ઘણી વખત સોફા પર બેઠાં બેઠાં, ઘરના પ્રવેશ દ્વારની ઉપર ટિંગાડેલી ઘડિયાળનું આવું પ્રતિબિંબ જોયું છે
પ્રતિબિંબ
મૂળ ઘડિયાળ
મૂળ એ મૂળ
અને
પ્રતિબિંબ એ પ્રતિબિંબ.
હવે આની ઉપરથી એક મહામૂલું અવલોકન!
જીવનની દરેક ચીજમાં આમ બની શકતું નથી. આપણે ઘણી વખત માત્ર પ્રતિબિંબ જોઈને જ સંતોષ માણવો પડે છે. ઘણી વખત તો એ પ્રતિબિંબનું યે પ્રતિબિંબ જ આપણી નજર સામે આવતું હોય છે. સાવ આભાસી દર્શન. મૂળ તો ક્યાંયે નજરની સામે આવે જ નહીં. અને એના પરથી આપણે કલ્પના અને તર્કના ઘોડા દોડાવી મૂળ ચીજ કેવી છે – એ અંગે અનુમાન કરીએ છીએ. અનુમાન કરીને બેસી જ નથી રહેતા, દસ- પંદર-સો વખત એનું એ જ પ્રતિબિંબ દેખાય; એટલે મૂળ ચીજ આવી જ છે; એમ ધારી લઈએ છીએ.
આપણે કોઈ વ્યક્તિના કે સમાજના મૂળ રૂપ સુધી કદી પહોંચી શકતા નથી હોતા. પણ વર્ષોથી, દાયકાઓથી, સદીઓથી જે દેખાય છે; એના આધારે એ વ્યક્તિ કે સમાજ માટે આપણા વિચારો, પૂર્વગ્રહી માન્યતાઓ ઘનીભૂત બની જાય છે..
સૌથી વધારે કરૂણાજનક બાબત તો એ છે કે, આપણી પોતાની જાત માટે પણ આમ જ બને છે. વિજ્ઞાનમાં ભણ્યા છીએ કે, આપણા વિચારો ‘મગજ’ નામના એક અંગમાં પેદા થતા હોય છે. પણ આપણે એ મગજને જ આપણી જાત માની લઈએ છીએ. કદી એ જોઈ નથી શકતા કે, જે જોનાર છે; એ મગજ નથી; પણ એની પાછળ રહેલું ‘કશુંક’ છે.મગજ નામના એ અંગમાં એ કાળે, બહારની કોઈક ઘટનાનું એ પ્રતિબિંબ માત્ર જ છે. થોડોક જ ખૂણો બદલાય, જોવાની રીત બદલાય – અને એક ને બદલે બે, ત્રણ કે અનેક ઘડિયાળો દેખાવા લાગે. પણ એ જોનાર તો ક્યાં દેખાવાનો જ છે? ઇલેક્ટ્રોન માઈક્રોસ્કોપમાં પણ નહીં!
અને જુઓ તો ખરા – એવા જ તર્ક આગળ લડાવી, આપણે એ નહીં દેખાતી જાત માટે પણ તર્ક વિતર્ક કરવા લાગીએ છીએ; અને એને ઈશ્વર/ અલ્લા/ યહોવાહ ના એક અંશ તરીકે સ્થાપિત કરી દઈએ છીએ. અથવા ‘એવું કશું છે જ નહીં – એવી નાસ્તિક દૃષ્ટિ’ .
અને પછી એના વિશે ચર્ચાઓ/ વિવાદ/ સંઘર્ષ અને કાપાકાપી.
અને કોઇ પ્રાણ વિના,
પાનખરના ઝપાટે ખરેલાં
પાનના વિયોગમાં આક્રંદ કરતી,
તે બતીના ફીક્કા પ્રકાશથી,
અંધારામાં થોડી ઉજાસાતી
ઓકના ઝાડની એ જ
સાવ નિર્વસ્ત્ર ડાળીઓ.
પણ ……
કાલે જોયું મેં એક દર્શન,
અભૂતપૂર્વ, અવર્ણનીય,
કોઇ કવિતામાં કદી ન વાંચેલું.
એ જ સૂમસામ ઘર
એ જ નિસ્તબ્ધ શાંતિ,
એ જ કાળી ધબ્બ,
લાકડાની વાડ ની ફાટો,
એ જ નિષ્પ્રાણ વૃક્ષ,
એ જ પીળો ચટ,
નીરસ પ્રકાશ વેરતી
એ જ વીજળીની બત્તી,
પણ …..
એ જ પીળો ચટ્ટ પ્રકાશ,
ઉજાળી રહ્યો હતો,
એ જ નિષ્પ્રાણ ડાળીઓ પર, થીજી ગયેલાં વર્ષાબિંદુઓને.
અને એ જ પીળો ચટ્ટ
સાવ પ્રાણ વિહીન
પ્રકાશનો ટૂકડો,
બની ગયો હતો…..
આમ તો આ હીમ કણિકા ( iccicle ) પરથી સૂઝેલું અવલોકન – કાવ્ય છે, પણ એના પરથી અવલોકન આ રહ્યું !
વિજળીની એ બત્તીના નિર્જીવ પ્રકાશની જેમ પરમ તત્વનું અસ્તિત્વ આપણા ધ્યાન પર આવતું નથી. પણ જ્યારે એક સાવ નાનકડી હીમકણિકા તે પ્રકાશનું પરાવર્તન કરે છે, ત્યારે તે તેજ પુંજની જેમ ઝળહળી ઊઠે છે. પરમ તત્વના પ્રકાશનો એક નાનો-શો ટૂકડો દેદિપ્યમાન થઇ જાય છે. તે હીમકણિકાનું આયુષ્ય બહુ લાંબું નથી હોતું, પણ તેના આ સ્વરૂપનું એક ગૌરવ હોય છે.
ચાલોને ! આપણે ભલે સાવ નાના હોઇએ, પણ એ હીમકણિકા જેવા બનવા પ્રયાસ કરીએ અને પરમ તત્વના ઉજાસને પરાવર્તિત કરીએ…..
અમારા સ્વિમિંગપૂલમાં એક મોટા વ્યાસવાળું, ખાસ ઘડિયાળ છે. તેમાં કલાકનો કાંટો જ નથી! સેકન્ડનો અને મિનિટનો એમ બે જ કાંટા છે. ડાયલ પરના આંકડા પણ મિનિટ દર્શાવતા જ છે. ૦ થી ૬૦ સુધીના – ૧ થી ૧૨ નહીં.
કારણ સાવ સરળ છે. તરવા આવનાર માટે તે કેટલો વખત તરવા માંગે છે, તેનું માપ જ જરૂરી હોય છે. કો’ક પંદર મિનિટ તરે તો કો’ક અડધો કલાક, તો કો’ક વીરલા એક કલાક પણ તરે. એ ગાળો આ ઘડિયાળ માપી આપે તે પૂરતું હોય છે.
આવી જ બીજી વિશિષ્ઠ ઘડિયાળ સ્ટોપ વોચ છે. કોઈ ઘટનાનો ગાળો આપણે ચોક્સાઈથી માપવો હોય તો સ્ટોપ વોચ વપરાય છે. જેવું તેનું બટન દબાવ્યું કે તરત જ સમયની માપણી શરુ. અને ફરી ‘ક્લિક‘ કરો એટલે સમય મપાતો બંધ થઈ જાય. આમાંય કલાક કાંટો નથી હોતો.
આવું જ સમયનું પણ હોય છે. સમયનું માપ બધે એક સરખું નથી હોતું. ગાડી કે પ્લેન પકડવાનાં હોય તો ત્યાંના સમય સાથે તાલ મિલાવવો પડે છે. પ્રિયપાત્રને મળવાનું હોય, તો તે ન આવે ત્યાં સુધી સમય જાણે થંભી ન ગયો હોય; એટલી બધી ચટપટી થાય છે. પાંચ મિનિટ જાણે પાંચ કલાક જેવી લાંબી લાગે છે! અને તે આવે પછી કલાકોના ક્લાકો ક્યાં જતા રહ્યા, તે પણ ખબર નથી પડતી! આપણે કોઈ ચિંતા ભરેલી અવસ્થામાંથી પસાર થઈ રહ્યા હોઈએ ત્યારે તો સમય જાણે ખૂટતો જ ન હોય, તેમ આપણને લાગે છે. અહીં પણ ખરેખર કેટલો સમય થયો તેની આપણને ખબર પડતી નથી.
