એક ઠોકર!
તમે ક્યારેય કોઈને મોટા થાંભલા સાથે અથડાઈને પડતાં જોયો છે?
ના રે ! એ તો નાનકડી ઠોકર વાગે ને , અને પડી જાય! સતત કામ કરવામાં સજાગ હોય એ ,સમજીને પગ મુકવા છતાં ક્યારેક નાનકડી ઠેસ વાગતાં ,કાંકરી આવતાં ગબડી પડે!
કદાચ એવું જ અમારી વાત્સલ્ય વેલડીને સાંભળવા જતાં અમારાં જીવનમાં થયું !સવારે સાડા છ વાગે અમારું સેન્ટર ખુલે તે છેક સાંજે છ સુધી ધમધમતું હોય!
ઓહો ! આખો દિવસ બાળકો ની અવરજવર ,તેમના કુટુંબના સભ્યો મુકવા લેવા આવે , કોઈ બાળકના થેરાપિસ્ટ થેરાપી માટે આવે,ક્યારેક ઈન્સ્પેકટરો ઇન્સ્પેક્શન કરવા આવે અને તે સિવાય ટીચર્સ બેનો અને ક્યારેક વોલેન્ટિયર વર્ક માટે કે કોઈ કોલેજમાંથી એક્સટ્રા ક્રેડિટ માટે કોઈવિદ્યાર્થિની અમારાં સેન્ટરમાં આવે ! ક્યારેક અમે ડાન્સ ટીચર અને પ્રાઈમરી સ્કૂલના વિદ્યાર્થીઓ માટે હોમવર્ક મદદ પણ રાખીએ! ક્યારેક ક્યારેક હવે મેં પ્રિસ્કૂલ ટીચર્સ ટ્રેનિંગમાં સેમિનાર આપવા જવાનું પણ શરૂ કરેલું ! અરે અમારાં નેબરહૂડની પબ્લિક સ્કૂલ જેમાં બે ચાર હજાર વિદ્યાર્થીઓ હતાં તે સ્કૂલની લોકલ કાઉન્સિલ LSCમાં પણ મારી નિમણુક થયેલી ! અમે ડે કેર ઉપરના એપાર્ટમેન્ટમાં જ રહીએ તેથી આ બધું શક્ય હતું ! અમારાં સંતાનોની કાળજી પણ લઇ શકાય એ આશયથી મોટાં આલીશાન ઘરો અને સબર્બન લાઈફ સ્ટાઇલ સગવડો જતી કરેલી ! એટલે સાંજે છ વાગે મારો દિવસ પૂરો થાય એટલે હું ફ્રી થાઉં ને ઉપર એપાર્ટમેન્ટમાં જાઉં !
પણ ક્યારેક એકાદ બાળકને સાંજના છ વાગ્યા છતાં પણ કોઈ લેવા ના આવે ત્યારે સમસ્યા ઉભી થાય ! કોઈ વખત બીજાં ટીચર્સને અનુકૂળ ના હોય તો તેમને રવાના કરી હું એ બાળક સાથે ડેકેરમાં રાહ જોઉં ! મોટા ભાગે રસ્તામાં અકસ્માત થયો હોય કે ગાડીમાં પ્રોબ્લેમ હોય તેથી મોડું થયું હોય! પણ ક્યારે કારણ ગંભીર પણ હોય!ત્રણ વર્ષના માઈકલની મમ્મી ખાસ્સી મોડી આવી. મને ડે કેરમાં એકલી જોઈને ગળગળી થઇ ગઈ અને પછી રડવા લાગી! કેવી રીતે એની નોકરી ગઈ એ વાત કહેતાં કહેતાં એ ફરી રડી પડી! એને સાંત્વના આપી નવી દિશા સુઝાડવાનું કામ એક ડેકેર ડિરેક્ટર તરીકે મારું જ હતું. સિંગલ મધર હોવાથી એણે મજબૂત મક્કમ રહીને માઈકલને પણ સાચવવાનો હતો. નવી નોકરી શોધવા જાય ત્યારે માઈકલને એટલા કલાકો અમારે ત્યાં વિના સંકોચ મૂકી જજે ! મેં પ્રેમથી લાગણીથી કહ્યું. અનેત્યાર પછી તો દરેક માટે એ શિરસ્તો અમે ત્રીસ વર્ષ કાયમ રાખેલો! અને દરેક માં બાપે એવી પરીસ્થિતિમાં એનો લાભ પણ લીધો હતો.
પણ સમસ્યાઓના સર્જનાત્મક સુલઝાવ દર વખતે એટલા સરળ હોતા નથી!
આ બીજો પ્રસંગ જુઓ !
શરૂઆતના વર્ષોમાં સવારનો સમય તો એક ચેલેન્જ જેવો જ હતો: બાળકો આવતાં હોય ,કેટલાક મોટી સ્કૂલે જવા તૈયારી કરતાં હોય, બે ચાર છોકરાઓ સ્પેશિયલ સ્કૂલ બસમાં જતાં એટલે એક ટીચર એમાં રોકાયેલી હોય!
મુખ્ય દરવાજે ઉભા રહીને હું બાળકોને આવકારું! એમનાં કોટ,સ્કાર્ફ ,ટોપી ,હાથના મોજાં બધું કાઢીને એમનાં નામ લખેલ ખાનામાં જગ્યા ઉપર લટકાવીને મૂકી દઉં જેથી એક બીજા સાથે અદલાબદલી ના થઇ જાય. પણ એક દિવસ ત્રણેક વર્ષના નેથને મને કહ્યું; “આ મારુ ખાનું નથી ! મમ્મીએ તમને મારા નામનો ખોટો સ્પેલિંગ કહ્યો છે …એવા અર્થનું મને કાંઈક કહ્યું ! મારી મમ્મીને કાંઈ આવડતું જ નથી!” મને વાતમાં રસ પડ્યો, “ પપ્પા એવું કહે છે!” એણે કહ્યું.
નેથનને લેવા મુકવા રોજ એની મમ્મી આવતી પણ ક્યારેક એને ઓવરટાઈમ કામ હોય તો એ નેથનના બાપને મોકલતી. નેથનના પપ્પાએ મને ફરિયાદ કરતાં કહ્યું કે જેસી ( નેથનની મમ્મી) સતત કામ કરે છે! એને જાણે કે કામ કરવાની મઝા જ આવે છે! એટલા બધા ઓવરટાઈમ કરવાની જરૂર નથી છતાં એ મોડે સુધી જોબ પર જ હોય છે! નેથન એટલે ડરથી પથારી પલાળે છે! એમણે નેથનની મમ્મી વિષે હૈયા વરાળ કાઢી !
હું સાંભળી રહી!
સાંજના સાડા છ થવા આવ્યાં હતાં ! ઉપરથી મારાં બાળકોએ મને બીપ કરીને ઉપર આવવા જણાવ્યું હતું, જે મેં ગણકાર્યું નહોતું !
વાસ્તવમાં છેલ્લા ઘણા દિવસથી હું સખત બીઝી રહેતી હતી! ઘણા દિવસથી નહીં ,ઘણાં મહિનાઓથી હું રાત દિવસ કામમાં ગળાડૂબ હોઉં!
રાત્રેય ક્યારેક મારે ન્યુઝ લેટર લખવાના હોય તો ક્યારેક રિપોર્ટ કે લેસન પ્લાન કે કોઈ બાળકના વર્તનનું પૃથક્કરણ લખવાનું હોય! સુભાષે કાંઈ કહેવા પ્રયત્ન કરેલ ; એ પણ હવે ચાલીસેક એપાર્ટમેન્ટ મૅનેજ કરતો હતો ; એને પણ એના પ્રશ્નો હતા,પણ મારું ધ્યાન ચારે બાજુએ બાળકો અને બાલમંદિરમાં જકડાયેલું હતું! હું વર્કહોલીક બની ગઈ હતી ! ડે કેરમાં આવાં કેટલાયે નેથન અને માઈકલ વાળા પ્રસંગો છાસ વારે બનતા હતા, હું કેટલાને અને કેટલી મદદ કરી શકું ? પણ મને એમ કે હું આટલી બધી ફી લઉં છું, આ મારી ફરજ છે!
વાત્સલ્યની વેલીમાં સૌના બાળકોનું ધ્યાન રાખવામાં ,સૌના કુટુંબોમાં પ્રકાશ અજવાળવામાં અમારાં પોતાના ઘરમાં જ આ દિવા તળે અંધારું હતું કે શું ? ક્યાંક ભૂલ તો કરતી જ હતી … પણ- પણ?
એક ઠોકર વાગી અને ત્યાં … એક ઊંડી ખાઈમાં ! પણ એ અંધકારમય સમયની વાત આવતે અંકે !
Monthly Archives: April 2019
૩0 -કવિતા શબ્દોની સરિતા- રાજુલ કૌશિક
પુસ્તક મિત્ર છે આપણા એકાંતનું,
તે વડીલ છે, સંસ્કારનું.
તે ભવિષ્ય છે આપણાં બાળકનું.
પુસ્તકત ને ખોલો છો તેની સાથે જ
ખુલવા લાગે છે તમારું હૃદય.
બે શબ્દો વચ્ચેની ખાલી જગ્યામાં
તમે તેમને અરીસાની જેમ જોઈ શકો છો.
પુસ્તક અંધકારમાં દીવો લઈને
ઊભું હોય છે અજવાળું પાથરવા.
અને જીવનમાં જ્યારે ભૂલા પડો છો
ત્યારે તેનાં વાક્યો અને પંક્તિઓ
તમને રસ્તો બતાવે છે.
જ્યારે શ્રદ્ધા ડગી જાય,
મન થાકી જાય, હૈયુ હારી જાય ત્યારે
નિર્જિવ લાગતાં પુસ્તકનાં પાનાંઓ
તમારામાં પ્રાણ પૂરે છે.
પુસ્તક દીવાદાંડી છે
પુસ્તક બહાર અને
ભીતર જોડાતો સેતુ છે.
પુસ્તક વિનાનો માણસ ફરી પાછો કોઈ
આરંભકાળનો
આદિવાસી બની જાય તે પહેલા ચાલો,
પુસ્તકના જગતમાં પ્રવેશ કરીએ.
કેવી અને કેટલી સરસ વાત નહીં!
યાદ છે? સિત્તેરના દાયકામાં હજુ તો રેડીયોનું અસ્તિત્વ અને વર્ચસ્વ હતું જ તો વળી. એ સમયે ટેપરેકોર્ડર પણ હતા એટલે આપણે જે સાંભળવા હોય એ ગીતો મનમરજી મુજબ સાંભળી શકતા પણ ખરા પણ અચાનક જ જો આપણું મનગમતું ગીત વિવિધભારતી કે ઑલ ઈંડિયા રેડીયો પર આવે તો કેટલો રોમાંચ અને આનંદ થતો? મને તો થતો જ, તમને ય થતો હશે ને? જાણે મનગમતા અતિથિએ આંગણમાં પગ મુક્યો. બરાબર મનગમતા પુસ્તકનું પણ એવું સ્તો…કદાચ એથી ય વધારે. કારણકે એ મનગમતું ગીત એટલે મનની પ્રફુલ્લિતા પણ મનગમતું પુસ્તક એટલે મનની ચેતના.
