૫૦ -કવિતા શબ્દોની સરિતા-રાજુલ કૌશિક-

લાગણીને સમજવા ‘શબ્દોની’ ક્યાં જરૂર છે,

વાંચતા આવડે તો આંખ પણ કાફી છે.

અજ્ઞાત

એક વરસ, બાર મહિના અને ત્રણ ઋતુઓ….

મોસમ બદલાશે માહોલ બદલાશે.. વાતાવરણ બદલાશે. શ્રાવણના તહેવારો ગયા, ભાદરવાના શ્રાદ્ધના દિવસો ય પુરા થયા અને હવે આવશે નવલા નોરતાના દિવસો… પિતૃતર્પણમાંથી પરવારીને મોકળા મને મહાલવાના દિવસો.

પણ મનમાં રહી જશે એ શ્રાદ્ધના દિવસોમાં જોયેલી, થોડી સમજેલી અને ઘણીબધી દિલને સ્પર્શેલી ક્ષણો.

શ્રાદ્ધના નામે આસ્તિક-શ્રદ્ધાળુ, અતિશ્રદ્ધાળુઓને પિતૃતર્પણ કરતાં, શ્રાદ્ધની ક્રિયા-કર્મ કરતાં સાંભળ્યા છે અને એની પાછળ ઘણા બૌદ્ધિકો કે ધાર્મિક માન્યતા-પરંપરામાં ન માનનારાઓને એ અંગે વિશેષ ટીપ્પણી કરતાં ય સાંભળ્યા છે. શ્રાદ્ધમાં કાગવાસ નાખવાના ધાર્મિક, સામાજિક, વૈજ્ઞાનિક ,પ્રાકૃતિક અને તાર્કિક કારણો પણ જાણ્યા છે. એક સમય હતો જ્યારે લોકોને કોઈપણ કાર્ય કરવા કે ન કરવાનું સમજાવવા માટે વૈજ્ઞાનિક તર્ક નહીં પણ ધાર્મિક લાગણીઓનો આધાર લેવો પડતો હતો અને એ સમયથી શરૂ થયેલી પ્રથા-પરંપરા આજ સુધી કેટલાય ધાર્મિકોએ, આસ્થાળુઓએ જાળવી રાખી છે.

આજના વ્યસ્ત સમયમાં દેવ ઋણ, ઋષિ ઋણ અને પિતૄ ઋણમાંથી આજે પિતૃ ઋણ સુધીની પરંપરા જળવાઈ રહી છે ત્યારે આ શ્રાદ્ધના દિવસો દરમ્યાન કોઈને સાવ નોખી-અનોખી રીતે આ પરંપરાને અનુસરતા ય સાંભળ્યા છે.

વાત અહીં એ પરંપરા કે એની પાછળના કારણોની નથી કરવી, વાત કરવી છે એક એવી અનુભવેલી લાગણીની…..જે થોડા વર્ષ પહેલા અનુભવી હતી અને જેનો હમણાં ફરી એકવાર અનુભવ થયો.

વાત કરું એ દિવસની….મંદિરમાં પૂજારીજી પિતાના શ્રાદ્ધ માટે વિધિ કરાવતા હતા. એક પછી એક વિધિ થઈ રહી હતી. વિધિમાં થતા સંકલ્પ સાથે આચમન, ફૂલ વગેરેનું અર્પણ થતું રહ્યું. અત્યંત શાંત ચિત્તે આ સર્વ ક્રિયા કરનાર કોઈ અત્યંત ધાર્મિક કે પરંપરાગત માન્યતાને અનુસરનાર વ્યક્તિ હતી એવું પણ નહોતું. દેશ-વિદેશની મુલાકાત લેનાર, વિશ્વભરના વિષયો પર ગાઢ વાંચન અને વિચારોની મોકળાશ ધરાવનાર, અમેરિકાની ખ્યાતનામ હોસ્પિટલ સાથે જોડાયેલા ડૉક્ટર આ વિધિ સંપન્ન કરી રહ્યા હતા.

આવી જ રીતે થોડા વર્ષો પહેલાં થઈ રહેલી વિધિ સમયે પણ લગભગ આવો જ માહોલ હતો. પિતાની પહેલી પુણ્યતિથીએ સંપૂર્ણ સમર્પણ સાથે વિધિ કરનાર એવી જ પ્રબુદ્ધ વ્યક્તિ હતી જે આજની અદ્યતન ટેક્નોલૉજીની કંપની સાથે સંકળાયેલી હતી.

શું હતું આ? એમને આ શ્રાદ્ધ, પિતૃ તર્પણ ક્રિયા પર શ્રદ્ધા હશે ખરી?

ના, સાવ એવું ય નહોતું. તો પછી આ વિધિ કરીને પરંપરાને સમર્થન આપવાનું કારણ ?

કારણની કોઈ ચર્ચા એમની સાથે કરી નહોતી પણ જે વાત આ બંને વિધિ દરમ્યાન એક વાત નજરે આવતી હતી, જે મને સમજાઈ એ હતી છોડીને ચાલી ગયેલી વ્યક્તિ કરતાં હાજર છે એ વ્યક્તિને, એની લાગણી, એમની માન્યતાઓને માન આપવાની ભાવના. કદાચ શ્રાદ્ધની વિધિથી દૂર ચાલી ગયેલી વ્યક્તિને કંઇક પહોંચશે એવી પરંપરાગત માન્યતા કરતાં હવે જે સાથે છે  અને એ જે ઇચ્છે છે એવી રીતે એને રાજી રાખવાની ભાવના, એને સંતુષ્ટ રાખવાની ખેવના એમાં હતી. કોઈ વાદ નહીં કોઈ વિવાદ નહીં, માત્ર સમર્પણની વાત અહીં જોઇ. શક્ય છે સદીઓથી ચાલી આવતી પરંપરા કે પ્રથા પર ચર્ચા કરવાની આવે તો કોઈપણ વ્યક્તિને સંમત કરી શકે એવું તર્ક સામર્થ્ય પણ એમની પાસે હતું પણ ના, અહીં બૌદ્ધિક નહીં હાર્દિક તત્વ કામ કરી રહ્યું હતું.

આજે એવા કેટલાય સંદેશા કે વાતો વહેતી થઈ છે કે વ્યક્તિના ગયા પછી એની પાછળ કારજ કરવાના બદલે એ હયાત છે ત્યારે એના માટે જે શક્ય છે એ કરો એમાં જ સંબંધોની સાર્થકતા છે.

એ બંને પ્રસંગે મને જીવિત સંબંધોની સાર્થકતા અનુભવાઈ. એ ક્ષણે એવું લાગ્યું કે આ સમર્પયામી કહીને પિતૃઓને અપાતા તર્પણ કરતાં આજે જે હાજર છે એના પ્રતિ લાગણીઓનું અર્પણ થઈ રહ્યું હતું.

દરેક સમયે જે વાંચ્યું છે, જે સાંભળ્યું છે, જાણ્યું છે એના કરતાં સત્યની પ્રતીતિ, લાગણીની અનુભૂતિ કંઇક અલગ પણ હોઈ શકે..બસ વાત છે માત્ર પૂર્વાપર કથિત વાતમાંથી બહાર નિકળીને નજર સમક્ષ જે બની રહ્યું છે એને સામેની વ્યક્તિની નજરે સમજવાની, અનુભવવાની…

જરૂરી નથી કે હંમેશા શબ્દાર્થ કે શાસ્ત્રાર્થ જ સત્ય છે..ક્યારેક પુસ્તકમાં લખાયેલી વાતોની બહાર જીવાતું સત્ય પણ સુંદર હોઈ શકે.

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

પ્રેમ પરમ તત્વ : 42:ધરતીમાતા : સપના વિજાપુરા

આખા બ્રહ્માંડ માં સૌથી વધારે  પ્રિય ગ્રહ  કયો? અને બધા એક સાથે બોલી ઉઠશે પૃથ્વી. હા, મારો પ્રિય ગ્રહ મારી માતા મારી પૃથ્વી છે. બીજા કોઈ ગ્રહમાં માનવજાત છે કે નહિ એની શોધ હજુ સુધી થઇ નથી. અને હશે તો પણ આપણે આપણી ધરાને ખૂબ  ચાહીએ છીએ.  અને જયાં ચાહત આવે ત્યાં જવાબદારી આપોઆપ આવી જાય છે.

જેમ હું મારું આંગણું સાફ રાખું છું, જેમ હું મારું ઘર સાફ રાખું છું, જેમ હું મારી શેરી સાફ રાખું છું, એમ મારે મારી આ ધરાને સાફ રાખવાની છે. ફક્ત મારા માટે નહિ, મારી આવનારી પેઢી માટે પણ મારે એની સંભાળ રાખવાની છે.

આ અઠવાડિયામાં ન્યુયોર્કયુ એસ એ માં કલાઇમેટ સંબંધી એક કોન્ફેરેન્સ થઇ જેમાં ફક્ત આ વિષે પર ચર્ચા થવાની હતી જેમાં આપણા પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ પધારેલા હતા. દુનિયાનાં મોટા મોટા લીડર આવેલા હતા. 23 સપ્ટેમ્બર થી 29 સુધી કલાઇમેટ અઠવાડિયું ગણવામાં આવ્યું હતું.

ફેક્ટરી, કોલસા અને અશ્મિભૂત ઈંધણને બંધ કરવા તથા ખેતી અને ઇલેક્ટ્રિકલ અને આબોહવાને માફક આવે તેવા સાધનો તરફ વળવું  એ આ સમીટ નો હેતુ હતો. આપણી પૃથ્વી આપણી માનું તાપમાન દર વર્ષે 3 ડિગ્રી વધી રહ્યું છે. હાલમાં અમારી અલાસ્કાના ક્રુઝ દરમ્યાન જાણવા મળ્યું કે અલાસ્કાના ઘણા ગ્લેશિયર ઉષ્ણતામાનને લીધે ઓગળી રહ્યા છે.અને છેલ્લા દસ  વર્ષમાં  સમુદ્રનું તાપમાન લગભગ આઠ ડિગ્રી વધી ગયું છે. આ કાર્બન ડાયોક્સાઈડ ના  વધારાથી બને છે. તેથી કાર્બન ડાયોક્સાઈડ ઉત્પન કરતા કેમિકલ અને ટેક્નોલોજી ને રોકી દેવા જોઈએ જેથી આપણી પૃથ્વીના તાપમાન માં ઘટાડો કરી શકીએ.

