સંવેદનાના પડઘા-૪૭ વિયોગ

પોતાના મૃત્યુબાદ શરીરનું દેહદાન કરવાનું વિલમાં લખી ગયેલ વિદ્યાગૌરીના નિશ્ચેતન દેહને છેલ્લીવાર જોવા આવેલ દીકરા,દીકરીઓ અને પુત્રવધુઓ સૌના મનમાં ગુનાહીત ભાવના સાથેના આંસુ અને હ્રદયમાં ખૂંચે તેવી વેદના હતી.પરતું હવે તો બહુ મોડું થઈ ગયું હતું.દીકરીઓ ખૂબ રડતી હતી કે પોતે માની પોતાના ત્યાં ન આવવાની જીદને સ્વીકારી લીધી અને વહાલી મા ને ગુમાવી……તો પુત્રો જે મા એ પોતાનું સર્વસ્વ દીકરાઓને આપી દીધું હતું તે માને જ્યારે પોતાની જરુર હતી ત્યારે પોતે કંઈજ ન આપી શક્યા ………તેનો રંજ પારાવાર પસ્તાવા રુપે આંસુ બની વહી રહ્યો હતો…….. પણ હવે બંધુજ નિરર્થક હતું…….
તેમની ડાયરીમાં લખેલા છેલ્લા દિવસના પાનાએ તો સૌના હ્રદયને કંપાવી દીધા અને પોતાથી થયેલ અક્ષમ્ય ભૂલ માટે પોતાને જ સૌ પુત્રો અને પુત્રવધુ કોસવા લાગ્યા…..
“ અહીં બધું જ છે નથી મારા જ હાડમાંસમાંથી બનેલા ,મારા લોહીની સગાઈના મારાં વહાલાઓ ….
અહીં મને ચારે બાજુ થાક,હાર અને કંઈક લુંટાયાનો ભાર લાગે છે……
અંતરની બેસુમાર વેદનાથી ઊઝરડાએલ લોકો સાથે જેણે ગમેતે પરિસ્થિતિમાં પણ સદાય વસંતની વેલી ની જેમ હર્ષોલ્લાસથી જિંદગી જીવી હોય તે કેમ રહી શકે???”
આવું લખતા લખતા પોતાના હાથમાં જ ડાયરીને પેન સાથે જ તે સ્વર્ગે સિધાવ્યા ….
હજુતો અહીં આવે માત્ર અઠવાડિયું જ થયું હતું.સેવા આપનાર કર્મચારીઓ પણ જરા વિચારમાં પડેલા
હતા….
તેમને શું થઈ ગયું ????સાંજે તો હીંચકે સરસ ભજન ગાતા સાંભળેલ…..
એક નામોશીભર્યો સન્નાટો…….
બધા નજીકના ભૂતકાળને નજર સમક્ષ જોતા આંસુ સારી રહ્યા હતા…..
જાણે ….ડૂસકાં જ બોલી રહ્યા હતા………
આખી રાત કેટલાય પાસા ઘસ્યાં પણ વિદ્યાગૌરીને આજે ઊંઘ હરામ થઈ ગઈ હતી.મળસ્કે પથારીમાં બેસીને ધ્યાન કરવા પણ કેટલાય પ્રયત્ન કર્યા પણ બંધુજ વ્યર્થ……આખી રાતનો ઉજાગરો અને સૌથી નાના અને સૌથી વ્હાલા દીકરાની પત્નીના બોલેલા અને તેની અજાણતાંમાં સંભળાઈ ગયેલ શબ્દોએ વિદ્યાગૌરીનાં કાળજાને બાળી મુકયું હતું.
“બાને રાખવાની જવાબદારી આપણી એકલાની જ છે?પેલા ત્રણ ભાઈઓની પત્નીઓ અમેરિકામાં જલસા કરે છે અને બાનું બધું મારે જ કરવાનું? થોડા વર્ષો બાને અમેરિકા મોકલો તો બધાંને ખબર પડે કે હવે ઘરડે ઘડપણ બાને રાખવા સહેલા નથી! અને હા મિલકતના તો ચાર જ ભાગ પડવાના છેને?”
હવે આનાથી વધુ કંઈ જ આગળ સાંભળવાની તેમની ક્ષમતા નહોતી. પોતાના આત્મગૌરવના હનનથી વધુ મોટું અપમાન એક મમતાભરેલ મા માટે બીજુ શું હોઈ શકે?વૃધ્ધત્વને આરે આવી આ અપમાન સહન કરવાની તેમની અપેક્ષા નહોતી.
વિદ્યાગૌરી એટલે સમાજમાં આગવી પ્રતિષ્ઠા ધરાવતા ,બુધ્ધિશાળી,સુશિક્ષિત ,સમજુ અને લાગણીશીલ સન્નારી.તેમની વિચક્ષણ બુધ્ધિ અને આગવી સૂઝબૂઝને કારણે આખું ગામ તેમની સલાહ લેતું .બધાં જ બાળકોને ઉચ્ચ ડિગ્રીઓ સાથે ભણાવી ગણાવી તૈયાર કર્યા.ત્રણ દીકરા અને બે દીકરીઓ અમેરિકા સ્થાયી થયા.પતિનો ધંધો ભાગી પડતાં પતિને હિંમતભેર સહિયારો આપી નિરાશ ન થવા દીધા.પોતે રાતદિવસ એક કરી પોતાની સ્કૂલ ચલાવી ,ટયુશનો કર્યા અને ઘર સાચવ્યું અને બાળકોને સરસ રીતે ઊછેર્યા.સૌથી નાના દીકરો સિવિલ એન્જિનયર હોવાથી તેના બધા કામ દેશમાં જ સરસ ચાલતા હતા તેથી તેને અમેરિકા જવું નહોતુ.
બધા જ દીકરાઓના પૌત્ર-પૌત્રીઓને પણ અમેરિકા જઈને મોટા કરી આપેલા.સૌથી નાના દીકરાના દીકરા-દીકરીને તો પોતાના દીકરા- દીકરીની જેમ જ ઉછેર્યા.નાના દીકરાની પત્ની જોબ પર જાય તો બાળકોને ભણાવવા,જમાડવા બધીજ જવાબદારી પોતે ઉપાડેલી .
હવે આજે એંશી વર્ષની ઉંમરે વિદ્યાગૌરીનું શરીર પહેલા જેવું કામ નહોતું કરતું. ઢીંચણ નો વા અને ખભાનો દુઃખાવો તેમના મુક્ત હલનચલન અને કામકાજને મર્યાદિત કરી નાંખ્યું હતું.
અમેરિકામાં રહેતા દીકરાની પત્નીઓને પણ જ્યારે બા આવવાના છે તેવી જાણ થઈ તો આપણે તો કામ કરીએ છીએ બા અહીં આવીને શું કરશે? ભારતમાં તો તેમની બાઈ હોય ,અહીં કોણ તેમનું કામ કરશે?
સૌથી મોટા દીકરાની પત્નીએ કીધુ,
” દરેકના ત્યાં બા ત્રણ મહિના રહેશે અને ત્રણ મહિના ભારત મોકલી દઈશું.”
એટલે સૌથી નાનાની પત્ની કહે “મારા ભાગના તો મેં અત્યાર સુધી રાખી લીધા છે એટલે હવે તો તમારા ત્રણનાં જ વારાના ભાગ પાડો. “
તો વળી બીજા નંબરના દીકરાની પત્ની કહે “બંને બહેનોને પણ ત્રણ ત્રણ મહિનાના વારામાં ગણો તેમને ઉછેરવા અને ભણાવવામાં પણ બાને એટલી જ મહેનત પડી છે ને !તેમના પણ બા છેજ ને વળી….”
અત્યાર સુધી જે બાળકોને ઉછેરવામાં પોતાની જાત ઘસી નાંખી અને લોહી રેડ્યું તે જ બાળકોને જ્યારે માનું શરીર કંઈ કરવા શક્તિમાન ન રહ્યું ત્યારે તેમના માટે કોઈને ટાઈમ નથી. દીકરાઓ મોટા વકીલ ,ડોક્ટર ,એન્જિનયર અને ઈન્ડસ્ટ્રીયાલીસ્ટ બન્યા છે તેમને તેમના કામમાંથી ટાઈમ નથી. દીકરીઓ પોતાને ત્યાં કાયમ રાખવા તૈયાર છે તેા ચાર દીકરા છે તો દીકરીઓના સાસુ-સસરા સાથે વિદ્યાગૌરીને દીકરીઓને ત્યાં જવું નથી.અને દીકરાની પત્નીઓ બાના વારા કાઢે છે.
આખું જીવન યોગ,કસરત અને શરીરનું ખૂબ દયાન આપ્યું પણ શરીરના ધસારાનું શું કરવું…….
વિચારોના ધમાસાણ યુદ્ધ થકી વિદ્યાગૌરીનું પ્રેશર પણ વધી ગયું હતું.
હવે મક્કમ મનોબળ સાથે વિદ્યાગૌરીએ નિર્ણય લઈ લીધો હતો. પોતાની અમેરિકા જવાની ટિકિટ કરાવી દીકરીને ઘેર પહોંચી ગયા અને પોતાની પાસે O.C.I સાથેઅમેરિકન સિટીઝનશીપ તો હતી જ .પોતાની બધી મિલકત ભારતના વૃધ્ધાશ્રમમાં દાન કરી ,અમેરિકાના સિનિયર હોમમાં રહેવા ચાલ્યા ગયા.ઘરમાં રહીને દીકરાની પત્નીઓના ઓશિયાળા રહેવા કરતા અમેરિકાની ગવર્મેંન્ટે વિકસાવેલી પધ્ધતિ મુજબ સિનિયર સીટિઝન હોમમાં પોતાને લાયક કંપની પણ ખરી અને ચોવીસ કલાકની મદદ પણ ખરી. આજે વિદ્યાગૌરીને અમેરિકાની સિનિયરોની બધીજ વ્યવસ્થા અને કાળજી માટે સલામ કરવાનું મન થઈ ગયું.પોતે સ્વમાન ભેર અહીંજ રહેશે તેવો અફર નિર્ણય પણ સૌ પરિવાર જનોને સંભળાવી દીધો. તે પોતાને જોઈતો સામાન લઈને સિનીયર હોમમાં પહોંચ્યા….
પહેલા રુમમાં પોતાના પતિનો ફોટો લટકાવ્યો….
પતિને ગુજરી ગયે દસ વર્ષ થયા હતા પણ ખરો વિયોગ તો આજે જ સાલ્યો….
આજે તે પતિના વિયોગમાં પોક મૂકીને રડયા….
તેમના નશ્વરદેહની મુખરેખા પર પણ આ દુ:ખની કરચલીઓ દેખાતી હતી…

