મિત્રો
દાવડા સાહેબ સંબધ ની વાત લઈને આવ્યા છે.તો ખાસ જાણવાનું કે સાચવવા પડે તે સંબંધ નહિ.સચવાય તે સંબંધ નહિ.સંબંધ નવા નામ નવા સ્વરૂપ જરૂર આવે પરંતુ તે સો ટચના સોનાં જેવા જ હોય છે.એકદમ કુદરતી અને સહજ નામ અને ઓળખ વગરના… ..કયારેક સંજોગો વિચારો, સમય અને આપણા જીવનમાં જેમ પરિવર્તન આવે તેમ સંબંધ પર અસર જરૂર થાય છે અને મેળવવાની ખેચ તાણમાં કયારેક તૂટે છે કારણ પામવાનું ભૂલી મેળવવામાં પડીએ છીએ.સંબંધોમાં અળગા થવું સહેલું નથી, આપણી અપેક્ષા જ આપણને દુઃખી કરે છે અને અપેક્ષા વિનાના સંબંધો કયારેય તૂટતા નથી.
સંબંધોના છપ્પા
“દાવડા”સામાજમાં ફેરફારો થયા, સંબંધ થૈ ગ્યા તદ્દ્ન નવા,
સ્ટેપ થઈ ગયા મા ને બાપ, અર્ધા ભાઈ બહેન આપો આપ,
રોજે રોજ સંબંધ બદલાય, મૂળ સંબંધમાં લાગી લાય.
કાકા મામા અંકલ થયા, મામી માસી આંટીમાં ગયા,
કઝીન થઈ ગયા સૌ પિતરાઈ, ભલે રહી હોય કોઈ સગાઈ,
દાવડા સંબંધોની ચોખવટ, લાગે સૌને ફાલતુ ઝંઝટ .
દાવડા સંબંધનું બદલ્યું માપ, સંબંધ થાતાં આપો આપ,
અર્ધા ભાઈ ને અર્ધી બહેન, હવે નથી એ મારો વહેમ,
બબ્બે મા ને બબ્બે બાપ, સ્ટેપ કહી દયો, થઈ ગઈ વાત.
સંબંધની વ્યાખ્યા બદલાઈ, નથી જરૂરી કોઈ સગાઈ,
સંબંધો સગવડિયા થયા, નફા તોટાના હિસાબે રહ્યા,
સંબંધોની ન રહી કોઈ જાત, નાત જાતને દીધી માત.
ક્યાં ગઈ સાત જનમની વાત? સંબંધ બદલે રાતો રાત,
દાવડા સરકારી કાયદો ફરે, પાંચ વર્ષનો કરાર જે કરે,
ઇન્કમ ટેક્ષમા છૂટ અપાય, જેથી થોડા સંબંધ સચવાય.
-પી. કે. દાવડા
.
Monthly Archives: November 2013
ભાષા શુધ્ધિ
મિત્રો ચાલો થોડું વિચારીએ। …..આજે એક એવો વિષય લઈને દાવડા સાહેબ આવ્યા છે કે જે આપણને વિચાર કરતા કરે ,મિત્રો આ વાંચી જરૂર થી તમારા અભિપ્રાય લખશો .
ભાષા શુધ્ધિ
આજથી આસરે ૪૦૦ વર્ષ પહેલા અખા ભગતે કહેલું,
“ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે શૂર;
સંસ્કૃત બોલે તે શું થયું, કાંઇ પ્રાકૃતમાંથી નાસી ગયું; “
પણ ત્યાર બાદ દલપત-નર્મદ યુગમાં અખાની વાતને નામંજૂર કરીને કહેવાયું,
“પિંગલ પાઠ પઢ્યા વિના, કાવ્ય કરે કવિ કોય;
ને વ્યાકરણ વિણ વાણી વદે, વાણી નિમળ ન હોય.”
હવે આજની વાત કરીએ. આજે બ્લોગ્સમાં રોજે રોજ ઢગલાબંધ કવિતાઓ ઠલવાય છે,એમાની કેટલી કવિતાઓ છંદમા લખેલી હોય છે? આજના કવિઓમાંથી કેટલાને પિંગળની જાણકારી છે? અને છતાંય એ કવિતાઓ વંચાય છે અને એના વખાણ પણ થાય છે. છંદમાં કવિતા લખવાનું અધરૂં છે માટે ધીમે ધીમે છંદનો ઉપયોગ ઓછો થઈ ગયો. વ્યાકરણ અને જોડણી પણ એ જ રસ્તે જઈ રહ્યા છે.