સ્વીડનની એક યુવતી ગ્રેટા થનબર્ગ  આ કામ માટે બીડું ઝડપ્યું છે. જાન્યુઆરી 3, 2003 માં જન્મેલી આ યુવતી એક ગાયિકા અને એક્ટરની દીકરી છે. 2011 થી એના મનમાં કલાઈમેટની ચિંતા થયેલી. ત્રણ વર્ષમાં એને એક બીમારી લાગુ પડી એને ખાવા પીવાનું છોડી દીધું અને વાત કરવાનું પણ છોડી દીધું.  એને કલાઇમેટ ની એટલી બધી ચિંતા હતી જેથી  એને આ ડિપ્રેશન નીબીમારી લાગુ પડેલી. અને નવમાં  ધોરણમાં આવતા એને સ્વીડનની પાર્લામેન્ટ સામે કલાઇમેટ માટે સ્કૂલની સ્ટ્રાઇક એવું બોર્ડ લઇ બેસવાનું ચાલુ કર્યું અને સ્કૂલ જવાનું બંધ કર્યું.  એના પિતાને આ વાત ગમી નહિ પણ એને જણાવ્યું કે એ સ્કૂલમાં જઈને દુઃખી થાય એના કરતા કલાઇમેટ માટે કૈક કરી છૂટવાથી  સુખી થાય એ વધારે સારો રસ્તો છે.

બે વર્ષ સુધી એને પોતાના ઘરના ને  સમજાવ્યું કે ફલાઇટ નહિ લેવાની  અને કાબર્ન ડાયોકસાઇડ ઉત્પન્ન થાય એવા વાહનો નહિ વાપરવાં. એની મા  ને તેના માટે પોતાની કેરિયર છોડવી પડી કારણકે ગાયિકા તરીકે એને ગાવા માટે પ્લેનમાં એક જગ્યાથીબીજી જગ્યાએ જવું પડતું. 

2019 ની સમીટમાં ગ્રેટા આવી તો સ્વીડનથી  બોટમાં આવી અને એને સાબિત કરી આપ્યું કે એ ખાલી વાતો નથી કરતી પણજે બોલે છે એને એક્શનમાં પણ ઉતારે છે. અત્યારે દુનિયાની ખૂબ  જાણીતી કલાઇમેટ ની ચળવળ કરવા વાળી તરીકે પ્રખ્યાતથઇ ગઈ છે. એના પગલે મિલિયન્સ ઓફ બાળકો એનિ સાથે જોડાય છે. ટી વી ઇન્ટરવ્યૂ અને રેડીઓ ઇન્ટરવ્યૂ તેમ પેપર માં ઇન્ટરવ્યૂ આપી ચૂકીછે.  અને ઘણા લીડરને એને ઊંચા નીચા કરી દીધા છે અને આંખો ખોલી  દીધી છે.અને હવે બધા આ  બાબત હકારત્મક પગલાં ભરવા માટે તૈયાર થયા છે.

પણે શું શીખી શકીએ આ સોળ  વરસની બાળા પાસેથી? આ પૃથ્વી કોઈ એકનું ઘર નથી એ આપણા બધાનું સહિયારું ઘર છે. ઘણીવાર મારા ‘એકલા’ના કરવાથી શું ફરક પડશે, એમ આપણે માની લઈએ છીએ પણ એક સે એક મિલે તો કતરા  બનસકતા હૈ દરિયા.   એમ આપણે એકબીજાની સાથે હાથ મેળવી આપણી પૃથ્વીને બચાવવાનું કામ કરી શકીએ.  રેલી કાઢી શકીએકારપૂલ કરી ગેસનો બચાવ કરી શકીએ, વાતાવરણ ને ના ગમતી વસ્તુઓ કેવી કે પ્લાસ્ટીક બેગ્સ પેપર પ્રોડક્ટ નોઉપયોગ ઘટાડી શકીયે, ગો ગ્રીન ચળવળ ચાલુ કરી શકીએ. એટ લિસ્ટ આપણે આપણી ગારબેઝમાં કેન, પેપર ,પ્લાસ્ટિકબોટલ વિગેરે ફેંકીએ છીએ  તે રિસાયકલ માં નાખીએ।. મારા એકલાથી શું ફર્ક પડવાનો છે. એના બદલે મારાથી ફર્ક પડવાનો છે એ અભિગમ રાખીએ તો આપણે આપણી આ પૃથ્વીને ઘણી સારી સ્થિતિમાં આપણી નવી પેઢીને આપી શકીએ.

આ પૃથ્વી સિવાય આપણી પાસે બીજું કોઈ ઘર નથી તેથી આ પૃથ્વીને બચાવ્યા સિવાય છૂટકો નથી. આપણને એમ લાગે છે કેહવે થોડા વર્ષમાં તો આપણે નહિ હોઈએ તો આપણે શું ચિંતા  કરવી,પણ આપણા  બાળકો આપણને દોષી માનશે કે આપણા મધર પ્લેનેટ ની સંભાળ આપણે ના લીધી।. અને હું માનું છું કે આપણી આ ધરાનું  આપણે ધ્યાન ના રાખીએ તો એ મોટું પાપછે. જેવી રીતે તમારી મા  નું ધ્યાન ના રાખો તો ઈશ્વર નારાજ થાય તે રીતે ધરતીમાતાનું ધ્યાન ના રાખો તો ઈશ્વર નારાજથાય.આપણા બાળકોને જો પ્રેમ કરતા હોઈએ તો આપણી ફર આવે છે કે આપણે એને એક તંદુરસ્ત વાતાવરણ આપીએ. અને ઈશ્વરે આપેલી આ ધરતીની સંભાળ લઈએ એ પ્રેમ છે અને એ પરમ સુધી પહોંચાડશે.

સપના વિજાપુરા

હળવે થી હૈયાને હલકું કરો.-17

તે દિવસે મમ્મી મારા રૂમમાં આવી દૂધ આપવા આમ તો  દૂધ આપવાના બહાને વાત કહેવા.તું કેટલી મહેનત કરે છે આ જોબ ગોતવા માટે
શું કરું મમ્મી મને ગમતો જોબ કરવો છે અને ત્યાં માંગ એટલી છે કે મારો ચાન્સ લાગશે કે નહિ એટલે તૈયારી કરવી પડશે.
બેટા તું જોબની તૈયારી કરે છે અને તારા પપ્પા તને પરણાવાની.
નાના મમ્મી મને લગ્ન હમણાં નહિ કરવા
જો બેટા આ બધું તો ચાલ્યા જ કરવાનું.આ તો તું લગ્ન પછી પણ કરી શકે છે.
ક્યાંથી થાય ?
એના અવાજમાં થોડી ભવિષ્યની ભીતિ વર્તાય છે, આ સવાલ પાછળ કેટલાક જવાબોની અપેક્ષા દેખાય છે.
જો મમ્મી પાંચ વર્ષ મહેનત કરું તો બાકીના પચાસ વર્ષ આરામથી નીકળી જાય.’ એ છોકરી એ પોતાની અંદરની વાતોને બહાર વહેતી મૂકી.મમ્મી મારે જલસા કરવા છે. મોજ કરવી છે. હજુ પોતાના માટે જીવવું છે. પછી તો બીજાના માટે જ કરવાનું છે બધું..!’‘હજુ હું એ દરેક માટે તૈયાર નથી, એવું મને લાગે છે. આઈ વોન્ટ ટુ એન્જોય માય લાઈફ.
એતો તું તારા જીવન સાથી સાથે બમણી રીતે કરીશ ને ?
હું આખા ઘરની જવાબદારી કઈ રીતે લઈશ? મારે મેરેજ નથી કરવા હમણાં. જો ભણી લઉં તો લાઈફ થઇ જશે .’મારે સાસુ-સસરા… એવા બધા સંબંધ હજુ નથી જોડવા અને એ લોકો મને કામ કરવાની રજા આપશે?
પણ બેટા ભવિષ્યથી આટલું ડરીને કેમ જીવવાનું? તું પ્રશ્નો સાથે શ્વાસ લઇ જીવે છે
આમ કરીશને તો આપણને માત્ર નેગેટિવ વાતોની અસર રહેવાથી તેનો નશો ચડી જાય છે? ભવિષ્યની હકીકતનો સામનો ન કરતા દૂર ભાગવું, . પછી નો ટેન્શન..! તારા ઉપર રાજ કરશે… ભવિષ્યમાં કોઈ જ દુઃખ સહન નથી કરવા અને અત્યારે સેટ થઈશ તો દુઃખ આવશે જ નહિ એના એજ વિચારે  વિચારને એક ગ્રંથિ બનાવીને જીવવું એ શક્ય છે?
આવા કન્વર્ઝેશન કેટલીયે વાત પર મોટા ભારે-ભરખમ પ્રશ્નાર્થચિહ્નો મને આપ્યા ત્યારે વિચાર આવ્યો આમાં મારો શો દોષ? આપણા સમાજની વ્યવસ્થા જ એવી છે કે સ્ત્રીને ત્યાગ કરવો પડશે.મારે બીજી સ્ત્રીની જેમ ઘેટાં જેવી જીદગી નથી જીવવી.
મારી મમ્મી કશું ન બોલી અને સ્મિત સાથે હસી .
બેટા મેં તને એટલે જ ભણાવી હતી કે તું ડરીને ન જીવે એક જ ઘરેડમાં અને ‘સોશિયલ એપ્રુવલ’ના લેબલ સાથે તું હજી પણ જીવવાની છો.સામાજિક, વ્યવહારિક અને આર્થિક ફોર્માલીટી-ભર્યા સંબંધોનું દબાણ સાથે તું જીવે છે.તું ભણેલી છો પણ તે તારી આજુબાજુ એક સમાજનું એવું જાળું સાચવીને રાખ્યું છે કે તું પાંચ વર્ષ પછી પણ પરણીશ તો પણ નીકળશે નહિ. તારે માત્ર પાંચ વર્ષ નથી જીવવાનું એ પછી પણ મુક્ત મને જીવવાનું છે.‘શું ખરેખર તું લાઈફને એન્જોય કરે છે?’ વ્યક્તિ એ વસ્તુની પાછળ જ દોડ્યા કરવાની જરૂર નથી.થોડું રિઅલ બનવું પડશે તારે, સ્વીકાવું પડશે, તું ભણી ને? તો અને આત્મસાત કરવું પડશે.તું તો મેં જે કર્યું તે ઘરેડમાં ચાલે છે.તારે પરણવું હોય ત્યારે પરણજે પણ એ ઘરેડમાંથી બહાર નીકળીશ તો જીવનને માણીશ બાકી આ પાંચ વર્ષ પણ તું માત્ર ભવિષ્યના ડરથી જીવવાની છો.આ ડર નામનો સિંહ તો આખો દિવસ  આખી જિંદગી તને ડરાવશે,પ્રોબ્લેમ્સને આવકારી લે, અનુભવોની લ્હાણી કરી જિંદગીનો આનંદ લેતા શીખી જા.ભવિષ્યનો  ડર રાખ્યા વગર વર્તમાન સાથે પૂરી પ્રમાણિકતાથી વર્ત, જિંદગીની દર્રેક ક્ષણ સુંદર હોય છે.
મમ્મી તો ચાલી ગઈ મને આજે પણ એમની આ વાત મને જીંદગીમાં આનંદ લેતા શીખવે છે.તેમનું એ વખતે માની નહિ અને પાંચ વર્ષ પછી લગ્ન કર્યા પણ સ્થિતિ એની એજ નવી જવાબદારી નવા સંબધો, અને તેને સ્વીકારવાનો ડર..વર્ષોથી લાગેલું આ ડરનું કેન્સરથી શા માટે ?
પુત્ર જન્મનો આનંદ ત્યારે જ મળે જયારે પસ્તુતીની પીડા અનુભવીએ.બસ આજ વાતને મારી જીંદગીમાં હવે વણી લીધી છે. હું જીવનના દરેક અવરોધ સાથે જિંદગી માણું છું.હવે ડર નથી પણ વાસ્તવિકતાને સ્વીકારવાની તૈયારી છે. અવરોધ થકી આત્મવિશ્વાસ દ્રઢ બને છે અને સંતોષ ઉચ્ચ કક્ષા એ જાય છે.ડર માણસને રોજ રોજ મારે છે.બસ હૈયામાં જે સુજ્યું એ કહ્યું છે.આ હૈયાની વરાળ નથી અને હલકું થયાનો અહેસાસ પણ નથી ‘સુધારવાનો’ નહિ પરંતુ ‘સ્વીકારવાનો’ પ્રયત્ન અને એની સફળતાની વાત છે.
મિત્રો જીંદગીમાં અમુક વાતો વહેંચવાનો પણ આનંદ હોય છે મને જે મળ્યું એ તમે પણ મેળવો એવા ભાવ સાથે તમે પણ તમારા હૃદય ની વાત હળવેકથી કરી હળવા થાવ તો મોકલો તમારી કોઈ એક વાત અને બીજા સાથે વેહ્ચી આનંદ કરો.

