૩-આવું કેમ ? પાનખરમાં પ્રેતાત્મા નો ઉત્સવ -ગીતા ભટ્ટ

ભય …પણ એક દિવસ નિર્ભય –  ભય ફોબિયા દુર કરવાનો ઉત્સવ હેલોવીન 

રાતનો સમય.. સુસવાટા સાથે પવન.. અંધારું ઘોર,..રાક્ષસોના બિહામણા અવાજ, લોહી નીતરતો હાથ, અંધાર કોટડી …ભયથી છળી મરે એવાં ભૂખ્યાં વરુના મોંઢા…વિચિત્ર મોટા નખવાળા રાક્ષસોના લોહી નીતરતા અડધા શરીર ..કબ્રસ્તાન અને જાગેલા મડદાં, આ ભયાનક મુખાકૃતિવાળા પમ્પ્કિન અને બિહામણાં માણસોનું એક ટોળું  ?..એમાં એક ચૂડેલ નજદીક આવે ઘરની બેલ મારે અને બોલે  ટ્રિક કે ટ્રીટ…? ડર લાગે ટ્રીટ બોલશું તો આ ભુતડા ખાઈ જશે ……અને સૌ હસી પડે…ભય નો સ્વીકાર …

મિત્રો આજ હેલોવીન મજા… એક અનોખો અનુભવ,આજે સાંજે જો તમે અમેરિકાની શેરીઓમાં ચાલવા નીકળશો તો ચારે બાજુએ ભૂત – પ્રેતનાં પૂતળાંઓ લટક્તાં દેખાશે ! કોઈએ આંગણામાં હાડપિંંજર લટકાવ્યું હશે , તો કોઈ એ બારણે ખોપરીનું તોરણ લટકાવ્યું હશે! કોઈ પહેલી જ વાર અમેરિકા આવ્યું હોય એ તો ડરી જ જાય આવાં દ્રશ્યો જોઈ ને !આ સુધરેલા ગણાતા ભણેલ ગણેલ દેશમાંયે , કોઈ આદિવાસી સમાજમાં ઉજવાતો હોય તેવો ભુતડાની જમાતનો ઉત્સવ ?

કંઈક બે હજાર વર્ષ પૂર્વે ઇંગ્લેન્ડ – આયર્લેન્ડ વિસ્તારની સેલ્ટીક પ્રજા પાનખર ઋતુનો અંત ‘સેમહાઈન  ઉજવે. નવા આવેલા શાકભાજીને વધાવે . પાનખર અને શિયાળાના કાતિલ ઠંડીના દિવસોમાં પૃથ્વી અને ભૂતલોક વચ્ચેની સીમા નબળી પડતાં ભૂત પ્રેત પૃથ્વી પર ઉતરી આવે તેવી માન્યતા .  રોમન ધર્મગુરુઓ ‘ બધાં સંતોનો દિવસ ‘ All Hallows’ Day આ જ દિવસે ઉજવે. અને બીજે દિવસે આવે તેમનું નવું વર્ષ ! ઉત્સવપ્રેમી અમેરિકનોએ તેને એક સુંદર ઉત્સવનું રૂપ આપ્યું : Two in one !બાળકો પણ ઘરે ઘરે કેન્ડી – ચોકલેટ લેવા સુંદર વેશભૂષા કરીને કૉસ્ટયૂમ પહેરીને જાય , નવા શાકભાજીની ફસલ થઈ હોય તેને કલાત્મક રીતે કોતરીને શણગારવામાં આવે, પમ્પ્કિન – કોળું વગેરેને કોતરીને અંદર દીવડાં મૂકે અને ઉત્સવની ઉજવણી થાય !

પ્રાચીન સેલ્ટો માનતા હતા કે 31મી ઓક્ટોબર સજીવ અને નિર્જીવ વચ્ચેની ભેદરેખા ભૂંસાઈ ગઈ હતી અને બિમારી કે પાકને નુકસાન પહોંચાડીને મૃતકો જીવતાં લોકો માટે સમસ્યાઓ સર્જતા હતા. તહેવારોમાં બોનફાયર્સ થાય છે, જેમાં કતલ કરાયેલા પ્રાણીઓના હાડકાં નાંખવામાં આવે છે.આ તહેવારોમાં પ્રેત આત્માઓને  રીઝવવાના પ્રયાસરૂપે પોષાકો અને મહોરાં પહેરવામાં આવે છે. હેલોવીનના ઇવ ટાણે પ્રાચીન સેલ્ટો મૃતકોની યાદમાં તેમની બારીની પાળી પર એક હાડપિંજર મુકતાં. યુરોપથી શરૂ થયેલા આ ફાનસો સૌ પહેલાં પમ્પ્કિનમાંથી કોતરવામાં આવ્યા હતા. માથુ શરીરનો સૌથી શક્તિશાળી હિસ્સો છે, જેમાં આત્મા અને જ્ઞાન આવેલા છે, એવું માનતા સેલ્ટો કોઈ પણ વહેમને ભગાડવા માટે વનસ્પતિના ‘માથા’નો ઉપયોગ કરતા હતા.  હજારો વર્ષ પહેલાં માનવી કુદરતનાં રહસ્યો સમજવા પ્રયત્ન કરતા. મૃત્યુ પછી શું એની કલ્પનામાં – મૃત્યુ, મૃતાત્મા અને જીવિત વ્યક્તિ સાથેના સંબંધોની શૃંખલાઓ સમજવા પ્રયત્ન થતા હતા.

આપણે ત્યાં દેશમાં કોઈ ‘ બુરી નજરવાલે તેરા મુંહ કાલા ‘ લખીને લીંબુ – મરચાનાં તોરણ લટકાવાનો ઉત્સવ મનાવે  તો આપણે એને શું કહીએ ?

નરી અંધશ્રદ્ધા જ કહેવાય ને !

તો ચાલો જોઈએ કે હેલોવીનની આસપાસ ઉભી થયેલી કલ્પનાસૃષ્ટિ મુખ્યત્વે કઈ  બાબતોને આભારી છે. એક તો હેલોવીન મોસમ પોતે, જેમાં પ્રતિકવાદને પ્રેરણા છે.જેમકે પાનખરની મોસમના તત્વો, જેવા કે કોળા, મકાઈ કુશ્કી, અને ચાડિયો પણ પ્રચલિત છે. હેલોવીનના દિવસોમાં ઘરોને આ પ્રકારના પ્રતિકોથી શણગારવામાં આવે છે. હેલોવીન સાથે બે મુખ્ય રંગો સંકળાયેલા છેઃ નારંગી અને કાળો. ત્યાર પછી ગોથિક અને ભયના સાહિત્યિક સર્જનો પણ અહી વણાયેલા છે .હેલોવીન કલ્પનાસૃષ્ટિમાં મૃત્યુ, અનિષ્ટ, ગૂઢવિદ્યા, જાદુ, કે પુરાણકથાના રાક્ષસોને પ્રયોજવાનું વલણ હોય છે.આજના યુગમાં અમેરિકામાં ધામધૂમથી ઉજવાતો આ સામાજિક ઉત્સવ  છે પણ એનાં બીજ યુરોપમાં ચર્ચના પાદરીઓના ધાર્મિક રૂઢિ રિવાજોમાં જન્મેલા છે. …

હવે પ્રશ્ન છે કે આ ઉત્સવમાં  શું માનવીના જીવનમાંથી ખરેખરે ભય પેસી રહ્યયો છે ?

કે નાના બાળકો થી માંડી બધા ભયને દુર કરી રહ્યા છે ?

આપણે ત્યાં વેદોમાં કહ્યું છે: આહાર, નિંદ્રા, મૈથુનઅને ભય પ્રાણી માત્રમાં રહેલાં છે. જીવિત પશુ સૃષ્ટિમાં એ ચારેયનું મહત્વ છે. જીવન વિકાસ માટે ક્યારેક ભયની પણ જરૂર છે: ભય વિનાનું જીવન રાવણ જેવું અહંકારી, ઉદ્ધત બની જઇ શકે છે.

હવે જુઓ આ નીચેનો આકડો ….

નેશનલ રિટેલ ફેડરેશનના અંદાજ મુજબ હેલોવીનનું ખર્ચ ગયા વર્ષે 8.4 બિલિયન ડોલર હતું, 

આ ઘટના માટે 17.1 કરોડથી વધુ અમેરિકનો ઉપસ્થિત રહ્યા હતા.

$350 million we spend on pet costumes

$2.2 billion we’re shelling out for candy, 

Halloween is our No. 1 day for wasting money on garbage.

જાણવા જેવી વાત અહી છે કે પ્રચંડ પ્લાસ્ટિક પ્રદૂષણની સમસ્યામાં આ ઉત્સવનો સૌથી મોટો ફાળો છે.

મ્હોરા વપરાયેલ પ્લાસ્ટિકની ગુણવતા નું શું ?આરોગ્યની દ્રષ્ટિ પણ જોઈએ ને ! પર્યાવરણ સ્વાસ્થ્ય વિષે વિચારવું જોઈએને !

આવા ઉત્સવમાં સર્જનાત્મક વિચારસરણી લઇ આવીએ તો કેમ ? સાંસ્કૃતિક કળાનું પ્રદર્શન કરીએ તો કેમ ?

હોમમેઇડ કૉસ્ટ્યૂમ બનાવીએ તો કેમ ?