આજથી ૪૦-૫૦ વર્ષ પહેલા શાળામાં વિષય ઓછા હતા અને સોમથી શુક્ર, ૧૧ થી ૫ ની અને શનિવારે ૮ થી ૧૧ ની શાળા હતી. અઠાવાડિયામા છ દિવસ ૪૫ મીનિટનો ભાષાનો પિરીયડ રહેતો. ત્યારે ભાષા ઉપર જેટલું ધ્યાન અપાતું એટલું ધ્યાન આપવું આજે શક્ય નથી. આજે શાળામાં કોમપ્યુટર શીખવવામાં આવે છે, વિજ્ઞાનના અને ગણિતના વિષયોનું સ્તર ઘણું ઉપર ગયું છે. ગુજરાતી સિવાય એક રાજ્યની ભાષા,રાષ્ટ્રભાષા અને અંગ્રેજી ભાષા શીખવવામાં આવે છે. બાળક કેટલી ભાષાઓ સારી રીતે શીખી શકે? આમ પાયો જ નબળો પડવા લાગ્યો છે.
મુંબઈ જેવા શહેરની તો પોતાની જ ભાષા છે, જેને લોકો બંબઈયા ભાષાના નામે ઓળખે છે. લોકો અંગ્રેજીની છાંટવાળી હીન્દી બોલે છે, જેને મુંબઈમાં હીંગલીસના નામે ઓળખવામાં આવે છે. ગુજરાતિ હોય કે મરાઠી, ઉત્તર ભારતીય હોય કે બંગાલી, બધા આ બંબઈયા ભાષામાં વાતો કરે છે. કહેવત છે ને કે “અન્ન તેવો ઓડકાર”. જેવું બોલે છે એવું જ લખે છે. હવે અહીં જોડણી અને વ્યાકરણની વાત કોણ સાંભળવાનું છે.
અન્ય ક્ષેત્રોમા સફળતા પામેલા હોવાથી પારસી અને વહોરાઓને આપણે ગર્વથી ગુજરાતીઓ તરીકે ઓળખાવીએ છીએ. એમનું ગુજરાતી અને સામાન્ય રીતે લખાતું બોલાતું ગુજરાતી ઘણું અલગ છે. સુરતને પોતાની જ એક આગવી બોલી છે જે લખાણોમાં પ્રદર્શિત થાય છે.
કોમપ્યુટર વાપરનારા વર્ગ પાસે સમયની તંગી છે, તેઓ સ્ક્રીનપર જે દેખાય એના ઉપર એક અછડતી નજર કરી (બ્રાઉઝ કરી) વસ્તુસ્થિતીનો તાગ મેળવી લે છે. હ્સ્વ-દિર્ઘ કે અનુસ્વાર તો એમના ધ્યાનમાં જ નથી આવતા. અંગ્રેજીના શબ્દો તો એમણે રીતસરના ટુંકાવી દીધા છે અને એનો છેલ્લા દસેક વર્ષથી તો સામાન્ય વપરાસમાં સમાવેશ થઈ ગયો છે.
ગાંધીજીએ જોડણીની હિમાયત કરી હતી એ સમય બીજો હતો, આજે સોનિયા ગાંધીનું હિન્દી આપણે સાંભળી લઈએ છીએ. ગાંધીજીએ તો બીજું પણ ઘણું બધું કહ્યું હતું, આજે કોને યાદ છે?
આવા સમયે ભાષાની શુધ્ધતા, જોડણી, વ્યાકરણ વગેરેની વાતો હારેલી લડાઈ લડવાનું ચાલુ રાખવા જેવી વાત છે. નરસિંહ મહેતાએ કહ્યું છે કે “આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવ સરે, તે તણો ખરખરો ફોક કરવો.”
જે હજી શુધ્ધ ભાષામાં લખી શકે છે એમને આપણે જરૂર માન આપીએ, પણ જેવો માટે આ શક્ય નથી તેમને અપમાનિત ન કરીએ. ઓછામાં ઓછું હસ્વ-દીર્ઘ અને અનુસ્વારની ભૂલો તો ક્ષમ્ય ગણી તેમના લખાણની ગુણવત્તા ઉપર ધ્યાન આપીએ તો સમાજનું ભલું થશે.
-પી. કે. દાવડા
વાત માત્ર આપણી નથી, વાત આપણી ભવિષ્યની પેઢીની છે. સંસ્કૃતમાંથી પ્રાકૃત, પ્રાકૃતમાંથી તળપદું ગુજરાતિ, તળપદામાંથી શુધ્ધ ગુજરાતિ, આટ આટલા બદલાવમાંથી પસાર થયા બાદ હવે શું? કદાચ નિર્ણય ભવિષ્યની પ્રજા જ કરશે !
સ્ત્રી – તેનાં અસ્તિત્વની શોધમાં …
મિત્રો
સ્ત્રી – તેનાં અસ્તિત્વની શોધમાં …..