૪૭ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

બાંધી મુઠ્ઠી લાખની ને ખૂલી જાય તો ખાકની

બંધ મુઠ્ઠી એટલે છૂપાયેલા રહસ્યો. મુઠ્ઠી ખુલે ત્યારે જ તેમાં રહેલા કંઈક રહસ્યો છતાં થાય છે. બંધ મુઠ્ઠી ખાલી પણ હોઈ શકે અને ભરેલી પણ. મુઠ્ઠી કોની છે તેના પર તેનો આધાર હોય છે. માણસ જન્મે છે બંધ મુઠ્ઠી સાથે. ધીમે ધીમે મુઠ્ઠી ખૂલતી જાય છે. બંધ મુઠ્ઠીમાં ભાગ્યની રેખાઓ હોય છે. એક સરસ હિન્દી ગીત છે, “નન્હે મુન્ને બચ્ચે તેરી મુઠ્ઠીમેં ક્યા હૈ?  મુઠ્ઠીમેં હૈ તકદીર હમારી, હમને કિસ્મત કો બસમેં કિયા હૈ.”

આખી જિંદગી માણસ બંધ મુઠ્ઠી રાખીને જ ફરતો હોય છે. માણસ જેવો દેખાય છે તેવો હોતો નથી. એ મુઠ્ઠીમાં તેની દીનતા અને હીનતાને છુપાવે છે. તમામ દુઃખો, દુર્ગુણો અને નકારાત્મકતા તેની મુઠ્ઠીમાં બંધ હોય છે. સમાજમાં મૂછ ઉપર તાવ દઈને ફરતો હોય છે. મુઠ્ઠી જ્યાં સુધી બંધ હોય ત્યાં સુધી તેની કિંમત વધુ હોય છે. પરંતુ મુઠ્ઠી ખૂલતા, એટલે કે ઘટના પરથી ઢાંકેલી બાબત કે વસ્તુ પરથી પડદો ઉંચકાતા તે બાબત ઉઘાડી પડી જાય છે, લોકોની નજરમાં આવી જાય છે. તેથી એ મૂલ્યવાન રહેતી નથી. જો કે તેનું મૂલ્ય જોનારની દ્રષ્ટિ પર અંકાય છે.

ઊજળું એટલું દૂધ અને પીળુ તેટલું સોનુ હોતું નથી. ધનવાન દેખાતો માણસ દેવામાં ડૂબેલો હોય છે. સમસ્યાઓ વચ્ચે ઘેરાયેલો માણસ બહારની દુનિયામાં સુખ અને ઐશ્વર્યનો આંચળો ઓઢીને ફરે છે, માટે અનેક રોગોનું ઘર બને છે. આ પરિસ્થિતિ ઝાઝી ટકતી નથી. વાત બહાર જાય નહીં, કોઈને કહેવાય નહીં. ક્યારેક ઘરની વાત બહાર જાય નહીં તે પણ જરૂરી હોય છે. સમાજમાં સ્થાન મેળવવા નકલી ચહેરો બતાવવો પડે છે. કારણ કે સમાજ સુખનો સાથી છે, દુઃખનો નહીં. સુખમાં મધપૂડા પર જેમ મધમાખીઓ ચોંટે તેવું સ્થાન તમારું હોય છે. જ્યારે દુઃખમાં સૌ દૂર થાય છે. મુઠ્ઠી ખોલે સ્વજનો આંગળીના વેઢે ગણાય તેટલા જ રહી જાય છે. કોઈની પાસે દિલ ખોલવાનો જમાનો હવે રહ્યો નથી. માણસ પોતાની ચિંતાઓથી ઘેરાયેલો રહે છે, પરિણામે પોતાની ચિતાનો ખડકલો પોતે જ ઊભો કરે છે અને આત્મહત્યાના કેસ વધતા જાય છે. સુખને વહેંચવાથી વધે છે તેમ દુઃખ વહેંચવાથી ઘટે છે તેવું જો વ્યક્તિ સમજશે તો બંધ મુઠ્ઠી ખોલવી પડશે.

કેટલીકવાર એવું લાગે કે મુઠ્ઠી ખૂલે અને હાથની રેખાઓ કોઈ જોઈ જાય એના કરતા બંધ મુઠ્ઠી સારી. તીન પત્તીની રમતમાં બ્લાઈન્ડ ખેલનાર જીતતા હોય છે. એક સરસ જૂના જમાનાની વાર્તા છે. સાસુના મૃત્યુ પછી સસરાની જવાબદારી દીકરા-વહુ પર આવી ગઈ. ગળતી ઉંમરે વહુ સસરાની કાળજી રાખે તે ખૂબ જરૂરી હતું. અનુભવી સસરાએ પલંગ પાસે એક પટારો તાળું મારીને રાખેલો. રોજ રાત્રે બારણું બંધ કરી પટારો ખોલી એક જ સોનામહોર અનેકવાર પછાડીને સો વખત ગણતરી કરતાં. બહાર દીકરા-વહુને થતું બાપા પાસે સો સોનામહોર છે. બસ, આ લાલચે તેમની સરભરા ખૂબ સરસ થતી. સમયાંતરે બાપા દેવલોક પામ્યા. પટારો ખૂલતાં માત્ર એક જ સોનામહોર નીકળી. આ વાર્તા સૂચવે છે, બાંધી મુઠ્ઠી લાખની ને ખૂલી જાય તો ખાકની. આ છે બંધ બારણાંની વાત.

પહેલાંનો જમાનો સોંઘારતનો હતો. છતાં માંડ બે ટંક રોટલા ભેગા થતાં હોય તેવાં પરિવારો હતાં. આછી કમાણી, વ્યવહાર સાચવવાના, બહોળા કુટુંબની જવાબદારી, ત્રેવડ કરીને બચાવેલા પૈસા પણ વાર-તહેવારે સાફ થઈ જતાં અને વ્યાજ ભરીને લોકો જીવતાં. પેટે પાટા બાંધીને ઘરની વિધવા ડોશીમા, પ્રસંગે બાંધી મુઠ્ઠી લાખની કરીને કુટુંબની આબરૂ જાળવતી. ક્યારેક પરિવારના સભ્યો ચાર દીવાલોમાં ભૂખ્યા રહીને બહાર જઈને ઓડકાર ખાઈને આબરૂ જાળવતાં.

બંધ મુઠ્ઠી એટલે ભ્રમણા. જે સમગ્ર સંસારને ગતિમાન રાખવા માટેની જીવાદોરી છે. મુઠ્ઠી ખૂલી જાય અને સામેની વ્યક્તિ માટેની ભ્રમણાઓ તૂટી જાય ત્યારે સંબંધોના સમીકરણો બદલાઈ જાય છે. ભરમના વમળમાં ફસાયેલો માનવી જ સંસાર-સાગરને સારી રીતે તરી શકે છે. ભ્રમણાનો આંચળો ઓઢવો જરૂરી છે. સાંસારિક જીવન અને ભરમને શરીર અને પડછાયા, આગ અને ધુમાડા જેવો સંબંધ હોય છે, માટે જ કહેનારે કહ્યું છે, જિંદગીને પણ વાંસળી જેવી બનાવો. છેદ ગમે તેટલા કેમ ન હોય!! પણ અવાજ તો હંમેશા મધુર જ નીકળવો જોઈએ.

સંવેદનાના પડઘા-૪૮ તું મારો રાજા ,હું તારી રાણી

આઝાદ જીમમાં કસરત કરી પરસેવે રેબઝેબ થઈ ગયો હતો.સુનયનાદેવી બરાબર તેની સામેની બાજુ આઝાદ દેખાય તેવરીતે સાઈક્લીંગ કરી રહ્યા હતા.આઝાદએવો ફૂટડો નવયુવાન -છ ફૂટ બે ઈંચ ઊંચો,કસરત કરીને ચુસ્ત બનાવેલ પહોળી છાતીવાળુ પૌરુષત્વ નીતરતું બદન,ભીનો વાન અને કોઈને પણ ગમી જાય તેવું સ્મિત….આઝાદ લોકરમાંથી પોતાના કપડાંની બેગ લઈને સ્વીમીંગપુલ તરફ ગયો.બાથરુમમાં શાવર લઈ તે સ્વીમીંગપુલમાં ડાઈ મારી જયાં પુલમાં પાણીની બહાર આવ્યો ,તો તેના શરીર પર કોઈ સુંવાળો હાથ ફરતો હોય તેવું તેને લાગ્યું.પોતાનાથી ભૂલમાં કોઈ સ્ત્રીને અડકી જવાયું કે કોઈ જાણી જોઈને તેના શરીરને સ્પર્શી રહ્યું હતું !!,તે બેઘડી તેને ન સમજાયું.પુલનાં પાણીમાંથી જેવું તેનું માથું બહાર આવ્યું તો ,સુનયનાદેવી હોલ્ટર સ્વીમીંગસુટમાં હાસ્ય વેરતા આઝાદના ‘Sorry Medam’ નો ‘It’s ok ‘ જવાબ આપી રહ્યા હતા.