પ્રકૃતિના ઉત્સવ પણ  હજારો ડોલરના પમ્પ્કિન, કેન્ડી અને લાખો ડોલરના વેશનું વેચાણ….કે ખોટો ખર્ચ ?

મહોરા હેઠળ અસામાજિક તત્વોને પણ વેગ મળે છે.અછાજતા હિંસાત્મક બનાવો અને ડર ભાગવાને બદલે પેસી જતો ભય માટે કોણ જવાબદાર ?

શું માનવીની માનસિકતા બદલી શકે ખરા ?.અસામાજિક ભય ઓછા થાય ખરા ? કે ભૂત કે આત્મા ભગાડી શકાય ખરા ?

હવે તમે જ કહો આવું કેમ ?

ગીતા ભટ્ટ 

૬ – હકારાત્મક અભિગમ- કલ કરે સો આજ-રાજુલ કૌશિક

“કલ કરે સો આજ”

 મહારાજ યુધિષ્ઠિરે એક દિવસ દાન લેવા આવેલા યાચકને આવતી કાલે દાન આપવાનું વચન આપ્યું. આ સાંભળીને ભીમે અત્યંત આનંદમાં આવી જઇ દુદુંભિ નાદ કર્યો.જાણે હસ્તિનાપુરમાં પાંડવોના નિવાસ સ્થાને હર્ષોલ્લાસનું વાતાવરણ છવાઇ ગયું. ભીમને થયેલા આ અતિ ઉમંગનું કારણ પુછયું તો ભીમે જણાવ્યું “અમારા જ્યેષ્ઠ બાંધવ મહારાજા યુધિષ્ઠિરે આજે દાન લેવા આવેલા યાચકને આવતી કાલે દાન આપવાનું વચન આપ્યું છે અર્થાત તેમણે કાળને જીતી લીધો છે. એમને એમની આવતી કાલ પર પૂરેપુરો વિશ્વાસ છે”.-

 વિચક્ષણ ભીમની  વાત સાંભળીને યુધિષ્ઠિરને પોતાની ભૂલ સમજાઇ ગઇ. જીવનનો સત્ય-મર્મ પામી ગયા જીવનમાં આવનારી બીજી ક્ષણનો કોઇ ભરોસો હોતો નથી, તો આવતી કાલ તો ખૂબ દૂરની વાત છે એની પર તો ભરોસો રાખી જ કેવી કેવી રીતે શકાય?

 એક પ્રસિધ્ધ નવલકથાકાર પોલ લાઉન્સે ખરું જ કહ્યું છે-“આપણે જાણતા નથી કે આપણું મૃત્યુ ક્યારે થશે એટલે જીંદગીને પાણીનો અખૂટ પાતળકૂવો માની બેસીએ છીએ”. પણ જીવનની આગલી ક્ષણ પણ આપણા હાથમાં નથી.

ડૉકટર નેપોલિયન હિલને મલવા એક શ્રીમંત વ્યકિત આવવાની હતી.પરંતુ તે ન આવ્યા એટલે ડૉ હિલ ચાલતા થઇ ગયા.બીજા દિવસે એ શ્રીમંત માણસનો ફોન આવ્યો-“કાલે તમે મારી પાંચ મિનિટ પણ રાહ ન જોઇ? તમને લાખોનો ફાયદો થતો હતો તે તમે ગુમાવ્યો ને?”

ડૉ હિલે જવાબ આપ્યો.” ભાઇ મેં ગુમાવેલા લાખો રુપિયા હું કાલે કમાઇ લઇશ પણ મારી વિતી ગયેલી પાંચ મિનિટ ને હું કઇ રીતે પાછો લાવવાનો હતો.

આ જે ક્ષણ છે તે આપણી છે વર્તમાન આપણો છે. જે વિચાર-જે કાર્ય અમલમાં મુકવાનું છે તે માટેની ઉત્તમ ક્ષણ આ છે. ભવિષ્ય માટે સપના ચોક્ક્સ જોઇ શકાય પણ વિચારને અમલમાં મુકવા માટે આવતી કાલની રાહ ન જોઇ શકાય. મુઠ્ઠીમાંથી સરી જતી રેતીની જેમ હાથમાંથી સરી જતી ક્ષણ ક્યારેય પાછી મળવાની નથી. વિતી જતો સમય, વહી જતુ પાણી,પસાર થઇ જતી ઉંમર કોનાથી મુઠ્ઠીમાં બંધાઇ છે?

આનંદની પળો માણવાના સમયે આપણે ગાઇએ છીએ

“આજનો લાવો લ્હાવો લીજીએ રે

કાલ કોણે દીઠી છે

પણ કામ કરવાની વાત  આવે એટલે મન વિચારે કે આ કામ તો હું કાલે કરીશ. પરિણામે આવતીકાલ ક્યારેય આવતી નથી.તક અને સમય કોઇની રાહ જોતા નથી.જન્મ કે મરણ માટે કોઇ નિશ્ચિત ચોધડીયું નથી હોતું તો કામ માટે ચોધડીયું જોવાની ક્યાં જરુર?  સમય સાથે તાલ મેળવીએ તો સમયનો આપણને સાથ છે.

સમયની પ્રત્યેક ક્ષણને  જીવી જાણે એ જ જીંદગીને જાણી અને માણી જાણે. આજનો દિવસ જ શ્રેષ્ઠ છે.અત્યારની ઘડી જ ઉત્તમ છે જે છે તે આજે હમણાં જ છે માટે દરેક ક્ષણને ઉત્તમ રીતે જીવી લઇએ. 

આપણી જીંદગીમાંથી દરેક પળે કંઇક ને કંઇક ઘટતું જાય છે. સમયના પાત્રમાંથી સરકી જતી  એક પછી  એક ક્ષણ અને હાથમાંથી  તક સરતી જાય છે. માટે જ પ્રત્યેક પળને જીવી લઈએ. પ્રત્યેક સવાર આપણી સાથે એક નવો કોરોકટ દિવસ લઇને આવે છે. આ પ્રત્યેક દિવસને આપણે આજે જ શણગારવાનો છે, મનગમતા રંગો લઇને આજે જ સજાવવાનો છે.

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

 

 

ડાયરીના પાના -બા ને નાનેરાની વિદાઈ,મેટ્રિક પાસ અને અલવિદા ભરૂચ

દ્રશ્ય 4- બા ને નાનેરાની વિદાઇ   

મેટ્રિક ની પરીક્ષા પુરી થઇ.પરીક્ષાનો થાક ઉતારવા સાંજે સ્ટેશને ફરવા જતા. પેણી માં થી ઊતરતા ગરમ  ભજિયા ખાતા, રાત્રે રાજુ માસ્તર આવતા અને બધા પેપર નું વેલ્યુંએસન કરતા અને તું પાસ થવો જોઈએ તેમ કહ્યું. નાનેરા નું રિઝલ્ટ આવી ગયું તેઓ બધા પાસ થઇ ગયા. મોટાઈની (પિતાજી) સૂચનાઓ કાગળ મારફત આવ્યા કરતી. ભણવાનું વરસ પૂરું થયું. પછી પેટી ઓ ડબ્બા બેડિંગ તથા પીપો ભરતા ચાલ્યા અને દોરડાથી બાંધતાં ગયા. પેક થયેલો સામાન તેજ રૂમમાં રાખવામાં આવ્યો. દિવસો સડસડાટ જવા માંડ્યા અને જવાનો દિવસ આવી ગયો. સવારથી ખુબ ધમાલ હતી. સગાવહાલાં સ્નેહ સંબંધી આડોશી પડોશી તેમજ મિત્રો સવારથી જ મળવા આવતા ભેટ તા રડતાં અને ગળગળા થઈ જતા. પાંચ વાગે ભગવત બે ગાડી લઇ આવ્યો. બધા ગાડીમાં બેઠા. સમાન બન્ને ગાડીમાં વેચાઈ ગયો. આવજો આવજો ના પુકાર થયા.ગાડીવાને લગામ ખેંચી ગાડી ચાલુ કરી.

નાનેરાનો  ઉત્સાહ અદમ્ય હતો જેમ જેમ ગાડી આગળ વધતી તેમ તેમ  લત્તાઓની યાદો મનમાં ઊભરાતી ગઈ. બજારમાં થી પસાર થતા લક્ષ્મણ દરજી ની દુકાન , ગાંધી મેડિકલ સ્ટોર વગેરેમાં થી આવજો આવજો ના પુકાર થયા. અને ગાડી આગળ ચાલી. આખરે ભરૂચ સ્ટેશન આવી ગયું. ટીકીટો કઢાવી સામાન મજુરોને સોંપી બધા પ્લેટફોર્મ પર ગયા. લગભગ અડધું પ્લેટફોર્મ લોકોથી ભરાયેલું. માસીઓ તેમના છોકરાઓ, મામા, મોટી બા દાદાજીઓ વગેરે હાજર હતા સ્ટેશન કાબરો ના અવાજ ને માણસની રોકકળ થી ગાજી ઊઠયું. એટલા માં દૂરથી વીસલ સંભળાઈ અને ગાડી એ આગમન કર્યું. પ્લેટફોર્મ પર હલચલ મચી. જેવી ગાડી થોભી ને બારણા ઉઘડીયા કે ધસારો થયો. ભગવત તથા તેના દોસ્તારે બે સળંગ સીટ અને ઉપરના પાટિયા રોકી લીધા. બા અને ચિલરપટ્ટી તે સીટો પર ગોઠવાઈ ગયા દાદાજીએ સમાન લગેજ ના ડબ્બામાં મુકાવ્યો. એટલા માં વિસલ થઇ અને એંજિનને ઝૂક ઝૂક સરુ કર્યું અને ગાડી ચાલી. આવજો આવજો ના પુકાર અને રડમસ ચહેરા સાથે ભાવ ભીની વિદાય સુરતી કુટુંબને અપાઈ.

