વૈશ્વિક કવિતાના ભાવવિશ્વમાં એક સફર…
નમસ્કાર મિત્રો,
“જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ”લેખમાળા અંતર્ગત આપ સૌનું સ્વાગત છે. આ લેખમાળા અંતર્ગત આ મહિને આપણે સંગીત અને જીવનસંગીતના મહિમાને ઉજાગર કરતી વિવિધ ભાષાની કવિતાઓને જાણી તથા માણી રહ્યા છીએ. આ મહિનાના છેલ્લા ગુરુવારે આપણે આજ વિષય પરની વધુ એક કવિતા જાણીશું અને માણીશું.

“Music fills the infinite between two souls.” – Rabindranath Tagore
અર્થાત સંગીત દ્વારા બે આત્માઓ વચ્ચેની અનંતતા સંધાય છે…આપણે સૌ જાણીએ છીએ તેમ કવિવર રવીન્દ્રનાથ ટાગોરના જીવનમાં સંગીત અને કવિતા એ બે પરિમાણો સર્વોચ્ચ સ્થાને હતા. કવિવર પોતે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના પ્રખર અભ્યાસી હતા અને તેમના જીવનકાળ દરમિયાન તેમણે અગણિત ગીતો લખ્યા અને સ્વર થી શણગાર્યા જે રવીન્દ્રસંગીતના નામે વિશ્વભરમાં પ્રખ્યાત છે. In fact, Rabindra sangeet is a genre itself in the global landscape of music. કવિવર માટે ગીત અને સંગીત એ તેમના આત્માનો નાદ અને પરબ્રહ્મને સાદ હતો. આજે આ લેખમાળામાં આપણે કવિવર દ્વારા રચિત English poem “My Song” અર્થાત “મારું ગીત”ના ભાવાનુવાદને જાણીશું અને માણીશું. તમે આ કાવ્યની મૂળ રચના આ લિંક પર જોઈ શકશો. http://www.blueridgejournal.com/poems/rt-song.htm મેં આ કાવ્યનો ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયત્ન અત્રે કર્યો છે.

કવિવરના વિશ્વપ્રસિદ્ધ કાવ્ય સંગ્રહ ગીતાંજલિમાં આ કવિતા “My Song”નો સમાવેશ થયેલો છે. ખુબ સરળ ભાષામાં રચાયેલી આ કવિતા દ્વારા કવિવર પોતાનું ગીત/સંગીત એ તેમના અસ્તિત્વનો જ એક અંશ છે એવી વાત વહેતી મૂકે છે. જેમ એક માતા પોતાની હયાતી દરમિયાન કે હયાતી બાદ સદૈવ પોતાના બાળકોની આસપાસ રહી તેમની સતત સંભાળ રાખતી રહે છે અને તેમનો સતત સાથ નિભાવતી રહે છે તેમ જ કવિવરના ગીત તેને માણનાર/સાંભળનારનો સતત સાથ નિભાવશે તે વાત કવિવર આ કાવ્યમાં રજુ કરે છે. અને કવિવર દ્વારા પ્રસ્થાપિત રવીન્દ્રસંગીતને આ કવિતાનો એકેએક શબ્દ અક્ષરશઃ લાગુ પડે છે.
કવિવરે જયારે આ કાવ્યની રચના કરી હશે ત્યારે કદાચ તેમને ભવિષ્યનો અણસારો હશે અથવા પોતે રચેલા ગીત/સંગીતની પ્રચંડ ભાવનાત્મક તાકાતનો પરિચય હશે… એ જે હશે તે, પણ જો તમે એક વખત રવીન્દ્રસંગીતના પરિચયમાં આવો અને માનવજીવનને સ્પર્શતા દરેકે દરેક પાસા પર રચાયેલા ગીતોને જાણો/માણો/સમજો તો એ સંગીત તમારા માનસપટ પર એક ઊંડી છાપ છોડી જશે. કવિવરે તેમના ગીતબીતન ગીતસંગ્રહમાં 2200 થી વધુ સ્વરચિત ગીતોની રચના કરેલ છે. કવિવરે પોતે આ દરેક ગીતનું સ્વરાંકન કરી સ્વરલિપિ પણ આ સંગ્રહમાં પ્રસ્તુત કરેલ છે. આ સર્વ ગીતોનું પૂજા, પ્રકૃતિ, પ્રેમ, પ્રાસંગિક, દેશભક્તિ અને વિચિત્ર એવા 6 મુખ્ય વિભાગોમાં (પારજોય)માં કવિવર દ્વારા વર્ગીકરણ કરાયેલ છે. બંગાળી ભાષામાં રચાયેલા આ ગીતોની એક એક કડી પાછળ કવિવરના જીવનનો નિચોડ, પરબ્રહ્મ પ્રત્યેની અફર આસ્થા અને અટલ વિશ્વાસ રણકે છે. મારી કલમનું એવું કોઈ સામર્થ્ય નથી કે હું રબીન્દ્રસંગીતની ઊંડાઈ વિષે ઝાઝું લખી શકું એટલે અત્રે અટકું છું.
રવીન્દ્રસંગીત હોય કે બીજા કોઈ પણ પ્રકારનું સંગીત હોય – સંગીત માનવના જીવન સાથે અતૂટ રીતે વણાયેલું છે. માતાનાગર્ભમાં માતાના હૃદયના તાલબદ્ધ ધબકારા સાથે ચાલુ થયેલી સંગીતની સંગત ખુદના હૃદયના ધબકારા સ્વરૂપે છેલ્લા શ્વાસ આપણી સાથે રહેવાનું છે. જ્યાં સુધી આ જીવનસંગીત આપણી સંગે ધબકે છે, ત્યાં સુધી આપણે પણ સંગીતની અસ્ખલિત ધારામાં ભીંજાતા રહીએ. આ સાથે હું મારી કલમને વિરામ આપું છું. આવતા ગુરુવારે એક નવા વિષય સાથે ફરી મળીશું. તમારા માર્ગદર્શન અને અભિપ્રાયોની અપેક્ષા સાથે….
–અલ્પા શાહ