હેલીના માણસ – 16 | વધતી વય અને ઘટતી જિંદગી

નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર આપ સૌનું અભિવાદન કરું છું. ‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ -16 એની 15મી ગઝલ અને રસાસ્વાદ. 

આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર.  સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા

 

ગઝલ

એક તો આ જિંદગી ઓછી મળી,

એમાં જીવનભરની ખામોશી મળી.

 

ક્યાંક અમને વાર લાગી પહોંચતાં,

ક્યાંક અમને બાતમી ખોટી મળી.

 

એનું દિલ પથ્થર હશે નો’તી ખબર,

પણ હથેળી તો બહુ પોચી મળી !

 

પ્યાસ મારી ના બુઝી તે ના બુઝી,

આ નદી તો તીસરી ચોથી મળી !

 

ક્યાંક અમને ગમતો ચહેરો ના મળ્યો,

ક્યાંક તારી કારબન કોપી મળી !

 

નીકળ્યો’તો માણસોને શોધવા,

દાઢી, ચોટી ને તિલક, ટોપી મળી.

 

હું ખલીલ એવા સમયમાં છું હવે,

જ્યાં સદી કરતાંય ક્ષણ મોટી મળી.

 

– ખલીલ ધનતેજવી

રસાસ્વાદ 

જન્મ પછી હર પળે આપણી વય વધતી જાય અને જિંદગી ઘટતી જાય. તો  દરેક વખતે કોઈ ને કોઈ નાની મોટી જવાબદારી આપણી સમક્ષ આવીને ઉભી રહેતી હોય. જેને જવાબદારી નિભાવવાની ટેવ હશે તેને તો ખબર હશે જ કે, કેટલાંય મચી પડીએ છતાં દરેક વખતે કામો બાકી રહી જતાં હોય છે. એક બાજુ વધતી જવાબદારીઓ અને બીજી બાજુ ઘટતી જિંદગી, એ સ્પર્ધામાં જિંદગી ટુંકી પડી જતી હોય છે. દોડી દોડીને પહોંચી વળવા પ્રયત્ન કરીએ ત્યારે પણ કેટલીકવાર સમયસર પહોંચી ના વળાય તો કેટલીકવાર ખબર જ મોડી પડે અને આમ એ જરૂરી કામો કરવાનાં રહી જાય. 

વસ્તુઓનો બાહ્ય દેખાવ જોઈને આપણને આકર્ષક લાગે અને તે ખરીદી લઈએ પણ તે પાછળથી તકલાદી નિકળે, એવું બનતું હોય છે. મિત્રતામાં પણ આવા અનુભવ થતા હોય છે. ઉપરછલ્લી વર્તણૂક જોઈને કોઈ સાથે સંબંધ વધારીએ ત્યારે જેમ જેમ સમય જાય તેમ અસલ જાત દેખાતી જાય ત્યારે આપણને લાગે, અરે! છેક આવું? ખલીલ સાહેબનો આ શેર એ જ સમજાવે છે. 

એનું દિલ પથ્થર હશે નો’તી ખબર,

પણ હથેળી તો બહુ પોચી મળી !

પડોસી, સગાંસંબંધીઓ કે મિત્રો સાથે ઘરોબો કેળવવાની આપણી ઈચ્છા પણ હોય અને જરૂરીયાત પણ હોય છે. આમ કરવામાં જો આપણે ફાવી જઈએ તો આપણે નસીબદાર. નહીં તો એવું બને કે, એક કે બે નહીં ચાર પાંચ વાર જુદા જુદા લોકોને અજમાવી જોઈએ છતાં એક માટે પણ અનુકૂળતા ના લાગે અને આપણે સંબંધોની એ મીઠાશને ઝંખતાં જ રહી જઈએ! ઘણીવાર વ્યક્તિને જોતાં જ લાગે કે, આપણને તે માફક નહીં આવે. આવી વ્યક્તિઓથી દુર રહીને આપણે ભાવી તકલીફોથી બચી શકીએ. પણ કેટલીક વ્યક્તિઓ એવું પારદર્શક વ્યક્તિત્વ ન ધરાવતી હોય તેમની સાથે ઘરોબો થયા પછી ધીમે રહીને, અનુભવે સમજાય કે, આ પણ પેલા લોકોની કાર્બન કોપી જ છે. જેનાથી આપણે બચતા રહ્યા! 

નીકળ્યો’તો માણસોને શોધવા,

દાઢી, ચોટી ને તિલક, ટોપી મળી.

આ શેરમાં કવિ સુંદર વાત કહી જાય છે કે, મિત્રતા માટે મારે માણસ જોઈએ પણ આ દુનિયામાં તો કોઈ દાઢીવાળો મુસ્લિમ, કોઈ ચોટી અને તિલકધારી બ્રાહ્મણ તો કોઈ ટોપીધારી રાજકારણી મળે છે. બોલો હવે દોસ્તી કેમ કરવી? કોની સાથે કરવી? અને મિત્રતાની એ મિરાત વગર તો જીવવું કપરું બની જાય. એટલે શોધ તો ચાલુ જ રહે પણ જાણે પુરી ના થાય. એમ કરતાં કરતાં ઘટતી જતી જિંદગી એ પડાવ પર આવીને ઉભી રહે, જ્યાં સૌ સગા સંબંધીઓ પોતાનાં કામમાં, પોતપોતાના સંસારમાં વ્યસ્ત હોય. ત્યારે આપણા એ સૌ સાથીઓની ગેરહાજરી, ‘બિછડે સભી બારી બારી’ જેવી વાસ્તવિકતા સાથે, આપણી  સામે મોં ફાડીને ઉભી રહી હોય ત્યારે કેવી કરૂણતા સર્જાય છે! પહેલાં દરેક વખતે ખુટી પડતો અને હંમેશાં ભાગતો રહેતો સમય પણ હવે જાણે સ્થગિત થઈ જાય છે. અને સમય વ્યતીત કરવો સજા રૂપ લાગે છે. મનના આ ભાવને આ શેરમાં ચોટદાર રીતે રજુ કરવામાં આવ્યો છે. 

હું ખલીલ એવા સમયમાં છું હવે,

જ્યાં સદી કરતાંય ક્ષણ મોટી મળી.

સાચે જ આવી એકલતામાં  તો એક એક ક્ષણ, જાણે સદી કરતાંય લાંબી લાગે છે. અને ત્યારે પસાર ન થતા સમયને, મારવો પડે છે! 

મિત્રો, છે ને મઝાની વાત! આપણાં મનમાં ઉભરાતી આવી વાતોને કવિ એક જ ચોટદાર શેરમાં શણગારીને મુકી દે છે. અને એ જ તો કમાલ છે ખલીલ સાહેબની!

આવી જ મઝાની ગઝલ લઈને મળીશું આવતા અંકે. ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. નમસ્કાર. 

રશ્મિ જાગીરદાર

સંસ્પર્શ-૧૫ -જિગીષા દિલીપ

jigisha -સંસ્પર્શ -youtube

યાજ્ઞસેની,પાંચાલી,અગ્નિકન્યા,કૃષ્ણા….જેવા અનેક નામોથી આપણે જેને ઓળખીએ છીએ તે દ્રુપદની પુત્રી ,સાક્ષાત અગ્નિમાંથી પ્રગટેલી ,પાંચ પાંડવોની પત્ની ,ઈન્દ્રપ્રસ્થની સામ્રાજ્ઞી ,બુધ્ધિ અને સુંદરતામાં સર્વશ્રેષ્ઠ એવી દ્રૌપદીનાં નામ અને ગુણોથી કોણ અપરિચિત હોય? પરતું ધ્રુવદાદાએ તેમની અગ્નિકન્યા નવલકથામાં આપણને દ્રૌપદીનાં એક અણજાણ નામનો પરિચય કરાવ્યો છે તે છે મુક્તકેશા. મને આ નામની ખબર નહોતી ,મિત્રો તમે આ નામ જાણતાં હતાં? દ્રૌપદીના આ નામ સાથે દ્રૌપદીનાં જન્મથી લઈને તેનાં વિરગતિ સુધીનાં જીવનને ધ્રુવદાદાએ પોતાની રીતે કલ્પી,દ્રૌપદીનાં ચરિત્રનું નિર્માણ શા માટે થયું હશે ?તેનું સુંદર કલ્પન આ નવલકથામાં કરી દ્રૌપદીનાં સ્ત્રીપાત્રને એક નવીજ ઊંચાઈએ લઈ ગયા છે.

