ઓશો દર્શન -35. રીટા જાની

wp-1644023900666

જીવન એટલે ક્ષણોની સમજણનો સરવાળો. મહાન પુરુષો કે શ્રેષ્ઠ તત્વજ્ઞાનનો ઉદભવ જીવનની સાચી સમજમાંથી ઉદભવે છે. જીવનમાં શું કરવું અને શું ન કરવું તેવા બે માર્ગોની સાચી સમજણ એ જીવનની ચાવી છે. આ ચાવીથી સુંદર ભવિષ્યનું તાળું ખૂલે છે. આપણા સ્વપ્નો અને આપણો વ્યવહાર, સફળતાની સીડીનું રહસ્ય શું? સફળતાની સીડી સહુના માટે અલગ છે. આપણે સફળ થયા તેમ વિશ્વ તો કહે, પણ આપણું મન અને આત્મા કહે તો જ આપણે સફળ. જીવનની સમૃધ્ધિની વચ્ચે પણ કંઇક હજુ મેળવવાની કામના કે ઈચ્છા રહે તો તે તૃપ્તિ કે સંતોષ નથી, પણ અતૃપ્તિ છે. શ્રાવણની સરી ગયેલી ક્ષણોના તત્વજ્ઞાન અને આત્મચિંતનને એકત્ર કરીએ તો ક્ષણની સફળતા એ આત્મસંતોષ છે અને જીવનની સફળતા એ પણ આત્મસંતોષ છે. ભરપૂર જીવ્યાનો આનંદ, સૃષ્ટિને માણ્યાનો આનંદ અને વિશેષ પામવાની કામનામાંથી મુક્તિ એ સફળ જીવનનું રહસ્ય છે. આ રહસ્ય ધર્મોનું સત્વ છે.

ઓશો દર્શન અંતર્ગત ગત અંકમાં આપણે જોયું કે ‘જીવન જ ઈશ્વર છે’. આજે આ જ વિષય પર વધુ ઊંડાણથી વિચારીશું.
ઈશ્વરની ખોજ કરતા લોકો પૂછશે કે ઈશ્વર છે એની સાબિતી શું? ઓશો કહે છે કે જેઓ આ પ્રશ્ન પૂછે છે તેઓ બંધ આંખો રાખીને જ જીવન જીવે છે. નહિ તો ખીલતા ફૂલના હાસ્યમાં, કોકિલના કલરવમાં, મેઘધનુષના રંગોમાં, ખળખળ વહેતા ઝરણાંમાં, આસપાસ જ્યાં નજર નાખે ત્યાં ઈશ્વર જ ઈશ્વર છે. બને છે એવું કે જેઓ આંખો ખુલ્લી રાખીને જીવે છે તેમને આ બધી જગ્યાએ ઈશ્વર દેખાય છે. પ્રકૃતિ પર નજર નાખો અને તમને લાગશે કે જ્યાં નજર પડે ત્યાં કણ કણમાં પરમાત્મા છે. પણ તેમની મૂંઝવણ એ છે કે ઈશ્વરની સાબિતી તો બધે મળે છે પણ ઈશ્વર ખુદ ક્યાં ગુમ છે? માછલી સાગરમાં ડૂબકી મારે છે એમ આપણે પણ પરમાત્માના સાગરમાં ડૂબકી મારીએ છીએ. માછલી સાગરમાં સર્વત્ર પાણીનો અનુભવ કરે છે તે જ રીતે આપણે પણ સર્વત્ર પરમાત્માના પ્રેમને અનુભવી શકીએ છીએ. જરૂર છે તર્કને થોડો બાજુએ મૂકી જાગૃત થવાની, ચૈતન્યનો અહેસાસ કરવાની. ચૈતન્યનો જરા સરખો જ સ્પર્શ, તર્ક નહીં, પણ ધ્યાન- આપણને પરમાત્માના પ્રેમમાં તરબોળ કરી દેશે.

ઓશો સાગરના મોજાંના માધ્યમથી આ ગહન તત્વજ્ઞાનને સુપેરે સમજાવે છે. મોજાં સાગર વિના ન હોઈ શકે માટે સાગર એ મૂળ છે મોજાં આવે છે અને જાય છે, સાગર ન આવે છે ન જાય છે. મોજાં કદી જન્મે છે, કદી મટે છે. સાગર જન્મતો પણ નથી અને મટતો પણ નથી. આપણે એમ ન કહી શકીએ કે સાગર હતો, સાગર સદાય છે, સાગર વર્તમાન છે. એ જ રીતે ભવિષ્યકાળ અને ભૂતકાળ આપણા કાળ છે. પરમાત્મા હંમેશા વર્તમાનમાં છે. ઈશ્વર હતા અથવા ઈશ્વર હશે એમ કહેવાનો કોઈ અર્થ નથી, ઈશ્વર છે. સાગર અને મોજું એક છે, તેમ છતાં મોજાં ઉઠે છે અને પડે છે. પરમાત્મા અને આપણે પણ એક છીએ, આપણે આવીએ છીએ અને જઈએ છીએ. એનો અર્થ એ નથી કે આપણે પરમાત્માથી અલગ છીએ. મોજું પણ ક્યાં સાગરથી અલગ છે? કોઈ મોજું એકલું ઉઠતું નથી, કરોડો મોજાંની જાળમાં પેદા થાય છે. તેને ચારે તરફ મોજાં દેખાય છે, સાગર દેખાતો નથી. આપણને પણ મનુષ્ય, વૃક્ષો, પક્ષીઓ, પ્રાણીઓ દેખાય છે, પરમાત્મા દેખાતા નથી. ધ્યાન એ અંદર ઉતારવાની કળા છે, જેમાં આપણને ખબર પડે છે કે હું સાગરનું મોજું નથી, સાગર છું. એ અનુભૂતિ બાદ જીવનનો અર્થ જ બદલાઈ જશે, કારણ કે મટવાનો કે મરવાનો કોઈ ડર રહેશે જ નહીં, કારણ કે સાગર કદી નથી મટતો. દરેક માણસ મરણથી ભયભીત છે, એને ખબર જ નથી કે નીચે કંઈક છે જે મરી જ શકતું નથી. આ વાતની ખબર પડી જાય તો ભય સમાપ્ત થઈ જશે, નષ્ટ થઈ જશે. જીવન જીવવાની મજા કંઈ જુદી થઈ જશે. કારણ કે ત્યારે આપણે મોજાંની જેમ નહીં, સાગરની જેમ રહીશું; માણસની જેમ નહીં, પરમાત્માની જેમ રહીશું.

પરમાત્માની જેમ રહેવું એટલે ઐશ્વર્યમાં રહેવું. ઈશ્વરનો અર્થ છે- માલિક. બધું ઐશ્વર્ય જેનું છે, તેની સાથે ઐકયનો અનુભવ કરવો. સન્યાસી તે નથી, જેણે ઘર છોડી દીધું છે, જેને માટે બધાંના ઘર પોતાના થઈ ગયા તે સન્યાસી. સન્યાસી એ નથી જેણે પોતાનો પરિવાર છોડી દીધો, પણ સમગ્ર જગતનો પરિવાર તેનો પોતાનો થઈ ગયો. જેવું મોજું નીચે ઉતરે છે, તે સાગરને મળી જાય છે અને તેને ખબર પડે છે કે બધા મોજાં સાગરના જ છે. સવાલ તમામ લહેરના અલગ અસ્તિત્વના છે, જવાબ બધાં સાગરમાં છે. જ્યારે લહેર સાગરમાં સમાઈ જાય છે, તો સવાલ ખોવાઈ જાય છે. કબીર કહે છે કે શોધતાં શોધતાં હું પોતે જ ખોવાઈ ગયો અને જ્યારે ખુદ ખોવાઈ ગયો ત્યારે એ મળી ગયો, જેની હું શોધ કરતો હતો. લહેરની અને સાગરની મુલાકાત ક્યારેય થતી નથી પણ લહેર અને સાગરનું મિલન થાય છે. જે લોકો જ્ઞાની છે તેઓ એવા લોકો નથી, જેમને બધા સવાલોના જવાબ મળી ગયા. તેઓ એવા લોકો છે જેમની પાસે કોઈ સવાલ જ ન રહ્યો. ધ્યાન એ સવાલોની ખતમ કરી દેવાની પ્રક્રિયા છે. મન એ આનંદમાં પહોંચી જાય છે, જેમાં આપણે એવી રીતે લીન થઈ જઈએ છીએ કે સવાલ પૂછીને પણ એને ખંડિત કરવાની હિંમત આપણે નહીં કરીએ. અંધ વ્યક્તિ પ્રકાશ વિશે જાણતો નથી, તો પ્રકાશના સંબંધમાં યોગ્ય સવાલ કઈ રીતે પૂછી શકે? દ્રષ્ટીવાળો વ્યક્તિ પ્રકાશ વિશે જાણે છે, માટે સવાલ પૂછવાની કોઈ જરૂર નથી. જ્ઞાન એ સવાલના જવાબ નથી. જ્ઞાન સવાલોનો અભાવ છે. ધ્યાન એ પ્રયોગ છે, જ્યાં બધું અનુપસ્થિત થઈ જાય છે અને લહેર ધીરેથી ઉતરીને સાગર સાથે એક થઈ જાય છે.

