*અંધારે અજવાળું* નવલિકાનો ગુજરાતીમાં અનુવાદ શ્રી પ્રસાદ બ્રહ્મભટ્ટજીએ સહેજ ટૂંકાવીને આપણી સમક્ષ મૂક્યો છે. આપણે આજે આ વાર્તાનું સુંદર સંસ્કરણ જોઈએ સત્યેન્દ્ર ચૌધરી જમીનદારનો પુત્ર હતો. તેનાં પિતાનું મૃત્યુ થયું હતું તેની વિધવા માતા પતિના મૃત્યુ પછી મુનીમજીની મદદથી જમીનદારીની દેખરેખ રાખતી હતી.તેમજ પુત્રને વકીલ બનાવવા મહેનત કરી રહી હતી. જો ભણી ગણી લે પુત્ર તો પરણાવીને જમીનદારી તેને સોંપી તે નિશ્ચિંત થવા માંગતી હતી. તેણે એક દિવસ વ્રત નિમિત્તે ગામને જમવાનું આમંત્રણ આપ્યું ને તેમાં અતુલ મુખર્જીની વિધવા તેની બાર વર્ષની પુત્રી સાથે જમવા આવી હતી . આ પુત્રી સુંદર હતી તો સાથે સાથે સુશીલ અને હોશિયાર તેમજ ગુણવાન હતી . તેથી તેની નજરોમાં વસી ગઈ હતી. સત્યનને તેના માટે વાત કરવી જોઈએ પણ તે હમણાં તૈયાર ન હતો.
સત્યેન્દ્ર જેને આપણે સત્યેન કહીશું જે એમ.એ.ની પરીક્ષા આપી રહ્યો હતો ,તેથી તેણે માને વકીલાત પાસ કર્યા પછી જ લગ્ન કરીશ એમ મક્કમતાથી જણાવી દીધું .તે એકનો એક પુત્ર હતો.તે માને દુઃખી કરવા માંગતો નહોતો . સુશીલ અને સંસ્કારી હતો છતાં માએ જ્યારે તેની સમક્ષ ઘરેણાથી લાદેલી એક નાની છોકરીને બેસાડી ,ત્યારે મા પર તે ગુસ્સે થયો તે ભણવામાં ચિત્ત ચોટાડી શક્યો નહીં. વારંવાર પેલી સુંદર છોકરીનો ચહેરો તેની સમક્ષ આવવા લાગ્યો તે સાંજે પેલી છોકરી તેના ઓરડામાં આવી તેને સામેથી જ પૂછી બેઠી માએ તમારી પાસે જવાબ માંગ્યો છે.ત્યારે તેનો મધુર કંઠે સાંભળી તે ટાળી ન શક્યો.જૂઓ મિત્રો અહીં સહજતાથી લેખકે સર્જન થયેલાં આ સમાજના સહજ પણાને દર્શાવ્યું છે.
મિત્રો ,શરદબાબુ ઘણીવાર આવા બે પાત્રોને વાચક સમક્ષ એવી રીતે રજૂ કરે છે કે વાંચનાર પણ રોમાંચિત થઈ ઉઠે. તેનો જવાબ સાંભળી તે છોકરી જવા લાગી તો એનાથી રહેવાયું નહીં અને નામ પૂછી જ લીધું ઉત્તરમાં તેણે કહ્યું,” મારું નામ રાધા રાણી.”તે ચાલી ગઈ સત્ય માનતો હતો કે લગ્નની બેડી પગમાં પડયા પછી માણસના આત્મસન્માનનો નાશ થાય છે. છતાં પણ સ્ત્રી જાતિ પ્રત્યેની ઉદાસી તે ક્ષણે દૂર ધકેલાઈ ગઈ . એવું કશુક દિલોદિમાગ પર હાવી થઈ ગયું કે તે નજર ના હટાવી શક્યો.આ આકર્ષણને લેખકે અહીં વિશેષરૂપે આલેખ્યું છે.
