અજ્ઞાતવાસ-૨૪

અને ફરી એક સંબંધ તૂટ્યો,નાતો છૂટ્યો અને હું હતો ત્યાંજ….


ર્ષાને સમજાવી શાંત રાખી.તેના પતિએ ડિવોર્સના પેપર મોકલ્યા હતાં એટલે તે ખૂબ અપસેટ થઈ રડતી હતી. તેનો પતિ ખૂબ સાલસ સ્વભાવનો, દેખાવડો,હસમુખ ,સજ્જન માણસ હતો. તેઓ બંને એકબીજાને ખરેખર ખૂબ પ્રેમ કરતાં હતા. પરતું બંનેની વિચારધારા એકદમ અલગ થઈ ગઈ હતી.તેમાં ખરાબ નસીબ અને સમય જે કહો તે ,કે હર્ષાનાં પતિએ ભારતમાં તેના મિત્રો સાથે મળી વિલાયતી ઈંટો બનાવવાનો મોટો પ્રોજેક્ટ હાથમાં લીધો હતો.એનું એન્જિનીયરીંગ કામ કરાવીને અને ફેક્ટરી સેટ કરી ,તે પાછો આવવાનો હતો. પછી તેના પાર્ટનર ફેક્ટરી સંભાળવાનાં હતાં.ફેક્ટરી માટે તે સૌએ મોટી લોન લીધી હતી,પોતાની બધી બચત પણ નાંખી દીધી હતી. ફેક્ટરી સેટ કરવા તેને આઠ મહિના ત્યાં રહેવાનું હતું. ભારતમાં કામ જલ્દી પતે નહીં એટલે ફેક્ટરી સેટ કરતાં દોઢ વરસ નીકળી ગયું. અને વરસાદ જૂનને બદલે એક મહિનો વહેલો મુશળધાર આવી ગયો અને બધી ઈંટોની માટી પલળી જતાં ,ફેક્ટરી થાય તે પહેલાં જ મોટું નુકસાન થઈ ગયું. ખૂબ નિરાશાની ગર્તામાં ડૂબેલ તે અમેરિકા આવીને આશ્રમમાં રહેવા જતો રહ્યો.

તે દરમ્યાન હર્ષા ન્યુયોર્કની આર્ટ સ્કુલ F.I.T. માં ભણતી હતી અને ત્યાંજ જોબ પણ કરતી હતી.હર્ષાની પોતાની ફેક્ટરીમાં મોટું નુકસાન થયું ત્યારે તેને ખરેખર તેનાં પતિના પ્રેમ અને હૂંફની જરુર હતી ત્યારે તેની ગેરહાજરી હતી.તેમાં આર્ટ સ્કુલનું એકદમ મોર્ડન વાતાવરણ જેમાં,ડ્રિકીંગ ,સ્મોકિંગ અને એકદમ આઝાદ થઈ જીવાતી હીપ્પી જેવી જિંદગી.

તેનો પતિ આશ્રમનાં સાત્વિક વાતાવરણમાં અને હર્ષા ડ્રિંકીંગ અને સ્મોકિંગનાં રવાડે.બંનેનાં ડિપ્રેશનમાંથી બહાર નીકળવાનાં જુદા રસ્તા અને વિચારધારાએ તેમના લગ્નજીવનને તોડી નાંખ્યું. ભારત અને અમેરિકન સંસ્કૃતિના જુદા પડછાયા જાણે પડઘાયા.હર્ષાનો પતિ અને હર્ષા હંમેશા ખૂબ સારા દોસ્ત રહ્યાં તેનો ઉત્તમ દાખલો તો એ હતો કે તેના પતિએ આશ્રમમાં રહી તેના જેવી આશ્રમમાં રહેતી ગોરી અમેરિકન સાથે લગ્ન કર્યા ત્યારે તેનું પાનેતર ડિઝાઈન કરી,બનાવી હર્ષાએ તેને ગીફ્ટ કર્યું હતું. તેમજ હર્ષાના પતિ, ભાઈ મુંબઈ હોય કે અમેરિકા ,તેમની સાથે અને મારી સાથે અને હર્ષા સાથે પણ હંમેશા સારા નરસા પ્રસંગોએ ,કુટુંબીજનની જેમ પ્રેમ અને હૂંફથી વાત કરતા.હર્ષાને મેં સમજાવી ફોન મૂક્યો પણ હું પણ તેનાં લગ્ન તૂટવાથી ખૂબ દુ:ખી થઈ ગયો હતો.મને સમજાતું નહોતું કે જીવનસફરમાં હજુ કેટ કેટલાં દુ:ખો મારે સહેવાનાં હતાં!!!


શનિવાર હતો એટલે આઈસ્ક્રીમ ટ્રકમાં બાળકોની ભીડને કારણે થાકીને લોથપોથ થયેલો હતો.અડધી રાત થઈ ગઈ હતી પણ હર્ષાની ડિવોર્સની વાતે એક સરસ સંબંધ તૂટવાનાં અવાજે ઊંઘને રજા આપી દીધી હતી.હ્રદય સળગી રહ્યું હતું. ગરોળી જીવડાંને પકડવાં એકીટશે અપલક તેને જોઈ રહે,તેમ ,હું બારીમાંથી દેખાતાં ,ચાંદની રેલાવતાં ,પૂનમનાં ચંદ્રને જોઈ ,તેમાંથી ચાંદની ચૂસીને હ્રદયને શીતળતાં આપવા કોશિશ કરી રહ્યો હતો.ચંદ્રનાં ડાઘમાં બધાંને હરણ દેખાય પણ મને રીશેલ્યુ દેખાતો હતો. મારી ઉદાસીમાં જ્યારે હું એને ભેટું ત્યારે તે મને ભેટતાં જ સમજી જતો અને તેની આંખમાંથી પણ આંસું નીતરતાં . ચંદ્રમાં દેખાતાં મારાં રીશેલ્યુને તાકીને ,તેને ભેટીને ,તેની હૂંફ મારા બદનમાં ભરીને ,હું ને રીશેલ્યુ રડી રહ્યાં હતાં.આમ વિચારતાં વિચારતાં મળસ્કે આંખ મિંચાઈ ગઈ.
સવારે ઊઠીને ન્યુઝપેપર ફંફોસતો હતો ,ત્યાં એક એડવર્ટાઈઝ વાંચી.”Dunkin Donuts for sale & we finance .Total prize 80000$ & you have to come up with 12000$ and rest we finance.


તે સમયે ફાઈનાન્સીંગનું બહુ ચાલેલું.ટ્રમ્પે તે સમયે મેનહટ્ટનનું ‘ટ્રમ્પ ટાવર’જાપનીઝ બેંક,ચાઈનીઝ બેંક અને અમેરિકન બેંક સાથે નેગોશીએશન કરી ડાઉન પેમેન્ટ પણ ફાઈનાન્સ કરાવી લગભગ ૧૦૦ મિલીયનનું મોટું ટાવર ખરીધ્યું હતું. તેમાં ડાઉન પેમેન્ટ પણ ફાઈનાન્સ કરાવેલ.હું રોજ છાપું વાંચતો ,તેથી બધું જાણતો અને આમ પણ હું ફાઈનાન્સ અને માર્કેટીંગનો માણસ એટલે હું Dunkin Donuts લેવા પહોંચી ગયો.


ત્યાં નાના મેનેજરને મળ્યો તે મને બધું સમજાવવા લાગ્યો કે તમે આટલી કોફી ,ડોનટ વિગેરે વેચો તો આટલો પ્રોફીટ થાય વિગેરે વિગેરે. પછી તેને એમકે હું પટેલ છું એટલે આ ડન્કીન ખરીદીશ એટલે મને કહે ,” બોલો ,તમારો શું વિચાર છે?”મેં કહ્યું ,હું આ ‘ડન્કીન ડોનટસ ‘ 80000$ માં નહીં પણ 92000$ માં લેવા માંગું છું. પેલો તો વિચારમાં પડી ગયો કે બીજા પટેલો આવે છે એ તો ભાવ ઓછો કરાવે છે અને આ વધારે પૈસા કેમ આપવા માંગે છે? એ કંઈ સમજ્યો નહીં! એ એનાથી મોટા મેઈન મેનેજરને બોલાવી લાવ્યો.તે પણ મારી વધારે પૈસા આપવાની વાત સાંભળી ,વાઈસ પ્રેસિડન્ટને બોલાવી આવ્યો.

વાઈસ પ્રેસિડન્ટ મારી આખી વાત સાંભળી કહે,” તમારી પાસે એક પણ ડોલર નથી અને તમે ડાઉન પેમેન્ટ પણ ફાઈનાન્સ કરવા માંગો છો ,એમજને?” મે કહ્યું ,” હા, ટ્રમ્પ જો લગભગ 100 મિલિયનનું ટાવર ૦ % ફાઈનાન્સથી ખરીદે તો આ તો માત્ર 92000 $ છે ,તો હું કેમ ન ખરીદી શકુ?” વાઈસ પ્રેસિડન્ટ અને ત્રણે જણાં પહેલાં તો મારી વાત સાંભળી જોર જોરથી હસવા લાગ્યા .પણ મારી વાત કરવાની અદા,સ્માર્ટનેસ અને મારા ફ્લુઅન્ટ ઈંગ્લીંશથી પ્રભાવિત થઈ મને વાઈસ પ્રેસિડન્ટે નવી જોબ ઓફર કરી. તેણે મને કહ્યું,” હું તને Dunkin તો નથી વેચતો ,પણ તને ગુજરાતી ,હિન્દી અને ઈંગ્લીં શ ત્રણે ભાષા સરસ રીતે બોલતા આવડે છે ,એટલે તું બધાં પટેલો કે ભારતીય,બાંગ્લાદેશી અને પાકિસ્તાની ગ્રાહકોને સમજાવી શકીશ . તને વાત પણ સરસ કરતાં આવડે છે ,એટલે અમે તને કંપનીની નવી ગાડી અને બીજા એલાઉન્સ આપીશું, તું અમારી Dunkin વેચવાનું કામ કર. એક Dunkin વેચીશ તેના આઠ ટકા એટલે લગભગ 6400$ તને મળશે.હું તો ખુશ થઈ ગયો અને મેં નવું કામ પૂર્ણ નિષ્ઠાથી ચાલુ કરી દીધું.

આ Dunkin ચેઈનનો માલિક જ્યુઈશ હતો. મેં તો એક દોઢ મહિનામાં Wisconsin,Maryland વિગેરે હાઈવે પર પટેલોને ચાર Dunkin વેચી નાંખી. હું તો એકદમ ખુશ હતો.ત્યાં મને એક દિવસ બોસે બોલાવ્યો.મેં તો ખૂબ સારો ધંધો કર્યો હતો એટલે ખુશ થતો બોસને મળવા ગયો કે હવે મારી જિંદગી સેટલ થઈ જશે પણ પણ બોસે શું કીધું ખબર છે??? ભાઈ ,તેં તો ભારે કરી એક -દોઢ મહિનામાં ૨૫૦૦૦ $ નું કામ?? You r too good !!!!, હવે તમે …….….. અને હું સાંભળીને અવાચક થઈ ગયો…….


જિગીષા દિલીપ

એક સિક્કો બે બાજુ : 24) એક પ્રાર્થના બે રીત !


આ કોરોના સમયમાં સ્થગિત થયેલ જન જીવન હવે ફરીથી શરૂ થઇ જશે . વડીલ વર્ગ જેની કાગ ડોળે રાહ જોઈ રહ્યો છે તે છે આપણાં મંદિરો ! શનિ રવિ સિનિયર મિત્રોથી જીવંત રહેતાં મંદિરો હવે ફરીથી ધમધમી ઉઠશે ! સિનિયર મિત્રોને જીવન બક્ષતાં મંદિરો- એમાં બિરાજતી મૂર્તિઓ પણ હવે સૌની આવન જાવનથી ભક્તોનાં ધરાવેલ ફળ ફૂલ નૈવેદ્યથી જીવન્ત લાગશે ! ને તેમાંયે ભક્તિ રસની પરાકાષ્ઠા આવે રવિવારે !
મને યાદ આવે છે રવિવારની સાંજ ! ધાંધલ ધમાલ અને ઘોંઘાટ ગર્દી!
જો કે , સાચું કહું ? જો આ બધું ના હોય , ને મંદિરો બધાં શાંત હોય , બધું જ વ્યવસ્થિત હોય , બહાર બુટ ચંપલ બધાં લાઈન બદ્ધ ગોઠવેલાં હોય , બાથરૂમમો બધી ચોખ્ખી અને સુઘડ હોય , ચારે તરફ અને માત્ર શાંતિ જ -નિરવ શાંતિ જ હોય, બધાં હાથમાં માળા લઈને બંધ આંખે ભક્તિ કરતાં હોય તો આપણને પણ કૈક અજુગતું લાગે , ખરું ને ?
આપણે ત્યાં મંદિરો અનેક તબક્કે કામ કરે છે :
દેશમાં તો જરા બપોર ઢળે એટલે વડીલ વૃદ્ધ સમુદાય ઘરમાંથી નીકળીને મંદિર તરફ પ્રયાણ કરે . ત્યાં ઓટલે બેસે . નાનાં છોકરાંઓ પણ દાદા દાદી સાથે આંગળીએ વળગેલાં હોય ; એ સૌ ત્યાં દોડાદોડી ને પકડાપકડી કે સંતાકૂકડી ને છેવટે ઝગડાઝગડી કરે !
આ આપણું પ્રાર્થના સ્થળ ! ભગવાનને ભજવાનું સ્થળ સાથે બેબીસિટીંગ અને સોસ્યલ પ્લેટફોર્મ પણ થઇ જાય .
ને અહીં , પરદેશમાં તો એ સમય મેરેજ બ્યુરો , બિઝનેસ પ્રમોશન , જોબ સર્ચ વગેરેનું માધ્યમ પણ બને !
મંદિરમાં મહારાજને જે બોલવું હોય તે બોલે , આપણે તો જે કરવું હોય તે જ કરવાનું .
કોઈ ફૂલની માળા ( ભગવાન માટે જ, હોં ) બનાવતું હોય તો કોઈ નવી થયેલ ઓળખાણને સાચવવા એમનો ફોન નંબર ટપકાવતું હોય ; તો કોઈ ફોનના મેસેજ ચેક કરતું હોય !
ને પછી , આવે ભજન અને આરતી ટાણું ! બાળકોને તો આરતીનો ઘોંઘાટ બહુ ગમે ; એ સમયે બધાં જગ્યા પરથી ઊભાં થાય એટલે એ લોકોને ત્યાં જ સંતાકૂકડી ને થપ્પો રમવાની મઝા પડે ! જો કે , આપણાં ભગવાન પણ બધાં આપણાં જેવાં જ છે હોં! કાનુડાના તોફાનોની વાર્તાઓ અને વ્યાખ્યાનોથી તો આપણાં મંદિરોની કેટલીયે સભા જીવંત બની હશે !
પણ ,
દરેક સિક્કાને બીજી બાજુ હોય છે જ . એ રીતે , ભક્તિ ભાવ પ્રગટ કરવાની બીજી રીત – જોયેલી , તે વર્ષો પહેલાંના મારા અનુભવો અહીં યાદ આવે છે !
ત્યારે અમે આ દેશમાં હજુ નવાં જ આવેલાં. અમારાં ઘરની સામે એક સરસ મઝાનું ભવ્ય ચર્ચ હતું . નામ હતું સેન્ટ જ્હોન બાસ્કો ચર્ચ .દર રવિવારે લોકો ત્યાં સુંદર કપડાં પહેરીને પ્રાર્થના કરવા જાય . કાંઈક કુતુહલ અને નવું જાણવાની જીજ્ઞાશાથી અમેં પણ ત્યાં જવાનું શરુ કર્યું .. અંદરથી તો આ ચર્ચ ઘણું જ વિશાળ લાગ્યું . એની સ્ટેઇન ગ્લાસ વિન્ડો – રંગ બે રંગી કાચની દીવાલોમાંથી સૂર્ય કિરણો ચળાઈને અલૌકિક ભાવ ઉત્પન્ન કરતા હતા .. ક્યારેક બહાર સ્નો વર્ષા હોય , ત્યારે તો જાણે સદેહે કૈલાસ પર્વતમાં શિવજીની અનુભૂતિ થાય તેમ લાગે ! અને અદભુત શાંત વાતાવરણમાં સૌ હાથમાં રોઝરી ( માળા ) લઇ પ્રાર્થના કરે !
હું પણ આંખ બંધ કરીને ૐ નમઃ શિવાય ના જાપ જપું !
મેસ ( ચર્ચની સભા ) શરૂ થવાને વાર હોય ત્યારે ચર્ચમાં જો પચાસ માણસ પોતપોતાની જગ્યાએ બેસીને માળા કરતાં હોય તો પણ ગજબની શાંતિનો અનુભવ થાય !
મંદિરમાં જેમ બાલ સંસ્કાર વર્ગ હોય તેમ ત્યાં પણ બાળ વર્ગ હતા જેમાં અમારાં બાલમંદિરની ઉંમરનાં બંને બાળકો જાય.
જો કે ત્યાં ય દોડાદોડી કરવાની મનાઈ . ચર્ચમાં મોટેથી બોલાય નહીં . વાતો કરવા બહાર જવાનું . જેમ તેમ બેસાય નહીં . જેવાં તેવાં કપડાં પહેરીને ત્યાં અવાય નહીં . આ તો ભગવાનને મળવા જઈએ છીએ – ભગવાનના લાડકા પુત્ર જીસસ અને એમની માતા મેરીને ભલામણ કરવાની છે કે ભગવાન સુધી અમારો આ સંદેશો પહોંચાડજો . ત્યાં વ્યવસ્થિત રીતે જ જવાય ને ?
અને આપણે ત્યાં ભજનો ગવાય તેમ અહીં પણ ગાસ્પલ ગવાય . મારુ પ્રિય ગીત , મને આજે પણ યાદ છે :
He got the whole world in his hands ;
He got the itty bitty baby in his hands …