જિંદગી વહેણ છે, મહાનતા તરફની યાત્રા છે, વિરાટ તરફની મંઝિલ છે. નદી સાગરમાં ખોવાઈ જાય તો સાગર બની જાય છે. પણ જો સાગરમાં જવાનો ઇનકાર કરી દે તો પછી તળાવ કે ખાબોચિયું બનીને મર્યાદિત બની જાય છે, તેને સાગરનું મહાજીવન મળી શકતું નથી. માણસ બીજ છે, પરમાત્મા વૃક્ષ છે. જેમ બીજ તૂટીને વૃક્ષ બની જાય છે, તેમજ માણસ જ્યારે તૂટવાની હિંમત એકઠી કરી લે તો પરમાત્મા બની જાય છે. ધ્યાન વિલીન થવાની ક્રિયા છે, પોતાના મૂળ સ્ત્રોતમાં પોતાને ખોવાની ક્રિયા છે. ઘરની બહાર સુરજ ઉગ્યો છે અને ઘરમાં અંધકાર છે કારણ કે દરવાજા બંધ છે સૂરજના કિરણો અંદર લાવવા હોય તો ફક્ત દરવાજા ખોલવાની જરૂર છે. એ કિરણોને પકડીને આપણે અંદર નહીં લાવી શકીએ. એ જ રીતે પરમાત્માની અનંત શક્તિઓને પ્રાપ્ત કરવા આપણે વચ્ચે નહીં ઊભા રહીએ, તો એ આપણને સરળતાથી પ્રાપ્ત થશે. જીવન જેવું છે, તેવું સ્વીકાર્ય બને, સ્વીકારનું દ્વાર ખુલે, તો શાંતિનો સાગર અંદર પ્રવેશી જશે. જ્યારે સાક્ષી કે દ્રષ્ટા બની જઈએ ત્યારે ધીરે ધીરે અંદરના દ્વાર ખુલી જશે, શાંતિ વરસી પડશે, પ્રકાશ છવાઈ જશે, આનંદના ઝરણાં ફૂટી નીકળશે, જે રોમે રોમને પુલકિત કરી દેશે. આ શાંતિમાં, આ આનંદમાં, આ પ્રકાશમાં પરમાત્માનો અનુભવ ઉપલબ્ધ થશે, ચારે તરફ એની હાજરીની પ્રતીતિ થશે.

રીટા જાની
30/09/2022

સંસ્પર્શ -૩૩-જિગીષા દિલીપ

jigisha -સંસ્પર્શ -youtube


Posted on  by Jigisha Patel

હું નામનો દેશ દેશને નહીં સીમા નહીં સરહદ

હું ના કણ કણ દેશભક્તિમાં ડૂબી રહે છે અનહદ

હું દેશના સેવક ચીતરે રંગ કળાયલ મોર 

અડધો રંગે આધ્યાત્મિક ને અડધેથી- પડધો ચોર

વસ્તી નામે હું જ કે જેને નહીં કામ કે નહીં ફૂરસદ

હું નામનો દેશ દેશને નહીં સીમા નહીં સરહદ

હું બોલે કે દેશ છે મારો ખોબા જેવો નાનો

વળી કહે કે સચરાચરમાં હું જ વસું છું માનો

ગમ્મે તેવી વાત કરો ને કોઈ ગણે નહીં અચરજ

હું નામનો દેશ દેશને નહીં સીમા નહીં સરહદ

હું દેશના વતની કરતાં તું-તારાને પ્રેમ

(સાચું ખોટું રામ જાણે ભૈ આ તો અમથો વ્હેમ )

વચગાળામાં વાત ઊડે કો’ક કરે છે નફરત

હું નામનો દેશ દેશને નહીં સીમા નહીં સરહદ

ઉપરોક્ત કવિતામાં કવિ ધ્રુવ ભટ્ટે અહંકારને દેશનું રૂપક આપી આખા કાવ્યને નાવીન્યતા પૂર્વક રજૂ કર્યું છે.માણસની અંદર રહેલ અહંકારનો વિસ્તાર એટલો મોટો છે કે ધ્રુવદાદા આ કવિતામાં અહંકારને,હું પણાને, દેશ તરીકે વર્ણવે છે. સૌમાં વિસ્તરેલ અહંકાર એટલો વિસ્તરેલ છે કે તેને કોઈ સીમાડા કે સરહ દ હોતા નથી.અહંકાર એ એટલો મોટો દુર્ગુણ છે કે તે વ્યક્તિના વિનાશને જ નોતરે છે. તેનું મોટામાં મોટું ઉદાહરણ રાવણ છે. જૂઓ આ મહિમ્ન સ્તોત્રનો શ્લોક,

અમુષ્ય તત્સેવાસમધિગતસાર ભુજવનં

બલાત્કૈલાસેઽપિ ત્વદ ધિવસંતૌ વિક્રમયત:।

અલભ્ય પાતાલેઽપ્યલસચલિતાં ગુષ્ટશિરસિ

પ્રતિષ્ઠા ત્વય્યાસીદધ્રુવમુપચિતો મુહ્યતિ ખલ:॥

શિવ ભક્ત રાવણે મહાદેવની અનન્ય ભક્તિ કરી વીસ ભુજાનું બળ પ્રાપ્ત કર્યું.વર્ષોનાં તપ પછી તેનો ગર્વ રોમેરોમમાં વ્યાપી ગયો અને તે ત્રિપુરવર શિવજીનાં નિવાસસ્થાન કૈલાસને હલાવવા પ્રયત્ન કરવા લાગ્યો ત્યારે શિવજીએ માત્ર પોતાનો એક અંગૂઠો જ દબાવ્યો અને રાવણ પાતાળમાં પોતે હલવા માટે પણ અશક્તિમાન થઈ ગયો. ઉપરોક્ત પુષ્પદંત રચિત મહિમ્નસ્તોત્રનાં શ્લોકમાં તેનું જ વર્ણન છે કે અહંકાર જ તપસ્વી રાવણના વિનાશનું કારણ બન્યું હતું. અને કહેવત બની ગઈ “અભિમાન તો રાજા રાવણનું પણ ટક્યું નથી.”

આગળની પંક્તિમાં દાદા સૂચવે છે કે હું દેશના સેવક એટલે ,અહંકાર જે શરીરમાં રહ્યો છે તેવાં લોકો બહારથી આડંબર કરે કે તે કળા કરતો મોર ચીતરી રહ્યાં છે – આ વાત મને લોકોને આધ્યાત્મિકતાનો આંચળો ઓઢીને લોકોને ગેરમાર્ગે દોરતા બગભગત સાધુસંતો માટે લખાએલ લાગે છે. બની બેઠેલા બાપુઓ ,ઠગ ભગતો પર કટાક્ષ કરતા દાદા કહે છે,બહારથી સંત હોવાનો તેઓ ડોળ કરે છે અને અંદરથી કાળા ચોર જેવા ધંધા કરે અને ભોળા લોકોને સાધુ બની છેતરે છે.આ અહંકારની વસ્તી એટલે સૌમાં એટલો અહંકાર વ્યાપ્ત હોય છે કે તેની કોઈ સીમા કે સરહદ છે જ નહીં. આ નાનો અમથો લાગતો અહંકાર સચરાચર વ્યક્તિત્વોમાં વ્યાપેલો છે.એટલે જ નરસિંહે ગાયું,

“હું કરું હું કરું એજ અજ્ઞાનતા ,શકટનો ભાર જેમ શ્વાન તાણે

સૃષ્ટિ મંડાણ છે સર્વ અણી પેરે,જોગી જોગેશ્વરા કો’ક જાણે.

ગાડા નીચે કૂતરું ચાલે અને એમ માને કે હું આ ગાડા પર ભરેલા માલસામાનને ઊંચકી રહ્યો છું. દુનિયાનાં સૌ માનવો પણ આવો જ ,પોતે જ સર્વસ્વ છે ,તેવા અભિમાનમાં રાચી રહ્યા હોય છે. લોકો પોતાનાં નજીકનાંને જ પ્રેમ કરતા હોય તેવું બતાવતાં હોય છે પણ ખરેખર તે પણ સાચો પ્રેમ હોય છે કે કેમ? એટલે દાદા હાસ્યભરી શૈલીમાં કહે છે કે રામ જાણે ભૈ નજીકનાં સ્નેહી પણ પ્રેમ કરે છે તેવો વ્હેમ હોય ! અંદરની વાત તો તેની જાત સિવાય કોણ જાણે? 

સંત કબીર અહંકારની વાત કરતાં ખૂબ સુંદર વાત સમજાવે છે,

મત કર માયા કો અહંકાર,મત કર કાયા કો અભિમાન

કાયા ગાર સે કાચી….

હો,કાયા ગારસે કાચી રે…જૈસે ઓસરા મોતી

ઝોકા પવન કા લગ જાય,ઝપકા પવનકા લગ જાય

કાયા તેરી ધૂલ હો જાતી…..

આમ ધ્રુવદાદાએ પણ આપણા સૌમાં સર્વત્ર વ્યાપ્ત અહંકાર સીમા અને સરહદને ઓળંગી જાય તેવો છે તેમ સમજાવ્યું છે અને તેના પર આપણે કોઈપણ રીતે નિયંત્રણ રાખવું જોઈએ અને દુન્યવી ઠગભગતોથી ચેતતા રહેવું જોઈએ.

જિગીષા દિલીપ

૨૮મી સપ્ટેમ્બર ૨૦૨૨

હેલીના માણસ – 36 | પાંપણોની પાળ | રશ્મિ જાગીરદાર

નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર આપ સૌનું અભિવાદન કરું છું. ‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ-36 ‘પાંપણોની પાળ’ એની 35મી ગઝલ અને રસાસ્વાદ. 

આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર.  સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા

ગઝલ –

આંસુઓનો ક્યાં અહીં દુષ્કાળ છે, 

પાંપણોની આછીપાછી પાળ છે! 

જૂલ્ફ છે કે કાળી નાગણની કમર, 

આંખ છે કે પારધિની જાળ છે! 

જે ગમ્યું છે ફૂલ એ ચૂંટીશ હું, 

એ ભલેને સાવ ઊંચી ડાળ છે! 

રૂપની કેડે છે કંદોરો અને, 

ઇશ્કની ગરદનમાં ઘૂઘરમાળ છે! 

પ્રેમપંથે સાચવીને ડગ ભરો, 

ભીની માટી છે ઊતરતો ઢાળ છે! 

એમને સ્પર્શીને આવી છે હવા, 

એટલે તો આટલી વાચાળ છે, 

કાફિયા સૌ વાપરી નાખ્યા ખલીલ, 

તારી ગઝલો કેટલી ખર્ચાળ છે! 

– ખલીલ ધનતેજવી

રસાસ્વાદ :

ધોધમાર વરસાદ વરસતો હોય એના પાણીનાં ખાસાં મોટાં ખાબોચિયાં ભરાયા હોય, એ પાણીને ઘર તરફ વહેતું અટકવા માટે આપણે માટીની પાળી બનાવીએ. પણ વરસાદનું પાણી સતત વરસતું રહે અને પુષ્કળ પાણી ભરાય તો એ પાળની ઉપરથી વહીને પણ આગળ વધી જાય. એ નાની પાળીનું ગજું કેટલું? આંસુઓનું પણ એવું જ છે. કોઈ કારણસર દિલ ભરાઈ આવે અને એક સરખાં આંસુ વહેવા માંડે તો એને પાંપણો ક્યાંથી રોકી શકે! 