સત્યને તરવાનું ખૂબ ગમતું .તેના રહેઠાણથી ગંગાજી બહુ દૂર નહોતાં.તે જગન્નાથ ઘાટ ઉપર જતો ને ત્યાં તેનો એક ઓડિયા બ્રાહ્મણ સાથે સારો મેળ હતો . પોતાના કપડાં ત્યાં મૂકીને નાહવા જતો હતો.એક દિવસ તેના જીવનમાં ઉથલપાથલ મચી ગઈ. ગંગાઘાટ પર પહોંચ્યો અને પેલો બ્રાહ્મણ દેખાયો નહીં આમ તેમ નજર ફેરવતા બધાંની નજર જ્યાં હતી ત્યાં તેની નજર પણ સ્તબ્ધ થઈ ગઈ.
તેનાં પરિચિત પંડા પાસે એક સ્ત્રી જાણે કે અપ્સરા જ જોઈ લો! આવું રૂપ તેણે કદી નહોતું જોયું તેવી સ્ત્રી કપાળે ચંદનની છાપ લગાવી રહી હતી.સત્ય તે પંડા પાસે જઈ ઊભો રહ્યો તે પંડાને સત્ય પાસે સારી એવી દક્ષિણા મળતી હતી. તેણે તેનાં કપડાંની છાબ લઈ લીધી . તે દરમ્યાન પેલી સ્ત્રીની અને સત્યની આંખો મળી. આમ હવે રોજ થવા લાગ્યું સાતેક દિવસ બાદ સત્યને લાગ્યું આ સ્ત્રી આંખોથી વાતો કરવામાં પાવરધી છે. સંસ્કારી સત્યેને ક્યારે પહેલ ન કરી.
એક દિવસ તે સ્ત્રીએ જે અઢાર વર્ષની યુવતી જ હતી પણ થોડી પીઢ લાગતી હતી. તેણે જ શરૂઆત કરી અને તેને રસ્તામાં સાથ આપવા વિનંતી કરવા લાગી. બે ચાર દિવસ આ ચાલ્યું .ત્યારબાદ જાણે કે સત્ય હવે તેના તરફ આકર્ષવા લાગ્યો, પણ હિંમત કરી પૂછી નહોતો શક્યો. તે સ્ત્રીએ તેની સાથે સરલા નાટકની ચર્ચા કરી ત્યારે તેને લાગ્યું કે તેનું વાંચન પણ ઘણું સારું છે.તેની બોલવાની છટા પણ સરસ હતી.એક દિવસ પેલી સ્ત્રીએ તેને તેના ઘરે આવવા કહ્યું. સત્ય ચમક્યો તેણે ના, ના છી , છી કહી નકાર કર્યો. ફરી કદીક કહી તે પ્રિયતમા પ્રત્યે ઊંડી શ્રદ્ધાથી ગદગદ્ થઇ ગયો. ચારેક દિવસથી પેલી યુવતી દેખાતી બંધ થઈ ગઈ .સત્યેન તેના માટે સારા-નરસા વિચારો અને અટકળો કરી ચુક્યો હતો.
ત્યાં દાસી તેને લેવા આવી કે તે યુવતી બીમાર છે અને યાદ કરે છે. બીમારીનું સાંભળી સત્યેન પોતાની જાતને
ન રોકી શક્યો, પણ મિત્રો તેને ખબર નહોતી કે તે જેને નિસ્વાર્થ ભાવથી ચાહતો હતો તે છળ કપટ હતું.
ત્યાં પહોંચતાં જે માહોલ નજરે ચઢ્યો તે જોઈ સત્યેન દિગ્મૂઢ થઇ અક્ષર ન બોલી શક્યો. મનોમન પોતાની જાતને ઘૃણા કરવા લાગ્યો . પેલી યુવતી ,દાસીને ત્યાં બેઠેલા પુરુષોએ તેની ઠઠ્ઠા-મશ્કરી કરી અપમાન કર્યું .બાઘો કહ્યો.તેને નાસ્તો ધરવામાં આવ્યો,પણ સત્ય તેને અડક્યો પણ નહીં તે સ્ત્રીનાં હાથનું ભોજન તે નહીં જ કરે તે મક્કમતાથી કહી દીધું, સાથે તેને ઠુકરાવી ઉભો થઇ ગયો જ્યારે પેલી સ્ત્રીએ તેની ઓળખ આપી ને નામ કહ્યું ,”તે વીજળી છે તેની ચમક આગળ ભલભલા પાણી ભરે છે.” સત્યેન તેનાં જુઠ્ઠા પણા પર ખૂબ જ ક્રોધિત થઈ ત્યાંથી નીકળી ગયો.તેની વિનંતી જે તેના અભ્યાસ ખંડમાં આવવાની હતી તે પણ તેણે ઠુકરાવી દીધી.