જીવનની અંતિમ ક્ષણે કોઈ આપણી સ્ટોપ વોચનું બટન દબાવી દે છે; અને સમય સ્થગિત બની જાય છે! ઘડિયાળ જોનાર વ્યક્તિ જ ગાયબ !
સમયનું માપ, એને માપવાનાં સાધન,
સાપેક્ષ હોય છે.
….૨….
તે દિવસે પૂલમાં પડતાં પહેલાં એ ઘડિયાળની નજીકથી પસાર થતાં એનું ધ્યાનથી નિરીક્ષણ કર્યું . એનો સેકન્ડ કાંટો બીજી ઘડિયાળોની જેમ અચકાઈ અચકાઈને ચાલતો ન હતો. એ સતત આગળ વધતો હતો. થોડાક તક્નિકિ જ્ઞાનના આધારે એવા નિષ્કર્ષ પર આવ્યો કે, એમાં સપ્લાયના પાવરથી ચાલતી, ઈલેક્ટ્રિક મોટર હશે; પલ્સ આપતી યાન્ત્રિક રચના નહીં હોય. મોટર એ વધારે સસ્તું, સરળ અને ટકાઉ સાધન હોય છે. આ ઘડિયાળમાં સમયની ચોક્કસતા બહુ અગત્યની નથી હોતી. પૂલમાં તરનાર વધારેમાં વધારે એકાદ કલાક જ રહે. એમાં એકાદ સેકન્ડ આમ કે તેમ હોય; તેમાં કાંઈ તાત્વિક ફરક પડતો નથી. જ્યાં માપની ચોક્કસતા જરૂરી ન હોય ત્યાં વધારે મોંઘું કે વિલક્ષણ સાધન વાપરવું જરુરી નથી હોતું.
જેવો ઘાટ એવું ઘડામણ.
જરુર કરતાં વધારે જટિલતા શા માટે? સાદગીનો પણ મહિમા હોય છે. એની પણ ગરિમા હોય છે. આપણે ઘરમાં એક જણ હોઈએ છીએ, ઓફિસમાં બીજા , અને કોઈ અગત્યના સમારંભમાં ત્રીજા જણ હોઈએ છીએ.
ઘડિયાળ અલગ અલગ . પણ સમય તો સમય જ.
મ્હોરાં અલગ, પણ મ્હાંયલો ? !
અને. સમાપને એક કવિતા….
સમય ભૂલાવે ભાન, એવું કહો છો મારા ભાઇ! હતા કદીયે ભાનમાં? તે ભૂલીયે પાછા ભાઇ?!
સમય સમયની બલિહારી છે, એવું કહો છો ભાઇ! સમય આવે ને મન ઊઠે, એમેય બને છે ભાઇ!
સમય વર્તે સાવધાન, તે ભારી બંકા ભાઇ ! શેરને ય માથે સવાશેર છે, તે પણ સાચું ભાઇ!
સમયનાં વાજાં સમયે વાગે, તે તો સાચું ભાઇ! સંકટનાં પડઘમ ના શમતા, તેનું શું કરવું ભાઇ?
સમય જતાં સહેવાશે, એવું કહો છો ભાઇ! પણ દિલની આ ઊલઝન, શેં કદિ ન ઊલઝે ભાઇ?
કોઇને માટે નથી અટકતો, સમય તે સાચું ભાઇ! પગલે પગલે અટકાવી દે, તેનું શું કરવું ભાઇ?
શ્વાનનો ય સમય આવશે, એવું કહો છો ભાઇ! રાહ એની શેં જોવી? મુજને સમઝાવો ભાઇ!
ક્યારે ય કોઇનો થયો નથી, આ સમય, મારા ભાઇ ખયાલ બદલું તો તને ય નાથું, એ પણ સાચું ભાઇ!
સમય સમય બલવાન છે, તે તો સાચું ભાઇ! પણ નિર્બલકે બલ રામ છે, તે પણ સાચું ભાઇ!
તે દિવસે કોન્ટ્રાક્ટથી ચાલતી એક પોસ્ટ ઓફિસમાં ટપાલ નાંખવા ગયો હતો. એક ખોખામાં ઘણાં બધાં પરબીડિયાં પડેલાં હતાં. મારું પરબીડિયું પણ મેં એમાં નાંખી દીધું. એક મિત્રનું સરનામું એની ઉપર કર્યું હતું. એ મિત્ર, એનું કુટુમ્બ, એનું ઘર, એની સાથે ગાળેલ સુખદ સમય અને ઘણી બધી યાદો – બધું જ સ્મરણપટ પર છવાઈ ગયું.
પણ એ ખોખામાં બીજાં પરબીડિયાં પણ હતાં. જાતજાતનાં સરનામાં લખેલાં પરબીડિયાં. એમાં કોઈનો પ્રેમપત્ર હશે. કોઈના સુખદ કે દુખદ સમાચાર હશે. કોઈના ભરાયેલા બીલો હશે. કોઈના સારા પ્રસંગ માટે મોકલેલું ગિફ્ટ કાર્ડ હશે. કોઈકની નોકરી માટેની અરજી હશે. કોઈકનું રાજીનામું હશે. એમની ઉપર લખેલાં સરનામાં એમનાં લખનાર માટે વિશિષ્ઠ મહત્વ ધરાવતાં હશે. એ સરનામાં સાથે, મારી યાદોની કની અન્યની જાત જાતની અને ભાતભાતની યાદો સંકળાયેલી હશે.
પણ ……મારે માટે ?
એ બધાં તો માત્ર પરબીડિયાં જ હતાં. કશાય મહત્વ વગરનો એક જડ ઢગલો માત્ર જ. પોસ્ટ ઓફિસ માટે એ એક સામાન માત્ર હતો – જેને કોઈક સરનામે પહોંચાડવાનો હતો. અને એમ પણ નહીં. એ આખો ને આખો ઢગલો ફોર્ટવર્થમાં આવેલ બલ્ક મેઈલ પ્રોસેસિંગ ફેસિલિટી સુધી જ પહોંચાડવાનો હતો !
એમાં કોઈ લાગણી કે ભાવ ન હતો. એમને માટે એ માત્ર એક જોબ જ !
પણ મારું પરબીડિયું? એ તો.. ભાવ અને પ્રેમથી છલોછલ
છલકાતું હતું.
તમે કહેશો,’ એ તો એમ જ હોય ને?’
હા! આમ તો એમ જ છે. આપણું એ આપણું. ‘આંગળીથી નખ વેગળા એટલે વેગળા.’ એમ જ હોય ને?
બે પરબિડિયાં
સાવ અડોઅડ
દેખાવમાંય સાવ સરખાં
એક જ ઢગલાનાં ઘટકો
એક જ માળાનાં બે પંખી
એમનાં કામ પણ એક જ સરખાં
એ ઊડીને જ્યાં જશે, ત્યાં સંવેદનાઓ જગાડશે. ક્રિયાઓ અને પ્રતિક્રિયાઓ શરૂ કરશે.
———
આપણું જીવન પણ આ પરબીડિયા જેવું જ છે ને? એનો ઢાંચો? ધડ, મસ્તક અને બે હાથ-પગ. એનો રાહ પણ નિશ્ચિત છે – ફ્રોમ અને ટુ! પણ દરેકની અંદર કશુંક વિશિષ્ઠ પેક કરેલું છે! એનો આપણા સિવાય બીજાને કશો અર્થ નથી. અને આપણે માટે? એ તો આપણું સર્વસ્વ છે. આપણું સાવ આગવું પરબિડીયું !
