સ્પંદન-15


હતાશા, નિરાશાના વાદળ છાયા,
થીજી ગયાં સ્પંદન સઘળાં, ખમૈયા કર
કાળના ખપ્પરમાં કિલ્લોલતા પરિવાર
ચીસ ધરબાઈ ગઈ દિલમાં, ખમૈયા કર
નયનોમાં સુકાયા શોણિતના અશ્રુ
વેદના બની કંપતો ચિત્કાર, ખમૈયા કર
પ્રાર્થું હે જગન્નિયંતા, ભૂલ માફ કર
બાળને તારી પાંખમાં લે, ખમૈયા કર.

એક તૂ ના મિલા, સારી દુનિયા મિલે ભી તો ક્યા હૈ…
ક્યારેક પ્રાણવાયુ માટે આ શબ્દો સાર્થક થશે એવી તો કોને કલ્પના હોય? ભૂત, ભવિષ્ય અને વર્તમાન આજે એક ક્ષણમાં પુરાઈ ગયાં છે અને એ ક્ષણ … એ ક્ષણ એ અંતર છે… પ્રાણ અને પ્રાણવાયુ વચ્ચેનું, હૃદય અને ફેફસાં વચ્ચેનું, વર્તમાન અને ભવિષ્ય વચ્ચેનું, માનવ અને ટેકનોલોજી વચ્ચેનું, માનવ અને માનવ વચ્ચેનું, સૂનકાર અને ધબકાર વચ્ચેનું. સામાન્ય માનવી -દર્દી હોય કે પરિવારનો સદસ્ય -આશા અને નિરાશાના વમળમાં સપડાયો છે. હવામાં છે … સાઈરનોની ગુંજ, શ્વાસ માટેની તડપન, અધીર આંખો અને ચિત્કાર …મચ્યો છે હાહાકાર.

…આ હાહાકાર….કદાચ ગઈકાલ સુધી આ દોડતી દુનિયાને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે આવું કઈં થઈ શકે. કાળા માથાનો માનવી શું ન કરી શકે એવા પ્રશ્નો વિચારસભાઓનું કેન્દ્ર હતા. સામાન્ય માનવી વિકાસના ફળ ચાખવાની પ્રતિક્ષામાં મગ્ન હતો. ટેકનોલોજી દરેક વસ્તુમાં કૌવત દેખાડી રહી હતી. વિશ્વના આર્થિક મંચો આર્થિક વિકાસદર હાંસલ કરવાના વિચારો અને ઠરાવોમાં મગ્ન હતાં. આકાશમાં જેટ વિમાનો અને સમુદ્રમાં જહાજો વચ્ચે વૈભવી ક્રુઝ જહાજો, માનવીઓથી ઉભરાતાં એરપોર્ટ અને બંદરો …અને વૈશ્વિકરણની ગ્લોબલ કલ્પનાઓ…આ બધું જ થંભી ગયું. બુલબુલના ગીતો બંધ થયાં અને … ફૂલો મુરઝાયાં.

આજ…વર્તમાન?… એમ્બ્યુલન્સની સાઇરનોની ગુંજ વચ્ચે હોસ્પિટલો હાંફી રહી છે…વિશાળ વ્યવસ્થાઓ પણ વિશાળ નથી તેની પ્રતીતિ સહુને થઈ રહી છે. પી પી ઇ કીટમાં રહેલા દેવદૂતો કહો કે ફ્રન્ટલાઈન વોરિયર્સ, સમગ્ર તબીબી જગત હાંફી રહ્યું છે.

ટેલિવિઝનના સમાચાર કે ફોન…જ્યાં જુઓ ત્યાં એક જ ટોન … લાચારી…નિરાશા… હતાશા..સંતાપ અને જિંદગી અને મોતની ખેંચતાણ…અટકતા શ્વાસ અને અકાળ મૃત્યુ.. પીડા,વેદના ચિત્કાર અને કલ્પાંત… આંસુડાં ચોધાર અને અંતર વરસે અનરાધાર…જાણે કે પ્રલયકાળ … કરૂણામય વિશ્વ બન્યું છે કરૂણતા….મૂંઝવણ અને મનોમંથન… ક્યા ઇસ રાત કી સુબહ નહીં?…
યાદ આવે છે વૈદિક પ્રાર્થના..
तमसो मा ज्योतिर्गमय ।
मृत्योर्मा अमृतं गमय ।
ઊંડા અંધારે થી પ્રભુ પરમ તેજે તું લઈ જા…
મહા મૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ લઈ જા…

ના..નિરાશ થવાનો આ સમય નથી. થાકી, હારી, માથે હાથ દઈ, રડીને બેસી જવાનો આ સમય નથી. સમય કપરો છે, પરિસ્થિતિ વિકટ છે, પ્રશ્ન અતિશય મોટો છે પણ…જ્યાં હૈયે હામ છે, ત્યાં કશું જ અશક્ય નથી. માનવ કુદરત સાથે બાથ ભીડતો રહ્યો છે અને સંકટ સામે લડતો રહ્યો છે. પડકાર જેટલો મોટો તેટલો જ નિર્ણય અને નિશ્ચય સાથે આગળ વધવાનો નિર્ધાર અડગ. સાધનો ટાંચા છે, પણ જુસ્સો અડગ છે. ઉકેલ માટે હિંમત, સાથ અને સહકાર જોઈએ, માનવની માનવ પ્રત્યે સંવેદના જોઈએ. આ સમય મોહ ત્યાગી સમર્પણભાવ સાથે આગળ વધવાનો છે. નાવમાં છિદ્ર હશે પણ દોષારોપણનો સમય નથી..ભૂલ કે ચૂક જે હશે તે જોવાશે પણ અટકતા શ્વાસને રોકી લઈએ એ જીવનદાન છે. સમયને વ્યર્થ વેડફવા કરતાં સહુ વિચારે કે હવે શું થઈ શકે અને હું શું કરી શકું?

એક પ્રસંગ યાદ આવે છે ….
સૌરાષ્ટ્રની રસધારમાં મેઘાણી એ લખ્યું છે કે …
મેઘાણી એક વાર મહુવા, ભાવનગરની બજારમાંથી નિકળતા હતા અને એક ૮૦ વર્ષના માજીને મજુરી કરતા જોયા એટલે મેઘાણીએ પુછ્યું કે ,” મા, તારે કોઇ દિકરો નથી?
માની આંખમાં ઝળઝળીયા આવી ગયાં.. એણે કહ્યું કે,” દિકરો તો હતો ભાઇ,, અમે ખારવા(માછીમાર) છીએ.. મારો દિકરો ભાવનગરના એક શેઠનું વહાણ ચલાવતો હતો. આજથી પંદર વર્ષ પહેલા મધદરિયે વહાણ તુટી ગયું અને મારો દિકરો દરિયામાં ક્યાંક ખોવાઈ ગયો. એનો બાપ તો નાનપણમાં જ પરલોક ચાલ્યો ગયો હતો.. એટલે મારું મોત આવે ત્યાં સુધી મજુરી કરું છું. “
મેઘાણી એ કીધું કે, “તો પછી તમે શેઠ પાસેથી વળતર ન માંગ્યું?”
“અરે ભાઇ, કેવી રીતે માંગું? એ શેઠે એનું લાખો રૂપિયાનું વહાણ મારા દિકરાને ભરોસે મુક્યું હતું અને મારો દિકરો એને કાંઠે ન લાવી શક્યો.. ક્યાં મોઢે હું વળતર લેવા જાઉં..?”
સમજદારીનું આના કરતાં ઉંચું આસન ના હોય શકે. પૃથ્વી ગોળ છે, તમે જ્યાં ઉભા છો ત્યાં જ કેન્દ્ર છે.. જ્યાં છીએ ત્યાં અને તેજ ઊંચું સ્થાન છે. આપણામાં કેટલું ઉંડાણ છે એ મહત્વનું છે.

આજનો સમય પડકારનો સમય છે…જવાબદારી લેવાનો સમય છે….સમજદારી બતાવવાનો સમય છે. આપણે નિયમોનું પાલન કરીએ…માસ્ક પહેરીએ… વગર કારણે બહાર જવાનું ટાળીએ… જે લોકો સંક્રમિત છે, તેમને બનતી મદદ કરીએ…બહારથી પુરવઠો, ટિફિન, દવા પહોંચાડીએ, તેમને શ્રધ્ધા અને હિંમત આપીએ, પર્યાવરણની રક્ષા કરીએ, વૃક્ષો વાવીએ. ટૂંકા ગાળાના ઉપાય જરૂર કરીએ પણ દીર્ઘ દૃષ્ટિએ વિચારીએ.

યાદ રહે માનવજાત સામેના આ મહાયુદ્ધમાં આપણે સહુ સૈનિક છીએ. વિજયનું પહેલું પગલું એટલે સમજદારી અને જવાબદારીની ભાવના સાથે શિસ્ત અને નિયમોનું પાલન. આ યુદ્ધ ભલે મહાભારત સમાન વિકટ હોય પણ યાદ રાખીએ કે આપણા સારથી કૃષ્ણ છે. ગીતા હવે જીવવાની છે, માત્ર પઠન નહીં. આ સમય વિષાદયોગનો નથી પણ જ્ઞાન, ભક્તિ અને કર્મયોગનો છે.

આવા સમયે અદના આદમીના નાના નાના પ્રયત્નો પણ મોટી સેવા બની જાય છે….કેટલાંક કર્મયોગના ઉદાહરણો..

સિવિલ હોસ્પિટલમાં હેડ નર્સ તરીકે ફરજ બજાવતા રેખાબેન બ્રહ્મભટ્ટને કિડનીમાં પથરી થઈ હતી. કોરોનાનાં સમયમાં પથરીની પીડા અતિ ગંભીર બની હતી. ત્યારે સર્જરી કરી સ્ટેન્ટ મૂકવાની જરૂર પડી. કોરોનના દર્દીઓની સારવારને જીવનમંત્ર બનાવનાર રેખાબેન ઓપરેશનના બીજા જ દિવસે ડ્યુટી પર હાજર થઈ ગયા.

એક પોલીસકર્મીએ પોતાના લગ્નની હલ્દી એટલે કે પીઠી ચોળવાની વિધિ ડ્યુટી પર એટલે કે પોલીસ સ્ટેશનમાં કરી.

બનાસ ડેરીના એન્જિનિયરોએ ઓકસીજનની અછતની વાત જાણી જાતે જ ઓક્સીજન પ્લાન્ટ બનાવી ઉત્પાદન શરૂ કરી દીધું.

નાગપુરના 85 વર્ષના બુઝુર્ગ નારાયણજી માટે પરિવારજનોએ ખૂબ મહેનત પછી હોસ્પિટલમાં એક બેડની વ્યવસ્થા કરી. એવામાં એક યુવાન સ્ત્રી તેના પતિ માટે બેડ ન મળવાથી દુઃખી હતી. તો નારાયણજીએ સ્વેચ્છાએ પોતાનો બેડ આ યુવાનને આપ્યો ને પોતે ઘેર ગયા ને 3દિવસ બાદ અંતિમ શ્વાસ લીધા.

આવા તો અનેક કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે જો દરેક વ્યક્તિ પોતાના યોગદાનનો દીપક પ્રગટાવશે તો એ વાતમાં કોઈ શંકા નથી કે ઈશ્વર પણ સહાય કરશે…કાળા વાદળ હટશે અને સોનેરી સૂરજ જરૂર ઉગશે….

વિલાયો નથી હજી રણકાર
સમયનો વસમો છે પડકાર
બંધ નથી હજી ધબકાર
આંખમાં પણ છે એક ચમકાર
મચ્યો ભલે ચોતરફ હાહાકાર
પ્રાર્થું હરિને વારંવાર
માનવ દિલમાં છે વિશ્વાસ
હરિ પણ કરશે ચમત્કાર.

રીટા જાની
30/04/2021

https://youtu.be/A1F-q3WRcb0

૧૬, “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” – અલ્પા શાહ

વૈશ્વિક કવિતાના ભાવવિશ્વમાં એક સફર…

નમસ્કાર મિત્રો,

એપ્રિલ મહિનાના છેલ્લા અઠવાડિયાની વાસંતી કવિતા આસ્વાદમાં આપનું સ્વાગત છે. પ્રકૃતિ હવે પૂરબહારમાં ખીલી ઉઠી છે અને કુસુમકળીઓ હવે ખીલીને પુષ્પમાં પરિવર્તિત થતી જણાય છે. પુષ્પ એટલેકે ફૂલ એટલેકે કુસુમ એ તો પરમાત્માના હોવાપણાની સાબિતી છે .Gerard De Nerval said that Every flower is a soul blossoming in nature. હવે જો આ પુષ્પો પોતેજ પોતાનું ગીત ગાય તો? આજે “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” લેખમાળા અંતર્ગત આપણે પ્રખ્યાત Lebanese/American author Kahlil Gibran લિખિત Song of The Flower  અર્થાત “પુષ્પનું ગીત”ને જાણીશું અને માણીશું. તમે આ કવિતાના અંગ્રેજી  શબ્દો તમે આ લિંક પર વાંચી શકશો. https://allpoetry.com/Song-Of-The-Flower——XXIII

મેં આ રચનાનો ગુજરાતીમાં ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે જે અત્રે રજુ કરું છું.