દ્રૌપદીનાં પાત્રને વર્ણવતાં મહાભારતની કથાનાં કેટલાંક અંશોનું વર્ણન પણ કર્યું છે. અનેક જીવનઉપયોગી સંવાદો દ્વારા જીવન સત્યોને રજૂ કરતાં નવલકથાને એક નવો આયામ આપ્યો છે. નવલકથાની શરુઆતમાં જ ઋષિ ઉપાયાજ અને દ્રુપદનાં સંવાદમાં જ્યારે દ્રુપદરાજા ઋષિને પુત્રકામેષ્ટિ યજ્ઞ કરાવવા માટે આમંત્રણ આપે છે ત્યારે ઋષિ ઉપાયાજ ખૂબ સરસ વાત કરે છે કે” સંતતિ અને સંપત્તિ વહાલાં ભલે લાગે. પરતું સુખનું નિર્માણ બંનેમાંથી એક પણ કરી શકે નહીં. સુખની શરુઆત ઇચ્છાની પૂર્ણાહુતિથી જ થાય છે.” 

આમ કહી ધ્રુવદાદાએ આપણને કેટલી મોટી વાત સમજવાનું કહ્યું છે કે સુખ કયાંયથી મળતું નથી. તમારી ઇચ્છાની પૂર્ણાહુતિ જે દિવસે થઈ જાય પછી સર્વત્ર સુખ જ છે.સૌ દુ:ખોનું મૂળ જ ઈચ્છાઓ છે.ઉપાયાજ ઋષિ યજ્ઞ કરાવવા માટે આવવાની દ્રુપદરાજાને ના પાડે છે અને કહે છે ,” યજ્ઞ તો જીવમાત્રનાં કલ્યાણ અર્થે કરાય. સ્વાર્થી હેતુ માટે રાજાઓ યજ્ઞ કરાવશે ત્યારે ધર્મ વિલીન થઈ જશે.” આમ કહી ધ્રવદાદાએ યજ્ઞ શા માટે થવા જોઈએ અને સ્વાર્થી હેતુથી થતાં યજ્ઞોથી ધર્મ વિલીન થાય છે એવો ગર્ભિત સંદેશ પણ આપી દીધો છે.

ધ્રુવદાદાનો આ એક વિચાર પણ મને ખૂબ ગમ્યો કે જે તેમણે શ્રીકૃષ્ણ અને દ્રૌપદીનાં સંવાદ થકી મૂક્યો છે. કૃષ્ણ દ્રૌપદીને કહે છે,” કેટલાક માનવીઓ ચોક્કસ કાર્ય માટે જન્મ લેતા હોય છે. તેમને અંગત લાગણીઓ અને ગમા અણગમાને અવગણીને પણ આનંદથી જીવવું પડે છે; અને દ્રૌપદી ,કદાચ તમે પણ એમાંના એક છો, જેમની આર્યાવર્તને અત્યારે ખૂબ જરૂર છે.”

આમ આ સંવાદ રચી દાદાએ દ્રૌપદીનું પાત્ર એક ખાસ હેતુ સર વ્યાસમુનિએ રચ્યું છે, અને એક સ્ત્રીનાં પાત્રનું વિશિષ્ટ હેતુ માટે સર્જન થયું છે તેમ સૂચવ્યું છે.દ્રૌપદીનાં પાત્ર દ્વારા જગતની દરેક સ્ત્રીને સમજાવવામાં આવ્યું છે કે જીવનમાં આવતાં અનેક કષ્ટો,યાતનાઓ,દુ:ખો સહન કરીને પણ સ્ત્રી સોનાની જેમ ચળકતી અને ચમકતી રહી બીજાની જિંદગીને,આભૂષણ બની ચમકાવી શકે છે ,ભલેને તેને માટે તેને અગ્નિમાં જલવું પડે.એટલે જ કૃષ્ણ પણ દ્રૌપદીને કહે છે,” તમે સ્ત્રી છો અને સમર્થ છો જ,કૃષ્ણ અને કૃષ્ણામાં તાત્વિક રીતે કોઈ ભેદ નથી. પ્રશ્ન માત્ર શ્રદ્ધાનો છે.”

આમ ધ્રુવદાદાએ તેમની અગ્નિકન્યા નવલકથામાં દ્રૌપદીનાં પાત્રને ખૂબ વિશિષ્ટ રીતે આલેખી ,હંમેશની જેમ સ્ત્રી પાત્રની મજબૂતાઈ દર્શાવી નારીનાં ગૌરવને બિરદાવ્યું છે. સાથે સાથે ધ્રુવદાદાએ વ્યાસમુનિનાં દ્રૌપદીને ઉદ્દેશીને કહેવાએલ સંવાદમાં ,દ્રૌપદીનાં પાત્રને શીરે કેટલી મોટી જવાબદારી છે તેનું પણ સરસ આલેખન કર્યું છે.વ્યાસ મુનિ દ્રૌપદીને કહે છે,” પાંચે પાંડવો એક તંતુએ બંધાઈ રહે તેમાં આર્યાવર્તની પ્રજાનું હિત અમે જોયું છે. પાંચે જણા જુદુંજુદું વ્યક્તિત્વ ધરાવે છે અને પાંચે જણા અપ્રતિમ છે. એમને બાંધી રાખવાનું કામ આ જગતમાં ફક્ત બે જ જણ કરી શકે તેમ છે એક તારી સાસુ,જે હવે વૃધ્ધ થયાં છે અને બીજી પાંચાલી તું.તારા માથે ઘણો બોજો છે. પાંચેય પાંડવો સળગતા અંગારા જેવા છે. તે ક્યારેય બુઝાય નહીં એ તારે જોવાનું છે.ફક્ત તું જ એ કરી શકીશ.” 

દાદાએ દ્રૌપદીનાં પાત્રની જવાબદારી એક જ સંવાદમાં સમજાવી તેના પાત્રને અદ્ભૂત ગૌરવ

બક્ષ્યું છે.નવલકથાની આગળની વાત આવતા અંકે,પરતું આ સાથે યાદ આવેલ ધ્રુવગીત તો માણીએ…

કહે માર્ગ ક્યાં જઈશ પૂછ્યા વગર બસ અમે ફક્ત ચાલ્યે જશું જિંદગીભર

અહીં ઊગશે દશગણું એમ ઈચ્છયા વગર હેત વાવ્યે જશું જિંદગીભર

અમે જિંદગીના ખભે ટેકવીને ઘણી દર્દભીની પળો રોઈ લીધી 

પરતું પ્રતિક્ષણ પ્રતિજ્ઞા ધરી કે સમયને હસાવ્યા જશું જિંદગીભર

કરો કલ્પના કોઈ અધરાત લઈને અતિથિ તમારે ઘરે પણ પધારે

તમે દ્વાર ખોલી મૂઠીભર ધરો છો તો તે પર ચલાવ્યે જશું જિંદગીભર

ન રેશમ ખાદી ન ભગવું ન ધોળું ન કંથા સમું કંઈ સ્વીકારી શક્યો હું

મને વસ્ત્રમાં કોઈ ઓળખ જડી નહીં કે બેસીને રંગ્યે જશું જિંદગીભર

ભલે ને સનાતન નથી જિંદગી પણ અમારું સનાતનપણું છે સલામત

ફરી કોઈ જન્મે મળો’નું નિમંત્રણ હસીને સ્વીકાર્યે જશું જિંદગીભર

મને પર્વતોના શિખર પર મળે તું પછી તું મને સાવ સન્મુખ નિહાળે

ફરક બેઉનાં દર્શનોમાં હતો શું તે બન્ને વિચાર્યે જશું જિંદગીભર

કોઈપણ જાતની કોઈના તરફથી આશા કે અપેક્ષા વગર હસતાં હસતાં હેત વહેંચીને જિંદગી જીવવાની સુંદર વાત કરતું ધ્રુવગીત આપણને પણ અપેક્ષા ,ઈચ્છા વગર સૌને પ્રેમ કરતાં કરતાં જીવન જીવવાની શીખ આપી જાય છે.

જિગીષા દિલીપ

૪થી મેં ર૦૨૨

હેલીના માણસ – 15 | જીવન એક ચકડોળ 

નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર આપ સૌનું અભિવાદન કરું છું.

‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ -15 એની 14મી ગઝલ અને રસાસ્વાદ. 

આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર.  સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા

 

ગઝલ 

કાચના મહેલોમાં કાગારોળ છે,

પથ્થરોની આંખ પણ તરબોળ છે.

 

કલ્પના સુંદર હતી, રૂડી હતી,

વાસ્તવિકતા કેટલી બેડોળ છે!

 

રાતદિ’ ચાલું છું ત્યાંનો ત્યાં જ છું,

મારું જીવન જાણે કે ચકડોળ છે!

 

મારા દિલમાં જીવતી ચિનગારીઓ,

એની આંખોમાં નર્યો વંટોળ છે.