આજે નેટ માધ્યમ દ્વારા અઢળક વાંચનસામગ્રી ઉપલબ્ધ છે જ તો. વળી ઑન લાઇન ઇ-બુક, કિંડલ, સોશિઅલ મીડિયા, અલગ અલગ સાહિત્યિક ગૃપ પર પણ હવે તો વાંચન સમૃદ્ધિ વધતી જાય છે એટલે No worries, right?
સવાલ ચિંતાનો તો નથી પણ અઢળક/ દોમદોમ સાહ્યબી વચ્ચે પણ જો ક્યાંક, ક્યારેક આપણી મનગમતી-અંગત વ્યક્તિ મળી જાય તો કેટલો આનંદ થાય? આજે ચારેકોરથી નેટ માધ્યમ દ્વારા એટલી તો વાંચનસામગ્રી ઉપલબ્ધ છે કે કદાચ એના માટે ઝાઝુ વિચારવું જ નથી પડતું. હા! એમાંથી શું વાંચવું છે એ ચોક્કસ વિચારવું અને નક્કી કરવું પડે.
એ સમય હતો જ્યારે નજીકની લાઇબ્રેરિમાં લાઇફ ટાઇમ મેમ્બરશિપ હતી. લાઇબ્રેરિ તો હજુ પણ ત્યાં જ છે પણ લાઇફ બદલાઇ ગઇ. લાઇબ્રેરિમાંથી દર સપ્તાહે એક, બે ,ચાર કે રોજનું એક પુસ્તક લાવીને વાંચવાની વાત ભૂતકાળ બની ગઈ. સમયનું ચક્ર ફરતું જ રહ્યું અને જે વાત સાવ રોજીંદા ક્રમની લાગતી હતી એ આજે અમેરિકા આવ્યા પછી વિચારું તો હવે લક્ઝરી લાગે છે.
વિચારી જુવો, એક સરસ મઝાની સવાર હોય, માત્ર આપણે અને આપણી ચા સાથે વાંચવા માટે એક સરસ મઝાનું પુસ્તક હોય, આનાથી વધીને દિવસની બીજી કઈ ઉત્તમ શરૂઆત હોઈ શકે? અથવા એક મનભાવન એકાંત, મસ્ત મઝાની મોસમ હોય, બહાર વાદળ ગોરંભાયા હોય, ભીની માટીની સુગંધ શ્વાસમાં ભળતી હોય અને એ સમયે એક મનગમતું પુસ્તક મળી જાય.. જરાક વિચારું છું તો ય મન મહોરી ઊઠે છે. કોઈપણ પ્રિય વ્યક્તિની સાથે હોવા જેટલો અથવા એના કરતાં ય વધારે આનંદ થાય ને?
છે, અત્યારે ગૂગલ પર તમામ જાણકારી મળી જ રહે છે પણ આજથી હજારો વર્ષ પહેલા લખાયેલી ગીતાનું મહત્વ ક્યાં જરાય ઓછું થયું છે? આજે વર્તમાન સમયમાં પણ એ એક વડીલની જેમ જ આપણા વિચાર-વર્તન, આપણા સંસ્કારોનું ઘડતર કરે જ છે ને? ગીતા જ નહીં કોઈપણ ધર્મનું પુસ્તક જે તે વ્યક્તિના તમસાવરણ પર ઉજાસ પાથરે જ છે ને?
વાત અત્યંત શ્રદ્ધાની છે ( અંધશ્રદ્ધાની નહીં હોં……) કે ક્યારેક મન મૂંઝવણમાં હોય, હ્રદય ડામાડોળ હોય, ચિત્ત ચકડોળે ચઢ્યું હોય અને આવું જ કોઈ પથદર્શક પુસ્તક પાસે હોય, એમાંની વાતો એક ચોક્કસ દિશા દર્શાવે, આત્માને ચેતનવંતો બનાવે તો નવાઈ નહીં અને એટલે જ તો એને દિવાદાંડી કહેતા હશે.
પુસ્તક વિશે પણ પુસ્તકો ભરાય એટલું લખાયું છે. કેટલાક અવતરણો અહીં ટાંકવાનું મન થાય છે.
‘શબ્દોમાં “ધનબળ,શક્તિબળ,આયુષ્યબળ કરતા પણ ચડિયાતું બળ પુસ્તક્બળ છે.’- રવીન્દ્રનાથ ટાગોર
-‘સારા પુસ્તક જેવો કોઈ કાયમી મિત્ર નથી કારણકે કદીયે નિષ્ફળ ન જનારા મિત્રોમાં પુસ્તક સૌથી મોખરે છે.’સ્વામી રામતીર્થ.
“સારા પુસ્તકો વિનાનું ઘર સ્મશાન જેવું છે.’ સ્વામી વિવેકાનંદ.
‘વિચારોના યુધ્ધમાં પુસ્તકો જ શસ્ત્રો છે.-સિસેરો
‘જે ઘરમાં બે સારા પુસ્તક ન હોય એ ઘરમાં દિકરી ન આપવી.’ગુણવંત શાહ
આ સારું પુસ્તક એટલે શું? સારું પુસ્તક એટલે સાચું પુસ્તક જે વ્યક્તિનું સાચું ઘડતર કરે. એક સારું પુસ્તક આમ-તેમ રખડતા વિચારોને સાચા સૂરમાં બાંધે છે. એક સારું પુસ્તક આપણી ચેતનાને સચેત રાખતી ઉર્જા છે.
હમણાં આ ૨૩મી એપ્રિલે ‘ વિશ્વ પુસ્તક દિન’ ગયો. આ દિવસ એટલે જેમનાં પુસ્તકોનો વિશ્વની મોટાભાગની ભાષાઓમાં અનુવાદ થયો છે એવા લેખક શેક્સપિયર સહિત છ જેટલા વિશ્વ વિખ્યાત સાહિત્યકારોના જન્મ અને મૃત્યુની તારીખ. વધુને વધુ લોકો પુસ્તક વાંચતા થાય, વાંચન પરત્વે અભિરુચી કેળવતા થાય એવા આશયથી યુનેસ્કોએ આ દિવસે ‘વિશ્વ પુસ્તક દિન” તરીકે ઉજવવાનું નક્કી કર્યું.
વર્તમાન સ્થિતિમાં નવી પેઢી જે રીતે પુસ્તકોથી વિમુખ થતી જાય છે, એક વર્ચ્યૂઅલ વિશ્વમાં પ્રવેશતી જાય છે, જે સત્ય અને સાત્વિકતાથી પર થતી જાય છે ત્યારે કવિની વાતનો મર્મ સમજાય છે. આરંભકાળના આદિવાસીથી અદ્યતન/ આધુનિક સમયખંડ સુધી પહોંચેલા આપણે પુસ્તકરૂપી દિવાદાંડીના ઉજાસથી ઊજળા રહીએ.
કાવ્ય પંક્તિ-રાજેશ વ્યાસ’મિસ્કીન
Rajul Kaushik
http://www.rajul54.wordpress.com
પ્રેમ પરમ તત્વ: 26 -શિકાગો – સપના વિજાપુરા
ઈન્સાન સાથે રહી એની સાથે પ્રેમ થઈ જાય એ વાત તો ખૂબ સામાન્ય છે. જે ઘરમાં રહીએ એ ઘર સાથે મહોબત થઈ જ એ વાત પણ સામાન્ય છે. જ્યાં જન્મ લીધો એ ધરા સાથે પ્રેમ થઈ જાય એ વાત પણ ખૂબ સામાન્ય વાત છે. પણ જે કર્મભૂમિ પર ૪૦ વરસ રહ્યા અને એક એક કણ સાથે સંબંધ જોડ્યો.એક એક કણને મહોબત કરી. એ મારી કર્મભૂમિ શિકાગોમાં આવવાનું થયું. અને પ્લેનમાં થી ઊતરી એરપોર્ટની બહાર આવી તો મારી આંખમાં આંસું આવી ગયા. શિકાગો.. શિકાગો.. શિકાગો.. મોઢામાંથી નીકળી ગયું.અને પ્રેમથી હ્રદય ગદગદ થઈ ગયું. જમીન પર બેસી જમીનને ચૂમી કરી લેવાનું મન થયું.અહીંનું એક એક વૃક્ષ એક એક ફૂલ એક એક પંખી મારા સ્વાગત માં હાથ લાંબા કરી બાહો પ્રસારી મને ગળે લગાવવા તત્પર. હતાં. હવે મને ખ્યાલ આવ્યો કે હું શિકાગોના પ્રેમમાં હતી. શિકાગોની હવા ઊંડો શ્વાસ લઈ ફેફસાંમાં ઉતારી. ખૂબ શાંતિ લાગી.
શિકાગોની ઠંડી ઠંડી હવા એક પાનેતરની જેમ મને વીંટળાઈ વળી. લેઈક મિશિગન ના મોજાનો ઘુઘવાટ હ્દયની આરપાર ઊતરી ગયો. ભારતથી સીધી હું શિકાગો આવેલી. નજર સામેથી મારી આખી જિંદગી પસાર થઈ ગઈ. ક્યાંક મને મારા રોમાન્સના દિવસો યાદ આવી ગયાં તો ક્યાંક મને દીકરાના નાના નાના પગલાં દેખાય આવ્યા.તો કયાંક મને દીકરો દુલ્હો બનેલો જડી આવ્યો. યાદ..યાદ.. યાદ.. યાદનું તો એવું ભાઈ કે ક્યારે પણ ટપકી પડે આંસું વાટે કે સ્મિત વાટે. હું તો પ્રેમથી છલકતું આ શહેરને જોઈ રહી.અહી મને કશું અજાણ્યું લાગતું ના હતું.અહીં બધાં ચહેરા પોતાના અને બધી આંખોમાં પ્રેમ છલકાતો લાગતો હતો.વિલિયમ ટાવર અડીખમ ઊભો હતો. લોકોને આવકાર આપવા માટે.બહાઈ ટેમ્પલ કમળ બની મહેકી રહ્યું છે. બંકિમ હામ ફાઉન્ટન મિશિગન લેઈકની બાજુમાં રહીને રંગબેરંગી પાણી ઉડાડી રહ્યો છે.