આ કવિતામાં કવિએ એક પુષ્પની સંવેદનાઓને શબ્દો દ્વારા વ્યક્ત કરી છે. એક પુષ્પ જે કુદરતની કલાત્મક કરામત છે તે પ્રકૃતિ અને મનુષ્યજીવન સાથે કેવી રીતે ઓતપ્રોત થઈને પોતાની જીવનસફર વ્યતીત કરે છે તેની ખુબ ઝીણવટ પૂર્વકનું આલેખન કર્યું છે. પુષ્પનું જોડાણ પ્રકૃતિના દરેક પરિમાણ સાથે છે તેનું વર્ણન કવિએ શરૂઆતની પંક્તિઓમાં કરેલું છે.ઋતુઓના સંધાણથી અસ્તિત્વમાં આવેલું પુષ્પ,સૂરજના પ્રથમ કિરણોની ચૂમી સાથે નયનોને ઉઘાડે છે અને સૂર્યાસ્ત સમયે પોતાની જાતમાં સમેટાઈ જાય છે. પુષ્પો થકીજ ધરતી પર મેઘધનુષી રંગોનું સામ્રાજ્ય રચાય છે. આગળ વધતા પુષ્પ મનુષ્ય જીવન સાથે કેવી રીતે વણાયેલું છે તેને પુષ્પના પોતાના શબ્દોમાં વર્ણવે છે. સપ્તપદીના શણગારથી માંડીને મૃત્યુ પછીતે ના ઉપહાર તરીકે પુષ્પનેજ આગળ ધરવામાં આવે છે.અને છેલ્લે આ પુષ્પ માનવને એક ચોટદાર શિખામણ આપતા કહે છે કે મારા જીવનમાં પણ પડછાયાના કાળા ઓછાયા છે પણ હું તો રોજ સવારે ઊંચી નજર રાખીને ખીલતું રહું છું…

ખલિલ જિબ્રાને આ કાવ્યમાં પુષ્પની પોતાની વેદના-સંવેદના ખુબ સુપેરે વર્ણવી છે. આ કાવ્ય વાંચતા એવું લાગે કે પુષ્પ સ્વયં પોતાનું ગીત ગાઈ રહ્યું છે. Khalil Gibran was a Lebanese/American writer. Though he considered himself to be mainly a painter, he was a prominent English author. He lived most of his life in the United States. He wrote in Arabic and English, but his best-known works are in English. He was the key figure in a Romantic movement that transformed Arabic literature. You can read about Gibran’s interesting life story here. https://www.poetryfoundation.org/poets/kahlil-gibran

ખલિલ જિબ્રાને ખુબ સરળ પણ સુંદર શબ્દોના સમન્વય દ્વારા પુષ્પનું ગીત આલેખેલું છે અને સાથે સાથે જીવનને “જીવવાની” એક સાચી શિખામણ પુષ્પના મુખે આપી છે. . It is said that “Flowers don’t worry about how they’re going to bloom. They just open up and turn toward the light and that makes them beautiful.”  કેટલી સાચી વાત છે… કેટલી સાચી વાત છે…આપણે પણ આપણા જીવનમાં રહેલા કાળા પડછાયાઓને એટલે કે મુશ્કેલીઓને નજરઅંદાજ કરીને પ્રભુએ આપણા પર વરસાવેલા આશિષને ધ્યાનમાં રાખીને અને તેના માટેની કૃતઘ્નતા વ્યક્ત કરતા કરતા, રોજ સવારે આ પુષ્પોની જેમ ખીલી ન શકીએ? અને  આપણી આજુબાજુ  સ્મિત અને સુંદરતાનો છંટકાવ ના કરી શકીએ? જયારે કળીમાંથી ખીલીને પુષ્પ બને છે, ત્યારથીજ એક દિવસ તે ખરી પડશે તે નિયતિ નક્કી હોય છે અને તે છતાંય તે રોજ સવારે સ્મિત પ્રસરાવતું ખીલી ઉઠે છે. તેના જીવનની પ્રત્યેક પળને અન્યના ચહેરા પર સ્મિત લાવવા માટે ઉપયોગ કરીને  “પળે  પળે પરમાનંદ” મનાવે છે. આમ કવિએ જીવન જીવવાની ખુબ સચોટ અને સાચી ચાવી પુષ્પના મુખે આ કાવ્યમાં વહેતી મુકી છે 

આજે એક ખાસ દિવસ છે. આજે એક પ્રકૃતિપ્રેમી અને પુષ્પો જેમને ખુબ પ્રિય છે એવા એક “બાગબાની” વ્યક્તિત્વનો જન્મદિવસ છે કે જે આ “પળે  પળે પરમાનંદ” સૂત્રના પ્રણેતા છે અને તેને આત્મસાત કરીને જીવી રહ્યા છે. તેમને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવતા અને આ પુષ્પના ગીતને ગણગણતા  મારી કલમને વિરામ આપું છું. આવતા અઠવાડિયે નવા મહિને, નવા વિષય સાથે ફરી મળીશું.તમારા માર્ગદર્શન અને અભિપ્રાયોની અપેક્ષા સાથે…. 

– અલ્પા શાહ

અજ્ઞાતવાસ -૧૫

પહેલી વિદેશ સફર
ફ્લાઈટનાં સમય કરતાં લગભગ એક સવા કલાક પછી નકુલને પ્લેન પર ચડવાની સીડી આગળ ઊભો રહી બધાંને આવજો કહેતો જોઈ ,કુંટુંબીજનો અને મિત્રોએ ખુશી સાથે ચિચિયારી કરી. ભાઈ ,બહેન અને રુખીબાનાં જીવ પણ હેઠાં બેઠાં.
મને ઓફીસરોએ બેગ સાથે અંદર ઓફીસમાં લઈ જઈ અનેક જાત જાતનાં સવાલ હું કોઈ દાણચોર હોય તેવાં પૂછ્યાં.મારો સામાન તો આખો અસ્તવ્યસ્ત કરી નાંખ્યો અને સ્ક્રીનીંગમાં બેગમાં ગીફ્ટ આર્ટિકલ ભરેલા જોઈ ઓફીસરે મારી બેગ ખોલાવી.બેગ ભરીને લીધેલાં ગીફ્ટ સેમ્પલ તો વેરણ છેરણ કરી તેમણે કેટલાય પીસ તો અંદર કંઈ ભર્યું નથી તે જોવા હથોડી લઈ તોડી નાંખ્યા.બંને બેગોનો બધો સામાન બહાર કાઢી,એક એક ચીજ ફંફોસી,તેમાં અને એક એક ગીફ્ટને ,વસ્તુઓને ,તપાસતાં કલાક નીકળી ગયો.રુખીબાનાં લાડથી બગડેલ મને તો વ્યવસ્થિત બેગ પેક કરતાં પણ આવડતું નહોતું.છેવટે કંઈ ન મળતાં અને હું તો ખરેખર ભણવા જ જઈ રહ્યો છું ,જાણતાં મને ઓફીસરોએ પ્લેનમાં બેસવા જવા રવાના કર્યો.પ્લેન તો મારી જ રાહ જોઈને ઊભું હતું.મારા પહોંચવાથી ફ્લાઈટ ઉપડવાની રાહ જોઈ રહેલા પેસેન્જરોએ મને તાળીઓનાં ગડગડાટથી વધાવ્યો પણ હું તો જરા ઝંખવાઈ ગયો.
મારી પોતાના અને વ્હાલાંઓને દેશ છોડી વિદેશ જવાની પહેલી મુસાફરી હતી.અમેરિકા જવાનો ઉન્માદ હતો ,પણ ટીનાને છોડીને જવાંનાં વિષાદની લાગણી મનને કોરી ખાતી હતી.મારું મન પ્લેનની બહાર દેખાતાં સફેદ રુ જેવા વાદળો પર સપના વિખેરતું દોડી રહ્યું હતું.હું મારાં ખોળામાં ,રાજકુમારી ટીનાને લઈ સફેદ વાદળોને ચીરતો ખુશખુશાલ રીશેલ્યુ પર સવાર થઈને તેને ભગાવી રહ્યો હતો.તો વાદળોની ફાટમાંથી નીચે ઊંચાં ટાવરોમાં ક્યાંક મારી એક્સપોર્ટની ઓફીસમાં સુટબુટમાં બેઠેલ નકુલને હું જોઈ રહ્યો હતો.વિચારોની દોડતી ગતિ સાથે ફ્લાઈટ ભાગી રહ્યું હતું.ત્યાં તો પાયલોટે એનાઉન્સમેન્ટ કરી કે ફ્લાઈટ ધુમ્મસ ખૂબ હોવાનો કારણે Zurich પહોંચી નહીં શકે.અને હું સપનાની દુનિયામાંથી બહાર આવ્યો. પેસેન્જરોને Besel એરપોર્ટ ઉતારી દેવામાં આવશે.
Besel એરપોર્ટ પર સૌ પેસેન્જર ઉતરી ગયાં.મારે Zurichથી હવે ન્યુયોર્ક જવુંજ પડે તેમ હતું કારણકે મારી Zurich થી Newyork ની કનેક્ટીંગ ફ્લાઈટ હતી.એટલે મારે ગમેતેમ કરી Zurich એરપોર્ટ પહોંચી બીજી ફ્લાઈટ લઈ ન્યુયોર્ક પહોંચવું જ પડે તેમ હતું.Swiss air વાળાએ મને Zurich થી Newyork ની ટ્રેનની ટિકિટ તો ફ્રી કરી આપી પણ મારો સામાન પણ મને આપી દીધો.મારે ન્યુયોર્કથી પછી આગળ શિકાગો જવાનું હતું એટલે હું બેગો લેવા રાજી થઈ ગયો.
રુખીબા અને બહેનનાં દીકરીઓ પ્રત્યેનાં અપાર પ્રેમને કારણે બેગો અથાણાં,મિઠાઈઓ,નાસ્તાઓ અને લોકોનાં સંપેતરાથી ઓવરલોડ હતી.બેગો ટ્રેન સ્ટેશન સુધી લઈ જવા ટ્રોલી લેવાં મારી પાસે સ્વિસ ફ્રેન્ક હતાં નહીં.ભારતનાં સ્ટેશનનાં મજૂરોને યાદ કરી ખેંચીને બેગો ટ્રેન સ્ટેશન સુધી લઈ ગયો.ટ્રેન લોકલ હતી.એટલે સોફેસ્ટીકેટેડ યુરોપીયનો મને બેગો ખેંચતો જોઈ,વિચિત્ર નજરે જોઈ રહ્યાં હતાં.તેઓ મારી અંગ્રેજી ભાષા પણ સમજતાં નહતાં.કોઈની મદદથી પરાણે બેગો ઈશારાની ભાષા થી સમજાવી ટ્રેનમાં ચડાવી. મુંબઈની લોકલ ટ્રેનમાં પસીનાની સ્મેલ સાથે ધક્કામુક્કીમાં મુસાફરી કરેલ હું ,ઘર કરતાં પણ ચોખ્ખી ચણાક ટ્રેનને આશ્ચર્ય સાથે જોઈ રહ્યો હતો.ટ્રાન્સપરન્ટ કાચની બારીઓ અને કાચમાંથી આરપાર દેખાઈ રહેલ રુફટોપ વાળી ટ્રેનમાંથી,બરફાચ્છાદિત આલ્પ્સની સ્વર્ગ જેવા સૌંદર્યવાળી હારમાળામાંથી પસાર થઈ રહેલ ટ્રેનની સફરને આભો બની નિહાળી રહ્યો હતો.
મુંબઈની ગીરદીમાંથી વિદેશની ધરતી પર ઉતરતાં જ સૌથી પહેલાં જ સ્વીત્ઝરલેન્ડ જોયું.તેના સૌંદર્યને નિહાળી હું અભિભૂત થઈ ગયો હતો.ટીના સાથે ગાળેલ સમય યાદ કરી તે મારી સાથે હોત તો કેટલી મઝા આવત!!!તેવું હું વિચારી રહ્યો હતો.કોણ જાણે કેમ ટીનાની યાદ મારો પીછો નહોતી છોડતી.
Zurich ટ્રેન સ્ટેશનથી મારે Zurich એરપોર્ટ જવાનું હતું. હું સ્ટેશનથી એરપોર્ટ જતી બસમાં બેઠો. ટિકિટ માટે મેં ડોલર આપ્યા તો કંડક્ટરે સ્વીસફ્રેન્કની માંગણી કરી જે મારી પાસે હતાં નહીં.ચેન્જ કરાવવાં ક્યાં જાઉં કેવીરીતે સામાન સાથે જાઉં કંઈ સમજાતું નહોતું અને મને બસમાંથી અધવચ્ચે સામાન સાથે ઉતારી દીધો.નવેમ્બર મહિનામાં સ્વીત્ઝરલેન્ડમાં ખૂબ ઠંડી હતી.ભાઈ પહેલાં યુરોપ અને અમેરિકા ત્રણ વાર આવી ગયાં હતાં.તેમણે બેગ ભરતાં હતાં ત્યારે કહ્યું કે “તારા માપનાં જેકેટ અને હેટ તું શિકાગો જઈને ખરીદજે.ન્યુયોર્ક એરપોર્ટથી ઘર સુધી ગાડીમાં મારા જેકેટ અને વાંદરાં ટોપી લઈજા તે પહેરી લે જે.”મારેતો ભાઈનું લાંબું અને ઘોઘા જેવું જેકેટ અને વાંદરાં ટોપી અહીં સ્વીત્ઝરલેનડમાંજ બેગમાંથી કાઢીને પહેરવા પડ્યા.રસ્તા વચ્ચે નાના ગામમાં ઘોઘા જેવા જેકેટને વાંદરાં ટોપી સાથે હું સર્કસનાં જોકર જેવો લાગતો હતો એમાં હવે હું શું કરું અને ક્યાં જાઉંના વિચારે રડમસ ચહેરો!!! આવતાં જતાં લોકો મારી ભાષા સમજતાં નહોતાં.નાનું ગામ એટલું સુંદર હતું કે હું ફરવા આવ્યો હોત તો આવા ડુંગરાં વચ્ચે નાનાં વહેતાં ઝરણાં,રુષ્ટપુષ્ટ ઘેટાંએા,પહેલાં ન જોઈ હોય તેવી કાળા ટીલાઓ વાળી ઢેકા વગરની સફેદ ચરતી ગાયો અને ઘોડાઓ….મને તો લાગતું હતું કે હું સ્વપ્નલોકમાં આવી ગયો છું કે શું?
પણ મારી મનોદશા તો જુદીજ હતી.
એટલામાં એક જેન્ટલમેન મારી પાસે આવ્યા અને એમને સાઈનમાં સમજાવતાં મેં ઈન્ડીયા,ઈન્ડીયન એવું તેમને સમજાવ્યું .તેમણે ફોન કરી પોલીસને બોલાવી.થોડી જ વારમાં પોલીસ આવી.તેને પણ અંગ્રેજી નહોતું આવડતું એણે મારી વાયરલેસ ફોનથી ટ્રાન્સલેટર સાથે વાત કરાવી.પોલીસની ગાડીમાં મારી બેગો ચડાવી ,પોલીસ મને એરપોર્ટ સુધી ઉતારી ગઈ.
ફરી પાછો બેગો ઢસડતો હું એરપોર્ટના ચેક-ઈન સુધી પહોંચ્યો.મારી બેગોમાં વજન તો ઓવરવેઈટ હતુંજ.સ્વીસ એરપોર્ટનાં ઓફીસરો ઓવરવેઈટનાં પૈસા માંગવાં લાગ્યાં. હું તો આઠ ડોલર લઈને રોકડા નીકળ્યો હતો તે તો વપરાઈ ગયાં હતાં.ફ્લાઈટ ઉપાડવા માટે મારાં નામનું અનાઉન્સમેન્ટ ઉપરા ઉપરી થઈ રહ્યું હતું.મારી ફ્લાઈટ છૂટી ન જાય તે માટે હું સ્વીત્ઝરલેન્ડનાં ઓફીસરોને કાકલૂદી કરી રહ્યો હતો.હું તો રડવા જેવો થઈ ગયો હતો.
જિગીષા દિલીપ
 

એક સિક્કો – બે બાજુ :15) એક અધૂરી ભવાઈ !


