Monthly Archives: October 2019
સંવેદનાના પડઘા -મારી સંવેદના વહેતી જ રહેશે
માણસની સંવેદનાનું વહેવાનું ક્યારેય સમાપન હોઈ શકે? ન હોઈ શકે ને? એક દીકરી લગ્ન કરીને સાસરે જાય ત્યારે તેની સખી તેની અણવર બનીને દીકરીને વળાવે ત્યારે તેની સાથે જાય.સખીને તેના નવા કુંટુંબીજનો સાથે કંકુ પગલા પડાવી પ્રવેશ કરાવી,કથરોટમાં કંકુવાળા પાણીમાં પૈસા રમતી કર્યા પછી પોતાના ઘેર પાછી ફરે.
મારા નવા બેઠક કુંટુંબમાં રાજુ મારી અણવર બનીને આવી.મને બેઠકના મારા પરિવાર સાથે પ્રવેશ કરાવી મને પ્રજ્ઞાબેન,કલ્પનાબેન,સપનાબેન, ગીતાબેન,દર્શનાબેન,જયવંતીબેન,વસુબેન,જ્યોત્સ્નાબેન જેવા અનેક કુંટુંબીજનો સાથે ઓળખ કરાવતી ગઈ. પણ હા, મારી અંદર ઘૂઘવતી સંવેદનાના સાગરનો અવાજ પ્રજ્ઞાબેન સાંભળી ગયા. મહિને એકાદ વાર્તા હોય તો સમજ્યા પણ દર બુધવારે એક એવી એકાવન જુદી જુદી લાગણીઓ વહેવડાવતી વાર્તા લખવાનું બળ તો પ્રજ્ઞાબેનના મારા પરના અતૂટ વિશ્વાસ વગર શક્ય ન બન્યું હોત…..મારી કલમને વહેતી કરાવવા બદલ હું હંમેશ તેમની ઋણી રહીશ.
મારી લખવાની શરુઆતમાં જ દાવડાસાહેબે પણ મારી વાર્તાઓ અને મારી ઓળખાણ તેમના બ્લોગ પર મૂકી . શબ્દોના સર્જન પર પણ હંમેશ તેમણે પ્રોત્સાહન આપતી કોમેન્ટ મૂકી છે ,તો તરુલત્તાબહેન અને જયશ્રીબેને પણ હમેશાં મને લખવા માટે પ્રોત્સાહન આપી લોકોને ગમે તેવું રસાળ શૈલીમાં કેવી રીતે લખાય તેના સૂચનો આપી નવા રસ્તા ચીંધ્યા છે.વડીલ સુરેશભાઈ જાનીએ પણ તેમના સંચાલિત બ્લોગ ઈવિધ્યાલય પર”હોબી” વિભાગમાં મને બાળકો માટે લખવા નિમંત્રી.આમ વડીલોની પ્રેરણા અને મારા વાચકોના પ્રેમને લઈને મારી કલમ હવે અવિરત ચાલતી રહેશે.
સંવેદનાના પડઘામાં દરેક વાર્તામાં મેં મારી નજરે જોયેલા સમાજનું આબેહૂબ વર્ણન કર્યું છે.લોકોની નહીં બદલાયેલ માનસિકતા તો અંધશ્રદ્ધાથી ખદબદતી ભારતના લોકોની રુઢીચુસ્ત માન્યતા પર વાત કરી.
માત્ર નારીશક્તિની ઉજાગરતા જ નહી પણ સ્ત્રીનાં શરીરની મર્યાદાને સમજાવવાની પણ કોશિશ કરી.સાસુ-વહુનાં નાજુક સંબંધો તો યુવાનીનાં રોમાન્સ ભર્યા પ્રેમની વાતો પણ કરી. દેશપ્રેમ,મોદીપ્રેમ તો
ક્યારેક પતિપત્ની સંબંધો અને સેક્સ જેવા બોલ્ડ વિષયને અને “મને પણ” જેવી વાર્તામાં યુવતીઓની સતામણીના નાજુક વિષયને રુપાળા શબ્દોમાં ગૂંથીને મૂકવા પ્રયત્ન કર્યો.”ઓ સાથી રે….”માં મારી અને મારા મિત્રોના દિલની વાતો હસતા અને હસાવતાં કરી તો ક્યારેક “લલી ના લાડુ “ માં પરદેશમાં વસતા પટેલોની ધંધાકીય સૂઝબૂઝને હસાવતાં હસાવતાં ચુરમાના લાડુ ખવડાવી કરી.આપણે જોયેલ ગઈકાલના ભારત અને અમેરિકાની આજ ની વાત પણ કરી..
આ વાર્તાઓ થકી મારી અંદર ચાલી રહેલ સંવેદનાના ઝંઝાવાતને તમારા સુધી પહોંચાડી તમારા મન હ્રદય સુધી હું પહોંચી શકી હોય તેવો અનુભવ તમારી કોમેન્ટ દ્વારા કર્યો.કયારેક કોઈની આંખ ભીની થઈ તો કોઈવાતમાં મેં જાણે દરેક વ્યક્તિએ તે વાર્તા જેવાો જ અનુભવ કર્યો હોય તેવો અહેસાસ પણ તેમની કોમેન્ટ પરથી થયો.આમ સૌને મારી સાથે જોડવાનો આનંદ પણ અનોખો રહ્યો.
આમ જીવનના નવરસનું પાન કરાવતા કરાવતા કોઈકને કોઈક સંદેશ લોકો સુધી પહોંચાડવા પ્રયત્ન કર્યો. મારી સંવેદનાના પડઘાને વાર્તા રુપે મૂકી તમારા હ્રદય સુધી પહોંચવાનો નમ્ર પ્રયાસ કર્યો.
આ વાર્તાઓના મૂળ ક્યાંથી ફૂટ્યા તેની વાત હવે પછી
વાત્સલ્યની વેલી ૫૦) નર્સિંગહોમમાં – ઉપેક્ષિત મા બાપ !
Posted on October 29, 2019 by geetabhatt
જે માતા પોતાના બાળક માટે સર્વસ્વત્યાગતાંયે અચકાતી નથી ,બાળકનાઉછેર માટે કોણ જાણે કેટલાયે શારીરિક, માનસિક ત્રાસ પણ સહન કરી લે છે , એમ વિચારીને કે હમણાં બધું સહન કરીલેવાદે અને બાળકને મોટું થઇ જવાદે ! એજ માતા જયારે વૃદ્ધ થાય છે અનેઅસહાય દશામાં હોય છે, લગભગબાળક જેવી બની જાય છે ત્યારેવાત્સલ્યની વેલ ક્યારે કેટલાંક કુટુંબોની,નબળી કેમ પડી જતી હોય છે? કારણકેશું એ બાળકો હવે પુખ્ત વયનાં થઇ ગયાંછે, અને ક્યારેક સંજોગોથી મજબુર હોયછે એટલે ?
મારુ કાર્યક્ષેત્ર આમ તો બાળ સંભાળઅને બાળ શિક્ષણ ! એમાં ઘણાંભયસ્થાનો હોય ! પણ નિષ્ઠાથી કામકરીએ એટલે ભગવાનની કૃપાથી પારઊતરીયે! એને હું ભગવાનનું મારાં ઉપરનુંઋણ સમજીને થોડું કામ નિઃશ્વાર્થ ભાવેકરવા વિચારું !
એટલે વર્ષો સુધી તેમાં કામ કરતાં કરતાં,થોડોકે સમય સમાજને ઉપયોગી થાયતેવું કાંઈક – પણ અર્થોપાર્જન માટે નહીં – તેવું વોલેન્ટિયર વર્ક કરવાનું વિચાર્યું !
શિકાગોના ઉત્તરીય પરા સ્કૉકી જ્યાંઅમે રહેતાં હતાં , ત્યાંથી માત્ર એકાદમાઈલ દૂર એક નર્સિંગહોમ પાસેથી ઘણીવાર પસાર થાઉં; ત્યાં થોડો સમયસ્વૈચ્છિક સેવાઓ આપવાનું વિચાર્યું.
એ નર્સિંગ હોમમાં થોડાં ગુજરાતી વડિલોપણ હતાં એમ સાંભળ્યું હતું .”આવડિલોની સેવા કરીશ તો દેશમાં આપણાંવડિલોની સેવા કોઈ બીજું કરશે !”મનેથયું. .
એક દિવસ હું ત્યાં કોઈની સાથે ગઈ !
સાંજનાં ચારેક વાગ્યા હતાં. બહાર ભેંકારઠંડી , અંધારિયું અને સ્નોના ઢગલાઓનેલીધે ડીપ્રેસિંગ લાગે તેવું ઉદાસીવાતાવરણ હતું ; પણ અંદર તો સરસસુશોભિત ક્રિશ્ચમસ લાઈટો અનેડેકોરેશન હતાં!