ગાડી પુલ માં પેશી ગઈ. બા ગઈ અને હું ને દાદાજી એકલા પાછા ફર્યા. ઘર સૂમસામ લાગતું હતું. અમારે માટે સરોજ માસી ખાવા પીવાનો બંદોબસ્ત કરતા. દાદાજી રોજ જમીને અગાસીમાં બાસ્ટી પર બેસી ભજનો ગાતા સાથે મને બેસવા કહેતા. ભજનો પછી મુંબઈ વિષે વાતો કરતા ને ત્યાંના ઘર વિષે કલ્પના કરતા.

દ્રશ્ય 5-મેટ્રિક પાસ

હું છઠ્ઠામાં હતો ત્યારે યક્ષ સંદેશ પંડ્યા સર હમેશાં મારી પાસે ગવડાવવાતા. સાંજના પાચ પછી ગેમ નો પિરિયડ હોઈ હું રોજ વૉલીબૉલ રમતો. સાડા પાંચે સ્કૂલ છૂટી જતી. ત્યારે બૉક્સિંગ રમવા જીમમાં જતો. પારસી ડ્રિલ ટીચર શીખવતાં. મારે પારસી છોકરા સામે રમવું પડતું. તે મારાથી વધુ અનુભવી હતો તેથી મારે ડીફેન્સીવ રમત રમવી પડતી તેમાં માર ખમોવો પડતો પણ તેથી સહન શક્તિ વધતી તેવું મારું માનવું છે.

આગળ જણાવ્યું તેમ મોટાઈ એક વોટ થી પરાજિત થયા હતા. તે લાંબી રજા પર ઉતરી ગયા હતા તે દરમિયાન તેમણે મુંબઈ માં નવી નોકરી મળી ગયી. તે પાર્લા અંધેરી મ્યુનીસીપાલીટી માં સેક્રેટરી નિમાયા સન 1946.અને ગાડી આગળ ચાલી. તેમના પત્રો છોકરાઓ ના અભ્યાસ માટે આવતા. દાદા બહુ અભ્યાસમાં માથું મારતાં નહિ. છોકરાઓ ને સ્વતંત્રતા મળી પણ અભ્યાસ બરાબર થતો. હું છઠું પાસ કરી મેટ્રિક માં આવી ગયો.મેટ્રીકની શરુઆત માં અમે ઝગડિયા ક્રિકેટ ની મેચ રમવા ગયા. ત્યારે આપણી જ્ઞાતિ ના ગોવાલીવાળા ના ઘરે ઉતાર્યા હતા. મને જોઈ બધાને નવાઈ લગતી કે આટલો નાનો છોકરો મેટ્રીકમાં ? હું દેખાવ માં સાવ સુકલકડી ને ઠીગંણો. મેચ માં મારા સૌથી વધુ રન હતા પણ. અમે મેચ હારી ગયા.

મેટ્રિક નું વર્ષ શરુ થયું. આ અરસામાં કનુંનો જન્મ થયો. બા તથા કનુને દાદાજી ના રૂમમાં રાખ્યા. રોજ સવારે રૂખી આવતી. કનુને ઓસડિયા પીવાડી માલિશ કરી નવડાવતી. પછી  પાઉડર લગાવી ઘોડિયામાં સુવાડતી. ઘરમાં કમુ ને કાશી કામવાળી બહેનો કામ કરતી મહારાજ રસોઈ બનાવતો. આ ધમાલ માં ભણવા માં બહુ ધ્યાન અપાતું નહિ.મોટાઈની વિઝિટ દરમ્યાન નક્કી થયું કે મારે માટે ઘરે ભણાવનાર માસ્તર રાખવો. તપાસ ચાલી કે કયો માસ્તર સારો. મારા માસીના દિયર શાન્તનું કાકા  બહુ જાણીતા હતા. પણ તેમને સમય નહોતો તેથી તેમના નાના ભાઈ રાજુ ભાઈ ને અપનાવ્યો. તેઓ રોજ તેમની ઓફિસથી છુટી ઘરે આવતા. આતો માસ્તર ના માસ્તર ને સગાં ના સગા. તેમને માટે દરરોજ ચા અને નાસ્તો બનતા. મને તેઓ ખુબજ દિલથી ભણાવતા અને ઘરના સભ્યની માફક વર્તતા. કેટલા મહિના આવ્યા તેતો ખબર નથી પણ ટેબલ પર હાથ પછાડતા અને રિવિઝન કરાવતા. મારા રમતિયાળ સ્વભાવમાં જેમ જેમ ભણાવતા ગયા તેમ સીરીઅસનેસ આવતી ગઈ. તેઓ ફક્ત પંદર રૂપિયા મહિને લેતા. જોકે તે જમાના માં તે ભાવ ચાલતો. થોડા મહિના પછી મહારાજ જત્તો રહ્યો અને બા બધું મેનેજ કરતી. મેટ્રિક ની પરીક્ષા માટે મને ફૂલ પેન્ટ તથા ફૂલ શર્ટ પહેલી વાર પેહેરવા મળ્યા હતા. પરીક્ષા ચાલુ થઇ.. બા ગોળ ની ગાંગડી અને દહીં ખવાડી વિદાય આપતી.કીકા મામા રિસેસ માં ચાનો થરમૉસ લાવતા. તેઓ મને ચુંગી કહી ચીડવતા. સાંજે માસ્તર પેપર  ઈવેલ્યુએટ કરતા અને માર્ક મૂકતાં પછી પાસ કે નપાસ નક્કી કરતા. પરીક્ષા આવી ને જતી રહી. હવે પરિણામ આવે ત્યાં સુધી વૅકેશન.

મારા મેટ્રિક પરિણામની તારીખ નજીક આવતી હતી. દિવસ દરમ્યાન હું મારું તથા દાદાજી નું પૅકિંગ કરતો અને સાંજે નદી પર ફરવા જતો. પૈજામો અને કફની પેહરતો. ને પગ માં ચપ્પંલ. નદી કિનારે પૂલ સુધી ચાલી આવતો. મને રિઝલ્ટ ની ચિંતા નહોતી. દાદાજી ને પણ હોઈ તેવું લાગ્યું નહિ. રિઝલ્ટ ની રાતે પરવારી અમો સૂઈ ગયા. લગભગ રાત ના સાડાબાર થયા હશે તે સમયે અમારી પહેલા માળ ની બારી તરફની ગલી માંથી મારા નામની બૂમ આવી. હું સફાળો જાગી ગયો અને બારી ખોલી જોયું તો માસીનો ભગવત હતો. તેણે બૂમ પાડી હતી કે ધનંજય તુ મેટ્રિક માં પાસ થઇ ગયો. બૂમ થી દાદાજી પણ જાગી ગયા અને બારીમાંથી ડોકાયા. સમાચાર સાંભળી ગોરધન નાથ ની મોટેથી જે બોલાવી બારી બંધ કરી સૂઈ ગયા. મેં નીચે ઉતરી ભગવતને અંદર આવવા કહ્યું પણ તેણે જણાવ્યું કે તે ગાડી પકડી સુરત પ્રેસમાં જવાનો છે અને મને આવવા કહ્યું. મેં ના પાડી એટલે તે રવાના થયો. તે પછી હું ને સરોજ માસી પણ ઉપર જઈ સૂઈ ગયા. સવારના આ વાતની જાણ બધાને થઇ ગયી. સામે રહેતા હરીલાલ માસ્તરે કોમેન્ટ કરી કે એ તો લાંચ આપી હશે નહી તો લાગવગ લગાવી હશે પણ ખરું કારણ મને ભણાવવા આવતા મારા માસ્તર રાજુભાઈ ની મહેનત કામ કરી ગયી. તેઓને મેં ખબર કહ્યા અને મીઠાઈનું પેકેટ અર્પિત કર્યું. તેમણે મને ખુબ જ ખુબજ શુભેચ્છા  આપી સ્કૂલ માં થી માર્ક સીટ મેળવી તે સમયે મુંબઈ યુનિવર્સિટી મેટ્રિક ની પરીક્ષા લેતી અને તેની વૅલ્યુ સારી હતી. મેટ્રિક પાસ ને તે જમાનામાં નોકરી તરત મળી જતી.

