બેઠક – ‘वाचिकं सर्व वाङ्ग्मयम्’-“પ્રકૃતિના પગલે” પ્રકરણ 1 -કુમુદબેન પરીખ

મિત્રો આજે પ્રસ્તુત છે ‘वाचिकं सर्व वाङ्ग्मयम्’માં  ઇન્ડો અમેરિકન જીવન ઉપર આધારિત વાર્કતાઓનો સંગ્રહ “પ્રકૃતિના પગલે”પ્રકરણ -૧ 

લેખિકા -કુમુદબેન પરીખ  અને રજૂઆત -વાગ્મી કચ્છી

પ્રકરણ – 3 હોપસ્કોપ – મૌલિક નાગર

રાતના 11 વાગ્યા છે.
લાલ રંગની લાઈટના ઝગારા મારતી એમ્બ્યુલન્સ પૂર ઝડપે અમદાવાદની કોર્પોરેટ હોસ્પિટલના દરવાજે આવી ચડી.
સાથે સાથ, લક્સરી ગાડીમાંથી કોકિલાબેન પણ ત્યાં આવી પહોંચે છે.

Emergency વોર્ડના કોરીડોરમાં CPR (Cardiopulmonary Resuscitation) આપતા જુનિયર ડૉકટરના મનમાં અનેક સંભાવનાઓ સ્ફુરે છે, Emergency નિષ્ણાત ડૉ અંકિતા ત્યાં આવી પહોંચે છે. પેશન્ટની કંડિશન જોતા તેમને લાગે છે કે આ LOCKED IN કંડીશનના કારણે આમને હલનચલન નથી. ક્યાં તો આને બ્રેઈન હેમરેજ છે, ક્યાં તો બ્લડ ક્લોટ થયું છે. ડૉકટર અંકિતા જરૂરી ટેસ્ટ્સની સાથે MRI કરવાનો આગ્રહ રાખે છે.

દીપેન પણ કોઈ ઊંડા વિચારમાં ગરકાવ થઇને વેઇટિંગ રૂમમાં ડૉક્ટર કંઈક ચોખવટ કરે એની રાહ જોવે છે. બીજી બાજુ રોઈ રોઈને બેબાકળી બનેલી કોકિલા હાલમાં જ ડાઇ કરાવેલ માથામાં હાથ ખોસીને 12 કલાક પહેલાની સ્મૃતિમાં સરી પડે છે.

‘આશા ઓ આશા, ક્યાં જતી રહે છે આ બાઈ’, કોકિલાબેન સોનેરી પાલવ સરખો કરતા કરતા બબડતા નીચેના ડ્રોઈંગ રૂમમાં આવ્યા.
‘બોલો બા’, આસોપાલવનું તોરણ લગાડવા ટેબલ પર ચઢેલ આશા એ પૂછ્યું.
‘અરે, ભાઈ’સાબ, તું પણ ગાંડી જ છે ને, આ પ્રસંગના સમયે ક્યાંક પગ ભાંગી બેસીસ. કોકિલાબેન પાછા બબડ્યા’, ‘આ કામવાળા પણ છે ને…!!’
‘બા, ડેકોરેશનવાળા ભાઈને ત્યાંથી મંડપ બાંધવા આવ્યા છે’, પરેશે ટ્રાન્સપોર્ટ રીક્ષા તરફ ઈશારો કરતા કહ્યું.
‘પાછળ મહારાજને પણ પુછી લે જે જો એમને કોઈ ચંદરવો બંધાવવો હોય તો અને હા, બધાને ચાનું પણ પૂછતો રહેજે, મહારાજને કહી દીધેલું છે કે ચાનું એક તપેલું તો ચઢાઈને જ રાખજો.
એકના એક દીકરા નિરવનાં લગ્નનો થાક કોકિલાબેનના હરખની પાછળ સંતાઈ જતો હતો.

‘અરે દીપેન તમે ક્યારે આવ્યા?’ સલવાર કમીઝમાં સજ્જ, રજવાડી મોજડી ઉતારતા નિરવનાં પપ્પાને સહજ જ પ્રશ્ન પુછાઈ ગયો.
‘બસ, મેં અને નિરવે જ્વેલેરને ત્યાંથી એની ગળાની ચેન કલેક્ટ કરી અને એને હું સલૂનમાં મૂકીને આવ્યો. એને સલૂનમાં 3-4 કલાક થશે.’
‘લો, તો તમારે પણ થોડી ટ્રીટમેન્ટ કરાવી જ લેવી હતી ને, નિરવને ક્યાં એકલો મુક્યો.’ કોકિલાબેને થોડી ચિંતા વ્યક્ત કરતા કહ્યું.

‘બસ હવે આ પ્રસંગ પતે પછી આપણે શિરડી જઈ આપણી બાધા પુરી કરી આવીએ અને પછી રિદ્ધિ પાસે 2-3 મહિના અમેરિકા રહી આવીએ.’ હાયપર એક્ટિવ કોકિલાબેનના અવાજમાં આજે હાશકારો હતો.
‘મેંગ્લોરમાં એન્જીનીરીંગ, માસ્ટર્સ અમેરિકામાં અને એનું સ્કૂલિંગ પણ આપણે હોસ્ટેલમાં કરાવ્યુ’…દીપેનનુ વાક્ય પૂરું થાય એ પેહલા જ કોકિલાબેન વચ્ચે કૂદી પડ્યા, હાસ્તો એ નિર્ણય બધા તમારા જ હતા ને, આ મા ને તો ક્યાં કંઈ પૂછ્યું જ છે.
‘હવે ભરપૂર રહેજે નિરવ સાથે..હવે તો એ અને માનસી આપણી સાથે જ છે ને કાયમ માટે!!’ દિપેને આશ્વાસન આપતા કહ્યું.


—————————————————

56 Hours to Go Nirav 🙂 નિરવનાં iphoneમાં માનસીનો મેસેજ રણક્યો.
નિરવે ફોન ઉપાડ્યો અને રિપ્લાય કર્યો, ‘I can’t wait too Darling, TTYL I am in saloon’..
અરીસામાં સલૂનવાળાભાઈ અને નિરવ એક બીજાની સામે હસ્યા અને નિરવે હેડ મસાજ માટેનો ઈશારો કર્યો.
પેલા ભાઈ તો તેલની બાટલી લઇને મંડી જ પડ્યા. માથે, કપાળે, બોચીએ બધી લાગ્યા એ દે ધના-ધન જાણે દિયર બુશટ મારે એમ.

—————————————————


‘Mr. દીપેન…., Mr. દીપેન…. તમને પેશન્ટની હિસ્ટરી આપવા માટે ડૉક્ટર અર્જન્ટ બોલાવે છે.’
‘Yes મેડમ’, આંખો ચોળીને ચૂંથાઈ ગયેલા ચક્મકીત કપડામાં દીપેન ઇમર્જન્સી ડિપાર્ટમેન્ટમાં રાખેલ નિરવની પડખે ઊભેલા ડૉ. અંકિતા પાસે પહોંચે છે.

‘બે ત્રણ દિવસ પહેલા નિરવ માથું દુખે છે અને ચક્કર આવે છે એવી ફરિયાદ તો કરતો હતો, પહેલા તો અમને લાગ્યું કે એને સામાન્ય થાકનો દુખાવો હશે અને અમારા ફેમિલી ડોકટરે એને Stress Induce કહીને Pain Killer આપી હતી, અચાનક આજે સાંજે એની ફરિયાદ વધી ગઈ એટલે હું એને નવરંગપુરામાં આવેલ અમારા ફેમિલી ડૉક્ટર પ્રભુના ક્લીનીક પર લઇ ગયો, એમના ક્લીનીકના દાદરા ઉપર જ નિરવ ફસડાઈ પડ્યો અને બેભાન થઇ ગયો. ડૉક્ટર પ્રભુ તુરંત જ બહાર આવ્યા અને એમણે કહ્યું કે આને કોઈ મોટા સેંટર પર લઇ જવો પડશે અને તેમણે 108ને ફોન કરીને બોલાવી. મને ફર્સ્ટ એઇડની જાણકારી હોવાથી હું નિરવને સતત CPR આપતો અહીંયા લઈને આવ્યો.’

‘નિરવને કોઈ ખેંચ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ કે એવી કોઈ બીમારી છે?’ ડૉક્ટર અંકિતાએ વધુ ઇન્વેસ્ટીગેશન કરતા પૂછ્યું.

‘ના મેડમ ક્યારેય નહીં, બસ જે દિવસથી એ સલૂનમાં જઈને આવેલો ત્યારથી માથું દુખવાની ફરિયાદ કરે છે.’

શરીરના એક પણ અંગમાં હલનચલન ન હતું. થોડી ઝીણી આંખો કરતા ડૉક્ટર અંકિતાની નજર વેન્ટિલેટર પર બેભાન માની લીધેલ નિરવની પાંપણો પર પડી, બંધ પાંપણની પાછળ કીકીઓ ડાબી જમણી થતી હતી.

‘તમે મને સાંભળી શકો છો Mr. નિરવ, જો તમે મને સાંભળી શકતા હોવ તો બે વખત આંખ પટપટાવો.’ ડૉ અંકિતાએ વાંકા વળી નિરવનાં કાનમાં કહ્યું.
નિરવે પ્રતિસાદ આપવાનો પ્રયત્ન કર્યો પણ ડૉક્ટર અંકિતાની આ તરકીબ કારગર ન નીવડી. પણ નિરવે આંખ ઉઘાડીને પોતે Conscious હોવાનો પુરાવો તો આપી જ દીધો.
‘કંઈ વાંધો નહીં નિરવભાઈ, હું જે સવાલો પૂછું એનો મને ‘હા’ અને ‘ના’ માં જવાબ આપજો, ‘હા’ હોય તો તમારી બંને કીકીઓ જમણી બાજુ અને ‘ના’ હોય તો બંને કીકીઓ ડાબી બાજુ લઇ જજો.’

નિરવની લગભગ બધી જ હિસ્ટરી ડૉ અંકિતાએ આ અનોખી યુક્તિથી મેળવી અને અનેક સવાલો-જવાબોના તારણ સાથે ડૉ અંકિતાનું મેડિકલ ઇન્વેસ્ટીગેશન એ જ દિશામાં જતું હતું કે સલૂનમાં માલિશ કરવાના કારણે મગજમાં સંદેશા પહોંચાડતી એક ધમની ડેમેજ થઇ હશે.
‘You are Right ડૉ અંકિતા!’ Radiology ડીપાર્ટમેન્ટથી દોડીને આવતા ડૉ અર્પણે કહ્યું, ‘MRIનો રિપોર્ટ આવી ગયો છે, વર્ટેબ્રલ આર્ટરી ડેમેજ થવાના કારણે બ્રેન સ્ટેમ સ્ટ્રોક થયો છે.’
આ સંવાદથી ખુબ જ ડરી ગયેલ દીપેનભાઈથી કહેવાઈ ગયું, ‘મેડમ, Now only 12 hours to go for his wedding!’

નિરવની પરિસ્થિતિનું નિદાન થવાનો ડૉ અંકિતમાં હજુ તો થોડોક હાશકારો થયો હતો અને દીપેનભાઈના આ વાક્યના કારણે ડૉ અંકિતાની સ્થિર આંખોમાં એક પ્રશ્ન ઉદ્ભવ્યો કે ‘શું દિપેનભાઈ અને કોકિલાબેન આ આઘાત સહન કરી શકશે કે હવે માત્ર નિરવની આંખો જ એનું આખું શરીર છે!!!’


મૌલિક ‘વિચાર’

સ્પંદન – ૩ …..રીટા જાનીલહેરાયો તિરંગો, એ વતન!
ગર્વથી જેનું કર્યું છે જતન
વીરોએ સર પર બાંધી કફન
લીલી છે ધરા ને કેસરી  ગગન
શાંત ને ખુશહાલ છે ચમન
દેશપ્રેમની લાગી છે લગન.

