કહેવત – ગંગા સમીક્ષા – ૫ કલ્પના રઘુ

જ્યાં માનવ હોય ત્યાં બોલી હોય અને બોલી હોય ત્યાં કહેવતો સરળતાથી પ્રગટ થઈ જાય છે. વિશ્વનો કોઈપણ ખૂણો હોય, કહેવતોનો રોજીંદી વાતચીતમાં છૂટે હાથે ઉપયોગ થતો હોય છે. વિશ્વની એવી કોઈ ભાષા નહીં હોય કે જેમાં કોઈ કહેવત નહીં હોય. વિદેશી કહેવતોમાં પણ આપણી જેમ ત્યાંની વિશિષ્ટતા જોવા મળે છે. કહેવતો માણસનો સ્વભાવ, અનુભવો, ત્યાંના રીત રિવાજ કે ભૌગોલિક પરિસ્થિતિને પ્રદર્શિત કરે છે. કહેવતો લોકજીવનનું પ્રતિબિંબ કહેવાય. વ્યક્તિ, વસ્તુ કે સંજોગોને સચોટ, સ્વાભાવિક, ભાવવાહી બનાવવાનું કામ કહેવતોનું છે. જરૂરી નથી કે દરેક કહેવત બોધ આપી જાય છે.

જે તે કહેવત કોણે શોધી? કહેવતનું જન્મ સ્થળ કયુ? હા, કહેવતની ભાષા પરથી જે તે દેશની કહેવત છે તે ચોક્કસ ખબર પડે છે. કહેવત સદીઓ પહેલાં શોધાયેલી. પહેલાં શહેરો ન હતાં, ગામડા હતાં. ગામડાની ભાષા સૈકાઓ પહેલાં જે સહજ રીતે બોલાતી તેને ગ્રામીણ બોલી, સહજ વાણી, તળપદી ભાષા કહેવાય. દરેક બોલીની તળપદી ભાષામાં જે કહેવતો બોલાતી, જે સાંપ્રત ઘટનાઓ અને જીવનની ઘટમાળને વણી લેતી તે આજે પણ સાંભળવી ગમે છે, કાનને મીઠી લાગે છે. અસલ જૂના ગરબા, લોકગીતો, ચાબખા, ફટાણા, લગ્ન ગીતો તળપદી ભાષામાં બનેલાં છે, જેમાં ઝૂમવું દરેકને ગમે છે. કહેવત, બોલીએ બોલીએ બદલાય છે. એમાં નવો શબ્દ કે ભાવ ઉમેરાતો રહે છે. એક મોંઢેથી બીજે મોંઢે અને એક કાનથી બીજે કાન વાત વહેવા માંડે ત્યારે પૂછવું જ શું? “વાતનાં વડા થાય”, “વાતનું વતેસર થાય” અને અર્થાંતરો પણ થાય. તેના પઠનમાં પણ ફેરફારો જોવા મળે. પરંતુ એક વાત નક્કી કે તેને સમજાવવા કોઇ અલંકારોની જરૂર પડતી નથી.

તો ચાલો, આપણે કેટલીક તળપદી કહેવતોને માણીયે જેમ કે, “વાંદરી નાચે ને મદારી માલ ખાય”,  “જીવતાની ગણતી ને મુઆની ભરતી” (જીવતા વાહવાહી કરે ને મર્યા પછી ભૂલી જાય). પુષ્ય નક્ષત્રમાં વરસાદ પડે તો ભૂખ ભાંગે તેવું ધાન પાકે તેને તળપદી ભાષામાં “વસે પોખ તો મટે ભોખ”  કહેવાય. “બુદ્ધિના બામની બોબડી બંધ” (ભલભલા બુદ્ધિશાળીની પણ વાણી બંધ થઈ જવી). “લંકાની લાડી ને ઘોઘાનો વર”, “મારીએ તીર લાગે ફુલ”. “તું કોથળા જેવો છે, વેચું તો ચાર આના ય ન આવે” (તું ડફોળ છે, તારામાં અક્કલ નથી). “ચપટીમાં જીવ”, “પગનું ખાસડું પગમાં શોભે, માથે નહીં” (જ્યાં  જેનું સ્થાન હોય ત્યાં જ તે શોભે). “ટોપીમાં ત્રણ ગુણ, નહીં વેરો નહીં વેઠ”,  “બાવો બાવો સૌ કરે ને સુખે ભરીએ પેટ”, “કાં તો બાપ દેખાડ, કાં શ્રાદ્ધ કર”. “નદીના મૂળ અને ઋષિના કુળ ના શોધાય”, “બોડીને ત્યાં વહી કાંહકી કેવી?”, “શિંગડે ઝાલો તો ખાંડો, પૂંછડે ઝાલો તો બાંડો”, “ગાય ઉપર પલાણ” (ઉંધી રીતની સવારી), “ભેંસને ચાંદરો પાડો, એ એંધાણીએ  કણબી વાડો (કણબીવડાની એંધાણીઓળખાણ), “ગામનો હાકેમ ખીજે ત્યારે લોઢાના ચણા ચવરાવે” (ગામધણી હુકમના અમલમાં કડક હોય ), ગોલિયામાં જમવું અને પાંચ પાટલા માંડવા” (વગર નોતરે જમવા જવું ને પહોળા થઇને બેસવું). “બગાસુ ખાતા પતાસુ પડ્યું” (વિના પ્રયત્ને મોટી સફળતા મળી જવી) જેવી રમૂજી કહેવતો પણ બની છે. હવે તો સોફ્ટવેર એન્જિનિયરીંગની કહેવતો પણ બની છે.

કહેવતોની ખરી મઝા યોગ્ય સમયે, યોગ્ય સંદર્ભમાં વાપરવાની છે પછી તે ભાષા ચરોતરી, કચ્છી, પારસી, હુરટી, ફારસી, ચીની કે ગમે તે હોય. ટૂંકમાં “બાર ગાઉએ બોલી બદલાય” એમ કહેવત પણ બદલાય છે. મળીયે આવતા અંકે.

કહેવત – ગંગા સમીક્ષા – ૪ કલ્પના રઘુ

આ ગંગામાં ડૂબકી મારી ગંગાજળનું આચમન કરનારને તેની અસર તો થાય જ ને? હા, એટલો ચમત્કાર જરૂર થયો કે મારા વાચકમિત્ર જ્યારે પણ રૂબરૂ મળે કે ફોન પર વાત કરે ત્યારે વાત વાતમાં કહેવત લઈ આવે અને એ અઠવાડિયાની લખેલી કહેવત પર વિચારોનું આદાનપ્રદાન થયા વગર રહે જ નહીં. શબ્દોના સર્જન પર, વોટ્સએપ પર, ફેસબુક પર કે ફોન પર તમામ આર્ટીકલ પછી અભિનંદન અને પ્રશંસાના શબ્દગુચ્છ મળતા. તો ચાલો, થોડી કોમેન્ટબોક્સની વાતો કરીએ.

ખાસ કરીને તરુલતાબેન મહેતા સાથે કહેવત અંગે ચર્ચા થતી. તેઓ ક્યારેક માર્ગદર્શન આપતાબેઠકના ગુરુ છે નેમાગદર્શન આપવામાં દાવડા સાહેબ કેમ બાકાત રહે? ગીરીશભાઈ ચિતલીયા પણ મારા લખાણમાં રસ લેતા. અવાર-નવાર keep it up કહીને આશિર્વાદ અને પ્રોત્સાહન આપતા. વડીલોનું પ્રોત્સાહન મને હંમેશ ગમતું. હા, કોમેન્ટબોક્ષમાં હાજરી ન પુરાવી હોય તેઓ રૂબરૂમાં કહેવતો વિષે મારી સાથે ચર્ચા કરતાં અને મારા લખાણને વધાવતાં. જયવંતીબહેન જેવા વડીલનું મને હંમેશા પ્રોત્સાહન રહેતું. તેમને મારો અભિગમ ગમતો. વળી વસુબેન શેઠ પણ મારા લખાણની પ્રશંસા કરવામાં જરાય પાછા ન પડતા. હ્યુસ્ટનનાં ચીમનભાઈ પટેલને લેખની વિવિધતા ગમતી. આ બધા મારા લખાણના આધાર સ્તંભ છે. રીટાબેન જાની અને દર્શના ભટ્ટે ‘જુનું એટલું સોનુએ કહેવતમાં બદલાતા જીવનમૂલ્યો સાથે મૂળથી વિખૂટાં ન પડવાની મારી વાતને વધાવી. ‘સોટી વાગે ચમચમ’ કહેવતમાં રાજુલબેનની કોમેન્ટ વાંચવાની મજા આવી, કે માસ્તરની સોટી વિદ્યાર્થીને સીધી નથી વાગતી પણ વર્તમાન સમયની આ ટ્યુશનના ટ્રેન્ડની સોટી,વાલીઓના ખિસ્સાને વાગે એવી હોય છે. રાજુલબેન, સાવ સાચી વાત. દર્શના વારીયા, ગીતા ભટ્ટ તેમજ જીગીશા પટેલની નિયમિત કોમેન્ટ મળતી.

