નવા વર્ષની હું કથા શું લખું ?-વિવેક મનહર ટેલર

નવા વર્ષ વિશે કોઈ નવી રચના નથી. એક જૂની છે એ મોકલું છું:

નવા વર્ષની હું કથા શું લખું ?

શરીર એ જ, વસ્ત્રો નવાં, શું લખું ?

જૂની ક્ષણના સ્થાને નવી સ્થાપવા પડી

કેટલી આપદા, શું લખું ?

અધૂરી જ રહેવાને જન્મી છે જે,

એ ઈચ્છા તણી અવદશા શું લખું ?

શું છે, રોશની ઝગમગાતી ? શું છે ?

નરી આંખના ઝાંઝવા, શું લખું ?

નવું વર્ષ સૌને મુબારક હશે –

આ ભ્રમણા છે, જાણું છતાં શું લખું ?

ફરી એ જ દિવસો, ફરી રાત એ જ,

ફરી જીવવાની વ્યથા શું લખું ?

વળી એ જ શબ્દો અને એ જ શ્વાસ,

નવું શું છે ? ગીતો નવાં શું લખું ?

-વિવેક મનહર ટેલર

દિવાળી-રોહીત કાપડિયા

માનનીય પ્રજ્ઞાબેન,
        કુશળ હશો. દિવાળી અને યુદ્ધને સાંકળતી એક રચના મોકલું છું. યોગ્ય લાગે તો સ્વીકાર જો.
                                                                                રોહીત કાપડિયા
                                                        દિવાળી
                                                ————————–
                                             જીવનની પરિભાષાથી અજાણ,
                                             યુદ્ધની પરિભાષાથી અજાણ,
                                             એ નિર્દોષ અને માસૂમ બાળક
                                             અચાનક જ બંદૂકના ભડાકા સાંભળી
                                             બોમ્બને તોપના ધડાકાઓ સાંભળી
                                             ફેલાયેલી આગની પ્રચંડ જવાળાને
                                             રોશનીનો ઝગમગાટ સમજીને
                                             એનાં પિતાને પ્રશ્ન કરે છે
                                             ” પપ્પા , દિવાળી તો આવી ગઈ ,
                                             મને નવા કપડાં નહીં અપાવી દો ?
                                             અને એ જ કમનસીબ રાતનાં,
                                             બોમ્બ સ્ફોટમાં જન્નતનશીન થયેલાં,
                                             એ બાળકનાં મૃત શરીર પર ‘
                                             નવુંનક્કોર કફન ઓઢાડતાં
                                            એનાં પિતા બધી જ મર્દાનગી ભૂલી,
                                            જિંદગીમાં પ્રથમવાર રડી પડ્યાં.
                                                                                       રોહીત કાપડિયા

દિવાળી ઉત્સવ-ફૂલવતી બેન શાહ

દિવાળી ઉત્સવ

           વર્ષનો સૌથી મોટો  અને મહત્વનો તહેવાર એટલે  દિવાળી !

