કવિ ધ્રુવ ભટ્ટ એટલે પરમ અને પ્રકૃતિને પોતાનાં નોખા જ શબ્દાંકનો,ભાવ સાથે આલેખતા અને વાચકને જીવનનાં રહસ્યો જોતાં,સાવ સહજ રીતે શીખવતા કવિ અને લેખક.તેમના ગીતોમાં મધ મીઠી મધુરતા સાથે તમને અંદરથી ઝંઝોડી મૂકવાની તાકાત પણ છે. ધ્રુવદાદાનાં આલેખનમાં ,સમાજનાં રીત-રિવાજ, અંધશ્રદ્ધા ,ક્રિયાકાંડો પર કટાક્ષ આદ્ય કવિ નરસિંહ ,અખો ,કબીર જેવી જ સભાનતા બક્ષે છે ,તો પરમ સાથે સાંનિધ્ય અનુભવતા તેમના ગીતો અને નવલકથાનાં પાત્રોનાં સંવાદો આપણને આપણાં અસ્તિત્વનું ભાન કરાવે ,તો ક્યારેક અસ્તિત્વનો ઉત્સવ ઊજવાવે . તેમના ગીતો સુંદર લય અને ઢાળમાં ગાઈએ ત્યારે પરમ સાથે લીન થયા હોય તેવો આનંદ આપે. તો ક્યારેક પરમની શોધનાં અનેકાનેક પ્રશ્નાર્થોમાં આપણી જાતને વહેતી મુકાવે . તેમણે સહજતાથી રચેલ છતાં અનેક ગૂઢાર્થ ભરેલા ગીતો ગેય અને લયબદ્ધ છે જે સમજવી અઘરી ફિલસૂફીથી ભરેલાં છે.
આવા નોખા અનોખા ગીત રચનાર કવિ ધ્રુવ ભટ્ટની સાહિત્ય યાત્રા ખૂબ ઊંચી ઉડાન ભરેલ હોવા છતાં તેમની વિનમ્રતા નીચેના ગીતમાં આપણને દેખાશે.
આ ગીતમાં પોતાની ભાષા અને કવિતા માટે પોતાને ભાષાનાં ભૂષણ સમજતાં લોકોને પણ પોતને આવડ્યું તેમ લખ્યું કહી , પોતાને ઉતરતાં ચીતરીને એક સુંદર સંદેશ આપ્યો છે.ભારેખમ શબ્દોમાં ન કહેવાઈ હોય પણ સરળ અને સહજતાથી કહેવાએલી વાત પણ અલંકારીક શબ્દો જેવોજ પ્રભાવ પાડી શકે છે ,તે વાત આ ગીતમાં વર્ણવી છે.
અમે કહ્યા જે બોલ આવડ્યા તમે કહ્યું તે વાણી
તમે પ્રમાણ્યા ભાષા ભૂષણ અમે જીભ પરમાણી
અમે ધૂળિયા રસ્તે ચાલ્યા,
તમે ચમકતા આરસ મહાલ્યા
તમે ભણાવ્યા તો પણ અમને ,
કોઈ શબ્દ ક્યાં છે સમજાયા
અમે નાનકડી નીક વહ્યા ને તમે થયા સરવાણી
તમે પ્રમાણ્યા ભાષા ભૂષણ અમે જીભ પરમાણી
તમે કહો જે નભ છલકાયું
અમે કહ્યો વરસાદ
રત્નાકર ને અમે કહીએ
દરિયો અનરાધાર
તમે કહ્યાં જે જળ ઝળહળતા અમે સમજતાં પાણી
તમે પ્રમાણ્યા ભાષા ભૂષણ અમે જીભ પરમાણી
કવિ ભારેખમ શબ્દોમાં પોતાની વાત કહેતા લોકોને કહે છે અમને સરળ બોલીમાં જે આવડ્યું તે લખ્યું. તમે જે લખો તે વાણી કહેવાય અને અમે સરળ બોલીમાં કહીએ તે બોલી કહેવાય પરતું બોલી કે વાણીનો ભેદ ન જોતાં તેમાં કવિ આપણને સમજાવવાં શું માંગે છે તે અગત્યનું છે.ધ્રુવદાદાને હંમેશા તેમની આસપાસનાં અભણ લોકોની બોલીમાં જ જીવનનાં સત્યો અને ગૂઢ રહસ્યોનાં ઉકેલ દેખાયા છે. કબીર અને ગંગાસતીનાં એક એક શબદમાં જે સનાતન સત્યો સાંપડ્યાં છે તેમાં શબ્દોની કરામતોની ક્યાંય જરુર પડી નથી.
