‘ શુભેચ્છા સહ ‘
શુભેચ્છા એ બીજા માટે આપણી શુભ ભાવના, સારી ઈચ્છાઓ છે.બીજા માટે સારું વિચારવું અને તે શુભ વિચારો તેને પાઠવવા. બીજાની ખુશીમાં આપણા શુભ વિચારો, શુભેચ્છાઓ પાઠવીને તેની ખુશીમાં સામેલ થઈને તેની ખુશી બમણી કરવી.શુભેચ્છાઓમાં દરેક વ્યક્તિનો એક બીજા માટે પ્રેમ છુપાયેલો છે.આ પ્રેમ ભાવને આધારે તો જગત ટકી રહ્યું છે.આધુનિક યુગમાં જ્યાં રાગ-દ્વેષ, એક બીજા માટે ઈર્ષા, જલન આવા મહોલમાં આ શુભેચ્છાઓ એ જીવનના અમૄત સમાન કહેવાય, કારણ દરેક માણસ તણાવયુક્ત જીવનમાં આ નાની નાની ખુશીઓમાં તો શ્રેષ્ઠ પળો જીવી લે છે. નાની નાની ક્ષણોમાં આનંદ શોધે છે. આ ક્ષણોને વાગોળીને તણાવયુક્ત જીવનમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે.આ સુખદ ક્ષણો જીવન જીવવાનુ સાધન બની જાય છે.
મંગળમય સારૂં વિચારવું એ આપણા હકારાર્મક વિચારો છે.પોતાની જાત માટે સારું વિચારવું અને બીજા માટે પણ સારું વિચારવું એ તો શ્રેષ્ઠ કહેવાય.સત્વગુણી માણસ હમેશાં સારા વિચારો ધરાવે અને બીજા માટે પણ સારુ વિચારી તેનુ પણ સારું જ ઈચ્છે.આ શુભ ભાવના એ હ્રદયની શુભેચ્છા છે .સુખ અને દુખ બંનેમાં શુભચ્છાઓ સ્ફુરે છે, આ ભાવના શબ્દો બની પ્રગટ થાય છે. ઘણી વખત બીજા માટે કંઈ બોલીએ નહી અને મનથી તેનુ ભલુ ઈચ્છીએ છીએ.શુભેચ્છા માટે પાઠવવામાં આવતા શબ્દો, ભેટ સોગાદ કરતાં શુભેચ્છા પાઠવનાર વ્યક્તિના હ્રદયના ભાવોનુ મહત્વ વધારે છે.
ઘણી વખત કોઈને દુખી નિસહાય જોઈને મનની અંદર દયાભાવ જાગે પછીથી દિલની અંદર શુભેચ્છાના ભાવો જાગૃત થાય છે.હૉસપિટાલમાં આપણુ સ્વજન બિમાર હોય, તેની ખબર કાઢવા માટે જઈએ, બાજુની રૂમમાં કે બાજુના બેડ પર કોઈ ત્રાહીત હોય જેને આપણે ઓળખતા પણ ન હોઈએ , તે અસાધ્ય રોગમાં પીડાઈ રહેલું જોઈએ તો તેની પીડા જોઈને દયા આવે અને તરત જ આપણુ હ્રદય બોલી ઉઠે હે પ્રભુ આની ઉપર દયા કરો, તેનુ દર્દ ઓછું કરીને તેને જલ્દીથી સાજો કરી દો. આમ કોઈને દુખી જોઈને પણ દિલમાંથી શુભેચ્છા પ્રગટ થાય છે.કોઈના સુખમાં સુખી અને કોઈના દુખમાં દુખી થવું એ મોટી માનવતા છે.કોઈની ખુશીમાં શુભેચ્છા સ્ફુરે તો કોઈને દુખી જોઈને પણ દયાભાવ પેદા થવાથી શુભેચ્છા સ્ફુરે છે. હકારાત્મક વિચારો અને નકારાત્મક વિચારો બંનેના વાયબ્રેશન હોય છે અને બંનેની જીવનમાં આપણને અસર થાય છે, બીજા માટે જેવું વિચારીએ તો તેને પણ અસર થાય છે.માટેજ આપણે ભગવાન પાસે સદબુધ્ધિ માગીયે છીએ જેથી હમેશાં સારુ જ વિચારી શકીએ.
