કલાપીના કાવ્યનો આસ્વાદ- Pragnaji-પ્રજ્ઞા દાદભાવાળા-મણકો -7

 

એક ઘા

તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેફી દીધો,

છૂટ્યો તે ને અરરર! પડી ફાળ હૈયા મહીં તો!

રે રે! લાગ્યો દિલ પર અને શ્વાસ રૂંધાઇ જાતાં,

નીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થતાંમાં.

મેં પાળ્યું તે તરફડી મરે હસ્ત મ્હારા જ-થી આ,

પાણી છાંટ્યું દિલ ધડકતે તોય ઊઠી શક્યું ના;

ક્યાંથી ઊઠે? જખ્મ દિલનો ક્રૂર હસ્તે કરેલો!

ક્યાંથી ઊઠે! હ્રદય કુમળું છેક તેનું અહોહો!

આહા! કિંતુ કળ ઊતરી ને આંખ તો ઊઘડી એ,

મૃત્યુ થાશે? જીવ ઊગરશે? કોણ જાણી શકે એ?

જીવ્યું, આહા! મધુર ગમતાં ગીત ગાવા ફરીને,

આ વાડીનાં મધુર ફલને ચાખવાને ફરીને.

રે રે! કિંતુ ફરી કદી હવે પાસ મ્હારી ન આવે,

આવે તોયે ડરી ડરી અને ઇચ્છતું ઊડવાને;

રે રે! શ્રદ્ધા ગત થઇ પછી કોઇ કાળે ન આવે,

લાગ્યા ઘાને વીસરી શકવા કાંઇ સામર્થ્ય ના છે.

આ કાવ્ય વાંચતા  સૌથી પહેલી જે વાત દ્રષ્ટી ગોચર થઇ તે હતા આ શબ્દો કે ઉદગાર। ….અરરર।..રે રે !,આહા ! આ શબ્દો  આખા કાવ્યનો જાણે સાર  પ્રસ્તુત કરે છે..અરર  ચિંતા, દિલગીરી, દુઃખ, ભય વગેરે બતાવતો ઉદ્ગાર।.. બીક સાથે આશ્ચર્ય બતાવતો શબ્દ.એક નાનકડા  શબ્દોનું વજન કેટલું ?દર્દ નો અહેસાસ ,કોઈની વેદનાનો પીડાનો સ્વય અનુભવ કે પસ્તાવો ? અને  તેમ છતાં અનાયસે સહજ નીકળતા માનવીય શબ્દો। …અહી કવિ બીજા કરતા જુદા તરી આવે છે આંસુથી ન ધોવાઇ  શકે  કે ભુંસાઈ શકે તેવી વાત માત્ર આ એક શબ્દ આલેખી જાય છે…..વય્હ્વારમાં જોવા જઈએ તો કાવ્યમાં શોભનાથી પોતાને દૂર કર્યા પછી જે  વલોપાત અનુભવે છે, તે દર્દ બનીને ટપકે છે। …બીજી તરફ જોવા જઈએ તો ગાંધી, બુદ્ધ,કે  જૈન ધર્મનો ચીંધેલો અહિંસાનો માર્ગ જાણે આ કવિતા દ્રષ્ટી ગોચર કરાવે છે..કલાપીએ જીવનની  વાસ્તવિકતા સચ્ચાઈ  કે સત્ય કેટલું સચોટ રીતે પ્રગટ કર્યું છે એક વાર વિશ્વાસ ઉઠી જાય તો ફરીથી ભરોસો કરવો મુશ્કેલ છે. શોભનાને એક નિર્દોષ પક્ષી સાથેની કલ્પના અને તેની વેદનામાં પ્રેમનો અહેસાસ પ્રગટે છે તો બીજી તરફ પક્ષી તરફની મનુષ્યની વૃતિ તરફ ઉંગલી નિર્દેશ કરે છે ,સમાજ ના બંધનો ,વિચારો થકી નિર્દોષ જાણે રૂંધાઇ જાય છે એ વાત કવિએ ખુબ સરસ રીતે આલેખી છે કવિ નિર્દોષને બચાવવા એ પોતાનો ધર્મ સમજે છે

પ્રેમ ,પ્રકૃતિ અને પરમેશ્વર કવિના કવન વિષય છે  અનલહક નો દાવો કરતા આ-પ્રેમી, રાજવી …સમસ્ત માનવ-જાત અને સૃષ્ટિ ને પ્રેમ કરવાનું કહે છે માત્ર 26,,વર્ષના આયુષ્ય માં તેઓ કેટલું બધું મ્હાણી ને ગયા .જેટલો સ્નેહ એટલો સંતાપ. અને એટલો જ તીવ્ર વૈરાગ ભાવ। …..અને આપણા માટે પણ કેટલું બધું છોડતા ગયા.ફક્ત છવ્વીસ વર્ષની ઉંમરે આ દુનિયાને અલવિદા કરી જનાર લાઠી નામના નાકકડા રજવાડાના રાજા સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલને એક આખી સદી બાદ શા માટે આ દુનિયા યાદ કરે?..પ્રેમ, પ્રકૃતિ અને પ્રભુ વિશેના એમના કાવ્યો ભાવની સ્નિગ્ધ મીઠાશ અને રસાળ ચિંતનના કારણે અજર-અમર બની ગયાં છે…એમને વિચારો ગોઠવતાં આવડતું ન હતું , એમના જીવનમાં કલા નહોતી , માત્ર લાગણીઓ હતી .વહેતી ઝરણા જેવી લાગણી અને પાણી ની જેમ વહેતા શબ્દો .આપણે પણ પક્ષીઓ જોઈએ છે પરંતુ આપણ ને વિચારો કે શબ્દો કેમ સરતા નથી ?તેઓ  કોઈ પણ પંખીનો અવાજ તેઓ મોઢેથી કાઢી શકતા એ શું સૂચવે છે કે પોતાની સમ્વેદના થી પક્ષીને સમજી શકતા હતા…. તો આવી ભૂલ કેમ થઇ મારાથી ,આ પક્ષીનો મારા પરનો વિશ્વાસ પાછો કેવી રીતે આવશે ,પક્ષીની વેદના અનુભવતા સહજ નીકળી પડેલા શબ્દો એટલે અરરર। … અને શબ્દો થી રચાણી આ કવિતા। …કવિતામાં ચિત્રાત્મકતા તો જુઓ કેટલી ? વાંચતા ની સાથે  ચિંતન અને ભાવ ,પ્રણવતા બધું જ  નજરો નજર વર્તાય છે,પ્રેમના તાણાવાણા ઉકેલતા રચાયેલું કાવ્ય પ્રકૃતિના નિયમને ઉકેલી નાખે છે  કહેવાય છે કે ‘કસ્તુરી મૃગ’ની નાભીમાં કસ્તુરી હોય છે. તેની સુગંધ ચારે બાજુ ફેલાય છે. મૃગ તે સુગંધને મેળવવા માટે વન-વન, વૃક્ષ, છોડ, ફૂલ વગેરેને સૂંઘે છે અને જિંદગી પૂરી કરે છે. બસ આજ રીતે કવિ કલાપી કુદરતના હરેક તત્વમાં પ્રેમને શોધે છે ,વિરહની વેદના અને સંતાપ અનુભવે છે અને અંતમાં ફિલસૂફ જેવી વાતો સહજતાથી લઇ આવે છે.. આ કાવ્યમાં મનના  થતા વિકલ્પોને  અને વલોપાતને ખુબ સરસ આલેખ્યા છે……કારણ એ જાણે છે આ પ્રકૃતિના એક એક તત્વ માં પરમાત્મા છે એને પ્રશ્ન પૂછી બેસે છે કે  મારવાનો કે દુઃખ પોહોચાડવાનો અધિકાર આપણ ને  છે ખરો ? તેમના આત્મચિંતન દ્વારા જીવનના સત્યને અંતિમ પડાવ  પર લઇ આવે છે।  ક્યાંથી ઊઠે? જખ્મ દિલનો ક્રૂર હસ્તે કરેલો!

ક્યાંથી ઊઠે! હ્રદય કુમળું છેક તેનું અહોહો!..

આહા! કિંતુ કળ ઊતરી ને આંખ તો ઊઘડી એ,

મૃત્યુ થાશે? જીવ ઊગરશે? કોણ જાણી શકે એ? જીવ્યું, આહા!

આપણે હોત આ જગ્યાએ તો કદાચ આમજ વિચારતા હોત આવું કવિતા વાચતા જાણે ભાશે છે…પ્રિયાથી શરૂ થયેલા હૃદયભાવ અંતે અહિંસા ના સિધાંત માં પર્યાવસાન પામે છે. અહિંસા’નો સંદેશ કલાપીએ સમાજને આપ્યો છે..એ એક કવિ જ સમજાવી શકે…. જે કોઈનું બૂરું ન કરી શકે ને ઈચ્છી પણ ન શકે. બલ્કે સૌનું કલ્યાણ વાંછતા કવિ સૃષ્ટિના એક એક કણમાં  પ્રેમને સ્મરે છે.  કવિ કલાપી બહુ મૃદુ હ્રદયના ઉમદા વ્યક્તિ ની છાપ આ કાવ્ય દ્વારા મુકીને આપણને વિચાર કરતા મુકે  છે