વીજળી નૃત્યાંગનાંનું પાત્ર અહીં શરદબાબુએ ચિત્રિત કર્યું છે.નૃત્યાગના છે,પાપ કર્યા છે છતાં સત્યને કાંઈક હૃદયનાં ખૂણામાં તેણે ચાહ્યો છે. તેથી અનેક વિનંતી કરે છે પણ સત્યેન તેની એક પણ વિનંતી પોતાનો ઉપહાસ થયા પછી સ્વીકારવા તૈયાર નથી .ત્યારે અંતમાં વીજળી કહી દે છે,”બધાં મંદિરોમાં દેવની પૂજા થતી નથી છતાં તે દેવ છે .તેને જોઈ ભલે તમે મસ્તક નમાવો પણ તેને કચડી ને તો તમારાથી જવાશે નહીં “અને સત્યેન હંમેશ માટે તેને ન મળવાનો નિર્ધાર કરી ત્યાંથી નીકળી ચાલ્યો ગયો. વીજળી સ્ત્રી હતી તેણે ભૂલ કરી હતી અને તેની આંખોમાંથી શ્રાવણ-ભાદરવો વરસી પડયો ,હૃદયે ડૂસકું નાખ્યું અને ઘુંઘરું વીંછીની જેમ ડંસ દઈ રહ્યાં હતાં .બધું જ તેણે ત્યજી દીધું. ફરી ક્યારેય ન શ્રૃંગાર નહિ સજવા,ન પહેરવાના નિશ્ચય સાથે.બધાંને કહી દીધું “વીજળી રોગથી મૃત્યુ પામી”
એક દારૂડિયો પુરુષ પૂછી બેઠો,”કયા રોગથી?”
ઉત્તરમાં પેલું લોભામણું હાસ્ય કરી હસતાં હસતાં કહે છે કે જે રોગથી દીવો થતા અંધારું મરી જાય છે,સૂર્ય થતા રાત મરી જાય છે એજ રોગથી તમારી બાઈજી હંમેશ માટે મરી ગઈ.
ત્યારબાદ મિત્રો ચાર વર્ષનાં વહાણાં વહી ગયાં. બધું જ બદલાઈ ગયું સત્યેન ખૂબ જ અમીર થઈ ગયો અને કલકત્તામાં આલિશાન મકાનમાં રહેવા લાગ્યો ને ત્યાં આજે તેનાં દીકરાની અન્નપ્રાશનની વિધિ હતી. તેણે બે ત્રણ નૃત્યાંગના પણ બોલાવી હતી.
સત્યને માનાં કહ્યાં પ્રમાણે રાધારાણી સાથે લગ્ન કરી લીધાં હતા. તે આ ત્રણેય નર્તકીને જોઈ રહી હતી.તે ક્ષણે તે કૃષ થઈ ગયેલી સાદા વસ્ત્રોમાં બેઠેલી નૃત્યાંગનાને મળવા ઈચ્છા રાખતી હતી. સત્યેન પણ તેને બોલાવી તેનું અપમાન જ કરવા ઈચ્છતો હતો ,એ જાણ્યા પછી રાધારાણી સુશીલ સ્ત્રી હતી તેણે સત્યેનની બધી વાત સાંભળી ત્યારે તેને પોતાની પાસે બોલાવી. તે ખૂબ જ ઉદાસ લાગતી હતી .તેને ગાવાના રૂપિયા તે વખતે ૨૦૦ મળતાં હતાં. છતાં તેને આટલા ખર્ચે બોલાવવામાં આવી હતી.