આંસુઓનો ક્યાં અહીં દુષ્કાળ છે, 

પાંપણોની આછીપાછી પાળ છે! 

કોઈ લલનાનાં લાંબા વિશાળ જથાના વાળને, કાળી નાગણની ઉપમા આપવામાં આવે છે. ખરેખર અંધારાંમાં તો ખબર જ ના પડે, ચોટલો છે કે નાગણ. પારધિ પક્ષીઓને પકડવા જાળ બિછાવે છે જેથી પક્ષી એકવાર ત્યાં બેસે તો ઉડી ન શકે. કવિને તો પ્રેમીની આંખોની કીકીમાં પણ જાળ દેખાય છે એકવાર નજર મળે પછી છટકાય નહીં. 

જૂલ્ફ છે કે કાળી નાગણની કમર, 

આંખ છે કે પારધિની જાળ છે! 

મક્કમ મનથી કોઈ લક્ષ્ય નક્કી કરવામાં આવે તો માર્ગમાં મુશ્કેલીઓ આવે છતાં માણસ સતત પ્રયત્નશીલ રહે છે. તકલીફ પડે છતાં હારે નહીં અને લક્ષ્ય પ્રાપ્ત કરીને જ રહે. કવિ અહીં કહે છે કે, મને જે ગમી ગયું છે તે જ ફુલ હું ચૂટીશ ભલેને એ સાવ ઉંચી ડાળ પર હોય. 

જે ગમ્યું છે ફૂલ એ ચૂંટીશ હું, 

એ ભલેને સાવ ઊંચી ડાળ છે! 

સૌદર્ય અને સ્નેહ એમનો નાતો કેવો? બન્ને ગમે તે રીતે એકબીજાને ઓળખી જ લે. અને પછી બે વિરૂદ્ધ ધ્રૃવોની વચ્ચે જેમ અચૂક આકર્ષણ થાય. તેમ સ્નેહ અને સુંદરતા પણ મળી જાય. એકબીજાને ઓળખી લે. અને પાક્કી દોસ્તી થઈ જાય. ખલીલ સાહેબ એ બન્નેની ઓળખ કેવીરીતે આપે છે જુઓ. 

રૂપની કેડે છે કંદોરો અને, 

ઇશ્કની ગરદનમાં ઘૂઘરમાળ છે! 

યાદ છે? પહાડ પર ચઢાણ કરવા કરતાં ઉતરવું થોડું સરળ હોય છે. ગુરુત્વાકર્ષણનો નિયમ ઉતરતી વખતે મદદરૂપ થાય છે. પણ આ જ રસ્તો જો વરસાદથી સારા એવા પ્રમાણમાં ભીનો હોય તો લપસી જવાની બીક રહે છે. કવિ કહે છે કે, પ્રેમનો પંથ પણ આવો લપસણો હોય છે. એ પંથે ચાલતી વખતે સાચવીને સંભાળપૂર્વક આગળ વધવું પડે. નહીં તો ગમે ત્યારે લપસી પડાય. 

પ્રેમપંથે સાચવીને ડગ ભરો, 

ભીની માટી છે ઊતરતો ઢાળ છે! 

પ્રેમ કેવો પારખુ હોય છે! પ્રેમી વ્યક્તિ જો થોડે દુર, આસપાસમાં હોય તો જોઈ તો ના શકાય પણ હવામાં એના હોવાનો અહેસાસ પ્રેમીજનને થઈ જાય. અને લાગે કે જાણે હવા પોતે બોલકી થઈને કહી દે છે કે, હા હું એમને સ્પર્શીને આવી છું તે અહીં જ છે આસપાસમાં! 

એમને સ્પર્શીને આવી છે હવા, 

એટલે તો આટલી વાચાળ છે, 

એક ગઝલમાં જેટલા શેર તેનાથી એક વધુ એટલા કાફિયા એ ગઝલ માટે જોઈએ. હવે જેઓ સતત ગઝલ લખતા હોય અને તેમની ગઝલના અનેક પુસ્તકો છપાય ત્યારે તેમને લાગે કે, બધા કાફિયાઓ તો વપરાઈ ગયા! હવે નવા કાફિયા લાવવા ક્યાંથી? આવા સમયે લાગે કે, કવિની ગઝલ તો ઘણી ખર્ચાળ! કેટલો બધો વપરાશ! 

કાફિયા સૌ વાપરી નાખ્યા ખલીલ, 

તારી ગઝલો કેટલી ખર્ચાળ છે! 

આલા ગજાના ગઝલકારોની ગઝલોમાં કાફિયા અને રદિફનું વૈવિધ્ય જોઈએ તો આપણને આશ્ચર્ય થાય, સુંદર શેર અને શેરિયત આપણું મન હરી લે. અને આપણે એના કાયલ થઈ જઈએ. મિત્રો, આવી જ દમદાર ગઝલ લઈને ફરી મળીશું આવતા એપીસોડમાં ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. નમસ્કાર 

– રશ્મિ જાગીરદારવિસ્તૃતિ…૩૧-જયશ્રી પટેલ,

98DCBC6E-4FF2-4BDC-8D03-2A9A2D5E3679

વિસ્તૃતિ…૩૧

        જયશ્રી પટેલ,

મે વાંચેલી વિષ્ણુ પ્રભાકરજીની આવારા મસીહાામાંથી થોડી શરદબાબુના જીવનની વાતો અહીં આપ સર્વે સમક્ષ સંક્ષેપમાં ગુજરાતીમાં રજૂ કરું છું.

       કોલેજ કાળની વાત છે પ્રથમ જ વર્ષ હતો વિજ્ઞાનની પરીક્ષા હતી શરદે પોતાના મિત્રોને કહી દીધું આજ રાત્રે હું નહીં આવી શકું બહાર ,ન હું તમને સમજાવી શકીશ, જે પૂછવું હોય તે કાલે સવારે આવજો બધાં મિત્રો ચાલ્યા ગયાં શરદ ઓરડામાં બધાં જ બારી બારણાં બંધ કરી બેસી ગયાં.બીજે દિવસે સવારે પણ ઓરડામાં લેમ્પ ચાલુ હતો અને શરદ એકાગ્રતાથી વાંચી રહ્યાં હતાં .મિત્રો આવ્યાં તો ગુસ્સો કર્યો અને કહ્યું કે ના પાડી હતી તો 

કેમ આવ્યાં? મિત્રોએ કહ્યું કે એ તો કાલ રાતની વાત છે, અત્યારે તો સવાર પડી અને શરદે ખરેખર બારી ખોલી તો સૂર્યનારાયણનાં દર્શન થયાં. 

        શરદે પરીક્ષા આપી પેપર જોઈ સાહેબને શંકા ગઈ કે શરદે  પુસ્તકમાંથી જ ઉતાર્યું છે ,જેથી તેને બીજું પેપર આપ્યું અને તેણે બધાં જ પ્રશ્નોનો સીધા મૌખિક ઉત્તર આપ્યાં. સાહેબ આશ્ચર્યચકિત થઈ જોતા રહ્યાં. તેમની સ્મરણશક્તિ ખૂબ જ અદભૂત હતી. તેમણે ખૂબ જ પ્રસિદ્ધિ કોલેજમાં મેળવી લીધી હતી. 

        સમય જતા રાજુ નામના મિત્રના પરિચયમાં આવ્યાં અને તેની સાથે મોજ મસ્તી, થિયેટર ,ગાના બજાનામાં રાત વીતી જતી અને તે પછી અભ્યાસ કરતાં, પણ ધીરે-ધીરે અભ્યાસ ઓછો થતો ગયો અને તેમનું સ્થાન પણ લોકોની નજરમાં ઉતરતું ગયું .આ વાત આપણે શરદ બાબુના દેવદાસમાં જોઈ છે. જે એમને પોતાના જીવનમાંથી  જ લીધી હતી .આ જોઈ તેમની માતા દુઃખી થતી રહી અને અચાનક મૃત્યુ પણ પામી. પવિત્ર સતી જેવી માએ બાળકોનું ખૂબ લાલન પાલન  કર્યું હતું અને શરદ પાસે તેની ખૂબ જ આશા હતી . તેમણે તેમના પતિ પાસે કોઈ આશા નથી રાખી. પતિ સાથે બોલચાલ થઈ જતી. નિરાશામાં જ નિરાશ થઈ  ઘણીવાર શરદને કહેતી કે બેટા શરારત કર ,પણ સાથે અભ્યાસમાં મન લગાવી ભણ . જેથી એક દિવસ તું નામ કમાય શકે .તે અચાનક જ વૃદ્ધ થઈ ગઈ હોય તેવું શરદને લાગતું હતું. શરદબાબુ જાણતાં અજાણતાં તેમને દુઃખ પહોંચાડી ચૂક્યાં હતા. આખરે એક અસંતોષ સાથે તેમનું મૃત્યુ થયું હતું. 

        શરદબાબુનું સારું ને સરસ સાહિત્ય એ માના પ્રેમ પ્રવાહમાં રચાયું અને તે અલૌકિક છે .જે આજે પણ વાંચતા વાંચક ચોધાર આંસુએ રડે છે. એમના ચરિત્રને આપણે દેવદાસમાં જોઈ ગયા. દેવદાસનું પાત્ર અને તેનો કરુણાંત ખરેખર વાચક વર્ગને હચમચાવી ગયો હતો. એકવાર જ્યારે માએ તાર્કેશ્વર જઈ તેના લાંબા વાળ ચઢાવવાની બાધા માની હતી ,ત્યારે શરદ તે વાળ કપાવવાની કલ્પનાથી ધ્રુજી ગયાં હતાં ને ના કહી દીધી હતી. તો માએ પોતાના વાળ કાપી અને મોકલવાની વાત કરી હતી. શરદ આ વાતથી અવાક જ રહી ગયાં હતાં.    