૪૮ -કવિતા શબ્દોની સરિતા-રાજુલ કૌશિક

ચંદ્ર આજ સુધી પરીકથા પ્રેમીઓ, કવિઓનો લાડકો વિષય રહ્યો છે. પરીઓનો હાથ થામીને ચાંદામામાને મળવાની વાત બાળકોને કેટલી મઝાની લાગે છે? એવી રીતે સમરકંદ-બુખારા ઓવારી જવાની વાતોની જેમ આસમાનના ચાંદ-તારા ય તોડી લાવવાની વાતો વગર તો પ્રેમીઓની ય લાગણી જ જાણે અધૂરી. પ્રિયતમાને ચાંદ, ચાંદની સાથે ન સરખાવે તો એના પ્રેમની અભિવ્યક્તિ જ અધૂરી.
આજે ચાંદની વહેંચાઈ ગઈ, બે ભાગમાં
એક આભમાં , એક આપમાં…….
પ્રેમીઓની જેમ ચંદ્ર- ચકોરી-ચાંદની- ચાંદની રાતની વાત વગર તો કવિઓના કાવ્યસંગ્રહ પણ અધૂરા. ચંદ્રયાન એક માત્રામેળ છંદ છે અને એ છંદમાં રચના કરતા કવિઓ જ્યારે વિજ્ઞાનીઓ બનાવેલા ચંદ્રયાન વિશે વિચારતા હશે ત્યારે એમને એના પર પણ કવિતા સૂજી આવતી હશે ખરી? ચંદ્ર, ચાંદ, ચંદ્રમા, શશી, ઈન્દુ, શશાંક, નિશાકર, કલાનિધિ, સોમ….
હરી તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરીની જેમ જ
ચંદ્ર તારા નામ છે અપાર, કયા નામે કરવી તારી વાત… એવો છે એનો ઘાટ
કહે છે કે સમુદ્રમંથન સમયે પ્રાપ્ત થયેલા ચૌદ રત્નોમાંનું એક રત્ન એ ચંદ્ર. ચંદ્રની વધતી-ઘટતી કળાઓને આધરિત કેલેન્ડરો તૈયાર થયા. ચંદ્ર પર વાતાવરણ નથી એટલે જીવસૃષ્ટિ પણ ન જ હોય તેમ છતાં અન્ય ગ્રહ કરતાં ય ચંદ્ર માટેનું આકર્ષણ સૌથી ટોચે છે. શુક્લ પક્ષની બીજના ચાંદનો ઉદય દેખાય તો જાણે ભાગ્યનો ઉદય થવાનો હોય એમ એને જોઈને લોકો રાજી રાજી થઈ જાય અને આ ચંદ્રની  પૂર્ણ કળાએ પહોંચતી પૂનમની રાતની જાણે શી વાત અને એટલે…ક્યારેક સમયાંતરે મળતી પ્રિયા માટે કહ્યું છે ને..
જે પૂનમના ચાંદ સમ ચમકે છે તેઓને કહો કે
બીજ રૂપે પણ ક્યારેક નભે દેખાયા કરે…
આ બીજથી માડીને પૂનમ સુધી વધતી કળાઓના લીધે જ એ ઓળખાયો કલાધરના નામે.
આજકાલ તો ચંદ્ર પ્રેમીઓ, કવિઓની જેમ વૈજ્ઞાનિકોને પણ એટલો જ વહાલો લાગવા માંડ્યો છે. માનવીએ કલાધર ચંદ્રની એ કળાઓ  માણી લીધી અને એટલેથી આગળ વધીને હવે એને જાણવાની ઉત્સુકતાએ હરણફાળ-અવકાશફાળ ભરવા માનવે કમર કસી છે.
આમ પણ માનવજાત અત્યંત જીજ્ઞાસુ.. આજે જ નહીં સદીઓ પહેલા પણ એનામાં જીજ્ઞાસા તો હતી જ. ક્યાંક કશું જે હાથવગુ નથી એના સુધી પહોંચવાની, એને પામવાની ઉત્સુકતા ઉંડે ઉંડે ધરબાયેલી હતી પૃથ્વી પર વસતો માનવી આભને આંબવાના સપના જોતો થયો છે. આભને આંબશે ત્યારે એનાથી આગળ વધીને કોઈ અગોચર વિશ્વને જાણવાના,પામવાના સપના જોશે.
છેલ્લા કેટલાય વર્ષોથી વિશ્વની મહાસત્તા જેવા દેશો અવકાશ સુધી પહોંચવાના, પૃથ્વીથી આગળ વધીને અન્ય ગ્રહો પર પોતાનો પરચમ લહેરાવાની મથામણમાં ઉતર્યા છે. અવારનવાર  પોતાની તાકાતનો પરચો આપતું ભારત પણ આ હોડમાં શામેલ છે જ. મંગળ મિશનની સફળતા પછી ફરી એકવાર ચંદ્ર પર પહોંચવાના પરમ પ્રયાસો અધૂરા રહયા પણ હજુ આશા, આયાસ છોડ્યા નથી.
પણ આ આયસો માત્ર બોલવા-કહેવાની કયાં વાત છે? ચંદ્રના દક્ષિણ ધ્રુવીય ક્ષેત્ર સુધી જ્યાં એક પણ દેશ પહોંચ્યો નથી ત્યાં પહોંચતા પહેલા એની શરૂઆત પણ કેટલીય ગણતરીપૂર્વક શરૂ થતી હોય છે. કેટલી ઝીણવટ, કેટલા ઉપકરણો, કેટલાય વૈજ્ઞાનિકોની દિવસ-રાતની મહેનત, મથામણ એમાં લાગેલી હોય છે. એક એક ક્ષણની ગણતરીપૂર્વકની કાર્યવાહીને અમલમાં મુકવા માટે કેટલાય વૈજ્ઞાનિકો એક જૂટ થઈને કાર્યરત થયા હશે?
આજે તો એકવીસમી સદીમાં વિજ્ઞાન, અદ્યતન કોંપ્યુટર ટેક્નોલૉજિ એ બધાએ મળીને આ ગણતરી કરી હશે ત્યારે સાવ જ અચાનક સદીઓ પહેલાની સોળમી સદીની એક રચના સાચે જ યાદ આવી ગઈ.
જુગ સહસ્ત્ર યોજન પર ભાનુ ।
લીલ્યો તાહી મધુર ફલ જાનૂ ।।
પૃથ્વીથી સૂર્ય વચ્ચેના અંતરને સૌ પ્રથમ આપણા હનુમાન ચાલીસામાં દર્શાવાયુ છે. અદ્યતન સાધનો અને સુવિધાઓ સાથે પણ સૂર્ય સુધી પહોંચવાની તો વાત જ નથી પરંતુ એ સમયે પણ કોઈ જાતની ટેક્નોલૉજિ વગર પૃથ્વીથી સૂર્ય સુધીની આ ગણતરી ગોસ્વામી તુલસીદાસજીએ ૧૬મી સદીમાં કરી હતી. આમાં જુગ સમયનો એકમ છે અને એનુ યોજન અને માઈલને ગુણીને જે અંતર દર્શાવ્યું છે એ આજના વૈજ્ઞાનિકોએ મુકેલી ગણતરીની ઘણું નજીક હતું. હવે એ સમયે આ ગણતરી કેવી રીતે કરી હશે એ આશ્ચર્યની વાત નથી?
ભારતીય સંસ્કૃતિના પ્રાચીન સાહિ‌ત્ય જેમાં વેદો, ઉપનિષદો, સંહિ‌તાઓ, મહાકાવ્યોમાં આરોગ્ય, અધ્યાત્મ, યોગ અને ખગોળની વાતોનો ઉલ્લેખ તો કરવામાં આવ્યો જ છે માત્ર જરુર છે એ સાહિ‌ત્યને ઉકેલવાની અને મંત્રો, શ્લોકો કે સ્તુતિઓના ગૂઢ અર્થને સમજવાની. ભારતીય સંસ્કૃતિના પ્રાચીન ગ્રંથોને સમજવા પ્રયત્ન કરીએ તો આવી અનેક અવનવી મળી આવે છે.
ચંદ્ર વિશે કેવી કેવી કલ્પનાઓ આપણે કરતાં આવ્યા છીએ? ચંદ્ર પર સૌ પ્રથમ માનવીએ પગ મૂક્યો હશે ત્યારે એનું આશ્ચર્ય અને રોમાંચ એવો જ અકબંધ રહ્યો હશે ખરો? એણે ય પોતાની પ્રેયસીને ક્યારેક ચાંદ સાથે સરખાવી હશે ખરી અને એ ચાંદની સપાટી પર ઉતરતાની સાથે જ એને પોતાની પ્રિયતમાનું સ્મરણ થયું હશે ખરું?
કાવ્ય પંક્તિ/ રજની/ ગની દહીંવાલા
Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

પ્રેમ પરમ તત્વ : 40 : શ્રદ્ધા: સપના વિજાપુરા

શ્રદ્ધા , આસ્થા, યકીન, faith   તમે એને ગમે તે નામ આપો. પણ એનો સીધો સંબંધ દિલ સાથે છે. આપણે ઈશ્વરને જોયોનથી, ખુદાને જોયો નથી. પણ શ્રદ્ધાળુ વ્યક્તિ ને જરૂર શ્રદ્ધા છે કે ખુદા છે ઈશ્વર છે. આ જગતને ચલાવનાર કોઈ છે. જે આપણી ઈચ્છા કે અનિચ્છાથી આપણા જીવનના નિર્ણય લે છે.
બાળક જ્યારે મા  ના ગર્ભમાં હોય છે. એ અંધારામાં એ બાળકને ખોરાક પહોંચાડે છે. એ બાળક ધીરે ધીરે મોટું થાય છે. અને એના નિમિત્ત સમયે આ દુનિયામાં આવે છે. તો એની મા ની છાતીમાં દૂધની હેલી ચડે છે. આ બધો બંદોબસ્ત બાળક નથી કરતુ, પણ એના માટે ઉપર બેઠેલો ઈશ્વર કરે છે. જે  નિરંજન અને નિરાકાર  છે.બાળકને પૂરો વિશ્વાસ છે કે એને એનો ખોરાક મળી રહેવાનો છે. વળી શ્વાસની રિધમ, ધમની માં લોહીનું ભ્રમણ એને કશી ચિંતા કરવાની જરૂર નથી, એના માટે બધી વ્યવસ્થા છે.
પછી બાળક મોટું થતું જાય એના મોઢામાં દાંત આવી જાય , શરીર વિકસતું જાય. બાળક એક સુંદર જવાન બની જાય અને સમાજના દરેક આશ્રમમાં થી પસાર થતા, અંતે પરમાત્મામાં મળી જાય. આ દુનિયામાં જે જીવ આવ્યો છે તે પાછો ફરવાનો છે. એમાં કોઈ શક નથી. દરેક મનુષ્યનું જીવન લગભગ આ ઘટમાળ માંથી પસાર થવાનું.  તો પછી એ અદ્રશ્ય શકિતને માન્યા વગર છૂટકો  નથી જે દરેક આત્માની સંભાળ રાખે છે.
માનવ શરીર જોઈએ તો એક એક અંગ કેટલી મહેનત અને કારીગરીથી બનાવવામાં આવ્યું છે. દરેક  અંગનું કામ પણ  ઇશ્વરે નક્કી કરી દીધું છે. જો કોઈ એક અંગ બરાબર ના ચાલે તો ઇન્સાનને તકલીફ પડે છે. જેમાં હ્દય અને મગ બંનેને મૂકી આપણા હ્દયમાં શ્રદ્ધા ના દિપક જલાવી દીધા છે. આ શ્રદ્ધા ઉમ્મીદ અને આશા માંથી જન્મે છે.
શ્રદ્ધા સાથે ડર  પણ સંકળાયેલ છે, જો મારાથી કોઈ ભૂલ થઇ જશે અને મારો રબ મારાથી રિસાઈ જશે તો!! આ ડર  અને ખોફ માં પણ શ્રદ્ધા રહેલી છે કે આપણે આપણા રબને આપણા થી દૂર થતો સહન થતો નથી. જયાં  મહોબ્બત છે, પ્રેમ છે ત્યાં ખોફ અને ડર  આવી જાય છે કે ક્યાંક મારો પ્રેમી, મારો ખુદા મારાથી રિસાઈ ના જાય. તો જેમ આપણે આપણા પ્રેમીને મનાવવા જાત જાતના ઉપાયો કરીએ છીએ એ રીતે આપણે આપણા રબ ને મનાવવા શ્રદ્ધાનો દીપક જલાવીએ  છીએ.
પ્રેમ અને શ્રદ્ધા માં કોઈ ફરક નથી.  જ્યા પ્રેમ હોય ત્યાં શ્રદ્ધા હોય  છે.કોઈ ચી ને જોયા વગર એના પ્રેમમાં પડવું એ શ્રદ્ધા છે.  જેમકે એક ખાલી ઓરડો હોય, કોઈ તમને કહે કે આ ઓરડામાં જા તને ઈશ્વર મળશે. અને તમે ઓરડામાં દાખલ થાઓ અને ત્યાં હવા સિવાય કશું નથી. પણ જો એ ઓરડામાં દાખલ થતી વખતે તમે વિચારો કે ઈશ્વર તો દરેક જગ્યાએ છે. તો આ ઓરડામાં ઈશ્વર મળી આવશે અને આ શ્રદ્ધા છે. અદ્રશ્ય વસ્તુ પર શ્રદ્ધા રાખવી એ ઈશ્વર પ્રત્યેનો પ્રેમ બતાવે છે એતમને પરમ સુધી લઇ જશે આમ, સાચી શ્રદ્ધા એટલે ઈશ્વર વિશે આપણે જે કંઈ જાણીએ છીએ, એમાં પાક્કી ખાતરી રાખવી અને અડગ ભરોસો રાખવો.
પરમ સુધી પહોંચવા માટે પ્રેમ જરૂરી છે, અને પ્રેમ માટે શ્રદ્ધા જરૂરી છે. અંતમાં મોરારીબાપુની એક વાત સાથે વિરમું છું.
આમ તો શ્રદ્ધા, વિશ્વાસ અને ભરોસો ત્રણે પ્રથમ દ્રષ્ટિએ સમાનાર્થી શબ્દો લાગે, પરંતુ ત્રણે શબ્દોમાં અર્થ સંબંધી તફાવત છે. મારે આ ત્રણે શબ્દો શ્રદ્ધા, વિશ્વાસ અને ભરોસાનો વાક્યપ્રયોગ કરવાનો હોય તો હું એમ કહું કે મંત્રમાં વિશ્વાસ રાખવો, સદ્દગુરુ માં ભરોસો રાખવો અને ઈશ્વરમાં શ્રદ્ધા રાખવી અથવા એમ પણ કહી શકાય કે સત્યમાં વિશ્વાસ રાખવો, પ્રેમમાં ભરોસો રાખવો અને કરુણા માં શ્રદ્ધા રાખવી. શ્રદ્ધા અમૂલ્ય છે. દરેક જગ્યાએ શ્રદ્ધા મૂકી ન શકાય. વિશ્વાસ વિના ન ચાલે, એટલે તે ગમે ત્યાં મુકાય છે. જે પ્રેમમાં ડૂબેલ છે, જ્ઞાનને વિજ્ઞાન બનાવી દીધું છે, એ મહત્ સત્તામાં શ્રદ્ધા મુકાય. શ્રદ્ધાને વ્યભિચારિણી ન બનાવો. વિશ્વાસ તો દરેક વ્યક્તિમાં પણ મૂકવો પડે છે. ડોક્ટરમાંડ્રાઈવરમાં, તમારા ઘરના નોકરમાં પણ વિશ્વાસ મૂકવો પડે છે. શ્રદ્ધા બધા પર ન થાય.એ ફકત અને ફકત ઈશ્વર પર થાય !!
સપના વિજાપુરા