મને વોલેન્ટિયર કાર્ય માટે એ જગા ગમીગઈ !
પણ, જેમ જેમ હું એ ગુજરાતી દાદાદાદીઓની નજીક આવતી ગઈ તેમ તેમબહારની ઉદાસીનતા કરતાં એમનાંભિતરનો ખાલીપો મને વધુ રડાવવાલાગ્યો ! એક વખતનાં સમૃદ્ધ , ભણેલગણેલ , સફળ કારકિર્દી ધરાવતાં – એકવખતનાં ડોક્ટર , એન્જીનીયર , શિક્ષકકે દુકાનદાર ,આપણાં મા બાપ કે દાદાદાદીની ઉંમરનાં વડીલોની મજબૂરીઓથીએ જગ્યા છુપાં ડૂસકાં ભરતી હતી ! ( આથોડાં વર્ષો પહેલાની વાત છે )
પારકો દેશ ! અજાણી ભાષા ! અજાણ્યુંવાતાવરણ !
અને સૌથી વધુ તો એ પારકાં લોકો ! નાકોઈ મિત્ર કે ના કોઈ આપ્તજન ! નેએમના હાથનું ગુજરાતી ભાણું ,જે તેસ્વાદનું , ખાવાનું એ વડિલોને ખટકતુંહતું!અને હવે તેઓ કોઈ પણ સંજોગોમાંદેશમાં જઈને રહી શકે તે શક્ય નહોતુંકારણ કે દેશમાં પણ એમનું પોતાનું કોઈનહોતું!
નિવૃત્તિની ઉંમરે ,પોતાના સંતાનોની સાથેરહેવા આવવાથી તેમને અહીંનાસમાજનો પૂરો પરિચય નહીં ! વળીસંતાનો પણ પોતાનાં જીવનમાં વ્યસ્તહોવાથી જયારે કોઈના હાથ પગ કે મગજકામ કરવામાં તકલીફ આપવા માંડ્યાંત્યારે મજબૂરીથી સંતાનોએ પોતાનાં માબાપનાં હિત માટે જ આ માર્ગ શોધ્યોહતો ! “ નર્સિંગ હોમમાં તમારી સારીદેખભાળ થશે .” સંતાનોએ એમસમજાવી પટાવીને તેમને પરાણે અહીંદાખલ કરેલાં. અમેરિકાનાં સિનિયર્સહોમ કરતાં આ જુદા પ્રકારની જગ્યા છે: અહીં સ્વતંત્ર રીતે ના રહી શક્તાં લોકો જમોટાભાગે આવતાં હોય .એ લોકો પછીકાયમ માટે જ અહીં રહેતાં હોય. ક્યારેકસંતાનો થોડાં સમય માટે મા બાપનેપોતાને ઘેર લઇ જાય , પણ પછી પાછાંનર્સિંગ હોમમાં જ આવી જાય!
સમૃદ્ધ દેશ અમેરિકામાં વૃધ્ધોને ઘણાંઆર્થિક લાભ મળે છે તેને કારણે પણસંતાનોને આ રસ્તો વધારે સરળ લાગ્યોહતો! હા , પોતાનાં મા બાપ શું ઈચ્છે છેએ જાણવાનું કદાચ બધાં જ સંતાનોભૂલી ગયાં હતાં!
નર્સિંગ હોમના મારા સાત આંઠ વર્ષનાઅનુભવો ઉપર એક પુસ્તક લખાય! એકપણ વડિલને મેં ત્યાં સ્વેચ્છાએ , “ ચાલો , આવી સરસ જગા છે, તો નિરાંતે અહીંરહીએ !” એમ વિચારીને આવેલા જોયાંનહોતાં! હા, અકસ્માતમાં ઘવાયેલ અનેથોડો સમય આરામ કરવા આવતાંલોકોની વાત જુદી છે.
પણ આવી કફોડી પરિસ્થિતિમાંયે માનુંદિલ તો સંતાનોને આશીર્વાદ જ આપતુંહોય છે! મેં જોયું હતું કે ઉપેક્ષિત મા ત્યાંનર્સિંગહોમમાં રહેવા છતાં પોતાનાંસંતાનોમાટે તો પ્રેમ જ દર્શાવતી હતી ! કેવું છે આ માતૃપ્રેમનું ઝરણું ?
ઘરની નજીક જ આ વિલેજ નર્સિંગ હોમહોવાને કારણે ક્યારેક કોઈક વાનગીઓએ વડિલો માટે પણ બનાવું. દિવાળીઉપર તો ખાસ એ લોકોને ફરસાણ અનેમીઠાઈ વહેંચીને અમે દૂર દેશમાં વસતાંઅમારાં પેરેન્ટ્સને યાદ કરીને સંતોષમાનીએ.
“આ બે ઘૂઘરા અને મોહનથાળના બેચકતાં ઇન્દિરાબા, હું તમારે માટે જ લાવીછું, હોં!
મેં એક દિવસ મન જરા સાંકડું કરીને કહ્યું, કારણકે આગલે વર્ષે જયારે હું પ્રેમથીમીઠાઈ લઇ ને ગઈ હતી ત્યારે એ મીઠાઈવર્ષમાં માંડ ચાર વાર ખબર કાઢવાઆવતાં દીકરાને ( અને વહુને મોંઢે ગઈહતી..) અને એવા તો અનેક પ્રસંગો યાદઆવે છે જયારે મા પોતોનો દીકરો કેદીકરી ખબર કાઢવા આવે ત્યારે નિતાંતપ્રેમ અને માત્ર પ્રેમ જ વરસાવે!
આજે દિવાળીના શુભ દિવસોએ એ સૌવડિલોની યાદમાં આંખ ભીની થઇ જાયછે! મેં એ નર્સિંગહોમમાં વર્ષો સુધીમૃત્યુની રાહ જોઈ રહેલ મા બાપને જોયાંછે! અરે મા મૃત્યુ પામે પછી બાપનેસ્મશાને કે બેસણામાં લઇ જવા છોકરોઆવ્યો હોય અને પછી પાછો
બારોબાર અહીં નર્સિંગ હોમમાં જ મૂકીગયો હોય એવુંયે બન્યું છે !એકાદ દિવસપણ બાપને પોતાની ઘેર રાખવાનું વિચાર્યુંનહીં હોય!. એ નેવું વર્ષની ઉંમરનાં દાદા,પત્નીનો વિયોગ અને પછી પુત્રનું આજાતનું વર્તન પછી ચોધાર આંસુ સારતામેં જોયાં છે.. ને યાદે હું આજે પણ રડું છું.. જે મા બાપ બધું જ ત્યજીને માત્રસંતાનોના હિત માટે જુવાનીના અમૂલ્યવર્ષો વાપરી નાંખે છે, તેમને થોડીસહાનુભૂતિ , થોડો પ્રેમ, થોડી હૂંફલાગણી દર્શાવવાની શું સંતાનોની ફરજનથી ? બસ , બીજું કાંઈ નહીં પણ એમનેથોડા માન સન્માન આપીએ તો પણવાત્સલ્ય વેલ મુરઝાશે નહીં!
વાત્સલ્યની કેડી અને વ્હાલપનાં પગલાં !
ડગમગ ડગ ભરતાં ને યાદોમાં સરતાં!
રોવડાવે , હરખાવે , આસુંડા છલકાવે !
એવી છે જીવનની રીત ! એવી આજીવનની રીત!
Sent from my iPhone
Subhash (Sam) Bhatt
773-251-7889
૧-કવિતા શબ્દોની સરિતાની સાથે-સ્વ આનંદની સ્મૃતિઓ-રાજુલ કૌશિક
એક સવારે પ્રજ્ઞાબેન રણક્યા…ફોન પર સ્તો. અને મને ‘હકારાત્મક અભિગમ’ વિશે લખવાનું કહ્યું.
“ અરે આ તો મારો મનગમતો વિષય..” હું તો રાજી રાજી …કારણકે સાવ નાનપણથી એવી વાતો વાંચવી ગમતી જે સાવ સરળતાથી આપણને કશુંક કહી જાય. કંઈક શીખવી જાય, આપણા મનને કોઈક સંદેશો આપી જાય. સાચું કહું તો આજે પણ આવી સાવ નાનકડી પણ અર્થસભર વાતો હજુ પણ એટલી જ વાંચવી ગમે છે. એ વાતના અનુસંધાનમાં અવનવા વિષયને લઈને દર સોમવારની ઉઘડતી સવારે એક વર્ષ સુધી લેખ આપ્યા. એક વર્ષ તો આંખના પલકારામાં વહી ગયું.