પોતાની ઓળખાણ આપતા તે બોલ્યાં “ હું લાલચંદ રાયચંદની પુત્રવધુ ,સુનયના રાયચંદ ,મિસિસ સુકુમાર રાયચંદ”

સુનયનાદેવીની ઓળખ સાંભળતાંજ આઝાદ બેહાથ જોડી તેમને નમસ્કાર કરવા લાગ્યો ,તો સુનયનાએ તો હસ્તધૂનન કરી ,તેને ભેટી ,તેના કસરતથી ચુસ્ત બનેલા શરીરના વખાણ કરવા માંડ્યા.આઝાદને સુનયનાદેવીનું વર્તન જરા અજુગતું લાગ્યું પણ આવા વગદાર,નામી ,કરોડપતિના પત્ની હોવાથી તેમના નામી નામથી અભિભૂત થઈ તે ચૂપચાપ હસતો જ રહી તેમની વાતમાં હામી ભરતો રહ્યો.એટલામાં સુનયનાદેવીએ તો તેને તૈયાર થઈને બહાર આવે એટલે કોફી પીવાનું આમંત્રણ પણ આપી દીધું.આટલી મોટી હસ્તીના આમંત્રણને તો તે ઠુકરાવી જ કેમ શકે? બંને જણા કોફી સાથે સેન્ડવીચ ખાઈને છૂટા પડ્યા.છૂટા પડતા પડતા ઔપચારિક વાતોમાં સુનયનાએ આઝાદની ઘણી વાતો જાણી લીધી હતી.તેના માતપિતા કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા.દાદીએ તેને મોટો કર્યો અને ભણાવ્યો હતો.હમણાં થોડા સમય પહેલાંજ તેમનો પણ સ્વર્ગવાસ થયેા હતો.તે હવે એમ.બી.એ કરીને નોકરીની શોધમાં હતો.આઝાદે તો તેમને વગદાર માની પોતે જોબની શોધમાં છે તેવું કહેલું પણ તેમણે કીધું “હવે તારે જોબની જરુર નથી ,તને જોબ મળી ગઈ સમજને!”

આઝાદ વિચારતો રહી ગયો.તેને કંઈ સમજાયું નહીં. જોબ મળી ગઈ!!!

હવે તો રોજ સુનયનાદેવી આઝાદના જીમનાં સમયે જ જીમમાં આવતાં અને તેની સાથે સમય વિતાવવા કોફી પીવા કે લંચ કરવા  પણ આઝાદને લઈ જતા.આઝાદ આમતો તેમનાથી વીસ વર્ષ નાનો હતો. શરુઆતમાં તો આઝાદ પણ તેમના વર્તનને સમજી નહોતો શકતો.તેમના પૈસા અને વગથી પોતે કામકાજમાં ક્યાંક સેટ થઈ જશે તેમ સમજી તે પણ તેમની હા માં હા ભેળવી ચાલતો હતો.તેમના પતિ સુકુમાર રાયચંદ ધંધાના કામ અંગે હમેશાં દેશ-વિદેશ ફરતા રહેતા.સુનયનાને બાળક હતું નહી.સુનયનાના પિતા પણ ગર્ભશ્રીમંત હતા.પૈસાદાર મિલએજંટેાની એક જુદી નાત હોય છે.પોતાની પ્રતિષ્ઠા સમાજમાં જળવાય અને લોકો વાહ વાહ કરે તેમ વિચારી પોતાની સ્વરૂપવાન ,તેજસ્વી સુનયનાને રાયચંદ કુંટુંબનાં પીપ જેવા જાડા કદરુપા સુકુમાર સાથે તેના પિતાએ પરણાવી દીધી હતી.સુકુમારને રાયચંદ શેઠ પોતાના વિશાળ દેશવિદેશમાં પથરાએલ વેપારમાં કાબો બનાવવા જોડે લઈને ફરતા.

એ દિવસે આઝાદની પચ્ચીસમી વર્ષગાંઠ હતી.ફોન કરીને દરિયા કિનારાના આલીશાન સાગરમહેલ
એપાર્ટમેન્ટનાં વીસમાં માળે સુનયનાએ આઝાદને બોલાવ્યો.સુંદર સજાવટ કરેલ અદ્યતન ફર્નીચરવાળો વિશાળ ફ્લેટ જોઈ આઝાદ વિસ્મય પામી ગયો.”મેડમ કોના ત્યાં આવ્યા છીએ આપણે?” તેના જવાબમાં તે તેને હાથ પકડીને પાછલા માસ્ટરબેડરુમની બાલ્કનીમાં લઈ ગઈ.સૂર્યાસ્તનાં સમયનો લાલઘૂમ સૂરજ તેની લાલિમા આકાશ અને ધરતી પર પાથરી રહ્યો હતો. ઉછાળા મારતો સાગર આકાશની લાલિમાને ચૂમવા જાણે ગાંડોતૂર  બની ગયો હતો.આ પ્રકૃતિની માદકતાને લઈને વાતો પવન સુનયનાની વિશાળ બાલ્કનીનાં હીંચકાને ઝુલાવી રહ્યો હતો.

સુનયનાએ આઝાદને ફ્લેટની ચાવી અને સાથે બી.એમ.ડબલ્યુ કારની ચાવી આપી. વર્ષગાંઠની  સુનયનાની
આવી ગીફટથી આભો બનેલો આઝાદ મેડમ…….મેડમ …..આટલું બધું…….બોલતો રહ્યો અને આજથી હું તારી મેડમ નહીં  ખાલી સુના….. આવું કહેતાની સાથે તેને રુમમાં પલંગમાં સુવાડી આવેગમાં આવી તેના કપડાં ફાડી તેને હતો નહતો કરી દીધો. પોતાની તરસી યુવાનીની શરીરની ભૂખને મિટાવવા તે આઝાદ પર તૂટી પડ્યા.પિસ્તાલીસ વર્ષે પણ ત્રીસ વર્ષના યુવતી હોય તેવું સુંદર આરસપહાણની કોતરેલ પ્રતિમા જેવું બદન જોઈ આઝાદે પણ પોતાની જાતને લુંટાવી દીધી.

આખીરાત આમ જ વિતાવી થાકીને સૂઈ ગએલ બંને જણ મળસ્કે ઊઠ્યા.સુનયના પોતાની જાતે ચા બનાવી ટ્રે લઈને આવી.તેણે આઝાદને બેડમાં જ ચા આપી.

હજુ આઝાદ તો સુનયના ચા આપે તો ઊભો થઈ જતો હતો.સુનયનાએ ચાની ટ્રેની સાથે લાવેલ કંકાવટીમાંથી કંકુ લઈ તેના કપાળમાં ચાંલ્લો કર્યો અને ચોખા લગાવ્યા.તેનાં કપાળ પર અને હોઠ પર પ્રેમથી ચુંબન કર્યું અને કહ્યું

“તું આજથી આખેઆખો મારો અને હું તારી. તારે હવે કોઈ જોબ કરવાની જરુર નથી.”

આઝાદે પૂછ્યું  “ તમારા પતિ? તે આપણા સંબધ અંગે જાણશે તો? રાયચંદ શેઠને ખબર પડશે તો?
હું તો એક નાનો માણસ છું”

સુનયનાદેવીએ કીધું “તું હવે નાનો નથી.મારા સમગ્ર સામ્રાજ્ય પર હવે તારું રાજ!
એ લોકો કંઈ નહી બોલે ……મને અત્યાર સુધી દબાવીને રાખી છે.સમાજની પ્રતિષ્ઠાને બહાને……
હું પરણીને અઢાર વર્ષની આવી હતી……સુકુમાર પુરુષમાં જ નથી…..રાયચંદ શેઠ…….સુકુમાર
અને દીકરીના યૌવનથી વધારે સમાજમાં પોતાની પ્રતિષ્ઠાનો વિચાર કરનાર મારા માતપિતા …..
સૌએ ભેગા મળી મારા યૌવનને રેતમાં રગદોળી નાંખ્યું છે.મારું જીવન તહસ નહસ કરી નાંખ્યું છે.
તું સ્વપ્નમાં પણ વિચારી ન શકે એવા પૈસા,સાહેબી અને એશઆરામની લાંચ આપી તેમણે સમાજમાં તેમની પ્રતિષ્ઠાને હાની ન પહોંચે તેનો સોદો મારી સાથે કર્યા કર્યાે.હવે મારો વારો છે.માત્ર પૈસાથી સુખ ખરીદી શકાતું નથી કહી તે ધ્રુસકે ધ્રુસકે રડી પડી……”

ફરી શાંત થઈ તે બોલી,

“હવે કોઈ કંઈ નહી બોલે…..બધું હતું તેમ મોઘમ જ ચાલશે……
પણ આજથી “તું મારો રાજા અને હું તારી રાણી”

સુનયનાએ બાલ્કની ખોલી  અને જોરદાર સુસવાટા સાથેના  વહેલી સવારના ઠંડા પવને રુમમાં તાજગી ફેલાવી દીધી.સાથે રસોડામાં વાગી રહેલ જૂના પાંચ હજાર ગીતના ગીતમાલા કાર્નિવલમાં વાગી રહેલ ગીતના અવાજે વાતાવરણને  પલટાવી દીધું….
તુમ જો મિલ ગયે હો તો …..યે લગતા હૈ કે …..જહાઁ મિલ ગયા….
એક ભટકે હુએ  રાહી કો કારવાઁ….. મિલ ગયા…. કે જહાઁ મિલ ગયા…
Sent from my iPad

ધર્મ અને સાહિત્ય

ધર્મ અને સાહિત્યને ખૂબ ગહેરો સંબંધ છે.  ધર્મની સ્થાપના જ સાહિત્યથી થાય છે.  સાહિત્ય એટલે શું ?  અને સાહિત્યનું સર્જન કેવી રીતે થયું?  માં બાળકને હાલરડું ગાય – એ પોતાની માતૃ ભાષામાં , એની સાથે વ્હાલ કરે અને કાલીઘેલી ભાષામાં લાડ લડાવે એ સાહિત્યનું જ સર્જન થાય છે.  બાળક માં પાસેથી બોલતાં શીખે, શબ્દો શીખે અને આગળ જતાં જેમ બાળક મોટું થતું જાય એટલે માં-બાપ તેને સારાં -નરસાનું ભાન કરાવે.  આ બોલાય અને આ ન બોલાય.  વડીલોને વિવેકથી બોલાવાય.  મોટા થાય પછી ધર્મનું જ્ઞાન પણ માં-બાપ પાસેથી જ મળે છે.
 
