સુબેદાર માનવા તૈયાર નહોતો ; એણે અસાઈતને ગંગાનાં હાથની રસોઈ એક જ ભાણામાં બેસીને જમવા કહ્યું .
પોતાની દીકરી સમાન ગંગાને બચાવવા અસાઈતે એક જ ભાણામાં બેસીને , એક જ થાળીમાંથી ગંગા સાથે ભોજન લીધું ..ને ગંગા બચી ગઈ !
તો તમે માનશો કે સૌએ ગામની દીકરીને બચાવવા બદલ અસાઈત ઠાકોરને ફુલહાર કરીને , વરઘોડો કાઢ્યો હશે અને માનપાન આપીને વધાવ્યા હશે ; બરાબરને ?
જો એવું થતું હોત તો આવડો મોટો દેશ મુસલમાનો અને પછી ફિરંગીઓ , પોર્ટુગીઝો . ફ્રેન્ચ લોકો અને છેવટે અંગ્રેજોના હાથ નીચે ગુલામીમાં બસ્સો વર્ષ સબડયો ના હોત ને ? લોકોએ ભેગાં થઈને અંગ્રેજોને હઠાવ્યા હોત ને ?
પણ , ઊંચ નીચના વાડાઓ કરીને , બ્રાહ્મણોએ અષ્ટમ પષ્ટમ ગપ્પાંષ્ટકમ જેતે ભણીને , આ અછૂત છે , પેલો નીચો છે , આને ખેતી કરવા મોકલો , પેલાએ લડવા જવાનું છે .. એમ વાડાઓ કર્યા અને અંતે દેશ ગુલામ થયો !
અસાઈત ઠાકરને માન સન્માન આપવાને બદલે , એ તો વટલાઈ ગયો છે કહીને એને ન્યાત બહાર મુક્યો !!
એનો બ્રાહ્મણનો વ્યવસાય -પૂજા – પાઠ કરાવવા , યજ્ઞ જપ તપ વિધિ કરાવવાનું બંધ થયું ! બહિષ્કાર કર્યો એ બ્રાહ્મણોએ એનો !!
મિત્રો , દાદાગીરી કે ગુંડાગીરી એ માત્ર આજનો જ પ્રશ્ન નથી ..સદીઓથી ચાલ્યો આવતો સમાજનો માનસિક રોગ છે !
અસાઈતને ઘર સંસાર હવે કેવી રીતે ચલાવવો એ પ્રશ્ન થઇ પડ્યો .
ત્યારે પટેલ લોકોએ એ કુટુંબને આવકારો આપ્યો . હેમાળા પટેલે જમીન આપી કે જેથી એ ખેતી કરી શકે . અસાઈતના ત્રણ દીકરાઓ હતાં તે સૌએ લોકોનું મનોરંજન કરવાનું સ્વીકાર્યું – જેમાં એ લોકો પોતાની આ વાત વ્યગમાં કહી શકે .
“ ભવ” એટલે થવું , અને ભવ એટલે ભાવ! આઈ એટલે માતા . ભવાઈ – કે જેમાં કોઈ ભાવનાઓ છે , એ કરી બતાવીએ તે ભવાઈ .
. માતાને ભાવથી અર્પીએ તે – ભવાઈ .
અસાઈત ઠાકર વિદ્વાન હતો , એટલે એણે ૩૬૦ જેટલા નાટકો – એટલેકે – વેશ લખ્યા . સમાજમાં જે જે ઉપહાસને પાત્ર હતું તે અને જે વિચિત્ર લાગતું હતું તે સૌ ઉપર એણે વ્યંગ કર્યા . નાટકો લખ્યા . અને ભજવ્યા .
સિક્કાની આ બીજી બાજુ છે : જો એ વિદ્વાન ,સમજુ બ્રાહ્મણને તે દિવસે કસોટીમાં ઉતરવાનું થયું હોત નહીં તો એની વિદ્વવત્તા માત્ર પૂજા પાઠમાં જ સમાઈ જાત ! એણે કોઈને માટે , એક પારકી દીકરી માટે છસો વર્ષ પહેલાં, મુસીબત વહોરી , તો આજે પણ અસાઈત ઠાકરને યાદ કરીએ છીએ . એનાં ૬૦ જેટલા નાટકો , ભવાઈ વેશ આજે પણ સચવાયાં છે . એના ત્રણેય દીકરાઓએ જરૂર પડી ત્યાં સ્ત્રીનો વેશ પણ લીધો ! અને તેઓ ખુબ લોક પ્રિય બન્યા ..