આજથી ૫ વર્ષ પહેલાં સોમવારની સવારે વૃંદાવન સોસાયટીના મહાદેવમાં ચંપાબેન મળી ગયાં. ત્યારે તેમની ઉંમર ૬૫ વર્ષની હતી. મને કહે, “બહેન મેં સાંભળ્યું છે કે તમને બહુ બધાની જિંદગી વાંચવાનો અનુભવ છે. મારે પણ તમને કંઇક કહેવું છે.” આમ તો ઘણાં વર્ષોથી મહાદેવમાં અવારનવાર મળતાં. ક્યારેક સ્મિત તો ક્યારેક વેદના એમનાં ચહેરા પર જોવા મળતી અને મને પણ તેમનાં જીવનમાં ડોકિયું કરવાનો સળવળાટ જાગતો. આજે મને મળતી એ તક હું કેવી રીતે જવા દઉં? મેં કહ્યું, આજની બપોર તમારી સાથે.
અને હું પહોંચી ગઇ તેમનાં ઘરે ….. તેમની આંખોમાં મારા માટેની પ્રતિક્ષા હતી. મને કહે, બહેન, હવે તો મારી આંખોનાં આંસુ પણ સૂકાઇ ગયાં છે. હું થાકી ગઇ છું. મેં થોડું આશ્વાસન આપ્યું. અને, તેઓ જાણે ભૂતકાળમાં સરી પડ્યા.
બહેન, મારી જિંદગી એક બાળકી, દીકરી, બહેન, ભાભી, નણંદ, પ્રેયસી, પત્નિ, માતા, દાદીમા ….. કેટ કેટલાં સંબંધોનાં જાળામાં, એક રસ્તે રઝળતી વાર્તા બની ગઈ છે.
મારી મા પુષ્પાબેન, તેમની કોખે બાળકી અવતરી નામે ચંપા. દિકરો હોત તો પેંડા વહેચાત પરંતુ બાળકી સ્વરૂપે મને કમને સ્વીકારી – સમાજે, કુટુંબે …… અને મારો ઉછેર શરૂ થયો. તેમાં પણ સરખામણી મારા મોટા ભાઇ રમેશ સાથે. રમેશ કંઇ પણ કરી શકે. કોઇ રોકટોક નહીં કારણ કે એ દિકરો હતો, જ્યારે હું દિકરી. અમુક રીતે બેસવું, ઉઠવું, ચલાવી લેતા શીખવું જોઇએ. કારણ? તેને પરણીને સાસરે જવાનું છે.
પિતાના આંગણે ઉછરતી, પાંગરતી, એવી હું જ્યારે યુવાનીમાં પ્રવેશી ત્યારે મારા હૈયામાં ઢબુરાયેલો છાનો અસંતોષ, એ પારકાપણાંની ભાવના આકૃતિ લે છે ….. યુવાનીનાં ઉમરે સોણલામાં રાચતી એવી આ ચંપાએ તેનું ઘર અને પતિનાં સ્વપ્ના જોવાનાં શરૂ કર્યા.
અને બહેન, જિંદગીનાં જંગલમાં અથડાય છે એક પ્રેમી નામે રમણલાલ. હું શું કહું બહેન, મને લાગ્યું કે મને મારી મંઝિલ મળી ગઇ. તેની સાથેનુ એ મિલન અદ્ભૂત, અકલ્પ્ય હતું. પગમાં કાંટો વાગે તો પ્રેમી પગ હાથમાં લઇ, સાચવીને કાંટો કાઢી લઇને પગ ચૂમી લે, અને એ દુઃખ ગાયબ થઇ જાય. પ્રેમમાં કેટલી તાકાત હોય છે? હું તે વખતે સુખનાં સર્વોત્તમ શિખર પર સ્વપ્નામાં રાચતી. ખરેખર બહેન, દુનિયાના તમામ સંબંધોની વ્યાખ્યાઓ તે સમયે મને નામશેષ લાગી. હું કેટલી ભોળી? મને હાશ થઇ અને મારું નસીબ કે એ પ્રેમી સાથે લગ્ન થયા ….. અને હું પ્રેયસીમાંથી પત્નિ બની.
ક્યારેક એમ કહેવાય છે કે લગ્ન એટલે પ્રેમનું પૂર્ણવિરામ અને પતિના અધિકારની ભાવનાની શરૂઆત. સપ્તપદીનાં ફેરામાં બન્ને પક્ષે કંઇક વચનોની આપલે થઇ. પરંતુ મને બિચારીને ખબર ન હતી કે તે વેદીમાં મંત્રોચ્ચાર વખતે ઘી હોમાય છે અને બોલાતાં વચનોનો તે સમયે જ ધૂમાડો થતો જાય છે. હું મારા પતિ અને તેના કુટુંબ સાથે બંધાઇ ગઇ. અને મારા ગૃહપ્રવેશ પછી કંઇ કેટલાંય સંબંધોના સ્વરૂપોથી મને આવકારી. આતો છે માત્ર સ્ત્રીના નસીબમાં મેળવવાનું – અને મારા જીવનમાં શરૂ થઇ જાય છે જવાબદારીઓની ઘટમાળ …..