        ચાલુ વર્ષની વિદાયની  વેળા એટલે દિવાળી. એનું  સમાપ્ત થવું. આખા વર્ષ દરમિયાન કરેલી સફળતા અને  નિષ્ફળતાનું સરવૈયું કરવાનો સમય.વર્ષના છેલ્લાં ત્રણ દિવસો અને નવા શરુ થતા વર્ષનાપહેલાં  બે દિવસો  એમ કુલ પાંચ દિવસોને દિવાળીનાં   તહેવાર રૂપે ઉજવવામાં આવે છે.નવા વર્ષ નો  પ્રવેશ! એના  સત્કારની  તૈયારી  !  નવો ઉમંગ  ,ઉલ્લાસ  અને આનંદ. નાના મોટા સૌ દિવાળીનો આનંદ   મનાવે છે.નવરાત્રી , દશેરા અને શરદ પુનમ ની ઉજવણી પૂરી થતા જ  દિવાળીની  ઉજવણીની પૂર્વ તેયારી શરુ થઇ જાય છે. ઘરમાં સ્વચ્છતાઅને નવીન  દેખાવ લાવવાનાં પ્રયાસો શરુ થઇ જાય છે.દિવાળીને દીપાવલી નામ થી પણ  સંબોધવામાં  આવે છે.સાંજ થી જ ઘરને રોશની કરી પ્રકાશિત કરવામાં આવે છે.ફટાકડા ફોડી વાતાવરણ ને  ઉત્તેજિત કરી દેવામાં આવે છે. આ પાંચ દિવસોને  વિશિષ્ટ નામ અપાયા છે.અને પાંચ   દિવસો દરમ્યાન વિવિધ પ્રકારની ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિ ને મહત્વ અપાયું  છે.કેટલાંક ઉત્સાહી લોકો એક દિવસ આગળ થી તહેવાર ની શરૂઆત કરે છે. બારશ નાં દિવસને વાગ્હ બારશ  કહેવાય છે.એ દિવસે વાણી ની દેવી  માતા શ્રી સરસ્વતી નું પૂજન થાય છે.ધન તેરશ ના દિવસે લક્ષ્મી પૂજન કરાય છે.સાંજને પહોરે લક્ષ્મીજી ની મુર્તિ અને પૂજન માટે રાખેલા નાણાં ને દુધ,દહીંથી સ્વચ્છ કરી પાણી થી સ્નાન કરાવી કકું ચોખા અને પુષ્પ થી પુજવામાં આવે છે.  કાળી ચૌદશને  દિવસે મારુતિ એટલે કે  હનુમાનજી નું પૂજન થાય છે.  આ દિવસે ખાસ તાવડી મૂકી તેલમાં વડા , ભજીયા કે ગોટા  તળવાનો રીવાજ છે.આ દિવસ સાથે ઘણાં કુરિવાજો પણ સંકળાયેલાં છે. દિવાળીનો   દિવસ વર્ષ નો છેલ્લો દિવસ છે.
ઘારી, ઘુઘરા, સુતરફેણી બુંદીના લાડું વિગેરે અવનવી મીઠાઈઓ ઘરમાં બને કે કંદોઈને    ત્યાંથી લાવીને પણ  જમણમાં  વપરાય છે .ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર આસોપાલવ નાં પાન અને કેસરી ગલગોટા નાં ફૂલના તોરણ બંધાય છે .વેપારી વર્ગ
તેમજ  જેમણે  સરસ્વતી પુજન બારશે નાં કર્યું હોય તે સૌ આ દિવસે સાંજ પછી ચોપડાં પૂજન એટલે કે શારદા પુજન  કરે છે. અને માં સરસ્વતી ને અજ્ઞ્યાન ટાળવા પ્રાર્થના
કરે છે. પુજનમાં શ્રી ગણેશ અને સરસ્વતી માતાજી નો ફોટો , નવા વર્ષનું પચાંગ, હિસાબ લખવાની ડાયરી કે દુકાનના હિસાબી ચોપડા તેમજ કલમ/ પેન  રાખવામાં આવે છે. અત્યારના જમાનાં  મુજબ કંપ્યુટર ને પણ પૂજામાં સ્થાન મળી ચુક્યું છે.નવા વર્ષ ની વહેલી  પ્રભાતે છોકરાઓ  કોથળીમાં મીઠું  લઇ  ‘ સબરસ’ ની બુમ પાડતાં વેચવા નીકળી પડે.દિવસ શરુ થતાં દેવ મંદિરોમાં દર્શનાર્થે, વડીલોને પ્રણામ કરવા તેમજ સગાસ્નેહી અને મિત્રમંડળ ને મળી સાલમુબારક  / નુતન વર્ષાભિનંદન કરવા દોડાદોડી  માં પસાર થાયછે .કેટલાક મંદિરો માં ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવે છે. નવા વર્ષનો બીજો દિવસ ભાઈબીજ કહેવાય છે.આ દિવસે બેન ભાઈની ખાસ પરોણાગતિ કરે છે.  આનંદ પુર્વક જમી પરવારી છુટા પડતાં ભાઈ બેન ને યથાયોગ્ય ભેટ આપે.એવો રીવાજ ચાલ્યો આવ્યો છે.
         મને મારા માતુશ્રીએ નાનપણ માં એક દિવાળી નો ગરબો શીખવાડ્યો  હતો હું કાયમ નવરાત્રી માં પોળ માં એ ગવડાવતી હતી  કોણે લખ્યો હશે એ ખબર નથી પણ વડીલ વર્ગને એ ઘણો ગમતો હતો .ચાલો,આજે આપણે એનો  આનંદ માણીએ  …    .
                                 આવે છે ઘણા હર્ષથી…
                    ધન્ય ધન્ય  દિવાળી , આવે છે ઘણા હર્ષથી ;
                    આવે છે ઘણા હર્ષથી , આવે છે ઘણા હર્ષથી. ધન્ય ધન્ય …..
                    નાના મોટા બાળકો ફોડે ફટાકડા , ફોડે ફટાકડા
                    આસોપાલવનાં તોરણ બંધાય, આવે છે ઘણા  હર્ષથી ..ધન્ય ધન્ય …..
                    ધનતેરશનાં દિવસે લક્ષ્મી પૂજન  થાય છે ,
                    નારીઓ  સાથીયા  પૂરે , આવે છે ઘણા  હર્ષથી ..ધન્ય ધન્ય …..
                    કાળી ચૌદશના દિવસે મારુતિ પૂજન થાયછે ,
                    ખીર પૂરી ને વાડાં  તળાય , આવે છે ઘણા હર્ષથી …ધન્ય ધન્ય …..
                    દિવાળીના દિવસે  શારદા   પૂજન  થાય છે  ,
                    ઘારી ને ઘુઘરા કરે , આવે છે ઘણા હર્ષથી …ધન્ય ધન્ય ….
                    નવું વર્ષ સૌને  મુબારક હો જો , મુબારક હો જો,
                    આનંદ  જય જય કાર , આવે છે ઘણા હર્ષથી …  ધન્ય ધન્ય …..
                    ભાઈબીજને દિવસે  બેન ભાઈને જમવા તેડે;
                    હૈયે હરખ ના  માંય ,    આવે છે ઘણા હર્ષથી …ધન્ય ધન્ય ….
                    જમી કરીને  ભાઈ  બેનને ભેટ આપે ,બેનને ભેટ આપે;
                    આનંદ ઉર ના સમાય ,   આવે છે ઘણા હર્ષથી…  ધન્ય ધન્ય …..
ફૂલવતી બેન  શાહ

