૩૬ – શબ્દના સથવારે – રજા – કલ્પના રઘુ

રજા

રજા એટલે છૂટી, અણોજો, વેકેશન, અગતો, પરવાનગી, અનુજ્ઞા, અનુમતિ, અનુમોદન, સંમતિ, રૂખસદ, ઇચ્છા, મરજી, ગેરહાજરી, વિશ્રામકાળ, હુકમ, આજ્ઞા, મંજુરી, ફારગતી, બરતરફ કરવું તે. આમ રજા આપવી, રજા પર ઉતરવું, રજા પર જવું, રજા થવી, રજા પડવી, રજા મળવી, રજા માંગવી, રજા લેવી, રજા હોવી, રજામંદ જેવાં શબ્દો સાથે રજા શબ્દનાં અલગ અલગ અર્થ થાય છે. અંગ્રેજીમાં રજાને ‘holiday’, ‘leave’, ‘vacation’, ‘permission’, ‘consent’, ‘dismissal’, ‘license’ કહેવાય છે.

કોર્ટમાં, કચેરીઓમાં, બેન્કોમાં જાહેર રજાઓ હોય છે. રાષ્ટ્રીય તહેવારો તેમજ ઉત્સવો મનાવવા, શોક મનાવવા રજાઓ મળે છે. ડીલીવરી માટે માતા તેમજ પિતાને રજાઓ મળતી હોય છે. ડેનમાર્ક જેવાં દેશમાં વસ્તી સતત ઘટવાને કારણે લોકોને સૅક્સ કરવા માટે કંપનીઓ રજા આપે છે. ભારતમાં મળતી લીવ ટ્રાવેલ કન્સેશન (LTC)ની રજાઓથી, કામ કરવાની કાર્યક્ષમતા પર ચોક્કસ અસર થાય છે. રજા અને પ્રોડક્ટીવીટીને સંબંધ રહેલો છે. ભારતનાં અમુક રાજ્યોમાં શનિ, રવિની રજાઓ હોય છે.

ક્યારેય એમ વિચાર્યું છે કે રવિવારની રજા કેમ? ભારતમાં રવિવારની રજા અપાવનાર વ્યક્તિનું નામ છે ‘નારાયણ મેઘાજી લોખંડે’. તેમનાં દ્વારા ૧૮૮૧માં બ્રિટિશરો પાસે રવિવારની રજાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો જે બ્રિટિશરોએ ફગાવી દીધો. આ રજાઓ માટે આંદોલન થયું. ૧૦ જૂન ૧૮૯૦માં અંગ્રેજોએ હાર માની. રવિવારની રજાનું એલાન કર્યું. માત્ર ૮ કલાકની નોકરી અને શનિ, રવિની રજા માટે કાર્લ માર્ક્સનો ફાળો હતો. બીજા દેશોની સરખામણીમાં ભારતમાં રજાઓ વધુ પ્રમાણમાં હોય છે.

‘આ હા! આવ્યું વેકેશન, જુઓ રજાની મજા’, ‘મામાનું ઘર કેટલે, દીવો બળે એટલે’. આ સાંભળતાંજ વર્ષો પહેલાં માણેલું વેકેશન, શૈશવનાં સંભારણાંરૂપે ઉભરાય છે. રજાઓનો સમૂહ એટલે વેકેશન. રજાઓ એટલે રોજીંદા કાર્યમાંથી છૂટી. કંઇક નવું કરવું. સવારે ઉઠવાથી તે રાત્રે સૂવામાં ના કોઇ નિયમ કે રોકટોક, બસ, મોજ મજા, ધિંગામસ્તી અને ઢગલાબંધ ખુશીઓ. રજાઓ એટલે વિશ્રામકાળ. બાળપણમાં પોળોમાં રમેલી રમતો, સંતાકૂકડી, આંબલી-પીપળી, આંધળી ખીસકોલી, કબ્બડી, લંગડી, આઇસપાઇસ, નાગોલચું, દોડ-પકડ, કોડી-કુકા, પગથીયા, પત્તા, પીકનીક-પ્રવાસ, ટ્રેકીંગ, ગામડાની મુલાકાત, વિગેરે કેટલું તાજગીસભર હતું? ઝાડ પર હીંચકા ખાવા, મામાની ઘેર ધાબા પર સાંજથી પાથરીને ઠંડી કરેલી પથારીમાં બધા સાથે સૂઇ જવું. આકાશના તારલા ગણતા ગણતા, બાળગીતો, બાળવાર્તા અને પલાખાં યાદ કરવાં. આ હા હા! શું દિવસો હતાં! ઉનાળાનાં તાપમાં, શરબત, ગોળા, તરબૂચ, શેરડીનો રસ અને કેરીની જયાફત માત્ર સંભારણું બની ગયાં છે.