પ્રભુ ! એના હાથમાં આ સકલ વિશ્વ છે !
ને સાથે પિયાનો ઉપર મ્યુઝિક પણ હોય , પણ આ બધું જ સૌમ્ય , સુંદર અને સરસ લાગે ! મધુરું ભાસે ! જાણે કે કોઈ અગમ્ય શક્તિ સાથે તાદાત્મ્ય થતું હોય તેવી અનુભૂતિ થાય !
ને આપણે ત્યાં ?
આપણે ત્યાં ય સાક્ષાત્કાર થાય – મેં આગળ જણાવ્યું ને એમ – જયારે આરતી વેળાએ ઢોલ વાગે… બધાં મગ્ન બની ભાવ વિભોર થઇ નાચવા લાગે !આપણા ભગવાનને કદાચ આવું ગમતું હશે ; પણ બાળકોને તો બસ મઝા જ પડે !
ને આપણે ત્યાં આરતી પછી ચરણામૃત ને પ્રસાદ હોય , તેમ ચર્ચમાં કમ્યુનિયન નો વારો આવે !
પ્રિસ્ટ એક ડીશમાંથી બધાંને ક્રેકર કે બ્રેડ અને પ્યાલીમાં દ્રાક્ષનો જ્યુસ કે વાઈન ( દારૂ ) આપે .
જો કે આ કમ્યુનિયન મને ખુંચે , કારણ કે પ્રિસ્ટ કહે કે આ તોડેલી બ્રેડ એ જીસનું શરીર અને વાઈન એ એમનું લોહી છે .. પૂરું સમજ્યા વિના એક વખત મેં પેલો બ્રેડનો ટુકડો મારા મોઢામાં મુક્યો ; ને પ્રિસ્ટે એ શબ્દો ઉચ્ચાર્યા ! ને એ ટુકડો ગળામાં જ અટવાઈ ગયો !! આપણે તો શાકાહારી છીએ ! મેં વિચાર્યું .
પછી એક વખત પ્રિસ્ટએ મને બાઇબલ ક્લાસમાં સમજાવ્યું કે જિસસે મૃત્યુ પહેલાની છેલ્લી રાત્રીએ એમના અનુયાયીઓ સાથે ભોજન લીધું ત્યારે શાંત્વના આપતા કહ્યું હતું કે તમે દુઃખ ના કરશો ; હું તમારી સાથે જ છું એમ સમજજો . આ બ્રેડ એ હું છું અને આ પીણું જે છે તે મારું લોહી છે એમ સમજ જો !
આપણો હિન્દૂ ધર્મ સનાતન ધર્મ છે . એમાં માત્ર કોઈ એક વ્યક્તિનું તત્વજ્ઞાન નથી , એ તો અનેક જ્ઞાની જનોના અનુભવ નિચોડનો અર્ક છે .
ઊંચા પહાડોની ઊંડી ગુફાઓમાં જઈને શાંતિથી સમાધિ લગાડનાર સંતો પણ અહીં છે અને ઢોલ ના નાદે પ્રભુ ખોજનાર સામાન્ય જન પણ અહીં છે ! સત્યની શોધમાં લોહીનું પાણી કરનાર સાધુઓ પણ છે અને બકરીના લોહીથી દેવી રીઝવનાર સમાજ પણ અહીં છે !
મંદિર હોય કે મસ્જિદ હોય કે ચર્ચ હોય ; કે જૈનોના અપસરા કે પારસીઓની અગિયારી ; માનવી માત્ર પોતાનાથી ઉપર કોઈ શક્તિ છે તેને સ્વીકારે છે , તેને પૂજે છે , તેની પાસે યાચના કરે છે . દરેકની રીત જુદી હોય છે , રિવાજ જુદા હોય છે , પણ અંતે તો એ શ્રદ્ધાથી કરેલી પ્રાર્થના જ છે !
પ્રાર્થના શબ્દમાં પ્ર- એટલે મૂળ , અને અર્થ એટલે ધન . ધનનો અર્થ થાય પૈસો , સંપત્તિ , ધાન્ય- અનાજ . વગેરે .
તમે શાકાહારી હો કે માંસાહારી : તમે આસ્તિક હો કે નાસ્તિક , તમે તમારી જાતને બહુ ભણેલ , જ્ઞાની સમજો છો કે અભણ – ગમાર : પ્રત્યેક વ્યક્તિની પ્રાર્થનાની રીત જુદી હોઈ શકે , પણ આખરે તો પામર માનવીની એક પરમ શક્તિ પ્રત્યેની પ્રેમથી કે ભયથી કરેલી એક અરજ એટલે પ્રાર્થના !

૨૪- વાર્તા અલકમલકની- રાજુલ કૌશિક

– મંત્ર-

ટ્વીસ્ટ ઓફ ટાઇમ,

શક્ય છે આજે જે ઉચ્ચતાના શિખરે બેઠા છે, જે પોતાની જાતને પરમાત્મા માનીને જનતા પર પોતાનું વર્ચસ્વ જમાવીને બેઠા હોય એ આજ એક યાચકની જેમ એ જ જનતા સામે યાચક બનીને ઊભા હોય. ૧૮૦ અંશના છેડે જઈને ઊભા હોય એવા સંજોગોય જીવનમાં આવે ખરા.
વાત છે આવા એક ખ્યાતિના ઊંચા આસને ચઢીને બેઠેલા એક ડૉક્ટરની.

સાંજનો સમય હતો. ડૉક્ટર ચઢ્ઢા ગૉલ્ફ રમવા તૈયાર થઈ કાર પાસે ઊભા હતા અને બે ભોઈ ડોળી લઈને આવ્યા. ડોળીની પાછળ એક બુઢ્ઢો આદમી લગભગ પગ ઘસડતો હોય એમ ચાલ્યો આવતો હતો. એ બુઢ્ઢા આદમીના સાત સંતાનોમાંથી બચેલો એક માત્ર દિકરો અત્યારે માંદગીના બિછાને સોડ તાણીને સૂતો હતો, જેને બચાવી લેવા એ બુઢ્ઢો આદમી ડૉક્ટર ચટ્ટાને સતત વિનંતી કરી રહ્યો હતો.

પણ એ સમય હતો ડૉક્ટરના આનંદપ્રમોદનો. ભલા આટલા વ્યસ્ત સમયમાંથી એ થોડો સમય પોતાના માટે ફાળવવા માંગતા હોય ત્યાં ક્યાં એમાં કોઈ ગરીબ બીમાર માટે સમય બગાડે? બુઢ્ઢા ગરીબ બાપની કાકલૂદીને સાંભળ્યા પછી પણ એની પાછળ એ પોતાનો મૂલ્યવાન સમય વેડફવા માંગતા નહોતા.

એ તો કારમાં બેસીને ચાલ્યા ગયા અને પાછળ મૂકતા ગયા એક લાચાર બાપના નિસાસા. એના માટે તો હજુ એ સમજવું અઘરું હતું કે આવી રીતે કોઈ જીવનમરણ વચ્ચે ઝોલા ખાતો એવા દર્દીને બીજા દિવસ સુધીના સમય કેવી રીતે ટાળી શકાય? એને થયું કે સંસાર આટલો નિર્મમ કે કઠોર કેવી રીતે હોઈ શકે? ડૉક્ટર ચઢ્ઢાની કાબેલિયત વિશે સાંભળીને એ અહીં સુધી આશા ભર્યો આવ્યો હતો. એ જ રાત્રે એનો સાત વર્ષનો દિકરો એની બાળલીલા સંકેલીને પાછળ બુઢ્ઢા બાપને રોતો કકળતો મૂકીને ચાલ્યો ગયો.

ઘણાં વર્ષો પસાર થઈ ગયા. ડૉક્ટર ચઢ્ઢા ઘણું ધન, યશ કમાયા અને સાથે પોતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખ્યું જે ખરેખર અસાધારણ વાત હતી. પચાસ વર્ષની આયુએ પણ એમની ચુસ્તી,સ્ફૂર્તિ યુવકોને શરમાવે એવી અકબંધ હતી. નિયમિતતા, સમયની પાબંધીમાં તો ક્યાંય ચૂક નહીં. એક દીકરી અને એક દિકરો, સુખી સંસાર. બે સંતાનોની માતા બન્યા પછી પણ શ્રીમતી નારાયણી ચઢ્ઢા યુવાન લાગતાં હતાં. દીકરીન લગ્ન થઈ ગયા હતા. કૉલેજમાં ભણતો દીકરો કૈલાશ, માતા-પિતાના જીવનનો આધાર હતો. દીકરો હતો પણ એવો કે ગુણવાન. વિદ્યાવાન, વિનયી, ઉદાર કે જેના માટે માતા-પિતા, કૉલેજ અને સમાજ પણ  ગૌરવ લઈ શકે. આજે એની વીસમી વર્ષગાંઠ હતી.

સંધ્યા સમયે ડૉક્ટરના ઘરની આગળની વિશાળ ખુલ્લી જગ્યામાં એના જન્મદિનની ઉજવણી ચાલતી હતી. એક તરફ શહેરના નામાંકિત લોકો અને બીજી તરફ ચઢ્ઢાના દીકરાના કૉલેજના મિત્રોની ટોળી આ સમારંભને પોતાની રીતે માણી રહ્યાં હતાં. આનંદ-પ્રમોદનું વાતાવરણ હતું.

કૈલાશને સાપની શારીરિક-માનસિક પ્રકૃતિ વિશે જાણવાનો, સાપ પાળવાનો, એમને ટ્રેન કરવાનો, એના આંગળીના ઈશારે નચાવવાનો ગજબ શોખ હતો. કોઈ મદારી પાસેથી એણે આ વિદ્યા શીખી હતી. એ સાપ પર અસ્ખલિત વાત કરી શકતો. પ્રાણીશાસ્ત્રી પણ સાપ અંગે કૈલાશની જાણકારીથી દંગ રહી જતા. અઢળક પૈસા એ આ શોખ પાછળ ખર્ચી ચૂક્યો હતો.

એના મિત્ર વર્તુળમાં એના શોખ અંગે સૌને અત્યંત કુતૂહલ રહેતું, જ્યારે મળે ત્યારે સૌને કૈલાશ પાસે કંઈક અવનવું જાણવાની અપેક્ષા રહેતી. કૈલાશ સાપને આંગળીના ઈશારે નચાવતો એ જોવાની ઉત્સુકતા રહેતી.

આજે આ પ્રસંગે એકઠા થયેલા એના મિત્ર વર્તુળમાંથી એની સૌથી નિકટની મિત્ર મૃણાલિની જીદે ચઢી હતી.  આટલા બધા મહેમાનોની હાજરીમાં આ જોખમ લેવા કૈલાશ તૈયાર નહોતો અને મૃણાલિની કદાચ સૌની હાજરીમાં એ કૈલાશ પર પોતાનું આધિપત્ય દર્શાવવાની તક ઝડપી લેવાના મૂડમાં હતી. સૌની હાજરીમાં કૈલાશને પોતાની વાત ટાળતો જોઈને મૃણાલિનીનું માન જાણે ઘવાતું હોય એમ એનો ચહેરાનો રંગ ઉતરી ગયો.