26 જાન્યુઆરી … ગણતંત્ર દિન…
આંખોમાં છે દેશપ્રેમની ચમક…દ્રષ્ટિપટલ પર ઉભરાય છે દિલ્હીની પરેડ…સેનાની ટુકડીઓની સલામી…ઉત્સાહ અને આનંદ.. મુક્ત હવામાં લહેરાતો તિરંગો જોઈને એ નામી અનામી વીરોની યાદમાં શીશ ઝૂકી જાય છે, જેમણે વતનના ચરણે મુક્તિનો ગુલદસ્તો ધરવા પોતે જખ્મો ને કાંટાનો તાજ વહોરી લીધો. વાતાવરણમાં ગુંજે છે… એક નારો… જયહિન્દ. ત્યાં હાજર દરેકે દરેક વ્યક્તિ દેશભક્તિનું સ્પંદન અનુભવે છે. જયહિન્દ..આ એ નારો છે જે ક્યારેક દેશભક્તિથી છલકાતા સુભાષચંદ્ર બોઝ પાસેથી દેશપ્રેમીઓએ ઝીલી લીધેલો અને આઝાદ હિન્દ ફૌજની વીર ગાથાઓ રચાયેલી…આ એ નારો છે જે માઈનસ 52 ડિગ્રી સેલ્સિયસની ઠંડી વચ્ચે પણ સિયાચીનમાં ભારતીય સેનાના જોશમાં પ્રેરણા અને દેશપ્રેમની ઉષ્મા બને છે…આ એ નારો છે, જે લડાખ હોય કે અરુણાચલ કે પછી રાજસ્થાનનું રણ… જય હિન્દ છે ભારતીય સેનાનો રણટંકાર…હર ભારતીય દિલના દેશપ્રેમનો રણકાર .

દેશ…દેશપ્રેમ.. જે છે દરેક ભારતીય દિલનું સ્પંદન. દેશપ્રેમ એ ભારતની માટીની પહેચાન છે. દેશપ્રેમના મહાસાગરના મોજાં અવિરત આવતાં રહે છે અને ભારતમાતાનો ચરણસ્પર્શ કરે છે. દરેક સદીઓની તવારીખમાં દેશપ્રેમની ગાથાઓ ઉભરે છે…મહાનાયક એક નથી, અનેક છે…બલિદાન એક નથી, અનેક છે…દેશની ધરતી દેશભક્ત વીરોના રક્તથી લાલ બને છે, આંખોમાં ઉભરે છે વીરતાનો કેસરી રંગ. વીરતાની ગાથાઓ ઉભરી છે અને ઉભરતી રહી છે.

પ્રજાસત્તાક ભારતની પ્રજા બેજવાબદાર બની, પોતાની ફરજ ભૂલી ફક્ત હક પર ધ્યાન કેન્દ્રિત કરે તો એ દુઃખની વાત છે. લાગે છે કે આપણે દેશપ્રેમને નાનકડી ફ્રેમમાં કેદ કરી દીધો છે. ક્યારેક ધૈર્ય, વિવેક,સેવા અને રાષ્ટ્ર પ્રત્યેના કર્તવ્યને પ્રાધાન્ય આપવાના બદલે અંગત હિતને પ્રાધાન્ય અપાય છે. ત્યારે પ્રત્યેક નાગરિક જવાબદાર બને એ માટે આ મુક્ત હવામાં જન્મેલા ને સ્વતંત્રતાના મીઠા ફળ માણતી આજની પેઢીને એ જાણવાની જરૂર છે કે તેઓ આ મીઠા ફળ માણે એ માટે પાયામાં કેટલાં બલિદાન પડ્યા છે.

આજે આવી એક કથાની વાત કરવી છે…1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામમાં વીર બાબુ કુંવરસિંહની અંગ્રેજો સામેની લડાઈ અને બહાદુરીની વાત. મોતને મુઠ્ઠીમાં લઇને જે ફરે છે, તેવા જવાંમર્દની આજે વાત કરવી છે. જીવનનો પૈગામ છે – જવાંમર્દી અને વીરતા.

1857…પ્રથમ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ…અંગ્રેજ સત્તા સામે દેશભક્તિનો રંગ… સ્થળ છે બિહારનું જગદીશપુર. …વીર કુંવર સિંહ… ઉંમર વર્ષ 80… દેશભક્ત કુંવરસિંહના હૈયામાં દેશભક્તિની જ્વાળા છે. તેમનું ધ્યેય છે અંગ્રેજ સૈન્ય અને સત્તાને પરાસ્ત કરવાનું. આ યુદ્ધકુશળ દેશભક્ત ક્યારેક બિહાર તો ક્યારેક ઉત્તરપ્રદેશમાં દેશભક્તોને સંગઠિત કરતો લડતો રહે છે. દર વખતે જુદી જુદી રણનીતિ અપનાવી અંગ્રેજ ટુકડીઓને સાત સાત વાર હરાવે છે….80 વર્ષીય યુવાન (આને વૃદ્ધ નહી કહી શકાય) ઉંમરે પણ યુદ્ધકળા, નેતૃત્વ શક્તિ અને સંગઠન શક્તિથી છલકાતા આ વીરના યુદ્ધ કાફલા પર 22 એપ્રિલ 1858ના દિવસે જ્યારે તે સૈનિકો સાથે ગંગા પાર કરી જગદીશપુર આવતો હોય છે ત્યારે અંગ્રેજ સેના અંધારામાં હુમલો કરે છે. વીર કુંવરસિંહ મુકાબલો કરે છે પણ જમણા હાથના કાંડામાં વાગે છે ગોળી. કુંવરસિંહ પાસે છે નિશ્ચયનું બળ ..પોતાનામાં શ્રધ્ધા….પરિસ્થિતિને પરાજિત કરવાની તાકાત…માન્યતામાં અડીખમ…હૈયે હામ છે અને મનમાં છે દ્રઢ નિર્ધાર. બીજા હાથે તલવારથી પોતાનો હાથ કાપીને માતા ગંગાને કહે છે…હે માતા ગંગા, લે મારું આ સમર્પણ…હાથ પ્રવાહિત થાય છે અને આ ઘાયલ વીર દેશભક્ત વીરો સાથે જગદીશપુર પહોંચે છે. અંગ્રેજોને હરાવી જગદીશપુર મુક્ત કરે છે અને ઉગે છે 26 એપ્રિલની સવાર. ઘાયલ વીર કુંવરસિંહ પ્રાણ ત્યજી દે છે પણ રચાય છે અદભુત વીરગાથા – બેમિસાલ શૌર્ય અને સમર્પણની. સાગરની ગંભીરતા ને પર્વતની દૃઢતા સાથે જીવનનું પ્રયોજન સિદ્ધ કરીને જંપવાના સંકલ્પ સાથે જીવનને સાર્થક કર્યું. વીર કુંવરસિંહ અમર થઈ જાય છે…


 ભારત દેશ … માટીનો કણ કણ અને ઇતિહાસની ક્ષણ ક્ષણ ભરેલો છે…શૌર્ય , સમર્પણ અને બલિદાનોથી…હિંમત પ્રત્યેક ધબકારમાં છે… અહી ભૂતકાળ અને ભવિષ્યની આંખો મળે છે તો પ્રગટે છે હિંમતનો ધબકાર. આ એ ધબકાર છે જે પ્રત્યેક દેશવાસીના હૈયે ધબકે છે…આ એ શૌર્ય, આત્મવિશ્વાસ અને હિંમત છે, જે પ્રત્યેક બાળકની આંખમાં છલકે છે. આ પોતાનું એ પ્રતિબિંબ છે, જે રાજા દુષ્યંત રાજકુમાર ભરતની આંખોમાં નિહાળે છે. બાળક રાજકુમાર ભરત, સિંહને કહે છે -” મોઢું ખોલ હે સિંહ, મારે તારા દાંત ગણવા છે.”
આ વીરતા, હિંમત અને આત્મવિશ્વાસ જ્યારે દરેક ભારતીય બાળકની આંખમાં અનુભવાય છે…આંખોમાં આત્મસાત થાય છે… મનમાં ઉભરે છે તિરંગો અને પોકાર ઊઠે છે… “જય હિન્દ.”

રીટા જાની

૩. “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” – અલ્પા શાહ

વૈશ્વિક કવિતાના ભાવવિશ્વમાં એક સફર

જખોન પોડબે ના મોર પાયરે ચિહ્નો એઈ બાટે…  – વિશ્વકવિ રવિન્દ્રનાથ ટાગોર

નમસ્કાર મિત્રો,

“જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” લેખમાળા અંતર્ગત આજે આપણે “જીવનચક્ર” સબંધિત એક સુપ્રસિદ્ધ અને હૃદયસ્પર્શી બંગાળી કવિતાનો રસાસ્વાદ અને ભાવાનુવાદ માણીશું. મૃત્ય અને મૃત્યુ બાદની સફરની ખુબ સમીપેથી દર્શન કરાવતી આ પ્રસિદ્ધ કવિતાના રચયિતા છે  વિશ્વકવિ (Poet Laureate of the World) રવિન્દ્રનાથ ટાગોર. અને તેના મુખડાના શબ્દો છે ” જખોન પોડબે ના મોર પાયરે ચિહ્નો એઈ બાટે “. અર્થાત જયારે છાપ મારા પગલાંની જાય ભૂંસાઈ….  આ ગૂઢ અર્થ ધરાવતી કવિતાનો મેં મારી સમાજ પ્રમાણે પદ્ય ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે જે હું અત્રે રજુ કરું છું.. જો કે ભાવાનુવાદ માં જો ભાવનું નિરૂપણ યોગ્ય રીતે ના થયું હોય તો ક્ષમા ચાહું છું.

જયારે છાપ મારા પગલાંની જાય ભૂંસાઈ…

જયારે
ભૂંસાઈ જાય મારા પગલાંઓની છાપ,
ચૂકવાઈ જાય મારા લેણદેણના હિસાબ,
પ્રસરી જાય આસપાસ નિઃશબ્દતા અગાધ,
ત્યારે તારલિયાની સાખે, કોઈ કરશો ના મને યાદ, દેશો ના મને સાદ
જયારે
સૂના પડી જાય મારી વહાલી વીણા કેરા તાર,
જંગલી વેલથી ઉભરાઈ જાય મારી ઘરદીવાલ,
શેવાળના ઝુંડે ઢંકાઈ જાય મારો પુકુરકિનાર,
ત્યારે તારલિયાની સાખે, કોઈ કરશો ના મને યાદ, દેશો ના મને સાદ

અકબંધ રહેવાની છે પેલી બંસીની સૂરીલી તાન,
એક પછી એક દિવસો વીતતા જવાના છે આમ,
યથાવત ચાલતું જ રહેવાનું છે આ જગત તમામ,
ત્યારે તારલિયાની સાખે, કોઈ કરશો ના મને યાદ, દેશો ના મને સાદ

એક નવા દિવસે અને નવા રૂપે, મારી હસ્તી પરખાશે
એક નવા નામે અને નવા આલિંગને મારી હાજરી વર્તાશે
અને આમ
મારો(આત્માનો) આવનજાવનનો ફેરો ચાલ્યા જ કરશે.

શ્રી રવિન્દ્રનાથ ટાગોર કે જે ગુરુદેવના હુલામણા નામથી પ્રખ્યાત છે તેમને કોઈ ઔપચારિક પરિચયની તો ક્યાં જરૂર જ છે! તેઓ ૧૯૧૩ માં સાહિત્યનું નોબેલ પારિતોષિક ધરાવનાર પ્રથમ  non-European હતા. સંગીત, ચિત્રકલા, નાટ્યકાર,લેખક અને કાવ્ય ક્ષેત્રે પોતાનું સર્વ જીવન સમર્પિત કરનાર ગુરુદેવ હંમેશા કહેતા કે আমি কবি  (aami kavi) અર્થાત હું એક કવિ છું. ગુરુદેવે પોતાની કવિતાઓ દ્વારા માનવના મન અને હૃદયની સ્થૂળથી સૂક્ષ્મ એવી એકેએક સંવેદના અને ભાવને આવરી લીધા  છે. તેઓની કવિતાઓમાં ભાવનાઓનું જે ઊંડાણ જોવા મળે છે અને તે સામાન્ય માણસ થી માપી શકાય તેમ નથી તેથીજ તેઓની કવિતાઓનો તાદ્રશ ભાવ સમજવો લગભગ અશક્ય છે. ગુરુદેવની મૂળ બંગાળી રચનાઓનું ભાષાંતર તો જોવા મળે છે પણ ભાવાનુવાદ જવલ્લેજ જોવા મળે છે.

