“કયા સંબંધે”-(6)કલ્પના રઘુ

જીવન નૌકા સંબંધોનાં અફાટ સાગરમાં હિલોળા લેતી હોય છે. એક જીવનો બીજા જીવ સાથેનો સંબંધ, પછી તે માનવ હોય, પશુ હોય કે પક્ષી સાથેનો. જીવન સફરમાં કયો સંબંધ કયારે ફૂટી નીકળે છે અથવા છૂટી જાય છે તે સંચિત કર્મો, ઋણાનુબંધ અને લેણદેણ પર નિર્ધારિત હોય છે.

જેને બાંધવાથી બંધાય અને તોડવાથી તૂટે તેનું નામ બંધન, પરંતુ જે આપમેળે બંધાય અને જીવનભર ના તૂટે તેનું નામ સંબંધ. સંબંધોનાં સમીકરણો અઘરાં છે. સંબંધોનાં સરવાળા હોય, ગુણાકાર હોય, બાદબાકી નહીં. જીવનમાં વ્યક્તિની પ્રાયોરીટી બદલાય તેમ સંબંધોનાં સમીકરણોમાં ફેરફારો થાય છે.

સંબંધનું નામ હોય કે ના હોય પણ સંબંધથી બંધાયેલો માનવ ફૂલે છે, ફાલે છે, તેની પ્રગતિ થાય છે. તેનું અસ્તિત્વ બને છે. એક બીજાની કાંધે કાંધે આગળ વધે છે. આમ વિચારીએ તો મૃત્યુ પામેલી વ્યક્તિને પણ ચાર જણનાં કાંધનાં સહારાની જરૂર પડે છે, સ્મશાને પહોંચવા! સંબંધો વગરની વ્યક્તિ એકલી અટૂલી પડી જાય છે.

જીવનનાં પ્લેટફોર્મ પર કયારેક એવી વ્યક્તિઓનો ભેટો થાય છે કે તેને જોઇને અણગમો, નફરત થઇ આવે. તો વળી કયારેક એવી વ્યક્તિઓ પણ મળે છે જેને જોવા માત્રથી ઉરે ઉર્મિઓ ઉછાળા મારે છે. એમ લાગે છે કયાંક જોયા છે. અંદરથી સ્પંદનો ફૂટે. ના ઓળખાણ, ના પીછાણ અને ઇશ્વરનો પયગમ્બર આવી પહોંચે છે … ‘મૈ હૂં ના!’ અને … એ સંબંધ યાદગાર બની જાય છે! ત્યારે વિચાર આવે છે કે એ વ્યક્તિ મળી’તી કયા સંબંધે. કોઇએ દરવાજા પર લખ્યું હતું ‘મને બોલાવશો નહીં … હું દુઃખી છું … !! એક સાચો દોસ્ત અંદર આવ્યો અને સ્મિત કરી ને કહ્યું ‘માફ કરજે, મને વાંચતાં નથી આવડતુ!’ આમ ન ધારેલી વ્યક્તિઓ જીવનમાં પ્રવેશીને તમારા અનેક સારા કાર્યોમાં નિમિત્ત બને છે તેમજ ખરાબ સમયે પડખે ઉભા રહીને પ્રેમ અને હૂંફ આપે છે. તો  કયારેક લોહીના કે નજીકનાં સંબંધો ખોટા અને ભારરૂપ પૂરવાર થાય છે.

“જર્જરીત સંબંધોની યાદોનું પાનું ફાડવું સહેલું નથી. આપણું હોવાપણું ઓગાળવું સહેલું નથી.

મન ભલેને કહે હિમાલય જઇને તું કર સાધના. પણ સ્વજનને છોડીને ભાગવું સહેલું નથી.”

પરંતુ જીંદગીની લાંબી સફર (પ્રવાસ)નો સોનેરી નિયમ છે “Travel Light” ભાર ઓછો રાખો. એમ કહેવાય છે કે સૂટકેસમાં જેમ ઓછો સામાન તેમ મુસાફરી આસાન. જીવન-યાત્રા દરમ્યાન કંઇક નવા સંબંધો ઉભા થવાનાં, માટે છોડવા જેવા કડવા સંબંધોને છોડીને ભૂલી જવાનું શીખવું જોઇએ તો મન ઉપર કોઇ બીનજરૂરી વજન રહેશે નહી. અને આપણે હળવાફૂલ રહીને જીવનયાત્રા નિર્વિઘ્ને પસાર કરી શકીશું.

સંબંધો અનેક પ્રકારનાં હોય છેઃ

જીવાત્માનો પરમાત્મા સાથેનો …

ચેતનનો જડ સાથેનો …

ચાતકને અષાઢી મેઘની પહેલી બુંદ સાથેનો …

મૃગલાને મૃગજળ સાથેનો …

રોમીયોનો જુલીયેટ સાથેનો …

ગુરૂને શિષ્ય સાથેનો …

ભકતને ભગવાન સાથેનો …

માનો બાળક સાથેનો …

પતિ પત્નીનો એકબીજા સાથેનો …

  હા, સંબંધોને તાજા માજા રાખવા, નિભાવવા માટે કયારેક સમારકામ કરવું જરૂરી બની જાય છે. જીવન દરમ્યાન કેટલાંય પ્રકારનાં સંબંધોનાં જાળામાં માનવ ગૂંથાયેલો યોય છે.

        કેટલાંક હોય મીઠાં, તો કેટલાંક માઠા,

        કેટલાંક કડવા, તો કેટલાંક તૂરા,

        કેટલાંક રસઝરતાં, તો કેટલાંક સૂકા,

        કેટલાંક ઉંડાં, તો કેટલાંક છીછરાં,

        કેટલાંક પારિવારિક, તો કેટલાંક વ્યાવસાયિક,

        કેટલાંક લોહીનાં, તો કેટલાંક મોં-બોલા,

        કેટલાંક માનસીક, તો કેટલાંક શારીરિક,

        કેટલાંક નામી, તો કેટલાંક અનામી,

        કેટલાંક સ્વાર્થી, તો કેટલાંક નિસ્વાર્થી,

        કેટલાંક જીવંત, તો કેટલાંક મૃત.

કયારેક મૃત્યુ પહેલાં સંબંધો મરી પરવારે છે. એ ઋણાનુબંધ નહીં તો બીજુ શું? અને સંબંધો જયારે મરી પરવારે ત્યારે જે વેદના થાય … ત્યારે વિચાર આવે કે અત્યાર સુધી આપણે સંધાયેલાં હતાં, બંધાયેલાં હતાં એ કયાં સંબંધે?

સંબંધોને જયારે નામ અપાય છે ત્યારે નામની સાથે તેનાં વળગણો જોડાયેલા હોય છે. અને આ વળગણ આજની પેઢીને માન્ય નથી હોતાં. નામ વગરનાં સંબંધ ખાલી તૂંબડા જેવા હોય છે. હલકા … અને એ તૂંબડા નીજ મસ્તીમાં જીવન સરિતાના પાણીનાં વમળમાં કે દરિયાના ખારા પાણીમાં તરતાં હોય છે.અમાસની ઓટ કે પૂનમની ભરતી તેને કંઇજ કરી શકતી નથી. પરંતુ જેવા અપેક્ષા, આસક્તિ, હક્ક કે ફરજનાં વળગણ એના પર ચઢે છે કે એ તૂંબડાને ડૂબવુંજ પડે છે. તેનું અસ્તિત્વ નાશ પામે છે. આધુનિક પેઢીને આ મંજૂર નથી અને માટે તેઓ માને છે, ‘લીવ-ઇન-રીલેશનશીપ’ … જયાં સંબંધને કોઇ નામ નથી અને નથી તેનાં વળગણ અને છતાંય તે સજાતીય કે વિજાતીયની સાથે રહીને જીન્દગી વિતાવે છે. સાથ છે, સહકાર છે પણ બન્ને પોતાનાં માલિક છે. નથી કોઇની ગુલામી, નથી કોઇ રોકટોક પણ સામાજીક સંબંધોનાં ફાયદા અને લાગણીઓથી આ બે વ્યક્તિ વંચિત રહે છે અને લગ્ન વ્યવસ્થા ભાંગી પડે છે. તેને કારણે કુટુંબ વ્યવસ્થા અને સમાજ વ્યવસ્થા ભાંગી પડે છે. આ પ્રકારનો સંબંધ આજકાલ સમાજમાં દરેક પેઢીમાં સામાન્ય બનતો જાય છે. તેમાં વ્યક્તિ, વ્યક્તિ સાથે જોડાય છે, નહીં કે તેનાં કુટુંબ સાથે. એટલે તે સ્વતંત્ર હોય છે. જયાં સ્વતંત્રતા છે, વાડો નથી ત્યાં સ્વચ્છંદતા અચૂક પ્રવેશે છે. આ સામાજીક અધોગતિની નિશાની છે. હા, વૈજ્ઞાનિક શોધખોળોને લીધે દેશ-કાળ આગળ વધી રહ્યો છે. પરંતુ સામાજીક વ્યવસ્થા છિન્નભિન્ન થઇ જઇ શકે … અને આનો જવાબ આવનાર વર્ષોમાં જોવા મળી શકે.

સંબધોનાં તાણાવાણા ઇશ્વરે વણકર બનીને તેની કઇ હાથશાળામાં વણ્યા હશે? તે તો ઇશ્વરજ જાણે. કૃષ્ણને જનમ આપ્યો વાસુદેવ-દેવકીએ અને ઉછેર કર્યો નંદ-યશોદાએ … રાધા અને કૃષ્ણનો પ્રેમ … છે કોઇ નામ, આ સંબંધનું? મંદિરમાં મૂર્તિ રાધા-કૃષ્ણની જોવા મળે છે … કયા સંબંધે? આદમ અને ઇવથી સૃષ્ટિનુ સર્જન થયું હતું. સંસારની ઉત્પત્તિ પતિ-પત્નીનાં સંયોગથી થાય છે. દરેક સંબંધનાં મૂળનું સ્ત્રોત દંપતિ છે. પતિ-પત્ની અને લોહીનાં સંબંધો ઇશ્વરે સર્જેલાં હોય છે જયારે બાકીનાં સંબંધો માનવ સર્જિત હોય છે. પતિ-પત્નીનું ગઠબંધન જીવનનાં અતિમ શ્વાસ સુધી ગંઠાયેલુ રહે છે. પતિ-પત્નીનાં સંબંધમાં પણ એવાં પ્રેમી દંપતિ હોય છે, જેમનો પ્રેમ જનમોજનમનો હોય છે અને એવોજ એક પ્રેમી પતિ જીવનની ઢળતી સંધ્યાએ પત્નીનાં મૃત્યુબાદ વલોપાત કરી રહ્યો છે … પૂછી રહ્યો છે …

કયા સંબંધે

તુ મને મળી, હું તને મળ્યો,

જીન્દગી વિતાવી, તારા-મારામાં બન્નેએ.

જીવન-સરિતાનાં ખળખળતાં વારિમાં,

વારી ગયો’તો, તુજપર મુજને હારીને.

એકમાં થી થયાં બે ને બેમાંથી ચાર,

ચારમાંથી આઠ, પણ અંતે રહ્યો એક.

પરિવારને રહેવા બનાવ્યો ન્યારો બંગલો,

તેમાં અનેક ખંડો, રળિયામણો બગીચો.

બાંધ્યાં શમીયાણાં ને ઝૂલતો હિંચકો,

આખરે રહ્યાં બે અને બેમાંથી એક.

અંતે એક ખંડમાં બનાવ્યો તારો ચોકો,

તને સૂવાડીને પૂછતો રહ્યો પ્રશ્નો.

મને છોડીને તું કયાં ચાલી પ્રિયે?

અને તું મળી’તી કયાં સંબંધે પ્રિયે?

ને સાથ કેમ છોડયો? શી હતી ઉતાવળ?

હું આવું છું હાલ, તુજ સંગાથે પ્રિયે!

હવે છેટું ના હાલે, સંસાર છે અસાર,

હું અહીં, તું ત્યાં, ના હાલે પળવાર.

આ જવાબમાં પૂછ ના … કયાં સંબંધે?

આ જનમો જનમનાં તારા-મારા સંબંધે.

બેમાંથી એક થઇને, એક જ રહીશું,

ફગાવીશ આ સ્વાર્થનાં સંબંધોનાં બંધન.

નિજ ધામમાં પહોંચીને પૂછીશું પ્રશ્ન,

હે માધવ! તેં મેળવ્યાં’તાં કયાં સંબંધે?!

અને છેલ્લે, ઇશ્વર નિર્મિત તમારી દરેક જવાબદારી નિભાવીને તમે જયારે જીવન-સંધ્યામાં પ્રવેશ કરો છો ત્યારે દરેક વ્યક્તિએ વિચારવું રહ્યું કે સાચો સંબંધ કયો? આ માયાવી સંસારના માયાના પડળો વટાવીને આતમને સાધવાનો સમય આવી ચૂકયો છે. જયાં પારકાને પોતાના અને પોતાનાને પારકા બનતા પળની પણ વાર નથી લાગતી ત્યાં માત્ર ઇશ્વર સત્ય છે, કહેવાતાં સ્વજનો મિથ્યા છે એ ભૂલવું ના જોઇએ. જેની સાથે સંબંધ તૂટે છે તેનો આભાર માનવોજ રહ્યો તો જ તમે આત્મા સાથે સંબંધ બાંધી પરમાત્મા તરફ પ્રયાણ કરી શકશો અને બાકીની જીન્દગીમાં ક્ષણોને નહીં જીવનને ઉમેરીને જીવન સાર્થક કરી શકશો. પરમાત્માજ એક છે જેની સાથે તમે માતા, પિતા, પુત્ર, મિત્ર કે પ્રેમી થઇને સંબંધ બાંધી શકો છે તેના માટે તમને કોઇ પૂછનાર નથી … ક્યા સંબંધે … ?

કલ્પના રઘુ

કયા સંબંધે? (5) વિજય શાહ

 

Jigar ane ami

સંબંધનું બંધન

“તું ય જબરી છે ભારતી! મારે લીધે તે વળી તારાથી પપ્પા સાથે ઝઘડો થાય?” રક્ષીત બોલ્યો.

” હા. પપ્પાએ તો સમજવુ જોઇએ ને આપણી વચ્ચેનાં સંબંધો કંઇ સ્ત્રી પુરુષનાં સંબંધો નથી…કેમ સમાજ શું વિચારશે એવા ડરથી મારે તારા જેવા દોસ્તની દોસ્તી ખોવી?”

” પણ પપ્પા શું કહેતા હતા કે તારે તેમની સાથે ગુસ્સે થઇ ને લઢવું પડ્યું?”