રસ્તા પર બેઠેલો ભિખારી આપણને જોઈ ભીખ માગે ત્યારે તેને પૈસા આપતા પહેલાં જ બોલે ભુખ્યાને કંઈ આપો ભગવાન તમારું ભલુ કરશે આપણે એક રૂપિયો આપીએ તરત જ બોલે તમારા બાળ બચ્ચાં સુખી રહે ભગવાન તમારૂ ભલુ કરે.હવે આભિખારીને તમારા માટે કોઈ પ્રેમભાવ નથી પરંતું તેની પેટની ભુખ દાનીને શુભેચ્છા પાઠવવા માટે મજબુર કરે છે અને પૈસા આપવા વાળા પણ દયા નહી પણ પુણ્ય કમાવવા માટે ઈચ્છા ન હોવા છતાં ભિખારીને પૈસા આપે. હવે આ ભિખારીની શુભેચ્છામાં કેટલું તથ્ય છે ?
સવારે ઉઠીને નિત્યક્ર્મ પતાવીને ભગવાનની સેવામાં બેસીએ, ધુપ-દીપ પ્રગટાવીએ, પાઠ કરીએ, મંત્ર જાપ કરીએ, આરતી થાય.ત્યાર બાદ દરેક વ્યક્તિ ભગવાનને પ્રાર્થના અવશ્ય કરે જ. આપણે બોલીએ હે પ્રભુ મને સદબુધ્ધિ આપજો, ગમે તેવા સંજોગોમાં મારી બુધ્ધિ ન બગડે, બીજું આપણે માગીએ, જગતમાં સૌનુ કલ્યાણ થાય. આ એક શુભેચ્છા છે. પ્રાર્થનામાં અગાધ શક્તિ રહેલ છે. સાચા દિલથી કરેલ પ્રાર્થના ઈશ્વર જરૂર સાંભળે છે.કોઈ વ્યક્તિ બિમાર હોય તેના માટે જ્યારે ભગવાનને પ્રાર્થના કરવામાં અવે ત્યારે તે બિમાર માણસ માટે આપણી શુભેચ્છા જ છે. શુભેચ્છાઓ પાઠવવાની અનેક રીત છે.ભેટ-સોગાદ મોકલાવીને, ફુલો મોકલાવીને અનેક રીતે આપણે આપણા હ્રદયમાં રહેલ ખુશી-આનંદના ભાવો રજુ કરીએ છીએ.આખી જીંદગીમાં એન્વલોપ પર કંઈ કેટલી બધી વખત લખી ચુક્યા હોઈશું “With Best Wishes” બાળકોની પરિક્ષા વખતે બોલ્યા હોઈશું બેટા “Good Luck”. લગ્ન માટે છોકરા-છોકરી જોવા જતાં સંતાનોને બોલ્યા હોઈશું બેટા “Good Luck” જૉબ પર ઈન્ટર્વ્યુ પર જતા બાળકોને બોલ્યા હોઈશું બેટા “All the Best”. શબ્દો અંગ્રેજીમાં બોલાય કે ગુજરાતીમાં, કોઈ પણ ભાષા હોય હ્રદયનો ભાવ એક જ હોય છે. ‘શુભેચ્છા સહ’
સવારે ઉઠીએ ત્યાંથી રાત્રે સુઈ જઈએ ત્યાં સુધી દિવસમાં કેટલી બધી વખત શુભેચ્છાઓ મળે છે અને સામે આપણે પાઠવવી પણ પડે છે . આતો જીવન જીવવાની આધુનિક શૈલી છે.