વળી એક સવાર અને પ્રજ્ઞાબેન રણક્યા.. ફોન પર સ્તો…અને મને કાવ્યો, કાવ્યો થકી થતી અનુભૂતિ વિશે લખવાનું કહ્યું.
જો જો મઝા…મૂળ રહી હું ગદ્યની વ્યક્તિ..
વાંચવામાં પણ મારું ધ્યાન સૌથી પહેલા ગદ્ય તરફ જ ખેંચાય. ગીત, ગઝલ કે કાવ્યો ય વાંચવા ગમે તો ઘણા, માણવાની પણ મઝ્ઝા આવે. સંગીતની મહેફિલ માણવી ય ખુબ ગમે પણ લખવાની વાત આવે એટલે મારી અભિવ્યક્તિ આપોઆપ ગદ્ય સ્વરૂપે જ પ્રગટે.
એક નવી, અલગ માનસિક સફર શરૂ થઈ. નવો વિચાર, નવો અભિગમ અને એને એવી રીતે મુકવાનો જેમ ખળખળ વહેતી સરિતા.
પદ્યના પણ કેટલા સ્વરૂપ? આપણે જન્મથી જ માતાના હાલરડા સાંભળતા જ મોટા થયા ને? પછી જોડકણા, બાળગીતો અને સૌના શિરમોર જેવી પ્રાર્થનાઓ પણ ખરી જ…એ તો સૌ કોઈના પણ જીવનના આરંભથી માંડીને અંતે પ્રાર્થનાસભા સુધી…. આમ એક નહી અનેક સ્વરૂપે પદ્ય આપણા જીવનમાં જન્મથી જ જોડાયેલું અને વણાયેલું રહ્યું છે.
આપણે વાત કરતા હોઈએ, કોઈ સરસ દ્રશ્ય નજર સામે આવે ત્યારે, એ સમય-સંજોગો અનુસાર કોઈ ગીત, ગઝલ યાદ આવી જતી હોય એવું ય ઘણીવાર નથી અનુભવ્યું? અરે, ખુબ ખુશ હોઈએ ત્યારે ગણીગણી ઉઠીએ છીએ ને? પણ એ સાવ સ્વભાવિક સ્થિતિ હોય એટલે કદાચ કોઈ ગીત ગણગણીને આપણે આગળ વધી જઈએ અને એ ક્ષણ ત્યાં જ સ્થિર થઈને રહી જાય એવું બને. હવે એ જ વાતને જ્યારે એક સ્વરૂપ આપવાનું નિશ્ચિત થયું ત્યારે ફરી એ તમામ ક્ષણો મનમાં સળવળી.
મઝાની વાત તો એ બની કે ‘કવિતા શબ્દોની સરિતા’ લખવાનું શરૂ થયું એ સમય હતો સરી જતા શ્રાવણનો. આ શ્રાવણ પણ ભારે મોજીલો હોં…. મનમાં આવે તો જતા જતા ય હળવેથી આવીને ક્યારેક આપણને વહાલથી વળગી પડે. શ્રાવણની એ ઝરમરમાં તો ભલભલા શુષ્ક જીવો ય ખીલી ઉઠે. હળવી થપાટે વહેતો પવન હોય, શ્રાવણના સરવડિયા હોય અને ચારેકોર નજરની સામે ધરતી લીલીછમ ઓઢણી ઓઢીને રૂમઝુમ થતી હોય તો આપણું મન પણ ઝૂમી જ ઉઠે ને?
વળી એમાં ઉમેરાયા આપણા ઉત્સવો.. રામ-કૃષ્ણ કે મહાવીર જન્મના ઉત્સવો..ત્યારે મનમાં વિચાર આવ્યો કે આ સૌના જન્મ અને જીવનને આપણે કેવા અનેરા ભાવથી જોઈએ છીએ ?આપણું જીવન પણ ઈશ્વરીય ભેટ જ છે ને? તો ચાલો આપણે પણ આપણા જન્મ અને જીવનને એક ઉત્સવની જેમ જીવી લઈએ અને જ્યાં ઉત્સવ હોય ત્યાં તો ગીત-ગુંજન તો હોય જ ને?
અમસ્તા ય આપણી સંસ્કૃતિમાં દરેક પ્રસંગ માટે કેટલા બધા ગીતો લખાયેલા છે? જન્મ, મરણ, લગ્ન—અરે લગ્નના પણ કેટલા ગીતો? કંકોતરી લખાય, ગણેશ સ્થાપન થાય ત્યારથી માંડીને દરેક વિધિના વિવિધ ગીતો. માણેકથંભ, માંડવા મુરત, પીઠી, ફેરા, છેડાબંધી, મંગળગીત, વિદાયગીત…
આપણી સંસ્કૃતિ, આપણા રીત-રિવાજો, સઘળું ય કાવ્યમય.
વળી આ જન્મોત્સવની પાછળ પાછળ આવતી નવરાત્રી તો ઉત્સવની રાણી અને બસ પછી તો મન પણ હેલે ન ચઢે તો જ નવાઈ.
મનની સાથે મોસમ પણ ખુલી. અને હા! અહીંની મોસમ સાવ અનોખી. એની રૂખ બદલતા જરાય વાર ન લાગે. તે સમયે નજર સામે વેરાયેલી આ વનરાજીએ પણ રંગ બદલવા માંડ્યા હતા અને આજે અત્યારે આ સમયે પણ એ જ નજારો છે. નજર સમક્ષ આપણા જીવનના નવરસની જેમ પ્રકૃતિએ નવરંગ ધારણ કર્યા છે. આ સામે દેખાતા સુગર મેપલ, સૂમૅક, ડૉગવુડે પણ કેવી અનોખી રંગછટા ધારણ કરી છે? આ લીલાછમ વૃક્ષોએ લાલ-પીળી, શ્યામ ગુલાબી ઓઢણી ઓઢી છે. તો કોઈએ પીળા પિતાંબર પર કેસરી ખેસ ધારણ કર્યો છે.
નજર ભરાઈ જાય એવા સમયે તો આપણું મન પણ ગણગણી જ ઉઠે ને? માટે જ તો એ ભાવને ગીત-ગઝલ કે કાવ્યના સ્વરૂપે ઢાળવામાં આવતા હશે ને? મનમાં ઉઠતા તરંગોને વહેતા મુકવા કાવ્યમય રજૂઆતથી વધીને બીજું શું હોઈ શકે ભલા? થોડામાં ઘણુ કહી જતી પદ્ય રચનાઓ વિશે વાત કરવાની ક્ષણને મેં સ્વીકારી લીધી અને આમ વહેતી થઈ મારી ‘કવિતા શબ્દોની સરિતા’..
Rajul Kaushik
http://www.rajul54.wordpress.com
પ્રેમ પરમ તત્વ : 47: દિલ : સપના વિજાપુરા
પ્રેમ નો સીધો સંબંધ દિલથી છે. દિલ જે કહે તે પ્રેમ!! દિલ જે સત્ય કહે છે, દિલ જે કોઈની વાત માનતું નથી. દિલ જે પોતાનોકક્કો સાચો માને છે. દિલ વિષે કેટલાય મુવી બની ગયા છે અને દિલ વિષે હજારો ગીત, હજારો ગઝલ, અને હજારો કવિતાઓ લખાય ગઈ છે. પણ એમ પણ કહી શકાય કે કવિ દિલ માટે જ બન્યો છે કા તો દિલ તૂટવા થી અથવા દિલ ના સંવારવાથી।
ચાલો દિલ વિષે વાત કરીએ તો માનવ શરીરનું એક અગત્યનું અંગ છે. જેના હોવાથી જ આપણું હોવાપણું છે અને જેના બંધ થવાથી દુનિયા સ્થગિત થઇ જાય છે. આમ તો દિલનું કામ આખા શરીરમાં લોહી પહોંચાડવાનું અને ખરાબ લોહીને શુદ્ધ કરવાનું છે. બાકી કોઈ કામ દિલનું નથી.
પણ દિલનું સૌથી મોટું કામ લાગણીઓને સ્પર્શવાનું છે. કોઈ પણ લાગણી પ્રેમની , નફરતની, સુખની, દુઃખની, કરુણાની, દયાની, પછી જાતીય સુખની। આપણને સ્પર્શની ભાષાનું ભાન દિલ અને દિમાગ કરાવે છે. દિલ દિમાંગની વાત સાંભળી એ લાગણીનું વિશ્લેષણ કરે છે અને દિમાગને હુકમ આપે છે કે આપણે શી રીતે વર્તવાનું છે. કદાચ કોઈ ડોક્ટર આ વાત નહિ માને પણ મારો અભિપ્રાય છે.