બેઠકનાં મિત્રો વચ્ચે આપણે અલગતા ત્યજી, પોતીકાપણાની હરિયાળી ધરતીની સોડમ અને શીતળતા સર્જી ન શકીએ?
બેઠક જ શા માટે? સમસ્ત માનવજાત માટે નિજી પોતીકાપણાનો ભાવ ન અનુભવી શકીએ?
તમે શું માનો છો?
આ જ ભાવનું એક કવિતડું –
હર ક્ષણે નિત નવાં દ્રશ્ય સરજે ક્ષિતિજ, હર કદમ અવનવા રૂપ ધરતી જમીન રંગ બદલે પળે પળ આ ઊંચું ગગન સ્થાન બદલે ઘડી, હર ઘડી સર્વ ચર કિંતુ આ સર્વની વચ્ચે અવિચળ છું હું.
એક સરિતા સમા ખ્યાલો, ભાવો વહે. ભાત ઘટનાની બદલાય છે હર ક્ષણે હાલ ને ભુત, ભાવિમાં વહે છે સમય હું તો બાળક, યુવા, વૃદ્ધ ને શબ બનું કિંતુ આ સર્વની વચ્ચે અવિચળ છું હું.
હર જીવિત માને છે, તે જ છે માત્ર હું હાય! આ સૌને શાને ય સર્જ્યા છે મેં? બનીને રહ્યો હોત જો માત્ર હું હાય! દૂનિયા ય કેવી સરળ હોત તો.. રે! અવિચળ છું, પણ સાવ ખંડીત છું હું.
કચરો રિસાયકલ કરવા માટેના કેન પર નજર પડી- અને બારેક વર્ષ પહેલાં ‘રિડર્સ ડાયજેસ્ટ’માં વાંચેલ ત્રણ ‘રિ’ વાળો લેખ યાદ આવી ગયો. ગુજરાતી ભાષામાં ‘રિ’ અથવા રિસાયકલનો કોઈ સામાન્ય વપરાશનો અને ટૂંકો ને ટચ પર્યાય મળ્યો નહીં; એટલે તરત ગળે ઉતરી જાય તેવું આ જ શિર્ષક રાખીએ ! અને આમેય નામ કે રૂપમાં શું? તત્વ જ સમજવા જેવું હોય છે ને?
‘રિડર્સ ડાયજેસ્ટ’ ના એ લેખમાં વિશ્વમાં વધતી જતી માનવવસ્તી અને બધા જ દેશોમાં અને પ્રજાઓમાં સુખાકારી અને આધુનિક સુખ-સગવડો માટે વધી રહેલી દોડના કારણે સર્જાઈ રહેલી એક અપરિવર્તનશીલ, અને સર્વનાશ તરફ દોરી જતી; કઠોર, કડવી, વાસ્તવિકતા અને કરૂણ શક્યતા તરફ અંગુલિનિર્દેશ કરવામાં આવ્યો હતો. આના એક ઉપાય તરીકે ત્રણ ‘રિ’ ની ત્યાં ભલામણ કરવામાં આવી હતી.
Reduce : Reuse : Recycle
વપરાશ ઓછો કરો. વસ્તુઓ ફરીથી વાપરો. કચરો ઉત્પાદન માટે ફરીથી વાપરો.
હવે તમે જ કહો કે, એનું વધારે વિવરણ જરૂરી છે ખરું ? સત્યનારાયણના શીરાની જેમ ગળે ઊતરી જાય એવી છે કે નહીં?! છતાં હકીકત એ છે કે, અમેરિકા જેવા સૌથી વધુ વ્યય અને બગાડ કરતા દેશમાં આ શીરો વધારે ખવાવા માંડ્યો છે!જો કે, આ બાબતમાં અમેરિકા આખા વિશ્વનો સૌથી વધુ ‘પછાત’ દેશ પણ છે! પણ ‘શીરા ખાતર શ્રાવક થનાર‘ – બધા વિકસતા દેશો અમેરિકન જીવન-પદ્ધતિના આંધળા અનુકરણમાં અને એ ખતરનાક દોડમાં વ્યસ્ત છે.
પણ એ તો ત્રીજો ‘રિ’ થયો. આગળના બીજા બે ‘રિ’ એટલે –
આની વાત અન્ય જગ્યાએ કરેલી છે, એટલે એ દોહરાવતો નથી. એમની ઉપર ક્લિક કરીને વાંચી લેજો. પણ બહુ દૂર જણાતી એ ભયાવહ શકયતા દોહરાવવી જરૂરી છે. કદાચ….ત્રણ ભાગમાં વહેંચાયેલી આ સ્વપ્નકથા એ ભયાનક શક્યતાની અને એમા શકવર્તી ઉકેલની પ્રતીતિ કરાવી દેશે.
અમેરીકન હાઈવે પરની ત્રણ ઘટનાઓ
ડલાસ અને ફોર્ટવર્થના મહાનગરોને વીંધીને સોંસરવા જતા; એટલેંટિક અને પેસિફિક મહાસાગરોને જોડતા; રાષ્ટ્રની અર્થવ્યવસ્થાની ધોરી નસ જેવા; ઈન્ટરસ્ટેટ હાઈવે ઉપરથી મારી ગાડી કલાકના ૬૦ માઈલની ઝડપે પૂરપાટ પસાર થઈ રહી છે. આ રશ-અવર છે. મારી આજુબાજુ રસ્તાની ચાર લેનો મારા જેવી જ અસંખ્ય ગાડીઓ, વાનો અને ખટારાઓથી ભરચક ભરેલી છે. વાહનોની વચ્ચે બહુ જ ઓછી જગ્યા છે. ગાડીઓનો સતત પ્રવાહ ધસમસી રહ્યો છે. સામેની દિશાની ચાર લેનોની પણ આ જ પરિસ્થિતિ છે. મને એમ પ્રતીતિ થઈ રહી છે કે, હું દેશની ધોરી નસ જેવા આ હાઈવેમાંથી વહી રહેલા, અને દેશના આર્થિક વ્યવહારને ધમધમતું રાખતા, કરોડો રક્તકણો જેવો એક રક્તકણ છું. ગતિનો પ્રાણવાયુ અને નાણાંના પેટ્રોલનું ઈંધણ મને ફૂલાવીને ટેટા જેવો બનાવી રહ્યાં છે! સતત ધસમસતા મારા જેવા આ બધા રક્તકણો; તેમજ ટ્રેનો, જેટપ્લેનો અને મહાકાય સ્ટીમરોમાં વહી રહેલા, આવા જ અનેક રક્તકણો રાષ્ટ્રની આર્થિક વ્યવસ્થાને ધમધમતી રાખી રહ્યાં છે.વિવીશ્વના આ સૌથી સમૃદ્ધ દેશ જેવા તગડા બનવા, દુનિયાના પ્રત્યેક રાષ્ટ્રે હોડ બકી છે. આખું માનવજગત એક ન અટકાવી શકાય તેવી દોડમાં પ્રવૃત્ત છે; અને પ્રત્યેક ક્ષણે આ દોડ જેટની ઝડપે, સતત વર્ધમાન થતી રહે છે. આ મૂષકદોડનો કોઈ અંત નજર સમક્ષ દેખાતો નથી. બધાં વિનાશની, સર્વનાશની દુર્ગમ ખીણ તરફ, પ્રચંડ ગતિએ, એકશ્વાસે, ધસમસી રહ્યાં છે. કોઈને બ્રેક લગાવવાની ફુરસદ, ઈચ્છા કે સમય નથી.
ત્યાં જ આવી વિચારધારામાં મારા ખિન્ન માનસમાં સત્યનો એક ઝબકારો થાય છે કે, હું એક એક્ઝિટ ચૂકી ગયો છું; અને ખોટો એક્ઝિટ લઈ પૂર્વ(!) દિશામાં જવાને બદલે પશ્ચિમ(!) તરફ ધસી રહ્યો છું!