દ્રષ્ટિકોણ 39: નાના આંતરડાનો રોગ અને નવી ટેક્નોલોજી – દર્શના

મિત્રો હું, દર્શના વારિયા નાડકર્ણી તમોને શબ્દોનુંસર્જન બ્લોગ ઉપર અને દ્રષ્ટિકોણ કોલમ ઉપર આવકારું છું.  આ પહેલા આપણે એક વાર રેર ડીઝીઝ એટલે દુર્લભ અને અનોખા રોગો વિષે વાત કરેલી http://bit.ly/2IvHJtZ . આજે તેવાજ એક રોગ અને નવી ટેક્નોલોજી ઉપર થોડી વાતો શેર કરું છું. 
નાના આંતરડા નો રોગ
આ રોગ વિષે અને નવી ટેક્નોલોજી વિષે માહિતી આપતા પહેલા ચાલો આપણે જાણીએ કે આપણે ખાઈએ તે ખોરાક નું કઈ રીતે પેટ માં પાચન થાય છે. 
પાચન ક્રિયા
સામાન્ય રીતે પાચનની શરૂઆત ખોરાક મોઢામાં પંહોચે છે ત્યારે જ થાય છે. ખોરાક ને ચાવવાની સાથે, મોઢામાંનું થુંક અને લાળ ખોરાકને તોડવાનું શરૂ કરે છે. તે આગળ વધતા, અને અન્નનળીમાંથી પસાર થતાં, ખોરાક સંકોચાય છે અને તે સંકોચન ખોરાકને પેટ તરફ આગળ ધપાવે છે. પેટમાં, ખોરાક વધુ તૂટી અને પ્રવાહી અથવા પેસ્ટ ના સ્વરૂપ માં બદલે છે અને ત્યાં એસિડ્સ અને એન્ઝાય્મ (ઉત્સેચકો) સાથે ભળી જાય છે. પેટ ધીમે ધીમે તે બધું નાના આંતરડામાં ઠાલવે છે. 
નાનું આંતરડું
આ ટ્યુબ આકારનું અંગ શરીર નું સૌથી લાબું અવ્યય છે.  તે પેટ અને મોટા આંતરડા વચ્ચે સ્થિત છે. નાના આંતરડાને પાચક તંત્રના વર્કહોર્સ તરીકે ગણવામાં આવે છે. તે 20 ફૂટ લાબું અંગ છે અને તેમાં ડ્યુઓડેનમ, જેજુનમ અને ઇલિયમ નામના ત્રણ ભાગ છે.
ડ્યુઓડેનમ એ નાના આંતરડા નો  પ્રથમ ભાગ છે જ્યાં સામાન્ય રીતે આયર્ન (લોહ)  અને અન્ય મિનરલ્સ (ખનિજો) શોષાય જાય છે.
જેજુનમ એ મધ્યમ વિભાગ છે જ્યાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, અને મોટાભાગના વિટામિન્સ શોષાય છે.
ઇલિયમ એ નાના આંતરડા નો નીચલો ભાગ છે જ્યાં (પિત્ત) એસિડ્સ અને વિટામિન બી 12 શોષાય અને શરીર માં ઉતરે છે.
નાના આંતરડામાંથી ખોરાક મોટા આંતરડામાં જાય છે. મોટું આંતરડું પુખ્ત વયના લોકોમાં લગભગ 5 ફુટ લાબું હોય છે અને ત્યાં પાણી અને બાકીના પોષક તત્વો નું શોષણ થાય છે. તે પછી પ્રવાહીમાંથી તે ઘન પદાર્થમાં બદલાય છે અને શરીર ને ન જોઈતી વસ્તુઓ કુદરતી રીતે બહાર નીકળી જાય છે. 
ટૂંકા આંતરડા નો રોગ 
ટૂંકા આંતરડા સિંડ્રોમ અથવા Small Intestine Syndrome (SBS) એ બહુ ખરાબ રોગ છે. નાના આંતરડા ની અપૂરતી લંબાઈ મુખ્યત્વે પોષક તત્વો નું શોષણ અને પાચન થવા દેતી નથી.  ક્યારેક રોગ અથવા ઈજા ને લીધે આંતરડું નાનું થાય છે અને ક્યારેક જન્મ થી આ રોગ લઈને બાળક જન્મે છે. 
માલએબ્સોર્પશન 
SBS વાળા લોકો ખોરાકમાંથી પૂરતા પ્રમાણમાં પાણી, વિટામિન, ખનિજો, પ્રોટીન, ચરબી, કેલરી અને અન્ય પોષક તત્ત્વોને ગ્રહણ કરી શકતા નથી. આ ખુબ ગંભીર વાત છે. તેઓને વારંવાર ઝાડા થાય છે, વજનમાં ઘટાડો અને આવશ્યક વિટામિન્સ અને ખનિજોના ન મળવાથી ખુબ શરીર માં નુકશાન થાય છે. 
રોગનો વ્યાપ
અમેરિકામાં દર વર્ષે આશરે 8 હજાર નવા કેસ થાય છે. પીડિયાટ્રિક દર્દી બાળકો 3 વર્ષની વયે પહોંચે તે પહેલા મૃત્યુ પામે છે. તેમનું ટૂંકું જીવન એક બેકપેક જોડે બંધાયેલ હોય છે અને તેમાંથી એક સોય દ્વારા બાળકોની નસ માં તેમને ન્યુટ્રિશન પંહોચાડવા માં આવે છે. આ રીતે પોષક તત્વો જઠર માર્ગને બાયપાસ કરીને સીધા લોહીના પ્રવાહમાં આપવામાં આવે છે. 
એક્લીપ્સ રીજેનેસિસ સોલ્યુશન
આ પહેલા ના દુર્લભ રોગો વિષે ના આર્ટિકલ માં મેં કહેલું કે જે કંપની આવા અનોખા રોગો ઉપર કામ કરી રહી હોય તેમના રસ્તા માંથી સરકાર અને FDA બધા વિઘ્નો દૂર કરી અને તેમનો રસ્તો સાફ કરી આપવા માંગે છે. ખાસ કરીને જો બાળકોને રાહત મળે તેવી ટેક્નોલોજી હોય તો તેવી કંપની નો રસ્તો થોડો આસાન બને છે. 
 એક્લીપ્સ રિજેનેસિસ કરીને કંપનીએ એક નવું સંશોધન કર્યું છે તેમાં શરીર ની કુદરતી તાકાત નો ઉપયોગ કરેલ છે. એક નાની નિટીનોઇલ કોઇલ નાના આંતરડામાં એક નળી દ્વારા દાખલ કરવામાં આવે છે. પછી તે આઘીપાછી ન થાય તે માટે તેટલા ભાગમાં નાના આંતરડાને બહારથી સુચર્સ લગાવીને સાંકડું કરવામાં આવે છે. આ કોઇલ 2 થી 3 અઠવાડિયા સુધી ત્યાં રહેવા દેવા માં આવે છે. તે દરમ્યાન કોઇલ ને ધીમે ધીમે લાંબી કરવામાં આવે છે. આ સમજવા માટે તમને એક ઉદાહરણ આપું। કોઈના દાંત સીધા કરવા માટે બ્રેસિસ લગાડવામાં આવે ત્યારે તે બ્રશીસ ધીમે ધીમે, દર અઠવાડિયાની વિઝિટ માં ડોક્ટર  ટાઈટ કરતા જાય છે અને ધીમે ધીમે તે પ્રમાણે દાંત ને જોઈએ તેવી દિશામાં ફેરવે છે. 
તેજ રીતે અહીં કોઇલ ધીમે ધીમે લાંબી કરતા, સાથે સાથે આંતરડું પણ ધીમે ધીમે લાબું થતું જાય છે.  મજાની વાત એ પણ છે કે આ 2-3 અઠવાડિયા દરમ્યાન પોશાક તત્વો પણ આંતરડામાંથી નિયમિત રીતે વહેતા રહે છે. લગભગ ત્રણ અઠવાડિયા ના અંતે સુચર્સ ઓગળી જાય છે અને કોઇલ ખોરાક સાથે વહેવા માંડે છે અને કુદરતી રીતે તે શરીર માંથી નીકળી જાય છે.  અત્યાર સુધી આ ભયજનક, દયાજનક, અને વિનાશકારક રોગ નું કોઈ સારું નિવારણ જ નહોતું. આ રોગ થી પીડાતા લોકોનું નાનું જીવન પણ ક્યારેક અતિશય પીડામાં ગુજરતું। અને તેમને જીવિત રાખવાનો વાર્ષિક  ખર્ચ ત્રણ લાખ ડોલર્સ થી ઉપર આવતો હતો. અને આ કેટલું સુંદર અને સરળ સોલ્યૂશન છે. શરીર ની પેશીઓ અને સ્નાયુઓ ને ધીમે ધીમે થોડી મદદ વડે અને બાકી તેમની કુદરતી તાકાત વડે લંબાવી અને આંતરડા ને લંબાવવાના। અત્યારે આ કંપનીએ ઉંદર અને ડુક્કર ઉપર પ્રયોગો કરેલ છે અને તેમાં તેમને સફળતા મળી છે. ધીમે ધીમે લંબાયેલ આંતરડામાં બધાજ પોષણો શોષણ કરવાની તાકાત છે અને તે પાછું સંકુચિત થતું નથી. અને વારંવાર  (થોડા થોડા મહિનાના અંતરે) થોડું થોડું લંબાવીને બહુજ નાના આંતરડાને જોઈતી લંબાઈ આપી શકાય છે. 
દુર્લભ રોગો ઉપર કામ કરનારાઓને FDA ખાસ રસ્તો સાફ કરી આપે છે તેથી આ કંપની માને છે કે તુરંત નાના બાળકો ના શરીર માં આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે। આપણે ઇચ્છીયે કે તેમને સફળતા મળે. 
તમને વિડિઓ માં આ ટેક્નોલોજી કેવી રીતે કામ કરે છે તે જોવું હોય તો આ લિંક ઉપર ક્લિક કરશો
http://eclipseregenesis.com/#the-team  

હળવેથી હૈયાને હળવું કરો -૧૫

મિત્રો હળવેથી હૈયાને હળવું કરોમાં આજે એક નવા સર્જકને  પ્રસ્તુત કરતા આંનદ અનુભવું છે અને સાથે ‘બેઠક’માં સ્વાગત કરું છું.હૈયાની વાતને જયારે શબ્દો મળે છે ત્યારે સર્જક પોતાની અનુભૂતિ કે વિચારોનું નિકટતમ દર્શન વાચકને કરાવે છે અને એમની વ્યક્તિગત અભિવ્યક્તિમાંથી પ્રસરે છે અનુભૂતિનું અત્તર .