કૈલાશ સમજદાર હોવાની સાથે પ્રેમી પણ હતો. પ્રેમીની સમજ પ્રેમિકાને રાજી કરવા, રાજી જોવા તરફ દોરી જતી હતી. એણે મૃણાલિનીનું મન અને માન સાચવવા પ્રીતિ-ભોજન પત્યાં પછી સાપોને રાખવાનાં ખાનાં જેવા પાંજરા પાસે જઈને મહુવર વગાડીને એક પછી એક સાપને કાઢીને એમની કમાલ દર્શાવવા માંડી. ગજબનો તમાશો હતો. જાણે એક એક સાપ એના મનના ભાવ સમજતા હોય એમ એના ઈશારા પ્રમાણે પ્રતિભાવ આપી રહ્યા હતા. કૈલાશ કોઈ સાપને એના હાથે વીંટળાતો હતો તો કોઈ્ને એની ગરદન પર.

મૃણાલિની એને ગળે વીંટાળવા માટે વારંવાર ના પાડતી રહી. કૈલાશના ગળે વીંટળાયેલા સાપને જોઈને એનો જીવ જાણે નીકળી જતો હતો. આ એનો થનારો પતિ હતો કંઈ કૈલાશપતિ નહોતો કે આમ સાપને ગળે વીંટાળીને ઊભો રહે અને એ જોયા કરે. પણ હવે કૈલાશને પ્રેમિકાન્ની સન્મુખ પોતાના કૌશલ્યને દર્શાવવાની ચાનક ચઢી હતી.

ધીરે ધીરે વાત ચડસ પર ચઢવા માંડી. કોઈકે કૈલાશને સાપના દાંત તોડી બતાવવા ચાનક ચઢાવી. મૃણાલિની મના કરતી રહી અને હવે કૈલાશ જીદે ચઢ્યો. એના હાથમાં સૌથી ઝેરી સાપ હતો. કૈલાશે સાપનું ગળું દબાવીને એનું મ્હોં ખોલાવા કોશિશ આદરી.

આજ સુધી સાપે પણ પોતાના પાલક તરફથી આવા વ્યહવારનો અનુભવ કર્યો નહોતો, સ્વાભાવિક રીતે એ પોતાના આત્મરક્ષણ માટે તરફડિયાં મારવા લાગ્યો. કૈલાશે વધુ જોર આપીને એનુ મ્હોં ખોલાવીને  ઝેરીલા દાંતનું પ્રદર્શન કરાવ્યું. સૌ ચકિત થઈ ગયા. હવે કૈલાશે સાપની ગરદન પરથી પોતાની પકડ ઢીલી કરીને એને જમીન પર મૂકવાનો પ્રયાસ કર્યો. દુઃખ અને ક્રોધથી પાગલ થયેલા એ કાળા, ઝેરીલા સાપે કૈલાશની આંગળી પર ડંખ મારી દીધો.

ટપ-ટપ-ટપ,

કૈલાશની આંગળીમાંથી લોહી ટપકવા માંડ્યું. એ આંગળી દબાવી દીધી અને પોતાના રૂમમાંથી ઘસીને ડંખ પર લગાવી દેવાથી ઘાતક ઝેરની અસર પણ ઓસરી જાય એવી જડીબુટ્ટી લેવા દોડ્યો.

અત્યાર સુધી છવાયેલા કોલાહલમાં સન્નાટો વ્યાપી ગયો.

ડૉક્ટર ચઢ્ઢાને જડીબુટ્ટી પર વિશ્વાસ નહોતો. એ નસ્તર મૂકીને આગંળીનો  એટલો ભાગ કાપીને ઝેર આગળ વધતું અટકાવવાના મતના હતા પણ કૈલાશને પૂરેપૂરો વિશ્વાસ હતો. એણે જડીબુટ્ટી ઘસીને આંગળી પર લગાવાનો મિથ્યા પ્રયાસ કર્યો પણ આટલી ક્ષણોમાંય શરીરમાં વ્યાપેલા ઝેરની અસરથી એની આંખો ઢળી પડવા માંડી. હોઠ કાળા પડવા માંડ્યા અને એ જમીન પર ઢળી પડ્યો.

કૈલાશના હાથ-પગ ઠંડા પડવા માંડ્યા. ચહેરાની કાંતિ ઝાંખી થવા માંડી. નાડી ધીમી પડવા માંડી, હવે તો નસ્તર મૂકવાનો કોઈ અર્થ ન રહ્યો.  કૈલાશની શારીરિક હાલતની સાથે ડૉક્ટર ચઢ્ઢાની માનસિક હાલત  કથળવા માંડી. ડૉક્ટર ચઢ્ઢાનું ચાલ્યું હોત તો એમણે પોતાની ગરદન પર નસ્તર મૂકી દીધું હોત.

શું થશે કૈલાશનું અને ડૉકટર ચઢ્ઢાનું? જોઈએ આવતા અંકે.

પ્રેમચંદ મુનશીની કથા ‘મંત્ર’ પર આધારિત અનુવાદ.

HopeScope Stories Behind White Coat – 24 / Maulik Nagar “Vichar”

By:Maulik Nagar “Vichar”

દોઢી


“વાહ..વાહ કાકીજી જોરદાર ભીંડાની કઢી બનાવી છે તમે!”
“દેરાણી કોની છે. આ તારી કાકીજી જયારે પરણીને આવી હતી ત્યારે એને રાંધતા શું, કપડાને ગડી વાળતાય નો’તું આવડતું. આ તો બધું આ તારી સાસુ એ શીખવ્યું.”
મંદાકિનીબેને બુચકારા મારીને ચૂસીચૂસીને આંગળીઓ પરથી ભીંડાની કઢીનો બધો જ કસ કાઢતા બડાપો માર્યો.
હાસ્તો ભાભી તમેસ્તો મને ઘડી છે. રંભાકાકીના નીરસ શબ્દોમાં કોઈ ભાવ ન હતો.
“મમ્મીજી, અમને પણ આવાં કાકીજી જેવા જ ટ્રેઈન કરજો” મંદાકિનીબેનની બટકબોલી વહુ ઋજુતાએ એની નણંદ સામે ત્રાસી આંખે જોઈએ સાસુને મસ્કો માર્યો.
“રંભાડી, હું ને જીગલી તને દોઢી કહીને જ બોલાવતા હતાં યાદ છે? અમે બંને જેઠાણીઓને તો એવા જ પારખા હતા કે સુરતી છોકરીઓ બહુ તેજ હોય એટલે એને પહેલેથી દબાઈને જ રાખવાની. એ તો તારી સુવાવડ પછી અમે બંને એ તને નામથી બોલાવવાનું ચાલુ કર્યું હતું. તું અમારા પડેલા બોલ ઝીલતી હતી એટલે સ્તો.” મંદાકિનીબેને તો લહેકા કરીને શબ્દોની બેટિંગ ચાલું જ રાખી.
“મમ્મી તું પણ શું કાકી જોડે આવી રીતે વાત કરે છે!” મંદાકિનીબેનની દીકરી માનલે થોડાં અકળામણથી મમ્મીને છણકો કર્યો.
“તું પણ દોઢી, અવે મારે અને રંભાને પહેલેથી જ આવી મિત્રતા છે. કેમ રંભાડી હાચ્ચુ ને?”
“હાસ્તો ભાભી!” મોટી જેઠાણીએ પૂછ્યું એટલે જવાબ તો આપવો જ પડેને! છતાંય હવે એ ઉંમર ન હતી કે આવાં શબ્દો સાંભળે.
બે ચાર જણા ભેગાં થાય એટલે મંદાકિનીબેનની જીભને શૂરાતન ઉપડે અને એમાં બલીનો બકરો બિચારા રંભાકાકી જ બને.
જો કે રંભાકાકીને પોતાની સુરતી જમાવટ કરવાનો મોકો મળ્યો ન હતો. બની શકે કે મોકો મળ્યો પણ હોય પણ તે વખતે મર્યાદા નડી હોય.
મંદાકિનીબેન કરતા રંભાકાકી ઉંમરમાં ઘણાં નાના હતાં. પણ માનનું ભૂખ્યું તો કૂતરુંય હોય એમાં અપમાન ક્યાંથી સહન થાય.
હવે દોઢી શબ્દ સાંભળે એટલે રંભાકાકીને કાપો તો લોહી ના નીકળે એટલાં સજ્જડ થઇ જાય. પણ જેઠાણીનું વર્ચસ્વ જ દોઢ ઘણી સાસુ જેટલું હતું.

મંદાકિનીબેન અને રંભાકાકી બન્નેનું પરિવાર બાજુબાજુના ટ્વીન બંગલોમાં રહેતા હતાં. મંદાકિનીબેનને સવારે થોડી અશક્તિ લાગતી હોવાથી રંભાકાકી ખબર પૂછવા આવ્યા હતા. મંદાકિનીબેને રંભાકાકીને ભીંડાની સુરતી કઢી ખાવાની ઈચ્છા વ્યક્ત કરી. એટલે રંભાકાકીએ એકલે હાથે ભીંડાની સુરતી કઢી બનાવી.
ડાઇનિંગ ટેબલ પર ચારેય ચોટલાની જમાવટ જામી હતી. મંદાકિનીબેન તો પોતાની ઠાઠ જમાવીને બેઠાં હતા. જાણે કે રંભાકાકીની ટાંગ ખીચાઈ કરીને શક્તિ આવી ગઈ હોય.
“અલી, રંભા…થોડું અથાણું લાલલલલ…જોલલલલ” બોલતા મંદાકિની બેનની જીભ લથડાઈ અને ખુરશી પરથી નીચે ગબડ્યા અને ત્રણેય બૈરાંઓમાં રાડારાડ મચી ગઈ.
ચીસો સાંભળતા જ વર્ક ફ્રોમ હોમ કરી રહેલો દીકરો રાહુલ નીચે આવ્યો. મંદાકિનીબેન અર્ધબેભાન અવસ્થામાં હતાં. એમ્બ્યુલન્સ બોલાવાનો સમય ન હતો. શરીરમાં ભારે મંદાકિનીબેનને ઋજુતા, માનલ અને રાહુલ એમ ત્રણેય જણાએ ઉપાડીને ગાડીમાં બેસાડ્યા અને ગલીની નાકે જ આવેલી મલ્ટી સ્પેશ્યલિટી હોસ્પિટલમાં લઇ ગયા.
ઇમર્જન્સી ડિપાર્ટમેન્ટના તૈનાત ડૉક્ટરોએ પરિસ્થિતિને લગતા બધાં જ ટેસ્ટ કરાવી લીધા. લોહીના ટેસ્ટ, મગજનો એમ.આર.આઈ, હાર્ટનો ઈ.સી.જી, સુગર લેવલ બધું જ નોર્મલ હતું.
માનલ બાથરૂમ ગઈ હતી. બહાર બેઠેલાં ચિંતાતુર ઋજુતા અને રાહુલને ડૉક્ટરે જણાવ્યું કે રિપોર્ટ્સ તો બધાં જ નોર્મલ છે પરંતુ પેશન્ટ હજી ભાનમાં નથી આવ્યું.
ભાનમાં નથી આવ્યું સાંભળતા જ ઋજુતા પણ ઢગલો થઇને નીચે પડી. બે-ત્રણ નર્સિંગ સ્ટાફ ઋજુતા તરફ ઘસી આવ્યાં.
“ઋજુ કંઈ નથી થવાનું મમ્મીને…..” રાહુલે ઋજુતાને ખોળામાં લીધી. એને પણ નિશ્ચેતન હાલતમાં જોઈ રાહુલનાં મોતિયા મરી ગયાં.
નર્સિંગ સ્ટાફ ઋજુતાને સ્ટ્રેચરમાં સુવડાવીને લઇ જતું હતું અને હોસ્પિટલના વેટીંગ એરિયામાં સન્નાટો છવાઈ ગયો. એકદમ સન્નાટો.
રાહુલના સિસકારા સિવાય બીજો કોઈ જ અવાજ ન હતો. આમતેમ આંટાફેરાં મારતા એને માનલની ગેરહાજરી વર્તાઈ.
માનલને ફોન લગાવ્યો…રિંગ જ જતી હતી. રાહુલ બબડ્યો, “માનલને વોશરૂમમાં આટલો બધો સમય….”
એ જ નર્સિંગ સ્ટાફને વોશરૂમ તરફ દોડતાં જોયાં. રાહુલને ફાળ પડી. બે સિસ્ટર માનલને ખભાના ટેકે અંદર વોર્ડમાં લઇ જતાં હતા.
“માનલ…માનલ…” બૂમો પાડતો રાહુલ એ દિશામાં ગયો. ચારે બાજુ ટેંશનનું વાતાવરણ ફેલાઈ ગયું.
રાહુલે ડૉક્ટરને મળવા વિનંતી કરી.
થોડીક જ મિનિટોમાં ડૉક્ટર સામેથી જ રાહુલને મળવા આવ્યાં.
“મિ. રાહુલ. ત્રણે પેશન્ટના યુરિન ટોક્સ સ્ક્રીન કરાવ્યા છે. અનફોર્ચ્યુનેટલી યુરિન ટોક્સ સ્ક્રીનમાં બેંઝોડાયાઝેપાઇન પોઝિટિવ આવે છે”
“વ્હોટ!” રાહુલને એનો મતલબ તો ખબર ન હતો છતાં પણ સહજ વ્યક્ત કર્યું.
“મિ. રાહુલ આ ત્રણેય જણાએ સારી એવી માત્રામાં ઊંઘની ગોળીઓ લીધી લાગે છે.”
“સર, શક્ય જ નથી. અમે તો પેરાસીટામોલ પણ જરૂર પડે ત્યારે જ લાવીએ છીએ.”
“આ ત્રણેય જણા છેલ્લે નોર્મલ ક્યારે હતા.” ડૉક્ટરે પણ થોડાં સી.આઈ.ડી અંદાજમાં ઘભરાયેલા રાહુલને પૂછ્યું.
“સર..આ ત્રણ અને મારા કાકી ચારેય જણા સાથે જ જમતા હતા અને મજાની વાતો કરતા હતાં. મસ્તી કરતા હતા.”
“તો….જમવામાં કોઈકે કંઈક….” ડૉક્ટરે આંખો ઝીણી કરતા રાહુલને ઈશારો કર્યો.
“ઓહ…કાકી પણ જોડે જ ખાવા બેઠાં હતાં.” રાહુલ બબડ્યો
રાહુલે તરત જ ફોન કાઢ્યો અને બાજુના ઘરમાં રહેતા એનાં કઝિનને ફોન કર્યો. “લાલુ…કાકી ક્યાં છે?”
“રાહુલભાઈ..મમ્મી તો હમણાં જ સુરત જવા નીકળી..મહિના માટે વેકેશન કરવા ગઈ છે…કંઈ કામ હતું?” લાલુ એ એકદમ હળવાશથી જવાબ આપ્યો.