***********
મારા આખા શરીરે પરસેવો વળી ગયો છે. હું મારી પથારીમાં સાવ શબવત્ પડેલો છું. એક બિભીષણ દુઃસ્વપ્ન હમણાં જ પસાર થઈ ગયું છે. એ સ્વપ્ન ચાલીસ વરસ પછીના આ જ આઈ-૨૦ હાઈવેનું હતું. આખો રસ્તો સવારના આઠ વાગે ભેંકાર, ખાલી પડેલો હતો. એની ઉપરથી સમ ખાવા બરાબર, એક પણ વાહન ચાલી રહ્યું નહોતું. એની ઉપર ઠેકઠેકાણે વનરાજીએ સામ્રાજ્ય જમાવી દીધું હતું. વીતેલી અર્થવ્યવસ્થાના મહા-અજગર જેવો આ હાઈવે શબની જેમ સડી રહેલો જણાતો હતો. દુર્દશાની અસંખ્ય કીડીઓ તેના દેહનું ભક્ષણ કરી રહી હતી. બધી જ રેલ્વે લાઈનો, બધાજ મહાસાગરો અને સમસ્ત આકાશમાં ક્યાંય એક પણ વાહન સરકી રહ્યું ન હતું. આખી દુનિયામાંથી પેટ્રોલિયમનું છેલ્લું ટીપું અને કોલસાનો છેલ્લો ટૂકડો વપરાઈ ગયાને પણ પાંચ વર્ષ વીતી ગયાં હતાં. તોડી નાંખવામાં આવેલા બંધોને કારણે બધાં જળાશયો પણ ખાલી પડેલાં હતાં. થોડા વરસ પહેલાં, પાણી અને શક્તિસ્રોતો માટે ખેલાયેલા, ત્રીજા વિશ્વયુદ્ધમાં નેવું ટકાથી ય વધારે માનવજાત નાશ પામી ચૂકી હતી. અણુયુદ્ધના કારણે પેદા થયેલી ગરમીથી પીગળેલા ધ્રુવીય બરફે વિશ્વનાં બધાં જ બંદરોને પાણી નીચે ગરકાવ કરી દીધાં હતાં. બધી સલ્તનતો તહસ નહસ બની ચૂકી હતી. જગતની બધી અર્થવ્યવસ્થા, અરે! સમગ્ર સમાજજીવન ભાંગીને ભુક્કો બની ગયાં હતાં. મારા જેવાં ગણ્યાંગાંઠ્યાં કોક’જ દુર્ભાગી માનવજીવો આમતેમ ખોરાક અને પાણી માટે જંગલોમાં વલવલતાં, આથડતાં હતાં. જૂના શહેરના બહુમાળી મકાનોના બધાં ખંડેરો ભયાવહ વનરાજીમાં અરણ્યરુદન કરી રહ્યાં હતાં. સમસ્ત માનવજીવન ખોડંગાતું, કણસતું, આક્રંદતું ગુફાજીવન તરફ મંથર ગતિએ, કીડીવેગે સરકી રહ્યું હતું. આજુબાજુના જંગલનો ભાગ બની ચુકેલા આઈ- ૨૦ ઉપર હું ભુખ્યો અને તરસ્યો, નિર્વિર્ય અને નિષ્પ્રાણ, હતપ્રભ અને હતાશ ઊભેલો હતો. કઈ ઘડીએ, કોઈ રાની જાનવર આવીને મારો કોળિયો કરી જશે, તેના ભયથી હું થરથરી રહ્યો હતો. મારું આખું શરીર આ ભરશિયાળામાં પણ પસીને રેબઝેબ બની ગયેલું હતું.
બાથરૂમમાંથી પાછો આવી હું પથારીમાં સૂઈ ગયો છું. પેલી દુર્દમ દશા તો એક સ્વપ્ન જ હતું, તેની પ્રતીતિ થતાં હું ફરી પાછો નિદ્રાદેવીને શરણે જાઉં છું. ઘસઘસાટ ઊંઘની વચ્ચે એક નવું પરોઢ ઊગી નીકળે છે. હું ફરી પાછો એવા જ રશ-અવરમાં, એ જ આઈ-૨૦ હાઈવે પરથી, મારી હાઈ-પાવર બેટરી-સંચાલિત નાનકડી ગાડીમાં પૂરપાટ પસાર થઈ રહ્યો છું. પણ હવે પહેલાં જેવો ધમધમાટ નથી. હવે શહેરમાં ગણીગાંઠી અને નાનકડી ઓફિસો જ છે. સૌ પોતાના ઘેરથી જ ઈન્ટરનેટ પર કામ કરી લે છે. જીવનજરૂરી બધી વસ્તુઓ હવે તેમને ઈ-ઓર્ડર પ્રમાણે ઘેર પહોંચાડવામાં આવે છે. માત્ર શોખની વસ્તુઓ માટે જ લોકો માર્કેટમાં જાય છે. અથવા આનંદપ્રમોદ માટે કે મિત્રો અને સંબંધીઓને મળવા જવા, મારી જેમ ગાડીઓ વાપરે છે. તે ગાડીઓ પણ સ્વયંસંચાલિત વિજળીના રેલ સ્ટેશનો પર જ પાર્ક કરવામાં આવેલી હોય છે. મોટા ભાગની યાતાયાત, સ્વયંસંચાલિત, અત્યંત આધુનિક અસંખ્ય સંખ્યાની બૂલેટ ટ્રેનો વડે જ થાય છે. બધાં કારખાનાં રોબોટો ચલાવે છે. બધા સામાનની આપ-લે પણ સ્વયંસંચાલિત સ્ટોરોમાં રોબોટો જ સંભાળે છે. હાઈવે પર ચાલી રહેલા મોટા ભાગનાં વાહનોમાં આવા રોબોટ ચાલકો જ છે! મારા જેવા કો’ક જ સહેલાણીઓ અથવા ઈલેક્ટોનિક સાધનો, મહાકાય પાવરહાઉસો કે કારખાનાંઓના તાત્કાલિક મરામતકામ માટે જતાં સ્ત્રીપુરૂષો જ ગાડીઓમાં બેઠેલાં છે. બાકીનું બધું રોજિંદું ઉત્પાદન અને મરામતકામ તો રોબોટો જ સંભાળે છે. આખા વિશ્વની શક્તિ-જરુરિયાતો માટે હવે કરોડો ‘ટોકામેક’સુસજ્જ છે. તેમાં પેદા થતી વિજળી આખા વિશ્વની હજારો વર્ષોની જરુરિયાત માટે પર્યાપ્ત છે. સૂર્યના નાનકડા સંતાન જેવા આ ‘આદિત્યો’એ આખાય વિશ્વની રૂખ બદલી નાંખી છે. બધો વ્યવહાર તેમના થકી પેદા થતી વિજળી વડે ચાલે છે. સમુદ્રના પાણીમાંથી આ જ વિજળી અમર્યાદિત જથ્થામાં શુદ્ધ પાણી પણ બનાવી દે છે. પ્રદૂષણ એ ભુતકાળની, અને બિનજરૂરી ઘટના બની ચૂકી છે. પાણી અને શક્તિ સ્રોતો માટેના દેશ દેશ વચ્ચેના ઝગડા અને ભીષણ યુદ્ધો ભુતકાળની ઘટનાઓ બની ચૂકી છે. માનવજાતના એક જ ઝંડા નીચે સમસ્ત વિશ્વ એક જ રાષ્ટ્ર બની ચુક્યું છે.
હું ‘શાર્દૂવિક્રીડિત’ માં ગણગણી રહ્યો છું …..
એ આશાભર્યા વિસ્ફોટના પ્રતાપે CTNR ( Controlled Thermo Nuclear Reaction)તો અત્યારે મારી આ ગાડી ચાલી રહી છે. માનવજાતની બધી દુર્વૃત્તિઓ, દર્પ, ઈર્ષ્યા, સામર્થ્ય માટેની દોડ અને ખેંચાખેંચી પણ ભુતકાળની બાબતો બની ચૂકી છે. મારી ગાડીના રેડિયો પરથી મંગળના ગ્રહ પરથી પ્રસારિત થઈ રહેલી, મધુર ગુજરાતી ગઝલોની સૂરાવલીઓ મારા ચિત્તને દિવ્ય આનંદ આપી રહી છે.
