હૈયાને હળવું કરવું એટલે તેનો અર્થ કે હૈયું ભારે છે. કોઈ મૂંઝવણ સતાવે છે જે આર્થિક, સામાજિક કે કૌટુંબિક હોઈ શકે. આ મૂંઝવણ ન કહેવાય કે ન સહેવાય એવી હોય ત્યારે તેનો બોજો અસહ્ય થઇ પડે છે. આ માટે કોઈ એવી વ્યક્તિ હોવી જોઈએ જેના ખભે માથું ટેકવી આંસુ સારી અવરની વ્યથા કહી હૈયાને હળવું કરી શકાય. આ વ્યક્તિ મિત્ર હોય શકે કે કૌટુંબિક કે જેના પર વિશ્વાસ રાખી વાત કરી શકાય અને મૂંઝવણમાં રાહત મેળવી શકાય.
હું પણ આવો જ મૂંઝારો અનુભવી રહી હતી. પણ તે મૂંઝવણ એવી હતી કે ન કહેવાય ન સહેવાય એટલે કોની આગળ દિલ ખોલું તેની મને સમજ ન હતી અને અંદરને અંદર હિજરાઇ રહી હતી.
મારા લગ્નને ત્રણેક વર્ષ થવા આવ્યા હતા. આમ તો અમે બન્ને એક જ કોલેજમાં ભણતા હતા પણ એમની સાથે કોઈ ખાસ નિકટતા નહીં અને એ પણ અભ્યાસમાં મગ્ન. કોઈ છોકરી સાથે તેનું નામ ન લેવાતું એટલે કોઈ સાથે પ્રેમલગ્નનો સવાલ જ ન હતો. પણ નિયતિ ક્યારે શું કરશે તે કોણ જાણે છે? એમના કુટુંબની કોઈ વ્યક્તિ મારા પિતાને ઓળખતી હતી અને તેમને ખબર હતી કે મારા માટે મારા વડીલ મુરતિયો શોધી રહ્યા છે એટલે તેમણે મારા પિતાને એમના દીકરા માટે કહેણ મોકલી વાત કરી. બંને બાજુ યોગ્ય ચકાસણી બાદ અને જરૂરી વાતચીત બાદ આ સંબંધ નક્કી થયો અને સમય વીત્યે લગ્ન લેવાઈ ગયા.
લગ્ન પહેલા જ્યારે અમે પહેલીવાર મળેલા ત્યારે અમે એક જ કોલેજમાં હોવાની જાણ થઇ હતી. ત્યારે મેં એમને કહ્યું હતું કે જો તે વખતે મિત્રતા થઇ હોત તો અન્ય કોલેજીયનો પ્રેમલગ્ન કરે છે તેમ કરવાની તક મળી હોત જે આપણે ગુમાવી. આ ઉપર અમે બંને હસ્યા પણ હતાં.
લગ્નના શરૂઆતના દિવસો તો દરેક નવદંપતિ માટે હોય છે તેવા જ રહ્યા. મારા પતિ એક કંપનીમાં સારા હોદ્દે હતા એટલે ઠીક ઠીક કમાઈ લેતા એટલે મને કોઈ નોકરી કરવાની જરૂર ન રહી. હું ગૃહસ્થીની જવાબદારી ખુશીથી અને સુપેરે નિભાવતી હતી. ઘરમાં સાસુ સસરા, જેમની જરૂરિયાતોનો ખાસ ખ્યાલ રાખતી અને આમ તેમને માટે પણ પ્રિય પાત્ર બની ગઈ હતી. આમને આમ બે વર્ષ ક્યાં વીતી ગયા તેની અમને ખબર ન રહી પણ હજી સુધી પોતાના કુટુંબને વધારવાનો સમય નથી એમ તેઓ માનતા. અન્યો પણ તે વાત સમજતા. પણ ત્યારબાદ ક્યારેક સાસુ તરફથી આ વિષે આડકતરો ઈશારો થયા કરતો પણ તે તરફ હું વધુ ધ્યાન ન આપતી.