સૌથી પહેલા નફરત વિષે જાણીએ. કોઈ વ્યક્તિ આપણને નફરત કરે છે. એના હાવભાવ અને તમારી સાથેનીવાતચીત પરથી તમને ખબર પડી જાય છે. તમને આ વ્યક્તિ ગમાડતી નથી. દિલને દુઃખ પહોંચે છે એ દિમાંગને કહે છે કેફલાણી વ્યક્તિથી દૂર રહે. અને દિમાગ જાત જાતની કોશિશ કરે છે એ વ્યક્તિથી દૂર રહેવા માટે. સુખની લાગણી તો બહુ સ્વાભાવિક છે. દિલને ગમ્યું તે થયું તો સુખ અને દિલને ના ગમતું થયું તો દુઃખ. કરુણા અને દયાની લાગણીમાં દિલ દિમાગને હુકમ કરે છે કે ફલાણી વ્યક્તિ પીડિત છે જે મારાથી જોયું જતું નથી. કોઈ ગરીબ, કોઈ ફકીર, કોઈ જરૂરતમંદ ,કોઈ બીમાર. કોઈ ઇજા પામેલ અને કોઈ મુસાફર, આ બધા પ્રત્યે દયા અને કરુણા ઉત્પન્ન થાય છે અને દિલ દિમાગને હુકમ કરે છે મદદ કરવા માટે અને એ માટે દિમાગ કોશિશ કરે છે.
હવે વાત આવી ગમતો જાતીય સુખનો સ્પર્શ અને અણગમતો સ્પર્શ. દિલને બંધ ખબર પડે છે અને દિલ ફરી દિમાગને હુકમ કરે છે અને ક્યાં ચેતીને ચાલવાનું છે તે જણાવે છે. અમેરિકામાં તો આ માટે બાળકોને પણ ખાસ લેસન આપવામાં આવે છે।. ગમતા સ્પર્શ અને અણગમતા સ્પર્શ માટે. કોઈ વ્યક્તિ પર બળાત્કાર થતો હોય તો દિલ બરાડા પાડીને ના પાડે છે અને દિમાગ ને હુકમ કરે છે અને દિમાગ બચાવાની હાલતમાં હોય તો વ્યક્તિને બચાવી લે છે.
છેવટે વાત કરીએ પ્રેમની. પ્રેમનો સીધો રસ્તો દિલ સાથે છે. દિલ ને કોઈ ગમી જાય, કોઈની જીલ જેવી આંખોમાં ડૂબી જવાનું મન થાય. કોઈ નો સ્પર્શ દુનિયાના કોઈપણ સ્પર્શ કરતા વહાલો લાગે અને કોઈનો વિચાર દિલને પુલકિત કરી દે. કોઈ નો વિચાર કર્યા વગર દિલ રહી ના શકે. દિલ વારંવાર કહે કે “દિલ હૈ કી માનતા નહિ.” દિલ તો હૈ દિલ દિલકા ઐતબાર ક્યાં કીજે ” દુનિયા આખીના બધા દિલ પરના ગીત તમારા માટે લખાયા છે એવું લાગે ત્યારે દિલ તમારું ચોરાયું છે એમ માની લેવું અને અને દિલ પર કોઈ જોર ચાલતું નથી. હવે પ્રેમ દિલમાંથી ઉદભવે છે અને દિલ આ પ્રેમને પરમ સુધી પહોંચાડવા માગે છે. જો બે આત્માનું મિલન થાય તો દુનિયા સ્વર્ગ બની જાય છે. પણ જો બે આત્મા મળે નહિ તો આ પ્રેમ દિલમાં ધરબાઈ જાય છે. અને દિલ ની અંદર ક્યાંક એ પ્રેમ જળવાઈ રહે છે. અને જો આ પ્રેમને જો સાધના ગણી લેવામાં આવે તો આ પ્રેમ પરમ સુધી પહોંચીશકે છે.
ઘણીવાર શરીરનું મિલન શક્ય નથી ત્યારે આત્મા મળી જાય છે. પ્રેમ એક સાધના બની પરમ તત્વ બની જાય છે. પ્રેમનીવ્યાખ્યા બધા પાસે જુદી જુદી હોય છે. કોઈ બાળકને પ્રેમ વિષે પૂછશો તો કહેશે કે મારી માતા એજ પ્રેમ. અને કોઈ યુવાન કેયુવતીને પૂછશો તો પોતાના પ્રેમીને પ્રેમ ગણાવશે. કોઈ પતિ પત્નીને પૂછશો તો એક બીજાની કાળજીને પ્રેમ તરીકેગણાવશે. અને કોઈ માતાપિતાને પૂછશો તો બાળકોને પ્રેમ કહેશે. દરેક ઉંમરમાં પ્રેમની વ્યાખ્યા બદલાઈ છે. પણ પ્રેમ તો ત્યાંજઅડગ ઉભો છે, પરમ બનીને।. માનવીને પ્રેમ વગર રહેતા આવડતું નથી. એટલે છેલા શ્વાસ સુધી પ્રેમને ઝંખતો અને ખોળતોરહે છે.
સપના વિજાપુરા
દ્રષ્ટિકોણ 42: ધર્મ, સાહિત્ય, શાંતિ નો સંદેશ 2 – જૈન ધર્મ (અહિંસા પરમોધર્મ) – દર્શના
હું, દર્શના વારિયા નાડકર્ણી તમોને દ્રષ્ટિકોણ કોલમ ઉપર આવકારું છું. આપણે દરેક ધર્મ માં શાંતિ નો સંદેશ કરી રીતે વણી લેવામાં આવ્યો છે અને તેના સાહિત્ય વિષે વાત કરીએ છીએ. આ પહેલા આપણે યહૂદી અને ઝોરાસ્ટ્રીઅન ધર્મો વિષે વાત કરી http://bit.ly/2MsTXDy . આજે જૈન ધર્મ વિષે વાત કરીએ.
ભારતીય ઉપખંડ વિશ્વના ચાર મોટા ધર્મોનું જન્મસ્થળ છે; હિન્દુ ધર્મ, બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ અને શીખ ધર્મ. ૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ, ભારતની લગભગ 80 પ્રતિશત વસ્તી હિંદુ ધર્મનું પાલન કરે છે, 14 પ્રતિશત આસપાસ લોકો ઇસ્લામનું પાલન કરે છે, 2.3 પ્રતિશત ખ્રિસ્તી ધર્મનું પાલન કરે છે, અને 1.7 પ્રતિશત શીખ ધર્મનું પાલન કરે છે. આશરે .36 પ્રતિશત લોકો જૈન ધર્મ નું પાલન કરે છે. અને લગભગ તેમના જેટલીજ સંખ્યામાં છે બુદ્ધિસ્ટ, ઝોરાસ્ટ્રીઅન અને યહૂદીઓ।. આપણા દેશની એ ખાસિયત છે કે ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે જે કોઈ એક ધર્મને પ્રમુખતા નથી આપતો। દરેક ભારતીય નાગરિક ને હક છે કે તે પોતાની જુદી અને વિવિધ ધાર્મિક માન્યતાઓ અને પદ્ધતિઓ દ્વારા ઈશ્વર, અલ્લાહ, પ્રભુ કે દેવી, દેવતાઓને પૂજી શકે. આ પહેલા આપણે ઝોરાસ્ટ્રીઅન અને યહૂદી ધર્મ ઉપર વાત કરેલ। હવે પછી બુદ્ધ ધર્મ, શીખ ધર્મ, ખ્રિસ્તી ધર્મ, ઇસ્લામ ધર્મ અને હિન્દૂ ધર્મ ઉપર વાત થશે.
જૈન ધર્મ – જૈન ધર્મ માં અગમ સૂત્રો અને ગ્રંથો અર્ધ-માગદિ પ્રાકૃત ભાષામાં લખાયેલા છે. ત્યાર બાદ તે ગ્રંથો નો પ્રાકૃત, સંસ્કૃત, અપભ્રમ, જૂની મરાઠી, રાજસ્થાની, ગુજરાતી, હિન્દી, કન્નડ, તામિલ, જર્મન અને અંગ્રેજી જેવી ભાષાઓમાં અનુવાદ થયેલ છે. જૈન ધર્મ ના પાયાનો મૂળભૂત સિદ્ધાંત છે અહિંસા। તે પ્રમાણે કોઈ પણ પ્રાણી અથવા જીવને ઈજા પહોંચાડવી નહીં, કોઈ જીવનો દુરુપયોગ કરવો નથી કરો, કોઈને ગુલામ બનાવવું નહિ કે કેદ ન કરવું, કોઈના ઉપર જુલમ ન કરવો, કોઈનું અપમાન કરવું નહિ કે કોઈને ત્રાસ આપવો કે મારવું નહિ.