આખું કાવ્ય વિશ્વાસ પર રચાયેલું છે .શોભના એટલે પ્રેમ પ્રાણ, અને ભરોસો।… કવિ કહે છે વિશ્વાસ એ કીમતી જણસ છે .કોઈપણ સંબંધનું પહેલું પગથિયું આ વિશ્વાસ જ હોય શકે ! શોભના સાથેનો  વત્સલ્ય ભાવ વિશ્વાસના તાંતણે જ પ્રેમમાં પરિણમે છે અહી શોભનાને કવિનો વિશ્વાસ જ જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપે છે પક્ષી સાથેની તુલના કરતા કવિ કહે છે  વિશ્વાસ એવું પક્ષી છે જે પ્રભાતના પહેલા અંધકારમાં પ્રકાશનો અનુભવ કરાવે છે…..અહી કવિ પક્ષીના અનુભવે શીખે છે કે  જ્યારે વિશ્વાસ જાય તો  જીવનરસ છીનવાય જાય છે .“શ્વાસ અને વિશ્વાસ એકજ વાર ટુટે છે” …. શ્વાસ ટુટવાથી જીવનું મ્રુત્યુ થાય છે અને વિશ્વાસ ટુટવાથી જીવનનું મ્રુત્યુ થાય છે…આ વાત પક્ષીના પ્રસંગ દ્વારા રજુ કરી છે વિશ્વાસ તૂટ્યા પછી  પ્રેમના નવસર્જન શક્ય નથી એવું કવિને અહી ભાશે છે …કવિ લાગણી સભર છે એટલે જાણે છે કે વિશ્વાસ માનવ મનને જોડતી આ નાજુક તંતુ જેવી  કેવી મહાન લાગણી છે  !…કવિ પક્ષીને નિહાળતા અનુભવે છે કે  વિશ્વાસ જીવનની શક્તિ છે. વિશ્વાસ બધા જ વરદાનોનો આધાર છે. ..વિશ્વાસ એ જીવનનું બળ છે… પછી એ શોભાના હોય પક્ષી હોય કે માનવી।.એથી પણ આગળ વિચાર કરતા કહે છે ગુમાવેલો વિશ્વાસ તેની ભવ્યતા પાછી મેળવી શકે ખરો ?  જિંદગીનું આ સત્ય કવિ છેલ્લી બે પંક્તિમાં વણી લે છે

(શોભનાનું લગ્નજીવન દુ:ખી હતું. તેનો પતિ તેના પર જુલમ ગુજારતો હતો. એ માંદી પડી. મરણતોલ થઈ ગઈ. એવી દશામાં તેણે સુરસિંહજીને છેલ્લી સલામની ચિઠ્ઠી લખી. એમણે મોંઘીને નજરે જોઈ. શોભનાને બચાવવી છે તેમ એમને લાગ્યું, પરંતુ શું હું મારા પરનો વિશ્વાસ પાછો મેળવી શકીશ  એ મુંજવણ પણ વર્તાય છે ) આમ સમગ્ર કાવ્ય સ્વ સાથેની વાતચીત સમા વિકલ્પો થી રચાયેલું છે પક્ષીના ઉદારહણ દ્વારા જવાબ પણ કવિ પક્ષી માંથી મેળવે છે આમ વલોપાત ,વેદનાનો સારંસ તેમજ એજ દિલનો અહેસાહ  અને એક નગ્ન સત્ય છેલ્લી બે પંક્તિ પુરવાર કરે છે…..અહી વિશ્વાસનો સેતુ તૂટ્યા પછી સંધવાના કોઈ એંધાણ કવિ ને દ્રષ્ટી ગોચર ન થતા શબ્દો ખરી પડે છે।.. રે રે! શ્રદ્ધા ગત થઇ પછી કોઇ કાળે ન આવે,……લાગ્યા ઘાને વીસરી શકવા કાંઇ સામર્થ્ય ના છે  

આ કાવ્ય  ગુજરાતી સાહિત્યનું  એક અજોડ અને આજ એક સદીએ પણ અજોડ રહેલું છે. એ માં શંકા નથી. કલાપીની ઉત્તમ કૃતિ છે.

 

Pragnaji-પ્રજ્ઞા દાદભાવાળા

મારી પંક્તિઓ સાંભળો……પી.કે.દાવડા-મણકો -6

_DSC0005

મિત્રો દાવડા સાહેબનો કલાપી થવાનો પ્રયત્ન જોવા જેવો છે ,દાવડા સાહેબ ને જે કવિ ગમે એ એમના પાત્રમાં ગોઠવાય જાય કયારેક અખો ભગત તો કયારેક કલાપી બની કવિતા લખવા માંડે આસ્વાદ લખવા માં તો છટકી ગયા। .પણ કલમ એમ થોડી અટકે એટલે કલાપીની જેમ કવિતા લખી નાખી  તો  માણો  એમના વિચારોને।..બધાને અભિપ્રાય આપવાની સંપૂર્ણ છુટ છે  

 

 

કલાપી મારા સૌથી વધારે પ્રિય કવિ છે. મને એમની બધી કવિતાઓ ગમે છે.પણ હું માત્ર મારી બે પ્રિય પંક્તિઓની જ વાત કરીશ.

એક કવિતામાં કલાપીએ કહ્યું છે, “રે રે શ્રધ્ધા ગત થઈ પછી કોઈ કાળે ન આવે.”આ પંક્તિમાં કલાપીએ જીવનની સચ્ચાઈ કેટલી મીઠાસથી કહી દીધી છે. એક વાર વિશ્વાસ ઉઠી જાય તો ફરીથી ભરોસો કરવો મુશ્કેલ છે. ઘણીવાર આપણે આપણા પ્રિયજન સાથે મીઠી મજાક કરીએ છીએ. મેં પણ કલાપી સાથે મજાક કરતાં મંદાક્રાન્તા છંદમાં જ લખ્યું છે,

રે રે કલાપી

(મંદાક્રાંતા)

“રે રે શ્રધ્ધા ગત થઈ પછી કોઈ કાળે ન આવે”

શાને આવા અશુભ વચનો બોલતો તું  કલાપી?

મારી શ્રધ્ધા પિયર ગઈ છે, આજ આવી જવાની,

તોયે  શાને  ભિતરમનમા  બીક  લાગ્યા કરે છે?

તારું  બોલ્યું  વચન ફળશે, શું થશે  હાલ મારા?

તું તો રાજા, તરત  મળશે સાત રાણી તને તો,

મારા  જેવા  રખડી પડસે, બોલ તારા  ફળે તો.

 

મારી શ્રધ્ધા તો પાછી આવી ગઈ, એટલે આ વાત તો પતી.

હવિ હું મારી બીજી પ્રિય પંક્તિની વાત કહું.

હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે, પાપી એમાં ડૂબકી લઈને પુણ્યશાળી બને છે.”

જીવનમાં કલાપીના આ શબ્દો ઉતારી લો તો સંતનો દરજ્જો દૂર ન રહે. આ પંક્તિ પ્રત્યેના આકર્ષણને લઈને મેં ચાર પંક્તિઓ લખી છે, પણ તમે તો કલાપીની જ વાત માનજો.

હવે મારી પંક્તિઓ સાંભળો.

પસ્તાવાના વિપુલ ઝરણે ડૂબકી મેં લગાવી;

ન્યાયાધિસે કબુલ ગણીને કેદમા નાખી દીધો;

ના કીધેલી વકીલે મુજને, તોય એનું ન માન્યુ,

શાને સાચું સમજી લઈને માન્યું તારું કલાપી?

મને ભલે તકલીફ પડી, પણ તે છતાંયે કલાપી મારા સૌથી પ્રિય કવિ છે.

પી.કે.દાવડા

 

કલાપીના કાવ્યનો આસ્વાદ-.-એક ઈચ્છા-ઇન્દુબેન શાહ- -મણકો -5

Picture1

-એક ઈચ્છા-

પડ્યા ઝખમ  સૌ સહ્યા, સહીશ હું હજીએ બહુ, ગણાયા નવ કદી ગણુ નવ કદી પડે છો હજુ

અપાર પડશે અને જીગર હાય આળુ થયું, કઠિન ન બનો છતાં હ્રદય એજ ઈચ્છું પ્રભુ

પડી વીજળી તે પડી સુખેથી છો, બળુ છું સુખે, ન દાહ વસમો કદી જીગર બૂમ ના પાડતું

કઠિન બનજો નહી હ્રદય એજ ઈચ્છું પ્રભુ, બહુય રસ છે મને હ્રદય છે હજુ તો અહો

અરે હ્રદય જો ગયું રસ ગયો પછી તો બધો, ભલે મૃદુ રહી જખમ છેક ચૂરો થતું

કઠિન ન બનો કદી હ્રદય એજ ઈચ્છું પ્રભુ.

        પૃથવી છંદમાં  લખાયેલ આ નાનકડું કાવ્ય કવિ હ્રદયના અપૂર્વ ભાવ ઘટીત કરે છે. બહુ નાની ઉમર ૧૨મે વર્ષે પિતાશ્રી અને ૧૪ વર્ષે માતુશ્રીના મૃત્યુંના,બે વર્ષમાં બે જખમ સહન કર્યા, મોટાભાઇનું અવસાન થયું, આમ એકપછી એક આઘાત કવિશ્રીના કોમળ હ્રદયે સહ્યા .તે સમયના રજવાડાના કાવાદાવા, કુટુંબ ક્લેશ આ સર્વે તદઉપરાંત પોતાનાથી ૮ વર્ષ મોટા રમાબા સાથેના લગ્ન ,બીજા લગ્ન કેશરબા સાથે, બન્ને લગ્ન ખાંડાથી થયા હતા, એ જમાનાના રજવાડામાં આ બધુ સાધારણ ગણાતું. જેમ વધારે ઘા પડે તેમ હૈયું કઠોર બનતું જાય. કવિ કલાપીનું કવિ હ્રદય પ્રભુ પાસે જખમોથી હ્રદય કઠીન ન બને તે માગે છે, કવિ કહે છે ઘા કદી ગણ્યા નથી, ગણીશ નહીં ભલે હ્રદય આળુ બને, હ્રદય મૃદુ રહી સર્વ ઘા ભલે સહે, તે જ ઇછ્છુ છું .
 •        સગીર વયે રજવાડાની ગાદીના વારસ બન્યા. અનુભવ મેળવવા પોલિટિકલ એજન્ટૅ તેમને દેષના પ્રવાસે મોકલ્યા. બે પત્નીઓના વિરહ, સૌથી વિષેશ વિરહ શોભનાનો , શોભના પ્રત્યેનું ખેંચાણ અને વધતુ  જતું અદમ્ય આકર્ષણ,તો રમા પ્રત્યેનો પ્રેમ અને ફરજ, પ્રીતિ અને નીતિ વચ્ચે હ્રદયમાં સતત ચાલતું યુધ્ધ ,વિરહની આગ વિજળી જેવા ભભૂકાએ દહે છે, કવિ કહે છે “બળું છું સુખે! અનંત ભભૂકા દહે,બહુ દહો ગળું છું સુખે!” આ કંઇ સાધારણ ભૌતિક આગની જ્વાળા નથી, પ્રેમ પ્રણયનો વિરહ અનન્ત માત્રાનો, શોભનાના લગ્ન થયા દૂર જતી રહી, આવા વસમા  દાહથી હ્રદય કઠીન ન બનતું,કદી બૂમ ના પાડતું ,આવું પ્રભુ પાસે કવિ ઇછ્છે છે.