જિંદગીના સાશ્વત સત્ય એવા મૃત્યુ જેવા વિષય પર ગુરુદેવે ખુબ સંવેદનાસભર કાવ્યોની રચના કરેલી છે. જીવનના પૂર્વાર્ધમાં ગુરુદેવે પોતાના ચાર અંગત આપ્તજનોને ખુબ ટૂંકા સમયગાળામાં ગુમાવ્યા હતા અને આમ મૃત્યુને તેમણે ખુબ નિકટતા થી નિહાળ્યું હતું. જીવનના ઉત્તરાર્ધમાં જયારે તેઓ ગંભીર માંદગીમાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે તેમણે જન્મ, મૃત્યુ અને પુન:જન્મ વિષે અઢાર કવિતાઓ લખી અને આ કાવ્યસંગ્રહ  “પ્રાંતિક” નામે પ્રગટ કર્યો.ગુરુદેવે આ કવિતાઓમાં મૃત્યુને ખુબ સાહજિક રીતે સ્વીકારી લીધું છે. જોકે આજની અત્રે રજુ કરેલી કવિતા “પ્રાંતિક” કાવ્યસંગ્રહમાં ની એક નથી પણ ૧૯૧૬માં રચાયેલી આ કવિતા તેમની મૃત્યુ વિષયને કેન્દ્રમાં રાખીને લખેલી કવિતાઓમાં સર્વશ્રેષ્ઠ ગણાય છે. આ કાવ્યનું સ્વરાંકન પણ ગુરુદેવે પોતેજ કરેલું છે અને આ કાવ્ય ગીત તરીકે અનેક બંગાળી ફિલ્મોમાં ઉપયોગમાં લેવાયું છે.આ કવિતાનું મૂળ બંગાળી શબ્દાંકન અને અંગ્રેજીમાં ભાષાંતર તમે આ લિંક પર જોઈ શકશો. http://gitabitan-en.blogspot.com/2010/08/

કવિતાની શરૂઆતમાં કવિ મૃત્યુને સ્વાભાવિક રીતે રજુ કરતા અનુરોધ કરે છે કે જયારે મારા લૌકિક અસ્તિતવનો અંત આવે ત્યારે તમે સૌ સહજતાપૂર્વક તેનો સ્વીકાર કરીને મને આ લૌકિક સબન્ધોમાંથી મુક્ત કરજો.અત્રે કવિ મૃત્યનું આગમન થશે ત્યારે જીવનકાળ દરમિયાનના સર્વે દુન્યવી હિસાબ-કિતાબ અને લેણદેણનો અંત આવશે અને જીવનકાળ દરમિયાનની આપણી સર્વ મૂડી અને પ્રિય જણસો સુની પડી જશે તે નિર્વિવાદ સત્યને રજુ કરે છે. આગળ વધતા કવિ અત્રે આ અવિરત પણે ચાલતા જીવનચક્રનો ઉલ્લેખ કરતા કહે છે કે મારા અંતિમ લક્ષ ભણીના  પ્રયાણ પછી પણ આ વિશ્વની ગતિમાં રત્તી ભરનો ફરક નહિ પડે અને જીવનચક્ર ચાલ્યાજ કરશે. અને છેલ્લે ગુરુદેવ આ અવિનાશી આત્માના કાયમી અસ્તિત્વનું પ્રમાણ આપતા કહે છે કે મારા આ દેહનો અંત આવશે પણ તમે મારી હાજરીને, મારી હસ્તીને એક નવાજ રૂપે એક નવાજ સ્વરૂપે અનુભવી શકશો…આ ગૂઢ અર્થ ધરાવતી કવિતાનો મેં પદ્ય ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. જો કે ભાવાનુવાદ માં જો ભાવનું નિરૂપણ યોગ્ય રીતે ના થયું હોય તો ક્ષમા ચાહું છું.

            કાવ્ય હું જયારે જયારે વાંચુ ત્યારે મને હંમેશા એક સવાલ થાયમૃત્યુ એટલે શું પૂર્ણવિરામ કે પછી અલ્પવિરામ? શ્રીમદ ભગવદ ગીતામાં કહ્યું છે કે 

वासांसि जीर्णानि यथा विहाय
नवानि गृह्णाति नरोऽपराणि |
तथा शरीराणि विहाय जीर्णा
न्यन्यानि संयाति नवानि देही ||

અર્થાત,મૃત્યુ સમયે અમર અવિનાશી આત્મા માત્ર કલેવર એટલે કે દેહ બદલે છે અને નવા દેહ થકી જન્મ લે છે. આપણે જન્મમાં જે દેહ લઈને અવતર્યા છે તે આપણો પહેલો જન્મ નથી અને છેલ્લો પણ નથી.અવિનાશી આત્માનું એક દેહમાંથી બીજા દેહમાં અવતરણનું ચક્ર તો ચાલ્યા કરે છે.જન્મ દરમિયાન આપણે કરેલા કર્મફળ દ્વારા આપણે આપણા આત્માની ઉર્ધ્વગતિ અથવા અધોગતિ થાય છે અને પ્રમાણે દેહના મૃત્યુ પછી આપણા આત્માની ગતિ થાય છે અને આત્માનો અવિનાશી ફેરો ચાલ્યા કરે છે. ગુરુદેવે કાવ્ય દ્વારા એવોજ કઈંક ભાવ પ્રગટ કર્યો છે. એટલે કદાચ ગુરુદેવે કહ્યું છે કે

“Death is not extinguishing the light; it is only putting out the lamp because the dawn has come.” – Rabindranath Tagore 

તો ચાલો, આજે આજ કાવ્યનું ખુબ સુંદર અને ભાવવાહી બંગાળી ગીત જયંતી ચક્રવર્તીના સુમધુર અવાજમાં  સાંભળતા સાંભળતા છુટ્ટા પડીએ. ફરી મળીશું આવતા ગુરુવારે એક બીજા આવા જ એક સુંદર કાવ્ય સાથે. ત્યાં સુધી મારી કલમને વિરામ આપું છું. તમારા માર્ગદર્શન અને અભિપ્રાયો ની અપેક્ષા સાથે….