એક વાર અમારી ભારતની મુલાકાત દરમ્યાન એક સાંજે મેં અમારાં એપાર્ટમેન્ટની બહાર કાંઈક કોલાહલ , ઝગડા જેવું કશું સાંભળ્યું !
સાસુ વહુનો ઝગડો હતો અને બૂમાબૂમ , ઘાંટાઘાંટ અને હાથ ઉલાળીને જોર શોરથી , મોટેમોટે બોલાબોલી થઇ રહી હતી ;
“ આ શું ભવાઈ માંડી છે? સીધી રીતે સમજવું છું કે ઘરમાં બેસીને તારાં વેશ ભજવ , આમ બહાર બેસીને આબરૂનો ધજાગરો કરતાં લાજતી નથી ?”
સાસુ ગુસ્સામાં આમ ઘણું ઘણું બોલતી હતી .
અને વહુ પણ રડતાં રડતાં સામે કાંઈક કહેતી હતી ;
“ તમારો દીકરો રોજ દારૂ પી ને આવે છે , ને મને ઢોર માર મારે છે , ને હવે સામી થાઉં છું તો તમે મને વઢો છો ? ભવાઈના વેશ તો તમે માંડ્યાં છે !” વહુએ સામે ગુસ્સાથી જવાબ આપ્યો , અને ફરીથી એ રડવા લાગી .
ને ત્યારે કોઈ આધેડ ઉંમરની બહેને ધીમેથી મને કહ્યું : “ મને તો આ છોકરી જ ગાંડી લાગે છે ! રોજ રોજ આવા નખરાં કરે છે ; અને ઘરનાં બધાને ત્રાસ આપે છે”
ત્યાં તો દારૂના નશામાં ચકચૂર એનો પતિ લથડિયાં ખાતો બહાર આવ્યો એટલે બધાં આડા અવળાં થઇ ગયાં.. મારાં આશ્ચર્ય વચ્ચે મેં નોંધ્યું કે લોકો આ મા અને દારૂડિયો દીકરો જે કાંઈ કમાતોય નહોતો એના પક્ષમાં હતાં!!!
બિચારી વહુનું જાણે કે કોઈ જ નહોતું !
“ ઘર હોય તો વાસણ ખખડે ય ખરાં; પણ આમ રોજ રોજ આવા ઘરનાં ઝગડા બહાર લાવવાના ?” કોઈ વૃદ્ધ માજી -સોરી – કોઈ ‘ઘરડું’ જણ બોલ્યું . મારે ઘણી ઘણી દલિલો કરવી હતી આ પ્રસંગ બાબતે ; મને સ્પષ્ટ દેખાતું હતું કે બિચારી વહુ અહીં ચારે બાજુઓથી ઘેરાયેલી હતી ; પણ એની તરફદારી કરે એવું કોઈ જ ત્યાં નહોતું .
સિક્કાની આ બીજી બાજુ કોઈનેય દેખાતી નહોતી !
મને તો અહીં સ્પષ્ટ દાદાગીરી , અન્યાય અને ત્રાસ જ દેખાતાં હતાં.
પણ જે મને દેખાતું હતું , અને તમને પણ દેખાતું હશે – એ -એ પેલાં લોકોને કેમ ના દેખાયું ?
ઘણી વખત સિક્કાની બીજી બાજુ જોવાની આપણે પરવા જ કરતાં નથી . કદાચ પરવા કરીએ તો આપણા પગ પર એ સળગતું લાકડું આવીને પડે તો ? પણ જે શબ્દો પેલી વહુને સાસુએ કહ્યા હતા તે શબ્દો મને મનમાં ચોંટી ગયા : ‘ આ શું ભવાઈ માંડી છે?’ હા , ભવાઈ !
ભવાઈ શબ્દની ઉત્પત્તિ પણ આવા જ એક પ્રસંગમાંથી થઇ હતી ને ?
પ્રિય વાચક મિત્રો , આજે રજૂ કરું છું હું એ “ ભવાઈ” ની વાત . એ વિષે વાંચવા બેઠી ત્યારે મારું લોહી ઉકળી ગયું હતું ; અને તમારું લોહી પણ ઉકળી જશે એ ચૌદમી સદીનો, ઊંઝા ગામનો પ્રસંગ વાંચીને !
ઈસ્વીસન ૧૩૬૦ ના અરસામાં , આપણા દેશમાં મુસ્લિમોનું રાજ્ય પ્રસરી રહ્યું હતું . દિલ્હીની ગાદી પર અલ્લાઉદ્દીન ખીલજીનું રાજ હતું . એનો સરદાર જહાનરોજ કનોજ થઈને ગુજરાતમાંથી પસાર થઇ રહ્યો હતો . એને ઊંઝા ગામ બહાર તંબુ તાણ્યાં હતાં . ઊંઝાના મુખી હેમાળ પટેલની અત્યતં સુંદર પુત્રી ગંગાના રૂપ વિષે કોઈએ કહ્યું . એટલે એણે કોઈને કહ્યું અને એ ગંગાને ઉપાડી આવ્યું ..
એ સમયે , ઊંઝા ગામનો બ્રાહ્મણ અસાઈત ઠાકર , જેનું ગામમાં સારું માન હતું , અને મુસ્લિમ લોકો પણ એનું માન જાળવતાં હતાં . ત્યારે અસાઈત ઠાકોર મુસ્લિમ સુબેદાર જહાનરોજ પાસે ગયો અને પોતાની દીકરી પાછી આપવા વિનંતી કરી .
‘પોતાની દીકરી ?” અસાઈત ઠાકોરની દીકરી ?
સુબેદાર માનવા તૈયાર નહોતો ; એણે અસાઈતને ગંગાનાં હાથની રસોઈ એક જ ભાણામાં બેસીને જમવા કહ્યું .
પોતાની દીકરી સમાન ગંગાને બચાવવા અસાઈતે એક જ ભાણામાં બેસીને , એક જ થાળીમાંથી ગંગા સાથે ભોજન લીધું ..ને ગંગા બચી ગઈ !
તો તમે માનશો કે સૌએ ગામની દીકરીને બચાવવા બદલ અસાઈત ઠાકોરને ફુલહાર કરીને , વરઘોડો કાઢ્યો હશે અને માનપાન આપીને વધાવ્યા હશે ; બરાબરને ?
જો એવું થતું હોત તો આવડો મોટો દેશ મુસલમાનો અને પછી ફિરંગીઓ , પોર્ટુગીઝો . ફ્રેન્ચ લોકો અને છેવટે અંગ્રેજોના હાથ નીચે ગુલામીમાં બસ્સો વર્ષ સબડયો ના હોત ને ? લોકોએ ભેગાં થઈને અંગ્રેજોને હઠાવ્યા હોત ને ?
પણ , ઊંચ નીચના વાડાઓ કરીને , બ્રાહ્મણોએ અષ્ટમ પષ્ટમ ગપ્પાંષ્ટકમ જેતે ભણીને , આ અછૂત છે , પેલો નીચો છે , આને ખેતી કરવા મોકલો , પેલાએ લડવા જવાનું છે .. એમ વાડાઓ કર્યા અને અંતે દેશ ગુલામ થયો !
અસાઈત ઠાકરને માન સન્માન આપવાને બદલે , એ તો વટલાઈ ગયો છે કહીને એને ન્યાત બહાર મુક્યો !!
એનો બ્રાહ્મણનો વ્યવસાય -પૂજા – પાઠ કરાવવા , યજ્ઞ જપ તપ વિધિ કરાવવાનું બંધ થયું ! બહિષ્કાર કર્યો એ બ્રાહ્મણોએ એનો !!
મિત્રો , દાદાગીરી કે ગુંડાગીરી એ માત્ર આજનો જ પ્રશ્ન નથી ..સદીઓથી ચાલ્યો આવતો સમાજનો માનસિક રોગ છે !
અસાઈતને ઘર સંસાર હવે કેવી રીતે ચલાવવો એ પ્રશ્ન થઇ પડ્યો .
ત્યારે પટેલ લોકોએ એ કુટુંબને આવકારો આપ્યો . હેમાળા પટેલે જમીન આપી કે જેથી એ ખેતી કરી શકે . અસાઈતના ત્રણ દીકરાઓ હતાં તે સૌએ લોકોનું મનોરંજન કરવાનું સ્વીકાર્યું – જેમાં એ લોકો પોતાની આ વાત વ્યગમાં કહી શકે .
“ ભવ” એટલે થવું , અને ભવ એટલે ભાવ! આઈ એટલે માતા . ભવાઈ – કે જેમાં કોઈ ભાવનાઓ છે , એ કરી બતાવીએ તે ભવાઈ .
. માતાને ભાવથી અર્પીએ તે – ભવાઈ .
અસાઈત ઠાકર વિદ્વાન હતો , એટલે એણે ૩૬૦ જેટલા નાટકો – એટલેકે – વેશ લખ્યા . સમાજમાં જે જે ઉપહાસને પાત્ર હતું તે અને જે વિચિત્ર લાગતું હતું તે સૌ ઉપર એણે વ્યંગ કર્યા . નાટકો લખ્યા . અને ભજવ્યા .
સિક્કાની આ બીજી બાજુ છે : જો એ વિદ્વાન ,સમજુ બ્રાહ્મણને તે દિવસે કસોટીમાં ઉતરવાનું થયું હોત નહીં તો એની વિદ્વવત્તા માત્ર પૂજા પાઠમાં જ સમાઈ જાત ! એણે કોઈને માટે , એક પારકી દીકરી માટે છસો વર્ષ પહેલાં, મુસીબત વહોરી , તો આજે પણ અસાઈત ઠાકરને યાદ કરીએ છીએ . એનાં ૬૦ જેટલા નાટકો , ભવાઈ વેશ આજે પણ સચવાયાં છે . એના ત્રણેય દીકરાઓએ જરૂર પડી ત્યાં સ્ત્રીનો વેશ પણ લીધો ! અને તેઓ ખુબ લોક પ્રિય બન્યા ..
અને અમારી ભારતની મુલાકાત દરમ્યાન બનેલ એ બનાવમાં શું થયું ? શું અમે હિંમતથી એ દીકરીનો પક્ષ લીધો ?
હા અને ના .
અમારે પણ લોકોની નારાજગી વ્હોરવી પડેલી..
“ તમને કાંઈ સમજાય નહીં , તમારે અહીં રહેવું નહીં , તો શા માટે આવી વાતોમાં સમય બગાડો છો ?” કોઈ અમને સમજાવવા આવેલું ; “ તમારી પાસે સમય નથી અને જો કોઈ તમારા વિરુદ્ધ ખોટી ફરિયાદ પણ કરશે તો તમે પોલીસના લફરામાં પડશો ! તમારો પાસપોર્ટ જ જપ્ત કરી લેશે !”
એમણે હળવા શબ્દોમાં ધમકી આપેલી ..
હા , ઘણી વખત દિલ બળે છે કે મોટી મોટી મહાન સંસ્કૃતિની વાતો કરતાં આપણે , યત્ર નાર્યાસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ- જ્યાં નારીનું ગૌરવ થાય છે ત્યાં દેવોનો વાસ છે એમ કહેતાં આપણે , સાચા અર્થમાં કેટલું સ્ત્રીનું સન્માન કરીએ છીએ ? તે દિવસે તો એ છોકરીને અમે સાંત્વના આપેલી , બીજું વધારે કાંઈ કરી શકેલ નહીં .
ભવાઇના વેશ ભજવવા જેટલી હિમ્મત કોઈનામાં નહોતી , નહીં તો દારૂડિયો , બે રોજગાર પતિ અને એનીપુત્ર પ્રેમમાં આંધળી માં ઉપર જરૂર કોઈ કશુંક બોલ્યું હોત..
બસ , આજે એટલું જ . સિક્કાની બીજી બાજુ હોય છે – ક્યારેક એટલી ખતરનાક , કે આપણે જાણીને ય એ બીજી બાજુ જોતાં નથી . એક બાજુએ અન્યાય છે ણે બીજી બાજુએ ન્યાય સાથે મુશ્કેલીઓ ! હરિનો મારગ છે શૂરાનો !
બધામાં અસાઈત ઠાકર જેવી શક્તિ હોતી નથી ને ?

૧૫- વાર્તા અલકમલકની-રાજુલ કૌશિક

વાચક મિત્રો, ચંદ્રલોકની પોલીસની જેમ આપ સૌનેય માતાદીનની થીયરી જાણવાની આતુરતા જાગી હશે તો આવો જાણીએ ઈન્સ્પેક્ટર માતાદીનની એ અદ્ભૂત થીયરી જેનાથી ચંદ્રલોકની પોલીસમાં રામરાજની પોલીસ જેવી ક્ષમતા કેળવાઈ ખરી?

વાચક મિત્રો, ચંદ્રલોકની પોલીસની જેમ આપ સૌનેય માતાદીનની થીયરી જાણવાની આતુરતા જાગી હશે તો આવો જાણીએ ઈન્સ્પેક્ટર માતાદીનની એ અદ્ભૂત થીયરી જેનાથી ચંદ્રલોકની પોલીસમાં રામરાજની પોલીસ જેવી ક્ષમતા કેળવાઈ ખરી? તો ચાલો જોઈએ માતાદીનની થીયરી.

*********

*****ચાંદ પર ઈન્સ્પેક્ટર માતાદીન*****

હવે?

હવે માતાદીન કઈ અને કેવી થીયરી પ્રમાણે કામ કરશે એની આતુરતા ચંદ્રલોકની પોલીસને જાગી. એમની થીયરી થોડી અટપટી હતી જે ચંદ્રલોકની પોલીસ માટે સમજવી જરા અઘરી હતી પણ ધીમે ધીમે ચંદ્રલોકની પોલીસ માતાદીનની થીયરી સમજવા પ્રયત્ન કરી રહી હતી.. માતાદીનને સાચી કે ખોટી રીતે પણ અપરાધી કોણ છે એ જ સાબિત કરવામાં રસ હતો.

એમના મતે અપરાધ સાબિત થવામાં બે વાત મહત્વની છે, એક તો એ કે એ માણસ પોલીસને રસ્તામાં નડે છે? બીજું એ કે એને સજા અપાવવામાં ઉપરના લોકો ખુશ થશે?

ચંદ્રલોકની પોલીસ જાણતી હતી કે એ માણસ આમ તો ભલો છે, પોલીસને ક્યાંય નડતો નથી પણ એ વર્તમાન સરકારની વિરોધી રાજનીતિવાળો હતો એ વાત સાચી હતી.

માતાદીને ટેબલ પર હાથ પછાડતા આ પૂરાવો જડબેસલાક છે એમ કહી દીધું કારણકે એમાં ઉપરવાળાનો સપોર્ટ પણ મળવાની ખાતરી હતી.

“અરે, પણ આમાં તો એક નિર્દોષ, નિરપરાધ, ભલા ઈન્સાનને સજા આપવાની વાત થઈ.” ચંદ્રલોકના ઈન્સ્પેક્ટરના ગળે હજુ માતાદીનની વાત ઉતરતી નહોતી.

માતાદીનનું માથું ફટક્યું, આટલી નાની વાત આ હોદ્દા પર બેઠેલા ઈન્સ્પેક્ટરને સમજાતી નહોતી,

“જો ભાઈ મેં તો પહેલાં જ સમજાવ્યું કે દરેક માણસમાં ઈશ્વરનો અંશ છે, સજા આને થાય કે કાતિલને પણ ફાંસી પર તો ઈશ્વર જ ચઢશેને? તમને આના કપડા પર લોહીના ડાઘ મળ્યા છે એ છોડીને તમારે બીજે ક્યાં પૂરાવો શોધવા જવો છે? ચાલો કામે લાગો અને એફ.આઇ.આર, તૈયાર કરવા માંડો.”

બીજા દિવસે વળી કોટવાળ આડા ફાટ્યા,

“સરજી, આમાં અમારા માથે મોટી આફત આવી છે. આજ સુધી અમારા ચંદ્રલોકમાં આવું બન્યું નથી તેમાં ચંદ્રલોકના તમામ ભલા માણસોએ આ બેકસૂરને આરોપી સાબિત કર્યો છે એની સામે સખત વાંધો લીધો છે. આમાં તો અમારે શરમથી મરવા જેવું  થયું છે.”

માતાદીને કોટવાળને સમજાવ્યું,

“એમાં ગભરાવાની જરૂર નથી, શરૂઆતમાં આવા કામમાં શરમ આવશે અને પછી તો કોઈ બેકસૂરને છોડવામાં તમને શરમ આવશે અને તમને કોઈ પૂછે તો કહી દેવાનું કે આ બધુ ઉપરથી દબાણ છે એટલે એમાં અમે કંઇ ના કરી શકીએ.”