આમને આમ વધુ છ-સાત મહિના પસાર થઇ ગયા પણ પરિસ્થિતિ જેમની તેમ રહી એટલે સાસુએ એક દિવસ મને સીધું જ પૂછ્યું કે હવે ક્યારે આ ઘરની વસ્તીમાં વધારો કરવાની છે. મારી પાસે કોઈ જવાબ ન હતો એટલે હજી સમય છે કહી વાત તો ટાળી પણ મને પણ લાગ્યું કે હવે સમય આવી ગયો છે માતૃત્વપદ પ્રાપ્ત કરવાનો. જો કે હજી સુધી તેવા કોઈ ચિન્હ જણાતા ન હતાં.
એક સ્ત્રી એમ જ માને કે તેનામાં કોઈ ખોડ હશે એટલે હજી સુધી માતૃત્વ મેળવવાનું તેના નસીબમાં નથી. મેં પણ તેમ જ માની વિચાર્યું કે આ વ્યથા કોને કહેવી.દરેક દીકરી આવી વ્યથા એક જ વ્યક્તિને કહી શકે અને તે તેની મા. એટલે એક દિવસ મેં માને અચકાતા અચકાતા બધી વાત કરી. મા પણ સમજદાર. તેણે સલાહ આપી કે આ મૂંઝવણ કોઈ સ્ત્રીરોગ નિષ્ણાત જ દૂર કરી શકે એટલે અમે એક નજીકના સ્ત્રીરોગ નિષ્ણાતની મુલાકાત લીધી.
બધી જરૂરી તપાસ પછી તેમણે જણાવ્યું કે હું મા બનવા માટે સક્ષમ છું.. એનો અર્થ એમ થયો કે જો કોઈ ખામી હોય તો તે કદાચ મારા પતિમાં હોય શકે. પણ કોઈ પણ પુરૂષને તે નપુંસક છે તેમ સીધેસીધું તો ન જ કહેવાય. વળી તેમ છે કે કેમ તે જાણવા માટે યોગ્ય તપાસની જરૂર રહેવાની અને તે માટે તે પુરૂષને તૈયાર કરવો પડે. પણ આ વાત મારા માટે સરળ નહોતી. તેમની પાસે વાત છેડતાં પહેલાં કેટલો વિચાર કરવો પડે? વળી કોઈ મારફતે તેમને વાત કરવી એટલે પુરુષના મગજમાં અવિશ્વાસની લાગણી પેદા થવાની. આ વાત પણ હું સારી રીતે જાણતી હતી. આટલા સમયના સહવાસ બાદ હું એમના સ્વભાવને સમજી શકી હતી. અન્ય સમસ્યાઓ માટે તો હું નિખાલસપણે એમને વાત કરી શકતી પણ કોણ જાણે કેમ માતૃત્વની વાત કરતાં હું અચકાતી હતી અને તેમાં પણ એમની ચકાસણી કરાવવાની વાત કરવી તે તો અતિ મુશ્કેલ. તો હવે કરવું શું? સાસુની પણ આમાં મદદ લેવી યોગ્ય ન હતી અને મારી માએ તો કહ્યું કે આ તમારા પતિ-પત્ની વચ્ચેની વાત છે એટલે હું જમાઈરાજ સાથે કોઈ ચર્ચા નહીં કરૂં.
આમ બધા તરફથી આવો પ્રતિભાવ મળ્યો એટલે મારી માતૃત્વ માટેની મૂંઝવણ મારા હૃદય પર બોજ બની બેઠી હતી. હવે સાસુ આ વાત કાઢતા ત્યારે આકરું લાગતું પણ મારા માટે વાત ટાળવી હવે શક્ય નહોતી. તેમ કોઈની મજાક પણ સોંસરવી ઉતરી અજાણતા જ મને પીડા આપતી હતી. આમને આમ થોડા વધુ દિવસ પસાર થઇ ગયા બાદ મને લાગ્યું કે હવે હું વધુ વખત આ બોજ સહન નહીં કરી શકું. કોઈ પણ હિસાબે એમની સાથે વાત કરી હૈયાને હળવું કરવું જ રહ્યું અને એક દિવસ હું વાત કરીને રહી.