આ નવા એક્ઝિટે તો મને મહામાનવજાતિનો એક અંશ બનાવ્યો છે.
વાચકોને લાગશે કે, આ તો આ અમદાવાદી જણની ખાસંખાસ વાત! પણ સૌને વિનંતિ કે, નિજાનંદ અને મસ્તીમાંથી થોડો સમય કાઢી આ વાત પર ગંભીરતાથી વિચાર કરે.
આ શબ્દ સાંભળતાં કે વાંચતાં કોઈ અલગ જ અનુભૂતિ ઉપસી આવે છે. આપણો પડછાયા સાથે બહુ આત્મીય સંબંધ હોય છે. પડછાયો એક તરફ નકારાત્મક પ્રતિકૃતિનું રૂપ છે; તો બીજી તરફ તે હમ્મેશના સાથીનું સ્વરૂપ પણ ધરાવે છે.
જ્યારે અજવાળું હોય છે ત્યારે જ પડછાયો આપણો સાથી હોય છે. તે કદી અંધકારમાં આપણને સાથ નથી આપતો! સુખ સમયનો જ તે સાથી હોય છે. જેમ પ્રકાશ આપણાથી વધારે દૂર, તેમ પડછાયો લાંબો થતો જાય છે. જ્યારે પ્રકાશ માથા ઉપર હોય છે, ત્યારે પડછાયો સાવ ટૂંકો હોય છે. આ ઘટનાને આપણે અલગ અલગ રીતે મુલવી શકીએ.
એક રીતે જોઈએ તો – જ્યારે આપણો સૂર્ય મધ્યાકાશે હોય; જ્યારે આપણી કાર્યક્ષમતા તેની સોળે કળાએ ખીલી ઊઠેલી હોય; ત્યારે અભાવનો પ્રતિનિધિ એવો પડછાયો લગભગ નગણ્ય સ્વરૂપ ધરાવતો હોય છે. જ્યારે આપણો સૂરજ અસ્ત થવાની તૈયારીમાં હોય છે; ત્યારે પડછાયો તેમજ અભાવ બન્ને બહુ મોટાં મસ બની જતાં હોય છે.
બીજી રીતે જોઈએ તો – પડછાયો આપણી મુશ્કેલ પરિસ્થિતિમાં આપણને વધારે મોટો બનીને સાથ આપે છે. જ્યારે સાથની જરુર ઓછી હોય, ત્યારે તે લગભગ અદ્રશ્ય બની રહે છે. તે યશનો નહીં દુઃખનો સાથી હોય છે.
બીજી એક વાસ્તવિકતા એ પણ છે કે જ્યારે પ્રકાશની તરફ આપણી નજર હોય છે, ત્યારે આપણે પડછાયાને જોઈ શકતા નથી. પ્રકાશથી ઊંધી દિશામાં આપણી નિગાહ હોય ત્યારે જ તેનું અસ્તિત્વ આપણે અનુભવી શકીએ છીએ. જ્ઞાનથી, જાગૃતિથી વિમુખ થઈએ કે, તરત જ અજ્ઞાન અને નિદ્રા ઊભરાઈ આવે.
આંખો મીંચી દઈએ તો? પ્રકાશ પણ ન રહે કે પડછાયો પણ નહીં! અંધ થવામાંય એક જાતની નિરાંત હોય છે! જોઈએ તો દુખ કે સુખ થાય ને? દેખવુંય નહીં અને દાઝવુંય નહીં. અંધારઘેર્યા મધ્યયુગના સમાજની જેમ – નહાવુંય નહીં ને નિચોવવુંય નહીં.
અમેરિકાની સામાન્ય રીતરસમ પ્રમાણે, અમારી બાથરૂમમાં છ દીવાની એક હાર છે. અહીં ઘરની બાથરૂમમાં ટ્યુબ લાઈટો ઓછી વપરાય છે. દીવા (lamp) વધારે. બાથરૂમમાં આ દીવાથી પડતો પડછાયો જૂદી જ જાતનો હોય છે. આપણી આકૃતિના અનેક પડછાયા એકમેકની ઉપર પડતા હોય છે. આને કારણે પડછાયો નહીં પણ, છ પડછાયાનો એક સમૂહ રોજ જોવા મળે છે! જેમ દીવાલની નજીક જઈએ તેમ આ છ યે આકૃ્તિઓ સાવ નજીક આવી જાય, પણ થોડી ભિન્નતા તો રહે જ. જેમ દીવાલથી દૂર થતા જઈએ તેમ, આ આકૃતિઓ એકમેકથી દૂર થતી જાય. પડછાયાઓ પણ વધુ ને વધુ ધૂંધળા થતા જાય. જો દીવાની સાવ નજીક જઈએ તો પડછાયા એટલા બધા વ્યાપ્ત બની જાય કે તે સાવ આછા થઈ જાય છે. અહીં પડછાયાનું સ્વરુપ સાવ જુદી જ જાતનું હોય છે.
જ્યારે વિચારો, દૃષ્ટિબિંદુઓ અનેક હોય ત્યારે પડછાયાની સ્પષ્ટતા જોખમાય છે! જેટલા આવા વિચારભેદની નજીક જઈએ તેટલા તે વધુ અસ્પષ્ટ બની જાય છે. એક જ દીવો હોય; વિચારની એકલક્ષિતા હોય તો પ્રતિબિંબ કે પડછાયો સ્પષ્ટ ઊભરી આવે છે.
રસ્તા ઉપર ચાલતા હોઈએ ત્યારે પડછાયો બહુ અલગ જ રીતની વર્તણૂંક કરે છે. જેમ જેમ આપણે પ્રકાશથી દૂર જતા જઈએ તેમ તેમ તે લાંબો ને લાંબો બનતો જાય છે. આપણા અજ્ઞાનનું તે બહુ જ વાસ્તવિક પ્રતીક છે. જ્યારે રસ્તાની બે લાઈટોની બરાબર વચ્ચે હોઈએ ત્યારે, બે વિચારધારાઓ વચ્ચે અટવાતા આપણા માનસની દ્વિધાનો તે બરાબર પડઘો પાડે છે! બબ્બે પડછાયા આપણને ભુલાવામાં નાંખતા રહે છે – એક કહે ‘ હું સાચો પડછાયો.’ બીજો કહે , ‘ના! હું.’ જેમ જેમ એક લાઈટની નજીક આવતા જઈએ તેમ તેમ તેનાથી પડતા પડછાયાની જ પ્રબળતા હોય છે. ત્યારે બીજી વિચારધારાનો પ્રભાવ ક્ષીણ થતો જાય છે. બે અંતિમ બિંદુઓ વચ્ચે ઝોલા ખાતી આપણી ચિત્તવૃત્તિને તે સાકાર કરે છે.
આપણે એક એવી વ્યવસ્થા કલ્પી શકીએ કે, જેમાં સમસ્ત પર્યાવરણ પ્રકાશના પૂંજથી વ્યાપ્ત હોય. દા.ત. એક મોટો, અનેક લાઈટોથી ઝગમગિત હોલ. ત્યાં પડછાયો ગુમ થઈ જાય છે. ગમે ત્યાં નજર ફેરવો ત્યાં પ્રકાશ જ પ્રકાશ હોય છે. જ્યાં બધેથી પ્રકાશ આવતો હોય, કેવળ સત્ય જ હોય, ત્યાં અજ્ઞાન, અભાવ , અંધકાર , સુપ્તતા સંભવી જ ન શકે. પૂર્ણ જ્ઞાનની, સત્યપ્રકાશની અનુભૂતિ કદાચ આવી હશે?