“પણ એ લોકો એસ.પી. પાસે જશે તો?” હજુ કોટવાળમાં માતાદીન જેટલી હિંમત નહોતી.

“એસ.પી., આઈ.જી., પોલીસ મંત્રી બધાને કહી દેવાનું કે આ બધું ઉપરથી જ થાય છે.” માતાદીને એને હિંમત આપતાં શીખવાડ્યું

“અને પ્રધાન મંત્રી પાસે જશે તો?” કોટવાળે ડરતા ડરતા એનો સંશય રજૂ કર્યો.  

“પ્રધાન મંત્રીએ પણ એ જ કહેવાનું કે ઉપરથી હુકમ છે,” માતાદીને ઉકેલ આપ્યો.

“હેં? “ કોટવાળનું મ્હોં આશ્ચર્યથી પહોળું થઈ ગયું, “ પ્રધાન મંત્રીથી ઉપર કોઈ છે જ ક્યાં?”

“કેમ ઈશ્વર નથી અને ઈશ્વરને જે પૂછવા ગયું છે એમાંથી કોણ આજ સુધી પાછું આવ્યું છે કે એ લોકો આવશે?”

કોટવાળ આ મહાન પ્રતિભાથી અંજાઈને અવાક બની ગયો.

“અરે ‘આ ઉપરથી દબાણ છે’ એ તકિયા કલમથી તો કેટલાય વર્ષોથી અમારી સરકાર ટકી રહી છે તમે પણ એ શીખી લો. બહુ કામમાં આવશે. ચાલો હવે ૪-૬ ચશ્મદીદ ગવાહ, એટલે કે હાજર હોય એવા સાક્ષીઓ શોધી લાવો.” ત્વરાએ કામે લાગવાનો ઈશારો કરતા માતાદીને ચપટીઓ વગાડી.

“પણ ક્યાંથી લાવું સાહેબ, એને મારતાં તો કોઈએ જોયો નથી.” કોટવાળ બઘવાઈ ગયો.

માતાદીને માથે હાથ ઠોક્યો.

“કેવા કેવા બેવકૂફોની વચ્ચે મને ધકેલી દીધો છે. કોઈને કેસ સોલ્વ કરવાની એ.બી.સી.ડી સુધ્ધાં નથી આવડતી..ચશ્મદીદ ગવાહ એટલે જેણે નજરોનજર જોયું છે એ નહીં પણ જે એમ કહી શકે કે મેં આ ઘટના જોઈ છે.”

“એવું કોઈ શું કામ કહેશે?” કોટવાળના મનમાં હજુ સંશય હતો.

“સમજણ નથી પડતી, કેવી રીતે ડિપાર્ટમેન્ટ ચલાવો છો, સાક્ષીઓની યાદી તો પોલીસ પાસે પહેલેથી હોવી જોઈએ. જ્યારે જે જરૂર પડી એને સાક્ષી બનાવી દેવાનો. અમારા ત્યાં તો કેટલાંય લોકો તૈયાર જ હોય છે જે આવા દંગા-ફિસાદમાં સાક્ષી બનીને કોર્ટમાં જુબાની આપે અને કોર્ટને એની દૈવી શક્તિની જાણ હોય છે. કોર્ટ પણ સમજે છે કે ક્યાં કેવી દુર્ઘટના બનશે એની આગોતરી જાણકારી આ સાક્ષીઓ પાસે હોય છે. જાવ, જઈને ૮-૧૦ ઉઠાવગીરને બોલાવી લાવો, કોઈ મારપીટ, ગુંડાગીરી કરતા હોય, જુગાર રમતા હોય કે શરાબની ભઠ્ઠી ચલાવતા હોય એવા લોકોને બોલાવી લાવો, સાક્ષી કેવી રીતે ઊભા કરવા એ હું શીખવાડું”

બીજા દિવસે શહેરના આવા ૮-૧૦ નવરત્નોને પોલીસ ચોકીમાં હાજર કરવામાં આવ્યા.

કેટલા સમય પછી આવા લોકો જોવા મળ્યાં? કેવી ખોટ લાગતી હતી આ બધા વગર! એમને જોઈને માતાદીન અત્યંત ગદગદ થઈ ગયા.

“તમે લોકોએ એને લાઠી મારતા જોયો હતો?” માતાદીન કામે લાગ્યો.

“ના સાહેબ, અમે ત્યાં હતા જ નહીં તો કેવી રીતે જોઈએ?”

માતાદીનને ખબર હતી કે આ બધા માટે તો આ પહેલો અનુભવ છે, એમને બરાબર તૈયાર કરવા પડશે.

“તમારા ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયેલા છે. બોલો એ કામ ચાલુ રાખવા છે કે જેલમાં જવું છે?”

માતાદીનના રામરાજને થીઅરી કામે લગાડી, અને સાક્ષીઓ પાસે જે બોલાવવું હતું એ બોલાવી લીધું. કોટવાળ આ ચમત્કાર જોઈને માતાદીનના પગમાં આળોટી પડ્યો.

“સાહેબ તમે મારા ગુરુ, મને તમારા ચરણોમાં સ્થાન આપો પ્રભુ.”

માતાદીને એને કેવી રીતે એફ.આઈ.આર. બદલવાની, કેસની ફાઈલમાં વચ્ચેના પાના કેવી રીતે ઉમેરવા કે ફાડવા, સાક્ષીઓને ઉઠાવાના કે તોડવાના, એ બધું શીખવાડી દીધું. પેલા ભલા નિર્દોષ આદમીને વીસ વર્ષની સજા થઈ.

હવે ચંદ્રલોકની પોલીસ બરાબર ઘડાઈ ગઈ હતી. એમની હોશિયારી, ચાલાકી. તત્પરતા ભારત સરકારના સહયોગને આભારી હતી. ચંદ્રલોકની સરકારે ધન્યવાદનો એક પ્રસ્તાવ તૈયાર કર્યો. માતાદીનનો સત્કાર સમારંભ થયો. ફૂલોથી શણગારેલી જીપમાં એમને ફેરવવામાં આવ્યા. કેટલાય લોકોએ એમનો જય-જયકાર બોલાવ્યો. માતાદીનને ચંદ્ર પર ધોતી, કુર્તા, ટોપી ન લાવવાનો અફસોસ થયો. ભારતના પોલીસ મંત્રી ટી.વી. પર આ અનુપમ દ્રશ્ય જોઈને ખુશ હતા કે એમની સદ્ભાવનાના પરિણામે ચંદ્ર પરનું વાતાવરણ બદલાઈ રહ્યું હતું.

થોડા મહિનાઓ આમ જ પસાર થઈ ગયા. ચંદ્ર પર ધડાધડ કેસ વધવા માંડ્યા. જેલો ભરાવા માંડી.

પણ….પણ…

એક દિવસ ચાંદ પર ગુપ્ત અધિવેશન બોલાવવામાં આવ્યું કારણકે પોલીસની કાર્યવાહીને લઈને લોકોમાં રોષની લાગણી ફેલાવા માંડી હતી. સરકારે રાજીનામું આપી દેવું જોઈએ એવી માંગણી કરવામાં આવી હતી.

પ્રધાન મંત્રીએ માતાદીનને બોલાવીને આભાર માન્યો અને પૃથ્વીલોક પાછા ફરવા વિનંતી કરી, છૂટકો જ ક્યાં હતો?

પણ માતાદીન જેનું નામ, ચૂસ્ત સિદ્ધાંતવાદી, ડગલું ભર્યું કે ના હટવું એવો જેનો નિયમ, ટર્મ પૂરી કર્યા વગર, એમ તે કંઈ આદર્યા અધૂરા મૂકીને જાય? પ્રધાન મંત્રીએ બમણાં, ત્રણ ગણાં પૈસાની ઓફર સ્વીકારીને પણ માતાદીનને એમની ટર્મ પૂરી થવાની રાહ જોયા વગર પાછા જવા વિનંતી કરી. માતાદીને કહી દીધું કે એ ટર્મ તો પૂરી કરીને જ જશે. આખરે ચંદ્રલોકના પ્રધાન મંત્રીએ ભારતના પ્રધાન મંત્રીને એક ખાનગી પત્ર લખ્યો જેના પરિણામે ચોથા દિવસે માતાદીનને પાછા ફરવાનો આઈ,જી તરફથી ઓર્ડર મળી ગયો.

માતાદીનની વિદાય સમયે ચંદ્રલોકની પોલીસ અત્યંત દુઃખી થઈ, અરે! કેટલાક તો રડી પડ્યા. એમને સમજાયું નહીં કે આવા બાહોશ ઓફિસરને એકદમ કેમ પાછા બોલાવી લેવામાં આવ્યા.

માતાદીનને પાછા બોલાવાનું કારણ તો ખબર ન પડી પણ એમના વગર ચંદ્રલોકની પોલીસમાં સોપો પડી ગયો.

અંતે એક દિવસ ચંદ્રલોકના પ્રધાન મંત્રીએ લખેલા પત્રની કોપી જૂની ફાઈલમાંથી મળી આવી. જેમાં લખ્યું હતું કે,  “ઈંસ્પેક્ટર માતાદીનની સેવા પ્રદાન કરવા બદલ ધન્યવાદ.. અમે ભારતને અમારો મિત્ર દેશ સમજતાં હતાં પણ તમે અમારી સાથે શત્રુવત વ્યહવાર કર્યો છે. અહીંના ભોળા લોકોનો વિશ્વાસઘાત કર્યો છે. તમારા માતાદીને અમારી પોલીસને એવી તાલિમ આપી છે જેના પરિણામે અહીં કોઈ મરતાં માણસ પાસે જતું નથી કારણકે એમને ડર છે કે મદદ કરવા જતાં એની હત્યાના મામલે એમને સજા થશે. કોઈ દીકરો બીમાર બાપની સેવા કરતા ડરે છે કે બાપ મરી ગયો તો એની હત્યાનો આરોપ એની પર આવશે. ક્યાંય કોઈ એ ડરથી બાળકને બચાવવા નથી દોડતું કે એની પર બાળકની ઉઠાંતરીનો આરોપ આવશે. રખેને ઘર સળગાવવાનો આરોપ એની પર મૂકાઈ જાય એ બીકે ક્યાંક કોઈનું ઘર સળગી રહ્યું હોય તો એને બૂઝવવા કોઈ આગળ નથી આવતું, અહીં માનવીય સંબંધો મરતાં જાય છે. આદમી જાનવરથીય બદતર બની ગયો છે. માતાદીને અમારી સંસ્કૃતિ નષ્ટ કરી દીધી છે માટે હવે એમને તુરંત રામરાજ પાછા  બોલાવી લેવામાં આવે. આભાર.”

જય હો રામરાજ

હ્યુમર એટલે કે વિનોદ, જેમાં હાસ્ય પ્રેરિત વાત કહેવાઈ હોય.

સટાયર એટલે કે ઉપહાસ, જેમાં હસતા હસતા વિચારતાં કરી દે .

હરિશંકર પરસાઈની વાર્તાઓમાં ભારોભાર આવા ઉપહાસ જોવા મળે છે. આજે આપ સૌએ માણી એમની એક આવી એક વાર્તાનો ભાવાનુવાદ.

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

HopeScope Stories Behind White Coat – 15 / Maulik Nagar “Vichar”

By:Maulik Nagar “Vichar”

મોહક સ્મિત
નજરાણું ક્ષણિક
માન સદાય

આશુ, જો પેલો વિરાજ,”હાય” કરું?’ આશુની મિત્ર રિદ્ધિ એ બીકરમાં દેખાતા વિરાજના પ્રતિબિંબ પર નજર કરતા કહ્યું.
કાણી આંખ કરીને ટોંગથી ઉંચકેલ પારદર્શક ટેસ્ટટ્યૂબની આરપાર જોતા જોતા આશુ બોલી, ‘હું પણ એને જ જોઉં છું રિદ્ધિ, ઉફ્ફ…કેટલો હેન્ડસમ છે!!’
વિરાજ માત્ર એનાં ક્લાસ જ નહીં પણ આખી સ્કૂલની બધી જ છોકરીઓ માટેનું કેન્દ્ર બિંદુ હતો.
મજાકીયો અને રમતિયાળ સ્વભાવ એ એનાં આકર્ષણનું કારણ હતું.
વાંકળિયા વાળ, ગાલ પર હળવા ખાડા, મરૂન કલરનું ડાર્ક સ્વેટર, ઈસ્ત્રી ટાઈટ શર્ટ-પેન્ટ સાથે હાથમાં પહેરેલી “વિર” લખેલી ચાંદીની લકી સાથે એનો લંબગોળ ચહેરો પણ એટલો જ ચક્મકીત થતો હતો.
બારમાં ધોરણના વિજ્ઞાન પ્રવાહના બે ડિવિઝન હતાં. વિરાજ “એ” ડિવિઝનમાં હતો. આશુ “બી” ડિવિઝનમાં હતી.
અઠવાડિયામાં બે દિવસ માટે “બી” ડિવિઝનની છોકરીઓ આતુરતાથી રાહ જોતી રહેતી. કારણકે આ બે દિવસ બન્ને ક્લાસનો કેમેસ્ટ્રીનો પ્રેકટીકલ પિરિયડ એક સાથે કેમેસ્ટ્રી લેબમાં લેવાતો હતો.
નવી પેઢીના નવા રીતરિવાજ પ્રમાણે લગભગ દરેક છોકરા છોકરીઓ કોઈકના કોઈક સોશ્યલ મીડિયા પર એકબીજાના ફ્રેન્ડ તો હતા જ. પણ બંને ક્લાસની છોકરીઓને વિરાજ સાથે કોઈક ખાસ મિત્રતા જ કરવી હતી.
વિરાજ અને આશુના ક્યારેક નજરથી અડપલાં થઇ જતા હતા.
જયારે પણ આશુ વિરાજ સાથે વાત કરતી ત્યારે કંઈ ખાસ અનુભવાતું ન હતું.
વિરાજ બધા સાથે વાત કરે તેમ જ આશુ સાથે વાત કરતો હતો. પણ નજરનો વાર્તાલાપ અલગ જ હતો.
એક દિવસ સોશ્યિલ મીડિયાના અબોલા તૂટ્યા.
આશુના છુટ્ટા વાળ લહેરાવીને બીકરમાં ભરેલા ભૂરા રંગના પ્રવાહી સાથે અપલોડ કરેલા સેલ્ફી ઉપર લાઈકની લાઈટ ચમકી.
ઇન્સ્ટાગ્રામ પણ ઘણું ગૂંચવાળા ભર્યું છે. કોઈ વ્યક્તિ લાઈક કરે અને લાલ રંગનું હાર્ટ કુદકા મારે. લાઈકમાં ને લવમાં કોઈ ફરક જ નહીં.
‘રિદ્ધિ ઉપાડને જંગલી, જલ્દી…જલ્દી..’ ઇન્સ્ટાગ્રામના હાર્ટની જેમ આશુનું હાર્ટ પણ ઊછળવા લાગ્યું.
‘ફોન ઉપાડતાની સાથે જ રિદ્ધિ એ કહ્યું,’ બહું ઊછળીશ નહીં, એણે બધા છોકરા અને છોકરીઓના ફોટા લાઈક કરેલા છે.’ આશુનું હૃદય આંસુ આંસુ થઇ ગયું.
આશુને હવે ઊંઘ આવતી ન હતી. એના લીધે એ એના ફોનને પણ સુવા દેતી ન હતી.
ઊંઘ તો ના જ આવેને. બારમું ધોરણ, ઉંમર પણ વિચારો જોડે હરીફાઈ કરતી હોય, ત્રણ-ચાર મહિના પછી કોલેજીયન થઇ જવાની ગલીપચી અને વિરાજ જેવો મસ્ત ગલૂડિયાં જેવો હસમુખો છોકરો, કોને આવા છોકરાની કંપની ન ગમે?