અને અમારી ભારતની મુલાકાત દરમ્યાન બનેલ એ બનાવમાં શું થયું ? શું અમે હિંમતથી એ દીકરીનો પક્ષ લીધો ?
હા અને ના .
અમારે પણ લોકોની નારાજગી વ્હોરવી પડેલી..
“ તમને કાંઈ સમજાય નહીં , તમારે અહીં રહેવું નહીં , તો શા માટે આવી વાતોમાં સમય બગાડો છો ?” કોઈ અમને સમજાવવા આવેલું ; “ તમારી પાસે સમય નથી અને જો કોઈ તમારા વિરુદ્ધ ખોટી ફરિયાદ પણ કરશે તો તમે પોલીસના લફરામાં પડશો ! તમારો પાસપોર્ટ જ જપ્ત કરી લેશે !”
એમણે હળવા શબ્દોમાં ધમકી આપેલી ..
હા , ઘણી વખત દિલ બળે છે કે મોટી મોટી મહાન સંસ્કૃતિની વાતો કરતાં આપણે , યત્ર નાર્યાસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ- જ્યાં નારીનું ગૌરવ થાય છે ત્યાં દેવોનો વાસ છે એમ કહેતાં આપણે , સાચા અર્થમાં કેટલું સ્ત્રીનું સન્માન કરીએ છીએ ? તે દિવસે તો એ છોકરીને અમે સાંત્વના આપેલી , બીજું વધારે કાંઈ કરી શકેલ નહીં .
ભવાઇના વેશ ભજવવા જેટલી હિમ્મત કોઈનામાં નહોતી , નહીં તો દારૂડિયો , બે રોજગાર પતિ અને એનીપુત્ર પ્રેમમાં આંધળી માં ઉપર જરૂર કોઈ કશુંક બોલ્યું હોત..
બસ , આજે એટલું જ . સિક્કાની બીજી બાજુ હોય છે – ક્યારેક એટલી ખતરનાક , કે આપણે જાણીને ય એ બીજી બાજુ જોતાં નથી . એક બાજુએ અન્યાય છે ણે બીજી બાજુએ ન્યાય સાથે મુશ્કેલીઓ ! હરિનો મારગ છે શૂરાનો !
બધામાં અસાઈત ઠાકર જેવી શક્તિ હોતી નથી ને ?

એક સિક્કો – બે બાજુ :14) સીતાની અગ્નિ પરીક્ષા !

એક સિક્કો – બે બાજુ :14) સીતાની અગ્નિ પરીક્ષા !
અમારાં એક મિત્રને ત્યાં ત્રણ દિવસનાં રામાયણ / રામકથા -પ્રવચનોનું આયોજન થયું હતું .કથાનો એ ત્રીજો દિવસ હતો . એ દિવસે રામ રાવણનાં યુદ્ધ પછી રામ અને સીતાનાં મિલાન પ્રસંગની અમે ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યાં હતાં. મહારાજે સીતાની અગ્નિ પરીક્ષાનો પ્રસંગ શરૂ કર્યો ..
ત્યાંતો કોઈ ધીમેથી બોલ્યું : “ આ તો હદ થઇ ગઈ કહેવાય!” એક બહેને ધીમેથી કહ્યું ; “ બિચારી સીતા જેણે સતત પોતાના પતિ રામનું જ સ્મરણ કર્યું , જેણે રાવણને કરગરીને , ક્રોધથી કે બીજી ગમે તે રીતે પણ એનાથી પોતાની જાતને સાંભળી , એની જ અગ્નિપરીક્ષા ?”
અમારાં બચુ મહારાજે તુલસીદાસ રચિત રામચરિતમાનસ માંથી લંકા કાંડ નું પદ ગાયું :
“સીતા પ્રથમ અનલ મહું રાખી , પ્રગટ કીન્હિ ચહ અંતર સાખી-
અર્થાત, સીતાજીના મૂળ સ્વરૂપને પ્રથમ અગ્નિમાં રાખ્યું હતું તેને સર્વના હ્ર્દયના સાક્ષી ( અંતર સાખી ) હવે તેને પ્રગટ કરવા ચાહે છે ! એટલે કે સરળ શબ્દોમાં : અગ્નિ દેવને બોલાવી , સીતાને એમાંથી પસાર થવાનું છે ! એટલે કે પોતે પવિત્ર છે તેની એણે ખાતરી આપવાની છે !
