
ગીતા ભટ્ટ ,શિકાગો .
શિકાગોમાં સ્વાઈનફ્લુનો ભય ચારેકોર હતો . ને તેમાંયે બાળકોના ફિલ્ડમાં કામ કરતાં તમામ શિક્ષકોને હેલ્થ ડિપાર્ટમેન્ટે યોજેલ આ સેમિનારમાં હાજરી આપવી ફરજીયાત હતી.
અચાનક મારી નજર મન્ચ પર બેઠેલ એક વ્યક્તિ પર ગઈ: સરસ્વતી !અરે ! આ તો મારી ફ્રેન્ડ છે ! she is my friend! મેં બાજુમાં બેઠેલ
શિક્ષક બેન ને કહ્યું .
સૌ પ્રથમ વાર હું એને સુપર માર્કેટમાં મળેલી .ઊંચી અને અમેરિકન જેવી દેખાતી એને મેં પૂછ્યું હતું : “તમે ગુજરાતી છો ?”
બે ચાર ક્ષણ એ મારી સામે જોઈ રહી . પછી કોઈ પણ ભાવ દર્શાવ્યા વિના બોલી:” ના – ના જરાય નહીં !” એના આવા જવાબથી હું ખડખડાટ હસી પડી . પણ સરસ્વતીને વાતચીત કરવાનો કોઈ ઉમળકો નહોતો . અમેરિકામાં હું સાવ નવી નવી – તેથી ગુજરાતી મિત્રો ઝન્ખતી . સરસ્વતી જરા અલુફ રહેવા પ્રયત્ન કરે – પણ મારા સતત પ્રયત્નથી છેવટે અમે મિત્રો બન્યાં. એ પણ અમેરિકામાં નવી જ આવેલી . અને અમારા હસબન્ડ સિવાય અમારે કોઈ કુટુંબી પણ અહીંયા નહીં તેથી મૈત્રીનો દોર વધુ ગાઢ બને એમ હતું
પછી તો દર શનિવારે બપોરે શાક ભાજી લેવા એ સ્ટોરમાં અમે મળતાં ને ત્યાંના કાફેટેરિયામાં બેસતાં અનેલીધેલી ગ્રોસરીમાંથી એકાદ કેળું વગેરે ખાતાં! હું બાલમંદિરની ટીચર અને એ હોસ્પિટલની નર્સ! એહોસ્પિટલમાં તાજાં જન્મેલાં બાળકોની સંભાળ રાખે અને હું બાલમંદિરમાં સાજા બાળકોની !
“અમારું કામ વધારે મહત્વનું કહેવાય “ સરસ્વતી એ મજાકમાં કહ્યું .દરેક દલીલ પોતાને જ જીતવાની હોય તેમ તેનું વલણ હોય.
“ટીચરની જોબ વધારે મહત્વ ની કહેવાય’ મેં પણ હસ્તા હસ્તાં કહ્યું!
અમારું વાગ્યુદ્ધ આમ રમૂજમાં ચાલતું .પણ એક દિવસ કાંઈક અજુગતું જ બોલાઈ ગયું મારાથી!
“માસ્ટરજી ” સરસ્વતીએ કહ્યું,” આવાં થાંભલા જેવા ભ્મભુટિયા
રીંગણાં ના લેવાય . જો આ પાતળાં ને ડાર્ક ભૂરાં રીંગણાં! “
“તારું શાક ભાજીનું જ્ઞાન એવું છે ને કે તને સરસ્વતી નહીં સરસ શાકવાળી જ કહેવું જોઈએ .” મેં સમજણ વિના જ ઝિંકયુ ,” અરે ઓ શાકવતી બેન ,” મેં બે ટામેટા હાથમાં લઇ પૂછ્યું ,” આ ટામેટા કેવા લાગે છે ? લેવા જેવા ખરા કે?”