હિંમત કરીને આશુએ વિરાજને મેસેજ કરવા ઈન્સ્ટાગ્રામ ચાલુ કર્યું.
‘ઓહ માય ગોડ!!’ વિરાજના નામની નીચે ટાઈપિંગ જોડે ત્રણ ટપકાં કુદકા મારતા જોયાં.

‘હાય :)…’થી શરૂઆત થઇ. બંને વચ્ચે મેસેજની આપ-લે ચાલુ થઇ ગઈ.
એ રાત્રે તો બંનેના ફોનમાં જ કેમિસ્ટ્રીના પ્રયોગો થતાં હોય તેમ ઈમોજીથી ચેટ બોક્ષ ઉભરાવવા લાગ્યું.
બંને જણાની રાતો હવે લંબાવા લાગી. અઠવાડિયામાં બે દિવસ બંનેની ગાઢ કેમેસ્ટ્રી, પ્રયોગશાળામાં દેખાતી. એ જ કેમેસ્ટ્રી ઘરે ગયાં પછી ચેટ બોક્ષમાં મિક્ષ થતી હતી.
બંને જણાએ સવાર,બપોર, સાંજ,રાતના આઠેય પ્રહરોને એક ફ્લાસ્કમાં ઓગાળીને એનાં ઉપર મૈત્રીનું બૂચ મારી દીધું હતું.
બંનેની ફ્રેન્ડશીપમાં હવે “આઈ લાઈક યુ એન્ડ મિસ યુ’ જેવાં સંવાદો પણ ઉમેરાયા હતા. ક્યારેક બંને વધારે ગેલમાં આવી જાય તો એ સંવાદોની પાછળ હગ અને કીસ જેવાં ઈમોજીએ પણ પગપેસારો કર્યો હતો.
તેઓની વર્ચુઅલ મિટિંગ હવે સ્કૂલના સાઇકલ સ્ટેન્ડ સુધી પહોંચી ગઈ હતી.
વિરાજ અને આશુ માટે દુનિયામાં એકબીજા સિવાય હવે માત્ર તેઓનાં ફોનનું જ મહત્વ હતું.
રીસેસમાં આશુ એની સહેલીઓ સાથે ગપ્પા મારતી હતી. એનાથી થોડે દૂર ઉભેલા વિરાજે આશુને ઉપર લેબમાં આવવા ઈશારો કર્યો.
શરમ અને ડરના માર્યે ત્રાસી આંખે જોતી આશુને કંઈ સમજાયું નહીં. એણે મેસેજ કરવા ઈશારો કર્યો.
ઝણઝણાટી સાથે મેસેજ ડિસ્પ્લે થયો.
મેસેજમાં લખ્યું હતું કે ‘આઈ વોન્ટ ટુ સ્પેન્ડ ટાઈમ વિથ યુ ઈન લેબ, કમ ઈન લેબ આફ્ટર રીસેસ પ્લીઝ.’
આ તો “નેકી ઑર પૂછ પૂછ”.

‘થેન્ક ફોર કમિંગ આશુ’ લેબમાં બાગ બગીચા જેવી મહેક તો ન હતી.
કેમિકલની દુર્ગંધ હતી પણ એની આ લોકોને કોઈ પરવાહ ન હતી.

વિરાજે લેબનો દરવાજો આડો કર્યો. બંને હાથ આશુના કમર પર મુક્યા. આ વખતે ફોનને નહીં પણ આશુને ઝણઝણાટી થઇ.
સમય બગાડ્યા વગર જ વિરાજે આશુને કહ્યું, ‘આશુ આઈ લવ યુ, વિલ યુ બી માય…’ વાક્ય પૂરું થાય ત્યાં સુધીમાં તો વિરાજ આશુના હોઠથી બે દોરા જ દૂર હતો ને ત્યાં જ લેબનો દરવાજો ખખડ્યો.
ખખડાટની સાથે જ બંને સ્વસ્થ થઇ ગયા. આશુએ તો બે ટેસ્ટ ટ્યૂબ્સ હાથમાં લઈને રસાયણો સાથે કંઈક પ્રયોગ કરતી હોય તેમ નાટક પણ ચાલુ કરી દીધું.
લેબનો દરવાજો આડો કરીને આવતા વિરાજ બબડવા બબડતા આશુને કહેવા લાગ્યો, ‘હાશ!! બચી ગયાં!! રમેશભાઈ પટ્ટાવાળા…!!’
‘આ શું? આશુ ક્યાં ગઈ? મારી જોડે સંતાકૂકડી રમે છે, આશુ?’ ટૅબલની આ બાજુ આવીને જોયું તો આશુ જમીન પર પડી હતી.
‘કમ ઓન ડિયર..હવે નાટક ના કર, રમેશભાઈ ગયા!!’ આશુ તરફથી કોઈ પ્રતિસાદ ના મળ્યો.
‘આઈ એમ વેટીંગ ફોર આન્સર, બેબી.’ બોલતા વિરાજે તેનો હાથ આશુના ગળા પર ફેરવ્યો.
‘ઓહ શીટ’ આશુ ઠંડી બરફ જેવી થઈ ગઈ હતી. બેભાન આશુને જોઈને વિરાજ ગભરાઈ ગયો.
તુરંત જ એણે એમ્બ્યુલન્સને ફોન કર્યો અને લેબની બહાર જઈને “રમેશભાઈ…રમેશભાઈ” બૂમો પાડી.
રમેશભાઈ અને બે-ચાર ટીચર્સ પણ દોડીને આવ્યાં.
વિરાજે થોડી સાચી જુઠ્ઠી વિગતો સ્કૂલ ટીચર્સને આપી. ત્યાં સુધીમાં એમ્બ્યુલન્સ પણ આવી ગઈ.
વિરાજ પણ પોતાનું સ્કૂટી લઇ એમ્બ્યુલન્સની પાછળ હોસ્પિટલ ગયો.
ઇમર્જન્સી ડૉ. વિષ્ણુ ત્યાં હાજર જ હતાં. ડૉ વિષ્ણુએ બેભાન આશુનું ઇન્વેસ્ટિગેશન ચાલુ કર્યું.
આશુનું ઑક્સિજન લેવલ સિત્તેર સુધી ઘટી ગયું હતું. હાર્ટ રેટ સો હતો.
બ્લડ પ્રેશર પણ નોર્મલ હતું. દેખીતી રીતે આશુના બેભાન થવાનું કોઈ કારણ જણાતું ન હતું.
ટીચર્સ અને પટ્ટાવાળા રમેશભાઈ પાસેથી ડૉ. વિષ્ણુને એક જ વિગત મળી કે, ‘અમને તો વિરાજે જ ઇન્ફોર્મ કર્યું હતું.’
ડૉ. વિષ્ણુએ વિરાજને લાંબીલચક પ્રશ્નાવલી સ્પર્ધા ચાલુ કરી.
‘આશુ તારી ગર્લ ફ્રેન્ડ છે?
તે એને કંઈ ખવડાવ્યું છે?
એણે સવારથી શું ખાધું-પીધું છે?
તમારી વચ્ચે કોઈ સં….?
નો…નો..નો…સર, વી આર જસ્ટ ફ્રેન્ડ્સ. વિરાજે એ જ બધી મિશ્રિત વિગતો ડૉ. વિષ્ણુને આપી જે વિગતો તેણે ટીચર્સને આપી હતી.
હા…અધકચરી જ..!!
દરેક દિશામાં ઇન્વેસ્ટીગેશન કરતા ડૉ. વિષ્ણુ પાસે આશુનો પ્રેગ્નેન્સી રિપોર્ટ અને ટૉક્સિન રિપોર્ટ પણ આવી ગયો..
‘નેગેટિવ..નેગેટિવ..’
આશુના મમ્મી પપ્પા આવતા જ ડૉ. વિષ્ણુએ ટીચર્સ, રમેશકાકા અને વિરાજને જવા જણાવ્યું.
‘વિરાજ, મને સ્કૂલે ઉતારી દઈશ, મારી સાઇકલ ત્યાં પડી છે.’
‘ઓકે…’ વિરાજનું મન હવે ચોંટતું ન હતું. એ પોતાને જ દોષી માનતો હતો.
‘જરૂર આશુ ઘભરાઈને પડી ગઈ લાગે છે.’
‘એ ભલે મેસેજમાં નજીક હતી પણ….’
અનેક વિચારોની વચ્ચે, બે ચાર સિગ્નલ બ્રેક કરીને વિરાજ અને રમેશભાઈ સ્કૂલે પહોંચ્યા.
‘રમેશકાકા, લેબ તો લૉક થઇ ગઈ હશે ને? મારી પુસ્તકો ત્યાં પડી છે.’
બંનેને ખબર હતી પુસ્તક તો માત્ર બહાનું હતું.
રમેશકાકાને પણ શક થયો. નક્કી વિરાજ કંઈક સગેવગે કરવાં જઈ રહ્યો છે.
વિરાજ લેબમાં પ્રવેશ્યો. આજુબાજુ જોયું અને ખાતરી કરી કે કોઈ તેને જોતું તો નથી ને!
જ્યાં આશુ બેભાન થઇ હતી ત્યાં ગયો.
ત્યાં કંઈક અજીબ પ્રકારની જ સુગંધ આવતી હતી.

આશુએ હાથમાં પકડી હતી તે ટેસ્ટ ટ્યૂબસ પર વિરાજની નજર પડી.
આછા ભૂખરા રંગના બે-ચાર ટીપાં પ્રવાહી સાથે બંને ટ્યૂબસ આડી પડી હતી.
થોડી ક્યુરિઓસીટી થતાં એણે આજુબાજુના બે ચાર ફ્લાસ્કમાં પડેલા કેમિકલના નામ વાંચ્યા.
બહુ જ બધાં દિવસો પછી આજે પહેલી વાર આટલી બધી વખત ખિસ્સામાં રહેલો ફોન વિરાજે બહાર કાઢ્યો.
સત્તર વર્ષના આ ગુજરાતી રજનીકાંતે બધાં જ કેમિકલની તાસીર ઈન્ટરનેટ પર ચેક કરવાની ચાલુ કરી દીધી.
‘ઓહ માય ગોડ!!!’
વિરાજે વળી પાછી ઈન્ટરનેટની મદદ લીધી. આ વખતે હોસ્પિટલનો નંબર શોધવા માટે.
હોસ્પિટલના રિસેપ્શન પરથી ફોન ડૉ. વિષ્ણુના ઍક્સટેંશન પર ટ્રાન્સફર થયો.
‘હેલ્લો..’ ડૉ. વિષ્ણુ હિયર
‘સર…ઇટ્સ સાઇનાઇડ..ઇટ્સ સાઇનાઇડ…સર..વિરાજ સ્પીકિંગ..ઇટ્સ સાઇનાઇડ’
ડૉ. વિષ્ણુ સીધા જ વૉર્ડમાં ગયાં અને આશુને પાછું ચકાસ્યું..
આશુના ભૂરા પડતા નખ સામે નજર કરતા ડૉ. વિષ્ણુએ રાડ પાડી ‘નર્સ..જલ્દી મને મિથિલિન બ્લ્યુ ઇંજેક્શન હોસ્પિટલની ફાર્મસીમાંથી મંગાવી આપો.’
‘હી ઇસ બ્રિલિયન્ટ…હી ઇસ રાઈટ..’
થોડીક જ સમયમાં વિરાજ પણ હોસ્પિટલ પહોંચી ગયો.
વિરાજને જોતા જ ડૉ. વિષ્ણુએ ‘યુ આર બ્રિલિયન્ટ માય બોય’ સાથે એને આવકાર્યો. સાથેસાથ નર્સિંગ સ્ટાફ, બીજા ડૉક્ટર્સ અને આશુના મમ્મી પપ્પાએ પણ વિરાજના આ આવકારને તાળીઓના ગડ્ગડાટથી તાલબદ્ધ કરી દીધો.
વિરાજે દૂર નજર કરતા આશુ પણ બેડ પર સૂતી સૂતી આ જ તાલમાં તાળીઓ વડે તાલ પુરાવતી હતી અને ડોકું હકારમાં ધુણાવતી હતી.
ત્યાં જ ડૉ. વિષ્ણુના ફોનની રિંગ વાગી,
‘લિટલ બોય બ્લ્યુ, એન્ડ અ ગર્લ ઈન ધ મૂન.’

સ્પંદન-14કસોટી તો થાય માત સીતાની પણ
રામ હોય રાજા કે હોય રામરાજ્ય
ક્યાં છે મનનો રાવણ હરાવવાનો મંત્ર
છુપાયો છે દશાનન અત્ર તત્ર સર્વત્ર
શોધું, મળે ક્યાં પરદુઃખભંજન રામ
સંતાપ મનમાં, જોઈ સ્વાર્થના ધામ
જાગ અને જગાડ, તારો આતમરામ
અંશ છે તું પ્રભુ કેરો , કર રામના કામ.

ગંગા , યમુના , હિમાલયની જેમ જ ભારત અને ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલ કોઈ નામ હોય તો તે છે ભગવાન રામ અને માતા સીતા. ભાગ્યે જ કોઈ ભારતીય બાળકનું બાળપણ રામ અને સીતાની કથા વગર વીત્યું હશે. રામ એ કથા નથી પણ કંઇ કેટલાય લોકોની જીવનકથા છે. વાલ્મીકિ હોય કે કંબન કે પછી ગોસ્વામી તુલસીદાસ રામાયણ અને રામચરિતમાનસ તેમના જીવન કાવ્યો અનેક ભારતીય હ્રુદયની પ્રેરણા રહ્યાં છે. તેથી જ રામનવમી એ એવો તહેવાર છે જે સ્નેહ, સમર્પણ, શ્રધ્ધા અને પ્રેરણાની ભક્તિમય જ્યોતથી દીપી ઊઠે છે. ભારતીય હૈયાને મન હ્રુદયના સિંહાસન પર શ્રીરામ હમેશાં વિરાજમાન હોય છે. તેથી જ આદર્શ રાજ્ય એટલે રામરાજ્ય. શ્રીરામ હૃદયના સ્વામી છે અને અંતર્યામી પણ છે. રામનામ હ્રુદયની ગાથા પણ છે અને તપ્ત હ્રુદયની શાતા પણ છે. રામનામ એ એવું સ્પંદન છે જે તારી શકે છે. એ માત્ર માન્યતા જ નહીં અનેકની અનુભૂતિ પણ છે.

