જે પળે બોલું સિતમગર રહેમ કર
એ ક્ષણે ખુદને કહું છું પ્રેમ કર
લે બધી ફરિયાદ હું પડતી મૂકું
લે તને જેવું ગમે છે તેમ કર
એટલું હું યે ધરાતલથી ઊઠું
જેટલે ઊંચેથી તું નાખે નજર
.રૂબરૂ નહીં તો લીટીભર આવ તું
કંઈક તો વિશ્વાસ બેસે એમ કર
શી ખબર કેવી રીતે ચાલ્યા કર્યું
જીર્ણ મારું આ હવેલી જેમ ઘર
આ સંવાદ કાવ્યમાં ધ્રુવદાદા પરમતત્વ સાથે વાતચીત કરતાં હોય ,તેવીરીતે ગીતની રચના કરી છે.પ્રભુને દાદા કહે છે કે જ્યારે હું જે પળે દુન્યવી પળોજણ અને કઠિનાઈથી થાકી જાઉં છું અને તને ‘સિતમગર’તરીકે સંબોધું છું અને કહું છું કે ‘હે ! સિતમગર રહેમ કર.’ તે જ ક્ષણે મને યાદ આવે છે કે મારે આ ફરિયાદ કરવાનું બંધ કરી મારી ભીતર રહેલ પરમાત્માને પ્રેમ કરવાનું કામ કરવાનું છે.આમ કહી દાદા કહેવા માંગે છે કે ઈશ્વરને , તું તારી ફરિયાદો કરવાનું બંધ કરી ,તારી જાતને પ્રેમ કરતાં કરતાં જગતનાં એક એક જણને પ્રેમ કર.પ્રેમની વાત આવે એટલે
કબીર યાદ આવે જ…
પોથી પઢ પઢ જગ મુવા,પંડિત ભયા ન કોય,
ઢાઈ અક્ષર પ્રેમકા ,પઢે સો પંડિત હોય.
કબીર બાદલ પ્રેમકા, હમ પર બરસા આઈ,
અંતર ભીગી આત્મા , હરી ભઈ વનરાઈ.
કબીરની જેમજ દાદા વિચારે છે અને કહે છે ગમે તેટલી પોથીઓ પઢીને પંડિત થવાતું નથી. જો તમે પ્રેમનો ઢાઈ અક્ષર સમજો નહીંને તો. પ્રેમને પામવા માટે તો એક જ સૂત્ર કામમાં આવે છે; “સીસ દેય લૈ જાય”જેનો પણ પ્રેમ પામવો હોય તેને પોતાના અહંકારને ,પોતાના દંભને ખોવો પડે, ‘હું’ ભાવને ખોવો પડે.પ્રેમનો અર્થ છે કેન્દ્રનું રૂપાંતર. પોતાના કેન્દ્રનું રૂપાંતર જ્યારે હું ને બદલે બીજા થઈ જાય છે ત્યારે અહંકારનું વિસર્જન થઈ જાય છે અને ત્યારે સાચા પ્રેમનો ઉદય થાય છે. પ્રેમનું વાદળ તો તમારા ઉપર ઝળુંબી જ રહ્યું છે. જેવો અહંકાર દૂર થશે કે તરત વાદળ વરસી જશે. પ્રેમ પણ ક્યાંય બહારથી લેવાની વસ્તુ નથી તે આપણી ભીતર જ છે. જેવો પ્રેમ આત્મામાં ,ભીતર પ્રગટશે કે આપણી બધી ફરિયાદો બંધ થઈ જશે અને આપણે અંદર અને બહારથી લીલાછમ્મ થઈ જઈશું.એટલે જ પ્રેમ પોતાની ભીતર અને સૌની અંદર જોતાં જ દાદા કહી દીધું કે બધી ફરિયાદ હવે હું
પડતી મુકું છું અને તને જેમ ગમે તેમ પ્રભુ તું કર.
અને જ્યારે તમે તમારો અહંકાર હટાવીને જગતનાં દરેક માનવીને અને પોતાની જાતને અનર્ગળ પ્રેમ કરવા લાગો છો ને ત્યારે
આ ધરાતલથી તમે ઉપર ઊઠી જાઓ છો અને પરમની નજીક પહોંચી જાઓ છો .દાદા કહે છે જેટલે ઊંચેથી તું નજર નાંખે છે પ્રભુ ,તું અમારી તરફ, ત્યાં જ હું તારી નજીક આવી જઉં છું. અને જ્યારે તે પરમની નજીક પહોંચવાનો પ્રયત્ન કરે છે ત્યારે પરમને પણ વાત કરતાં કરતાં વિનંતિ કરે છે કે ,પ્રભુ ,હું તારી પાસે આવવા મથું છું, ત્યારે તું પણ લીટીભર મને રૂબરૂ મળવા આવ, તો મને પણ તારા હોવાનો,ચૈતન્યનો અનુભવ થાય. જાણે દાદા પરમને કહી રહ્યાં છે,
આપને તારા અંતરનો એક તાર ,બીજું હું કાંઈ ન માંગું ,
સૂણજે આટલો આર્દ તણો પોકાર ,બીજું હું કાંઈ ન માંગું.
આમ કહી પરમનો સ્વીકાર કરતાં કહે છે ,મને ખબર નથી મારું આ જીર્ણ શરીર રૂપી ઘર કેવીરીતે ચાલ્યા કર્યું? શેઠની હવેલી ખૂબ મોટી હોય પણ તેમાં શેઠનાં નિમાએલ માણસોનાં વહીવટતંત્રથી જેમ મોટી હવેલીનો વ્યવહાર ચાલી જાય તેમ અનેક યંત્રો સમ અવયવોથી બનેલ આપણું શરીર પરમની અસીમ કૃપા અને તેની અગોચર ગોઠવણ થકી જન્મથી જીર્ણ જાય ત્યાં સુધી ચાલ્યા કરે છે.
આમ દાદા તેમના આ કાવ્યગીતમાં જીવનનાં વિષાદની ફરિયાદથી પ્રેમ અને પરમની અનુભૂતિનાં આનંદ અને અસીમની અકળ હાજરીનાં સાક્ષાત્કારનાં આનંદની વાત કરે છે.
જિગીષા દિલીપ
૩૧મી ઓગસ્ટ ૨૦૨૨
Sent from my iPad