અમે સૌ સખી મંડળમાં ગણગણાટ શરૂ થઇ ગયો – જેવો ગણગણાટ ત્યારે પણ લંકામાં રાક્ષસ સ્ત્રીઓમાં થયો હતો :
તેહિ કારન કરુણાનિધિ , કહે કછુક દુર્બાધ;
સુનત જાતુધાની ( એટલે કે રાક્ષસણીયો ) સબ લાગી કરૈ બિષાદ !
એ રાક્ષસ સ્ત્રીઓની જેમ , અમે પણ – જેઓ સૌ -વર્ષોથી અમેરિકાની ભૂમિ પર વસેલ , ભણેલ ગણેલ , નોકરી -ધંધો કરતી બહેનોમાં – પણ ગરબડ શરૂ થઇ .જો કે આવે પ્રસંગે વાતાવરણમાં હલચલ ઉભી ના થાય તો જ નવાઈ !
“ એક સ્ત્રીની અગ્નિ પરીક્ષા ?”
અમે બહેનો વધારે ડિસ્ટર્બ હતી , હા પુરુષ વર્ગ હાથમાં ગરમ ગરમ ભજીયા અને ચા સાથે રામાયણનો આ પ્રસંગ સાંભળી રહ્યો હતો . રામાયણની આજે પૂર્ણાહૂતિ હતી એટલે એમનું ધ્યાન કદાચ સાંજના મહાપ્રસાદ – મિજબાની તરફ હતું ..
“ જુઓ , આ નાજુક પ્રસંગને આપણે બંને બાજુથી જોવા પ્રયત્ન કરીએ !” મહારાજે આગળનાં પ્રસંગોની જેમ (જુઓ -સિક્કાની બે બાજુ : રામાયણનીયે રામાયણ ? ; રામ અને ભરત મિલાપ ; અને એમાં લક્ષમણનો શો વાંક? -એ પ્રસંગો )
અહીં પણ એમણે એમની વાગ્ધારાને વધુ તેજસ્વી બનાવી .
“આપણે દરેક પ્રસંગને – પરિસ્થિતિને અહીં બંને બાજુથી જોવા પ્રયત્ન કરી રહ્યાં છીએ . તો એ રીતે સમજવા પ્રયત્ન કરીએ . તુલસીદાસે જે લખ્યું છે તેની સાથે આપણે વાલ્મિકી રામાયણને પણ તપાસીએ છીએ . વાલ્મિકી જેવા મહા કવિએ આવું શા માટે લખ્યું હશે ?” એમણે અમને સૌને શાંત પાડતાં કહ્યું .
“ આપણી સંસ્કૃતિ જેની અત્યારે વિશ્વમાં બધે પ્રસંશા થાય છે એનાં મૂળમાં ઉચ્ચ આદર્શ, દિવ્ય વિચારધારા અને ઘણા કડક મૂલ્યો રહ્યાં છે . ઋષિ મુનિઓએ સમાજને ઉર્ધ્વગામી બનાવવા જે પ્રયોગો આપ્યા તે કાંઈ સહજ સરળ નહોતા .. અને એટલે જ તો તક્ષશિલા જેવી વિદ્યાપીઠોમાં એ સમયે આજથી બે હજાર વર્ષ પૂર્વે , સાહીંઠ હજજાર જેટલા વિદ્યાર્થીઓ વિશ્વમાંથી આવા ઉચ્ચ મૂલ્યોનો , ઉચ્ચ કલાઓ , શાસ્ત્રો વગેરેનો અભ્યાસ કરવા આવતાં હતાં!
અને સમાજનું નૈતિક સ્તર ઉચ્ચ રાખવામાં સ્ત્રીનું ચારિત્ર્ય ઘણો મહત્વનો ભાગ ભજવે છે ..”બચ્ચું મહારાજ બોલ્યા .
“ એટલે શું સ્ત્રીઓની આવી રીતે અગ્નિ પરીક્ષાઓ કરવાની ?” એક બહેને અકળાઈને કહ્યું .
“ એ તો ઠીક છે , કે અગ્નિપરીક્ષા કરી , પણ ત્યાર પછી તો સ્ત્રી શુદ્ધ રહે એટલે , પતિના મૃત્યું બાદ એને પણ ચિતા ઉપર ચઢાવી દેવાનું શરૂ થયું !!” બીજી બહેને કહ્યું . “ કેવો વિચિત્ર સમાજ !”
વાતાવરણમાં ગરમી આવી ગઈ .