“દિવાળી દિને”-ડૉ. ઇન્દુબહેન શાહ

પ્રગ્નાબહેન,
બેઠકને ખૂબ ખૂબ શુભેચ્છા, સૌ મિત્રોને, મહેમાનોને ,દિવાળીની શુભ કામનાઓ, સાથે મારું એક
કાવ્ય “દિવાળી દિને”મોકલાવું છું,

દિવાળી દિને દરિદ્ર દુઃખી

નેત્રોમાં દીપ જોઇ શકુ,

ફૂલઝડીના ઝબકારામાં

તેના ચહેરા ચમકતા જોઇ શકુ,

આશીષ વરસાવ આજ પ્રભુ

જ્ઞાન દીપ જલતો રહે સદા

સતકર્મો નિશ્વાર્થ ભાવે કરું,

અન્યાય, શોષણ શત્રુતા

હટે; મિત્રતા, ન્યાય સત્કાર

સર્વને મળે, સૌના જીવનમાં

આનંદ સુખ શાન્તિ જોઇ શકુ.

-ડૉ. ઇન્દુબહેન શાહ-

દિવાળીની શુભેચ્છા-ચીમન પટેલ ‘ચમન’

બેઠકમાં મારી હાજરી પુરવા તમારામાંથી એક્ને આ વાંચવા વિનંતિ કરું છું.

 દિવાળીના દિવસોએ બારણે આવેલાને નિરાશ તો ન જ કરી શકાય, ખરુંને?

તમારી વેબસાઈટમાં આ કૃતિ મૂકવી હોય તો પરવાનગી આપી રાખું છું!

દિવાળીની શુભેચ્છા સાથે બેઠકની સફળતા ઈચ્છતો,

ચીમન પટેલ ‘ચમન’

દિવાળી

કંઈ દિવાળીઓ આવી ને ગઈ!