અનુભૂતિનું અત્તર-1

સિલિકોન વેલીની ખુશનુમા સવાર…રોમેરોમમાં તાજગી ભરતો શીતળ હવાનો સ્પર્શ…બેકયાર્ડની બહાર આવેલા રેડ મેપલ વૃક્ષોમાંથી આવતો પંખીઓનો ચહકાટ…સૂર્યના પહેલા કિરણ સાથે જ સૂર્યનમસ્કારના 12 આવર્તન પુરા કરી મેટ પર સુતા સુતા રેટિના ડિસ્પ્લે થી અવનવા દ્ગશ્યો ખુલી જાય છે. સાથે એ પણ એહસાસ થાય છે કે રેટિના ડિસ્પ્લે બનાવવા પાછળ કાંઈ કેટલાય લોકોના રાતો જાગીને કરેલા અથાગ પ્રયત્નો પડેલા છે.
            કભી કભી મેરે દિલમેં ખયાલ આતા હૈ…..  કયાં   1963 પહેલાંનું કેરળનું એ નહિ જાણીતું ગામ – થુમ્બા….જ્યાં સાઈકલના કેરિયર પર રોકેટ મૂકીને એક માણસ સાઇકલ દોરીને લઇ જઇ રહ્યો છે ને બળદગાડામાં નાસાએ મોકલેલ પાર્ટસ જઇ રહ્યા છે. ત્યાંનું ચર્ચ એટલે રોકેટનું વર્કશોપ અને લોન્ચ સ્ટેશન અને પાદરીનું ઘર એટલે ISRO ની ઑફિસ. ને ક્યાં આજની હરણફાળ- ના ના હરણફાળ નહીં, ચંદ્રકુદકો…
               જીવનમાં પણ કંઈક આવું જ નજર સામે આવે છે.  અતિતના વાઈડ એંગલ લેન્સથી વર્તમાનનું પ્રતિબિંબ જોઈએ તો ઘણી બધી સ્લોફી ઉભરી આવે છે. પહેલા ભારતીય માઇનિંગ એન્જિનિયર બનવાનું ગૌરવ જેના નામે છે એવા મારા નાનાજીનું નવમું સંતાન એટલે મારી મા. પિતા પાસેથી પ્રેરણા લઈ ખૂબ ભણવાની મહેચ્છા ધરાવતી આ બાળકી મુંબઇ પોદાર સ્કૂલમાં ભણી. ભણવાનું હોય કે રમતગમત અને ઇતર પ્રવૃત્તિઓ હોય – બધામાં ભાગ લેવો એટલું જ નહીં નંબર પણ લાવવો. પિતાની આંખનો તારો. 14 વર્ષે મેટ્રિક થઈ પણ ભાવિના ગર્ભમાં શુ છુપાયું છે તે કોણ જાણી શક્યું છે?
પિતાનું અણધાર્યું મૃત્યુ…ભણવાનું છૂટી ગયું…લગ્ન થઈ ગયા…ઘરસંસાર અને દિકરીઓમાં ગૂંથાઈ ગઈ…પતિની ટ્રાન્સફરેબલ નોકરી ને નાના ગામડાઓમાં રહેવાનું…પણ બચપણનું સપનું હજુ આંખોમાં સચવાયેલું…ગામડામાં  લાઈટ પણ નહોતી ત્યાં કોલેજ તો ક્યાંથી હોય? એક્સટર્નલ  અભ્યાસ કરી 28 વર્ષે ગ્રેજયુએટ થઈ…
               આ એ યુગની વાત છે જ્યારે ગામડામાં વીજળી ન હતી કે ન હતા પાણી માટે નળ, ઘર નો ફ્લોર પણ
ગારથી લીપેલો હોય કે પછી પત્થરનો હોય. ગામમાં શાળા તો ખરી પણ શાળામાં બેન્ચ નહીં. પલાંઠી વાળી આસન પર બેસવાનું.ખોળામાં નોટબુક રાખી લખવું પડે.શાળાનું બિલ્ડીંગ નહીં. ત્યાંના રાજાએ રાજમહેલમાં શાળા ચલાવવા પરમિશન આપી. પરંતુ, આર્કિઓલોજીની રીતે અદ્ભુત છતાં તળાવના કાંઠે આવેલો ભવ્ય એવો રાજમહેલ જર્જરિત થઈ ગયેલો.ત્યાં સાપ નીકળે, ઘો નીકળે, કાચીંડા નીકળે . વરસાદ પડે ને પ્લાસ્ટર ખરે, લાકડાના પિલર પડે ને બાળકોને ઘેર જવાની રજા મળી જાય.સાયન્સના વિષયો શાળામાં ન ભણાવાય, કે ન તેની પરીક્ષા લેવાય. તેમ છતાં દીકરીને ધેર ભણાવી અમદાવાદ સાયન્સ કોલેજમાં એડમિશન અપાવ્યું. S.S.C.ની પરીક્ષા આપવા પણ બીજા ગામ જવું પડે.રોજબરોજના જીવન માટે જ એટલો સંઘર્ષ  કરવો પડે કે  બીજી કોઈ વાત માટે ન તો સમય રહે ન શક્તિ. પરંતુ, હાર માનવી એ મારી માતાના સ્વભાવમાં જ ન હતું ભલે સામનો ગામડાની સુવિધા વગરની પરિસ્થિતિનો હોય, લોકોનું જુનવાણી માનસ હોય, ચાર દીકરીઓને શ્રેષ્ઠ શિક્ષણ આપી ઉછેરવાની જવાબદારી હોય  કે ટૂંકા પગારમાં 6 સભ્યોના પરિવારનો ઘરસંસાર ચલાવવાનો હોય. પ્રેમાળ પતિનો સાથ અને સ્વયંમાં શ્રદ્ધાએ આ કુટુંબ એવું ખુમારીભર્યું જીવન જીવતું હતું કે સલામ ભરવી પડે.સાંજ પડે ને સમગ્ર કુટુંબ સાથે બેસી અલકમલકની, જ્ઞાન- વિજ્ઞાનની, જીવનજ્ઞાનની વાતો અને કિલકારીઓથી ગુંજી ઉઠે.બેડમિન્ટન ચેમ્પિયન માતા ને કેરમ ચેમ્પિયન પિતાએ દીકરીઓને એવી તૈયાર કરી કે શાળામાં તો નંબર લાવે પણ યુવક મહોત્સવ હોય કે વિજ્ઞાનમેળો- તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ પણ વિજયી બને. ગુજરાતી ધૂળિયા નિશાળમાં ભણેલી એ દીકરીઓને જીવનનું પણ એવું શિક્ષણ આપ્યું કે એ ક્યાંય પણ જઈને ઉભી રહે તો એની નોંધ જરૂર લેવી પડે.
                 માની હિંમતને દાદ તો ત્યારે આપવી પડે કે એક દીકરીને ગ્રેજ્યુએટ થઈ  સાસરે વળાવી દીધી અને બીજી દીકરી ગ્રેજ્યુએશન કરે એની સાથે પોતે પણ પોતાની દીકરીની ઉંમરના વિદ્યાર્થીઓ સાથે રેગ્યુલર કોલેજમાં ભણીને 42 વર્ષની વયે B. ed. કર્યું અંગ્રેજી વિષય સાથે .દરેક વખતે 14 વર્ષનો ગેપ. 14 વર્ષે મેટ્રિક, 28 વર્ષે ગ્રેજયુએટ, 42 વર્ષે B. ed. ન થાકી, ન હારી , બસ એક લક્ષ્ય, જે હાંસલ કરી શિક્ષક બની અને આચાર્ય તરીકે નિવૃત્ત. માત્ર પોતાની જ નહીં પણ શાળાની અગણિત દીકરીઓની માર્ગદર્શક, પથપ્રદર્શક બની, જેને એ પોતાની સાચી કમાણી કહે છે.
              મેટ પર સુતા હું સૂર્યનારાયણના તાપની  વધતી જતી તીખાશ અનુભવી રહી હતી પણ હું તો હજુ જાણે ટ્રાન્સમાં જ હતી.  એક વખત મારા યોગના ક્લાસમાં વાતવાતમાં મારી માતાની શાળાની  એક વિદ્યાર્થિનીને ખબર પડી કે હું કોની દીકરી છું તો તે બોલી ઉઠી. “ઓહો, હવે મને ખબર પડી કે તમે આટલું સરસ કેમ બોલો છો .”
            મૂર્તિની મહાનતા પાછળ છે  શિલ્પીના ટાંકણાનો ટંકાર, સંગીતની સુરાવલીઓની પાછળ છે સ્વરનો ઝંકાર, તાળીઓના ગડગડાટ પાછળ છે પુરુષાર્થ અને પરિશ્રમનો રણકાર -એ જ છે પ્રકાશ અને પ્રિઝમ થી બનતું સપ્તરંગી મેઘધનુષ- મારી અનુભૂતિનું અત્તર.
રીટા જાની
વ્યક્તિ જયારે સંઘર્ષ ને સ્વીકારે છે.ત્યારે સંઘર્ષ સંઘર્ષ નથી રહેતો પણ સીડી બની જાય છે.હા મિત્રો વાત છે  હળવેથી હૈયાની વાતને કરવાની છે તમે પણ ક્યારેક આવો અનુભવ કર્યો હોય તો જરૂર મોકલશો.