  કવિ કલાપી મૃદુ, કોમળ હ્રદયના કવિ છે , આવા હ્રદયે અનેક વિરહ ગીતો, પ્રણય ગીતો ગઝલોનો વારસો સાહિત્ય પ્રેમીઓને આપ્યો, છેલ્લી ચાર પંક્તિઓમાં કવિ કહે છે, બહુય રસ છે મને, ઊર્મિ, સંવેદના, માધુર્ય, કરૂણતા, આ તો કવિની મૂડી છે, જો હ્રદય જ  ગુમાવી બેસે તો જીવનનો રસ ચાલ્યો જાય ,કવિને એ ના પોષાય,કવિ હ્રદયને સુકુમાર મૃદુ જીવન પર્યંત રાખવા માગે છે, એટલે જ કવિ લખે છે ,” ભલે મૃદુ રહી જખમ સહે સહી સહી છેક ચૂરો થતું “,કઠીન ન બનો કદી હ્રદય એજ ઇછ્છું છું પ્રભુ!.”

   

  ડો.ઇન્દુબેન શાહ

   

   

કલાપી-કાવ્યનો આસ્વાદ-દર્શના નાટકરણી -મણકો -4

darshana
હ્ર્દયક્મલની જૂઠી આશા – કલાપી — કાવ્યનો આસ્વાદ કાવ્યની નીચે છે
રે ભોળી! જલઝુલતી કમલિનિ! કાં ભૂલ? વ્હાલી સખી,
જોઈ પૂર્વદિશામુખે પ્રસરતી લાલાશ આ ઊજળી?
આશા વ્યર્થ ધરે રવિ સુકરની સંધ્યા સમે, બાપલા!
એ તો હિમપતિ શશી નિકળશે, ના ના પતિ, હે હલા!
એ પોચું દિલ તું સમું સુનમન છે, તેણે ગૃજી આશ’તી:
જાણ્યું સૂર્ય થઈ પ્રફૂલ્લ કરશે પ્રેમી તણી પ્રીતડી;
ના તે તે નિકળી હતી શશી સમી, હિમે હણ્યું કાળજું;
જૂઠી આશ દઝાડતી સુમનને, ભુલે ન તે ઝાળ તું!
આસ્વાદ
કેટલીયે વખત આપણે ખુબ આશાથી રાહ જોતા હોઈએ અને તે આશા નિરાશામાં બદલી જાય – તે વાત ખુબ સુંદર રીતે અહી કલાપીએ વર્ણવી છે.  ખાસ કરીને વાત જયારે પ્રેમ ની હોય ત્યારે આશા પણ તેવોજ અતિરેક હોય.  કલાપી કહે છે પૂર્વમાં સૂર્ય ઉગે તેની સાથે જ આશા નો ઉદય થાય છે કે પ્રેમી તણી પ્રીતડી પ્રગટશે.  પરંતુ આશા નીકળી શશી (ચાંદ) સમી – ઠંડીગાર।  અને ખોટી આશા પ્રેમની જ્યોત પ્રગટાવવાની બદલે દઝાડી ગયી.
એક ઈચ્છા by કલાપી
પડ્યા જખમ સૌ સહ્યા, સહીશ હું હજુયે બહુ,
ગણ્યા નવ કદી, ગણું નવ કદી, પડે છો હજુ;
અપાર પડશે અને જિગર હાય ! આળું થયું,
કઠિન ન બનો છતાં હૃદય એ જ ઈચ્છું, પ્રભુ !
 
પડી વીજળી તે પડી સુખથી છો, બળું છું સુખે,
અનન્ત ભભૂકા દહે, દહો, ગળું છું સુખે !
ન દાહ વસમો કદી, જિગર બૂમ ના પાડતું,
કઠિન બનજો નહીં હૃદય, એ જ ઈચ્છું પ્રભુ !
 
બહુય રસ છે મને, હૃદય છે હજુ તો, અહો !
અરે ! હૃદય જો ગયું, રસ ગયો પછી તો બધો;
ભલે મૃદુ રહી સહી જખમ છેક ચૂરો થતું,
કઠિન ન બનો કદી હૃદય એ જ ઈચ્છું, પ્રભુ !

મને કલાપી લિખિત આ રચના ખુબજ ગમે છે.  એમની બધી રચના કરતા આ સાદી રચના છે પણ તે આપણને તેમના અંતર માં ડોકિયું કરાવી દયે છે – તેમની એક સાદી ઈચ્છા કે ગમે તેવા દુખ નો સામનો કરવાનો થાય પણ પ્રભુ હૃદય ને કોમળ રાખજે કે હૃદય ને કઠીન અને કઠોર નહિ બનાવતા.  ઘણા વખત પહેલા સહન કરતા મેં પણ તેવીજ એક ઈશ્વર પાસે યાચના કરેલી કે ભલે કઠોરતા નો સામનો કરવો પડે અને ભલે ક્ષણીકવાર માટે ધુખ અને ગુસ્સા માં દિલ ભરાઈ આવે, પણ ઈશ્વર મારા હૃદય માં કોમળતા અને સુંદરતા રહેવા દેજો કે હું ઝીંદગી માં હમેશા પ્રેમના પંથે ચાલી શકું, પ્રેમને અનુભવી શકું અને ઓળખી શકું.   તે વખતે મેં નાની ચાર લીટી ની સાદી કવિતા  અંગ્રેજીમાં લખેલી, તે નીચે પ્રમાણે છે.
When anger dwells in my heart and mind
It lasts but a tiny moment
Leaves silently with a lament
Saluting the abundant love
Peaceful and tranquil as a dove
Love stays in my heart
Beacons anger bitter and tart
To taste the sweetness it relishes
Nudged gently, my anger relinquishes

અમે જોગી બધા વરવા

અમે જોગી બધા વરવા સ્મશાનો ઢુંઢનારાઓ
તહીંના ભૂતને ગાઈ જગાવી ખેલનારાઓ

જહાં જેને કરી મુર્‌દું કબરમાં મોકલી દેતી
અમે એ કાનમાં જાદુ અમારું ફૂંકનારાઓ

જહાંથી જે થયું બાતલ અહીં તે થયું શામિલ
અમે તો ખાકની મૂઠી ભરી રાજી થનારાઓ

જહીં જખ્મો તહીં બોસા તણો મરહમ અમે દેતાં
બધાંનાં ઈશ્કનાં દરદો બધાંએ વહોરનારાઓ

અમે જાહેરખબરો સૌ જિગરની છે લખી નાખી
ન વાંચે કોઈ યા વાંચે ન પરવા રાખનારાઓ

ગરજ જો ઈશ્કબાજીની અમોને પૂછતા આવો
બધાં ખાલી ફિતુરથી તો સદાએ નાસનારાઓ

જહીં સ્પર્ધા તણી જગની દખલ ના પ્હોંચતી ત્યાં ત્યાં
જમીં ને આસમાનોના દડા ઉડાવનારાઓ

ગમે તે બેહયાઈને દઈ માથું ધરી ખોળે
અમે આરામમાં ક્યાંએ સુખેથી ઊંઘનારાઓ

સનમની બેવફાઈથી નથી સુખ કાંઈએ કરતાં
અમે જાણ્યું અમે માણ્યું ફિકરને ફેંકનારાઓ

જખ્મથી જે ડરી રહેતા વગર જખ્મે જખ્મ સહેતા
અમે તો ખાઈને જખ્મો ખૂબી ત્યાં માનનારાઓ

બની ઉસ્તાદ આવો તો થશો આંહી તમે ચેલા
મગર મુરશિદ કરો તો તો અમે ચેલા થનારાઓ

અમારા આંસુથી આંસુ મિલાવો આપશું ચાવી
પછી ખંજર ભલે દેતાં નહિ ગણકારનારાઓ

આસ્વાદ

આ રચના માં કલાપી પ્રેમના જોગી ની વાત અતિ સુંદર રીતે કહે છે.  પ્રેમ જોગી ને નથી મૌત નો ડર કે ભૂત ની દરકાર, તે તો કબરમાં જતા મડદા  ની કાન માં પણ જાદુ ફૂકી દયે તેમ છે.  પ્રેમ જોગી તો ગમે તેના ઇશ્ક ના દર્દ નો અનુભવ કરી શકે છે અને તેનો ઈલાજ પણ કરે છે.  આ કાવ્ય પણ એક ઈલાજ જ છે ને?  જીગરની વાત ને કહેવાવાળા પ્રેમ જોગી ને કોઈ ફર્ક નથી પડતો કે તેને કોઈ વાંચે કે ન વાંચે.  સ્પર્ધામાં જીતવા માટે નહિ પણ પ્રેમ જોગી તો અમથાજ જમીન થી આસમાન સુધી દડા રમનારા અને હૃદય માં પ્રેમ તેથી જ્યાં માથું ઢાળે ત્યાં આરામ ની ઊંઘે ઊંઘનારા.  ક્યારેક સનમની બેવફાઈ નો પણ સામનો કરવો પડે છે પણ પ્રેમ જોગી તેથી થોડા ડરી જવાના છે?  તે તો જખમ ખાઈ ને તેને પણ પ્રેમ ની ખૂબી માને છે.  પ્રેમની દુનિયા માં કોઈ ઉસ્તાદ નથી, અહીં તો બધા ચેલા છે.  જયારે ઇશ્ક ના આંસુ તમને રડાવે તે પછી તમે પણ પ્રેમ જોગી બન્યા સમજજો અને પછી તમે ખંજરને પણ નહીં ગણકારો.