અલ્પા શાહ

૨-અજ્ઞાતવાસ-જિગીષા દિલીપ

મારો રેસકોર્સ પ્રવેશ
એ સમય હતો ૧૯૭૩નો,મેં S.S.C.મેટ્રીકની પરિક્ષા આપી હતી. મેટ્રીકની પરિક્ષા પછીનું લાંબું ત્રણ મહિનાનું વેકેશન હતું.હું શરીરે સાવ દૂબળો અને કમર પતલી છોકરી જેવી ,ઊંચાઈ ૫.૧૦“ઈંચ ,અને ખાવામાં સાવ નબળો અને રુખીબાએ બગાડેલો.હું ખૂબ પાતળો હતો ,એટલે મારું શરીર સોષ્ઠવ જરા મજબૂત થાય માટે ગ્રાન્ટ રોડ પર આવેલ ,ઈરાનીનાં જીમમાં વહેલી સવારે મને કસરત કરવા મોકલવાનું મમ્મી-પપ્પાએ નક્કી કર્યુ. હું મમ્મીને બહેન કહેતો હતો.બહેને કીધું ,’નકુલ કાલે સવારે તારે પાંચ વાગે ઈરાનીને ત્યાં જીમમાં પહોંચી જવાનું છે.હું તને ૪.૩૦ વાગે ઉઠાડી દઈશ.મેં મિસ્ટર હિંદ ,જીમનાં માલિક સાથે વાત કરી લીધી છે.’બહેનની ઇચ્છાથી મેં પરાણે જીમમાં જવાનું ચાલુ કર્યું.
સ્વભાવે આળસુ મને મિસ્ટર હિંદનાં જીમમાં જરાપણ મઝા ન આવે.ઈરાનીને ત્યાં જીમમાં ચાર પાંચ કૂતરા અને પાંચ છ પાળેલી બિલાડીઓ હતી.તેની પી અને છી ની વાસ મારાં નાકમાં ભરાઈ જતી.મિસ્ટર હિંદ ,અખાડાનાં માલિક,શરીરે દારાસિંગ જેવા અને ૭૦ થી ૮૦ કીલો વજન રમત રમતમાં ઉપાડી કસરત કરતા. હું પાંચ,દસ કિલો વજન પણ માંડ માંડ ઊંચકી શકતો.મારી સાથે કસરત કરતાં છ સાત રુષ્ટપુષ્ટ કસાયેલા શરીરવાળા ઈરાની છોકરાઓ મને જોઈને મારી ઠઠ્ઠા મશ્કરી કરતા. મિ.હિન્દ મને કહેતા ”દીકરા,તારું કંઈ નહીં થાય! ચીકન ખા,અંડા ખા,મટન ખા ,યે દાલભાત સે તેરા કુછ નહીં હોનેવાલા સમઝા.” જે મને ગમતું નહી.મને કસરતમાં જરાય રસ પડતો નહીં ,એમાં વહેલી સવારે બસ મળતી નહીં અને ચાલીને જવું પડતું તે વધારાનું.મેં બહેનને ના પાડી કે મને જીમમાં મઝા નથી આવતી ,પણ બહેને મારું કંઈ સાંભળ્યું નહીં અને કીધું “કસરત તો શરીર બનાવવા કરવી જ પડશે.”
હું રોજ મારાં સૂરજ -કિરણ એપાર્ટમેન્ટ બ્રીચકેન્ડીથી નીકળી તારદેવ થઈ હાજીઅલી ચાલતો વહેલી સવારે નીકળતો, ત્યારે ભાયખલ્લાનાં તબેલામાં રહેતાં ઘોડા સવારે લાઈન સર તારદેવ થઈને જ હાજી અલી થઈ રેસકોર્સ ચાલતા જતાં.એ જમાનામાં રેસકોર્સ પર તબેલા હતાં નહીં.એટલે રેસનાં ઘોડાનાં તબેલા ભાયખલ્લા રાખવામાં આવતાં. મને રેસ માટે તૈયાર કરેલા રુષ્ટપુષ્ટ, સાફસુથરા, પાણીદાર ઘોડા બહુજ આકર્ષતા.ઘોડા સાથે જાણે મારે જનમ જનમનો નાતો હતો.એક દિવસ જીમ જવાને બદલે હું ઘોડાની પાછળ પાછળ તેમને ફોલો કરતો તેમની સાથે વાતો કરતો તારદેવથી રેસકોર્સ ચાલતો ચાલતો જતો હતો. મને ઘોડાની બોડીલેંગ્વેજ પરથી તેમની બધી વાત સમજાઈ જતી.હું ઘોડા સાથે ચાલતો અને તેને પંપાળી, તેના કાનમાં કંઈ કહેતો. આમ ઘોડા સાથે વાતચીત કરતો જોઈ રસ્તે પસાર થતાં લોકો મારી પર હસતા.
મહાલક્ષ્મી વટાવીને જ્યાં આગળ વધ્યો ,ત્યાં બે છોકરીઓ પોતાના ફ્લેટમાંથી નીકળી.એક જરાક શામળી ,વાંકડીયા વાળ વાળી પણ ચુલબુલી હતી.બીજી ગોરી,લાંબી છોકરી ખૂબ દેખાવડી હતી.તેણે લાંબાં કાળા વાળ પોનીટેઈલની જેમ બાંધેલા હતા,તેણે ટ્રેક સૂટનાં નેવીબ્લુ કલરનાં પેન્ટ પર રેડ અને બ્લુ રંગનું સ્લીવલેસ ટોપ પહેર્યું હતું.વહેલી સવારનાં મેકઅપ વગરનો પણ તેનો ગૌર ચહેરો એકદમ આકર્ષક લાગતો હતો.તેણે મને ઘોડાનાં કાનમાં વાત કરતો જોઈને મારી મશ્કરી કરતાં ,આંખ ઉલાળી ,કોણી મારતા તેની ફ્રેન્ડને કીધું,”જો,પેલો,ભોપો.” અને બંને મારી સામે જોઈને જોરજોરથી હસવા લાગ્યાં..મેં બ્લુ ટ્રેકપેન્ટવાળી છોકરીને ઉપરથી નીચે સુધી કરડાકી ભરી નજરે જોઈ.સહેજ આગળ ચાલીને મેં પાછળ ફરી જોયું અને જ્યાં મારી નજર તેની તરફ ફરી મળી એટલે ફરી તે બોલી,’ભોપો.’હું અંદરથી તો ખૂબ ચિડાયો પણ મારી ઘોડા સાથેની વાતમાં મને વધુ રસ હતો એટલે હું તેના તરફથી નજર ફેરવી ઘોડા સાથે આગળ આગળ ચાલવા લાગ્યો.જો કે મને તેમની હસવાની ખીખયાટી થોડી સંભળાઈ એટલે મેં પાછા વળીને જોયું એટલે ફરી પેલીએ મને ચિડાવતાં કીધું,’ભોપો’. હવે હું નજર ફેરવી સીધે સીધો ચાલવા લાગ્યો.
ઘોડાઓ રેસકોર્સનાં પાછળનાં ગેલોપ રેસ્ટોરન્ટનાં રસ્તે અંદર જવા લાગ્યા.હું તો હજુ તેમની પાછળ પાછળ ચાલતો ચાલતો થોડીથોડી વારે તેમનાં કાનમાં કંઈ કહેતો રહેતો હતો.ઘોડાઓ હવે રેસકોર્સ પહેલા આવતાં નાના ટ્રેકમાં દાખલ થઈ ગયા.આ ઘોડાઓને ટ્રેઈનીંગ આપે તે પહેલાનો વોર્મઅપ કરવાનો ટ્રેક હતો.
હું પણ પાછળ પાછળ અંદર જવા લાગ્યો ત્યાં પઠાણ ચોકીદારે ડંડો અડાડી કહ્યું”અબે એય કીધર જા રહે હો?રુક જા! ઈધર.”હું ત્યાં જ અટકી ગયો.એક મોટા વડનાં ઝાડ નીચે બેઠો.ટ્રેઈનર નાના નાના ઘોડાને જમણી અને ડાબી બાજુ વળવાનું શીખવતા અને રેસ માટે જરુરી ટ્રેનીંગ આપતા હતા.હું એકીટશે ઘોડાઓને જોઈ રહેતો.માલિશ કરેલા, ચળકતી ,તગતગતી કાળી અને બ્રાઉન કલરની ચામડીવાળા અને સરસ રીતે કાપેલી કેશવાળી વાળા ઘોડા શાનદાર લાગતાં હતાં.હું એમને જોતો જ રહેતો.તેમને જોવામાં મારાં એક બે કલાક ક્યાં પસાર થઈ જતાં તેની ખબર જ ન પડતી.છેલ્લો અડધો કલાક હું પણ જાણે ઘોડાઓને કસરત કરતાં જોઈ વોર્મ અપ થઈ જતો અને રેસકોર્સનાં ટ્રેક પર દોડીને રાઉન્ડ મારતો.ટ્રેકસુટ પરસેવાવાળો જોઈને ,બહેન રોજ ખુશ થતી અને રુખીબાને કહેતી ‘ આટલી સરસ હાઈટ છે અને શરીર ભરાશે પછી જો મારો દિકરો કેટલો હેન્ડસમ લાગશે!
રેસટ્રેક પર દોડવાથી મારું શરીર સૌષ્ઠવ પણ સારું થતું જતું હતું.હવે તો આ મારેા રોજનો કાર્યક્રમ થઈ ગયો હતો.તારદેવથી ઘોડાઓની પાછળ પાછળ તેમની સાથે વાતો કરતાં રેસકોર્સ સુધી આવવું અને વડ નીચે બેસીને ઘોડાઓને જોઈ રહેવું,તેમાં મને કોણ જાણે શું યે આનંદ મળતો!!મેં રોજ જીમ જવાના બદલે રેસકોર્સ જવાનું ,મારું જૂઠાણું ચાલુ જ રાખ્યું હતું ,કારણ મને ઘોડાઓને જોવા ,તેમની બોડી લેગ્વેંજ સમજવી -બધાંમાં ખૂબ મઝા પડતી.તેમના ટ્રેઈનર ઘોડા સાથે જે રીતે વાત કરતાં ,તેમજ એક ટ્રેઈનર બીજા ટ્રેઈનર સાથે જે વાત ઘોડા અંગે કરતાં તે હું ધ્યાનથી સાંભળતો.
” આજ અસ્ટેરીયા નહીં જીતેગા,આજ ઉસકા મુડ દેખો!”
“ આજ યે ક્લાસીમેં એનર્જી બહોત દિખતી હૈ દેખો!”
આ બધું મને ઘોડાજ્ઞાનની જાણકારીમાં વધારો કરી રહ્યું હતું.હું ઘોડાઓને વધારે ને વધારે સમજતો થઈ ગયો હતો અને ઘોડાની બોડીલેંગ્વેંજ પણ મને વધુને વધુ સમજાવા લાગી હતી.આમ તો હું બધાંજ ઘોડાને પ્રેમ કરતો પણ એક કાળો ઘોડો મને ખૂબ ગમતો.તેની કાળી ચકચકતી ચામડી અને તેના કપાળમાં મોટો ડાયમન્ડ જેવા આકારનો સફેદ ટીકો હતો.તે મને ખૂબ રૂપાળો અને શાનદાર લાગતો હતો.તેનું નામ તેના માલિકે રીશેલ્યુ રાખેલ,થ્રી મસ્કેટીયર્સમાં ઘોડાનું નામ હતું તે જ.તે રીશેલ્યુ પણ મને ખૂબ પ્રેમ કરતો.મને પાંચ ફૂટ દૂરથી જ જોતાં તેની હણહણાટી ચાલુ થઈ જાય અને મારી નજીક આવે પછી તો ત્યાં જ ઊભો રહી જાય.ખસે જ નહીંને.ઘોડાનાં (Syces )કેરટેકર મારી પર અને રીશેલ્યુ બંને પર ચિડાય.રીશેલ્યુ મારી નજીક આવતાં જ તેના કાન સરવા કરી દેતો અને મને મળવા ઉત્સુક હેાય તેમ પગ પણ ઊંચાનીચા કરતો …
અમારી વચ્ચે ગયા જન્મનો કોઈ તંતું બંધાએલ હશે કે શું?
એક દિવસ રેસકોર્સ પર બહુ મોટી ચહલપહલ ચાલતી હતી.આજે ભારતની મોટી રેસ રમાવાની હતી.
મારો એક ગર્ભશ્રીમંત દોસ્ત નરેન દેસાઈ હતો.તેના પપ્પા રેસકોર્સનાં મેમ્બર હતા. વેકેશનનાં અમારા અંગ્રેજીનાં ક્લાસમાંથી પાછા આવતાં તે દિવસે નરેને મને કીધું, ‘ચાલ આજે મારી ગાડીમાં તને ઘેર ઉતારી દઉં.’અમે બંને ગાડીમાં વાત કરતાં હતા રેસની.નરેને કીધું “આજે હું રેસકોર્સ જવાનો છું.”
મેં કીધું ,’હું તો રોજ જાઉં છું,આજે બહુ મોટી રેસ છે.’મેં નરેનને બધી વાત કરી કે મને ઘોડા બહુ ગમેછે અને મને તેની ભાષા પણ સમજાય છે ,તેની બોડી લેંગવેજને હું બરાબર સમજી શકું છું.નરેન મારો ખાસ મિત્ર હતો.તેણે મને પૂછ્યું “નકુલ,તારે આજની રેસમાં આવવું છે?”
મેં તો ખૂબ ખુશ થઈને હા પાડી.મેં ઘેર જઈ રુખીબાને કીધું ‘ બા મારે આજે મારા મિત્રની ભાઈની લગ્નની પાર્ટીમાં જવાનું છે.મને થોડો નાસ્તો જ આપી દો,મારે જમવું નથી અને બહેનને કહી દેજો કે હું પાર્ટીમાં ગયો છું મને આવતા મોડું થશે.’હું તો રેસકોર્સમાં જવા સુટબુટ ,ટાઈ સાથે પહેરી તૈયાર થઈ ગયો. નરેન અને તેના પપ્પા મને લેવા આવી ગયા.ગાડીનું હોર્ન સાંભળતાં જાણે મારું મન કોઈ અણજાણ ખુશીથી નાચી રહ્યું હતું.અમે ત્રણે જણ રેસકોર્સ પહોંચી ગયા.
ને આમ ….રેસકોર્સ અને …ઘોડા ….મારાં જીવનમાં પ્રવેશ્યાં.
-જિગીષા દિલીપ

મિત્રો આ સાથે નવલકથાની ઓડિયો બુક મૂકી છે માણજો. 