દ્રશ્ય 6-અલવિદા ભરૂચ

મારે હવે પોદાર કોલેજ અથવા સીડેનામ કોલેજ માં એડમીસન લેવાનું હતું. મુંબઈમાં ઘરે જોરદાર સેલીબ્રેસન થયું. લગભગ બધી તૈયારી થઇ ચૂકી હતી. મોટાઈ ની સૂચના પ્રમાણે જવાનો દિવસ આવી ગયો. નિત્ય કર્મ પરવારી, લઇ જવાનો સમાન એકઠો કર્યો,જમી પરવારી આખરી સૂચનાઓ માસીઓ ને અપાઈ ગયી. અમારા ગયા પછી ઘરની સારસંભાળ ચંપા માસી લેવાના હતા બધું પતાવતા ત્રણ વાગી ગયા. પછી બધાંએ ચાપાણી પીધા. ગાડી સાત વાગ્યા ની લોકલ હતી. સાડાપાચે નીકળવાનું નક્કી કર્યું. સ્ટેશન ખાસ્સું લાંબે હતું. લગભગ સવાપાચે ભગવત ગાડી લઇ આવ્યો.ઘર બધું બંધ કર્યું. સમાન ગાડીમાં ચઢાવ્યો. આવજો અવજોના વળામણા પછી હું ને દાદાજી ગાડીમાં બેઠા. તે સાથે દાદાજીએ મોટેથી ગોરધન નાથકી જય બોલાવી અને ગાડી ઉપાડી.ચંપામાસી પાસે અમારા ઘરની ચાવી મૂકી. મકાન તથા શેરી ને અલવિદા કરી ગાડી ઉપાડી.

ગાડી હાજીખાના બજાર વટાવી સ્વામીનારાયણનો ઢોળાવ ઉતરી ધોળીકુઈમાં ગઈ કે પાછ્ળ થી બુમ પડી ગાડી રોકો, ગાડી રોકો,બુમ ભગવત પાડી રહ્યો હતો. મેં ગાડીવાન ને રોકવા કહ્યું દાદજીએ પણ જુસ્સાથી કહ્યું. ગાડી અટકી,પાછળ ની ગાડી પણ અટકી. અમારાથી ભુલાઈ ગયેલી સેવાની ઝાંપી (વાંસ, નેતર વગેરેની ચીપોની પેટી (ખાસ કરીને પ્રવાસમાં ઠાકોરજીને રાખવાની પેટી ).આપવા ભગવત મારતી ગાડીએ પાછળ આવ્યો હતો. દાદાજીએ ઝાંપી લઇ અમારી ગાડીમાં મૂકી અને સાથે ભગવાનને પણ સભળાવી. પછી બન્ને ગાડીઓ આગળ ચાલી. સ્ટેશન આવ્યું ગાડી થોભી. અમો સમાન ઉતારી ટિકિટો લઇ પ્લેટફોર્મ પર ગયા. સામાન મુજરો લઇ આવ્યા. ગાડી સમય સર આવી. અમો અંદર ગોઠવાયા. ખપ પૂરતો સામાન અમારી પાસે રાખી બાકીનો લગેજ ના ડબ્બામાં મુકાયો. ગાડી સમય સર ઉપાડી ને દાદાજીએ ગોરધન નાથની જે બોલાવી. કેટલાક યાત્રીઓએ સાદ પુરાવ્યો. ગાડી છુક છુક કરતી પુલ માં પેસી ગયી અને ભરૂચ અલવિદા થયું.

ભરૂચ વસવાટ ના સોળ વર્ષનો ઈતિહાસ મારા માનસ પટ પર પસાર થઇ ગયો, ત્યાં વીતાવેલું બાળપણ ,પ્રાઈમરી સ્કૂલ ,એ હાઈસ્કૂલ ,ટાવર, દિપચંદ વાચનાલય, શેરી ની રમતો, ઉજવેલા તહેવાર વગરે અનેક ચીજ મને સ્વપ્નમાં દેખાવા લાગી. હું સૂઈ ગયો અને આ સુખદ યાદો નો અનુભવ કરતો રહ્યો.

 

 

 

 

 

 

 

 

 

વોલમાર્ટમાં શોપિંગ કાર્ટ – એક અનુભવ

આજ  સવારની જ વાત છે. વોલ માર્ટમાં રોજબરોજની ચીજો ખરીદવા ગયો હતો. ઘણી ચીજો લેવાની હતી; એટલે દરવાજા પાસેથી શોપિંગ કાર્ટ લીધું. પહેલી જરૂરી ચીજ એમાં મૂકવા એક ગલીમાં ( એઈલ?) ગયો. પણ મારે કામની મળી નહીં. શોધતાં શોધતાં બીજી ગલીમાં હશે , એમ માની કાર્ટ ત્યાં જ મુકી તે ગોતવા ગયો.

એ ચીજ તો તરત મળી ગઈ; પણ એ લઈને પાછો આવ્યો, ત્યારે કાર્ટ ગાયબ! ગલીના બીજા છેડે એક માણસ કાર્ટ લઈને દૂર જતો દેખાયો. હું બીજી ગલીમાં ગયો, ત્યારે તો માત્ર મારું કાર્ટ જ ત્યાં હતું. ‘ચોક્કસ આ માણસને એની જરૂર પડી હશે; અને છેક દરવાજા સુધી જવાને બદલે એ નધણિયાતું કાર્ટ તેણે લઈ લીધું હશે.’

મારા સ્વભાવ મૂજબ , હું એ કાર્ટની માંગણી કરવા એના તરફ પ્રયાણ કરવા જતો જ હતો; અને અટકી ગયો. ‘ હશે! એને ઊતાવળ હશે.  ભલે એ લઈ જાય. હું તો નવરો ધૂપ છું; અને આમેય ચાલવાનો મહાવરો પાડવાની મને જરૂર છે.’ – એ વિચારે મેં જોયું ન જોયું કર્યું, અને બીજું કાર્ટ લેવા દરવાજા તરફ વળ્યો.

પણ આખા રસ્તે, એ માણસ તરફ થોડોક અણગમો, અને મારે ચાલવું પડ્યું , તે માટે નાનકડી હતાશા મનમાં ઘેરાયેલાં હતાં.

દસેક સેકન્ડ  મન આમ વિક્ષુબ્દ્ધ રહ્યું. પણ પછી  ‘દાદા ભગવાન’ નો ઉપદેશ  યાદ આવી ગયો. “એ માણસ પણ મારા જેવો જ શુદ્ધાત્મા છે. એને માટે મેં ભાવ ખરાબ કર્યો, એ ઠીક ન થયું. ભૂલ તો મારી જ હતી ને? એમ કાર્ટ નધણિયાતું મેલીને જઈએ;  તો કોઈક લઈ જ જાય ને? મેં દ્વેશ ભોગવ્યો, એટલે ‘ભોગવે એની ભૂલ’ એ ન્યાયે ભૂલ મારી જ. એ માણસ માટે ભાવ બગાડ્યો , એ માટે એની માફી માંગું છું.”

અને એ સાથે જ મનની બધી વ્યગ્રતા ગાયબ થઈ ગઈ. સુ.જા. હળવો ફૂલ, અને એનો શુદ્ધાત્મા પ્રસન્ન!આમ તો આ સાવ નાનો પ્રસંગ છે. પણ આવા અનેક  – અને અમૂક તો ઘણા ગંભીર કહી શકાય તેવા – પ્રસંગોએ પણ આમ જ તત્ક્ષણ  ક્ષમાયાચના માંગતા રહેવાની વૃત્તિ વધતી જાય છે.

ભૂતકાળની તલવારબાજીઓને અલવિદા!

સૂરસાધના

       આજ  સવારની જ વાત છે. વોલ માર્ટમાં રોજબરોજની ચીજો ખરીદવા ગયો હતો. ઘણી ચીજો લેવાની હતી; એટલે દરવાજા પાસેથી શોપિંગ કાર્ટ લીધું. પહેલી જરૂરી ચીજ એમાં મૂકવા એક ગલીમાં ( એઈલ?) ગયો. પણ મારે કામની મળી નહીં. શોધતાં શોધતાં બીજી ગલીમાં હશે , એમ માની કાર્ટ ત્યાં જ મુકી તે ગોતવા ગયો.

        એ ચીજ તો તરત મળી ગઈ; પણ એ લઈને પાછો આવ્યો, ત્યારે કાર્ટ ગાયબ! ગલીના બીજા છેડે એક માણસ કાર્ટ લઈને દૂર જતો દેખાયો. હું બીજી ગલીમાં ગયો, ત્યારે તો માત્ર મારું કાર્ટ જ ત્યાં હતું. ‘ચોક્કસ આ માણસને એની જરૂર પડી હશે; અને છેક દરવાજા સુધી જવાને બદલે એ નધણિયાતું કાર્ટ તેણે લઈ લીધું હશે.’

       મારા સ્વભાવ મૂજબ , હું એ કાર્ટની માંગણી કરવા એના તરફ પ્રયાણ કરવા જતો જ હતો; અને અટકી ગયો. ‘ હશે! એને ઊતાવળ હશે.  ભલે એ લઈ જાય. હું તો નવરો ધૂપ છું…

View original post 181 more words

4-મન- માઈનસથી… પ્લસ-કાજલ ઓઝા -વૈદ્ય

વાંચના- વાંચવા જેવું પુસ્તક

IMG_20160812_162735

નવભારત સાહિત્ય મંદિર – પ્રકાશક

કીમત :૨૫૦

પાનાં : ૧૦૦

નાનકડું સુંદર પુસ્તક.

નાની નાની આ ૧૦૦ સલાહો/સૂચનો કે સમજવાની રીત લેખિકાએ વર્ણવી છે. આ પુસ્તક વાચતા પહેલા એક “I do” – “હું કરું છું” એવું લીસ્ટ બનાવી વાચવા જેવી છે. ઘણી વખત આપણને ખબર જ નથી હોતી આપણે એવી ભૂલ કરતા હોઈએ છીએ. આ પુસ્તકનું દરેક પ્રકરણ વાંચીને વિચારવું કે હું આમ કરું છું કે નહિ? મારે સુધારવાની જરૂર છે? ઘણી બધી બાબતો મને મારા માટે સાચી લાગી અને અમુક સુધારવા જેવી પણ.