૪૫ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

 
 સાપ ગયા અને લીસોટા રહ્યા
આ કહેવત વાંચતાં જ આજની પેઢીના બાળકોને વિચાર આવે, સાપ તો જોયો હોય પણ આ લીસોટા શું છેઆ કહેવત જૂના જમાનાની છે. જ્યારે ગામડામાં ધૂળિયા રસ્તા હતા. જ્યાંથી સાપ પસાર થાય ત્યાં ધૂળમાં લિસોટા પડે અને તમને ખબર પડે કે સાપ અહીંથી પસાર થયો છે. પછી એ લીસોટા સમયાંતરે પૂરાઈ જાય. હવે તો ગામમાં પણ પાકા રસ્તા થઈ ગયા છે. લીસોટાનો કોઈ સવાલ જ નથી. જ્યારે શહેરોમાં આ કહેવત વિચારવાની નથી.
પરંતુ હા, આજના સંદર્ભે આ કહેવત બોલચાલમાં ખાસ આવે છે. સમય, સંજોગો, વ્યક્તિ, પરિસ્થિતિ વર્તમાનમાંથી ભૂતકાળ બની જાય છે, એક સાપ ની જેમ, અને તે જે નિશાની છોડી જાય છે તેને આપણે લીસોટા કહીએ છીએ. જેને કેડી પણ કહી શકાય. સમયે સમયે સંબંધોના સાપ સરકી જાય છે પણ વ્યકિતના માનસપટ પર લીસોટા છોડી જાય છે. આ લીસોટા કંઈક ખાટી-મીઠી યાદો ને તાજી કરાવી દે છે. ત્યારે વ્યક્તિ બોલી ઊઠે છે, સાપ ગયા અને લીસોટા રહ્યાં.
વર્તમાન અમર નથી. ગીતામાં શ્રીકૃષ્ણે કહ્યું છે, પરિવર્તન એ જ સંસારનો નિયમ છે. સૃષ્ટિચક્ર પરિવર્તનશીલ હોય છે. દરેક સંસ્કૃતિનો ઉદય થઈને પરાકાષ્ઠા સુધી પહોંચીને વિલીન થાય છે. જે તે સંસ્કૃતિને પોતાનો ધર્મ, રીતરિવાજો, રહેણી કરણી, બોલચાલ, અમુક ગ્રંથીઓ, પહેરવેશ, ખોરાક, નીતિ નિયમો અને કાયદાઓ હોય છે. જેને આપણે સંસ્કાર કહીએ છીએ. સમય જતાં દેશ-કાળ, પરિસ્થિતિ પ્રમાણે અને ખાસ તો માણસની સગવડતા પ્રમાણે તેમાં બદલાવ આવે છે. જૂના નીતિ નિયમો, વિધિ-વિધાન ભુલાય છે. નવા ઘડાય છે, જે વ્યક્તિ, કુટુંબ, સમાજ કે ધર્મનો આધારસ્તંભ બને છે. જે નિશ્ચિત અને અનિવાર્ય છે તેને સ્વીકારવું જ રહ્યું.
સ્ત્રી ગર્ભ ધારણ કરે છે ત્યારથી, બાળક જન્મ અને તેના ઉછેરમાં કેટલો બદલાવ આવે છે? સાપના લીસોટાને જો આજની પેઢી અનુસરશે, તો….? તે શક્ય જ નથી. બાળકનું ઘડતર, કેળવણી, માનસિકતામાં તીવ્ર ગતિએ ફેરફાર થઇ રહ્યો છે. ખોરાક, પહેરવેશમાં પણ ફેરફાર નોંધનીય છે. આજે લગ્નજીવન માટે ધર્મનો કોઈ બાધ નથી. એક જ કુટુંબમાં અનેક ધર્મનું પાલન થાય છે અને તેની દરેકને સ્વતંત્રતા હોય છે. એક જ ઘરમાં એકથી વધુ ભાષાનો વપરાશ જોવા મળે છે. પરિણામે વિચારોમાં અસમાનતા અને સ્વકેન્દ્રીપણું વિકસતું જાય છે. વ્યક્તિ માત્ર તેના પોતાના વ્યક્તિત્વ અને અસ્તિત્વનો વિચાર કરે છે. ઘરડાં મા બાપ કે પોતાના સંતાનો માટે સમયનો અભાવ જોવા મળે છે. જગત આખું ભૌતિકતા તરફ દોટ મૂકી રહ્યું છે. સાપના ગયેલા માર્ગ પર આજુબાજુથી ધૂળની ડમરીઓ, પ્રદૂષણનો વંટોળ એટલો જોરથી ફૂંકાઈ રહ્યો છે કે દૂરનું તો ઠીક પણ હમણાં જ કેડી કંડારેલી હોય એટલે કે સાપ ગયો હોય અને રસ્તો ભૂંસાઈ જાય છે.
આ સંજોગોમાં પ્રશ્ન એ ઉભો થાય છે કે શું જૂના રસ્તા યાદ રાખીને સાચવી રાખવા? તેનું જ અનુસરણ કરવું? વ્યક્તિએ પોતાના કુટુંબ અનુસાર, સંસ્કાર અનુસાર, પોતાના પરિવારના હિતમાં હોય તેને પોતાનો જીવનમાર્ગ બનાવવો જોઈએ. બીજાના પેંગડામાં પગ મૂકીને જીવનાર વ્યક્તિની દશા, ના ઘરનો ના ઘાટનો‘  જેવી થાય છે. દેશ પ્રમાણે સંસ્કાર બદલાય છે. જૂની સંસ્કૃતિને યાદ કરીને જીવનાર પોતાના પરિવારને ન્યાય આપી શકતો નથી.
આજે અમારા જમાનામાં, અમે તો આમ … તેવું કહેનારા વડીલો, વૃદ્ધોએ આ કહેવત સતત યાદ રાખીને આજની પેઢી પર પોતાના વિચારોને થોપવા ના જોઈએ. હવે રસ્તા ધૂળવાળા નથી રહ્યા. પાકી સડકો થઇ ગઇ છે. પગલાની જૂની છાપ ભૂંસાતી જાય છે. નવી પેઢીને વિકસવા દો. તેમની સામે તેમનો વિશાળ ફલક છે. પાંખો તમે આપી છે તો ઉડવા દો. આકાશે ઊડતાં પક્ષીનું વિઝન વિશાળ હોય છે. તે બધું જ જોઈ શકે છે. વિચારીને વર્તવાનું તેમના હાથમાં છે. અંકુશ પણ તેમને રાખવા દો કારણ કે આજનો યુવાન આવતી કાલનો સૂત્રધાર છે.
જેણે સાપ જોયા છે તેણે તેના લીસોટા માત્ર યાદ કરવાં જ રહ્યાં. સાપ જેમ સમયાંતરે તેની જૂની કાંચળી ઉતારતો જાય છે અને નવી ધારણ કરે છે તેમ માણસે આ સતત પરિવર્તનશીલ યુગમાં cut, copy, paste કરતાં રહેવું જોઈએ. જોવું, જાણવું, માણવું, ભૂલી જવું અને આગળ વધવું. સાપની જેમ પોતાની નિશાની છોડતાં જવું અને જગ યાદ  રાખે તેવું કાર્ય કરતાં જવું, જેથી લોકો બોલી ઊઠે, સાપ ગયા અને લીસોટા રહ્યાં.

સંવેદનાના પડઘા ૪૬ સાચો નિર્ણય

ધરા ન્યુયોર્ક એરપોર્ટથી લોંગઆઈલેન્ડ તેની ખાસ સહેલી ગોપીની દીકરીના લગ્ન માટે તેના પતિ સાથે જઈ રહી હતી.કેટલા વર્ષો પછી તે ગોપીને આજે આમ અમેરિકામાં મળવાની હતી તેથી તે ખૂબ ખુશ હતી.ગોપી સાથે સ્કૂલ અને કોલેજમાં માણેલી અનેક ખાટીમીઠી યાદોને વાગોળતી તે લગ્નના સ્થળે પહોંચી ગઈ.ગોપીની એકનીએક દીકરીના ખૂબ ધામધૂમથી પાંચ દિવસના ફંક્શન સાથે લગ્ન હતા.આજે પંચતારક હોટલમાં સંગીતસંધ્યા હતી.તે પહેલા ગાલા ડીનર હતું.હોટલનાં રુમમાં સામાન મૂકતી હતી ત્યાંજ ધરાના આવવાના સમાચાર સાંભળી ગોપી તેને મળવા દોડી આવી.બંને જણા હર્ષના આંસુ સાથે ભેટ્યા અને ગોપીએ ધરાને જલ્દી તૈયાર થઈ ડીનરમાં આવવાનું કીધુ.
શોકીંગ-પીન્ક અમદાવાદી શરારા સાથે વિલન્દી ગ્રીનને સફેદ જડતરના દાગીના અને ઢીલા અંબોડામાં પોતાના હાથે ગૂંથેલ ગુલાબની વીણી સાથે ધરા તૈયાર થઈને ડીનરનાં હોલમાં આવી રહી હતી.થોડા થોડા રુપે ઘડેલી ધરા ,કાજલ આંજેલ આંખ સાથે ખૂબ આકર્ષક લાગતી હતી. ડીનરની જગ્યાએ નીચે પહોંચતા જ સામે શેરડીનો તાજો રસ નીકળતો જોયો અને ધરાને અમદાવાદના અટીરા પાસે કોલેજના મિત્રો સાથે રોજ માણેલ એ શેરડીનો રસ યાદ આવી ગયો. એ વેઈટર પાસે મસાલો નાંખીને રસ માંગી જ રહી હતી અને એક અવાજ શેરડીના રસ ભરેલ ગ્લાસ સાથે તેને સંભળાયો,
“ મધુ, લે આ શેરડીનો રસ તારા જેવો જ મધુર”
ધરા બેઘડી માટે એકદમ અવાચક બની ગઈ!! “આકાશ……તું…… ?” અને આકાશ ધરાની સામે યુનિવર્સિટીના મેદાન પાસે આવેલ શેરડીના સંચા પાસેની લાકડાની બેંચ પર વર્ષો પહેલા ધરાને જેમ શેરડીનો રસ રોજ આપતો હતો તેવી જ રીતે રસ આપી રહ્યો હતો.ખાલી આકાશ જ તેને મધુ કહેતો હતો.આ વાતને આજે વર્ષોના વહાણા વીતી ગયા હતાં…….આકાશે રસ આપ્યો એટલામાં તો તેની પત્ની તેને શોધતી ત્યાં આવી ગઈ “આકાશ ,ચાલો બધા મિત્રો તારી રાહ જોઈ રહ્યાં છે”અને આકાશ તેની પત્ની સાથે જતો રહ્યો.
એટલામાં ધરાનો પતિ પણ મિત્રોને મળતો મળતો ધરા પાસે આવી પહોંચ્યો.બંને ડીનર સાથેના સંગીતના ટેબલ પર મિત્રો સાથે ગોઠવાયા.બાજુનાં જ ટેબલ પર આકાશ પણ તેની પત્ની અને મિત્રો સાથે બેઠેલો હતો.બાજુમાં જ બાર હતો. સંગીતની સાથે લોકો ડ્રીંકની લિજ્જત પણ માણી રહ્યા હતા.એકાદ બે હળવા ડ્રીંક લઈ લોકો સંગીત સાથે હળવો ડાન્સ પણ કરી રહ્યા હતાં.પરતું સંગીતનાં બે ત્રણ કલાક થયા હશે અને ચિક્કાર દારુના નશામાં ધુત આકાશ ઘાંટાંધાંટી સાથે બેહુદુ વર્તન કરવા લાગ્યો.તેની આવી બેશરમી ભરી હરકતથી તેની પત્ની શરમ અને સંકોચ સાથે રડવા લાગી.બધાંની માફી માંગતી તે આકાશને ખેંચીને રુમમાં લઈ જવા લાગી.આકાશનાં ના કપડાંના ઠેકાણાં હતા ના એની જાત પર તેનો કાબૂ હતો.તેના મિત્રો અને તેની પત્નીઓનો પણ ગણગણાટ ચાલુ હતો કે “આકાશ દરેક પાર્ટીમાં આટલું બધું પીને તોફાન કરે છે.તેની પત્ની કે તેની પોતાની કે જેના ત્યાં લગ્નમાં કે પાર્ટીમાં આવ્યો હોય તેની ઇજ્જતનો વિચાર પણ કરતો નથી.તેની કીડની પણ હવે કામ કરતી નથી.જોબ છૂટી ગઈ છે.બિચારી તેની પત્ની ,બાળકો,ઘર પોતાની નોકરી અને આકાશના હોસ્પિટલનાં ધક્કા કેટલી જગ્યાએ પહોંચે?”
ઘરાને સંગીત પત્યા પછી ઊંઘ નહોતી આવતી.તેને તેના લગ્નની એ આગલા અઠવાડિયાની રાતો યાદ આવતી હતી.તેના માતપિતાએ તેના માટે સમીર જેવો સરસ ખાનદાની છોકરો શોધ્યો હતો. માતપિતાએ લગ્ન નક્કી કર્યા અને પછી ધરાએ કીધું ‘મને આકાશ ગમે છે.’મોટાભાઈ અને મમ્મી -પપ્પાએ તેને સમજાવી કે “આકાશ તારા માટે કોઈ રીતે યોગ્ય નથી.ત્રણ ભાઈ અને ત્રણ બહેનોનો મોટો પરિવાર ,તેના પપ્પાની એક બેંકની જોબ પર નભે છે.નથી તેનામાં એવું કોઈ ભણતર કે કોઈ એવી આવડત .એક નાના ટેનામેન્ટમાં આઠ જણ રહે છે.પ્રેમના આવેશમાં તને અમે આંધળી દોટ નહી મૂકવા દઈએ.તું જે રીતે આપણા પરિવારમાં ઉછરી છું તે આ પ્રેમનો રંગ ઉતરી જશે પછી તને ભારે પડશે .બેટા અમે તને તારા હિત માટે જ કહીએ છીએ.”
ધરાને ટીનએજમાં થઈ રહેલા પ્રેમરસનાં સ્ત્રાવની અસર હતી.પોતે મનમાંને મનમાં દુખી પણ થઈ રહી હતી.આકાશનાં પ્રેમ ભર્યા ગળચટાં શબ્દોમાં તે ઓળઘોળ થઈ ગઈ હતી.સોળ વરસની બાલી ઉંમરમાં તે પ્રેમમાં પાગલ થઈ ગઈ હતી.તેને મીંઢળ બાંધતા હતા ત્યારે મનોમન ગણપતિને રડતાં રડતાં હ્રદય નિચોવીને કરેલી વાત પણ યાદ આવી રહી હતી.રચના તો શુકદેવ પંડયાની હતી પણ જાણે ધરા તે દિવસે ગાઈ રહી હતી…
“ભીંતે ચીતરેલ રુડા ગરવા ગણપતિ તમે બોલો આ મીંઢળ બાંધું?
આખા તે આયખાના મઘમઘતાં કંચવાને પારકી ગાંઠથી કાં ગાઠું?
આગળના રસ્તાને ભાળે શું આંખ ,મળે વીત્યાના પડછાયા સામા
કાંડું તો બાંધું દેવ તમારા કહેવાથી,હૈયાને કેમ કરી બાંધું?
પાનેતર પારકું તો ઓઢીને બેસું પણ મનની ચોપાટ કેમ માંડું?”
પ્રેમમાં પાગલ કલ્પનાઓને ઘોડે સવાર મન તેને આકાશ સાથે ભાગી જવાનું કહેતું હતું અને દિમાગ તેને વાસ્તવિકતા દર્શાવી રહ્યું હતું.પરતું ધરા પણ બુધ્ધિશાળી છોકરી હતી .દુ:ખી મન સાથે વાસ્તવિકતા અને માતપિતાની આબરૂ અને તેમની સાચીવાત સાંભળી તેણે સમીર સાથે લગ્ન કર્યા .આજે તેના લગ્નના વીસ વર્ષ પછી આ દશામાં આકાશને જોઈને અને તેની પત્નીની સાથેના તેના વર્તનને જોઈને તેને થયું કે “હે ગણપતિબાપા ! તમે મને તે દિવસે સારા અને સાચા માર્ગે વળાવી.”