રાધારાણીએ તેને વિનયપૂર્વક મોટીબેનનાં નામે સંબોધી .પોતાનો દીકરો તેના હાથમાં આપ્યો અને જાણે વર્ષોથી ઓળખતી હોય તેમ બોલી ઉઠી કે સમુદ્ર મંથનમાંથી નીકળેલ વિષ તમે પી જઈ સઘળું અમૃત તમારી આ નાની બહેનને આપ્યું છે .તમને એ ચાહતા હતા ,તેથી હું તેમને પામી છું.વીજળીએ સત્યેનનો નાનો ફોટોગ્રાફ હાથમાં લઇ એકીટસે જોઈને પછી હસી ને બોલી,”વિષનું વિષ તો અમૃત છે .બહેન ,હું એનાથી વંચિત રહી નથી.એ વિષે આ ઘોર પાપી સ્ત્રીને અમર કરી દીધી છે.”
રાધારાણી તેને પૂછી બેઠી,”તેને મળવું છે બહેન?”
ક્ષણવાર આંખ મિંચી તે સ્ત્રી વીજળી બોલી ઉઠી,”ના બહેન , અસ્પૃશ્યા સમજી ચાર વર્ષ પહેલાં તેમણે મારો ત્યાગ કર્યો હતો ત્યારે મેં ગર્વથી કહ્યું હતું કે તમે જરૂર પાછા આવશો,પણ મારું અભિમાન રહ્યું નહીં. તે જીત્યા ફરીવાર ન જ આવ્યા,પણ પ્રભુએ મારું અભિમાન કેમ હણ્યું એ હવે સમજાય છે.મારે જ આવવું પડ્યું. ફરી મળશે તો માફી માંગીશ એવી ઇચ્છા હતી,પણ હવે જરૂર નથી. મને આ ફોટોગ્રાફ આપો વધુ કંઈ જ નથી જોઈતું હવે માંગુ તો પ્રભુ મને માફ નહીં કરે. બસ, હવે તો ઘરેથી દૂર જતી રહીશ ,પણ તેઓ તેડવા માણસ મોકલ્યો તો ખોટું નામ કેમ આપ્યું?
આ સંવાદ પછી મિત્રો,રાધારાણી કાંઈ જ ન બોલી શકી ,પણ વીજળી સમજી ગઈ કે તેનું અપમાન કરવા તેને લાવવામાં આવી હતી . રાધારાણી શરમથી આંખો ઝૂકાવી ઊભી રહી ગઈ .તેને ન શરમાવાનું કહી ,અંતે કહી ગઈ કે મારું અપમાન કરવા જતાં એમનું જ અપમાન થશે ! ઉંમરમાં મોટી છું પણ આશીર્વાદ નથી આપી શકતી એટલું જરૂર ઇચ્છીશ કે તમારું સૌભાગ્ય સદાય અખંડ રહે .
મિત્રો, એક સ્ત્રીને બીજી સ્ત્રી ઓળખી શકે તેવું કોઈ ન ઓળખી શકે અન્યને! તે રાધારાણીએ કેટલી સરળતાથી સાબિત કરી દીધું. સાવ જ વીજળી નામ છતાં અંધારે જીવતી આ સ્ત્રીએ નાની ભૂલ ઉપહાસ કરવાની કરી હતી ,તેને અજવાળીએ રસ્તે વાળનારી પણ એક સ્ત્રી જ હતી .આવા સ્ત્રીપાત્રોની કલ્પના તો આપણે શરદબાબુની વાર્તા ઓ માં જ કરી શકીએ. પ્રેમ ને તેનો ઉપહાસ કેવો એક પુરુષનો માર્ગ બદલી નાંખે છે !તે આપણે સત્યેન્દ્રના પાત્ર દ્વારા જાણ્યું.
આમ શરદબાબુની નવલકથા હોય કે નાની નવલિકા પ્રેમ ને તેઓ કેવા અંતિમ ચરણે પહોંચાડે છે કે વાચક તેને વાંચવા બેસે તો તેમાં ઓતપ્રોત થઈ જાય.
મિત્રો આવતા અંકમાં જરૂર ફરી શરદબાબુની નવી વાર્તા સાથે મળીશું.
અસ્તુ ,
જયશ્રી પટેલ
૧૯/૬/૨૨