હનીમુનની રાત્રિએ કંઇક વચનોની આપલે થાય છે. કલાકો, દિવસો, મહિનાઓ પસાર થાય છે. પિયરમાં જે નથી મળ્યું તે મેળવવા અને તેનાથી અનેકગણું ન્યોચ્છાવર કરવાનાં સ્વપ્ના સાથે આવેલી આ ચંપા, આ નવવધુ, પાછી શરૂ થઇ જાય છે સોણલા જોવા …..
હવે આ મારું ઘર છે, મારો વર છે, બધુંજ મારું છે. હવે હું મારું ધાર્યુ કરી શકીશ. બધાને પ્રેમ કરીશ. અને બધા મને પ્રેમ કરશે. એ ભ્રમણાનાં વમળમાં અટવાઇ જાય છે. સમય સરતો જાય છે. જીવનની આ ભાગદોડમાં ક્યારેક પતિ કહે છે આ મારું ઘર છે, હું જે કહીશ તે થશે. આ મારા પૈસા છે, તું કમાવા નથી જતી, તારા બાપાએ બાંધી આપ્યા નથી. સાસુ – સસરા, જેઠ – જેઠાણી, દિયર – દેરાણી, નણંદ – નણદોઇ અને ભત્રીજા – ભાણેજા ….. આ બધાં સંબંધોમાં ફંગોળાતી, ક્યાંક કોઇ મારું લાગે ત્યાં હારી, થાકીને વિસામો લેતી, અને રાત્રે પાછી પતિની સોડમાં હાશ અનુભવતી, નવા દિવસની સવારે તાજી-માજી થઇને મારી ફરજોમાં ફંગોળાતી હું, તમને બહેન પૂછી રહી છું કે આમાં મારું સ્થાન ક્યાં છે? મારું અસ્તિત્વ ક્યાં છે? અને ચંપાબેન ફીક્કા હાસ્ય અને સંતોષની લાગણી સાથે પાણીનો ઘૂંટડો ગળે છે અને ખોવાઇ જાય છે પાછા તેમના અતીતમાં …..
મારા જીવનમાં એક વળાંક આવે છે. મારી કોખે ગર્ભ આકાર લે છે. મારા રોમરોમમાં એક નવી ચમક ફૂટે છે. એ નવ મહીના મારી જિંદગીના સર્વોત્તમ હતાં કારણકે મારું બાળક, મારા પતિ અને આખું કુટુંબ મારી સાથે હતું. અને ….. એ નવ મહિના ગર્ભાધાન અને પછી પ્રસૂતિની પીડા સહન કરી મેં એક સુંદર પુત્રને જન્મ આપ્યો. ઘરમાં બધાંનો વ્યવહાર મારા માટે બદલાયો. કારણકે મારા ઘર માટે હું વંશવેલો વધારવાનું સાધન બની ગઇ હતી. અને હું પણ બધાંનો દુર્વ્યવહાર ભૂલી જતી. એ તો ભગવાને મને ભૂલવાની બક્ષિસ આપી હતી.
પાછાં સ્વપ્નાની વણઝાર શરૂ ….. ભલે મારું કોઇ નથી, મારો પતિ પણ પહેલાં તેના કુટુંબનો , તેના મા-બાપનો છે. પણ મારો દિકરો હરેશ તો મારો જ છે ને? તેને ભણાવી – ગણાવી, સારા સંસ્કાર આપીને મોટો માણસ બનાવીશ અને મને હાશ થશે ….. એ દિવસની રાહ જોઇને આ ચંપા તડકા-છાંયડા, વાદળ-વંટોળ, ખાડા-ટેકરામાં અથડાતી, કૂટાતી, તેની જુવાનીને કુટુંબ પાછળ સમર્પિત કરીને, તેની ભાવનાઓને હોમી દઇને, સમયનાં વહેણના આવેગમાં ધસડાય છે.
હું થાકી ગઇતી બહેન, પણ મને માત્ર આશા હતી મારા દિકરાની અને હરેશ મોટો થાય છે. ભણીને સ્થિર થાય છે, ત્યારે તેનાં લગ્નની વાત ચાલે છે. મને હતું કે એવી વહુ લાવીશ કે જે મને હુંફ આપશે. પરંતુ બહેન, આ કંઇ થોડું કોઇના કપાળ પર લખેલું હોય છે? અને વાજા વાગે છે …..