રામ નથી માત્ર મંદિરની મૂર્તિ કે નથી ભારતીય મહાકાવ્ય રામાયણનું કોઈ પાત્ર. રામ છે ઉદ્ધારક અને મહાનાયક. રામ ભારતની સંસ્કૃતિ સાથે, તહેવારો સાથે, ભારતીય જનમાનસ સાથે, લોકોના મનની ચેતના સાથે અભિન્ન રીતે જોડાયેલા છે. દ્રશ્ય દિલ્લીના રામલીલા મેદાનનું હોય કે બીજે ક્યાંયનું પણ દરેક ભારતીય બાળકના મનમાં દશેરાના દિવસે થતું રાવણ દહનનું દ્રશ્ય જીવંત હોય છે. તો રાવણના વધ પછી રામના આગમનની ખુશીમાં અયોધ્યાના નગરજનોએ કરેલ સ્વાગતના ઉપલક્ષ્યમાં કરેલ દીપમાળાને યાદ કરીને ઉજવાતી દિવાળીની રાત્રે દીવા પ્રગટાવવાની પરંપરા યાદ કરીએ તો થાય કે રામ હજારો વર્ષ પછી પણ જીવંત છે-દરેક ભારતીય વ્યક્તિના હૈયામાં, પરંપરામાં અને મન મંદિરમાં.

આજનો યુગ તો યંત્રયુગ છે, ટેકનોલોજીનો યુગ છે, મેનેજમેન્ટના માંધાતાઓનો યુગ છે તેમાં વળી રામ પ્રેરક હોઈ શકે ખરા? ભક્તિની શક્તિ એ જ છે કે તે પ્રશ્નોને ઉત્તરના સ્વરૂપમાં બદલી શકે, માનવને માર્ગ બતાવે. અવતારી પુરુષોનું જીવનકાર્ય પણ તે જ સૂચવે છે. રામ અવતાર છે અને તેથી જ રામકથામાંથી પણ આપણને આજના સંજોગોમાં સંદેશ પ્રાપ્ત થઈ શકે છે. આ રામનવમીના પુનિત પર્વના સંદર્ભમાં કેટલાંક મધુ બિંદુઓ …
….જીવન એટલે જ ક્ષણોનો સરવાળો. કેટલીક ક્ષણોનું સાંનિધ્ય ગમે, તેથી માનવી સુખ અનુભવે અને અણગમતી ક્ષણોને દુઃખ તરીકે અનુભવે. રામના જીવનમાં પણ આરોહ અવરોહ રહ્યા જ હતા. રાજ્યાભિષેકની તૈયારી હોય અને માતા કૈકેયીને રાજા દશરથે આપેલા વચનને કારણે રામને ચૌદ વર્ષનો વનવાસ પ્રાપ્ત થાય. આને શું કહેવું? એક તરફ રઘુકુળની વચન પાલનની પરંપરા છે. માત્ર ગાદીનો ત્યાગ નથી પણ ચૌદ વર્ષનો વનવાસ પણ છે. રામ એ પ્રેરણામૂર્તિ છે, મર્યાદા પુરુષોત્તમ છે. ધૈર્ય, ગાંભીર્ય અને સમતા એ રામના ગુણો છે. રામ વનવાસ સ્વીકારે છે. વનવાસ એટલે જ અનિશ્ચિતતા. રાક્ષસોથી ભરેલા વનમાં સલામતિનો અભાવ તો સ્વાભાવિક જ હોય. પણ જ્યાં આત્મશ્રધ્ધા છે, હાથમાં ધનુષ છે અને પોતાના સામર્થ્યમાં વિશ્વાસ છે, ત્યાં ભય નથી. ભય, શક્તિનો વિનાશ કરે છે અને આત્મશ્રધ્ધા, શક્તિનો સંચાર કરે છે.
…….યુગો બાદ ……
આપણે ….ગઈ કાલની દોડતી દુનિયા , ભૌતિક સુખોથી ઊભરાતી દુનિયા ….2020…દોડ અચાનક થંભે છે….લોકડાઉન .. કવોરંટાઈન …કેટલાક લોકોની મૂંઝવણ …અને ઉત્તર?… ધીરજ , ગંભીરતા , સમતા અને આત્મશ્રધ્ધા. ભય નથી એમ નહીં પણ આપણા ધનુષ બાણ એવી આપણી ટેકનોલોજીમાં શ્રધ્ધા રાખી આત્મસામર્થ્ય કેળવીએ. ચૌદ દિવસનું કવોરંટાઈન ચૌદ વર્ષના વનવાસ સામે કંઈ નથી. નિરાશ ન થઈએ. આપણે રામના ભકતો છીએ. આત્મવિશ્વાસ અને ઈશ્વરકૃપા સાથે આગળ વધીએ. માનવજાત અજેય છે અને રહેશે. વાઇરસ માયાવી છે અને રૂપ બદલે છે. યાદ રહે રાક્ષસો પણ માયાવી હતા અને રૂપ બદલી શકતા. યાદ રહે…યુગ ગમે તે હોય…
લક્ષ્મણરેખા જ્યાં સુધી ઓળંગવામાં આવતી નથી ત્યાં સુધી રાવણ પણ કંઈ કરી શકતો નથી. લક્ષ્મણરેખા એ મર્યાદા છે -આપણી, આપણા શક્તિ અને સામર્થ્યની. જે ક્ષણે લક્ષ્મણરેખા ઓળંગાય છે, ત્યારે તે ક્ષણે જ રાવણ અટ્ટહાસ્ય કરી શકે છે. પ્રશ્ન સમર્થતાનો નથી , મર્યાદાનો છે. મર્યાદામાં રહી આત્મશ્રધ્ધા સાથે માર્ગ શોધવો એ જ સંદેશ છે, મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજીનો.

રામ પ્રત્યેની ભક્તિ જ્યારે આપણી શક્તિ અને પ્રેરણા બને તો જ રામનું અવતાર કાર્ય સિદ્ધ થયું ગણાય. જેમ હબલ ટેલિસ્કોપ દ્વારા વૈજ્ઞાનિકો અવકાશનો તાગ મેળવવા પ્રયત્ન કરે છે કદાચ તેવી જ યાત્રા આપણે કરવાનો પ્રયત્ન છે. આ એ યુગમાં ડોકિયું કરવાનું છે જેની માહિતી માત્ર રામાયણ દ્વારા મળે છે. જીવન માત્ર વ્યક્તિગત નહીં પણ સમષ્ટિના વિકાસનું સાધન છે, યજ્ઞ છે. તેમાં પ્રાપ્તિ જ નહી પણ સમર્પણની પ્રાથમિકતા હોવી જોઈએ. યાદ આવે છે એક દ્રશ્ય …
ઋષિ વિશ્વામિત્રને યજ્ઞ કરવો છે. મારીચ અને સુબાહુ નામના રાક્ષસો તેમાં વિઘ્ન કરે છે. ઋષિ રાજા દશરથના દરબારમાં આવી કહે છે કે રામ અને લક્ષ્મણને આશ્રમમાં યજ્ઞના રક્ષણ માટે મોકલો. દશરથ પુત્ર પ્રેમના કારણે આનાકાની કરે છે પણ ગુરુ વશિષ્ઠ આગ્રહને લીધે મોકલે છે. કુમારોની ઉંમર લગભગ સોળ વર્ષ છે. વિશ્વામિત્ર અને કુમારો ચાલી નીકળે છે. વિશ્વામિત્ર તેમને બલા અને અતિબલા વિદ્યાઓ શીખવે છે, દિવ્ય શસ્ત્રાસ્ત્રો પ્રદાન કરે છે. જેનાથી રામ મારીચને ભગાડે છે અને સુબાહુનો વધ કરે છે. યજ્ઞનું રક્ષણ કરે છે. શું છે આ સંદેશ? આ શિક્ષણનો પ્રેક્ટિકલ ઉપયોગ છે. પણ તે ઉપરાંત શિક્ષણનો કે જીવનનો હેતુ સમાજના હિતનો છે અને રાજકુમાર હોય તો પણ તેમાં અપવાદ નથી. પરાક્રમ કહો કે પ્રશ્નોને સ્થળ પર જ નિકાલ કરવાની વ્યવસ્થાનું શિક્ષણ અહીં પ્રતીત થાય છે. અહીં બાળકને રણમેદાન છોડીને ભાગી જવાનું શિક્ષણ નથી, પણ સામનો કરવાનું શિક્ષણ છે. સલામતિ શોધવા રાક્ષસોથી ભયભીત થવાનું નથી તેમનો સામનો કરવાનો છે. શાબ્દિક શિક્ષણ નહી, પણ ચારિત્ર્યઘડતર એ શિક્ષણનો હેતુ હોવો જોઈએ એવો ધ્વનિ અહી છે.

રામાયણ એ માત્ર રામની વાર્તા નથી કે નથી રાજાનો ઇતિહાસ. રાજગાદી માટે કાવાદાવાની વાતો ઇતિહાસમાં અગણિત છે પણ અહીં છે ભાઈનો પ્રેમ. ભરત રામને કહે છે કે અયોધ્યાની રાજગાદી પર રામનો જ અધિકાર છે તો હે રામ! તમે પાછા આવો. રામ કહે છે પિતાના વચન ખાતર વનવાસમાંથી પાછા તે નહીં ફરે. ભરત રામની ચરણ પાદુકાને સિંહાસન પર મૂકી રામના પ્રતિનિધિ તરીકે રાજ્ય ચલાવે છે. અહીં સત્તાની લાલસા નથી પણ ભાઈના પ્રેમ ખાતર ત્યાગ છે… ટ્રસ્ટીપણાની ભાવના છે. ભાઈના પ્રેમનું આ ઉદાહરણ અજોડ છે.

અને… રામ . ક્યારેક થાય કે કેમ તેને મર્યાદા પુરુષોત્તમ કહેતા હશે? રામ પાસે શક્તિનો અહંકાર નથી પણ સમગ્રનો અને સહુનો સ્વીકાર છે. યાદ કરીએ અહલ્યા, શબરી અને કેવટને તો લાગશે કે જે કંઈ માર્ગમાં આવ્યું તે રામ સ્વીકાર કરે છે – અહલ્યાનો ઉદ્ધાર હોય, શબરીના પ્રેમથી વીણેલાં બોર હોય કે કેવટનો રામના પગ ધોવાનો આગ્રહ. રામ પ્રેમ મૂર્તિ છે. રામ સહુને સ્વીકારે છે અને તે પણ પોતાની કોઈ અપેક્ષા કે આગ્રહ વગર. રામ માટે કોઈ પરાયું નથી. માનવ તો ઠીક પણ પક્ષીરાજ જટાયુ હોય કે વાનર સમૂહ – કોઈની શક્તિ ઓછી નથી અને સહુના યોગદાનથી રામસેતુ પણ બાંધી શકાય એ જેવી તેવી સિદ્ધિ નથી. હનુમાન હોય કે અંગદ, સહુને રામનું કામ કરવું છે – સમુદ્ર પાર કરવો હોય કે લંકાદહન – અહીં શ્રેષ્ઠ થવાની હોડ નથી, ઉત્સાહ છે, સમર્પણ છે. નેતૃત્વ કહીશું કે ભક્તિ – ના, આ શબ્દોથી વર્ણવી નહીં શકાય. આ છે અદભુત.

રીટા જાની
23/04/2021

૧૫, “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” – અલ્પા શાહ

વૈશ્વિક કવિતાના ભાવવિશ્વમાં એક સફર…

નમસ્કાર મિત્રો,

આપણે એપ્રિલના વાસંતી મહિનાના અંત તરફ સરકી રહ્યા છીએ. પ્રકૃતિ ધીમે ધીમે પોતાના નવા રૂપમાં સજ્જ થતી જણાય છે અને વૃક્ષ અને વેલીઓ પાંદડા અને પુષ્પોથી આચ્છાદિત થવા લાગ્યા છે. વસંતએ એક સર્જનની ઋતુ છે. ધીમે ધીમે વસંતમાંથી ગ્રીષ્મ અને એક પછી બીજી ઋતુઓમાંથી પસાર થતા થતા છેવટે પાનખર આવી પહોંચશે અને પાનખર એટલે વિસર્જનની ઋતુ. અને આગલી વસંતના આગમન સાથે ફરીથી નવસર્જનની પ્રક્રિયા શરુ થશે. આપણુ  જીવનચક્ર પણ આ ઋતુઓના ચક્ર જેવું જ છે ને ! આજે “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” લેખમાળા અંતર્ગત, આ જીવનચક્રને ખુબ ગૂઢ રીતે રજુ કરતી એક સુંદર અંગ્રેજી  રચનાને આપણે જાણીશું અને માણીશું જેનું શીર્ષક છે A Light Exists in Spring અર્થાત એક વાસંતી જ્યોત.આ રચનાના રચયિતા છે Emily Dickinson. તમે આ કવિતાના અંગ્રેજી  શબ્દો તમે આ લિંક પર વાંચી શકશો. https://pennyspoetry.fandom.com/wiki/A_Light_exists_in_Spring_/_Emily_Dickinson મેં આ રચનાનો ગુજરાતીમાં ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે જે અત્રે રજુ કરું છું.

કવિયત્રી આ રચનામાં વસંત ઋતુ  – કે જે એક સર્જનની ઋતુ છે, જયારે પ્રકૃતિ નવપલ્લવિત થઈને નવા પરિધાન ધારણ કરે છે તેને સંદર્ભ બનાવીને જન્મ-મૃત્યુના જીવન ચક્રને બહુ ગહન રીતે રજુ કરે છે. આ જીવરૂપી જ્યોતનું એક ચોક્કસ સમયે અવતરણ થાય છે. મેઘધનુષ અને વૃક્ષ જેવા પ્રાકૃતિક તત્વોનો આધાર લઈને કવિયત્રી આ જીવની જીવનયાત્રાનો અછડતો ખ્યાલ આપે છે અને સાથે સાથે આ જીવને અનુભવાતી સંવેદના અને સંવાદને પણ પ્રતિબિંબિત કરે છે.ઋતુ ચક્રની જેમ આ જીવનચક્રનો પણ છેવટે અંત આવે છે અને આ જીવ રૂપી જ્યોત  હળવેથી તેના અંતિમ ગંતવ્યમાં ઓઝલ થઇ જાય છે – આ જીવ રૂપી જ્યોત કદી ન પુરાય તેવી હોય છે પણ તે સર્વેની ર્ભીતરમાં એક ચોક્કસ ખાલીપો રચીને ક્ષિતિજમાં ભળી જાય છે

કહેવાય છે કે કવિયત્રી Emily Dickinson નું જીવન ખુબ એકાકી હતું. Her poems were churned during her solitude, living and thought-stirring letters that she had written to her father and sister-in-law. These letters were the only mean of communication between her and the world outside. This poem is one of the letters that she had written to her father.  

દરેક જીવરૂપી જ્યોત એક જીવનચક્ર એટલે કે Life Cycleમાંથી પસાર થાય છે. દરેક જીવ માટે જન્મ અને મૃત્યુ એ બેજ જીવનના સાશ્વત સત્ય છે. અને આ બે સાશ્વત સત્યોના છેડા વચ્ચે વહી જતી પળો એજ જિંદગી.આ સૃષ્ટિનું નિર્માણ થયું ત્યારથી અનેકવિધ જીવોનું જીવનચક્ર ચાલતું આવ્યું છે. ઋતુઓના ચક્રની જેમજ આ જીવનનુંચક્ર આપણા જન્મ પહેલા પણ ચાલતું હતું અને આપણા મૃત્યુ પછી પણ ચાલતું જ રહેવાનું…. આ અનંત સંસારમાં આપણું જીવન તો અફાટ સાગરમાં પાણીની એક બુંદ સમાન છે. We are just a tiny speck in this vast universe! We are just a dot of light in the vast ocean of lights in the universe!  અને દરેક શ્વાસે આપણા ભાગે લખાયેલા શ્વાસોમાંથી એક એક શ્વાસ ઓછો થાય છે. We all are travelers here and progressing towards our ultimate destination slowly and steadily with every breath we take.