       શરદને બે ભાઈ બે બહેનો હતી. માતા એક બહેનની પ્રસુતિ વખતે મૃત્યુ પામી હતી .પિતા મોતીલાલ પત્ની વગર તૂટી ગયા, સાસરેથી દૂર રહેવા ચાલ્યા ગયા હતા . ત્યારે દેવદાસમાં શરદબાબુએ લખ્યું હતું કે મામાના ઘરથી દૂર રહેવું મને અસંભવિત લાગતું હતું. પિતા મોતીલાલ કમાવા માટે અક્ષમ હતા તેથી શરદ હંમેશા કહેતા માનાં ગયા પછી મારો સંસાર મારી રુચિ બદલાઈ ગયા હતા . જો મા વધુ જીવ્યા હોત તો હું કંઈક જુદું જ જીવન જીવતો હોત . તેમના જીવનની ઘણી છાય શરદ  સાહિત્ય પર પડી છે .એ આપણે તેમની વાર્તાઓમાં માણી છે. 

         આમ શરદ માને ખૂબ જ પ્રેમ કરતા હતા. માના ગયા પછી તેમણે ઘર છોડ્યું હતું અને ખૂબ ભ્રમણ પણ કર્યું હતું .તે ભ્રમણની વાતો તેમની નવલકથાઓમાં આપણે આપણી સમક્ષ આપણે ચરિતાર્થ થતી જોઈ છે .

       તેમની વાર્તાઓ વાંચતા જ સર્વેને એટલે જ જાણે કે લાગે છે કે આપણી સમક્ષ આપણાં જીવનને માણી રહ્યાં હોય તેવું આપણે અનુભવીએ છે.

        મિત્રો,આવતા અંકમાં ફરી કઈ શરદબાબુ વિશે નવીન જાણવાનો પ્રયાસ કરીશું.

અસ્તુ,

જયશ્રી પટેલ

૨૫/૯/૨૨

   


ગીતબિતાન (“Garden of songs”) গীতবিতান –૨૩: અલ્પા શાહ

રબીન્દ્રસંગીતમાં છલકાતી મેઘધનુષી સંવેદનાઓનું આચમન…

નમસ્કાર મિત્રો, થોડા સમયના વિરામ બાદ, “ગીતબિતાન” શ્રેણીમાં ફરી એકવાર આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે. રબીન્દ્રસંગીત દ્વારા માનવ મનની મેઘધનુષી સંવેદનાઓનીસફર આગળ વધારતા, ચાલો આજે હવે એક નવા વિભાગ (પારજોય)માં રહેલી રચનાઓને જાણીએ અને માણીએ 

ગુરુદેવ માટે પરમાત્મા અને પ્રકૃતિ તેમના જીવનચાલક બળ એટલેકે driving force હતા. જે રીતે કવિવર પરમાત્મા સાથે સતત સામીપ્ય અનુભવતા તે રીતે પ્રકૃતિના સાંનિધ્યમાં મહત્તમ સમય પસાર કરવાનું પસંદ કરતા. અને કદાચ એટલેજ કવિવરે પ્રકૃતિના સાંનિધ્યમાં રહીને અને પ્રકૃતિને કેન્દ્રમાં રાખીને અનેકાનેક રચનાઓનું સર્જન કર્યું છે અને તેમને સ્વયઁ આ રચનાઓને “પ્રકૃતિ” પારજોયમાં વર્ગીકૃત કરી છે. હવે પછીની લેખમાળામાં આપણે આ પ્રકૃતિ વિભાગમાં રહેલી રચનાઓને જાણીશું અને માણીશું. 

પ્રકૃતિ વિભાગમાં 283 રચનાઓનો સમાવેશ થાય છે. આ વિભાગને ગુરુદેવે પોતે સાત પેટા વિભાગમાં વિભાજીત કર્યો છે. આપણા વર્ષ ચક્ર દરમિયાન જે છ મુખ્ય ઋતુઓ તે દરેક ઋતુમાં પ્રકૃતિના અલગ અલગ રૂપને ગુરુદેવે શબ્દો દ્વારા કંડાર્યું છે. એટલે પ્રકૃતિ વિભાગને છ પેટા વિભાગ – ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત, શીત, વસંત- માં વિભાજીત કરેલ છે અને સાતમા પેટા વિભાગમાં પ્રકીર્ણ રચનાઓ ને વર્ગીકૃત કરવામાં આવેલ છે. હાલ શરદ ઋતુ ચાલી રહી છે. શ્રાદ્ધ પક્ષની સમાપ્તિ ઢૂંકડી છે અને નવરાત્રિ એટલેકે મા જગદંબાના આગમનની અને સ્વાગતની જોરશોરથી તૈયારીઓ થઇ રહી છે. શ્રાદ્ધ પક્ષનો છેલ્લો દિવસ એટલે કે સર્વપિતૃ અમાવસ્યાને બંગાળમાં મહાલય અમાવસ્યા તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે દુર્ગા પૂજાનો આરંભ થાય છે અને શૈલ પુત્રી મા દુર્ગાનું આગમન થાય છે. આ દિવસે મા દુર્ગાની પ્રતિમાઓ ના નેત્રોનું સર્જન કરવામાં આવે છે એટલેકે નેત્રોને ખોલવામાં આવે છે. માં ના આગમનને વધાવતી એક ખૂબ સુંદર રચનાને આજે આપણે જાણીશું અને માણીશું. 1908માંરચાયેલી આ રચનાનું શીર્ષક છે আমার  নয়ন-ভুলানো এলে (Amar Nayan Bhulano Ele) જેનું ભાવાનુવાદિત શીર્ષક છે “આગમન…  ”. જેનુંસ્વરાંકન કવિવરે છાયાવંત રાગ અને બાઉલ ઢાળ માં કર્યું છે અને તેને દાદરા તાલદ્વારા તાલબદ્ધ કરેલ છે. મેં આ રચનાનો ગુજરાતીમાં પદ્ય સ્વરૂપે ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે તે દ્વારા આપણે આ રચનામાં રહેલી સંવેદનાઓમાં ભીંજાવાનો પ્રયત્ન કરીશું. 

ખુબ સરળ ભાષામાં રચાયેલી આ રચનામાં મા દુર્ગાના આગમન પહેલા અંતરમાં ઉઠતી ઉત્કંઠા અને અભિલાષાનું શાબ્દિક ચિત્ર કવિવરે વહેતું મૂક્યું છે. શક્તિને આવકારવા ગુરુદેવના શબ્દો ભક્તિ બનીને આ રચનામાં વહ્યા છે. જગત જનની, મહિષાસુર મર્દિનીના આગમન ટાણે મા જગદંબા સર્વેને અન્યાયનો સામે લડી લેવાની શક્તિ આપે તેવી પ્રાર્થના સાથે જ મારી કલમને વિરામ આપું. આશા રાખું છું કે તમે પણ આ ગીતમાંરજુ થતી સંવેદનોની સરવાણીમાં ભીંજાયા  હશો. તમારા માર્ગદર્શન અને પ્રતિભાવોની અપેક્ષા સહ, 

    અલ્પા શાહ 

ઓશો દર્શન-34. રીટા જાની

wp-1644023900666ગુજરાતના ખ્યાતનામ ચિંતક અને લબ્ઘ પ્રતિષ્ઠિત વક્તા શ્રી ગુણવંત શાહ ઓશોને પીડા મુક્તિનો પયગંબર ગણાવે છે. જ્ઞાનયોગની ચરમ સીમાએ ભારતીય પરંપરા મુજબ આપણને એક આચાર્ય મળતો હોય છે, ધર્મયોગની ચરમ સીમાએ એક યોગી અને ભક્તિની ચરમ સીમાએ એક ભક્ત મળતો હોય છે. આચાર્ય,યોગી અને સંત આવા ત્રણેયનું ત્રિવેણીતીર્થ રચાય એને ભારતીય પરંપરામાં ઋષિ કહેવામાં આવે છે. એ અર્થમાં ઓશો આજની સદીના મહાન ઋષિ હતા. તેમની વાણી એ સાક્ષાત કવિતા હતી. તેમનું વ્યક્તિત્વ અને અસ્તિત્વ કવિતામય હતું. તેમના અસ્તિત્વમાં કવિતાનો લય અને લયની કવિતા બંને પ્રગટ થતા હતા. આવા અસ્તિત્વને સમજવા માટે થોડા ઉંડા વિચાર જરૂર છે.

સત્ય શું છે? ક્યાં છે? કઈ રીતે પ્રાપ્ત થઈ શકે? શા માટે સત્યનો આ જ માર્ગ મેં પસંદ કર્યો? આના જવાબ તમારી પોતાની વિચારણા કે અનુભૂતિમાંથી આવેલા હોવા જોઈએ. શ્રદ્ધા પોતાની હોવી જોઈએ.તમારા વિચાર અને અનુભવમાંથી પ્રગટેલી હોવી જોઈએ તો તે તમારા જીવનમાં સુગંધ લાવશે. જો એવું ન બને તો સમજવું કે તે અંધશ્રદ્ધા છે. તમારા પ્રયત્નોથી કદાચ પરમાત્મા નહીં મળે પણ તેનાથી દ્વાર ઉપરના તાળા જરૂર ખુલશે. એ દરવાજા ક્યારેય ખુલ્યા ન હતા, માટે દિવાલ જેવા લાગતા હતા. પણ વિધિરુપી ચાવી દ્વારા તાળા ખોલશો તો દરવાજો ખુલતા પરમાત્મા પ્રાપ્ત થશે. ઓશો કહે છે કે ઈશ્વરને બીજે ક્યાંય શોધવા જવાની જરૂર નથી. આજે ઓશો દર્શનમાં આપણે જોઇશું કે ‘જીવન એ જ ઈશ્વર’ છે.

ગણિતમાં જેમ સૂત્રો હોય છે, તે રીતે જીવનના ગણિતમાં પણ અદભુત સૂત્રો હોય છે. તેનું પહેલું રહસ્યમય સૂત્ર છે કે અહીં જે સૌથી વધારે નજીક છે તે દેખાતું નથી. હું જે સ્વયં છું તેનું સ્મરણ થતું નથી. પરમાત્મા આપણી સૌથી વધારે નિકટ છે એટલા માટે સાવ જ ભુલાઈ ગયા છે. પરમાત્માને શોધવા આપણે બહાર જઈએ છીએ- હિમાલય, કાશી,મક્કા, મદીના જઈએ છીએ. બીજી જગ્યાએ જઈ શોધીએ છીએ. જે ઉપલબ્ધ છે, તેનો પત્તો લાગતો નથી અને જે દૂર છે, તેની શોધ ચાલે છે. જે નથી મળ્યું તેના માટે તરફડીએ છીએ અને જે મળેલું છે તેને યાદ કરતા નથી.