લેખિકા પ્રસ્તાવનામાં કહે છે કે ‘ હું અનેક વ્યક્તિઓને મળી છું અને એમને જીવનની સમસ્યાઓ વિષે ખુલ્લા દિલે ચર્ચા કરી છે અને મને સુઝ્યા તેવા જવાબો – ઉપાયો મે સૂચવ્યા છે. અને મોટે ભાગે આ ઉપાયો ચમત્કારની જેમ પરિસ્થિતિને પલટાવનારા  નિવડ્યા છે. ‘કોઈ પણ પરિસ્થિતિ સુધારવાની કે બગાડવી આપણા હાથમાં જ હોય છે. અજાણતા જ આપણે કાયમ આપણે જ સાચા છીએ એમ સમજી વર્તીએ છીએ .

આ પુસ્તકમાં લેખિકાએ નાની સલાહો આપી છે અને એના કારણો પણ સમજાવ્યા છે. જેમ કે  કુદરતનું સન્માન કરીએ, નવું શીખવા તૈયાર રહીએ ,મનની વાત કહેતા અચકાવવું નહિ ,એક વ્યક્તિ સાથેના મતભેદને કારણે તેની આસપાસ  બધું નકામું ન થવું જોઈએ.સત્ય સહન કરતા શીખવું, વજન ઉતરવું અઘરું નથી… અને બીજા ઘણાય. ૧-૨ દિવસમાં આરામથી પતાવી શકાય એવું પુસ્તક છે. જે આપણને આપણી જ પરીક્ષા લેવા પ્રેરે છે.

દીપલ પટેલ 

અહેવાલ -બેઠકમાં સબરસના શુકન ૨૭/૧૦/૨૦૧૭

કેલિફોર્નિયા મીલ્પીટાસ, ઇન્ડિયા કમ્યૂનિટિ સેન્ટર ખાતે “બેઠક”માં તારીખ ૨૭મી ઓક્ટોબર ૨૦૧૭ના એક અનોખી “લહાણી” થઇ. પોતાને ગમતી રજૂઆત  અથવા કવિતા  કે ગઝલ  અર્થ સભર સહુને વેચી સબરસ ની જેમ લખવાના નવા વર્ષના શુકન બેઠકમાં વેચ્યાં. 

 

 

 

 

શરૂઆત અન્નકૂટ જેવા ભોજન થી થઇ.નિત નવી વાનગી મીઠાઈ,રંગોળી અને સાલમુબારક ની આપ લે. પ્રેમ થી ભેટવું અને મીઠું મોઢું કરાવી સૌને હૃદયથી સ્વજનભરી શુભેચ્છા.જાણે દિવાળીનું માહોલ સર્જાયું.

કલ્પનાબેનની સુંદર પ્રાર્થનાથી ‘બેઠક’માં સરસ્વતી દેવીનું  જાણે આવાહન થયું. તેમણે નવા વર્ષની સુંદર કવિતામાં શુભેચ્છા પાઠવી ‘બેઠક’ની અને સર્જકોની મંગળકામના કરી.

‘બેઠક’ના આયોજક  પ્રજ્ઞા દાદભાવાળાએ બધાને  આવકારતા ‘બેઠક’ની શરૂઆત  કરી.“પુસ્તક પરબ”ના પ્રણેતા પ્રતાપભાઈ પંડ્યાને યાદ કરતા તેમના વતી સર્વે સર્જકોને નવા વર્ષના મુબારક પીરસ્યા.હા પણ તેમની ખોટ વાર્તાણી.

વિક્રમ સંવત ૨૦૭૪ની ..નવા વર્ષના સંકલ્પ સાથે સૌને વાંચન અને સર્જન માટે પ્રોત્સાહન  આપતા પ્રજ્ઞાબેને કહ્યું ‘બેઠક’ એક પાઠશાળા છે.આપણે સૌ વાંચન અને સર્જન દ્વારા સાથે અહી વિક્સીએ છીએ.જંગલી ઘાસની સાથે જંગલમાં ફળફૂલ બધુ જ ઉગે છે.અને એક બીજાના પુરક બની બળ બને છે તેમ આપણે પણ બેઠકની પાઠશાળામાં નવા સર્જકો સાથે જાણીતા જોગીને માણવાના છે. હા પાયામાં વાંચન જરૂરી છે.બસ આ સંકલ્પ આપણા સૌનો વિકાસ કરશે.

ગુરુની ચેતના તમને પુરાની પદ્ધતિને આધુનિક પધ્તીમાં રૂપાંતર કરી તમને માર્ગ બતાવે છે. તેમ દાવડા સાહેબે એક હરી ॐની હાસ્ય સભર રજૂઆત કરી બધાને હસાવ્યા.અને બેઠક ગુરુ એ બધાને આશીર્વાદ સાથે જ્ઞાન આપ્યું. એજ માહોલમાં શરીફભાઈ એ જોક્સ  સંભળાવી  હાસ્ય ની આતશબાજી કરીતો સપનાબેને “લો કોડિયું પ્રેમનું બળતું મે મૂક્યુ છે.કોઈ ઓજસ જગાવો કે દિવાળી છે” નવા વર્ષના સંકલ્પ કરવાનો સંદેશ આપતી તેમની ગઝલ રજુ કરી દીવડાનો ઉજાસ પાથર્યો .મહેમાન નંદનભાઈ શાસ્ત્રીએ પણ હાસ્ય ની જ્ઞાન  સાથે ફૂલઝરી પ્રગટાવી. ત્યારે સુબોધભાઈએ હાસ્યના ફુવારા કરી બેઠકમાં ઉત્સાહ પુર્યો. જયવંતીબેને પરિવાર સમી  લાગણી સભર શુભેચ્છા પાથરી રંગોળી પૂરી તો ડૉ ભાસ્કર બંજારા અને તેમના પત્ની સુવર્ણાબેને એ આફ્રિકાની વાતો વાગોળી યાદો સાથે નવા વર્ષના તોરણ બાંધ્યા..

 

 

 

 

 

 

 

 

 

 

 

રાજેશભાઈ આવ્યા અને નવા વર્ષના નવલા મુબારક સાથે સમાચાર લાવ્યા.આ સાથે બેઠકના બ્લોગ શબ્દોનુંસર્જન વિષે જણાવતા કહ્યું આપે વાંચન દ્વારા સર્જન કરી ઉદાહરણરૂપ શ્રેષ્ઠ પરિણામ આપ્યું આપણા સૌની પ્રગતિના પંથે આપણે નવા વિભાગ શરુ કર્યા છે.સાત દિવસ સાત લેખક અને સાત નવલા વિષય સાથે હવે બ્લોગ નવી રીતે પ્રગટશે. દરેક લખનાર અને વાંચનાર ને અભિનંદન. એ સાથે નવા સમાચાર પણ પ્રગટાવ્યા .રાજેશભાઈ ની સેવાને બિરદાવતા પ્રજ્ઞાબેને કહ્યું આપ બીજાને ઉજાળવાનું સુંદર કામ કરો છો આપને પણ અમે સર્વે શુભેચ્છા આપીએ છીએ કે આપ ઉતરોતર પ્રગતી કરો.તો આ સાથે ન આવેલા દરેક વ્યક્તિને યાદ કર્યા .. પ્રજ્ઞાબેને કહ્યું  ખાલી ખુરસીમાં આપણી આંખો આપણાને જોઈ શકે છે. રાજુલબેન, ગીતાબેન,  કલ્પનારઘુ,દીપલ પટેલ ,અનુપમ બુચ ,સુરતી સાથે સુરેશભાઈ જાનીને ખાસ બેઠકના બ્લોગ ના કોલમ લખતા લેખકો તરીકે આવકાર્યા અને એમના લેખો દ્વારા યાદ કાર્ય ત્યારે  દાવડાસાહેબે સુરેશભાઈ જાની ની પ્રતિભા પરિચય આપ્યો ત્યારે સહુને તેમના પ્રત્યે અહોભાવ  થયો.

વાત અહી “બેઠક”ની છે,કેમ ગમે છે  ,શું કામ ગમે છે? ‘બેઠક’નું એવું નોખું તત્વ શું છે જે  આકર્ષી રહ્યું છે. આ ભાઈ ડાયાલીસીસ કરાવી સીધા હોસ્પીટલથી હાજરી આપવા આવ્યા. વાનગી લઇ ખવડાવવા આવ્યા. પરીવાર જેવી પાઠશાળા,..થોડી ચૂકાય. તો જાગૃતિ ટુકી હાજરી આપી પણ બધા વડીલના આશીર્વાદ લઇ નવા વર્ષની શરૂઆત કરી બેઠકના સર્જકોને સાલમુબારક કહેતા તારામંડળ રચ્યું.