” બસ મને એમ કહે કે સરખી ઉંમરનાં સ્ત્રી અને પુરુષ વચ્ચે મૈત્રી સંભવી જ ના શકે, અને હું કહું કેમ ના સંભવી શકે?”

“પછી?”

અને મારું ફટક્યું    “જુઓ પપ્પા રક્ષીત મારો મિત્ર છે. તેની સાથે હું મારા મનની બધી વાતો અને પ્રશ્નો ચર્ચી શકું છું. અને તે મને સમજી શકે છે.”

“છતા પણ ભુલવું ના જોઇએ કે તે પુરુષ છે અને તે પણ પરાયો પુરુષ.. તારા તેની સાથે દુર દુરનાંયે સગપણ નથી. તો પછી તમારી આ સંગતને કયા સંબંધનું નામ આપીશ?”

મેં કહ્યું ” મેં કદી તેની આંખમાં લોલુપતા જોઇ નથી કે નથી મારા મનમાં તેના માટે તે પ્રકારનું આકર્ષણ જનમ્યું નથી તો મારે શીદને એ ચિંતા કરવાની?”

“હં!”રક્ષિતે હું કારો પુરાવ્યો અને મછી ટીખળ કરતા બોલ્યો વાત તો તારી સાચી છે તું ક્યાં માધુરી દીક્ષીત જેવી રુપાળી છે અને હુંપણ ક્યાં અનીલ કપૂર જેવો છું ખરું ને?”

” આડે પાટે વાત ના ચઢાવ.. તારે પપ્પાની વાતો સાંભળવી છે ને?”

” હા” છેલ્લે કોણ જીત્યુ તે જાણવાની રક્ષીતને ઇંતેજારી તો હતી જ

” પપ્પા કહે આગ અને ઘી સાથે હોય તો ગરમીથી ઘી પીગળે પીગળે અને પીગળે જ, બસ એમ જ મૈત્રી એ ગમવાનું પહેલુ પગથીયું છે. ગમતી પરિસ્થિતિ હોય અને એકાંત હોય ત્યારે જે આજ સુધી નથી થયું તે થઇ શકે છે.”

” પછી?”

” એ થાય તે પહેલા તમે તમારા સંબંધને  નામ આપી દો. કાં લગ્ન કરો કાં દોસ્તી તોડો.”

થોડા સમયની ચુપકીદી પછી ભારતી બોલી.. “પપ્પાની જબરી દાદા ગીરી છે નહીં?”

રક્ષીત પુરી ગંભિરતાથી બોલ્યો ” એમની એ ચિંતા છે”

થોડીક્ષણો શાંતી રહી અને રક્ષીત બોલ્યો ” એમણે તેમની જિંદગીમાં સ્ત્રી પુરુષ મૈત્રી જોઇ નથી તેથી તેમેને ધાસ્તી લાગે છે કે સમાજ આવા સંબંધને મૈત્રી નામ આપતો નથી તેઓ તો આ સંબંધ હોઇ શકે તે વાતને  સ્વિકારતો નથી તેથી તો કહે છે ઘી અને અગ્ની વચ્ચે પીગળવા સિવાય કોઇજ અંત હોતો નથી તેથી તેઓ જુદા રહે તો જ અસ્તિત્વ ટકે. અને તેઓને એ જ ચિંતા છે કે તારું નામ બગડી ન જાય.. તને કોઇ જીવન સાથી ના મળે અને આ મૈત્રી નો પતંગ ક્યારે કપાઇ જાય તે બીકે કંઇક તુ સ્થિર થાય તેજ તેમની ભાવના હોયને?

‘તો શું જે પરણેલા હોય છે તેમાં પણ પતંગો નથી કપાતી હોતી?” કડવાટ થી ભારતી બોલી. અને ઉમેર્યું તેઓ તેમના જમાના પ્રમાણે સાચા હોય તોય બદલાતા જમાના પ્રમાણે હવે તેઓએ જોવું જોઇએ. મિત્ર સમલિંગી હોવો જરુરી કદાચ તેમના સમયે હશે પણ હવે આતો એકવીસમી સદી…

રક્ષીતે ટીકળ કરતા કહ્યું “ભારતી તને ખબર છે પ્રેરણાનાં પપ્પા  મને આજ વસ્તુ કહી રહ્યા હતા.. આજના જમાના એ મનમેળ ને વધુ મહત્વ આપ્યુ છે જે પાછલી ઉંમર માટે સારું છે. તન મેળ તો ભ્રામક હોય છે અને આજે ક્યાં હીર અને રાંઝા જેવા જોડા સર્જાય છે?”

ભારતી એ ટીખળ્નો જવાબ ટીખળથી જ આપ્યો. મને પણ મિત્રતામાં બંધનો નથી જોઇતા.. હું સારું કમાઉ છું અને મારું પોતાનું ઘર છે.. બેંક બેલેન્સ છે અને ઇચ્છા થાય ત્યારે શરીર સાચવીને  જીવવાનું.”

ભારતી નાં બાપા જે બબડતા હતા તે બબડાટ ભારતી ને ફરી સંભળાયો અને તે બોલી બાપા આજે બબડતા હતા ”  હમણાં તો  જુવાની છે ત્યાં સુધી બધી ગરમી છે.. જ્યારે યુવાની ઢળી જશે ત્યારે સાથી ની જરૂર પડશે..ઘર ઘર જેવું ત્યારે લાગ્શે કે જ્યારે સુખ અને દુઃખ ને વહેંચવા વાળો કોઇ સાથી હોય. સૌ છુટા ત્યાં કોણ કોનુ ધ્યાન રાખશે? અને કયા સંબંધે?”

પ્રશ્નાર્થ ચિન્હ ભારે થતો જતો હતો ત્યારે રક્ષિત બોલ્યો “મૈત્રી હોય એટલે મિત્ર વહારે ધાવાનો છે તે વાત કેમ ભુલી જાય છે?. ભારતી રોઝી અને અદમની વાત તો તેં જ મને કહી હતીને?”

” કઇ વાત?”

“એક વખત અદમ નાસ્તો ઝડપથી કરતો હતો ત્યારે તેં એને પુછ્યુ હવે શાંતિ થી નાસ્તો કરને? ત્યારે અદમ કહે રોઝી મારી રાહ જોતી હશે ત્યારે તેં કહ્યુ હતું રોઝીને તો અલ્હાઇમર થયો છે તે તો તને ઓળખતી પણ નથી.. થોડોક મોડો જઇશ તો ચાલશે…ત્યારે અદમનાં જવાબથી તુ સ્તબ્ધ હતીને?”

” હા એ કહે રોઝીને ભલેના ખબર હોય કે ના હોય  પણ મને ખબર છે ને? તેને સમય સર ખવડાવવું બહું જરુરી છે.”

“આવું મૈત્રીમાં થાય કે ના પણ થાય..આવું સહજીવનમાં  જરૂરથી થાય”

” એમ કેમ બોલે છે રક્ષીત?”

” જો તારા પપ્પાની અને તારી બંને વાતો સાચી છે. મનમેળ કોઇ જવાબદારી સાથે અને જવાબદારી વિનાની એ બે ઘટનામાં સમજણ હોય તો જ દીર્ઘજીવી બને”

” કંઇ સમજાય તેવું બોલ રક્ષીત.”

“સમજણ ભરેલી જવાબદારી અને સુદીર્ઘ સંગાથ થાય તે માટે લગ્ન નાં નામે અસમલીંગી મૈત્રી સમાજે અપનાવી છે. મુક્તિ તમને સમજ્ણથી છટકવાની તક આપે છે. રોઝી રોગ ગ્રસ્ત છે ત્યારે મૈત્રી તેને હોસ્પીટલમાં મુકીને નિભાવાય પણ સમજણ જે અદમ બતાવી રહ્યો છે તે દીર્ઘ સહ જીવન થી આવતી હોય છે.”

“તો?”

તો શું? આપણી મૈત્રીને સમજણ નું અમિ આપવા સંબંધ બાંધવો જોઇએ.. સંબંધ મુક્તિને ટાળે છે  અને સમજણ ને વધારે છે. પ્રેમને જન્માવે છે.

ભારતી રક્ષિતને જોઇ રહી..તેનું ઉદંડ મગજ ગરમાવો પકડતું હતું..તેને દલીલો સુજતી હતી..બળવો કરવો હતો

ત્યાં રક્ષિતે કહ્યું હું માનું છું કાંઠાનું બંધન ના હોય તો નદીને ખાબોચીયું બની જતા વાર નથી લાગતી. કીનારો છે તો સમુદ્ર ભરતી ઓટમાં મહાલે છે. અને ભુલથી એવું ના વિચારીશ કે આ પુરુષ સ્ત્રીનો કિસ્સો છે. ના. આ બે માનવનો અને સમજણ નો કિસ્સો છે. મને તારી સાથે મૈત્રી પૂર્ણ વહેવાર પણ ગમે છે અને સમજણ ભર્યો સંબંધ પણ મંજુર છે.

ભારતી તેનાં વિચારોમાં રહેલા ગુસ્સાને પીતી ગઈ.

રક્ષિત સારો મિત્ર તો છે જ પણ આજની વાત સંબંધનું બંધન પહેરાવી રહ્યો છે કે પહેરી રહ્યોછે તે વિચારતી રહી.. રોઝી અને અદમ નો પ્રેમ પૂર્ણતઃ વિકસેલો પરિ પકવ પ્રેમ છે તે વાત તેને ગમતી તે રક્ષીતને માનથી જોતી અને તેને લાગ્યું કે તે સાચો છે..અને કદાચ મુક્તિનાં નામે તે જવાબદારી થી ગભરાતી હતી.

ભારતીએ  પપ્પાને ફોન કર્યો ” પપ્પા તમે સાચા છો.. હું સંબંધ થી સમજણ ને ખીલવી રહી છું.

પપ્પા ફોન પર પુછતા હતા કયા સંબંધે તું કોની સાથે સંબંધ થી સમજણ ખીલવે છે?

પપ્પા હું અને રક્ષિત સાથે તો રહીયે છીએ પણ હવે સમજ્થી સમાજ્માં સ્વિકૃત એવા લગ્ન સંબંધને ખીલવી રહ્યા છીએ.

ફોન નાં બંને છેડા આનંદથી ઝુમી રહ્યા હતા.

 

કયા સંબંધે -(4) દર્શના વારિયા નાડકર્ણી

                                                          સબંધ

ક્યાંક સબંધ તૂટે છે, સબંધ ક્યાંક બંધાય છે
ક્યાંક લાગણીના રેલા ફૂટે છે, ક્યાંક રૂંધાય છે

ત્યાં દીકરી દેશું? છોરી ત્યાં સુખી થશે.
ક્યાંક સબંધ સવાલ છે, ક્યાંક ઉપાય છે

ક્યારેક સબંધ દોષિત ઠરે, બાળકો અવળા થાય
કૃત્યો એવા કરતા, સબંધ ક્યાંક ટોકાય છે

શિખામણ એજ દીકરી, ખુબ પસ્તાવાય છે
સંભાળજે, જો ઉતાવળે નાતા ક્યાંક જોડાય છે

ખ્રિસ્તી, હિંદુ, મુસલમાન એક સમાન
છતાં બીકથી સબંધ ક્યાંક રોકાય છે

ક્યાંક નીકટના છરો ભોંકે ને અજાણ્યા
દેહ પર ઝીલે, સબંધ ક્યાંક એવાય છે

મોલ કરવા અઘરા કૈંક અનમોલ સબંધે
તારી માનવજાત, એવા સબંધ ક્યાંક પરખાય છે

આપજે વધુ, માગજે ઓછું, આશા થોડી
પ્રેમ જાજો, દર્શના એમ સબંધ ક્યાંક સજાય છે

                                                           દર્શના વારિયા નાડકર્ણી

બેઠક” નો આ મહિનાનો વિષય છે “ક્યાં સબંધે”.  સબંધ ના સ્વરૂપ ઘણા અને આ વિષયને તો કોઈપણ રીતે આવરી ન શકાય. માઈક્રોફિક્શન અને ગઝલ રૂપી કડીઓના આધારે વાચો નીચેની વાર્તાઓમાં સબંધ ની વૈવીદ્યતા વિષે.

            સંબંધ ની ચંચળતા

હજી તો કોલેજમાંથી આવીને ચોપડી નીચે મુકે તે પહેલા। અમી તેની જોડકી બહેન નિમ્મીને ખેંચી ને રૂમમાં લઇ ગયી અને બથ ભરીને ગોળ ફરવા લાગી. નિમ્મી ક્યે બસ બહુ થયું। મને મળાવ્યા વગર ખાલી વાતો સંભળાવે છે, નથી સાંભળવી હવે તારા સ્વપ્નીલની વાતો. અમ્મી બોલી એજ તો તને કહેવા માગું છું. આજેજ તે તેના મમ્મી, પપ્પા જોડે ઘરે આવવાનો છે. નિમ્મી: મને મળાવ્યા પહેલા તે બીજા બધાને મળાવવાનું  નક્કી કરી લીધું? અમી: અરે ગઈકાલે સ્વપ્નીલની મમ્મી તેને કોઈ છોકરીની વાત કરવા લાગી તો સ્વપ્નીલે તેને કહી દીધું કે મને તો અમી જોડે પ્રેમ છે અને તુરંતજ તેની મમ્મી મને મળવા માગતી હતી. સ્વપ્નીલે મને વાત કરી અને મેં મમ્મીને કીધું અને મમ્મીએ તો તુરંત તેની મમ્મીનો ફોન નંબર માંગ્યો, ફોન ઘુમાવ્યો અને બંને મમ્મીઓએ આજેજ મળવાનું નક્કી પણ કરી લીધું।  પપ્પા થોડો બહાર સમાન લેવા ગયા છે.  નિમ્મી: બસ ખર્ચો શરુ. મારા લગન માટે આ લોકો કઈ પૈસા બચાવશે કે નહિ”.