તો ધર્મ એટલે શું?  ધર્મ એટલે તમારું આચરણ .  નિજ જીવન જીવવાની રીત.  માનવીનું જીવન એવું હોવું જોઈએ કે ધર્મ એમાંજ સમાય જાય.  જેવું કે સત્ય બોલવું, દુરાચારી ન હોવું, અન્યને દુઃખ ન દેવું, ચોરી ન કરવી, સેવા ભાવ કેળવવો, અપેક્ષા રહિત રહેવું, જીવ દયા કરવી, વીગેરે.
 
એટલે ધર્મને આપણે સામાન્ય જીવનમાં વણી લેતાં હોઈએ છીએ અને ધીમે ધીમે એને શબ્દોનું સ્વરૂપ આપી સાહિત્યનું સર્જન કરીએ છીએ.  મીરાંબાઈએ જે ભજનો અને પદો ગાયા છે એમાં શ્રી કૃષ્ણને શબ્દે શબ્દે વીણી લીધા છે.  ” માઇ મૈને ગોવિંદ લીન્હો મોલ, કોઈ કહે છાને, કોઈ કહે છુપકે, કિયો હૈ બજંતા ઢોલ ”   “પગ  ઘુંઘરુ બાંધ મીરાં નાચી રે, મૈં તો નારાયણ કી આપહી હો ગઈ દાસી રે “
” બોલ મા, બોલ મા, બોલ મા રે, રાધાકૃષ્ણ વિના બીજું બોલ મા, સાકર શેરડીનો સ્વાદ તજીને, કડવો તે લીમડો ઘોળ મા રે “
 
તો નરસિંહ મહેતાએ સમગ્ર ભાવ એનાં ભજન અને પદો થકી દર્શાવ્યા છે.
“વૈષ્ણ્વ જન તો તેને કહીએ, જે પીર પરાઈ જાણે રે,  પરદુઃખે ઊપકાર કરે તો ય મન અભિમાન ન આણે રે “
“અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જુજવે રૂપે અનંત ભાસે
દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઇ વેદ વાસે
જાગીને જોઉં તો જગત દીસે નહીં, ઉમાં અટપટાં ભોગ ભાસે “
 
એ પછી બ્રહ્માનંદ થઇ ગયા- એમણે 8000 આઠ  હજાર પદો લખ્યા છે માનવીને અસત્ય, કપટ વીગેરે હલકા આચરણથી બચીને સુમાર્ગે જવાનો ઊપદેશ આપ્યો છે.  તેમણે રાધા-કૃષ્ણના કાવ્યો રચ્યા છે તેમજ જ્ઞાન -વૈરાગ્યનાં પદોમાં સંસારને મિથ્યા ગણાવ્યું છે.
એમનું એક પદ છે જે “બાળપણ તેં જીવ અજ્ઞાની, ખબર વિનાનું ખોયુજી, સારું ભૂંડું કાંઈ ન સૂઝ્યું , રમતમાંહી મન મોહયુ જી “
 
ભક્ત દયારામ ભક્તિયુગનો છેલ્લો પ્રતિનિધિ કવિ તરીકે ઓળખાય છે.  દયારામ ગરબી માટે પ્રખ્યાત છે એની ગરબીમાં મિલનનો તલસાટ અને મિલનનો આનંદ દૃષ્ટિગોચર થાય છે.  “પ્રગટ મળે સુખ થાય ” આ પદમાં દયારામે સાકાર અને નિરાકાર ભક્તિનો ભેદ સચોટ દૃષ્ટાંત અને દલીલો વડે સમજાવે છે.
“પ્રગટ મળે સુખ થાય, શ્રી ગિરિધર પ્રગટ મળ્યે સુખ થાય
અંતરયામી અખિલમાં છે તેથી કહો કોનું દુઃખ જાય “
 
હરીન્દ્ર દવેની નવલકથા :” માધવ ક્યાંય નથી ”  અને એમનું કાવ્ય માધવ ક્યાંય નથી મધુવનમાં , ફુલ કહે ભમરાને, ભમરો વાત વહે ગુંજનમાં : માધવ ક્યાંય નથી મધુવનમાં ”  ખૂબ જ રસપ્રદ રીતે રજુ કર્યું છે એમાં કવિહદયનો ધબકાર સંભળાય છે.  સમાજનાં અગત્યના પ્રશ્નોને માનવીય દૃષ્ટિકોણથી નિહાળી સહજભાવે એમણે રજુ કર્યા છે.
 
તો પ્રીતમના આ પદે આપણને ભક્તિરસની ચુનોતી આપી છે કે :  હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને
                                                                                        પરથમ પહેલું મસ્તક મૂકી વરતી લેવું નામ
 
એટલે સાહિત્ય, કાવ્યો અને પદોને ધર્મ ની સાથે સીધો સબંધ હતો, છે અને રહેશે.
 
સેવા – સેવા ધર્મનો જ એક ભાગ છે.  તમે કોઈને માટે કંઈક કરો, અપેક્ષા વગર, નિસ્વાર્થપણે તો તે સેવા ગણાય.  આપણા ભારતમાં એવા અનેક મહાનુંભૂતિ થઇ ગયા જેઓએ સમગ્ર જીવન સેવા ભાવે અર્પી દીધું.  બાળકોને થતો અન્યાય ખૂબ પ્રચલિત છે કૈલાસ સત્યાર્થીએ આ બીડુ ઝડપ્યું અને નાની વયનાં બાળકોની પાસે કામ ન કરાવતા, નિશાળે મોકલવાનું નક્કી કર્યું.  ગામડે ગામડે ફરી તેઓ આ કાર્ય કરતા રહયા.  અનેક મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડ્યો.  બાળકોનો ઊપયોગ કરી તેઓની પાસે શોષણવૃત્તિથી કામ લેવું એ જરાપણ ઊચિત ન હતું.  કૈલાસ સત્યાર્થીએ  અસંખ્ય બાળકોને આ દોજખમાંથી બચાવ્યા અને શાળામાં દાખલ કરાવ્યા.
અત્યારે પણ એમનું કામ તો ચાલી જ રહ્યું છે.  સેવા ધર્મનો જ એક વિભાગ છે.
 
સાહિત્ય દ્વારા સમાજ સુધારકનું કાર્ય પણ હંમેશ થતું રહયું છે.  દેશની સેવા કરવી, એને માટે બલિદાન દેવુ એ ધર્મ અને સંસ્કૃતિનો ઉચ્ચત્તમ દાખલો છે.  કવિ નર્મદાશંકર લાલશંકર દવે એ સહુને જીવનનો સંગ્રામ લડતા શીખવાડ્યું.  જીવન એક સંગ્રામ છે.  નર્મદ નું જીવન એક મહાસંગ્રામ હતું.  વહેમ, અજ્ઞાન, પાખંડ, કુરૂઢિ વિગેરે અનિસ્ટો સામે એને ઝઝૂમવાનું હતું.  જુનું તોડીફોડીને નવું સર્જન કરવાનું હતું.  એટલે આ સુધારક કવિ નર્મદાશંકર ગુજરાત અને ગુજરાતી પ્રજાનો સર્વદેશીય ઊત્કર્ષ અને વિકાસ ઈચ્છે છે તો તેઓ શું લખે છે : ”  સહુ ચાલો જીતવા જંગ “
સહુ ચાલો જીતવા જંગ,  યાહોમ કરીને પડો,  ફતેહ છે આગે
કેટલાક કર્મો વિષે ઢીલ નવ ચાલે, શંકા ભય તો બહુ રોજ હામને ખાળે
 
તો જ્યોતીન્દ્ર દવે જેવા લેખકો તેમની હાસ્યકાર શૈલીથી સમાજમાં ભિન્ન ભિન્ન પ્રકૃતિ ધરાવતાં માનવીઓ હોય છે જેમના વર્તનથી માનવી ત્રાસી જાય છે.  એમણે આ વર્ગના માનવીનાં વર્તનનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી એના નિબંધમાં આ નબળાઈ તરફ વેધક કટાક્ષ કર્યો છે.
 
તો કાજલ ઓઝા વૈદ્ય એ ધર્મ અને સાહિત્યને પૂરો ન્યાય આપ્યો છે.  એમણે માણસ થઈને જીવેલા ઈશ્વરની વાત એમના લેખનથી,
સાહિત્ય દ્વારા સમાજને આપી છે.  અહીં કેટલાકનો ઊલ્લેખ કરું?   સાહિત્યનાં ક્ષેત્રે અસંખ્ય કવિઓ અને સાહિત્યકારો છે જેઓએ ધર્મને સાહિત્યમાં વણી લીધો છે.
 
વિદેશોમાં ધર્મને રિલિજન તરીકે ઓળખાવે છે.  આપણે એવું નથી કહેતા.  હિંદુ ધર્મમાં જે તત્વો છે તે તત્વો આખું વિશ્વ સ્વીકારશે કારણકે એ જડ તત્વો નથી.  જ્ઞાન, વિજ્ઞાન અને અધ્યાતમ ઉપર નિર્ભર છે.  આપણે માટે ધર્મ એ આપણું આચરણ છે.  વે ઓફ લિવિંગ એ ધર્મ છે.  તમારું નૈતિક જીવન કેવું જીવો છો !!  સંસ્કારમય જીવન એજ ધર્મ……….
 
જયવંતી પટેલ
 

૪૯ – કવિતા શબ્દોની સરિતા-રાજુલ કૌશિક

મૃત્યુ… એક નિશ્ચિત સત્ય, જે આવવાનું છે એની સૌની ખબર છે.. માત્ર ક્યારે એની કોઈને ય ખબર નથી. હા, શક્ય છે કોઈને એના ભણકારા  વાગે છે કે સંકેત સમજાતા હોય છે અને ક્યારેક કોઈને એના પગરવની જાણ પણ નથી થતી અને એ આવીને ચૂપકીથી પળવારમાં વ્યક્તિને પોતાની આગોશમાં જકડી લે.  કદાચ એ વ્યક્તિને ય ખબર પડે એ પહેલાં એનો હસતો જીવંત દેહ ક્ષણભરમાં નિર્જીવ બનીને રહી જાય. કલ્પના માત્ર કંપાવી દે એવી છે. એણે કેટલું ય વિચાર્યું હશે, હ્રદયમાં કેટલીય લાગણીઓ હશે જે વ્યક્ત કરવાની રહી ગઈ હશે, ભાવિ માટે કેવા અને કેટલાય આયોજનો વિચાર્યા હશે અને એ બધું જ અવ્યક્ત રહી ગયું હશે?