સ્પંદન-23

ક્ષણનો કરી સાક્ષાત્કાર
ખુશીનો ખજાનો શોધી લઈએ
જીવન હો એક પડકાર
હસતાં રમતાં જીવી લઈએ

નયનોને નડે કાજળ શી રાત
સંધ્યાના રંગો તો માણી લઈએ
કદી સત્ય બને મારા સોણલાં
આ ઘડીને તો જાણી લઈએ

હૈયે રાખી એવી હામ
હંફાવે ના કોઈ મારા શ્વાસ
પાર કરીએ સહુ તોફાન
પડકારને બનાવી સોપાન.

પ્રાચીન હોય કે અર્વાચીન, સમયની રફતાર ક્યારેય ધીમી પડતી નથી .. આંખો રાત્રે બંધ થાય અને સવારે ખુલે, એ રાતદિનની ઘટમાળ ચાલ્યા જ કરે છે. . આપણું જીવન પણ ક્યારેક સૂર્યના પ્રકાશના ચમકાર તો ક્યારેક આભમાંથી નીતરતી ચાંદનીની ભુલભુલામણીમાંથી સતત પસાર થતું રહે છે.  રાત્રિની નીરવ શાંતિને ચીરતો પવન કાનમાં  ગુંજતો રહેતો હોય છે. ઉષાના રંગો પથરાય અને મંદ મંદ વહેતો સુમધુર સલીલ તેને સ્પર્શ કરીને નવા ઉત્સાહથી દિવસની શરૂઆત કરવા પ્રેરણા આપતો હોય છે. . જીવનનાં પુષ્પોને ખીલવાની અમર્યાદિત તકો વચ્ચે વહેતું જીવન તેને ક્યારેક પૂછતું હોય છે કે હે માનવ, તને શું નથી મળ્યું? તારી સમક્ષ ક્ષણોનો મહાસાગર ઘૂઘવે છે… આ મહાસાગરમાં ખુશીઓના મોતી અપરંપાર છે. તારે તો બસ એક ડૂબકી લગાવવાની છે… આ  ખુશીઓનો ખજાનો ખોલવા માટેની ચાવી છે પ્રત્યેક પળ… આજે આ પ્રત્યેક પળને માણી લઈએ, જીવનના રહસ્યને જાણી લઈએ…

પરંતુ મોતી શોધવા નીકળેલો માનવ સફળ થશે? સાગર છે અફાટ, લહેરો છે અપરંપાર, તોફાની મોજાંઓનો માર, કેમ કરી થશે નૌકા પાર? મનને મૂંઝવે આવો વિચાર અને જીવન બને એક પડકાર… પરંતુ મરજીવાઓ નિરાશ થયા નથી, થતા નથી અને થઈ શકે પણ નહિ…કારણ છે જીવનની મંઝિલ… આ મંઝિલ પામવાની છે, પડકારનો પ્રતિકાર કરવાનો છે.

સફળતાને વધાવે સહુ સંસાર, કોઈને લાગે તે મીઠો કંસાર…   પણ સંસારની મધુરતા નથી બર્થડે કેક, જે પ્લેટમાં મળે;  તે છે એવી ભેટ, જેની પાછળ છે હર પળની ટેક… આ ટેક એટલે શું? ટેક એ પાંખોનું બળ છે, જે કોઈ પણ સફળતા  માટે જરૂરી છે. સફળતા… કોઈને લાગે સફળતાની સીડી તો કોઈને લાગે સોહામણું શિખર . સફળતા સીડી હોય કે શિખર તેના સોપાન સર કરવા માટે પાયામાં પરિશ્રમની પગથાર જરૂરી છે. આ પરિશ્રમની પ્રેરણા ત્યારે જ મળે કે જ્યારે હૈયે હામ હોય . હૈયામાં હિંમત ન હોય તો પરિશ્રમ એક બોજ બને છે અને જીવનમાં ઉત્સાહ પ્રગટતો નથી. ઉત્સાહ કે ઉમંગ વગરનું જીવન એટલે રંગ અને સુવાસ વિનાનું પુષ્પ.  શું આવાં કાગળના ફૂલોથી જીવન સજાવીને આપણા સ્વપ્નો મૂર્તિમંત થાય ખરાં? સફળતાની પગદંડી પર કદમ માંડતાં પહેલાં આપણે જાતને પૂછીએ કે હૈયે હિંમત છે? આ હિંમત ક્યારે આવે? આ હિંમત આવે  આત્મવિશ્વાસમાંથી  અને શ્રધ્ધામાંથી. એવું નથી કે ઠોકર નહિ લાગે પણ આત્મશ્રધ્ધા સાથે આગળ વધીએ તો મંઝિલ ક્યારે પણ દૂર નથી. પરિશ્રમના પગલે પગલે સફળતા સર થશે જ. આપણાં સ્વપ્નોને સિદ્ધિનું શિખર પ્રાપ્ત થશે જ.  આત્મબળ કેળવીએ તો સમયના પડકારને ઝીલી શકાશે, મુશ્કેલ પળોને નાથી શકાશે .. પ્રાચીન સમયની ભવભૂતિની વાર્તાથી લઈને આધુનિક યુગના વાસ્તવિક જીવનની  2021માં  એવરેસ્ટ સર કરવા સુધીની અનેક પ્રેરણાદાયી કહાનીઓથી આ વાત સમજીએ, જેમાં અસાધારણ હિંમતનું પ્રદર્શન કરી  જીવનમાં પડકારોનો સામનો કરી મેળવેલ વિશિષ્ટ સિદ્ધિની વાત છે.

કવિ ભવભૂતિએ લખેલી માધવની વાર્તામાં પણ હિંમતની વાત છે. યુવાન માધવ એક વાર મંદિરની બહાર બેઠો હતો ને એક હૃદયવિદારક ચીસ તેના કાને પડી. આ ચીસ તેના હૃદયને સ્પર્શી ગઈ.  મંદિરના ગર્ભગૃહમાં જવાનો રસ્તો તેણે શોધી કાઢ્યો. અંદર જઈ જોયું તો એક જણને વિકરાળ દેવી સમક્ષ વધ કરવા ખડું કરવામાં આવેલું. એ બીજું કોઈ નહિ પણ તેની પ્રેમિકા માલતી હતી.  પુજારીએ ખડગ ઉપાડ્યું સાથે જ માધવ ત્રાડ પાડી કૂદી પડ્યો. અસાધારણ હિંમત બતાવી જીવ સટોસટનું યુદ્ધ ખેલી માલતીને બચાવી લીધી.

વીર વિભીષણે મૃત્યુનો ભય ત્યજી, દશાનન રાવણના ક્રોધની પરવા કર્યા વિના  સત્ય શિખામણ આપી શારીરિક, માનસિક અને નૈતિક હિંમતનો પરિચય આપ્યો. આવી જ હિંમત જુલમનો ભોગ બનેલા યહૂદી લોકોને મુક્ત કરાવવા ઇજિપ્તના રાજા ફારાઓ પાસે જઈ હજરત મૂસાએ બતાવી હતી. આવી જ હિંમત મહમ્મદ પયગંબર સાહેબ, ભગવાન બુદ્ધ અને જીસસ ક્રાઇસ્ટે પણ બતાવી હતી.

અણધાર્યા પડકારોનો સામનો કરવો પડે એનું નામ જ જિંદગી છે.  આવા સમયે એ પરિસ્થિતિનો સામનો કરવો એ હિંમત છે. અચાનક કોઈ  પાણીમાં પડી જાય તો એ વિશાળ જળરાશિથી ગભરાઈ જવાના બદલે હાથપગ હલાવી મોજા સાથે બાથ ભીડી બચી જવું એ હિંમતનું કામ છે. આપત્તિ આવે પણ જે ટકી રહે ,હિંમતથી લડતો રહે, ઉજ્જવળ આવતી કાલ માટે આશા ધરાવે તેને માટે આશાનો સૂર્ય દૂર નથી. યાદ આવે છે  ત્સુનામી 2004 – કાર નિકોબાર ટાપુ, આંદામાન – નામ મેઘના રાજશેખર. ઉંમર 13વર્ષ. સ્થળ એર ફોર્સ સ્ટેશન આંદામાન.  ત્સુનામી આવતાં માતાપિતા અને બાળકી તણાય છે. બાળકી જુદી પડે છે. તેના હાથમાં આવે છે લાકડાનું તણાઈ રહેલું જૂનું બારણું. બાળકી તેના સહારે 2 દિવસ અફાટ મહાસાગરમાં હિંમતભેર તરતી રહે છે.

ત્સુનામી આવે કે વાવાઝોડું, જે હિંમતભેર લડે છે તે સમયની પરીક્ષા પાર કરે  જ છે. માનવીની આ હિંમતનું આજનું …. કોવિડ પછીનું ઉદાહરણ એટલે  વસઈના હર્ષવર્ધન  જોષી. 25 વર્ષના આ યુવાનની એવરેસ્ટના આરોહણનો વિજયધ્વજ ફરકાવવાની નેમ. સાથે જ વિશિષ્ટ ઇકો ફ્રેન્ડલી આરોહણ જે રીન્યૂએબલ એનર્જીનો હેતુ સિદ્ધ કરે. 2020માં પેનડેમિકના કારણે એવરેસ્ટ આરોહણ બંધ રહ્યું. 2021માં ચાર અઠવાડિયાથી એવરેસ્ટ બેઝ કેમ્પ પર તૈયારી કરતો આ યુવાન  8 May ના રોજ કોરોના પોઝિટિવ બને છે. પરંતુ લક્ષ્ય સિધ્ધ કરે છે અને 23 Mayના રોજ  એવરેસ્ટ પર વિજયધ્વજ ફરકાવે છે. કસોટી હજુ પૂરી થઈ  ન હતી. પાછા ફરતા કેમ્પ 2 પર તે તેની ટીમ અને શેરપાથી છૂટો પડી ગયો. એમ જ બર્ફીલી ઠંડી વચ્ચે 5 દિવસ ભટકતો રહ્યો પણ હિંમત ન હાર્યો…સફળ બની એક નવું શિખર સર કરવાના સંકલ્પ સાથે પાછો ફર્યો. સાહસ , સંકલ્પ, હિંમત અને પરિસ્થિતિને પહોંચી વળવાનો આત્મવિશ્વાસ અદ્વિતીય હોય છે, જે  અશક્યને પણ શક્ય બનાવે છે.

જયાં હાથ એ હથિયાર છે…
જયાં પરિશ્રમની પગથાર છે…
આત્મશ્રધ્ધાનો અણસાર છે…
ત્યાં સફળતાની વણઝાર છે…
માનવનો જયજયકાર છે…
જો આગિયાના અજવાળે, પાંપણના પલકારે,  કાજળઘેરી રાત્રિના અંધકાર વચ્ચે પણ તમને ઉષાના રંગો ઉગતા જણાય તો સમજો કે પ્રભાતનું અરુણિમ  આસમાન આપણી રાહ જોઈ રહ્યું  છે. પુષ્પોનો પમરાટ જીવન મહોત્સવને સત્કારવા થનગને છે… કારણ કે આશા અને હિંમત , શ્રધ્ધા અને સફળતાની ક્ષણોથી સભર જીવન એટલે જ ખુશીઓનો ખજાનો, સ્વપ્નોની સિદ્ધિ અને ક્ષણોનો સાક્ષાત્કાર. બસ એક કદમ… આવું જીવન જાણી લઈએ…માણી લઈએ.

રીટા જાની
25/06/2021

અજ્ઞાતવાસ -૨૩

મારો સપનાંનો મહેલ કડડડ ભૂસ થઈ ગયો.

પોસ્ટ ખોલીને વાંચી તો હું સાવ હતાશ થઈ ગયો.અમેરિકન લોકો તમાચો મારે તો પણ પહેલાં પંપાળે. તેમાં લખ્યું હતું કે હર્ષાનું ડિઝાઈનીંગ,કલર મેચીંગ,ફેબ્રીક બધું અદ્ભૂત છે પણ કસ્ટમરને ડ્રેસનું ફિટીંગ આવતું નથી. આટલા મોંઘો ડ્રેસ ખરીદે અને ફિટીંગ ન આવે તો અમે કેવીરીતે તમારા ડ્રેસ ખરીદી શકીએ? માફ કરજો,પણ અમે બધો માલ આ સાથે પાછો મોકલીએ છીએ.થોડો સમય એમજ બેસી રહ્યો,પછી હિંમત એકઠી કરી મેં જ મને કહ્યું ‘ એય જિંદગી ! તું મારે માટે દરેક પગલે નવો જ પડાવ લઈને આવે છે અને તેને મારે નવી ચેલેન્જ સમજી સ્વીકારી મારી જાતને વધુ મજબૂત કરી તેમાંથી બહાર આવવાનું છે.”


અમારી પેટર્નમેકર ખરે વખતે નોકરી છોડીને ચાલી ગઈ ,તેનું આ પરિણામ હતું. જીવનમાં આપણી સાથે કામ કરનાર દરેક વ્યક્તિનું કેટલું મહત્વ હોય છે,તે મને પસ્તાવા સાથે તે દિવસે સમજાયું. હું અને હર્ષા એકબીજાનો વાંક કાઢતાં રહ્યાં.મેં હર્ષાને કહ્યું ,”તેં પેટર્નમેકર સાથે શાંતિથી વાત કરી હોત તો આવું ન થાત! “હર્ષાએ પણ મને કહ્યું,” તું જાણતો જ હતો કે પેર્ટનમેકર વગર તકલીફ થશે જ ,તો તું એને ગમેતેમ કરીને પાછી કેમ ન લઈ આવ્યો ?કે બીજી વધુ હોંશિયાર પેર્ટનમેકર તે એડવર્ટાઈઝ આપીને કેમ હાયર ન કરી?”અમે બંને એકબીજા પર દોષારોપણ કરતાં રહ્યાં,પણ હવે જે થયું ,તે ન થયું તો થવાનું નહોતું. હવે શું રસ્તો કરવો તે હું વિચારતો હતો.