અમી: અરે  પપ્પાને તો તારી ઉપર પ્રેમનો ધોધ છે. કોઈપણ છોકરો જોવાનો હોય તો ક્યે પહેલા નિમ્મી જોઈ લ્યે, તે કવિયત્રી બહુ સંવેદનશીલ છે તેને ગમી જાય તો સારું. પણ તું તો જોવાજ નથી માગતી, 14 વર્ષે થયેલા પ્રેમની યાદી લઈને બેઠી છે. નિમ્મી: એવું નથી મારા પ્રથમ પ્રણય જેવોજ પ્રેમ પાછો થાય તેની રાહમાં છું અને તુરંતજ તેને તમારી પાસે લાવીશ।  પણ પપ્પાના કીધે મળવાથી થોડું તેવું પ્રેમ પાત્ર મળે? અમી: તે તને યાદ પણ નહિ કરતો હોય. નિમ્મી: પહેલા પ્યારને કોઈ ક્યારેય ન ભૂલે. Practical અમી બોલી: પણ કેવો પ્રેમ? છ મહિના એણે બોયસ સ્કૂલમાંથી અને તે ગર્લ્સ સ્કૂલમાંથી, ખાલી એમ બીજાને જોયા કર્યું અને પછી છ મહિના એક બીજાને કોઈના દ્વારા પત્રો મોકલ્યા તે પણ કવિતાઓ લખી લખી ને.  પણ ન કોઈ નામ, ન ઠેકાણું .  અરે તને ખબર છે સ્વપ્નીલ ને પણ કવિતા ખુબ ગમે છે અને ક્યારેક કાગળ ઉપર ટપકાવે પણ છે. નિમ્મી: આ તારો સવ્પ્નીલ મને મળવા લાયક છે.  પણ અમી તું મારા પ્યારને આમ ઘડી ઘડી નીચો ન પાડ. ખબર છે અમે કેવી કેવી પંક્તિઓ એક બીજા માટે લખેલી? અને અમે નિશાળના છેલા દિવસે મળવાના હતા અને પછી તો તે કોલેજમાં જવાનો હતો; કોણ જાણે ક્યાં હશે.  અરે નસીબનો સાથ ન મળ્યો કરીને નિમ્મીએ મોટો નિસાસો નાખ્યો. અમી: હા હા તમારા પ્રેમી પંખીડા ના પત્ર વય્વ્હારની મને ખબર છે. ભૂલી ગયી તે મને બધી પંક્તિઓ વંચાડી છે કેટલીયે વાર. ચાલ હવે તૈયાર થઈએ.

બંને કુટુંબ મળીને નવા સબંધની ઉજવણીમાં ખુશ હતા અને કોઈએ જોઈ નહિ નીમ્મીના મોઢા પર છવાયેલી ઉદાસી।  તેના હોઠ ઉપર આછું સ્મિત ફરકતું હતું પણ દિલમાં હૈયાફાટ રુદન ચાલતું હતું.  એકાદ વખત તેની નજર સ્વપ્નીલ તરફ ગયી તો તેના મુખ પર પણ ઉદાસીનો આભાસ જણાયો।

ક્યાંક સબંધ તૂટે છે, સબંધ ક્યાંક બંધાય છે
ક્યાંક લાગણીના રેલા ફૂટે છે, ક્યાંક રૂંધાય છે

XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX

સબંધનો સાદ

મીતાએ જયારે જન્મદિન ઉપર કુતરું જોઈએજ એવી જીદ કરી ત્યારે વહાલસોઈ દીકરી માટે સુરેશ અને નીતાએ ખુબ કુતરા વિષે વાચ્યું અને પછી અત્યંત તપાસ કરી.  ત્રણ થી ચાર કુતરાઓને મળ્યા પછી જયારે તેઓ મિષ્ટી ને મળ્યા ત્યારે તરતજ તેના પ્રેમમાં પડી ગયા. પણ જીમ અને મેરી એ તો બે વખત મળ્યા પછી પણ હા ન કહી. સુરેશે પૂછ્યું કે તમે બીજા કોઈને આપવાના હો તો અમને કહી દ્યો તેથી અમે બીજે તપાસ કરીએ.  મેરીએ કહ્યું કે અમે સાંભળ્યું છે કે તમારા કલ્ચરમાં તમે દીકરી ના લગન કરી બીજે ઘર મોકલતા પહેલા ખુબ વિચાર કરો છો.  મિષ્ટી અમારી દીકરી સમાન છે, અમારી મજબૂરી ને લીધે અમારે ઘર વહેચવું પડશે અને તેને રાખી શકીએ તેમ નથી. પણ દીકરી ને દેતા પહેલા ખુબ વિચાર તો જરૂર કરશું જ.

ત્યાં દીકરી દેશું? છોરી ત્યાં સુખી થશે.
ક્યાંક સબંધ સવાલ છે, ક્યાંક ઉપાય છે

XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX

સબંધના સરનામે

એડમ લાન્ઝા કરીને યુવાને તાજેતરમાં 20 બાળકો અને 6 નિશાળના વડીલોને ક્રૂર રીતે રહેસી નાખ્યા ત્યારે દેખીતી રીતેજ ઘણા લોકો તેની માને ખુબ દોષિત ઠરતા હતા. ત્યારે એક બેને “હું એડમ લાન્ઝા ની માં છું” કરીને અખબારમાં એક પત્ર પ્રકાશિત કરેલ.  તેણે કહ્યું કે આપણે બદુકની ઉપલબ્ધતા, TV ઉપર આવા હિંસાના દ્રશ્યો, બીજા દેશોમાં ચાલતી લડાઈ, ધર્મ, રાજકારણ, અને બાળઉછેર વગેરે બાબતો ઉપર ચર્ચા કરીએ પણ ક્યારેક માનસિક બીમારી ઉપર પણ ચર્ચા અને તેના માટે રસ્તો કાઢવાની પણ ખુબ જરૂર છે.  તેણે તેના પોતાના બાળક ની વાત કરી કે મીઠો, દેખાવડો, હોશિયાર, ખુબ પ્રેમ થી ઉછરેલો તેનો લાલ, માનસિક બીમારી થી પણ પીડાય છે. જયારે બીમારી ઉથલો મારે ત્યારે તે પોતે પણ તેના દીકરાથી ઘબરાય જાય છે.  કદાચ બીમારી માં તેનો દીકરો કોઈ ખરાબ કૃત્ય કરે તો દોષિત તો તેજ ઠરવાની ને.  બલકે તેના બીજા બે બાળકો સરસ નાગરિક છે અને બધીજ પ્રગતિ કરી રહ્યા છે.

ક્યારેક સબંધ દોષિત ઠરે, બાળકો અવળા થાય
કૃત્યો એવા કરતા, સબંધ ક્યાંક ટોકાય છે

XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX

સબંધની ફરિયાદ

ચંપાબેને શિખામણ તો ખુબ આપેલી ઝરીનાને કે ઉતાવળે ક્યારેય સબંધ ન જોડાય.  પણ વહાલી દીકરી મિલીન ના પ્રેમ માં ગરકાવ હતી અને બને ને તુરંતજ લગ્ન કરવા હતા.  મિલીન ની મારપીટ મહેંદી આછી પડે તે પહેલા જ શરુ થયી ગયેલ.  પણ વડીલોએ થોડા આંખ આડા કાન કર્યાં, થોડી ઝરીનાને શિખામણ આપી, થોડા મિલીન ને વઢયા, થોડો સમય જતા બધું પાટે ચડી જશે તેમ વિચાર્યું. મિલીન અને ઝરીના વચ્ચે ઝઘડો થયો, મારામારી થયી અને પછીનું કોણ જાણે શું થયું.  પણ જયારે ચંપાબેનને ફોન આવ્યો કે તેમની એક ની એક દીકરી ને અસ્પતાલમાં લઇ જવામાં આવેલ છે અને તે જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહી છે ત્યારે તો જાણે હૃદય ફાટીને રસ્તામાં પડ્યું હોય તેવું લાગ્યું. શું ઝીંદગી પસ્તાવામાં જશે?

શિખામણ એજ દીકરી, ખુબ પસ્તાવાય છે
સંભાળજે, જો ઉતાવળે નાતા ક્યાંક જોડાય છે

XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX

સબંધનું સાનિધ્ય

સલીમભાઇએ કહ્યું કે ભલે ગમે ત્યાં કોમી હુલ્લડો થાય પરંતુ પ્રતાપ કોલોની માં ક્યારેય તોફાન નહિ થાય. કોલોનીમાં રામ બરાત નીકળે ત્યારે સૈલેશભાઈ ના ખાસ મિત્ર સલીમભાઈ તો તેમની જોડે મોખરે હોય. તેમના પગનું ઓપરેશન થયું તે પહેલા સલીમભાઈ રામ લીલા માં પણ ભાગ લેતા.  આમ તો વર્ષો જૂની દોસ્તીઓ પાકી હતી પણ હમણાં થોડું વાતાવરણ બગડેલું.  કોલોની ની મિટિંગ માં ભાઈચારો જાળવી રાખવા માટે હજી તો સલીમભાઈ બે શબ્દો બોલ્યા કે હાક પડી. સોમનાથ અને રાજેશ રાજકારણ માં ખુબ સક્રિય હતા અને જ્યાં આ લોકો પહોચે ત્યાં વાતાવરણ ને ઉતેજીત થતા વાર નતી લાગતી। રાજેશે અને સોમનાથે બધાને ઉશ્કેરવાના ચાલુ કર્યા અને દસ મિનીટ ની અંદર આખો ભાવ બદલાય ગયો. બંને કોમના માણસોએ એક બીજા ઉપર આરોપ નાખવાના શરુ કર્યા।  ખુબ ઉશ્કેરાટ જોઇને 3-4 ભાઈઓ આગળ આવ્યા અને બધાને શાંત પડ્યા પછી એવું નક્કી થયું કે કોલોની ની જમણી તરફ મુસલમાન છોકરાઓ રમી શકે અને ડાબી તરફ હિંદુ ના છોકરાઓ.  બધાએ પોતાના બાળકોને સમજાવી લેવાના અને બીજી તરફ જવાનું નહિ.  સલીમભાઈ રાત્રે નિરાતે સૈલેશભાઈ ના ઘરે ગયા કે એ ચર્ચા કરવા કે આ રીતે વણસેલી વાત ને કઈ રીતે કાબુમાં લાવવી।  સૈલેશભાઈ એ બારોબારથી જ જવાબ આપ્યો, સલીમ હવે જમાનો બદલાઈ ગયો છે અને આપણે તે પ્રમાણે વર્તવું જોઈએ. હવેથી તું તારા લોકો સાથે રહે અને હું મારા લોકો સાથે રહું તો સારું રહેશે.

ખ્રિસ્તી, હિંદુ, મુસલમાન એક સમાન
છતાં બીકથી સબંધ ક્યાંક રોકાય છે

XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX

સબંધની અપેક્ષા

ઉસ્માન ભાઈને અહમદ અને અદિલા ઉપર એક સરખો અથાગ પ્રેમ. અદીલાના નિકાહ પછી થોડા સમયમાં તેના પતિનું અવસાન થયું અને તે ભાંગી પડેલ. અમીનો તો સહારો હતો પણ ખાસ તો અબ્બાના સહારાથી તે પગભર થઇ અને તેના એક ના એક બાળક ને ઉછેરતી હતી.  અબ્બાજાન ના ગુજરી ગયા પછી તેમના વિલ માં તપાસ કરવાથી ખબર પડી કે અબ્બાએ ઘણા સમય પહેલા લીધેલ એક ઘર અદિલા ના નામ ઉપર મૂકી દીધેલ.  અહમદ ના નામ ઉપર તો બે મકાન હતા અને આખરી દિવસોમાં અબ્બાજાને તેમનો ધંધો પણ અહમદના નામે જ કરી દીધેલો.  છતાં પણ એક મકાન અદિલા ના નામે કરેલ તે અહમદને રુચ્યું નહિ. દીકરો હોવાને લીધે તે માનતો હતો કે બધુજ અબ્બા તેના નામે મુકતા જશે.  ખુબ ગુસ્સાથી તે ગલીમાં રહેમાનને કહેતો હતો કે તે અદિલા ને છોડશે નહિ. અદીલાએ જ અબ્બાનું મગજ ફેરવી દીધું છે.  સુરેશ મિત્રો ની રાહ જોતો પાન ના ગલ્લા ઉપર ઉભો હતો અને અહમદની વાતો તેના કાને પડી.  બન્યું એવું કે બીજાજ દિવસે સુરેશ બસ ની રાહ જોતો હતો અને તેણે અહમદને આવતા જોયો.  અહમદના હાવ ભાવ ઉપરથી કૈક અજુગતું લાગ્યું.  અહમદના હાથ માં પ્યાલા જેવું કૈક હતું અને એકદમ ગુસ્સાથી તે આવી ને સુરેશને પાસે બસ માટે ઉભો રહ્યો.  અચાનક સુરેશને ખાતરી થઇ ગઈ કે કૈક ખરાબ બનવાનું છે.  તેટલામાં બસ આવી ને તેમાંથી અદિલા ઉતરી.  તે તો ભાઈ ને ઘરે મળવા આવતી હતી.  ગુસ્સામાં ઉભેલા અહમદે પ્યાલા વાળો હાથ ઉપર કર્યો અને સુરેશે તરતજ વચ્ચે જંપલાવ્યું।  અદિલા તો બચી ગયી પણ અહમદના પ્યાલા નું એસીડ સુરેશના હાથ પગ ઉપર ઉડ્યું.

ક્યાંક નીકટના છરો ભોંકે ને અજાણ્યા
દેહ પર ઝીલે, સબંધ ક્યાંક એવાય છે

XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX

સબંધ ની ઉદારતા

એપ્રિલ ની 1994 ની સાલમાં પૂરી માનવજાત ઉપર ધબ્બો લાગે તેવી અતિ ખરાબ ઘટના બની.  આફ્રિકાના નાના દેશ રવાન્ડામાં હુટુ અને ટુટ્સી કોમ વચ્ચે લડાઈ શરુ થયી.  આમ આ બંને કોમ વચ્ચે બહુ તફાવત નથી; ભાષા અને ઘણાખરા રીત રીવાજ સરખા છે અને બધા એક સાથે જ રહેતા હતા. પણ એવું ગાંડપણ સવાર થયી ગયું કે લગભગ 30 દિવસની અંદર જ રવાન્ડા જેવા નાના દેશમાં દસ લાખ થી ઉપર માણસોને ક્રુરતાથી રહેંસી નાખવામાં આવ્યા, લોહીની નદીઓ વહેવા લાગી, અને રસ્તા ઉપર શબના ઢગલા થવા લાગ્યા.  બે, ત્રણ મહિનામાં લડાઈ તો બંધ થયી પણ આટલા ઊંડા ઘાવ કેમ ભરાય અને ન ભરાય તો બધા દેશીજનો દેશપ્રેમી તરીકે સાથે સાથે કેમ રહી શકે?