બીજા સાથે વહેચી લહાણ કરવી. વાંચવું,વિચારવું,વાગોળવું  સાથે લખીને બીજાને વાંચન કરતા કરવા અને વાચકને  જ વિવેચક બનવવાતા સર્જકતા ખીલવવી .નવી દ્રષ્ટિઆપવી કે લેખકની દ્રષ્ટિ સાથે લેખકનો પરિચય રજૂ કરી લહાણ કરવું એ પણ ભાષાને સાચવવાનો “બેઠક”નો એક નોખો પ્રયત્ન જ છે.આ વાતને વધાવતા અરવિંદભાઈ કાંચીએ બેઠકના આયોજક પ્રજ્ઞા દાદ્ભાવાળા અને સંચાલક રાજેશભાઈ શાહ અને કલ્પનારઘુને સુંદર ભેટો આપી વધાવ્યા વર્ષના  આથી વધુ સબરસ કે શુકન  શું હોઈ શકે.

 આમ ગુજરાતી ભાષાની “બેઠક”મા સર્જકે પ્રેક્ષક સાથે વાંચન, ચિંતન અને સાથે મનનની લહાણી કરતા સંકલ્પ કર્યા.

આયોજક -પ્રજ્ઞા દાદ્ભાવાળા

અવલોકન -૪- ગરાજ સેલ,- સુરેશ જાની

કેટલા ઉમંગ અને પ્રેમથી એ ડ્રેસ જીવનસાથીએ જન્મદિવસે ભેટ આપ્યો હતો? માંડ એક બે વખત જ પહેર્યો હતો. અને પછી તો અહીંની વ્યસ્ત જિંદગીમાં એ પહેરવાનો અવસર જ ક્યાં મળ્યો?
      સેલમાંથી સાવ સસ્તા ભાવે એ શર્ટ લાવ્યા હતા. પણ જ્યારે જ્યારે પહેરવાનો સમય આવે ત્યારે; એનો રંગ ગમતો ન હતો, એટલે એ પહેરાયું જ નહિ .
     બાબા માટે કેટલા બધા, સરસ મજાના બાબાસૂટ લાવ્યા હતા; અને બર્થડે પાર્ટી વખતે ભેટમાં મળ્યા હતા. પણ બાબલો તો માળો ઝટપટ એટલો તો વધવા લાગ્યો કે, એ બધા એમનાં એમ પડી રહ્યાં.
     રમકડાંના ઢગલે ઢગલા ભેગા થઈ ગયા છે. સહેજ વપરાયા, ન વપરાયા અને એ પણ સાવ અણગમતા થઈ ગયા. પેલા રમકડાંને તો બાબલો અડ્યો પણ ન હતો.
      દર વરસે અહીં તો નવા ઈલેક્ટ્રોનિક સાધનો ખરીદી લાવીએ. અને જૂનાં પડ્યાં જ રહે. કોમ્યુટર તો  ત્રણ વરસ થાય અને નવું મોડલ આવી જ ગયું હોય. જૂનું આઈપોડ તો એમનું એમ પડી રહ્યું છે. ત્રણ કેમેરા ભેગા થઈ ગયા છે. હવે તો સેલફોન અને આઈપેડથી ફોટા પાડવાની આદત થઈ ગઈ છે. સીધો ઈમેલથી આખી દુનિયામાં ફેલાયેલા મિત્રો અને સંબંધીઓને ક્લિક કરતાં જ પહોંચાડી દેવાય.
      ચોપડીઓના ઢગલે ઢગલા ભેગા થઈ ધૂળ ખાઈ રહ્યા છે. હવે તો ઢગલે ઢગલા ઈ-બુક  આઈપેડ પર અવનવી સગવડો સાથે મફતમાં વાંચી શકાય છે.
      કસરત કરવાનું ટ્રેડમિલ . પણ બહાર ચાલવા જવાની મજામાં એય ક્યાં ખાસ વપરાય છે? જિમના સભ્ય બની ગયા છીએ, એટલે ડોલર વસૂલ કરવા પણ ત્યાં જ જઈએ છીએ. અને ત્યાં એક નહીં વીસ ટ્રેડ મીલો અને લાઈનો ની લાઈનો ભરીને જાતજાતનાં કસરતનાં સાધનો, સ્પા , સ્ટીમ રૂમ અને  પૂલ ! હવે ટ્રેડ મિલ પર વંચાયેલાં, ન વંચાયેલાં છાપાં અને મેગેઝિનો ધૂળ ખાય છે.
     આમ ને આમ કેટલો બધો સામાન – સાવ વપરાશ  વગરનો, નકામો, મહામૂલી જગ્યા રોકતો કે ગરાજમાં ધૂળ ખાતો, ભેગો થઈ ગયો છે? નવી ચીજો મૂકવા જગ્યા જ નથી!

અને એ બધો વેચી દીધો
પાણીના મૂલે
ગરાજ સેલમાં.

     કોઈક એક ડોલરમાં તો કોઈક બે ડોલરમાં. ૨૫૦ ડોલરમાં કેટલા હરખથી મ્યુઝિક કીબોર્ડ લાવ્યા હતા? – બેબી બિથોવન જેવી મહાન સંગીતકાર બને તેવાં ખ્વાબો સાથે. પચીસ ડોલરમાં એ ગયો ત્યારે હાશ થઈ!  જૂનું નોટબુક કોમ્પુટર ૬૦ ડોલરમાં એક મેક્સિકન એની બેબીને તાલીમ માટે લઈ ગયો ત્યારે તો હરખ હરખ થઈ ગયો. દોડીને ઘરમાં અંદર બધાને આ શુભ સમાચાર પાઠવી દીધા !
     ગરાજ સેલ પાંચ દિવસ ચલાવ્યું! કેટલા ઉમંગથી હજારો ડોલર ખર્ચીને ખરીદેલો આ બધો કાટમાળ વેચતાં ગાડાંના પૈડાં   જેવા ૫૦૦ ડોલર હાથમાં આવ્યા ત્યારે ઊનાળાની બળબળતી બપોરે આસમાનમાં મેઘધનુષ્ય દેખાવા લાગ્યું!
      વસ્તુની કિમ્મત કેટલી ક્ષણિક હોય છે? દુકાનમાંથી પગ બહાર મૂક્યો અને એની કિમ્મત અડધી થઈ જાય. થોડોક વપરાશ કે વપરાશ વગરનો સમય વીતે અને એની કશી કિમત જ નહી.એ બધી ચીજો  પાણીના  મૂલે વેચતાં મળેલી એ મહાન રકમ પાછી બીજી વસ્તુઓ ખરીદી આપશે; અને એ વસ્તુઓની પણ આ જ ગતિવિધી.
     અને આપણે પણ ક્યાં એવાં ને એવાં રહ્યાં છીએ ? ભણતા વિદ્યાર્થી હતા ત્યારે પરીક્ષામાં માર્ક અગત્યના હતા. લગ્ન થયા ત્યારે જીવનસાથી સિવાય જગતમાં બીજું કાંઈ દેખાતું ન ન હતું. પહેલું બાળક આવ્યું અને આપણે સાતમા આસમાનમાં મા કે બાપ બન્યાનો ફાંકો રાખીને ઊડવા લાગ્યા હતા.
અને હવે….
બે રોટલી ખાતાં ખાતાં પણ હાંફી જવાય છે ! સાંજે તો માત્ર એક સફરજન જ.

પરિવર્તન…
પરિવર્તન…
પરિવર્તન…

કશું શાશ્વત જ નહીં. કિમત બદલાય, વપરાશ બદલાય, રૂચિ બદલાય, ચીજો બદલાય. જ્યારે આપણે એ ઘટમાળની અંદર ખૂંપેલા હોઈએ ત્યારે, એના સિવાય બીજા કશા તરફ ધ્યાન જાય  જ નહીં. અને થોડાક જ સમય પછી ચિત્ત બીજે ક્યાંક . પેલું તો …………. ગયું !
    સતત અનિત્ય ભાવ કેળવીએ  તો ?

૪ – શબ્દના સથવારે – સબરસ – કલ્પના રઘુ

સબરસ

કૅલીફોર્નીયાની મીલપીટાસની હવેલીમાં નવા વર્ષના સપરમા દહાડે શ્રીજીની મંગળા આરતી કરી. ત્યાં બનાવેલી એક હાટડીમાંથી હવેલીનાં દાનવીર દંપતિના હાથે ભક્તોને મગ અને મીઠું ખરીદતા જોયા. મેં પણ શુકન ગણાતા IMG_20171020_090053296સબરસનો લાભ લીધો. આજે સબરસની પરંપરાગત માન્યતા લુપ્ત થતી જોવા મળે છે. જન્મભૂમિથી જોજનો દૂર વસતા ભારતીયોને સબરસ લેતા જોઇ મન મોર બની થનગાટ કરવા માંડ્યુ. યાદ આવી ગયું દેશમાં વિતેલું બાળપણ. બેસતા વર્ષની વહેલી પરોઢે ઘરના બારણા ખખડાવીને, લોકોને જગાડીને બાળકો સબરસ આપતા અને ગામડામાં અગારિયા, મીઠું વેચવા નિકળતા. નવા વર્ષની શુભેચ્છાનો સાર એટલે સબરસ, મીઠાંનો ગાંગડો.

મીઠું એ એક રસ છે જે દરેકમાં ભળે છે. મીઠાં વગરની કોઇપણ ખાવાની ચીજ વસ્તુઓ ફીક્કી લાગે છે. મીઠું એક એવો સંદેશો આપે છે કે જેમ તે પોતાનુ અસ્તિત્વ ઓગાળી બધામાં ભળે છે તેમ આપણે પણ આપણું જીવન મીઠાં જેવું બનાવી કોઇપણ પરિસ્થિતિમાં ભળી, તેને અનુરૂપ થવું. માટેજ મીઠું લેવાનું શુકન મનાય છે. શેરીએ શેરીએ ‘સબરસ લો’ના નાદ સાથે બેસતા વર્ષનું પ્રભાત ગૂંજી ઉઠે છે.