દીકરાની સાથે રહીએ છીએ. કંઇક આશાઓ બંધાય છે પરંતુ દીકરો પણ તેની પત્નિ હિરલ, જે તેના મા-બાપના ઘરેથી આવી છે તેને સાચવવા માને હડધૂત કરે છે. મા જૂના વિચારોની છે. તે તેનું મન, વિચારો બદલી નથી શકતી. અને શરુ થાય છે સંઘર્ષ ….. આ મારું ઘર છે, ફાવે તો રહો નહીં તો જાઓ “ ઘરડા-ઘર “ માં. આ આઘાત મારા માટે અસહ્ય હતો. વર્ષો જાય છે. હવે તો મારા માટે કોઇ રસ્તો જ નહતો. પત્નિ અને માનું મ્હોરું પહેરીને હું હંમેશા ફંગોળાતી. કોઇ મને સમજવા તૈયાર ન હતું. રમણલાલ સાથે નિરાંતની પળોમાં હું ક્યારેક બનતી ઘટનાઓની આપ-લે કરીને વિસામો લેતી. હવે તો એ માત્ર એકજ મારા ઘડપણનાં વડલાનો વિસામો હતાં. બન્ને એક બીજાને હુંફ આપી ને દાં’ડા કાઢતા. એવામાં એમને વિચાર આવ્યો, ચાલને આપણે જાત્રાએ જઇએ. ઇશ્વરનાં સાનિધ્યમાં જીવને હાશ થશે – અને જાત્રાએ જવાનું નક્કી કર્યુ. વહુને હાશ થઇ.
જાત્રાએથી પાછા આવીને જોયું તો ઘરમાં બધું બદલાઇ ગયું હતું. મારી અને એમની તસ્વીર જે દિવાનખાનામાં લટકાવેલી તે ઉતારી લીધી હતી. આમ પુત્રે પહેલાં દિલમાંથી અને પછી દિવાલો ઉપરથી મા-બાપને જાકારો આપ્યો. અહીં રહેવું હોય તો અમારી પધ્ધતિથી, અમે કહીએ તેમ અને અમને ગમે તેવી રીતે તમારે રહેવું પડશે ….. મેં મારા દિકરાને જન્મ આપ્યો, દિકરો માને શિખવાડે છે કે મારે કેવી રીતે રહેવું, ખાવું, ઉઠવું, બેસવું ….. મારું હ્રદય નંદવાય છે ….. ચિત્કાર કરી ઉઠે છે ….. વલોવાય છે. શું મારું, મારું કોઇ નથી?
હે ભગવાન, હું એટલી બધી ખરાબ છું કે તને પણ મારી જરૂર નથી? તો મને પેદાજ શા માટે કરી? મને શા માટે કોઇ પણ જેવી છું તેવી સ્વીકારવા માટે તૈયાર નથી? શા માટે? આનો જવાબ છે કોઇની પાસે? બહેન, કોઇ સમજી શકશે મને? કે જે તેના અસ્તિત્તવની શોધમાં અહીં તહીં ઘડીયાળના લોલક્ની જેમ, સંબંધોનાં ગૂંચવાળામાં ગૂંચવાતી, પોતાનાંજ અસ્તિત્વને સમજી નથી શકતી, તેને કોણ સમજશે?
મને પણ થયું, “हाय! अबला नारी तेरी यही कहनी, होठोंपे मुसकान, आंखोमें पानी.” અને હું ઘરે આવી …..
બીજા દિવસની સવારે ચંપાબેનની પડોશનો છોકરો દોડતો મને બોલાવવા આવ્યો. હું તેમના ઘરે ગઇ. જોયુ તો ….. ચંપાબેન પ્રભુપ્યારા થઇ ગયા હતા.છેવટે ચંપાબેનની પ્રાર્થના પ્રભુએ સાંભળી ખરી. તેમના ચહેરા પર ચિર શાંતિ મેં મહેસુસ કરી. ઘરમાં રૂદનનું વાતવરણ હતુ – સ્વાભાવિક છે. તેમની પુત્રવધૂ હિરલે મને એક પત્ર આપ્યો અને કહ્યું, “રાત્રે માની તબિયત અચાનક બગડી. ઉપરાઉપરી બે એટેક આવ્યા તે પહેલાં આ પત્ર મને તમને આપવા માટે કહ્યું હતું અને પછી તરતજ તેમની આંખો બંધ થઇ ગઇ.”
મેં તેજ વખતે પત્ર વાંચ્યો. તેમા લખ્યુ હતુ, બહેન, મારી માએ મને શિખમણ આપી હતી, “भोज्येषु माता, कार्येषु मंत्री, शयेनेषु रंभा બનીને સાસરીમાં રહેજે. હવે તો તારુ સાસરુજ તારુ અંતિમધામ છે. જ્યાં ડોલી જાય છે ત્યાંથી અર્થી નિકળવી જોઇએ. ઘેર આવે તો તારા વર સાથે આવજે અને પિયરમાં મહેમાનની જેમ રહેજે.” બહેન, મેં મારી માની શિખમણ માની. હવે હું થોડા સમયની મહેમાન છું. મારા પ્રાણ આ ખોળીયું છોડીને ઉડી જશે. અને મારા પતિ જીવે છે માટે આ સુહાગણને સજાવી – શણગારીને સ્મશાનમાં લઇ જશે – અગ્નિદાહ આપવા. બળી જશે આ શબ, ચિતા અને અનેક ચિંતાઓનાં રાફડામાંથી મુક્ત થઇને આખરે રાખ બનીને હાશ અનુભવશે, સ્મશાનમાં …… બહેન, મેં તમને મારી આપવીતી કહીને દુઃખી કર્યા. પણ મારી વાર્તા વાંચીને ઘણી બહેનોને સાંત્વન મળશે ….. કે ભારતીય આર્ય સ્ત્રી આજ હોઇ શકે – અને સાચું કહું બહેન, આજે મને મારું જીવન જીવ્યાનો સંતોષ છે. મેં મારા તમામ સંબંધોનું જતન, પાલન, પોષણ અને સિંચન તન, મન અને ધનથી, મારી તમામ લાગણીઓને પોષીને કર્યુ છે. ફળ ના મળે તેમાં અન્યને હું દોષિત ગણતી નથી. એ તો મારા કર્મનો વાંક છે. હું તમામને માફ કરું છું બહેન, તમે પણ મને માફ કરજો. નમઃ શિવાય.