લડાઈ પછી ઘરે પાછી ફરેલી જેન ને તેનો પાડોશી ઇન્શા રસ્તા ઉપર ભટકાઈ ગયો.  જેને તેને તુરંત કહ્યું કે મને લોકો કહે છે તે મારા બે દીકરાઓને રહેંસી નાખ્યા છે.  ઇન્શા એ કહ્યું કે વાત સાચી છે કે મેજ તારા કુટુંબ ને મારી નાખ્યું અને મને તેનો ખુબ પસ્તાવો છે અને હું માફી માગું છું.  થોડા મહિના વિચાર્યા પછી જેને માફી આપી અને હવે બને દોસ્ત છે.  રવાન્ડા નો “ક્ષમા” પ્રોજેક્ટ ફાધર રુરીરારંગોગા એ શરુ કર્યો તે પછી હજારો લોકો તેમાં ભાગ લઇ ચુક્યા છે.  છ મહિના નો પ્રોજેક્ટ છે અને તેમાં ઘણી વખત મરેલાના કુટુંબીજનો અને તેમને મારનારા સાથે પણ ભાગ લઇ ચુક્યા છે. મરેલાના કુટુંબીજનો ગુનેગારોને કોઈ પણ પ્રશ્ન પૂછી શકે છે. ઘણા ગુનેગારો મરેલાના કુટુંબીજનોને પૈસા અને ખેતી ની મદદ અને પશુ ભેટ રૂપે પણ આપે છે.  ક્ષમા પ્રોજેક્ટમાં છ મહિના સુધી બધાને ખુબ સલાહ અને ટેકો આપાય છે. ઘણા ગુનેગારો અત્યારે જેલ માં છે તે પણ આ પ્રોજેક્ટમાં ભાગ લઇ ચુક્યા છે.  ક્ષમા આપ્યા પછી જેલ માં હોવા છતાં ગુનેગાર અને ગુનાના ભોગ બનેલો કેટલા લોકો વચ્ચે ક્યારેક ગાઢ દોસ્તી બધાયેલી છે.  ક્ષમા પ્રોજેક્ટને લીધે આખો દેશ તેના ઇતિહાસમાં બનેલી ક્રૂર માં ક્રૂર ઘટના ને ધીમે ધીમે ભૂતકાળમાં મૂકી ને આગળ પગલા લઇ રહ્યો છે અને આખી દુનિયા રવાન્ડા ના ક્ષમા પ્રોજેક્ટને અદભુત નજરે નિહાળી રહી છે.

મોલ કરવા અઘરા કૈંક અનમોલ સબંધે
તારી માનવજાત, એવા સબંધ ક્યાંક પરખાય છે

XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX

સબંધ ના સેતુ

wpid-20140820_125612.jpgવર્ષો પહેલા ની વાત છે.  મેં મારી સહેલી મેરી ને કહ્યું કે મારા છૂટાછેડા થઇ રહ્યા છે અને અમે મકાન વેચવા મુકવાના છીએ તેથી હું સાફ સફાઈ માં વ્યસ્ત છું.  બીજે દિવસે ઘંટડી વાગી અને મેં દરવાજો ખોલ્યો તો મેરી હાથમાં ટ્રે લઇ ને ઉભી હતી.  તે ક્યે હું બધો સમાન લાવી છું અને મને તારા બાથરૂમ અને રસોડું સોંપી દે અને હું પૂરી સફાઈ કરી નાખું છું.  આટલી મોટી કોલેજ ની પ્રોફેસર અને આવું કામ તેને કરવા દેવાય? પણ હું વિચારું તે પહેલા તો તે ઘર માં અંદર આવી ગ્લોવ્સ પહેરી ને કામે લાગી ગયી.  પછી તો મહિનાઓ સુધી તે મારી પડખે જ રહી. કેટલાય કાર્ટન ગુડવિલ માં આપવા લઇ ગઈ, ચોપડીઓ ના કાર્ટન જુના બુકસ્ટોર માં આપવા લઇ ગયી, છોકરાઓને સંભાળ્યા અને બધાજ કામમાં મદદ કરી.  મેં કહ્યું કે ફેંસ ઉપર થોડો કલર કરવાની જરૂર છે પણ મેં આવું કામ કરેલ નથી.  મેરી બીજે દિવસે આવી અને અમે કલર અને સમાન લઇ આવ્યા અને પૂરી ફેંસ ઉપર નવો કલર લગાડ્યો.  અમારી દોસ્તી એટલી ગાઢ બની ગયી કે મને કઈ પણ જરૂર હોય તો હું બેધડક મેરી ને બોલાવી શકું.  હું મારી મમ્મીને મુકવા ભારત ગયી ત્યારે તે મારી સાથે ભારત પણ ગયી.  ન કોઈ સવાલ, ન સલાહ, ન રોક, ન ટોક.  બસ મેરીએ માત્ર સહેલી સબંધ ને સજાવ્યો, સ્નેહ સંભાળ અને સખી રૂપે સાથ આપ્યો, અને ધીમે ધીમે તે સહેલીમાંથી મારી બહેન બની ગયી.

આ ઘટનામાં થી મને જીવવાનો એક મહત્વો પાઠ શીખવા મળ્યો.   જીવનમાં હમેશા જે સાથી ભટકાય તેને આપવા માટે તૈયાર રહેવું. કોને ખબર ક્યારે, કેવી રીતે, કેમને લીધે, ક્યાં સબંધે કોણ આપણો હાથ જાલીને કિનારે પહોચાડશે।  આપણે આશા વગર ટેકો આપવા તૈયાર જ રહેવું. અને હું તો નક્કી કહીશ કે મેં આપ્યું છે તે કરતા મને જીંદગી માં બમણું, ત્રણ ને ચાર ગણું મળ્યું છે.  આ બધું ક્યાં સબંધે?

આપજે વધુ, માગજે ઓછું, આશા થોડી
પ્રેમ જાજો, દર્શના એમ સબંધ ક્યાંક સજાય છે

 

 Darshana V. Nadkarni, Ph.D.Cell: 408-898-0000Updates on Twitter @DarshanaNBlog – http://darshanavnadkarni.wordpress.com/
“Success is the ability to go from one failure to another, with no loss of enthusiasm” – Sir Winston Churchill
Darshana

“કયા સંબંધે” (૩) પ્રવિણા અવિનાશ કડકિયા

 

brand

બાંધે તે બંધ ! હવે ક્યારે, કોની સાથે , કેટલા સમય માટે સંબંધ બંધાય એ તો બાંધનાર પર આધાર રાખે છે. અમુક સંબંધ જન્મ લેતાંની સાથે પ્રાપ્ત થાય છે. જેમા સર્જનહાર તમને નિર્ણય લેવાનો હક્ક નથી આપતો! તે ખૂબ ચાલાક છે. જેવાં કે માતા, પિતા, ભાઈ ,બહેન, નાના, નાની, દાદા, દાદી . બસ વણ માગ્યે મળેલાં હોય છે. જે જન્મની સાથે જીંદગીના અંત સુધી સાથ નિભાવે છે.

મિત્રો મન પસંદ જરૂર પ્રાપ્ત થાય છે. તેમાં પણ અનેક પ્રકાર. તાળી મિત્રો, ખાવા માટે, ભણવા કાજે, જ્યારે કોઈક દિલોજાન મિત્ર. બગીચામાં દિલ ખોલતા મિત્રો તેમ છતાં ક્યારે કોણ બદલાય તેની કોઈ ખાત્રી નહી ! કયાં બંધાઈ જાય, બાકી સંબંધ તો ગમે ત્યારે  ગમે તેની સાથે બંધાઈ જાય છે. કેટલો નભે છે તે અગત્યનું છે.

પતિ અને પત્નીના સંબંધની વ્યાખ્યા ૨૧મી સદીમાં જડમૂળથી બદલાઈ ગઈ છે. તે વિશે લખીને તમારો કે મારો સમય બરબાદ નહી કરું. કિંતુ એ સંબંધ ખૂબ પવિત્ર અને અગત્યનો છે એમાં બે મત નથી!

“ઘણી વાર સંબંધને નામ ન આપવામાં મઝા છે” !

ગયા મહિને બગિચામાં આંટા મારતી હતી, ત્યાં સામેથી કપાળમાં આઠ આના જેવડો મોટો ચાંદલો કરીને આવતા ભારતિય બહેન દેખાયા. અમેરિકામાં આ જોવું ખૂબ ગમે. નમસ્કાર કરી વાતે વળગી. દિલ્હીના હતા. કેવું સુંદર નામ, ‘કુમકુમ’.

‘યહાં ધનિયા નહી મિલતા ક્યા’?.

મેં કહ્યું ,’બહોત મિલતા હૈ’. મારી સાથે ઘરે લાવી તેમને આપ્યા. ખૂબ ખુશ થઈ ગયા. પછી તો એવી મૈત્રી થઈ ગઈ કે તમને નવાઈ લાગશે. દીકરીને ત્યાં આવ્યા હતાં. મારી સાથે બહાર લઈ જતી. તેમને ખબર પડીકે મેં ભજન લખ્યા છે.  એક દિવસ ઘરે આવ્યા.

“આપકે લિખે હુએ ભજન ,આપ ગાઓગી ઔર આપ બજાઓગી.’

હું તો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગઈ. હું શીખું કે ન શીખું મેં વળતો જવાબ આપ્યો, ‘ આપ જો કહ રહી હૈ વો સુનનેકા ભી મુઝે અચ્છા લગા’. એ બહેન સંગિતના વિશારદ હતાં. ખૂબ સુંદર ગાતાં અને ઘણા બધા વાજિંત્રો વગાડતાં. મારી મોટી વહુ પાસે ‘કી બૉર્ડ’ હતું. મને તરત આપી ગઈ. કી બૉર્ડ પર માત્ર સા રે ગ મ  વગાડતા આવડતું હતું. પ્રેમથી મને ભજન ગાતાં અને વગાડતા શિખવ્યું. કયા સંબંધે ?  જીંદગીભરનો નાતો જોડાઈ ગયો.

સંબંધમાં જ્યારે સ્વાર્થ ઉમેરાય છે ત્યારે તે કલુષિત બને છે. હા, જરૂર સ્વાર્થ વગરના સંબંધ શક્ય નથી. કિંતુ સ્વાર્થથી ખદબદતા સંબંધ માટીના બંધ જેવા હોય છે. પળભરમાં પાણીની છાલક ઉડતાં ધસી જાય. મારા એક મિત્ર ગાડીમાં ક્યાંય લઈ જવાના હોય ત્યારે ‘પેટ્રોલ’ના ભાવ સામે નજર કરે. શું, તમે કદી કોઈના માટે ધન યા સમય ન ખર્ચી શકો? આ જીવનમાં પૈસો જરૂરી ખરો. યાદ રહે પૈસાથી જરૂરી છે તેનો સદઉપયોગ. જ્યારે આ પાર્થિવ દેહ છોડીને જઈશું ત્યારે પંચમહાભૂતમાં મળી જશે ! એક દમડી પણ સાથે લઈ જવાના નથી. હર પળ માત્ર પૈસા સામે દૃષ્ટિ રાખવી હિતાવહ નથી ! જો પૈસો વર્તુળના કેન્દ્રમાં હશે તો, પરિઘ, ત્રિજ્યા કે વ્યાસ જેવો એક પણ સંબંધ નહી રહે !

આ લાંબી જીંદગીમાં ઘણા સંબંધ જોડાયા, ઘણા નાનીસી ગેરસમજમાં છૂટી ગયા. દરેક સંબંધ મન પર છાપ મૂકતા ગયા. સુખદ યા દુખદ. જીવન તો તેની એકધારી ગતિએ ચાલવાનું. નાના જુવાનિયાઓ પણ પ્રેમથી સંબંધ બાંધે છે. ભુલકાંઓનો નિર્મળ પ્રેમ તો જીવનનો પ્રાણવાયુ બને છે. ઘણી વાર પાછાં તેમની સાથે બાળક બની બન્ને હાથે, લહાવો માણવાની મોજ લુંટું છું.

એટલે તો કહેવાય છે, સાચું ખોટું રામ જાણે ! ” સગાં છે તે વહાલા નથી અને વહાલાં છે તે સગા નથી”! તેમા સંપૂર્ણ સત્ય નથી. સગાં સ્ટીલના વાસણ જેવાં છે. ખખડે અને પાછા હળીમળી જાય. જ્યારે અમુક સંબંધ કાગળના યા પ્લાસ્ટિકના ફુલ જેવા છે. કદી કરમાય નહી. વિલાય નહી. તેમાંથી કદાચ અત્તરની ખુશ્બુ આવે અને ઉડી જાય. ત્યારે ઘણા સંબંધ મહેકતા અને ચહેકતા હોય છે. ‘ચાર મિલે ચોંસઠ ખીલે”.

સંબંધને લાગણીના ત્રાજવે તોલાય. ભાવ રૂપી કાટલાં હશે તો સંબધનો ભાવ ઘ ણો ઉંચો અંકાશે! બાકી ફોતરાં જેવા સંબંધો પવનની લહેરખી સાથે ઉડી જશે. ઘણી વખત ‘પૈસો બોલે છે’. એ સંબંધ માત્ર બાહ્ય દેખાવ ખાતર હોય છે. અણીને સમયે બધા છુમંતર થઈ જાય છે. પૈસાની શેહમાં તણાઈ લોકો મુખ પર બનાવટી હાસ્ય પહેરે છે. દિલમાં લાગણીઓનો સદંતર અભાવ જણાશે. એવા સંબંધો પણ નજરે પડશે , હાથીના દાંત જેવા. ‘દેખાડવાના અને ચાવવાના જુદા’.

આ તો થઈ સંબંધોમાં વૈવિધ્યતા. અંતરના અને લાગણીના સંબંધ નથી જોતાં પૈસા, પદ કે પ્રતિષ્ઠા. ત્યાં આવકાર કે આદર અદ્ર્શ્ય રહે છે. મનમેળ અને લાગણીનો સ્રોત વહે છે. એવા સંબંધ ઝૂઝ દેખાશે. અસ્તિત્વમાં છે, તેમાં બે મત નથી! નસિબદાર વ્યક્તિઓને સંબંધો ૫૦ થી ૬૦ વર્ષ પુરાણા પણ હોય છે.  જેમાં માત્ર પ્રેમ ,સરળતા અને હ્રદયની નિર્મળતા નજરે ચડે છે.

મારી સહેલી સમાજને મદદ કરવાની ધુણી ધખાવીને બેઠી છે. જરૂરતમંદોને માટે ખડે પગે તૈયાર. કેટ કેટલા આશિર્વાદ મેળવે છે. તે માત્ર નિજાનંદ માટે આ કાર્ય કરે છે. કોઈ પણ જાતની અપેક્ષા વગર. ઈશ્વર કૃપાથી શરીર તેમજ પૈસાનું સુખ છે. આ સંબંધને શું નામ આપીશું ? કહે છે આખી જીંદગી સમાજ પાસેથી મેળવ્યું છે. હવે કાઢ્યા એટલા કાઢવાના નથી. મારી ફરજ બને છે સમાજનું ઋણ ચૂકવવાનું. કેવા ઉમદા વિચાર. નથી તેને સત્તની લાલસા ! નથી તેને મુગટ પહેરવાની તમન્ના !