આયુર્વેદમાં કહ્યું છે કે, ‘ભોજનાગ્ર સદા પથ્યમ લવણાદ્રક ભક્ષણમ્‍’. મીઠાંને ગુજરાતીમાં મીઠું, ઉર્દુ, ફારસી અને હિંદીમાં નમક, સંસ્કૃતમાં લવણ, અરબીમાં મીલહ અને અંગ્રેજીમાં સોલ્ટ કહેવાય છે. બધા મસાલાઓનો રાજા એટલે ‘મીઠું’. શરીરની જરૂરીયાત માટે પ્રમાણસર લેવાય તો તે ખૂબજ ઉપયોગી છે. સમુદ્રમંથન વખતે, જેમાંથી ચૌદ રત્નો નિકળ્યા હતા તેવા દરિયાના ખારા પાણીમાંથી બનતા મીઠાંને લવણ, લૂણ, નમક કે સબરસ કહે છે. જેની રાસાયણિક સંજ્ઞા NaCl છે. સ્વાદમાં ખારૂ છતાં રસોઇમાં મીઠાશ લાવે તેનું નામ મીઠું, જે સબ રસોનો સાર છે.

મીઠાંના કાનૂનને તોડવા ૧૯૩૦માં કરેલી દાંડીકૂચ માટે ગાંધીજી બોલ્યા હતા, ‘મીઠાં પરના કરમાં એટલુ જંગલીપણુ છે કે સરકાર મને રાક્ષસી લાગે છે’. રોટલો, મીઠું અને ડુંગળી પર જીવનાર ગરીબ પ્રજા મીઠું ખરીદી શકે નહીં એટલો કમરતોડ વેરો અંગ્રેજ સરકારે પરાધીન ભારતની પ્રજા પર બેરહેમીથી લાદયો હતો. દાંડી ગામે પહોંચ્યા બાદ મુઠ્ઠીભર મીઠું લઇને, ‘નમકકા કાનૂન તોડ દિયા’ની ગર્જના કરી ત્યારે અંગ્રેજ શાસન હચમચી ગયુ હતુ. ગાંધીજીને મન હવા, પાણી પછી માણસની સૌથી મહત્વની જરૂરીયાત મીઠું હતુ. ખાદીથી સ્વરાજ આવશે, એવું કહેનાર ગાંધીજી, મીઠું બનાવવાથી સ્વરાજ આવશે એવું કહેતા. માટે જનજાગરણ માટે મીઠાંનો સત્યાગ્રહ જરૂરી હતો. ગાંધીજી કહેતા કે મીઠાંમાં ગોળ અને સાકર કરતાં પણ વધુ મીઠાશ છે.

જેમ મીઠું રસોઇના દરેક રસને સ્વાદિષ્ટ બનાવે તેમ જીવનના તમામ કડવા, ખાટા, તૂરા રસને મીઠું સ્વાદીષ્ટ બનાવે તે આશયથી નવા વર્ષમાં નવા જીવનની શરૂઆત સબરસથી કરીએ તો જીવન ધન્ય બને!

કલ્પનારઘુ

અભિવ્યક્તિ -3-પહેલાં જાત નિચોવી, પછી જાત સંકેલી.

પહેલાં જાત નિચોવી, પછી જાત સંકેલી.

નવી પેઢીએ આંગણા કે વાડા જ જોયા ન હોય તો આંગણામાં ઝળૂંબતી દોરી પર સૂકાતાં કપડાં તો ક્યાંથી જોયાં હોય!

ગાંઠો બાંધેલ સીંદરી કે વાંકાચૂંકા લોખંડના તાર પર કપડાં ઝૂલતાં. દોરીનો એક છેડો ઊંચો અને બીજો છેડો નીચો જ હોય. આંગણાના એક ખૂણે થી બીજે ખૂણે દીવાલ પર ઠોકેલ કટાયેલ ખીલા સાથે બાંધેલી કપડાં સૂકવવાની આ દોરી આંગણાના બે ભાગ કરતી. દોરી ખાલી હોય ત્યારે ફૂલ કે દડીની ગેમ રમવા નેટ બની જતી. કપડાં પર પડતો ભર બપોરનો તડકો અને પછી ઘરની દિવાલનો ઢળતો પડછાયો, આહા! અગાસી પરથી નીચે જોતાં લહેરાતા રંગોના તોરણથી આંગણું કે વાડો કેવાં શોભતાં!

નાના-મોટાં પચ્ચીસ-ત્રીસ કપડાં એક-બીજાને ખભે હાથ મૂકી ને ફરફરતાં હોય. જમીનને અડુંઅડું લટકતી નાડીવાળા લેંઘા, બગલાની પાંખ જેવા ઝભ્ભા, તમાકુના ડાઘાવાળાં બાંડિયા, એક-બે ઝીણાં કાણાવાળાં ચાર-પાંચ બનિયન, લાલ, બ્લ્યુ ને રાખોડી રંગના બ્લાઉઝ, પીળું પડી ગયેલૂ ધોતિયું, તકિયાના ‘કધોણ’ થઇ ગયેલ કવર, બટન તૂટેલ બુશકોટ, દોરા નીકળી ગયેલ કે ઝળી ગયેલ ટોવેલ, સાડી, કાકચિયા રંગના પેન્ટ અને જાડા ધડાસા જેવા ચણિયા.

આ બધા કપડાં ધોકા ખાઈ ખાઈને રીઢાં થઇ ગયાં હોય છતાં તડકો સહીને પવનમાં ખુશી ખુશી ઝૂમતાં હોય. ‘યહી હૈ જિંદગી’! કપડાં ભીના હોય ત્યારે ભારેખમ હોય અને દોરીને ઝોળો પડતો હોય પણ સૂકાયેલાં કપડાં તડકામાં મસ્તીથી નાચે! બે કપડા વચ્ચે કોમન એક ક્લિપ ભરાવી હોય એટલે બહુ પવન આવે ત્યારે બે ત્રણ કપડાં તો દોરી ઊપરથી છટકીને જમીન પર ડૂચો થઇ પડ્યાં હોય તે પડી જ રહે, ભર બપોરે એ કપડાં ઉપાડવાની કોણ તસ્દી લે!

રોજ સવારે ધોયેલાં કપડાં પહેરવાની મજા આવતી પણ અમે જાણીએ કે રોજ આ કામ કરવા માટે સ્ત્રી વર્ગ કેટલો પરસેવો પાડતો. અમુક ખાસ કપડાં જ ધોબીને ધોવા અપાતાં બાકી જાત મહેનત જિંદાબાદ!

કપડાં ધોવાના નવ સ્ટેપ હતાં! કપડાને પલાળવું, છબછબાવવું, ધોકાવવું, તારવવું, નિતારવું, નિચોવવું, ઝાપટવું, સૂકવવું અને છેલ્લે સંકેલવું!

આગલી રાત્રે કે વહેલી સવારે સાબુના પાણીમાં કપડાં પલાળાય અને ઘણું ખરું રસોડામાંથી પરવાર્યા પછી બપોરે જ ધોવાય. એટ લીસ્ટ સવારે પુરુષ વર્ગ ઓફિસે જાય ત્યાં સુધી કપડાં ધોવા ઉપર પ્રતિબંધ જ હતો એમ કહો તો ચાલે. બપોર પડે એટલે ફળિયામાં ધોકાવાતાં કપડાંનો ‘રિધમિક’ ધ્વનિ પંડિત ઝાકિર હુસૈન સાભળે તો ફિદા થઇ જાય, સાહેબ!

કપડાં ધોવા કરતાં કપડાં નિચોવવાનું કામ બહુ અઘરું. કપડામાં રહેલા પાણીનું છેલ્લું ટીપું કાઢતાં કપાળે ટીપાં બાજે. કપડા નિચોવતી વખતે વળ દેતાં કમર વળી જાય, બાવડાં દુખી જાય અને હથેળીઓ ગુલાબી-ગુલાબી થઇ થાય. કપડાં સૂકવાઈ જાય ત્યારે ઘરની મહિલાઓની ખરી બપોર પડે. ઘરમાં બપોરે રાત જેવો સોપો પડી ગયો હોય ત્યારે કપડાં ખાલી આંગણામાં મૌનમાં સૂકાય. કપડામાં ટીપું ય પાણી ન રહે એટલે એ હલકાં ફૂલ જેવાં થાય, કડક થાય, અને એમાં અનેરું તેજ આવે.

મોડી સાંજ સુધી કપડાં દોરી પર લટકતાં સૂકાતાં રહ્યાં હોય એવું ભાગ્યે જ બને. તમે સાંજે કોઈના પણ આંગણામાં જાવ, ખાલી સીંદરી લટકતી હશે. આંગણામાંથી સાંજ પહેલાં કપડા લેવાઈ ગયાં નહોય તો વહુ કે દીકરી વઢાઈ જાય. ઓફિસથી પુરૂષો આવે એ પહેલાં કપડાં દોરી ઊપરથી ઊતારીને સંકેલી લેવાં પડે! આંગણામાં વચ્ચોવચ્ચ સૂકાઈ રહેલાં કપડાંની દોરી ઊંચી કરી ‘માથું નમાવવું’ ઠીક નહીં ને! વળી, સાંજે બહારનું કોઈ મળવા આવનાર ઝળી ગયેલ ટોવેલ કે ઘરમાં પહેરવાનાં ઝાંખાં પડી ગયેલાં કપડાં જૂએ તો આબરૂ ન જાય?