કેટલાંક મિત્રો કહેતાં કે તમારા લેખની રાહ જોઈએ છીએ‘, ‘વાંચવાની મજા જ કંઈ ઓર છે‘, ‘ખુબ સરસ વિષય લાવો છો‘, ‘દરેક વિષય જીવનમાં ઉપયોગી હોય છે‘, ‘સાહિત્ય તરફનો તમારો એપ્રોચ ખૂબ સરસ છે‘. યુવાનો પણ કહેવતમાં રસ લેતાં. કેટલીક જુવાન દીકરીઓને આ કહેવતો વિષેના સચોટ ઉદાહરણ વાંચીને તેમના દાદા દાદી યાદ આવી જતાં. દરેક કહેવત, વાર્તા સાથે રજૂ કરવાનાં મારાં પ્રયત્નો રહેતાં. તેને કાવ્યપંક્તિ, ગઝલ, ઉદાહરણ, ઉક્તિથી ફળદ્રુપ બનાવવાની મારી કોશિશ રહેતી. જેથી વાંચનારના હૃદય સોંસરવી પસાર થઈને મસ્તિષ્કમાં, મનોજગતમાં તે વિચરવા લાગે. કેટલાંકને હાર્ટટચિંગ તો કેટલાંકને મોટીવેશનલ, ઇન્સ્પિરેશનલ લાગતી. કોઈ કહેતું વિચારોને વાચા આપવા બદલ અભિનંદન! અદ્‍ભુત આર્ટીકલ, અર્થપૂર્ણ વાત, સૂપર્બ, માહિતીસભર લેખો, ઇન્ટરેસ્ટિંગ ઇન્ટરપ્રિટેશન વગેરે વગેરે … અને મને પણ સંતોષ થતો.

સાહિત્યની દ્રષ્ટિએ પ્રજ્ઞાબેનને ખૂબ સંતોષ હતો કે આટલી કહેવતો તમે જે રીતે વહેતી કરી છે તેનાથી તમને નથી ખબર પણ જાણે-અજાણે સાહિત્યની ખૂબ મોટી સેવા કરીને તમે થીસીસ તૈયાર કરી છે. આતો છે બેઠકની કમાલ! દરેક લેખકને કોઈને કોઈ રીતે લખીને પોતાની પ્રતિભાને રજૂ કરવાનો મંચ પૂરો પાડે છે. આભાર પ્રજ્ઞાબહેનનો , બેઠકનો. ૫૧ વખત ‘કહેવત ગંગા’માં દરેકે ડૂબકી મારી, એ સિવાય અન્ય કહેવતો તો ખરી જ. મળીએ આવતા અંકે …

કહેવત – ગંગા સમીક્ષા – ૩ કલ્પના રઘુ

આજના થેન્ક્સ ગીવીંગના દિવસે મારા તમામ માર્ગદર્શક, ગુરુજન અને વાચક મિત્રોનો આભાર માનુ છું. એક વર્ષ બાદ કહેવત ગંગાનું સરવૈયુ કાઢતાં ઘણું બધું શીખવા મળ્યું.

પ્રજ્ઞાબેન હંમેશા કહે, લખતા રહેજો, તમારા થકી બીજા વિકસે છે. વાત સાચી હશે પણ હું અને મારી કલમ ચોક્કસ વિકસી રહ્યાં છીએ. શું આનું પ્રમાણ કોમેન્ટ બોક્સ કહી શકાય? ક્યારેક મન દ્વિધા અનુભવે ત્યારે મારી લેખન કળાના મૂળમાં રહેલ હ્યુસ્ટનના વિજય શાહનાં શબ્દો યાદ આવે, “કોમેન્ટ્સ એ તો વાટકી વહેવારકહેવાય!” ખરેખર, ખૂબ સાચી વાત છે. તમે જેના માટે કોમેન્ટ લખો, તે જ તમારા માટે કોમેન્ટ લખે. જો કોમન્ટ લખવાનું બંધ કરો તો કોમેન્ટ બોક્સ ખાલી! જેવો તમારો સંબંધ! તો શું આ તમારા લખાણનું સાચું પ્રમાણ છે? શરૂમાં ગમતું. પરંતુ હવે એમ લાગે કે તમને તમારૂં લખાણ ગમ્યું? બસ… વાત પૂરી.

એક લેખક તરીકે સુવાવડીનું દર્દ તો સુવાવડી જ જાણે‘. વિષય નક્કી કર્યા પહેલાં અને પછી કેટકેટલી વિચારોની સવારી સાથે મન કવાયત કરે છે ત્યારે એક લેખનું સર્જન થાય છે! લેખકે એક લેખમાં તેના મનોજગતમાં અનેક વર્ષોદેશ-વિદેશ અને વિવિધતાની સફર કરેલી હોય છે. તેના પરિણામે જન્મે છે એક લેખ. અને સીદીભાઈને સીદકાં વહાલાંજ હોય. શા માટે કોઈની કોમેન્ટ પર પોતાની ક્ષમતાનું તારણ કાઢવું જોઈએહા, ક્યારેક કેટલાક નીવડેલા સાહિત્યકાર, લેખકો અને નિયમિત તમારી કોલમ વાંચતાં વાચકો જ્યારે લાઈક કરે અને કોમેન્ટ લખે ત્યારે તેનું ચોક્કસ વજન પડે છે. પ્રોત્સાહન પણ મળે છે. બ્લોગ પર 2 કોમેન્ટ હોય અને એ જ લેખ ફેસબુક પર મૂક્યા પછી 50 કોમેન્ટ આવે ત્યારે અચૂક આનંદ થાય છે. અમુક વ્યક્તિ લાઈક ના કરે કે કોમેન્ટ ના લખે પરંતુ રૂબરૂ મળે કે ફોન પર લખાણનાં વાક્યો યાદ કરાવે, કે તમારી આ વાત બહુ ગમી. એનો અર્થ કે કોમેન્ટ નથી લખતાં પણ ચોક્કસ તમારો લેખ વાંચે છે. કેટલાંક કરવા ખાતર ઉતાવળમાં લાઈક કરે પણ તેમણે લેખ વાંચ્યો જ ના હોય એવું પણ બનતું હોય છે. હું તો માનું છું કે સાહિત્ય પીરસવા માટે દરેક લેખક દિલથી લખતો હોય છે. ભાવના એક જ રાખવી, ‘નેકી કર ઔર કૂએમેં ડાલ‘.

આપ મૂઆ વગર સ્વર્ગે ના જવાયકહેવતથી કહેવત-ગંગાની શરૂઆત થઈ અને વાંચનાર કોમેન્ટ બોક્સમાં તેને લગતી કહેવતો લખવા માંડ્યા. કારણકે તેમાં ખોળિયાને સ્વયંપ્રકાશિત કોડીયું બનાવવાની વાત કરી હતી. દિવાળી આવતી હતીને! પછી તો હાથીના ચાવવાના અને બતાવવાના જુદાકહેવત હું લખું, અને બીજા, ‘હાથી જીવે તો લાખનો મરે તો સવા લાખનોલખે. તો વળી દર્શનાબેન તેમને લખેલા હું તો ચપટીભર ધૂળ‘ કાવ્યની વાત કરે, કે જેમાં તેમણે આ કહેવતનો ઉલ્લેખ તેમના બ્લોગ પર કર્યો છે. રાજુલબેન આ કહેવતને માના અલગ અલગ સ્વરૂપ દર્શાવીને નવાજે. આમ આ કોલમમાં દીવડે દીવડો વધુ પ્રકાશિત થઇને પ્રગટતો ગયો. આ કોલમ તમારા બધાનાં સાથ-સહકારથી વધુ પ્રકાશિત બનતી ગઈ. સાહિત્યની ગંગા છે, આ કંઈ થોડા આભાસી અજવાળા હતાંતેજમાં તેજ ભળતું ગયું …

મિત્રો, આપ સૌનાં વધામણાની ‘કહેવત ગંગા’નાં વળામણાં સુધીની સફર આવતા અંકે … મળીએ નવી દ્રષ્ટિ સાથે કહેવત ગંગા સમીક્ષા – ૪ માં.

૫૧ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

હાથીના ચાવવાના જુદા અને બતાવવાના જુદા

આ કહેવતનો ઉપયોગ દરેકે કર્યો જ હશે. અર્થ ખૂબ જ ગહન છે. વળી હાથીના દાંત કોઈકે જ જોયા હશે. હા, જે દાંત બહાર હોય જેને હાથીદાંત કહીએ છીએ, તે તો સૌએ જોયા હશે જ. પરંતુ ચાવવાના દાંત તો હાથી મોઢું ખોલે અને તમે તેની નજીક હોય તો જ તેની દંતમાળા જોઈ શકો. એ તો ભાગ્યે જ કોઈએ અથવા તો તેના મહાવતે કે જે તેની સંભાળ રાખતો હોય તેણે જ જોયા હોય.