સાપ ગયા ને લિસોટા રહ્યા ભઈ!!

કંઈ દિવાળીઓ આવી ને ગઈ!

સાફ કરે સહું પોત પોતાના ઘર,

દિવો પ્રગટાવે સૌ અંધકાર પર!

સારા કપડાં પહેરી સૌ જે ફરે,

બને વાનગીઓ સારી ઘરે ઘરે!

દિલની સાફસુફી કરવાની રહીં!

કંઈ દિવાળીઓ આવી ને ગઈ!

ચોપડા પૂજન કરી મેળવવું સુખ,

દેવ દર્શન કરી દૂર કરવું દુઃખ!

મંદિરે જઈને પ્રદક્ષિણા સહું ફરે,

ભાથું ભાવીનું આ રીતે બહું ભરે!

કૃપા પ્રભુની હજુ નથી રે થઈ!

કંઈ દિવાળીઓ આવી ને ગઈ!

સાફ કરે સહુ જો દિલના ઘર,

રાખે અમીદ્રષ્ટિ જો સૌની પર,

પ્રેમ પૂજન કરી જો મેળવે સુખ,

દૂર કરીએ જો દુઃખીઓનું દુઃખ!

શાંતિ ઘરોની આજે લૂંટાઈ રહીં!

કંઈ દિવાળીઓ આવીને ગઈ!

હરીફાઈઓ ચાલે મંદિરોમાં જ્યાં?

વિવિધ વાનગીઓ અન્ન્કૂટમાં ત્યાં!

ભગવાન તો ભાવનાનો ભૂખ્યો ભઈ!

કંઈ દિવાળીઓ આવી ને ગઈ!

*ચીમન પટેલ ‘ચમન’

એકમાંથી લાખ લાખ દીવા

દિવાળીના  દિવસોમા દિવા,રંગોલી,પૂજાની થાળી વગેરે હું તેયાર કરતી હતી ત્યાં મારી ગ્રાન્ડડોટર  સ્કૂલેથી આવી,મારી પાસે દોડતી આવી ,દીવાને જોઈ કહે,’દીવો શા માટે?’ એને જવાબ આપતા હું ગુંચવાય,તેને સીધો સાદો જવાબ જોઈએ,મેં કહ્યું બધે દીવાથી અજવાળું થાય એટલે ફેસ્ટીવલ જેવું લાગે.’એનું મન માન્યું નહિ, દીવા સામે તેણે પ્રશ્નાર્થ નજરથી જોયા કર્યું। મેં કહ્યું , દીવાનો પ્રકાશ એટલે નોલેજ,જે આપણને સુખી કરે.’રાત્રે એણે કોડિયામાં મૂકેલી નાની મીણબતીઓને એકમાંથી અનેક પ્રગટાવી ‘ હું ય નાની હતી ત્યારે ઉબરે,ટોડલે ,આંગણે એકમાંથી અનેક દીવા પ્રગટાવવાનો આંનદ લેતી પણ પછી દીવા વિષે જાણવાનું મન થયું.ઘી અને તેલના દીવાનું ઘાર્મિક મહાત્મ્ય છે, પણ મને કેન્ડલ પસંદ છે. એક જ દીપક સેકડો દીપક પ્રગટાવી શકે છે.દીપકનો પ્રકાશ કાળી ચૌદસ અને અમાસની કાળી ઘેરી રાત્રે અંધકારને દૂર કરે છે,પ્રકાશ એટલે ઉજ્જવળ જીવન,આશાભર્યું ,ઉત્સાહ છલકતું જીવન.

કવિનું મન  લાખ લાખ દીવડાઓના  પ્રકાશની અભિલાષા સેવે છે,નવ પ્રકાશિત નૂતન વર્ષના પ્રભાતે અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશને ઝંખે છે.દીપ પ્રગટાવતી વખતે પ્રાર્થીએ છીએ કે ,

દીપજયોતિ:પરબ્રમ દીપ: સર્વતમોપહ:।

દીપેન સાઘ્યતે સર્વ સંઘ્યાદીપો નમોઅસ્તુ તે ।

દીપકનો પ્રકાશ પરમચેતન્યસ્વરૂપ પરમાત્મા છે.તે અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરે છે,તેના થકી જ જીવનમાં સર્વ વસ્તુની પ્રા પ્તી  થાય છે.