ખલ્લાસ ! એણે એક નજર મારા પર કરી .હું હજુ બીજા શાક લેવામાં મશગુલ હતી .કામ પત્યે મેં ચારે બાજુ નજર કરી પણ એતો ગાયબ થઇ ગઈ ! કાફેટેરિયા અને બીજા વિભાગોમાં પણ જોઈ આવી ! પણ સરસ્વતી મને જોવા નાજ મળી ! મારે પણ માંડું થતું હતું .શું થયું હશે ? કદાચ કોઈ કામ યાદ આવ્યું હશે! તો મેં ઘર તરફ પ્રયાણ કર્યું.
આ સમય સેલ ફોન પહેલાનો – આઇ ફોનના જન્મ પહેલાનો -લેન્ડ લાઈન થી વ્યવહાર ચાલતો તે દિવસોનો છે
જીવનની શરૂઆતના એ દિવસો ! મૈત્રી બઁધાતાં પહેલાંજ તૂટી ગઈ! મેં બધી રીતે પ્રય્તન કર્યા પણ સરસ્વતી પછી ના જ મળી !
” તેં એને શાકવાળી કહ્યું તે એને ગમ્યું નહીં હોય “ સિતાંશુએ કહ્યું
” અરે પણ હું તો મજાક કરતી હતી ” મેં અફસોસ કરતા કહ્યું. હશે ! આપણે શું કરી શકીએ ? મેં મન વાળ્યું.
અને પછી તો વરસો વીતી ગયાં. કાળ ચક્ર ફર્યું .
ટીચરમાંથી હું ડિરેક્ટર બની ગઈ.
શિકાગોમાં હેલ્થ ડિપાર્ટમેન્ટે યોજેલા એક સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે કોઈ પરિચિત ચહેરો લાગ્યો ! સરસ્વતી ! અરે આ તો સરસ્વતી છે ! એને મળવા હું અધીરી બની ગઈ .
લેક્ચર પૂરું થયે હું એને મળવા ગઈ
મને જોઈને એ પણ ખુશ થઈ. થોડી ઔપચારિક વાતો કરી એણે એનું કાર્ડ આપતાં કહ્યું ;” ઘરે આવ , ઘણી વાતો કરવી છે”
” હા,મારે પણ .” મેં કહ્યું .ખોવાયેલ મિત્ર પાછા મળ્યાનો આનન્દ હતો , વળી તે દિવસે શું બન્યું હતું તે જાણવાની ઇંતેજારી પણ હતી.
નક્કી કરેલા દિવસે અમે એના ઘરે પહોંચ્યા .સુંદર નેબરહૂડના એક ભવ્ય ઘરમાં એ લોકો રહેતા હતાં . ઉમળકાથી સરસ્વતી અને સાગરે અમને આવકાર્યા.
કલાત્મક રીતે સજાવેલા લિવિંગ રૂમના એક ખૂણે એક એલિગન્ટ ફ્રેમમાં કોઈ સ્ત્રીનો ફોટો હતો . પણ હું કશું બોલી નહીં : રખેને કાંઈ આડું વેતરાઈ જાય !
થોડી વાર પછી સરસ્વતી એ જ વાતનો દોર હાથમાં લીધો
” તે દિવસના પ્રસંગ માટે હું શરમીંદી છું . આપણી સુંદર પાંગરી રહેલ મૈત્રીને મેં માત્ર એક જ શબ્દ માટે , એક ક્ષણમાં , એક ઝાટકે તોડી નાંખી! અને એનું દુઃખ મને પણ છે. અને કદાચ તેથી જહું કાઉન્સેલિંગ માટે જવા તૈયાર થઇ .ત્યાર પછી મેં સાયકોલોજિસ્ટની હેલ્પ લીધી . એટલે જ આજે પેટ છૂટી વાત થઇ શકશે ‘
મને કાંઈ સમજાયું નહીં. મેં કહ્યું, ” સોરી , સરસ્વતી, તે દિવસે મેં તને શાકવાળી કહેલઃ’તારી લાગણી દુભવેલ ‘
“હું શાકવાળી જ હતી – એજ તો કામ કરી ને માં મને ભણાવતી . હું યે માને ટોપલો ચઢાવવા ક્યારેક એની સાથે જતી .પેલા ફોટામાં દેખાય છે તે મારી માં છે. મારા થેરાપિસ્ટ મને સલાહ આપી કે મારે વાસ્તવિકતાને સ્વીકારવી જ રહી જો મારે આ મૂડ સવિન્ગમાંથી બહાર આવવું હોય તો!”