હાથી શક્તિશાળી, કદાવર પ્રાણી કહેવાય. ચાલે તો ધરતી ધમ ધમ થાય. “હાથીભાઈ તો જાડા…” બાળ કવિતા સૌમાં લોકપ્રિય છે. હાથી પાસે નાના મચ્છર, જીવજંતુ કે પ્રાણીઓની કોઈ તાકાત નથી હોતી. પરંતુ જ્યારે નાનો મચ્છર હાથીના કાનમાં ઘૂસી જાય કે કોઈ તણખલુ કદાવર હાથીની આંખમાં પડે તો ભારે જોવા જેવું થાય છે. મદમસ્ત હાથીનો મદ ચકનાચૂર થઈ જાય છે. પણ હિન્દુ ધર્મમાં ગણેશજીની યાદ અપાવતું આ વિશાળકાય પ્રાણી પૂજનીય બન્યું છે. તેના કિંમતી હાથીદાંતની માંગને લીધે અને જંગલોમાં લાકડાની હેરાફેરી માટે હાથી કિંમતી છે. તેમાં કોઈ બે મત નથી. માનવની દશા અને હાથીમાં ખૂબ જ સામ્યતા જોવા મળે છે. માટે આ કહેવત વિષે લખવાનું મન થઇ આવ્યું  કે જે બોલચાલમાં લોકપ્રિય છે.

દિલ કો દેખો, ચહેરા ન દેખો, ચહેરેને લાખોકો લૂંટા, દિલ સચ્ચા ઓર ચહેરા જૂઠા”. દિલ અંદર હોય છે, ચહેરો બહાર. દિલને પારખવાની તાકાત માત્ર ઈશ્વરમાં હોય છે. જેમ હાથીના અંદરના દાંતનું છે. ચહેરો માનવના બાહ્ય રૂપનો અરીસો છે, જેને ફેશિયલ કરીને માણસ ચમકાવવા પ્રયત્ન કરે છે. બહારના બે હાથીદાંત ખૂબ જ કિંમતી હોય છે. માનવ આ ચહેરો જોઈને ફસાય છે. સંબંધ બાંધી બેસે છે. બહારના દાંત જોઈને દોસ્તી બાંધીને અંદરના દાંત જોવા મોઢું ખોલવાની રાહ જોઈને નજીક જાય છે ત્યારે  દુર્ગંધ, લાળ એટલે કે અસલી ગુણોના દર્શન થાય છે. પરિણામે ઘૃણા, નફરત, ટકરાવ અને વર્ષોના સંબંધો જે પ્લસ-માઇનસ કરીને જાળવ્યા હોય, તે ચકનાચૂર થઈ જાય છે. બહારથી દેખાતી મિત્રતા, નાના અમથા કારણસર સ્ફોટક થઈને તૂટી જાય છે. બધી કડવાશ જે શરૂઆતથી સંગ્રહાયેલી હોય તે સામટી બહાર આવે છે. પરિવાર, પડોશી કે મિત્રો વચ્ચે આવું સામાન્ય રીતે બનતું હોય છે. પડદા પાછળની, બાહ્ય દેખાવ પાછળની વાસ્તવિકતાનું ભાન થાય છે ત્યારે પારાવાર પસ્તાવો થાય છે. આવે સમયે સામેની વ્યક્તિમાં રહેલાં સારા ગુણો જોઈને ખરાબ ગુણ તરફ આંખ આડા કાન કરીએ તો જ સંબંધ ટકે છે.

હાથીના દાંત બતાવવા એટલે છેતરવું. કહે તેનાથી જુદું કરવું. કહેવું એક અને કરવું બીજું એટલેકે દગો કરવો. આપણી આસપાસ જ એવી વ્યક્તિઓ હોય છે જે જાણે અજાણે બોલે છે એ કરતાં નથી અને જે કરે છે તે બોલતા નથી. પોલિટિશિયનો માટે તો આ સદીઓથી ચાલ્યું આવે છે. તે ઉપરાંત ધર્મગુરુઓ પણ આ રીતે વર્તે છે. ફિલ્મોમાં જોવા મળે છે કે ધર્મગુરુઓ ભગવા પહેરી ભક્તોની અંધશ્રદ્ધાનો લાભ લઇ, બહાર ચમત્કારો કરે અને અંદર રંગરેલિયા મનાવે. સમય પ્રમાણે દાંત બતાવે એ માણસની પ્રકૃતિ બની જાય છે.

બહારના દાંતની ઝાકમઝાળથી અંદર જઈને સામેની વ્યક્તિની નજીક જાય ત્યારે તેની અસલિયત છતી થાય છે. બહારનો આંચળો, મુખવટો હટી જાય છે ત્યારે બીજા દાંતના એટલે કે અસલી રૂપના દર્શન થાય છે. બાકી ચહેરા પર મહોરું કે બે પ્રકારના દાંત રાખવા અને ક્યારે શું બતાવવું એ વ્યક્તિના વ્યક્તિત્વ પર આધાર રાખે છે. પરંતુ એક વાત નક્કી છે કે આ પ્રકારની પ્રતિભાથી કોઈપણ વ્યક્તિ બાકાત રહી શકતી નથી કારણ કે આખરે તો એ માનવ છે ને? માટે તેના વિચાર, વાણી અને વર્તનમાં આભ-જમીનનું અંતર હોય છે. હા, સત્સંગથી કે સજાગ રહેવાથી સુધારો થઈ શકે છે. આધ્યાત્મિકતા પોતાનામાં સુધારો કરીને, સ્વયં પરિવર્તિત થઈને બીજાને માફ કરી શકે છે. બીજાનો દ્રષ્ટિબિંદુ સમજી શકે છે અથવા તો આંખ આડા કાન કરી શકે છે. સમાજમાં સાથે રહેવા સરળતા, સહજતા અને સમતા કેળવવી જરૂરી છે. સૌથી સારી વાત તો એ છે કે રસ્તે ચાલતા હાથી જેવા મહાકાય, મદમસ્ત પ્રાણીથી દૂર રહેવું સારું. પ્રણામ કરીને બહારના દાંત જોવા. અંદરના દાંત જોવા કે ગણવા પ્રયત્ન ના કરવો અને આગળ વધવું.

કળિયુગની વાસ્તવિકતા અને આ કહેવત સમજાવતી આ ગીતની પંક્તિ વિચાર માંગી લે છે, “કિતને અજીબ રિશ્તે હૈ યહાં પે. દો પલ મિલતે હૈ, સાથ સાથ ચલતે હૈ. જબ મોડ આયે તો બચકે નિકલતે હૈ…!