કુટુંબને કાજે , પાડોશી ધર્મે કે પછી જાન પહેચાનવાળા માટે તત્પરતા એ સંબંધ ગુલાબ માફક ફોરમ ફેલાવે. બાકી જીવન તો સહુ કોઈ જીવે છે. સંબંધના બંધ એવા હોય કે ‘સુનામી’ તેને ડગાવી ન શકે. વર્ષાની ઝડી ભિંજવી ન શકે ! બળબળતો તાપ તેનું રૂપ હરણ ન કરે! શિયાળાની હિમ વર્ષામાં તે ઠરી ન જાય !

– પ્રવીનાશ

“કયા સંબંધે”-(2)નીલમ દોશી.

બેઠકનો આ મહિનાનો વિષય છે “કયા સંબંધે”નીલમ બેને સુંદર લેખ મોકલ્યો છે આ સાથે એમનો પરિચય પણ મોકલું છું.એમના બ્લોગની મુલાકાત લેજોnilam_doshi_4 

                      નામ વિનાના સંબંધોનું સૌન્દર્ય..

                    ચાલો, મળીએ કોઇ કારણ વિના;

                    રાખીએ સંબંધ કોઇ સગપણ વિના..”

                            આટલા બધા સંબંધ એને કેમ કરી ચાખુ ?

                               શબરીની જેમ એક પછી એક બોર ને ચાખુ.


કોઇ કારણ વિના મળવું ગમે.. હોંશે હોંશે મળવાની ઇચ્છા થાય એવા સંબંધો જીવનમાં કેટલા ?  એવા સંબંધો જેને મળ્યા હોય એ આજના જમાનામાં  નસીબદાર જ કહેવાય ને ?  અમુક સંબંધોને કોઇ નામ નથી હોતું. હોય છે ફકત એની સુવાસ…એ  સુવાસ જેને સાંપડે છે એનું જીવન સભર બની રહેતું હોય છે. આજે આવા જ કોઇ સગપણ વિનાના સંબંધની વાત કરવી છે. આપણી આસપાસ આવા સગપણ વિનાના અનેક  સુંદર સંબંધો નજરે પડતા  હોય છે.

કેટકેટલું લખાતું રહે છે..સંબંધ નામના આ ત્રણ અક્ષરના શબ્દ પર.! કદાચ કોઇ લેખક, કોઇ કવિ એવો નહીં હોય કે જેમણે સંબંધ વિશે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કશું નહીં લખ્યું હોય ? શા માટે ? વરસોથી અનેક પુસ્તકો આ વિષય પર લખાયા  છે, લખાતા રહે છે અને વંચાતા રહે છે.  કારણ ? કારણ એક જ..કવિ શ્રી ગૌરાંગ ઠાકરના શબ્દમાં કહું તો..

એકલા આવ્યા છીએ, એકલા જવાનું છે,

પણ દોસ્ત, એકલા કયાં જિવાય છે ?

કે પછી એકલાને અહીં લાગે બધું અળખામણું,

તમારે તે સંગ સઘળુ સોહામણું.

યેસ..માનવી આ વિશ્વમામ એકલો આવે છે અને એકલા જ જવાનું છે એ સનાતન સત્યથી આપણે કોઇ અજાણ નથી. પણ એકલા જીવવાનું આસાન નથી બનતું. ચપટીભર હૂંફ માટે માનવી જીવનભર મથતો રહે છે. કેમકે માનવીમાત્રનો પિંડ ભાવના અર્કથી બંધાયેલો છે. પ્રેમ અને આનંદ એની જરૂરિયાત છે. અને એ પ્રેમ, હૂંફ સાચુકલા  સંબંધ સિવાય કયાંથી મળે ?

અમુક સંબંધો આપણને જન્મથી આપોઆપ મળે છે ,જેમાં પસંદગીને કોઇ અવકાશ નથી હોતો. જયારે મિત્રતા , કે જીવનસાથીમાં આપણને પસંદગીનો અવકાશ મળે છે.

આજકાલ સૌ કોઇ કહે છે,સંબંધ બાંધવા સહેલા છે, નિભાવવા અઘરા છે. વાત સાચી છે.સંબંધોનું ગણિત થોડું અટપટું તો ખરું જ. કેમકે..

ઘાવ સહે એ વજ્જરના, ને ભાંગી પડે એક વેણે…

કોઇ સંબંધ અનેક ઘાવ પણ ખમી જાય છે અને કોઇ એક કઠોર શબ્દથી પણ તૂટી જાય છે. સંબંધોની બારાખડી જાણવી, એની લિપિ ઉકેલવમાં ઘણી વાર આપણે થાપ ખાઇ જતા હોઇએ છીએ.

જેમ વાસણને અવારનવાર માંજીને ચકચકિત કરવા પડે છે એમ સંબંધોને પણ સમય આપીને સ્નેહના, લાગણીના ઉંજણથી  માંજવા પડતા હોય છે. નહીંતર એને કાટ લાગી જતા વાર નથી લાગતી.

જોકે અનેક સંબંધો આપમેળે પણ જળવાઇ રહેતા હોય છે. દિલના સંબંધો દરેક વખતે શબ્દોના કે સમયના મોહતાજ નથી હોતા. કોઇ નિયમિત સંપર્ક સિવાય પણ વરસો પછી પણ એ લીલાછમ્મ રહી શકે છે. એવા સંબંધોમાં સાચુકલું સૌંદર્ય ઝળહળી રહે છે.હિસાબ કિતાબની ભાષા સંબંધોના સૌન્દર્યને ઝાંખપ લગાડે છે. એવા વહેવારિયા, હાય હેલ્લોના સંબંધોનું આયુષ્ય બહું લાબું નથી હોતું.જીવનમાં અનેક વાર નામ વિનાના સંબંધો સાવ અચાનક મ્હોરી ઉઠે છે ત્યારે આપણે એને રૂણાનુબંધનુણ નામ આપીએ છીએ. કેમકે એવા સંબધોનું કારણ  આપણી સમજણની ક્ષિતિજ બહાર હોય છે.

આજે એવા જ એક સાચુકલા સંબંધની સાચુકલી વાત…

સંપતરાયને આજે બાંકડો સાવ અડવો લાગ્યો. કશુંક ખૂટતું હોય તેવું કેમ લાગતું હતું ?  રીટાયર્ડ થયા પછી છેલ્લા એક વરસથી પોતે રોજ  સવારે અને સાંજે આ બગીચામાં આવતા હતા. બે વરસથી પત્નીનો સાથ છૂટી ગયો હતો. જોકે ઘરમાં દીકરો વહુ હતા..કોઇ તકલીફ નહોતી.આર્થિક રીતે સધ્ધર હતા. વાંચનનો, સંગીતનો શોખ હતો. તેથી સમય પસાર કરવામાં ખાસ કોઇ તકલીફ નહોતી પડતી. આમ પણ તેમનો સ્વભાવ અતર્મુખી હતો. બહું બોલવાની આદત નહોતી.

રીટાયર્ડ થયા પછી મનમાં એક ભાવના હતી કે ભગવાને બધું આપ્યું છે. શારીરિક આર્થિક કે માનસિક કોઇ ચિંતા નહોતી. તો હવે સમાજની થોડી સેવા કરવી જોઇએ. કોઇને મદદરૂપ  થવું જોઇએ એવી ભાવના..ઇચ્છા મનમાં જાગતી. પરંતુ શું કરવું..કેમ કરવું..એવી કોઇ સમજ નહોતી પડતી. અંતર્મુખી સ્વભાવને લીધે ખાસ કોઇ મિત્રો નહોતા…
પણ હમણાં એક નવો મિત્ર મળી ગયેલ. જોકે આમ તો મિત્ર ન કહેવાય. એવી ખાસ કોઇ ઓળખાણ નહોતી. જે હતી તે ફકત મંદિરના આ બાંકડા પૂરતી જ સીમિત હતી. તેમની બાંકડા મૈત્રી કહી શકાય.  સંપતરાયને એકલા એકલા હસવું આવી ગયું. બાંકડામૈત્રી…મૈત્રીનો એક સાવ અલગ જ પ્રકાર..પોતે આ કેવું નામ શોધી કાઢયું છે.

એક વરસથી નિખિલભાઇ અને સંપતરાય બંને અહીં લગભગ સાથે જ આવતા. અને આ  એક જ બેંચ પર સાથે બેસતા. શરૂઆતમાં તો કોઇ વાતચીત નહોતી થતી. પણ રોજ એક જ જગ્યાએ બેસવાથી ધીમે ધીમે પરિચય થયો. પ્રારંભિક વાતચીતની શરૂઆત થઇ. નિખિલભાઇનો સ્વભાવ સંપતરાયથી સાવ અલગ ..તેમને બોલવા જોઇએ..હસવા જોઇએ… સંપતરાયને તેમની સાથે ફાવી ગયું. નિખિલભાઇ જાત જાતની વાતો કરતા રહેતા..હસતા રહેતા અને હસાવતા રહેતા…

પછી તો બંનેની મૈત્રી બરાબરની જામી. સંપતરાય સારા શ્રોતા અને નિખિલભાઇ સારા વકતા…. જોકે બંને વચ્ચે અંગત વાતો ઓછી જ થતી.એવી  કોઇ પૂછપરછ ખાસ થતી નહોતી. પુરૂષોને કદાચ એવી કોઇ અંગત વાતોની બહું જરૂર નહીં પડતી હોય. નિખિલભાઇની વાતમાં એક જીવંતતા રહેતી. કોઇ રોદણા નહીં..કોઇની ટીકા નહીં..જાતજાતની વાતોનો ભરપૂર ખજાનો તેમની પાસે રહેતો. સંપતરાયના ગંભીર ચહેરા પર પણ હાસ્ય ફરી વળતું. તાજગી અનુભવી તેઓ ઘેર પાછા  ફરતા. નિખિલભાઇ આર્થિક રીતે પોતાની જેટલા કદાચ સમૃધ્ધ નહોતા લાગતા પણ તેથી કોઇ ફરક નહોતો પડતો. બસ..આ  માણસ તેને ગમી ગયો હતો.  

હવે તો એક દિવસ નિખિલભાઇ ન દેખાય કે મોડા દેખાય તો સંપતરાય ઉંચા નીચા થઇ જાય.પણ હમણાંથી આ ક્રમ જરાક તૂટયો હતો. છેલ્લા આઠ દિવસથી નિખિલભાઇ બગીચામાં દેખાતા નહોતા. સંપતરાયને તેમના વિના એકલું લાગતું હતું. જાણે બધે સૂનકાર છવાઇ ગયો હતો. શું થયું હશે ? કેમ નહીં આવતા હોય ? માંદા પડી ગયા હશે ? પોતે તપાસ તો કરવી જ જોઇએ.

એકાદવાર વાતવાતમાંથી ખબર પડી હતી..નિખિલભાઇનું ઘર કયાંક આટલામાં જ હતું.

સંપતરાયને ચિંતા થઇ. થોડી મહેનત..પૂછપરછ કરી તેમણે નિખિલભાઇનું ઘર શોધી કાઢયું. તેમણે ત્યાં પહોંચી બેલ વગાડી.
એક સ્ત્રીએ બારણું ખોલ્યું.
’ નિખિલભાઇ અહીં રહે છે ? ‘
સ્ત્રીએ સંપતરાય સામે જોયું.

તમારે શું કામ છે ?

કામ કશું નથી. તેઓ મારા મિત્ર છે. અને અમે રોજ બગીચામાં સાથે….
તેને આગળ બોલવા દીધા સિવાય સ્ત્રીએ કહ્યું
જે હોય તે..હવે તેઓ અહીં રહેતા નથી.’
મતલબ ?
મતલબ જે હોય તે..એકવાર કહ્યું ને હવે તેઓ અહીં નથી રહેતા’
તો કયાં રહે છે ?
જહન્નમમાં…અને જહન્નમનો રસ્તો મને ખબર નથી. કહી સ્ત્રીએ ધડામ દઇને બારણું બંધ કર્યું.
સંપતરાય તો ડઘાઇ જ ગયા. આનો અર્થ શો કરવો કે હવે પોતે શું કરવું તે સમજાયું નહીં.
પણ મિત્ર બહારથી જેવો દેખાતો હતો તેવો સુખી તો નથી જ એટલી ખાત્રી તેમને થઇ ચૂકી.

અને ખરેખર તે કોઇ મુશ્કેલીમાં હોય તો પોતે કશુંક કરવું જ જોઇએ. પણ હવે તેમની તપાસ કેમ કરવી ? કયાં કરવી ?

ત્યાં બાજુવાળા ફલેટનું બારણું ખૂલતા તેમણે નિખિલભાઇ વિશે પૂછયું.

જવાબ સાંભળી સંપતરાય સ્તબ્ધ બની ગયા.

દીકરા,  વહુએ નિખિલભાઇને વૃધ્ધશ્રમમાં પહોંચાડી દીધા હતા. નિખિલભાઇએ પોતાનો ફલેટ દીકરાના નામે કરી દીધો હતો અને પૈસા બધા ખલાસ થઇ ગયા હતા. પિતાને ખાલી કરી, ખંખેરીને હવે તેમની પાસે કશું નથી એની ખાત્રી થતાં તેમને ઘરમાંથી કેવી રીતે હાંકી કાઢયા હતા..તે વાત સાંભળતા સંપતરાય હલબલી ઉઠયા.

તે સાંજે ઘેર આવી સરખી રીતે જમી પણ ન શકયા. દીકરા વહુએ પપ્પાનો ચહેરો ચિંતાતુર થયેલ જોઇ પ્રેમથી પૂછપરછ કરી ત્યારે તેમણે બધી વાત કરી.
દીકરાએ તુરત જવાબ આપ્યો.

‘પપ્પા, તમે ચિંતા ન કરો. કાલે જ આપણે તેમને શોધી કાઢીશું. આપણા ગામમાં એક  જ તો આવો વૃધ્ધાશ્રમ છે. ‘
બીજે દિવસે બાપ, દીકરો બંને ગાડી  લઇને ઉપડયા.ત્યાં પહોંચ્યા બાદ

નિખિલભાઇને શોધી કાઢતા કેટલી વાર ?