 

કોણ એનું રૂપ બદલે, શી મજાલ?

આ તો મારા ગામની ભૂગોળ છે.

 

ઘાણીએ ફરતો બળદ અટકી જશે,

એને ના કહેશો કે પૃથ્વી ગોળ છે.

– ખલીલ ધનતેજવી

 

રસાસ્વાદ 

આપણે ચકડોળમાં બેસીએ ત્યારે આપણી એ સફરમાં અંતર તો કપાતું જ હોય છે. જેમ ઘાંચીની ઘાણીએ, તેલીબિયાં પિસવા માટે બળદ, એકની એક પરીઘ પર સતત ગોળ ફરતો રહે છે તેમ. ઘણીવાર તે આખો દિવસ ફરતો રહે છે. ઘણું અંતર ચાલી નાખે છે. પણ શું તે સ્થળેથી આગળ વધે છે? તે તો ફરી ફરીને પાછો ત્યાં જ આવે છે જ્યાંથી, તેણે ચાલવાનું શરૂ કર્યું હોય. કોઈ ગંતવ્ય સ્થાને પહોંચવાનું નક્કી કર્યા વિના ચાલવું કે, કોઈ લક્ષ્ય ધાર્યા વિના દોડવું, કેટલું વ્યર્થ છે. એની સમજ આપવા માટે આનાથી વધુ બંધબેસતું ઉદાહરણ બીજું ભાગ્યે જ મળે. 

ક્યારેક આપણને એવો વિચાર જરૂર આવી જાય કે, ભવ્ય આવાસોમાં રહેનાર કેવીરીતે રહેતા હશે? કેટલા સુખી હશે! દુઃખ તો ત્યાં ડોકીયું પણ નહીં કરતું હોય. અને તે વિશેની કલ્પનાઓ પણ મનમાં ઉદ્ભવતી હોય છે. અને કલ્પના કરવામાં તો કંજુસાઈ કેવી? આવામાં ઘણીવાર ધારણાઓ એટલી બધી ઊંચી થઈ જાય છે કે, જ્યારે ત્યાં પહોંચીને જોઈએ અને વરવી વાસ્તવિકતાના દર્શન થાય ત્યારે  આપણને આશ્ર્ચર્ય થાય. એ મહાલયમાં રહેનારને એમના પોતાના પ્રશ્નો હોય છે, તકલીફો હોય છે, પોતાનાં દુઃખો હોય છે. તે બધું જોઈને એ કાચના મહેલના પથ્થરો પણ જાણે રડી ઉઠે છે. અને આવી કડવી વાસ્તવિકતાથી દ્રવી ઉઠેલું આપણું દિલ પણ કવિની સાથે જ જાણે બોલી ઉઠે છે. 

કલ્પના સુંદર હતી, રૂડી હતી,

વાસ્તવિકતા કેટલી બેડોળ છે!

બીજી એક વરવી વાસ્તવિકતા પણ અહીં ઉલ્લેખનીય છે. ચુંટણી ટાણે ઉભેલા તમામ પક્ષના સભ્યો, પોતે ચુંટાશે તો દેશનો અને દેશવાસીઓનો ઉધ્ધાર કરવા, શું શું કરશે તેના કેટકેટલાં વચનો આપે છે. પ્રજાનું જીવન અને દેશની ભુગોળ ફેરવી નાખવાની વાતો દરેક પક્ષ પોતપોતાની રીતે કરે છે પણ પછી શું હારેલો પક્ષ કે શું સત્તાધારી પક્ષ સૌ નિરાંતે આરામ પર ઉતરી જાય છે અને ભુગોળ ત્યાંની ત્યાં જ રહી જાય છે. પ્રજા પણ જ્યાં હોય ત્યાં રહી જાય. છેવાડાના ગામોમાં તો કોઈ ફેર પડતો જ નથી. બધું જેમનુ તેમ જ રહે છે. કવિ આ શેરમાં કહે છે, 

કોણ એનું રૂપ બદલે, શી મજાલ?

આ તો મારા ગામની ભૂગોળ છે.

મન રૂપી એરણ પર ક્યારેક એવા ઉંડા ઘા પડી જાય છે કે, વરસોના વહાણાં પણ એ ઘાને રૂઝાવી શકતા નથી. અને એ હોલવાયા વગરની, જીવતી ચિનગારી બનીને દઝાડ્યા કરે છે. આવામાં કેટલાંક વિઘ્નસંતોષીઓ વંટોળ બનીને આવે છે અને આપણાં ઘાને શબ્દો દ્વારા કે વર્તન દ્વારા, ફરીથી દુઝતા કરી દે છે. હવા આપીને જાણે બળતા કરી દે છે. 

મારા દિલમાં જીવતી ચિનગારીઓ,

એની આંખોમાં નર્યો વંટોળ છે.

આ ગઝલમાં સજાગ થયા વગર, સમજ્યા વગર, સ્થળ નક્કી કર્યા વગર, દોડવું કેટલું વ્યર્થ છે! એ કેટલી સરળ રીતે ઠસાવી દીધું મનમાં! ખરુંને મિત્રો?

આવી જ મઝાની બીજી એક ગઝલ લઈને ખલીલ સાહેબની શેરિયતને માણીશું આવતા અંકે. ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. નમસ્કાર. 

રશ્મિ જાગીરદાર હેલીના માણસ – 14 | સનાતન સત્ય 

નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર આપ સૌનું અભિવાદન કરું છું.

‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ -14 એની 13મી ગઝલ અને રસાસ્વાદ. 

આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર.  સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા

ગઝલ

નવો મારગ મેં કંડાર્યો હતો ખુદ મારાં પગલાંથી,

ઘણી પગદંડીઓ ફૂટી પછી તો એ જ રસ્તાથી.

હશે, મારી ગઝલમાં ક્યાંક અંધારું હશે તો પણ,

ઘણા મિત્રોએ સળગાવ્યો છે દીવો મારા દીવાથી.

રદીફ ને કાફિયા સાથે ગજબની લેણાદેણી છે,

મને ફાવી ગયું છે વાત કરવાનું સહજતાથી.

કદી તેં હાંક મારી’તી ઘણાં વર્ષો થયાં તો પણ,

હજી ગૂંજું છું ઘુમ્મટ જેમ હું એના જ પડઘાથી.

ખલીલ, આ મહેફિલોમાં કાલ હું આવું કે ના આવું,

ફરક શું પડશે કોઈના અહીં હોવા ના હોવાથી.

– ખલીલ ધનતેજવી

રસાસ્વાદ :

માત્ર મનમાં ઈચ્છા કરીએ કે મારે જવું છે. અને પછી ઘરમાં જ બેસી રહીએ તો ક્યાંય જવાય ખરું? ના, એને માટે તો ક્યાં જવું છે તે નક્કી કરીને નિકળી પડવું જોઈએ. ઘર સાથે જોડાયેલા રસ્તા પર ચાલતા જઈએ તે પણ આપણાં ગંતવ્ય સ્થાનની દિશા પકડીને ચાલીએ ત્યારે એવું પણ બને કે, કેટલીક કેડીઓ નજરે પડે. એમાંની એક પણ કેડી પર ચાલવું હોય તો ચલાય. પણ તેને બદલે જો ખુદ ચાલીને, નવો રસ્તો કંડારીએ તો? કરી શકાય. હા, એને માટે હિંમત અને સાહસ જોઈએ. કાચાપોચાનું એ કામ નથી. નિરંતર થતી રહેતી નવી નવી શોધો વિશે વિચારીએ તો એ નવી શોધ કરનારની મહત્તા સમજાય. પછી તો એનો ઉપયોગ કરનારાં અનેક હોય. 

ખલીલ સાહેબની ગઝલો પણ અનેક ગઝલકારો માટે માર્ગદર્શક બની રહી છે. તેમની ગઝલો વાંચીને, સમજીને, નવોદિતો ગઝલની દુનિયામાં પગલાં પાડી શકે છે. તેમની ગઝલમાં રદિફ અને કાફિયાની પસંદગી ગજબની હોય! જાણે તેમને માટે રમત હોય તેવી સહજતાથી તેઓ આખી વાતને ઊંડાણથી રજુ કરે છે. સાદી વાત લાગતી હોય પણ તેમાં રહેલો ગુઢાર્થ શેરિયત બનીને આપણને ચોંકાવી દે.                     

મુશાયરામાં ગઝલ કહેવાની તેમની અનોખી અદા પણ આપણને માર્ગદર્શન આપે છે, તે વાત આપણે સૌ જાણીએ છીએ. જોઈએ આ શેર. 