વેકેશન એટલે નો લેસન ના બદલે માત્ર ટેન્શન શબ્દ આવ્યો છે. સમયની સાથે રજાઓની વ્યાખ્યા એ જ રહી છે પરંતુ તેનો ઉપયોગ અને તેમાંથી લેવાતી મજામાં બદલાવ આવ્યો છે. મોંઘવારી, સમયની અછત અને કહેવાતી મોર્ડન રહેણી કરણીએ બાળકનું બચપન છીનવી લીધું છે. ઘડિયાળનાં કાંટે અવનવી, આધુનીક એક્ટીવીટીએ બાળકને જલ્દી પરિપક્વ બનાવી દીધો છે. ટી. વી., મોબાઇલ, લેપટોપમાં બાળક ઘૂસી ગયો છે. તેમાં એન્ટ્રી પછી એક્ઝીટનો કોઇ અવકાશ નથી. મનોચિકિત્સકનાં તારણ મુજબ ટેક્નોલોજી અને ઇલેક્ટ્રોનીક ગેઝેટ્સ આર્થિક, ભૌતીક, યાંત્રિક અને ઔદ્યોગિક વિકાસ માટે ઉપયોગી છે પરંતુ તેનો જરૂરી ઉપયોગ નહીં થતાં, વેકેશન જ્યારે આધુનિક બોજા હેઠળ ધરબાઇ જાય છે ત્યારે બાળમાનસ પર વિપરિત અને નકારત્મક અસરો થાય છે.

રજાઓમાં સમયનું અને પ્રવૃત્તિઓનું રચનાત્મક આયોજન જરૂરી છે. માત્ર પુસ્તકિયું જ્ઞાન જરૂરી નથી. સફળ થવા માટે પબ્લીક સ્પીકીંગ તેમજ પર્સનાલીટી ડેવેલપમેન્ટ એટલુંજ જરૂરી છે. ઘરે ભણવા કરતાં સમરકેમ્પમાં બીજા બાળકો સાથે શેરીંગ અને કેરીંગ તેમજ સ્પોર્ટસમેનસ્પીરીટ, એકાગ્રતા, નિર્ણય શક્તિ તેમજ માનસિક અને શારીરિક શક્તિ ખીલે તેવી આધુનિક પ્રવૃતિઓમાં ગમ્મત સાથે જ્ઞાન ભારરૂપ ના લાગે તેવું આયોજન જરૂરી બને છે.

માનવ જીન્દગીનું મૂળ બાળપણ છે. તેમાં જેવા સંસ્કારોનાં બીજ રોપાયા હોય તે જીવન દરમ્યાન ક્યારેક તો ઉગી નિકળે છે. બાળપણનાં સંસ્મરણો અવર્ણનીય હોય છે. જીવનમાં દરેક તબક્કાનો આનંદ અલગ હોય છે. જીવનમાં ક્યારેય રીવર્સ ગીયર હોતું નથી. માટે માનવે બાળપણથી વૃધ્ધાવસ્થા સુધીનાં દરેક તબક્કામાં મળતી રજાના સમયનો સદ્‍ઉપયોગ કરીને જીવનને માણવું જોઇએ. વૃધ્ધાવસ્થામાં આ પ્રમાણે કરવાથી ઉંમર વધતી અટકે છે. પરિવારનાં સભ્યો વચ્ચે નિકટતા આવે છે. મમ્મીને બાળકો સાથે પિયર જવા મળે છે. પિતાને એકલા જીવવા માટે સ્પેસ મળે છે. દૂરીથી દામ્પત્યજીવનમાં નિકટતા આવે છે. કાકા, ફોઇ, મામા, માસી, બા-દાદા, નાના-નાની, વિગેરે વચ્ચેનાં સંવાદો અને પ્રેમથી, તરબતર રહેતો માનવ નવા વર્ષ માટે તાજો બની જાય છે. એ તો અનુભવે જ સમજાય.