એક સિક્કો – બે બાજુ :2) રામ અને ભરત મિલાપ- by Subhash Bhatt

જેમ એક જ સિક્કાને બે બાજુ હોય છે , તેમ એક જ પ્રસંગ કે પરિસ્થિતિને પણ બે જુદી જુદી રીતે જોનારા બે વર્ગ હોય છે જ . લગભગ બે દાયકા પૂર્વે અમારાં મિત્ર દંપતીને ત્યાં રામ કથાનું આયોજન થયેલ અને પહેલે જ દિવસે પચાસ ટકા વર્ગે મહારાજની વેશભૂષા બાબત નારાજ થયેલ , અમે પચાસ ટકા ભાઈઓ તો કથા , ભોજન અને ભજનથી ખુશ જ હતા , પણ સ્ત્રી વર્ગની બહુ મતિ(?) હોવાથી બીજે દિવસે મહારાજ શુદ્ધ ‘મહારાજ ‘ ના કોસ્ચ્યુમમાં આવેલ : ઝભ્ભો , લેંઘો અને ખભે ખેસ !
રામ વનવાસનો પ્રસંગ સરસ રીતે આલેખ્યો , અને ભરતને પણ મોસાળેથી પાછો બોલાવી લીધો હતો .પણ પ્રશ્ન થયો :
જો ભરત જેવો ભાઈ તો આખી દુનિયામાંયે મળવો દુર્લભ છે તો રામના રાજ્યાભિષેક વખતે એને કેમ ના બોલાવી લીધો ?
આમ જુઓ તો ભરત અને લક્ષમણ બંને રામની નજીક , પણ બંનેનું વ્યક્તિત્વ અલગ અલગ પ્રકારનું હતું .
લક્ષમણનું પાત્ર કાયમ રામ મય ,કોઈ પણ જાતની સ્વની આશા અપેક્ષા વિનાનું , રામ પર જીવન ન્યોચ્છાવર કરી દે તેવું , રામનો પડછાયો હોય તેવું દર્શાવવામાં આવ્યું છે ; જયારે ભરતનું પાત્ર રઘુ વંશને ગૌરવ અપાવવા , રાજ્યના નીતિ નિયમોને આધીન થઈને જીવન જીવવા પ્રેરે એવું છે.
એવા સમજુ ભરતને મોસાળે રહેવા દઈને રાજ્યાભિષેકની તૈયારીઓ થઇ રહી હતી ..
“વાસ્તવ રામાયણ” માં સીધું જ જણાવે છે કે રાજગાદી બાબત કોઈ ઝગડા ના થાય એટલે સમજીને જ ભરતને મોસાળે મોકલેલ !
શું ખરેખર આ વાત સાચી છે ? વાલ્મિકી કે તુલસીદાસ એ વિષે કશું કહેતા નથી !
સિક્કાની બીજી બાજુએ છે ! ચાલો જરા વિચારીએ :
કેકય પ્રદેશ જે પંજાબમાં આવેલ છે જેના ઉપરથી કૈકેયી નામ પડ્યું , જે ભરત – શત્રુઘ્નનું મોસાળ હતું ; ત્યાં આ રાજકુમારો નાના નાની ને મળવા ગયેલ ; છેક ત્યાંથી આ રાજકુમારોને બોલાવવાનું યોગ્ય લાગ્યું હશે નહીં !
આ સમાધાન વર્તી બીજી બાજુ થઇ .
પણ હું તો આ ભરતનાં પાત્ર સાથે ખેંચાઈ રહ્યો છું . એના જીવનમાં બધાંએ જે તે કહ્યા કર્યું છે ! બિચારા ભરતને કોઈ સમજીજ શકતું નહોતું !
ભરતને મોસાળેથી બોલાવવા માણસો જાય છે, પણ શા માટે એને બોલાવ્યો છે તેની એને ખબર નથી . જયારે એ અયોધ્યા આવે છે અને બધાં સમાચાર જાણે છે ત્યારે એ હૈયા વરાળ કાઢતાં કહે છે કે, “ પિતાજીએ રામને ઇક્ષવાકુ વંશનો રાજા ન બનાવ્યા તે સમજુ શકું છું કે એમાં પિતાજીની કોઈ નબળાઈ હશે ; રામને જંગલમાં મોકલ્યા , એ પણ ચાલો સમજી લઈએ કે કાંઈ કારણ હશે , પણ મને – મને રાજગાદીએ બેસાડવા ? મારા માટે ?
શું હું એવી રાજગાદી પર બેસીસ એમ એ માનતા હતા ?”
આ ભરતનાં જીવનની કરુણતા છે !
એક બાજુ ભરત આમ દુઃખ કરતો હતો , પણ દશરથે એના વિષે શું વિચાર્યું હતું ? વાલ્મિકી રામાયણમાં લખ્યું છે :
મૃત્યુ શૈયા પર છેલ્લા શ્વાસ લેતાં દશરથે વિચાર્યું ;
“ ઉન્માદો માતૃ દોષેણ , પિતૃ દોષેણ મૂર્ખતા !… આ ભરત એની મા જેવો ઉન્માદી અને બાપ જેવો મૂર્ખ હશે કે ! ! મારાં મૃત્યુ બાદ મારી અંતિમ ક્રિયા એની પાસે ના કરાવશો સ્વાર્થી પુત્રના હાથે !!!આ છે વિધિની વિચિત્રતા !
માણસો કેટલું ઊંધું અવળું સમજતાં હોય છે !
ભરતનાં હિત માટે માંએ રાજગાદી માંગી !
અને બાપે ભરતને સ્વાર્થી ગણી દિલથી અળગો કર્યો !
પણ કોઈએ ભરત શું માંગે છે , ભરત શું ઈચ્છે છે , ભરતનું શું માનવું છે – એ કોઈએ ના જાણ્યું , ના પૂછ્યું !
હું માનું છું કે આ ભરતની સ્થિતિ દુનિયાના બધાં જ ભરતોની છે ! બધાં જ પુત્રોની છે !
ભરત બીજી માતા કૌશલ્યા પાસે જાય છે .
કૌશલ્યા પણ વાંકુ બોલે છે : ભરત, ઈદમ તે રાજ્ય કામાય, લબ્ધમ રાજયમ અકષ્ટકમ!
લે ભરત ! આ રાજ્ય લે ; તેં જે રાજ્યની આશા રાખી હતીને , લે હવે તને સરળતાથી , કષ્ટ કર્યા વિના મળી ગયું છે !!!
ભરત રડી પડે છે ; માતાને કરગરીને સમજાવે છે કે મારું ગળું કાપી નાંખો , પણ આવાં કડવા વચન ના બોલો !
પણ વાચક મિત્રો ! આ ગેરસમજ , આ અવળી વિચારધારા ત્યાં અટકતી નથી .. બધાં જ એને સત્તા ભૂખ્યો , કપટી , લુચ્ચો ગણે છે !
માત્ર બે જ વ્યક્તિ ભરતને સાચી રીતે સમજી શકી છે !
માત્ર બે !
એનો અર્થ એ થયો કે બધાં પેલા સિક્કાની અવળી બાજુ જ જોતાં હતાં !
આ બે વ્યક્તિઓ છે : ગુરુદેવ વશિષ્ઠ અને મોટા ભાઈ રામ !
વશિષ્ઠે કૈકેયીને કહ્યું હતું કે તું ભારત માટે રાજ્ય માંગવાનું છોડી દે . તું ગમે તે કરીશ પણ ભરત કોઈ પણ સંજોગોમાં અયોધ્યાની ગાદી નહિ જ સ્વીકારે !
ને બીજા છે રામ ; જે ભરતને બરાબર ઓળખે છે !
ભરત રામને મનાવવા જવાની તૈયારી કરે છે; પણ લોકો બીજું જ કાંઈ સમજે છે !
જોકે એમાં બિચારાં લોકોનો કોઈ વાંક નથી . કિષ્કિન્ધામાં રાજગાદી માટે બે ભાઈઓ વાલી અને સુગ્રીવને ઝગડો હતો , અને એ જ રીતે લંકામાં પણ રાવણ અને વિભીષણ બે ભાઈઓ વચ્ચે રાજગાદી માટે ઝગડા થતા હતાં !
એટલે જયારે ભીલ પ્રજાના રાજા ગુહાને ખબર મળે છે કે ભરત મોટી ફોજ લઈને આવી રહ્યો છે ત્યારે એ શંકાથી એની હિલચાલ તપાસે છે .
પછી ભારદ્વાજ મુનિના આશ્રમમાં આવે છે ત્યાં પણ એજ શંકા :
“કપટી, કાયર , કુમતિ , કુજાતી કહીં લોક બેદ બાહેર સબ ભાંતિ”- લોકો બસ એજ શંકાથી એને ખરાબ સમજે છે ! સ્વાર્થી , લાલચુ સમજે છે !
અરે સગો ભાઈ લક્ષમણ પણ દૂરથી આવતા ભરત અને અન્ય પ્રજાજનોને જોઈને શંકા અને ક્રોધ કરે છે ! આમ તો આ ચારે ભાઈઓ એક જ રાજમહેલમાં ઉછર્યા છે , શિક્ષણ પ્રાપ્ત કર્યું છે , અને છતાં લક્ષમણ બોલે છે કે આટલી મોટી સેના, હાથી ઘોડા વગેરે સાથે એ અહીં જંગલમાં કેમ આવ્યો હશે ? નક્કી રામને મારવા જ આવ્યો છે !
અને પછી રામ લક્ષમણને શાંત કરે છે : “ જો ન હોતા જગ જનમ ભરત કો સકલ ધરમ ધૂલ ધરનિ ધરત કો ..” જો ભરત જન્મ્યો ના હોત તો આ ઉમદા વ્યક્તિત્વ વિના ધરતી પર ધૂળવાળી ઝાંખી જ લાગતી હોત .. એમ ભરતની ખુબ પ્રશંશા કરે છે ..
અને પછી બીજી બાજુ ભરતને પણ શંકા થાય છે કે રખેને રામ લક્ષમણ અને સીતા પોતાને તિરસ્કારી દે તો ?
જો કે પછી એ અમર દ્રશ્ય સર્જાય છે : રામ અને ભરતનું મિલન !
એક બીજા માટે ગમેત્યારે , ગમે તે માની લેવું એટલે ગેરસમજ ઉભી થાય ! ખુલ્લું દિલ રાખ્યું હોય તો એ વાત ત્યાં સ્પષ્ટ થઇ જાય , પણ શ્રદ્ધા અને વિશ્વાસ વિના એ બધું નકામું ! અને અહીં આખરે તો એ ગેરસમજ દૂર થાય છે જ ; પણ દરેક વખતે એવું શક્ય નથી .
“ લક્ષ્મણ પહેલેથી જ રામાયણમાં કાચા કાનનો બતાવ્યો છે” ગીતાએ કહ્યું , “ બીજા બધાં ભૂલ કરે , પણ લક્ષમણ પણ ભરતને ઓળખી શક્યો નહીં ? ઇક્ષવાકુ વંશમાં તો સાત સાત પેઢીથી આદર્શ રઘુવંશીઓને દર્શાવ્યા છે , અને છતાંયે એ એવું નકારાત્મક વિચારે ?
રામ જેવી મહાન વ્યક્તિનો પડછયો બનીને રહેતા લક્ષમણને ભરત માટે એવી શંકા થઇ એ જ બતાવે છે કે એ ઉતાવળીયો હતો .” ગીતાએ કહ્યું !
“ એને ઉતાવળીયો કે અધીરિયો ના કહેવાય ;” મેં કહ્યું , “ એને હું અગમચેત્યો, સજાગ , વફાદાર , સમજુ અને શાણો નાનો ભાઈ કહું !” મેં કહ્યું ,” આ બધાં એક વફાદાર અંગ રક્ષકના લક્ષણો છે . જેના ઉપર અતિશય સ્નેહ હોય તેની સલામતી માટે ગમે તેવા વિચારો આવે તેમાં કોઈ વાંધો હું જોતો નથી !” મેં કહ્યું .
સ્વાભાવિક રીતે જ ગીતાને એની જ વાત સાચી લગતી હતી ! પોતાની વાતને વધુ મજબૂત કરવા એણે એમ પણ કહી દીધું ; “ ખરેખર આ રામાયણ ઉભું થયું તેના પાયામાં પણ લક્ષમણ જ હતો !! એક તો પોતાની પત્નીને મૂકીને મોટાભાઈ સાથે જંગલમાં નીકળી પડ્યો , અને સીતાહરણ થયું તેની શરૂઆત પણ લક્ષમણે જ કરી હતી ! શૂર્પણખાનું નાક કાપ્યું ના હોત તો રાવણ વાતમાં આવત જ નહીં !!”
હું એની વાત સાંભળીને સ્તબ્દ્ધ થઇ ગયો ! પણ હું મારી વાતમાં મક્કમ હતો !
તમે જ કહો , તમે શું માનો છો ?

૨-વાર્તા અલકમલકની- રાજુલ કૌશિક

-પૂસ કી રાત- પ્રેમચંદ મુનશી-

પ્રેમચંદ મુનશીજીને સૌ આધુનિક હિંદી વાર્તાના પિતામહ અને નવલકથા સમ્રાટ તરીકે ઓળખે છે એ સૌ જાણીએ છીએ.  એવું કહેવાય છે કે હિંદી સાહિત્યમાં એમનાથી યથાર્થવાદની શરૂઆત થઈ. મુનશીજીના સાહિત્યમાં દલિત તેમજ નારી સાહિત્યનું પ્રાધાન્ય જોવા મળતું. લમહી જેવા નાનકડા ગામમાં જન્મેલા મુનશીજીનું જીવન સંઘર્ષમાં પસાર થયું હતું અને કદાચ એટલે જ એમની વાર્તાઓમાં જીવનને ઘસાઈને વહી જતા સંઘર્ષની છાયા દેખાય છે.

આજની વાર્તા ‘પૂસ કી રાત’માં આવા સંઘર્ષમય જીવન જીવતા, ત્રણ સાંધતા તેર તૂટે એવા દલિત ખેડૂતની વાત છે. જરાક અમસ્તા કપરા ચઢાણ આવે તોય માણસ તૂટીને વિખેરાઈ જાય. અહીં લેખકે એક અભણ, દલિત વ્યક્તિના સહજભાવે સંજોગો સ્વીકારી લેવાની તાકાતનો, અલગ મિજાજનો પરિચય કરાવ્યો છે.

આજે માણીએ આ અલગ મિજાજની વાત, પ્રેમચંદ મુનશીની નજરે, મુનશીના શબ્દોમાં

*******

હલ્કૂ આવ્યો અને એણે સ્ત્રીને કહ્યું, “સહના આવ્યો છે તારી પાસે જે રૂપિયા હોય તે આપ એને આપી દઉં એટલે બલા ટળે.”

મુન્ની સફાઈ કરી રહી હતી. પાછળ વળીને બોલી , “ત્રણ રૂપિયા છે, આપશો તો કામળો ક્યાંથી આવશે? આ શિયાળાની રાતો કેવી રીતે કાઢશો? તેને કહો, તે પાક તૈયાર થશે એટલે આપી દઈશ”

હલ્કુ અનિશ્ચિત સ્થિતિમાં એક ક્ષણ માટે સ્થિર થઇ ગયો. પોષ મહિનો માથા પર આવી રહ્યો છે.અને કામળી વિના રાતો કેવી રીતે જાશે ? પણ આ સહના માનશે નહિ કેટલી તો ગાળો દેશે અને અડ્ડો જમાવી માથા પર ઉભો રહેશે.ઠંડીમાં ઠૂંઠવાશું પણ અત્યારે તો એક બલાને ટાળો. એવું વિચારીને કે તેણે પોતાનો ભારે મન સાથે સમાધાન કરી તેની પત્નીને કહ્યું, “આપ જોઉં કામળી માટેના અન્ય કોઈ ઉપાય કરશું.”

મુન્ની આંખોમાં આંસુ સાથે બોલી “ખાક ઉપાય કરશો! કોણ આપશે તમને કામળી દાનમાં?કોણ જાણે કેટલા ઉધાર બાકી છે કે ચુકવતા જ નથી !હું કહું છું આ ખેતી કેમ છોડી નથી દેતા ?આખો દિવસ મરી મરીને કામ કરો તોય દેવું ચૂકવાતું નથી. એને કહી દો ઉપજ થાશે ત્યારે બાકીના ચૂકવીશ અત્યારે એને રવાના કરો. પૈસા ચૂકવવા માટે તો આપણે જન્મ્યા છે. હું રૂપિયા નહીં આપું , નહીં આપું.”

હલ્કુએ ઉદાસીથી કહ્યું, “તો મારે શું ગાળ ખાવાની ?

મુન્નીએ વેદનાથી કહ્યું, “તમને શું કામ ગાળો આપે એનું રાજ ચાલે છે ? પત્નીની ઉગ્રતા જોઈ હલકું થોડો ઢીલો પડી ગયો.

