પ્રેમ પરમ તત્વની સફર માંથી પસાર થતા ઘણી જાતના પ્રેમની આપણે વાતો કરી ,જેમાં મા દીકરાનો પ્રેમ, પિતા પુત્રીનો પ્રેમ, ભાઈ બહેનનો પ્રેમ, બહેન બહેન નો પ્રેમ, મુગ્ધાનો પ્રેમ, પ્રિયતમનો પ્રેમ અને પતિનો પ્રેમ અને એ સિવાય વતન પ્રેમ પુસ્તક પ્રેમ, કવિતા પ્રેમ, પ્રકૃતિ પ્રેમ ઈશ્વર પ્રેમ, ધર્મ પ્રત્યે પ્રેમ , શ્રદ્ધા પ્રત્યે પ્રેમ,પૃથ્વી પ્રત્યે પ્રેમ, સ્વાર્થરહિત પ્રેમ, ઘડપણ નો પ્રેમ, આવા અનેક પ્રકારના પ્રેમ વિષે વાતો થઇ.
માનવ એક સામાજિક પ્રાણી છે. જેમ ખોરાક અને પાણી વગર માનવી રહી શકતો નથી એજ રીતે પ્રેમ વગર માણસ રહી શકતો નથી. નફરત અને પ્રેમ ની વચ્ચે એક પાતળી રેખા છે. રેખાની આ બાજુ પ્રેમ છે અને રેખાની પેલી બાજુ નફરત છે. જે વ્યક્તિ પ્રેમને પસંદ કરે છે એના માટે વિશ્વમાં પ્રેમ જ છે. પેલું કહે છે ને “દેંગે વહી જો પાયેંગે ઇસ જિંદગીસે હમ” પ્રેમ વહેંચશો તો પ્રેમ મળશે અને નફરત ના સોદાગર બનશો તો નફરત જ મળશે। ઘણી વાર આ પ્રેમ તમે વિચાર્યું પણ ના હોય તેવી વ્યક્તિ પાસેથી મળી જાય છે અને ઘણીવાર નફરત પણ તમારી નજીકની એવી વ્યક્તિ પાસેથી મળી જાય છે જેની તમે કદી આશા રાખી ના હોય. ત્યારે હતાશા મળી જાય છે. પણ પ્રેમનો આધાર ફકત એક વ્યક્તિ પર નથી કદાચ એક વ્યકતિની નફરત આખા જગતના પ્રેમ સાથે મુલાકાત કરાવી દે છે.
ઈશ્વરે માનવ હૃદયમાં પ્રેમ મૂકી એકબીજાની સંભાળ રાખતા કરી દીધા છે. વિચારો કે જો મા ના હૃદયમાં પ્રેમ ના મૂક્યો હોત તો કોઈ મા પોતાના બાળકની સંભાળ ના રાખત। પશુ પંખી માં પણ આ મમતા મૂકી છે. જેથી તો પંખી એક એક દાણો લાવી પોતાના બચ્ચાને જીવાડે છે. અને વાઘ પોતાના બચ્ચા માટે શિકાર કરે છે। પ્રેમની તાકાત પરમ કરતા પણ વધારે છે. પ્રેમ વિષે લખવા બેસું તો ગ્રંથ લખાય અને આમ કલમ લઈને બેસું છું તો થાય છે કે શું લખું? બસ આ પ્રેમ પરમ તત્વની સફરે મને પણ ભાન કરાવી દીધું કે હું કેટલી કેટલી વ્યકતિઓને પ્રેમ કરું છું , વસ્તુ અને એહસાસ ને પણ .પ્રેમ કરતી વ્યક્તિ દુનિયામાં પોતાની એક અમિટ છાપ મૂકી જાય છે. જેમકે મધર ટેરેસા ! જીવન એવું જીવું કે કોઈ મને પ્રેમથી યાદ કરે નફરતથી નહીં। કોઈના દિલમાં ઘર કરી જાઉં। પ્રેમનું નામ આવે એટલે સપના યાદ આવે.
અંતમાં એટલું જ કહીશ।…..
“પ્યાર કોઈ બોલ નહિ, પ્યાર આવાઝ નહિ ,
એક ખામોશી હૈ સુનતી હૈ કહા કરતી હૈ ,
ના યેહ બૂઝતી હૈ ના રુકતી હૈ ના ઠેહરી હૈ કહી
એક નૂરકી બુંદ હૈ સદિયોસે બહા કરતી હૈ ,
સિર્ફ એહસાસ હૈ યેહ રૂહ સે મેહસૂસ કરો
પ્યારકો પ્યાર હી રેહને દો કોઈ નામ ના દો”
સપના વિજાપુરા