૫૧ – मेरे तो गिरधर गोपाल: અલ્પા શાહ

“મેરે તો ગિરિધર ગોપાલ” લેખમાળા ના અંતે  મારા અંતરની અનુભૂતિનું આલેખન…

મિત્રો, જાન્યુઆરી ૨૦૨૦ માં શરુ થયેલી આ “મેરે તો ગિરિધર ગોપાલ” લેખમાળાનો છેલ્લો લેખ આજે હું અહીં રજુ કરું છું. જયારે મેં જાન્યુઆરીમાં આ લેખમાળા શરુ કરી ત્યારે મને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે મીરાંબાઈ અને તેમના પદો વિષે લખતા લખતા મીરાંબાઈ સ્વયં મારા ભાવવિશ્વ માં સમાઈ જશે. મારી સંવેદનાઓનું અભિન્ન અંગ બની જશે. આ એક વર્ષ દરમિયાન આ લેખમાળાને ઓપ આપતા આપતા મારુ ભાવવિશ્વ, મારુ વિચારવિશ્વ અને મારી સંવેદનાઓ કેવી રીતે એક નવાજ સ્વરૂપે નિખરી તેની આજે મારે તમારી સાથે વાત કરવી છે. મારી સ્વ-અનુભૂતિ ને તમારી સાથે વહેંચવી છે.

  સૌ પ્રથમ આ લેખમાળા લખવાના બીજ કેવી રીતે રોપાયા તેની થોડી વાત કરીએ.તમે કદાચ જાણતા જ હશો કે લેખનની દુનિયામાં હજી હું પા પા પગલી ભરું છું. મારે માટે લખવું એ એક આંતરસ્ફૂર્ણાનો વિષય હતો અને આવી રીતે નિયમિત નિયત સમયે લેખ લખવા એતો મારા માટે તદ્દન નવીજ વાત હતી. ડિસેમ્બર ૨૦૧૯ માં “બેઠક” ના સંચાલિકા આપણા લાડીલા પ્રજ્ઞાબેને મારી સાથે વાત કરી અને મને ૨૦૨૦માં દર અઠવાડિયે આ બ્લોગ પર એક લેખ લખવાનું આમંત્રણ આપ્યું.  I was not confident about the power of my pen and I was skeptical that if I will be able to do justice in writing a weekly article due to my limited experience.  But Pragnaben was able to recognize the strength of my pen and she persuaded me to write the weekly article. I will be ever grateful to Pragnaben for her persistent efforts in motivating me to take up this project. Without her constant support and motivation my writing journey would not have this added feather in it. મને આ લેખમાળા રજુ કરવાની તક આપવા બદલ હું “બેઠક” અને પ્રજ્ઞાબેનનો અંત:કરણપૂર્વકનો આભાર માનું છું. પ્રજ્ઞાબેને મને બે-ત્રણ વિષય સજેસ્ટ કર્યા અને મીરાંબાઈનો વિષય મને તરત સ્પર્શી ગયો. અને આમ આ લેખમાળાના અસ્તિત્વના બીજ રોપાયા.

મીરાંબાઈ – આ નામને કોઈ ઔપચારિક ઓળખની ક્યાં જરૂર છે. આ નામ પડતાજ આપણાં માનસપટ પર મંજીરાનો રણકાર અને તાનપુરાના તાન સાથે ગિરિધર ગોપાલ ની ઝાંખી થવા લાગે છે. જયારે આ લેખમાળાની શરૂઆત કરી ત્યારે મીરાંબાઈના જીવન ચરિત્ર અને તેમના પદો વિષે મને માત્ર ઉપરછલ્લી માહિતી હતી. પણ હા, મીરાંબાઈના ગિરિધર ગોપાલ પ્રત્યેના  દ્રઢ વિશ્વાસથી હું સુપેરે પરિચિત હતી. મીરાંબાઈના એ દ્રઢ વિશ્વાસ ની સરખામણીએ તો સાવ નગણ્ય અને ક્ષુલ્લક પણ મારા ઠાકોરજીમાં રહેલો દ્રઢ વિશ્વાસજ મને મારા જીવનના ઝંઝાવાતો સામે ઝઝૂમવાનું બળ પૂરું પાડે છે અને કદાચ એટલે જ મીરાંબાઈનો વિષય મને તરત જ સ્પર્શી ગયો…

ધીમે ધીમે હું વાંચન દ્વારા મીરાંબાઈ અને તેમના પદો વિષે વધુ માહિતી મેળવતી ગઈ અને મીરાંબાઈ ના વ્યક્તિત્વને સમજવાનો પ્રયત્ન કરતી ગઈ. આ લેખમાળામાં મારે માત્ર  માહિતી લેખ નહતા લખવા, મારે તો મીરાંબાઈના ભાવવિશ્વમાં ડોકિયું કરવું હતું એમની સંવેદનાઓને એકવીસમી સદીની સ્ત્રીની નજરે સમજવાનો પ્રયત્ન કરવો હતો.

શરૂઆતમાં ઘણા અઠવાડિયા હું લેખ લખવાનું ચાલુ કરું ત્યારે શું લખવું કઈ સુજતુ ના હતું. હું ફુલ ટાઈમ જોબ કરું છે એટલે મારો લખવાનો સમય સાંજનો રહેતો.કોઈક કોઈક વાર બુધવારની મધરાત્રી સુધી લેખનો એક અક્ષર પણ ના લખાયો હોય અને ગુરુવારે તો મારે આ લેખ બ્લોગ પ૨ મુકવાનો હોય… પણ પછી માર્ચ મહિનામાં એકદિવસ ઠાકોરજીએ મને પ્રેરણા કરી અને મેં શ્રીકૃષ્ણ કીર્તન સાંભળતા સાંભળતા લેખ લખવાની શરૂઆત કરી અને એ દિવસે મારી કલમ સડસડાટ ચાલતી ગઈ અને સાથે સાથે આંખો અનરાધાર વરસતી ગઈ..એવું લાગ્યું કે જાણે કે ગિરિધર ગોપાલ જ મારો હાથ પકડીને લખાવતા ના હોય…બસ પછી તો મીરાંબાઈની અને શ્યામસુંદર સાથે અંતરનું અતૂટ તાદામ્ય સંધાતું ગયું અને લેખમાળાના લેખ લખતા થતા ૩-૪ કલાક  મીરાંબાઈ અને શ્યામસુંદરની અદીઠ છતાંય પ્રત્યક્ષ હાજરી હું અનુભવવા લાગી.અને એક પછી એક લેખમાં મીરાંબાઈએ તેમના જીવનના વિવિધ પાસાઓ અને સંવેદનાઓને જે રીતે શબ્દો દ્વારા પદ સ્વરૂપે વહેતા મૂક્યા હતા તેમાંથી અમુક ચૂંટેલા પદો અને તેનો રસાસ્વાદ આપ સૌ વાચકો સાથે વહેંચાતો ગયો અને મારુ મીરાંબાઈ અને શ્યામસુંદર સાથે વધુને વધુ નૈકટ્ય રચાતું ગયું

આ લેખમાળા લખાતી હતી તે દરમિયાન મે મહિનામાં, શ્રી ઠાકોરજીએ મારા અંતરનું જોડાણ એક એવી વ્યક્તિ સાથે કરાવ્યું કે જેમનામાં હું પ્રત્યક્ષ મીરાંબાઈના દર્શન કરું છું. તેમના સંપર્કમાં આવ્યા પછી મારો ઠાકોરજી પ્રત્યેના વિશ્વાસ વધુ દ્રઢ થયો અને તેટલુંજ નહિ તેમાં શ્રી ઠાકોરજી પ્રત્યેનો સંપૂર્ણ શરણાગતિનો ભાવ ઉમેરાયો અને હું મીરાંબાઈની સંવેદનાઓને  શરણાગતિના એક નવા જ પરિમાણ થી અનુભવવા લાગી. સાથે સાથે  શ્રી ઠાકોરજીની અસીમ કૃપાનો વધુને વધુ અહેસાસ કરવા લાગી. એવું લાગવા માંડ્યું કે ઠાકોરજી મારી કલમ થકી મને આ સેવા કરવાની આજ્ઞા કરી રહ્યા છે. અને હું એ આજ્ઞા માથે ચડાવી દર અઠવાડિયે આ લેખ દ્વારા શબ્દપુષ્પો શ્રી ઠાકોરજીને અર્પણ કરતી ગઈ અને મીરાંબાઈના મંજીરાના રણકારને અને શ્યામસુંદરની બંસીની સુરાવલીઓથી મારુ આંતરવિશ્વ સજાવતી ગયી. મારા માટે આ લેખની લેખન પ્રવૃત્તિ માત્ર લેખનજ નહિ પણ એથી કંઈક વિશેષ એક અઠવાડિક સેવા ક્રમ બની ગયો… During this year, in the month of September, I went through a major surgery followed by a long recovery period. Initially I was planning to take a break for couple of weeks from the weekly article writing. But the Divine gave me the strength to write and publish articles each week without skipping a single week. If I look back and see, it seems that this was the result of the pure and amazing grace of the Divine.

આજે જયારે હું “મેરે તો ગિરિધર ગોપાલ” લેખમાળાનો છેલ્લો લેખ લખી રહી છું ત્યારે હું મારા કોઈક આધારથી અલગ થઇ જવાની હોવું તેવી વેદનાની અનુભૂતિ કરી રહી છું.આ એક વર્ષમાં આ લેખમાળા લખવામાં  મેં મારી જેટલી બુદ્ધિ/વિચાર/શારીરિક શક્તિ વાપરી છે તેનાથી અનેક ઘણી વધારે મીરાંબાઈની અને શ્યામસુંદરની  કૃપાદ્રષ્ટિ મેળવી છે.મીરાતત્વ અને શ્યામતત્વ મારા ભાવવિશ્વનું એક અભિન્ન અંગ બની ગયા છે. આ લેખમાળા દરમિયાન તેમની સાથે જે ફરજીયાત અઠવાડિક સંપર્ક થતો હતો તેનો તો હવે અંત આવશે પણ પ્રભુ એ મીરાતત્વ અને શ્યામતત્વ મારામાં સદાય ધબકતું રાખે તેવી પ્રભુને નમ્ર વિનંતી…

હવે પછી જયારે જયારે હું મંજીરાનો રણકાર સાંભળીશ ત્યારે ત્યારે આ મીરાંતત્વ સાથે નૈકટ્ય સાધવાના પ્રયાસ સમી આ “મેરે તો ગિરિધર ગોપાલ” શ્રેણીની સર્જનયાત્રા દરમિયાનના સુખદ સંસ્મરણો સંભારતી રહીશ. આ લેખના અંતમાં મારે તમારી સાથે એ કાવ્યસંગીત વહેંચવું છે કે જેને સતત સાંભળતા સાંભળતા મેં આ લેખમાળાના લગભગ અડધાથી વધારે લેખ લખ્યા છે. ખુબ ભાવપૂર્ણ ગવાયેલ આ ગીત થકી મારૂ સમગ્ર ભાવવિશ્વ એ કલાકો માટે મીરામય અને શ્યામમય બની જતું અને મારી કલમના શબ્દપુષ્પો શ્રી શ્યામસુંદરના ચરણોમાં અર્પણ થતા રહેતા…આ ગીતના શબ્દો કવિયત્રી પન્નાબેન નાયકના છે અને મધુર ભાવવાહી સ્વર છે નમ્રતાબેન શોધનનો..

૨૦૨૧માં આપણે મારી કલમ થકી એક તદ્દન નવા જ વિષય સાથે ફરી મળીશું. આ લેખમાળાની સફર દરમિયાન તમે સૌ વાંચકો મારી સાથે રહ્યા તે બદલ ફરી એકવાર તમારો સૌનો આભાર માનું છું. આ લેખમાળા ના લેખોમાં જે પણ ક્ષતિ રહી ગઈ છે તે બદલ ક્ષમા યાચું છું. અને આ સાથે “તેરા તુઝકો અર્પણ” ના નાતે “મેરે તો ગિરિધર ગોપાલ” શ્રેણી ના સમગ્ર ૫૧ લેખો મારા ઇષ્ટ શ્રી ઠાકોરજીના ચરણોમાં અર્પણ કરીને અશ્રુભરી આંખે મારી કલમને હાલ પૂરતો વિરામ આપું છું. જય શ્રી કૃષ્ણ! 

– અલ્પા શાહ.

૫૦ -કબીરા

કબીરા લખતાં લખતાં


કબીરની લેખમાળા લખવાનું પ્રજ્ઞાબહેને મને કીધું, ત્યારે હું કબીર વિશે પ૦ આર્ટિકલ કેવીરીતે લખીશ તે અંગે દ્વિધામાં હતી અને બીજું એ પણ હતું કે લગભગ જાણીતાં અને વિદ્વાન બધાંજ સાહિત્યકારોએ કબીર વિશે લખ્યું છે તેથી મને એમ પણ હતું કે આ વિદ્વાનોને મૂકી કોઈ મને કેમ વાંચશે?પણ સાચું કહું આપણે કોઈ કામ બીજાને ગમે તે માટે કેમ કરીએ છીએ ?આપણા આનંદનું શું?તે વાત કબીરને લખતાં,જાણતાંઅને સમજતાં સમજાઈ ગઈ.

કબીરને લખતાં હું જે પામી છું તેના માટે નિશબ્દ છું. કબીરને લખવા માટેઅને ગહેરાઈથી સમજવાની શોધે મને અનોખા આનંદની ભેટ આપી છે.જીવનનાં સત્યને હું સમજી શકી છું.કેટલું આચરીશ તેના માટે પ્રભુકૃપા જ જોઈએ.પ્રયત્ન જરુર કરીશ.કબીરરસ,કબીરવિચારધારા એ એક રોજબરોજનાં વ્યવહાર અને વ્યવસાયીક જીવનને જીવતાં જીવતાં જ સાચી રીતે જીવવાનો રાહ છે.કબીરે જીવનનાં ગહન રહસ્યોને તેનાં બે લીટીનાં પદમાં એવી સુંદર રીતે સમજાવી દીધાં છે કે તેને વાગોળીને તમે સાચા માર્ગે સહજતાથી ચાલી શકો. કબીરબીજક વાંચીને જાણે તમને એકસાથે ગીતા,વેદ અને ઉપનિષદોનો નિચોડ મળી જાય.કબીરની રહસ્યમયવાણી ન સમજાતાં ક્યારેક અચંબિત થઈ દ્વિધા અનુભવતી,પછીકેટલાય વિદ્વાનોને વાંચતી.વિદ્વાનોને વાંચતાં વાંચતાં તેમની રહસ્યવાદી વાણી સમજાવા લાગી. નિર્ગુણ હતા ,છતાં સગુણ ભક્તિ કરતાં ભક્ત કરતાં વધુ ભગવાનમાં શ્રધ્ધા હતી.એટલે જ તે કહે છે:‘કીડી કે પાંવ નેપુર બાજે તે ભી મેરા સાહેબ સુનતા હૈં’  
આમ કહી આપણને પણ પરમશક્તિમાં પૂર્ણ શ્રધ્ધા રાખવાનું સૂચવે છે.
કબીર જેવા મરમી જ્યારે સહજમાર્ગે ચાલવાનું કહે છે ત્યારે એક જ વાત કહે છે તેવું મને સમજાયું:

‘તમારી કુશળતા ગણાતી કુટિલતાને છોડી દઈ ,જે હૈયે ઊગે તે હોઠે લાવો,અને હોઠે લાવો તે હાથપગ હલાવી આચરી બતાવો.પરમ આનંદ અને સત્યને પામવાનો એ ટૂંકામાં ટૂંકો રસ્તો છે.જેના આચરણમાં આવી સીધી વાટ છે તેનો કાન કોઈ ઝાલી શકતું નથી.મને કબીરની આ વાત એટલી ગમી:
લેણાં -દેણાં સોહરા,
જે દિલ સાંચો હોઈ,
ઉસ ચંગે દીવાન મૈં,
પ્લાન ન પકડે કોઈ.