“ વાલ્મિકીને એક એવા આદર્શ સમાજ નું ચિત્ર ઉભું કરવું હતું, કે જ્યાં રાજા પોતાનું અંગત સુખ જતું કરીને પણ પ્રજાનું હિત જુએ.. “મહારાજે સમજાવવા પ્રયત્ન કર્યો .
“આ દુનિયાનું અજબ છે ગાણું, કરે પરીક્ષા , ચિતાનું ટાણું !!
બળી જશે તો પાપી કહેશે , જીવી જાય તો માયાવી કહેશે !”
મેં પણ સુર પુરાવ્યો ; “ સ્ત્રીઓને કેવો અન્યાય ? સીતા , સીતાની છાયા , સીતા અગ્નિદેવને આપી , પછી લીધી .. આ બધું – એવું બધું સ્ત્રીઓને જ નસિબે લખાયું હતું ?” મેં કહ્યું , “ કારણકે આ કથા ઋષિઓએ લખી હતી – ઋષિ પત્નીઓએ નહીં !
“ તું નિર્દોષ છે , બેટી ; આમાં વાંક નથી કાંઈ તારો-
કોઈએ કાંઈ કહ્યું નહીં એવું – કે ના કોઈએ પૂછ્યું કાંઈ તેવું !” એક બહેને લહેકાથી એ ગીત લલકાર્યું .
પણ મહારાજને તો મૂળ કથા કહેવાની હતી ને ? એ મુદ્દા પર આવ્યા :
‘ પુરુષ પ્રકૃતિથી જ શક્તિશાળી હોવાથી , એને ગર્ભવાન બનવાની ચિંતા ના હોવાથી , એ ઘરની બહાર મુક્ત રીતે ફરી શકે , જયારે સ્ત્રી એ દ્રષ્ટિએ અબળા હોવાથી એ ઘરમાં સુરક્ષિત રહે – એ ભાવ માનવ સૃષ્ટિમાં સર્વત્ર છે .
પશ્ચિમની સઁસ્કૃતિમાં પણ સ્ત્રી ઘરમાં રહી કુટુંબનું પોષણ કરે અને પુરુષ બહાર જઈને સ્ત્રી અને સંતાનો માટે ભરણપોષણ માટે ઉપાર્જન કરે એવી વ્યવસ્થા છે જ . પણ ,પશ્ચિમની સંસ્કૃતિમાં સ્ત્રીની અગ્નિ પરીક્ષા કે સતી પ્રથા નથી . તમને ખબર છે કેમ ?”
મહારાજના પ્રશ્ને અમને સૌને વિચારમાં મૂક્યાં!
આપણી સંસકૃતી વિષે ગાંધીજીએ જે કહ્યું હતું તે મહારાજે યાદ કરાવ્યું કહે : “ ગાંધીજી જયારે ૧૯૧૫માં સાઉથ આફ્રિકાથી કાયમ માટે પાછા આવ્યા ત્યારે એમણે એક આખું વર્ષ દેશમાં ભ્રમણ કર્યું હતું . એક વર્ષ બાદ અમદાવાદમાં આશ્રમ સ્થાપવાનો વિચાર કરતા હતા ત્યારે એક પત્રકારે એમને પૂછ્યું : “ ગાંધીભાઈ , આ દેશ જોયા પછી તમને શું લાગે છે ?” એ પત્રકારને એમ કે ગાંધીજી દેશની ગરીબાઈ કે ગંદકી વિષે કાંઈ કહેશે .
પણ ગાંધીજીએ કહ્યું : “ ભણેલા લોકોની નિષ્ક્રિયતા જોઈને હું આશ્ચર્ય ચકિત થઇ ગયો છું . પ્રશ્નો છે , પણ જાતિઓના વાડામાં વહેંચાઈ ગયેલ લોકો પોતાના વાડાઓમાં ,પોતાનો અહમ પકડીને , પોષતાં રહ્યાં છે !” બચુ મહારાજે એમના વિશાલ જ્ઞાન સાગરમાંથી અમને થોડાં વિચાર રજૂ કર્યા :
“સીતાની અગ્નિ પરીક્ષા એ તો સમાજ ઉપર શુદ્ધ સમાજનો દાખલો બેસાડવા લખવામાં આવ્યું હતું .
મહા કવિ વાલ્મીકિએ રામાયણ લખ્યું તે પણ સીતાએ પોતાની જે આપવીતી કહી તે સાંભળીને જ લખ્યું હતું ને ?”