જન્મ અને મૃત્યુ આપણા હાથમાં નથી પણ આ બે છેડાની વચ્ચે શું કરવું તે માત્ર આપણા હાથમાં છે. આ જીવરૂપી જ્યોતથી આપણે આપણી આસપાસ કેટલાના જીવનમાંનો અંધકાર હળવો કરી શકીએ તે માત્ર આપણેજ નક્કી કરી શકીએ છીએ. આ જ્યોતનું શ્વાસરૂપી ઇંધણ કઈ ક્ષણે ખૂટી જશે તેની તો કોઈને ખબર નથી, માટેજ ચાલો આપણે દીપ બનીને હરેક પળે પ્રગટીએ…અને આ જીવરૂપી જ્યોતના અસ્તિત્વને સાર્થક કરીએ. મારી સ્વરચિત કવિતાની થોડી પંક્તિઓ અહીં રમતી મૂકીને આજે હું મારી કલમને વિરામ આપું છું.

કોણ જાણે શ્વાસની આ ધમણ અટકે કઈ ક્ષણે
એ પહેલા આંજી દઈએ અજવાળું સૌના અંતરે
એટલે જ ચાલ,દીપ બનીને પ્રગટીએ પળે પળે

એક દીવડે કદાચ આ ડિબાંગ અંધારું ન ટળે
પણ લાખો દીવડે તો અચૂક જ સુરજ ઝળહળે
એટલે જ ચાલ,દીપ બનીને પ્રગટીએ પળે પળે

આવતા અઠવાડિયે એક બીજી વાસંતી કવિતા સાથે ફરી મળીશું.તમારા માર્ગદર્શન અને અભિપ્રાયોની અપેક્ષા સાથે….

– અલ્પા શાહ

અજ્ઞાતવાસ -૧૪

અલવિદા 
નકુલનાં આનંદ મિશ્રિત આશ્ચર્યનાં હાવભાવ જોઈ હિરેનમાસાએ ભાઈને કહ્યું નકુલને ડ્રાઈવર સાથે ઘેર મોકલી દઈએ,તમે અને મોટીબહેન(શશીબહેન) પછી શાંતિથી જાઓ. અને માસાએ ઈન્ટરકોમથી ડ્રાઇવરને ગાડી પોર્ચમાં લાવવાનું કહ્યું અને મને કહ્યું “નકુલ ,તું નીચે જા,તને ડ્રાઈવર ઘેર મૂકી જાય છે.” હા ,કહી હું કચવાતે મને ઊભો થયો.પણ ખબર નહીં થોડી કોનિયાકની અસર અને માસીનું ઘર એટલું મોટું હતું કે ઘરની ભુલભુલામણીમાં હું રસોડામાં પહોંચી ગયો.એક સફેદ ટોપીવાળો મને નીચે ગાડીમાં બેસાડી ગયો.ઘેર પહોંચી થોડી ઉલ્ટીઓ કરી,હું ઊંધી ગયો.

મારી ‘દેશ વિદેશ એક્સપોર્ટ ‘કંપનીનાં પાર્ટનરશીપનાં પેપર્સ પર સહી સિક્કા થઇ ગયા અને મારાં ગ્રીનકાર્ડનાં પેપર્સ આવતા મારી ‘સ્વીઝ એર’ ની ટિકિટ ભાઈએ કરાવી દીધી હતી..એકબાજુ અમેરિકા જવાનો ઉત્સાહ હતો તો બીજી બાજુ ટીનાને,રેસકોર્સને,રુખીબાને અને મુંબઈને છોડવાના દુ:ખથી અંતરનાં ખૂણે એક ચચરાટ હતો.


સીમલા સાથે ગયા પછી ટીના સાથે પણ હ્રદયથી એટલો જોડાઈ ગયો હતો કે દરેક પરિસ્થિતિમાં હું તેને મારી સાથે ઝંખતો.તેથી એકલો હોઉં ત્યારે પણ ટીના મારી સાથે જ હોય તેમ તેની સાથે વાતો કરતો રહેતો..તેમાં તેને મળવાનું અને વન ટુ વન વાત કરવાનું બંધ થઈ ગયું હતું.તે તો અમારા માટે અસહ્ય હતું. અમારે માટે વ્યોમા જ એક આશાનું કિરણ હતી.હું રોજ વ્યોમાને ફોન કરતો . વ્યોમા ટીનાને તેના ઘેર જઈ બધાં સમાચાર આપતી અને તેનાં સમાચાર મને જણાવતી.મારે જતાં પહેલાં એકવાર ટીનાને કોઈપણ ભોગે મળવું હતું અને તેને વિશ્વાસ આપવો હતો કે,” હું અમેરિકા કે દુનિયાનાં કોઈપણ છેડે જઈશ પણ હંમેશ હું તારો જ છું.અને તારો જ રહીશ,જલ્દી સેટલ થઈ ,તારા પપ્પા નહીં માને તો તને ભગાડીને પણ લઈ જઈશ.તું મારી રાહ જોજે.”.હું વ્યોમાને સાથે રાખી કોઈ જુગાડ કરીને ટીનાને મળવા માંગતો હતો.વ્યોમાએ મારા જવાનાં પાંચ દિવસ પહેલાં ટીનાની મમ્મીને તેના પપ્પાને સંભળાય તેમ કીધું “,નકુલ તો અમેરિકા જતો રહ્યો ,હવે તો ટીનાને બહાર જવા દો”.ટીનાની મમ્મી કહે,” તેના પપ્પાની રજા વગર હું કંઈ કરી ન શકું.


આમ કરતાં જ મારો અમેરિકા જવાનો દિવસ આવી ગયો.ભાઈ હિરેનમાસાને અમારા એક્સપોર્ટની કંપની અંગે વાત કરીને આવ્યા હતા. પરતું માધવલાલ ફેમિલીમાં એક નિયમ હતો કે કોઈપણ નવું કામ શરુ કરે તો દરેક કાર્ય તેમનાં જ્યોતિષ કહો કે પંડિત તેમને પૂછીને મુહૂર્ત અને ટાઈમ પ્રમાણે જ જોશ જોવડાઈને જ થાય.


સફેદ દાઢી અને સફેદ વસ્ત્ર પરિધાનમાં સજ્જ ,પ્રતિભાશાળી આ જ્યોતિષને માસીએ મારું ભવિષ્ય અને કુંડળી જોવા મોકલ્યા.આ એટલા મોટા જ્યોતિષ ગણાતા કે માધવલાલ ફેમિલી સિવાય તે કોઈના માટે જ્યોતિષ જોતાં નહીં. માસીની ઓળખાણને લીધે તે અમારા ઘેર આવ્યા હતા.હું,ભાઈ ,બહેન કે રુખીબા પણ આવી કોઈ અંધશ્રદ્ધા કે મુહૂર્ત કે જ્યોતિષમાં બિલકુલ માનતા નહીં.પણ માસીએ મોકલેલ અને અમારે એક્સપોર્ટનાં બિઝનેસમાં માધવલાલ ઈન્ડસ્ટ્રીની કંઈપણ મદદની જરુર પડે તો ,અમારે એ લોકો કહે તેમ કરવું પડે એટલે, અમે તેમને માન પૂર્વક સત્કાર્યા.
અમેરિકા જવાનો દિવસ હતો એટલે ઘર ,મિત્રમંડળ અને નજીકનાં પરિવારજનોથી ભરેલું હતું.આચાર્યએ મારાં સિવાય રૂમમાંથી બધાંને બહાર જવાનું કહ્યું.આચાર્યએ હાથ અને કુંડળી જોઈને કહ્યું,” ભાઈ,તારી તો ઉજ્જવળ કુંડળી છે.તું બહુ બધાંથી આગળ નીકળી જઈશ.તું લાંબી રેસનો ઘોડો છે..તું ભવિષ્યમાં એવા મોટા ધંધા કરવાનો છું કે સામાન્ય માણસ તો તે અંગે વિચારી પણ ન શકે.આપણે બધાં વાંદરાં જ છીએ,પણ તું અકકલવાળો અને નસીબવાળો વાંદરો છે. તું સીડી પર સૌથી જલ્દી છેક ઉપર પહેલો ચડી જઈશ..તારા ધંધાનું મુખ્ય મથક ભારત જ રાખવું જોઈએ. તને માનસિક શાંતિ અમેરિકામાં નહીં મળે.તારી જિંદગીમાં નહીં ધારેલાં ઉતાર ચડાવ છે માટે તૈયાર રહેજે.મેં વાત સાંભળી ના સાંભળી કરી ,તેને બકવાસ સમજી ,બહેનને આચાર્યને સોંપી હું બહાર નીકળી ગયો.મને તો ટીનાને મળવાની તાલાવેલી હતી.


વ્યોમાએ પોતાની માંદગીનું બહાનું કાઢી ટીનાની મમ્મીને સમજાવી અને ટીનાને તેની પાસે બેસવા અડધો કલાક બોલાવી ટીનાના મમ્મી ને એમ કે નકુલ હવે અમેરિકા જતો રહ્યો છે,તો ટીનાને થોડીવાર બાજુમાં મોકલવામાં કંઈ વાંધો નથી. અને ટીના વ્યોમના ઘરે આવી.

હું પહેલેથી જ તેની રાહ જોઈને વ્યોમાનાં ઘરમાં બેઠો હતો.કેટલાય દિવસો પછી મેં એને જોઇ હું મારી જાતને રોકી ન શક્યો.અમે કેટલોય સમય મૌન રહીને એક બીજાને ક્યારેય છૂટા ન પડવું હોય તેમ પ્રેમથી આલિંગન આપી ચૂમતાં રહ્યા…ટીના ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી .હું નિ:શબ્દ અને નિસહાય બની તેના વાળ અને બરડા પર વ્હાલથી હાથ પ્રસરાવી રહ્યો હતો. મને ટીનાની અંતરની ચીસ અનુભવાતી હતી.એના હ્રદયનાં ધબકારામાં પ્રેમની જુદાઈનો હચમચાવી નાંખતો અહેસાસ રુહથી મહેસુસ કરતો હતો. હુ એટલું બોલ્યો મારી રાહ જોજે હું પાછો આવીશ.પણ એક ડર મને ફફડાવી રહ્યો હતો કે મારી ગેરહાજરીમાં તેના પિતા તેની સાથે શું કરશે ?…..તેની અમને ખબર નહોતી.મારી પાસે માત્ર અડધો કલાકનો જ સમય હતો.છેવટે એને રડતી મૂકી ,મારી જાતને ,મારી ઈચ્છા વિરુધ્ધ એનાથી છોડાવી ,હું આંખમાં આંસુ અને દર્દ સાથે તેના ઘેરથી જ સીધો એરપોર્ટ પહોંચ્યો.

ભાઈ,બહેન અને રુખીબા બેગો લઈને એરપોર્ટ પહોંચી ગયાં હતાં.રુખીબા અને બહેન હું જવાનો હતો એટલે દુ:ખી હતાં પણ ભણવા જાઉં છું અને ત્યાં બંને બહેનો હતી એટલે તેમને એટલી ચિંતા નહતી.

મારી એક બેગમાં તો મારા એક્સપોર્ટ માટેનાં ગીફ્ટ આર્ટિકલનાં સેમ્પલ જ હતાં એટલે બેગમાં વજન પણ વધારે થઇ ગયું હતું પણ ભાઈએ એની ઓળખાણથી વ્યવસ્થા કરી હતી જેથી મારી બેગમાં વધારે વજન હોય તો વાંધો ન આવે અને બેગનું ખોલીને ચેકીંગ પણ ન થાય .વ્યવસ્થા કરનાર ઓફીસરે ,મારી બેગ પર સ્વિસ-એરવાળા ઓફીસરને સમજાય તે માટે , એરપોર્ટની ભાષામાં ગોળ કરી કંઈ સાઈન દોરી હતી. હું બેગો લઈ ચેક-ઈન કરાવવા ગયો તો ,ઓફીસરોએ મારી બેગો પ્લેનમાં અંદર જવા દેવાને બદલે ઓફીસમાં લઈ ગયાં.મને લાગ્યું ભાઈની ગોઠવણ મુજબ બધું થઈ રહ્યું છે.પણ મને પણ ઓફીસરે તેની સાથે અંદર બોલાવ્યો.

૧૯૭૫નાં સમયમાં મુંબઈ એરપોર્ટ પર ચેક ઈન કરી બસમાં બેસી ફ્લાઈટ સુધી જવાનું હતું.તમે પ્લેનની સીડી પર ચડો તે પહેલાં સગાંઓ અને મિત્રો તમને વ્યુ ગેલરી પર ઊભા રહી આવજો કહી શકતાં.હું અંદર તો ગયો પણ એક કલાક થયો બહાર ન આવ્યો. ફ્લાઈટ ઉપડવાનો ટાઈમ તો ક્યારનો થઈ ગયો હતો. મારાં પ્લેનનાં ઊપડવાનાં સમય ઉપર લગભગ એક કલાક થઈ ગયો હતો. પણ હું હજુ ઓફીસરોની રુમમાં જ હતો. ફ્લાઈટનાં બધાં પેસેન્જર ફ્લાઈટ ટેક ઓફ થવાની રાહ જોઈને અંદર પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા હતાં.

બહાર કુંટુંબીજનો અને મિત્રો મને પ્લેનમાં ચડતો જોવાં બહાર ઊભા રહી કલાકથી રાહ જોઈ રહ્યાં હતાં.ભાઈ,બહેન અને રુખીબા ચિંતા કરતાં હતાં કે નકુલ કેમ બહાર આવતો નથી?શું થયું હશે??


જિગીષા દિલીપ

એક સિક્કો – બે બાજુ :14) સીતાની અગ્નિ પરીક્ષા !