જેની લેણદેણ સીધી સરળ ,જેના દિલમાં સચ્ચાઈ તેને ઈશ્વરની કચેરીમાં કોઈ રોકી ટોકી શકતું નથી.દુનિયાનાં કારભારમાં ઉપરછલ્લી રીતે ભલે ગમે તેટલી અંધાધૂંધી દેખાતી હોય પણ એવી એક અદ્રશ્ય સત્તા છે જે તલાતલનાં અને રજેરજનાં લેખાં લે છે.જેનું ચિત્ત નિર્મળ,જેની ચાલ નિષ્પાપ તે પાવકજ્વાળા વચ્ચે પણ મહાસુખ માણી શકે છે.ચિત્તને નિર્મળ રાખવા પર કબીરે ખૂબ ભાર મૂક્યો છે.ચિત્તની નિર્મળતા,સ્થિરતા ,પ્રામાણિક જીવનના પાયા વિના ટકતી નથી.કબીરે તેમાં પ્રભુપરાયણતા ને ઉમેરી આ સ્થિરતાને રસમય કરી આપી છે.ચિત્તને નિર્મળ કરતાં કરતાં તે એવું નિર્લેપ બની જાય છે કે ઇન્દ્રિયોના તમામ વહેવારોમાં ખેલવા છતાં તે ખરડાતું નથી.કબીર બીજી વાત મનની સ્વવશતા કરે છે સરહની આ વાણી કબીરની સ્વવશતાની વાતને સરળતાથી સમજાવે છે:
દેખહુ સુનહુ પઈસહુ સ્વાદઉ,સુંઘઉ ભ્રમહુ બઈઠહુ ઉઠ્ઠહુ,
આલમાલ વ્યવહારે પેલ્લહુ,
મન છાડિ એકાકાર ન ચલ્લહુ.

દેખતાં,સાંભળતાં,પેસતાં,સ્વાદલેતાં,સૂંઘતાં,ચાલતાં,બેસતાં,ઊઠતાં આડીતેડી વાતો કરતાં મનને તેની સાથે વહી જવા દેવું નહીં.વિષયો સાથે એકાકાર થવા દેવું નહીં.સર્વે કર્મો સાથે ચિત્તને પરોવવાં છતાં તે ક્યાંય ચીકણું બની ચોંટી ન રહે તેની કાળજી રાખવી.કબીર કહે છે.હસતાં,ખેલતાં,ગાતાં જે મનને ભંગ થવા દેતા નથી અને વૃત્તિઓને કાબૂમાં રાખે છે તે સદાય પરમ શિવની સાથે છે.આમ કહી કબીર આપણને સહજ સમાધિ અનુભવવાનું શીખવે છે.અને ગાય છે: 
‘સંતો સહજ સમાધિ ભલી,
જહાં જહાં જાઉં સોઈ પરિકરમા,
જો કુછ કરું સો સેવાજબ સોઉં તબ કરું દંડવત,
પૂજું ઔર ન દેવા.’

આમ કબીરે વ્યવહારમાં રહીને જીવન જીવવાની અદ્ભૂત શીખ આપી.શબનમજીનાં ઘૂંટાએલા બુલંદ ભક્તિની ભીનાશ સાથેનાં કબીરનાં પદો મને રોજ હથોડા મારી પરમની નજીક જવા પ્રેરતો હતો.

‘મતકર માયા કો અહંકાર,મતકર કાયા કો અભિમાન,કાયા ગારસે કાચી;કાયા ગારસે કાચી ,જેને ઓસ રા મોતી,ઝપતા પવનકા લગ જાએ,કાયા ધૂલ હો જાસી…..’

માનવ માનવ વચ્ચે રહેલ કૃત્રિમ ભેદ મિટાવીને ,જાતિપાંતિની દિવાલ તોડીને ,બાહ્યાંડબરની જાળને તોડીને,નશ્વર શરીરથી ઈશ્વરનાં અમૃતરસનું પાન કરી જે આત્માથી પરમાત્માનું દર્શન કરી શકે છે તે નર્કને મોક્ષમાં બદલી શકે છે.તે વાત સમજાવી દીધી છે.કબીરે ભારતીય સંસ્કૃતિનાં સિધ્ધાંતને અનુસરી દરેકમાં સમત્વભાવ રાખી સંતોષધન ગળે લગાડવાની વાત શીખવી છે.

કબીરે આ બધી વસ્તુ ખાલી શીખ આપીને નહીં પણ પોતે બોલ્યા તેવીરીતે જ જીવી બતાવ્યું છે.આખું જીવન તેમણે કાશીમાં વિતાવ્યું. લોકવાયકા પ્રમાણે કાશીમાં મરે તે સ્વર્ગે સિધાવે અને મગહરમાં મરે તે બીજા જન્મે ગધેડો થઈ જન્મે.પોતાનાં જીવાએલ જીવન પર અને પરમ પર તેમને એટલો વિશ્વાસ હતો કે કબીરે પાછલી જિંદગી મગહરમાં વિતાવી ત્યાં જ મૃત્યુ પામ્યા.જે હિન્દુ હોઈને પણ હિન્દુ નહોતા અને મુસલમાન હોઈને મુસલમાન નહોતા ,આવા કબીરનું જીવન જેવું મૃત્યુ પણ રહસ્યમય રહ્યું.જે બધાંને પોતાના માનતા હતા એને બધાં પણ પોતાનાં માનતા હતા.હિન્દુઓ તેમને અગ્નિદાહ દેવા માંગતાં હતાં અને મુસ્લિમ તેમની કબર બનાવવાં માંગતાં હતા.જ્યારે તેમનાં મૃતદેહ પરથી કપડું ઉઠાવ્યું તો નીચે ફૂલોનો ઢગલો હતો જે હિંદુ -મુસ્લિમોએ અડધો અડધો વહેંચી લીધો.આમ તેમણે મરતા મરતા પણ ખોટી વાતોનું સમર્થન ન કરવા શીખવ્યું,બધાં ધર્મ એક જ પરમ પાસે લઈ જાય છે તેવો માનવતાનો ધર્મ પણ શીખવી ગયું.
આમ કબીરને અને તેની માન્યતાઓને મોટા મોટા વિદ્વાનો અને જ્ઞાનીઓ નતમસ્તક થઈ સ્વીકારે છે .હું પણ આ લેખમાળા થકી જીવન,જન્મ,મૃત્યુ અંગેનાં અનેક સત્યોને જાણી શકી છું .પ્રભુને એક જ પ્રાર્થના છે કે આ સત્યોને શેષ જીવનમાં હંમેશ જીવવા પ્રયત્ન કરું અને જ્યારે પણ તેમાંથી વિચલિત થઉં ત્યારે કબીર મારી સમક્ષ આવી મને સાચા રાહે વાળે તે જ પ્રાર્થના.મારા સૌ વાચકોનો અને પ્રતિભાવકોનો હ્રદયપૂર્વક આભાર માનું છું.પ્રજ્ઞાબહેનનો પણ કબીર જ લખ તેવા આગ્રહ માટે ખૂબ ખૂબ આભાર.મારી કબીર સાથેની મુસાફરી મારાં જીવનની યાદગાર યાત્રા રહી છે.


જિગીષા પટેલ

હાં રે દોસ્ત હાલો અમારે દેશ: 50. ઝવેરચંદ મેઘાણી અને વાચક વર્ગ !


એક કલ્પના કરો : દરિયામાં પગ બોળીને ઉભાં ઉભાં હાથમાં અંજલિ ભર પાણી લઈને સૂર્યને અર્ઘય આપવાની ચેષ્ટા કરીએ અને સૂર્યને દર્શાવવા જઈએ તો તેમાં મહાનતા કોની છે ? વિશાલ જલરાશિનું પાણી અને સૂર્ય જેવો પ્રચંડ ઉર્જા સ્ત્રોત ! ગુજરાતી સાહિત્ય જેવા વિશાલ સમન્દરમાં છવાયેલ – દેદીપ્યમાન સૂર્ય જવા તેજસ્વી મેઘાણી વિષે મારે આ વર્ષે લખવાનું હતું ! શું લખું અને શું નહીં એની દ્વિધા અને કેવી રીતે વાચક વર્ગ સુધી એમને ગમે તે માધ્યમમાં પહોંચાડવું એ વધારે મહત્વની વિટમ્બણા ! પણ લખવાનું શરૂ કર્યા પછી તો બહુ મોટી સમસ્યા ઉભી થઇ !! મેઘાણી વિષે ભણવામાં આવ્યું હતું અને ભણાવવાનું પણ થયું હતું ; પણ એય સાડા ચાર દાયકા પૂર્વે ! જેમ જેમ એમના વિષે વધારે ઊંડાણથી અભ્યાસ કરવા માંડ્યો તેમ તેમ મને મારી કલમ પાંગળી લાગતી ગઈ.
વાચક મિત્રોએ તો મને તેમના પ્રેમમાં અભિભૂત કરી ને ભીંજવી દીધી હતી ! કલ્પનાબેન રાઘુભાઈએ તો પહેલા જ લેખમાં મને આવકારતાં કહી દીધું ; “ ગીતાબેન !અમે તો તમારી આંગળી પકડી લીધી છે અને હવે તમારી સાથે નવું નવું જાણવા જોવા આ બંદા તૈયાર છે !
મારી મૂંઝવણ વધી ગઈ ! દર્શનાબેન નાડકર્ણીએ ક્યાંક કુશળ લેખકના સૂચનો કરેલ કે ‘નળ શરૂ કર્યા વિના પાણી આવે નહીં : લખશો તો આગળ દિશાઓ ખુલશે ;’ એ મુજબ લેખમાળા શરૂ તો કરી , અને ‘સેંકડો પુસ્તકો વાંચશો તો વિચાર ગંગા વહેશે’ એ મુજબ અસંખ્ય પુસ્તકો પણ ભેગાં કર્યાં અને પછી આત્મ શંકા દૂર કરીને મને આવડશે જ એમ શ્રદ્ધા સાથે
હૃદય સ્પર્શી વાતોથી વાચકોને આવકારવા સાથે એ શબ્દ અને સર્જનના પ્રવાહમાં હું જ રંગાઈ ગઈ !
દર અઠવાડીએ ઉત્સાહથી મેઘાણી સાહિત્ય ભેગું કરીને વાંચવા માંડ્યું ! ભુલાયેલ અતીત ફરીથી સજીવન થયો ; હા નવા મધુર રંગો સાથે !
નિશાબેન ત્રિવેદીએ પોતાનાં પુસ્તકો સપ્રેમ આપ્યાં અને એ ચેપ બીજાં મિત્રોમાં પણ લાગ્યો .. એમનાં પુસ્તકો અને મેઘાણીના જીવન સાથે સંકળાયેલ પ્રસંગોથી હાં રે દોસ્ત કોલમ વધુ જીવંત બની !
ભરતભાઈ ઠક્કરે પ્રોત્સાહિત શબ્દોથી આ લેખમાળાનો આવકારી અને લખ્યું કે ઝવેરચંદ મેઘાણીના ચાહક વર્ગને મેઘાણી વિષે તમે એક વિશિષ્ટ અમૂલ્ય સમજ આપો છો ! અને ઘણું નવું જાણવા મળશે તેવી શ્રદ્ધા વ્યક્ત કરી !
રીટાબેન જાનીએ પોતે સૌરાષ્ટ્રના હોવાથી , મેઘાણી સાહિત્ય તેમને એમનાં વતનની યાદો તાજી કરાવે છે એમ કહી ને અને દર અઠવાડીએ ઉત્સુકતાથી લેખ વાંચે છે એમ લખીને મને પ્રોત્સાહન આપ્યું . એમની પ્રત્યેક ટિપ્પણી એ મને પ્રોત્સાહિત કરી છે . જયવંતીબેન , રંજનબેન માલવિયા એ પણ અવારનવાર ટિપ્પણી મૂકી છે .. જો કે લખ્યા વિના પણ ક્યારેક ફોન દ્વારા વિચાર વિમર્શ કરનાર મિત્રો પણ અનેક છે ..
મેઘાણીનો પેલો પ્રસિદ્ધ પત્ર : “ લિ. હું આવું છું !” એ વિષે મેં એક લેખ લખ્યો હતો . તે વાંચીને અમેરિકામાં રહીને મૂળ ધ્યેય જાળવી રાખવું જીગર માંગી લે છે એમ કહીને ફોન પર મારી સાથે ચર્ચા કરનારો પણ એક વર્ગ ઉભો થઇ ગયો . સાહિત્યના જીવ અને રેડિયો કલાકાર વડીલ મિત્ર અરવિંદભાઈ જોશી મારા નજીકના માર્ગદર્શક બની ગયા ! કોઈ ઉચ્ચ ધ્યેય હોવું એ એક વાત છે અને એ ધ્યેય હાંસલ કરવા કૃત નિશ્ચયી બનવું એ તદ્દન ભિન્ન વાત છે ; અમેરિકામાં આવીને પૈસા પાછળ મૂળ ધ્યેય ભૂલીને ભટકી જનારાંઓ ઓછાં નથી .. એમણે કહ્યું
અને પછી તો જાણે કે દર અઠવાડીએ લેખ પોષ્ટ થાય પછી બુધવારે વસુબેન અને પરષોત્તમભાઇ પરમાર અને વડીલ મિત્ર દંપતી મધુબેન અને ઈશ્વરભાઈ જનસારી ઉપરાંત વડીલ સુધાબેન અને શરદભાઈ ઉપાધ્યાય સાથે વિચાર વિમર્શનું બંધાણ થઇ ગયું ! ક્યારેક લેખમાં ભાષાની સરળતા અને સ્પષ્ટતા પણ એ યુગ્મોને ધ્યાનમાં રાખીને થઇ હશે ..
હા , કોરોના એ તેનું સ્વરૂપ પ્રકાશ્યો હતું અને આખું વિશ્વ લોકડાઉંન – બધું બંધ થઇ ગયું હતું અને બ્લોગ દ્વારા વાંચન એક પ્રવૃત્તિ બની રહી હતી ત્યારે મેઘાણી લેખમાળાએ અમુક મિત્ર વર્ગને આમ વાત -વાર્તા વિમર્શ કરતાં કર્યાં ! આ બધાં કહો કે વડીલ વર્ગનાં -લગભગ એંસી વર્ષથી મોટાં , જેમણે ગાંધી યુગને , આઝાદીની ચળવળો અને મેઘાણીનાં કાવ્યો : છેલ્લો કટોરો ઝેરનો પી જજો બાપુ ! અને કોઈનો લાડલવાયો – રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે – એ ગીતો સાથે આસું વહાવ્યાં હતાં!
ગિરીશભાઇ ચીતલીયાએ મેઘાણીનું અનુસર્જિત સૂના સમદરની પાળે વાંચીને ભાવથી વધાવ્યું હતું . મેઘાણીનાં મન મોર બની ટહુકાર કરે એ રવીન્દ્રનાથના ‘ નવી વર્ષા’ એ વાચકવર્ગને અપ્રતિમ આવકાર આપ્યો અને મને પણ વધુ સંશોધન કરવા પ્રેરણા આપી .. પાછળથી એને અન્ય બ્લોગમાં પણ સ્થાન મળ્યું . નરેન્દ્રભાઈનો આભાર !
મેઘાણીના માણસાઈના દિવા સર્જનની વાત છેડી ને દૂર દેશમાં વસતાં જયશ્રીબેન પટેલ સાથે જાણેકે આત્મીયતા બંધાઈ ગઈ ! તેમનાં દાદીની ઘેર રવિશંકર મહારાજને જવા આવવાનું હતું ; ને પછી તો મેઘાણી સાથે રવિશંકર મહારાજના જીવનને સ્પર્શવાનો લ્હાવો મળ્યો ! સ્થળ સંકોચને લીધે વધુ તો શું લખું ? પણ આઝાદીનાં આવા લડવૈયાઓની વાતો ફરી ફરીને વાગોળવી ગમે અને પ્રેરણાદાયી રહી છે . એવી જ વાતો સખી જિગીષા પટેલ સાથે પણ થઇ .
ને અહીં લોસ એન્જલસના પ્રકાશભાઈ પંચોલી , મીનાબેન પટેલ , ભારતીબેન ભાવસાર , વડીલ મનસુખભાઇ ગાંધી નલીનીબેન ત્રિવેદી , કુમુદબેન પરીખ , વગેરેને કેમ ભૂલું ? તે સૌના મંત્વયોએ પણ મને પ્રોત્સાહન આપ્યું છે .
મયુરી શાહે તો મેઘાણી વિષે દરિયામાં છુપાયેલ ઝવેરાત રત્નો સાથે આ ઝવેરચંદની સરખામણી કરી દીધી ! દરિયો ખાલી કરવા જેવું છે ઝવેરચંદનું સાહિત્ય જગત ! એમણે લખ્યું છે . મારાં આ પ્રયાસને એમણે આચમન સ્વરૂપ ગણીને સુંદર અંજલિ અર્પી છે ..
મિત્રભાવે દર અઠવાડીએ ટિપ્પણી કરવા સાથે ફોનથી પણ ચર્ચા કરનાર મારાં પરમ મિત્રો જિગીષાબેન , રાજુલબેન ! તમારી એકાદ ટિપ્પણી અહીં ઉલ્લેખું તે પૂરતું નથી ; મેઘાણીનાં બાળગીતો , લગ્નગીતો , વ્રત કથાઓ , નવલિકાઓ , નવલકથા કે ગાંધીયુગ , પંડિત યુગ , મેઘાણીનું જીવન હો કે મેઘાણીનું કવન – તમે સૌએ મને , મારાં આ પ્રયાસને વધાવ્યો છે . સાથે માર્ગદર્શક કલ્પનાબેન , સપનાબેન સૌનો હ્ર્દયથી આભાર !
પ્રજ્ઞાબેને પ્લેટફોર્મ આપ્યું અને માર્ગદર્શન પણ . મેઘાણી જેવી મહાન વિભૂતિને અંજલિ અર્પવાની મને તક મળી એ મારુ અહોભાગ્ય . એમણે ક્યાંક કહ્યું હતું લોકસાહિત્યની ખોજમાં નીકળનાર અભ્યાસુ વર્ગને કે ,’ તમે સૂર્ય કિરણ બનીને જશો તો સૂર્યમુખી ફૂલ જરૂર ખીલશે !” હું નમ્રતાથી કહીશ કે .. સૂર્યકિરણોથી ખીલેલાં સુર્યમુખીઓને મળવાનો નાનકડાં આ દીવડાને અવસર મળ્યો .. કારણ કે ઝવેરચંદ મેઘાણી જન્મજ્યંતિ વેળાએ મેઘાણી વિષે અનેક મહાનુભાવોને ઝૂમ વિડીયો કોલ દ્વારા મળવાનું ,જોવાનું એને સાંભળવાનું મળ્યું ! મેઘાણી માટે માત્ર ૫૦ લેખમાં લખવું પૂરતું નથી જ , પણ ગંગા મૈયાના
પાણીનું આ એક ચમચી આચમન બસ થઇ જશે , એમ સમજીને અહીં જ આ લેખમાળા પુરી કરીશું ! અસ્તુ !

સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ-રાજુલ કૌશિક

મિત્રો,

રાજુલબેનની કોલમ ‘સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ’ ના 50 લેખ પુરા થાય છે.

તો સૌ પ્રથમ ચાલો રાજુલબેનને વધાવીએ.         

રાજુલબેન પાસે નિબંધ લખવાની પોતાની એક કોઠાસૂઝ છે.શ્રી અવિનાશભાઈ પર લખવા કહ્યું ત્યારે મને કહે કોઈ એક વિષયના બદલે વ્યક્તિવિશેષની વાત કરવાની છે ને ?એમ કહો ને ! એમણે તરત અવિનાશભાઈનું નામ આપી રાજીપો દર્શાવ્યો. તેઓ ઓળખતા હતા એટલે બેવડો આનંદ દર્શાવ્યો. મને એક વાતની હતી ખાત્રી હતી કે શ્રી અવિનાશ વ્યાસ વાચક અને સર્જક બન્નેનું ગમતું વ્યક્તિત્વ હતું ,માટે બન્ને પક્ષે આત્મીયતાનો અનુભવ થશે જ  અને થયું પણ એવું જ ,રાજુલબહેને આંનદ સાથે મિત્રભાવે અને માન સાથે અવિનાશભાઈને પ્રગટ કર્યા,તો પ્રેક્ષકોએ એમને દિલથી વધાવ્યા અને વધુ જાણવાની ઉત્સુકતા પણ દેખાડી.
         મને તેમની પરિપક્વ અભિવ્યક્તિ ગમી, કોઈ શબ્દ રમત નહિ,એમણે અવિનાશભાઈને પ્રકૃતિ સહજ પ્રગટ કર્યા, ક્યારેક એમની  સંગીતની મોસમ અને પલટાતા મિજાજને પણ આલેખ્યા,તો વળી ક્યારેક લેખની ક્ષિતિજ વ્યાપક કરી સંગીત વિષે પણ લખ્યું ,જેનો અનુભવ તમને ૪૮મી લેખમાળામાં થયો હશે. પોતે વિતાવેલા સમયના સંભારણાનું સ્મરણ કરી આલેખવું અને આપણને પણ તેમાં ખેંચી જેવા,તે વાત સહેલી તો નથી જ. ભૂતકાળના વર્ષોમાં પાછા ફરવું પડે,ઘણું બધુ સંશોધન કરવું પડે અને મૂળ -કુળ ને શોધતાં એનું રસપ્રદ આલેખન કરવું એ રાજુલાબેનની કોઠાસૂઝ અને કલમની તાકાત દર્શાવે છે.ક્યારેક આંખમાં કેટલું સમાવવું એવી મીઠી મુંઝવણ પણ થતી,તો હવે શું ? એવા પ્રશ્ન પણ થયા. અવિનાશભાઈ તરફનો આદરભાવ અને એમના વણખેડ્યા ક્ષેત્રને પુરતો ન્યાય આપી શકશે કે કેમ એની અવઢવ હતી ,તેમ છતાં રાજુલબેને  લેખમાળાને સંપૂર્ણપણે ન્યાય આપ્યો.ગાયકની ગરિમાને સાચવી પોતે જ ભાવક બની ઓળખી શ્રી અવિનાશ વ્યાસને જીવંત કર્યા.
       રાજુલબેન પોતાની રીતે નોખા અને અનોખા છે અને એમનું નોખાપણું એમની ભાષાને કારણે છે.હું અનુકરણ કરું તો મારો ચાળો દેખાઈ આવે.એમણે પોતાના અનુભવ થકી એક વ્યક્તિનું વ્યક્તિત્વ એક અનોખી રીતે રજુ કર્યું.શ્રી અવિનાશ વ્યાસના પુરુષાર્થના પહાડને ચીતર્યો ,સાથે અનેક પરિસ્થતિ અનેક વ્યક્તિ અને અનેક વિભૂતીઓ વિષે પણ એમણે પ્રસંગો દાખવી આલેખન કર્યું તે પણ સાહજિકતાથી.જ્યાં જ્યાં અનિવાર્ય હોય ત્યાં માહિતી પણ આપી છે પણ સાથે સાથે લેખમાળા માહિતીપ્રચુર ન થઇ જાય,તેનું ધ્યાન રાખ્યું જે પ્રશંસનીય છે.અંનત કાળથી ગાન કરતા મહાગાયક વિષે વાંચવાનો આંનદ તો હતો,સાથે સંગીત વિષે જ્ઞાન અને અર્થ પૂર્ણ ગીતને પણ માણ્યાં.                                                                              તમે અમે આપણે સૌએ જાણતા અજાણતા,વાંચતા વાંચતા આપણા ભૂતકાળને વાગોળ્યો છે,ગમતા ગીતોને ગાયા છે વાગોળ્યા છે અને સૌથી મોટીવાત આપણા ગમતા ગાયક શ્રી અવિનાશ વ્યાસને આપણે સૌએ રાજુલબેન સાથે મળી વધાવ્યાં છે.જેનો જશ રાજુલબેનને જાય છે.ટૂંકમાં ગમતાનો ગુલાલ કર્યો છે.રાજુલબેન પાસે શૈશવનો અચંબો અને સર્જકની પરિપક્વતા બન્ને છે જે આ ૫૦ લેખમાળા દરમ્યાન માણી છે.વાચકની ઉત્સુકતાએ તેમને લખવાની પ્રેરણા પણ આપી છે.માટે વાચકોનો પણ આભાર માનું છું.
        દરેક વ્યક્તિમાં અંદરની લખવાની ઉત્સુકતા, જીજ્ઞાસા હોય છે. રાજુલબેનમાં પણ લખવાની ધગશ હતી. કશુંય હંમેશા પૂર્ણ નથી હોતું પણ પૂર્ણતા તરફ જવાનો અભિગમ હતો એ વાત મોટી છે શ્રી અવિનાશ વ્યાસની વાતોને કોઈ સીમામાં બાંધી ન શકાય પણ રાજુલબેનની કલમનો ‘બેઠક’નાં દરેક વાચકને મળ્યો.’બેઠક’ અને તેના દરેક સર્જકો અને વાંચકો તરફથી રાજુલબેનને ‘અભિનંદન’.હું એમને ફરી આમંત્રણ આપું છું કે જાન્યુઆરી મહિનાથી આપ ‘બેઠક’નો બ્લોગ “શબ્દોના સર્જન” પર એક નવા વિષય સાથે આપની કલમ રજુ કરો. 

આપણી ભાષા સમૃદ્ધ છે માટે વાંચન અને સર્જન સાથે ગતિમય રહેવી જોઈએ.આપણી માતૃભાષાને સાચવવાની જવાબદારી સૌની છે.વાચકો આપના સહકાર પ્રતિભાવ માટે આભાર, ​રાજુલબેન યોગદાનની ‘બેઠક’ કદર કરે છે અને અમે તમારા માટે ગૌરવ અનુભવીએ છીએ.

‘બેઠક’ – પ્રજ્ઞા દાદભાવાળા 

કલમના કસબી : કનૈયાલાલ મુનશી-49



કનૈયાલાલ મુનશીની  લેખમાળા અંતર્ગત ગત બે અંકથી આપણે સહુ માણી રહ્યા છીએ મુનશીની અંતિમ કૃતિ ‘કૃષ્ણાવતાર’ને. મુનશીની ઇતિહાસને જીવંત કરવાની કળાથી આપણે સહુ પરિચિત છીએ. પણ કૃષ્ણ એ આપણા માટે ઇતિહાસ નથી, પણ અવતાર છે. કૃષ્ણને વંદન કરીને આપણે કૃતકૃત્ય થઈએ છીએ કેમ કે કૃષ્ણ હર ધડકનનું સ્પંદન છે.

કૃષ્ણના આકર્ષક વ્યક્તિત્વની ઝાંખી મૂળ મહાભારતમાં મળે છે. પરંતુ તેના પર દંતકથાઓ, ચમત્કારો અને ભક્તિના કારણે અનેક સ્તોત્રોના સ્તર ચડતા ગયા. શ્રીકૃષ્ણ શૂરવીર હતા, તો શાણા પણ હતા. તેઓ પ્રેમાળ હતા, છતાં તેમની જીવનચર્યા મુક્ત હતી. તેમનામાં પૂર્ણ માનવીની પ્રફુલ્લતા હતી. તો શ્રીકૃષ્ણનો પ્રભાવ દૈવી હતો. મુનશીએ આ પહેલાં પણ નવલકથા તેમજ નાટકોમાં પૌરાણિક પાત્રોનું નિરૂપણ કર્યું છે. અગસ્ત્ય, લોપામુદ્રા, વસિષ્ઠ, વિશ્વામિત્ર, પરશુરામ અને સહસ્રાર્જુનને ‘લોપામુદ્રા”, ‘લોમહર્ષિણી’ અને ‘ભગવાન પરશુરામ”માં આલેખ્યા હતા તો ચ્યવન ને સુકન્યા ‘પુરંદર પરાજય” અને “અવિભક્ત આત્મા” માં વસિષ્ઠ અને અરુંધતિના પાત્રો નિરુપ્યા હતા. એ જ રીતે શ્રીકૃષ્ણનું આલેખન કરતાં પણ મુનશીએ કેટલીક ઘટનાઓ તેમના વ્યક્તિત્વને સુસંગત બનાવવા ઉપજાવી કાઢી છે. મુનશીએ પોતાની કલ્પનાનો આશ્રય લઈને પુરાણોના કેટલાક  પ્રસંગોના નવા અર્થ પણ ઘટિત કર્યા છે. અને એ વાત જ સમગ્ર કથાને ખૂબ  રોચક બનાવે છે. 