 

Darshana દર્શના વારિયા નાટકરણી

Darshana V. Nadkarni, Ph.D.
Cell: 408-898-0000

અહેવાલ -બેઠક ​-કવિ કલાપી યાદી ઝરે છે આપની …..

_DSC05911-દર્શના નાટકરણી

_DSC0633

કવિ કલાપી યાદી ઝરે છે આપની …..
25મી જુલાઈ ના ઇન્ડિયા કોમયુનિટી  સેન્ટર મિલ્પીટાસ  કેલીફોર્નીયા ખાતે મળેલી બેઠકે કલાપી ના અક્ષર દેહને જીવિત કર્યો …,………
(જયવંતીબેન  પટેલ ,કલ્પના શાહ ,પ્રજ્ઞાબેન દાદભાવાળા  રાજેશ શાહ)

_DSC0607જિંદગીએ કવિ  કલાપી સાથે ભલે અન્યાય કર્યો અને ટુકું જીવન આપી નાની ઉંમરે જિંદગી સમેટી લીધી પરંતુ તેમના અક્ષર દેહ થી તેઓ ચિરંજીવ રહશે ગુજરાતની પ્રજા તેમનાં અમર કાવ્યોના અમર શબ્દો માટે હંમેશા ઋણી રહેશે,
બેઠક અંતમાં માં એક વાત બધાના હૃદયમાં નીકળતી હતી કે કવિ કલાપી ને માણવા  આ સમય ઓછો પડ્યો।. રાજવી કુળમાં જન્મેલા સુરસિહજી તખ્તસીહજી  ગોહિલ  ને  એમની રચનાઓએ કલાપી બનાવ્યા , એમની સાથે સંકળાયેલી ત્રણ સ્ત્રી અને પ્રણય ત્રિકોણ  અને  બધાએ એમને એક દંતકથા સમાન બનાવી દીધા પરંતુ બેઠકના સર્જકોએ જાણે કલાપીને યાદ કરી તેમને જીવિત કર્યા।..
શરુઆતમાં, બેઠકના  આયોજક  શ્રીમતી પ્રજ્ઞાબેન દાદભાવાળા એ  સૌને આવકાર આપ્યો હતો, કલ્પના બેને નિયમ મુજબ પ્રભુ વંદનાથી કરી અને રાજેશભાઈ એ કલાપી ના જીવન અને કવન વિષે રજૂઆત કરી કવિ ને હાજર હજૂર કર્યા ત્યારબાદ એક પછી એક રજૂઆતે બેઠકને જાણે કલાપી મય બનવી દીધા,પદ્મા બેન શાહ,પી.કે.દાવડા સાહેબ ,દર્શના નાટકરણી, કુમુદભાઈ રાવલ ,જયવંતીબેન પટેલ ,પિનાક દલાલ, વગેરેએ કવિતા ના આસ્વાદ રજુ કરી
કલાપીને શબ્દોના માધ્યમ દ્વારા મળવાનો આ આનંદ અનેરો અને અવર્ણનીય હતો,કુંતાબેન એમની  નાજુક તબિયતના હિસાબે હાજર ન રહ્યા પરંતુ તેમણે  કલાપીની એક રચના ફોન પર ગાઈ  સંભળાવી,કલ્પના બેને  પોતાની રજૂઆતમાં ભાવ અને વૃતિના ઉછાળા લાવી બધાને જાણે ઝબોળી દીધા અને કવિ કલાપીની કવિતા જાણે જીવંત થઇ.કોઈ પણ વ્યક્તિ લખવાનો નો સાચો હૃદય માંથી પ્રયત્ન કરે તો શું ન થઇ શકે ?  જયવંતીબેને સચોટ રજૂઆત કરી વિકસતી કલમને પુરવાર કરી. 
કલાપીના સંદર્ભ માં પ્રજ્ઞાબેને કહેતા કહ્યુકે કવિ કલાપીને લખવા માટે કલમ સહજ હતી,લાગણી નો ધોધ એમના દિલમાંથી નીકળતી સંવેદના શબ્દ્સ્વરૂપ લેતી હતી અને એણે કયારેય બીજા વાંચે માટે લખ્યું જ ન હતું,એમના લખેલા પત્રો એટલા સાચુકલા અને દિલમાંથી હતા કે વાંચતા સ્પર્શી જતા અને સમય જતા સાહિત્ય બની ગયા,એમના સાહિત્યના મૂળ જાણે પત્રો દ્વારાજ નખાણા,કવિએ પ્રકૃતિનો સહારો લઇ લખવાની શરૂઆત કરતા અને પછીતો પ્રેમ નું માત્ર એક માધ્યમ બનતું પ્રેમ પ્રકૃતિ અને પરમેશ્વર એમના કવન વિષય હતા એમણે રાગ તરફથી ત્યાગ તરફની ગતિને અક્ષર રૂપ આપી  જિંદગી સમેટી લીધી,હાજર રહેલા પ્રક્ષ્કોને પ્રશ્ન પૂછાતા પ્રજ્ઞાબેને કહ્યું તમે હું આપણે સૌ રોજ પારેવડા કે પક્ષીને જોઈએ છે શું આપણે કવિતાની બે પંક્તિ કયારેય લખી છે ?બસ આજ ફરક છે એક સામાન્ય અને અનુભવી કવિમાં,…. માટે જ સુરસિહજી તખ્તસીહજી  ગોહિલ એક રાજવીને ને એમની રચનાઓએ કવિ  કલાપી બનાવ્યા,આગળ બેઠકનો દોર રાજેશભાઈ અને કલ્પનાબેનને સોપી પ્રજ્ઞાબેને  કામસર રજા લીધી પરંતુ કલાપી જાણે પ્રેક્ષકોના મન પર છાઈ ગયા ,રેડિયો જિંદગી વાળા જાગૃતિબેન અને નૈમેષ જેવા સ્વયંસેવક બેઠકનું બળ બન્યા તો રામજીભાઈ પ્રોત્સાહન,અને તેની યાદોને વાગોળવા રઘુભાઈ જાણે ફોટોગ્રાફર બની નીમ્મિત બન્યા,બેઠકના કર્યો વાંચન અને સર્જન સાથે ભાષાના ને સાચવવાનો પ્રયત્ન અમદાવાદથી આવેલ કુમુદભાઈ રાવલને સ્પર્શી ગયો કે  કુમુદભાઈ એ હૃદય સ્પર્શી બેઠકમાં જાહેરમાં એકરાર  કર્યો। ..ને પ્રેક્ષકો એ તાળીથી વધાવ્યો …આમ બેઠકનો એક નાનો નમ્ર પ્રયત્નએ  માતૃભાષાનું ઋણ ચુકવ્યું। .. 
​ ​

 

 

 

કવિ કલાપીની ગઝલનો આસ્વાદ ‘આવશો કોઈ નહી ‘ તરુલતા મહેતા

photo-1-e1399487161796
કવિ કલાપીની ગઝલ ઈશ્કેમિજાજી એટલે કે મનુજપિયાને માર્ગે આરંભાઈ અને ઈશ્કેહકીકી પ્રભુપ્રેમ તરફ વળી,યુવાન રાજા કવિએ ટૂકી જિંદગીમાં પ્રેમમાં આશાનિરાશા ,વેદના સામાજિક સંધર્ષ  બધું  જ અનુભવી લીઘુ.હેયાના વલોપાતે છેવટે તેમને તેમની પત્ની રમાં અને પ્રિયા શોભના બન્ને પ્રત્યે વિરક્તિ આવી.રાજપાટ ,સમાજ લોકિકપ્રેમને દિલથી  છોડી દેતા ગઝલ રચે છે.કલાપીની કવિતા તેમના આત્મજીવનની આબેહૂબ છબી છે.એમના જેટલી નિખાલસતાથી,નીડરતાથી અને અલગારીપણે પોતાના અનુભવોને કવિતામાં ઓછા કવિઓએ અભિવ્યક્ત કર્યા છે.
કલાપીની ગઝલ એટલે આજના મોબાઈલ ફોનના જમાનામાં કહીએ તો selfie,એમણે પોતાના અનુભવોનો ફોટો લીધો છે,.કલાપીનો  ‘કેકારવ ‘ તેમની સર્જનકલાનો spontaneous overflow of powerful feeling. સ્વયંભૂ, પ્રબળ  લાગણીઓનો  ધોધ,એ ગઝલોના ધોધથી રસિકજનો આજે અને ભાવિમાં સદાય ભીજાશે અને ડોલશે.

કલાપીનો પ્રેમ હેયાને હચમચાવે તો વિરાગ પણ કેટલો પ્રબળ,ગઝલની શરૂઆતનો શેર છે

,’હું જાઉં છુ ! હું જાઉં છુ !ત્યાં આવશો કોઈ નહી ! 
સો સો દિવાલો બાંધતા ત્યાં ફાવશો કોઈ નહી ! 
ના આંસુથી,ના ઝૂલ્મથી,ના વસ્લથી ના બન્ધથી 
દિલ જે ઉઠ્યું રોકાય ન! એ વાત છોડો કેદની! 
વૈરાગ્યભાવના આવર્તનો અને પુનરાવર્તનથી ગઝલનું બંધારણ થયું છે. આ એક દીર્ધ ગઝલ છે, કોઈ નહીના નકાર રદીફ  લગભગ જળવાયા છે,પણ કાફીઆમાં છુટછાટ લીધેલી છે. કલાપીનો ઊર્મિનો ફુવારો  કોઈ બન્ધનથી બંધાતો નથી,ગઝલના  છંદની તેમની ગઝલોમાં નબળાઈ જણાય પણ સુફીઝ્મની મસ્ત બાની અને સચ્ચાઈ  આપણા હદય સોસરવી ઊતરી જાય છે.શંકરાચાર્યના ‘નિર્વાણશટક ‘ ના  સ્ત્રોત્રમાં  ‘ન બન્ધુ  ન મિત્ર ‘ જેવી વિરાગ ભાવના જાણે કે કલાપીની ગઝલમાં ટપકી છે.