માત્ર ડેકોરેશન માટે દીવા નથી,લાખો દીવા કરીએ પણ મનને પ્રકાશિત ન કરીએ તો ?

સ્વામી ચિન્મયાનંદ કહે છે,

‘મનોહર દીપજયોતિ સિવાય,અન્ય કઈ વસ્તુ ઘરને શોભાવશે?,

ગહન જ્ઞાનપ્રકાશ સિવાય અન્ય કઈ વસ્તુ મનને આભૂષિત કરશે?

ઘી કે તેલના દીવાઓ વિસરાયા છે,જો કે મંદિરોમાં અને ઘણા ઘરોમાં એ પ્રથા ચાલુ છે.એક સમયમાં કરસનદાસ માણેક જેવા કવિએ કહ્યું હતું ‘ગરીબો સૂકી રોટલી ખાય ને મંદિરોમાં ઘીના દીવા બળે.’ દિવાળીના દિવસે ગરીબની ઝુંપડીમાં અંઘારુ હોય ત્યારે દીવાઓના પ્રકાશમાં આપણા  મનમાં પ્રકાશ જાગે તો દીવાળીના આનંદને છેવાડા સુધી પહોચાડીએ.

દીવો પ્રગટે અને દીવો ઠરે એવી પ્રકાશની યાત્રા મઘ્યે જીવન છે,પણ જે ક્દી હણાતો નથી,છેદાતો નથી તે આત્માનો પ્રકાશ આત્મજ્ઞાન છે,તેથી વૈશાખી પૂર્ણિમાની રાત્રે ભગવાન બુદ્ધે અંતિમ શબ્દો કહ્યા ‘અપ્પ દીવો ભવ’ તું જ  તારો પ્રકાશ થા.તું તારી મુક્તિ શોઘી લે’.દીવાની જ્યોતના પ્રકાશમાં જગતને જોઈ રાજી થઈએ અને ખુદ જ્યોત થઈ પ્રકાશિત થઈએ,અન્યને પ્રકાશિત કરીએ. જેણે પોતાના અહંકાર,મમતા ,વેરના ઘીથી પોતાની  જ્યોતને જલાવી  પ્રકાશ ફેલાવ્યો છે,તેઓ એકમાંથી લાખ લાખ દીવા

પ્રગટાવે છે,તેમને દિવાળીના દિવસે પાયલાગણ.

કૃષ્ણ વન્દે જગતગુરુ।

સૌ મિત્રોને દિવાળીની અને નૂતનવર્ષની શુભેચ્છા.
તરુલતા મહેતા 29મી ઓક્ટોબર

“બેઠક”માં આવો

મિત્રો આજે 30મી oct 2015  બેઠકમાં 6.30 વાગે ઇન્ડિયા કોમયુનિટી ખાતે સહુ સાથે દિવાળી ઉજવશું, તો ચાલો જોઈએ શું લઈને આવવાનું છે.  

“બેઠક”માં આવો

“બેઠક”માં આવો તો કોડિયામાં અજવાળું લાવજો

પછી ઉત્સાહથી દીપમાળા પ્રગટાવશું

શબ્દોનો ભાર બધો મૂકીને આવજો

પછી સાહિત્યની વાત માંડશું

મૂંગા પારેવડાનો છાનો ફફડાટ

પરદેશમાં જગવે છે કેવું તોફાન!