કૃષ્ણ અને તેની કથાથી કોણ પરિચિત નથી? તો પછી કૃષ્ણમાં અવતાર કહી શકાય તેવું શું છે? આજે પણ કૃષ્ણ કેમ પ્રસ્તુત છે ? કદાચ આવા પ્રશ્નો અસ્થાને નથી. કૃષ્ણ સહુને પરિચિત છે, છતાં અપરિચિત છે કારણ કે કૃષ્ણ સદંતર નવીન છે. કૃષ્ણ આંખોથી જોવા કે કાનથી સાંભળવા કરતાં હ્રુદયથી અનુભવવાની વાત છે. રાધાની આંખોથી પ્રતીક્ષા કરીએ કે મીરાંની જેમ કૃષ્ણભક્તિમાં લીન થઈએ કે નરસિંહની જેમ કરતાલ લઈ ભજીએ તો કૃષ્ણ નર નહીં, પણ નારાયણ છે. આત્માથી પરમાત્મા સુધીની દોટ છે. કૃષ્ણ રસમય છે કારણ કે તે નિત્ય નવીન છે. કૃષ્ણ બાલકૃષ્ણ તરીકે ગોકુળમાં બાલ કનૈયો છે, તો ઇન્દ્રને પડકાર ફેંકી ગોવર્ધન તોળનાર કૃષ્ણ એ શક્તિમાન ગોવર્ધનનાથ પણ છે. રાસ રમનાર અને રાધાજીના પ્રેમને આત્મસાત કરનાર કૃષ્ણ મથુરામાં કંસને મારી પણ શકે છે, તો ચાલાક કૃષ્ણ કાલયવનથી  યુદ્ધમાં નાસે છે અને રણછોડ તરીકે પ્રખ્યાત થાય છે. કૃષ્ણ કાલયવનનો નાશ મુચકુંદ ઋષિ દ્વારા કરાવે છે. પરંતુ આ જ કૃષ્ણ દ્વારિકાધીશ તરીકે દ્વારિકાને સોનાની દ્વારિકાનું નામ અપાવી શકે તેવી વિચક્ષણતા ધરાવે છે અને પાંડવોને વિજય પંથે દોરી જનાર કૃષ્ણ જ ગીતાના ઉદ્ ગાતા પણ બને છે અને કર્મયોગનો ઉપદેશ પણ આપે છે. કૃષ્ણ નર અને નારાયણ બંને છે અને તેથી જ કૃષ્ણ અવતાર છે.

‘કૃષ્ણાવતાર’ ના પાંચમા ખંડ ‘સત્યભામાનું કથાનક’ માં વિવિધ પુરાણોમાં વર્ણવેલી સ્યમંતક મણિની ઘટના, જે શ્રીકૃષ્ણના જીવન સાથે અનેરી રીતે સંકળાયેલી છે, તે મુનશીએ ખૂબ જ રોચક અને પ્રતીતિકર રીતે રજૂ કરી છે. શ્રીકૃષ્ણના પરાક્રમો અને ચમત્કારની કથાઓ સાંભળી મનોમન કૃષ્ણ વાસુદેવને પતિ તરીકે મેળવવાની ઇચ્છા રાખતી સત્યાના પિતા સત્રાજીત કૃષ્ણને પસંદ કરતાં ન હતા. કારણ તેઓ માનતા કે યાદવોના તમામ કમભાગ્યના મૂળમાં કૃષ્ણ જ રહેલા છે. આવા સંજોગોમાં કૃષ્ણ પર સ્યમંતક મણિની ચોરીનું આળ આવે છે. ત્યારે સત્યા કઈ રીતે કૃષ્ણને મદદ કરે છે, કૃષ્ણ બહાદુરી અને કુનેહથી રીંછમાનવોના પ્રદેશમાં જાંબવાન પાસેથી મણિ પાછો મેળવે છે, જાંબવતી રોહિણી સાથે લગ્ન કરે છે, સત્રાજીતની યાદવો પર વર્ચસ્વ મેળવવાની મહત્વાકાંક્ષાના ચૂરેચૂરા કરે છે, સત્યભામા સાથે લગ્ન કરે છે તેની દિલધડક કથા વાચકોને જકડી રાખે છે.

‘કૃષ્ણાવતાર’નો છઠ્ઠો ખંડ છે –‘મહામુનિ વ્યાસ”. પુરાણ સાહિત્યમાં વ્યાસનો ઘણો મોટો હિસ્સો છે. મોટા ભાગનાં પુરાણો વ્યાસમુનિએ રચેલા કહેવાય છે. તેઓ વેદના સંસ્કર્તા અને ધર્મના અવતાર તરીકે દર્શન દે છે. મૂળ મહાભારતની રચના મહર્ષિ વેદવ્યાસે કરી હોવાનું કહેવાય છે. તેમણે વેદની વિવિધ શાખાઓને વ્યવસ્થિત કરી અને શ્રુતિને પ્રમાણિત રૂપ આપ્યું. એ વ્યવસ્થા 3000 વર્ષ પછી પણ અકબંધ જળવાઈ રહી છે. વ્યાસ ધર્મની રક્ષા કરનાર પ્રચંડ વ્યક્તિત્વ ધરાવતા હતા. શ્રીમદ ભગવદગીતામાં શ્રીકૃષ્ણ પોતાને વ્યાસ સાથે સરખાવે છે. ખંડના અંતે વ્યાસ કહે છે: “ દેવો મને પોતાની પાસે નહીં બોલાવી લે ત્યાં સુધી હું ધર્મ માટે જ જીવીશ….ભગવાન સૂર્ય મારાં પગલાંને ત્યાં સુધી દોરી જશે.”

‘કૃષ્ણાવતાર’ના સાતમો ખંડ ‘યુધિષ્ઠિરનું કથાનક”માં શકુનિના પ્રપંચથી ધર્મરાજ યુધિષ્ઠિર દ્યુતમાં પરાભવ પામે છે તેની વાત છે.

‘કૃષ્ણાવતાર’નો આઠમો ખંડ ‘કુરુક્ષેત્રનું કથાનક’ અપૂર્ણ રહ્યો. આ કથાની શરૂઆતનો ઇતિહાસ રસિક છે પણ અંતનો ઇતિહાસ કરૂણ છે. જ્યારે લેખનકાર્ય આરંભ્યુ ત્યારે ફક્ત બે ખંડમાં જ આ કથા રજૂ કરવાની મુનશીજીની ઇચ્છા હતી. પણ જેમ જેમ કથા આગળ વધતી ગઈ તેમ તેમ વાચકસમુદાયનું એના પ્રત્યેનું આકર્ષણ વધતું ચાલ્યું. મુનશીજીને પણ શ્રીકૃષ્ણના જીવનમાં અગત્યનો ભાગ ભજવતાં પુરાણ અને મહાભારતના પાત્રોએ આકર્ષ્યા. પરિણામે એમણે કથા લંબાવી અને જીવનના અંતિમ દિવસોમાં પણ આઠમા ખંડ સુધી વાર્તાપ્રવાહ અસ્ખલિત વહેતો રાખ્યો. સાતમા ખાંડના પ્રાસ્તાવિક લખ્યાના માત્ર બાર દિવસ પછી જ મુનશીજીની જીવનલીલા સંકેલાઈ ગઈ અને એક મહાનવલ અધૂરી રહી ગઈ.

કૃષ્ણ જ્યાં પણ જતા, ત્યાં લોકો એમને પૂજતા, કલહ આપોઆપ શમી જતા અને ધર્મ માટે આધાર પ્રગટતો. કૃષ્ણનું જીવન કાર્ય વિશિષ્ટ હતું. ધર્મશીલોનું રક્ષણ, દુષ્ટાત્માઓને દંડ અને ધર્મની સ્થાપના. મુનશીના શબ્દોમાં કૃષ્ણ ‘શાશ્વત ધર્મગોપ્તા’ હતા. यतो धर्म स्ततो जय: કૃષ્ણ ની હાજરીમાં જીવનનું તેજ પ્રસરી જતું. તેમનું સ્મિત સૌને જીવનનું બળ આપતું. કૃષ્ણના ઉત્સાહનો પ્રવાહ પણ લોકો પર પડતો. કૃષ્ણનું વ્યક્તિત્વ તેમના મુકુટમાં ધારણ કરેલ મોરપિચ્છ સમાન વિવિધરંગી અને મોહક છે. કૃષ્ણ એટલે આકર્ષણ, મોહિની રૂપ, સખા, પ્રેમી, રાજનીતિજ્ઞ, ગ્વાલ, રાજા ….અને ઘણું બધું. મુનશીની મહારત એ છે કે કથા ભલે પરિચિત હોય, પણ ‘કૃષ્ણાવતાર’ માં કૃષ્ણને આપણે મળીએ છીએ , ઓળખીએ છીએ એક નવા સ્વરૂપે – આને શું કહીશું ? કલમનું કૌવત, કૌશલ્ય , કળા કે કસબ ?

રીટા જાની

કલમના કસબી : કનૈયાલાલ મુનશી-48




કલમના કસબી કનૈયાલાલ મુનશી અંતર્ગત આપણે માણી રહ્યા છીએ – ‘કૃષ્ણાવતાર’ નો ખંડ -3 ‘ પાંચ પાંડવો’. અને પ્રસંગ છે દ્રૌપદીનો સ્વયંવર .

નવલકથા આગળ વધતાં આપણે હવે એવા વળાંક પર છીએ જ્યાં કૃષ્ણ દ્રૌપદીને વરવાનો દ્રુપદનો પ્રસ્તાવ સ્વીકારતા નથી. પરંતુ સૂચન કરે છે કે આર્ય પરંપરા અનુસાર સ્વયંવર રચવામાં આવે અને તેમાં દ્રૌપદી તેની ઇચ્છા પ્રમાણે શ્રેષ્ઠ ધનુર્ધરને વરમાળા પહેરાવી પોતાનો પતિ નિર્ધારિત કરે. દ્રુપદ તે અનુસાર બધા રાજાઓને આમંત્રિત કરે છે. ભવ્ય તૈયારી થઈ ચૂકી છે. પણ દ્રુપદ અને દ્રૌપદીને મૂંઝવણ થાય છે. દ્રુપદની મૂંઝવણ રાજાઓ વિષે છે તો દ્રૌપદીની મૂંઝવણ કંઇક આવી છે. તે કૃષ્ણ ને કહે છે કે સ્વયંવરના કારણે કદાચ દુર્યોધન કે અશ્વત્થામા જીતી જાય તો તેને હસ્તિનાપુર લઈ જાય તો ? કે જરાસંધ કસોટીમાં જીતે તો? હવે કૃષ્ણ આનો ઉત્તર કંઇક આ રીતે આપે છેઃ તમે મારામાં મુકેલી શ્રધ્ધાએ મને બળ આપ્યું હતું. પણ હવે તમારી અશ્રદ્ધા જોતાં લાગે છે કે હું નિષ્ફળ ગયો છું. તમને મારામાં શ્રદ્ધા નથી. જે લોકો શ્રદ્ધાનો ચમત્કાર જોઈ શકતા નથી કે શ્રદ્ધાનું સંગીત સાંભળી શકતા નથી તો હું કઈ રીતે ચમત્કાર કરી શકું ? કૃષ્ણ સમજાવે છે કે દ્રૌપદીનું પિતાના સન્માન માટેનું આત્મબલિદાન એ ધર્મ છે, પણ ધર્મ માત્ર અહંકાર કે દ્વેષનું સાધન ન હોય શકે. ધર્મ એ ભગવાનની ઈચ્છા છે – મંદિરમાં મૂર્તિરૂપે વસે એ ભગવાનની નહીં, પણ આપણા બધામાં પરમતત્ત્વ રૂપે વસે છે તે ભગવાન. અને કૃષ્ણ કહે કે આર્યાવર્તના રાજ્યોમાં ધર્મનું શાસન સ્થપાય તે તેમનું કાર્ય છે.

દ્રૌપદી પૂછે છે કે આ સમયે તેનો શો ધર્મ છે? કૃષ્ણ કહે છે કે શ્રધ્ધા સાથે સ્વયંવરમાં પ્રવેશ કરી આર્યાવર્તના શ્રેષ્ઠ ધનુર્ધરની પત્ની બની તેણે ધર્મને અનુસરવું. તો તારા પિતાનો વિજય થશે અને દ્રોણનો પરાજય. કારણ કે રણક્ષેત્રમાંનો પરાજય જીવનને હણે છે, જ્યારે ધર્મક્ષેત્રમાંનો પરાજય અહંકાર , ક્રોધ અને દ્વેષને હણે છે. કૃષ્ણ તેને કહે છે કે તેણે કોઈ ભય વગર સ્વયંવરનો સામનો કરવો. કૃષ્ણ તેની પડખે જ છે. અને પરિણામે દ્રૌપદી અને દ્રુપદ ચિંતા મુક્ત બને છે.