પણ બંનેના જીવનનું એક કઠોર સત્ય તેમને ઘૂરકિયા કરીને જોઈ રહ્યું હતું. મુન્નીએ અંદર જઈ પોતાના સાચવેલા રૂપિયા આપતા બોલી, “તમે ખેતી છોડી દયો ને આપણે મજૂરી કરી રોજે રોજનું પેટ્યું રળશું. મુજૂરીમાં બે રોટલી તો ખાવા મળશે. કોઈના લાળા તો ચાવવા નહિ પડે.  તો ખેતી કરો અને ઉપરથી આ બધાનો રૂવાબ.”

હલ્કૂ રૂપિયા લઈને હુદય કાઢીને આપતો હોય તેમ સહનાને આપવા ગયો .એક એક પાઈ ભેગી કરીને રાખી હતી બિચારીએ, દરેક પગલા સાથે, તેના અપમાનના વજનથી અને ગરીબીથી તેનું માથું ઝૂકી રહ્યું હતું પણ ધાબળો લેવા એકઠા કરેલા રૂપિયા હલ્કૂને એના દેવા પેટે આપી તો દેવા જ પડે છે.

મુન્ની કોઈ ફાટેલાં કપડાંના ટુકડાઓથી ધાબળામાં થીગડાં મારીને કામચલાઉ કે આંશિક ઉકેલ આણી દે છે. પોષ મહિનાની રાતની કારમી ઠંડી હવે આવા ફાટેલા ધાબળાથી તો સહન થાય એવી નથી એટલે બે-ચાર છાણાંનું તાપણું કરીને કે ચલમની બે-ચાર ફૂંક મારીને, હલ્કૂ થોડી રાહત મેળવવાના વ્યર્થ ફાંફા મારતો ઠંડીમાં ઠુંઠવાતો માંડ રાત પસાર કરે છે.

અતિ દરીદ્રતામાં જીવતો હલ્કૂ એક વાતે સમૃદ્ધ છે. કોઈ એની સાથે હોય કે ન હોય પણ આવી કપરી રાતમાં એની આસપાસ ફરતો એક માત્ર એનો સાથી કૂતરો હંમેશા એને સાથ આપે અને રાત પણ તેની સાથે જ વાતો કરતા કાપે.

“ખબર નથી પડતી આ ઠંડી ક્યાંથી આવે છે ? જાગો, જાગવું તો પડશે થોડી રાત કાપી! ચિલ્લમ પીતા હલ્કૂ બોલે છે, “આજ તો છે ખેતીની મજા! જબરા ભગવાન બધાની સાથે છે. શિયાળો પસાર થવા દો. ભાગ્યનું ગાડું ચાલશે તો આપણે પણ મજા કરીશું , ચાલ અત્યારે તો આવી જ મજા કરીએ! ”

હલ્કૂ ઊભો થયો, ખાડામાંથી એક નાનો અંગાર લેતા તેના કૂતરા જબરાને કહ્યું ચલમ પી જો ઠંડી તો જવાની હશે તો જશે પણ મન તો બદલાઈ જશે. જબરો પણ પ્રેમથી એના માલિકને જોઈ રહ્યો. જબરા આજનો દિવસ ઠંડી ખાઈ લે કાલે કૈંક વ્યવસ્થા કરશું. જબરો એના માલિકની નજીક ગયો અને હલ્કૂએ એની ઉષ્મા સાથે ગરમાટો અનુભવ્યો. ચલમ પી હલ્કૂએ એક નિર્ણય સાથે લંબાવ્યું કે બસ હવે હું સૂઈ જઈશ પણ ઠંડી ભૂતની જેમ એને વળગી એ સૂઈ ન શક્યો એણે જબરાને પોતાની બાજુમાં કામળીની અંદર લઇ લીધો. કૂતરાના શરીરમાંથી કઇક ગંધ આવવા છતાં તેને ખોળામાં આનંદની અનુભૂતિ થઈ રહી હતી, જે તેને મહિનાઓથી અહીં મળી નહોતી. હલ્કૂ જબરાને તેના કોઈપણ મિત્ર અથવા ભાઈ હોય એવા ઉત્સાહથી ગળે લગાડતો. જબરાના શરીરના ગંધથી એને ક્યારેય નફરત નહોતી થતી.

એક કલાક વીતી ગયો. રાત્રે પવન સાથે ઠંડીનો કડાકો શરૂ થયો. હલ્કૂએ બેઠા બેઠા બંને ઘૂંટણને છાતી સુધી ખેંચીને તેમાં પોતાનું માથુ છુપાવી દીધું છતાં ઠંડી ઓછી થતી ન હતી. એવું લાગ્યું કે બધે લોહી થીજી રહ્યું છે ધમનીઓમાં લોહીને બદલે બરફ વહી રહ્યો છે. તેણે ઊંચે નજર કરીને આકાશ તરફ જોયું, હવે કેટલો સમય બાકી છે! સપ્તર્ષિ આકાશમાં અડધો પણ ચડ્યો નથી. હજી રાત ઘણી બાકી છે.

વળી એ જબરા સામે જોઈ રહ્યો, “જબરા આ ઠંડી સહન નથી થતી ચાલ પાંદડા ભેગા કરી આગ પેટાવીએ.” અને હલ્કૂએ બગીચા તરફ ચાલવા માંડ્યું,

“જબરા તને સુગંધ આવે છે? ઝાડમાંથી ટપકતા ઝાકળનાં ટીપાં, મહેંદીના ફૂલોની ગંધ સાથે એક એક પગલે હ્લ્કુના શ્વાસનો નિસાસો સંભાળતો હતો. પણ જબરો તો પાંદડાના ઢગલામાંથી મળેલો હાડકાનો ટુકડો ચૂસવામાં મસ્ત હતો. હલ્કૂએ આગ પેટાવી.ગરમાટો મળ્યો અને એણે શરીરને પડતું મૂકી લંબાવ્યું જાણે ઠંડીને કહેતો ન હોય “તારે જે કરવું હોય તે કરી લે હું તો આ સૂતો”.અને હસ્યો તે ઠંડીની અપાર શક્તિને જીતીને વિજયના ગૌરવને છુપાવી શક્યો નહીં.

આગ બુઝાવા આવી હતી ફરી હલ્કૂ કામળી ઓઢી ગીત ગાતા બેસી રહ્યો. ઠંડી વધતી જતી હતી હલ્કૂ આળસ દબાવી બેસી રહ્યો. ત્યાં જબરો જોરથી ભસ્યો અને ખેતર તરફ દોડી ગયો. હલ્કૂને ખબર પડી કે પ્રાણીઓનો ટોળું ખેતરમાં આવી ગયું છે. સંભવત: નીલગાયનો ટોળું હતું. તેના કૂદકા અને દોડવાના અવાજો સ્પષ્ટ કાનમાં આવી રહ્યા હતા. પછી તેમનો ચાવવાનો અવાજ સંભળાયો તેમ છતાં તે મનોમન બોલ્યો ‘ના, જબરાને કારણે કોઈ પ્રાણી મેદાનમાં આવી શકશે નહીં. હું ખોટી મૂંઝવણમાં છું.! મને પણ કેવા ખોટા ભાસ થાય છે!”

જબરાને બોલાવા તેણે બૂમો પાડી, ‘જબરા, જબરા.’

જબરો ભસતો રહ્યો પણ તેની પાસે ન આવ્યો તે ના જ આવ્યો. હલ્કૂને થયું કે એણે પણ ખેતરમાં આંટો મારવો તો જોઈએ પણ આ શિયાળામાં ખેતરમાં જવું અને પ્રાણીઓની પાછળ દોડવું એને અસહ્ય લાગ્યું. તે તેની જગ્યાએથી હટ્યો નહીં.

પ્રાણીઓ નિરાંતે ચરવા લાગ્યા હશે એવું એને લાગ્યુંય તો ખરું. ખેતરમાં પાક તૈયાર હતો, ખરેખર ખેતી સારી થઈ હતી, પરંતુ આ દુષ્ટ પ્રાણીઓ તેનો નાશ કરી નાખશે એમ વિચારી એ મન મક્કમ કરી બચાવવાના સંકલ્પ સાથે ઉભો થયો અને બે-ત્રણ પગલા ચાલ્યો, પણ અચાનક ઠંડીનો ચમકારો આવ્યો, ઠંડીમાં વીંછીના ડંખને અનુભવ્યો અને તે ફરીથી તાપણા પાસે બેસી ગયો અને રાખને કચડીને પોતાના ઠંડા શરીરને ગરમ કરવાનું શરૂ કર્યું. જબરો ગળું ફાડીને ભસતો રહ્યો અને  નીલગાય આખા ખેતરને સાફ કરી ગઈ. નિષ્ક્રિયતાએ દોરડાની જેમ, તેને બધી બાજુથી પકડી રાખ્યો હતો. ઠંડીનો માર્યો એ રાખની નજીકની ગરમ જમીન હૂંફમાં પથારી સમજી સૂઈ ગયો.

તે વહેલી સવારે જાગ્યો ત્યારે સૂર્યપ્રકાશ ચારે બાજુ ફેલાઈ ગયો હતો અને મુન્ની કહેતી હતી કે, ‘હજી તમે સુતા જ રહેશો? આ જો આખું ખેતર ચવાઈ ગયું!”

હલ્કૂ ઉભો થયો અને બોલ્યો, “તું ખેતરમાં થઇ ને આવી?”

મુન્નીએ કહ્યું, “હા, આખું ખેતર નાશ પામ્યું છે. આમ કેમ સૂઈ રહ્યા કે પછી દારૂના નશામાં પડ્યા રહ્યા? ‘

હલ્કૂ વ્યંગ કરતા બોલ્યો , “હું મરીને બચી ગયો, તને ખેતરની પડી છે. મારા પેટમાં કેવું શૂળ ઉપડ્યું હતું એની તને કેવી રીતે ખબર પડે આ ફક્ત હું જ જાણું છું!”

બંને ખેતરની હાલત જોઈ રહ્યા હતા. મુન્નીના ચહેરા પર ઉદાસી હતી, પરંતુ હલ્કૂ ખુશ દેખાતો હતો .

મુન્ની હૈયાફાટ રડતી હતી એને આવતીકાલની ચિંતા હતી..એ બોલી “હવે તમારે મજૂરી કરવી પડશે.”

હલ્કૂએ ખુશહાલ ચહેરા સાથે કહ્યું, “હા હવે મારે રાત્રે ઠંડીમાં અહીં સૂવું નહીં પડે.” અને એ તદ્દન નિશ્ચિંત થઈને કામળો માથે ઓઢી પડખું ફરીને સૂઈ ગયો.”