સરસ્વતી બોલતી હતી જાણેકે એ ભૂતકાળમાં ખોવાઈ ગઈ છે “મારો બાપ તો દારૂની લતે ક્યારનોયે ઘર છોડીને જતો રહેલો ! માં બિચારી એકલે હાથ કેટલું કરે ? ઉચ્ચ વર્ણ ના કહેવાતા સારા ઘરના માણસો ક્યારેક મારી માંને તો ક્યારેક મને રંજાડતા .. પણ કોને કહેવાય? સાંજે નિશાળેથી આવી ને માં સાથે ગઈ હોઉં ને કોઈ શેઠિયો કહે ,” લે રૂપિયો વધારે આલું , શેઠાણી ઘરમાં નથી અને હું ભૂખ્યો છું ,રોટલો ઘડી દે ” કોઈ કહેશે ” આ બે ટામેટા બહુ સરસ છે ‘ તો કોઈને મુળા ગાજરમાં રસ હોય –
એ સુધરેલા સવર્ણ લોકોના દ્વિ અર્થી શબ્દો , લાલચુ નજર અને અમારી નિ: સહાય પરિસ્થિતિથી હું અને માં સતત રૂંધાયેલાં રહેતાં.”
હવે મને મારી ભૂલ સમજાઈ : તે દિવસે અજાણતાં મેં સુતેલા સાપ ને છઁછેડયો હતો .
મને મારી જાત પર ગુસ્સો પણ આવ્યો : બાળકો સાથે કામ કરતાં કરતાં હું એક bright horizons નામની બાલ સન્સ્થા સાથે પણ જોડાયેલી છું . જ્યાં ગરીબ વર્ગનાં બાળકો ને અમે મદદ કરીએ છીએ !પણ સાચેજ , વેદ ભણવા સહેલાછે , કોઈની વેદના વાંચવી અઘરી છે .
હું શું પ્રેરણા આપી શકવાની હતી એ બાળકોને ? સાચી પ્રેરણા મૂર્તિ તો આ સરસ્વતી છે!
” તું આટલી બધી આગળ કેવીરીતે આવી ?” મેં પૂછ્યું ,”અમેરિકા કેવી રીતે આવી?”
“એક વાર અમારી શાળાના પ્રિન્સિપાલે કહ્યું કે જે લોકો નર્સીંગનું શીખવા તૈયાર હોય તેને મફતમાં ખાવા -પીવા ને રહેવાની સગવડ મળશે ને ઉપરથી મહિને ૫૦ રૂપિયાય મળશે.
ને આવું લોકોના મળ – મૂત્ર સાફ કરવાનું કામ તો કોઈ સવર્ણ કરેજ નહીં ને? એટલે અમારા જેવા કોળી – કાછીયા ( શાક વેચનાર ) ને ચાન્સ મળ્યો . ને તેમાંયે અમારું ખોરડું ક્રિશ્ચિયન મિશનરી પાછળ હતું . ત્યાંના દયાળુ પાદરીએ ભલામણ ચિઠ્ઠી લખી આપી . અને બીજી ચિઠ્ઠી
પ્રિન્સીપાલે લખી એટલે મને નર્સ બનવાનું સદભગય પ્રાપ્ત થયું !સાગરને પણ હું ત્યાંજ મળી
ને ભણી લીધા પછી બધાં અમેરિકા જતાં એટલે હું પણ અમેરિકાઆવી !’
એને જરા ગુસ્સાથી કહ્યું,” અમે તમારા દેશમાં નીચ વરણ કહેવાઈએ . પણ આ દેશમાં ?Here I am the head of the health department !
એની આંખોમાં ક્રોધ હતો – ને અમારી આંખોમાં આંસુ .