પ્રેમ ને કોઈ સીમા નથી એ જીવંત વ્યકિત સાથે પણ થાય. અને નિર્જિવ વસ્તુ સાથે પણ થાય.મારો રૂમ,મારી પથારી, મારો પીલો, મારી રજાઈ, મારું રસોડું,મારું ઘર!! અને મારું શહેર!! શિકાગો! જે હવે મારું નથી.પણ પ્રેમમાં જરા પણ ખોટ આવી નથી.શિકાગોમાં ખૂબ સ્નો પડે.ઠંડી પણખૂબ પડે.આજ અહીં ભરપૂર સ્નો પડી રહ્યો છે. એપ્રિલ મહિનામાં સ્નો! પણ તો પણ પ્રેમ આ સ્નોના પૂમડાની જેમ હવામાં ઊડી રહ્યો છે. પણસ્નો સાથે સાથે વસંત ઋતુ પણ આવી ગઈ છે.રંગબેરંગી ડેફેડેલ, કમળ,ટુલિપ્સના ફૂલોથી બાગ બગીચા અને લોકોના યાર્ડ શોભી રહ્યા છે. ગ્રાસ લીલું થવા લાગ્યું છે. અને વૃક્ષ પર લીલી કૂંપળ ફૂટવા લાગી છે.પંખીના સૂરીલા ગીત સંભળાય રહ્યા છે. વસંતની ખુશ્બુ ચારે તરફ ફેલાઈ રહી છે. વરસાદથી તળાવ ભરાઈ ગયા છે. જન્નત આનાથી વધારે સુંદર ક્યાંથી હોય? પણ હોય પણ શકે છે.છતાં શિકાગો જન્નત નથી પણજન્નત થી કમ પણ નથી.કોઈપણ વ્યક્તિ પહેલી નજરમાં પ્રેમમાં પડે એવું શહેર છે શિકાગો.પ્રકૃતિ સાથે મને સદા પ્રેમ રહ્યો છે. એક ફૂલ જોઉંએટલે મારું દિલ બાગ બાગ થઈ જાય. એક પંખીને ગાતું જોઉં તો મારું મન થનગાટ કરવા લાગે.અને વરસાદ જોઉં તો મન પલળી પલળી જાય આદ્ર થઈ જાય!! શિકાગોમાં આ ચારે ઋતુ જોવા મળે. એજ એની સુંદરતા છે.મન ભાવ વિભોર થયું. શિકાગોને મારી પાસે કોઈ આશા નથી, મને શિકાગો પાસે કોઈ આશા નથી તેમ છતાં અમે એકબીજાને અનહદ પ્રેમ કરીએ છીએ. આનાથી વધારે પરમ પ્રેમનું ક્યું ઉદાહરણ હોય શકે.શિકાગોતને સલામ!! તારા કણ કણ ને સલામ!! તારે ત્યાં રહેતા મીઠડાં ચહેરાઓને સલામ!!
સપના વિજાપુરા
૨૬ – કહેવત – ગંગા – કલ્પના રઘુ
માની ગોદ એટલે સંતાનનું સ્વર્ગ
“મા”નું વર્ણન કરી શકે તેવો વિરલો હજુ પાક્યો નથી. તેના માટે મા બનવું પડે. મા શબ્દ જ પૂર્ણ છે જે જન્મ પછી બોલાતો પહેલો એકાક્ષરી શબ્દ છે. પ્રકૃતિનાં પાંચ તત્વોથી બનેલ માને શત્ શત્ વંદન. પૃથ્વીની ક્ષમા, જળની શીતળતા, અગ્નિની હૂંફ, વાયુનો આશ્લેષ અને આકાશની ઉદારતા, આ તમામ ગુણો એક “મા”માં જોવાં મળે છે. માટે જ મા આધિ, વ્યાધિ અને ઉપાધિ, આ ત્રિવિધ તાપની મુક્તિદાત્રી છે.
કુંતીના ખોળામાં માથું મૂકીને યુધિષ્ઠિર જ્યારે સૂતાં હતાં ત્યારે તેમના મુખમાંથી અનાયાસે આ શબ્દો સરી પડ્યાં. “સ્વર્ગ બીજે ક્યાંય નથી, એ અહીં જ છે.” આ અનુભવ આ કળિયુગમાં પણ આપણને બધાંને થાય છે. માના ખોળામાં માથું મૂકો અને દરેક દુઃખ ગાયબ! માની ઝપ્પીમાં એક નવી ચેતના નવા જીવનનો અનુભવ થાય. હું તો કહીશ, દુનિયાનો સર્વશ્રેષ્ઠ “જાદુગર” એટલે મા. ગુણવંત શાહ કહે છે, જગતનાં બધાં તીર્થો માતાનાં ખોળામાં વિરામ પામે છે. માતા શબ્દ નથી, શબ્દતીર્થ છે, તીર્થોત્તમા છે. માણસાઇનાં મેઘધનુષને માતા કહેવામાં આવે છે. મા ગમે તેવી ગાંડી-ઘેલી, અપંગ હોય, મૃત્યુના બિછાનેથી પણ તેની આંખો હંમેશા સંતાનને આશીર્વાદ જ વરસાવતી હોય છે. માની મમતાને મમળાવ્યા જ કરીએ અને તેની મધુરપના વારિ બસ પીધાં જ કરીએ. મા તેના સંતાન માટે ઈશ્વરથી પણ શ્રેષ્ઠ હોય છે. ઈશ્વરને પણ માના દૂધનું અમૃત પીવા માનવ જન્મ લેવો પડ્યો હતો.
બાળકનાં જન્મતાની સાથે નર્સ અંબેલીકલ કૉર્ડ કાપે છે પરંતુ સ્પિરિચ્યુઅલ કૉર્ડથી બાળક મા સાથે હંમેશા જોડાયેલું રહે છે અને એ સંધાન માનાં મૃત્યુ પછી પણ સતત આશીર્વાદ વરસાવીને ચાલુ રહે છે. માટે તો માને અમૃતમયી, કરુણામૂર્તિ, વાત્સલ્ય મૂર્તિ કહીને નવાજવામાં આવે છે. સંતાનની દુનિયામાં નિત-નવી વ્યક્તિઓની આવનજાવન ચાલુ હોય છે પરંતુ માની દુનિયા, તેનો સંસાર તેના સંતાનની આસપાસ જ હોય છે. આપણા જીવનની ઇમારતનાં પાયામાં મા નામની મજબૂત શીલા આપણા જીવનને ટકાવવા માટે હોય છે. જીવનમાંથી જ્યારે તે ખસી જાય છે ત્યારે પંડની જે દશા થાય છે તેનો વલોપાત અનુભવે જ સમજાય છે. તેવા સમયે માની યાદ અને તેણે આપેલી શીખ આપણા માટે ઓક્સીજન બની રહે છે.
માનાં નસીબમાં તો સંતાનથી દૂરતા કે વિચ્છેદ જ લખાયો હોય છે. બીજ, જે માની કૂખમાંથી ફલિત થઈ, બાળક બની અવતરતું કાખમાં આવે છે. માનાં હાલરડા સાંભળતું, તેનાં પાલવ તળે પાંગરતું, આંગણે ઊછરતું, પાપા-પગલી ભરતું, આંગળી છોડી દોટ મૂકતું, આકાશે ઉડી પરદેશ વસતું સંતાન એક નવો માળો ઉભો કરે છે. ભૂતકાળ ભૂલીને વર્તમાનમાં જીવવાનું આધ્યાત્મ જ્ઞાન સંતાન આસાનીથી શીખી જાય છે. સંતાનને કારકિર્દીના શિખરો સર કરવાં છે. ક્યાં સુધી તે માની ગોદમાં પડ્યો રહેશે? મા અને સંતાન વચ્ચેનું બંધાયેલું અતૂટ બંધન સમયની સાથે તૂટૂતૂટૂ થાય છે, એ મા ભૂલી નથી શકતી. એક એક દિવસ યાદ કરીને બાળકની યાદને પંપાળીને જીવવાની કોશિશ કરે છે. તેણે વિકસાવેલો, પાળીપોષીને મોટો કરેલો છોડ, વૃક્ષ બની ચૂક્યું છે. તેનો માળી બદલાઈ ગયો છે. આજની પેઢીએ સ્વીકારવું રહ્યું કે મા, સંતાનનું મૂળ છે. મૂળ છે તો વૃક્ષ છે. જો મૂળને કાપશો તો આજની ટેકનોલોજીને આધારે વૃક્ષ કદાચ જળવાઇ તો રહેશે પણ તેની મૂળ મીઠાશ ચાલી જશે માટે માત્ર “મધર્સ ડે” પર નહીં પણ જીવનપર્યંત જનેતાને સન્માન આપવું જ રહ્યું. જે ગોદમાં ઉછર્યાં હતાં, જે ધાવણનું અમૃત પીધું હતું તેનું ઋણ ચૂકવવા જેટલી કૃતજ્ઞતા દરેક સંતાને અદા કરવી જ રહી. માનું હૃદય રાગ અને ત્યાગ વચ્ચે હંમેશા ઝૂરતું રહે છે. પોતાનું હોવાપણું ઓગાળવું સહેલું નથી. ત્યાગીને ભોગવવાનું એક મા જ કરી શકે. મા એ સત્યમ્ શિવમ્ સુન્દરમ્ નો ત્રિવેણી સંગમ છે. માતૃત્વ એ માનું સત્ય છે, વાત્સલ્ય એ શિવત્વ છે અને મમત્વ સુંદરમ્ છે.
આજની માતા ટેકનોલોજી, શોધખોળ અને પુરાવાનાં યુગમાં બાળકને જન્મ આપી તેનો ઉછેર અને ઘડતર અનેક મર્યાદા સાથે કરી રહી છે. સમાજને તેની પાસે અપેક્ષાઓ પણ ઘણી છે. કુદરત અને સમાજે નિર્માણ કરેલાં બંધનમાં રહેવાં છતાં મુક્ત થઈને પડકારો ઝીલીને પ્રેરણામૂર્તિ બનીને, સમાજને પોતાનું યોગદાન આપે છે તેવી મા વિશે જેટલું પણ લખાય, કાગળ-કલમ ખૂટી પડે. માનો મહિમા ગાતું કવિ શ્રી બોટાદકરનું કાવ્ય યાદ આવે છે અને સંવેદનાથી છલકાતું હૈયું હાથ નથી રહેતું. અંતે ગાઈ ઊઠે છે, “મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ.”
૨૯ -સંવેદનાના પડઘા-મા ને સજા??- જીગીષા પટેલ
નિશા હજુતો સવારનો ચા નાસ્તો પતાવીને બાથરુમમાં ન્હાવા જ જતી હતી અને ઘરનો બેલ વાગ્યો.સવાર સવારમાં નવ વાગ્યામાં કોણ આવ્યું હશે તેમ વિચારતી ,પોતે જ ઝડપથી બારણું ખોલવા ગઈ.મણીમાસીને અચાનક સવારના પહોરમાં આવેલ જોઈ થોડી આશ્ચર્ય તો પામી.પરતું તેમને આવકારી ડ્રોઈંગરુમમાં લઈ જઈ બેઠી.કાબેલ,જમાનાના ખાધેલ,હિંમતવાન અને મજબૂત મનોબળવાળા વાઘ જેવા મણીમાસીને આજે એકદમ દુ:ખી અને નિરાશ ઉતરી ગયેલ મોં સાથે જોઈને નિશા જરા ગભરાઈ ગઈ.નિશા થી તો રહેવાયું નહી અને માસીને વહાલથી પૂછ્યું “માસી સવાર સવારમાં ક્યાંથી નવરા પડ્યા?”
અને જાણે માસીના બધાજ બંધ તૂટી ગયા.જાણે કાળા ડીબાંગ વાદળોથી ઘેરાએલ આભ ફાટીને તૂટી પડે ને તેમ મણીમાસી અનરાધાર વરસી પડ્યા.નિશા પણ કંઈ વાત જાણ્યા વગર તેમની જોડે તેમને આમ આક્રંદ કરતા જોઈ વિસ્મય સાથે ઢીલી થઈ ગઈ!.માસીને પાણી આપી શાંત રાખ્યા.
મણીમાસીની ઉંમર તો લગભગ પંચ્યાસી વર્ષની પરંતુ જીવન જીવવાનો તેમનો ઉમંગ તો યુવાનોને પણ શરમાવે તેવો.કુંટુંબમાં કોઈપણ માંદું-સાજું હોય તો પૂરી લાગણી અને સેવા ભાવ થી ચાકરીકરે.હા,લાગણીથી લથબદ પણ જીભ જરા કડવી ખરી!બધાંને મોં પર જ કડવા વચન કહે અને કહેતા જાય કે “ભાઈ ખોટા મસકા મારવાનું મને ન ફાવે.”