૫૦ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

જૂનું એટલું સોનું
સોનું ગમે તેટલું જૂનું થાય, એ સોનું જ રહે છે. જૂનું એટલું સોનું એ કહેવત આજના સમયમાં ગહન વિચાર માંગી લે છે. જૂની વસ્તુ, પરિસ્થિતિ કે જૂની વ્યક્તિ, શું સોનાની જેમ આજની સરખામણીમાં કિંમતી કે સારી છે? પ્રશ્ન બહુ મહત્વનો છે.
હમણાં એક વાર્તા વાંચી. એક યુવતીએ નવું રસોડું બનાવ્યું. જૂના વાસણો જે નવા હતાં, છતાંય કાઢીને ઢગલો બાજુ પર મૂકયો. આધુનિક વાસણોથી તેના રસોડાને સજ્જ કર્યું. કામવાળી આવીને આ ઢગલો જોઈને ચિંતિત બની. આટલા બધા વાસણ મારે આજે ઘસવાના છે? યુવતીએ કહ્યું, આ તો ભંગારમાં આપવાના છે. તેણે એક તપેલી માંગી. યુવતીએ કહ્યું, બધું જ લઈ જા. મારે આ વાસણોની જરૂર નથી. તેનું મન નાચવા માંડ્યું. આંખોમાં ચમક આવી. જલ્દીથી કામ પતાવી ઘરે ગઈ. જાણે ખજાનો મળ્યો. તેના ઘરમાં જૂના વાસણો કાઢી નવા ગોઠવ્યાં. વિચાર્યું, ભંગારવાળાને જૂના વાસણો આપી દઈશ. ત્યાં જ એક ભિખારી આવ્યો. તેણે પાણી માંગ્યું. તપેલી ભરીને પાણી આપ્યું. ભિખારીએ તૃપ્ત થઈને તપેલી પાછી આપી તો કામવાળીએ કહ્યું લઇ જા. ફેંકી દેજે. ભિખારીએ પૂછ્યું, તમને આની જરૂર નથી? તો હું રાખી લઉં? કામવાળીએ બધો જ ભંગાર ભિખારીને આપી દીધો. આજે તેની ઝોળી ભરાઈ ગઈ. તે તૃપ્ત થઈ ગયો. આ આખી વાર્તા ઘણું બધું કહી જાય છે.
પરિસ્થિતિ બદલાતાં એકના માટે પિત્તળ બની ગયેલી વસ્તુ બીજાના માટે સોનાની બની જાય છે. શું આપણા જીવનમાં પણ આ નથી? સમાજમાં, દેશમાં, દુનિયામાં જ્યારે યુગ જે ગતિએ ફાળ ભરી રહ્યો છે ત્યારે નવી વસ્તુ જૂની બનતાં એટલે કે આજને ગઈકાલ બનતાં વાર નથી લાગતી.
હા, માનવ ઉત્પત્તિના મૂળમાં જે સંસ્કાર રહેલા છે, જે ધર્મ અને આધ્યાત્મ સાથે જોડાયેલા છે, એ જ માત્ર સોનું કહી શકાય. જ્યાં સુધી માનવ તેના મૂળ સાથે જોડાયેલો છેત્યાં સુધી તેને તેની કિંમત છે બાકી વિજ્ઞાન ગતિમાન છે. અનેક શોધોને પરિણામે મંગળ સુધી પહોંચનાર આજનો માનવ બળદગાડું કે ઘોડાગાડીમાં ક્યાંથી મુસાફરી કરવાનો? હા, અમુક સમય માટે જૂની વાતો યાદ કરીને મ્હાલવી એ તરોતાજા બનવા માટે જરૂરી છે, પરંતુ એ સોનુ નથી જ.
આ સંદર્ભે આજ અને ગઈકાલ, સોનુ અને પિત્તળની સરખામણી અનાયાસે થઈ જાય છે. આજે રોજિંદા જીવનમાં મશીનનો પ્રવેશ અને પરિણામે શારીરિક કસરતે જાકારો લીધો છે. જેને કારણે શારીરિક ફિટનેસ માટે વર્કઆઉટ જરૂરી બન્યું છે. જૂની શિક્ષણ પદ્ધતિ ખર્ચાળ અને અટપટી ન હતી. માતૃભાષાને મહત્વ અપાતું અને ભારતીય સંસ્કૃતિનાં મૂળભૂત મૂલ્યો જળવાઈ રહેતાં. આજે જ્યારે ભણતરના ભાર તળે દબાઈને વિદ્યાર્થીઓમાં આત્મહત્યાના કેસો જોવા મળે છે ત્યારે જૂની અને નવી શિક્ષણપ્રથાની સરખામણી વિચાર માંગી લે છે.
આપણા પૂર્વજોએ કહેલી, મજબૂત દાંત માટે મીઠું ઘસવાની વાત, બ્રશની જગ્યાએ ઔષધિય વનસ્પતિનું દાતણ કરવાની વાત આજે પુનર્જીવિત થતી જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિ જૂનીપુરાણી છે. જે આયુર્વેદ તેમ જ યોગનો સ્ત્રોત છે. હોમીઓપથી, એક્યુપ્રેશર તેમજ અનેક પથી શારીરિક તેમજ માનસિક ઉપચારની પદ્ધતિઓ ભારતીય સંસ્કૃતિ અને ઋષિઓની દેન છે. માટીનાં વાસણો તેમજ પતરાળાની જગ્યા ડિસ્પોઝેબલ પેપર અને થરમોકોલ પ્રોડક્ટોએ લીધી. જે રોગોને આમંત્રણ આપે છે. હરીફરીને દુનિયા હવે માટીના વાસણો તેમજ પતરાળાને અપનાવે છે. વિદેશોમાં તેની માંગ, પ્રચાર અને પ્રસાર મોટા પ્રમાણમાં જોવા મળે છે. આજના યુગની દેન છે કેન્સર જેવી મહાબિમારીઓ, તો વળી તેનું ઓસડ પ્રાચીનમાંથી મળે છે.
આરસના મહેલમાં રહેતા હોય પણ થોડા દિવસ ગારાના ઘરમાં રહેવું, ખુલ્લા આકાશમાં ફળિયામાં ખાટલા પર સૂતા સૂતા આભના તારા ગણવા, ગમાણની વાસ મહેસૂસ કરવી, પરોઢના વલોણાના અવાજ સાથે પ્રભાતિયાના સૂરની સંગત ભલા કેમ ભુલાય? ગામડામાં કે પોળમાં રમતા નિખાલસ બાળકોની કોઈ નિયમ કે રોકટોક વગરની રમતો, સૂરજના કિરણોને લીધે ક્યાંય વિટામિનની ઉણપ નહોતી દેખાતી. આજે દોમદોમ સાહેબી અને સગવડતા વચ્ચે ઉછરનાર બાળકો, અનેક ઉણપો અને રોગો સાથે મોટા થતાં જોવા મળે છે. ગામડું છોડીને શહેરમાં અને પોળ છોડીને સોસાયટીમાં તેમજ વિદેશમાં લોકો વસવા માંડ્યા. પરંતુ નવા આવાસોમાં જૂની વસ્તુઓ જેને ફેશનમાં એન્ટિક કહે છે તેની છાંટ વગર ઘરવખરી શોભતી નથી, એ હકીકત છે.
આજના પરિવર્તનશીલ યુગમાં વોટ્સએપ, ફેસબુક અને મોબાઈલ ફોને માણસને સ્થગિત બનાવી દીધો છે. સ્થગિત પાણીમાં લીલ થાય છે. વહેતુ પાણી ચોખ્ખું હોય છે. આ દશા માણસના શરીર અને મનની થઈ ગઈ છે. ટેકનોલોજીનો ગુલામ, જન્મેલા બાળકની પણ દરકાર કરતો નથી તો પરિવારનો તો પ્રશ્ન જ પેદા થતો નથી. પહેલાંની વ્યક્તિ આત્મનિર્ભર હતી. આજે પરિસ્થિતિ બદલાઈ છે. આજે નવા મશીનો, આધુનિક ટેકનોલોજી અને આદતોએ માણસોને એકબીજાથી દૂર કરી દીધા છે. યુવાનો માટે જ્યાં થનગનાટ અને ભાગદોડ છે ત્યાં આ ટેકનોલોજી ચોક્કસ મદદરૂપ થાય છે. પરંતુ બાળપણ અને ઘડપણમાં જૂનું તેમના જીવનમાં પ્રાણ પૂરે છે. જ્યારે હુંફની, સંગતની જરૂર ખાસ હોય છે ત્યારે આ કહેવત વહાલી લાગે છે.
જૂની રીતભાત, રહેણીકરણી, રિવાજો, દૈનિક ક્રિયાઓ, ઉત્સવ, મેળાવડા, ગીત-સંગીત આપણે છોડી શકવાના નથી. જૂના સંસ્કારો ભલે રૂઢીગત સંકુચિત હતાં, પરંતુ એ આમન્યા અને સામાજિક બંધનોને કારણે ઘર તૂટતા ન હતા. સુખ-દુઃખ વહેંચીને સંતોષનો ઓડકાર  જૂના લોકો ખાતાં. આજે “હું અને મારો પરિવાર”માં વ્યક્તિનું વિશ્વ સમાઇ જાય છે. જરૂર હોય ત્યારે જ એકલતાનો અજગર ભરડો લે છે. માનવ શરીર અનેક રોગોનો ભોગ બને છે. અંતે માણસને ભરખી જાય છે. બીમારી અને તેનો ઈલાજ જાણે મેરેથોનમાં ઉતર્યા હોય!
શ્રીકૃષ્ણના કહ્યા મુજબ “પરિવર્તન એજ જીવનનો નિયમ છે”. જીવનનું કામ છે, વહેવું. વહેવામાં બદલાવ આવે છે. જે ઉગે છે તેનો અસ્ત નક્કી છે. નામ તેનો નાશ હોય છે. એ આધારે વિજ્ઞાન ગતિમાન છે. આજની કાલ બને છે. પરંતુ સોના જેવું કિંમતી અને સારું શું છે તે સમય, સંજોગો અને પરિસ્થિતિ બતાવે છે. અમુક સ્થાપત્યો માત્ર હેરિટેજ બનીને રહી જાય છે. પ્રાચીન સિક્કાઓ અને સ્ટેમ્પસનું તેમજ જૂની શરાબનું મૂલ્ય ઘણું હોય છે. પ્રાચીનતાને ધિક્કારવાની ભૂલ ના કરવી. મા-બાપ ક્યારેય જૂના થતા નથી. જેનું લોહી અને ડીએનએથી આપણા શરીરનું બંધારણ બન્યું છે તેની કિંમત સોનાથી વિશેષ હોય છે. નવીનતાને અપનાવવી રહી, પરંતુ મૂળથી વિખૂટાં પડીને નહીં.