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

પ્રકરણ-૧ અનુભવની અભિવ્યક્તિ

 પ્લેનની પહેલી મુસાફરી 

કેટલા કેટલા વર્ષો જિંદગીના પસાર થઈ ગયા.  મુવીના રીલની  જેમ મારું મન પણ અતીતના ઊંડાણમાં ઊડી રહ્યું હતું.  2021 ની સાલમાં થી આપણે પસાર થઈ રહ્યા છીએ. આજની ટેકનોલોજીએ દુનીયા ને કેટલી નજીક લાવી દીધી છે.  આજે નાના ગામડાના લોકો પણ દુનિયામાં શું ચાલી રહ્યું છે તે જાણી શકે છે.પણ હું જે વાત કરવા માગું છું તે  તો 1964 નવેમ્બર મહિનાની છે મારી પ્લેનની મુસાફરી કડી થી અમેરિકા આવતી પહેલી છોકરી અમારા ગામની હતી.  મોટા ભાગે તો એ વખતે અમેરિકામાં  સ્ટુડન્ટ વિઝા પર જતા.  
     મારા મંગેતર પણ અમેરિકામાં ભણવા ગયેલા લગ્ન કરી અમેરિકામાં સ્થાયી થવું એ વિચારી મને  અમેરિકા બોલાવવાનો નિર્ણય કર્યો.  ૧૯૬૪ની નવેમ્બર કેમ ભુલાય એક બાજુ મા બાપ ભાઈ બહેનો ,મિત્રો ગામ અને મારો દેશ એને  છોડીને જવાનો,  ત્યારે બીજી બાજુ નવો દેશ અને પતિને મળવાનો આનંદ, વિયોગ  અને આનંદનાં ઝૂલામાં ઝૂલતી  હું બોમ્બે એરપોર્ટ પર પહોંચી ગઈ.
   મનમાં અસંખ્ય  વિચારો હઝારો માઈલ  દૂર એકલી  જવાનું  પ્લેન તો ઊડતુજ  જોયેલું, અંદર થી કેવું હશે? ખાવાનું  શું મળશે એનો તો ખ્યાલ જ નહોતો. આજે તો અમેરિકા આવતા લોકો નાસ્તાના ડબલા  લઈને આવતા હોય છે. એ જમાનામાં મને યાદ છે કે મારી પાસે એવું કંઇ જ નહોતું .
  પ્લેનમાં બેઠા પછી સીટ બેલ્ટ  કેવી રીતે બાંધવો તે પણ ખબર નહોતી. મારી સાથેની સીટમાં   બેઠેલા એક ગુજરાતી ભાઈએ મને શીખવ્યું.  એરહોસ્ટેસ પૂછવા આવી  શું પીસો? ચાય  સિવાય બીજા કોઈ પણ પીણાંની  ખબર નહોતી મને તો મસાલાવાળી ચા પીવાની ટેવ,  જિંદગીમાં પહેલીવાર બ્લેક ટી ચાખીને મારું મોં કડવું થઈ ગયું.  એ પછી તો ફૂડ ની ટ્રે  આવી.  ખોલીને જોતાં જ કંઈ જ ખબર નહોતી પડતી શું ખાવું.  બાફેલા વેજિટેબલ્સ જોઈને જ મારું મ્હોં  બગડી ગયું.  આમ આપણા રામ ભુખ્યા તરસ્યા બેસી રહ્યા. મનમાં વિચારોનું ઘમસાણ ચાલી રહ્યું હતું. શુ  હું અમેરિકા જવાની ભૂલ તો નથી કરી રહીને?   ઘરના બધા યાદ આવતા થોડી થોડી વારે આંખમાંથી આંસુ સરી પડતા જિંદગી ક્યા વળાંક  પર જશે?  એક અપરણિત છોકરી અમેરિકા એકલી  જતી હોય ત્યારે કેટલી ભયની લાગણી મનમાં ચાલી રહેલી હોય છે તેની અનુભૂતિ માંથી હું પસાર થઇ રહી હતી.
    વિચારોમાં ને વિચારોમાં ટોક્યો આવી ગયું ત્યાંથી મારે ફ્લાઇટ બદલવાની હતી બધા પેસેન્જરો ઉતરવા માંડયા. હવે શુ  કરુ? તરત જ મને યાદ આવ્યું  મારા કઝિન બ્રધરે   એક ચિઠ્ઠી આપેલી અને કહેલું કોઈ પ્રોબ્લેમ થાય તો આ ચિઠ્ઠી એરહોસ્ટેસને બતાવજે.  ચિઠ્ઠીમાં લખ્યું હતું કે હેલ્પ મી  આઈ  ડુ   નોટ સ્પીક ઇંગ્લિશ.. ચિઠ્ઠી એરહોસ્ટેસ ને  આપતા જ એની મદદથી જે  . ટર્મિનલ પર જવાનું હતું  ત્યાં  મને બેસાડી દીધી.  મને તો બીક  હતી કે હું પ્લેન ચૂંકી  જઈશ તો? જે  જાપાનીઝ  છોકરી એ કહેલું કે પ્લેન આવશે ત્યારે પોતે આવીને મને મદદ કરશે એટલે મારી નજર તો એ છોકરીને શોધવામાં જ ફર્યા કરતી હતી  મને તો બધી જ જાપાનીઝ  છોકરીઓ  ના મ્હોં  સરખા જ લાગતાં.
  મનમાં ખૂબ જ ગભરાટ થતો હતો. પણ મારા આશ્ચર્ય વચ્ચે ટાઈમ થતાં જ તે આવી અને મને પ્લેનમાં  બેસાડી દીધી. મનને શાંતિ થઈ હવે પ્લેન નથી બદલવાનું  સીધી લોસ એન્જલસ પહોંચી જઈશ.
   લોસ એન્જલસ આવતા જ બધા પેસેન્જરો સાથે હું નીચે ઉતરી.  બારણા આગળ જ મારા પતિ ને જોતા જ મારો બધો જ થાક અને ગભરાટનો અંત આવી ગયો. આ મારી પ્રથમ પ્લેનની  મુસાફરી નો અનુભવ.  વિચારું છું કે આજની આટલી બધી  ટેકનોલોજી જાણ્યા  પછી શું પહેલી વાર અમેરિકા આવતા લોકોને આવી મુશ્કેલી અને મનોમંથનમાંથી પસાર થવું પડતું હશે?

કુમુદ પરીખ –kumudpari@gmail.com

                           

પ્રકરણ -2 ″હોપસ્કોપ”- મૌલિક નાગર

ये परिंदे भी कितने नादान है,
मेहफूस हाथो को पहचान नहीं पाते.

‘મૅડમ, ખાલી પાંચ જ દિવસ, જેવા માંના દર્શન થશે એટલે તરત જ એસ.ટી બસમાં પાછો આવી જઈશ’, હોસ્પિટલના અટેન્ડન્ટ રઘુ એ ઘભરાતા સ્વરે ડૉ રૂચિતાને અરજી કરી.
‘અલ્યા ભાઈ, અઠવાડિયામાં ચાર દિવસ તો તું કોઈકના કોઈક બહાને વહેલો જાય છે, મોડો આવે છે, રજાઓ પાડે છે. અમને એવું છે કે આટલું બધું ભણ્યા પછી અમે તારા પગારદાર છીએ.’ ડૉ રૂચિતાનો પિત્તો આજે એમેય ગયો હતો. ઉપરાછાપરી દર્દીઓ આવતા હતા, હંમેશની માફક સ્ટાફની શોર્ટેજ અને ઉપરથી સંચાલકો સાથેની રોજબરોજની કચકચ.
તમે ભણ્યા એ જ તો તમારો પ્રોબ્લેમ છે, સંભળાય નહીં તેવી રીતે લુચ્ચું હસતા રઘુ બોલ્યો.
‘શું કહે છે?’
‘અરે ના મૅડમ આતો એમ કહેતો હતો કે બહુચર માઁની બાધા માની હતી કે દીકરાનો જન્મ થશે તો બહુચરાજી પગપાળા દર્શન કરી આવીશ અને એ બહાને દીકરાને અને મારી ઘરવાળીને પણ ગામડે મળી અવાય’ રઘુના સ્વરમાં હવે થોડી નફ્ફટાઈ અને બેદરકારી છલકાઈ.
‘આ મહીનામાં તો રજા નહીં જ મળે’ ડૉ રૂચિતા એ પણ હવે કડકાઈ દેખાડી
‘પણ મૅડમ…’
‘ જા…જા… હવે કામે વળગ’ ડૉ રૂચિતા એ રઘુને જાકારાનો ઈશારો કર્યો.
‘અમારા માટે તો અમારું પરિવાર પહેલા, બાકી બધું પછી મૅડમ. અમે કઈ ગુલામ નથી, અંગ્રેજો જતા રહ્યાં અને……..’રઘુ પણ અકળામણમાં બબડતા બબડતા ત્યાંથી નીકળી ગયો.

રઘુની આખી બપોર ડોક્ટરો, દર્દીઓ અને વહીવટીકર્તાઓને ગાળો આપવામાં જ ગઇ.
‘નાચવું નહીં એને આંગણું વાંકુ’
બાધા કે બૈરાં છોકરાને મળવાનું તો માત્ર બહાનું જ હતું, પણ ચાલીના મિત્રો સંગાથે મોજ કરતા કરતા પગપાળા જવું એ જ મુખ્ય કારણ હતું

પોતાની શિફ્ટ પતાવી સાંજની શિફ્ટના ડૉક્ટરને હેન્ડ ઓવેર આપી ડૉ રૂચિતા ઉતાવળે ઘરે જવા માટે નીકળ્યા. બીજા દિવસે એમના પતિનો જન્મદિવસ હોઈ આજે તો એમના માટે સરપ્રાઇસ કેક બનાવવાની ઈચ્છા હતી.
ઘરની ગલીની પાસે જ રૂચિતા એ થોડી ભીડ ઊભેલી જોઈ, એને મનમાં થયું કે નક્કી કોઈક એક્સિડેન્ટ થયો છે. એમણે પણ સીગ્નલ આપીને ગાડી સાઈડ પર ઊભી કરી દીધી.
ભીડને ‘ડૉક્ટર છું…ડૉક્ટર છું… ‘કહેતા આગળ વધ્યા અને એક વૃદ્ધ અર્ધ બેભાન અવસ્થામાં કણસતા જોયા.
‘અરે….કનુકાકા…!!!!’ જોતાવેંત જ ડૉ રૂચિતાએ એમ્બ્યુલન્સને ફોન કર્યો અને કનુકાકાને CPR આપવાનું ચાલુ કરી દીધું. જમા થયેલી ભીડને દૂર રહેવાના ઈશારા સાથે ડૉ રૂચિતાએ વળી પાછો ફોન લગાવ્યો,
‘હેલો ડૉ અર્પણ, ડૉ રૂચિતા હીઅર, યુ પ્લીઝ કોલ અવર ઓન કોલ ન્યુરો ફિઝીશ્યન એન્ડ કાર્ડિયોલોજિસ્ટ. કનુકાકા ઇસ ઈન કાર્ડીયેક અરેસ્ટ.’

હોસ્પિટલના ઇમર્જન્સીના ડિપાર્ટમેન્ટના ગેટ પર સાયરન મારતી એમ્બ્યુલન્સ આવી પહોંચી, ડૉ રૂચિતા પણ એ જ એમ્બ્યુલન્સમાં આવ્યા હતા. ડૉ રૂચિતાની ટીમ પણ ત્યાં રાહ જોઈને ઉભી જ હતી.
‘સિસ્ટર, તમે રજીસ્ટ્રેશન કરાવો.
ડૉ પ્રણવ, એમને રિસસ બેડ પર લઇ લઈએ.’

‘કનુકાકા કાર્ડીયેક અરેસ્ટમાંથી તો રિવાઇવ થઇ ગયા છે પણ હાર્ટની મેજર વેસલ બ્લોક હોય એવું લાગે છે, માટે સ્ટેન્ટ મૂકીને બ્લોક ઓપન કરવો પડશે’, ECG જોતાં કાર્ડીઓલોજીસ્ટ ડૉ પ્રણવે કહ્યું.
‘એમના ઘરેથી કોઈ આવેલ છે?’
‘વેઇટ સર, રઘુ અહીંયા જ હશે, એની શિફ્ટ પતવાને હજી વાર છે.’
શરીરથી સાવ લેવાઈ ગયેલા, મેલા ઘેલા કપડામાં, કાપડની થેલી લઇ નીકળેલા આ કનુકાકા બે વર્ષ પહેલા જ રિટાયર્ડ થયેલા આ જ હોસ્પિટલના સિનિયર અટેન્ડન્ટ અને રઘુના પિતા હતા. છ-આઠ મહિના પહેલા જ કનુકાકાની ભલામણથી આ રખડેલ દીકરા રઘુને હોસ્પિટલે કામ પર રાખ્યો હતો.
‘મૅડમ, બધા ફલોર પર તપાસ કરી દીધી રઘુનો ક્યાંય પણ અતોપતો નથી, અને એનો ફોન પણ સ્વીટ્ચ ઓફ આવે છે.’ બીજા અટેન્ડન્ટે કહ્યું.
‘ઓહ માય ગોડ, હી મસ્ટ હેવ લેફ્ટ ફોર …….’ રૂચિતાને પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો કે રઘુ કહ્યા વગર જ બેદરકાર બનીને બહુચરાજી જવા નીકળી ગયો છે.
રઘુનો ફોન તો ન લાગ્યો અને પરિવારના કોઈ સભ્ય સાથે સંપર્ક પણ ન થઇ શક્યો. હવે નિર્ણય લેવામાં વધુ સમય બગાડાય એવો ન હતો. સારવારમાં વિલંબ ન થાય અને વધુ ખર્ચ પણ ન થાય તે હેતુથી બે ત્રણ ઇમર્જન્સીના ડોક્ટર્સ, ડૉ પ્રવણ અને ડૉ રૂચિતાએ જ નિર્ણય લેવાનું નક્કી કર્યું.