નિખિલભાઇ તો મિત્રને જોઇ ગળગળા થઇ ગયા. આવી તો કલ્પના પણ કરી નહોતી કે સંપતરાય તેમને શોધતા અહીં આવી પહોંચે. મિત્ર પાસે ઉઘાડા થઇ જતાં મનમાં થોડો ક્ષોભ જરૂર થયો. આટલા સમય સુધી કયારેય પોતાની તકલીફની વાત નહોતી કરી. કયારેય પરોક્ષ રીતે પણ ઇશારો નહોતો કર્યો. સંપતરાયને જાણ ન થાય માટે પોતે કેટલા સતર્ક રહ્યાં હતાં…પોતાના જ ખોટા સિક્કાની  વાત કેમ કરે ?

 

સંપતરાયે નિખિલભાઇને સારો એવો ઠપકો આપ્યો.બધા થોડીવાર બેઠા. નિખિલભાઇએ કેવી રીતે ભોળવાઇને દીકરા વહુની વાતમાં આવી જઇ..ભાવનાના પ્રવાહમાં ફલેટ પુત્રના નામે કરી દીધો હતો તથા પુત્રે કેવી રીતે બધા પૈસા પડાવી લીધા હતા.બધી વાત આંસુભીની આંખે કરી. હવે છૂપાવવાનો કોઇ અર્થ કયાં રહ્યો હતો ?
થોડીવારે સ્વસ્થ થયા બાદ નિખિલભાઇ પાછા પોતાના ઓરીજીનલ ફોર્મમાં આવી ગયા.

‘ મારી રામકહાણી કંઇ નવી નથી. આ તો ભાઇ, ઘેર ઘેર માટીના ચૂલા છે. સંસાર છે ચાલ્યા કરે. અને હું કંઇ અહીં દુ:ખી નથી..પૂછી જુઓ..આ લોકોને..અહીં આવીને બીજે જ દિવસે કેટલી પ્રવૃતિઓ અહીં ચાલુ કરી દીધી છે. ઇશ્વરે અહીં સેવા કરવાનો રસ્તો બતાવ્યો છે. આ કદાચ ઇશ્વરનો જ કોઇ સંકેત હશે…કોઇનો દોષ કાઢવાની જરૂર નથી. જે થાય કે થશે તે સારા માટે એમ દિલથી સ્વીકારી લીધા પછી કયાંય કોઇ તકલીફ પડતી નથી. હા, બાંકડે બેસી તમારા જેવા મિત્રની કંપની ગુમાવવી પડી એનો અફસોસ થાય ખરો. પણ સંપતરાય સાચું કહું ? તમે મને શોધતા અહીં સુધી આવ્યા..અને એ પણ તમારા પુત્ર સાથે. એ જોઇને સંબંધોમાંથી..દીકરામાંથી મારો ઉડી ગયેલ વિશ્વાસ મને પાછો મળ્યો છે.

હવે સંપતરાયનો દીકરો બોલ્યો,
’અંકલ, એક વાત કહું ? આજથી તમે પણ મારા પિતાની જગ્યાએ છો..હું તમને અમારે ..ના.ના..આપણે ઘેર લઇ જવા આવ્યો છું. તમારે હવે અમારી સાથે જ રહેવાનું છે. તમારા આવવાથી પપ્પાને ખૂબ સારું લાગશે. ને ઇશ્વરની દયાથી ભગવાને અમને ઘણું આપ્યું છે.

સંપતરાયે પણ પુત્રની વાતમાં સાથ પૂરાવતા કહ્યું,
અને ત્યાંથી આપણે રોજ અહીં આવતા રહીશું..આ બધાને મદદરૂપ થવા માટે. જે શકય હશે તે આ લોકો માટે પણ કરીશું. ઇશ્વરે મને માર્ગ બતાવ્યો છે.
નિખિલભાઇને  તો આ  નિસ્વાર્થ સ્નેહ આગળ શું બોલવું ત જ ન સમજાયું. પેટનો દીકરો જયારે તરછોડી ગયો ત્યારે આ પારકો દીકરો તેને ઘેર લઇ જવા આવ્યો છે.
ભીની આંખે અને ભીના હૈયે તેમણે જવાબ આપ્યો.
’ બેટા, તારી વાત મને સ્પર્શી ગઇ છે. તમે એક સાવ અજાણ્યા માનવીને આટલું કહ્યું તેનો સધિયારો કંઇ ઓછો છે ? બેટા, હું રહીશ તો અહીં જ..પણ હમેશા યાદ રાખીશ કે મારો એક દીકરો હજુ છે જેને પિતાની સંભાળ છે, લાગણી છે. બસ..બેટા..આગળ કશું બોલીશ નહીં. મને  નહીં ગમે તે દિવસે વિના સંકોચે તારું બારણું જરૂર ખટખટાવીશ.
નિખિલભાઇ હમેશ માટે જવા તો  તૈયાર ન થયા. પરંતુ સંપતરાય બીજે દિવસથી રોજ સવારથી સાંજ અહીં આવતા થઇ ગયા. અને અહીં જ સેવાની ધૂણી ધખાવીને રહે છે. તન, મન ધન આવા તરછોડાયેલા વડીલો પાછળ અર્પણ કરતા રહે છે. રાત પડયે બંને મિત્રો છૂટા પડે છે.

જોકે દર રવિવારે નિખિલભાઇને સંપતરાયના બંગલે અચૂક જવું પડે છે.

 

કયું નામ આપીશું આ સંબંધને ? નામનો મોહતાજ છે ખરો આ સંબંધ ?

નામ વિનાના..કોઇ સગપણ વિનાના આવા અગણિત સંબંધો જીવનમાં પાંગરતા રહે છે. એમને સલામ.

આમ કોઇ પૂછે તો કહી શકાય ના,
આમ કોઇ ભવભવનો નાતો.
માનવી માનવી જોડે મારી માટી કેરી સગાઇ

અસ્તુ..

નીલમ દોશી.મારો ગુજરાતી બ્લોગ..

http://paramujas.wordpress.com            -https://paramujas.wordpress.com/about/
Awards my books received…શ્રેષ્ઠ પુસ્તક એવોર્ડ
1

 ગમતાનો ગુલાલ પુસ્તક ને ..( ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ )
2 અંતિમ પ્રકરણ..વાર્તા સંગ્રહને…(  ગુજરાતી સાહિત્ય પરિષદ એવોર્ડ )
3 જન્મ દિવસની ઉજવણી. બાળનાટય સંગ્રહ ( ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ..)
my published books… 12 ..
1 દીકરી મારી દોસ્ત ,અંતિમ પ્રકરણ, સાસુ વહુ ડોટ કોમ ,અંતિમ પ્રકરણ.,  ગમતાનો ગુલાલ,.જન્મદિવસની ઉજવણી.   , દીકરો વહાલનું આસમાન, , નવલકથા દોસ્ત, મને માફ કરીશ ને ?, આઇ એમ સ્યોર, પાનેતર, ડોટર માય ફ્રેન્ડ, ( અન્ગ્રેજી ) , બેટી મેરી દોસ્ત ( હિન્દી )
મારી નિયમિત કોલમ..
1 સંદેશ ( વાત એક નાનકડી )
2 સ્ત્રી..જીવનની ખાટી મીઠી
3 .. સ્ત્રી…સંબંધસેતુ
4 જનસત્તા..ચપટી ઉજાસ, દીકરો વહાલનું આસમાન
5 ગુજરાત ગાર્ડિયન…અત્તરકયારી..
6 ગુજરાત ગાર્ડિયન…પત્રસેતુ
7 માર્ગી મેગેઝિન…પત્રને ઝરૂખેથી
8 કેડી કંકુવર્ણી..જયહિન્દ દૈનિક
મારા આગામી પુસ્તકો..
અત્તરકયારી,
ચપટી ઉજાસ
ઝિલમિલ
ખંડિત મૂર્તિ,
સંબંધસેતુ.
સ્માઇલ પ્લીઝ.. હાસ્ય  નવલકથા..
જીવનની ખાટી મીઠી..
પત્રસેતુ..

“કયા સંબંધે”-(1) વસુબેન શેઠ,

અને પરી આકાશમાં ઉડી ગઈ….

Picture4

તે દિવસે હું ઘરના ઝગડા અને રોજની તું તું,મેં,મેં થી બસ કંટાળી ગઈ,આ સંસારમાં કોઈ આપણું છે જ નહિ બધાને પોતપોતાની પડી છે કોઈને મારી ક્યાં જરૂર છે?આ દીકરો પણ જાણે પરાયો થઇ ગયો છે,ક્ષણિક ઘર છોડવાનું મન પણ મને થયું પણ મારા મનને હળવું કરવા હું ચેમ્બુરના મદિરે ગઈ.મદિર ખુબ છેટું હતું પણ કયારેક કંટાળતી ત્યારે ત્યાંજ જતી એ બહાને બસમાં અને ટ્રેનમાં મુસાફરી થાય અને મન હળવું થતા પાછી આવતી,મદિર માં જઈ ઊંડો શ્વાસ લીધો,મજાનું ભજન ગાઈ ને મન હળવું કર્યું મન મુંજાએલ હતું એટલે શબ્દો પણ એવા જ સરી પડ્યા।..
“સ્વાર્થનું સંગીત ચારે કોર વાગે…
કોઈ નથી કોઈનું આ દુનિયામાં આજે”
મનના મંદિરમાં અંધારું થાય ના
ઝાંખો ઝાંખો દીવો મારો જોજેને બુજાય ના……
પ્રાર્થના મને બળ આપતી અને મેં મારો ભાર હળવો કર્યો એટલામાં પાછળથી મારો કોઈ એ હાથ પકડ્યો અને કહે બેન આપ ખુબ સુંદર ગાવ છો,આપનો અવાજ પણ મધુર છે મેં કહ્યું શું માસી આભાર પણ સાચું કહ્યું હું તમારું નામ ભૂલી ગઈ છું મને કહે આપણે એક બીજાને ઓળખતા નથી પણ મને એક વાત કહેવાનું મન થયું એટલે તમને રોક્યા,બ્હેને મારી બે હથેળી પકડી રાખી મારો હાથ છોડયો જ નહી,જાણે મારી હથેળી માંથી ઉષ્મા ન લેતા હોય તેવું લાગ્યું હું જોઈં રહી, હું કઈ કહ્યું તે પહેલા એકદમ ભેટી પડ્યા ને કહે તમારા ભજને મારું હ્રદય વલોવી નાખ્યું,બસ તમને મળી લીધું,તમને હું કદી ભૂલીશ નહી,એમ કરી ને ચાલ્યા ગયા,એ બ્હેન નો ભોળો ચહેરો ,મીઠી વાણી હૃદયને સ્પર્શી ગઈ, આમ પણ મારી બાના ગુજરી ગયા પછી હું એમને ખુબ યાદ કરતી આજે જાણે બા જ આવી ને ભેટી ગયા એવું મને કોણ જાણે કેમ ભાસ્યું,હું વિચારને ખંખેરી, મારે ટ્રેન પકડવી હતી એટલે હું સ્ટેશન તરફ વળી સ્ટેસન પર ઘણા મુસાફરો હતા,માંડ માંડ ટેનમાં ચડી, મારી સામે એક સુંદર ઘાટીલી સ્ત્રી બેઠી હતી,હું એની સામે જોઈ ને હસી,એણે પ્રત્યુતરમાં ખોટું સ્મિત કર્યું પણ કોણ જાણે મને એમાં રુદનનો આભાસ થયો ,જાણે પરાણે હસતું મોઢું રાખતી હોય તેવું લાગ્યું,સ્મિત પછી અમે થોડી વાતચીત કરી થોડી મિત્રતા થતા મે એમને હિમત કરી પ્રશ્ન પૂછ્યો વાંધો ન હોય તો એક વાત પુછુ અને એણે બોલ્યા વગર હકારમાં જવાબ આપતા મેં ધીમેથી પૂછ્યું,બેન તમને કોઈ તકલીફ છે,અને બેન ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા,એક ક્ષણ તો મને થયું મેં ખોટું કર્યું,મેં કહ્યું કે માફ કરજો મારો ઈરાદો આપને દુઃખી કરવાનો ન હતો પણ કોણ જાણે કેમ અનાયસે હું પુછી બેઠી,પણ થોડી વારમાં બેન સ્વસ્થ થઈ ગયા,એટલે મને હાશ થઇ મને કહે સારું થયું તમે મારું મન હલકું કરી નાખ્યું,મારા કુટુંબીજન મને મારે ગામ પાછી મોકલી આપે છે. બોમ્બે સેન્ટ્રલ થી મારી ટ્રેન પકડીશ,શું કામ ? શેના માટે ?વગેરે પૂછવાની મારી હિમંત હવે ન હતી, વાત માંડીશ તો ફરી દુઃખી કરીશ એમ વિચારી અલક મલક ની વાતો કરી એના સ્ટેશન આવતા આવજો કહી સ્ટેશને ઉતરી ગયા.એટલામાં એક નવ જવાન એક હાથ માંપેટી બીજા હાથમાં વૃદ્ધ ડોસીમાનો હાથ પકડીને ઉપર ચડ્યો,પેટી મૂકી માજી ને ટ્રેન માં બેસાડી ને ચાલતો થયો,માજી જોર જોર થી બોલતા હતા ભઈલા તારું ભલું થાજો,મેં ભાઈ ને પૂછ્યું તમારા માજી એકલા મુસાફરી કરશે ,ત્યારે એ ભાઈ મારાસામું જોઈ ને ફક્ત એટલું બોલ્યો આપ માજીને એના સ્ટેશન ઉતારવામાં મદદ કરશો,અને મારો આભાર માની જતો રહ્યો ,એમના ભાવ પરથી હું સમજી ગઈ કે એમણે તો માજી ને ફક્ત મદદ કરી હતી,મારું સ્ટેશન આવતા હું ઉતરી પણ માજી માટે પેલા ભાઈની જેમ કોઈને ભલામણ કરતી ગઈ અને હું ટ્રેન માંથી ઉતરી બસ સ્ટોપ તરફ ગઈ.આ દોડતી જિંદગીમાં વિચાર વાનો સમય ક્યાં હતો માજી એકલા કેમ હતા? ક્યાં જવાના હશે? એ જુવાન કોણ હતો?,આમ પણ હું વિચારોથી ઘેરવા નોહતી ઈચ્છતી, બસ ને આવવાની વાર હતી એટલે હું બાકડા પર બેઠી ,બાજુમાં નાનો બગીચો હતો,બાળકો કલ્લોલ કરી ને રમતા હતા ,એટલામાં લગભગ છ વર્ષ ની બાળકી મને નમસ્તે કરીને પોતાનો નાસ્તાનો ડબ્બો લઈ ને મારી સાથે બાકડા પર બેસી ને સેવ મમરા ખાવા લાગી,મારી સામે વારંવાર જોઈ ને હસતી,મેં તેને પૂછ્યું તારે રમવા નથી જવું,તો કહે મને થાક લાગે છે હું બીમાર છુ ,બા હું નાસ્તો કરૂ ત્યાં સુધી બેસશો,એના મીઠા નિર્દોષ શબ્દોએ મને જકડી રાખી, મેં કહ્યું તારી સાથે કોણ આવ્યું છે ?કહે મમ્મી છે પણ નાની બહેનને લેવા ગઈ છે હમણાં અહી બસમાં આવશે,બસ આવી પણ મમ્મી ન ઉતરી મને થયું કેવી માં છે ?આમ બાળકીને મુકીને ગઈ મેં મારી બસને જતી કરી ત્યાં તો એક બેન નાની બાળકી સાથે આવ્યા હાફળા, ગભરાયેલા આવ્યા અને કહે ચાલ બેટા,એના મમ્મી હતા,મેં કહ્યું આમ બાળકીને મુકીને જવાય નહિ ,તો કહે આભાર પણ મારી પાસે બે ટીકીટના પૈસા ન હતા એટલે અહી બેસાડી, ચાલો મારે કામે જવાનું છે કામે નહિ જાવ તો સાંજે જમશું શું ?આભાર તમારો, તે દિવસે હું ટેક્સી કરી હું ઘરે ગઈ. બીજે દિવસે હું મારા નિયમ મુજબ ગરીબ બાળકોને દવાખાનામાં ફળ આપવા ગઇ,ત્યાં એક પલંગ પર મેં બસ સ્ટોપ વાળી બાળકીને જોઈ મને કહે માસી કેમ છો એ ભોળું સ્મિત અને માસુમ ચહેરો એને જોઈ ને મારા થી પૂછી જવાયું તું અહી શું કરે છે કેમ ભૂલી ગયા હું બિમાર છું ?મેં ડોક્ટર ને પૂછ્યું તો કહે એ થોડા દિવસ ની મેહમાન છે,આજુબાજુ કોઈ ન હતું એટલે એની પાસે જઈ ને મેં માથે હાથ ફેરવ્યો,મેં કહ્યું ફ્રુટ ખાઇશ તો કહે ના ચોકલેટ ભાવે છે મેં કહ્યું કાલે લાવીશ અને પછી મને મારા હાથમાં ચોપડી આપતા કહે પરીની વાર્તા કહોને તો ઊંઘ આવી જાય અને મીઠું સ્મિત આપ્યું મારો હાથ પકડીને મને પોતાની પાસે બેસવાનું કહ્યું મેં વાર્તા કહેવાની શરુ કરી, એક પરી હતી અને એ સ્વપ્નોની દુનિયામાં ખોવાઈ ગઈ મારો હાથ છોડ્યા વગર આંખો બંધ કરી સંભાળતી રહી મને કહે તમારા ખોળામાં માથું રાખું મેં હા પાડી,કોણ જાણે આ છોકરી મને પોતીકી લાગી એ મારો હાથ પકડી ખોળામાં માથું મૂકી સંભાળતી રહી, ક્યારેક મારી સામે જોઈ સ્મિત કરતી,મારે ઘરે જવાનો સમય થતા મેં વાર્તાનો અંત લાવતા કહ્યું,…અને પરી આકાશમાં ઉડી ગઈ,પણ એ એમ જ સુઈ રહી કદાચ ઊંઘ આવી ગઈ હશે એમ સમજી મેં કહ્યું સાંભળે છે ને કે સુઈ ગઈ ? પણ એણે મારા ખોળામાં હાથ પકડી સદા ને માટે આખો મીચી દીધી…. પોઢી  ગઈ…