દરમ્યાનમાં શિખંડી, યક્ષ સ્થૂલકર્ણની મુલાકાત કરાવી દ્રુપદને જણાવે છે કે લાક્ષાગૃહમાં દુર્યોધનના કાવતરાંના લીધે આગ લાગી હતી. જો દુર્યોધન ધનુર્વિદ્યાની કસોટી જીતી જશે તો રાજસભા સમક્ષ પાંડવોને બાળી મૂકવાનો આરોપ મૂકી તે
દરમ્યાનગીરી કરશે. દ્રુપદ કહે છે કે દુર્યોધન જેવા આતતાયીને પુત્રી વરે એ કરતાં તે ધર્મયુદ્ધમાં ઉતરશે. કૃષ્ણની મુલાકાતના લીધે જરાસંધ પણ દ્રૌપદીના અપહરણની યોજના રદ કરે છે.
પરંતુ …સ્વયંવરમાં શું થાય છે ?
સ્વયંવર મંડપ વચ્ચે એક જળાશય હતું. તેની ઉપર લક્ષ્ય ગોઠવવામાં આવ્યું હતું. તે હતું એક વર્તુળ આકારે ઘૂમતી માછલી. ધનુષ્ય વડે પાણીમાં પ્રતિબિંબ જોઈ તેને વીંધવાનું કાર્ય કરવા રાજસભા ઉપસ્થિત હતી. તેમાં ક્ષત્રિય રાજાઓ અને બ્રાહ્મણો પણ હતા. એક પછી એક રાજાઓ નિષ્ફળ પ્રયત્ન કરે છે.
અને…
કૃષ્ણની દ્રષ્ટિ બ્રાહ્મણોના કક્ષમાં બેઠેલા પાંડવો પર સ્થિર થાય છે. તેમની આંખોમાં ચમક છે કેમ કે કૃષ્ણને હવે પૂર્ણ વિજય દેખાય છે. તે બલરામને આ કહે છે …ત્યાં તો દુર્યોધન દ્રૌપદીને વરવાના મનોરથ સાથે ધનુષની પણછ બાંધવા પ્રયત્ન કરે છે અને તેને સંભળાય છે ભીમનું અટ્ટહાસ્ય. તેનો આત્મવિશ્વાસ રહેતો નથી અને તે નિષ્ફળ જાય છે. કર્ણ પણ સારથિપુત્ર હોવાને લીધે તેને ધૃષ્ટદ્યુમ્ન ભાગ લેતો અટકાવે છે.
અને…
બ્રાહ્મણોના કક્ષમાંથી ઉભો થાય છે એક તરુણ. દ્રુપદ કહે છે સ્પર્ધા બ્રાહ્મણો માટે પણ ખુલ્લી છે.
હવે…
સમસ્ત સભા અધ્ધર શ્વાસે આ બ્રાહ્મણ તરુણને , તેની ચપળતાને , તેની કુશળતાને જોઈ રહી છે. દ્રૌપદી પણ આતુરતાથી આ વીરના પ્રયત્નને નીરખી રહી છે …દૃઢતાથી યુવક લક્ષ્યના પ્રતિબિંબને જોઈ તીર છોડે છે અને માછલીની આંખ વીંધાય છે.
…ઉત્તેજનાથી સભર આંખો વાળી દ્રૌપદી સલજ્જ વદને યુવકના કંઠમાં વરમાળા આરોપણ કરે છે…
એ છે અર્જુન.
કેટલાક રાજવીઓ શસ્ત્રો લઈ ઊભા થાય છે. રાજકન્યા બ્રાહ્મણને ન વરી શકે. સ્વયંવરમાં માત્ર ક્ષત્રિયો જ હોય .
…પણ ભીમ ભયંકર ગર્જના સાથે એક વૃક્ષ ઉખેડી નાખી બધાને રોકી દે છે .
સભાના હર્ષનાદ વચ્ચે..
કૃષ્ણ કહે છે : “કૌંતેય , તને મારા આશીર્વાદ છે.”
દ્રુપદને સત્ય સમજાય છે. દ્રૌપદીને વરનાર આર્યાવર્તનો શ્રેષ્ઠ ધનુર્ધર અર્જુન જ છે .
દ્રુપદ કહે છે..
વાસુદેવ તમે તમારો કોલ પાળ્યો ખરો .
અને પાંચાલરાજના ગાલ પર હર્ષના અશ્રુ વહી રહ્યાં…

દ્રૌપદીના સ્વયંવરનું આ શબ્દચિત્ર મહાભારતની એ ક્ષણોને સજીવ કરી દે છે. મુનશીનું આ શબ્દ આલેખન માણતા આપણે પણ કલ્પના સૃષ્ટિમાં સજીવ થઈએ છીએ ….આપણને પણ દેખાય છે વાસુદેવનું સ્મિત , એ સ્નેહાળ આંખો, એ ચાલાક છતાં મમતામય વ્યક્તિત્વ , ધર્મના સંસ્થાપન માટે ઝઝૂમતા કૃષ્ણ …આંખોની એ ચમત્કારીતા ..


‘કૃષ્ણાવતાર ‘ 3 માં દ્રૌપદીના સ્વયંવર અને કૃષ્ણનું અદભુત ચરિત્ર માણ્યા પછી આવે છે ભાગ 4માં ‘ભીમનું કથાનક’. દ્રૌપદીના સ્વયંવરના અનુસંધાનમાં મુનશીની કલમનો કસબ અહીં પણ જોવા મળે છે. પાંડવો દ્રુપદ પાસેથી હસ્તિનાપુર જવાની યોજના બનાવે છે કેમ કે પિતામહ તથા ધૃતરાષ્ટ્ર તેમનું સ્વાગત કરવા માગે છે. ભીમ દ્રુપદ સાથે તેની તૈયારી કરવા ચર્ચા કરે છે. તે દ્રુપદને કહે છે કે તમારા જમાઈઓ વિજેતાના ઠાઠમાઠથી હસ્તિનાપુરમાં પ્રવેશે કે ધૃતરાષ્ટ્રના દીન , આધીન આશ્રિતો રૂપે? દ્રુપદ કહે છે કે તે જોઈએ તે હસતા મુખે આપશે . ભીમ ભાઈઓને આ વાત કરી સ્વાગત યાત્રાનો માર્ગ નક્કી કરે છે અને કહે છે કે તે મોખરે રહેશે અને કૃષ્ણ છેલ્લે જેથી લોકો તેને જ કૃષ્ણ સમજીને સ્વાગત કરે . કૃષ્ણ કહે છે કે ભીમ ડાહ્યો છે.

એ જ રીતે કાશીની રાજકુમારી અને દુર્યોધનની પત્ની ભાનુમતીની બહેન જાલંધરાના ભીમ સાથેના પ્રેમ પ્રકરણનું વર્ણન કરતાં મુનશીની રસાત્મક અને વિનોદી શૈલી જણાઈ આવે છે. કૃષ્ણ પણ અહીં વિનોદી પાત્ર તરીકે નજરે પડે છે. કૃષ્ણ અહીં વિનોદી વ્યક્તિત્વ તો છે જ પણ દુર્યોધનની પત્ની ભાનુમતીનો સંદેશ તેની બહેન દ્વારા મળતાં જ કૃષ્ણ દુર્યોધનની પરવા કર્યા વિના જ ભાનુમતીને મળવા જાય છે. પુત્રજન્મ બાદ બિમાર ભાનુમતી પોકાર કરે છે:” ગોવિંદ, તમે ક્યાં છો?” કૃષ્ણ ભાનુમતીનો હાથ આર્યપરંપરાથી વિપરીત, પરિણીત સ્ત્રીને સ્પર્શ ન કરવાની પ્રણાલિકા હોવા છતાં મરણોન્મુખ ભાનુમતીનો હાથ હાથમાં લઇ વચન આપે છે: “બહેન , હું હંમેશા તારી વહારે રહીશ”. ભાનુમતી દેહત્યાગ કરે છે. આપણી સજળ આંખોમાં પ્રસ્તુત થાય છે કૃષ્ણનું સ્નેહાળ , આર્દ્ર અને વાત્સલ્યમય સ્વરૂપ.

કૃષ્ણ માત્ર પ્રણાલિકા ભંજક નથી , વિનોદી અને વ્યવહારકુશળ જ નથી, કૃષ્ણ છે સામર્થ્ય અને સ્નેહ ; કૃષ્ણ છે વાત્સલ્ય અને પ્રેમ. આ વાત્સલ્ય , આ પ્રેમ , આ સ્નેહ પ્રતીત થાય છે ‘કૃષ્ણાવતાર’માં. મહાભારતની પૃષ્ઠભૂમિ સાથે મુનશીની શબ્દયાત્રા આપણી પણ સ્નેહયાત્રા બને છે. આપણી આંખો સમક્ષ એ જ મૂર્તિ પ્રસ્તુત છે … એ જ મોહિની …કૃષ્ણાવતાર…કૃષ્ણ એટલે જ મોહન… મનમોહન .

રીટા જાની

૫૦ – मेरे तो गिरधर गोपाल: અલ્પા શાહ

વાચકોના ભાવ-પ્રતિભાવ

“The reader’s feedback is the muse for great written works of art” – Sarah Scott

મિત્રો, જાન્યુઆરી ૨૦૨૦ માં શરુ થયેલી “મેરે તો ગિરિધર ગોપાલ” લેખમાળાની સફર હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી છે. આ સમગ્ર વર્ષ દરમિયાન તમે સૌ વાચકો મારી સાથે આ સફરમાં જોડાયા અને મને અનેક માધ્યમોથી પ્રતિભાવ અને પ્રોત્સાહન આપતા રહ્યા તે માટે હું આપ સૌની આભારી છું.આ પ્રતિભાવોમાંથી થોડાક ચૂંટેલા પ્રતિભાવો આજે તેમનાજ શબ્દોમાં અહીંયા રજુ કરું છું.

આવતા અઠવાડિયે આ લેખમાળાનો ૫૧મો અંતિમ લેખ હું રજુ કરીશ અને જેમાં આ લેખમાળાના સર્જન દરમિયાન સર્જકની એટલે કે મારી અનુભૂતિ વર્ણવવાનો પ્રયત્ન કરીશ.

– અલ્પા શાહ.

ડૉ. ભારતીબેન  પરીખ, વડોદરા

ડૉ. ભારતીબેન પરીખ આમ તો વડોદરાના રહેવાસી પણ હાલ અમેરિકામાં પોતાના પુત્ર/પુત્રી સાથે રહે છે. સાહિત્યની સાથે નાનપણથીજ નિસ્બત. ડૉ. પરીખ અંગ્રેજી/સંસ્કૃત સાહિત્યમાં M.A. અને English Literature માં Ph.D. ની પદવી પ્રાપ્ત કરેલ છે. ૨૦૧૦ માં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી ઇંગ્લીશના પ્રોફેસરના પદેથી નિવૃત થયા. તેમના સેવાકાળ દરમિયાન તેમને ૪૦ જેટલા શોધ લેખો અનેક પુસ્તકોમાં પ્રકાશિત કરેલ છે. સાથે સાથે અનેક national અને international conferences માં papers present કરેલ છે. બંગાળી, મરાઠી, ગુજરાતી તથા English ભાષાના સાહિત્યના વાંચન અને અધ્યયન નો આસ્વાદ વર્ષો સુધી માણ્યો . સેવાનિવૃત્તિ બાદ પણ ગુજરાતી સાહિત્યનો રસ સર્વોપરી રહ્યો છે.

ડૉ. ભારતીબેન પરીખનો પ્રતિભાવ તેમના શબ્દોમાં…

લખવાનો શોખ  તો મારુ ગમતું કામ છે પણ કંઈક કારણ શોધતી હતી. અલ્પાની “મેરે તો ગિરિધર ગોપાલ” શ્રેણીએ એ કારણ પણ આપી દીધું. આમતો અલ્પા મારી ભત્રીજી થાય. અલ્પાના પિતાશ્રી પ્રિયવદનભાઈ શાહ મારા ફોઈના દીકરા ભાઈ થાય. ભાઈ અને વીણાભાભી (અલ્પાના માતુશ્રી) મારાપર ખુબ વહાલ વરસાવે. બંનેનો સ્વભાવ ખુબ આનંદી,હસમુખો અને જીવનથી ભર્યો ભર્યો. તેઓના લગ્ન પછી વીણાભાભી તો મારા પ્રિય ભાભી બની ગયેલા.આજે પણ એ બંનેને યાદ કરું ત્યારે આંખોમાં ઝળહળીયા આવી જાય છે. અલ્પા સાથે લગભગ ૨૦ વર્ષ પછી આ વર્ષે Januaryમાં વડોદરામાં મુલાકાત થઇ અને આ મુલાકાત આનંદના અતિરેકમાં શબ્દોના સથવારે ફરી ઝીલાશે તેની ક્યાં ખબર હતી!

મેં “મેરે તો ગિરિધર ગોપાલ” ના શરૂઆતથી માંડીને લગભગ ૪૫ લેખ વાંચ્યા છે. મીરાંબાઈને અલ્પાએ કણ કણ માં પીગળીને આત્મસાત કરેલ છે તે માણ્યા.આ લેખમાળામાં મીરાંબાઈના જીવન,આંતર વિશ્વ,તેમના આરાધ્ય પરનો અતૂટ વિશ્વાસ અને સમર્પણને તાદ્રશ થતા નિહાળ્યા.અલ્પાએ ખુબ જહેમતથી આ લેખમાળામાં મીરાંબાઈના જાણીતા,ઓછા જાણીતા અને લોકજીવનમાં વણાઈ ગયેલા પદોની તલસ્પર્શી અને ઉદ્દાતભાવ થી  છણાવટ કરી છે.અને સાથે સાથે સંગીતનો પણ સાહિત્ય સાથે અદભુત સમન્વય સાધ્યો છે. કંઈક પામવા માટે કંઈક વિશેષ પ્રયત્ન કરવા પડે છે.જયારે માનવીએ વિજ્ઞાન ક્ષેત્રે અદભુત પ્રગતિ સાધી છે ત્યારે માનવીના આંતરવિશ્વમાં ડૂબકી મારવાની કેટલી તાતી જરૂરિયાત છે એ આ લેખમાળા સમજાવી જાય છે. અલ્પાને આ લેખમાળા આપવા બદલ ખુબ ખુબ અભિનંદન. અલ્પા એની કલમ દ્વારા વાચક, ભાવક અને સાહિત્યરસિકોને વધુને વધુ અમીપાન કરાવતી રહે તેવા અંતરના આશિષ.

અને સાથે સાથે, ગુજરાતથી માઈલો દૂર રહીને આપણી માતૃભાષાના સાહિત્યને તમે અપરંપાર પ્રેમથી પોંખો છે તે બદલ “બેઠક” અને પ્રજ્ઞાબેન દાદભાવાલાને ખુબ ખુબ અભિનંદન. એક સર્જનાત્મક પ્રયત્નને  સદેહે આવકારવા અને પ્રેમ થી વધાવવા તમે આતુર છો તે અનુભવીને તૃપ્તિનો ઓડકાર આવે છે. ગુજરાતીઓ ના ગૌરવને તમે સહુ અમેરિકાની ભૂમિ પાર રહીને ખરેખર ચરિતાર્થ કરી રહ્યા છો તેનાથી મોટી સાહિત્યની સેવા બીજી શું હોઈ શકે. આપની આ પ્રવૃત્તિ વધુને વધુ ફેલાય અને વેગ પામે તેવી શુભેચ્છા સાથે વિરમું છું.

ડૉ. ભારતી પરીખ, December 1st, 2020

જયશ્રીબેન પટેલ, મુંબઈ/વડોદરા

જયશ્રીબેન પટેલ વડોદરાના રહેવાસી.અભ્યાસ એમ.એ ભારતીય સંસ્કૃતિમાં કર્યો. ગુજરાતી ભાષા સૌથી વધુ પ્રિય છે. તેમના કાવ્યો,લેખો ,ટૂંકી વાર્તાઓ,નવલિકાઓ તેમજ ભૂલકાઓનું બાળ સાહિત્ય માતૃભારતી,યુગ વંદના , નવ ચેતન પ્રતિલિપિ તેમજ અલગ અલગ ન્યૂઝ પેપરમાં આવે છે. 