તે ઉપરાંત અનેકાંતવાદ નો પણ સિદ્ધાંત તેના પાયામાં છે. અનેકાંતવાદ એટલે કે સત્ય અને વાસ્તવિકતા જટિલ છે અને તે અનેક વિવિધ પાસાઓ ધરાવે છે. દરેક ને વાસ્તવિકતાનો અનુભવ થઈ શકે છે પરંતુ દરેકને તે અનુભવ જુદી રીતે થાય છે અને જુદી રીતે સ્પર્શે છે જેને બધાજ એક રીતે સમજી શકે તેમ ભાષાથી સંપૂર્ણ રીતે વ્યક્ત કરવું શક્ય નથી. તેથી કોઈ પણ સત્યને કોઈ પણ ભાષામાં વ્યક્ત કરવું તે પ્રયાસ માત્ર છે અને તે એક અપૂર્ણ પરિપેક્ષ્ય જ હોય છે. તેથી એકપક્ષી પરિપેક્ષ્ય (પર્સપેકટીવ) ધરાવવું અને તેને જ સત્ય માનવું અને અન્ય ને બાકાત કરવું તે મોટી ભૂલ છે. હું મંદિર, તપ અને બીજી ધાર્મિક વિધિઓમાં વિશ્વાસ નથી કરતી પરંતુ અનેકાંતવાદ અને અહિંસા મારા જીવનના પાયાના સિદ્ધાંત છે.
જૈન ધર્મ ની મુખ્ય પ્રાર્થના, શ્રી નમોકાર મંત્ર પ્રાકૃત ભાષામાં લખાયેલ છે. તે મંત્ર માં પ્રભુ પાસે કોઈ યાચના નથી કરવાની। તે મંત્ર માં આપણે બધાજ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ અને ચરિત્ર વ્યક્તિઓને નમન કરીએ છીએ. અર્ધમાગદિ ભાષાની પ્રાર્થના અનુવાદ કર્યા વગર સમજવી અઘરી હોય છે. પણ અમીભર્યા જૈન સ્તવન સાંભળવામાં મધુર અને કરુણા ભરેલા હોય છે. આબુ, દેલવાડા, સમતશિખર, અને પાલીતાણા જેવા જૈન તીર્થસ્થાન ભવ્ય હોય છે અને નીચેના સ્તવન મા પ્રભુ ભજન સાથે તે ભવ્યતા નો ઉલ્લેખ છે. ધર્મ અને સાહિત્ય ના સબંધ ઉપરાંત ક્યારેક ધર્મસ્થળ ના શિલ્પકામ (આર્કિટેક્ચર) ની પણ વાત કરવી જોઈએ. કેમ કે ધર્મસ્થળ ની જગ્યાના શિલ્પકામ અદભુત રહ્યા છે. હવે પછીના લેખ માં તેનો થોડો ઉલ્લેખ કરીશ.
ઊંચા ઊંચા શત્રુંજય ના શિખરો
વચ્ચે મારા દાદા કેરા ડેરા જગમગ થાય
જય જય સિદ્ધાચલ, જય જય વિમલાચલ
દાદા તારી યાત્રા કરવા, મારુ મન લલચાય
તળેટીયે શીશ નમાવું, ચડવા લાગુ પાય
પવન ગિરી નો સ્પર્શ થતા પાપો દૂર થાય
અને શ્રી ચિત્રભાનુ મહારાજ લિખિત આ પ્રખ્યાત રચના જૈન ધર્મની બધા પ્રત્યે સદભાવના અને પ્રેમ ની લાગણી વ્યક્ત કરે છે.
મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે
શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે
ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે
એ સંતોના ચરણ કમળમાં મુજ જીવનનો અર્ધ્ય રહે
દીન, ક્રૂર ને ધર્મવિહોણાં દેખી દિલમાં દર્દ વહે
કરુણાભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્રોત વહે
જૈન શિલ્પકામ: જૈન ના મંદિરો ખુબ સાફ સુથરા અને સુંદર હોય છે. તેમાં આબુ પર્વત થી 2.5 કિલોમીટરે આવેલા, 11 મી અને 16 મી સદી વચ્ચે બાંધેલા 5 દેલવાડા ના મંદિરો એકદમ આબેહૂબ છે અને સફેદ માર્બલ અને બારીક કોતરણી માટે જાણીતા છે. મંદિર નું ભવ્ય પ્રવેશદ્વાર છે. મંદિરો બહાર થી જરાપણ ખ્યાલ ન આવે અને ડુંગરા જ દેખાય તે રીતે પહાડોની શ્રેણી વચ્ચે બનાવેલ છે. કહેવાય છે કે એ જમાના માં 1,500 શિલ્પકારો અને 1,200 મજૂરોને એક મંદિર બનાવતા 14 વર્ષ થયેલ. આ ભવ્ય મંદિરોમાં આદિનાથ ભગવાન અને નેમિનાથ ભગવાન ના મંદિર અતિ સુંદર અને પ્રખ્યાત છે. એવું કહેવામાં આવે છે કે શિલ્પકારોને જેટલી માર્બલ ધૂળ ભેગી થાય તે પ્રમાણે પૈસા આપવામાં આવતા તેથી તેઓ ખુબ જીણી કોતરણી કરવા માટે પ્રેરાય. નેમિનાથ ના મંદિર માં શ્રી કૃષ્ણ અને ગોપીઓ ના શિલ્પો પણ છે. કહેવય છે કે છેલ્લું પાર્શ્વનાથ નું મંદિર મજૂરોએ પોતાના પૈસે, અને પોતાના આરામ ના સમય દરમ્યાન બનાવેલ છે.
આવતા અઠવાડિયે આપણે બુદ્ધ ધર્મ વિષે વાત કરીશું।
૫૧ – કહેવત – ગંગા – કલ્પના રઘુ
હાથીના ચાવવાના જુદા અને બતાવવાના જુદા
આ કહેવતનો ઉપયોગ દરેકે કર્યો જ હશે. અર્થ ખૂબ જ ગહન છે. વળી હાથીના દાંત કોઈકે જ જોયા હશે. હા, જે દાંત બહાર હોય જેને હાથીદાંત કહીએ છીએ, તે તો સૌએ જોયા હશે જ. પરંતુ ચાવવાના દાંત તો હાથી મોઢું ખોલે અને તમે તેની નજીક હોય તો જ તેની દંતમાળા જોઈ શકો. એ તો ભાગ્યે જ કોઈએ અથવા તો તેના મહાવતે કે જે તેની સંભાળ રાખતો હોય તેણે જ જોયા હોય.
હાથી શક્તિશાળી, કદાવર પ્રાણી કહેવાય. ચાલે તો ધરતી ધમ ધમ થાય. “હાથીભાઈ તો જાડા…” બાળ કવિતા સૌમાં લોકપ્રિય છે. હાથી પાસે નાના મચ્છર, જીવજંતુ કે પ્રાણીઓની કોઈ તાકાત નથી હોતી. પરંતુ જ્યારે નાનો મચ્છર હાથીના કાનમાં ઘૂસી જાય કે કોઈ તણખલુ કદાવર હાથીની આંખમાં પડે તો ભારે જોવા જેવું થાય છે. મદમસ્ત હાથીનો મદ ચકનાચૂર થઈ જાય છે. પણ હિન્દુ ધર્મમાં ગણેશજીની યાદ અપાવતું આ વિશાળકાય પ્રાણી પૂજનીય બન્યું છે. તેના કિંમતી હાથીદાંતની માંગને લીધે અને જંગલોમાં લાકડાની હેરાફેરી માટે હાથી કિંમતી છે. તેમાં કોઈ બે મત નથી. માનવની દશા અને હાથીમાં ખૂબ જ સામ્યતા જોવા મળે છે. માટે આ કહેવત વિષે લખવાનું મન થઇ આવ્યું કે જે બોલચાલમાં લોકપ્રિય છે.