એક સિક્કો – બે બાજુ :14) સીતાની અગ્નિ પરીક્ષા !
અમારાં એક મિત્રને ત્યાં ત્રણ દિવસનાં રામાયણ / રામકથા -પ્રવચનોનું આયોજન થયું હતું .કથાનો એ ત્રીજો દિવસ હતો . એ દિવસે રામ રાવણનાં યુદ્ધ પછી રામ અને સીતાનાં મિલાન પ્રસંગની અમે ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યાં હતાં. મહારાજે સીતાની અગ્નિ પરીક્ષાનો પ્રસંગ શરૂ કર્યો ..
ત્યાંતો કોઈ ધીમેથી બોલ્યું : “ આ તો હદ થઇ ગઈ કહેવાય!” એક બહેને ધીમેથી કહ્યું ; “ બિચારી સીતા જેણે સતત પોતાના પતિ રામનું જ સ્મરણ કર્યું , જેણે રાવણને કરગરીને , ક્રોધથી કે બીજી ગમે તે રીતે પણ એનાથી પોતાની જાતને સાંભળી , એની જ અગ્નિપરીક્ષા ?”
અમારાં બચુ મહારાજે તુલસીદાસ રચિત રામચરિતમાનસ માંથી લંકા કાંડ નું પદ ગાયું :
“સીતા પ્રથમ અનલ મહું રાખી , પ્રગટ કીન્હિ ચહ અંતર સાખી-
અર્થાત, સીતાજીના મૂળ સ્વરૂપને પ્રથમ અગ્નિમાં રાખ્યું હતું તેને સર્વના હ્ર્દયના સાક્ષી ( અંતર સાખી ) હવે તેને પ્રગટ કરવા ચાહે છે ! એટલે કે સરળ શબ્દોમાં : અગ્નિ દેવને બોલાવી , સીતાને એમાંથી પસાર થવાનું છે ! એટલે કે પોતે પવિત્ર છે તેની એણે ખાતરી આપવાની છે !
અમે સૌ સખી મંડળમાં ગણગણાટ શરૂ થઇ ગયો – જેવો ગણગણાટ ત્યારે પણ લંકામાં રાક્ષસ સ્ત્રીઓમાં થયો હતો :
તેહિ કારન કરુણાનિધિ , કહે કછુક દુર્બાધ;
સુનત જાતુધાની ( એટલે કે રાક્ષસણીયો ) સબ લાગી કરૈ બિષાદ !
એ રાક્ષસ સ્ત્રીઓની જેમ , અમે પણ – જેઓ સૌ -વર્ષોથી અમેરિકાની ભૂમિ પર વસેલ , ભણેલ ગણેલ , નોકરી -ધંધો કરતી બહેનોમાં – પણ ગરબડ શરૂ થઇ .જો કે આવે પ્રસંગે વાતાવરણમાં હલચલ ઉભી ના થાય તો જ નવાઈ !
“ એક સ્ત્રીની અગ્નિ પરીક્ષા ?”
અમે બહેનો વધારે ડિસ્ટર્બ હતી , હા પુરુષ વર્ગ હાથમાં ગરમ ગરમ ભજીયા અને ચા સાથે રામાયણનો આ પ્રસંગ સાંભળી રહ્યો હતો . રામાયણની આજે પૂર્ણાહૂતિ હતી એટલે એમનું ધ્યાન કદાચ સાંજના મહાપ્રસાદ – મિજબાની તરફ હતું ..
“ જુઓ , આ નાજુક પ્રસંગને આપણે બંને બાજુથી જોવા પ્રયત્ન કરીએ !” મહારાજે આગળનાં પ્રસંગોની જેમ (જુઓ -સિક્કાની બે બાજુ : રામાયણનીયે રામાયણ ? ; રામ અને ભરત મિલાપ ; અને એમાં લક્ષમણનો શો વાંક? -એ પ્રસંગો )
અહીં પણ એમણે એમની વાગ્ધારાને વધુ તેજસ્વી બનાવી .
“આપણે દરેક પ્રસંગને – પરિસ્થિતિને અહીં બંને બાજુથી જોવા પ્રયત્ન કરી રહ્યાં છીએ . તો એ રીતે સમજવા પ્રયત્ન કરીએ . તુલસીદાસે જે લખ્યું છે તેની સાથે આપણે વાલ્મિકી રામાયણને પણ તપાસીએ છીએ . વાલ્મિકી જેવા મહા કવિએ આવું શા માટે લખ્યું હશે ?” એમણે અમને સૌને શાંત પાડતાં કહ્યું .
“ આપણી સંસ્કૃતિ જેની અત્યારે વિશ્વમાં બધે પ્રસંશા થાય છે એનાં મૂળમાં ઉચ્ચ આદર્શ, દિવ્ય વિચારધારા અને ઘણા કડક મૂલ્યો રહ્યાં છે . ઋષિ મુનિઓએ સમાજને ઉર્ધ્વગામી બનાવવા જે પ્રયોગો આપ્યા તે કાંઈ સહજ સરળ નહોતા .. અને એટલે જ તો તક્ષશિલા જેવી વિદ્યાપીઠોમાં એ સમયે આજથી બે હજાર વર્ષ પૂર્વે , સાહીંઠ હજજાર જેટલા વિદ્યાર્થીઓ વિશ્વમાંથી આવા ઉચ્ચ મૂલ્યોનો , ઉચ્ચ કલાઓ , શાસ્ત્રો વગેરેનો અભ્યાસ કરવા આવતાં હતાં!
અને સમાજનું નૈતિક સ્તર ઉચ્ચ રાખવામાં સ્ત્રીનું ચારિત્ર્ય ઘણો મહત્વનો ભાગ ભજવે છે ..”બચ્ચું મહારાજ બોલ્યા .
“ એટલે શું સ્ત્રીઓની આવી રીતે અગ્નિ પરીક્ષાઓ કરવાની ?” એક બહેને અકળાઈને કહ્યું .
“ એ તો ઠીક છે , કે અગ્નિપરીક્ષા કરી , પણ ત્યાર પછી તો સ્ત્રી શુદ્ધ રહે એટલે , પતિના મૃત્યું બાદ એને પણ ચિતા ઉપર ચઢાવી દેવાનું શરૂ થયું !!” બીજી બહેને કહ્યું . “ કેવો વિચિત્ર સમાજ !”
વાતાવરણમાં ગરમી આવી ગઈ .
“ વાલ્મિકીને એક એવા આદર્શ સમાજ નું ચિત્ર ઉભું કરવું હતું, કે જ્યાં રાજા પોતાનું અંગત સુખ જતું કરીને પણ પ્રજાનું હિત જુએ.. “મહારાજે સમજાવવા પ્રયત્ન કર્યો .
“આ દુનિયાનું અજબ છે ગાણું, કરે પરીક્ષા , ચિતાનું ટાણું !!
બળી જશે તો પાપી કહેશે , જીવી જાય તો માયાવી કહેશે !”
મેં પણ સુર પુરાવ્યો ; “ સ્ત્રીઓને કેવો અન્યાય ? સીતા , સીતાની છાયા , સીતા અગ્નિદેવને આપી , પછી લીધી .. આ બધું – એવું બધું સ્ત્રીઓને જ નસિબે લખાયું હતું ?” મેં કહ્યું , “ કારણકે આ કથા ઋષિઓએ લખી હતી – ઋષિ પત્નીઓએ નહીં !
“ તું નિર્દોષ છે , બેટી ; આમાં વાંક નથી કાંઈ તારો-
કોઈએ કાંઈ કહ્યું નહીં એવું – કે ના કોઈએ પૂછ્યું કાંઈ તેવું !” એક બહેને લહેકાથી એ ગીત લલકાર્યું .
પણ મહારાજને તો મૂળ કથા કહેવાની હતી ને ? એ મુદ્દા પર આવ્યા :
‘ પુરુષ પ્રકૃતિથી જ શક્તિશાળી હોવાથી , એને ગર્ભવાન બનવાની ચિંતા ના હોવાથી , એ ઘરની બહાર મુક્ત રીતે ફરી શકે , જયારે સ્ત્રી એ દ્રષ્ટિએ અબળા હોવાથી એ ઘરમાં સુરક્ષિત રહે – એ ભાવ માનવ સૃષ્ટિમાં સર્વત્ર છે .
પશ્ચિમની સઁસ્કૃતિમાં પણ સ્ત્રી ઘરમાં રહી કુટુંબનું પોષણ કરે અને પુરુષ બહાર જઈને સ્ત્રી અને સંતાનો માટે ભરણપોષણ માટે ઉપાર્જન કરે એવી વ્યવસ્થા છે જ . પણ ,પશ્ચિમની સંસ્કૃતિમાં સ્ત્રીની અગ્નિ પરીક્ષા કે સતી પ્રથા નથી . તમને ખબર છે કેમ ?”
મહારાજના પ્રશ્ને અમને સૌને વિચારમાં મૂક્યાં!
આપણી સંસકૃતી વિષે ગાંધીજીએ જે કહ્યું હતું તે મહારાજે યાદ કરાવ્યું કહે : “ ગાંધીજી જયારે ૧૯૧૫માં સાઉથ આફ્રિકાથી કાયમ માટે પાછા આવ્યા ત્યારે એમણે એક આખું વર્ષ દેશમાં ભ્રમણ કર્યું હતું . એક વર્ષ બાદ અમદાવાદમાં આશ્રમ સ્થાપવાનો વિચાર કરતા હતા ત્યારે એક પત્રકારે એમને પૂછ્યું : “ ગાંધીભાઈ , આ દેશ જોયા પછી તમને શું લાગે છે ?” એ પત્રકારને એમ કે ગાંધીજી દેશની ગરીબાઈ કે ગંદકી વિષે કાંઈ કહેશે .
પણ ગાંધીજીએ કહ્યું : “ ભણેલા લોકોની નિષ્ક્રિયતા જોઈને હું આશ્ચર્ય ચકિત થઇ ગયો છું . પ્રશ્નો છે , પણ જાતિઓના વાડામાં વહેંચાઈ ગયેલ લોકો પોતાના વાડાઓમાં ,પોતાનો અહમ પકડીને , પોષતાં રહ્યાં છે !” બચુ મહારાજે એમના વિશાલ જ્ઞાન સાગરમાંથી અમને થોડાં વિચાર રજૂ કર્યા :
“સીતાની અગ્નિ પરીક્ષા એ તો સમાજ ઉપર શુદ્ધ સમાજનો દાખલો બેસાડવા લખવામાં આવ્યું હતું .
મહા કવિ વાલ્મીકિએ રામાયણ લખ્યું તે પણ સીતાએ પોતાની જે આપવીતી કહી તે સાંભળીને જ લખ્યું હતું ને ?”
હા , એ વાત ભુલાઈ ગઈ હતી , મહારાજે યાદ કરાવ્યું , કે લંકાના રાવણને હરાવી , અગ્નિ પરીક્ષા આપ્યા બાદ સીતા અયોધ્યા આવે છે અને લોકો ઉત્સવ ઉજવે છે ( દશેરાઃ એ રાવણ દહન અને દિવાળીએ અયોધ્યામાં રામ આગમન આપણે ઉજવીએ છીએ ને ?) અને એક ધોબીની વાત ઉપરથી પછી રામ ગર્ભવતી સીતાનો ત્યાગ કરે છે !
અહીં , આદર્શ રાજા રામ આદર્શ પ્રજા ઘડવાના ઉત્સાહમાં રાણી સીતાનો ત્યાગ કરે છે ! એટલા માટે કે સીતા રાવણને ઘેર દશ મહિના રહી હતી ! સમાજમાં દરેક સ્ત્રી જો ઘરબાર છોડીને પર પુરુષ ઘેર જતી રહે તો પછી સમાજનું માળખું બગડી જાય ! આ સિક્કાની એક બાજુ છે .
પણ બીજી તરફ -સારું , સ્વચ્છ , ઉચ્ચ મૂલ્યોવાળું , નીતિમય જીવન જીવવું અઘરું છે , અને એનો માપ દંડ કાયમ અઘરો જ રહેવાનો . પણ એ માપદંડ ને જો વાસ્તવિકતા સાથે જોડવાનું જયારે સમાજના આગેવાનો ભૂલી જાય છે ત્યારે સમાજમાં વધારે દુષણો ઉત્પ્ન્ન થાય છે ..
પણ સખત નીતિ નિયમો ઘડવાથી આખરે સીતાના જીવનની જેમ સમાજમાં સ્ત્રીઓને કૂવો પૂરવાનો વારો આવે છે .
સીતાએ મહાકવિ વાલ્મિકીને પોતાની આપવીતી કહી , અને વાલ્મીકિએ રામાયણ લખ્યું . ઘણા પ્રસંગોથી એ માહિતગાર હતા , પણ સીતાએ પોતાનું બયાન આપ્યું ને રામાયણ રચાયું .
પછી શું થયું ? તમે પૂછશો .
જે છોકરી જનક પુત્રી – જાનકી શિવ ધનુષ્યથી રમતી હતી , એવી હોશિયાર છોકરી , જેણે રઘુકુળના રામને પોતાના પતિ તરીકે પસંદ કર્યા હતા અને એમને પગલે મુશ્કેલીઓ સહન કરી , અગ્નિ પરીક્ષા પણ આપી , સિંગલ મધર બનીને એકલે હાથે બે બાળકો લવ -કુશને ઉછેર્યા અને આખરે અતિશય દુઃખથી થાકી ને એ આખરે ધરતીમાં સમાઈ ગઈ !!
આપણા દેશની ઉચ્ચ સઁસ્કૃતિનો અભ્યાસ કરવા જયારે દૂર દૂરના દેશોમાંથી વિદ્યાર્થીઓ આવતાં, મુસાફરો આવતાં તો સાથે સાથે લુચ્ચા લૂંટારાઓ પણ આવ્યા ! એ લોકોના આક્રમણોનો સામનો કરવાની શક્તિ આ કહેવાતા શુદ્ધ સમાજમાં નહોતી ! એક વર્ગ જે માત્ર સંસ્કૃતિનું ચિંતન કરતો હતો તે બ્રાહ્મણ વર્ગ – બધી વિદ્યા જાણતો હતો પણ સ્વ નું રક્ષણ કરવા અસમર્થ હતો ! અને દેશનું રક્ષણ કરવાનો ઈજારો ક્ષત્રિઓને આપ્યો હતો તેઓ પોતાના નાના નાના રાજ્યો રચીને , વાડાઓ કરીને બેસી ગયા હતા ! ક્ષુદ્ર – અર્થાત તરસ્યાં- જેઓ સમાજમાં સ્વચ્છતા રાખવા , અન્ય લોકોની સેવા કરવા તરસ્યાં હતાં તે સૌ અછૂત બની ગયા ! ને ગણતરીબાજ વૈશ્ય સમાજ પોતાના હિતની ગણતરીઓ કરવામાં દેશ વેચવા બેઠાં!
અતિશય સ્વચ્છ , ઉચ્ચ ધ્યેયનું પણ સતત પરીક્ષણ કરવું જરૂરી છે – સીતાની અગ્નિ પરીક્ષા અતિશય શુદ્ધ સમાજનોદુરાગ્રહ દર્શાવે છે . જો. સીતા ખરેખર રાવણની વાસનાનો ભોગ બની હોત તો શું એમાં સીતાનો વાંક ગણાય ? એને હૂંફ અને આશ્વાસન આપવાને બદલે દંડ આપવાનો ? અને અપવિત્ર કહીને બાળી નાખવાની ? એટલે જ ગાંધીજીએ કહ્યું હતું કે : “ હું હિન્દૂ છું છતાંયે , દેશ આઝાદ થયા બાદ જો મને સમય મળશે તો હિન્દૂ ધર્મમાં ધર્મને નામે ઘર કરી ગયેલ દુષણો મારે દૂર કરવા છે”
રામાયણ અને મહાભારતમાં ઘણે સ્થાને આવતા માનવતાના મૂલ્યોની ઘણી વાતો આપણને યોગ્ય ના લાગે તે સ્વાભાવિક છે એટલે સમય પ્રમાણે એ બદલાય તે જ યોગ્ય છે .. આપણો દેશ ગુલામીમાં સદીઓ સુધી સબડયો તે પણ એક કારણ વિચારવા જેવું છે . દરેક સિક્કાને બે બાજુ હોય છે – આપણે
એવી જ રીતે એક સ્ત્રીને ચિતા ઉપરથી બચાવનાર સજ્જનને સન્માન આપવાને બદલે શિક્ષા કરવાને લીધે ,તેમાંથી જ આગળ ઉપર જે મજાક – મશ્કરી થઇ – તે ભવાઈની વાત – આખા સમાજની વાત – બહુમાન કરવાને બદલે બહિષ્કાર કર્યો તો એ સિક્કાની બીજી બાજુ – આવતે અંકે વિચારીશું .