પણ આજે માસીએ આંખમાં આંસુ સાથે કીધું”બેટા નિશા આજે તો મારુંમન સેવામાં પણ ન લાગ્યું ને એટલી બધી અકળાઈ ગઈ,કે આખી રાત ઊંઘ નઆવી,શું કરું અને કયાં જાઉં કંઈ ખબર ન પડી એટલે છેવટે તારી પાસે આવી.”
“પણ થયું શું માસી તે તો કહો” નિશા બોલ
માસી કહે “બેટા, મારા દીકરાએ આજે મારા ગુમાનના ચીંથરાં ઊડાડી દીધા.મારાં ધાવણની લાજ ન રાખી.”આમ કહી માસી મારે હવે જીવવું નથી બેટા ,આવા અપમાન સહન કરીને કહી ફરી રડવા લાગ્યા .
નિશા કહે”પણ માસી એવું તે શું થયું કે તમે આટલા દુ:ખી છો?”
મણીમાસીના નાના દીકરા રાજેશને પોતાની ટેક્ષટાઈલ મિલ અને ટેક્શયુરાઈઝીંગ પ્લાન્ટ પણ ખરો.
યાર્ન અને કાપડ બધું એક્સપોર્ટ પણ કરે.કરોડો રૂપિયાનો માલિક.પરિવારમાં બધાને મદદ પણ ખૂબ કરે.પરતું જેને મદદ કરે તે બધાને તેની વાતમાં હાજીહા કરવી પડે. અને મદદ કરી હોય તે કહી બતાવવાની પણ પુરી આદત. મદદ લેનારને તો બિચારો બાપડો બનાવી દે .
મણીમાસીને ગાડી,ડ્રાઈવર,નોકર-ચાકર બધી સગવડ પરંતુ તમે હાથથી કેમ ખાઓ છો? ચા રકાબીમાં
સિસકારા બોલાવી કેમ પીઓ છો?તમારે આવું કરવું હોય તો તમારા રુમમાં જ જમો અને ચા પીવો. અમારી સાથે ટેબલ પર નહી.પણ આવી અનેક નાની નાની બાબતો તો માસી ગણકારતા નહી.
પંચ્યાસી વર્ષે જાય પણ કયાં?
પણ આ વખતે તો ગજબ થઈ ગયો!! માસી ફોન પર તેમની દીકરી સાથે વાત કરતા હતા.જેમ બધા ઘરડા બા પોતાની દીકરીને જ પોતાના દીકરા -વહુની ફરિયાદ કરે તેમ માસીએ પણ કીધું,
“ બેટા,આ ઘરમાં તો હું સાવ વધારાની છું.કોઈને મારી સામે જોવાનો પણ ટાઈમ નથી.મારા કરતાંતો
ઘરના કૂતરાંને વધારે પ્રેમ અને માન મળે છે.બધાં આવતાની સાથે તેની સાથે રમે છે કેટલું વહાલ કરેછે અને પછી ઘરમાં આવે છે.મારી તો સામે જોવાની પણ કોઈને ફૂરસદ નથી.”
સામે દીકરીએ કહ્યું” બા,કાલે એના છોકરાં મોટા થશે.કોઈ નહી પહોંચે તેને તેનું પેટ પહોંચશે.”
ઉપરના રુમમાંથી ફોન ઉપાડતાં જ મણીમાસીના દીકરા રાજેશ શેઠ ફોનનું એક્સ્ટેનશન એક જ હોવાથી બધી વાત સાંભળી ગયા.બસ ખેલ ખત્તમ.!!
નીચે ઊતરીને રાજેશભાઈએ માસીના રુમમાંથી તેમના બધાં કપડાંને તેમની ચીજો બહાર નાંખી દીધી……પછી ખૂબ ગુસ્સાથી કીધું”તમે મને ખબર પડવાની વાત કરો છોને પહેલા આજે હું તમને ખબર પાંડુ કહી,
“ તમારે જયાં જવું હોય ત્યાં જાવ મારા ઘરમાં તમે આજથી નહી. તેમની મિલમાં તેમના નજીકના જેટલા સગાં કામકરતા હતાં તે બધા મામાના,કાકાના,ભાઈના,બહેનના દીકરાઓ,જમાઈ બધાને ફોન કરી ઘેર બોલાવ્યાં .બધાંને કહી દીધું કે તમે બધા મારી માના લીધે મારા સગા થાઓ છો.મારી મા આજે આવું બોલી છેએટલે તમે બધા કાલથી નોકરી પરથી છુટ્ટા.તમને બધાને આપેલ ગાડીઓ,બાઈકો બધાની ચાવીઓ મને આપી દો .બધાં બીજી નોકરી શોધી લેજો.” આમ કહી મા અને મોટીબહેનની વાત તેઓ જાતેજ ફોન પર સાંભળી ગયા તેમ બધાને જણાવ્યું.
માલેતુજાર રાજેશ શેઠ ને આટલું પણ કહેવાની માની હિંમત !!!!!!!!
મોટોભાઈ,મોટીબહેનના દીકરાઓ બધાં રાજેશ શેઠની રાજેશ મિલમાં નાની મોટી પોસ્ટ પર કામ કરે.આમ અચાનક કામ પરથી રજા આપવાની વાતથી બધા ડઘાઈ ગયા!!!!
માસી અને તેમની દીકરી તો હાથ જોડીને રાજેશભાઈની માફી ચોધાર આંસુથી રડતાં રડતાં માંગે.!!
બીજા દસ જણા પણ લાઈનમાં ગુનેગારની જેમ ઢીલા મોંએ ઊભા રહી, રાજેશભાઈની ગુસ્સાભરેલ વાણીને ઓશીયાળા બની પથ્થર દિલ કરી સાંભળી રહ્યા હતા. રાજેશભાઈના વર્તનથી બધા અવાચક
થઈ ગયા હતા.આખા ગામને એક બૂમથી થથરાંવતાં મણીમાસી કાપો તો લોહી ન નીકળે તેવી દશામાં હતા.
એકબાજુ માસીપોતાના દીકરાના આવા પોતે ભગવાન હોય તેમ સમજી કરેલ અમાનુષી,અહંકારી વર્તન પર ઘીન અનુભવી રહ્યા હતા.અને બીજી બાજુ નજીકના આટલા બધા લોકોની રોજીરોટી પોતાના લીધે છીનવાઈ જતી હોવાથી પોતાના અહંકાર અને વજૂદનેકચડી પોતાના સ્વભાવની સાવ વિરુદ્ધ જઈ પોતાના જ દીકરાને હાથ જોડી કાકલૂદી કરી માફી માંગી રહ્યા હતા. તેમને અને રાજેશથી મોટી તેમની દીકરીને તો ધરતી જગા આપે તો સમાઈ જવા જેવું લાગતું હતું. પોતાનો જ દીકરો અને પોતાનો જ ભાઈ પોતે ખાલી પૈસા પાત્ર હોવાથી બધા પર આટલો રોફ જમાવે!!!!!!
બધાના મનમાં એક જ વાત ચાલી રહી હતી કે “હે ભગવાન ,ગુલામીના દૂધપાક કરતા સ્વતંત્રતાનો સૂકો
રોટલો સારો.મોંઘવારીનાં જમાનામાં અચાનક પૈસાની આવક અને મોટરગાડી જતા રહે તો શું થાય?
મજબૂર માણસ હાથ જોડવા સિવાય કરે તો પણ શું કરે?”
આટલી વાત કરતા અને સાંભળતા તો નિશા અને મણીમાસી બંને હીબકે ચડ્યાં.નિશા પાસે આજે માસીનેઆશ્વાસન આપવાના કોઈ શબ્દો નહતા.ઘરડી માને પણ કોઈ દીકરો પોતાના પૈસાનું
ગુમાન થોપવા સાવ આવી સજા કરતો હશે??? માના ધાવણને ભૂલીને ,પૈસાના મદમાં રાવણ બનેલા
માસીના દીકરાની વાત સાંભળી નિશાના રુંવાડાં ઊભા થઈ ગયા! તેને કમકમા આવી ગયા!!!
શું માને પણ કોઈ આવી સજા ફરમાવે!!!
તેને ખરેખર સમજવાની જરુર છે,
“મુજ વીતી તુજ વીતશે ,ધીરી બાપુડિયા “
વાત્સલ્યની વેલી ૨૬) ટી.વી. ઉપર સમાચારમાં !
ટી.વી. ઉપર સમાચારમાં !
આમ જુઓ તો અકસ્માત થતા પહેલા તેના એંધાણ વર્તાતા હોય છે જ ; પણ આપણને એ સમજવાની દ્રષ્ટિ હોતી નથી! ક્યારેક તે પ્રત્યે આપણે બેદરકાર હોઈએ છીએ , તો ક્યારેક વધુ પડતા આત્મ વિશ્વાસમાં એની ઉપેક્ષા કરીએ છીએ! સીતાએ લક્ષમણ રેખા ઓળંગી એટલે જ તો રાવણ ફાવી ગયો ! અને કર્ણે દાનમાં પેલા બ્રાહ્મણને કવચ કુંડલ આપ્યાં ના હોત તો મહાભારતનું યુદ્ધ કાંઈકે જુદું જ પરિણામ લાવત!
એક જગ્યાએ હું વધુ પડતા આત્મ વિશ્વાસ ને લીધે કફોટી પરિસ્થિતિમા મુકાઈ હતી ! અમે ઉત્સાહથી, કુનેહથી ડે કેરના બિઝનેસમાં મહેનત કરતાં હતાં અને તેને લીધે ગ્રાન્ડ એવન્યુનો એ બ્લોક પણ બદલાઈને એક સરસ વિસ્તાર બની રહ્યો હતો. તો એક બે માઈલના વિસ્તારમાં અમે ઇન્વેસ્ટમેન્ટ માટે અમુક એપાર્ટમેન્ટ બિલ્ડીંગ્સ પણ લેવા માંડ્યા હતાં.એક સાંજે એવા એક બિલ્ડીંગમાં કાંઈ કામ ચાલતું હતું અને હું પણ સુભાષ સાથે હતી, ત્યાં એક વીસેક વર્ષની પ્રેગ્નન્ટ છોકરી આવી અને મને કરગરતાં એપાર્ટમેન્ટ ભાડે માગ્યું. એણે એપ્લિકેશન ભરી અને ડિપોઝીટ ,ભાડું વગેરેના પૈસા પણ આપ્યાં.જોકે સુભાષે એને સમજાવ્યું કે બિલ્ડીંગ મેનેગમેન્ટની ઓફિસમાં એપ્લિકેશન ઉપર તપાસ થશે પછી મંજુર થતાં બે દિવસ થાય, ત્યાર પછી ચાવી મળશે, પણ એ છોકરીએ એના શરીર ઉપરના ઘા બતાવ્યા અને બોયફ્રેન્ડ એને મારી નાંખશે વગેરે વાતો કરી એટલે મેં દયાભાવથી , કંપનીના નિયમો અવગણીને , નિયમોની વિરુધ્ધ, ક્રેડિટ ,રેફ્રન્સ વગેરે તપસ્યા વિના આ છોકરીને મદદ કરવા સુભાષને સમજાવ્યું . રાત પડવા આવી હતી. બિલ્ડીંગ ઉપરના અમારાં કામ પતી ગયાં હતાં, પણ એ છોકરી હજુ ત્યાંજ કરગરતી ઉભી હતી! છેવટે , નછૂટકે, પરાણે સુભાષે પોતાના નિયમ વિરુધ્ધ, એને ચાવી આપી !