આગળ કવિ કહે છે અમે તો જે રચ્યું તે ઘૂળિયા માર્ગે ચાલતા ચાલતા જે જોયું, સાંપડ્યું તે સહજતા સાથે સંકેલ્યું. અમને આરસ પર મહાલવા મળ્યું જ નથી.ભણતરમાં સ્કુલે જવામાં ધ્રુવદાદાને ક્યારેય રસ નહોતો અને એટલે જ એમને કેટલીયે વાર ટાંગાંટોળી કરી નિશાળે મોકલવા પડતાં. કોલેજની પરિક્ષા સમયે પણ તેઓ પરિક્ષા આપતા હતાં ત્યારે સાહેબે તેમને કટાક્ષમાં કહ્યું કે ‘આખું વર્ષ ભણ્યા હોવ તો કંઈ આવડશે ને લખતાં તમને!”અને તે પ્રશ્નપત્રનો પેપરનો ડૂચો કચરાપેટીમાં નાંખી ઊભા થઈ ગયા. તેમના મતે આજકાલની બાળકો પર ખોટો ભાર લાદતી અને પોપટિયું જ્ઞાન આપતી આજની શિક્ષણ પધ્ધતિ તદ્દન ખોટી છે. તેઓ બાળકને હસતાં-હસતાં,રમતાં- રમતાં જ્ઞાન પીરસવામાં માને છે.એટલે અહીં લખે છે કે ‘ તમે અમને ભણાવ્યાં પણ અમને આ પોપટિયા જ્ઞાન થકી એક પણ શબ્દ ક્યાં સમજાયો છે? અહીં શબ્દ ક્યાં સમજાયો છે એટલે જીવનની ગૂઢતાનાં રહસ્યો, જીવનનું સત્ય ગમે તેટલું ભણતર હોય પણ ન સમજાય તો તે ભણતર વ્યર્થ છે. અને આજના યુગમાં બાળકોને એવું જ ભણતર અપાઈ રહ્યું છે તે કરુણતાને આ ગીતમાં રજૂ કરી છે. ઓશોની વાત મને અહીં યાદ આવે છે કે,”ખાલી હાથે જવા માટે માણસ આખું જીવન બે હાથે પૈસા ,મિલકત ભેગી કરતો રહે છે.” જીવનનો ખરો અર્થ સમજાવ્યા વગર બાળકોને આંધળી દોટ તરફ સૌ ધકેલી રહ્યા છે.તેનું દર્દ પણ આ ગીતની પંક્તિ” તમે ભણાવ્યા તો પણ અમને એક પણ શબ્દ ક્યાં સમજાયાં છે”માં દેખાય છે.
કવિ ધ્રુવ ભટ્ટ કહે છે અમે તો સાવ નાનકડી નીકમાં વહ્યા, તમે તો મોટી સરવાણીમાં વહ્યાં.અમે તો સરળ શબ્દોમાં જેને વરસાદ કહ્યો તેને તમે નભ છલકાયું તેમ કહ્યું.જેને અમે દરિયો કહ્યો તેને તમે રત્નાકર કહી નવાજ્યો.અને અમે જેને પાણી સમજતાં હતાં તેને તમે ઝળહળતાં જળ કીધાં. પરતું કવિનું કહેવું છે કે સરળ શબ્દોમાં પણ તેમણે જીવનનાં કુતૂહલ, આદર, વિસ્મય અને અહોભાવનાં સત્યો સહજતા અને સરળતાથી રજૂ કર્યા છે,અનુભવ્યા છે અને લોકોનાં હ્રદય સુધી પહોંચાડ્યાં છે. ભારે ભરખમ શબ્દોથી નહીં પણ અંતરની સહજ સરવાણી થકી ફૂટેલી ભાષા પણ એટલી જ અસરકારક છે તેમ કવિ સમજાવે છે.એમની નવલકથાનાં સાવ અંતરિયાળ પ્રદેશમાં રહેતા આદિવાસીઓ કે ગીરનાં જંગલવાસી કે દરિયા કિનારે વસતાં ખારવા —આ સૌનાં સાવ સરળ સંવાદોમાં દાદાને વેદ ઉપનિષદનાં સંદેશ સંભળાય છે. અને આજના બાળકોને માત્ર ભણતર નહીં પણ જીવવાની સાચી રીત શીખવવાની જરુર છે ,નહીંતો ગમે તેટલા ઊચ્ચ ભણતર સાથે પણ તેમનું જીવન વ્યર્થ છે. આમ કંઈક જુદો જ સંદેશ આપતું તેમનું ગીત સરળ ભાષામાં અમૂલ્ય વાતનો સંદેશ આપે છે.
જિગીષા દિલીપ
૧૬મી નવેમ્બર ૨૦૨૨