જીવનના ગણિતનું બીજું સૂત્ર એ છે કે જ્યાંથી આપણે આવીએ છીએ ત્યાં જ આપણે પાછા ફરીને જઈએ છીએ. પ્રભુ કહીએ, ઈશ્વર કહીએ કે પરમાત્મા – જે આપણો મૂળ સ્ત્રોત છે, જે જીવન જ છે. ઓશો કહે છે કે પરમાત્માને જીવનથી અલગ વિચારવા એ મોટી ભૂલ છે. અસલમાં જીવન જેની પાસેથી આપણને મળ્યું છે તેને જ પાછું આપી દેવું પડે છે. જ્યાંથી આવતા હોઇશું ત્યાં જ આપણે ખોવાવાનું છે. લહેર સાગરમાંથી ઉઠશે તો સાગરમાં જ વિલીન થશે. તોફાન અને આંધી હવામાંથી ઉઠશે તો હવામાં જ વીખેરાઈ જશે. વૃક્ષ માટીમાંથી પેદા થશે, ફૂલ ખીલશે તો ફરી માટીમાં જ પડીને ખોવાઈ જશે. પરમાત્માની શોધ નથી કરવાની માત્ર યાદ કરવાના છે જેને આપણે પ્રભુ સ્મરણ કહીએ છીએ.

ઈશ્વરની સર્જનાત્મકતા અદભુત અને મૌલિક છે. તે નિરંતર નવું કરતો રહે છે. એક એક માણસ અનોખો અને અદ્વિતીય છે, એટલું જ નહીં ઝાડ, પાન, પશુ, પંખી-ક્યાંય પણ પુનરુકિત બિલકુલ નથી. આપણે આપણી માતા પાસેથી શરીર મેળવવીએ છીએ તો એ આપણને ક્યારેય ભૂલતી નથી. જ્યારે ઈશ્વર પાસેથી તો આપણું સમગ્ર વ્યક્તિત્વ આપણું, ચૈતન્ય આવે છે, તો તે આપણને કેમ ભૂલે? બને છે એવું કે પરમાત્માએ કેટલી વાર દ્વાર ખટખટાવ્યા, પરંતુ આપણે તો વ્યસ્ત હતા આપણા કામકાજમાં, આપણે વ્યસ્ત હતા પૂજામાં, ઘંટડી હલાવવામાં, આરતી કરવામાં, ને પરમાત્માનો પોકાર આપણે સાંભળ્યો જ નહીં.

પરમાત્માનો પોકાર સાંભળવા ધ્યાન કરવું જરૂરી છે. ઓશો ધ્યાનને વ્યાખ્યાયિત કરી તેના ચાર પ્રયોગ બતાવે છે. ધ્યાનનો અર્થ છે સમર્પણ, પોતાને પૂરી રીતે પરમાત્માના હાથમાં છોડી દેવું તે. ધ્યાન કોઈ ક્રિયા નથી, કંઈ પણ ન કરવું તે ધ્યાન છે. તેમાં જાણીને પાછા ફરવાનું છે. જ્યારે માણસ મૃત્યુ પામે ત્યારે જાણ્યા વિના પાછો ફરી જાય છે. જ્યારે ધ્યાનમાં જાણીને પાછા ફરવાનું છે. જાણીને પોતાના મૂળ સ્ત્રોતમાં ખોવાઈ જવાનું છે, જેથી આપણને ખબર પડે કે એ શું છે અને આપણે શું છીએ.

પહેલો પ્રયોગ- વહેવાનો પ્રયોગ. જ્યારે કોઈ તરે છે ત્યારે તે કંઈક કરે છે, તેને કિનારે પહોંચવું છે, તેને પોતાનો રસ્તો છે. જ્યારે વહેવાની સાથે નદી જ્યાં લઈ જાય ત્યાં જ તેની મંઝિલ છે. સમર્પણનો પહેલો અર્થ છે કે જીવનની સાથે વહી જવું. માટે ધ્યાનનું પહેલું પગથિયું છે -વહેવાનો અનુભવ. જે રીતે કોઈ સૂકું પાંદડું નદીમાં પડ્યું હોય તેમ કોઈ પ્રયાસ વગર નદીમાં પડી રહો. કોઈ જ તણાવ નહિ રહે. માટે એકદમ શાંતિનો અનુભવ થશે, આનંદ પ્રગટ થશે, બધી ચિંતાઓ નષ્ટ થશે, મન શાંત બનશે, શીતળતા અને તાજગી અંદર પ્રવેશ કરશે, મન હળવાપણું અનુભવશે -બિલકુલ ભાર વગરનું, પ્રફુલ્લિત અને સ્વચ્છ બની જશે.

બીજું પગથિયું છે -મટી જવાનું, સમાપ્ત થઈ જવાનું. ઓશો કહે છે કે આ પ્રયોગમાં પોતાની જાતને ચિતામાં બળી જતી જુઓ. જે બળી શકે છે, તે બળી જશે અને જે ન બળી શકે તેની તો આપણે ઓળખાણ કરવી છે. એનો બરાબર રીતે અનુભવ કરી લો. બિંદુ સાગરમાં ખોવાઈને સાગર બની જાય છે, નાનામાંથી વિરાટ બની જાય છે. સીમાડા તોડીએ તો જ અસીમ થઈ શકાય. સ્વેચ્છાથી લાવવામાં આવેલા મૃત્યુનું નામ ધ્યાન છે.

ત્રીજો પ્રયોગ છે તથાતા, જેનો અર્થ છે ચીજો જેવી છે, તેવી છે. તેની સામે કોઈ વિરોધ નથી. જિંદગી જેવી છે, તેવી અમને સ્વીકાર્ય છે. સંપૂર્ણ સ્વીકૃતિ, તેમાં કોઈ ફેરફાર કરવાની ઈચ્છા નથી. આ પરિસ્થિતિમાં બાળક રડતું હોય, કૂતરું ભસતું હોય, વાહનનો ઘોંઘાટ હોય કે પંખીઓનો કલરવ હોય – કશું જ ખલેલ પહોંચાડતું નથી. ચિત્તની બધી જ અશાંતિ ખોવાઈ જાય છે. જે કંઈ થઈ રહ્યું છે, તેમાં અમે રાજી છીએ; ગરમી, ઠંડી, શોરબકોર કોઈનો વિરોધ નથી. જે કંઈ થઈ રહ્યું છે, તે શુભ છે, સુંદર છે. ત્યારે આખું જગત પ્રીતિકર હોવાનો અનુભવ થાય છે અને એ જ પ્રેમના દ્વારમાંથી પરમાત્માનું આગમન થાય છે. જે જિંદગીનો પૂરી રીતે સ્વીકાર કરે છે, તેને જિંદગી કદી પણ ચોટ નથી પહોંચાડી શકતી.

ધ્યાનના ચોથા પગથિયામાં ઉપરના ત્રણેય પ્રયોગને એક સાથે કરવના છે. શરીરને શિથિલ છોડી દો. અંદર ગહન શાંતિ છવાઈ જશે. શ્વાસ શાંત થતા જશે, શરીર ખોવાઈ જશે. માત્ર જ્ઞાતા- સાક્ષી બની રહો, સ્વીકારભાવમાં લીન થઈ જાઓ. સર્વ સ્વીકૃતિથી ધીરે ધીરે અંદર શૂન્ય થઈ જશે અને પ્રભુનો સાક્ષાત્કાર થશે. જાણતા રહો, સાંભળતા રહો, ઓળખતા રહો, સર્વ સ્વીકારથી ભરેલા, ખોવાઈ જાઓ, વહી જાઓ, છોડી દો, અસ્તિત્વમાં પૂરી રીતે લીન થઈ જાઓ. તે શૂન્ય મનમાં આનંદના ઝરણાં ફૂટી નીકળશે, આનંદની વીણા વાગવા લાગશે, આનંદનો દીવો પ્રગટી જશે, મન શીતળતા અને આનંદથી ભરાઇ જશે. આ મનના ઊંડાણમાં ધ્યાનની ધારા વહેતી રહેશે; પરમ શાંતિ, અપાર આનંદ આપની અંદર સરકતા રહેશે, શાંત, આનંદથી ભરેલા ચિત્તમાં પ્રભુની હાજરીની અનુભૂતિ થશે.

રીટા જાની
23/09/2022સંસ્પર્શ -૩૨

jigisha -સંસ્પર્શ -youtube

નાયમાત્મા પ્રવચનેન લભ્યો ન મેધયા ન બહુનાશ્રુતેન ।

યમેવૈષ વૃણુતે તેન લભ્ય તસ્યૈષ આત્મા વિવૃણુતે તનુ સ્વામ ।।

આત્મા પ્રવચનોથી નથી મળતો,મેધા(બુધ્ધિ) થી નથી મળતો

બહુશ્રવણ કરવાથી પણ મળતો નથી.

આત્મા પોતે જેનું વરણ કરે છે તેને જ તે પ્રાપ્ત થાય છે.

(કઠોપનિષદ)

ધ્રુવ ગીત

એમ અમે અચરજને મારગ સાવ અચાનક વહેતા થઈ ગ્યા,

હું ને મારી આવરદા એકાદ મુકામે ભેગા થઈ ગ્યા.

એવા સમતળનાં રહેનારા અમે એકલે પંડે,

રિક્ત છલકતા અંધકારના સદા અખંડિત ખંડે

હવે અચાનક ઊર્ધ્વ અધોના પટમાં આવી રહેતા થઈ ગ્યા.

હું ને મારી આવરદા એકાદ મુકામે ભેગા થઈ ગ્યા

નામ ન’તુ કોઈ ઠામ વગરના હતા અમે હંમેશ,

તમે ગણ્યું જે અંતરીક્ષ તે હતો અમારો વેશ.

અવ ઓચિંતા અમે અમારું નામ જગતને કહેતાં થઈ ગ્યા,

એમ અમે અચરજને મારગ સાવ અચાનક વહેતા થઈ ગ્યા.