“દિલ કો દેખો, ચહેરા ન દેખો, ચહેરેને લાખોકો લૂંટા, દિલ સચ્ચા ઓર ચહેરા જૂઠા”. દિલ અંદર હોય છે, ચહેરો બહાર. દિલને પારખવાની તાકાત માત્ર ઈશ્વરમાં હોય છે. જેમ હાથીના અંદરના દાંતનું છે. ચહેરો માનવના બાહ્ય રૂપનો અરીસો છે, જેને ફેશિયલ કરીને માણસ ચમકાવવા પ્રયત્ન કરે છે. બહારના બે હાથીદાંત ખૂબ જ કિંમતી હોય છે. માનવ આ ચહેરો જોઈને ફસાય છે. સંબંધ બાંધી બેસે છે. બહારના દાંત જોઈને દોસ્તી બાંધીને અંદરના દાંત જોવા મોઢું ખોલવાની રાહ જોઈને નજીક જાય છે ત્યારે દુર્ગંધ, લાળ એટલે કે અસલી ગુણોના દર્શન થાય છે. પરિણામે ઘૃણા, નફરત, ટકરાવ અને વર્ષોના સંબંધો જે પ્લસ-માઇનસ કરીને જાળવ્યા હોય, તે ચકનાચૂર થઈ જાય છે. બહારથી દેખાતી મિત્રતા, નાના અમથા કારણસર સ્ફોટક થઈને તૂટી જાય છે. બધી કડવાશ જે શરૂઆતથી સંગ્રહાયેલી હોય તે સામટી બહાર આવે છે. પરિવાર, પડોશી કે મિત્રો વચ્ચે આવું સામાન્ય રીતે બનતું હોય છે. પડદા પાછળની, બાહ્ય દેખાવ પાછળની વાસ્તવિકતાનું ભાન થાય છે ત્યારે પારાવાર પસ્તાવો થાય છે. આવે સમયે સામેની વ્યક્તિમાં રહેલાં સારા ગુણો જોઈને ખરાબ ગુણ તરફ આંખ આડા કાન કરીએ તો જ સંબંધ ટકે છે.
હાથીના દાંત બતાવવા એટલે છેતરવું. કહે તેનાથી જુદું કરવું. કહેવું એક અને કરવું બીજું એટલેકે દગો કરવો. આપણી આસપાસ જ એવી વ્યક્તિઓ હોય છે જે જાણે અજાણે બોલે છે એ કરતાં નથી અને જે કરે છે તે બોલતા નથી. પોલિટિશિયનો માટે તો આ સદીઓથી ચાલ્યું આવે છે. તે ઉપરાંત ધર્મગુરુઓ પણ આ રીતે વર્તે છે. ફિલ્મોમાં જોવા મળે છે કે ધર્મગુરુઓ ભગવા પહેરી ભક્તોની અંધશ્રદ્ધાનો લાભ લઇ, બહાર ચમત્કારો કરે અને અંદર રંગરેલિયા મનાવે. સમય પ્રમાણે દાંત બતાવે એ માણસની પ્રકૃતિ બની જાય છે.
બહારના દાંતની ઝાકમઝાળથી અંદર જઈને સામેની વ્યક્તિની નજીક જાય ત્યારે તેની અસલિયત છતી થાય છે. બહારનો આંચળો, મુખવટો હટી જાય છે ત્યારે બીજા દાંતના એટલે કે અસલી રૂપના દર્શન થાય છે. બાકી ચહેરા પર મહોરું કે બે પ્રકારના દાંત રાખવા અને ક્યારે શું બતાવવું એ વ્યક્તિના વ્યક્તિત્વ પર આધાર રાખે છે. પરંતુ એક વાત નક્કી છે કે આ પ્રકારની પ્રતિભાથી કોઈપણ વ્યક્તિ બાકાત રહી શકતી નથી કારણ કે આખરે તો એ માનવ છે ને? માટે તેના વિચાર, વાણી અને વર્તનમાં આભ-જમીનનું અંતર હોય છે. હા, સત્સંગથી કે સજાગ રહેવાથી સુધારો થઈ શકે છે. આધ્યાત્મિકતા પોતાનામાં સુધારો કરીને, સ્વયં પરિવર્તિત થઈને બીજાને માફ કરી શકે છે. બીજાનો દ્રષ્ટિબિંદુ સમજી શકે છે અથવા તો આંખ આડા કાન કરી શકે છે. સમાજમાં સાથે રહેવા સરળતા, સહજતા અને સમતા કેળવવી જરૂરી છે. સૌથી સારી વાત તો એ છે કે રસ્તે ચાલતા હાથી જેવા મહાકાય, મદમસ્ત પ્રાણીથી દૂર રહેવું સારું. પ્રણામ કરીને બહારના દાંત જોવા. અંદરના દાંત જોવા કે ગણવા પ્રયત્ન ના કરવો અને આગળ વધવું.
કળિયુગની વાસ્તવિકતા અને આ કહેવત સમજાવતી આ ગીતની પંક્તિ વિચાર માંગી લે છે, “કિતને અજીબ રિશ્તે હૈ યહાં પે. દો પલ મિલતે હૈ, સાથ સાથ ચલતે હૈ. જબ મોડ આયે તો બચકે નિકલતે હૈ…!”
સંવેદનાના પડઘા : જીગીષા પટેલ
મિત્રો,
આજે જીગીષાબેનનાં લેખનના ૫૧ ચેપ્ટર પૂરાં થયાંનો આનંદ છે. તો ચાલો, તેમને વધાવીએ.
રાજુલબેનની મિત્રતા થકી મને જીગીષાબેનની ઓળખાણ થઈ, પછી તો ‘બેઠક’ના નિયમિત સભ્ય બન્યાં. બધાની સાથે ‘બેઠક’ના વિષય લખવાની પ્રવૃત્તિ શરુ કરી. મારુ કામ માત્ર એને પ્રોત્સાહન આપવાનું બન્યું, વિચાર તો હતા, સાહિત્ય વાંચ્યું હતું એટલે કલમ એમની ચાલવાં માંડી. તેમણે ‘સંવેદનાના પડઘા’ કોલમ લખવાની શરુ કરી.
આમ જોઈએ તો એમની ‘સંવેદનાના પડઘા’ દરેક ચેપ્ટરમાં પડઘાયા અને આપણે સહુએ એને વધાવ્યા, ‘સંવેદનાના પડઘા’માં જિંદગીમાં બનતાં પ્રસંગો, વાતો, વાર્તારૂપે વહેતા થયા છે. વાર્તા માનવ જીવનમાં અનેક રંગોનું પ્રતિનિધિત્વ કરે છે એ વાત ખબર હતી પણ એમને વાંચતાં અનુભવી પણ ખરી. જીગીષાબેને કોઈપણ જાતનો અંચળો ઓઢ્યા વિના જે સંવેદના અનુભવી તે નરી સરળતાથી કોઈપણ આયાસ કે પ્રયાસ વગર અને જ્ઞાનનું પ્રદર્શન કર્યા વગર આપણી સમક્ષ મૂકી. પરિણામે આપણે સૌ એમાં ખેચાતા ગયા અને પછી તો બુધવારે હવે જીગીષાબેન શું નવું લઈ આવશે તેવી ઉત્સુકતા જાણે રહેવાં માંડી.
એમનું સાહિત્ય વાંચન હતું જ પણ મને ક્યારેક એવું લાગતું કે, જીગીષાબેન માણસોને વાંચી શકે છે, એટલે શબ્દોમાં સરળતા સાથે આભા હતી. પણ ક્યાંય છેતરામણો આભાસ નહોતો. માનવી ભલે વિકાસ કરતો હોય પણ આપણે સહુ માનવીની સંવેદનાને સૌથી ઉપર અને સૌથી આગળ મૂકીએ છીએ કારણ કે માનવીની સંવેદના જ માનવીને તાજા કરારા રાખે છે! આજના જમાનામાં જયારે માણસ રૂપિયા કામાવવામાં પોતે પરચુરણ જેવો થતો ગયો છે ત્યારે ‘સંવેદનાના પડઘા’ માણસને સંભાળય એ ખૂબ મોટી વાત છે. એ જ પડઘા, એ જ અહેસાસ, એ જ લાગણી, એ જ ઝાકળનાં બિંદુની ભીનાશ અને એ જ સંવેદનાનો અનુભવ આપણે તેમની દરેક વાતોમાં, વાર્તાઓમાં અનુભવ્યો છે.
જીગીષાબેને તેમના ૫૧ લેખો પૂરા કરી આપણને ‘સંવેદનાના પડઘા’માં સાહિત્યના આનંદ સાથે માનવીય લાગણીઓનો, સંબંધોનો અહેસાસ કરાવી જાગૃત કર્યા છે. તો ક્યારેક, આપણા અંદરના માયલાને કોઈની અંગત જિંદગીમાં ડોકિયું કરાવી ‘સંવેદનાના પડઘા’ સંભળાવ્યા છે. સાચું કહું, સરળતા અને સહજતા કોને ન ગમે? બસ તો, તમને બધાને પણ એમની વાતો અને વાર્તાઓ ગમી હોય અને સહૃદયથી સ્વીકારી હોય તો એમના આ પહેલા પ્રયત્નને જરૂર વધાવજો.
‘બેઠક’ અને તેના દરેક સર્જકો અને વાંચકો તરફથી જીગીષાબેનને ‘અભિનંદન’.