હશે, મારી ગઝલમાં ક્યાંક અંધારું હશે તો પણ,

ઘણા મિત્રોએ સળગાવ્યો છે દીવો મારા દીવાથી.

આખી ગઝલમાં એકાદ શેર નબળો જણાતો હોય તેવી શક્યતા છે. પરંતુ એને નજરઅંદાજ કરીને ગઝલનો અભ્યાસ કરીએ તો ઘણું શીખવા મળે. ઘણીવાર તો આપણને કોઈએ કહેલી એકાદ વાત, મન પર એટલી ઉંડી અસર છોડે છે કે, વારંવાર એ પડઘાતી રહે અને એટલે કદી ભુલાય પણ નહીં. આમાંની કેટલીક વાતો એવી હોય જે આપણને પ્રગતિ કરવા પ્રોત્સાહિત કરે છે. આપણાં મનને હકારાત્મકતાથી ભરી દે. તો વળી કોઈએ કહેલી વાત આપણાં આત્મવિશ્વાસને ડગમગાવે એવી પણ હોય છે. તે આપણી પ્રગતિમાં અંતરાય રૂપ હોય  એટલું જ નહીં, તે ઘુમ્મટમાં પડતા પડઘાની જેમ મનમાં સતત ઘુમરાયા કરે છે. એટલે એવી વાતને ભૂલવી જેટલી અઘરી તેટલી જ જરૂરી હોય છે. ભૂલતાં પહેલાં તો તે મનને નિરાશાથી ઘેરી લે છે. આપણી વાતો અને વર્તનમાં પણ હતાશા સ્પષ્ટ દેખાય છે. અને કદાચ એટલે જ આવા શેર રચાઈ જતા હશે! કે, 

ખલીલ, આ મહેફિલોમાં કાલ હું આવું કે ના આવું,

ફરક શું પડશે કોઈના અહીં હોવા ના હોવાથી.

આ ગઝલના મક્તાના શેરમાં કવિ એક સનાતન સત્યનો નિર્દેશ કરે છે. ગમે તેવા મોટા શાયર હોય, મહેફિલો ગજવતા હોય, એટલે સુધી કે, તેમની રજૂઆત થાય પછી બીજા કોઈની રજુઆત કરવાની હિંમત પણ ના હોય, આવા આલા ગજાના શાયર પણ જ્યારે હાજર ન હોય ત્યારે? ત્યારે તો કવિ માની લે છે કે, આ ફાની દુનિયાને કોઈના હોવા કે, ના હોવાથી ક્યારેય કોઈ ફેર પડતો જ નથી. અને એટલે મહેફિલો તો રાબેતા મુજબ ચાલવાની, ચાલતી જ રહેવાની.  અહીં આપણને આ ગીત યાદ આવી જાય,ખરુને? 

મૈં પલ દો પલકા શાયર હું, પલ દો પલ મેરી કહાની હૈ, 

પલ દો પલ મેરી હસ્તિ હૈ, પલ દો પલ મેરી જવાની હૈ. 

મિત્રો, આપણું આ જગત, આપણું અસ્તિત્વ અને આપણાં સંબંધો બધું જ અનિશ્ચિતતાના અગમ ઘેરામાં છે તેનો અહેસાસ કરાવતી આ ગઝલ આપ સોને કેવી લાગી? બીજી એક અનોખી ગઝલ લઈને મળીશું આવતા અંકે. ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. નમસ્કાર. 

રશ્મિ જાગીરદાર 

હેલીના માણસ – 13 | આર્ટ ઓફ ગિવીંગ

નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર આપ સૌનું અભિવાદન કરું છું. ‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ -13 એની 12મી ગઝલ અને રસાસ્વાદ. 

આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર.  સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા.

 

ગઝલ :

જેટલી ફૂલોમાં રંગત છે, બધી તમને મળે,

ફૂલની માફક મહેકતી જિંદગી તમને મળે!

યાદ જ્યારે પણ તમે આવ્યાં, દુવા માગી છે મેં,

જે મારી કિસ્મતમાં છે એ પણ ખુશી તમને મળે!

રીતે મોસમ તમારું ધ્યાન રાખે દર વખત,

ક્યાંય પણ કૂંપળ ફૂટે ને તાજગી તમને મળે!

મેં તમારા માટે એવી પણ કરી છત પર જગ્યા,

ચાંદ મારી પાસે આવે ચાંદની તમને મળે

આપણે બંને પરસ્પર એવી ઇચ્છા રાખીએ,

દીવો મારા ઘરમાં સળગે રોશની તમને મળે!

જો તમારા પર ખુદાની મહેરબાની હોય તો,

એક ક્ષણ માગો અને આખી સદી તમને મળે!

એની સખીઓ જીદ કરે છે કે અમે પણ આવશું.

જો તમે ઇચ્છો ખલીલ એ એકલી તમને મળે!

– ખલીલ ધનતેજવી

 

રસાસ્વાદ:

પ્રાર્થના કરવી, એ એક ઉમદા કાર્ય છે. ઘણું ઉમદા! કોઈને દુવા આપવી એ પણ એટલું જ ઉમદા! આમાં તો બન્ને પક્ષે લાભ જ હોય છે. જેને માટે પ્રાર્થના કરીએ કે દુવા આપીએ તે તો પામે જ છે પણ ખુદ આપણે પણ જાણે ન્યાલ થઈ જઈએ છીએ! કશુંક આપ્યાનો આનંદ આપણા જહેનમાં ફેલાઈ જાય છે. જે અદ્ભુત હોય છે. આ ગઝલમાં ખલીલ સાહેબ ‘તમને મળે’ એ રદિફ લઈને કંઈ ને કંઈ આપવાનો ઇરાદો દર્શાવે છે. જેને માટે દુવાઓ કરવામાં આવે છે તે તો સાવ અજાણ્યાં છે, સખીઓના વૃંદથી ઘેરાયેલાં છે. સખીઓ તેમનો સાથ છોડે એમ પણ નથી. બસ, હવે માત્ર ઈચ્છા કરી શકાય કે, તે એકલાં મળે. પરંતુ એવી ઈચ્છા તો બન્ને પક્ષે રાખવામાં આવે ત્યારે વાત બને ને? દીવો એક ઘેર બળે ને તેનું અજવાળું બન્નેને મળે, એવું તો ક્યાંથી બને? એને માટે તો એક જ ઘેર કે એક જ સ્થળે બન્નેનું હોવું જરૂરી બને. એ શક્ય કરવાનું કવિના હાથમાં તો છે જ નહીં. હા, એવી દુવા ચોક્કસ કરી શકાય. અને હા, એક બીજી વાત, કોઈને આપણી વસ્તુ કે ધન આપવાનું હોય તો કેવું આપવું? કેટલું આપવું? જેવા પ્રશ્નો ચોક્કસ ઉદ્ભવે. કારણ કંઈ પણ આપવા માટે તે વસ્તુ પહેલાં આપણી પાસે તો હોવી જોઈએ અને તે પણ પ્રચૂર માત્રામાં, તો જ કોઈને આપવાનુ વિચારાય. પણ દુવા તો મન મુકીને અપાય, એમાં ક્યાં કંઈ લેવા જવાનું છે? એમાં વળી ઓછું શું આપવું? એટલે તો કવિ કહે છે, 

જેટલી ફૂલોમાં રંગત છે, બધી તમને મળે,

ફૂલની માફક મહેકતી જિંદગી તમને મળે!

ફૂલોમાં રહેલી સઘળી રંગત તમને મળે અને તમારી જિંદગી પણ ફૂલોની જેમ જ મહેકી રહે. જિંદગીમાં કોઈ તકલીફ ન રહે માત્ર ખુશીથી જીવન મહેક્યા કરે! આનાથી પણ આગળ વધીને કવિ એટલે સુધી કહી દે છે કે, મારા ભાગ્યમાં રહેલી ખુશી પણ તમને મળે! આ તો એક જાતનું બલિદાન થયું! માત્ર પોતાની જ હોય તે વસ્તુ આમ સરેઆમ દઈ દેવાનો વિચાર જ કેટલો બધો ઉમદા! તો વળી આ શેર, સ્વજનની કેટલી હદે કાળજી રાખવાની વાત કહી જાય છે. જોઈએ. 

એ રીતે મોસમ તમારું ધ્યાન રાખે દર વખત,

ક્યાંય પણ કૂંપળ ફૂટે ને તાજગી તમને મળે!