ઉપનિષદનાં રહસ્ય ખોલતું અને ધ્રુવદાદાનાં ગહન આધ્યાત્મિક અવલોકનનો ઉઘાડ કરતું આ ગીત એક નવા જ વિચારને આપણાં દ્રષ્ટિપટલ પર લઈ આવે છે.કઠોપનિષદની વાત રજૂ કરતા દાદા કહે છે કે આપણે આ પૃથ્વી પર જન્મ લીધો એ એક મોટી અચરજની વાત છે.કઠોપનિષદનાં શ્લોક પ્રમાણે આત્માએ આપણા શરીરની પસંદગી કરી અને આત્મા અને શરીર એક થઈ ગયા.એટલે દાદાએ ગાયું- ‘ હું ને મારી આવરદા એકાદ મુકામે ભેગા થઈ ગયા’ આ અચરજ કેટલું મોટું છે! 

તો આપણા ઋષિ કવિ રાજેન્દ્ર શુક્લ આજ કલ્પનાને પોતાની રીતે આલેખે છે,

“ઈચ્છાની આપમેળે એણે દડી ઉછાળી,

બહુ એકલો હતો એને પાડવીતી તાળી.

મૂળ શબ્દ ઊપન્યો કે તણખો કીધો અફાળી,

કંઈયે હતું નહીં ત્યાં દીધું બધું ઉજાળી

કરતા અકરતા બંને છે ,ને નથી કશું યે,

વીંટળાઈ ખુદ રહ્યો છે,છે ખુદ રહ્યો વીંટાળી.”

આપણા ધ્રુવદાદા તેમજ ઋષિકવિ જેવા વિદ્વાન કવિઓએ તેમની કવિતાઓમાં વેદ અને ઉપનિષદોનો રસ ઘોળીને આપણને પીવડાવ્યો છે. 

આગળ ગીતમાં દાદા કહે છે,અવકાશનાં અંધકારમાં એકલો આત્મા સમતળમાં રહેતો હોય છે. અવકાશમાં કશું ઊંચું નીચું કે દૂર સુદૂર નથી.પરતું પરમશક્તિનો અંશ જેવો આત્મા ,શરીર નક્કી કરી તેમાં પ્રવેશે છે અને આ પૃથ્વીનાં ઊર્ધ્વ પટમાં આવીને રહેતો થઈ જાય છે.આ એક અચરજ નથી તો શું છે? અને આ અચરજના મુગ્ધ ભ્રમણને ઋષિ કવિ વર્ણવે છે,

નિરુદેશે

સંસારે મુજ મુગ્ધ ભ્રમણ

પાંશુમલિન વેશે 

(પાંશુ-ધૂળ)

અને ધ્રુવદાદા કહે છે અવકાશમાં અમારું કોઈ નામ ઠામ કે સરનામું હતું નહીં અને જેવા પૃથ્વી પર નામધારી બન્યા કે તરત તારું મારું શરૂ થઈ ગયું.અને અમારા નામનાં ગર્વ સાથે જીવતાં થઈ ગયાં.આમ ઓચિંતા અચરજને માર્ગે આપણે સૌ વહેતા થઈ ગયાં.પ્રકૃતિએ કે પરમે રચેલી આ જીવનની રચનાથી વધીને બીજું મોટું અચરજ શું હોઈ શકે?

આજ વાતને આપણા અશરફભાઈ ડબાવાલા ગઝલમાં આવીરીતે વર્ણવે,

આંખમાં દ્રશ્યોને રોપી, ટેરવે આતંક દઈ,

સ્વપ્ન ક્યાં ચાલ્યું ગયું આ વાણીપતનો જંગ દઈ.

આમ તો લગભગ હતા સરખા હે ઈશ્વર ! આપણે,

તું સવાયો થઈ ગયો અમને અમારું અંગ દઈ.

આ સૌ કવિએ આપણા પૃથ્વી પરનાં અવતરણનાં અને મૃત્યુ પછી આત્માનાં અવકાશ ભ્રમણની વાતને પોતપોતાનાં અંદાજમાં રજૂ કરી છે. પણ આ એક ઓચિંતું મળેલ અચરજ તો દાદાનાં કહેવા મુજબ છે જ ! તેની ખરી સચ્ચાઈ તો કોઈ જાણતું નથી. બધાંએ પોતપોતાની રીતે કરેલ અટકળો જ છે! એવું મને ચોક્કસ લાગે છે. તમારા મંતવ્ય લોજીકલ પુરાવા સાથે જાણવા જરુર ગમશે.

જિગીષા દિલીપ 

૨૧મી સપ્ટેમ્બર ૨૦૨૨

હેલીના માણસ – 35 | સાચી મૈત્રી | રશ્મિ જાગીરદાર

નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર આપ સૌનું અભિવાદન કરું છું. ‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ-35 ‘સાચી મૈત્રી’ એની 34મી ગઝલ અને રસાસ્વાદ. 

આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર.  સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા

 

ગઝલ :

મળવું હો તો આનાકાની નહીં કરવાની, 

આમ મહોબત છાનીમાની નહિ કરવાની. 

 

આગનું કારણ ચિનગારીને પૂછી આવો, 

ખાલી ખોટી વાત હવાની નહિ કરવાની. 

 

તારી સુગંધ ખુદ આપી દેશે ઓળખ એની, 

કોઈ રૂમાલે કોઈ નિશાની નહિ કરવાની. 

 

ગઝલબઝલ તો ભલે લખો પણ, મારી માફક, 

આખી આ બરબાદ જવાની નહિ કરવાની. 

 

જરૂર પડે તો ખલીલ આ માથું દઈ દેવાનું, 

મિત્રતામાં પાછી પાની નહિ કરવાની. 

– ખલીલ ધનતેજવી 

 

રસાસ્વાદ –

ઘણીવાર કેટલીક શોગાતો આપણાં પાલવમાં અનાયાસ આવી મળતી હોય છે. આવા સમયે આનાકાની કરવી તો ઠીક નથી. કોઈ યુવકને કોઈ મુગ્ધા યુવતી ગમી જાય ને એ તેને ચાહવા લાગે તેવું બને. પણ આ વાત ક્યાં સુધી ગુપ્ત રહી શકે? અને શકે પણ ક્યાંથી? સ્નેહ તો આંખોની પ્યાલીમાંથી સતત છલકાયા કરે! અને યોગ્ય સરનામે મળી જ જાય! પછી તો ન કશું અજાણ્યું રહે ન કશું અછતું! આવામાં છાનુંમાનું કશું ના ચાલે, એટલે તો કવિ કહે છે, 

મળવું હો તો આનાકાની નહિ કરવાની, 

આમ મહોબત છાનીમાની નહિ કરવાની. 

કોઈ એક ઘટના બને ત્યારે આસપાસ અનેક લોકો ટોળે વળી જાય. દરેક જણ પોતપોતાના મનમાં આવે તે રીતે તેનાં કારણો શોધીને તે બાબત ચર્ચા કરવા લાગે. ખરેખર તો ઘટના માટે જવાબદાર કોણ છે? તેનું કારણ શું હશે? તેની જાણકારી મેળવવી જ હોય તો ચર્ચા કરવાને બદલે યોગ્ય વ્યક્તિને પૂછવામાં આવે તો કંઈક સાચી વાત સમજાય. કવિ પણ આ શેરમાં કહે છે કે, આગ લાગી હોય તો ખાલી હવાને પૂછપરછ કરવાથી કશું નહીં મળે. તેનું કારણ તો ખુદ ચિનગારીને જ ખબર હોય. 

આગનું કારણ ચિનગારીને પૂછી આવો, 

ખાલી ખોટી વાત હવાની નહિ કરવાની. 

કોઈ બાગમાં પ્રવેશ કરીએ અને મીઠી મધુરી મહેક આપણને આવકારે તો તરત જ સમજાય કે, બાગમાં ગુલાબનાં પુષ્પો હોવાં જોઈએ કે પછી મોગરાનાં! સુગધ પરથી જ ક્યાં ફુલો હશે તે ઓળખાઈ જાય એના માટે છોડની નજીક જઈને કયું ફુલ છે તે જોવાની જરૂર નથી પડતી. એવું જ માશુકાની મહેકનું પણ હોવાનું. એની ઓળખ માટે કોઈ નિશાનીની શું જરૂર? 

તારી સુગંધ ખુદ આપી દેશે ઓળખ એની, 

કોઈ રૂમાલે કોઈ નિશાની નહિ કરવાની. 

યુવાવસ્થામાં ઘણાં યુવાનો પાગલપણાંની હદે માશુકાને ચાહવા લાગે છે. પણ કહ્યું છે ને કે, અતિ સર્વત્ર વર્જયેત. એ સમજણ રાખીને દુનિયાનાં બીજાં બધાં કાર્યોની જેમ પ્રેમ પણ માઝામાં રહી ને કરવો જોઈએ. ઠીક છે, તમે માશુકાને રિઝવવા કોઈ ગઝલ કે પ્રેમગીત લખી નાખો કે, ગાઈ પણ નાખો પણ એના માટે રોજીંદા કામો પણ છોડીને, મજનુ બનીને, પુરી યુવાવસ્થા વેડફી નાખો તે ન ચાલે. એ વખતે કરવાનાં કામો, જેવાં કે, ભણવું, ઉંચી લાયકાત મેળવવી, કમાવું વગેરે ચૂકી જાવ પછી આગળની જિંદગી દોહ્યલી થઈ પડે. 

ગઝલબઝલ તો ભલે લખો પણ, મારી માફક, 

આખી આ બરબાદ જવાની નહિ કરવાની. 

અંતીમ શેરમાં ખલીલ સાહેબ મિત્રતાની સાચી સમજ આપે છે. આપણી આસપાસ જુદા જુદા મિત્રો રહેતા હોય છે. કેટલાક આપણું કામ પડે ત્યારે મિત્ર બની જાય અને કામ પત્યા પછી ગાયબ થઈ જાય. એને જો ખબર પડે કે, આપણને તેની જરૂર પડશે તો તો બિલકુલ ભૂગર્ભમાં! ઘણા તાલીમિત્રો હોય. વાતચિત કરે આગળ કશું નહીં. પણ શેરમાં કવિ કહે છે કે, મિત્રતા તો એવી કરવાની જો મિત્રને જરૂર પડે તો માથું આપી દેવામાં પણ પાછી પાની નહીં કરવાની. 