હું એમને ફરી આમંત્રણ આપું છું કે જાન્યુઆરી મહિનાથી આપ ‘શબ્દોના સર્જન’ પર એક નવા વિષય સાથે આપની કલમ રજૂ કરો. તે દરમ્યાન આ લેખ લખતાં થયેલા આનંદ અને અનુભવને આપ દર બુધવારે લખી ચાલુ રાખો જેથી બીજાને લખવાની પ્રેરણા મળે.
આપણી ભાષા સમૃદ્ધ છે માટે વાંચન અને સર્જન સાથે ગતિમય રહેવી જોઈએ. આપણી માતૃભાષાને સાચવવાની જવાબદારી સૌની છે. જીગીષાબેન તમારાં યોગદાનની ‘બેઠક’ કદર કરે છે અને અમે તમારા માટે ગૌરવ અનુભવીએ છીએ.
– પ્રજ્ઞા દાદભાવાલા
વાત્સલ્યની વેલી ૪૯) ગૃહક્લેશ અટકાવતી સંસ્થા અને ગભરાયેલી ઇમિગ્રન્ટ માતા આબેદા!
ગભરાયેલી ઇમિગ્રન્ટ માતા આબેદા!
સ્ત્રીઓ અને બાળકોનાં રક્ષણ માટે કામ કરતી ડોમેસ્ટિક વાયોલન્સ પ્રિવેન્સન DVP સંસ્થામાં વોલેન્ટિયર સેવાઓ આપવાનું મેં જો કે વિચાર્યું નહોતું ; પણ એક દિવસ અચાનક જ હું ત્યાં જઈ પડી !
વાત જાણે એમ બની કે અમારાં ડે કેર સેન્ટરનાં કેટલાંક બાળકો ,જેમનાં કુટુંબને ગવર્મેન્ટ તરફથી આર્થિક સહાય મળતી હતી તેમાં , તેમનાં કેસમાં કાંઈ મુશ્કેલીઓ હતી; ફોન ઉપર એ બધાંનાં પ્રશ્નોના જવાબ મળી શકે તેમ નહોતા . એટલે એક દિવસ હું એ બધી ફાઈલ લઈને એ ઓફિસમાં ગઇ! ત્યાં મેં એ ઉંચા બિલ્ડિંગમાં ગૃહ ક્લેશ અને ઝગડાં વગેરેમાં અટવાયેલા સ્ત્રીઓને મદદ કરતી DVP સંસ્થાની ઓફિસ જોઈ ! હું મારું કામ પતાવીને માત્ર જીજ્ઞાશા વૃત્તિથી જ એ સંસ્થાના કાર્યાલયમાં ગઇ. એ સંસ્થા ‘ હમારા ઘર’ વિશેની માહિતી મેળવી .
આમ જુઓ તો મારું ક્ષેત્ર બાળકોને સાચવવાનું ! હું બાળકો સાચવું , જયારે આ સંસ્થા ઝગડાઓ અને મારામારીથી ત્રાસેલા મા અને બાળકને સાચવી લે! તેમને નવી દિશા દર્શાવે !
એટલે મને એ પ્રવૃત્તિમાં રસ પડ્યો !
હજુ એ સંસ્થા કદાચ નવી જ હતી! એમને મારાં જેવાં વોલેન્ટિયરની તો ખુબ જરૂર હતી! એ ક્ષેત્રમાં કામ કરવા અમુક તાલિમ લેવી જરૂરી હતી એટલે અઢી મહિના ( ૧૦ ક્લાસ ) ડી વી પી ની ટ્રેનિંગ લીધી! ડે કેર સેન્ટરની ઘણી જ જવાબદારીભરી પ્રવૃત્તિઓમાંથી થોડો સમય આ સામાજિક સંસ્થામાં વોલેન્ટિયર કામ કરવા માટે ફાળવવાનું નક્કી કર્યું .
હવે મેં દર અઠવાડિયે એક બપોર (૨ કલાક ) એ સંસ્થાને ફાળવ્યા !
આમ પણ , બાળકો સાથે કામ કરવાને લીધે આ ક્ષેત્રમાં પદ્ધતિ સરનું જ્ઞાન મેળવવું મારે માટે આશીર્વાદ સમું હતું! જયારે હું ત્યાં જાઉં ત્યારે મારું કામ ટોલ ફ્રી ફોન નંબર ઉપર કોઈ સ્ત્રીનો ફોન આવે તો તેને યોગ્ય માર્ગદર્શન આપવાનું હતું.ક્યારેક કોઈ ગભરાયેલ સ્ત્રી પોતાના ઇમિગ્રેશન સ્ટેટ્સ વિષે હૈયા વરાળ ઠાલવે તો ક્યારેક કોઈ સ્ત્રી અંગ્રેજી ભાષા આવડતી ના હોવાથી પોતાની મુશ્કેલી રજૂ કરે. સામાજિક પ્રશ્નો, આર્થિક સંકડામણ અને કાયદેસરના કે બિન કાયદેસર પરદેશી ઇમિગ્રન્ટ્સ કે ઘરના ઝગડાં વગેરે વિષયક ફોન હોય . સૌને સમજપૂર્વક જવાબ આપવાનો.
એ સંસ્થાનું એક છુપી જગ્યાએ એક ખાનગી ઘર પણ હતું!
જ્યાં ઘર છોડીને નાસી આવેલ દશેક બહેનોને રાખવાની સગવડ હતી!
નિયમ પ્રમાણે ત્રણ મહિના એ સ્ત્રીને ત્યાં રાખવામાં આવે અને તે દરમ્યાન એને પગભર કરવા કાઉન્સલરો – સલાહકાર અને જે તે એજન્સીઓ મદદ કરે, એને કોઈ કામ શીખવાડે ( બ્યુટી પાર્લર કે નર્સની મદદનીશ ,ક્લાર્ક વગેરે) સાથે બાળક હોય તો એને ડે કેર સેન્ટર શોધી આપે !
આવાં બાળકો અને આમ શેલ્ટર હોમમાં રહેલ કેટલીક યુવતીઓને નજીકથી જોવાનું મારે બનતું , કારણકે સિંગલ મધર્સ – એકલી માતા, જયારે બે વર્ષના બાળકને લઈને અમારાં ડે કેરે સેન્ટરમાં આવે ત્યારે પોતાનાં જીવનની મુશ્કેલીઓ અને પડકારની વાત બાળકના હિતને ધ્યાનમાં રાખીને મને જણાવે . જેથી કરીને બાળકના સર્વાંગી વિકાસને અનુરૂપ સંભાળ રાખી શકાય ! પણ હા , એ બધી મમ્મીઓ અહીંની , આ દેશમાં ઉછરેલી , આ જ સમાજમાં ઘડાયેલી અમેરિકન હોય. પણ આ DVP ની ઓફિસમાં તો મોટા ભાગે આપણાં દેશ તરફની સાઉથ એશિયન સ્ત્રીઓના જ ફોન આવે!
એવી જ એક બપોરે ફોન રણક્યો , અને મેં ઉપાડ્યો .એક ધુંધવાયેલી સ્ત્રીએ ગુસ્સામાં ઘણું બધું કહી દીધું .. “મારાં સાસુ સસરા મને ખુબ હેરાન કરે છે.. “એણે પોતાનું નામ છુપાવીને આબેદા એમ બીજું નામ આપીને હિન્દીમાં બધી વાત કરી . “મારે અઢી વર્ષનો દીકરો છેઅને બીજું બાળક ફેબ્રુઆરીમાં જન્મશે હું અહીં મારાં સાસરિયાઓ વચ્ચે રુંધાઉં છું!” આબેદાએ કહ્યું . એનાં સસરાના ગ્રોસરી સ્ટોરમાં એ લોકો બધાં કામ કરતાં હતાં અને બાળકને પણ સ્ટોરની પાછળના એપાર્ટમેન્ટમાં જ દાદા દાદી બેબીસિટીંગ કરીને એને સાચવતાં હતાં.. “એ અઢી વર્ષનો થયો છતાંયે પ્રિસ્કૂલમાં મૂકતાં નથી અને પતિને પણ ધમકાવે છે, એટલે પતિ મારાં અને બાળક ઉપર પોતાની દાઝ કાઢે છે! આ દેશમાં મારું કોઈ જ નથી! બસ , મારે ઘર છોડીને ,ભાગીને ત્યાં , એ સંસ્થામાં રહેવા આવવું છે!”
એણે ગુસ્સામાં ને ગુસ્સામાં ઘણુંયે કહ્યું.
“ તને એ લોકો શારીરિક ત્રાસ આપે છે?” મેં પૂછ્યું .