પોતે તો હરપળ સાથે ન હોય એટલે ધ્યાન ન રખાય પણ બદલાતી ઋતુ તો પ્રિય પાત્રની આસપાસ જ હોય, એણે કેવું ધ્યાન રાખવાનું? કે, ક્યાંય પણ કુંપળ ફૂટે ને હવામાં તાજગી ફેલાય એ સઘળી તમને મળે! વાહ, જુઓ તો ખરા! કેવી નિસ્બત! ભગવાનની એવી મહેરબાની થાય કે, તમે એક પળ માંગો ને આખી સદી તમને મળે. છત પર ચાંદ મારી પાસે ભલે આવે પણ ચાંદની તમને મળે! એ રીતે તમારી જગ્યા મારી આજુબાજુમાં જ ક્યાંક રહે અને તમે એ ચાંદનીથી વંચિત ના રહો! દિલમાંથી સતત વહેતું વ્હાલ આમ સતત પ્રિય સ્વજનનાં સુખ અને સલામતીની દુવા કરતું જ રહે છે. 

મિત્રો, આ ગઝલમાં ખલીલ સાહેબ આપણને ‘આર્ટ ઓફ ગિવીંગ’ આપવાની કળાની સમજ આપીને તેમાં મળતી ખુશીની વાતો લઈને આવ્યા છે. આપ સૌને તે માણવાની મજા ચોક્કસ આવી હશે. ફરીથી આવી જ મજેદાર ગઝલ લઈને મળીશું આવતા અંકે, ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો! 

નમસ્કાર. 

રશ્મિ જાગીરદાર

હેલીના માણસ | શ્વાસ પર પહેરો

નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર આપ સૌનું અભિવાદન કરું છું. ‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ -12 એની 11મી ગઝલ અને રસાસ્વાદ. 

આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર.  સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા.

ગઝલ

ઘર તો તારાથી ખરેખર ઘર થયું,

જે કશું ખૂટતું હતું સરભર થયું.

તેં મને ઓઢી લીધો લોહીલુહાણ,

તારું કોરું વસ્ત્ર પાનેતર થયું.

જિંદગીભર જાતને તડકે મૂકી,

એ પછી અજવાળું મુઠ્ઠીભર થયું.

શ્વાસ પર પહેરો બની બેઠી છે ક્ષણ,

જીવવું શ્વાસો ઉપર નિર્ભર થયું.

એકધારું ક્યાં જિવાયું છે ખલીલ,

કટકે કટકે પૂરું આ જીવતર થયું.

– ખલીલ ધનતેજવી

રસાસ્વાદ :

આપણે કેટલીક વાર જોતાં હોઈએ છીએ કે, ઘરની ગૃહિણી થોડાક દિવસ માટે કોઈ કારણસર ઘરથી દુર જાય તો ઘરમાં જાણે અવ્યવસ્થા ફેલાઈ જાય છે. કોઈ વસ્તુ તેનાં સ્થાને ના મળે. અરે ખાવાપીવાનાં ય ઠેકાણા ન રહે એવું બને. અને આવા સંજોગોમાં જ ગૃહિણીની ખરી કિંમત થાય. એવું લાગે કે મકાન તો છે પણ કશુંક જાણે ખૂટે છે. અને ફરીથી જ્યારે ઘરની સામ્રાજ્ઞીનું આગમન થાય ત્યારે બધું સરભર થઈ જાય અને ઘર ખરા અર્થમાં ઘર બની રહે. દરેક ઘરની ગૃહિણી પોતાના પતિની સઘળી તકલીફોમાં ખભેખભા મિલાવીને સાથ આપે છે. સુખદુઃખમાં ભાગીદાર બને છે. આંતરિક અને બાહ્ય ઘા ઝેલવામાં હારોહાર ઉભી રહે છે. આ સંબંધનું ઐક્ય એવું હોય છે કે, વાગે એકને તો દર્દ બીજાને થાય છે. ઘા એકને પડે અને લોહી બીજાને નિકળે છે. આવા તાદાત્મ્યને કારણે બન્નેને લાગે છે કે પોતે અધુરાં છે. પૂર્ણતા માટે જીવનસાથીનો સાથ જરૂરી છે. આ આખી ય વાત ખલીલ સાહેબ શેર દ્વારા ટુંકમાં પણ સચોટ રીતે કહી દે છે. 

ઘર તો તારાથી ખરેખર ઘર થયું,

જે કશું ખૂટતું હતું સરભર થયું.

મકનને ઘર બનવા માટે જે કંઈ ખૂટતું હતું તે તો સાથીના આવવાથી સરભર થયું અને ઘર ત્યારે જ ખરા અર્થમાં ઘર થયું. 

આમ સાથે રહીને જિંદગીની શરુઆત કરવી પણ ક્યાં સહેલી હોય છે? કેટલી વીસે સો થાય તેનું ભાન પણ ધીમે ધીમે જ થાય છે. અનેક અગવડો, ઢગલાબંધ આફતો અને ડગલે ને પગલે મુશ્કેલીઓનો સામનો કરવો પડે ત્યારે જઈને ક્યાંક સુખનો સૂરજ ઉગે છે! કવિ આ વાતને એવા ચોટદાર શેરથી સમજાવે છે કે વાત સીધી સમજાય છે. શેર જુઓ. 

જિંદગીભર જાતને તડકે મૂકી,

એ પછી અજવાળું મુઠ્ઠીભર થયું.

જીવન એ શ્વાસોની આવન જાવન જ છે. એ ચાલુ તો જીવતર અને નહીં તો પછી મરણ. અને હા આ શ્વાસની ગતિ પર એક ક્ષણનો જ પહેરો હોય છે ને? એ પળ જ નક્કી કરશે આપણી જિંદગીનું માપ! અને આ જિંદગી ક્યાં એમ સરળતાથી જીવાય છે. કદિ રાહત, કદિ આફત એમ કટકે કટકે માંડ જીવતર જીવાય છે. 

મિત્રો, આ ફાની દુનિયામાં જન્મ લઈ જીવન જીવવાની ઘટના કેવી અકળ અને ક્ષણભંગુર છે, તેના તરફ અંગુલિનિર્દેશ કરતી આ ગઝલ માણવાની મઝા આવી ને? ખલીલ સાહેબની આવી જ તેજદાર ગઝલ લઈને મળીશું આવતા અંકે, ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. નમસ્કાર. 

રશ્મિ જાગીરદાર

 

હેલીના માણસ – 11 / આત્મવિશ્વાસ 

નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર આપ સૌનું અભિવાદન કરું છું. ‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ -11 એની 10મી ગઝલ અને રસાસ્વાદ. 

આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર.  સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા.

 

ગઝલ

પગ નથી ધરતી ઉપરને આભ માથા પર નથી,

બેઉમાંથી કોઈનો પણ કબજો મારા પર નથી.

 

પગ પસારું છું હંમેશા હું મારી ચાદર મુજબ,

બોજ કંઈ મારી હયાતીનો આ દુનિયા પર નથી.

 

મર્દ છું, અશ્રુ વગર પણ રડતાં ફાવે છે મને,

જોઈ લો એકે ઉઝરડો મારા ચ્હેરા પર નથી.

 

આત્માને પણ સતત ઝળહળતો રાખું છું સદા,

રોશની માટે બધો આધાર દીવા પર નથી.

 

કેટલી એકલતા મારી ચોતરફ વ્યાપી ગઈ,

એક પણ ચકલીનો માળો મારા ફોટા પર નથી.

 

સો ટકા, ઘર બદલીને બીજે કશે ચાલ્યાં ગયાં,

ફૂલવાળો એમના ફળિયાના નાકા પર નથી.

 

મારી મંઝિલ તો હંમેશા હોય મારા પગ તળે,

હું ખલીલ અત્યારે અંતરિયાળ રસ્તા પર નથી.

– ખલીલ ધનતેજવી

 

રસાસ્વાદ :

આ ગઝલમાં કવિ પોતાની સાચી સુઝ અને સમજની વાતો કરીને કહી દે છે કે, હું મારી ચાદર પ્રમાણે જ પગ પસારું છું. મને જે મળે તેટલામાં ચલાવું છું. કદિ ય મારો કે મારા પરિવારનો બોજ બીજા કોઈ પર પડે તે મને સ્વિકાર્ય છે જ નહીં. કોઈ માનતું હોય કે, મને બીજા કોઈનો ટેકો છે એટલે હું ટકી રહ્યો છું તો ના, એવું હરગીઝ નથી. હું ખુદ મારા પગ પર મારા બળથી ઉભો છું. આ દ્રસ્ટાંતથી કવિ પોતાના પર ઉપકાર જતાવનારને પણ સમજાવી દે છે કે, હું તમારે સહારે જીવું છું એમ માનતા હો તો ભુલી જજો. 