અને હું મારી આંખોમાં આંસુઓને રોકી ના શકી. મારું મન તેમને નતમસ્તક પ્રણામ કરી રહ્યું. આ ચંપાબેનની કહાણી મને હચમચાવી ગઇ. ઇશ્વર તેમના આત્માને શાંતિ આપે.
== કલ્પના રઘુ ==
એન આર જી ને રહેવું બંધન માં
—
“આ છે મારું અમદાવાદ” …………
૨ વર્ષ અમેરીકા રહ્યા બાદ ૨૦ દિવસની અમદાવાદની મારી ટૂંકી મુલાકાતમાં મને અમદાવાદ કેવું લાગ્યું? તે અંગે મારા અનુભવો મેં રજુ કર્યા છે.
“આ છે મારું અમદાવાદ”
આજના અમદાવાદની સૂરત બદલાઇ છે,
સૂરત સાથે મૂરત પણ બદલાઇ છે,
કહે છે, અમદાવાદ મેટ્રોસીટી બનવા જઇ રહ્યુ છે.
ભડ નરેન્દ્ર મોદીના રાજમાં ફ્લાયઓવરની છે કમાલ,
બી. આર. ટી. એસ.ની સવારીમાં આમ જનતાને છે નિરાંત,
કાંકરીયા તળાવ અને સાબરમતી રીવરફ્ર્ન્ટ જોઇને સહેલાણીઓ કરે છે વાહ! વાહ!
ઉત્સવો અને તહેવારોની બદલાઇ રહી છે સીકલ, આ છે મારું અમદાવાદ.
પરંતુ — પરંતુ નથી બદલાઇ અમદાવાદીની એ સવાર,
જ્યાં મસાલા ચ્હાની ચૂસકી સાથે ગરમાગરમ ફાફડા ચટણી અને જલેબી ખવાય છે,
નથી બદલાયો મંદિરનો એ ઘંટારવ અને આધ્યાત્મિક દોટ,
વહેલી સવારે મોર્નિગ વોક અને કસરત માટે બગીચા ઉભરાય છે,
રંગીન કપડામાં રંગીન મીજાજી અમદાવાદી ઘુમે છે,
ભારતની પચરંગી પ્રજા અમદાવાદમાં સમાય છે, આ છે મારું અમદાવાદ.
અહીં વૈભવી ઇમારતોની ઝાકમઝાળ છે, પણ રાહી ભટકી જાય છે.
માનવ ભાગદોડમાં ભટકાય છે, કોલાહલમાં અથડાય છે.
દિન-રાત ચોરાહે પર ટ્રાફીકજામ દેખાય છે,
સમીસાંજે વાહનોનું કિડિયારૂ ઉભરાય છે,મારામારી ગાળાગાળી હંમેશ જોવા મળે છે,
ચોરી-લૂટ, ખૂન ખરાબાથી ન્યૂઝપેપર ઉભરાય છે,
ક્લબો, હાઇવે, હોટલો, હોસ્પીટલો હકડેઠઠ ઉભરાય છે,
પ્રદુષણનો વરસાદ વરસાવી કુદરત પણ બદલાઇ છે,
સિમેન્ટનાં આ વન-વગડામાં શ્વાસ પણ રૂંધાય છે,
ત્રિસંધ્યા સમયે સ્નાન કરો, તો પણ મેલા થવાય છે, આ છે મારું અમદાવાદ.
પગારધોરણ અને મોંઘવારીની હૂંસાતૂંસીમાં માનવમોલ હારી જાય છે,
મોંઘવારીના ખપ્પરમાં કંઇક ગરીબ હોમાય છે,
મધ્યમવર્ગીય માનવીના બે છેડા માંડ ભેગા થાય છે,
અમીરો પણ મોંઘવારીની જ્વાળામાં લપટાય છે,
આમ સળગતી મોંઘવારીમાં ભડકે બળે છે અમદાવાદ, આ છે મારું અમદાવાદ.