હા , એ વાત ભુલાઈ ગઈ હતી , મહારાજે યાદ કરાવ્યું , કે લંકાના રાવણને હરાવી , અગ્નિ પરીક્ષા આપ્યા બાદ સીતા અયોધ્યા આવે છે અને લોકો ઉત્સવ ઉજવે છે ( દશેરાઃ એ રાવણ દહન અને દિવાળીએ અયોધ્યામાં રામ આગમન આપણે ઉજવીએ છીએ ને ?) અને એક ધોબીની વાત ઉપરથી પછી રામ ગર્ભવતી સીતાનો ત્યાગ કરે છે !
અહીં , આદર્શ રાજા રામ આદર્શ પ્રજા ઘડવાના ઉત્સાહમાં રાણી સીતાનો ત્યાગ કરે છે ! એટલા માટે કે સીતા રાવણને ઘેર દશ મહિના રહી હતી ! સમાજમાં દરેક સ્ત્રી જો ઘરબાર છોડીને પર પુરુષ ઘેર જતી રહે તો પછી સમાજનું માળખું બગડી જાય ! આ સિક્કાની એક બાજુ છે .
પણ બીજી તરફ -સારું , સ્વચ્છ , ઉચ્ચ મૂલ્યોવાળું , નીતિમય જીવન જીવવું અઘરું છે , અને એનો માપ દંડ કાયમ અઘરો જ રહેવાનો . પણ એ માપદંડ ને જો વાસ્તવિકતા સાથે જોડવાનું જયારે સમાજના આગેવાનો ભૂલી જાય છે ત્યારે સમાજમાં વધારે દુષણો ઉત્પ્ન્ન થાય છે ..
પણ સખત નીતિ નિયમો ઘડવાથી આખરે સીતાના જીવનની જેમ સમાજમાં સ્ત્રીઓને કૂવો પૂરવાનો વારો આવે છે .
સીતાએ મહાકવિ વાલ્મિકીને પોતાની આપવીતી કહી , અને વાલ્મીકિએ રામાયણ લખ્યું . ઘણા પ્રસંગોથી એ માહિતગાર હતા , પણ સીતાએ પોતાનું બયાન આપ્યું ને રામાયણ રચાયું .
પછી શું થયું ? તમે પૂછશો .
જે છોકરી જનક પુત્રી – જાનકી શિવ ધનુષ્યથી રમતી હતી , એવી હોશિયાર છોકરી , જેણે રઘુકુળના રામને પોતાના પતિ તરીકે પસંદ કર્યા હતા અને એમને પગલે મુશ્કેલીઓ સહન કરી , અગ્નિ પરીક્ષા પણ આપી , સિંગલ મધર બનીને એકલે હાથે બે બાળકો લવ -કુશને ઉછેર્યા અને આખરે અતિશય દુઃખથી થાકી ને એ આખરે ધરતીમાં સમાઈ ગઈ !!
આપણા દેશની ઉચ્ચ સઁસ્કૃતિનો અભ્યાસ કરવા જયારે દૂર દૂરના દેશોમાંથી વિદ્યાર્થીઓ આવતાં, મુસાફરો આવતાં તો સાથે સાથે લુચ્ચા લૂંટારાઓ પણ આવ્યા ! એ લોકોના આક્રમણોનો સામનો કરવાની શક્તિ આ કહેવાતા શુદ્ધ સમાજમાં નહોતી ! એક વર્ગ જે માત્ર સંસ્કૃતિનું ચિંતન કરતો હતો તે બ્રાહ્મણ વર્ગ – બધી વિદ્યા જાણતો હતો પણ સ્વ નું રક્ષણ કરવા અસમર્થ હતો ! અને દેશનું રક્ષણ કરવાનો ઈજારો ક્ષત્રિઓને આપ્યો હતો તેઓ પોતાના નાના નાના રાજ્યો રચીને , વાડાઓ કરીને બેસી ગયા હતા ! ક્ષુદ્ર – અર્થાત તરસ્યાં- જેઓ સમાજમાં સ્વચ્છતા રાખવા , અન્ય લોકોની સેવા કરવા તરસ્યાં હતાં તે સૌ અછૂત બની ગયા ! ને ગણતરીબાજ વૈશ્ય સમાજ પોતાના હિતની ગણતરીઓ કરવામાં દેશ વેચવા બેઠાં!