વણખૂલ્યા હોઠની વાતો કહેવાને  

જાગે છે કહેવો વલોપાત

મુંગા મનને મુકીને આવજો

પછી ભાષાનું તોરણ  બાંધશુ

આવો તો સંગીત લઈને આવજો

પછી ગીતો ની વાત માંડશું

ભાષા વિના તો કંઇ નથી વાતમાં

ભજવ્યો’છે અમેરિકન વેશ

ભાષા વિનાના આ બાવળિયા ગામમાં

કેમ છો પણ થઇ ગયું નામશેષ

અંગ્રેજી ભાષાનો ભાર મુકીને આવજો

પછી ધાવતી ભાષાની વાતો માંડશું  

પરદેશી ચહેરો કાઢીને આવજો

પછી સહજ ભાષા પછી વધાવશું

મન આપણું ક્યારનું  શોધ્યા કરે છે

દરિયાપાર પણ આપણો  કોઇ દેશ

પૂર્વની બારીના વાયરા

લાવે છે મારા દેશનો સંદેશ

આવો તો ચપટીમાં ચોખા લઇને આવજો

પછી ઉંબરો પુજીને વાત માંડશું

“બેઠક”માં આવો તો રંગો લઇને આવજો

પછી રંગોળી રૂડી પાડશું

“બેઠક”માં આવો તો સહજ અંતર લઈને આવજો

પછી ઉત્સાહથી તોરણ બાંધ

આવો તો કોડિયામાં અજવાળું લાવજ

પછી  દીપમાળા પ્રગટાવશું

pragnaji પ્રજ્ઞા દાદભાવાળા

બેઠકમાં-રેખા શુક્લ

દિવાના છે શબ્દો ના અહીં બધા
હૈયે ટાઢક પોઢી છાયા, રોજ આપે એક ગઝલ બેઠકમાં
મિત્રોના નામ નહીં ગઝલ શબ્દો આશ્વાસન બેઠકમાં

નખરાળી ને મિઠ્ઠી મિઠ્ઠી વાતો ને ટાંકવી બેઠક માં
નંબર-વન જુગલબંધી ને રૂમઝૂમ ચાલ બેઠક માં

પ્રીતમ હોય છે , ક્યાંક ટહુકી ને વણી ગઝલ માં
દિલના દ્વાર ખોલી નાંખે એક ગઝલ એક બેઠક માં

પાલવડે થી છૂટ્ટા થયા છે મોતીડાં ભેગા બેઠક માં
પર્વ સંગ આવી અવસર બનવા આવો ને બેઠકમાં

જાય પ્રજવલ્લી શમ્માની અહીં એક ગઝલ બેઠકમાં
દર્દીલા ગીતો મહીં પુષ્પો વેર્યા મેહફિલે બેઠક માં

શબ્દો ની સરિતા વેહતી ગઝલ નાજુક બેઠક માં
થન ગન નાચે રૂપ-સુંદરી વાતો અહીં બેઠક માં

મળે છે દિલ થી દિલ અહીં શબ્દો સાથે બેઠક માં
પૂરવાને બેઠક માં પ્રાણ આવી એક ગઝલ બેઠક માં
——રેખા શુક્લ

“બેઠક” છે આંગણે-રેખા શુક્લ

મિત્રો આપણી  બેઠકના ઘણા મહેમાનો આ શુક્રવારે હાજર નહિ હોય પણ બેઠકમાં એક સર્જક તરીકે રેખા શુકલ  જે અનુભવ્યું છે તે સુંદર રીતે વ્યક્ત કર્યું છે,

 

કૂમળી કાયા કંચનવર્ણી જો ને “બેઠક” છે આંગણે
પ્રેમની હેલી ને શબ્દો નું ટોળુ “બેઠક” છે પ્રાંગણે

ગમતીલા મિત્રોનો પરિવાર જ “બેઠક” છે આંગણે
ટહુક્યા જ કરે મયુરપંખીણી રે “બેઠક” છે પ્રાંગણે

મેહફિલનું લીલુછમ્મ મેદાન છે “બેઠક” છે આંગણે
પ્રેમી પંખીડાનું ગગન ખુલ્લુ રે “બેઠક” છે પ્રાંગણે
—-રેખા શુક્લ

ઝગમગ દીવા મુબારક -દેવિકાબેન ધ્રુવ

મિત્રો આપણી  બેઠકના ઘણા મહેમાનો આ શુક્રવારે હાજર નહિ હોય પણ બેઠક આગળ વધે અને આ નાનકડી પાઠશાળા ચાલતી રહે માટે દેવિકાબેન ધ્રુવે  સરસ મજાની કવિતા મોકલી છે  સાથે બધાને યાદી

unnamed (1)