ત્યાં જ રમણભાઈને બધો માલ પાછો આવ્યાની ખબર પડી એટલે એમણે એમના વકીલ સાથે વાત કરી.તેમના
વકીલની સલાહ મુજબ તેમણે મને કંપનીનાં એમના ભાગનાં શેર લઈ લેવા કહ્યું અને સાથે તેમ પણ સમજાવ્યું કે હું તને પછી જરુર મદદ કરીશ.તેમણે Wellsfargo માં રોકેલા એક લાખ ડોલર પણ આ મોટા ઓર્ડરોમાં વપરાઈ ગયાં હતાં.તેમની પાસે મોટેલોનાં મોટા ધંધા હતા અને તેમણે અને તેમની સાથેનાં મોટેલનાં બીજા ભાગીદારોએ તો મને ખરેખર મદદ કરવા જ પૈસા રોક્યા હતાં તેમ સમજી મેં ઈમાનદારી પૂર્વક રમણભાઈનાં,બીજા ભાગીદારોનાં અને મારી બંને બહેનોનાં બધાં શેર ખરીદી લીધાં. એક શેર એક ડોલરનો હતો પ્રિમિયમ ૩૯ ડોલર તો ઊડી જ જાય,તેવી જ રીતે ,કેરલે ગોઠવણ કરી હતી. બધાંનાં શેર હું ખરીદી લઉં ,તે વાત કેરલને જરા પણ ગમી નહીં.મેં કેરલને કહ્યું ,”અમારી હિન્દુ સંસ્કૃતિમાં બહેનોને સાચવવાની જવાબદારી હંમેશા ભાઈઓની જ હોય,અને જેમણે મને ધંધામાં મદદ કરવા આટલા પૈસા રોક્યા હોય તેને મારે ઈમાનદાર તો રહેવું જ પડે ને!એ તને નહીં સમજાય!!”

હવે ફેક્ટરી ચાલે તો પણ તે કમાણી,દેવા આટલા વધી ગયા હોવાથી ભરપાઈ થાય તેમ નહતી.ફેક્ટરી બંધ કર્યા સિવાય કોઈ જ રસ્તો નહોતો. અમેરિકાનાં કાયદા પ્રમાણે ચેપ્ટર – ૧૩ મુજબ નાદારી નોંધાવી હાથ ઊંચા થાય ,અને ચેપ્ટર -૧૧ મુજબ reorganization કરાય.ચેપ્ટર ૧૧ મુજબ હું ભવિષ્યમાં કંઈ પૈસા કમાઉ તો લેણદારોને થોડા થોડા કરી પૈસા પાછા આપું. નાદારીમાં તો હાથ ઊંચા જ કરી દેવાના.


હવે તે જ સમયે મારી આશાને ઢંઢોળતી એક વાત બની.મારા ફેક્ટરીના કોરીઅન ફેબ્રિક સપ્લાયર પાસે ઇસ્ટમેન કોડાકની ફિલ્મનાં રોલની એજન્સી કોરીયા ખાતે હતી. તેની પાસે પોલિએસ્ટર યાર્નની પણ એજન્સી હતી.તે કોરીઅન મારો ખૂબ સારો મિત્ર હતો. તે મને પોલીઅસ્ટર યાર્ન હું ભારતમાં બધી માધવલાલ માસાની અને બીજી મિલોમાં સપ્લાય કરું તો તે આપવા તૈયાર હતો. ભાઈ બધી મિલોનાં પરચેઝ ઓફીસર અને માધવલાલમાસાને વાત કરી આવ્યા. મેં સેમ્પલ પણ મોકલી દીધાં. મિલોવાળા ઈસ્ટમેન કોડાકનો માલ લેવા તૈયાર જ હતા. એટલે હું ખૂબ ખુશ થઈ ગયો કે હવે જો આ ગોઠવાશે તો હું લેણદારોને ભવિષ્યમાં પૈસા પાછા આપી શકીશ.


પણ ત્યાં ફરી એકવાર મને નસીબે ઉપરથી નીચે પછાડ્યો.બસ …..એજ વખતે ધીરુભાઈ અંબાણીએ ઈન્દિરાજી સાથે મળીને ઈમ્પોર્ટ પોલીસીનો કાયદો બદલાવી નાંખ્યો. તેમના પાતાળગંગાનાં પ્લાન્ટમાં આ પોલિએસ્ટર યાર્ન બનતું તે જ બધી મિલોને લેવું પડે એટલે તેમણે ઈમ્પોર્ટ પોલીસી જ બદલાવી નાંખી અને જાણે મારાં મોંમાંથી કોળિયો ઝુંટવાઈ ગયો.મારો સપનાનો મહેલ ફરી કડડડ ભૂસ થઈ ગયો!

ફેક્ટરી મેં બંધ કરી દીધી.ન્યુયોર્કનાં ઈન્વેસ્ટમેન્ટ બેંકર કાર્લ પનેરોએ પણ થોડી હિંમત બંધાવી કે “તેમના વકીલ આવશે અને કાર્યવાહી થશે પણ લાંબા ગાળે તે લોકો તને કંઈ કરી નહીં શકે. “સાથે તેઓ મારામાંથી ઘણાં પૈસા કમાયા પણ હતાં તેમ પણ કહ્યું જે મને દાઝ્યા પર મલમ જેવું લાગ્યું.મેં શેર રમણભાઈનાં લઈ લીધાં એટલે તેમના મોટા ધંધામાં કોઈ મારા તરફથી તકલીફ ન આવી.એ મોટી જવાબદારીમાંથી બચી ગયાં. Wellsfargo માં ગેરંટી રમણભાઈ અને તેમનાં મિત્રોએ આપી હતી.તે સિવાય કોઈપણ સરકારી તપાસમાંથી તેઓ બચી ગયાં.હવે અમેરિકન ગવર્મેન્ટનાં દેવાનો સૌથી મોટો પ્રોબ્લેમ હતો જે ચેપ્ટર ૧૩ કે ચેપ્ટર ૧૧ -કોઈપણ કાયદા હેઠળ મારે દર બે મહિને કોર્ટમાં હાજર થઈ હું જે કમાતો હોય તેમાંથી ગવર્મેન્ટને થોડા થોડા પૈસા આપવા પડે અને મારી ક્રેડીટ હીસ્ટ્રીમાં પણ આ બધું નોંધાએલ જ હોય.અમેરિકા મને એટલે ગમે છે કે એક વખત નાદાર થયેલ આદમી પણ હિંમત રાખે તો પાછો ઊભો થઈ શકે છે.

હવે મારો કેસ કોર્ટમાં ગયો. મશીનોનાં,ફર્નિચરનાં,સોયદોરાવાળા એવા નાના બીજા ઘણાં લોકોના પૈસા બાકી હતાં. એ લોકોએ પણ કેસ કર્યા હતા. કોર્ટમાં જજ બહુ જ સારો હતો. તેણે મને પૂછ્યું કે આટલી નાની ઉંમરમાં આટલું બધું દેવું કેવીરીતે થઈ ગયું? તું કેવીરીતે ભરીશ? અને નાદારી નોંધાવીશ તો પછી તું આગળ જીવનમાં કામ કેવીરીતે કરીશ? એ વખતે મારે મારા કોરીઅન મિત્ર સાથે પોલીએસ્ટર યાર્નની વાત ચાલતી હતી એટલે મેં જજને કહ્યું ,”હું આવું કંઈ પણ કામ કરીને બધાંને ધીમે ધીમે પૈસા આપવા માંગું જ છું.”જજે મારી વાત સાંભળી મારા પર સહાનુભૂતિ દાખવી ,સૌ લેણીયાતોને પૂછ્યું તમે બધાંએ આ નાના છોકરાને આટલા બધાં પૈસા આપ્યા કઈરીતે? ત્યારે બધાંએ કહ્યું,” અમે પૈસા તેના બધાં પાર્ટનરો અને તેની બે ખમતીધર બહેનો પણ સાથે હતી તે જોઈને આપ્યા છે. જજે બતાવ્યું કે,”લીગલી જૂઓ એ બધાં તો શેર નકુલને વેચીને કંપનીમાંથી નીકળી ગયાં છે.” હવે લેણદારો ભોંઠા પડી ગયા.


મારો જીવનનો ખરાબ સમય શરુ થઈ ગયો હતો. હર્ષા નવી જોબ લઈ ન્યુયોર્ક જતી રહી હતી. હું થોડો સમય નીનાને ત્યાં રહ્યો પણ આખો દિવસ લેણીયાતોનાં ફોન આવતા હોવાથી હું ખૂબ સંકોચ અનુભવતો હતો. હું મારા એક મિત્ર સાથે નાના એપાર્ટમેન્ટમાં રહેવા જતો રહ્યો. મેં હવે ઓડ જોબ કરવાની શરુ કરી દીધી. મેં Good humor icecreamની ટ્રક ચલાવીને ice-cream વેચવાનું શરુ કર્યું.મારો બેઝીક ખર્ચ અને ગવર્મેન્ટને દર બે મહિને આપવાના પૈસા નીકળે તેમ હું કામ કરવા લાગ્યો.


તેમાં જ એક સવારે ફોનની રીંગ વાગી, મેં ફોન ઉપાડ્યો,” હા કોણ ?” હર્ષા? બોલ? શું થયું? બોલ બહેન? કેમ રડે છે આટલું બધું? શું થયું?અને હું એક નવી પછડાટનાં ભણકારાં સાંભળવાં મારી જાતને હિંમત આપી રહ્યો હતો…..

જિગીષા દિલીપ

એક સિક્કો બે બાજુ : 23) ધર્મ અને ધર્મનો આભાસ !


તમે કહેશો કે એક સિક્કોની એક બાજુએ જો ધર્મ હોય તો બીજી બાજુએ અધર્મ હોવો જોઈએ ; પણ આ વળી કેવું શિર્ષક? સિક્કાની એક બાજુએ ધર્મ અને બીજી બાજુએ ધર્મનો આભાસ ? એ વળી શું ?
પણ મારી જ જેમ સદીઓ પહેલાં આપણા ગુજરાતી જ્ઞાની કવિ અખાએ પણ આવું જ કંઈ કહ્યું હતું , યાદ છે ?
અખાએ લખ્યું હતું :
એક માણસને એવી ટેવ , પથ્થર એટલાં પૂજે દેવ !
તુલસી દેખી તોડે પાન , પાણી દેખી કરે સ્નાન!
ને કોઈ જો આવી વાત સૂરજની કરે , તો સામે જઈ ચાંચ જ ધરે;
‘ અમારે આટલાં વર્ષ અંધારે ગયાં, ને તમે આવાં ડાહ્યાં ક્યાંથી થયાં?
હા , પ્રિય વાચક મિત્રો ; જ્ઞાની કવિ અખો જે સમજાવતા હતા તે હતી ધર્મ – માનવ ધર્મની વાત , અને એ દર્શાવતા હતા તે હતી ધર્મના આભાસની વાત !
હવે કોરોના મહામારી બાદ જીવન થોડું વ્યવસ્થિત થઇ રહ્યું છે ત્યારે , ઘણાં માણસો મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયાં છે ત્યારે આપણો સાચો ધર્મ શું એવો પ્રશ્ન થાય !
જે તે ભગવાનની મૂર્તિઓને માત્ર હરિ ૐ હરિ ૐ કરીને પૂજવાથી કાંઈ ભગવાન પ્રસન્ન થતા નથી – આજે કોરોના મહામારીમાં ઘણાં કુટુંબો કપરી સ્થિતિમાં છે , તેમને તરછોડીને માત્ર માત્ર મૂર્તિઓની પૂજા કરવાથી ભગવાન પ્રસન્ન નથી થવાના .
પણ , આપણને શું એની સમજ છે ખરી ?
ઘણી વખત ધર્મને નામે માનવી ઘણું અધાર્મિક કાર્ય કરતો હોય છે .
આપણને જો ખબર હોય કે આ કાર્ય અધાર્મિક છે , તો આપણે એવું કાર્ય ના કરીએ . કહીએ , “ ભાઈ , અમે એવું અધાર્મિક , અમાનુષી કામ નહીં કરીએ !” કોઈના ઘરમાં ચોરી કરવી કે સ્ટોરમાંથી કોઈ ચીજ પૈસા આપ્યા વિના લઇ લેવી એ ખોટું કામ કહેવાય . અધાર્મિક કામ કહેવાય .
“ પણ સ્ટોરમાં કોઈ ચીજ પ્રમોશન માટે મફતમાં આપવામાં આવતી હોય તો તે શું અધાર્મિક પગલું કહેવાય ?” તમે પૂછશો .
મંદિરમાં ભગવાનની મૂર્તિ પર દૂધનો અભિષેક કરવો એમાં કાંઈ ખોટું નથી , પણ , કોઈ ગરીબ બાળક એ દૂધ પીવા પામે તો એ સાચો ધર્મ – માનવ ધર્મ કહેવાય ! અને ત્યારે , પેલો શિવલિંગ પર કરેલ દૂધનો અભિષેક એ માત્ર ધર્મનો આભાસ બની જાય .
શું ધર્મ છે અને શું અધર્મ કહેવાય એ માટેની મથામણમાંથી જન્મેલ છે ધર્મ આભાસ !
યુનાઇટે નેશન્સ – એમાં વિશ્વના દેશોએ ભેગા થઈને ‘અધર્મ’ ની વ્યાખ્યા બનાવવા પ્રયત્ન કર્યા છે પણ આજ સુધી એમને સફળતા મળી નથી ! ને એમાં એક શબ્દ ; “ આતંકવાદ” વિષે આ સૌ રાષ્ટ્રો એક વ્યાખ્યા બનાવવા મથી રહ્યા છે ; ‘આતંકવાદ એટલે શું ? કોને તમે આતંકવાદ કહેશો , અને કોને સ્વર રાષ્ટ્રની રક્ષાર્થે કરેલ હુમલો કહેશો ? વળી હુમલો એટલે શું ?વગેરે વગેરે શબ્દોમાં એ સૌ હજુયે લડતાં – ઝગડતાં – વાદવિવાદમાં પડ્યાં છે !
વિશ્વમાં હમણાં કોરોના મહામારીનો મોટો જંગ ખેલાઈ રહ્યો હતો . ધીમે ધીમે પરિસ્થિતિ કાબુમાં આવતી જાય છે , પણ જે થયું એના પરિણામો , એની હવે પછી થવાની સમાજ ઉપર , કુટુંબ ઉપર અને વ્યક્તિ ઉપરની અસર -વિષે ચર્ચાઓ થઇ રહી છે ..
એવી જ એક ચર્ચામાં અમારાં એક મિત્રે જણાવ્યું ; “ અમારાં કુટુંબમાં કોરોનમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું . એમની અંતિમ ક્રિયામાં ( અંત્યેષ્ઠી) માટે આવેલ એમનાં સગાંને કોરોના થયો અને એમનું પણ આખરે , થોડા અઠવાડિયા બાદ મૃત્યું થયું .. સરકારે સખ્ત લોક ડાઉન જાહેર કરેલું ,પણ એ લોકોએ ગણકાર્યું નહોતું .. એ લોકો કહે મૃતાત્માને શાંતિ મળે એ માટે આટલી વિધિ તો કરવી જ પડે ..
ભારતમાં પરિસ્થિતિ હાથ બહાર થઇ ગઈ હતી , તે માટે ઘણાએ સરકારને જવાબદાર ગણી , પણ ; લગ્નોત્સવોમાં વરઘોડામાં જઈને પૂર જોશમાં નાચનાર સૌ એને પોતાનો ધર્મ સમજીને , પોતાની ફરજ સમજીને જ ત્યાં ગયાં હતાં ને ? લગ્ન પ્રસંગે વરઘોડો તો કાઢવો જ પડે . આ વિધિ તો કરવી જ પડે ! લગ્નમાં ગણેશ સ્થાપનમાં કન્યાના મામાએ તો હાજરી આપવી જ પડે , અને ફલાણાના મૃત્યું બાદ અમુક લોકોએ ગરુડ પુરાણ સાંભળવું જ પડે એમ કહેનારાઓ ,કોરોના ચારે તરફ ફેલાવવામાં ભાગીદાર બન્યાં છે . આને તમે ધર્મને નામે બજાવેલી ફરજ કહેશો કે ધર્મનો આભાસ ?
કોરોના મહામારીમાં ઘણાં કુટુંબોએ ઘરનું છત્ર ગુમાવ્યું . સરકારે સમજાવ્યું હતું કે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ સિવાય સામાજિક કારણોને લીધે બહાર નીકળવું નહીં . પણ ‘ આ જરૂરી છે ‘ એમ કહીને બિન જરૂરી કારણોસર લોકો બિન્દાસ સોસ્યલ ડિસ્ટેનશ – છ ફૂટની દુરી ભૂલીને , બહાર ફરતાં હતાં.. પરિણામે ઘણાં બાળકો માં કે બાપ વિનાનાં થઇ ગયાં ! શું એ લોકોને એવું કરવાની ઈચ્છા હતી ? ના , હરગીઝ નહીં ! પણ , સાચું સમજીને – એ તો જરૂરી છે એમ સમજીને -ખોટું પગલું લીધું !
આપણાં ભારત દેશનો ઇતિહાસ પણ આવાં જ ધર્મ આભાસોથી જ તો રચાયો છે !!
સાચું સમજીને ખોટું કરતાં રહેવું ! અને દુઃખ એ વાતનું છે કે જે લોકો સમજુ હતાં એને સાચું કરવા તરફ વળતાં હતાં એ લોકોને શિક્ષા પણ આ જ કહેવાતાં ધાર્મિક ‘પંચ- પરમેશ્વરો કરતાં રહ્યાં છે !
ગાંધીજી ૧૮ વર્ષની ઉંમરે ભણવા માટે પરદેશ ગયાં એટલે વૈષ્ણવ સમાજે એમને ન્યાત બહાર મૂક્યાં હતાં ! શું વિદ્યાભ્યાસ માટે દરિયો ઓળગવો એ ગુનો છે ? ના . આને છતાંયે , આ જાતનાં કહેવાતાં ધર્મ ને લીધે દેશનું ઘણું અહિત થયું છે .
રાજા રામમોહનરાયે વિધવાઓની સતી પ્રથા નાબૂદ કરવા ભેખ લીધો હતો પણ એમનો વિરોધ કરનારાઓ શું ઓછાં હતાં ?
સદીઓ પહેલાં જયારે દેશ પર પરદેશીઓના આક્મણ થવા માંડ્યાં ત્યારે તેમની સામે લડવા માટે માત્ર એક જ વર્ગ હતો : ક્ષત્રિય ! માત્ર ક્ષત્રિય પ્રજા જ લડવા જાય !! તો શું બીજાં બધાં હાથ જોડીને બેસી રહે?
હા ! બ્રાહ્મણો માત્ર પૂજા અને યજ્ઞો કરીને દેવોને આહવાહન આપે , કે હે ભગવાન હવે તું આવીને દુશમનને મારી નાંખ !!
ને આ બધું ધર્મને નામે થતું !! આ ધર્મનો આભાસ કહેવાય .
સાચો ધર્મ દોરા ધાગા કે યજ્ઞો કે આરતી ભજનોમાં નથી , નથી . હા , માનવીને શાંતિ માટે આ જાતનું મેડિટેશન , યોગ , ભજન કીર્તન વગેરે જરૂરી છે , પણ માત્ર તુલસી દેખી તોડે પાન, પાણી દેખી કરે સ્નાન – એમ અખાએ કહ્યું છે તેમ , આ બધાં ઉપકરણો સાચો ધર્મ નથી . જેમ કોરોના સામે લડવા એની પ્રતિકાર શક્તિ કેળવવી પડે છે , અને એ રસી દ્વારા – વેક્સિનેશન દ્વારા આવે છે , ત્યાં માત્ર યજ્ઞો કરવાથી કાંઈ કામ ના સરે , એ જ રીતે સાચો ધર્મ માત્ર મૂર્તિ પ્રતિષ્ઠા કરવાથી નહીં , માનવ સેવાથી જ સાર્થક થાય છે ..
સિક્કાની આ બાજુ છે .. ધર્મ ને બીજી તરફ છે ધર્મનો આભાસ. !