અતિશય સ્વચ્છ , ઉચ્ચ ધ્યેયનું પણ સતત પરીક્ષણ કરવું જરૂરી છે – સીતાની અગ્નિ પરીક્ષા અતિશય શુદ્ધ સમાજનોદુરાગ્રહ દર્શાવે છે . જો. સીતા ખરેખર રાવણની વાસનાનો ભોગ બની હોત તો શું એમાં સીતાનો વાંક ગણાય ? એને હૂંફ અને આશ્વાસન આપવાને બદલે દંડ આપવાનો ? અને અપવિત્ર કહીને બાળી નાખવાની ? એટલે જ ગાંધીજીએ કહ્યું હતું કે : “ હું હિન્દૂ છું છતાંયે , દેશ આઝાદ થયા બાદ જો મને સમય મળશે તો હિન્દૂ ધર્મમાં ધર્મને નામે ઘર કરી ગયેલ દુષણો મારે દૂર કરવા છે”
રામાયણ અને મહાભારતમાં ઘણે સ્થાને આવતા માનવતાના મૂલ્યોની ઘણી વાતો આપણને યોગ્ય ના લાગે તે સ્વાભાવિક છે એટલે સમય પ્રમાણે એ બદલાય તે જ યોગ્ય છે .. આપણો દેશ ગુલામીમાં સદીઓ સુધી સબડયો તે પણ એક કારણ વિચારવા જેવું છે . દરેક સિક્કાને બે બાજુ હોય છે – આપણે
એવી જ રીતે એક સ્ત્રીને ચિતા ઉપરથી બચાવનાર સજ્જનને સન્માન આપવાને બદલે શિક્ષા કરવાને લીધે ,તેમાંથી જ આગળ ઉપર જે મજાક – મશ્કરી થઇ – તે ભવાઈની વાત – આખા સમાજની વાત – બહુમાન કરવાને બદલે બહિષ્કાર કર્યો તો એ સિક્કાની બીજી બાજુ – આવતે અંકે વિચારીશું .

એક સિક્કો – બે બાજુ :13) આ મેં સિક્કો ઉછાળ્યો ; હવેતારે શું કરવું છે!

“ શું કરવું તે અમને સમજાતું નહોતું ! દિલ કહેતું હતું કે કોરોનમાં સપડાયેલ મા નો મોં મેળાપ કરવા જવું જરૂરી છે ; અને દિમાગ દલિલ કરતું હતું કે આવી કપરી પરિસ્થિતિમાં સાહસ કરવું એ મુર્ખામી છે ! મગજ કામ કરતું નહોતું ; હું સખત ગભરાઈ ગયો હતો અને ભયંકર ટેનશનમાં હતો ! છેવટે એ નિર્ણય ભગવાન પર છોડવાનું વિચાર્યું !” અમારા એક મિત્ર અમને પોતાની અંગત વાત કહેતા હતા;
“ હવે ભગવાનને પૂછ્યું ; પણ એ બોલે તો યે કેવી રીતે બોલે ? શું આકાશવાણી થાય અને મને કહે કે જા, બેટા, જા , તેરી માઁ કો મિલને જા ; તુમ્હારા કુછ નહીં બિગાડેગા ઓર તુમ્હારા ભલા હોગા ?” અમારા એ મિત્ર રમૂજથી અમને વાત કહેતા હતા .
“ પણ પછી શું થયું ? કોણે તમને રસ્તો સુઝાડ્યો ?” મેં અધિરાઈથી પૂછ્યું .
“ ભગવાને !” મિત્રે કહ્યું ; “ મેં સિક્કો ઉછાળવાનું નક્કી કર્યું : હેડ આવે તો જવાનું . ને ટેઈલ પડે તો જવાનું નહીં !”
“ઓહ ! અને એટલે તમે ગયા , અને તમારી બા સાથે અંતિમ મેળાપ પણ થયો , બરાબરને ?” મેં અધિરાઈથી કહ્યું . એ ઘણી મુશ્કેલીઓ વચ્ચે પણ ભારત ગયા હતા અને બાને મળી શક્યા હતા , અને ત્યાર બાદ બાની વિદાય બાદ તેમનાં અંતિમ સંસ્કાર પણ કરીને પોતે પાછા આવી શક્યા હતા – મુશ્કેલીઓનો સામનો કરતાં કરતાં , માં પ્રત્યેની પોતાની ફરજ અદા કર્યાનો સંતોષ અને ગર્વ બંને દેખાતાં હતાં. માંડ માંડ હેમખેમ પાછા આવ્યાનો સંતોષ એમના ચહેરા પર સ્પષ્ટ વ્યક્ત થતો હતો . હા , માઁ ને ગુમાવ્યાનો અફસોસ પણ હતો જ . થોડું બોલ્યા ત્યાં એમનું ગળું ભરાઈ આવ્યું . અવાજ પણ ગળગળો થઇ ગયો .