જયશ્રીબેન પટેલનો પ્રતિભાવ તેમના શબ્દોમાં…

પ્રિય અલ્પાબેન, નમસ્તે

     मेरे तो गिरधर गोपाल: અલ્પા શાહ તમારી સીરીઝ ,એટલે મારે મન એક એવો અવસર કે હું ક્યારે મૂકાયને ક્યારે દિવાની મીરાંમય થાઉં એની રાહ જોતી હોઉં. મીરાંના પદ,ગીત અને ભજનને તેનો પરિચય વધુને વધુ તમારા લખાણની થયો. તમે કેટલું ચિંતન કર્યુ હશે, કેટલાં મીરાંનાં નજીક જઈ તેના હૃદયમાં વસેલી કૃષ્ણ ભક્તિને મંથન કરી લોકો સમક્ષ રજુ કરી છે.

      આજે પણ મીરાંબાઈના વર્ષાઋતુના પદો વાંચી મન પ્રફુલ્લિત થઈ ગયું.વર્ષા ઋુતુ હોય કે ઠંડી કે ગરમી..એણે તો કહ્યું છે એકદિન સુખ તો એક દિન દુ: તો પણ તેને માટે તો ગિરધર બધું.

         બહુજ સરસ આલેખન .અભિવ્યક્તિ અને શબ્દોની ગૂંથણી કરી છે.આપે.ખૂબ ખૂબ અભિનંદન અને મીરાંની નજીકથી ઓળખાણ કરાવી માટે આભાર.

જયશ્રી પટેલ, ૪/૧૨/૨૦૨૦

કલ્પનાબેન રઘુ, બે એરિયા, કેલિફોર્નિયા

બે એરિયાના ગુજ્રરાતી સાહિત્ય વર્તુળમાં કલ્પનાબેન રઘુ ના નામથી કોણ અજાણ્યું હોય?, કલ્પનાબેન એક કટાર લેખક છે. બેઠકની શરૂઆતથી જ બેઠકના સહ સંચાલિકા છે. નારી શક્તિ, શબ્દ, કહેવતો, ફિલ્મી ફોરમ પર તેમજ અનેક ચિંતન લેખો લખ્યા છે. શબ્દોના સર્જન તેમજ અન્ય બ્લોગ પર, મેગેઝીનોમાં અનેક લેખો તેમજ ન્યૂઝપેપરમાં ન્યૂઝ રિપોર્ટ લખ્યાં છે. Food for soul અને food for body તેમના ગમતા વિષયો છે. અનેકવિધ પ્રતિભા ધરાવતા તેઓ લેખન ઉપરાંત સંગીત, વાચિકમ, અભિનય,યોગ, compering તેમજ counseling જેવા વિષયોમાં રસ ધરાવે છે.

કલ્પનાબેન રઘુ નો પ્રતિભાવ તેમનાજ શબ્દોમાં…

મીરાં અને માધવની સદીઓ પુરાની પ્રીતને ૫૦ લેખ દ્વારા શબ્દ સ્વરૂપે પ્રસ્થાપિત કરનાર અલ્પા બહેને માધવ સુધી પહોંચવાની એક કેડી રચી છે. ખૂબ ખૂબ ધન્યવાદ અલ્પાબેન! તમારી કલમની કોમળતા અને તેમાંથી ટપકતી ભક્તિનો રસાસ્વાદ એક એક લેખમાં અનુભવાય છે. તેનું રસપાન કરવા માટે વાચકે તમારા માનસ હૃદયમાં પ્રવેશ કરીને મીરાં બનવા પ્રયત્ન કરવો રહ્યો. પોતાના અસ્તિત્વને ઓળઘોળ કરીને, ભગવા રંગે રંગાઈને, વિરહની વેદના સહીને ,વૈરાગના રસ્તે જે રીતે મીરાંબાઈ માધવમાં સમાયાં હતાં તે અંગેની વણસાંભળી વાતોને તમે જે રીતે રજૂ કરી છે તે માટે મારી પાસે શબ્દો નથી. તમામ વાતો વાંચીને તેને મમળાવતા કૃષ્ણ ભક્તિ વધુ ને વધુ દૃઢ થાય છે. મીરાંને વાંચવા અને તેના સૂરની છાલકમાં ભીંજાવા, તમે પીરસેલી કથા ચોક્કસ વાચકને તૃપ્તિનો ઓડકાર આપશે તેમાં શંકા નથી. “मेरे तो गिरधर गोपाल:” શબ્દોથી નિ:શબ્દ થવાની યાત્રા માટે તમારો ખૂબ આભાર. તમારી કલમમાં મા સરસ્વતીનો વાસ રહે તેવા અંતરના આશિષ!

                                                                      કલ્પના રઘુ

જિગીષાબેન પટેલ,બે એરિયા, કેલિફોર્નિયા

જિગીષાબેન  -લેખક,કવિયત્રી,પત્રકાર,બેઠકનાં સહ-સંચાલક તેમજ ફેશનડીઝાઈનર. જીવનની દરેક પળને દરેક પરિસ્થિતિમાં આનંદ સાથે માણતા જીવવું તેવું માનતા જિગીષાબેન  કલા,સાહિત્ય અને આધ્યાત્મમાં ઊંડો રસ ધરાવે છે.જીવનના ૨૫ વર્ષ ફેશનડીઝાઈનર તરીકે બુટિક ચલાવ્યા બાદ હવે લેખન અને સાહિત્યની પ્રવૃતિઓ સાથે સંકળાયેલા છે.”બેઠક”ના બ્લોગ પર અને ફિલીંગ્સ,રાષ્ટ્રદર્પણ,ગુજરાત દર્પણમાં પણ નિયમિત રીતે તેમના લેખ પ્રકાશિત કરે છે. હાલમાંજ તેમણે “બેઠક” ના બ્લોગ પર “કબીર” પરની શ્રેણીના પચાસ લેખો પ્રકાશિત કર્યા છે જે ખરેખર માણવા જેવા છે. હાલ દિવ્યભાસ્કરનાં બ્યુરો ઈન ચાર્જ એન્ડ કોમ્યુનિટી રીલેશન ફોર કેલિફોર્નિયા છે અને ગુજરાત,કેનેડા અને અમેરિકામાં પ્રસિદ્ધ થતાં દિવ્યભાસ્કરમાં આર્ટિકલ લખી કેલિફોર્નિયાનું પત્રકારત્વ સંભાળે છે.

જિગીષાબેન પટેલનો પ્રતિભાવ તેમના જ શબ્દોમાં

 મેરે તો ગિરિધર ગોપાલપ્રસ્તાવના
જેના શબ્દ શ્રી કૃષ્ણ હોય તો મીરાંને ઓળખે ને!” પ્રજ્ઞાબહેને અલ્પાની ઓળખ આપતા પહેલાં લેખમાં લખ્યું હતું અને અલ્પાએમેરે તો ગિરિધર ગોપાલકોલમ શરુ કરી.
મને ત્યારે પ્રજ્ઞાબહેનનું વાક્ય સમજાયું નહોતું.પરતું અલ્પાની કોલમ પૂરી થવાને કિનારે આવી અને મને અલ્પાએ તેને માટે અભિપ્રાય લખવાનું કીધું.મેં તેનાં બધાં આર્ટિકલ એક સાથે વાંચ્યાં ત્યારે સમજાયું કે અલ્પા તો મીરાં સાથે પોતેપણ શ્યામમયી બની ગઈ છે.
પ્રાગટ્યનાં પદોથી માંડી લાલનપાલનનાં પદો,ગોપીગીત,બાળલીલા,વ્રજલીલા,રાસલીલામાં મગ્ન બની પોતાના મન હ્રદયમાં સુંદીરશ્યામને જીવંત કરી રહીછે.તેના આલેખનમાં ગીતાનાં બારમાં અધ્યાયનાં ભક્તનાં લક્ષણોને મીરાં બની પોતાનામાં ઉતારવાનો પ્રયત્ન દેખાય છે.કૃષ્ણનાં મોરપીંછનાં રંગોને પોતાનાં રંગોમાં ઉતારવા તરફની ગતિ દેખાય છે.મને લેખમાળા વાંચતાં અનુભવાયું કે તેણે કોલમનું સર્જનશબ્દોનાંસર્જનમાટે નહીં પણ પોતાના આનંદ માટે,મીરાંમય બની કૃષ્ણમય બનવા માટે,પોતાનાં સાંસારિક ક્લેશોને દૂર કરી,આત્મમંથન દ્વારા અહંકારને અનાવૃત કરી આત્મિક ઉર્જા પેદા કરવા લખી છે.

કેટલાય વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયેલ આજકાલની યુવાન I.T પ્રોફેશનલ અલ્પાની,મીંરાંનાં નામે કરેલ કૃષ્ણ સાથેની ભક્તિભાવ નીતરતી વાતો મને તેના એક એક લેખમાં સંભળાઈ. લેખમાળા વાંચતાં તમને પણ જરુર સંભળાશે.મીરાંને લખતાં અલ્પા મીરાંમયી થઈ શ્યામમયી બની ગઈ એમ હું કહીશ.
તેના ભાગવત,ભગવદ્ગીતા,બ્રહ્મસંહિતા,વેણુગીત,નવરત્ન સ્તોત્ર,તુલસીકૃત રામાયણ,શુક્રાચાર્ય રચિત કૃષ્ણાષ્ટકમ્ નાં અભ્યાસ સાથેનાં સંસ્કૃત શ્લોક સાથેનાં કોટેશ્યન
તેની વૈષ્ણવ સંપ્રદાય પ્રત્યેની ઊંડી શ્રધ્ધા અને કૃષ્ણભકિતમાં રસતરબોળ થવાની ઝંખના પ્રદર્શિત કરે છે.મીરાંને આખેઆખી સમજવી હોય અને મીરાંએ લખેલ દરેકે દરેક પદોને રસાસ્વાદ સાથે માણવા હોય તો લેખમાળા વાંચવી રહી.અલ્પાએ મીરાંનાં જીવન,કવન,લગ્ન,તેમનું ડાકોર,દ્વારકા પરિભ્રમણ,મધ્યકાલીન યુગમાં પોતાનું જીવન પોતાનાં વિચારો થકી જીવવાનુંનારી સ્વાતંત્ર્ય જેવી અનેક વાતો ભાવવાહી રીતે રજૂકરી છે.
અલ્પા સાહિત્ય સાથે સાથે સંગીત અને ચિત્રકળાને પણ પોતાની સંવેદનાના એકભાગ તરીકે
ગણે છે જે વૈષ્ણવ સંપ્રદાયનો એક ભક્તિપ્રકાર છે તે પણ લેખ સાથે રજૂ કરી દર્શાવ્યું છે.
મીરાંનાં ભજનોને લત્તાજીથી માંડી કૌશિકી ચકર્વર્તીના સ્વરોમાં મૂક્યા છે ,તો લેખને અનુરૂપ આબેહૂબ ચિત્રો પણ લેખની ભક્તિસભર વેદનાને વધુ ગહેરી બનાવે છે.ઉધ્ધવલીલાનાં લેખ૩૮નાં ચિત્રને ખાલી જોઈ તમારી આંખ ભીંજાઈ જાય!અલ્પાએ લેખમાળાનાં આલેખનમાં મીરાંની સાથેસાથે પોતે પણ પૂર્ણ શ્રદ્ધાથી લાલા સાથે સંવાદ સાધવાનો આનંદ લીધો છે.
મીરાંબાઈનાં દરેક જાતનાં પદોની સાથે તેમનાં સ્વ ને બદલે સર્વનો વિચાર,સાકાર ભક્તિથી નિરાકારમાં ભળી જવાની અનુભૂતિ,મીરાંનો રાધાભાવ અને રાધાતત્વની દિવ્યતા,સ્થિતપ્રજ્ઞ અવસ્થા,પ્રેમલક્ષણા ભક્તિ દ્વારા રજૂ થયેલ નવધા ભક્તિ,રાસલીલાનાં નવરસ સાથે જોડાએલ આધ્યાત્મિકતાનો ઉઘાડ પણ કરાવ્યો છે.
કોઈને પણ દર્શદીવાની મીરાંને સાચા અર્થમાં જાણવા અને માણવા હોય તો અલ્પાની ઊંડા અધ્યયન કરેલ કૃષ્ણભક્તિસભર લેખમાળા વાંચવી રહી જૂઓ અલ્પાનાં શબ્દો:
ભક્ત પોતાના નેત્રોમાં પ્રેમરુપી અંજન આંજીને ભક્તિથી રંગાયેલા નેત્રો દ્વારા પોતાના હ્રદયનાં પડળમાં દ્રષ્ટિ કરે છે ત્યારે ભક્તને હ્રદયમાં વિરાજમાન શ્રી શ્યામસુંદર કે જે અચિંત્ય અને સગુણ છે તેના દર્શન થાય છે.”
બીજી પણ ખાસ વાત કરવાની કે લેખમાળા આપણને વાંચવાં મળી તે માટેબેઠકઅને આપણા પ્રજ્ઞાબહેનનો પણ આભાર માનીએ તેટલો ઓછો છે. ‘શબ્દોનું સર્જનબ્લોગ ચલાવવા માટે તેમનો અથાગ પરિશ્રમ તેમજ અલ્પા અને મારા જેવા અનેક સર્જકોને લખવા ,વાંચવા,ગાવા અને સ્ટેજ પર લઈ આવી તેમની અંદર રહેલી સર્જનાત્મક શક્તિઓને બહાર લાવી પ્રોત્સાહન આપવા બદલ તેમનો અંત:કરણ પૂર્વક આભાર.
                                                                                                                   જિગીષા દિલીપ પટેલ

૪૯ -કબીરા

કેમ કબીર???

કબીર …..કબીર….કબીર…

આજે મારી આ શ્રેણી અંતનાં કિનારે આવી ને ઊભી છે, ત્યારે આનંદ કરતાં વધુ હું કોઈ દુ:ખની કસક અનુભવી રહી છું.કબીરને ,તેનાં વિચારોને ,નહીં વિચારી ,હું હવે કંઈ બીજુ વિચારી,બીજુ કંઈ લખીશ અને હું કબીર અને કબીરવાણી,કબીર ભજનોથી દૂર જતી રહીશ…..એક વર્ષ સુધી કબીર સાથે રહી કબીરનાં વિચારોને જીવવા પ્રયત્નશીલ બનવા માત્રથી હું કોઈ અલૌકિક આનંદનાં સ્પંદનોથી સ્પંદિત થતી હતી.કબીરની શ્રેણીનું સમાપન કરતાં એક ખાલીપો અનુભવી રહી છું.કબીર મને કેમ ગમે છે તેનાં અનેક કારણો છે.