૪૯ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

લાલો લાભ વગર ના લોટે

આ કહેવત પાછળની વાર્તા છે. કરિયાણાની દુકાનેથી ઘી લઈને ઘેર જઈ રહેલો લાલો, ઠેસ વાગતા પડી ગયો. બધું જ ઘી ઢોળાઈ ગયું. લાલાની માને કોઈએ આ સમાચાર આપ્યા, ત્યારે ડોશી સમજી ગઈ કે મારો લાલો લાભ વગર ના લોટે (પડે). લાલો ઘેર આવ્યો ત્યારે ખબર પડી કે રસ્તામાં રોકડા રૂપિયાની થેલી પડી હતી. ભરબજારમાં નીચે વળીને થેલી લેવા જતાં સૌની નજર પડે તો? માટે તેને આ નાટક કરવું પડ્યું હતું. આ તો એક વાર્તા છે.

આ એક પ્રકારની માનસિકતા કહેવાય. મનુષ્યને પોતાનો લાભ દેખાતો હોય, પોતાનો જ્યાં સ્વાર્થ હોય ત્યાં સર્વસ્વ લૂંટાવી દેવા તે તૈયાર રહેતો હોય છે. કોઈ વ્યક્તિ કોઈના પર વરસી પડે તો સમજવું, એમાં જરૂર એનો કોઈ લાભ હશે. આ નકારાત્મક ગુણ માણસની કચાશ કહી શકાય. એ સમયે માણસ આંધળો બની જાય છે. સારા-નરસાનું ભાન રહેતું નથી. જુગારમાં પત્નીને દાવ પર લગાવનાર યુધિષ્ઠિરની સૌને ખબર છે. અજ્ઞાન, મોહ, આસક્તિને કારણે મળતો લાભ ક્યારેક માણસને ના કરવાનું કરાવી દે છે.

સરકારી ઓફિસોમાં તમારી ફાઇલ આગળ ધકેલવા માટે અંડર ટેબલની વિધિ કરવી જ પડે છે. સરકારી કર્મચારીનો ભાવ સમજવો પડે કે “આમાં મને શું?”, “મારું શું?” આ માનવસહજ સ્વભાવ થઈ પડ્યો છે. નીતિ નેવે મૂકાઇ જાય છે. માનવને ખુશ કરવા માનવ પ્રયત્નો કરે છે. પરંતુ ઈશ્વરનો અનુગ્રહ મેળવવા કે પ્રસન્ન કરવા માટે તેની સ્તુતિ ક્યાં નથી કરતો? જે પાઠ-પૂજા કે વ્રત-કથા પારાયણ કરવાથી ફળપ્રાપ્તિ થાય કે લાભ મળે તે માણસ ખાસ કરશે. તેની સાથે ઐક્ય સાધવા કે રીઝવવા પત્ર-પુષ્પ, ફ્લમ્‍ તોયમ્‍ કે મન, વાણી કે કર્મનો ઉપયોગ માણસ અચૂક કરશે. પ્રેમમાં પણ સ્વાર્થ હોય છે. આજકાલ શુદ્ધ નિર્મળ પ્રેમ જોવા મળતો નથી. હેતુ વગર હેત નથી હોતુ એટલે કે આપણા હેતમાં પણ હેતુ હોય છે.

આજકાલ બજારમાં “આજા ફસાજા”ની નવી નવી સ્કીમો બહાર પડે છે. પ્રમાણિકતાની વ્યાખ્યા બદલાઇ છે. લાભપાંચમનું મૂલ્ય બદલાયું છે. બીજાની લીટી નાની કર્યા વગર પોતાની લીટી મોટી કરવી જોઈએ. “કર લો દુનિયા મુઠ્ઠીમેં” સૂત્રને સકારાત્મક રીતે સાકાર સ્વરૂપ આપવું જોઈએ.

કેટલીક સંસ્થાઓ દાન પર નભતી હોય છે. દાનવીરોનું સન્માન થાય, તેમની તક્તીઓ મૂકાય તો જ દાન આપતા હોય છે. ત્યારે આ કહેવત સાર્થક થાય છે. જોકે અપવાદ હોય છે. એવા પણ દાતા હોય છે જેઓ પોતાનું નામ જાહેર કર્યા વગર ગુપ્તદાન કરતા હોય છે. તેનાથી વધુ શ્રમજીવીઓ કે જે રોજેરોજનું કમાઇને ખાતા હોય તેઓ રોજની આવકનો અમુક હિસ્સો જરૂરિયાતમંદને વહેંચે છે ત્યારે માથું ઝૂકી જાય છે.

સંતની વાત કરીએ, જે ક્યારેય પોતાનો લાભ જોતા નથી. અધ્યાત્મને વરેલા હોય છે. માટે જ दया भूतेषु પ્રાણીમાત્ર પર દયા તેમનો ધર્મ હોય છે. દયા અને કરુણા જે ભક્તિનો પાયો છે તેનાથી નીતરતું હૈયું સંતો પાસે હોય છે. ત્યાં નીજ લાભની વાત જ ક્યાં કરવી? બીજાનાં દુઃખ માટે સંવેદના ના હોય અને પોતાના સ્વાર્થ અને લાભની જ વાત કરીએ તેને રાક્ષસી વૃત્તિ જ  કહેવાય. જ્યાં લાભવૃત્તિ નથી ત્યાં દયા છે. જે માનવને પશુત્વમાંથી મનુષ્યત્વમાં લઈ જાય છે. આ દયા ધીમે ધીમે સક્રિય થવી જોઈએ. પછી ભલે એ લોભથી કે લાલચથી સક્રિય થાય. દયાનું પણ એક વિજ્ઞાન હોય છે.

સંતોએ કહ્યું છે માત્ર પોતાના જ લાભનો વિચાર કરવાને બદલે બીજી પીડાતી વ્યક્તિની ચેતનાને જો તમે અનુભવી શકો તો તમારી ચેતનાનો વિસ્તાર થાય છે. અને એ ચેતના વિરાટ સાથે જોડાય છે. મારાપણુ મટી જાય છે. અંદર સહજતાથી શાંતિ અને આનંદ પ્રકટે છે. આ વિરાટમાં જ સુખ હોય છે. અહીં મૂળમાં તો મળવાનું કે લાભવાનું જ છે. અને એ છે દુઆ. જે લૌકિક સ્વરૂપમાં ના મળે પણ જીવનને ધન્ય બનાવે છે.

આજના ભૌતિક યુગમાં માત્ર પોતાનો લાભ જોવામાં આવે છે. સંવેદનાનું મહત્વ ઘટતું ગયું છે. દરેક જગ્યાએ લાભ ના જોવાય. ડાકણ પણ એક ઘર છોડે છે. બાળકો માટે વડીલોની દુઆ જેવો મોટો કોઈ લાભ નથી. સંતાનોએ કરેલી સેવા અને તેનાથી મા-બાપને થતી રાહત કે હાશકારો પરિણામે અંદરથી એને માટે આશીર્વાદ પ્રવાહિત થાય એનું મહત્વ ખૂબ ઊંચું હોય છે જેની નોંધ પરમાત્મા કે જે સર્વ વ્યાપક છે ત્યાં સુધી અચૂક પહોંચે છે. બાકી એ સત્ય છે કે લાલો લાભ વગર ના લોટે.

૪૭ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

બાંધી મુઠ્ઠી લાખની ને ખૂલી જાય તો ખાકની

બંધ મુઠ્ઠી એટલે છૂપાયેલા રહસ્યો. મુઠ્ઠી ખુલે ત્યારે જ તેમાં રહેલા કંઈક રહસ્યો છતાં થાય છે. બંધ મુઠ્ઠી ખાલી પણ હોઈ શકે અને ભરેલી પણ. મુઠ્ઠી કોની છે તેના પર તેનો આધાર હોય છે. માણસ જન્મે છે બંધ મુઠ્ઠી સાથે. ધીમે ધીમે મુઠ્ઠી ખૂલતી જાય છે. બંધ મુઠ્ઠીમાં ભાગ્યની રેખાઓ હોય છે. એક સરસ હિન્દી ગીત છે, “નન્હે મુન્ને બચ્ચે તેરી મુઠ્ઠીમેં ક્યા હૈ?  મુઠ્ઠીમેં હૈ તકદીર હમારી, હમને કિસ્મત કો બસમેં કિયા હૈ.”