‘હું કાયમ ભગવાનને પ્રાર્થના કરું કે હે ભગવાન , જયારે હું આ પૃથ્વી પર આવ્યો ત્યારે મારાં પહેલા શ્વાસ વેળાએ મારી મા મારી સાથે જ હાજર હતી ; જયારે એ છેલ્લા શ્વાસ લે ત્યારે મને પણ અચૂક મારી મા ની પાસે હાજર રાખજે , ભગવાન ! “
પણ જે મુશ્કેલીઓનો સામનો કરીને , પોતે ત્યાં પહોંચી શક્યા અને પાછા એવી જ મુશ્કેલીઓમાંથી માર્ગ કરતા પાછા આવી શક્યાનો આનંદ હતો તે આનંદ પણ અવર્ણનીય હતો !
મને વર્ષો પહેલાં જોયેલ હિન્દી ફિલ્મ “ શોલે “ યાદ આવી ગઈ !
અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્ર વચ્ચે કોઈ પણ નિર્ણય લેવાનો આવે ત્યારે અમિતાભ સિક્કો ઉછાળીને નિર્ણય લે છે. એટલી હદે , કે જયારે એક જણાને ડાકુઓ સામે લડવાનું છે અને બીજાએ સલામત જગ્યાએ ભાગી જવાનું હોય છે ત્યારે અમિતાભ સિક્કો ઉછાળે છે અને સિક્કાની સવળી બાજુએ હેડ – માથું – આવતા પોતે દુશમ્નો સામે લડવા રોકાય છે અને મિત્રને સલામત સ્થળે ભાગી જવા મોકલે છે !
ફિલ્મમાં આ સમગ્ર દ્રશ્ય એટલું તો ચોટદાર છે કે માત્ર એ દ્રશ્ય જોવા માટે પણ આપણને ફરી ફરીને એ ફિલ્મ જોવાનું મન થાય ( અને આ લેખ લખતાં પહેલાં અમે પણ એ જ કર્યું હતું !)
હા , જયારે કોઈ નિર્ણય લેવો કહું અઘરો હોય , જયારે બુદ્ધિ કામ ના કરે ત્યારે આપણે શસ્ત્ર હેઠાં મૂકીને નિર્ણય ભગવાન ઉપર છોડીએ છીએ : હે ભગવાન ! હવે તું કહે તેમ કરવા હું તૈયાર છું ! આવું પગલું લઉં? કે ના લઉં ?
જયારે કોઈ પરિસ્થિતેના પરિણામને બે શક્યતાઓ હોય – જયારે સારું , કે સાચું વિચારવાની શક્તિ ના હોય ત્યારે આમ સિક્કો ઉછાળી પરિસ્થિતિને ભગવાન ઉપર – કે નસિબ ઉપર છોડવા સિક્કો ઉછાળીએ છીએ , અને નિર્ણય લઈએ છીએ ! ‘ હવે હારું કે જીતું, તું જ મને તારજે ! ‘ એવો છૂપો ભાવ – એવી અરજ આ સિક્કો ઉછાળવાની પ્રક્રિયામાં છુપાયેલ છે .
પણ વાચક મિત્રો ! તમને યાદ હશે જ કે શોલે ફિલ્મમાં સિક્કો ઉછાળવા છતાંયે એ નિર્ણય ખરેખર ભગવાન ઉપર છોડવામાં આવ્યો નથી ! અમિતાભ ‘ જય’ નામનું પાત્ર ફિલ્મમાં એ નિર્ણય પોતાના હાથમાં જ રાખે છે અને ધર્મેન્દ્ર ‘વીરુ’ પાસે ભગવાનની મરજી છે તેમ કહીને પોતાનું ધાર્યું કરાવે છે ; અને એની ખબર આપણને – અને વીરુને પણ – અંતમાં પડે છે જયારે પેલો સિક્કો વીરુના હાથમાં આવે છે , એ સિક્કો જેની બંને બાજુએ હેડ -માથાનું જ ચિત્ર છાપેલું હતું !