કબીરે મને મારા જીવનને આનંદમય બનાવવા ,મારા આતમની ચિનગારીને ચકમક બની પ્રગટાવવા સતત કોશિશ કરી છે.મને મારી ભીતર જોવાનો પ્રયત્ન કરતાં શીખવ્યું.શબનમ વિરમનીજી ,ફરીદ અયાઝજી,કુમાર ગાંધર્વજી,મુખ્તાર અલીજી,પ્રહ્લાદ ટિપનયાજી ,ગુરુમા અને આવા અનેક લોકોનાં કબીરનાં દોહા,ભજન ,સાખીને સાંભળી કેટલાય કલાકો તેમાં મગ્ન બની અનોખો આનંદ પામી છું ,જેનું વર્ણન શબ્દોમાં અશક્ય છે.આધ્યાત્મ મને ગમે એટલે કેટલાય ગુરુઓ પાસે ધ્યાન શીખવા ગઈ છું પણ શબનમજી કે ફરીદજી કે ગાંધર્વજીનાં કબીર ભજનોને આદ્રતાથી ગવાએલ સાંભળું ત્યારે મેં જે અનુભવ કર્યો તે મારા વાચકો સાથે વહેંચવાનો આજે વિચાર છે.

શબનમજી સાથે રોજનો નાતો રહ્યો પણ “સકલ હંસમેં રામ વિરાજે,રામ બિના કોઈ ધામ નહીં રે” સાંભળું ને દરેક વ્યક્તિમાં રામ જોવા પ્રયત્નશીલ બનું અને ગીત સાંભળતાં ક્ષણિક આનંદની અવધિમાં ડૂબી જાઉં.

પંડિત કુમાર ગાંધર્વજીનું “કોઈ સુનતા હૈ “સાંભળું ત્યારે ખરેખર કોઈ સાંભળે છે તેવા અનુભવ સાથે થોડી ક્ષણો ધ્યાનસ્થ અવસ્થા અનુભવાય.

ફરીદજીને સાંભળું ત્યારે કબીર એ ભાષામાં કે શબ્દમાં શોધવાની વસ્તુ નથી કબીર તો એક concept છે તે સમજાઈ જાય અને કબીર મારો પોતાનો છે એવી ફરીદજી જેવી possessiveness પણ તેમનાં માટે આવી જાય અને હું મગ્ન થઈ જાઉં છું કબીરવિચારધારામાં.તેમની એક મુસ્લિમ કવ્વાલની ગવાએલ અદ્ભૂત કવ્વાલીમાં….તેમને ગાતાં સાંભળતાં આંખોમાં આંસું સાથે ભાવુકતાથી ગવાએલ”ઓ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી? અરે જરા બોલો કન્હૈયા,મેરે કાન્હુ !કહુ ક્યા તેરે ભૂલનેકે વારી” સાંભળુંને મારી આંખો છલકાઈ જાય અને હિન્દુ-મુસ્લિમ,નાત-જાતનાં સર્વે ભેદ ભૂલાઈ જાય!

આનંદમૂર્તિ ગુરુમાને તેમનાં ભાવવાહી અવાજમાં “ધીરે ધીરે ગાડી હાંકો,જરા હલ્કે ગાડી હાંકો મેરે રામ ગાડીવાલે”સાંભળું ત્યારે કબીરનો અવાજ મને કહેતો સંભળાય છે કે વિશ્વભરનાં સૌ માણસો પોતપોતાની દોડમાં એકબીજાને હરાવવા કોશિશ કરતાં ભાગી રહ્યાં હતાં.અને કોરોનાનો એવો સમય આવી ગયો કે નાનામોટાં સૌને ઘરમાં બેસવું પડ્યું. બધાંની દોડને મહાશકિતએ સ્ટેચ્યુ કહી થંભાવી દીધા.એટલે કબીર જીવનમાં સૌ સાથે સમતા,પ્રેમભાવ રાખી ધીરજ ધરી આગળ વધવાનું કહે છે.કોઈની સાથે કોઈ સ્પર્ધામાં ઉતારવાની જરુર નથી,તું જેવો છે તેવો તારી જાતને તો સ્વીકાર ,એવું કબીર કહેતા હોય તેમ લાગે છે.અને જીવનની રફતારને સમજ સાથે ધીરી પાડવા કોશિશ કરું છું.

કબીર કાફેનાં નવયુવાનોને કબીરનાં દોહા ગાતાં સાંભળું “,


“ક્યા લેકે આયા જગતમેં ક્યા લે કે જાયેગાદો દિનકી જિંદગી,દો દિનકા મેલા”

ત્યારે આજનાં નવયુવાનોમાં આધ્યાત્મિકતા અને જીવનનાં સત્ય પ્રત્યેની સભાનતા જોઈ અચંબિત થઈ જાઉંછું.અને મૃત્યુની સત્યતાને સમજવા કોશિશ કરુંછું.

સંતની ઓળખ આપતા ઓશો કહે છે સંત એ નથી કે જે તમને સમજાવે કે તમે હીન્દુ છો કે મુસ્લિમ છો કે ઈસાઈ છો પણ અસલી સંત તો એ છે કે જે તમને બરોબર સમજાવે કે તમે સૌથી પહેલા એક ઇન્સાન છો.કબીરે સંત તરીકે તેજ સૌને સમજાવ્યું અને સંત કબીરને શત શત નમન કરવાનું મન થઈ જાય.

કબીરની ફકીરી,સમાજ અને કુટુંબની વચ્ચે રહીને વ્યવસાય કરતાં કરતાં તેમણે સાધેલું પરમ સાથેનું અનુસંધાન જોઈને યાદ આવે:
“નહીં કોઈ ચિંતા કે નહીં કોઈ ફિકર,નહીં કોઈ ખીણ કે નહીં કોઈ શિખર.
મારો ખુદ : એ ખુદાનું ખમીર કે હું તો મારે ફરતો ફકીર”

અને ફિકરને ફાકી કરીને પી જવાની ફકીરી શીખવતો કબીર મને ભીતર જોતાં અને ચિંતા વગર આનંદમય જીવન જીવતાં શીખવે છે.

મધ્યકાલીન યુગમાં અનેક સંતો થઈ ગયા પણ કબીરે ચારેબાજુ ચાલતાં જાતિ-પાતિનાં વાડા અને અંધશ્રદ્ધા નો વિરોધ કરવા સમાજ,દેશ કે દુનિયાથી ડર્યા વગર પોતાને જે સાચું લાગ્યું તે સત્ય પૂરા આત્મવિશ્વાસ સાથે પ્રગટ કર્યું.કબીરની આ વાત મને કબીરને સાચાં અર્થમાં ક્રાંતિકારી અને સમાજસુધારક સંત ગણાવવા યોગ્ય લાગે છે. તેમજ મને પણ પોતાની વાત સાચી હોય તો કોઈનો ડર નહીં રાખવાનું જાણે કબીર મારાં કાનમાં કહેતા હોય તેવું અનુભવાય છે.

કબીરબીજક દ્વારા તત્ત્વજ્ઞાનનાં પાઠ કબીરે મને પઢાવ્યા.મૌનનો મહિમા શીખવી પોતાની મસ્તીમાં મસ્તમૌલા બનતા શીખવ્યું. પ્રેમનો અનોખો મહિમા સમજાવી પોતાની જાતને પ્રેમ કરતાં અને આજનો આનંદ લઈ જીવતા શીખવ્યું.
આમ કબીરનાં આ લેખોનું આલેખન કરતાં જીવનનાં અણમોલ સત્યને પામી છું.અને અનોખા આનંદનો અનુભવ કર્યો છે.આ શ્રેણીને વાંચી જે વાચકોએ પ્રતિભાવ આપ્યા છે તેમનો આભાર અને પ્રજ્ઞાબહેને મને કબીર લખવાનું કહી કબીરની મને ઓળખ કરાવી તે બદલ તેમનો પણ અંત:કરણ પૂર્વક આભાર.

જિગીષા પટેલ

,

 

 

હાં રે દોસ્ત હાલો અમારે દેશ: 49) મેઘાણી અને એક અનોખી વાત!


આપણામાં કહેવત છે કે દ્રષ્ટિથી દૂર તે દિલથી એ દૂર ! પણ એનાથી વિરુદ્ધ કૈક મેં આ સમગ્ર વર્ષ દરમ્યાન અનુભવ્યું ! દૂર રહેલ માતૃભૂમિ જાણેકે અહીં આવી વસી મારાં મનમાં ! દ્રષ્ટિની નજીક અને દિલની નજીક! જે દિલમાં રમતું હતું તે જ જાણેકે સામે મળ્યું !
આ વર્ષના પ્રારંભે મારે શું લખવું તે વિષે વિચારતાં મનમાં રમી રહેલ ગરવી ભોમકા ગુજરાતના લાડીલા લોકસાહિત્યના બેતાજ બાદશાહ અને રાષ્ટ્રીય શાયર , મેઘાણી વિષે લખવાનું વિચાર્યું !
લખવાનું શરૂ કર્યું ત્યાં તો વળી મોટો મોટો ચમત્કાર બની ગયો !!

હા , છેલ્લા એક વર્ષમાં દર અઠવાડીએ નિયમિત ઝવેરચંદ મેઘાણી વિષે લખતાં મારી સમક્ષ આટલાં બધાં પુસ્તકો અને તેમને લગતું મબલખ સાહિત્ય મારા કમ્પ્યુટર અને વેબ સાઈટ પર રિસર્ચ કરીને મેં સાચવી રાખ્યું છે ; એટલે જાણે કે મેઘાણી મારાં રોજિંદા જીવનનું એક વિશ્વ બની ગયા છે ! એ વાત સાચી , અને તેમના વિષે મેં જે વાંચ્યું , જાણ્યું અને ચર્ચાઓ દ્વારા મેળવ્યું તે અમૂલ્ય ખજાનો મારી પાસે કાયમ સંગ્રહાયેલો રહેશે તેમાં એ કોઈ જ શંકા નથી ; પરંતુ પ્રિય વાચક મિત્રો ,મારે તમને એક અનોખી વાત પણ કરવી છે !
ઝવેરચંદ મેઘાણી આપણા સુપ્રસિધ્ધ કવિ ( ૧૮૯૭ – ૧૯૪૭) અને સાહિત્યકાર હોવાથી તેમના વિષે થોડું થોડું તો આપણે સૌ જાણતાં જ હોઈએ , તેમાં શંકા નથી . વળી મેં ગુજરાતી ભાષા સાથે એમ એ કરેલ અને વળી કોલેજમાં વ્યાખ્યાતા તરીકે પણ કામ કરેલ એટલે એમના વિષે હું કદાચ વધારે જાણું તેમાં યે નવાઈ નથી . પણ , ઘણી ઘણી વાતો સાચા અર્થમાં જાણવાની તો આ વર્ષે આ લેખમાળાના ફળ સ્વરૂપે જ મળી !
મારા આ અનુભવને એક ચાઈનીઝ વાર્તા ચાંગ અને ચતુરાની વાર્તાના ચાંગ સાથે સરખાવી શકાય !
એ વાર્તામાં વતનથી દૂર એકલા રહેતા ચાંગને પોતાનો દેશ યાદ આવતો હોય છે ; પણ અહીં કામ પણ એટલું બધું હતું કે એ ત્યાં જય શકે એમ નથી .. પણ એક દિવસ ભગવાન એના પર પ્રસન્ન થાય છે અને રોજ ચાંગ બહાર નોકરી કરવા જાય ત્યારે તેના ઘરની દિવાલ પર લટકાવેલ કેલેન્ડરમાંથી ચતુરા નામની છોકરી બહાર નીકળીને ચાંગ માટે એની ગમતી ચાઈનીઝ સરસ રસોઈ તૈયાર કરીને રાખે છે! અને રોજ કેલેન્ડરમાં પાછી જતી રહેતી હોય છે ! કોણ મારી આટલી કાળજી રાખે છે ? ચાંગને પ્રશ્ન થાય છે .. ચાંગનો વતનનો ઝુરાપો જતો રહે છે . એને એક દિવસ એ નોકરીએથી વહેલો ઘેર આવે છે અને ચતુરાને પકડી પડે છે અને પછી તેઓ આનંદથી રહે છે !
દર અઠવાડીએ મારે માટે પણ કેલેન્ડરમાંથી હાં રે દોસ્ત હાલો અમારે દેશ કોલમ લખવા માટે જાણે કે ચતુરા આવીને મને આપણે દેશ , એ પ્રદેશ સૌરાષ્ટ્ર અને ત્યાંની ભૂમિ પર લટાર મારવા લઇ જતી ના હોય ? તેવી રમ્ય અનુભૂતિ થાય છે !
મેઘાણી વિષે લખતાં લખતાં એ યુગ – પંડિત યુગ અને ગાંધીયુગ બંને યાદ આવી ગયા ! હા , કોલેજમાં એ બધું ભણ્યા હતાં પણ એ યુવાનીના – કહો કે કોલેજ જીવનના અનુભવો હતા ! કાળના પ્રવાહમાં ઘણું વિસરાઈ ગયું હતું તો ઘણું નજરે જ ચઢ્યું નહોતું ! ઝવેરચંદ મેઘાણી ત્યારે પણ મારા પ્રિય સાહિત્યકાર હતા પણ તેમના વિષે પુરી માહિતી તો નહોતી જ !
જે જાણ્યું હતું તેમાંયે કહો કે કેટલુંક અર્ધ સત્ય હતું ; કેટલુંક તદ્દન સત્ય નહોતુંયે ! પણ , એક વાત ચોક્કસ છે કે ગાંધીજી અને વલ્લભભાઈ પટેલ પછીના સ્થાને – ત્રીજા નમ્બરે મેઘાણીનું નામ ગુજરાતભરમાં પ્રખ્યાત છે તેમાં શંકા નથી .!
અમારું કુટુંબ ગાંધીવાદી હોવાને લીધે અને સાહિત્ય અને સંગીતનું વાતવરણ ઘરમાં હોવાથી , નાનપણથી અમે મેઘાણીના કાવ્યો , હાલરડાં અને બાળગીતો સાંભળતા , ગાતાં મોટાં થયેલ .
મેઘાણીના પ્રખ્યાત ગીતો : ચૌદ વર્ષની ચારણ કન્યા અને મન મોર બની ટહુકાર કરે એ તો ગુજરાતી સાહિત્યમાં શિર મોર સમા છે એટલે આપણે સૌ એનાથી પરિચિત છીએ જ પણ રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે એ કોઈનો લાડકવાયો ગીત અને શિવજીને નિદરું ના’વે ; માતા જીજાબાઇ ઝુલાવે .. હાલરડાં અમે ભાઈ ભાંડુળાઓ સૌને આવડે . બા નવરાત્રીમાં ગરબા ગીતો ગવડાવે જેમાં મેઘાણીનાં: ‘ અષાઢી સાંજના અંબાર ગાજે ; અંબર ગાજે ને મેઘ ડંબબર ગાજે એ , અષાઢી સાંજના અંબાર ગાજે !’ ને દેશભક્તિનો ગરબો : મોરલિયા જાજે વીરાના દેશમાં ; એટલું તું કે’જે સંદેશમાં મોરલિયા જાજે વીરાના દેશમાં.. અને છેલ્લે જયારે બા પેલી પંક્તિઓ ગાય; “ કહેજે કે ભાભીએ લીધી છે બધા , વેણી નથી નાંખતી એ કેશમાં , મોટલીયા જાજે વીરાના દેશમાં.. ને કેટલીયે આંખના ખૂણા ભીના થઇ જતા …
મેઘણીનાં શૌર્ય ગીતો , રાષ્ટ્રભક્તિના ગીતો હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ એ સૌ અમે નાનપણમાં ખુબ ગાતાં , ગરબે રમતાં અને પાછળથી કોલેજ જીવનમાં એ ગીતોના ગરબા કરાવ્યા હતાં એ બધું જ બધું આ લખતાં નજર સમક્ષ તાદૃશ્ય થયું !
કેલેન્ડરની ચતુરા જાણેકે બહાર આવીને મને મારાં બાળપણમાં લટાર મારવા લઇ જાય !
અને પછી મેં જયારે મેઘાણીની સૌરાષ્ટ્રના બહારવટિયાઓની વાતો માંડી ત્યાં તો મને યાદો તાજી થઇ કે ઓલી કોડ ભરેલ કન્યા પરણીને જામનગર જાય છે અને ફૂલછાબ છાપું જોઈને યાદ આવે છે એ મેઘાણી ! ત્યાં જઈને મેં જોયાં અસ્સલ ઓલી ચારણકન્યાઓના કાઠિયાવાડી નેસડાં, ગામની ભાગોળે જોયાં પેલાં પાળિયાઓ , જેસલ તોરલ સાથે સૌરાષ્ટ્રના સંતો જોગી જીવણદાસ અને જલારામ બાપાની વાતો કરતાં કરતાં જાણે કે ચતુરા મને મારાં મુગ્ધાવસ્થાનાં ભૂતકાળમાં ખેંચી ગઈ !! અહીં મારે સવિનય કહેવું જ પડશે કે મેઘાણી દ્વારા હું અને સુભાષ (my better half ) પતિ લગભગ પિસ્તાલીસ વર્ષ પૂર્વેની એ ધરતી સાથેની યાદોમાં સરી પડ્યાં!
મેઘાણી વિષેની ઘણી માહિતી મારી પાસે એમના શતાબ્દી ગ્રન્થમાંથી , અને એમાં દર્શાવેલ રેફ્રન્સ – સન્દર્ભ પુસ્તકોમાંથી પ્રાપ્ત થઇ છે જે ઉત્સાહથી વાચકવર્ગ સમક્ષ મેં રજૂ કરી તે છે ! એમનું અંગત જીવન અને એમનું અંતર મન , એની વાતો પણ મેં વાચક મિત્રો આપણી સમક્ષ રજૂ કરી છે .. કેવું હતું એ મહાન કવિનું પ્રેમાળ સહૃદય હૈયું ! એમનાં સંતાનો પ્રત્યે તેમનો પ્રેમ અને એમણે જેટલો રસ એ સંતાનોના ઉછેરમાં લીધો હતો તે અવર્ણીય છે , ખાસ કરીને એમના સંતાનો સાથેના સંવાદો , પત્રો વગેરેથી જાણેકે એમની એક અજાણ બાજુનો અનુભવ થયો ..
અને વાચકમિત્રોનો પ્રતિભાવ પણ અનન્ય રહ્યો છે . કેટલાક વાચકમિત્રોએ ફોન કરીને પોતાની પાસેથી ઝવેરચંદ મેઘાણીના પુસ્તકો કાઢી આપ્યાં! તો હું અમારાં અમુક મિત્રોને જાણું છું કે તેઓ તરત જ આ લેખ વાંચીને બપોરે જ ફોન પર તેની ચર્ચા કરે છે .કદાચ આવા વાચકમિત્રો મને વધુ સરળ સુગમ્ય લખવા પ્રેરે છે .. પણ વાચકોના પ્રતિભાવો વિષે વાત કરીશું આવતા અંકે ! હા , આ ઈસ્વીસન ૨૦૨૦નો એ છેલ્લો અને આખરી અંક – ૫૦ પચ્ચાસમો હશે . ત્યાર પછી નવી લેખમાળા લઈને મળીશું . બસ , આજે કલમ અટકવા આનાકાની કરે છે , અને હજુ તો પાશેરામાં પહેલી પૂણી જેવું લાગે છે , હજુ તો ઘણું બધું લખવાનું બાકી રહી ગયું તેમ થાય છે .. પણ આજના લેખના શબ્દો પણ વધીને છેક હજાર સુધી થઇ ગયા છે , તો મળીશું આવતે અંકે , વાચકોના અભિપ્રાયો વાગોળશું ..અસ્તુ !