હવે પડછાયા કળાનો આ વિડિયો જુઓ …
એમાં દેખાતા પડછાયા એક સાવ નવા નક્કોર અભિગમ તરફ અંગુલિનિર્દેશ કરી જાય છે. આપણે પડછાયાને આપણી ચિત્ત વૃત્તિ મૂજબ મૂલવીએ, એ એક વાત છે. પણ એક કલાકૃતિના સર્જન માટે પણ તેનો ઉપયોગ થઈ શકે છે.
આ જણના સોળ સોળ વર્ષના નવરાધૂપ ગાળાની એક નિષ્પત્તિ ‘હોબીઓ તરફ અનુરાગ’ છે. થોડીક પર હાથ અજમાવ્યો છે; પણ આવી અનેક જાતની હોબીઓ હોઈ શકે છે; તેની આછી ઝલક આવું કાંઈક નવું જોઈએ એન પરથી મળે છે.
સામાન્ય પડછાયાના અવલોકનની ભીતર મનના વિચારોની પ્રક્રિયા જ હતી – આ ૬૯ વરસના આયખામાં એકઠા કરેલ શિક્ષણ, સંસ્કાર, અભિગમ, ગમા, અણગમા; અને એવું બધું.
પણ એ સિવાય પણ કશુંક સાવ અલગ હોઈ શકે છે – આ પડછાયા આકૃતિઓના વિડિયો જેવું. મૂળ ચીજ પર ક્યાંથી, કેવો પ્રકાશ પડે અને ક્યાં, કેવી રીતે ઝીલાય – એના આધારે પડછાયા સાવ અલગ જ આકાર ધારણ કરી શકે છે. આપણે કદીયે જોયો કે કલ્પ્યો ન હોય તેવો આકાર. પડછાયો માત્ર જ જોઈએ, તો મૂળ ચીજ કેવી હશે, એનો કોઇ અંદાજ પણ બાંધી ન શકાય.
આપણે અમૂક જ રીતે વિચારવા ટેવાયેલા હોઈએ છીએ. અવલોકનોનો અમૂક જ સિલસિલો હોય છે.
પણ એની આરપાર, સાવ નવું જ વિશ્વ હોઈ શકે છે.
સાવ નવી નક્કોર અનુભૂતિઓ થઈ શકે છે.
પડછાયાનું પણ એક શાસ્ત્ર હોય છે ! આપણી જાગૃત અવસ્થાનો આ હમ્મેશનો સાથી આપણને ઘણું બધું કહી જાય છે.
હા! ‘વ્યવસ્થિત’ તો દાદા ભગવાનનો પ્રિય શબ્દ છે. તેઓ હમ્મેશ વ્યવસ્થિતનો જ ઉલ્લેખ કરતા. આ સૃષ્ટિનો ‘કોઈ બાપોય બનાવનાર નથી.’ એમ એ સતત કહેતા આવ્યા છે. ઈશ્વર, અલ્લા, યહોવા, વ્યવસ્થિત શક્તિ – જે નામ આપો તે પણ મુદ્દે વાત એક જ છે. કશુંક સનાતન સત્ય, કશુંક સાવ વ્યવસ્થિત, કશુંક અપરિવર્તનશીલ.
પણ અહીં અવ્યવસ્થિતની વાત, અવ્યવસ્થિતનું અવલોકન છે!
વાત જાણે એમ છે કે, આ અવલોકન લખાયું ત્યારે, ઘર નવેસરથી સજાવવાનું કામ ચાલુ હતું. પહેલાં દસેક દિવસ કાર્પેટની જગ્યાએ ટાઈલ્સ લગાવડાવ્યા અને પછી બે અઠવાડિયાના વિરામ બાદ દિવાલો અને બારી, બારણાંને રંગ કરવાનું કામ ચાલ્યું. આખોય વખત સરસામાન ભડાભૂટ પડેલો રહ્યો.
અમારું આ મકાન ખરીદે પાંચ વર્ષ થયાં હતાં. દિવાલો પર ખોટી લગાવેલી ખીલીઓના કાણાં, બાળકોના ચિતરામણ, મેલના ડાઘા, અભાવ પેદા કરે એવો ફિક્કો રંગ, સતત નજર કોરી ખાતા હતા. કાર્પેટ સાવ જૂની અને ગંદી લાગતી હતી. એની ઉપર ઠેર ઠેર ડાઘા, ક્યાંક ઢોળાયેલા જ્યુસના અવશેષના રેલા હમ્મેશ દીલમાં ખટકો પેદા કરતા હતા. છેવટે એમ નક્કી થયું કે, કાર્પેટની જગ્યાએ ટાઈલ્સ લગાવવા અને દિવાલો અને બારી બારણાંને નવેસરથી, નવા રંગે રંગાવવા.
કામ શરૂ થયું અને બધું સાવ અવ્યવસ્થિત. એ ગરબડનું એક દૃષ્ય આ રહ્યું.
અને આ રહ્યો નવો નજારો.
તમે કહેશો- ‘એ તો એમ જ હોય ને? કાંઈક નવી વ્યવસ્થા કરવી હોય ; તો થોડીક અવ્યવસ્થા તો થાય જ ને? ‘
હા! તમારી વાત સાવ સાચી છે. અને આ અવલોકનમાં એ જ કહેવાનું છે.
જો સઘળું સદા વ્યવસ્થિત જ રહેવાનું હોય, તો એમાં કશી મજા નથી. લો! આ મારી પ્રિય રમત ‘સુડોકુ’નું ખાલી બોર્ડ. અને એમાં રમાઈ ગયેલી રમતનો નજારો.
કેવું સોહામણું છે? કોઈ રમત નહીં; કોઈ સમસ્યા નહીં; કોઈ જંગ નહીં; હાર કે જીત પણ નહીં! કોઈ ભૂલભુલામણી નહીં. કોઈ ચાવીઓ નહીં. પણ એ બોર્ડ જ રહે – રમત નહીં.
અધુરા આંકડા, એક અવ્યવસ્થા, થોડીક ચાવીઓ થોડીક મગજમારી
જ
એક રમત બનાવી શકે છે!
અને બધેય એમ જ હોય છે. એક સરસ મજાની વ્યવસ્થા હોય; સદીઓ સુધી એમને એમ જ ચાલતું હોય. પણ કશુંક બને અને બધી વ્યવસ્થા ખળભળી ઊઠે. આખુંય માળખું કડડભુસ્સ થઈને ટૂટી પડે. અને નવી વ્યવસ્થા આકાર લે. અને એનાય ગણતરીના જ દિવસો ને? ફરીથી બધું અવ્યવસ્થિત
ઉત્ક્રાન્તિની તવારીખ જોઈએ તો, એક જીવરચના પર્યાવરણ સાથે સંતુલન સાધવા, જીવન સાતત્યની રક્ષા કરવા; એના અંગ ઉપાંગ અને સ્વભાવ બદલતી રહે. નવી જ એક જીવરચના આકાર લે. એક માછલી તરફડતી, તરફડતી દરિયા કિનારે જીવતી રહી જાય અને સરિસૃપોની આખી વણજાર જીવન જીવવાની સાવ નવી રીત શરૂ કરી દે.
અરે! એ લાખો વર્ષોથી ચાલી આવતી વ્યવસ્થા કે અવ્યવસ્થાની કલ્પના કે વૈજ્ઞાનિક સિદ્ધાંતની વાત બાજુએ જવા દઈએ; અને માત્ર ચાર પાંચ હજાર વર્ષ જૂ્ના માનવ ઈતિહાસ પર જ નજર નાંખીએ, તો તરત આંખે ઊડીને વળગે એમ જણાશે કે, માનવ સમાજ, એની સમજ, જ્ઞાન, પ્રજ્ઞા, ચેતના એ બધાંએ કેવા કેવા ઉથલા જોયા છે? એક વ્યવસ્થા, એક માન્યતા, જીવન જીવવાની એક રીત ખેદાન મેદાન બની જાય; અને નવી વ્યવસ્થા, નવી માન્યતાઓ, જીવવાની અવનવી રીતો પેદા થાય.