વાત્સલ્યની વેલી ૪૫) બરાક ઓબામા !

વાત્સલ્યની વેલીમાં એવાં અનેક દ્રષ્ટાંત મેં મુક્યાં છે જ્યાં મા – બાપના ઝગડા કંકાસથી બાળક આડે રસ્તે ચઢી જાય ! દિશા વિહીન બની જાય! તૂટેલ ઘરમાં ઉછરેલા લગભગ બધાં જ બાળકો દારૂ ડ્રગ્સ અને હિંસા તરફ વળે ! પણ આજે વાત કરવી છે એ વ્યક્તિની જે મહાન થયા તે પહેલાં એમને નજીકથી મળવાનું સદ્દભાગ્ય પ્રાપ્ત થયું !
વર્ષ હતું ૨૦૦૪નું ! અમારે ત્યાં કોઈ મિત્રનો ફોન આવ્યો; “ એક આફ્રિકન અમેરિકન યુવાન રાજ્ય કક્ષાના (સામાન્ય )સેનેટર તરીકે ઉભો રહે છે અને એને આપણાં ભારતીય લોકોનો સપોર્ટ જોઈએ છે…”
સ્વાભાવિક રીતે જ આપણે બધાં ‘ દેશી’ એને જ સપોર્ટ કરીએ જેનામાં આપણને વિશ્વાશ હોય કે એ જીતશે ! “ એ પહેલી વાર જ સેનેટરની ચૂંટણી લડે છે ,પણ જીતી જાય તેમ લાગે છે!” એમણે કહ્યું.
એમના વિષે ગુગલમાંથી થોડી માહિતી એકઠી કરી .. શિકાગોમાં સાઉથ સાઈડમાં – હાઇડ પાર્ક વિસ્તારનો એ અશ્વેત ઉમેદવાર હતો ! અમારાં ડે કેર સેન્ટરથી થોડાં જ (અડધો માઈલ) દક્ષિણમાં જાઓ અને આખું નેબરહૂડ બદલાઈ જાય! અને ત્યાર પછી જેમ વધારે સાઉથમાં જાઓ તેમ તેમ હિંસા ,મારામારી ,ઝગડા કંકાસના બનાવો વધુ પ્રમાણમાં થતાં સંભળાય ! એવા વિસ્તારમાંથી આ યુવાન આવે છે!
અમે બાલમંદિર શરૂ કરવાના ઈરાદાથી ૧૯૮૮માં બિલ્ડીંગ ખરીદ્યું ત્યારે જ આખું નેબરહૂડ બદલાઈ રહ્યું હતું. મેં આગળ શરૂઆતનાં ચેપટરમાં લખ્યું છે કે અમે અમેરિકામાં લગભગ નવાં હતાં અને બાળ ઉછેરનું ભણવા માટે મેં એક વખત ,એક સેમેસ્ટર , કોઈ અજાણી જગ્યાએ અજાણ કોલેજમાં એડમિશન લઇ લીધેલું ..અને પછી એક એક શનિવાર મારે માટે ભયજનક બની ગયેલ !મેં છેલ્લા ચાર પાંચ શનિવાર ગેરહાજર રહીને જ પરીક્ષા આપેલી !
બસ ! બરાક ઓબામા (લગભગ )એ જ નેબરહૂડના !
સ્વાભાવિક રીતે એમની આજુબાજુના વિસ્તારમાં રહેતાં લોકો ગરીબ ,અભણ અને માર્ગ ભૂલેલાં! અમેરિકામાં જયારે સિવિલ વોર થઇ ત્યારે અશ્વેત પ્રજા ગુલામીમાંથી મુક્ત થઈને ઉત્તરના રાજ્યોમાં આવીને વસી . એમને શિકાગો અને ડેટ્રોઇટ જેવા મોટા શહેરોમાંથી મોટી ક્મ્પ્નીઓએ એ લોકોને રેલવે, બ્રિજ, હાઈ વે વગેરેના કન્સ્ટ્રક્શન માટે બોલાવ્યાં! .એમને નોકરી વગેરે મળી; પણ સદીઓથી ચાલ્યું આવતું અજ્ઞાન ,એમનાં ઉપર થયેલાં અત્યાચાર અને તેમાંથી ઉદ્દભવતું ફ્રસ્ટ્રેશન દૂર થયા નહીં ! એટલે એ વસ્તીમાં લૂંટફાટ , મારામારી , ખૂનામરકી અને ઘરફોડ ચોરી વગેરે જાણે કે સાવ સામાન્ય થઇ ગયાં! પણ કહ્યું છે ને , નાનકડો એક દીવડો પણ ગમે તેટલો સદીઓ જૂનો અંધકાર દૂર કરી શકે છે- જો એ ધારે તો ! એકઅંધારી ગુફામાં સદીઓ જૂનો ગુલામી ,અજ્ઞાન , આળસ રૂપી અંધકાર હતો! બરાકનાં આવ્યા પછી , મિશાલના જીવનમા પણ સામાજિક ક્રાંતિની જ્યોતનો પ્રકાશ પથરાયો હતો! હવે એ બન્નેએ હળી મળીને એ કાર્ય કરવાની હામ ભીડી હતી!મિશાલ તો એ જ નેબરહૂડમાં ઉછરી હતી!બન્ને જણ વકીલ હોવાથી કાયદાને સમજીને ,કાયદેસર બદલાવ લાવવા પ્રયત્ન કરી રહ્યાં હતાં! અને એ વર્ષોમાં ૨૦૦૪માં એ સેનેટર તરીકે પ્રથમ વાર ચૂંટણી લડવાના હતા: બરાક ઓબામાને આપણી ઇન્ડિયન કમ્યુનિટીનો સાથ જોઈતો હતો !
હા , એ નાનકડા સમારંભમાં અમે પણ ગયાં હતાં.
વાત્સલ્યની વેલીમાં એજ વાત કરવી છે કે કેવાં કપરાં સંજોગોમાં બરાકનું બાળપણ પસાર થયું હતું! અશ્વેત બાપ અને શ્વેત ટીનેજર માનો એ દીકરો હતો! અમેરિકાના છેક નોર્થ વેસ્ટ રાજ્ય વૉશિન્ગટનના સિયાટલ ગામમાંથી ફર્નિચરના સ્ટોરવાળાએ સ્ટેન્લી દુનહમને -બરાકનાં નાનાને – હવાઈ હાનાલુલુ મોકલેલ! ત્યાં બરાક ઓબામાની મમ્મી એન દુનહમ જે ત્યારે માત્ર સત્તર વર્ષની હતી, એને કોલેજમાં સિનિયર બરાક સાથે મૈત્રી થઇ- જે પોતે કેન્યાનો હતો !
ક્યાં હવાઈ! ક્યાં કેન્યા ! ક્યાં અમેરિકાનું સિયાટલ!!
અઢાર જ વર્ષની ધોળી એનને સિનિયર બરાકથી બાળક જન્મે છે જે અશ્વેત છે! અને સમાજના અનેક વાંધા વચકાનો એ લોકો પણ ભોગ બને છે! બરાક માત્ર ચાર જ વર્ષનો છે અને એની મા આ હબસી પતિને છોડીને બીજા ઈન્ડોનેશિયન સ્ટુડન્ટ લોલો સાથે પરણે છે!
છ સાત વર્ષની ઉંમરે બરાક એની માં અને એના સ્ટેપફાધર લોલો સાથે ઇન્ડોનેશિયા ગયો ! જુદા દેશ , જુદાં લોકો અને ભારત કરતાંયે ગરીબ એ દેશની રહેણીકરણી ! પણ એ બધી મુશ્કેલીઓ છતાં એ આગળ વધવા પ્રયત્ન કરે છે !
Dreams from my Fatherમાં બરાક ઓબામાએ પોતાનાં બાળપણ વિષે લખ્યું છે. પોતાનો દીકરો ઇન્ડોનેશિયાના સમાજથી ઉપર આવે એ માટે એની મમ્મી એને રોજ સવારે ચાર વાગે ઉઠાડીને ભણવા બેસાડતી ! “ મારે માટે આ અઘરું હતું , પણ મમ્મી કહેતી કે, મારેય આ કાંઈ સરળ નથી !તારી જેમ હુંયે સવારે તારી સાથે ચાર વાગે ઉઠું છું, અને તને ભણાવીને સાત વાગે નોકરીએ જાઉં છું ને?
વળી પાછો , દશ વર્ષની ઉંમરે આ બાળક નાના – નાની સાથે રહીને ભણવા પાછો આવે છે! પણ, લો ! અહીંયા ય કાંઈ લાઈફ સરળ નથી! બધ્ધાંજ ધોળીયાઓ વચ્ચે રડ્યા ખડ્યાં કાળિયાઓ વચ્ચે એ પોતાનું અસ્તિત્વ શોધે છે! હું કોણ છું?
ક્યારેક આ દેશમાં કોઈ આપણી સાથે વહેરો આંતરો કરે તો આપણને ડિસ્ક્રિમેશન કર્યાનું દુઃખ થઇ જાય ! પણ બરાકનું જીવન કેવું હશે તેની કલ્પના કરો !એક પ્રસન્ગ વાંચીને આંખમાં ઝળઝળિયાં આવી ગયેલ !નાના નાની વચ્ચે ઝગડો ચાલતો હતો.
નાનીએ કહેલું કે હવે હું બસમાં નહીં જાઉં!
પંદરેક વર્ષના બરાકે નાનાને કહ્યું કે, કાંઈ વાંધો નહીં; હું નાનીમાને ગાડીમાં મૂકી આવું!
ને ગુસ્સામાં નાનાથી બોલાઈ જવાય છે; “ એને બસમાં નથી જવું કારણકે ત્યાં એક કાળીયો ઉભો હોય છે!”
પોતાનાં જ ઘરમાં એ બાળકને કેટલું એકલવાયું લાગ્યું હશે , તમને એની કલ્પના થાય છે? અને એ વખતે એની સગી મા તો જોજનો દૂર હતી! બરાકે ધ્યાન ના રાખ્યું હોત તો પોતે પણ નશામાં ચકચૂર બનીને , દારૂ ડ્રગ્સ ના બન્ધાણી બની ગયા હોત, સોબતની અસરોથી ! પણ કદાચ એ ટીનેજર છોકરાએ મનમાં નક્કી કર્યું હશે, પોતાનાં જેવાં અનેક યુવાનુંની ભાવિ બદલવાનું !
“ તું તારા દિલનો દીવો થાને! ઓરે,ઓરે, ઓ ભાયા!” ( સ્નેહરશ્મિ)
બરાક ઓબામાને એ દિવસે ,2004 શિકાગોના ગાંધીમાર્ગની એ રેસ્ટોરન્ટમાં મળવાની તક મળી હતી. બહુ થોડા માણસો હતાં. અમે સૌએ એમની સાથે ભારતીય ઇમિગ્રેશન અને બિઝનેસ વિષે પ્રશ્નોત્તરી કરેલી ;પણ નોકરી કરતી એકલી બહેનોને બાળઉછેર સંસ્થાઓ કેવી રીતે મદદરૂપ થઇ શકે તે બાબત એમની સાથે ચર્ચા કર્યાનું યાદ છે.. ત્યારે પણ નજીકનાં મિત્રોનું કહેવું હતું કે એ કોફી & ક્રીમ ( કાળો બાપ અને ધોળી મા નું સંતાન ઓબામાએ પોતે જ લખ્યું છે ,કે જે રીતે લોકો એને ઓળખતાં) ભવિષ્યમાં અમેરિકાના પ્રમુખ બનવાની ક્ષમતા ધરાવે છે!અને માત્ર ચાર જ વર્ષમાં ૨૦૦૮ નવેમ્બરમાં ઇતિહાસ સર્જાયો ! પ્રથમ અશ્વેત વ્યક્તિ અમેરિકાનો પ્રેસિડન્ટ બની !
આ કેવી રીતે બન્યું ?
બરાકે એ દુઃખો અને દર્દને પચાવીને અન્યને સહાય કરવા કમર કસી !
મુશ્કેલીઓ છે તો એને હલ કરવા પ્રયત્ન કરો ! એને સહન કરવાને બદલે એને નાબૂદ કરવા ઉપાય શોધો !
અમેરિકામાં હેલ્થ ઇન્સ્યોરન્સ મહત્વનો પ્રશ્ન હતો! ઓબામા કેર એનો ઉકેલ હતો!
પોતાને માટે તો સૌ જીવે છે; પણ જયારે આપણે અન્યની મુશ્કેલીઓને હલ કરવા પ્રયત્ન કરીએ છીએ તો આપણું દુઃખ હળવું થાય છે અને કાંઈક કરી છુટયાંનો સંતોષ થાય છે! અને ૨૦૦૯ માં એમને વિશ્વશાંતિ પ્રયત્નો માટે નોબલ પ્રાઈઝ પણ મળ્યું ! પ્રેસિડન્ટ તરીકે આઠ વર્ષ વ્હાઇટ હાઉસમાં રહ્યાં ત્યારે કૌટિમ્બક ઐક્યની સુગંધ એ પરિવારમાંથી સતત લહેરાયાં કરતી હતી, અને પત્રકારો અવારનવાર એનો ઉલ્લેખ પણ કરતાં હતાં! બાળકોને કેવી રીતે ઉછેરવાં એ બાબત મા તરીકે મિશાલ પાસે એક સ્પષ્ટ ફિલોસોફી હતી, પ્રેમ અનેહૂંફ સાથે નીતિ નિયમ સહ માર્ગદર્શન એ એની વાત્સલ્ય વેલીનાં ખાતર રહ્યાં છે!