૨૩-વાર્તા અલકમલકની-રાજુલ કૌશિક

આલાં-

દુબઈ જતું પ્લેન ટેક ઓફ કરી ચૂક્યું હતું. શહેર પાછળ છૂટતું જતું હતું અને મન પણ. ઘણાં લાંબા સમય પછી અમ્મીને મળવાના સંયોગ ઊભા થયા હતા. જ્યારે જવાનું થાય ત્યારે અમ્મી તો રોકાઈ જ જવાનો આગ્રહ કરતી. આ વખતે અબ્બાની વરસીના નામે છેવટે રોકી જ લીધો.

ધીમે ધીમે દૂર થતાં જતાં શહેરના મકાનોની લાઇટો નાની, વધુ ને વધુ નાની થતી જતી હતી. પ્લેનમાં એર હૉસ્ટેસ એના સ્મિત મઢ્યા ચહેરા સાથે યુ.ડી.કૉલનના ટિસ્યૂ આપી ગઈ. ચહેરો તો સાફ કર્યો પણ એનાથી મનમાં છવાયેલી ઉદાસી સાફ ન થઈ. આ ઉદાસી માત્ર અમ્મીને એકલી મૂકીને આવવા માટે હતી? દરેક વખતે અમ્મીને એકલી મૂકીને એ આવતો જ હતો પણ આ વખતે અમ્મીની સાથે આલાંની યાદ પણ કેડો મૂકતી નહોતી.

આલાં.

શરારતી આંખો, સહેજ અમસ્તી સાંવલી પણ તીખી સૂરત, કોઈનીય સાડાબારી રાખ્યા વગર, કશું પણ વિચાર્યા વગર મનમાં જે આવે એ બોલી નાખવામાં શૂરી. આલાંને પહેલાં ક્યારેય મળવાનું બન્યું નહોતું અને એટલે જ આલાં પણ મને ઓળખી શકી નહોતી.

નાનપણમાં આલાંની મા મરી ગઈ અને એક વર્ષ પહેલાં બાપ. હવે આલાં એની જાતે, એની રીતે જીવતા શીખી ગઈ હતી.

એ અમ્મી સાથે વાતો કરતી રહેતી અને હું એની તસવીર લેતો રહેતો. આ ક્ષણે પણ જાણે મારા હાથમાંની તસવીરોમાંથી એની બોલકી આંખો મારી સાથે વાત કરી રહી હતી. એનું ઘાટીલું દેહાતી બદન, બેસે ત્યારે સહેજ ઊંચે ચઢી ગયેલા પહોળા પાયજામામાંથી દેખાતી એની સુડોળ પીંડીઓ, તસવીરમાં સજીવ થઈને જાણે અજબનું આકર્ષણ ઊભું કરી રહ્યાં હતાં. એ વાતો કરતી ત્યારે મુંડી મરોડીને, ડોકને ઝાટકો આપીને જે રીતે મારી સામે જોતી એ અદા એક તસવીરમાં ઝીલાઈ હતી. મારા હાથમાં પકડેલી તસવીરમાંથી બહાર આવીને એ મારી સાથે વાત કરતી હોય એવું આ ક્ષણે હું અનુભવી રહ્યો.

“તસવીરોનું શું કરશો? એણે એક દિવસ પૂછ્યું હતું.

“મારી સાથે લઈ જઈશ.” જવાબ તો મેં આપ્યો પણ તીરછી નજરે જોતા એ બોલી, “એનાં કરતાં મને જ સાથે લઈ જાવ તો?”

હું એવો અબૂધ હતો કે એ સમયે મને એની વાત સમજાઈ નહોતી. પણ બંને વચ્ચે કદાચ કોઈ આકર્ષણ જન્મી રહ્યું હતું એવું તો હું અને એ બંને સમજી ચૂક્યાં હતાં.  બંનેને નજીક રહેવાના કારણો જોઈતા હતા. એકબીજાના સ્પર્શની ઇચ્છા જાગતી હતી. આલાં એની હેસિયતથી અજાણ નહોતી પણ અમે બંને લાગણીના એક એવા ઉંબરા પર ઊભા હતાં જેને ઓળંગીને એકબીજા સુધી પહોંચવાની, એકબીજાને પામવાની ઇચ્છા જાગ્યા કરતી હતી. દેખીતી રીતે એ ઉંબરો અમે ઓળંગ્યો નહોતો પણ પ્રયત્નપૂર્વક જાતને રોકવા છતાં મનથી એ ઓળંગ્યા વગર પણ ક્યાં રહી શકયાં હતાં?

આલાં એક સાવ ગરીબ મોચીની છોકરી હતી, આવી ખૂબસૂરતી લઈને એણે ગરીબના ખોરડામાં જન્મ નહોતો લેવા જેવો. ચક્કીમાં પીસાતા આટાની જેમ એની યુવાનીય ગરીબીમાં પીસાતી હશે પણ એનો રંજ ક્યાંય એનામાં દેખાતો નહોતો. એ તો એની મસ્તીમાં રાચતી. મોચીની દીકરી હોવા છતાં એક મોચીકામ છોડીને એને ઘણું બધું આવડતું હતું. આજે એ આટો પીસી આપતી તો કાલે પાણી ભરી આપતી, છત લીંપવાનું, ગાય માટે બારીક ચારો કરવાનું, ગાય દોહવાનું, બધું જ એને આવડતું અને એમાંથી એની રોજી-રોટી કમાઈ લેતી.

અમ્મી માખણ વલોવતી અને માખણ તારવ્યા પછી નીચે રહી જતી છાશ લેવા આલાં આવતી.. એક ક્ષણ ચૂપ રહે તો એ આલાં નહીં. દરેક સવાલોના એની પાસે એની રીતના જવાબ હતા જે ત્યારે તો મારી સમજમાં નહોતા આજે હવે સમજાય છે ત્યારે હું એનાથી ઘણે દૂર નીકળી ગયો છું.

એટલામાં એર હૉસ્ટેસ આવીને વાઇનની નાની બૉટલ અને વાઇનનો ગ્લાસ મૂકી ગઈ. પાણી વગર સૂકાતા ગળાને શરબત કે શરાબ ભીનું કરી શકવાના નહોતા એના માટે તો સાવ સાદું પાણી જ ખપે ને? પણ એવી જ એક તરસ સાથે લઈને હું આવ્યો હતો એનું શું?

અમ્મી કહેતી, આલાંનો મિજાજ તીખા મરચાં જેવો છે, કોઈની હિંમત નહોતી કે એની મરજી વિરુદ્ધ એની પાસે પણ ફરકી શકે. એનો મતલબ એ કે મારું એની નજીક હોવું એની મરજી હતી અને પછી તો અબ્બાની વરસી નિમિત્તે ઘરમાં કેટલીય એવી નાની મોટી ઘટના બનતી ગઈ કે અજાણતાંય અમે બંને એકબીજાની સામે આવી જતાં. અમ્મીની મદદમાં ખડે પગે ઊભી રહેતી આલાંએ મારા મનમાં, મારા વિચારોમાં પણ પગદંડો જમાવા માંડ્યો હતો.

ઘરમાં અબ્બાની વરસીના લીધે દિવસભર ચાલેલી ચહલપહલ પછી મહેમાનો, કામ કરવાવાળાં સૌને મેં વિદાય આપી આપી હતી પણ આલાં કે એની યાદને હું ક્યાં વિદાય આપી શક્યો હતો? એ સન્નાટાભરી રાતમાં હું એને શોધતો હતો.

કદાચ અમ્મી પાસે હશે એમ વિચારીને હું અમ્મીના રૂમમાં ગયો. ત્યાંય નહોતી. અમ્મી કહેતી હતી કે આખા દિવસનું કામ પૂરું કર્યા પછી આલાંએ મારા કપડાંની સુટકેસ તૈયાર કરી હતી. બીજી દિવસે નીકળવા માટે ટાંગાની વ્યવસ્થા કરવાનું પણ ભૂલી નહોતી.

“તો પછી અત્યારે ગઈ ક્યાં?” અમ્મીને મેં પૂછી લીધું.

મહેમાનોથી માંડીને સૌને મેં રૂખસદની ભેટ આપી પણ એને પૂછવાનું, કહેવાનું ભૂલી ગયો હતો એટલે એ મારાથી એ નારાજ હતી એવું અમ્મીએ કહ્યું સાથે અમ્મીએ એ પણ ઉમેર્યું હતું કે આ વાત આલાંએ હસવામાં કહી હતી પણ એ સમયે એની આંખ ભીની થઈ ગઈ હતી. અમ્મી કહેતી હતી કે જેને હસવાની આદત હોય છે એનું હ્રદય અંદરથી સતત રડતું હોય એ વાતની કોઈને ખબર નથી હોતી, મને પણ ક્યાં ખબર પડી હતી કે આટલી ખુશમિજાજ દેખાતી આલાંના હ્રદયમાં કેવા વલોપાતનું વલોણું ઘૂમતું હશે?

હું ચાવલની પોટલી લઈને એને આપવા એના ઘેર ગયો. થોડી ખુશ પણ થઈ. ચાવલની પોટલી લઈને એ ઘરમાં દોડી અને વળતી ક્ષણે પાછી આવી. એના હાથમાં એક પેકેટ હતું.

“આરિફ મિયાં, તમારી બેગમાં આના માટે જગ્યા થશે?” એ કશીક અપેક્ષા સાથે મારી સામે જોઈ રહી હતી.

પેકેટ ખોલી જોયું તો એમાં મારા માટે આલાંએ જાતે સીવેલો ઝભ્ભો હતો જેની પર એણે ઝીણાં વેલબુટ્ટાનું ભરત કર્યું હતું. આલાંએ સાચે જ દિલથી સરસ કામ કર્યું હતું. આલાં આ પણ કરી શકતી હતી? આલાં કેટલું બધું કરી શકતી હતી?