ભગવદગીતામાં ખુદ કૃષ્ણ ભગવાને કહ્યું છે –
परित्राणाय साधुनाम् विनाशाय च दुष्कृताम् धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ।
ગાંધી બાપુ જેવા શીલ, સદાચાર અને સત્યના પૂજારીને પણ સવિનય કાનૂન ભંગ અને અસહકારના શસ્ત્રનો આશરો લેવો પડ્યો હતો. સમાજને આઝાદીનો અહેસાસ અને તરોતાજા શ્વાસ લેતો કરવા, દેશનું તંત્ર ખોરવી નાંખ્યું હતું. અને હવે એ આઝાદીથી પણ હવે ઉબકા આવે એવી પરિસ્થિતી ફરી સર્જાઈ ગઈ છે. એક આમૂલ ક્રાન્તિ બારણાં ખખડાવી રહી છે. અવ્યવસ્થિતના ટકોરા. અમારા ઘરના એ નજારાની જેમ!
આ માઉસ , કીબોર્ડ અને મોનિટરની માયામાં, ઓલી નોટબુક અને કલમ હવે શોધવા જવું પડે એમ છે. કેવી સરસ મજાની, સુસ્થાપિત વ્યવસ્થા હતી? હવે ગ્રંથોની ઘડીઓ ગણાઈ રહી છે !
દરેક પરિવર્તન માટે જોઈએ – ‘અવ્યવસ્થિત’. અહીં અવ્યવસ્થિતતાનો મહિમા ગાવાનો આશય નથી. પણ…..
અવ્યવસ્થિત પણ
વ્યવસ્થિત રચનાનું
એક અવિભાજ્ય અંગ જ છે.
એના અસ્તિત્વનો પણ સ્વીકાર.
Disorder in order.
આમ તો આ બધી સાહિત્યિક / આધ્યાત્મિક વાત થઈ ગણાય પણ આપણને જાણીને નવાઈ થશે કે, સૌથી આધુનિક વિજ્ઞાન પણ અવ્યવસ્થિતતાનો સ્વીકાર કરે છે ! એ માટે એમણે એક રૂપકડો શબ્દ બનાવ્યો છે-
CHAOS THEORY
એ અંગે આ મસ્ત વિડિયો સાથે ‘અવ્યવસ્થિત’ની પૂર્ણાહુતિ !
અમારા નવા ઘરમાં માસ્ટર બેડરૂમના બાથટબમાં ‘બબલર’ છે. ઈલેક્ટ્રિક મોટર અને બ્લોઅર વડે દસેક જગ્યાએ પાણીમાં હવા છોડાય છે. જાણે નાનું અમથું જેકૂઝી.
એક દિવસ તેમાં નહાવા બેઠો. આટલા નાના જેકૂઝીનો આ પહેલો અનુભવ હતો. હવાના પરપોટા ધીરે ધીરે ભેગા થવા માંડ્યા. તેમનો એક સમૂહ બની ગયો; અને તે મોટો અને મોટો થવા માંડ્યો. ટબની કિનારી આગળ તે ઊપર ચઢવા માંડ્યો. પરપોટા ફૂટતા જાય. પણ નવા એટલા બધા બને કે, એ ભેગા થઈને પોતાની એક વસાહત જેવું કાંઈક બનાવી દે! પણ અમુક વ્યાપથી આ વધી ન શકે. ઘણા બધા પરપોટા નાશ પામે અને પરપોટા સમૂહ અમુક મર્યાદાથી વધારે મોટો ન થાય.
મેં તો પાણીમાં ફીણ થાય તેવો સાબુ ઉમેર્યો ન હતો – બાળકોની જેમ. પણ એમને તો વધતા જતા ફીણના ગોટેગોટામાં વિંટળાઈ જવાની બહુ જ મજા આવે.
મને માનવસમાજની યાદ આવી ગઈ. માનવજીવનને આપણે પરપોટાની ઉપમા આપતાં હોઈએ છીએ. એક પરપોટાના જેવું જ મર્યાદિત આપણું જીવન હોય છે. પાણીમાં કોઈ ચેતનાની હવા ફેંકી દે અને જીવન સર્જાય; અને તેની મર્યાદા આવતાં તે નાશ પામે. પણ આવા અનેક પરપોટા જેવાં જીવોનો સમૂહ એક વસાહત, એક સંસ્કૃતિ, એક સમાજ પેદા કરે. ધીરે ધીરે તે સમાજ વધતો જાય. પણ તેની પણ મર્યાદા આવતાં તે અમુક પ્રમાણથી ન વધે. તેની પણ વ્યાપશક્તિ મર્યાદિત હોય છે.
જો માનવ સમાજમાં સાબુની ચીકાશ જેવી પુખ્તતા હોય, સંતુલન હોય તો તે સમાજ વધતો જ રહે. તેનો વિકાસ થતો જ રહે. માનવજીવનનું આયુષ્ય પણ લાંબું અને તેમના સમૂહનું પણ – સાબુના ફીણની જેમ.
સંસ્કૃતિઓના ઉદ્ભવ, વિકાસ અને વિલયનું એક વિહગ દર્શન મારી નજર સામે ખડું થઈ ગયું
– નાનકડા બાથટબમાં .
સ્વિમિન્ગ પૂલના જેકૂઝીમાં
જેકૂઝીમાં પરપોટા તો હોય જ ને? હજારોની સંખ્યામાં પરપોટા જ પરપોટા. ફૂટે એના કરતાં વધારે નવા બને; અને આમ ફીણના ગોટે ગોટા ઊભરાતા જાય.
વીસ મિનિટનો તેનો નિર્ધારિત સમય પૂરો થયો. જેકૂઝીમાં ઠલવાતી હવા બંધ થઈ ગઈ. થોડીક જ વાર અને પરપોટા સમેટાવા માંડ્યા. અડધી મિનિટ માંડ થઈ હશે અને પરપોટાઓનો એક સાવ નાનકડો, નિર્વિર્ય સમૂહ માત્ર એક ખુણે તરતો રહ્યો. થોડીક વારમાં એ પણ હતો ન હતો થઈ જશે; અને પાણીની સપાટી સાવ કોરી સ્લેટ જેવી બની જશે. હવે પરપોટા પેદા કરતો હવાનો એ જથ્થો ક્યાં પાણીમાં ફેંકાતો હતો? એ મૂળ સ્રોત બંધ થઈ ગયો અને પરપોટા ગાયબ.
આપણા મનમાં સતત વિચારો અને આવેગો ઉભરાતા રહે છે. સતત ચાલુ રહેતી પ્રક્રિયા. આવેગોના ગોટે ગોટા ઊભરાતા જ રહે. એનો કોઈ અંત જ નહીં. મનને નિર્મળ કાચ જેવું, પાણીની એ નિશ્ચલ સપાટી જેવું, કોરી સ્લેટ જેવું બનાવવું હોય તો વિચારોના સ્રોતને બંધ કરવો પડે.
પણ વિચારને બંધ કરવાની કોઈ સ્વિચ નથી હોતી – એનું શું? વર્તમાનમાં જીવતા થઈએ; હાલ જે ઘટના ઘટી રહી છે , તેને કેવળ દ્રષ્ટાભાવથી નિહાળ્યા કરીએ; નવો વિચાર શું આવે છે- તેની તરફ પ્રેક્ષાધ્યાન કરતા રહીએ; તો આવી સમતા પેદા કરી શકાય. આનો સતત અભ્યાસ કરતા રહેવું પડે.
આ તો ચંચળ મન છે.
થોડાજ પાણી પરના પરપોટા છે?
પણ એ અશક્ય પણ નથી જ. એક વાર જીવવાની આ કળા આવડી જાય; તો આપણે મનના ગુલામ ન રહીએ. એવું જીવવાની એક ક્ષણ મળી જાય, તો એને પાછી જ ન વાળીએ. મન આપણા કબજામાં આવી જાય. સાચા અર્થમાં આઝાદ બની જવાય. એની પાસેથી આપણે ધાર્યું કામ કરાવી શકીએ.