 

સામાન્ય રીતે એવું કહેવાય છે કે, સ્ત્રીઓનું શસ્ત્ર આંસુ છે. તે પોતાનું દુઃખ આંસુ રૂપે

વહાવીને હળવી બને છે, ક્યારેક પોતાની વાત આંસુથી મનાવડાવે છે. પુરુષને પણ દુઃખ તો થતું જ હોય છે, તેનુ હ્રદય રડતું હોય છે પરંતું તે આંસુનો સહારો ક્યારેય નહીં જ લે. તેના ચહેરા પર આંસુના ઊઝરડા ક્યારેય જોવા નહીં મળે. આ સમજાવતો શેર જોઈએ. 

 

મર્દ છું, અશ્રુ વગર પણ રડતાં ફાવે છે મને,

જોઈ લો એકે ઉઝરડો મારા ચ્હેરા પર નથી.

 

પોતાની જરૂરિયાતોને પહોંચી વળવા અથવા અણધારી આફતના સમયના પડકારને પહોંચી વળવા કવિની તૈયારી છે. કોઈની મદદની અપેક્ષા રાખી જ નથી. અહીં એક સરસ ઉદાહરણથી સમજાવે છે કે, ઉજાસ માટે મને દીવા વગર નહીં ચાલે તેવું કોઈ બિલકુલ ના માને કારણ કે, મેં તો મારી સુઝબુઝથી આત્માને ઝળહળતો રાખ્યો છે એનાથી જ મારો માર્ગ ઉજાળતો રહું છું અને મારી સફર કરતો રહું છું. 

કવિ એક શેરમાં સુંદર દ્રશ્ય અંકીત કરે છે. પોતે જેને મળવા કાયમ જતા તેની ગલીના નાકે ઉભેલા ફૂલવાળા પાસે ગજરો ખરીદીને મનના મીતને ખુશ કરી દેતા પણ એક દિવસ કવિ ગયા તો ત્યાં ફૂલવાળો જ નહોતો. કવિને ખાત્રી થઈ ગઈ કે, નક્કી એમણે ઘર બદલ્યું હશે. તેમને ફાળ પડી. એકલતા તેમને ઘેરી વળી. એવી કારમી એકલતા કે, હતાશામાં ધકેલાઈને તે વિચારે છે, હું કેટલો એકલવાયો! એટલે સુધી કે, મારા ફોટા પર ચકલીએ માળો સુધ્ધાં નથી બાંધ્યો! પણ પછી સાવ ભાંગી પડવાને બદલે પોતે આત્મવિશ્વાસ ઉભો કરે છે અને જાણે પોતાની જાતને જ કહે છે, હું કંઈ એવા અંતરિયાળ રસ્તે નથી ઉભો જ્યાંથી મારી મંઝિલ સુધી પહોંચી ન શકું અને એમણે બદલેલા ધરને શોધી ન શકું. હું એવો લાચાર હરગીઝ નથી. કોઈ રોજ નોકરીએ જતું હોય અને એક દિવસ એ જાય ત્યારે જાણવા મળે કે, નોકરી છુટી ગઈ છે! ત્યારે નવી નોકરી શોધવા માટે આવો જ આત્મવિશ્વાસ હોવો જોઈએ. અહીં આપણને એક વાત સમજાય છે કે, આપણાં પગલાં હંમેશા મંઝિલ તરફ મંડાય તે રીતે ચાલીએ તો ત્યાં પહોંચવું સરળ બની રહે. જો ચાલવાનું હોય જ તો યોગ્ય દિશામાં કેમ નહીં? આ જ વાત વિશાળ ફલક પર વિચારીએ તો ઈચ્છિત લક્ષ્ય પ્રાપ્ત કરવા મહેનત કરો કે, કમર પણ કસો તો યોગ્ય માર્ગે, યોગ્ય રીતે કરવી પડે. જવું હોય મુંબઈ અને દિલ્હી જતી ગાડીમાં બેસીએ તો? એના જેવું! 

મિત્રો, પોતાની તમામ તફલીફોને, અને એકલતાના દુઃખને પોતાના પર હાવી ન થવા દેતાં આત્મવિશ્વાસથી મંઝિલ તરફના પ્રયાણને ગતિમાં રાખવાની સમજ આપતી આ ગઝલ આપને ગમી હશે. હવે પછી કોઈ નવા જ મિજાજની ગઝલ લઈને મળીશું આવતા અંકે, ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો મસ્ત રહો ખુશ રહો. નમસ્કાર. 

રશ્મિ જાગીરદાર

હેલીના માણસ – 10 । કૂપમંડુકતા

નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર આપ સૌનું અભિવાદન કરું છું. ‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ -10 એની 9મી ગઝલ અને રસાસ્વાદ. 

આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર.  સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા. 

 

ગઝલ :

લય  વગર,  શબ્દો વગર,  મત્લા  વગર, 

હું  ગઝલ  લખતો  રહ્યો   સમજ્યા વગર. 

 

તેં    તો    તારો   છાંયડો    આપ્યો   મને, 

હું   જ   ના   જંપી  શક્યો   તડકા   વગર. 

 

કેદ છું ભીંતો વગરના ઘરમા હું, 

સંત્રી  પણ   ઊભો    છે  દરવાજા  વગર. 

 

સરહદો     સૂની      હશે      તો    ચાલશે, 

શ્હેરમાં    ચાલે    નહીં    પહેરા      વગર. 

 

મોરને    કો’    બાજપક્ષી     લઇ      ગયું, 

સીમ   સૂની     થઇ   ગઇ    ટહુકા  વગર. 

 

કોક     દિ’     દીવો    પવન   સામે   મૂકો, 

કોક  દિ’  ચલાવી  લો  અજવાળા   વગર. 

~ ખલીલ ધનતેજવી

 

રસાસ્વાદ :

કેટલીક વાર આપણાં રોજબરોજના વ્યવહારમાં અમુક સગવડોની એવી ટેવ પડી જતી હોય છે અને એ જીવન સાથે એટલી હદે વણાઈ જાય છે કે, પછી તેના વગર જાણે ચાલે જ નહીં! શહેરની આધુનિક બધી જ સગવડો સાથે રહેવાની ટેવ હોય તેને જો ક્યારેક નાના ગામમાં જવાનું થાય તો તેને બિલકુલ ફાવતું નથી. તે અકળાઈ જશે અને ત્યાંથી નિકળી જવાનું વિચારશે. ખલીલ સાહેબની આ ગઝલમાં તેમણે ‘વગર’ શબ્દને રદિફ તરીકે અને આકારાંત કાફિયા લઈને વાસ્તવિક જીવનમાં બનતી ઘટનાઓ પર ક્યાંક શીખ આપી છે તો ક્યાંક વ્યંગ કર્યો છે. આપણે જોયું તેમ સુખ સગવડમાં રહેનારને જેમ તેના વગર નથી ફાવતું તેમ અગવડમાં કે અછતમાં રહેવા ટેવાયેલાં હોય તેમને વધુ પડતી સગવડો પણ માફક નથી આવતી. રોજ સુકો રોટલો ખાઈને જમીન પર સુવા ટેવાયેલાં હોય તેમને ખાવા માટે પાંચ પકવાન અને સુવા માટે છત્રપલંગ આપો તો તે મુંઝાઈ જશે. કવિ પોતાની વાતને સરળ શબ્દોમાં પણ ઉમદા ઉદાહરણથી સમજાવે છે કે, 

તેં    તો    તારો   છાંયડો    આપ્યો   મને, 

હું   જ   ના   જંપી  શક્યો   તડકા   વગર. 

ભર તડકે આખો દિવસ મજુરી કરનારને છાંયડામાં જાણે પ્રતિકૂળતા અનુભવાય છે. આ જ વાતને વિશાળ ફલક પર વિચારીએ તો ઈશ્વરે તો તમામ ઉમદા રસ્તાઓ પર ચાલવાની સગવડ આપી છે પણ દરેક જણ પોતાની હેસિયત પ્રમાણે જ રસ્તો પસંદ કરીને ચાલશે. ટુંકમાં પોતાને જે ફાવે તે જ પરિસ્થિતિમાં રહેવા મન બનાવી લેવું શું યોગ્ય છે? અહીં આપણને ‘કૂપમંડુકતા’ યાદ આવે. કુવામાં રહેતા દેડકાને વિશાળ નદીના પટમાં મુકવામાં આવે તો? તો શું થાય ખબર છે? તે પોતાના કુવા જેટલા જ ભાગમાં ફર્યા કરશે અને એવું માનશે કે, આ જળાશય કુવા જેટલું જ છે! અથવા તો કુવાથી મોટું કશું હોય જ નહીં. કેટલીક વાર આપણે પણ આપણાં જ્ઞાનની સીમામાં ઘેરાઈને માની બેસીએ કે, આ જ્ઞાાનથી વધારે કશું હોઈ જ ના શકે. જો કોઈ કહે કે, ગઝલ લખવા માટે હું લય, મત્લા, કાફિયા, રદિફ એવી માથાકૂટમાં નથી પડતો પણ હું તો ખૂબ લખું છું એટલે હવે એવી ફાવટ આવી ગઈ છે કે, જે લખું તે ગઝલ બની જ જાય છે. શું આમ સમજ્યા વગર ગઝલ લખાય ખરી?  