આ જીવન-ચક્કીની ભીંસમાં કંઇક સંબંધો, કંઇક જીવન ભીંસાય છે, ચગદાય છે, મરણને શરણ થાય છે.
ક્યાં છે સમય કોઇની પાસે?
પ્રેમની પરિભાષા પણ બદલાય છે.
નિતનવા ઘરડાઘર ખૂલી રહ્યા છે,
આ છે ઘરેણાં મેટ્રોસીટીના, આ છે મારું અમદાવાદ.
ક્યાં જઇને આ અટકશે?… કોઇ કહેશે?…
હા…આ જીવનચક્ર જરૂર બદલાશે…
ચક્રને બદલાવું જ રહ્યું…
જેમ રાત પછી દિવસ, સંધ્યા પછી પ્રભાત…
એક નવા પ્રભાતની મીટ માંડીને ઉભો છે અમદાવાદી…
ભારતની આ તપોભૂમિને યોગીઓનાં ફળશે આશીર્વાદ…
અંતે તો કહીશ હું અમે અમદાવાદી… અમે અમદાવાદી.
આ છે મારું અમદાવાદ.
કલ્પના રઘુ
મંગલમય નવા વરસ ની શુભકામના.
આપણો સાથ આમ જ રહે અને તમે કાયમ હસતા રહો તેવી હાથ જોડી પ્રભુ ને પ્રાર્થના…
સુખનું તોરણ ઝૂલતું રહે,
દિવાળીની મંગળકામના અને નવા વર્ષના અભિનંદ
દિવાળીની મંગળકામના અને નવા વર્ષના અભિનંદ
નદિવાળી એટલે દીવડાનો તહેવાર ,ઉજાળવાનો ઉત્સવ અને ભક્તિ પૂજા અર્ચના દ્વારા આત્માની જ્યોત પ્રગટવાનો ઉત્તમ અવસર
દીવડા ,મઠીયા ઘુઘરા ફટાકડાની સાથે
દિવાળી – નવું વર્ષ – નવો સંકલ્પ
પાંચ દિવસોના પાંચ તહેવારોનું ઝૂમખુ એટલેજ દિવાળી. દિવાળીનું બીજુ નામ દિપાવલી છે. દિપાવલી એટલે દિપની હારમાળા. હિન્દુ કેલેન્ડર મુજબ આસોનો અંત અને કારતકની શરૂઆત એટલે દિવાળીના દિવસો. ધનતેરસ, કાળી ચૌદશ, અમાસ એટલેકે દિવાળી, બેસતુ વર્ષ અને ભાઇબીજ. આ પાંચે દિવસની ઉજવણી પાછળની લોકવાયકા છે….
રામનો રાવણ પરનો વિજ્ય અને વનવાસ પૂરો થવો
ગાય વાછરડાની પૂજા કરવી
કૃષ્ણે ગોવર્ધન ધારણ કર્યો અને અન્નકુટ અર્પણ કરવામાં આવ્યો
વિષ્ણુએ વામન અવતાર ધરીને બલીને હરાવ્યો
પાંડવો વનવાસ અને અજ્ઞાતવાસ પૂરો કરી પાછા આવ્યા
નરકાસુરનો વધ
ધનવંતરી ભગવાનનુ સમુદ્રમંથન દ્વારા પ્રગટ થવું
ખેડુતો પાક લણીને નવા વર્ષ માટે ઇશ્વરને પ્રાર્થના કરે છે
વર્ષની શુભ શરુઆત માટે શ્રીગણેશ પૂજન
વહેપારીઓ ચોપડાપૂજન કરે છે
જ્ઞાનની અધિષ્ઠાત્રી મા સરસ્વતીનું પૂજન થાય છે
સુખ-શાંતિ-સમૃધ્ધિની દાતા મા લક્ષ્મીનું પૂજન કરીને તેનું આવાહન થાય છે
સુવર્ણ, ચાંદીની શુકન માટે ખરીદી થાય છે
યમરાજા અને યમુનાજી – ભાઇ-બહેનનો સાથે ભોજન ભેટ-સોગાદનુ ભાઇબીજનું મહત્વ
આમ ધામધૂમથી પાંચેય તહેવારો ઉજવાય છે
આ માટે હિન્દુઓ
સૂર્યોદય પહેલાં સ્નાન કરી નવા વસ્ત્ર-અલંકાર પહેરે છે
વહેલી પરોઢે સબરસના અવાજથી શેરીઓ ધમધમે છે
ઘર આંગણે સાથિયા, તોરણ, રંગોળી અને રોશની કરવામાં આવે છે
દાન-ધર્માદા કરવામાં આવે છે
મેવા-મીઠાઇથી મિત્રોને સત્કારે છે સુવાળી, મઠીયા, ઘુઘરા અને મીઠાઇ તો ખરીજ
બોણી અને ભેટ-સોગાદો અપાય છે
ફટાકડા ફોડીને અને રોશની કરીને આનંદ કરે છે
આમ આ ઉત્સવોમાં હિન્દુ ધાર્મિક સંસ્કારોનો નિચોડ જોવા મળે છે
માત્ર હિન્દુસ્તાનમાં નહીં, સમગ્ર વિશ્વમાં, માનીલો કે જ્યાં જ્યાં હિન્દુ વસે છે ત્યાં ત્યાં દિવાળી ઉજવાય છે કારણકે વિશ્વ હવે નાનું બનતુ ગયુ છે
તફાવત માત્ર એટલો છે, સમય-સંજોગો પ્રમાણે ઉજવણીનો પ્રકાર બદલાયો છે. આજનો યુવાન જુના ઢાંચામાં બંધયેલો નથી. ઘરડા કહે અને માની લે તે આજની યુવાપેઢી નથી. આ પેઢીને જોઇએ છે ઉજવણી, ધમાલ, બદલાવ અને પૂરાવા….