મને આ ગઝલ ગમી ગઈ કારણ કે કલાપીને સંસાર પ્રત્યેના વિરાગમાં કડવાશ કે તિરસ્કાર નથી,તેનાથી પલાયન થવાની કે ભાગી જવાની વૃતિ નથી,પરંતુ સંસારના પ્રેમને જોયા પછી હવે

‘જોવા ચાલ્યું જિગર હરિને’ હવે પત્ની,પ્રિયા સૌ પ્રત્યેથી દિલ ઉઠ્યું,
કેવો સચોટ શબ્દ યોજાયો છે.રોજની ગુજરાતી બોલીમાં આપણે દિલ ઉઠી ગયું વાપરીએ છીએ.કવિના કોમલ હેયાની ઉદારતા જુઓ ‘;
સૌ ખુશ રહો જેમાં ખુશી  ,
હું જ્યાં ખુશી તે કરું ,
શું એ હતું,શું આ થયું?
એ પૂછશો કોઈ નહી! 
કઈ છે ખુશી કઈ  છે નહી ,
દિલ  જાણતું જે છે તે છે1
પેદા કર્યો તો ઈશ્ક જ્યાં ના કોઈને પૂછ્યું હતું ; 
એ ભૂસવા જો છે ખુશી  તો પૂછવું  એ કઇ નથી,
છે ઈશ્ક જોયો   ખૂબ તો જોવું હવે જે ના દીઠું ,
કિસ્મત બતાવે ખેલ તે આનંદથી જોવા
‘ જે ગમે જગતગુરુ જગદીશને ‘ સાંભરે છે ને?

કલાપીની આવી પંક્તિઓ લોકહેયામાં આજે પણ ગુંજ્યા કરે છે.લોકહેયુ  સરળ છતાં અર્થભરપુર કવિતાને પોતાની સ્મુતિએ ગાંઠ બાંધી રાખે છે.

શબ્દોની  મર્યાદા  અને વાચકની ધીરજને લક્ષમાં રાખી ગઝલના ભાવનો રસાસ્વાદ  ઉચિત ગણું છુ,

કવિની પ્રભુ પ્રત્યેના સ્નેહની આંખો ખૂલી હવે એ ચશ્મ પર પાટા  વીટવા શક્ય નથી.એટલું જ નહી પોતાની અંતિમ ખ્વાહીશ કહી  દે છે,કે

હું જ્યાં  દટાઉ ત્યાં ફૂલોને વેરશો કોઈ  નહી ‘.

પોતે હવે વિશાળ દરિયાના જીવ છે,કોઈની પરવાહ નથી.છેલ્લા બે શેરમાં દિલ ખોલીને અલવિદા આપે છે

તમ ઉર્મિઓ તમ વારિધિ,
મુજ વારિધિ મુજ ઉર્મિ છે,
‘જે હિકમતે આ છે બન્યું

તે જાણશો કોઈ નહી! 

શું પૂછવું ? શું બોલવું ?ખુશ છો અને રહેજો ખુશી!
વ્યર્થ આંસુ ખેરશો તો લુછશે કોઈ નહી.’
સમાજના લોકોને કહે  છે,તમારી લોકિક લાગણીઓ અને માયાનો સાગર,હું અનંત પ્રભુ પ્રેમના સાગરનો જીવ છું.

સુફીઝ્મના ઊર્દુરંગથી ગુજરાતી કવિતામાં ગઝલસ્વરૂપ આવ્યું ,વિકસ્યું અને તેમાં   ગુજરાતીપણું ભળ્યું,પછીના દાયકાઓમાં ખૂબ ગઝલો લખાઈ એમ જ કહો કે ગઝલમાં પુર આવ્યું, આજે ગઝલ અને ગીતો મહોરી રહ્યાં છે.કેટલાને યાદ કરવા ને સલામ કરવી,આપણા બે એરિયામાં પણ કવિઓ સુંદર ગઝલ લખી રહ્યા છે.અભિનદન.ગઝલમાં ઊર્દુ અને ગુજરાતી શબ્દોનું રસાયણ

કલાપીના શેરોમાં સરસ છે.કલાપીની કવિતાનો પ્રાણ ઊર્મિઓ છે.

મારે અંતે કલાપીનું અભિવાદન કરતા કહેવું પડશે કે લાઠીના ઇતિહાસનાં પાનાઓ પર અંકાયેલી રાજાઓની જાહોજલાલી ઝાંખી થઈ,રાજાશાહી ગઈ પણ ન વિસરાયા રાજવી કવિ સૂરસિહજી

તખ્તસિહજી ગોહિલ, આપણા લાડીલા કવિ કલાપીના ન  ભુલાયા  એ મોરના મધુર ટહુકા  ગુજરાતી સાહિત્ય અને કવિતાની કુંજોમાં  સદાય ટહુક્યા કરશે.માટે કવિતાને આત્માની કલા કહી  છે.જે શાશ્વત આનંદ અર્પે છે..

મિત્રો કલાપી જેવા કવિઓને માણી,જાણી આપણે ખુશીના   ગુલાલથી ખુદને  રંગી બીજાને રંગીએ તો આપણી ભાષાનું ઋણ ચૂકવાય કે નહી?

જય ગુર્જરી ગિરા

તરુલતા મહેતા 15,જુલાઈ 2914.

કલાપી-એક ઈચ્છા-મણકો -2-હેમાબેન પટેલ

photo 2

-એક ઈચ્છા-

 

 

પડ્યા ઝખમ  સૌ સહ્યા, સહીશ હું હજીએ બહુ, ગણાયા નવ કદી ગણુ નવ કદી પડે છો હજુ

અપાર પડશે અને જીગર હાય આળુ થયું, કઠિન ન બનો છતાં હ્રદય એજ ઈચ્છું પ્રભુ

પડી વીજળી તે પડી સુખેથી છો, બળુ છું સુખે, ન દાહ વસમો કદી જીગર બૂમ ના પાડતું

કઠિન બનજો નહી હ્રદય એજ ઈચ્છું પ્રભુ, બહુય રસ છે મને હ્રદય છે હજુ તો અહો

અરે હ્રદય જો ગયું રસ ગયો પછી તો બધો, ભલે મૃદુ રહી જખમ છેક ચૂરો થતું

કઠિન ન બનો કદી હ્રદય એજ ઈચ્છું પ્રભુ.

 

કવી કલાપી એક પ્રેમી, બે પત્નીના પતિ અને રાજવી છે.આ કાવ્યમાં કવી કલાપીની હ્રદય વેદાન છલકાઈ રહી છે.પ્રભુને વિનંતી, આજીજી કરીને તેમની સામે તેમના દિલની ઈચ્છા વ્યક્ત કરતાં તેમના હ્રદયમાંથી જે એક એક શબ્દ સ્ફુર્યા છે તે આપણા દિલને પણ સ્પર્ષિ જાય છે.કવી પ્રેમરસમાં તરબોળ છે.હ્રદય પ્રેમરસથી છલકાઈ રહ્યું છે.ત્રણ સ્ત્રીઓ વચ્ચે જીવન જીવતાં તેમની મનો દશા કેવી હશે ? તેમના સીવાય કોણ સમજી શકે.દાસીને પ્રેમ કર્યો છે, ઘર પરિવાર, સમાજ શું તેમને બે બે પત્ની હોવા છતા બીજી સ્ત્રીને પ્રેમ કરવાની છુટ આપે ? આતો રાજવી છે પુરુ રાજ્ય થુ થુ કરે. પ્રેમીને એક પ્રેમી જ સમજી શકે, પ્રેમીના દિલ પર શું વીતતી હશે.દિલ પ્રેમથી ભરપૂર હોવા છતાં પણ મનની અંદર કેટલી બધી વેદના ને વ્યથા ભરેલી છે તે દેખાઈ આવે છે.એક પત્નીને પ્રેમ કરે છે, જ્યારે તેમની પ્રેયસી જેને તે અનહદ ચાહે છે, બીજી પત્નીને પ્રેમ નથી કરી શકતા ફક્ત પતિ ધર્મ નિભાવે છે..ત્રણ સ્ત્રીઓ વચ્ચે ભીંસાઈ રહ્યા છે..પ્રેયસી પત્નીની દાસી હોવાથી  સ્વભાવિક છે દિલ ખોલીને છુટથી પ્રેમ ન કરી શકે બબ્બે પત્ની બેઠી છે ઘણા બધા બંધન અને સીમા હોય એ વાતાવરણમાં, પ્રિયતમા માટે તડપતા રહે, પ્રિયતમાનો વિયોગ હોય, આ વિયોગ તેમની હ્રદય ગાથા ગાવા માટે તેમને પ્રેરી રહી છે.મજબુર છે પ્રિયતમાને દિલ ખોલીને પ્રેમ ન કરી શકે.આવા સંજોગોમાં હ્રદયના ભાવ શબ્દો બનીને કોરા કાગળ પર ઉતરી આવ્યા છે.