આખી જિંદગી માણસ બંધ મુઠ્ઠી રાખીને જ ફરતો હોય છે. માણસ જેવો દેખાય છે તેવો હોતો નથી. એ મુઠ્ઠીમાં તેની દીનતા અને હીનતાને છુપાવે છે. તમામ દુઃખો, દુર્ગુણો અને નકારાત્મકતા તેની મુઠ્ઠીમાં બંધ હોય છે. સમાજમાં મૂછ ઉપર તાવ દઈને ફરતો હોય છે. મુઠ્ઠી જ્યાં સુધી બંધ હોય ત્યાં સુધી તેની કિંમત વધુ હોય છે. પરંતુ મુઠ્ઠી ખૂલતા, એટલે કે ઘટના પરથી ઢાંકેલી બાબત કે વસ્તુ પરથી પડદો ઉંચકાતા તે બાબત ઉઘાડી પડી જાય છે, લોકોની નજરમાં આવી જાય છે. તેથી એ મૂલ્યવાન રહેતી નથી. જો કે તેનું મૂલ્ય જોનારની દ્રષ્ટિ પર અંકાય છે.

ઊજળું એટલું દૂધ અને પીળુ તેટલું સોનુ હોતું નથી. ધનવાન દેખાતો માણસ દેવામાં ડૂબેલો હોય છે. સમસ્યાઓ વચ્ચે ઘેરાયેલો માણસ બહારની દુનિયામાં સુખ અને ઐશ્વર્યનો આંચળો ઓઢીને ફરે છે, માટે અનેક રોગોનું ઘર બને છે. આ પરિસ્થિતિ ઝાઝી ટકતી નથી. વાત બહાર જાય નહીં, કોઈને કહેવાય નહીં. ક્યારેક ઘરની વાત બહાર જાય નહીં તે પણ જરૂરી હોય છે. સમાજમાં સ્થાન મેળવવા નકલી ચહેરો બતાવવો પડે છે. કારણ કે સમાજ સુખનો સાથી છે, દુઃખનો નહીં. સુખમાં મધપૂડા પર જેમ મધમાખીઓ ચોંટે તેવું સ્થાન તમારું હોય છે. જ્યારે દુઃખમાં સૌ દૂર થાય છે. મુઠ્ઠી ખોલે સ્વજનો આંગળીના વેઢે ગણાય તેટલા જ રહી જાય છે. કોઈની પાસે દિલ ખોલવાનો જમાનો હવે રહ્યો નથી. માણસ પોતાની ચિંતાઓથી ઘેરાયેલો રહે છે, પરિણામે પોતાની ચિતાનો ખડકલો પોતે જ ઊભો કરે છે અને આત્મહત્યાના કેસ વધતા જાય છે. સુખને વહેંચવાથી વધે છે તેમ દુઃખ વહેંચવાથી ઘટે છે તેવું જો વ્યક્તિ સમજશે તો બંધ મુઠ્ઠી ખોલવી પડશે.

કેટલીકવાર એવું લાગે કે મુઠ્ઠી ખૂલે અને હાથની રેખાઓ કોઈ જોઈ જાય એના કરતા બંધ મુઠ્ઠી સારી. તીન પત્તીની રમતમાં બ્લાઈન્ડ ખેલનાર જીતતા હોય છે. એક સરસ જૂના જમાનાની વાર્તા છે. સાસુના મૃત્યુ પછી સસરાની જવાબદારી દીકરા-વહુ પર આવી ગઈ. ગળતી ઉંમરે વહુ સસરાની કાળજી રાખે તે ખૂબ જરૂરી હતું. અનુભવી સસરાએ પલંગ પાસે એક પટારો તાળું મારીને રાખેલો. રોજ રાત્રે બારણું બંધ કરી પટારો ખોલી એક જ સોનામહોર અનેકવાર પછાડીને સો વખત ગણતરી કરતાં. બહાર દીકરા-વહુને થતું બાપા પાસે સો સોનામહોર છે. બસ, આ લાલચે તેમની સરભરા ખૂબ સરસ થતી. સમયાંતરે બાપા દેવલોક પામ્યા. પટારો ખૂલતાં માત્ર એક જ સોનામહોર નીકળી. આ વાર્તા સૂચવે છે, બાંધી મુઠ્ઠી લાખની ને ખૂલી જાય તો ખાકની. આ છે બંધ બારણાંની વાત.

પહેલાંનો જમાનો સોંઘારતનો હતો. છતાં માંડ બે ટંક રોટલા ભેગા થતાં હોય તેવાં પરિવારો હતાં. આછી કમાણી, વ્યવહાર સાચવવાના, બહોળા કુટુંબની જવાબદારી, ત્રેવડ કરીને બચાવેલા પૈસા પણ વાર-તહેવારે સાફ થઈ જતાં અને વ્યાજ ભરીને લોકો જીવતાં. પેટે પાટા બાંધીને ઘરની વિધવા ડોશીમા, પ્રસંગે બાંધી મુઠ્ઠી લાખની કરીને કુટુંબની આબરૂ જાળવતી. ક્યારેક પરિવારના સભ્યો ચાર દીવાલોમાં ભૂખ્યા રહીને બહાર જઈને ઓડકાર ખાઈને આબરૂ જાળવતાં.

બંધ મુઠ્ઠી એટલે ભ્રમણા. જે સમગ્ર સંસારને ગતિમાન રાખવા માટેની જીવાદોરી છે. મુઠ્ઠી ખૂલી જાય અને સામેની વ્યક્તિ માટેની ભ્રમણાઓ તૂટી જાય ત્યારે સંબંધોના સમીકરણો બદલાઈ જાય છે. ભરમના વમળમાં ફસાયેલો માનવી જ સંસાર-સાગરને સારી રીતે તરી શકે છે. ભ્રમણાનો આંચળો ઓઢવો જરૂરી છે. સાંસારિક જીવન અને ભરમને શરીર અને પડછાયા, આગ અને ધુમાડા જેવો સંબંધ હોય છે, માટે જ કહેનારે કહ્યું છે, જિંદગીને પણ વાંસળી જેવી બનાવો. છેદ ગમે તેટલા કેમ ન હોય!! પણ અવાજ તો હંમેશા મધુર જ નીકળવો જોઈએ.

૪૬ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

 