પણ માત્ર ત્રણ જ મહિનામાં એ નેબરહૂડ બદલાઈ ગયું .એનો બોયફ્રેન્ડ ઘર શોધીને બીજે જ અઠવાડીએ ત્યાં આવી ગયો; રોજ પોલીસોના ચક્કર શરૂ થયાં, એ ડ્રગ ડીલર હતો એટલે ત્યાં ગન શોટ પણ થયાં, અને હવે ત્યાં પગ મુકવો મુશ્કેલ થઇ ગયો!
એ દરમ્યાન એક શનિવારે હું મારી બેનપણી જે પંદરેક માઇલ દૂર રહેતી તેની ઘેર જઈ રહી હતી ત્યાં સુભાષે એક કાગળ આપ્યો અને મને કહ્યું કે રસ્તામાં જતાં જતાં આ જગ્યાએ જરા હાજરી આપવા ઉભી રહે તો સારું, ત્યાં આપણું એક બિલ્ડીંગ છે.
ભલે, મેં વિચાર્યું ! Not a big deal! આખો દિવસ પારકાના અને પોતાના છોકરાંઓ સાથે સતત કામ કરું છું,આજે જિંદગીમાં પહેલી વાર એક બપોર મને મારા માટે મળી છે! આટલું કામ કરવામાં જરાયે મોડું નહીં થાય!
હું એક માઇલ દૂરના એ પાર્ક ડિસ્ટ્રિકના હોલમાં ગઈ ! અંદર સ્ટેજ ઉપર સરસ મ્યુઝિક બેન્ડ વાગીરહ્યાં હતાં, આ તો નેબરહૂડ પાર્ટી લાગે છે! મેં બારણે ઉભેલ ભાઈને પેલો કાગળ આપ્યો. એ જોઈને એ ખુબ ખુશ થઇ ગયા અને મને આગળ આવવા વિનંતી કરી. જો કે મારે મોડું થતું હતું એટલે મેં વિવેક પૂર્વક ના કહીને હું પાછી જવા ગઈ ત્યાં બે ત્રણ જણ આગ્રહ કરી, પ્રમેથી આગળ લઇ ગયાં, છેક સ્ટેજ ઉપર! બેન્ડ વાજા બધું બંધ થઇ ગયું અને એમણે , સૌને મારી ઓળખાણ આપી!
ઓડિયન્સમાંથી માઈક ઉપર પ્રશ્નોની ઝડી વરસી ! પ્રશ્નોત્તરી શરૂ થઇ!!
હું છક્કડ ખાઈ ગઈ! આભી જ બની ગઈ!
શું જવાબ આપું આ બધાંને કે નેબરહૂડ કેમ આટલું બગડી ગયું?
સાઉથ આફ્રિકામાં ગાંધીજી જયારે પાછા ફર્યા અને એ જહાજમાંથી ઉતરતા હતા ત્યાં કોઈ અંગ્રેજ એમને ઓળખી ગયો ને બધાં એમના ઉપર તૂટી પડ્યાં હતાં તેમ એ બિલ્ડિંગની મકાનમાલિક તરીકે બધાં મને ઓળખી ગયાં હતાં અને હવે બધાંને પ્રશ્નોના ઉત્તર જોઈતા હતાં!
મેં ઊંડો શ્વાસ લીધો અને લગભગ લાગણી સભર સ્વરથી જણાવ્યું કે મારા પતિને હેલ્થના પ્રોબ્લેમ છે એટલે અમે એમાં ભયન્કર બીઝી થઇ ગયાં છીએ, પણ કાયદેસર કાર્યવાહી ચાલુ જ છે .. વગેરે! મને આ જવાબ કેવી રીતે સ્ફૂર્યો એ મને ખબર નથી, પણ ત્યાર પછી હું ત્યાંથી ભાગી!!
ગાડીમાં આખ્ખે રસ્તે એજ વિચારતી હતી કે રખેને કોઈને ખબર ના પડે કે હું ત્યાં જઈને આવું બયાન આપી આવી છું! આ બધું માત્ર સાત જ મિનિટમાં બનેલું ! હું વિચારથી હતી ત્યાં રમીલા પટેલ મારી સારી સખી નું ઘર આવી ગયું.
સરસ વેધર હતી,એ બહાર જ ઉભેલી ! મને પૂછ્યું , “ હાય ગીતા ! સુભાષભાઈને શું થયું ?”
“કાંઈ નહીં, કેમ? “મેં આશ્ચર્યથી પૂછ્યું, ;”તને કોણે કહ્યું? “
“લે , આ ટી વી માં આવે છે!”એણે કહ્યું!!
અમે અંદર ગયાં, જાહેરાતમાં આવ્યું ‘લેન્ડલૅડી બગડેલા નેબરહૂડ બાબત લોકોને દિલની વાત કહે છે, આજે જુઓ ચાર વાગ્યાના સમાચારમાં! ‘
અને પછી છ વાગ્યાના લોકલ ન્યુઝમાં અને રાતે દશ વાગ્યાના ન્યુઝમાં! બસ એજ … હું!!બસ એજ પ્રશ્નોત્તરી !
સોમવારે ડે કેરના પેરેન્ટ્સનો પણ એજ પ્રશ્ન !
છેવટે જયારે મારા ડી સી એફ એસ ના પ્રતિનિધિ – અમારા ઇન્સ્પેકટર સાથે પેટ છૂટી વાત કરવાનો મોકો મળ્યો ત્યારે એમણે મને મીઠો ઠપકો આપતાં કહ્યું: “ તમે એને કાયદેસર મદદ કરી શક્યાં હોત: શેલ્ટર હોમ અથવા તો કોઈ એજન્સીને ફોન કર્યો હોત તો આટલું મહાભારત રચાત નહીં!’ એમણે મને ડોમેસ્ટિક વાયોલન્સ પ્રિવેન્સન માટેના ક્લાસીસ ભરવાનું સૂચવ્યું. “ આ જરૂરી નથી પણ જાણશો તો તમે ઘણાંને મદદરૂપ થશો !” એમણે કહ્યું.
ભગવાન મારી પાસે શું ઇચ્છતા હતાં? ખબર નહીં; પણ થોડા જ સમયમાં એક એવા પ્રસંગે એ જ્ઞાન મને કામમાં આવ્યું!! એ વાત આગળ ઉપર!
૨૯ -કવિતા શબ્દોની સરિતા- રાજુલ કૌશિક
માર્ચ પુરો થયો અને એપ્રિલ પણ અડધે પહોંચવા આવ્યો. વેકેશનની હવા બંધાવા માડી હોય એટલે સ્વભાવિક છે ભારતથી આવતા કે આવવા માંગતા આપણા સગા- સંબંધીઓ કે મિત્રોના અમેરિકા વિઝિટના વાવડ આવવા માંડે. થોડા ઊડતી મુલાકાતે આવે તો કેટલાક અહીં સ્થાયી થયેલા પરિવારના માતા- પિતા થોડા લાંબા સમયના વેકેશન પર આવે…..
આવા જ છેલ્લા કેટલાક સમયથી અમેરિકા આવવાનો વાયદો કરતા એક યુગલની વાત છે. આ વર્ષે તો આવશે જ એવી ચોક્કસ ખાતરી હતી. એનું એક કારણ એ કે એમના દિકરાની ૧૨ બોર્ડની પરીક્ષા પતી ગઈ હતી અને હવે જરા લાંબુ વેકેશન મળ્યું હતું. છેલ્લા કેટલાય સમયથી ભણવાનો ભાર લઈને ફરતા દિકરાની સાથે એમના પણ કેટલાય દિવસો ભારભર્યા પસાર થયા હતા અને રાતોની ઊંઘ વેચીને ઊજાગરા વહોર્યા હતા એની જાણ હતી. આ સમય હતો લાંબા સમયથી વેઠેલા ટેન્શનને થોડો સમય હળવો કરવાનો. ફરી એકવાર બીબાઢાળ જીંદગી શરૂ થાય એ પહેલાં તાજગીની હવા ભરી લેવાનો. ફરી એક હોડમાં દોડવા સજ્જ થવાનો….વગેરે વગેરે……
પણ ના, એવું કશું જ ના બન્યું. અમેરિકા આવવાના વાયદાને ફરી પાછો બે વર્ષ માટે આઘો ઠેલી દીધો. કારણ?
એમના દિકરા પાસેથી જ જાણીએ..
“હું નાનો હતો ત્યારે મમ્મી મને એવું કહેતી કે તું સરસ ભણીશ, સારા માર્ક્સ લાવીશ, સ્કૂલમાં સારો સ્કોર કરીશ તો ૧૦માં બોર્ડમાં તને તારી ગમતી લાઈનમાં જવાનો દરવાજો ખુલ્લો થશે….Ok, ચાલો કમર કસીને, ચોટલી બાંધીને ભણી લીધું. કોઈપણ જાતનો સમય વેડફ્યા વગર અને દરેક જાતના શોખ ભૂલીને પણ ભણી લીધું. કારણ હું પણ ભણતરની વૅલ્યૂ સમજતો જ હતો ને પણ પછી? ૧૦ બોર્ડની પરીક્ષા પતી ગઈ એટલે ૧૨ બોર્ડ માટેના ક્લાસિસ, ટ્યુશન અને ટેન્શન ચાલુ થઈ ગયા. સાચું કહું છું ત્યારે પણ મન દઈને ભણ્યો. આમથી તેમ, એક દિશાએથી બીજી દિશાએ દોડી દોડીને પ્રાઈવેટ ટ્યુશનમાં જોડાયો. એની પણ પરીક્ષાઓ સતત આપી અને એ બધી પરીક્ષાઓ સાથે ૧૨ બોર્ડની પણ પરીક્ષા પતી હવે? તો હવે આગળ ક્યાં એનો ય આરો છે? આમ તો એક પછી એક પરીક્ષાઓ ચાલુ જ રહેવાની અને એકપણ પરીક્ષા આપ્યા વગર તો ક્યાં ચાલવાનું છે? ”
કેટલી સાચી વાત?
આપણે સમજીએ જ છીએ કે વાત તો એની ય સાચી જ છે. આપણે પણ આ આખા ક્રમમાંથી પસાર થઈ જ ચૂક્યા છીએ ને?. અભિમન્યુના સાત કોઠા કરતાં વધારે કોઠા છે અત્યારના એજ્યુકેશનના.. એકવાર એના ચક્રવ્યૂહમાં પેઠા કે બહાર નિકળવાનો આરો ક્યાં અને ક્યારે આવશે એ તો જાનકીનાથ જ જાણે અને આ તો કદાચ નર્સરી- કિન્ડરગાર્ટન, જેને પહેલા બાળમંદિર કહેતા હતા એમાં એડમિશન લેવાથી માંડીને સરસ મઝાની અને સિક્યોર જોબ મળે ત્યાં સુધી આપ્યા કરવાની પરીક્ષાઓ છે. સ્કૂલ પછી કૉલેજ, માસ્ટર્સ ડીગ્રી પછી સુપર સ્પેશલાઈઝેશન.