૫૦ -સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ-રાજુલ કૌશિક

સમય ૬ જાન્યુઆરી ૨૦૨૦નો…

આમ તો આ ૨૦૨૦નું વર્ષ જાણે સ્થિરતા લઈને આવ્યું હોય એમ ઘણાં બધાના જીવન સ્થગિત થઈ ગયા. યાદ છે નાના હતાં ત્યારે સ્ટેચ્યૂની રમત રમતાં? એમ ઉપરવાળાએ દુનિયાના અત્યંત કામઢા લોકોને, વધારે પડતા દોડાદોડી કરતાં લોકોને સ્ટેચ્યૂ કહી દીધું. ઘણુંબધું સ્થગિત થઈ ગયું પણ મનથી જે સક્રિય હતાં એમણે એમની સક્રિયતાને સ્થગિત કરવાના બદલે વધુ વેગ આપ્યો. ચાર દીવાલોની વચ્ચે રહીને આ સ્થગિત સમયને જીવંત રાખ્યો.

મારા માટે આ ૨૦૨૦નું વર્ષ સ્થગિતતામાં પણ સક્રિયતાસભર રહ્યું. સર્જનાત્મક રહ્યું.

વર્ષની શરૂઆત અને એક નવો વિષય… ‘બેઠક’માં આ વર્ષે કોઈ એક વિષયના બદલે વ્યક્તિવિશેષ વાત કરવાની હતી. સાહિત્યની સાથે સંગીત આપણાં જીવનમાં સતત વણાયેલું છે. કદાચ સૌના જીવનમાં સમજણની શરૂઆતથી સાહિત્ય પહેલાં સંગીત આવ્યું. પ્રભાતિયા, પ્રાર્થનાથી શરૂ કરીને હાલરડાં અને તે પછી  જીવનમાં આવતા પ્રત્યેક પ્રસંગોમાં પણ સંગીત આપણાં જીવન સાથે વણાયેલું રહ્યું છે.

જીવનમાં બનતી ઘટનાઓ આનંદની હોય કે એકલતાની, પ્રત્યેક પળ સંગીતના સથવારે સચવાઈ જાય અને ક્યારેક વધુ સોહામણી, સુમધુર બને..આપણે રહ્યા ગુજરાતી એટલે ગુજરાતને, ગુજરાતીપણાને ગૌરવવંતું કરનાર એક વ્યક્તિ જે હંમેશા આપણી સાથે જોડાયેલી રહી છે એ વ્યક્તિવિશેષ વિશે વાત કરવાની, રાજીપાને વ્યક્ત કરવાની આ તક હતી, અવસર હતો.

આપણે કોઈ ગદ્ય કે પદ્ય લખીએ છીએ ત્યારે એમાં શબ્દોની અભિવ્યક્તિમાં મોટાભાગે આપણી અંતઃસ્ફૂરણા સૌથી મોટો અને મહત્વનો પાયો, આધાર હોય છે. જ્યારે આપણે નિબંધ લખીએ છીએ ત્યારે એમાં કલ્પનાથી વિશેષ માહિતી મહત્વની બને છે.

અફાટ ફેલાયેલી પ્રકૃતિના રંગ અનેક છે. આ અફાટ ફેલાયેલી પ્રકૃતિને નજરમાં ભરીએ છીએ ત્યારે એમાં એક અનુભૂતિ ઉમેરાય છે. મૂર્તિ સ્વરૂપ ભગવાનની ભક્તિ કરીએ છીએ ત્યારે એમાં અનોખો ભાવ બળે છે. અમૂર્ત એવા ઈશ્વરને ક્યારેય જોયા નથી પણ એ ઈશ્વરની કલ્પના કરીએ ત્યારે એમાં ભક્તિની અનેરી લાગણીના ભાવ ભળે છે. આ વાત છે અનુભૂતિની અને હવે વાત આવે છે અનુભવની.

આપણા જીવનકાળ દરમ્યાન માનવ મહેરામણથી છલકાતા આ વિશ્વમાં અનેક વ્યક્તિઓને મળવાના, જાણવાના અવસર આવતા હોય છે અને આવતા રહેશે. એમાંથી અનેક વ્યક્તિઓ એવી હશે જે આપણાં જીવનમાં આજે આવી અને કાલે ભૂલાઈ જશે. અનેક એવી વ્યક્તિઓ છે જેમની સ્મૃતિ આપણાં માનસપટ પર ચિરકાળ સ્થાયી બની જશે. જેમના વિશે વાત અને એમની યાદો ક્યારેય જૂની નથી થતી. સ્મૃતિની સંદૂકમાં સચવાયેલી રહે છે. જ્યારે મન થાય ત્યારે આલબમના પાના ઉથલાવીને એમાં જડાયેલી તસવીરની જેમ એ યાદોને મમળાવીને  તાજી કરી લઈએ છીએ.

આ વર્ષ દરમ્યાન જે લેખમાળા લખાઈ એમાં આવા એક વ્યક્તિવિશેષ વિશે વાત કરવાની હતી. ત્યારે મારા અને તમારા માનસપટ પર ચિરસ્થાયી અંકિત થયા છે એવા શ્રી અવિનાશ વ્યાસ વિશે વાત આલેખવાનું વિચાર્યુ ત્યારે મનમાં એક વાત સ્પષ્ટ હતી કે અહીં કલ્પનાથી વિશેષ માહિતી મહત્વની છે. 

આ સંદર્ભે અવિનાશ વ્યાસ વિશે, ગુજરાત અને ગુજરાતીઓને ગૌરવવંતા કરતાં એમના પ્રદાન વિશે જાણવા પ્રયાસ કર્યો. અવિનાશ વ્યાસ સાથેની મારી સ્મૃતિઓ, એમને મળેલી અનેક વ્યક્તિઓ પાસેથી જાણેલી વાતોની સાથે શક્ય હોય ત્યાંથી એમને ઓળખવા પ્રયત્ન કર્યો. એમના ગીત-સંગીત થકી એમની પ્રતિભા વિશે જ્યારે જે જાણ્યું એમાં મારી પોતાની અનુભૂતિનો, અહોભાવનો ઉમેરો થયો અને એમાંથી સર્જાઈ આ લેખમાળા. લેખ દરમ્યાન અવિનાશ વ્યાસના ગીતો, ગરબા કે ભજનો વિશે વાત કરતી ત્યારે  અનાયાસે એમાં મારા ભાવ વણાઈ જતાં.

એટલે આ લેખમાળાને માત્ર એક નિબંધ કે શોધલેખનના બદલે અનુભૂતિમાળા પણ કહીશ.

સુગમસંગીતના ભિષ્મપિતા તરીકે ઓળખાતા અવિનાશ વ્યાસ વિશેના આલેખન દરમ્યાન આ સુગમ સંગીત વિશે જાણવા પ્રયત્ન કર્યો. એમ કરવું ગમ્યું. થોડું સંગીતની નજીક જવાયું. ભલે સુગમસંગીત નામ છે પણ અવિનાશ વ્યાસની અનેક એવી રચનાઓ છે જેમાં ક્યાંક અગમ્ય, ગૂઢ ભાવો અને ભક્તિ વણાયા છે એય સમજાયા.

આ વર્ષ દરમ્યાન અવિનાશ વ્યાસ વિશે જે આલેખી શકી, જે અભિવ્યક્ત કરી શકી એનો મને આનંદ છે અને આપ સૌના પ્રતિભાવથી એ આનંદ બેવડાયો, મારા એ આનદમાં અનેકઘણો ઉમેરો થયો.

આભાર આપ સૌ વાચક મિત્રોનો.

આ લેખના આરંભમાં કહ્યું તેમ આમ તો આ ૨૦૨૦નું વર્ષ જાણે સ્થિરતા લઈને આવ્યું પણ સાથે સ્થગિતતામાં સર્જનાત્મકને અને સક્રિયતાસભર રહ્યું.

આ વાતના અનુસંધાનમાં એક સરસ મઝાના કાર્યક્રમનો ઉલ્લેખ કરવો મને ગમશે. શ્રી અવિનાશ વ્યાસનો જન્મદિન આવે ૨૧ જુલાઈએ. ‘બેઠક’- શબ્દોનું સર્જને- અવિનાશ વ્યાસના જન્મદિન પહેલાં ૧૧મી જુલાઈએ જ એમના વિશે વાત કરવાનો, એમની સ્મૃતિ તાજી કરવાનો, એમને પોંખવાનો એક અવસર યોજ્યો. આ ટાણે શ્રી અવિનાશ વ્યાસને અંગત રીતે જાણતા મહેમાનોને આમંત્ર્યા જેમણે અવિનાશ વ્યાસ સાથેના મીઠા સંબંધો, જીવનભરના સંભાંરણાની વાતો કરી. ત્યારે સૌથી આનંદપ્રદ ઘટના એ બની કે શ્રી ગૌંરાગ વ્યાસ- શ્રી અવિનાશ વ્યાસના સુપુત્રે ઉપસ્થિત થઈને આ અવસરને વધુ ઉજાળ્યો.

આભાર ‘બેઠક’

આભાર પ્રજ્ઞાબેન.

૨૦૨૦નું વર્ષ એના અંતિમ પડાવ પર પહોંચવામાં છે ત્યારે ‘સદાબહાર સૂર અવિનાશ વ્યાસ- લેખમાળામાં રસ લેવા માટે, પ્રતિભાવ આપી પ્રોત્સાહિત કરવા માટે ફરી એકવાર આપ સૌ વાચકમિત્રોનો તહે દિલસે આભાર.

નવા વર્ષે ફરી મળીશું. એક નવી વાત લઈને.

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com