
મારું મન કેટલાયે દાયકા પાછળ જતું રહ્યું. બરાબર સાત દાયકા.સોળ વર્ષની યુવાન ઉંમર.. ખેતરમાં જવું, આંબાવાડીમાં આંબાને મોર આવ્યો હોય તેની એક અલગ ફોરમ લેવી, બે ત્રણ મહિનામાં નાની નાની કેરીઓ દેખાય.મનની આ યાદગાર મૌસમને યાદ કરતાં મન ક્યારેય થાકતું નથી.નિશાળેથી આવ્યા એટલે તરત પુસ્તકો ટેબલ પર મૂક્યા, જરાતરા નાસ્તો કર્યો કે બહાર રમવાં દોડી જવું – બીજા ભાઈબંધો રાહ જોઈ રહ્યા હોય. એ જીવન કઈ અનેરૂ હતું. ન કોઈ ચિંતા, ન ફિકર, ન જવાબદારી ! જીવનનો અમુલ્ય એ સમય હતો. ગામનો કૂવો, સરકારી સ્કુલ, નાનું તળાવ, અને ગામની વચ્ચેથી પસાર થતો ધોરી રસ્તો.ત્યાં આવીને ઉભી રહેતી એસ ટી બસ, .બા બૂમ પાડી બોલાવે નહીં ત્યાં સુધી ઘરમાં ન જવાનું બસ આનંદ એક નિદોષ આનંદ . સંધ્યાકાળ ધેનુ બધી પોતપોતાના ઘરમાં પ્રવેશ કરી નીરેલું ઘાસ અને પાણી પીતી હોય, બાની બોલાવવાની રાહ જોવાતી હોય. આંખો બંધ હતી અને છતાં આખું જીવન જાણે આંખોમાં….
એ સમયે એક ખુમારી હતી. જુવાનીનું જોશ હતું. ન શું થાય ! બધુંજ થશે. ચાલ, હું મદદ કરું। આખા ગામમાં નામ જાણીતું થઇ ગયું. સીત્તેર વર્ષ વિતી ગયા. ગામનું દરેક વ્યક્તિ મને ઓળખતું થઇ ગયું. કોઈનું પણ કામ હોય, હું હાજર રહેતો. કોઈના દીકરો કે દીકરી પરણે તો જાણે મારી જવાબદારી બની જતી. કોઈને આર્થિક જરૂરિયાત હોય તો તરત હાથ લાંબો કરી આપી દેતો. તેથી જ અમેરીકા આવવા નીકળ્યાં તો આંગણું આખું ભરાઈ ગયું હતું. ગામનાં દેસાઈ, પટેલ, મોચી, ઘાંચી, મુસલમાન,અને કામ કરતાં દુબરાની વસ્તી! તે દિવસે જાણે આખું ગામ ભેગું થઇ ગયું, સૌને થતું હતું ભાઈ પાછા નહીં આવે તો અમારું કોણ ?..આજે મારું કોણ
અચાનક છાતીમાં દુઃખી આવ્યું.આ ભીંસ કેવી ? શ્વાસ લેવામાં તકલીફ પડે છે. છતાં પેલાં વિચારો એનો પીછો ન્હોતા છોડતા. બધાએ કેટલું સમજાવ્યું હતું ! સીગરેટ ન પીઓ. દારૂ ભલેને ફોરીન હોય પણ શરીર તો તમારુંને ? ક્યાં સુધી સહન કરે ! વિદેશી સીગરેટ અને દારૂ ની બોટલ – દરેક ઇંગ્લેન્ડ અમેરિકાથી આવનાર ભેટમાં આપતા અને એ ખૂબ ગમતું. પણ આજે એજ વસ્તુએ મને બરબાદ કરી દીધો. ફેફસામાં કેન્સર થયું, ગળામાં પ્રસરી ગયું. હવે મગજમાં આવી ગયું. આભ ફાટે તો થીંગડા ક્યાં મરાય ? કીમો થેરાપી કે રેડિએશન, કાંઈ જ કામ નથી કરતું. હવે માત્ર ગણ્યા ગાંઠ્યા દિવસો રહ્યા છે.