ભારે ધર્મસંકટ હતું. કેમ કે જો આ ખાનગી હોસ્પિટલમાં રાખીયે તો કનુકાકાને ખર્ચ ન પોસાય અને સ્ટેન્ટ મુકાવવું ખુબ જ જરૂરી હતું.
અંતે કનુકાકાને ક્લોટ ઓગાળવાનું ઇન્જેક્શન આપ્યું જેથી થોડાક સમયમાં ECG નોર્મલ થઇ ગયો અને કનુકાકા પણ ભાનમાં આવવા લાગ્યા.
ત્યાર બાદ Angiography માટે સરકારી હોસ્પિટલમાં શિફ્ટ કરવાનો નિર્ણય લીધો. જ્યાં સદ્નસીબે ડૉ પ્રણવ અને ડૉ રૂચિતા બન્ને વિઝિટિંગ ડોક્ટર તરીકે ફરજ બજાવતા હતા એટલે સ્ટેન્ટ મુકવાની પ્રોસિજર અને ફોલોઅપના પૈસાનો સવાલ જ ન હતો અને સરકારી હોસ્પિટલ હોઈ રૂમ અને બીજા ટેસ્ટમાં પણ રાહત મળી જાય.
કનુકાકાની સારવાર સમયસર થતા હવે એમણે ધીરે ધીરે ચાલવાનું પણ ચાલુ કરી દીધું હતું અને બે દિવસથી સવાર સાંજ ડૉ રૂચિતા એમની ખબર અંતર પૂછી જતા હતા.
ચાલીના એક છોકરા થકી જ રઘુને પપ્પા હોસ્પિટલમાં હોવાની જાણ થઇ અને તુરંત જ એ અમદાવાદ આવવા નીકળી ગયો. એસ. ટી સ્ટેન્ડથી સીધો જ સરકારી હોસ્પિટલ પહોચ્યો. કનુકાકા પાસેથી આખી ઘટનાની વિગતવાર જાણકારી મળી. પોતાના વર્તન પર રઘુને ખુબ પસ્તાવો થયો. રૂચિતા મૅડમને આભાર વ્યક્ત કરવા અને માફી માંગવા એ હોસ્પિટલે પહોંચી ગયો.

‘મેડમ..અંદર આવું?’ ભીની આંખે, ધીમા સ્વરે રઘુએ દરવાજો નોક કર્યો.
‘અરે રઘુ, આવ આવ, કનુકાકાને મળ્યો?’
‘હા મૅડ…..’રૂંધાતા કંઠે રઘુ ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યો અને રૂચિતા મૅડમનો આભાર માનવા લાગ્યો અને પગે પડી માફી માંગવા લાગ્યો.
‘અરે..રે.રે…આમ ગાંડપણ ના કર રઘુ, હોસ્પિટલના સ્ટાફના સભ્યો પણ મારો પરિવાર છે. અને મારા માટે તો મારું પરિવાર પહેલા બાકી બધું પછી…..લે આ કેક ખા, અપર ક્રસ્ટની છે.’

સ્પંદન -2


રૂપ એનું સમજાય ના,
સૂર એનો કળાય ના,
પાર પણ તો પમાય ના,
ક્યાં મ્હોરે, ક્યાં ઝીલાય,
આ તો ઝાકળભર્યું ફૂલ
સ્પંદન એના રોમે રોમ.

2020 હોય કે 2021…સમય સરતો રહે છે. એ સમાન રીતે સરે છે તેથી જ કદાચ તેને સંસાર કહે છે. વિશ્વના કોઈ પણ ખૂણે પહોંચી જઈએ પણ બે વસ્તુ અફર છે. આપણી આજ અને ગઈ કાલ. આ આજ અને ગઈ કાલ વચ્ચેનો ભેદ એ હકીકતે સૂર્યોદય અને સૂર્યાસ્ત વચ્ચેનો ભેદ છે. કાલ અને આજ વચ્ચે સમય સરે છે …પૃથ્વી સરે છે …સૂર્ય અને ચંદ્ર સરે છે…ગ્રહો નક્ષત્રો અને સમગ્ર બ્રહ્માંડ સરે છે અને તેની વચ્ચે આપણું અસ્તિત્વ પણ સરે છે … ગઈ કાલ આજ અને આવતી કાલ…ભૂત , વર્તમાન અને ભવિષ્ય. આ અસ્તિત્વની લડાઈ લડી રહેલો માણસ સુખ શોધે છે. તેને જોઈએ છે સુખનું સાતત્ય. પણ સુખનું સાતત્ય શેમાં છે? ભૌતિક વિજ્ઞાન માને છે કે જે દેખાય અને અનુભવાય તે સત્ય છે. બુદ્ધિ કહો કે તર્ક, સુખની આ દોડમાં ક્યાંક તન તો ક્યાંક મન સંકળાયેલા છે. ભૌતિક સગવડો સુખનો એહસાસ ઉભો કરી શકે છે, પણ તે અનંત નથી. ભૌતિક યાત્રાનો અંત છે, પણ મનોયાત્રાનો અંત નથી. 2 G થી 5 G સુધી પહોંચેલી દુનિયા પણ જો G થી H ની ભાષા સમજી શકે તો કદાચ સુખનો સોનાનો સૂર્ય ઉગી શકે. H એટલે Human Heart ની ભાષા – હૃદયની ભાષા જે વિવિધ ખંડોમાં વહેંચાયેલા વિશ્વને અખંડતાનો અહેસાસ કરાવી શકે. આ ભાષા એટલે સ્પંદન – સ્પંદન એટલે દિલથી દિલની ભાષા – કંપન ખરું પણ ધ્રુજારી નહીં. અનુભૂતિ અને સહાનુભૂતિએ એના મૂળભૂત તત્વો .

સ્પંદનો જગાવનાર પ્રકૃતિને તો કોઈ કઈ રીતે ભૂલી જ શકે? ગ્રીષ્મ ઋતુમાં પણ કોયલનો ટહુકો કેવો લાગે એ અનુભૂતિનો વિષય છે, તો વર્ષાના વધામણાં કરતો મોર કળા કરીને મયુરનૃત્ય કરતો હોય તો આપણા સ્પંદનો જાગી ઊઠે છે. ગ્રીષ્મની ગરમીથી તપ્ત થયેલ ધરા પર વર્ષાની ઝરમર જો પ્રકૃતિને પણ પુલકિત કરી દેતી હોય તો માનવ મનની પુલકિત લાગણીઓ પણ જગાવી જ દે છે. આ લાગણી એ હૃદયના સ્ફુરણ છે, સ્પંદન છે. ઋતુઓનું વર્ણન થાય અને ઋતુરાજ વસંતને યાદ ના કરીએ તો કેમ ચાલે ? વસંતના વાયરા લઈ આવે છે પ્રણય કહાણીઓ. વાસંતી વૈભવને માણવામાં માત્ર માનવી જ નથી હોતો પણ પક્ષીઓ , મધમાખીઓ અને ભમરાઓનો પણ ગુંજારવ કાને પડતાં જ માનવીના સ્પંદનો સજીવ થઈ ઊઠે છે. પ્રકૃતિ અને માનવ સ્પંદનો એ એક જ સિક્કાની બે બાજુઓ છે.

પ્રકૃતિની પ્રેરણાના પ્રસાદ તરીકે જાગી ઊઠેલાં માનવસ્પંદનોનો એક બીજો આયામ એટલે માનવીય સંબંધો અને માનવીય ભૂમિકા પરના સંબંધો. સ્પંદનોની આ માનવીય ભૂમિકા શરૂ થાય છે બાળપણથી. બાળક તરીકેની સ્મૃતિઓ આપણા હૃદયમાં કેટલાં સ્પંદનો જગાવે છે. બાળપણના મિત્રો અને તેની યાદો કંઈ કેટલાયે દિલોમાં સ્પંદનો જગાવે છે. ‘વો કાગઝ કી કશ્તી વો બારિશ કા પાની’ સાંભળતાં જ કંઈ કેટલી યે આંખોમાંથી શ્રાવણ ભાદરવાના આંસુ વહે તે માનવ મનના સ્પંદનોનો જ ચમત્કાર છે.

સ્પંદનોની આ કથા માત્ર બાળપણ પૂરતી જ સીમિત નથી. કદાચ મુગ્ધાવસ્થામાં કે યુવાવસ્થામાં પણ સ્પંદનોની આ દુનિયા કંઈ કેટલીયે કોડભરી કન્યાઓની કહાણી કહેતી હોય છે. સ્ત્રી હોય કે પુરુષ, કોઈ પણ પ્રેમકથાઓ સ્પંદનો વિનાની હોતી નથી…હોઈ શકે પણ નહિ. પ્રેમ એ પણ એક સ્પંદન જ છે. પ્રેમ એ કદાચ માત્ર ઉમર પર આધારિત હોય તેવું જરૂરી નથી. પ્રેમ એવું તત્વ છે જે કદાચ વ્યક્તિના મનમાં ડોકિયું કરતું હોય છે. તેથી જ પ્રેમી કે પ્રેમિકા એક બીજા માટે સમર્પિત હોય છે, એકબીજા માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. સમાજ કે તેના રીતરિવાજો પણ તેને રોકી શકતા નથી. પ્રેમીઓ માટે હર મોસમ એક વસંત હોય છે, હર ઘડી એક અગ્નિ પરીક્ષા. ઉર્દૂ શાયર મિર્ઝા ગાલિબ સાથે આપણે પણ પોકારી ઉઠીએ કે – “યે વો આતિશ હૈ જો લગાયે ન લગે ઔર બુઝાયે ના બને”. દરેક પ્રેમી માટે પ્રેમ એવું શક્તિશાળી સ્પંદન છે કે તે કંઈ પણ કરવા તૈયાર થાય છે. તેને માટે દરેક પળ – “એક આગ કા દરિયા હૈ ઔર ડૂબકે જાના હૈ”- ની યાદ અપાવતી હોય છે. ક્યારેક આવી રસપ્રદ પ્રેમકથાઓ પણ સ્પંદનથી જ શરૂ થઈ હોય છે. હીર રાંઝા કહો કે શિરિં ફરહાદ – તેમની પ્રેમની મજબૂતી એટલે જ સ્પંદન. પરંતુ માત્ર આ પ્રકારનો પ્રેમ જ સ્પંદન છે તેમ નથી.

મિત્રતા કે દોસ્તી એ પણ સ્પંદનની દુનિયામાં જ વસે છે. મિત્રની વાત થાય એટલે તરત જ યાદ આવે કૃષ્ણ અને સુદામા. એક દ્વારિકાધીશ અને બીજા અકિંચન બ્રાહ્મણ. પણ કૃષ્ણ સુદામાને જોઈ દોટ મૂકે છે અને સુદામાના તાંદુલ ખાય છે, એ વાત સાક્ષી પુરે છે કે મિત્રતાનું સ્પંદન પણ ક્યારેક દ્વારકાધીશના દિલને પણ સ્પંદિત કરી શકે છે. દોસ્તીની વાત આવતાં જ વર્ષો પહેલાંની ફિલ્મ દોસ્તી યાદ આવે છે. તેની વાર્તા પ્રમાણે એક દોસ્ત આંખે જોઈ શકતો નથી તો બીજો પગની તકલીફને લઇને ચાલી શકતો નથી. ગરીબી અને શારીરિક અશક્તિથી લડી રહેલા બંને દોસ્ત સંગીતના સહારે એકબીજાને મદદ રૂપ થાય છે અને પ્રગતિનો એક જુદો જ અધ્યાય શરૂ થાય છે. પણ સંગીતના સૂરની સાથે જ એક અદ્રશ્ય સંગીત રજૂ થાય છે તે છે દોસ્તીનું સ્પંદન. આ સ્પંદન આપણા દિલમાં પણ સ્પંદન જગાવે છે.

હૃદયનું સ્પંદન એ જ કદાચ ભક્ત અને ભગવાનના સંબંધોનું રહસ્ય પણ છે. ભક્તિ એ પણ સ્પંદન જ છે. ક્રૌંચ પક્ષીને વાગેલા તીરની વેદનાથી જ વાલ્મિકી રામાયણનો પ્રારંભ થાય છે, તો રામ શબરીના બોર ખાય છે તે પણ ભક્તિનું સ્પંદન જ છે ને? ભક્તિની શક્તિ પણ માનવ હૃદયના સ્પંદનથી પ્રેરિત છે.

પુષ્પોનો પમરાટ એટલે સ્પંદન , હ્રુદયનો ધબકાર એટલે સ્પંદન , પ્રેરણાનું પાવન ઝરણું એટલે સ્પંદન , માનવ સંબંધોની સરગમ એટલે સ્પંદન , જીવથી શિવ સુધીની યાત્રા એટલે સ્પંદન , લેખકની લેખિનીનું સામર્થ્ય એટલે સ્પંદન અને આવા સમર્થ સાહિત્યના સર્જનથી વાચકના મનના સંવેદન સુધીની આજની મારી યાત્રા એ પણ સ્પંદન…
માણો આજનો મારો…તમારો… સુંદર સંવાદ…
ના..ના…સ્પંદન.

રીટા જાની