કેવી અંચાઈ! કેવી મોટી બાજી અમિતાભ – જય – રમે છે !અને આપણે – એટલે કે વીરુ , કાંઈ કરી શકતાં નથી , કારણકે દુશમનોનો સામનો કરતાં કરતાં જયે પોતાનો પ્રાણ આપી દિધો હતો ….
‘સિક્કો ઉછાળીને નિર્ણય કરીએ’ એમ કહેવા પાછળ આપણી ભગવાનમાં શ્રદ્ધા સ્થાપિત કરીએ છીએ .. પણ , એ નિર્ણય અતિ મુશ્કેલ પરિસ્થિતિમાં જ લેવો જોઈએ . હા , રમત ગમતમાં કઈ પાર્ટી પહેલો દાવ લેશે , કે કઈ ટિમ ફિલ્ડિંગ ભરશે , કે કોના હાથમાં બોલ રહેશે વગેરે વગેરે નિર્ણય માટે સિક્કો ઉછાળવાનું વલણ બરાબર છે .
અમારા પેલા મિત્રને મેં આશ્ચર્યથી પૂછ્યું ; “ શું તમે આવડો મોટો નિર્ણય – કોરોના હોવા છતાં મારે દેશમાં જવું છે અને અંતિમ શ્વાસ લેતી માઁ ને મળવું છે – એવો રિસ્કી રસ્તો સિક્કો ઉછાળીને કર્યો ?” મેં પૂછ્યું ; “ તમને ખબર છે કે એ મુસાફરીમાં ક્યાંક તમને કોરોના થઇ ગયો હોત તો ? રસ્તામાં તમને ક્યાંક રોક્યા હોત અને ફરજીયાત બે અઠવાડિયા બાંધી રાખ્યા હોત , કોરન્ટીન કરવા રોકી રાખ્યા હોત તો ? માત્ર સિક્કાએ હેડ કે ટેઈલ બતાવ્યા એટલે જ તમે નક્કી કર્યું કે હવે સાહસ કરવા દે ?” મારી શંકાનું સમાધાન થતું નહોતું !
“ ના , સાવ એવું નહોતું .” મિત્ર બોલ્યા; “ મારે જવું હતું , ને મારે જવું જ હતું ! પણ , સિક્કો એક જાતનું બહાનું હતું – મારે મારાં કુટુંબનાં અન્ય સભ્યોને પણ સમજાવવાનાં હતાં. હેડ પડશે તો જઈશ – ટેઈલ હશે તો મુલતવી રાખીશ , બસ?- મેં એ સૌને કહ્યું હતું .. મારાં સદભાગ્યે સિક્કો ઉછાળ્યો અને હેડ આવ્યું ,પણ ટેઈલ હોત તો પણ મેં જવાનું નક્કી જ કરેલું .. એમણે કહ્યું !
જો કે એક વખત બનાવ બની ગયા પછી આપણે શું કર્યું હોત તે વિચારવું કેટલું સાચું છે , તે કોણ કહી શકે ? આવી જ રીતે દીકરાને ઘેર પુત્ર જન્મ થતાં , પ્રથમ પૌત્રનું મોં જોવા બોસ્ટનથી ન્યુયોર્ક ગયેલ અને કોરોનમાં જાન ગુમાવનાર મિત્ર વિષે હવે તેનો અફસોસ કરતાં મિત્રપત્ની ને પૂછી જુઓ ! આ લખું છું ત્યારે અમારાં મિત્ર પોતાના નાના ભાઈના કોરોનમાં ગુજરી જવાના સમાચાર આપે છે ,કહ્યું ; ‘ અમારી બેનને ત્યાં વિવાહ પ્રસંગે બધાં ભેગાં થયેલ ; જવું કે ના જવું એમ વિચારતાં લાગ્યું કે થોડી વાર જવામાં કાંઈ વાંધો નથી . માસ્ક પહેરીશું વગેરે વગેરે .. અને ઘણા બધાં ને કોરોના થયો તેમાંથી આ ભાઈ ગુજરી ગયો ..
દરેક સિક્કાની બે બાજુ હોય છે ; પણ જયારે પરિસ્થિતિ અંતિમ ચરમ સીમાએ પહોંચે છે ત્યારે એની બીજી બાજુ તપાસવા વ્યક્તિમાં શ્વાસ ખૂટે ત્યારે સિક્કાને કોઈ બાજુ જ હોતી નથી – કારણ કે સિક્કો જ રહેતો નથી !
( ઉપર જણાવેલ ત્રણે ત્રણ પ્રસંગ સત્ય ઘટના ઉપરથી લીધા છે )