જરૂર પડે તો ખલીલ આ માથું દઈ દેવાનું, 

મિત્રતામાં પાછી પાની નહિ કરવાની. 

આ ગઝલમાં કવિ કહે છે કે, તાલી મિત્રો તો અનેક મળી આવે પણ એ બધામાં ખરો દોસ્ત મુશ્કેલ સમયમાં ઓળખાતો હોય છે. બધા જ્યારે સાથ છોડવા લાગે ત્યારે સાચો મિત્ર જ ટકી રહેશે અને સાથ આપશે. આવા મિત્રો મળવા એ તો ભાગ્યની વાત છે. પણ તમે કોઈના આવા સાચા દોસ્ત જરૂર બની શકો. ખરુને? આવી જ મજેદાર ગઝલ સાથે ફરી મળીશું આવતા એપીસોડમાં ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. નમસ્કાર 

રશ્મિ જાગીરદાર

વિસ્તૃતિ …30 -જયશ્રી પટેલ 

98DCBC6E-4FF2-4BDC-8D03-2A9A2D5E3679

    મેં વાંચેલી વિષ્ણુ પ્રભાકરજીની આવારા મસીહાની થોડી વાતો અહીં સંક્ષિપ્તમાં ગુજરાતીમાં રજુ કરું છું.શરદબાબુને ગુરુવર્ય રવીન્દ્રનાથ ટાગોરે વારંવાર કહ્યું કે તું તારી આત્મકથા લખ. તેના જવાબમાં શરદબાબુએ કહ્યું હતું કે ગુરુદેવ જો હું જાણતો હોત કે હું આટલો મોટો માનવી  બનીશ ,તો હું કંઈક જુદા જ પ્રકારનું  જીવન જીવતો હોત. 

          આને વ્યંગ પણ કહી શકો અથવા એકદમ સત્ય વાત પણ ખરેખર એમણે બાળપણ અને જુવાનીમાં એવું જીવન વિતાવ્યું કે તેનાથી પોતે જ સંતુષ્ટ નહોતા. એમણે પ્રારંભિક જીવનમાં જે અભાવ અપમાન સહન કર્યા ઉપેક્ષાઓમાં જીવન વિતાવ્યું ,આ બધાને કારણે તેમના જીવનમાં વાર્તાઓ નવલકથાઓનાં પાત્રોમાં નિરૂત્સાહ, ઉત્સાહ ને સંઘર્ષ બધું જ ચરિતાર્થ થયું . 

         તેઓ ખૂબ જ એકાકી હતાં. બધાં સાથે હળતાં મળતા પણ કદી પોતાના હૃદય સુધી કોઈને પહોંચવા જ ન દેતા,તેથી વિષ્ણુ પ્રભાકરની તેમના સંશોધનમાં ઘણીવાર વિચારતા કે ક્યાંથી શોધવી એમની સાચી વાતો ? કારણ લોકોએ ખૂબ મનધડક વાતો એમના માટે કરી હતી.એમના બે મિત્રો કવિ નરેન્દ્ર અને હરિદાસ ચટ્ટોપાધ્યાય તેમના વિશે બહુ કંઈ જ બતાવી શક્યા નહોતા.

         જ્યારે લોકો તેમના જીવન વિશે ચર્ચા કરતાં તો શરદ બાબુ કહેતા કે લેખકના વ્યક્તિગત જીવનને લઈ પરેશાન કેમ થવાનું ? શું લાભ મળે ?તે લેખક છે પોતાના જીવનની વાતો  તેની કથાઓની અંદરથી તેનો પરિચય મળે તેનાથી જ લોકોએ સંતુષ્ટ થવું યોગ્ય છે .એ જ લેખકનો સાચો પરિચય છે . મિત્રો, તેઓનું માનવું હતું કે લેખકનું જીવન અને તેમનું વ્યક્તિગત જીવન બંને એક નથી હોતા .કોઈપણ અર્થઘટન કરી તેના લેખન અને જીવનને ન જોડી દેવા જોઈએ .જેટલું તેઓ તેમની રચનામાં પાત્રોમાં વ્યક્ત કરી શકતા તે જ પોતે છે એમ વાચકોએ માની લઈને તે જ પરિચયથી સંતોષ માનવો જોઈએ .     

          આત્મકથા માટે તેઓ માનતા કે તે ક્યારેય નહીં લખી શકે ,કારણ જેટલું આત્મકથામાં લખાય તેટલું સત્ય પણ તે લખી શકે તેમ નથી અને તેટલા તે બહાદુર પણ નથી. શરદબાબુના આ કથનથી શું સ્પષ્ટ કરી શકીએ. માનવ અને સાહિત્યકાર બે ભિન્ન છે ,પણ એટલા નહીં જે તેમના  લેખાજોખા  કરી તેને ઊંડાઈ કે નીચતાની તુલના કરવી ! તેઓ પોતાને સામાન્ય માનવી જ માનતા જે સામાન્ય માનવીની જીવનની હોય તે જ તેમનું છે તેમને મહાન થવું જ નહોતું.

           જીવની શું છે ?અનુભવોનો શૃંખલા બંધ ચયન !તેમાં જીવનની એ જ ઘટનાઓ લખાય છે જે સંવેદના પૂર્ણ હોય ભાવનાથી ઓતપ્રોત કરી દે. લેખક તેના જીવનમાં મરજીવાની જેમ ડૂબકી મારી ઘટનાઓને મોતીની જેમ પસંદ કરી ઘટનાક્રમમાં લખે છે .શરદ બાબુને માટે તેમના જીવનની ખોજ માટે વિષ્ણુ પ્રભાકરજીએ અનેક પ્રયત્નો કર્યા છે .કહેવાય છે કે શ્રીકાંત વાંચીએ તો જરૂર લાગે કે આપણે શરદબાબુના  જીવનની જીવની જ વાંચી રહ્યાં છે     

       કોઈ શક નથી તેમના સાહિત્ય જેવું સાહિત્ય ન મળ્યું ન રચાયું, વર્ષો પછી પણ આજે યુવા પેઢી તેમના અનુવાદ થયેલા પુસ્તકો અંગ્રેજીમાં હિન્દીમાં તેમજ ગુજરાતીમાં વાંચે છે ખરેખર તેમનું સાહિત્ય મહાન છે.

        ચાલો મિત્રો ,આવતા અંકે ફરી આપણે આવું જ કંઈક સંક્ષેપ પણ સચોટ રીતે જાણવાનો પ્રયત્ન કરીશું. કંઈક બાકી રહી ગયેલી વાર્તાઓને સાંભળશું અને વાંચશું .

અસ્તુ ,

જયશ્રી પટેલ.

૧૭/૯/૨૨

ઓશો દર્શન-33. રીટા જાની

wp-1644023900666
અસ્તિત્વ એક પડકાર છે. ખુશનુમા સવાર, બળબળતી બપોર અને સોહામણી સાંજના પરિબળો જ્યારે રાત્રિના અંધકારને સ્વીકારવાની વાસ્તવિકતાઓને અવગણે છે, અપેક્ષાઓના કદમ વાસ્તવિકતાની મંઝિલોને પાર કરવામાં અધૂરપ અનુભવે છે, રસ્તાના વળાંકે શું હશે તેનો ડર લાગે છે. ભવિષ્યના ગર્ભમાં શું છુપાયેલું હશે તેનો ભય રહે છે. ભય એ એવી વસ્તુ છે જે માણસને બાંધે છે, મર્યાદિત કરે છે.

અનિશ્ચિતતામાં જીવવું સાહસ છે. અસ્તિત્વ અનિશ્ચિત છે પણ આપણે સિદ્ધાંતો અને માન્યતાઓનો સહારો લઈને નિશ્ચિતતાનો ભ્રમ ઉભો કરીએ છીએ, અજાગૃત અવસ્થામાં જીવીએ છીએ. અનિશ્ચિતતામાં જાગૃત બનીને જીવવું, વર્તમાનમાં જીવવું એ સાહસ છે. ઓશો કહે છે કે અનિશ્ચિતતાને અજાયબી સમજો. અસલામતીને મુક્તિ સમજો. કોઈ નવીન બાબત દ્વાર ખટખટાવે તો તેનું સ્વાગત કરવું તે સાહસપૂર્ણ જીવવાની શૈલી છે. આજે ઓશો દર્શનમાં આપણે ઓશોના ‘સાહસ’ પરના ચિંતનને માણીશું.

રોજિંદી જિંદગીમાં સલામતી શોધતો માનવી નવી તક અને નવા સ્વપ્નને સિદ્ધ કરવાનો અવસર સાહસના અભાવે ગુમાવે છે. સુરક્ષાની કિલ્લેબંધીમાંથી આગળ ડગ ભરવાનું જોખમ ઉઠાવવા તે તૈયાર નથી. પરિણામે આવેલી તકને પોતાના હાથમાંથી ગુમાવી દે છે અને સ્વપ્નોનું બલિદાન દેવાઈ જાય છે.

જીવનમાં કશું જ નિશ્ચિત કે પૂર્વનિર્ધારિત નથી. જીવન અનિશ્ચિતતા અને આશ્ચર્યોથી ભરપુર છે અને એ જ છે એનું સૌંદર્ય! આગળની ક્ષણે શું થશે તે કોઈ કહી શકતું નથી. અનિશ્ચિત રહેવાની તૈયારી એટલે જ હિંમત. અસલામતી જીવનનો અવિભાજ્ય ભાગ છે, જે જીવનને મુક્ત બનાવે છે અને સતત અજાયબીમાં રાખે છે. ભય મોજુદ હોવા છતાં અજાણ્યાપણાનો પડકાર ઝીલવો એટલે હિંમત. જોખમ ઉઠાવનાર વ્યક્તિ જીવનમાં પરિપક્વતા અને વિકાસને પ્રાપ્ત કરી શકે છે. માટે પ્રત્યેક વ્યક્તિએ સાહસિક બનવું જરૂરી છે, અપરિચિત બાબત માટે તૈયાર રહેવું જરૂરી છે. એકવાર મુક્તિ અને નિર્ભયતાનો સ્વાદ ચાખવા મળે ત્યારબાદ કદી પસ્તાવો કરવો પડતો નથી કારણ કે તે જાણી જાય છે કે ઉત્તમ રીતે જીવવું એટલે શું.