પ્રિયતમાની યાદ, તેના વિરહથી હ્રદય ઘવાઈને દિલમાં અનેક ઝ્ખમ પડ્યા. કવી કહે છે, હ્રદય પર જે ઝખમ પડ્યા છે તે સૌ અત્યાર સુધી બહુજ સહ્યા, અને હજુ પણ સહીશ, કેટલા પડ્યા છે તે હું ક્યારેય નહી ગણુ, તૂ હર સ્વાસમાં સમાયેલી છે.હે પ્રિયે તારે જેટલા જખમ આપવા હોય તેટલા મને આપ. હું તને સદાય પ્રેમ કરતો રહીશ.અપાર ઘાવ પડશે તો પણ મારું હ્રદય તો ઉદાર દયાળુ જ રહેશે, તેં જ મારા દિલમાં પ્રેમ ભરીને મૃદુ કોમળ બનાવ્યું છે તો પછી તારા આપેલ અનેક ઘાવોથી મારું દિલ ક્યારેય કઠીન કેવી રીતે બ્ની શકે ? છતાં પણ  પ્રાર્થના કરું છું એ ક્યારેય કઠીન ન બને એજ ઈચ્છું છું પ્રભુ. આ પ્રેમી કવીનુ હ્રદય જેમ જ્યાં વીજળી પડે તેને બાળીને ભસ્મ કરી નાખે, તેવી વીજળી સમાન વેદના ભરેલી છે. અસહ્ય વીરહ રૂપી વેદનામાં બળી રહ્યા છે છતાં કવી કહે છે તું તો સુખી છે, તારી યાદમાં મારું દિલ જલી રહ્યુ છે તેની તને જરાય પરવા નથી.મને વીજળી સમા ઘા આપવામાં જો તને સુખ મળતુ હોય તો ભલે તું તેમાં રાજી થા.તું વીજળી સમા ઘા ભલે સુખેથી પાડે મારા હ્રદય પર, હું પણ સુખેથી જ બળવા માટે તૈયાર છું અને બળીશ એ વીજળીના તાપમાં.મને એ દાહ વસમો નથી લાગતો, મારું હ્રદય પ્રેમથી ભરેલ છે, મારા પ્રેમથી ભરેલ કોમળ હ્રદયમાં બધા દાહ ક્યાંય પીગળી જશે. હું એક હુંફ નહી કરું,મારું જીગર આ દાહથી ક્યારેય બુમ નહી પાડે.બધા દાહ ઠંડા પડી જશે.પ્રિયે તૂં જ મારા દિલમાં પ્રેમ ભરે છે તુંજ તેને કોમળ મૃદુ બનાવે, તો ક્યારેક વીજળી પાડે છે, તું જ હ્રદયને ઘાવ આપે છે મારા હ્રદય સાથે ખેલ ખેલે છે, આ ખેલ મને જીવનમાં પ્રાણ પુરે છે. તેને આધારે તો હું જીવી રહ્યો છું. હે પ્રભુ મારું હ્રદય ક્યારેય કઠીન ન બને હમેશાં કોમળ રહીને ધડકતું રહે, હર ધડકનમાં હું મારી પ્રિયતમાને શાંભળી શકું, ભાળી શકુ.કવી વિયોગમાં તડપી રહ્યા છે છતાં તેમની હ્રદય યાચના કેટલી સુંદર ભાવ ભરેલી છે, આ સાચેજ કોમળ હ્રદય વાળા સાચા પ્રેમી જ લખી શકે કે જેના દિલમાં ભરપુર પ્યાર સીવાય બીજું કંઈ નથી જોવા મળતું.

હે પ્રિયે તેં મારા દિલને અનગીનીત જખમ આપ્યા છતાં હજુ મારુ હ્રદય તુટી ગયુ નથી, અહો કેટલી સુંદર વાત છે ! મારી પાસે હજુ એજ પ્રેમથી ધડકતું હ્રદય છે.એજ આ હ્રદયમાં ભરપુર પ્રેમરસ ભરેલો હોવાથી દિલમાં બીજી કોઈ વસ્તુને સ્થાન નથી..પ્રેમમાં હું ક્યારેય નાસીપાસ નહી થાઉં , દિલ પર જખમ ભલે પડતા રહે, મારું દિલ હું નહી તૂટવા દઉં, અરે જો મારું હ્રદય જ નહી હોય તો હું પ્રેમ કેવી રીતે કરીશ. દિલની હરેક ધડકનમાં હે પ્રિયે તું સમાયેલી છે તેને કેમ તુટવા દઉં ? તારા પ્રેમમાં, પ્યાર ભરેલું જખમી હ્રદય પણ મંજુર છે. તેં આપેલ હરેક જખમ મને મંજુર છે, તારા હરેક જખમને  હું મૃદુ અને એકદમ કોમળ સમજું છું, આ મૃદુ જખમથી દિલ ભલે ચુરો થઈ જાય, તે ક્યારેય તુટવાનુ નથી.હે પ્રિયે તૂ મારી ધડ્કન છે, દિલ તૂટે એ મને મંજુર નથી.હે પ્રભુ મારી પર દયા કરજો  મારું હ્રદય ક્યારેય કઠીન ન બને.મારા આ હ્રદયમાં મારી પ્રિયતમા વસે છે દિલ તુટી જશે તો હું તેની ઝાંખી કેવી રીતે કરીશ ? દિલ હશે તો તેને પ્રેમ કરતો રહીશ, દિલમાં તેની યાદી ભરેલી છે, તેની યાદોને સહારે જીવી શકાશે .

હેમાબેન પટેલ

કવિ કલાપી- ગ્રામમાતા-પદ્માબેન ક. શાહ-મણકો -1

DSC_2263

 

કવિ કલાપી

ગુજરાતી  સાહિત્યમા કવિતાનો સુંદર રાગ સાથે આસ્વાદ કરાવનાર કળાએલ મોર  સરખા દેદિપ્યમાન કવિતાઓનું  આલેખન કરનાર કવિ કલાપી છે.  એમની કવિતામા ભાવના પ્રેમ અને ઊર્મિઓનો સાગર હિલોળા લે છે. જુદા જુદા છંદ અને રાગમાં લખેલા કાવ્યોનુ  સ્મરણ કરતા ભાવ વિભોર અનુભૂતી થાય છે.જેટલો સાહિત્ય પ્રત્યે રાગ હતો તેટલો રાજ વહીવટમાં નહી, છતાં પણ તેઓ પ્રજાના સુખ દુ:ખ માં સાથે રહ્યા.

તેમની પ્રજા વત્સલતા “ગ્રામમાતા” કાવ્યમાં ઉભરી આવે છે:

ગ્રામમાતા

વહેલી સવારે પૂર્વમાં ઉગતા રવિના ઉગતા મૃદુ સોનેરી કિરણો ના તાજગી ભર્યા દર્શનથી સારી સૃષ્ટિ પુલકિત થઇ ઉઠે છે. વાદળ વગરનુ ભૂરું સ્વચ્છ આકાશ શોભી રહ્યું છે.  શિયાળાનો ઠંડો પવન લહેરાઇ રહ્યો છે અને પક્ષીઓનો કલરવ ગુંજી રહ્યો છે.  આ જગતનો માનવ સમાજ એના  વ્યવસાય પ્રમણે તાજગી ભર્યા ડગલા ભરતો એના કામે લાગે છે.

મીઠી શેરડીના ખેતરો નજીક કોમળ કળી સમા કૃષિ બાળકો  ઉગતા સૂર્યના મધુર તાપમાં રમી રહ્યા છે. એમના કમળ સરખા કુમળા ચહેરા આનંદ વિભોર થઇ રહ્યા છે. પર્ણકુટીની બહાર વૃદ્ધ કૃષિ માતાપિતા માટીની સગડીમાં તાપણી  કરી રહ્યા છે.  શિયાળાની કડકડતી ઠંડીમાં અંગારાથી હૂંફ લઇ રહ્યા છે.  ઈશ્વરે કેટલું સુંદર જોડુ નિર્માણ કર્યું છે!

એક ઘોડા ઉપર બેસીને આવતો માણસ દૂરથી નજરે પડે છે , જે આ વૃદ્ધ દંપતી તેમજ સૌ બાળકો કુતુહલથી  નિહાળતા હોય છે ,  આવી પહોંચેલા  એ યુવકને એ વૃદ્ધ ખેડૂત ઉભા થઈને આવકારે છે , “આવો બાપુ!” ઘોડા ઉપરથી ઉતરીને  યુવક પીવાના પાણી માટે વિનંતી કરે છે .

એ વૃદ્ધ માતા યુવકને શેરડીના ખેતર પાસે લઇ ગઈ .  એક શેરડીને કાપતાંજ મીઠ્ઠી રસની ધાર છૂટી , અને પ્યાલો છલકાઈ ગયો. એ તાજો મીઠો મજાનો રસ એ યુવકે આનંદથી પીઘો .  તૃષા છિપાવવા બીજો રસનો પ્યાલો પીએ છે, અને   ત્રીજો પ્યાલો ફરી એ યુવકે માંગ્યો . વૃદ્ધ  માતાએ ફરીવાર બીજી શેરડી કાપી. એમાંથી એકે ટીપું રસનું નીકળ્યું નહિ!  વૃદ્ધ માતાએ ફરી ફરી કાપાના ઘા માર્યા, છતાએ તે નિષ્ફળ નિવડી . તેથી વૃદ્ધ માતાના આખમાંથી અશ્રુ વહેવા લાગ્યા. “હે ઈશ્વર! આપ મારા પર કોપાયમાન થયા છો?  શેરડીનો રસ એકાએક કેમ સુકાઈ  ગયો? ” એમ વૃદ્ધ  માતા મનમાં વિચારવા લાગી.