જીવનનો કોઈ પણ શુભ પ્રસંગ હોય અને સામેની વ્યક્તિ માટે મંગલ પ્રાર્થના કરવાની હોય ત્યારે આપણે ખુશી ખુશી તેને આપણી શુભેચ્છાઓ પાઠવીને તેની ખુશીમાં વધારો કરીએ છીએ.જીદંગીમાં અનેક સારા શુભ પ્રસંગ આવતા હોય છે.બીજાને માટે આપણી ખુશી-આનંદ વ્યક્ત કરવાની આ સુદંર રીત છે.પ્રસંગ જ એવો હોય કે તેના માટે અંર્તર ઉર્મીના ભાવો શબ્દ બની પ્રગટ થયા વીના ન રહે.પ્રસંગને અનુરૂપ શુભેચ્છાઓ અને શુભ કામના પાઠવવામાં આવે.વડીલોને તેમનાથી નાની ઉંમરના પગે લાગે ત્યારે તેમના મુખમાંથી શબ્દો અવશ્ય સરી પડે “સુખી ભવ” , “દિર્ઘાયુષ્ય ભવ”,બાળક પગે લગે તો બોલે “બેટા ખુબ ભણીને માતા-પિતાનુ નામ ઉંચું કરજે” નવી પરણેલ દુલ્હન હોય તેને આશિર્વાદના રૂપે “અખંડ સૌ ભાગ્યવતી ભવ”, “દુધો ન્હાવ પુતો ફલો” વગેરે શુભેચ્છા મળે. શુભેચ્છાઓ એ આપણા મનના હકારાત્મક વિચારો હોવાને કારણ તે જરૂર અસર કરે છે. જેમ પ્રાર્થનામાં ગજબની શક્તિ છે એવી જ રીતે આશિર્વાદમાં પણ ગજબની શક્તિ રહી છે.આશિર્વાદ આપીએ ત્યારે તેમાં શુભેચ્છા રહેલી હોય છે. અંતઃકરણના આશિર્વાદમાં શક્તિ રહેલી છે. માટેજ આપણી સંસ્કૃતિમાં આશિર્વાદ આપવાની અને આશિર્વાદ લેવાની પ્રથા સદીઓથી ચાલતી આવી છે.કોઈ વ્યક્તિને પગે લાગીએ ત્યારે તેમાં આપણી નમ્રતા દેખાઈ આવે અને એટલી ક્ષણો માટે વ્યક્તિ પોતાના અહમથી મુક્ત બની જાય છે. એક સ્ત્રી ગર્ભવતી થાય ,બાળકનો જન્મ થાય, લગ્ન થાય, લગ્ન તિથિ આવે,જીવનના દરેક શુભ પ્રસંગે આ શુભેચ્છાઓ પાઠવવાની રીત અનોખી અને બહુજ સુંદર છે. જેમાં શુભેચ્છાઓ પાઠવનાર અને શુભેચ્છાઓ લેનાર બધાજ ખુશી-આનંદમાં મ્હાલતાં હોય છે.
દિવાળીના દિવસોમાં અને નવા વર્ષે આશિર્વાદ લેવા માટે મંદિરોમાં કેટલી ભીડ જમા થાય છે. નિયમિત ન જનાર માણસ પણ આવનાર વર્ષ શુભ અને કલ્યાણ કારી બને એટલા માટે ભગવાનના આશિર્વાદ લેવા માટે ચોક્ક્સ મંદિર જાય છે.જો માણસોના આશિર્વાદમાં શક્તિ રહેલી છે તો ભગવાનના આશિર્વાદમાં કેટલી બધી શક્તિ રહેલી હોય તે આપણે સમજી શકીએ છીએ.
આપ સૌને માટે ઈશ્વરને એકજ પ્રાર્થના
નવુ વર્ષ મંગલમય અને કલ્યાણકારી બને એજ શુભેચ્છા.