મન વિચારોથી ભરપૂર છે. સ્વસ્થ શરીર હોય તો જ મન સ્વસ્થ રહી શકે. મેં દારૂ અને સીગરેટ વર્ષો પહેલાં છોડ્યા હોત તો આજે મારી આ પરિસ્થિતિ ન હોત. મારે મારી પરિવાર પર બોજ નથી બનવું. હે પરમાત્મા, મને તું વેળાસર તારી પાસે બોલાવી લેજે. મારુ મન તારા ચરણોમાં આવવા હવે તડપી રહ્યું છે
મૃત્યુ અનિવાર્ય છે મૃત્યુનો મને ડર નથી. મારી પત્ની, પુત્ર, પુત્રવધુ, દીકરી, જમાઈ, પોતા, પોતીઓ – ભરેલો સંસાર છે મારો બાગ મહેકે છે,હું સુખી છું – પણ હવે મારે જવાનો સમય થઇ ગયો છે. મારુ મન આટલું વિચલિત કેમ છે? મને કેમ શાંતી નથી ? અમેરિકાનું સુઘડ ઘર કે સારામાં સારી હોસ્પિટલ કોઈ મોસમથી મને જાણે વંચિત રાખતી હતી.
મેં પાછી આંખો મીંચી દીધી. પાછું એજ ગામ, લીલા ખેતરો, કૂવો, તળાવ, મંદિર, ઢોર, બહાર હિંચકા પર બેસી આવતા જતાં લોકોને નિહાળવા, ખબર અંતર પુછવી – કેવી હરિયાળી હતી એ, એની યાદ પણ શાંતી આપતી હતી હવે સમજાયું કે મને પોતાપણું મારું ગામ,આપતું હતું. મનની શાંતીની લ્હેર ત્યાંથી આવતી હતી. સમગ્ર મોસમ માણવા મન પોતાને ગામ પહોંચી ગયું. શું ધરતીની સુગંધ છે !! એ ગુલમ્હોરી રાત અને મોઢા ઉપર આછું સ્મિત આવ્યું. છોકરાંઓને થયું ડેડી દુઃખમાં પણ હસી શકે છે પણ તેઓને ક્યાં ખબર હતી કે એમનું મન તો આંબા વાડીમાં પહોંચી ગયું હતું અને પૂરું માણી રહ્યું હતું. હું સુખી છું. હવે મને મૃત્યુનો ડર નથી. હું મારે ગામ પહોંચી ગયો છું. મૃત્યુ મને ડરાવી નહીં શકે. વતનના ઝુરાપાએ મને વતનમાં, મારાં ગામમાં પહોંચાડી દીધો છે. મારા એ મનની મોસમ ખીલી ઊઠી છે. .
મને હવે અફસોસ કોઈ વાતનો નથી. મેં જીંદગી ખૂબ માણી, વસંત જોઈ છે. એટલું જ નહિ ઘર ગુથ્થીમાં માં -બાપ પાસેથી શીખેલું કે દરેક વસંત એકલા નહિ વહેંચીને માણજે, આજ દિન સુધી એ સૂત્રને નજર સમક્ષ રાખી જીવન જીવતો આવ્યો છું. બની એટલી જન સેવા કરી આપતો આવ્યો છું. મનુષ્ય પાસે શું નથી ? હું પણ ઘણી વસ્તુથી અજાણ રહ્યો, મારા મોહમાયા અને મારી ટૂંકી દ્રષ્ટિ એ મને આવરણો થી ઢાંકી દીધો અને હું બહાર ન આવી શક્યો.હવે અંતરચક્ષુ પર જે પડદો હતો તે ખસી ગયો.
આજે સમજણ છે પણ હવે સમય જ ક્યાં છે એ વસંતે મણવાનો…

જયવંતિ પટેલ