મૃત્યુ શું છે? એ ક્ષણોનો અનુભવ કેવો હશે? મૃત્યુ પછી શું ? આ બધા જ પ્રશ્નોના ઉત્તર ક્યાં કોઈ આપી શક્યું છે? અને તેમ છતાં ક્યાંક એવું માનવામાં આવે છે કે વ્યક્તિનો આત્મા તેર દિવસ સુધી તો તે સ્થાન પર અથવા તો એના પ્રિયજનોની આસપાસ જ રહેતો હોય છે. સાચા ખોટાની તો કોઈને ય જાણ નથી પણ એ વાતને કદાચ પણ સ્વીકારીએ તો વિચાર આવ્યો કે એ આત્મા એના અંતિમ સંસ્કાર સમયે સૂક્ષ્મ સ્વરૂપે ત્યાં હાજર રહેતો હશે?

એક તરફ વ્યક્તિનો નશ્વર દેહ છે, એની એક બાજુ સંતાનો એના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના-વિધિ કરતાં હોય, બીજી તરફ જેની સાથે જીવનના ચાલીસ-પચાસ કે એથી ય વધારે વર્ષો વિતાવ્યા હોય એ જીવનસાથી આક્રંદ કરતી હોય અને પંડિત એમને સમજાવતા હોય કે

વાસાંસિ જીર્ણાની યથા વિહાય, નવાનિ ગૃહણાતી નરોપરાણી…

તથા શરીરાણિ વિહાય જીર્ણાન અન્યાનિ નવાનિ દેહી..

ત્યારે એમ થાય કે જીવનના એંશી, નેવુ વર્ષ થયા છે એમના જીવતરનું પોત જૂનું થયું હોય પણ હજુ તો તમામ જવાબદારીઓથી મુક્ત થઈને જેના માટે  જીવન માણવા યોગ્ય સમય આવ્યો છે એનું આયખાનું પોત જૂનુ કેવી રીતે? જેના જીવન પર કાળના થપેડા વાગ્યા છે એના આયખાનું પોત જીર્ણ-શીર્ણ થયું એ સમજાય છે પણ જેના જીવતર પર સમય-સંજોગોએ પ્રસન્નતાનો રંગ પૂર્યો છે એ તો આ સુખ-શાંતિના રંગોને માણવાની તૈયારી કરી રહી હોય એ વસ્ત્રને જૂનુ કેવી રીતે કહી શકાય? જ્યારે પંખીને એનું પિંજરું જૂનુ લાગે અને એ નવું માંગે એ સમજાય પણ હજુ તો જે  પિંજરનું કલેવર માણવા યોગ્ય રંગોની ભાતથી શોભી રહ્યું છે, ક્યાંય સમય સંજોગોના થપેડાએ એને ઝાંખું નથી પાડ્યું એને ત્યજીને જવું કેવું લાગ્યું હશે ?

હજુ તો આગળ વધીને પંડિત કહી રહ્યા છે……કે શરીર નાશવંત છે પણ આત્મા અમર, અવિનાશી, ચિરસ્થાયી છે. જેણે જન્મ લીધો છે એનું મરણ નિશ્ચિત છે તો પછી મરણનો શોક શાને? ત્યારે વિચાર આવ્યો કે ભલે આત્મા અમર છે પણ એ અમરત્વ પરિવાર માટે તો માત્ર આશ્વાસન જ ને? એમને તો જે જીવ સદેહે સાથે હતો એની સાથે જ લાગણીના સંબંધો, એનું જ મમત્વ ને?

એક પછી એક વિધિ આગળ વધી રહી હતી અને ઉચ્ચારણો અર્થ સહિત વાતાવરણમાં પડઘાતા હતા…

નૈનં છિન્દન્તિ શસ્ત્રાણિ નૈનં દહતિ પાવક, ન ચૈનં ક્લેદયન્ત્યાપો ન શોષયતિ મારુતઃ

અને મનમાં વિચારો પણ એની સાથે પડઘાતા હતા…સાચે જ જો એ વ્યક્તિનો આત્મા ત્યાં હાજર હશે તો આ જોઈને શું અનુભવતો હશે.. એનો અદ્ર્શ્ય હાથ સંતાનોને શાંત કરવા લંબાયો હશે? જીવનસાથીને આશ્વત કરવા વ્હાલથી વિંટળાતો હશે?

જેના ઉત્તરો આજ સુધી કોઈ આપી શક્યું નથી એ પ્રશ્નો ,એની કથા કે વ્યથા પણ એના નશ્વર દેહ સાથે જ પંચમહાભૂતમાં ભળી જવાના ને? પણ જો એ વ્યક્તિ સ્વસ્થ જીવન ભરપૂર જીવી હશે તો ત્યારે એના પરિવારને એવું કહેવા ઇચ્છતી હશે કે ….

હર્યુ ભર્યુ ઘાસ હોય, ખુલ્લુ આકાશ હોય

આછો અજવાસ હોય,પછી ભલે છૂટતા આ જીવતરના શ્વાસ હોય

હોય નહીં નર્સો અને નીડલના ઝૂમખા,

આમ તેમ વળગીને અંગે અંગ ચૂભતા

સ્વાર્થ અને સગપણના હોય નહીં ફૂમતા

હોય તો બસ એક

લીલેરા વાંસ હોય, ગમતીલી ફાંસ હોય, ઝાકળની ઝાંસ હોય …

હર્યુ ભર્યુ ઘાસ હોય??????

અને પરિવારજનોને વિધિકારકને એવું કહેવાનું મન થતું હશે કે. જાણીએ છીએ આ બધું જ…આ બધી વાતો વાંચી છે, વિચારેલી છે પણ આવું અચાનક મૃત્યુ જ્યારે સ્વજનને નજર સામે જ ઉપાડી લે ત્યારે આ બધું પોપટિયું રટણ સાચે જ વ્યર્થ લાગે છે. શાસ્ત્રો સાચા હશે પણ સંબંધો ય એટલા જ સાચૂકલા હોય છે ખરા હોં………

આ બધા જો અને તો છે…મનના વિચારો છે જે મારી જેમ તમારા મનમાં ય ઉદ્ભવતા હશે…..કદાચ…..

શાસ્ત્ર કે સમજણ બધું જ પચાવ્યું હોય પણ એ સમયે તો વ્યક્તિની સમજ વરાળ બનીને ઉડી જાય છે અને એનાથી ધૂંધળી થયેલી નજર સામે સ્વજનનો દેહ પણ ભસ્મીભૂત થઈ જાય છે.

કાવ્ય પંક્તિ -દેવેન્દ્ર દવે


Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

પ્રેમ પરમ તત્વ : 41 :અહમ : સપના વિજાપુરા

સીમા બોરીવલી ના એક બ્યુટી પાર્લર માંથી પોતાના લગ્ન માટે મેકઅપ કરાવીને નીકળી.  સુંદર ઘરચોળાં માં એનો સુંદર ચહેરો ઔર ખીલી ગયો હતો. લાલ ઘરચોળું, લાલ ચૂડીઓ, અને અંબોડામાં એ નખશીખ સુંદર લાગી રહી હતી. આ તો એને જોઈને રાહુલ બેહોશ થઇ જશે. આવી કલ્પના કરતા એના રતુંબડા હોઠ  પર  સ્મિત આવી ગયું. અને એ પાર્લરની બહાર નીકળી.  અને સામે સંજય સ્કૂટર લઈને ઊભો  હતો. એને ચહેરા ઉપર માસ્ક પહેરેલો હતો અને હાથમાં મોજા પણ હતા. જેવી સીમા બહાર આવી એને બેગ માંથી તેજાબની બોટલ કાઢી સીમા ના ચહેરા પર ફેંકી ત્યાંથી રફુચક્કર થઇ ગયો. 

એમ્બ્યુલન્સ આવી સીમાને હોસ્પિટલમાં દાખલ કરી રાહુલ તેની મમ્મી બધા હોસ્પિટલમાં ધસી આવ્યા. લગ્ન, મંડપ, ચોરી બધું જ્યા ને ત્યાં રહી ગયું.  લગ્ન કેન્સલ થયા. સીમાનો ચહેરો તેજાબથી બળી  ગયો અને તે કોઈને મળવા તૈયાર ના હતી. પણરાહુલ જીદ કરતો હતો. ડોકટરે કહ્યું હાલ કોઈને ના મળવા  દેવાય કારણકે ચહેરો ખૂબ બળી  ગયો હતો. 

સંજય અને રાહુલ બંને સીમાના કોલેજના મિત્રો હતા. પણ સીમા રાહુલને પ્રેમ કરતી હતી અને રાહુલ પણ સીમાને.   સંજય પણસીમાને પ્રેમ કરતો હતો, પણ સીમા રાહુલને, તો જ્યારે  સંજયે સીમાને પ્રપોઝ કર્યું સીમાએ ના પાડી અને સીમા રાહુલ સાથે સગાઇ કરી જોડાઈ ગઈ. પણ સંજય એટલી હદ સુધી સીમાનો દીવાનો થઇ ગયેલો કે એને કોઈ બીજાની બનતા ના જોઈ શક્યો તો જ્યારે એને સીમાના લગ્નનું કાર્ડ મળ્યું તે સમયે એને આવું હીણું કામ કરવાનું વિચારી લીધું હતું.  

હવે સીમાને રાહુલ પરણવાની ના પાડશે અને હું સીમાને અપનાવી લઈશ.  સીમા  રાહુલને પોતાનો ચહેરો બતાવવા નહોતીમાંગતી  પણ રાહુલ ડોક્ટરની રજા લઈને રૂમમાં દાખલ થઇ ગયો. સીમાનો બળેલો ચહેરો હાથમાં લઇ રાહુલ બોલ્યો,” સીમા મેં હંમેશા તારા સુંદર આત્માને પ્રેમ કર્યો છે. તારો ચહેરો કેવો છે એનાથી મને કોઈ ફર્ક પડતો નથી એમ કહી એને સીમાને છાતી સરસી ચાંપી દીધી.  ફરી એ બહાર આવ્યો અને મમ્મીને કહ્યું કે પંડિતને બોલાવો અને એને હોસ્પિટલમા સીમા સાથે વિવાહ કર્યા. 

સંજયને પોલીસે પકડ્યો અને ત્રણ વરસની સજા કરી. સવાલ એ ઊભો  થયો કે  બંનેમાં કોનો પ્રેમ સાચો? 

સંજય સીમાને બીજાની બનતા ના જોઈ શક્યો. અને રાહુલે સીમાને જેવી હતી તેવી સ્વીકારી લીધી.  કારણકે એ એના શરીરને નહિ એના આત્માને પ્રેમ કરતો હતો.ઘણી વાર પામી લેવાને પ્રેમનું સ્વરૂપ આપી દેવામાં આવે છે. પામવું એ પ્રેમ હોત  તો આ બધી  પ્રેમકહાની બની  ના હોત!!  લૈલા મજાનું, શીરી ફરહાદ, હીર રાંઝા.  સંજય પણ સીમાને ગાંડપણ સુધી પ્રેમ કરતો હતો એ પણ એવું સમજ્યો કે ચહેરો બગડી જશે તો રાહુલ સીમાને છોડી દેશે અને હું એવી બદસુરત સીમા સાથે લગ્ન કરીશ.  પણખરેખર આ પ્રેમ હતો કે જીદ હતી? સીમાને કોઈ પણ રીતે હાંસિલ કરવાનો અહમ  હતો કે મને કોઈ કેમ ના પાડી શકે? આ પ્રેમમાંપવિત્રતા નથી દેખાતી.  જેને તમે ચાહો એને અનંત આકાશ આપો, જો એ ખરેખર તમને ચાહતી હશે તો પાછી ફરશે અને જો ના આવે તો સમજી લેવું કે એ ક્યારેય તમારી હતી  નહિ. 