“જરૂર આ ધરતીનો માલિક યા અહીંનો રાજા દયાહીન થઇ ગયો હોય તેમ લાગે છે!  નહીતો આવું બનેજ નહિ.”  બોલતા બોલતા એ વૃદ્ધાના આંખમાંથી ફરી અશ્રૂ વહેવા લાગ્યા.  માતાના આ શબ્દો સાંભળી યુવક ચમકી ગયો, અને માતાના પગે પડ્યો અને બોલ્યો , “હે માં! એ જ હું રાજા છું.  માં, મને માફ કરી દ્યો .” અને તે મનમાં વિચારવા લાગ્યો ,  ” હે ઈશ્વર, મને માફ કરો , હું જયારે રસ પીતો હતો ત્યારે મારા મનમાં  કુવિચાર આવ્યો કે  આવી રસ ભરેલી મીઠ્ઠી શેરડીના પાકમાંથી આ ખેડૂતો ખૂબ પૈસા બનાવતા હશે. હું શા માટે આ ખેડૂત પાસેથી વધુ કર નાં ઉઘરવું?” રાજાએ ખરા મનથી  ભગવાન પાસે ક્ષમા માંગી, અને નિશ્ચય કર્યો કે આવા મહેનતુ ખેડૂત પાસે હું લોભવૃત્તી કરી વધુ કર નહિ માંગુ. આ રાજાના  વિચાર  અને ન્યાયપૂર્વક નિર્ણય બદલાતા  મોટું આશ્ચર્ય થયું .  આ યુવક રાજા બોલ્યા, “હે માતા, તમે ફરીવાર રસ કહાડો, હવે જરૂર શેરડીમાંથી રસ નિકળશે અને પ્યાલો જરૂર ભરાશે.”  વૃદ્ધ માતાએ ફરી શેરડી કાપી  અને   મીઠા રસની ધારા છૂટી. આ જોતા સૌ ખુબ આનંદ પામ્યા.  યુવક રાજા આનંદ પૂર્વક બોલ્યા,” તમે સૌ સુખી રહો.  હવે હું વધુ કર નહિ ઉઘરાવું . ફક્ત હું તમારા આશિષ માંગુ છું . “વૃદ્ધ માતાએ ફરી શેરડીમાં કાપ મુક્યો અને તેમાંથી રસની ધારા વહેવા લાગી.

માનવીના મનના વિચારોની અસર ધરતીને પણ તરત જ થાય છે .  “વિચારો માનવીને ઘડે છે”   જેના જેવા વિચાર તેવી કુદરત તેને ફળ આપે છે.  ઉદારતા, નિખાલસતા, નિર્ભયતા, અને  વિશાળતા માનવીને ખુબ સુખી કરે છે.

પદ્માબેન ક. શાહ

July 1, 2014

 

 

લીલી વાડી પછી નું મૃત્યું તો ઉત્સવ છે- દેવિકાબેન ધ્રુવ –મણકો -8

કવિતા
 
 લીલી વાડી  જુએ જે જન પછી તો મૃત્યુ ઉત્સવ છે.
ક્ષણે-ક્ષણમાં જીવે સાચું  જીવન  તેનું તો ઓચ્છવ છે.
અગર તન-મન ને ધન દિન રાત જેના હોય લીલાંછમ
નથી એ વાતમાં  બેમત  કે તેનું  મૃત્યુ  મોસમ છે.
હજારો એકલાં જીવોને શું વાડી કે શું વગડો,
ગમે ત્યારે મળી આવે જે, એ આનંદ-ઉત્સવ છે.
હો વાડી દ્રષ્ટિની પહોળી, વળી તો વાત જુદી છે.
વસંતોની  પછીની પાનખર  નિયતિનો ઉત્સવ છે.
અને પ્રારબ્ધની પતરાળીમાં, પુરુષાર્થનું ભોજન ,
જે પામે માનવી, જીવન મરણ તેનું  મહોત્સવ છે.
લીલી વાડી  જુએ જે જન પછી તો મૃત્યુ ઉત્સવ છે.
લીલી વાડી જુએ મનથી જરૂર તો મૃત્યુ ઉત્સવ છે.

દેવિકા

 Devika Dhruva.
http://devikadhruva.wordpress.com

લીલી વાડી પછી નું મૃત્યું તો ઉત્સવ છે- વિનોદ આર. પટેલ–મણકો -7

vinod patel

મરણનું સ્મરણ

મનુષ્યના જન્મથી જ શરુ થતી અને એના મૃત્યુથી અટકી જતી એની જીવન સફરના મુખ્ય સાત પડાવ છે:જન્મ, બચપણ, તરુણાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા, વૃદ્ધાવસ્થા અને અંતે મરણ .માણસ જન્મે છે ત્યારે જ તે મૃત્યુની ટીકીટ કપાવીને જીવન રૂપી રેલગાડીની સફર શરુ કરે છે.આ સફર દરમ્યાન જો કોઈ અણધાર્યો અકસ્માત નડે નહિ તો અંતે રેલગાડી મૃત્યુના અંતિમ સ્ટેશને આવીને વિરામ લે છે .દરેકનું ઘડપણમાં જ મરણ થશે એ નક્કી નથી .કોઈ પણ ઉંમરે એ આવીને ઉભું રહે છે. કમળની પાંખડીઓ ઉપર નૃત્ય કરતા પાણીના બુંદ જેવી આ જિંદગી તરલ અને ચંચલ છે.” જે ઉગ્યું તે આથમે, ખીલ્યું તે કરમાય ,એ નિયમ છે અવિનાશનો ,જે જાયુ તે જાય .” માણસના જીવનનો દરેક સૂર્યોદય એના નિશ્ચિત આવરદામાંથી એક દિવસ ઓછો કરીને અસ્ત પામે છે .જોશ મલીદાબાદીનો એક શેર છે

:” જીતની બઢતી,,ઉતની ઘટતી, જિંદગી આપ હી આપ કટતી હૈ “

લાચાર હરણું જેમ વાઘના પંજામાંથી બચવા બધા પ્રયત્નો કરી છુટે છે છતાં એની પકડમાંથી છૂટી શકતું નથી એમ મૃત્યુની પકડમાંથી કોઈ બચી શક્યું છે ખરું ? માણસ જીવન, ધર્મ ,આત્મા ,પરમાત્મા વિગેરે વિષયો ઉપર ઊંડું ચિંતન કરતો હોય છે પરંતુ મરણનું સ્મરણ કરવાનું એ હમેશા ટાળતો હોય છે.મોત ઉપર મનન કરવાના વિચાર માત્રથી જ જાણે કે એ ગભરાતો ન હોય ! ફ્રેંચ ફિલસુફ પાસ્કલે લખ્યું છે કે ” મૃત્યું સતત પીઠ પાછળ ઉભું છે પણ મૃત્યુંને ભૂલવું કેવી રીતે તેના પ્રયાસમાં માણસ કાયમ મંડ્યો રહે છે.મૃત્યુંને યાદ રાખીને કેમ વર્તવું એ વાત તે નજર સામે રાખતો નથી.”

ભગવદ ગીતામાં શ્રીકૃષ્ણે અર્જુનને બોધ આપતાં કહ્યું છે કે જેણે જ્ન્મ લીધો એનું મૃત્યું નિશ્ચિત છે અને જેનું મરણ છે એનો જન્મ નક્કી છે તેથી
આવી ન જ ટાળી શકાય એવી બાબતનો શોક કરવો તારા માટે યોગ્ય નથી .વધુમાં ગીતામાં
કહેવાયું છે કે જેવી રીતે કપડાં જૂનાં થતાં તેમને ત્યાગીને આપણે નવાં કપડાં પહેરીએ છીએ,
તેવી જ રીતેએક દેહ જીર્ણ થતાં તેને ત્યજીને માણસ બીજો દેહ ધારણ કરે છે .આમાં દુખી થવા
જેવું શું છે?…….ગીતામાં દેહની ક્ષણભંગુરતા, આત્માની શાશ્વવતતા અને પુનર્જન્મ સહીત શ્રી કૃષ્ણ મુખે સારી એવી ચર્ચા કરવામાં આવી છે.મહાત્મા ગાંધીએ પણ કહ્યું છે કે” જે રીતે ઝાડ ઉપર ખારેક પાકીને સુકાઈ જાય એટલે પોતાના ડીંટાને સહેજ પણ દુખ કે ત્રાસ ન આપતાં ખરી પડીને વૃક્ષથી અલગ થઇ જાય છે,તે જ રીતે માણસે પણ પોતાના મનમાં કશો જ દગદગો ન રાખતાં આ જગતની વિદાય લેવી જોઈએ. ….એજ તો લીલી વાડી…..એને….ઉત્સવ કહો

સાગરનું ટીપું સાગર સાથે મળી જઈને તેનું સામર્થ્ય તથા તેનું ગૌરવ પ્રાપ્ત કરવાને માટે તેની સાથે પાછું મળી જાય છે તે પ્રમાણે ચાલ્યો ગયેલો આત્મા સર્વશક્તિમાન સાથે એકરૂપ થતા પહેલાં કેવળ પોતાનો પુરુષાર્થ કરવાને જ આ દુનિયામાં આવે છે”

સ્વ. કાકાસાહેબ કાલેલકરે મૃત્યુને પરમ સખા એટલે કે એક મિત્ર તરીકે ગણાવ્યું છે…..

એમના કહેવા પ્રમાણે ખરેખર તો મરણમાં દુખ નથી .જેને આપણે દુખ માનીએ છીએ તે સાચી રીતે તો કષ્ટ વેઠીને જીવવાનું દુખ છે. એ દુખ જ્યારે અસહ્ય બને છે ત્યારે મિત્રની માફક મરણ આવીને માણસનો એ દુઃખમાંથી છુટકારો કરે છે.દુખ જીવન-કર્તુક છે, મરણ-કર્તુક નથી. શરીર માટે ઊઘ જેટલી પૌષ્ટીક છે તેટલું જ પ્રાણ માટે મૃત્યુ પૌષ્ટીક છે .જીવનથી થાકેલા માંદા માણસોને યોગ્ય સમયે મૃત્યુ આવે તે ઈષ્ટ છે. પાકેલું ફળ પોતે જ નીચે પડી જ્મીનમાં દટાઇ જઈને નવો પ્રવાસ શરુ કરવા માટે વૃક્ષ-માતાનો સંબંધ છોડી દે છે તે પ્રમાણે માણસે પોતાનું જીવન પુરું કરીને તે પછી અનાસક્ત ભાવે તેનો ત્યાગ કરવાનું શીખવું જોઈએ અને નવી તક માટે પરવાના રૂપ થનાર મરણનું સ્વાગત કરવું જોઈએ.