 
ફરે તે ચરે, બાંધ્યો ભૂખે મરે
પોતાના સ્થાનેથી બીજી જગ્યાએ ફરવું એટલે યાત્રા કરવી. મનુષ્યની આ સ્થળાંતરની પ્રવૃત્તિ પ્રવાસ શબ્દ દ્વારા ઓળખાય છે. પ્રવાસ એટલે પરગામ વસવું, મુસાફરીએ જવું તે. તેને પર્યટન, જાત્રા, સફર પણ કહી શકાય. માનવની જેમ પશુ-પંખીમાં પણ ફરવુ અને ચરવુ જોવા મળે છે. કીડી ક્યારેય જંપીને બેસી નથી રહેતી. મધમાખી ફૂલોના રસ માટે અવિરત ઉડતી જ હોય છે. પક્ષીઓ પણ ઉડ્યા કરતાં હોય છે. પશુઓ પણ ફર્યાં જ કરે છે. માટે તે ચરી શકે છે, પોતાનો નિર્વાહ કરી શકે છે.
ઉપનિષદમાં એક ઉક્તિ છે, “चराति चरतो भगः।” જગતમાં જે જીવંત છે તે બધું જ ચાલ્યા કરે છે. માટે રવીન્દ્રનાથ ટાગોરે મનુષ્યને “સનાતન યાત્રી” કહ્યો છે. મનુષ્ય તેના અસ્તિત્વ માટેની મૂળભૂત આવશ્યકતાઓની પૂર્તિ માટે આદિકાળથી પ્રવાસ કરતો રહ્યો છે. જીવન જીવવાની જડીબુટ્ટી એટલે ફરવું.
વર્ષનો અમુક સમય માણસ જો ફરવામાં પસાર કરે તો જ્ઞાની થઈ શકે છે. આ માનવના વિકાસના પાયાની વાત છે. પુસ્તક વાંચવાથી કે સાંભળવાથી જ્ઞાનમાં વધારો થાય છે. પરંતુ દ્રશ્ય જોવાથી વસ્તુ, વિષય કે અનુભવ માનસપટ પર અંકિત થઈ જાય છે, જેની છાપ જીવનપર્યન્ત રહે છે. માણસની જ્ઞાનપિપાસા, જ્ઞાનક્ષુધા ફરવાથી તૃપ્ત થાય છે. જ્ઞાન અગાધ દરિયો છે. શક્યતા અને ક્ષમતા હોય એટલી ડૂબકી મારી મરજીવા બનવું જ રહ્યું. બાર ગાઉએ બોલી બદલાય છે. અલગ અલગ રાજ્ય, દેશ-વિદેશની ભાષા, રહેણી-કરણી, ખોરાક, પહેરવેશ, જીવન ઉપયોગી સમજણ, અલગ અલગ સંસ્કૃતિ વિશેની ઓળખ અને સમજ, ફરવાથી અને ચરવાથી મળે છે, જે જીવન જીવવાનું ભાથું બની જાય છે. જોઈને શીખેલી વસ્તુઓ જીવન જીવવાની કળા બનીને જીવનને જીતતા શીખવે છે. પ્રવાસ એક શિક્ષકની ગરજ સારે છે. જર્મન લેખક ગટે કહે છે, To wander is to get education. જ્ઞાનની સાથે અનુભવોનો ખજાનો મળે છે, જે જીવનમાં સૂઝશક્તિ વધારે છે. જેને કારણે ગમે તેવી ભીડ કે અગવડોમાં વ્યક્તિ રસ્તો શોધવાને સમર્થ બને છે. તેની આત્મશક્તિમાં વધારો થાય છે. સાહસવૃત્તિ વધે છે. શરીર ખડતલ બને છે.
માણસે તેની જ્ઞાનની ક્ષિતિજને વિસ્તારીને વિકસાવવી જોઈએ. સ્કાય ઈઝ ધ લિમિટ, એ સફળ વ્યક્તિઓનો જીવનમંત્ર હોય છે. ઉચ્ચ હોદ્દો ધરાવતી ઘણી વ્યક્તિઓ ડિગ્રીની સાથે ભ્રમણ કરીને મેળવેલા જ્ઞાનથી સમૃદ્ધ બન્યા હોય છે. અબ્રાહમ લિંકન, નેપોલિયન, સ્વામી વિવેકાનંદ, ગાંધીજી, નરેન્દ્ર મોદીજી તેમજ તમામ સંપ્રદાયના સંતો યાત્રા કરીને જ ધ્યેયસિદ્ધિ પ્રાપ્ત કરી શક્યા છે.
પોતાની દ્રષ્ટિને સીમિત બનાવી કૂવામાંના દેડકા જેવું જીવન જીવનાર વ્યક્તિને બહારની દુનિયાનો ખ્યાલ હોતો નથી. તેમનું માનસ સંકુચિત બની જાય છે. બાંધ્યો ભૂખે મરે જેવી તેમની દશા હોય છે. જો કે આજકાલ સૉશિયલ મીડિયા પરથી લોકો ધારે તેટલું અને તેવું જ્ઞાન મેળવી શકે છે. સવારના ઉઠતાની સાથે વોટ્સએપ અને ફેસબુક પર માણસ ફરતો અને ચરતો થઇ ગયો છે. પરંતુ આ ચરવું સકારાત્મક અને ઉપયોગી હોવું જરૂરી છે. આજકાલ અજ્ઞાનતા થકી નકારાત્મકતા ભેગી કરીને ફરીને ચરેલુ લોકો વહેંચતા હોય છે. અફવાઓ ફેલાવીને આગને હવા આપવાનું કામ  અયોગ્ય કહેવાય. આવી વ્યક્તિઓ ફરે નહીં, ચરે નહીં અને અપચો થઈને ઓકે નહીં, તે જ સમાજના હિતમાં હોય છે.
માનવ કેટલું સ્વાર્થી પ્રાણી છે! તેણે કુદરત પર, વાતાવરણ પર તેનું સામ્રાજ્ય એટલું બધું વિસ્તારીને કબજો જમાવ્યો છે કે પક્ષીઓને ચણવા કે પશુઓને ચરવા, જીવ-જંતુઓ વગેરે કે જે કુદરતી બનેલી ecosystemના ભાગરૂપ છે તેના માટે જગ્યા નથી રાખી. કુદરતમાં અસમતોલન થઈ રહ્યું છે. જેને કારણે તેમની સંખ્યા ઘટી રહી છે. અમુક જાતિનું તો નામોનિશાન મટતું જાય છે. માણસનું ફરવું અને ચરવું બીજા પશુ-પંખી કે જીવ-જંતુને દખલગીરી રૂપ તો ના જ હોવું જોઈએ.
મનુષ્ય તેની પાંચ ઇન્દ્રિયોથી ચરતો હોય છે. ઇન્દ્રિયો એટલે ગો અને ચર એટલે ચરવું. અને જે ચરતો નથી એટલે કે અગોચર છે તે આત્મા છે. એ કક્ષાએ પહોંચે તેને ફરવાની કે ચરવાની જરૂર રહેતી નથી. તે વ્યક્તિ અન્યને આશરો આપી જ્ઞાન થકી તેમના પ્રશ્નોનું સમાધાન કરે છે. બાકી માનવ માત્ર, પ્રાણી,પક્ષી કે જીવ-જંતુ, જે સજીવન છે, ચેતનવંતુ છે, તે ફરે છે માટે ચરે છે. જે બંધાયેલું છે તે તેના માલિકની મરજી મુજબ રહે છે, માટે ભૂખ્યો રહે છે.

૪૨ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

પચે તો જ બચે

પચે તો જ બચે. પછી એ જ્ઞાન હોય, અન્ન હોય, ધન હોય કે પ્રેમ! આ વાત જ્ઞાનીઓ કહી ગયાં છે, જે દરેક વ્યક્તિના જીવન માટે લાગુ પડે છે.

હમણાં સાઇરામ દવેના ડાયરામાં તેમણે કહ્યું, “આપણા કરતાં વધારે હોશિયાર, કાંકરિયાની પાળે બેઠેલાં જોવા મળશે. આ તો આપણા પર ઈશ્વરની કૃપા છે એટલે આ પદ, પ્રતિષ્ઠા મળે છે.” કેટલી સાચી વાત છે? “ઇદમ્ ન મમ”નો ભાવ રાખનાર વ્યક્તિએ જ્ઞાન, પદ-પ્રતિષ્ઠાને, હુંપણાને પચાવ્યું કહેવાય. એ જ તેના જીવનની મૂડી હોય છે. માન અપમાનને પણ પચાવતાં આવડવું જોઈએ. આ માટે સમાધિ દશામાં સ્થિત રહેતાં શીખવું જોઈએ, તેવું સંતો કહી ગયાં છે. દાદા ભગવાન કહે છે કે જ્યારે દુનિયાની અન્ય વ્યક્તિએ કરેલું માન કે અપમાન તમને અસર ના કરે ત્યારે સમજવું કે આપણે જ્ઞાનને પચાવી જાણ્યું છે. અપમાન પચાવવું અઘરું છે તેમ માનને પચાવવું પણ અઘરું છે. એમાં માન, પદ-પ્રતિષ્ઠા, હોદ્દો, અહંકારને આમંત્રણ આપે છે અને અહમ્‍ને પોષે છે, જે વ્યક્તિની આધ્યાત્મિક ઉન્નતિમાં દિવાલ ઊભી કરે છે. તેના આત્માથી તેને દૂર લઈ જાય છે. પરિણામે કંઈ બચતું નથી અને એ પતનનું કારણ બને છે. કોઝ અને ઈફેક્ટ એક સિક્કાની બે બાજુ છે. તેના માટે કોઈ નિમિત્ત બને છે. માટે માન કે અપમાનનું પરિણામ ભોગવી, પચાવીને જીવનમાં આગળ વધવાનું છે. ત્યાં અટકીને બીજા કોઝ ઉભા કરવાનાં નહીં. કડવાશને પણ મીઠાશથી પચાવતાં આવડવું જોઈએ.

પ્રતિષ્ઠાનો પણ નશો હોય છે. કોઇપણ વ્યસનનો નશો ઉતારવો સહેલો હોય છે પણ માન-પ્રતિષ્ઠાનો નશો ઉતારવા તેને પચાવવી જરૂરી બને છે. ઇદમ્ ન મમ કહીને તેને કૃષ્ણાર્પણ કરવું જ રહ્યું. એક સરસ વાત એક મિત્રે વોટ્સઅપ પર મોકલી, “ક્યારેય કોઈ વસ્તુનો ઘમંડ આવી જાય તો સ્મશાનમાં એક ચક્કર લગાવી લેવો, તમારા કરતાં પણ વધારે હોંશિયાર માણસો રાખ બનીને પડ્યાં છે!”

અન્નનાં પચવા માટે એમ કહેવાય છે કે, ના પચે તો ચૂર્ણ કે હવાબાણ હરડે લેવાય છે. અપચો થયો હોય ત્યારે નહીં પચેલો ખોરાક ઝાડા-ઊલટી દ્વારા બહાર ફેંકાય છે. પાચન થયેલો ખોરાક જ બચે છે. જેનાથી શરીરનું બંધારણ થાય છે. મન અને શરીરને સીધો સંબંધ છે, માટે તંદુરસ્ત શરીર માટે મનની તંદુરસ્તી હોવી જરૂરી છે. દ્વેષીલું, અસંતુષ્ટ કે ચિંતિત મન અન્નનું પાચન વ્યવસ્થિત નથી થવા દેતું. જેથી શરીરને યોગ્ય પોષણ મળતું નથી અને શરીર રોગોનું ઘર બને છે. અન્ન પચે તો જ શરીરને પોષણ મળે અને તંદુરસ્ત રહેવાય.