સાગરે એને પ્રેમથી શાંત કરતા કહ્યું ,” તમારી મૈત્રી તુટયાનું દર્દ એને અસહ્ય હતું . ક્યારેક કાઉંસલિંગ માટે હજુ પણ જવું પડે છે .. એ ભૂતકાળ ને ભૂલી શક્તિ નથી ..આ સાહેબી અને સફળતા વચ્ચે ય એ ગમગીન થઇજાય છે ક્યારેક “
“જે દેશ અને સમાજે મને દુભવી છે, મારું બાળપણ છીનવી લીધું છે, મારું યૌવન ધૂળધાણી કર્યું છે, એ દેશ અને એ સઁસ્કૃતિ માટે મને નફરત છે. એને માતૃભૂમિ કહેતાં મને શરમ આવે છે” સરસ્વતી જરા ગુસ્સામાં બોલી ,” મારો દેશ તો છે આ અમેરિકા : જેણે મનેજીવન આપ્યું , જેણે મને જીવવા માટે નવી ડિરેક્શન બતાવી .’
થોડો સમય કોઈજ કાંઈ બોલ્યું નહીં . મૌનનો ઘોંઘાટ ભારે હતો.અસહ્ય હતો.
” સરસ્વતી, તારું દુઃખ સમજવાની મારી ક્ષમતા નથી.તારી માફી માંગવાને પણ હું લાયક નથી .પણ એક સહૃદય મિત્રને નાતે મારે તનેકાંઈકહેવું છે’ મેં હળવેકથી વાતની દોર હાથમાં લેતાં કહ્યું,” તારી સાથે ઘણા અન્યાયો થયા અને છેવટે કોઈ સારી વ્યક્તિએ તારો હાથ ઝાલી તને કોઈ તક ઝડપવા દીધી અને આજે તું આટલી ઊંચી જગ્યાએ છે ! અમારી સંસ્થાને તારા જેવી સરસ્વતીઓ ની જરૂર છે જે સાગર સુધી પહોંચી શકી છે! રસ્તામાં અટવાઈ ગયેલ ઘણાં બાળકોને તું રાહ બતાવ .
આપણાં દેશમાં એવાં અનેક બાળકો હજુ આજેપણ એજ પરીસ્થીમાં જીવે છે . તેમની દીવાદાંડી બનવા ,જીવન જીવવાની નવીદિશાઓ બતાવવા સમાજને તારી જરૂર છે. પડવા – નીચે આવવા -કોઈની જરૂર નથી હોતી – એ તો પૃથ્વીનો પણ ગુરુત્વાકર્ષણનો નિયમ છે. પણ ઊંચે ચઢવું અઘરું છે, અને છતાંયે એવાં મુઠી ઉંચેરા માનવીઓ પણ હોય છે જેની પગ રજ આપણે માથે ચઢાવીએ છીએ . અને એ રજકણ ધૂળ નહીં પણ ભાલે કુમકુમ બની શોભે છે! જયારે તું સામાન્ય ધૂળ -રજકણોને કન્કુ બનાવવાના કાર્યમાં જોડાઇશ ત્યાર પછી કાઉન્સેલિંગ ની તને જરૂરનહીં રહે . મેં મારો હાથ લંબાવ્યો . ” ચાલ છે તૈયાર મિસ સુવર્ણ રજ સરસ્વતી ?”
મૌન ! પણ આ મૌન કોઈ સમાધિ અવસ્થાની શાંતિ હતી .
થોડી વાર પછી સ્મિત સાથે , અશ્રું સાથે , આત્મવિશ્વાશથી એણે જાહેર કર્યું; “ચોક્કસ ! જરૂર હું એ સહુને નવી ક્ષિતિજોનાં દર્શન કરાવીશ ! ધૂળમાંથી કંકુ બનતા શીખવાડીશ !
શુભસ્ય શિઘ્રમ ! ક્યારે જવું છે ?”
( from a true story)
( સત્ય ઘટના આધારિત )
ગીતા ભટ્ટ ,શિકાગો .
Like this:
Like Loading...