એક રાત્રે જમીપરવારી જ્યારે હું બેડરૂમમાં ગઈ ત્યારે તેઓ હજી જાગતા હતા અને ઓફિસના કોઈ કાગળો વાંચતા હતા. મેં ધીરેથી કહ્યું કે મારે એક વાત કરવી છે જે કેટલાય દિવસથી મારા હૈયાનો બોજ બની ગઈ છે. પણ તેમના તરફથી કોઈ પત્રીભાવ ન દેખાણા,કયાંથી મળે?તેઓ કાગળ જોવાનું બાજુ પર રાખે તો તે વાત કરી શકાય ને ! હું એમને જોતી રહી અને થોડીવારે તેમણે કાગળિયાં બાજુ પર મુક્યા અને મેં અચકાતા વાત માંડી. મેં કરાવેલી તપાસની વાત કહી. એમણે કહ્યું સારું..મેં આગળ વાત કરી કે મેં ડોક્ટરને પુછ્યું બધું બરાબર છે તો હું મા હજી સુધી કેમ નથી થઇ શકી? એટલે ડોકટરના જવાબ મુજબ જો આપ પણ તપાસ કરાવો તો ખબર પડે. જો બધું બરાબર હોય તો બાળક ન થવાના શું કારણો છે તેની તપાસ કરી યોગ્ય પગલાં પણ લઇ શકાય અને આ સમસ્યાનો હલ મળી જાય. મારી વાત સાંભળી એ મલકાયા અને કહ્યું કે બસ, આટલી જ વાત છે? અને તું આજ સુધી મારી આગળ દિલ ન ખોલી શકી? શું આપણા સંબંધો એવા છે? અરે, મને પહેલાં કહ્યું હોત તો ક્યારનો તપાસ માટે તૈયાર થઇ ગયો હોત. કદાચ તપાસમાં મારામાં કોઈ ખામી જણાઈ હોત તો શું થઇ ગયું? આજનું મેડિકલ વિજ્ઞાન એટલું આગળ વધ્યું છે કે તે દૂર કરવા માટે પણ રસ્તા છે. હું તો ત્યાં સુધી કહીશ કે છેલ્લે કોઈ પણ માર્ગ કારગત નહીં નીવડે તો યોગ્ય બાળક દત્તક લેવા પણ હું તૈયાર છું. આ સાંભળી મારું હૈયું કાબુમાં ન રહ્યું અને તે જ વખતે હું એમને વળગી પડી ને મારા હૈયાને અશ્રુધારા વડે હળવું કર્યું.
આગળ ઉપર તો બધું થાળે પડી ગયું. એમનામાં જ ખામી હતી તે સમય જતાં દૂર થઇ અને હું યોગ્ય સમયે એક સુંદર પુત્રની મા બની. જો મેં હિંમત હારી પોતાના હૈયાની વાત એમને ન કરી હોત તો? એટલે જ સ્વજન આગળ સંકોચ ન રાખતા હૈયાને હળવું કરવું હિતાવહ છે. અને હા, એમણે પણ વાસ્તવિકતાને સ્વીકારી સહકાર આપ્યો. આમ જિંદગીમાં સ્નેહ,સહકાર સ્વીકાર કેટલા પાસા બદલી શકે છે.
મિત્રો વાસ્તવિકતાનો સ્વીકાર કરવાથી જિંદગીની અનેક સમસ્યા ઉકેલી શકાય છે બસ માત્ર તેને સ્વીકારવાનું જીગર કેળવવાનું છે તમને કે તમારી આસપાસ અનેક વ્યક્તિ હશે જેમના હ્યુદયમાં કદાચ એક વાત ડુમો બની પડી હશે તો ક્યારેક તેમના હ્યુદયની વાત હળવેકથી ખોલાવી એમને હળવા કરજો. એમની એ વાત કદાચ કોઈને માર્ગ સુજાડશે.
નિરંજન મહેતા
Like this:
Like Loading...