ઘણા દેશોમાં દિવાળીની સત્તાવાર રજા હોય છે. યુ.એસ.માં પણ દરેક શહેરમાં વસતા હિન્દુઓ ધામધુમથી દિવાળીની ઉજવણી કરે છે. ફટાકડા, રોશની, રંગોળી અને મેળાથી દિવાળી ઉજવાય છે.
જૈન ધર્મમાં મહાવીર ભગવાનને યાદ કરીને દિવાળી ઉજવાય છે
આર્ય સમાજ દયાનંદ સરસ્વતીને યાદ કરે છે.
મારવાડી લોકો પણ નવા વર્ષની ઉજવણી દિવાળીથી કરે છે.
તો મિત્રો, આજથી નવા વર્ષની શરૂઆત થઇ છે.
આવી દિવાળી, લાવી દિવડાની હારમાળા,
જ્યોતથી જ્યોત પ્રગટી, થઇ રોશનીની હારમાળા.
આજે છે બેસતુ વર્ષ, તેને બનાવી દે તુ સરસ.
ઉઠો, જાગો, થયુ પ્રભાત,
પાપણ ખોલો, છોડો પ્રમાદ.
જગતની ઘડીયાળો પોકારે આલબેલ,
હીરા-મોતી કે સોનાથી છે સમય મુલ્યવાન.
આળસુ અજગર જેમ ઉંઘમાં ના કર બરબાદ.
સ્વાર્થ,પ્રમાદ કે સંકુચિતતાને દુર કરી,
સદભાવના અને સદવૃત્તિને પ્રગટાવ.
બીત ગઇ રાત અંધેરી, અબ તો ભોર ભઇ,
ઢંઢોળ તારા આતમને, આત્મપ્રકાશ પ્રગટાવ.
કાળીચૌદશની રાત્રિએ સાધના કરી,
જપ-તપ વડે ઉજાસને પ્રગટાવ.
સત્કર્મમાં ખર્ચીશ પળપળને,
એ સંકલ્પ સાથે આંતરચક્ષુ ઉઘાડ.
મનમંદિર પર આજે ચઢશે સંકલ્પનાં કળશ,
અને દિવાળી ઝળકી ઉઠશે એ સંકલ્પબળથી,
એ રોશનીથી તારું તન મન ઝળહળશે …
જ્યોતથી જ્યોત પ્રગટશે, જગત બનશે ઉજીયારૂ …
ટૂંકમાં દિવાળી એટલે હિન્દુ કેલેન્ડર પ્રમાણે નવા વર્ષમાં પ્રવેશ
મનમંદિરનાં ખૂણેખૂણેથી કચરો સાફ કરીને એટલેકે જૂના વર્ષમાં કરેલી ભૂલો, ખરાબ અને ખોટાં કરેલાં કાર્યો ને યાદ કરીને, અજ્ઞાનતાના અંધકારને દૂર કરીને ફરી પાછા શુધ્ધતા અને નવા જ્ઞાન સાથે આવનાર ભવિષ્યની જીંદગી માટે સુસજ્જ બનવું. જીવનમાં જે પણ મળ્યું હોય તે બદલ ઇશ્વરનો આભાર માની નવા દિવ્ય ભાવિ માટે ઇશ્વરને પ્રાર્થના કરવી. અને તે માટે શ્રીગણેશ, મા લક્ષ્મી, મા સરસ્વતીની ઉપાસના કરવી. અંતરને ઉજાગર બનાવવું. જીવનની દરેક પ્રકારની કડવાશ દૂર કરીને આવનાર જીવનને મીઠાશથી ભરી દેવું
તો ચાલો આપણે સૌ ઇશ્વરને આ માટે પ્રાર્થના કરીએ.
મારl તમામ વાચકમિત્રોને નવા વર્ષની શુભેચ્છા અને નવા વર્ષનાં અભિનંદન.
———————————————————————--કલ્પના રઘુ-——————————————————–