વસુબેન શેઠ,

લખવું એટલે બહોળું વાંચન,પુષ્કળ ચિંતન અને સાથે મનન.

       મિત્રો આપ સૌ જાણો છો તેમ “પુસ્તક પરબ” એજ “બેઠક” છે.  

તો ચાલો આજે પુસ્તક દિવસ નિમ્મીતે પુસ્તક પરબના પ્રણેતાને મળીએ.

લખવું એટલે બહોળું વાંચન,પુષ્કળ ચિંતન અને સાથે મનન.

11013551_843127265725335_3903239955369902620_n

પુસ્તક થકી માણસ પોતાની જ્ઞાાન પ્રાપ્ત કરવાની ઈચ્છા પુરી કરી શકે છે..પુસ્તક ને પરમેશ્વર માની પુસ્તક મારફતે માનવ જાતની સેવા આપતા દંપતી ડો પ્રતાપભાઈ પંડ્યા અને રમાબેન પંડ્યા ગુજરાતના ૧૨૦ પુસ્તકાલય ખોલીને હવે અમેરિકામાં વસતા ગુજરાતી ઓની વાંચનની ભૂખસંતોષવા પુસ્તકાલયો શરુ કરી રહ્યા છે .સૌ પ્રાથમ સાનફ્રાન્સિસ્કો બે એરિયામાં આઈ સી સી ,અને ફ્રિમોન્ટ માં ખોલી ને સમગ્ર ગુજરાતીઓ માટે જ્ઞાન ને વહેતું મુક્યું છેમાતૃભાષા ગુજરાતી ના હિમાયતી અને ઉતમ ગુજરાતી સાહિત્ય ના પ્રેમી શ્રી પ્રતાપભાઈ પ્રતાપભાઈ પંડ્યાએ ગુજરાતીમાં પીએચડી કર્યું છે, અને સૌરાષ્ટ્રમાં એ વિદ્યાધિકારી (એજ્યુકેશન ઓફિસર) રહી ચૂકયા છે. અને સ્વય પુસ્તકો પણ લખ્યાં છે. હાલ એ વડોદરાના ગુજરાત પુસ્તકાલયના પ્રમુખ છે. એ ઉપરાંત અન્ય સેવાકીય સંસ્થાઓં માં ત્રષ્ટિ સભ્ય રહીને ૧૦ વરસ તન મન ધન થી કોઈ અપેક્ષા વિના કામ કરી સેવા આપી છે.આદર્શ નમ્રતા સરળતા જેવા ગુણોને લીધે લોકોનો પ્રેમ મેળવીને સૌના વ્હલા “પંડ્યા કાકા”સર્વત્ર સૌના સ્વજન બની ગયા છે.એમણે જીવન ગ્રામ શિક્ષણનો તથા ગુજરાતી વાંચનનો પ્રસાર કરવામાં સમર્પીત કર્યું છે.પ્રતાપભાઈએ એમના નિવૃત્તિ-ફંડનો સદુપયોગ કરી ‘પુસ્તક પરબ’. ચલાવે છે.સમસ્ત ગુજરાતનો પ્રવાસ કરી ૫૦૦ ઉપરાંત ખાનગી પુસ્તકાલય ની જાતે મુલાકાત લઇ બંધ પડેલા પુસ્ત્કાલને પોતાના ખર્ચે મદદ કરી પુસ્તકાલય પ્રવૃત્તિ ધમ ધમતી કરી છે અને “પુસ્તક પરબ” નામની સંસ્થા સ્થાપી ગુજરાતમાં ૧૨૦ ઘર પુસ્તકાલયો પાંચ વરસથી ચલાવે છે.દરેક વાંચકોને સરળતાથી પુસ્તકમળે એવી વ્યવસ્થા કરી સરળ સંચાલન કરે છે .પ્રતાપભાઈ પુસ્તકોનું દાન કરે છે, એટલુંજ નહિ,લોકોને પુસ્તક પરબો શરૂ કરવામાં મદદ કરી એમનું સંચાલન કરવાનું માર્ગદર્શનપણ આપે છે. અને તેથીજ એમના કાર્ય માટે પૂજ્ય મોરારી બાપુએ અસ્મિતા પર્વમાં પ્રતાપભાઈનું સન્માન કર્યું હતું. તેમના ધર્મ પત્ની શ્રીમતી રમાબેન માતા પિતાના ઉત્તમ સંસકારો સાથે જીવે છે જેણે પ્રસિદ્ધ કેળવણીકાર નાનાભાઈ ભટ્ટ અને ઉતમ ચિંતક સર્જક સાહિત્યકાર મુશ્રી મનુભાઈ પંચોલી પાસેથી મેળવી પ્રમાણિક નિષ્ઠાવાન શિક્ષક તરીકે રાજ્ય અને રાષ્ટ્ર કક્ષા ના એવોડ વિજેતા બની સમગ્ર ગુજરાતમાં આદર્શ શિક્ષક દંપતી તરીકે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે પણ બન્ને પતિ પત્ની નો ધ્યેય એક જ છે આપણી માતૃભાષા ગુજરાતીને આપણા દેશ અને પરદેશમાં પણ જીવંત રાખવી અને સમૃધ્ધ કરવી તેમજ લોકોને સારાં સંસ્કાર સાહિત્ય સભર પુસ્તકો આપવાં અને પુસ્તકો દ્વારા વાંચનની સંવેદના ખીલવવી અને નવા વિચારો સમાજને આપવા પુસ્તક પરબ’ ના હેતુઃ
–આપણી માતૃભાષા ગુજરાતીને સમૃધ્ધ કરવા લેખક અને વાચક વચ્ચે સેતુ બનવું.
–ગુજરાતી ભાષાને જીવંત રાખવી.
–અમેરિકામાં લોકોની ગુજરાતી વાંચનની ભૂખ સંતોષવા પુસ્તકો પુરાં પાડવાં.
–ગુજરાતી ભાષામાં જે ઉત્તમ સાહિત્ય સર્જન થાય છે તેને લોકો સમક્ષ રજૂ કરવું.
–લોકોને સારાં સંસ્કાર સાહિત્ય સભર પુસ્તકો આપવાં.
–પુસ્તકો દ્વારા નવા વિચારો સમાજને આપવા,
–વાંચનની સંવેદના ખીલવવી.
– મળીને પઠન કરવું.

​અહેવાલ-“આવો કરીએ સહિયારું સર્જન”

betha [Autosaved]-2
 કેલીફોર્નીયાની ગુજરાતી”બેઠક”નો માતૃભાષાના સર્જન સંવર્ધન અને પ્રચારનો પ્રયત્ન ૧૨ પુસ્તકના વિમોચન દ્વારા પ્રભાવક  પુરવાર થયો.   
 
 

તારીખ૧૭ ​મી ​​અપ્રિલ ૨૦૧૫ ​એ​ ​ગુજરાતી “બેઠક” ​ ​ઇન્ડિયા કોમ્યુનીટી સેન્ટર મિલ્પીટાસ​​ કેલીફોર્નીયા ​ ખાતે મળી, આ “બેઠક”માં ગુજરાતી ભાષા ​અને  પદ્ય અને ગદ્યને માણનારો વર્ગ અત્રે એકત્રિત થઇને તેના સર્જન,સંવર્ધન અને પ્રચાર પ્રસારણમાં છેલ્લા ઘણા વખતથી સક્રિય છે. પ્રયત્ન નાનો છતા માતૃભાષા માટેનો ​બળપૂર્વકનો છે. ​એ વાત પુસ્તકોના વિમોચન ​સાથે પુરવાર થઇ.સહિયારું કાર્ય કરવાથી આનંદ સાથે સર્જન અને ભાષાનું સવર્ધન થાય છે એમાં કોઈ શંકાને સ્થાન નથી. 

શ્રી વિજય શાહ દ્વારા હ્યુસ્ટનમાં શરુ કરેલ સહિયારી માતૃભાષા ની અભિવ્યક્તિ આજે કેલીફોર્નીયા માં “બેઠક” બની વિસ્તરી અને તેના ફળ સ્વરૂપે  માત્ર એક વર્ષના ગાળા માં એક  સાથે બાર પુસ્તકોનું વિમોચન ,શ્રી હરિકૃષ્ણ મજમુંદાર (દાદા ) અને પ્રેમલતાબેન મજમુંદાર ના હસ્તક થયું. આમ ચાલો કરીએ સહિયારું સર્જનનું શ્રી વિજયભાઈ શાહ નું સ્વપ્ન “બેઠક”ના સર્જકો, પ્રજ્ઞાબેનનો પરિશ્રમ,રાજેશ શાહ અને કલ્પનાબેનના સાથ સહકાર થકી પુર્ણ થયું         .

 શ્રી હરિકૃષ્ણ મજમુદાર જેવા વડિલોના આશીર્વાદ અને શ્રી પ્રતાપ પંડ્યા અને શ્રી વિજય શાહ જેવા માર્ગદર્શકોની મદદથી, શ્રી પ્રજ્ઞાબહેન દાદભાવાળા, શ્રી કલ્પનાબહેન શાહ અને શ્રી રાજેશભાઈ શાહ જેવા ઉત્સાહી લોકોના પ્રયત્નોથી, અમેરિકા સ્થિત ગુજરાતીઓ ગુજરાતીમાં સાહિત્ય સર્જન કરી રહ્યા છે​ એ ગૌરવ લેવા જેવી વાત છે.જયારે રોજની જિંદગીમાં ખાસ કરીને અમેરિકામાં અંગ્રજી વપરાતું હોય ત્યારે આપણી માતૃભાષાને આ રીતે સવર્ધન કરવાનો પયત્ન માત્ર જ પ્રસંસનીય છે.આ ​પ્રયત્ન શક્ય કરવા પાછળ શ્રી વિજયભાઈ શાહનો પરિશ્રમનો મોટો ફાળો છે.