“ ના, પણ સતત કામ કરાવે છે, સ્ટોરમાં! શારીરિક રીતે નહીં પણ માનસિક ત્રાસ ઘણો છે.મારા પતિની કચકચ અને રોકટોક, સાસુ સસરાનું જુનવાણી માનસ.. આબેદા બોલ્યે જતી હતી “મારે આ નર્કમાં નથી રહેવું! મારે તમારી સંસ્થામાં આવીને રહેવું છે, મારી જાતે મારા પગ ઉપર ઉભા રહેવું છે!”
હા! એની વાત તો ખોટી નહોતી ! પણ સમય ખોટો હતો !
એની વાતને પુરી સાંભળી અને તે દિવસે મેં એને એ જ સલાહ આપી જે હું મારી પોતાની અંગત વ્યક્તિને આપું !
શિકાગોની પાનખરની એ ઋતુ હતી. ભયન્કર ઠંડીના દિવસો તો હજુ હવે આવવાના હતા! ત્રણ મહિના આ સ્ત્રી સંસ્થામાં રહ્યાં પછી શું? અને એક બાળક હજુ એ જ વિન્ટરમાં જન્મવાનું હતું!
“ આબેદા, તેં આ બધી પરિસ્થિતિનો વિચાર કર્યો છે?” મેં અમારે ત્યાં ડે કેરમાં ખુબ સ્ટ્રગલ કરીને સવારે સાડા છ વાગે બાળકને મુકવા અને સાંજે લેવા આવતી અમુક મમ્મીઓની વાત કરી! ક્યારેક જૂની ગાડી સ્નોમાં ફસાઈ જાય ત્યારે અસહાય દશામાં ગાડીને ઉપડાવીને રીપેર થાય ત્યાં સુધી બસમાં, નાના બાળક સાથે ડે કેરમાં આવવું પડે, કારણ કે, નહીં તો નોકરી જતી રહે! એ શારીરિક શ્રમ અને માનસિક ખાલીપો અને બાળકની દાદા બા કે બાપથી વંચિત જિંદગીની વાત કરી.. “અને ત્રણ મહિના પછી તું ક્યાં જઈશ?” મેં એને ચેતવી .“ અને નવું જન્મનાર બાળકનું શું થશે ? શું તું બે બાળકો, ઘર, નોકરી બધું સાંભળી શકીશ ? આવીરહેલ ઠંડી અનેસ્નોના દિવસોમાં ?”
“એ તો મેં વિચાર્યું જ નહોતું!” આબેદા તદ્દન શાંત થઇ ગઇ!
ગુસ્સો ઓગળી ગયો !
પોતાની ઈચ્છા વિરુદ્ધ ,બળજબરીથી કોઈ કામ કરવું પડે તો ગુસ્સો થઇ જાય !
પણ એ જ કામ પોતાનાં બાળકના હિત માટે પ્રેમથી કરવાનું આવે તો સંતોષનો ઓડકાર આવે!
આબેદાની આખી વાત અચાનક સો ટકા બદલાઈ ગઇ!!
“દાદા દાદી આમ લાડ કરે છે,પતિ પણ મારી સાથે જ મહેનત કરે છે અને અમે બધાં જ આ દેશમાં સ્ટ્રગલ કરીએ છીએ .. વગેરે વગેરે વાતો એણે સિક્કાની બીજી બાજુથી જોઈ! સંતોષ અને ખુમારી સાથે એણે ફોન મુક્યો !
એક તૂટતું ઘર બચાવ્યાના સંતોષ સાથે મેં રિપોર્ટ લખવાનું શરૂ કર્યું!
આવી પ્રેમ મૂર્તિ માતાઓ જયારે ઘરડી થાય છે.. તેની એક વાત વાત્સલ્યની વેલીમાં આવતે અંકે !
-કવિતા શબ્દોની સરિતા સમાપન- રાજુલ કૌશિક
પ્રિય વાચક મિત્રો,
કવિતા શબ્દોની સરિતા શરૂ થઈ ૨૦૧૮ની આઠમી ઓક્ટૉબરે. જો સમય અને સંજોગો અનુકૂળ રહ્યા હોત તો કદાચ આ સરિતાની પરિક્રમા બરાબર એક વર્ષે સંપૂર્ણ થઈ જ હોત, પણ સમય કે સંજોગો ક્યારે આપણા આધિન હોય છે? આપણે એના આધિન….
આ શબ્દોની સરિતા ખરેખર કહું તો એ કોઈ એક વિષયને આધિન નહોતી એ તો હતી ભાવજગતની સાથે સંકળાયેલી પરિક્રમા. ક્યારેક કોઇ એવી ક્ષણ આવે, કોઈ એક અનુભવ થાય ત્યારે મનમાં ઉઠતા વિચારોની સાથે જ એ ક્ષણે વર્ષો પહેલાં લખાયેલા, કાવ્ય સ્વરૂપે પ્રગટેલા શબ્દો ખરતા તારાના તેજ લિસોટાની જેમ મનમાં ઝબૂકી જાય.
તો ક્યારેક કોઈ કાવ્ય વાંચતા એની સાથે જોડાઈ જાય મારા મનમાં ઉઠતા વિચારો કે જીવનની કોઈ એવી ઘટના જે ક્યારેક જીવી હતી. શબ્દો સાથે જોડાઈ જાય એવો કોઈ અનુભવ કે લાગણી જે વિસ્મૃતિમાં સરી ગઈ હોય અને અચાનક પાણીમાં ઉઠતા પરપોટાની જેમ મનની સપાટી પર ઉઠી આવે, લાગણીના તરંગોની લહેરની જેમ ધસી આવે.
આ પદ્ય-ગદ્યની શબ્દયાત્રામાં માનવ, માનસની સાથે કુદરત પણ જોડાઈ હતી. એના વગર તો વળી શબ્દોના સાથિયા કેવા? ક્યારેક કવિતા પાનખરના રંગે રંગાઈ તો ક્યારેક વસંતની જેમ મહેકી. ક્યારેક ઝરમર વરસી તો ક્યારેક હેલી બની. ક્યાંક સૂકા રણની તરસ તો ક્યાંક ઝાંઝવાનું જળ બની. ક્યારેક ફૂલો પરનું ઝાકળ તો ક્યારેક હીરાની કણીની જેમ વિખરાઈ.
વળી વર્ષમાં આવતા, આપણી આનંદની અવધિ વધારતા વાર-તહેવારોની ઉજવણીઓએ પણ રંગત અને સંગત જમાવી અને આ ભાવજગતને જીવંત બનાવ્યું.
અને આ માત્ર ક્યાં મારું જ હતું ? એ તો હતું મારું, તમારું, આપણા સૌનું ભાવજગત. ક્યાંક કોઈનો આનંદ, ક્યાંક કોઈની પીડા, કોઇની કથા તો કોઇની વ્યથા, કોઈની આશા-અપેક્ષા-કોઈની આરત તો ક્યારેક ઈશ્વરની આરતી સ્વરૂપે એ શબ્દોમાં મુકાતું ગયું અને આપ સૌના પ્રતિભાવોથી છલકાતું રહ્યું.
ક્યારેક શબ્દો સાચા લાગ્યા હશે તો ક્યારેક કાચા પણ પડ્યા હશે પણ મનની વાત તો સાવ જ સાચૂકલી હતી હોં કે…..
એક સવારે જ્યારે પ્રજ્ઞાબેને આ વિષય પર વિચારવાનું, લખવાનું કહ્યું ત્યારે પદ્યના ઊંડાણને સમજવાની, એમાંથી જીવનના અર્થ-અર્ક પામવાની તક સમજીને એ સૂચન સ્વીકારી લીધું અને સાચે જ આજે આ સફરના વર્ષાંતે એ અનુભવ મઝાનો રહ્યો એમ કહું તો એમાં જરાય અતિશયોક્તિ નથી.
કવિતા શબ્દોની સરિતાના પ્રારંભે સાથે વહેવાનું આમંત્રણ આપ્યું હતું આજે સમાપન સમયે એટલું કહીશ કે આ એક વહેણ હતું જેના રસ્તા-વળાંકો બદલાશે આપણે નહીં. આપણે તો ફરી મળતા જ રહીશું કોઈ અન્ય સફરે, કોઈ અન્ય મુકામે. આપણી હવેની સફરનું નિમિત્ત ફરી કોઈ કવિની કૃતિઓ કે લેખકનું સર્જન જ હોવાનું કારણકે વર્તમાન સમયે પાશ્ચાત્ય સંસ્કૃતિની વચ્ચે રહીને પણ આપણે ગુજરાતી ભાષાની, ગુજરાતી સાહિત્યની સમૃદ્ધિમાં વૃદ્ધિ કરવાની છે.