પ્રેમને પામવા પ્રેમીની કુરબાની ના અપાય કે ના પ્રેમીને નુકસાન પહોંચાડાય.  માલિકીની ભાવના માં સંબંધ બગડે છે, અને સાચા પ્રેમમાં સ્વતંત્રતા અને શ્રદ્ધા હોય છે. વિશ્વાસ હોય છે. સાચો પ્રેમ એ છે કે જેને તમે ચાહો એ સુખી થાય પછી ભલે તે સુખના તમે ભાગીદાર ના હો. પ્રેમને પામવો એટલે પરમાત્માને પામવો અને જે પરમાત્માને પામે  છે એ પ્રેમને સ્વતંત્ર છોડી દે છે.જ્યારે તમે ઈશ્વરને ખાતીર પ્રેમ કરો તો એ પ્રેમ કદી મરતો નથી. એ હમેશા  પરમ તરફ  લઇ જાય.  

સપના વિજાપુરા

હળવેથી હૈયાને હલકુ કરો -૧૬-ટર્નિંગ પોઈન્ટ

મિત્રો આજે એક નવા સર્જકને રજુ કરતા આનંદ સાથે હાસ્ય પણ અનુભવું છું અને તમે પણ અનુભવશો. માણસ હૈયું ખોલી ઘણી વાતો કરે છે. પણ આ કંદર્પભાઈની વાતોમાં હૈયાની વરાળ સાથે હાસ્ય પણ ઉપજે છે.આજની નવી પેઢી હળવેથી હૈયાની વાત ને કહે છે “ટોકિંગ પોઈન્ટ”.તેનું નામ છે કંદર્પ ભાઈ પટેલ.
 આવતા ૧-૨ મહિનામાં ‘જોબ’-ભૂખ્યા વરુઓ આમથી તેમ ધમપછાડા કરશે. જો કે ‘પ્લેસમેન્ટ’ નામનો શબ્દ તો હવે મૃત:પ્રાય જ બની ચુક્યો છે, કારણ કે ‘હાથી આખો ગયો અને પૂછડું બાકી’ જેવી પરિસ્થિતિ આકાર લઇ ચુકી છે.
પણ આ સગા-સંબંધી (હમણાં-હમણાં બધાના ઘરે જઈ-જઈને આ પૂછવાના જ ધંધા કરે છે, જાણે એમને તો અમારી પંચાતમાં જ રસ હોય..!). આ શબ્દને જીભમાં ચિપકાવીને નથી રાખતા મારા વાલીડા(વડીલઓ). અમુક બદ-જાત પબ્લિક ખાસ સાંજે પોતાની અર્ધ(અંગિની) (જાડી-મોટી બુદ્ધિ)ને અને પોતાના દીકરાઓને લઈને એન્જિનેઅરોના ઘરે ખાસ ‘ખોંખારો નાખવા’ અને ‘દેકારો કરવા’ આવી ચડે. જાણે આ એન્જિનેઅરોની ‘કાણ’ કાઢવા આવ્યા હોય એમ બેસે અને એન્જીનિયરીંગનું ‘બેસણું’ રાખેલું હોય એવી ડંફાશ મારે. પાણી દેવા જઈએ ત્યારે મોઢું તો એવું કરે જાણે આપણે કોઈ નાની રેસ્ટોરન્ટમાં પાણી આપવાનું જ કામ ન કરવાનું હોય..! અને આપણી પરીસ્થિતી પણ ‘કાપો તોયે લોહી ના નીકળે’ એવી હોય. બસ બધી વાતમાં નનૈયો ભણવા સિવાય કોઈ જ એક્સપ્રેશન ચહેરા પર ના આવે. એક-એક કલાક સુધી એવી નેગેટીવ અને બિનજરૂરી વાતો કરતા જાય કે ન પૂછો વાત…! અને છેલ્લે પાછા, ‘તો બેટા..! શું કરાવાય આને ?’ પૂછીને મગજની તો પૂરી દઈ મુકે, જાણે એના બાળકની લાઈફના આપણે ‘મોટીવેશનલ કોચ કમ એડવાઈઝર’ ના હોઈએ…! બસ આજ મારો ટોકિંગ પોઈન્ટ છે.પણ દોસ્ત..! આ હૈયાની વાત એટલી પણ હળવાશથી ‘હવાબાણ હરડે’ની જેમ હવામાં ઉછાળાય એવી સરળ નથી.
પ્રશ્નો તો પૂછશે, પૂછાશે અને પુછાવા જ જોઈએ. જેટલો વિરોધ એટલો જ માણસ જીવનના તાપમાં ઉકળીને બહાર આવે. દિલમાં એક ધગધગતો લાવા હોવો જોઈએ. કઈક દુનિયાને કરીને બતાવવાની હામ હોવી જોઈએ. ૨૧ વર્ષના જુવાનજોધ છોકરાને જોઇને કોઈ પણ વ્યક્તિ તેના તેજથી અંજાઈ જવો જ જોઈએ, અભિભૂત થવો જોઈએ. આ ઉકળતી યુવાનીને દુનિયામાં પોતાનો સિક્કો જમાવવા માટે કોઈ બંધન રોકી શકે તેમ નથી, એટલી ઉર્જાનો ‘પાવર બેંક’ છે. જીગરમાં એક ખમીર ખોળી-ખોળીને બોલવું પડે અને નસીબના ‘સેફ ટ્રેક’ પરથી ગાડી ઉતારીને પરસેવાના ‘અનઇવન ટ્રેક’ પર ગાડી દોડાવવી પડે. સપનાઓને સાકાર કરવા પહેલા બળબળતી આગમાં બળવું પડે, હૈયામાં હામ ભરવી પડે, તેને મેળવવાની ભૂખ લાગવી જોઈએ. પરંતુ, એ બધું જ ત્યારે જયારે ખુલ્લી આંખે સપના જોયા પણ હોય.
કાળજામાં એક એવો ‘સૂપ’ વહેતો હોવો જોઈએ કે જે ‘કર્તુત્વશક્તિ’ની ભૂખ લગાડે, એ પણ કકડીને. હાથ-પગમાં એવા ઇલેક્ટ્રિક કરંટ જોઈએ જેનો ઝટકો આખી દુનિયા મહેસૂસ કરે. આંખો તેઝતર્રાર ડી-એસ.એલ.આર કેમેરાની જેમ ‘વેલ ફોકસ્ડ’ હોવી જોઈએ જેથી માત્ર પોઝિટીવ વાઈબ્સને ઉચકીને કેપ્ચર કરેઅને તેની જ ‘નેગેટિવ’ બને. કેટલાયે અવનવા અનુભવો કરવા પડે, શરીર પર એ અનુભવોના જોરદાર ઘા પડવા જોઈએ અને ‘ઉત્સાહ’ના મલમ વડે ‘હતાશા’ના એ જ ઘાવ ભરાવા જોઈએ. કોઈ પણ આંગળી કેમ ચીંધી જાય આપણી સામે ? શું આ દુનિયામાં આપણું ‘પ્લેસમેન્ટ’ ગાંડા-ગમાર, અણઘડ અને અવ્યવસ્થિત સમાજનું નીચું મોં કરીને સાંભળવા થયું છે? આંખમાં આંખ નાખીને જવાબ દેવાનો ફાંકો અંદરથી ના આવે ત્યાં સુધી હજુ બાળક જ છો એવું સમજી લેવું અને ખૂણામાં એક આંગળી મોઢા પર ઉભી મુકીને ઉભા રહી દરેકનું સાંભળવાની તૈયારી રાખવી.
આવતી કાલે તમારી ગરજ છે એટલે ‘જોબ’ લેવા દરેક દોડવાના. ‘જેક’ (સ્પેરો નહિ..!) લગાવાની ટ્રાય કરશે, નહિ મેળ પડે એ વળી ૨ વર્ષ આગળ ભણવાનું અને માસ્ટર્સ (હકીકતમાં નહિ) કરવા પાછો પોદળા વચ્ચે સાંઠીકડું ઉભું રાખવાનો પ્રયત્ન કરશે. પણ, ત્યાં આપણામાં શું એવી લાયકાત છે કે આપણે શું ડિઝર્વ કરીએ છીએ ખરેખર? એ ‘ખરેખર’ ખ્યાલ છે ખરો ? કે માત્ર શેખચિલ્લીના સપનાઓમાં ‘ખેરાતી’ બનીને પોતાનો જ ‘ખરખરો’ કરાવવા આ સૂકા ભઠ્ઠ ‘ખેતર’માં નીકળી પડ્યા છીએ…જ્યાં આપણી કોઈ સ્વતંત્રતાને સ્થાન જ નથી. આપણા વિચારો, વાણી અને વર્તનને બાંધવા સામે ચાલીને આપણે જઈએ છીએ. એનું કારણ માત્ર એક જ છે, કે આ ૨૧ વર્ષમાં માર્કસની પાછળ આપણે ત્રણ(પોતાના અને પોતે) એવા દોડ્યા કે વ્યક્તિત્વનું નિર્માણ કરવાનું જ ભુલાઈ ગયું. એક અલગ ચીલો ચાતરીને રસ્તો કરવાનું ‘સાઈડ બાય’ થઇ ગયું. આસપાસની દુનિયા માત્ર એક સાંકડા કુવા જેટલી બની ગઈ.
જરૂર છે, લાઈફના આ ‘ટર્નિંગ પોઈન્ટ’ પર પોતાના ‘ટોકિંગ પોઈન્ટ’ ને ઇન્સ્ટોલ કરવાની. જરૂર છે, પોતાની ઓળખ ઉભી કરવાની. જરૂર છે, યા હોમ..કરીને કુદી પડવાની. જરૂર છે, ‘ઘેટાશાહી’ ટોળામાંથી બહાર આવીને સ્વતંત્ર નિર્ણયશક્તિ ખીલવવાની.
હું સ્પષ્ટપણે માનું છું કે દરેક વ્યક્તિ એક ‘માર્કેટર’ છે. રોજ સવારે ઉઠીને લોકો પોતાને બીજાનાથી થોડા વધુ ચડિયાતા બતાવવાનો પ્રયત્ન કરે છે. પોતાના શરીર, વિચારો, કાર્યો, સુખ, ખુશી .. આ દરેક હમેશા વધુ સારું કેમ રહે તેનો પ્રયત્ન કરતા રહે છે. બસ, આ સ્કીલને જ ડેવલપ કરવાની છે ને દોસ્ત..! આવતી કાલે જ્યાં પણ જઈએ કે જે કઈ કરીએ…પોતાની સ્વતંત્ર નિર્ણયશક્તિ વડે માર્કેટિંગની દુનિયામાં ઉભા રહી જ શકવાના. આ દુનિયાનો દરેક માણસ રોજ સવારે ઉઠીને ‘શું કરું તો વધુ ફાયદો થાય..?’ એના માટેની માર્કેટિંગ સ્કીલ વિચારતો રહે છે. પછડાટ ખાઈને ફરી પાછા દરિયાના મોજાની જેમ ઉંચે ઊછળતા આવડતું જરૂરી છે. નદીના બંધનની જેમ નિરંતર વહેવું એ જ નિયમ છે, સમયનો નહિ..પરંતુ આપણો..!
આજે દરેક જુવાનિયો પોતાનું લેવલ જોયા વિના જ દુનિયાને ‘જજ’ કરતો થયો છે. પણ ત્રણ આંગળી અને મોટો અંગુઠો આપણી તરફ છે ભાઈ’લા. જયારે પોતે હૃદયમાં આત્મવિશ્વાસનો દીવો જગાવીને ફરીશું ત્યારે હતાશા-નિરાશા એ દીવાના અંધકાર નીચે છુપાઈ જશે. બસ, મોજ પડવી જોઈએ. કોણ કેવું કહી ગયો છે? અને કોણ શું કહે છે? એની ચર્ચા કરવા મોટીવેશનના ‘અધિવેશનો’ ભરીને ‘વેન્ટીલેશન’ પર જવું નહિ. ચર્ચા કરવા કરતા પોતાનામાં શું ખૂટે છે? એનો હિસાબ માંડો અને એની દુકાન ખોલો. સાંજ સુધીમાં દુકાનનો વેપલો કેટલો થયો એ નક્કી કરો અને નફા-ખોટની ગણતરી કરો. તાળો આપોઆપ મળી જશે.
ખોટી ચર્ચામાં ઉતરવું નહિ, એક આ ‘કામદેવ’ નું બ્રહ્મવાક્ય મનમાં ઘુસાડી દો ગમે તે રીતે.
“ચર્ચા એટલે ખર્ચા, સમયના અને શક્તિના…!”
ટહુકો:-
વ્હુ આર યુ?
વ્હોટ આર યુ?
વ્હાય આર યુ?
આ ત્રણ પ્રશ્નોના જવાબ પોતાના દિલને પૂછવા અને કેટલાના ‘રીવર્ટ’ મેઈલ આ મન ના ‘ઈનબોક્સ’માં આવે છે એ જાતે જ ચેક કરો. જેટલા ‘સ્પામ’માં છે તે ‘ઈનબોક્સ’માં જ કેમ નથી રિસીવ થતા એ જોવાનો પ્રયત્ન કરો. ‘ડ્રાફ્ટ’માં રહેલા જવાબો જયારે ‘સેન્ટ’ બતાવશે તે દિવસે નસીબનો ‘મેઈલ’ આવ્યો સમજો.