“ભણશો તો આગળ વધશો અથવા ભણશો તો તરશો, ભણશો તો જીવનમાં કંઇક પામશો.” માતા-પિતાએ કહેલી આ વાત તો હવે સંતાનો માટે તકિયા-કલામ બની રહી છે. એ પછી કદાચ સારી જોબ મળી જશે તો પણ પાછા પ્રમોશન માટેની પરીક્ષા. વળી પાછા સારી છોકરી કે છોકરો મેળવવાની પરીક્ષા તો ઊભી જ રહેશે એ પછી પણ ક્યારે કઈ પરીક્ષા આપવી પડશે એની ક્યાં ખબર છે?
છેલ્લા કેટલાય સમયથી સાંભળીએ છીએ, જાણીએ છીએ પરીક્ષાની ટકાવારી કેટલી મહત્વની બની ગઈ છે. એક સમય હતો જ્યારે પંચોત્તેર ટકા આવે એટલે સારામાં સારી મેડિકલ સ્કૂલમાં એડમિશન લેવા માટેના વિકલ્પ પણ ખુલ્લા રહેતા જ્યારે આજે? વિદ્યાર્થીઓ માટે ૧૦૦ ટકા પરિણામ લાવવા સુધીની હોડ શરૂ થઈ ગઈ છે.
અને આ માત્ર બાળકો મોટા થાય ત્યારે શરૂ થતી યાત્રા નથી એ તો કદાચ એ.બી.સી.ડી બોલતા શીખે ત્યારથી જ ભવિષ્યમાં આગળ વધવા માટે મુકાતી એક સીડી છે જેના એક પછી એક સોપાન ચઢતા જ જવાનું છે. ભણતર મહત્વનું છે એની ના જ નથી પણ અત્યારે સાવ પાંચમાં સાતમા ધોરણમાં ભણતા છોકરાઓને પણ મજૂર બોરી ઉપાડે એમ બેવડ વળી જવાય એટલા ભારવાળી સ્કૂલબેગ લઈને જતા જોઈએ ત્યારે મન ચકડોળે ચઢે ખરું. સમય બદલાતો જાય છે એમ ભણતરની સાથે અન્ય પ્રવૃત્તિમાં પણ બાળક આગળ વધે, પ્રથમ આવે એવી સૌની માનસિકતા ક્યાં અજાણી છે.
હવે જે વાત કરવી છે એ તો સાવ અકલ્પ્ય ઘટના છે. તાજેતરમાં એક વિડીયો જોઈ. સાવ નાના કુમળા, ભાખોડીયા ભરતા બાળકોની સ્પર્ધા. સ્પર્ધા જીતવા માટે જ્યાં પહોંચવાનું હતું ત્યાં માતા કે પિતા એમના બાળકને આકર્ષે એવું કોઈ રમકડું લઈને બેઠા હતા. રેસ શરૂ થઈ. કેટલાક બાળકો આગળ વધીને એમની જ મસ્તીમાં ત્યાં અટકી ગયા. કેટલાક આગળ વધીને પાછા વળી ગયા. બે બાળકો આગળ વધ્યા અને અંતે એક બાળક ભાંખોડીયા ભરતું ભરતું છેવટની રેખાને આંબી ગયું. જોઈને થયુ. Really ??? આવી પણ સ્પર્ધા હોઈ શકે ? સ્વભાવિક છે જીતેલા બાળકના માતા-પિતા તો રાજીના રેડ. હવે મઝાની વાત તો એ કે બાળકને તો ખબર પણ નહીં હોય કે આ શું અને કેમ બની રહ્યું છે પણ આ જોઈને વિચાર તો આવ્યો જ કે સાવ આટલી ઉંમરથી પણ બાળકને એના જીવનમાં આવતી અનેક સ્પર્ધાઓ અને અગણિત પરીક્ષાઓ માટે સજ્જ થવું જ પડશે ને?
આવી જ જીવનની દડમજલમાં પણ સતત માથે ભાર બનીને ઝળૂંબતી આ પરીક્ષાઓ માટે કવિ શ્રી કૃષ્ણ દવેએ શબ્દોમાં ઢાળેલી વાત કેટલી સાચી અને સચોટ છે?
રોજ પરીક્ષા રોજ પરીક્ષા, રોજ પરીક્ષા દઈએ, ક્યાંતો સ્કૂલમાં, કાં ટ્યુશનમાં, કાં ટેન્શનમાં રહીએ.
નથી એકલા પાસ થવાનું ટકા જોઈએ મોટા, નાની નાની મુઠ્ઠી પાસે પકડાવે પરપોટા.
એચ ટુ ઓને ગોખી ગોખી ક્યાંથી ઝરણું થઈએ? રોજ પરીક્ષા રોજ પરીક્ષા રોજ પરીક્ષા દઈએ.
પ્રવાસ ચાલુ થાય નહીં એ પહેલા હાંફી જઈએ, રોજ પરીક્ષા રોજ પરીક્ષા રોજ પરીક્ષા દઈએ.
થાકું, ઊંઘું, જાગું ત્યાં તો સામે આવે બોર્ડ, હોઉં રેસનો ઘોડો જાણે એમ લગાવું દોડ.
કોની છે આ સિસ્ટમ જેમાં અમે ફસાયા છઈએ, રોજ પરીક્ષા રોજ પરીક્ષા રોજ પરીક્ષા દઈએ.
કાવ્ય પંક્તિ – કૃષ્ણ દવે
Rajul Kaushik
http://www.rajul54.wordpress.com
પ્રેમ એક પરમ તત્વ -25 -મોતથી મહોબત- સપના વિજાપુરા
જિંદગી જેવી અનિશ્ચિત કોઈ વસ્તુ નથી અને મોત જેવી નિશ્ચિત કોઈ વસ્તુ નથી. પણ મરનાર કરતા મોતનો આંચકો પાછળ રહી જવા વાળાને વધારે લાગે છે. વરસોનો સાથ છૂટી જાય છે. ખાસ કરીને એ પતિપત્ની હોય તો. જિંદગીના ચડાણ અને ઉતાર માં એકબીજાને સાથ આપેલો હોય ત્યારે અચાનક એક પંખી ઊડી જાય તો માળો સૂનો થઈ જાય છે. ત્યારે કોણ કોના થી કેટલું નારાજ હતું એ બધું ભૂલાઈ જાય છે.
મારું હ્રદય આજ દર્દથી ભારે થઈ ગયું છે. આ પોસ્ટ મૂકતાં મારી આંખો આંસુથી ભીની થઈ ગઈ છે. ભારે હ્રદય થી જણાવવાનું કે મારી ખૂબ વહાલી સખી ખુર્શિદ માવજી ના પતિ ઝોહર માવજી નું અવસાન થયું છે. ઝોહરભાઈ એક નિખાલસ હ્રદયના માલિક હતાં. ખુર્શિદ સાથે એમના પ્રેમલગ્ન હતાં. બાવન વરસનું એમનું લગ્ન જીવન એક આદર્શ અને પ્રેરણારૂપ હતું.હ્રદયના ખૂબ જ ભોળા હતા. અમારી સાથે વરસોથી દોસ્તી હતી. અને ખૂબ જ ઉદાર હ્રદયના હતાં. ગરીબ અનાથને તથા સગાંવહાલાંઓને મદદ કરવી એ એમના લોહીમાં હતું.
ખુર્શિદને એમણે એક કાચની ઢીંગલી જેમ સાચવીને રાખેલી.. કોઈપણ જાતની તકલીફ પડવા દીધી ન હતી. હાથમાં પડેલા ફોલ્લાની જેમ એને સાચવી છે. ઝોહરભાઈ હમેશા અમારા દિલમાં રહેશે. ઝોહરભાઈના પાકિસ્તાનના વતની હતાં ખુર્શિદ મુંબઈથી હતી. ૧૯૬૬૦ ની વાત છે કેઝોહરભાઈ “મેરે મેહબુબ” મુવી જોવા ભારત આવેલા અને ખુર્શિદની દાદીનું પાર્સલ કોઈએ આપેલું જે ખુર્શિદના ઘરે આપવા ગયેલા. કોણે દરવાજો ખોલ્યો? ખુર્શિદે!! અને પ્રથમ નજરે ઝોહરભાઈ પ્રેમમાં પાગલ થઈ ગયાં. ‘મેરે મેહબુબ’ એમને મળી ગઈ. મારી સખી રૂપાળી પણ ખૂબ જછે.પણ ખુર્શિદે લગ્ન માટે ના કહી.
સમય તો વહેવા લાગ્યો, પણ ઝોહરભાઈ એ નક્કી કરેલું કે લગ્ન કરીશ તો ખુર્શિદ સાથે જ! અને દાદીનું મૃત્યુ થયું. ખુર્શિદને ભારત છોડી પાકિસ્તાન એમના મમ્મીને ત્યાં જવું પડ્યું. જ્યાં ઝોહરભાઈ આતુરતાથી ખુર્શિદની રાહ જોઈ રહ્યા હતાં. ખૂબ જ સમજાવટ અને કોશિશ પછીખુર્શિદ માની ગઈ. બન્નેના ઇસ્લામિક ફીરકા પણ જુદાં જુદાં હતાં. ખુર્શિદ ઇસ્માઈલી અને ઝોહરભાઈ શિયા ઈશ્ના અશ્રી. પણ મહોબતની જીત થઈ અને પ્રેમ જીતી ગયો.