“પસંદ આવ્યો?” એની લાગણીઓને કાબૂમાં રાખવાનો વ્યર્થ પ્રયાસ કરતી વખતે એના અવાજનું કંપન મને સ્પર્શતું હતું. ઝભ્ભો મારા માપનો છે કે નહીં એ ચકાસવા એ મારી પાસે આવી, ખૂબ પાસે. એ ક્ષણે એના શ્વાસની ગરમી હું અનુભવી શકતો હતો.

આલાં ઘરનું કામ, ગમાણનું કામ બધું જ કરી શકતી હતી એ મેં જોયું હતું પણ આવું નાજુક સ્ત્રી સહજ કામ પણ એ કરી શકતી હશે એવી મને કલ્પના નહોતી.

“તું આ પણ કરી શકે છે આલાં?  કેટકેટલું તું કરી શકે છે?” ઝભ્ભો જોઈને મારાથી પૂછાઈ ગયું.

એ ઘડીભર ચૂપ થઈ ગઈ પણ એની નજર ક્યાં ચૂપ રહી શકે એમ હતી? એ નજર પણ ઘણું કહી જતી હતી. બંને વચ્ચે વ્યક્ત ન કરી શકાય એવો ભાર હું અનુભવી રહ્યો, કદાચ એ પણ અનુભવતી હશે. થોડી ક્ષણો માટે પણ મૌનની દીવાલ એનાથી ક્યાં સહન થવાની હતી!

એ હસી પડી. બરાબર અમ્મી કહેતી હતી એવું જ હસી પડી. એ ક્ષણે એના હસવા પાછળનું રૂદન હું સમજી, અનુભવી શક્યો હતો.

એક ઊંડો શ્વાસ લઈને એ બોલી,

“હા આરિફ મિયાં, હું બધું જ કરી શકું છું, પ્રેમ પણ…….જે તમે ક્યારેય જોયો જ નહીં.”

એના ગળામાં ડૂમો બાઝ્યો. એ ક્ષણે એના અવાજમાં રૂદનની છાંટ ભળી. એ તરત મારાથી ઊંધી દિશામાં ફરી ગઈ. કદાચ આજ સુધી કોઈએ ન જોયેલા અને અજાણતાં છલકાઈ આવવાની અણી પરના આંસુ મને પણ નહીં બતાવવા હોય.

આ ક્ષણે એણે એની આંખમાં સમાવી લીધેલા આંસુ મારી આંખમાંથી છલકાવાની અણી પર હતા. એના ગળામાં બાઝેલો ડૂમો મારા ગળામાં અટક્યો હતો.

અને હું દૂર, એનાથી ઘણો દૂર જઈ રહ્યો હતો.

એહમદ નદીમ કાસિમિની વાર્તા ‘આલાં’ પર આધારિત ભાવાનુવાદ.

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

HopeScope Stories Behind White Coat – 23 / Maulik Nagar “Vichar”

By:Maulik Nagar “Vichar”

પડીકી

દરેક પરિવારોમાં બને તેમ એક કાકાને ત્યાં બધા જ ભાઈ-બહેન ભેગાં થયા હતા અને રક્ષાબંધનનો તહેવાર ઉજવતા હતા.
“અમીદીદી જલ્દી કરોને મારે હોસ્પિટલ જવું છે. મોડું થાય છે.” ડૉ. તેજસ બધી બહેનોનો લાડકો હતો. એનાં મુખ્ય બે-ત્રણ કારણ હતા. એક તો એને એકેય સગી બહેન ન હતી. બીજું કે એનું ખિસ્સું હંમેશા ભરેલું જ હોય એટલે દરેક વર્ષે બધી બહેનોને શ્રાવણ મહિનાની હાથ ખર્ચી તો તેજસ પાસેથી જ મળી રહે. અને ત્રીજું અગત્યનું કારણ એ કે ઘરના બધા લોકોનું ઓ.પી.ડી એક સાથે દિવસે ત્યાં કાકાના ઘરે જ ભરાય.
કાકાને મસા થયાની સમસ્યા હોય તો કાકીને સાંધા દુઃખતા હોય.
પિતરાઈ ભાઈ પ્રિયાંકને જવાનીમાં ખીલ સતાવતા હોય, તો કોઈ કઝિન બહેનને મેનોપોઝની સમસ્યા હોય.
રક્ષાબંધનના દિવસે ડૉ. તેજસની આરતી ઉતાર્યા પછી બધા જ એક પછી એક પોતાની સમસ્યા લઈને આવી જાય.
કાકી વળી કાકાના મસા માટે કોઈક પડીકીમાં ફાકી લાવ્યા હોય અને પોતાના સાંધાના દુખાવા માટે પણ કોઈ ધોળી ધોળી ચૂસવાની ગોળીઓ લઈને આવે.
આ બધા ઉપચારથી તેજસને ઘણી નફરત હતી.

“અરે કાકી આવી ફાકીઓથી કંઈ ના થાય, હવે ના રોગ તો બધા હઠીલા હોય છે!”
“અલા, તેજ્યા અમે તો નાનપણથી આવી પડીકીઓ ફાકીએ છીએ, સારુંય થઇ જાય છે. જો તારી અમીદીદીને જ જો..વાળ કેવાં ઘટ્ટ થઇ ગયા આ ફાકીથી, હવે સહેજે ઉતરતા નથી.”
“કાકી પૌષ્ટિક ખાવાનું ખાઈએ એટલે આવી ફાકીઓની કોઈ જરૂર ન પડે. આમાં તો ઊંટવૈદ્યુ થઇ જાય!”
“લે! આ તારા કાકા ક્યાં તીખ્ખું ખાય છે. તોય એમને મસા થયા જ ને!, પણ આ ફાકીથી બેસીય જાય છે.”
“એ તો થોડો ટાઈમ જ બેસે, એનો તો એક માત્ર જ ઉપાય છે. ઑપરેશન!” ડૉ. તેજસે તો હોઠને ગોળ દડા જેવો કરીને ઑ….એવું લંબાયું કે કાકી છંછેડાઈ ગયાં.
“હશે અવે તેજ્યા, ના જોયો હોય મોટો ડૉક્ટર..અમે તો તને ભણાયો છે…”
“હારું, આ અમીની સુવાવડ પછી તારા કાકાના ઑપરેશનનું કંઈક વિચારીયે. ત્યાં સુધી આ ફાકીઓ લઈને મસા બેસાડી દઈશું.”

તેજસને પણ મોડું થતું હતું એટલે એણે બહું ચર્ચા ના કરી અને બધી બહેનોને બોણી આપી અને હોસ્પિટલ જવા રવાના થયો.
તેજસ ગલીની બહાર પહોંચ્યો જ હશે ને પ્રિયાંકનો ફોન આવ્યો. “તેજસભાઈ, પાછા ઘરે આવોને અમીદીદીને છાતીમાં બહું જ દુખાવો થાય છે.”
અમીદીદી પ્રેગ્નન્ટ હોવાથી છાતીમાં નહીં પણ પેટમાં દુખાવો થતો હશે તેવું માનીને તેજસ કાકાના ઘરે પાછો આવ્યો.
અમીદીદીની છાતી સાચે જ લબકા લેતી હતી.
બોલવામાં હાંફ હતો.
અમીદીદી માત્ર છાતી પર હાથ મસળીને ઈશારો જ કરી શકતા હતા.
તેજસને ચોક્કસ થઇ ગયું કે અમીદીદીને છાતીમાં જ દુખાવો છે.
તેજસ પોતાની જ ગાડીમાં અમીદીદીને હોસ્પિટલ લઇ ગયો.
અમીદીદીના વધતા જતા દુખાવાની સાથેસાથે તેજસની ગાડીની સ્પીડ પણ વધતી હતી.
સાથે બેઠેલા પ્રિયાંક અને કાકા કાકીના ધબકારા પણ એ જ ગતિએ વધતા હતાં.
થાય જ ને!
પોતાની સગી દીકરીને આવી હાલતમાં જોવી અને ક્યાંક કંઈક ઊંચનીચ થઇ જાય તો સમાજમાં અને અમીના સાસરામાં બધા એમનાં માથે માછલાં ધોવે!
તેજસની ગાડી હોસ્પિટલ પહોંચી ગઈ. ડૉ. તેજસની ઇમરજન્સીની ટીમ એમની રાહ જોઈને જ ઉભી હતી.
વાઈટલ્સ મોનિટર અટેચ કરતા જ ડૉ. તેજસે જોયું કે આ તો કાર્ડિયાક અરીધમીયા છે.
સમયસર શૉક આપવાથી હાર્ટની રિધમ તો નોર્મલ થઇ ગઈ. પણ ધબકારાની ગતિ ખૂબ જ ધીમી પડી ગઈ હતી.
બનેવી કાર્તિકની પરવાનગી લઇ કાર્ડિયોલોજિસ્ટે અમીદીદીના હાર્ટમાં પેસમેકર મૂક્યું.
ઓબ્ઝર્વેશન માટે અમીદીદીને બે દિવસ માટે આઈ.સી.યુમાં રાખવામાં આવ્યાં.
બધી જ જવાબદારી તેજસે પોતાના ઉપર લઇને કાર્તિકજીજાજીને નિશ્ચિન્ત થઈને ઘરે જવા જણાવ્યું.
ઘરનો જ દીકરો ડૉક્ટર હતો એટલે બધાને થોડી માનસિક રાહત હતી છતાં પણ કાકા કાકીએ બાધા માની લીધી હતી કે જે દિવસે અમીને હોસ્પિટલથી રજા મળશે એ દિવસે સત્યનારાયણની પૂજા કરાવીશું.
“હેલ્લો, જીજાજી, દીદી ઇસ પરફેક્ટલી ફાઇન એન્ડ બાય ટુમોરો શી ઇઝ ગેટીંગ ડિસ્ચાર્જડ”
“ગ્રેટ, આઈ વિલ કમ ટુ પીક હર. જોઈન ફોર સત્યનારાયણ પૂજા ટુમોરો, થેન્ક્સ ફોર ઓલ યોર હેલ્પ, થેન્ક યુ…થેન્ક યુ સો મચ…આઈ ઓ યુ….” વિગેરે લાંબા લચક મેસેજથી એક સાથે બે જાન બચવાનો હરખ જીજાજી કાર્તિકના મેસેજમાં સ્પષ્ટ છલકતો હતો.
બીજા દિવસે કાકા કાકી અને આખો પરિવાર સત્યનારાયણની પૂજાની તૈયારીમાં લાગી ગયો અને બીજી બાજુ બનેવી કાર્તિક ઇમર્જન્સી ડિપાર્ટમેન્ટની લોન્જમાં અમીની રાહ જોઈને બેઠાં હતાં.
“જીજાજી, કંઈ પણ કામ હોય તો મને મેસેજ કરજો એક ટ્રોમાનું પેશન્ટ આવ્યું છે એટલે મારે જવું પડશે, દીદીની ડિસ્ચાર્જ સમરી બને એટલે તરત એમને નીચે લાવશે. મને મળીને જ જજો.” પોતાની ડૉક્ટરની ડ્યુટી નિભાવવા તેજસ ત્યાંથી વોર્ડ તરફ ગયો. જીજાજીને કંઈક કહેવું છે એવો અણસાર તો થયો પણ હવે ડૉ. તેજસનો જીવ પેલાં મરતા માણસમાં ભરાયો હતો.
“અગર ઉન્હેં કોઈ હેલ્પ ચાહીયે તો…..” સિક્યુરિટીને કહીને ડૉ. તેજસ જેવો ડિપાર્ટમેન્ટમાં અંદર પ્રવેશ્યો અને ત્યાં એને “સર……” સિક્યુરિટીની બૂમ સંભળાઈ…
અમીદીદીને લેવા આવેલા જીજાજી કાર્તિક પણ છાતી પર હાથ મૂકીને મસળતા હતાં અને હાંફતા હતા.
અડધો ડઝન સ્ટાફ ત્યાં પહોંચી ગયો.
એ જ પ્રક્રિયા, વાઈટલ્સ મોનિટર અટેચ કર્યું અને એમને પણ કાર્ડિયાક અરીધમીયા.
આ વખતે ડૉ. તેજસના પણ પરસેવા છૂટી ગયાં.
જીજાજીને પણ શોક આપ્યાં.
હાર્ટની રિધમમાં કોઈ સુધારા નહિ.
ઓન ડ્યૂટી કાર્ડિયોલોજિસ્ટ પણ આવી ગયા.
જીજાજીનો શ્વાસ પાતળો થતો હતો.
ડિપાર્ટમેન્ટમાં મોનિટરોના બીપ સાઉન્ડની વચ્ચે સાળા અને કુશળ ઇમર્જન્સી સ્પેશ્યલિસ્ટ ડૉ. તેજસને કંઈક અણબનાવ બનવાની બીક ભરાઈ.
આ બાજુ અમીદીદી પણ નીચે આવી ગયા હતાં.
“કાર્તિક અને આખા પરિવારને મળીને પેટ ભરીને શિરો ખાઈશું” એકાદ કલાક પહેલાં જ અમીદીદી એ એવી ચર્ચા તેજસ સાથે કરી હતી.
વાઈટલ મોનિટર હાર્ટની રિધમના તો અવનવાં જ આકાર બતાવી રહ્યું હતું.
ડૉ. તેજસ અને સિનિયર ઓન ડ્યુટી કાર્ડિયોલોજિસ્ટે અનેક તર્ક લગાવ્યાં.
“ત્રણ દિવસ પહેલાં અમીદીદીને કાર્ડિયાક અરીધમીયા, હવે જીજાજીને પણ એવાં જ લક્ષણો!”
અમીદીદી અને જીજાજી જો ભાઈ-બહેન હોત તો જિનેટિક ડિસઓર્ડર પણ હોઈ શકત, પરંતુ પતિ પત્નીમાં જિનેટિક ડિસઓર્ડર તો શક્ય નથી!
“તો શું હોઈ શકે? આ તો જોગાનુજોગ કહેવાય.”
તેજસના ફોનની ઘંટડી વાગી…”કાકી, જય શ્રી કૃષ્ણ! થોડી વારમાં કરું ફોન?” પ્રશ્નાર્થમાં જ ક્યાંક ઉત્તર છુપાયેલો જણાયો. ફોન મૂકતાની સાથે જ ડૉ.તેજસે બૂમ પાડી
“બ્રધર નિખિલ, એમનો હેવી મેટલ ટોક્સિન ટેસ્ટ માટે સેમ્પલ મોકલાવો અને અમી દીદીનો પણ!!!”
કમનસીબે…થોડાક જ કલાકમાં કાર્તિકજીજાજી એ છેલ્લા શ્વાસ લીધાં.
સત્યનારાયણની કથાના શ્લોક અને વાર્તાઓમાં મહામૃત્યુંજય મંત્ર ભળ્યો.
ઘરનું વાતાવરણ ગમગીન તો હતું જ હવે શોકમય બન્યું.
તેજસના હાથની સુખડની રાખડીમાંથી પસ્તાવાની ગંધ આવતી હતી.
તેજસને જીજાને ન બચાવી શકવાનો ઊંડો આઘાત લાગ્યો હતો.
અમીદીદીની હાલત તો ચાલતી લાશ જેવી હતી.
અમુક જ કલાકમાં શું બની ગયું એનું કંઈ ભાન જ ન રહ્યું. બધા જ સમયના ગુલામ બની ગયા હતા.
અમીદીદીએ બે દિવસથી કંઈ ખાધું પણ ન હતું અને એટલે બધાં એને અનેક જાતની સલાહ, સૂચન, હિમ્મત વગેરે આપતા હતાં.
વીલ પાવરમાં સ્ટ્રોંગ કાકી અમીદીદીની નજીક આવ્યા અને કહ્યું “બેટા ખાઈ લે, કેટલાય દિવસથી તે આ પડીકીની ફાકી પણ નથી લીધી. લઇ લે!”
ફાકી સાંભળતા જ તેજસે જમણાં હાથમાં બાંધેલી સુખડની રાખડી જોઈ અને રક્ષાબંધનનો દિવસ યાદ આવ્યો.”
ડૉ. તેજસના ફોનની રિંગ વાગી “સર, બોથ હેવ હેવી મેટલ ટેસ્ટ પોઝિટિવ.”