ગીતા ભટ્ટ 

૪૭ -કવિતા શબ્દોની સરિતા-રાજુલ કૌશિક

ગુરૂ બ્રહ્મા, ગુરૂ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર
ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ
ગુરુ એટલે એક સાદો સીધો અર્થ શિક્ષક. પણ બીજા અન્ય સમાનાર્થી શબ્દ છે બૃહસ્પતિ., જેને આચારનું જ્ઞાન છે એ આચાર્ય, વિદ્યા આપે એ વિદ્યાગુરુ.. ધર્મનું શિક્ષણ આપે એ ધર્મગુરુ, શાસ્ત્રનું જ્ઞાન આપે એ શાસ્ત્રવેતા આ સમગ્રનો સરવાળો સાચો શિક્ષક. શિક્ષા કરે એ નહીં પણ શિક્ષા આપે એ શિક્ષક.
પાંચમી સપ્ટેમ્બર એટલે કે શિક્ષકદિન. આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિનને ભારતભરમાં શિક્ષકદિન તરીકે ઉજવવામાં આવે છે.  સૌ જાણે છે એમ ડૉ.રાધાકૃષ્ણ ફિલોસોફર તો હતા જ પણ એ પહેલાં એ ઉત્તમ શિક્ષક હતા. રાષ્ટ્રપ્રમુખના અત્યંત સન્માનભર્યા હોદ્દા પર હોવા છતાં એ કહેતા કે હું પહેલા શિક્ષક છું અને પછી રાષ્ટ્રપ્રમુખ. હવે દેશના મહત્વના પદ પર હોય એ વ્યક્તિને મન પણ એ પદ કરતાં શિક્ષકની પદવીનું ગૌરવ વધુ હતું એ વાત જ શિક્ષકની મહત્તા કેટલી છે એ દર્શાવે છે. 
વર્તમાન સમયમાં ટેક્નૉલોજીની સગવડના લીધે અનેક સોશિઅલ પ્લેટફોર્મ ઉપલબ્ધ છે જ્યાં જે તે તહેવારોના દિવસે સરસ મઝાના સંદેશા પણ મુકાતા રહેતા હોય છે. ક્યારેક ઘણી બધી અફવાઓ, મજાક-મસ્તીભર્યા જોક્સ પણ મુકાતા હોય છે. એમાંથી શું વાંચવું, શું ગ્રહણ કરવું એ આપણા પર નિર્ભર છે.
એવા જ એક પાંચમી સપ્ટેમ્બરના દિવસે જ એક સરસ વાત વાંચવા મળી …..એ આજે મને શેર કરવાનું મન થયું. (
રોમ(ઇટાલી)માં એક ભાઈને આયકર ભરવાનો થયો. અતિ વ્યસ્તતાને લીધે નિયત સમયે આ કર ન ભરી શક્યા. એ કારણસર એમને કોર્ટમાં જવું પડ્યું.
એમને ન્યાયાધીશની સમક્ષ હાજર કરાતાં, આમ થવાનું કારણ પૂછયું.
તેમણે જવાબમા કહ્યું , ‘ હું એક શિક્ષક છું, મારી વ્યસ્તતાને લીધે કર ભરવાનો મને સમય ન મળ્યો.’ હજુ તો એમની વાત પુરી થાય એ પહેલા જ ન્યાયાધીશે કહ્યું, “ આજે કોર્ટમાં એક શિક્ષક ઉપસ્થિત છે.” અને ત્યાં હાજર સૌ લોકો ઊભાં થઇ ગયાં. તેઓની માફી માંગી અને કર પણ રદ્દ કરવામાં આવ્યો.
એવા કેટલા દેશ છે જ્યાં શિક્ષકને આટલું સન્માન મળતું હશે ? જો કે એના જવાબમાં કેટલાક તારણો જોયા..
જો એ તારણો સાચા હોય તો ખરેખર જાણવા જેવા છે. …અમેરિકામાં માત્ર વૈજ્ઞાનિક અને શિક્ષકોને VIPનો દરજ્જો મળે છે. ફ્રાંસના ન્યાયાલયમાં ફક્ત શિક્ષકોને જ ખુરશી પર બેસવાની સગવડ મળે છે. જાપાન જેવા શિસ્તપ્રિય દેશમાં શિક્ષકને પકડતા પહેલાં પોલીસે સરકાર પાસે પરવાનગી લેવી પડે છે. અમેરિકા અને યુરોપના દેશોમાં પ્રાથમિક શિક્ષકોને સૌથી વધુ પગાર મળે છે.
આ વાતનું એટલે મહત્વ છે કે એક શિક્ષક છે જે સાવ નાના કુમળા બાળમાનસને સાચી રીતે ઘડે છે. આજે પણ એવા કેટલાય શિક્ષકો છે જેમની સ્મૃતિ આપણા મન પરથી જરાય ઝાંખી નથી થઈ.
સાવ દેશી ભાષામાં પહેલા શિક્ષક માટે એક શબ્દ વપરાતો—માસ્તર. આમ તો આ શબ્દ એક મજાકરૂપે લેવાતો પણ ખરેખર તો માતાના સ્તરે જઈને જે બાળકને ઘડે એ માસ્તર. કાચી માટીના પીંડને જેવા ઘાટે ઘડવો હોય એવા ઘાટે ઘડી શકાય અને એમાંથી ઉત્તમ સર્જન થાય એ વાત ક્યાં અજાણી છે? એક રીતે જોઈએ તો શિક્ષક એક શિલ્પી પણ છે.
આજે પણ ગીતાબોધ આપનાર, જગતગુરુ શ્રી કૃષ્ણના પણ ગુરુ સાંદિપની, રામના ચારિત્ર્ય વિશે વિચારીએ તો વશિષ્ઠ, પ્રખર ધનુર્ધારી અર્જુનને યાદ કરીએ તો દ્રોણાચાર્ય, વિવેકાનંદની સાથે રામકૃષ્ણ પરમહંસ, ચંદ્રગુપ્તની યાદ સાથે ચાણક્ય આપણી નજર સમક્ષ જાણે લગોલગ આવીને ઊભા રહે છે ને?
સદીઓ વિત્યા છતાં આજે પણ એ શિષ્યો અને એ જ શિક્ષકોની છબી જરાય ઝાંખી નથી થઈ.
હજુ આટલા વર્ષે પણ યાદ છે, જ્યારે સ્કૂલમાં ૫/૬/૭માં ધોરણમાં ભણતા ત્યારે વર્ષમાં એક દિવસ એવો આવતો જેને શિક્ષકદિન તરીકે ઉજવાતો પણ એ ઉજવણી જરા જુદી રીતે થતી હોવાનું ય યાદ છે. એ દિવસે વર્ગનો કોઈપણ વિદ્યાર્થી કે વિદ્યાર્થીની પોતાના ગમતા વિષયના શિક્ષકના રોલમાં સજ્જ થઈને એ વિષય ભણાવવાની તૈયારી સાથે સ્કૂલમાં આવીને ભણાવી શકતા. કેવું ય ગૌરવ અનુભવતા એ યાદ આવે છે. એ ગૌરવની ક્ષણો વિચારીએ તો સમજાય છે કે શિક્ષકનો રોલ ભજવવાનો વિચાર કે તક પણ કેટલો આનંદ આપતી. એ દિવસે એને સ્કૂલ યુનિફોર્મમાંથી છુટ્ટી મળતી એટલે અન્ય વિદ્યાર્થી કરતાં એ અલગ તરી આવે. એ અલગ તરી આવવાની વાતનો રોમાંચ આજે પણ યાદ છે.
આજે એવી કેટલીય સફળ વ્યક્તિઓ હશે જેમના પાયામાં માતા-પિતાની જેમ જ શિક્ષકોનું પણ મહત્વનું યોગદાન હશે.
બાળકને જીવન માતા-પિતા આપે છે પણ જીવન જીવવાની કળા એક સાચો શિક્ષક જ શીખવાડે ને? જીવન પ્રત્યેનું સમ્યકદર્શન પણ સાચા શિક્ષકને આભારી છે ને અને એટલે જ કહ્યું છે ને કે
ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય
બલિહારી ગુરુદેવકી ગોવિંદ દિયો બતાય…….
દોહા પંક્તિ- કબીર
Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