_DSC0038

મહેન્દ્રભાઈ મહેતા, પ્રજ્ઞાાબેન દાદભાવાળા,રાજુલબેન શાહ,જયશ્રીબેન મરચન્ટ,શ્રી વિજયભાઈ શાહ,શ્રી હરિકૃષ્ણ મજમુંદાર (દાદા )કલ્પનાબેનરઘુ શાહ,રાજેશ શાહ

ગુજરાતી ભાષાની અસ્મિતા અને ગુજરાતી સાહિત્યનું જતન કરતા ગરવા ગુજરાતી ભાષા- સાહિત્યપ્રેમી​ઓની ​આજની “બેઠક”​માં ​કાર્યક્રમની શરુઆત કુન્તાબેન શાહે  પ્રભુવંદનાથી કરી હતી. કાર્યક્રમનું આયોજન કરતા પ્રજ્ઞાાબેન દાદભાવાળાએ આજના ખાસ પધારેલા મહેમાનોને આવકારી બેઠકને આગળ વધારી હતી કાર્યક્રમના ખાસ મહેમાન તરીકે જાણીતા લેખક અને “સહિયારું સર્જન” ના પ્રણેતા શ્રી વિજયભાઈ શાહ  હ્યુસ્ટન થી,સાથે બોસ્ટનથી લેખિકા રાજુલબેન શાહ પધાર્યા​ હતા,​ ​શ્રી હરિકૃષ્ણ મજમુંદાર (દાદા )એ આશિર્વાદ સમી હાજરી આપી,તો બે એરિયાના લેખિકા જયશ્રીબેન મરચન્ટ બે એરિયાનું બળ બની “બેઠક”ને શોભાવી, સાથે ગુજરાતી સમાજના જાણીતા અગ્રગણી શ્રી સુરેશભાઈ પટેલ (મામા) તેમજ મહેન્દ્રભાઈ મહેતા આ બેઠકમાં આવી દરેક સર્જકોને પ્રોત્સાહન આપ્યું​મહેશભાઈ પટેલ એ હાજરી આપી  બેઠક ને પોતાનો સાથ અને સહકાર સદાય છે એમ કહીને જાહેરાત કરી કે જે કોઈ બાળકોને ગુજરાતી શિક્ષક બની સેવા આપશે તેને હું મહેનતાણું આપી મારું ભાષા માટેનું ઋણ ચૂકવીશ આમ”બેઠક”નો અંશ બન્યા  તો રમેશભાઈ પટેલે કહ્યું  હું હંમેશા આપ બધાની સાથે જ છું.જયશ્રી ભક્તાએ ટહુકો કરી ગુજરાતી ભાષાને બે એરિયામાં સહિયારો સર્જન અને સવર્ધન કરવાનો ટેકો આપ્યો તો જાગૃતિ શાહએ દર મહિને સારા સર્જકને ઇનામ સાથે રેડીઓ પર સ્થાન આપવાની જાહેરાત કરી,ગુજરાતી રેડિયો દ્વારા સાથ આપી માત્ર બેઠકમાં જ નહિ પરંતુ દરેક સર્જકોના હ્યુદયમાં સ્થાન મેળવ્યું  શ્રી હરિકૃષ્ણ મજમુંદાર એટલેકે દાદા એ કહ્યું કે મને આશા છે કે એક દિવસ આ સહિયારા સર્જન માંથી કોઈક ઉમદા સર્જક નીવડશે અને તે કવિ રવીન્દ્રનાથ ટાગોરની જેમ નોબૅલ પારિતોષિક ​વિજેતા થશે. જયશ્રી બેને અને વિજયભાઈ શાહે સર્જકોને પ્રોત્સાહન સાથે વાંચન રૂપી કેડી દેખાડી લેખવા પ્રેરિત કર્યા અને કહ્યું  હવે આપની પાસે કલમ છે તો એને સાહિત્યનુ સ્વરૂપ આપો અને  આ માત્ર શક્ય છે વાંચન દ્વારા ,આમ પ્રતાપભાઈ બેઠકમાં હાજર ન હોવા છતાં એમણે શરુ કરેલ પુસ્તક પરબ દ્વારા પુસ્તક સ્વરૂપે હજરી આપી,જયશ્રીબેને કવિતા અને વાર્તા સ્પર્ધા ની જાહેરાત કરતા કહ્યું તમે સરસ લાખો છો પણ સારા લેખકોના અને સાહિત્યકારને વાચ્યા પછી તમે એક જુદું જ મૌલિક અનોખું સર્જન કરશો તમારા પ્રયત્નને વેડફવા ન દેશો. તો વિજયભાઈ એ પણ કહ્યું લખવામાં શોર્ટ કટ ન લેશો કવિતા લખો તો સાથે આસ્વાદ લખશો તો કલમ આપ મેળે કેળવાશે અને વિચારોની સ્પસ્ટતા તમને પ્રગટ થશે આ પુસ્તકો પુરવાર કરે છે કે તમારામાં લેખક છે માત્ર બહાર લાવવાના છે. જે આ બેઠકમાં પ્રજ્ઞાનાબેન કરી જ રહ્યા છે પણ ઉપર ચડવા માટે વાંચન અને પ્રયત્ન તમારા જ હોવા જોઈએ, રાજેશભાઈએ રાજુલબેનનો પરિચય આપી આમંત્ર્યા, ત્યારબાદ  જયશ્રીબેન મર્ચન્ટે રાજુલબેને લખેલ પુસ્તકોનું વિમોચન કરી અમને વધાવ્યા​રા,રાજુલબેન શાહ એ બંને લેખકોનો ટેકો આપતા કહ્યું કે હું આજે થોડું ઘણું લખું છું એનું કારણ વાંચન,યોગ્ય માર્ગદર્શન અને પ્રયત્ન જ છે મેં કોલમો લખવાની શરૂઆત કરી ત્યારે મારી આજુબાજુ બનતા પ્રસંગોને મેં વાર્તામાં વણી લીધા અને બીજું ઉમેરતા કહ્યું સરળ વિષય માં પણ સંવેદના હોય છે રાજુલ બેનની વાત સાથે પ્રજ્ઞાબેને કહ્યું કે રાજુલબેન જોડણી સુધારવાનું કામ કરે છે પણ આપણે જોડણી સુધારીને જ લખવું જોડણી ભાષાનું મૂળ છે ભાષા એના થકી જ સમૃદ્ધ છે.પણ શું લખું કેમ લખવું તેની અવઢ માં અટકશો નહિ.આમ “બેઠક” પુસ્તક વિમોચન ના પ્રસંગ સાથે જ્ઞાન સભર પાઠશાળા બની રહી, અંતમાં સહુ છુટા તો પડ્યા પણ હું  વાંચન કરીશ અને લખીશ અને સારું જ લખીશ એવી ભાવના અને નિર્ણય સાથે.

_DSC0017 _DSC0034

_DSC0040

      જાગૃતિ શાહ                          સુરેશભાઈ પટેલ                   મહેશભાઈ પટેલ

bethak-team

બેઠકનું આયોજન –પ્રજ્ઞા દાદભાવાળા,

બેઠકનું બળ– પ્રતાપભાઈ પંડ્યા,​જયશ્રીબેન મર્ચન્ટ.

                          ​મહેમાન -રાજુલબેન શાહ ,વિજયભાઈ શાહ ,શ્રી હરિકૃષ્ણ મજમુંદાર ​

બેઠકનું સંચાલન -પ્રજ્ઞાબેન દાદભાવાળા,કલ્પનારઘુ શાહ ,રાજેશભાઈ શાહ.

તસ્વીર -રઘુભાઈ શાહ અને સમાચાર પ્રસારણ-રાજેશભાઈ શાહ

રેડિયો પ્રસારણ -જાગૃતિ શાહ, ​નેહલ રાવલ

​ધ્વની પ્રસારણ સંચાલન  -દિલીપભાઈ શાહ,​સાથ સહકાર -રમેશભાઈ પટેલ ,સતીશભાઈ રાવલ ​ .

 ભોજન વ્યવસ્થા -કુંતા શાહ ,જાગૃતિ શાહ ,સતીશ રાવલ ,વસુબેન શેઠ ,પદ્માબેન શાહ ,રામજીભાઈ પટેલ ,દર્શના વરિયા નાટકરણી,જ્યોત્સના ઘેટિયા –આભાર

​અહેવાલ -પ્રજ્ઞાબેન દાદભાવાળા ​

આવતા મહિનાનો બેઠકનો વિષય

                                                   સર્જક મિત્રોને  ખુલ્લુ આમંત્રણ

-આવતા મહિના નો બેઠકનો  વિષય છે.  

“કયા સંબંધે” 

માણસમાણસ વચ્ચે સંબંધો  અને સહયોગનો જે જીવંત વહેવાર ચાલ્યા જ કરતો હોય છે…તો એ વિષય ને લઈને  .

માત્ર .લેખ નહિ, કવિતા ,હાયકુ કે કોઈ પણ સ્વરૂપે આપના વિચારો લખી મોકલો .

બસ તો કસો મગજને અને ચલાવો હં હં ચાલવો નહિ દોડાવો.. તમારી આંગળીઓને ટપ ટપ અવાજ સાથે ટપકાવો તમારા વિચારોને અને બસ લેખ તૈયાર એક વધુ એક બટન દબાવો અને send  કરી મોકલો….. pragnad@gmail .com 

         પુસ્તક અને બ્લોગ માટે આપનો લેખ 1000- 1500  અથવા વધુ શબ્દો લખી મોકલી શકશો .  જે “શબ્દોનાસર્જન” પર મુકાશે અને પ્રસિદ્ધ થતા પુસ્તકમાં પણ આવરી લેવાશે,

તો મિત્રો ટાઈપ  કરી word માં(PDF નહિ ચાલે )  ઇમૈલ દ્વારા મોકલશો.  

pragnad@gmail.com પર મોકલશો 

 

.https://shabdonusarjan.wordpress.com/ 

                અથવા બેઠક ની facebook –“Bethak”Gujarati literary group

પરંતુ  મિત્રો આપની બેઠકમાં (બોલીને કરવામાં આવતી) રજૂઆત માત્ર  500 શબ્દો સુધી કરશો. રજૂઆત માં સમય મર્યાદા છે-જેની નોથ લેશો,

આવતી બેઠક 05/22/2015 સાંજે 6.30વાગે મળશે, 

જેમાં બોલવા માટે પહેલથી જણવવાનું રહેશે.   

  આ કોઈ કવિની  પંક્તિઓ કદાચ આપને લેખ લખવા માટે પ્રેરણા દેશે. 

“ક્યા સંબંધે ” ..… 

સંબંધો કયા કોઇના કાયમ ના હોય છે.

આજે આપણા તો કાલે પરાયા હોય છે.

                         મન થી મન મળે એજ સંબંધ સાચા હોય છે.(વિનુભાઈ પટેલ )

પરાયા પણ ત્યારે  આપણા હોય છે. 

અચાનક કોઈ પૂછે છે ખબર અને કહે છે,કેમ છો?

   કહો જોઉં “કયા સંબધે” આમ હોય છે!.   

હવે પછી
આપણી દરેક મહિનાની “બેઠક”ના “વિષય” ઉપર આવેલ સારી કૃતિને ઇનામ મળશે.
પછી એ કવિતા હોય કે લેખ વાર્તા કે કોઈ પણ સ્વરૂપે સ્વીરાશે-jagruti shah

કીટ્ટા – બુચ્ચા-(11) -પી.કે.દાવડા

ભીંત પડે તો તમને ગાળ…

અમે નાના હતા ત્યારે અમે પણ ગુસ્સે થતા, લડતા, ઝગડતા. તે વખતે મહોલ્લાના બે જણ ઝગડે તો બે પાલા પડી જતા, થોડાક બાળકો એકના પાલામા અને થોડાક બાળકો બીજાના પાલામા જતા. આવું થોડા કલાક જ ચાલતું અને આ થોડાક કલાકમા પણ બન્ને પાલાના બાળકો છૂપી રીતે આપસમા મળતા અને વાતચિત કરતા. ત્યારબાદ કોઈ એકાદ બાળકની મધ્યસ્તતાથી સુલેહ થઈ જતી.

રમતાં રમતાં ઝગડો થાય અને એક બાળક બીજાને ગાળ આપે તો ગુસ્સે થઈ હાથાપાઈ કરવાને બદલે જેને ગાળ મળી હોય તે બોલતોઃ

“ભીંત પડે તો તમને ગાળ, આકાશ પડે તો અમને ગાળ,

ભગવાનની ભીંત ભાંગે નહિં ને અમને ગાળ લાગે નહિ”

અને પછી એક નાનો પથ્થર લઈ નજીકની ભીંતને થોડી ખોતરતો.

બસ પતી ગયું, ગાળ પાછી જતી રહી, પાછું રમવાનું શરૂ.

આજે ટેલીવિઝનમા, ચલચિત્રોમા અને ઈલેકટ્રોનિક રમતોમા બતાડાતી હિંસા બાળકોના દિમાગમા ઘર કરી રહી છે ત્યારે “ભીંત પડે તો અમને ગાળ…” જેવો સાદો ઉપાય કામ નહિં આવે, એના માટે કાંઈક વધારે સારો ઉપાય શોધવો પડસે.

-પી.કે.દાવડા

 

ઘર ઘર ની રમત

અમે નાના હતા ત્યારે ચોમાસામાં વરસાદને લીધે આંગણાની રમતો ન રમી શકતા. ત્યારે રજાને દિવસે આડોસ પડોસના નાના બાળકો ભેગા થઈ, કોઈના ધરમા અથવા કોમન પેસેજમા, ઘર ઘરની રમત રમતા. દરેક જણ પોતાને ઘરેથી કંઈને કંઈ લઈ આવે. એક બે ચાદરની મદદથી તંબુ જેવું ઘર બનાવતા. રમવાના રસોડાં, નાની છત્રી, રમકડાં અને આવી નાની નાની વસ્તુઓ ભેગી કરી ઘર બનાવતા. પછી એક છોકરો કહે કે આજે હું પપ્પા બનીસ, તો તરત એક છોકરી કહે હું મમ્મી બનીસ. જો બે છોકરીઓ મમ્મી બનવા માટે દાવો પેશ કરે તો એકને સમજાવીને દાદી બનાવી દેતા. કોઈ બીજો છોકરો પપ્પા બનવાનો દાવો કરે તો એને ડોકટર બનાવી દેતા. બાકી વધેલા બધા ભાઈ બહેન.

 

બસ પછી કલાક બે કલાક આ રમત ચાલતી. બાળકોએ જે અસલ જીવનમાં જોયું હોય તેની નકલ કરવાનો પ્રયત્ન કરતા. પપ્પા, મમ્મીને અને છોકરાવોને વઢતા પણ ખરા. કોઈને તાવ આવ્યો હોય ત્યારે ડોકટર વિઝીટે આવી ઈન્જેકશન પણ આપી જતા. રાત પડતી તો બધા સૂઈ જવાની એકટીંગ કરતા, અને બે ત્રણ મિનિટમાં જ સવાર પડતી તો મમ્મી બધાને જગાડી દેતી. આમા થોડા લડાઈ ઝગડા પણ થતા અને રમત પૂરી થઈ જતી.

 

આજે પણ આ ઘર ઘરની રમત રમાય છે પણ એમા બાળકોને બદલે યુવક-યુવતીઓ રમવાવાળા હોય છે. આજે આ રમતનું નામ બદલી એને “લીવિંગ-ઈન રીલેશન” નામ આપવામા આવ્યું છે. જો કે આમા પણ ક્યારેક ડોકટરનું પાત્ર પણ જરૂરી બને છે.

-પી. કે. દાવડા