નવીન વસ્તુનો તમે સમગ્રતાથી સ્વીકાર કરશો તો તે તમને પરિવર્તિત કરી શકશે. તમે તેનો સ્વીકાર કરો તો તમે ફૂલની જેમ ખીલશો અને જો ઇનકાર કરશો તો પથ્થર જેવા મૃત રહેશો. નવજીવનનો સાચો અર્થ એ છે કે તમે માનસિક સ્મૃતિથી મુક્ત બનો. સ્મૃતિ સત્ય નથી કેમકે સત્ય હંમેશા જીવંત હોય છે. જેથી જે હયાત નથી તેનું નામ છે સ્મૃતિ, જે આભાસી વિશ્વનું સર્જન કરી આપણને કેદ કરે છે. ‘હું’ અથવા ‘અહમ’ તરીકે ઓળખાતી ગ્રંથિને સ્મૃતિ જ પેદા કરે છે. અસ્તિત્વને કોઈ ભય નથી માટે તમે નથી ડરતા પણ કૃત્રિમ આપખુદ અહમ મૃત્યુથી અતિશય ફફડતો હોય છે. માટે જ નવીન વસ્તુને તમે રાજી ખુશીથી સ્વીકારી શકતા નથી. સ્મૃતિ તો ચેતનામાં આવેલી એક ચીજ છે, જ્યારે ચેતના તો તમે પોતે જ છો. નવીનતા એ ઈશ્વરનો સંદેશવાહક છે, તેને અનુસરો તો તમારું જીવન સમૃદ્ધ બની જશે અને કેદ રહેલો વૈભવ એક દિવસ મુક્ત કરવાને તમે સક્ષમ થઈ શકશો. કર્મની ફિલસૂફી એ છે કે કોઈપણ વ્યક્તિ કે પરિબળ તમને કાંઈ જ કરતું નથી. માટે યોગ્ય સમયની રાહ જોવાની જરૂર નથી, હિંમત સાથે કૂદી પડવાની જરૂર છે.

ઓશો કહે છે કે અંધકાર સાથે બાથ ભરી તેને પરાજિત ન કરી શકાય. એ માટે પ્રકાશ અંગે કંઈક કરવું પડે. એ જ રીતે ભય સાથે ઝગડવાથી ભય દૂર નહીં થાય, એ તમને પાગલ બનાવશે. ભયને દૂર કરવા બિનશરતી પ્રેમ કરો. કોઈ સોદાબાજી નહિ, પણ હૃદયની પૂર્ણતાથી પ્રેમ કરો. ભય વિનાશાત્મક છે, જ્યારે પ્રેમ સર્જનાત્મક શક્તિ છે. પ્રેમ પ્રકાશ છે અને ભય અંધકાર છે. ઓશો પ્રેમના ચાર તબક્કા ગણાવે છે – પ્રથમ શારીરિક, બીજો માનસિક, ત્રીજો સમસ્તના પ્રેમમાં હોવું એટલે પ્રાર્થના. પ્રાર્થના એ પ્રેમની શક્તિ છે, જે બિલકુલ સહજ હોવી જરૂરી છે. હૃદયથી હૃદયનો સંવાદ થવો જોઈએ. હૃદય ખુલ્લું થાય ત્યારે સમગ્ર જગત પ્રતિસાદ આપવા તત્પર બનશે. અને ચોથો તબક્કો છે ધ્યાન. પ્રત્યેક તબક્કે ભય અદ્રશ્ય થતો રહે છે અને તમને જીવનમાં મુક્તિ અને સહજતા પ્રાપ્ત થાય છે.

પ્રેમનો વિરોધી ધિક્કાર નહીં પણ ભય છે. પ્રેમમાં વ્યક્તિ વિસ્તરે છે, ભયમાં સંકોચાય છે. પ્રેમમાં વ્યક્તિ ખુલે છે, ભયમાં બંધિયાર બને છે. પ્રેમમાં વ્યક્તિ વિશ્વાસ મૂકે છે, ભયમાં શંકા કરે છે. પ્રેમમાં વ્યક્તિ વિલીન થઈ જાય છે, ભયમાં એકાકી બને છે. તમારા આંતરિક આકાશને ઓળખી લો એ જ છે પ્રેમ. શરીરને ટકવા માટે જેમ શ્વાસની જરૂર પડે તેમ આત્માને ટકવા માટે પ્રેમની જરૂર પડે છે. જ્યારે હૃદય ખરેખર ભરેલું હોય, ત્યારે શબ્દો ખરી પડે છે અને કેવળ શાંતિ જ માધ્યમ બને છે. ત્યારે તમે બ્રહ્માંડ સાથે એક થઈ જાવ છો. આ એકાત્મતા એટલે જ ધ્યાન – વ્યાપક શુદ્ધતા, નિર્દોષતા અને પવિત્રતા.

‘હું કોણ છું?’ એ પ્રશ્નનો ઉત્તર અન્ય કોઈ ન આપી શકે. ધ્યાનની તમામ પદ્ધતિઓ ખોટાને નષ્ટ કરવામાં સહાયરૂપ છે. ધ્યાન એટલે શાંત અને એકાકી રહેવાની હિંમત, એક નવીન જીવંતતા, નવું સૌંદર્ય, નવીન પ્રકારની બુદ્ધિનો તમને અનુભવ થશે. તે કોઈ પાસેથી ઉછીની ન લઈ શકાય, તમારી અંદર જ તે વિકસી હશે. તમારા જીવનમાં જ તેના મૂળ હશે. તમે કાયર નહીં હોય તો તેની પર ફળ આવશે, ફૂલો આવશે. કાલની કોઈને ખબર નથી. તમારા અસલ અસ્તિત્વને પામ્યા વિના મૃત્યુ ન પામો.

કુલ છ ઇન્દ્રિયો હોય છે જેમાં પાંચ બાહ્ય હોય છે, જે આપણને જગત વિશે જણાવે છે. પણ છઠ્ઠી ઇન્દ્રિય આંતરિક છે, જે તમને તમારા વિશે તેમજ વસ્તુઓના અંતિમ સ્ત્રોત વિશે કહે છે. ધ્યાન એટલે આ આંતરિક ઇન્દ્રિયની, આંતરસૂઝની શોધ. લોકોના અભિપ્રાય ઉપર આધારિત રહી આપણે આંતરસૂઝનો માર્ગ ભૂલી ગયા છીએ. તમામ સુંદર અને દિવ્ય વસ્તુઓ તેના થકી જ અનુભવી શકાશે. બીજાના અભિપ્રાયથી પ્રભાવિત થવાના બદલે પોતાના અનુભવ ઉપર વિશ્વાસ કરો. સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ પાસે જઈને કહે છે કે ઈશ્વર ક્યાંય છે જ નહિ. આ માટે તેઓએ તાર્કિક દલીલો અને પુરાવા રજૂ કર્યા. ત્યારે રામકૃષ્ણ પરમહંસે કહ્યું કે તમારી દલીલો તો સુંદર છે પણ મારી આંતરસૂઝ કહે છે કે ઈશ્વર છે. અને તેમણે વિવેકાનંદને અનુભવ કરાવ્યો. ગુલાબના ફૂલને કે ચંદ્ર ને જોઈને યાંત્રિક રીતે આ સુંદર છે એમ ન કહો, પણ આંતરસૂઝથી એને પ્રાપ્ત કરો. જે ક્ષણે તમે લોકોના અભિપ્રાયના ભયથી મુક્ત થાવ છો, ત્યારે તમે ઘેંટુ મટીને સિંહ બની જાવ છો. દુનિયાની પરવા કર્યા વિના તમે જેવા છો તેવા – હળવા ફૂલ, તણાવ મુક્ત, આડંબરથી મુક્ત બની જાવ.

જોખમપૂર્વક જીવવું એટલે ખરેખર જીવી જવું. જીવન તો જોખમમાં જ ખીલે છે, નહીં કે સલામતી કે સુરક્ષામાં. માના ગર્ભમાં બાળક રક્ષિત હોય છે પરંતુ જીવવા માટે આ તમામ સુરક્ષા, કવચ અને રક્ષણમાંથી બહાર આવીએ પછી જ આ બહોળા, અનંત વિશ્વને પામી શકાય. અહમના કોચલામાંથી બહાર નીકળીએ તો તમારી અંદર એક તાજગીસભર, ભૂતકાળથી ખરડાયા વિનાનું અસ્તિત્વ ઉદ્ભવશે અને તમે કોઈપણ સીમા વિના અનંત સુધી જોઈ શકશો.

ઓશો કહે છે કે પૂર્વના લોકો નિષ્ફળ ગયા છે કારણ કે તેમણે પ્રેમ વિના ધ્યાન કરવાનો પ્રયત્ન કર્યો છે. પશ્ચિમના લોકો નિષ્ફળ ગયા છે કારણ કે તેમણે ધ્યાન વિના પ્રેમ કરવાનો પ્રયત્ન કર્યો છે. ઓશો ધ્યાન વત્તા પ્રેમની મહત્તા ગાય છે. પોતાની જાત સાથે નિખાલસ અને પ્રામાણિક બનીને રહો. ઘરેડમાંથી બહાર નીકળી ખુદના અસ્તિત્વનો સ્વીકાર કરો. તમારી જવાબદારી કેવળ તમારી પોતાની તરફ છે. ભયને વિલીન કરવા માટે ધ્યાન કરો, વિશ્વાસ માટે ધ્યાન કરો, ભયને પ્રેમમાં રૂપાંતર કરવા માટે ધ્યાન કરો. પલાયનવૃત્તિ ન રાખો, સર્જનાત્મક બનવામાં આનંદ માણો. જીવન કોઈ વિચાર નથી. એ આપણી અંદર પણ છે અને બહાર પણ છે. કશું માગવાને બદલે જે મળ્યું છે તે બદલ કૃતજ્ઞ બનો તો જીવનની એક એક ક્ષણ ઉત્સવ બનશે.

રીટા જાની
16/09/2022


https://youtu.be/hIo8TyRzt0U