કવિ કહે છે કે, ક્યારેક આદતોને નેવે મુકીને કંઈક નવું કરવા પ્રયાસ કરવો જોઈએ. કેવું સુંદર ઉદાહરણ! 

કોક     દિ’     દીવો    પવન   સામે   મૂકો, 

કોક  દિ’  ચલાવી  લો  અજવાળા   વગર.

કાયમ બસ પ્રકાશમાં જ રહેવું શું જરૂરી છે? ક્યારેક સળગતા દિવાને પવનમાં મુકો, હવે તે હોલવાઈ જશે. એ પછી અજવાળા વગરના માહોલને પણ માણતાં શીખો. સેન્ટ્રલ એસીવાળા, સુખ સગવડયુક્ત બંગલાને છોડી ક્યારેક સમુદ્રતટે કે પહાડો પર ઘુમવા નિકળી પડવું જોઈએ અને એમાં રહેલી મઝાને માણવી જોઈએ. કવિ ‘વગર’ શબ્દનો રદિફ તરિકે ઉપયોગ કરીને કેટલાક સુંદર વ્યંગોની રચના કરે છે તે જોઈએ. તેઓ કહે છે, હું ભીંત વગરના ઘરમાં રહું છું પણ દરવાજે સંત્રી જરૂર હોવો જોઈએ! બોલો હવે જે ઘર ખુલ્લું જ છે તેમા વૉચમેનની શી જરૂર! . દેશની સરહદો પર પહેરો નહીં હોય તો ઠીક છે પણ મારા શહેર ફરતો પહેરો હોવો જોઈએ. કારણ? શહેર સલામત રહે તો હું પણ સલામત! આ બન્ને વ્યંગાત્મક ઉદાહરણો માનવીના વિચિત્ર સ્વભાવનો નિર્દેશ કરે છે. મોર જેવો પક્ષીઓનો રાજા પોતાના ટહુકાઓથી સીમને લીલીછમ રાખતો હોય છે તે જો હણાઈ જાય તો સીમ સુની પડી જાય! તે જ રીતે જેની કાળજી, ચીવટ, અને દુરંદેશીથી ઘર, શહેર, રાજ્ય કે દેશ સુખી અને સમૃદ્ધ હોય તેની ઉપસ્થિતી આવશ્યક છે. નહીં તો અંધાધુંધી ફેલાઈ શકે. 

મિત્રો, કુપમંડુકતા ત્યજીને જ્ઞાનના બહોળા સાગરમાં મહાલવાની શીખ આપ સૌને જરૂર ગમી હશે. તો વળી રદિફ, કાફિયા અને મત્લાના જ્ઞાન વગર ગઝલ લખવાની વાત લઈને બનેલો શેર આપણને રમુજ કરાવી ગયો, ખરુંને? આવી જ બીજી ગઝલને માણીશું આવતા અંકે ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો. નમસ્કાર. 

રશ્મિ જાગીરદાર 

તા. 28 માર્ચ 2022  

 

હેલીના માણસ – 9 | તક મળે તો! 

હેલીના માણસ – 9 | તક મળે તો! 

નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર આપ સહુનું અભિવાદન કરું છું. ‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ-9 એની 8મી ગઝલ અને રસાસ્વાદ. 

આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર.  સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા. 

ગઝલ

લે, આ મારી જાત ઓઢાડું તને,

સાહેબા ! શી રીતે સંતાડું તને.

તું ભલે દિલમાં રહે કે આંખમાં,

ક્યાંય પણ નીચો નહિ પાડું તને.

કાંઈ પણ બોલ્યા વગર જોયા કરું,

મૌનની મસ્તીથી રંજાડું તને.

તું નહિ સમજી શકે તારી મહેક,

લાવ કોઈ ફૂલ સૂંઘાડું તને.

હૂબહૂ તારી જ લખવી છે ગઝલ,

તક મળે તો સામે બેસાડું તને.

તેં નિકટથી ચંદ્ર જોયો છે કદી ?

આયનો લઈ આવ દેખાડું તને !

ઘર સુધી તું આવવાની જીદ ન કર,

ઘર નથી, નહિતર હું ના પાડું તને !

ખલીલ ! આકાશને તાક્યા ન કર,

ચાલ છત પર ચંદ્ર દેખાડું તને !

ખલીલ ધનતેજવી

રસાસ્વાદ –

કોઈ એવો મુફલિસ હોય જેને મિલકત ન હોય, ઘરબાર પણ ન હોય, બીજાં કશાં ઠેકાણાં ય ન હોય, છતાં તેની પાસે પણ દિલ તો હોય જ ને? અને દિલ તો આખિર દિલ હૈ. એ તો કોઈ પર આવી પણ જાય! એને થોડી ખબર હોય કે, કોના પર અવાય અને કોના પર નહીં? જેના પર એ મુફલિસનું દિલ આવી જાય તે વ્યક્તિ સાવ પોતાની લાગવા માંડે. એના પર થોડો માલિકી ભાવ પણ થઈ જાય. અને ત્યારે મનમાં થાય કે, મારા આ પ્રિયજનને મારા સિવાય કોઈ જોશે તે પણ મને મંજૂર નથી. તો તેને હું સંતાડી દઉં? પણ કેવીરીતે? એ પ્રેમનું અને પ્રેમીનું મુલ્ય તો મનમાં એટલું બધું છે કે, તેને  ક્યાં તો આંખોમાં રખાય કે પછી દિલમાં! આડે અવળે એને ન મુકાય, તો વળી એને સંતાડવા એવું કશું ઓઢાડવાનું સાધન પણ પોતાની પાસે તો નથી, જે એને લાયક હોય! ત્યારે મનમાં થાય કે, મારી જાત સિવાય કશું મારી પાસે છે જ નહીં તો હવે જાત ઓઢાડીને જ એને સંતાડી દઉં! બીજું શું! 

પ્રિયજનને લઈને કંઈ કેટલાય અરમાનો અંતરમાં ઉદ્ભવે છે. સામે બેસીને કલાકોના કલાકો સુધી એને જોઈ રહેવાનું ગમે! અને આવી રીતે જોઈ રહે ત્યારે સામી વ્યક્તિને તો લાગે કે, હમણાં કંઈ પુછશે, હમણાં કંઈ બોલશે. પણ ત્યારે બિલકુલ બોલવાનું જ નહીં! મસ્તીથી મૌનમાં બેસી રહેવાનું, ભલેને તે અકળાય, ભલેને હેરાન થાય! એમના આગમનની જાણ તો પ્રવેશ સાથે જ વાતાવરણમાં પ્રસરી રહેતી મીઠી મહેકથી થઈ જાય. એને લીધે એક જાતની ખુશીની લહેર અનુભવાય પણ એ પોતે તો આ બધાથી અજાણ જ હોય. એમને તો જાણે આવી કોઈ મહેકની ખબર પણ નથી. તેમને ફુલ સુંઘે ત્યારે જ સુવાસ આવતી હશે! આ બધી વાતો કવિ આ શેરમાં કુશળતાથી ગુંથી લે છે. 

તું નહિ સમજી શકે તારી મહેક,

લાવ કોઈ ફૂલ સૂંઘાડું તને.

મનમાં એવું પણ થાય છે કે, એ જો સામે બેસે ને, તો સુંદર મઝાની એક ગઝલ લખવાનો ઈરાદો છે. અને એવી તકની શોધમાં છે ભાઈ સાહેબ. પણ પાસે બોલાવવા કોઈ બહાનું તો જોઈશે ને? એટલે શું કહે છે? છેક ઉંચા આસમાને તાકીને ચાંદ જોવાની શુ મઝા? ચાંદને એકદમ પાસેથી જોવો હોય તો, તું મારી પાસે આવી જા, આપણે હાથમાં અરીસો રાખીને તેમાં એકદમ નજીકથી ચાંદને સાથે બેસીને જોઈએ. અને એ તો સીધી વાત છે ને કે, સાંનિધ્યમાં ચાંદને નિહાળવાની મઝા જ કંઈ ઓર હોય છે!