ઓસ્ટિનના સરસ મજાના રિવરવોકના લોખંડના એક બાંકડા ઉપર હું બેઠો છુ; અને મારી સામેની બધી ચહલ પહલ નિહાળી રહ્યો છું.
સામે, નદીની પેલે પાર ડાઉન ટાઉનની ગગનચુંબી ઈમારતો ખડી છે – કોઈક વીસ માળની, તો કો’ક ચાળીસ માળની, તો કો’ક પચાસ માળની. સૌથી ઉંચી ઈમારત પર સ્વાભાવિક રીતે બધાંની નજર પડે; તેમ મારી નજર પણ ખેંચાય છે. એની આડી અને ઉભી, બધી બારીઓ બંધ છે – સાવ નિષ્ક્રીય અને કોઈ ચેતન વિનાની. હું એ બારીઓની પેલે પાર શું ચાલી રહ્યું છે; તે જોઈ શકતો નથી. કદાચ ત્યાં કોઈ આતરરાષ્ટ્રીય કમ્પનીનો કરોડો ડોલરનો કારોબાર ચાલી રહ્યો હશે. કો’ક માંધાતા તેની કુશાંદે ચેમ્બરમાં વૈભવશાળી ખુરશીમાં બેસી મ્હાલી રહ્યો હશે. કદાચ તેની ઘણે નીચે આવેલા પરિસરમાં સળવળતાં માનવ જંતુઓને જોઈ મૂછમાં મલકી રહ્યો હશે.
એની આગળ નદી વહી રહી છે. એનાં પાણી હજારો વર્ષોથી આમ જ સતત વહેતાં રહ્યાં છે. એમાં જાત જાતની અને ભાત ભાતની હોડીઓ આવન જાવન કરી રહી છે.
નદીની મારી તરફ રિવરવોક છે. એની ઉપર જાતજાતનાં અને ભાતભાતનાં લોકો – પુરુષો, સ્ત્રીઓ, બાળકો – ચાલી, દોડી રહ્યાં છે. કોઈક ધસમસતા સાઈકલ ચલાવીને જઈ રહ્યા છે. કોઈકની સાથે જાતજાતના અને ભાતભાતના કૂતરા પણ છે.
લોખંડનો એ બાકડો સાવ નિર્જીવ છે. એમાં કોઈ જ ચહલપહલ નથી. એ તો એમનો એમ જ, સાવ જડ અવસ્થામાં પડેલો રહેવાનો છે. એમાં કોઈ પરિવર્તનને અવકાશ નથી. હા! હું મારી કલ્પના અને વિજ્ઞાનના થોડાક જ્ઞાનને સહારે, એના અણુ અને પરમાણુમા સતત ચાલી રહેલી ગતિ વિશે વિચારી શકું છું. પણ બાંકડો એ જાણે છે ખરો?
મારી નજર હવે એ બાંકડાની બાજુએ આવેલ ઝાડ પર પડે છે. એની ડાળીઓ મને શીતળ છાયા આપી રહી છે. એનાં પાદડા પવનમાં ફરફરી રહ્યાં છે. એના લીલાં પાન તડકામા તપતાં શ્વસી રહ્યાં છે; વૃક્ષનો જીવનરસ સતત બનાવી રહ્યાં છે. સૂકી ભંઠ લાગતી એની ડાળીમાં ક્યાંક નવાંકુર ફૂટું ફૂટું કરી રહ્યો છે, થોડાક દીવસોમા એમાંથી કુંપળ ફૂંટશે અને નવી ડાળીનો કે કદાચ એક ફૂલની કળીનો નવો નક્કોર જન્મ થશે. પણ એ ઝાડ જોઈ શકતું નથી, સાંભળી શકતું નથી, સ્પર્શી શકતું નથી. એને કોઈ વિચાર પણ નથી આવતા. એ કશેય એક તસુ પણ ખસી શકતું નથી. એની ચેતના બાકડાના લોખંડની ચેતનાથી થોડેક આગળ આવીને અટકી ગયેલી છે.
ત્યાં ગળે માલિકના પટાથી બંધાયેલો એક કૂતરો દોડતો દોડતો અને મોંમાંથી જીભ બહાર લબડાવતો આવી પહોંચે છે. સ્વભાવવશ, કશીક મનગમતી ચીજને સૂંઘતો, સૂંઘતો, આમતેમ આથડતો, તે મારા પગને પણ સૂંઘી લે છે. પણ માલિકના ઈશારાથી મને અવગણીને વિદાય લે છે. કૂતરાની ચેતના ઝાડની ચેતના કરતાં ઘણી જટિલ છે. તે જોઈ શકે છે; સાંભળી શકે છે; સૂંઘી શકે છે; ચાખી શકે છે. કરડી અને ભસી શકે છે. તે ચાલી, દોડી, કુદી પણ શકે છે. પણ તેની વિચાર શક્તિ બહુ જ સીમિત છે.
…………..
આ બધું નિહાળતો હું કુતરા કરતાં ઘણું વધારે કરી શકું તેમ છું. મારી પાસે માણસને મળેલી મહાન દોલત – માનવ મન છે. હું ધારું તો એ બાંકડાને તોડી ફોડી, ગરમ કરી તેના પૂર્જાઓના અવનવા ઘાટ ઘડી શકું છું; તેને ભઠ્ઠીમાં ઓગાળી, તેના રસને બીબામાં ઢાળી સુંદર મૂર્તિ બનાવી શકું છું.
હું એ ઝાડને કુહાડી વડે કાપી, તેના લાકડામાંથી આગ પેદા કરી શકું છું. અથવા એના બીજ અન્ય જગ્યાએ વાવી, એવાં અનેક ઝાડ ઘણે દૂર, નવા જ કોઈ બગીચામાં ઊગાડી શકું છું.
હું તે કૂતરાને અથવા એના જેવા બીજા અનેક કૂતરા કે બીજાં પ્રાણીઓને પાળી, મારો માલિકી ભાવ સંતોષી શકું છું.
‘મારી ચેતના કૂતરાની ચેતના કરતાં અનેક ગણી ચઢિયાતી છે.’– તેવો ગર્વ મારા મનમાં આકાર લેવા માંડે છે.
પણ ..
એમ ન બને કે….
મારાથી અનેક ગણું ચઢિયાતું કોઈક હોવાપણું એવી અપ્રતિમ ચેતના ધરાવતું હોય……
જેના થકી એને કોઈ દેખીતા રંગ, રૂપ, આકાર કે હોવાપણાંની જરુર જ ન હોય?
જેને માનવ મનની કે અસ્તિત્વ/ અનસ્તિત્વની મર્યાદાઓ નડતી ન હોય?
જે આ બધાંયની મ્હાંયલી પા અણુએ અણુમાં વ્યાપીને રહેલું હોય?
જે આ બધાંયને હાલતાં, ચાલતાં, શ્વસતાં; કારણસર કે કારણ વિના, ધસમસતાં અને પ્રગટ અસ્તિત્વ વાળાં કરી દેતું હોય?
– પચાસ માળ ઉંચે આવેલી બંધ બારીની પેલે પાર બેઠેલા, પણ મારી આંખે ન દેખાતા ઓલ્યા માંધાતાની જેમ?
નોંધ
આ અવલોકન ૨૦૦૯ની સાલમાં થઈ ગયું હતું – મારાં માનીતાં અવલોકનોમાંનું એક છે; કદાચ એ એક સ્તૂતિ છે! મૂળ જગ્યાએ એની ઘણી ચર્ચા પણ થઈ હતી. હ્યુસ્ટનના વડીલ મિત્ર શ્રી. ચિમન પટેલે (ચમન) તો એનો અનુવાદ કરવાની પણ ફરમાઈશ કરી હતી , જેથી ગુજરાતી વાંચી ન શકતો યુવાન વર્ગ એની પાછળના વિચાર અને ભાવને માણી શકે.