એકાદ પ્રિય વ્યકિતનું મૃત્યુ થતાં આપણને દુઃખ થાય તે સ્વભાવિક છે ,કારણકે આપણે તેની સાથે મમતાની લાગણીથી જોડાએલા અને તેનો સહવાસ ગુમાવીએ છીએ. કયારેક એવું મૃત્યું આપણી દૃષ્ટિએ અનિષ્ટ હોવા છતાં મરનારની દ્રષ્ટિએ તે ઇષ્ટ અને હિતાવહ હોઈ શકે છે. એવે વખતે આપણે આપણું દુખ ગળી જવું જોઈએ..માણસ પાસે પ્રસન્નતા હોય તો તેને જેવી રીતે ઉત્સાહપૂર્વક જીવતાં આવડે ,તેવી જ રીતે શાંતિ અને શોભાથી તેને જીવન પુરું કરતાં પણ આવડવું જોઈએ. જેઓ દીર્ઘાયુ હોય છે તેમનું એક દુખ એ છે કે તેમને ઘણાનાં મરણના સમાચાર સાંભળવા પડે છે.દુનિયા છે જ નાશવંત ,એમાં લોકો જેમ જન્મે છે તેમ મરે પણ છે.એનું દુખ તે શું કરવાનું? જાણીતા લેખક એચ.જી.વેલ્સનું એક સુંદર કથન છે કે :”મૃત્યું નામની નર્સ આવીને માણસને કહે છે કે હે મારા પ્રિય બાળક !તારાં બધાં રમકડાં એમની જગ્યાએ ગોઠવી દે, હવે તારો સુવાનો સમય થયો છે.”

પોતાના ખુબ જ ટૂંકા જીવન દરમ્યાન દેશ પરદેશમાં બોધ વચનો તેમજ ધર્મિક સાહિત્યથી હિંદુ સંસ્કૃતિનો પ્રચાર અને પ્રસાર કરી,, જિંદગીને ભરપુર પ્રેમ કરી, આધ્યત્મિક જીવનનો અમર વારસો પાછળ મૂકી જનાર સ્વામી વિવેકાનંદનાજીવનનો એક પ્રસંગ મરણનું સ્મરણ શા માટે સતત રાખવું જોઈએ એની સ્પષ્ટતા કરે છે.પોતાની અમેરિકાની મુલાકાત દરમ્યાન શિકાગોમાં એમનું ધાર્મિક પ્રવચન પુરું કર્યા પછી સ્વામીજી એમના સ્થાને બેઠા ત્યારે એક ઉત્સુક શ્રોતાજને ઉભા થઇને સ્વામીજીને પ્રશ્ન પૂછ્યો” સ્વામીજી ,એવી કઈ બાબત છે જેને માણસે આખા જીવન દરમ્યાન સતત યાદ રાખવી જોઈએ ? ઘણા સભાજનોએ મનમાં ધારણા કરી હશે કે તેઓશ્રી ‮‬‬માણસે પોતાના આરોગ્યને કે ભગવાનને હમેશાં‬ યાદ રાખવા જોઈએ એમ કહેશે. પરંતુ બધાંના આશ્ચર્ય વચ્ચે સ્વામીજીએ સસ્મિત ફક્ત એક જ શબ્દમાં જવાબ આપ્યોકે “મૃત્યું “. પોતાના આ જવાબની સ્પષ્ટતા કરતાં એમણે આગળ કહ્યું કે”મૃત્યુને હમેશાં એટલા માટે યાદ રાખવું જોઈએ કેમકે એથી આપણાં કાર્યોથી કોઈને દુખ નહી પહોંચે, આપણે હમેશાં સત્ય બોલીશું ,આપણે મનુષ્ય જાત પ્રત્યે વધુ પ્રેમ દાખવીશું.

આ જીવન નાશવંત છે એનું હંમેશા સ્મરણ થયા કરશે. આ જિંદગી સતત બદલાતી રહે છે.બીજાઓને મ્હાત કરવા કે છેતરવા માટે આ જિન્દગી નથી. કોઈ પણ વસ્તુનો ગર્વ કરવાનો કોઈ અર્થ નથી. જો કોઈ પણ ચીજ તમારા જીવનના અંત પછી તમારી સાથે આવવાની ન હોય તો પછી એની શું કિંમત છે ?એટલા માટે મૃત્યુનું હંમેશાં સ્મરણ રાખવાથી આ બધું સ્પષ્ટ સમજાતું જશે અને વર્તમાનમાં તમને વધુ નમ્ર બનાવશે અને તમને પાપો કરતાં અટકાવશે. મરણ સામું દેખાતું હોય ત્યારે પાપ કરવાની હિંમત ચાલતી નથી.”

જેમ નદી અને સમુદ્ર એક જ છે તેમ જીવન અને મૃત્યું પણ એક જ છે. એટલા માટે માણસે મનમાં મરણની જરા પણ ચિંતા કે ડર રાખ્યા સિવાય કોઈ પણ જાતની શરત વિના ભગવાનની મહામુલી ભેટ એવા જીવનને ભરપુર પ્રેમ કરવો જોઈએ..જીવનનો એક છેડો મરણને અડકતો હોઈ એની અનિશ્ચિતતા અને અનિવાર્યતાને સ્મરણમાં રાખતા રહી છેવટની ઘડી અત્યંત પાવન , પુણ્યમય અને મધુર કેવી રીતે થાય એ માટે જીવન દરમ્યાન અભ્યાસપુર્વક કાર્ય કરતા રહીશું તો આપણે જીવન તેમજ મરણના સ્વામી થઈને રહીશું. જીવનનો દાખલો આપણે એવી રીતે ગણવો જોઈએ જેથી
મરણનો જવાબ સાચો આવે.

જેનો અંત સારો એનું સઘળું સારું.માણસ એક સદગૃહસ્થ કુટુંબમાં જન્મે એ એક અકસ્માત છે પણ એક સદગૃહસ્થ તરીકે મરણ પામે એ એના જીવનની એક સિદ્ધિ છે.

આપણે કેટલું જીવ્યા એ મહત્વનું નથી પરંતુ તમારી રહેણી કરણીથી બીજાઓના હૃદયમાં કેવું અને કેટલું જીવ્યા,તમારા જીવનના લોખંડમાંથી પ્રેમના પારસમણી વડે કેટલું સોનું નીપજાવ્યું એ જ મહત્વનું છે.કોઈ લેખકે સાચું કહ્યું છે કે મોટી વાત તમારા જીવનમાં વરસો ઉમેરવાની નહી પણ તમારા વરસોમાં જીવન ઉમેરવાની છે. જિંદગી લાંબી હોય કે ટૂંકી જેને સારી રીતે જીવતાં આવડ્યું છે એવી વ્યકિત મરણનો કોઈ ડર મનમાં રાખ્યા સિવાય હસતા મુખે એક ઘેર આવેલા મહેમાનની જેમ એનો સત્કાર કરે છે અને મૃત્યું પછી પણ એના જીવનની સુગંધનો પમરાટ જગમાં મુકતો જાય છે.—લીલી વાડી જોયા પછીનું મૃત્યુ તો ઉત્સવ છે

આ લેખના અંતે જાણીતા ભજનિક અનુપ જલોટાના મધુર કંઠે ગવાતા સંત કબીરના દુહાના આ શબ્દો થોડામાં ઘણું કહી જાય છે:
” જબ તુમ જગમે આયા ,જગ હસા તુમ રોય ,ઐસી કરની કર ચલો ,તુમ હસો જગ રોય .”

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

ઉપરના મારા ચિંતન નિબંધના વિષયને અનુરૂપ મારી એક કાવ્ય રચના “ યાદ રાખ,દેહની અંતે થઇ જશે રાખ “ ન્યૂયોર્કથી પ્રકાશિત ગુજરાત ટાઈમ્સના તારીખ ૭મી ઓગસ્ટ,૨૦૦૯ના અંકમાં પ્રગટ થઇ હતી એ અહીં થોડા જ ફેરફાર સાથે મારા આ બ્લોગમાં રજુ કરું છું.

યાદ રાખ, દેહની અંતે થઇ જશે રાખ !

માંનવી કદી અમર ન હતો કે ન છે એમ છતાં,
જીવી રહ્યો જાણે, છે અમર એમ નિજ જિંદગીમાં.
ભૂલી ગયો અબુધ કે જીવનની આ સફર પુરી થયે,
નક્કી સંચરવું પડશે સ્મશાને બધું પાછળ છોડીને.
ખુબ સાચવી શણગારી ટપાર્યો એ પામર દેહ તારો,
જતાં પ્રાણ, માત્ર રાખનો ઢગ થઇ જવાનો, સ્મશાને.
ધનદોલત અને સોના મહોરોનો તેં ખુબ ગર્વ કર્યો,
કિન્તુ તુજ ધનિક દેહની થયેલ રાખ ક્યાં સોનાની હતી!
ગરીબ હો યા તવંગર, અંતે રાખ તો સૌની એક સમાન.
માટે હે માનવ, તવ કાયા ને માયાનું ગુમાન ન રાખ,
કેમકે એક દિન જરૂર આવશે યાદ રાખ કે જ્યારે ,
કંચન મઢી મગરૂર કાયાની નક્કી થઇ જશે માત્ર રાખ.
હે માનવ,પીછાણી તવ પામર દેહની આ નશ્વરતાને,
વિસારીશ નહી કદી, જીવ મૂકી તને જીવાડનાર, ઈશ્વરને.

સાન ડિયાગો                                    વિનોદ આર. પટેલ