આટલી ઓળખાણ પછી બન્ને વચ્ચે જાણે દોસ્તી જામી જાય છે. મળવાની ઉત્કંઠા બન્ને પક્ષે હાવી થઈ જાય છે. એટલે સાથે બેસીને અરીસામાં ચાંદ જોવા માટે એ કવિના ઘેર જવાની રજા માંગે છે. પણ કવિને તો ખબર છે કે, પોતાને તો ઘર જેવું કંઈ છે જ નહીં. એ ગમે તેટલી જીદ કરે પણ કરવાનું શું? એના જવાબમાં લખાયેલો આ શેર જોઈએ. 

ઘર સુધી તું આવવાની જીદ ન કર,

ઘર નથી, નહિતર હું ના પાડું તને !

કેટલી નિખાલસતાથી કહી દે છે. તું ઘેર આવવાની જીદ ના કર. કારણ કે, મારે તો ઘર જ નથી નહીં તો ના પાડું તને? હા એટલું થઈ શકે કે, કોઈ બિલ્ડીંગની છત પર પહોંચીને ત્યાંથી સાથે ચંદ્રદર્શનના બહાના હેઠળ સાંનિધ્યમાં રહેવાનો લાભ મળે. 

મિત્રો, મુફલિસી હોવા છતાં સ્નેહીજનને સામે બેસાડીને ગઝલ લખવાનો ઈરાદો તો છે પણ મિલન માટે જરૂરી એવું પોતાનું ઘર જ ના હોય ત્યારે સર્જાતી તકલીફો પણ કેવી હોય છે નહીં? આપ સૌને આજની આ ગઝલ ગમી હશે. આવી જ મઝાની બીજી એક ગઝલના ઉમદા શેરો અને શેરિયત માણીશુ આવતા અંકે. ત્યાં સુધી આપ સૌ ખુશ રહો. સ્વસ્થ રહો. નમસ્કાર. 

રશ્મિ જાગીરદાર

હેલીના માણસ – 8 | ખુમારી 

નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર આપ સહુનું અભિવાદન કરું છું. ‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ-8 એની 7મી ગઝલ અને રસાસ્વાદ. 

આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર. 

સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા. 


ગઝલ

હું ચહેરો ત્યાં જ છોડીને તને મળવા નહિ આવું,

કે દર્પણ તોડી ફોડીને તને મળવા નહિ આવું.

ખુમારી તો ખરેખર વારસાગત ટેવ છે મારી,

હું મારી ટેવ છોડીને તને મળવા નહિ આવું.

કહે તો મારું આ માથું મૂકી લાઉં હથેળી પર,

પરંતુ હાથ જોડીને તને મળવા નહિ આવું.

તું દરિયો છે, તો મારું નામ ઝાકળ છે, એ જાણી લે,

નદીની જેમ દોડીને તને મળવા નહિ આવું.

ટકોરા દઈશ, પણ દરવાજો તારે ખોલવો પડશે,

કોઈ દીવાલ તોડીને તને મળવા નહિ આવું.

ખલીલ ! આવીશ તો કે’ જે કે ઉઘાડેછોગ હું આવીશ,

હું માથામોઢ ઓઢીને તને મળવા નહિ આવું.

ખલીલ ધનતેજવી     

 

રસાસ્વાદ:

આપણો દેખાવ, સ્વભાવ, ટેવો, આપણી ખામીઓ, ખૂબીઓ, સંસ્કારો, આપણો દેહ, અસ્તિત્વ અને આત્મા આ બધાનો સમન્વય એટલે આપણે! કેટલીક વાર એવું બનતું હોય છે કે, કોઈ વ્યક્તિનો દેખાવ આપણને ગમે પણ સ્વભાવ બિલકુલ ન ગમે. પરિવારજનોની સાથે રહેવામાં પણ આ વાત સતત જોવામાં આવે છે. સાસુને વહુની બધી આવડત, હોંશિયારી ગમતી હોય પણ તેનામાં રહેલી એકાદ પણ ખામી ચલાવી લેવા સાસુ તૈયાર ન હોય. વહુનું સાસુ પ્રત્યેનુ વલણ અને અપેક્ષા પણ આવી જ હોય. હવે તો મોટે ભાગે સંયુક્ત પરિવારો ઓછાં થઈ ગયાં છે. પતિ અને પત્ની એકલાં જ રહેતાં હોય ત્યારે પણ સમશ્યાઓ તો સર્જાતી જ હોય છે. એનું કારણ પુછો તો એ જ કે, પરસ્પરનાં સમગ્ર અસ્તિત્વનો સ્વિકાર કરવો એ સહજીવનની પ્રાથમિક જરૂરિયાત છે. કોઈનું એક પાસું પણ ન સ્વિકારીને તે વ્યક્તિને પામવી અશક્ય છે. 

આ ગઝલમાં ખલીલ સાહેબ ‘ તને મળવા નહીં આવું’ એ રદિફ લઈને, કોઈ પ્રેમિકા મળવા માટે અમુક શરતો રાખતી હોય તેવું કલ્પીને, દરેક શેરમાં તેની બધી શરતો પોતે નહીં માને તે ખુમારીપુર્વક સ્પસ્ટ કરી દે છે. એટલે સુધી કહી દે છે કે,

કહે તો મારું આ માથું મૂકી લાઉં હથેળી પર,

પરંતુ હાથ જોડીને તને મળવા નહિ આવું.

‘મળવું’ એ તો પરસ્પરની માંગ છે, ઈચ્છા છે તો હું માથું હથેળીમાં લઈને તો આવી શકું પણ મિલન એ માત્ર મારી જ અપેક્ષા હોય તે રીતે માથું નમાવી ને કે હાથ જોડીને તને મળવા હરગીઝ નહીં આવું. 

હું મળવા આવું ત્યારે મને કોઈ જોઈ જશે એ બીક રાખીશ તે નહીં ચાલે. કે પછી પદ્માવતીની જેમ દર્પણમાં તારો દિદાર કરવાનો હોય તો પછી તને મળવા આવું ત્યારે ચહેરો ઘેર મુકીને આવું? કે, દર્પણ તોડીને તને મળવા આવું ?જો મારી તો કેટલીક વારસાગત ટેવો છે, જેમ કે, હાથ જોડવાનું મને નથી ફાવતું, છુપાઈને મળવાનું હરગીઝ નથી ગમતું. હું તો આવીશ તો ઉઘાડેછોગ આવીશ, આવીને તારા બારણે ટકોરા પણ મારીશ, ભલેને લોકો સાંભળે! અને તારે પણ છડેચોક દરવાજો ખોલવો પડશે. કારણ હું કંઈ દરવાજો કે દિવાલ તોડીને થોડો તને મળવા આવું? અને હા, નદીની તાસીર એવી છે કે, તે નિકળે ત્યારથી જ સાગરને મળવાના મનોરથ લઈને એવી રીતે પોતાનો માર્ગ બનાવતી જાય કે, છેવટે તે સાગર સુધી પહોંચી જાય અને સાગર બાહુ ફેલાવીને તેને સમાવી લે! પણ ઝાકળનું પાણી! એ તો સ્વતંત્ર! ઉડી જાય પણ સમુદ્રને મળવા ન દોડે. આપણું પણ એવું જ છે હં કે! 

મને તો એવું પણ લાગે છે કે, કવિ માત્ર પ્રેમિકા સાથે જ નહીં, ઈશ્વરની સાથે પણ  આવી બધી વાતો કરે છે. પોતાની ભક્તિ અને શ્રધ્ધાનો પુલ બનાવીને પ્રભુ સુધી પહોંચવાની તાલાવેલી તો છે જ પણ તેઓ પ્રભુને પણ જાણે પડકારે છે કે, તને પણ તારા ભક્તો વ્હાલા છે. તારે પણ તેમને મળવું જ હોય છે તો મામલો બરાબરનો થયોને? તો પછી મેં બનાવેલા શ્રધ્ધાના પુલ પર સામેથી તું પણ આવ ને! તો આપણે મળીએ. પણ હા, તું સમુદ્રની જેમ પોતાની જગ્યાએ જ ઉભો રહે અને હું નદીની જેમ તને પામવા રસ્તો કરતાં કરતાં દોડુ? એવું હોય તો હું તને મળવા નહીં આવું! બોલો છે ને ખુમારી! 

મિત્રો, આજની આ સુંદર દર ગઝલ અને નોકઝોક તમે ચોક્કસ માણી હશે. ખલીલ સાહેબની વઘુ એક ગઝલ પણ માણીશું હવે પછીના એપિસોડમાં. ત્યાં સુધી નમસ્કાર મિત્રો, આપ સૌ ખુશ રહો, તંદુરસ્ત રહો. 

અસ્તુ. 

રશ્મિ જાગીરદાર 

 

ગઝલના રસાસ્વાદનું વાચિક્મ : હેલીના માણસ – 8 | ખુમારી