પ્રેમ પરમ તત્વ : 39: ઈશ્કે ખુદા : સપના વિજાપુરા

મીરા કૃષ્ણ દીવાની હતી અને દરેક જાતના જુલ્મ સહન કરી છેવટે કૃષ્ણ માં સમાઈ ગઈ. નરસિંહ મહેતાની વાત પણ આપણી સમક્ષ છે. ઈશ્વરના પ્રેમમાં ગળાડૂબ ડૂબી જવું એ આપનો ઇતિહા ઠેક ઠેકાણે બતાવે છે.આ હું પણ એક એવા ઈમામની વાત કરીશ જે ખુદાની રાહમાં પોતાના આખા કુટુંબની કુરબાની આપી પણ અન્યાય સામે માથું ના ટેકવ્યું. આનું નામ  ખુદા પ્રત્યે પરમ પ્રેમ કહી શકાય.
૧૪૦૦ વર્ષ પહેલાં ઇમામ હુસૈન.(.)ને તથા એમનાં ખાનદાન નાં કેટલાક સભ્યોને દુ:ખદાયી રીતે શહીદ કરવામાં આવેલા.ફકત એટલા માટે કે તેમણે  સત્ય ,ન્યાય અને શાંતિ ને સ્થાપવાની કોશિશ કરી. અને અલ્લાહ થી મહોબત કરી.
મહંમદ પયગંબર ના મૃત્યુ પછી ખિલાફતનો  દોર આવ્યો. જેમાં લોકો પોતાના ખલીફા પસંદ કરતા હતા. જ્યારે મહંમદ પયગંબર સાહેબ અલ્લાહના હુકમથી  હજરત અલીને પોતાના વલી  બનાવીને ગયા હતા. વલી એટલે ઇમામ. પણ લોકો તલવારના જોરથી ખલીફા બનતા ગયા.
ઇમામ હુસૈન . પયગંબર મહમદ . ના નવાસા હતા.અને ઇમામતના ત્રીજા ઇમામ હતાં.  અને હજરત અલીના પુત્ર  હતા.જુલ્મી શાસકોએ  ઇમામ . ને ત્રા આપવામાં બાકી ના રાખ્યું. યજીદ જે મઆવિયાનો દિકરો હતો..જુલ્મી શરાબી અને સત્તાનો દિવાનો હતો..તે સતત ઇમામ હુસૈનને હુકુમત થકી ત્રા આપતો હતો..તેણે ઇમામ હુસૈનને બયત કરવા આમંત્રણ આપ્યું. બયત કબુલ કરવી  એટલે એની મરજી પ્રમાણે ના જુલ્મી, અન્યાયી અને ભ્રષ્ટાચારી શાસનનો સ્વીકાર. પણ ઇમામ હુસૈનને એ મજૂર ન હતું. ઇમામ હુસૈને કહ્યું કે હું એક પાપીબેઈમાન અને ખુદા અને રસૂલને ના માનવાવાળા યઝીદનો હુકમ ના માની શકું.
યઝીદે ચાલાકીથી ઇમામ હુસૈનને  કરબલા  શાંતિના કરાર કરવાં માટે   મહેમાન તરીકે  બોલાવ્યા. ઇમામ હુસૈન પોતાનાં કુટુંબ કબીલા સાથે કરબલા જવા નીકળ્યાં અને યઝીદ સાથે  વાતચીત કરવાં ગયા. એ જમાનામાં ઊંટ પર મુસાફરી થતી હતી…ઈમામ હુસૈન બીજી મહોર્રમ ના (ઇસલામીક કેલેન્ડરનો પહેલો મહિનો ) કરબલા પહોચ્યાં. અને યઝીદના મહેમાન બનવાને બદલે એનાં લશ્કરે ઇમામ હુસૈનને ઘેરી વળ્યા. હુસૈન જંગ કરવા માગતા ના હતા. કારણકે મહંમદ પયગંબર પાસેથી શિખામણ મળી હતી કે ઇસ્લામ જંગ નું નામ નહિ પણ મહોબતનું નામ છે.
યઝીદે ફરમાન કર્યુ કે જો ઇમામ હુસૈન મારી બયત કબુલ ના કરે તો એમનુ સર ઉડાવી દો અને મારી પાસે લાવો. ઇમામ હુસૈન જો બયત કરે તો  મહમદ પયગંબરનો  સાચો સંદેશો લોકો સુધી ના પહોચત. ઇમામ હુસૈન બયત કરવા  ના કહી અને લડાઈની તૈયારી ચાલુ થઈ.યઝીદનું  લશ્કર ૪૦,૦૦૦ થી એક લાખ સૈનિકોનું હતું. અને ઇમામ હુસૈન પાસે કુલ મળીને 70 સૈનિકો હતાં. જેમા ૧૦ વરસના બાળકોથી માંડીને ૯૦ વરસના વૃધ્ધ પણ હતાં. આ હતું ઇમામ હુસૈનનુ લશ્કર.
સાતમી મોહર્રમ થી  યઝીદે  ઇમામ અને એમના સાથીઓ  ઉપર પાણી બંધ કર્યુ. પાણીની નહેર પર પહેરા લગાવી દીધા. ઇમામના સૌથી નાનાં પુત્ર અલી અસગર  મહિનાના હતાં જે એમની સાથે હતા. જેઓ પાણી વગર અને ખોરાક વગર..ત્રણ દિવસ રહ્યા.આ લશ્કર સચ્ચાઈ માટે અને હક માટે લડવા તૈયાર હતું, ભૂખ્યુ ને તરસ્યું!! આ યુદ્ધમાં શહાદત  નક્કી હતી. પણ ઇમામને એ મંજૂર હતું પણ શરાબી અને ભ્રષ્ટાચારી ના હાથમાં ઇસ્લામની બાગડોર સોંપવી એ મંજૂર ન હતું.
ઇમામ હુસૈને ખુદાની ઈબાદત કરવા માટે એક રાત માંગી.  જેમાં ઇમામ હુસૈન અને સાથીઓ આખી રાત ઈબાદત કરતા રહ્યાં. હવે વિચારો અલ્લાહ સાથે કેટલી મહોબત કેટલો પ્રેમ કે માથા પર તલવાર લટકી રહી છે. આ લડાઈ જેમાં મોત  નક્કી છે. છતાં અલ્લાહની ઈબાદત કરી. આખી રાત ઇમામ હુસૈન તથા એમના સાથીઓના તંબુમાંથી અલ્લાહની ઈબાદતનો અવા એ રીતે આવી રહ્યો હતો જાણે  હજારો મધમાખીઓ ગણગણી રહી હતી. ઇમામ હુસૈને ઈબાદત પછી દિવા ઓલવી નાખ્યા અને કહ્યું કે જેને જવું હોય તે આ લડાઈ મૂકીને જાય.  આ યુધ્ધમાં મોત નક્કી છે. મને  જરા પણ ખરાબ નહિ લાગે અને આમ તમારા જવા છતાં તમારી  જન્નતની જવાબદારી મારી છે. પણ કોઈ ઉઠી ને ના ગયું. આ ઇશ્ક હતો ઇમામ હુસૈન તરફ કે જાન પણ હાજર હતી.  આ પરમ પ્રેમ હશે.!! ખુદા પ્રત્યે અસીમ મહોબત ઇમામ હુસૈનની, અને એમના સાથીઓની ઇમામ હુસૈન પ્રત્યે અસીમ મહોબત. 
 દસમી મોહર્રમ   આવી. આશુરા નો સવારનો સૂર ઊગ્યો. આવી સવાર પહેલાં ક્યારેય ઊગી નથી અને કદી ઊગશે  પણનહી..આ  જંગ હતી અસત્યની સામે સત્યની, અન્યાયની સામે ન્યાયની ભ્રષ્ટાચારની સામે પ્રમાણિકતાની અને જુલમની સામે દયા અને સબરની. સવારની અઝાન થઈ. જંગ ચાલુ થઈ. ઝોહરની નમાઝ સુધીમાં ઈમામના સાથીદારો જેની સંખ્યા પચાસ ગણવામાં આવે છે શહીદ થઈ ગયાં.આ બધાં ભૂખ્યાં ને તરસ્યાં શહીદ થયાં. ઝોહરની નમાઝ બાદ ઘરનાં બધાં પુરુષો  જેમાં  ભાઈ,ભાણિયા, ભત્રીજાઓ  પુત્રો તથા મિત્રો શહીદ થયાં. છેલ્લે ઇમામ હુસૈન એકલા રહી ગયા. કોઈ સાથી નહિ કોઈ સગું કેવહાલું નહિ. ઘોડા પર ચડી એકલા હાથે લડાઈ કરી પણ અન્યાય સામે માથું ના ઝુકાવ્યું.
આશુરાનો દિવ પૂરો થયો. કરબલાના  રણની તપતી જમીન ઉપર મહમદ .. ના ખાનદાનની લાશો રઝળતી રહી કફન વિના. સૂર આથમી ગયો.. 
આ રઝળતી લાશોના સર કાપીને યઝીદે  ભાલા પર લટકાવ્યાં. હવે સૈનિકો તંબુઓ તરફ ધસી ગયાં… સ્ત્રીઓનાં દુપટા ખેંચી લીધાં અને તંબુમાં આગ ચાંપી. દુનિયામાં ક્યાંય આવી જંગ થઇ નથી અને કયામત સુધી થશે નહિ જેમાં   મહિનાના બાળક  સૈનિક લડવૈયા હોય. 
ઇમામ હુસૈનનો સંદેશ હતો કે અસત્ય અને અન્યાય સામે ઝૂકવું નહી.આતંકવાદનો વિરોધ કરવો.ચાહે તેની કિમંત જિંદગી થી પણ ચુકવવી પડે. અંતમાં સત્યનો હમેશા વિજય થાય છે..એનો આ એક ઉમદા દાખલો છે કે ઇમામ હુસૈનના રોઝા ઉપર લાખોનીસંખ્યામા દુનિયાભરના  લોકો દર્શન(ઝિયારત) કરવા કરબલા(ઈરાક) જાય છે. જ્યારે એ જમાનાની  અરબસ્તાનની સલ્તનનો ગવર્નર યઝીદ,જેના   કોઇ નામો નીશાન નથી.આમ છતાં કેટલીક જગ્યાએ આજના જમાનામાં યઝીદ  જેવા આતંકવાદી ઇસ્લામને  બદનામ કરી રહ્યા છે એ દુ:ખદ વાત છે.
ખુદા પ્રત્યે પરમ પ્રેમનો આ નમૂનો દુનિયામાં અજોડ રહેશે. સત્યમેવ  જયતે 
સપના વિજાપુરા 
આશુરા=૧૦ મો દિવ અહીં દસમો દિવ મોહર્રમ મહીનાનો દસમો દિવ
નવાસા = દોહિત્ર= મહમદ . ના દીકરીના દીકરા
બયત કબુલ કરવી=એની મરજી પ્રમાણેની સલ્તનનું સમર્થન કરવું 
નીચે ભારતના મહાનુભવ ઇમામ હુસૈન વિષે કહે છે .
 • Mahatma Gandhi (Indian political and spiritual leader): “I learnd from Hussein
  how to achieve victory while being oppressed.”
 • Mahatma Gandhi
  My faith is that the progress of Islam does not depend on the 
 • use of sword by its believers
 • but the result of the supreme sacrifice of Hussain (A.S.),
 •  the great saint.”
 • Pandit Jawaharlal Nehru
  Imam Hussain’s (A.S.) sacrifice is for all groups and communities
 • an example of the path ofrightousness.”
 • Rabindranath
  In order to keep alive justice and truthinstead of an army or weapons
 • success can be achieved by sacrificing livesexactly what Imam Hussain (A.S.) did
 • DrRajendra Prasad
  The sacrifice of Imam Hussain (A.S.) is not limited to one countryor nation
 • but it is the hereditary state of the brotherhood of all mankind.”
 • DrRadha Krishnan-
  Though Imam Hussain (A.S.) gave his life almost 1300 years ago,
 •  but his indestructible soul rules the hearts of people even today.”
 • Swami Shankaracharya-
  It is Hussain’s (A.S.) sacrifice that has kept Islam alive 
 • or else in this world, there would be no one left to take Islam’s name.”
 • MrsSarojini Naidu
  I congratulate Muslims that from among themHussain (A.S.), 
 • a great human being was born, who is reverted and honored totally by all communities
http://smma59.wordpress.com/2008/02/03/quotationsaboutimamhussainasbynonmuslims/