૪૬ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

 

 
ફરે તે ચરે, બાંધ્યો ભૂખે મરે
પોતાના સ્થાનેથી બીજી જગ્યાએ ફરવું એટલે યાત્રા કરવી. મનુષ્યની આ સ્થળાંતરની પ્રવૃત્તિ પ્રવાસ શબ્દ દ્વારા ઓળખાય છે. પ્રવાસ એટલે પરગામ વસવું, મુસાફરીએ જવું તે. તેને પર્યટન, જાત્રા, સફર પણ કહી શકાય. માનવની જેમ પશુ-પંખીમાં પણ ફરવુ અને ચરવુ જોવા મળે છે. કીડી ક્યારેય જંપીને બેસી નથી રહેતી. મધમાખી ફૂલોના રસ માટે અવિરત ઉડતી જ હોય છે. પક્ષીઓ પણ ઉડ્યા કરતાં હોય છે. પશુઓ પણ ફર્યાં જ કરે છે. માટે તે ચરી શકે છે, પોતાનો નિર્વાહ કરી શકે છે.
ઉપનિષદમાં એક ઉક્તિ છે, “चराति चरतो भगः।” જગતમાં જે જીવંત છે તે બધું જ ચાલ્યા કરે છે. માટે રવીન્દ્રનાથ ટાગોરે મનુષ્યને “સનાતન યાત્રી” કહ્યો છે. મનુષ્ય તેના અસ્તિત્વ માટેની મૂળભૂત આવશ્યકતાઓની પૂર્તિ માટે આદિકાળથી પ્રવાસ કરતો રહ્યો છે. જીવન જીવવાની જડીબુટ્ટી એટલે ફરવું.
વર્ષનો અમુક સમય માણસ જો ફરવામાં પસાર કરે તો જ્ઞાની થઈ શકે છે. આ માનવના વિકાસના પાયાની વાત છે. પુસ્તક વાંચવાથી કે સાંભળવાથી જ્ઞાનમાં વધારો થાય છે. પરંતુ દ્રશ્ય જોવાથી વસ્તુ, વિષય કે અનુભવ માનસપટ પર અંકિત થઈ જાય છે, જેની છાપ જીવનપર્યન્ત રહે છે. માણસની જ્ઞાનપિપાસા, જ્ઞાનક્ષુધા ફરવાથી તૃપ્ત થાય છે. જ્ઞાન અગાધ દરિયો છે. શક્યતા અને ક્ષમતા હોય એટલી ડૂબકી મારી મરજીવા બનવું જ રહ્યું. બાર ગાઉએ બોલી બદલાય છે. અલગ અલગ રાજ્ય, દેશ-વિદેશની ભાષા, રહેણી-કરણી, ખોરાક, પહેરવેશ, જીવન ઉપયોગી સમજણ, અલગ અલગ સંસ્કૃતિ વિશેની ઓળખ અને સમજ, ફરવાથી અને ચરવાથી મળે છે, જે જીવન જીવવાનું ભાથું બની જાય છે. જોઈને શીખેલી વસ્તુઓ જીવન જીવવાની કળા બનીને જીવનને જીતતા શીખવે છે. પ્રવાસ એક શિક્ષકની ગરજ સારે છે. જર્મન લેખક ગટે કહે છે, To wander is to get education. જ્ઞાનની સાથે અનુભવોનો ખજાનો મળે છે, જે જીવનમાં સૂઝશક્તિ વધારે છે. જેને કારણે ગમે તેવી ભીડ કે અગવડોમાં વ્યક્તિ રસ્તો શોધવાને સમર્થ બને છે. તેની આત્મશક્તિમાં વધારો થાય છે. સાહસવૃત્તિ વધે છે. શરીર ખડતલ બને છે.
માણસે તેની જ્ઞાનની ક્ષિતિજને વિસ્તારીને વિકસાવવી જોઈએ. સ્કાય ઈઝ ધ લિમિટ, એ સફળ વ્યક્તિઓનો જીવનમંત્ર હોય છે. ઉચ્ચ હોદ્દો ધરાવતી ઘણી વ્યક્તિઓ ડિગ્રીની સાથે ભ્રમણ કરીને મેળવેલા જ્ઞાનથી સમૃદ્ધ બન્યા હોય છે. અબ્રાહમ લિંકન, નેપોલિયન, સ્વામી વિવેકાનંદ, ગાંધીજી, નરેન્દ્ર મોદીજી તેમજ તમામ સંપ્રદાયના સંતો યાત્રા કરીને જ ધ્યેયસિદ્ધિ પ્રાપ્ત કરી શક્યા છે.
પોતાની દ્રષ્ટિને સીમિત બનાવી કૂવામાંના દેડકા જેવું જીવન જીવનાર વ્યક્તિને બહારની દુનિયાનો ખ્યાલ હોતો નથી. તેમનું માનસ સંકુચિત બની જાય છે. બાંધ્યો ભૂખે મરે જેવી તેમની દશા હોય છે. જો કે આજકાલ સૉશિયલ મીડિયા પરથી લોકો ધારે તેટલું અને તેવું જ્ઞાન મેળવી શકે છે. સવારના ઉઠતાની સાથે વોટ્સએપ અને ફેસબુક પર માણસ ફરતો અને ચરતો થઇ ગયો છે. પરંતુ આ ચરવું સકારાત્મક અને ઉપયોગી હોવું જરૂરી છે. આજકાલ અજ્ઞાનતા થકી નકારાત્મકતા ભેગી કરીને ફરીને ચરેલુ લોકો વહેંચતા હોય છે. અફવાઓ ફેલાવીને આગને હવા આપવાનું કામ  અયોગ્ય કહેવાય. આવી વ્યક્તિઓ ફરે નહીં, ચરે નહીં અને અપચો થઈને ઓકે નહીં, તે જ સમાજના હિતમાં હોય છે.
માનવ કેટલું સ્વાર્થી પ્રાણી છે! તેણે કુદરત પર, વાતાવરણ પર તેનું સામ્રાજ્ય એટલું બધું વિસ્તારીને કબજો જમાવ્યો છે કે પક્ષીઓને ચણવા કે પશુઓને ચરવા, જીવ-જંતુઓ વગેરે કે જે કુદરતી બનેલી ecosystemના ભાગરૂપ છે તેના માટે જગ્યા નથી રાખી. કુદરતમાં અસમતોલન થઈ રહ્યું છે. જેને કારણે તેમની સંખ્યા ઘટી રહી છે. અમુક જાતિનું તો નામોનિશાન મટતું જાય છે. માણસનું ફરવું અને ચરવું બીજા પશુ-પંખી કે જીવ-જંતુને દખલગીરી રૂપ તો ના જ હોવું જોઈએ.
મનુષ્ય તેની પાંચ ઇન્દ્રિયોથી ચરતો હોય છે. ઇન્દ્રિયો એટલે ગો અને ચર એટલે ચરવું. અને જે ચરતો નથી એટલે કે અગોચર છે તે આત્મા છે. એ કક્ષાએ પહોંચે તેને ફરવાની કે ચરવાની જરૂર રહેતી નથી. તે વ્યક્તિ અન્યને આશરો આપી જ્ઞાન થકી તેમના પ્રશ્નોનું સમાધાન કરે છે. બાકી માનવ માત્ર, પ્રાણી,પક્ષી કે જીવ-જંતુ, જે સજીવન છે, ચેતનવંતુ છે, તે ફરે છે માટે ચરે છે. જે બંધાયેલું છે તે તેના માલિકની મરજી મુજબ રહે છે, માટે ભૂખ્યો રહે છે.