બન્નેનું જીવન ખૂબ પ્રેમમય રીતે વીતી ગયું. ૧૯૭૨ માં અમેરિકા આવ્યાં. એમને બે ખૂબસુરત દીકરીઓ ઈશ્વરે આપી. ઝોહરભાઈએ ડ્ન્કીન ડોનેટઅને બાસ્કીન રોબીન ના બીઝનેસ પણ કર્યા. કૉમ્યુનિટી માં ખૂબ માન પાન મેળવ્યા.એમનું જોડું ખૂબ વખણાતું. ઝોહરભાઈ તો ખુર્શિદ વગર રહી જ ના શકે. એ ખુર્શિદને ‘શેની’ના હુલામણા નામથી બોલાવતા. ખુર્શિદ એમને ‘જોય’ કહીને બોલાવતી કારણકે એ જવાનીમાં જોય મુકરજીજેવા દેખાતા હતા!! આમ તો એમને બહું પહેલા હાર્ટએટેક આવેલો પછી સ્ટ્રોક પણ બે ત્રણ વાર આવેલા. છેલ્લો સ્ટ્રોક ૨૦૧૬ માં આવેલો અને ફરી એમાંથી ઊભા ના થઈ શક્યા! અને ૧૪ મી એપ્રીલ ૨૦૧૯ રોજ એ અલ્લાહને પ્યારા થઈ ગયાં. ખુશિદે છેલ્લા ત્રણ વરસ એમની જે સેવા કરી છે તે ઉપરથી કહી શકું કે બન્ને ને એકબીજા માટે કેટલો પ્રેમ હતો. એક બાળકની જેમ એ ખુર્શિદનો દામન પકડીને રહેતા હતાં. મને ખબર છે ખુર્શિદ માટે ખૂબ અઘરું છે ઝોહરભાઈ વગર રહેવાનું. પણ એક પંખી વહેલા ઊડી જવાનું એ કુદરતનો નિયમ છે.પણ ઝોહરભાઈ જરૂર કહેતા હશે કે
” જિંદગીકો બહોત પ્યાર હમને દિયા, મોતસે ભી મહોબત નિભાયેગે હમ
રોતે રોતે જમાનેમે આયે મગર હસતે હસતે જમાનેસે જાયેગે હમ
જાયેગે પર કિધર હૈ કિસે યહ ખબર કોઈ સમજા નહી કોઈ જાના નહીં”
આ દુનિયામાં જે આવ્યું છે એ જવાનું છે. કોઈ પણ અહીં અમર નથી. મોત થી મહોબત કરવી સહેલી નથી કારણકે મોત એ જુદાઈ નું નામ છે પણ મોતને જો ઈશ્વર સુધી પહોચવાનો માર્ગ ગણવામાં આવે તો. મોતનો ડર દિલમાંથી નીકળી જાય અને મોતથી પ્રેમ થાય. દુનિયાનો પ્રેમ ખૂબ ક્ષણિક છે અને એનો અંત જરૂર થવાનો ઈશ્વરનો માર્ગ અનંત છે અને કાયમી છે. ઈશ્વર પ્રત્યેનો પ્રેમ પરમ છે!! આજ પ્રેમ પરમ તત્વ વિષે થોડું પીડાદાયક લખાય ગયું પણ હમેશા પ્રેમ એટલે રોમાન્સ નથી હોતો.આરાધના, પ્રભુભક્તિમાં પણ પ્રેમ છૂપાયેલો હોય છે. જ્યારે હું કબ્રસ્તાન પાસેથી પસાર થાઉં તો મુલ્લા સાહેબનો એક શેર યાદ આવી જાય છે.
હર કબ્રસે મુલ્લા યહી આવાઝ આતી હૈ
આગાઝ કોઈ ભી હો અંજામ યહી હૈ!
આગાઝ= શરુઆત
અંજામ= અંત
સપના વિજાપુરા
૨૫ – કહેવત – ગંગા – કલ્પના રઘુ
સાચને ન આવે આંચ
સત્યમ્ શિવમ્ સુન્દરમ્. “ઈશ્વર સત્ય હૈ, સત્ય હી શિવ હૈ, શિવ હી સુંદર હૈ.” સત્ય જો શાશ્વત હોય તો ભલા તેને આંચ કેવી રીતે આવે? ઓશોએ કહ્યું છે, “આનંદ સત્ય કી પરિભાષા હૈ.” સત્ ચિત્ આનંદ માણસની મૂળ પ્રકૃતિ રહી છે.
સમય, સાબિતીની રાખ તેના પરથી ઉડી જાય છે ત્યારે નગ્ન સત્ય અસલ સ્વરૂપે પ્રગટ થાય છે. આવા સોહામણા સત્યને કળિયુગના પ્રભાવ તળે માનવનો રાક્ષસ સ્વભાવ કદરૂપુ બનાવી દે છે. પછી કોર્ટમાં કઠેડામાં ઊભા રહીને દરેક વ્યક્તિ પોતાની જુબાનીમાં ગીતા પર હાથ મૂકીને કહે છે, “હું જે પણ કહીશ તે સત્ય કહીશ.” સત્ય એક જ હોય છે તો પછી એક જ કેસ માટેની દરેક જણની જુબાની સત્ય કેવી રીતે હોઈ શકે? માનવનું દાનવરૂપ અલગ અલગ દ્રષ્ટિકોણથી પ્રગટ થાય છે. સીધા-સાદા સત્યને પૂરવાર થતાં ક્યારેક વર્ષો નીકળી જાય છે. કોર્ટમાં “સત્યમેવ જયતે” લખેલું હોય છે છતાં ક્યાંક સત્યનો વિજય થાય છે તો ક્યારેક સત્ય સુપ્રીમ કોર્ટમાં પણ મૂંગે મોંઢે હાર સહન કરી લે છે. પરંતુ મૃત્યુથી પર ચિત્રગુપ્તની સભામાં દેવ હોય કે માનવ, કરેલાં કર્મોનાં લેખાજોખામાંથી બાકાત રહી શકતો નથી. સત્ય પ્રગટ થઈને પૂરવાર થાય જ છે. આખરે “સાચને ન આવે આંચ.”
ક્યારેક જૂઠું બોલવાથી અંદર બેઠેલો ઈશ્વર તમને ટોકે છે. તમને ગમતું નથી કે તમે અસત્ય બોલી રહ્યાં છો છતાં પણ ગભરું માનવ ડરથી, પોતે કરેલાં પાપથી બચવા અસત્યનો સહારો લે છે. આ કળિયુગનું પ્રમાણ છે પરંતુ જેણે સતનો સંગ કરેલો છે એટલે કે સત્સંગ સાથે જોડાયેલો છે એવી વ્યક્તિ સત્યના રાહ પરથી ડગતી નથી.
સત્યથી શ્રેષ્ઠ કોઈ ધર્મ નથી પરંતુ જૂઠું બોલવું એ કળિયુગનો મંત્ર બની ગયો છે. હા, સત્યને સાબિત કરવા ધીરજ ધરવી પડે છે. એક જૂઠને સાબિત કરવા સો વખત જૂઠું બોલવું પડે છે. જ્યારે સત્ય બોલવું સરળ હોય છે, તેના માટે કોઇ વિચાર કરવો પડતો નથી. છતાં લોકો જૂઠું બોલતાં અચકાતાં નથી. જૂઠના પાયા પર ઊભી થયેલી ઇમારત ક્યારે કકડભૂસ થાય અને તેનાં માઠાં પરિણામ આવે એ તો ઈશ્વર જ જાણે! સત્યને મઠારીને બોલવું તે પણ એક કળા છે. જેમકે મહાભારતનાં યુધ્ધમાં “અશ્વત્થામા મરાયો, હાથી પણ હોઇ શકે.”
માના પેટમાંથી બાળક મોબાઈલ એપની સાથે સત્ય અસત્ય શીખીને જ બહાર આવે છે ત્યારે હમણાં મીલપીટાસ હવેલીમાં વિદ્યામંદિરના ૩ થી ૧૩ વર્ષની ઉંમરનાં બાળકોએ ઉત્સવ ઉજવ્યો. જેનો થીમ “સત્યમેવ જયતે” હતો. પુષ્ટિમાર્ગના પાયાના સિદ્ધાંતમાં સત્ય અને સત્સંગ છે. તે સમજાવતી સ્કીટ, શ્લોકો, ગરબા અને નાટક રજૂ કરીને લોકોને પ્રભાવિત કર્યાં હતાં. કૂમળો છોડ વાળીએ તેમ વળે. જો સત્ય વિશે પ્રહલાદ, યુધિષ્ઠિર, સત્યવાદી હરિશ્ચંદ્ર, નરસિંહ મહેતા, ગાંધીજીની વાતોને પોતાના ધર્મ સાથે સાંકળીને બાળકો દ્વારા રજૂ કરવામાં આવે તો આ ધર્મનાં મૂળ ઊંડા જવાનાં અને આવનાર પેઢીનું ભવિષ્ય ચોક્કસ ઉજળું રહેવાનું. બાળક ધર્મ સાથે જોડાયેલું રહેશે તો તે સારા-નરસાનો, સત્ય–અસત્યનો વિવેક શીખશે. અને પોતાની જાતને બચાવીને પોતાનું આગવું વ્યક્તિત્વ ઉપસાવી શકશે. ગીતા હોય કે બાઇબલ, દરેક સંપ્રદાય સત્યનો મહિમા ગાય છે. સત્યનું આચરણ એ ધર્મનું એક અંગ છે. અસત્ય પર સત્યની જીત એટલે નવરાત્રી પછી આવતો વિજયાદશમીનો તહેવાર. હોલિકાનું દહન એટલે સત્યનો વિજય.
સત્ય ભલે કડવું, કપરું કે આકરૂ હોય, એને સિદ્ધ કરતાં નાકે દમ આવે પરંતુ સત્યથી એક પ્રકારની ચેતનાનો પ્રકાશ પ્રગટશે. જેનાથી અંતઃકરણમાં અજવાળું થશે. જેનાથી દગો, લોભ, મોહ, અહંકાર, રાગ, દ્વેષ વગેરેની મલિનતા દૂર થઈ શુદ્ધતા, સાત્વિકતા, સરળતા, અને સહજતાનો પ્રકાશ આવિર્ભાવ થશે. આ જ ધર્મ છે. જ્યાં ધર્મ છે ત્યાં વિજય નિશ્ચિત છે. ગાંધીજીએ સત્ય અને અહિંસાના માર્ગે દેશની આઝાદી મેળવી હતી.
૨૮ -સંવેદનાના પડઘા – બાપુ મારી બા પણ-જિગિષા પટેલ
અમર અને આનંદ સાતમા ધોરણમાં ભણતા બે જોડીયાભાઈઓ સ્કુલેથી પાછા આવ્યા તો તેમના ઘરને બારણે તાળું લટકતું હતું. પપ્પાએ બારણા પર ચિઠ્ઠી લગાડેલી તે બંને ભાઈઓ વાંચતા હતા અને ત્યાં જ બાજુમાં રહેતા દેવીબેન ચાવી લઈને દોડતા આવ્યા અને ઘર ખોલી આપ્યું . સાથે સાથે કીધુ “બેટા જમીને રમજો હું બાજુમાં જ છું કંઈ કામ હોય તો કહેજો.”
દરરોજ ઘરમાં રહેતા સવિતાબેનને તાવ આવ્યો હોવાથી આવ્યા નહોતા. પપ્પાએ બનાવેલ ભાખરી શાક બંને જણાએ ખાઈ લીધા. અમર જે આનંદથી પાંચ મિનિટ મોટો હતો તે એકદમ ડાહ્યો અને ગંભીર હતો. આનંદ મસ્તીખોર,મજાકિયો પણ ખૂબ લાગણીશીલ હતો. તેમના પપ્પા કોલેજમાં પ્રોફેસર હતા. સવિતાબેનના કરવાના બધા કામ પડ્યા હતા. અમરે જમીને વાસણ કરવા માંડ્યા. તેને જોઈને આનંદ રસોડું સાફ કરી પોતું મારવા લાગ્યો.અમરે આનંદને કીધું “પપ્પા પાંચ વાગે આવીને ક્યારે કપડાં ધોશે? ભાઈ ,ચાલ આપણે કપડાં ધોઈ નાંખીએ.”અમર કપડાં ધોઈને આપતો હતો અને આનંદ તે તાર પર ટેબલ પર ચડી સૂકવતો હતો. ત્યાંજ દેવીબેનનો દીકરો રોજની જેમ તેમને ક્રિકેટ રમવા બોલાવવા આવ્યો.આ લોકોને આમ કામ કરતા જોઈને પૂછવા લાગ્યો”
તમારી મમ્મી કેમ આ બધું નથી કરતી? એ કેમ તમને મૂકીને તમારા મામાને ઘેર રહે છે? એને બોલાવી લો તો તમે સ્કુલેથી પાછા આવે તો તમને જમાડે ,ભણાવે અને ખૂબ વ્હાલ પણ કરે? અમરે તો કંઈ જવાબ ન આપ્યો પણ આનંદે કીધુ “તું જા અમારે રમવા નથી આવવું અને પછી ખૂબ ઉદાસ થઈ રડવા લાગ્યેા.