હવે તો વોશિંગ મશીનનો જમાનો છે. કેવું મજાનું! પાવડરમાં જાસ્મિનની સુગંધ કે ગુલાબની મહેક ફેલાય અથવા ‘લાઈમ’ કે ‘કોલોન’ની તાજગી મળે. ધોકા વિના પણ ‘દાગ ઢુંઢતે રહેજાઓ ગે’! ચાંપ દબાવો ને કપડાં ભીના, ચાંપ દબાવો ને કોરાં! કપડાં સવારે ધોવાય, સાંજે ધોવાય કે પછી રાત્રે, ‘મેરી મરજી!’ કદાચ કપડાં સૂકવવાની જરૂર પડે તો પ્લાસ્ટિકની દોરીઓ કે એલ્યુમિનીયમનાં સ્ટેન્ડ હોય ને! ઘણાને ઘેર તો ‘ધ્વજવંદન’ની જેમ કપડાં સિલિંગમાં સંતાય જાય એવી વ્યવસ્થા પણ હોય એટલે બહારનું કોણ જોઈ જવાનું છે! હા, તેમ છતાં કપડા સંકેલવાની ઝંઝટની ફરિયાદ સાંભળી છે ખરી! સાલ્લું, કપડાં સંકેલવાનું મશીન મળતું થાય તો કેવું સારું!

જાતે કે કામવાળા બહેનોએ કપડાં ધોઈ, દોરી પર સૂકવતાં સૂકવતાં જાત નિચોવી’તી અને સૂકાયેલાં કપડાં સંકેલતા સંકેલતા જાત સંકેલી’તી એ વાત કોણ માનશે?

 

2-આવું કેમ -સાચી દિવાળી-ગીતા ભટ્ટ

સાચી દિવાળી

દિવાળી દર વર્ષની જેમ નૂતનવર્ષની શુભેચ્છાઓ અને દીપોત્સવી અભિનંદનના પ્રત્યેક ગ્રીટિંગ કાર્ડ અને ઈલોકટ્રોનિક મીડિયા મેસેજ મેળવ્યા ,ફટાકડાની આતશબાજી ,જાત જાતના દિવડાં, અને અન્નકૂટ  મસ મોટાં દર્શન !બસ દિવાળી આવી અને ગઈ.
હજારો વર્ષ પહેલાં ઋષિ મુનિઓએ દીપોત્સવીનો તહેવાર આપ્યો અને અર્થસભર વાત કરી હતી જે આજે આપણા સંસ્કાર રૂપે જીવીત છે માટે આજે પણ દીવડા પ્રગટાવીએ છીએ..

शुभं करोति कल्याणम् आरोग्यं धनसंपदा |
शत्रुबुद्धि विनाशाय दीपज्योतिर्नमोऽस्तुते ||
दीपज्योतिः परब्रह्म दीपज्योतिर्जनार्दनः ।
दीपो हरतु मे पापं दीपज्योतिर्नमोऽस्तुते ॥                                                                              

અર્થ -“આ દીપની રોશની સંપત્તિવર્ધક અને આરોગ્યદાયક છે. મારા દુર્વિચારોનો નાશ કરે છે તેને મારા પ્રણામ. આ રોશની પરમ તત્ત્વ છે. સંપૂર્ણ માયાનો નાશ કરનાર શક્તિ છે. મારા બધા પાપોને નષ્ટ કરે છે. એને મારા પ્રણામ.
પણ આપણે એ હાર્દ કેમ ભૂલી ગયાં?  એ બધું રહી ગયું પોથીમાંનાં રીંગણાની જેમ – ચોપડીમાં જ!

અહીં અમેરિકામાં તો પરમીટ વિના ફટાકડા ફોડવાની મનાઈ છે. પરમીટ લઇ ફટાકડા ફોડ્યા અને લાખ્ખો રૂપિયાનો ધુમાડો કર્યો . કૈક કેટલાયે અકસ્માતો પણ સર્જાયા અને જાનહાનીઓ થયાના સમાચાર ઇન્ટરનેટ પર વાંચ્યા, કોઈના આંગણામાં કે ફળિયામાં થયેલ ફટાકડાની હોનારતના ફોટા અને વિડીયો જોઈને તો દિલ રડી ઉઠ્યું ! ગૂંગળામણ પણ અનુભવી.. હા આપણે તહેવારની ઉજવણીથી અજાણતાં જ પર્યાવરણને નુક્સાન પહોંચાડીએ છીએ. ફટાકડાથી ઉત્પન્ન થયેલ ધુમાડાને લીધે હવા શ્વાસ લેવા માટે ડેન્જર ઝોનમાં  આવી ગઈ, મનુષ્યની શ્રવણ ક્ષમતા 60 ડેસિબલ હોય છે. તેનાથી વધારે વિસ્ફોટ ક્ષમતાવાળા ફટાકડા કાનને નુક્સાન પહોંચાડે છે. કાનને રક્ષણ મળવું ખૂબ જ જરૂરી છે. સમજણ વિના માત્ર આનંદ માટે  હવામાં પણ પ્રદુષણ ઊભાં કરવાનો કોઈ અર્થ ખરો ?

નવા વર્ષે મંદિરોમાં આપણે મંદિરોમાં અન્નકૂટના લાઈનોમાં ઉભા રહી દર્શન કર્યા,પંચામૃતના અભિષેક કરી ઘી, દૂધ, દહીં, મધ ને સાકરના રેલા રેલાવવાડયા. પરંતુ આપણા સિનિયર સેન્ટરો , સામાજિક સંસ્થાઓ , ગ્રોસરી સ્ટોર્સ ને ગરીબોના ઘરે દિવડો પ્રગટે તે માટે સભાન પ્રયત્ન કરતાં બહુ ઓછાને જોયાં! એ મોંઘા ઘી દૂધ કોઈ ગરીબ સુવાવડી બાઈ કે તેના બાળક સુધી પોચાડવાનો વિચાર કોઈને કેમ ન આવ્યો? મોટી મોટી સઁસ્કૃતિની મહાનતાની વાતો કરતાં આપણે ક્યારેક તો કૂવાના દેડકાથી જરાયે વધારે નથી.સમાજના ગરીબ અને અસહાયને મદદ કરવાની ભાવના  લોકોમાં ક્યારે જાગશે?ફૂડ ડરાઇવ : ગરીબો માટે કેન ફૂડ, બોક્સ ફૂડ, નાસ્તાના પેકેજ વગેરે ભેગું કરવા દરેક સ્કૂલ પોતાના વિદ્ધ્યાર્થીઓને શીખવીએ કે માબાપ આ સંસ્કાર કેળવે તો કેમ ? કમ્યુનિટી સેન્ટર કપડાં લત્તા, ઘરવખરી, ખાવાનું, બુટ ચમ્પ્પ્લ વગેરે ભેગાં કરી જરૂરિયાતવાળા લોકોને પહોંચાડવા નાના મોટાં સૌ કોઈ કતારમાં ઉભા રહે તો કેમ ? સ્ટોર , બેન્ક અને ઓફિસો બધ્ધા જ આવા ઉમદા કાર્યમાં જોડાય તો કેમ ?

પોથીના રીંગણાના કાંટા નથી વાગતા;
ને નકશાની નદીઓથી હાથ નથી ભીંજાતા ;
લાગી જા કામે , બે હાથે ને હામે;
રીંગણાંનો સ્વાદ સમજાશે ત્યારે !
( Shirley Chisholm ) કહ્યું છે તેમ :
“ સમાજ સેવા એ આપણું આપૃથ્વી પર રહેવા માટેનું ભાડું છે.
જે આપણે પ્રામાણિક રીતે ચૂકવવું જજોઈએ “..

પણ એક આપણે છીએ જે માત્ર આંખ બંધ કરી ઘંટડી વગાડીને , હરિ ૐ હરિ એમ કરીને કામ કર્યાનો ગૌરવ લઈએ છીએ .આ ગાડરિયા પ્રવાહને કોણ રોકશે ? આમ પૈસાનો ધુમાડો કરવાનો ને ?
સમજણ અગત્ય ની છે.
ધ્વનિ પ્રદૂષણ નું શું ? હવાનું પ્રદૂષણ ઓછું થાય કરવાને બદલે વધારીએ છીએ આવું કેમ ?

દીપજ્યોતિ પરબ્રહ્મ ના અર્થ સભર કેટલા દીવડા પ્રગટાવ્યા આપણે? સાચે  અંધકારનો નાશ કર્યો આપણે ?

ફટાકડાને લોધે કેટલાં ઘરના દીવડાઓ હોલવાયા આ દિવાળીની ઉજવણીમાં ?

જમો ને જમાડું- અન્નકૂટ સેવા અભિયાન ક્યાંય નજરે ન ચડ્યું, જરૂરિયાતવાનના જઠરાગ્નિ ઠરતાં ક્યાંય ના જોયાં!

આવું કેમ ? …હા મિત્રો આવું કેમ ?

ગીતા ભટ્ટ