સ્પંદન-22

યોગ પ્રત્યે સહુનો અનુરાગ
યોગ છે અજાયબ ચિરાગ
કાર્યસિદ્ધિ એવી છે નક્કર
રોગ સામે કાંટાની ટક્કર

તનમાં સ્ફૂર્તિ, મનમાં શાંતિ
એકાગ્ર ચિત્ત, ઓળખ આતમની
પ્રતિશ્વાસ પ્રાણનો ધોધ વહાવે
શક્તિપુંજ રોમ રોમ  પ્રગટાવે

ધ્યાનમય નયનો ઢળે છે ભીતર
યોગ થકી પામે નવ જીવતર
મહત્તા યોગની એવી નિરંતર
માનવ માનવ રહે ન અંતર.

કોહિનૂર… કહો કે પ્રકાશનો પર્વત…ભાષા બદલાય પણ નૂર સહુને અચંબિત કરે…ઝળહળતો પ્રકાશ  જે તેને બ્રિટિશ તાજમાં પણ સ્થાન આપે …કહેવાય છે કે ક્યારેક કોહિનૂર સ્યમંતક નામથી ઓળખાતો હતો અને ભગવાન કૃષ્ણએ તેને જાંબુવાન પાસેથી મેળવીને રાજા ઉગ્રસેનને આપેલો…સત્ય ક્યારેક ઇતિહાસમાં છૂપાયેલું હોય …પણ ભારતનો ઇતિહાસ એ રહ્યો છે કે તેણે સમગ્ર વિશ્વને એવી વસ્તુઓનું યોગદાન આપેલું છે જે વિશ્વના ફલક પર આજે પણ ઝળહળે છે. ભારત માત્ર હીરા કે ઝવેરાતથી સમૃધ્ધ છે તેમ નથી. ભારત વિશ્વને હંમેશ કંઇક અજોડ અને અદ્વિતીય કહી શકાય તેવું યોગદાન આપતું રહ્યું છે. આવું જ એક યોગદાન એટલે યોગ. યોગ એ વિશ્વને ભારત તરફથી પ્રાપ્ત થયેલ પુષ્પાંજલિ છે, જે પ્રાચીન હોય કે અર્વાચીન હર યુગમાં મહેકે છે.

આમ તો યોગની પરંપરા અતિ પ્રાચીન છે. મહાભારત અને ભગવદ્ ગીતામાં પણ ત્રણ પ્રકારના યોગનો સંદર્ભ મળે છે. યોગ એ જીવનશૈલી છે, જેનો ઉલ્લેખ 5000 વર્ષ પૂર્વે વેદોમાં મળે છે. પરંતુ, આજે જે વધુ પ્રચલિત છે….શાસ્ત્રીય રીતે જેનું યોગસૂત્ર દ્વારા આલેખન થયું છે….તે છે ઋષિ પતંજલિનો અષ્ટાંગ યોગ.

યોગ એટલે શું એ સમજવા માટે પહેલા એ જાણવું જરૂરી છે કે યોગ શું નથી. માત્ર આસન અને પ્રાણાયામ એટલે જ યોગ એવી સામાન્ય માન્યતા જોવા મળે છે., જે સત્ય નથી. યોગ કોઈ વ્યાયામ પદ્ધતિ નથી કે નથી ચિકિત્સા પદ્ધતિ. યોગ સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે નથી કે નથી કોઈ વિશિષ્ટ વ્યક્તિઓ માટે. યોગ વિજ્ઞાન પણ નથી કે નથી માત્ર તત્વજ્ઞાન. યોગ એ પરમ સત્યની પ્રાપ્તિ માટેની સાધન પદ્ધતિ છે.  યોગ એ ભૌતિક જગતથી પર, બધાંમાં ઓતપ્રોત પરમ ચૈતન્યના અનુભવ માટે સાધનમર્ગ છે. યોગની વિવિધ વ્યાખ્યાઓ થઈ છે.  અને વિભિન્ન યોગ માર્ગો છે – જ્ઞાનયોગ, ભક્તિયોગ, કર્મયોગ, મંત્ર યોગ, લય યોગ, હઠ યોગ, રાજ યોગ, પૂર્ણ યોગ…. વિ.  સંસ્કૃત युज  ધાતુ પરથી  યોગ શબ્દ આવ્યો છે. युज એટલે જોડવું…માટે યોગ એટલે જેનાથી જોડાણ સધાય તે… જીવાત્માનું પરમાત્મા સાથે જોડાણ. છતાં સામાન્ય માનવી જે યોગને જાણે છે તે  હઠયોગ અને રાજયોગ છે. આ એવું ગહન જ્ઞાન છે કે જ્ઞાનનો મહાસાગર છે, જેનો તાગ મેળવવો મુશ્કેલ છે. માટે આપણે અહીં વધુ ઊંડાણમાં નહિ જઈએ. પણ સરળ રીતે સમજીશું.

યોગ એ પ્રાચીન ભારતીય વિદ્યા છે. પ્રશ્ન થાય કે વિદ્યા એટલે શું? વિદ્યા એ એવું જ્ઞાન છે, જે માણસની ક્ષમતા વધારે છે અને કક્ષા બદલે છે. કોઈપણ વિદ્યા મેળવ્યા બાદ વ્યક્તિની ક્ષમતા કે કેપેસીટી વધે છે. તે પહેલાં કરી શક્તો હોય તે કાર્ય વધુ સારી રીતે કરી શકે છે. જ્યારે  તેની આ ક્ષમતા વધે છે, ત્યારે તેનું વધેલું કૌશલ્ય તેની કક્ષા બદલે છે. કક્ષા બદલાય ત્યારે તે વધુ સારો માનવ બને છે. આ મહામાનવ બનવાની વાત નથી પણ માનવ તરીકે પોતાને મળેલી શક્તિઓની શ્રેષ્ઠતા મેળવવાનો તેનો હેતુ છે. માનવ બધા પ્રાણીઓમાં શ્રેષ્ઠ સિધ્ધ થયો છે. પણ કઈ રીતે? માનવ યુગો પર્યંત શક્તિની આરાધના કરતો રહ્યો છે. ક્યારેક શારીરિક શક્તિ તો ક્યારેક માનસિક. આ શક્તિ તેણે જ્ઞાન કે વિદ્યાઓ વડે સંવર્ધિત કરી છે. યાદ કરીએ કે સિંહ, વાઘ, હાથી હોય કે જળચર પ્રાણીઓમાં વિશાળકાય વ્હેલ હોય, માનવી પોતાની શક્તિના સામર્થ્યથી સર્વોચ્ચ પદે બિરાજે છે. આ કૌશલ્ય ક્યાંથી આવ્યું? આ કૌશલ્ય તેણે શારીરિક અને માનસિક શક્તિના વિકાસથી પ્રાપ્ત કર્યું છે. યોગનું લક્ષ્ય ભલે શારીરિક કે માનસિક ક્ષમતા વધારવાનું ન હોય ..પણ યોગની ઉપાસના કરનાર આ ક્ષમતા સહેજે પ્રાપ્ત કરે છે.

આજે સમગ્ર વિશ્વની સમૃધ્ધિની દોટ થંભી છે અને કોરોનાની મહામારીના તોફાની સમુદ્ર વચ્ચે આરોગ્યનું વિશ્વ હાંફી રહ્યું છે. ત્યારે દીવાદાંડી બની પ્રકાશ આપે છે યોગ. યોગ આજે જીવન દૃષ્ટિ છે. દ્રશ્ય ગમે તેટલું ભવ્ય હોય પણ દ્રષ્ટિહીન વ્યક્તિ તે માણી શકતી  નથી. દ્રશ્ય નહીં પણ દૃષ્ટા અને દૃષ્ટિ જીવનપથ પર માર્ગદર્શક બને છે. આવી જીવનદ્રષ્ટિ એટલે યોગ. યોગ એક જીવનવૃક્ષ છે અને સુંદર આરોગ્ય એ તેનું ફળ .

માનવ સમગ્ર જીવસૃષ્ટિમાં સર્વોચ્ચ સ્થાન ભોગવે છે. સફળતાની સીડી પર તેનાં પગલાં ક્યારેક તેને ચંદ્ર કે મંગળની સફર કરાવી શકે તેમ છે તો ક્યારેક મહાસાગરના પેટાળની અદભુત જીવસૃષ્ટિનું દર્શન પણ કરાવી શકે છે. આ સર્વસ્વ, સિદ્ધિ, સમૃધ્ધિ અને સફળતાનો પાયો છે તેનું તન, મન અને ધન . ધનની દોટમાં દોડતો માણસ પણ જો તન અને મનનું પોષણ ન કરે તો ન તેને સમૃદ્ધિ બચાવી શકે કે ન ટેકનોલોજી. જીવન સફર રોગના પડાવ પર આવી ઊભી રહે છે અને જીવનયાત્રાને એક આંચકો લાગે છે. જીવન ઓનલાઈનમાંથી  ઓફલાઈન બનતાં વાર લાગતી નથી. સફળ ગણાતું જીવન ક્યારેક બેક્ટેરિયા તો ક્યારેક વાયરસની સામે માઈક્રોસોફ્ટ હોય તેમ લાગે છે. ચોપાસ છે અંધકાર અને ત્યારે પ્રકાશનો રાજમાર્ગ છે યોગ …ઋષિ પતંજલિએ પ્રયોજેલો રાજયોગ .   યોગ એ પ્રાચીન વિદ્યા છે જે અર્વાચીન સમયમાં પણ સચોટ અને સફળ છે.  જ્યારે બે વસ્તુઓનું  જોડાણ થાય ત્યારે નીપજે યોગ . આ જોડાણ તનનું અને મનનું હોય તો બને રાજયોગ. જેમ રાજમાર્ગ એ સહુ માટે છે તેમ જ રાજયોગ એ કોઈપણ માણસ માટે પથપ્રદર્શક છે. તે  સમગ્ર માનવજાતિના કલ્યાણનો માર્ગ છે. આજે વિશ્વ, આરોગ્ય માટે આકાશપાતાળ એક કરી રહયું છે, ત્યારે યોગ વ્યક્તિની પોતાની શક્તિને કેળવવાનો માર્ગ છે. યોગથી સ્વસ્થ બનેલ શરીર કોઈપણ પડકાર ઝીલવા સક્ષમ છે.  તે માનવીની રોગ પ્રતિકાર શક્તિને ખીલવે છે. પ્રશ્ન થાય કે આવું કઈ રીતે થઈ શકે?

ઋષિ પતંજલિનો યોગ એ અષ્ટાંગ યોગ વિદ્યા છે. તેના આઠ અંગ છે. અષ્ટાંગ યોગમાં સમાવિષ્ટ છે -યમ, નિયમ, આસન, પ્રાણાયમ, પ્રત્યાહાર , ધારણા, ધ્યાન અને સમાધિ. આ અંગોમાં એક ક્રમિકતા હોવા છતાં એ ક્રમિકતા પગથિયાં જેવી નથી. તેથી સાધક જેમ જેમ વિકાસ પામતો જાય તેમ તેમ આગળના અંગોનું ઉમેરણ થતું જાય છે. માટે આ આઠ અંગોને યોગમૂર્તિના આઠ અંગો ગણવામાં આવે છે. રાજયોગ સૌમ્ય સાધન માર્ગ છે. તે મનોજય દ્વારા પ્રાણજયનો માર્ગ છે.  પાતંજલ યોગસૂત્રના અભ્યાસ પરથી લાગે છે કે મહર્ષિ પતંજલિનો દૃષ્ટિકોણ સાંપ્રદાયિક નહિ પણ વ્યાપક અને સમન્વયાત્મક છે. 

યોગનું અંતિમ ધ્યેય આત્મ સાક્ષાત્કાર છે. તેનું પ્રાથમિક લક્ષ્ય જીવનમાં સંતુલન અને નિયંત્રણ મેળવવાનું અને મૂંઝવણ અને તણાવ દૂર કરવાનું છે…જે આસાનીથી આસન અને પ્રાણાયામથી થઈ શકે છે.  કોઈ વ્યક્તિ વિચારે તેનાથી અધિક લાભ યોગ આપે છે. આજના યુગના પડકારોનો સામનો કરવામાં પણ યોગ મદદરૂપ છે.  શરીર અને મન વચ્ચે સંપૂર્ણ સંવાદિતા જાળવવા યોગિક જીવનશૈલી આધારભૂત છે. યોગ એ માત્ર નિરીક્ષણ કે બૌદ્ધિક વિચારણાનું પરિણામ નથી.  ભારતના દૃષ્ટિ સંપન્ન ઋષિઓ અને યોગીઓએ આંતરદૃષ્ટીથી જે જોયું, અનુભવ્યું તેના પરિપાક રૂપે આ ખૂબ જ વ્યવસ્થિત શાસ્ત્ર છે. માટે જ આજે વિશ્વભરમાં એક યા બીજા સ્વરૂપે યોગની ઉપાસના થાય છે. સૌને આંતરરાષ્ટ્રીય યોગ દિનની શુભેચ્છાઓ…

રીટા જાની
18/06/2021