તેને આમ રડતો જોઈ અમરની આંખોમાં પણ ઝળઝળિયા આવી ગયાં. તેની ઈચ્છાતો આનંદને શાંત રાખવાની હતી .પણ અમરને બધા પાસે મમ્મી છે ને ભાઈ આપણી પાસે જ કેમ નહી કરીને ધ્રુસકે ધ્રુસકે રડતો જોઈ ,તેની પાસે તેનો કોઈ જવાબ ન હોઈ તે પણ તેને વળગીને જોર જોરથી રડવા લાગ્યો.
એટલામાં જ તેમના પપ્પા હરીશભાઈ કોલેજમાંથી અડધી રજા લઈને ઘેર આવી ગયા. દીકરાઓ શું કરે છે એકલા ઘરમાં તે જોવા તે પોતાની ચાવીથી ઘર ખોલી અંદર આવ્યા , તો બંનેને આમ એકબીજાને વળગીને રડતાં જોઈ ગભરાઈ ગયા.ઘરમાં આમ બધું સાફસુથરું અને કપડાં-વાસણ થએલા જોઈ તે વધુ નવાઈ પામ્યા. બંને ભાઈઓ જોરથી પપ્પાને વળગીને રડવા લાગ્યા.અમર તો કંઈ બોલ્યો નહી પણ આનંદે રડતા રડતા પપ્પા ,મમ્મી કેમ અહીં આપણી સાથે રહેતી નથી ? બધાંના મમ્મી-પપ્પા તો સાથે જ રહે છે કહી દેવીબહેનના દીકરાએ કહેલી વાત કહી પોતાના રડવાનું કારણ વિગતથી સમજાવ્યું.
હરીશભાઈએ એક વરસના હતા ત્યારથી બંને દીકરાઓને મા અને બાપ બંને થઈને ઉછેર્યાં હતા . દીકરાઓના અચાનક પૂછાએલ સવાલનો શું જવાબ આપવો તે તેમને સમજાયું નહી અને હજુ તેમના અને તેમની પત્ની ઉમાનો ઝઘડો સમજી શકે તેટલા બાળકો મોટા પણ ન હતા. તે ઉમા માટે કોઈ ખરાબ વાત પણ કરવા માંગતા ન હતા એટલે તેમણે તે વાત ઉડાડી દીધી અને ચાલો બેટા જલ્દી તૈયાર થઈ જાઓ આપણે તો કે.લાલ જાદુગરનો શો જોવા જવાનું છે એટલે હું જલ્દી ઘેર આવ્યો છું કહી છોકરાઓને તૈયાર કરી બહાર લઈ ગયા.નાના બાળકો તો આઇસક્રીમ ખાતા ખાતા જાદુના ખેલમાં ખોવાઈ ગયા …… પણ હરીશનું મન જ્યારથી દીકરાઓને મા માટે રડતાં જોયા હતા ત્યારથી ખૂબ ઉદાસ અને બેચેન થઈ ગયું હતું. તેના મગજમાંથી વિચાર ખસતા નહોતા કે તે પોતાના દીકરાઓને કેવી રીતે સમજાવે કે તેમની મા તેમની સાથે રહેવા તૈયાર નથી! માતૃત્વના બધા બંધન તે પાર કરી ચૂકી છે .નહીં તો ફૂલ જેવા બે સાવ એક વર્ષના બાળકો વગર મા કેવી રીતે રહી શકે?? એ તો ખરેખર કોઈ અપવાદ જ હોય.!
હરીશને તે રાત હજુ એવીને એવી યાદ હતી જ્યારે અડધી રાત્રે તે પોતાના બંને એક વર્ષના બાળકોને લઈને ઉમાના ઘરમાંથી નીકળી ગયો હતો.
ઉમા અને હરીશના બંનેના બીજા લગ્ન હતા. હરીશ જ્યારે માત્ર અઢાર વર્ષનો હતો ત્યારે તેના લગ્ન ,પરાણે વિધવા માએ તે લગ્ન નહી કરે તો પોતે ઝેર ખાશે તેમ કહી કરાવ્યા હતા.તે તેની વિધવા માને ના પાડતો જ રહ્યો કે મારે હજુ બહુ ભણવાનું બાકી છે અત્યારથી લગ્ન નથી કરવા પણ વડીલોએ બાળપણમાં કરેલ સગાઈને તોડાય નહી તેમ કહી માએ તેને પરણાવી જ દીધો.પરંતુ લગ્નની રાતે જ છોકરીને મળ્યા વગર જ તે ઘરમાંથી ભાગીને નવાગામથી અમદાવાદ આવી ગયો અને પાછો ફરીને પોતાને ગામ ગયો નહી. ભણીગણીને અમદાવાદ જ સ્થાયી થયો.
ઉમા ખૂબ શ્રીમંત પિતાની દીકરી હતી .તેના પહેલા લગ્ન પણ ખૂબ શ્રીમંત પરિવારમાં મુંબઈમાં થયા હતા. તેને પહેલા લગ્નથી દીકરી પણ હતી.તેનો પતિ કાર અકસ્માતમાં ગુજરી ગયો હતો.
ઉમા પાસે તેના પહેલા ધનવાન પતિના પુષ્કળ પૈસા અને બંગલા-ગાડી હતા.તેના બંગલાના આઉટહાઉસમાં રહેતા સ્વામીજી થકી ઉમા અને હરીશની ઓળખાણ થયેલ.પહેલા લગ્નમાં બંને નિર્દોષ રીતે એકલા થયા હતા.ભણેલાે ગણેલો હરીશ ,ઉમાની દીકરીને પણ સ્વીકારવા તૈયાર હતો. તેથી સ્વામીજીએ જ બંનેના લગ્ન કરાવ્યા અને હરીશ ઉમાના બંગલામાં રહેવા આવી ગયો. પાંત્રીસ વર્ષે લગ્ન કર્યા હોવાથી હરીશ તો શરુઆતમાં વહુઘેલો થઈ ઉમાની આગળ પાછળ ફરતો.તે કહે તે બધી વાતમાં હાજી હા કરતો.લગ્નને વર્ષ થયું ત્યાં તો બે સરસ જોડીયા દીકરા અવતર્યા.
આટલાં વર્ષો પછી દીકરાને ત્યાં બે દીકરા જનમ્યા તેને જોવા અને રમાડવા ગામડેથી હરીશના બા આવ્યા જે ઉમાને જરાપણ ગમ્યું નહીં. “આવા ગામડિયા બા મારા ઘરમાં નહી. “હરીશ સમસમીને રહી ગયો.
બાળકોને રમાડવા ઉમાના મિત્રો ને પિયરનાં લોકો આવે ત્યારે પણ ગામઠી ભાષા બોલતા હરીશના બાને રુમની બહાર ન આવવા ઉમા કહેતી. ઘર અને પોતાના બંગલા ગાડી હોવાની વાત કરી તે દરેક વાતે હરીશને દબાવવા કોશિશ કરતી. હરીશને પણ ઉમા ,ગામડિયા – તારા નસીબ સારા કે તને પૈસા ,બંગલાે,ગાડી અને શહેરની મારા જેવી છોકરી પણ મળી ગઈ તેમ કહી વાતે વાતે સંભળાવતી.રોજની રોજ આવી ઉમાની વાતો સાંભળી હરીશ હવે તંગ આવી ગયો હતો.
પરંતુ અમર અને આનંદને જોઈને ખુશ થઈને દિવસો કાઢતો હતો.હવે તો ઉમા બાઈઓ પાસે છોકરાઓને મૂકીને કીટીપાર્ટી અને પોતાના પિયરમાં જતી રહેતી.એક દિવસ હરીશ કોલેજથી પાછો આવ્યો અને બંને દીકરાને તાવ હતો.રાતનાં અગીયાર વાગ્યા સુધી હરીશે પોતા મૂક્યા અને જ્યારે તેણે ઉમાને કીધું “તું સગી મા થઈને બાળકો માંદા હોવા છતાં બહાર જતી રહી?”
તો કહે”મારા ઘરમાં રહી તમારે મને કેવી રીતે રહેવું અને ક્યારે બહાર જવું તે સમજાવાની જરુર નથી.
બે જોડીયા બાળકોને તમારા પોતાના ઘરમાં તમારા પૈસે ઉછેરો તો હું જાણું. બે દીકરા તમારા છે અને તાગડધિન્ના તમે મારા પહેલા પતિને પૈસે કરો છો.”
હવે હરીશની પૌરુષત્વની બધી હદ પાર થઈ ગઈ …..તે તેના બંને દીકરાને એક વરસના લઈને તે રાતે જ ઉમાના ઘેર ક્યારેય પાછું નહી ફરવાનું કહી નીકળી ગયો.ત્યારપછી પોતાને મળતા પ્રોફેસર ક્વાટર્સમાં રહી ગામડેથી પોતાની બાને બોલાવી એકલા હાથે દીકરાઓની મા અને પિતા બની તેમને ઉછેરવા લાગ્યો.અમર-આનંદ સાત વર્ષના હતા અને હરીશના બા પણ ગુજરી ગયા.
સવિતાબેન રસોઈ અને ઘરકામ કરવા આવતા પણ ન આવે તો બાળકોને જાતે રસોઈ કરી હરીશ જમાડતા.ઉમા બે ત્રણ મહિને એકાદવાર બાળકોને મળવા આવતી. એને છોકરાઓની જવાબદારી મા તરીકે લઈને પોતાના હરવા ફરવા પર પ્રતિબંધ જોઈતો જ નહતો .હરીશે બંને દીકરાઓને જાતે નવડાવી,ખવડાવી,સુવડાવી , મા અને બાપનો પ્રેમ આપ્યો.કયારેય ઉમા વિશે કંઈ જ ખરાબ છોકરાઓને કીધુ નહી.
છોકરાઓ સરસ ભણી ગણીને મોટો ધંધો કરવા માંડ્યા. તે બંને જણે તેમની પત્નીને ,લગ્ન કર્યા ત્યારે
કીધું કે મારા મા અને બાપુ બંને મારા પિતા જ છે તમે અમને નહી સાચવો તો ચાલશે પણ મારા પિતાને કોઇ તકલીફ પડવી ન જોઈએ.રોજ બંને દીકરા કામ પરથી આવી પપ્પાની પથારી પાસે બેસતા ત્યારે હરીશ પોતાના જીવનના સરવૈયાના આનંદનો અનુભવ કરતા….
એકલે હાથે પેટે પાટા બાંધી છોકરા ઉછેરતી માને સાંભળી છે પણ આવા પણ પિતા હોય છે કે જે માને
બાપ બંનેનો પ્રેમ આપી બાળકોનો તંદુરસ્ત ઉછેર કરે.
પોતાના અહમને પોષવા અને મતભેદો થકી આજકાલ ડિવોર્સનું પ્રમાણ ખૂબ વધી ગયું છે પણ તેમના નિર્દોષ બાળકો તેનો ભાર લઈ ખૂબ મુંઝાતા અને મનમાં જ રિબાતા જીવે છે તેનો શો ઉપાય?