ધનને ગર્ભશ્રીમંત વ્યક્તિ જ પચાવી શકે, આ વાત વ્યક્તિની વાણી, રહેણીકરણીમાં દેખાઈ આવે છે. વ્યક્તિના ધનનો અપચો દેખાયા વગર રહેતો નથી. લક્ષ્મીને ધારણ કરવાં વિષ્ણુ જેવાં ગુણ કેળવવાં પડે. રાતોરાત કરોડપતિ બનનારને રોડપતિ થતાં વાર નથી લાગતી. લક્ષ્મીનો સ્વભાવ ચંચળ છે. જે રીતે આવી હોય તે રીતે ચાલી જાય છે. તેને યોગ્ય રીતે વાપરીને, વહેંચીને, તેનો સદ્‍માર્ગે ઉપયોગ કરવાથી લક્ષ્મી પ્રસન્ન રહે છે અને તેની કૃપાનું ફળ મળે છે.

પ્રેમની ભૂખ માનવમાત્રને મરણપર્યંત રહેતી હોય છે. વિશ્વનું સૌથી મોટામાં મોટું ટોનિક પ્રેમ છે. જેને સતત પ્રેમ મળતો રહે છે તે ક્યારેય વૃદ્ધ થતો નથી. પ્રેમ મળે તો વ્યક્તિ સૂકો રોટલો ખાઈને પણ સુખપૂર્વક જીવન જીવી શકે છે. પણ બત્રીસ પકવાન વચ્ચે પણ પ્રેમ ના મળે તે વ્યક્તિ મુરઝાઈ જાય છે. પ્રેમ વગર જીવનમાં વેક્યુમ ઊભું થાય છે. પણ અતિશય પ્રેમ પચાવવો અઘરો છે. પ્રેમનો અતિરેક ક્યારેક બંધન પણ બની જાય છે. જે માણસને ગૂંગળાવે છે. જે પ્રેમને પચાવે છે તે જીવન જીવી જાણે છે.

સુખને પચાવવું અઘરું છે. દુઃખને પચાવવા માણસને આધ્યાત્મિકતા તરફ વળવું પડે છે. દુઃખના ઘૂંટડા ગળવા વ્યક્તિએ શિવત્વ ધારણ કરવું પડે છે. જેને કારણે તે અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં જળકમળવત્ રહીને સંસારસુખ માણી શકે છે. આ તમામ જ્ઞાન માટે ખુદને જાણવું જરૂરી બને છે, કે “હું કોણ છું?” આ તમામ જ્ઞાન ત્યારે જ પચે જ્યારે વિદ્યા સાથે વિનય અને વિવેક હોય. જ્ઞાન ભંડાર છે અને વિવેક તેની ચાવી છે. જ્ઞાન પચે નહીં તો ગર્વનું રૂપ લે છે. પરિણામે પતન નિશ્ચિત બને છે .આત્મજ્ઞાન વગર આ તમામ ચીજોનું પચવું મુશ્કેલ હોય છે કારણ કે “પચે તો જ બચે.”

૪૧ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

ચણાના ઝાડ પર ચઢાવવું

ચણાનું ઝાડ હોતું નથી, તેનો છોડ હોય છે. આ વાત કાલ્પનિક કહેવાય. તો પછી આવી કહેવત કેમ? તેના માટે તેનો અર્થ સમજવો પડે. ચણાના ઝાડ પર ચઢાવવું એટલે લાયકાત વગરના માણસના ખોટા વખાણ, ખોટી પ્રશંસા કરવી, ખુશામત કરવી. ચણાના ઝાડ પર ચઢવાની વાત સૂચવે છે કે ખોટી પ્રશંસા એક એવી સીડી છે કે જે ઉપર ચઢાવે છે પણ લિફ્ટની જેમ સડસડાટ નીચે ઉતારે છે.

કેટલાંક લોકોને તેમને કોઈ તેમની પ્રશંસા કરે એ ગમે છે. હમણાં જ ફેસબુક પર એક યુવાન મિત્રએ લખ્યું, મારામાં રહેલાં ગુણો લખો. માત્ર લાઈક ના કરતાં. આ શું સૂચવે છેશું વ્યક્તિએ બીજાએ કરેલી પ્રશંસાથી ખુશ થવાનું છે? જે વ્યક્તિ મિત્ર બનીને આજે પ્રશંસા કરે છે તે કાલે દુશ્મન પણ થઈ શકે. કાલે તેનો તમારા માટેનો અભિપ્રાય બદલાઈ પણ શકે! બીજાના અભિપ્રાય પર આપણે આપણી જાતને શા માટે મૂલવવી? ખોટી પ્રશંસા કરીને ચણાના ઝાડ પર ચઢાવનાર આ સમાજમાં ઘણાં છે. ખુશામત આપણને ક્યાંય લઈ જતી નથી. સર થોમસે કહેલું કે ફ્લેટરરને જગલર કે જાદુગર કહે છે. તે સત્યથી અળગો હોય છે.  અને ડાહ્યો માણસ તેનાથી મૂરખ બનતો નથી. જીવનમાં ખુશામત કરતા મિત્રોથી પણ ડરવું રહ્યું. ખુશામતખોર લાંબે ગાળે સમાજમાં પોતાનું સ્થાન ગુમાવે છે. જી હજૂરિયા, મસ્કાબાજ, ચમચાઓ આ દુનિયામાં ઘણાં છે. આ પણ એક કળા છે. પરંતુ આમાં કોણ ફાયદામંદ છે, કોને કેટલું નજીક રાખવું, તે જાણવું એ પણ એક કળા છે.

કેટલાંક લોકો એવા પણ હોય છે કે જે માનતા હોય છે કે, મરી જઈશ પણ કોઈની ચાપલૂસી તો નહીં જ કરું. શું આને જીવન જીવવાનો પ્રેક્ટીકલ વે કહેવાય? રીડગુજરાતી બ્લોગ પર એક વાત વાંચવામાં આવી. ગ્રીસનો મહાન ફિલોસોફર ડાયોજીનસ પોતાની સ્વતંત્ર મસ્તીમાં જીવનારો હતો. ચાપલૂસી કરીને રાજાનું માનપાન અને શ્રીમંતાઈને વરેલો તેનો એક મિત્ર વહેલી સવારે ડાયોજીનસને મળવા નીકળી પડ્યો. ઘોડા પર સવાર મિત્ર જ્યારે ડાયોજીનસના ઘેર પહોંચ્યો ત્યારે તે સુકું અનાજ ખાંડી રહ્યો હતો. તેની દરિદ્રતા જોઈને તેના મિત્રે કહ્યું કે માણસમાં જો થોડી પણ ખુશામત કરવાની આવડત હોય તો આમ સૂકું અનાજ ફાકવાનો સમય ન આવે. પોતાની ધૂનમાં પ્રવૃત્ત ડયોજીનસે માર્મિક જવાબ આપ્યો, “સૂકું અનાજ ખાઈને પણ જો જીવી શકાતું હોય તો ખુશામતની કોઈ જરૂરિયાત રહેતી નથી .”

જો કે સમાજમાં એવી ઘણી વ્યક્તિઓ છે કે જે હું સાચો છુંની ખોટી માન્યતાનો આંચળો ઓઢી, વિદ્રોહી સ્વભાવ ધરાવનારા અને સૂકું અનાજ ખાઈને પણ જીવન જીવતા જોવા મળે છે. નીજી હઠને કારણે પોતે પછડાય છે અને લાગતા-વળગતાને પણ તેની સજા ભોગવવી પડે છે. છેવટે તેમનો પડછાયો પણ તેમનો સાથ છોડી દે છે. સબળ કારણ વગર કોઈ વ્યક્તિનું હજુરીયાપણું કરવાની જરૂર નહીં, પણ જો ખુદાને પણ ખુશામત પ્યારી હોય તો, જરૂરી અને યોગ્ય વ્યક્તિની પ્રશંસા તો કરવી જ રહી.

કાગડાની એક બાળવાર્તા કેટલું કહી જાય છે. કાગડાનું મોંઢામાં પૂરી લઈ ઝાડ પર બેસવું, લુચ્ચા શિયાળનું કાગડાના કંઠનું વખાણ કરવું, કાગડાનું ફૂલાઈ જવું, કાગડાનું ગાવું, મોઢામાંથી પૂરી નીચે પડી જવી, અંતે શિયાળનું પૂરી ખાઈ જવું! આ વાર્તા આજે પણ ઠેરઠેર જોવા મળે છે. પરંતુ ટેકનીકલ યુગમાં યુવાન કાગડાને ખબર છે કે ગાતી વખતે પૂરી પગ નીચે દબાવીને મોં  ખોલવાનું. શિયાળ ચઢાવે તેમ ચણાના ઝાડ પર ચઢવાની તૈયારી તેની નથી હોતી. છતાંય માણસ છે ત્યાં દુર્જન છે. તે તેની તરકીબો કરે રાખશે. ક્યાં કેટલું બચવું તે તેને નક્કી કરવાનું છે, જે આજનો યુવાન શીખી ગયો છે!