રજા એક પ્રકારનાં ઓક્સીજન સીલીન્ડરનું કામ કરે છે જેનાથી ભવિષ્ય ચેતનવંતુ બને છે. તરોતાજા થઇને બાકીનો સમય રચનાત્મક રીતે પસાર થાય છે. જેમ કોરી સ્લેટ પર ઘણું બધું લખી શકાય છે તેમ મનને ખાલી કરવા માટે રજા જેવો કોઇ પર્યાય નથી.

અવલોકન -૪૨-પરબીડિયું

    તે દિવસે કોન્ટ્રાક્ટથી ચાલતી એક પોસ્ટ ઓફિસમાં ટપાલ નાંખવા ગયો હતો. એક ખોખામાં ઘણાં બધાં પરબીડિયાં પડેલાં હતાં. મારું પરબીડિયું  પણ મેં એમાં નાંખી દીધું. એક મિત્રનું સરનામું એની ઉપર કર્યું હતું. એ મિત્ર, એનું કુટુમ્બ, એનું ઘર, એની સાથે ગાળેલ સુખદ સમય અને ઘણી બધી યાદો – બધું જ સ્મરણપટ પર છવાઈ ગયું.

      પણ એ ખોખામાં બીજાં પરબીડિયાં પણ હતાં. જાતજાતનાં સરનામાં લખેલાં પરબીડિયાં. એમાં કોઈનો પ્રેમપત્ર હશે. કોઈના સુખદ કે દુખદ સમાચાર હશે. કોઈના ભરાયેલા બીલો હશે. કોઈના સારા પ્રસંગ માટે મોકલેલું ગિફ્ટ કાર્ડ હશે. કોઈકની નોકરી માટેની અરજી હશે. કોઈકનું રાજીનામું હશે. એમની ઉપર લખેલાં સરનામાં એમનાં લખનાર માટે વિશિષ્ઠ મહત્વ ધરાવતાં હશે. એ સરનામાં સાથે, મારી યાદોની કની અન્યની જાત જાતની અને ભાતભાતની યાદો સંકળાયેલી હશે.

     પણ ……મારે માટે ?

    એ બધાં તો માત્ર પરબીડિયાં જ હતાં. કશાય મહત્વ વગરનો એક જડ ઢગલો માત્ર જ.  પોસ્ટ ઓફિસ માટે એ એક સામાન માત્ર હતો – જેને કોઈક સરનામે પહોંચાડવાનો હતો. અને એમ પણ નહીં. એ આખો ને આખો ઢગલો ફોર્ટવર્થમાં આવેલ બલ્ક મેઈલ પ્રોસેસિંગ ફેસિલિટી સુધી જ પહોંચાડવાનો હતો !

     એમાં કોઈ લાગણી કે ભાવ ન હતો. એમને માટે એ માત્ર એક જોબ જ !

પણ મારું પરબીડિયું?
એ તો..
ભાવ અને પ્રેમથી
છલોછલ
છલકાતું હતું.

        તમે કહેશો,’ એ તો એમ જ હોય ને?’

      હા! આમ તો એમ જ છે. આપણું એ આપણું. ‘આંગળીથી નખ વેગળા એટલે વેગળા.’ એમ  જ હોય ને?

     બે પરબિડિયાં

  • સાવ અડોઅડ
  • દેખાવમાંય સાવ સરખાં
  • એક જ ઢગલાનાં ઘટકો
  • એક જ માળાનાં બે પંખી
  • એમનાં કામ પણ એક જ સરખાં

એ ઊડીને જ્યાં જશે, ત્યાં સંવેદનાઓ જગાડશે. ક્રિયાઓ અને પ્રતિક્રિયાઓ શરૂ કરશે.

———

      આપણું જીવન પણ આ પરબીડિયા જેવું જ છે ને? એનો ઢાંચો? ધડ, મસ્તક અને બે હાથ-પગ.  એનો રાહ પણ નિશ્ચિત છે – ફ્રોમ અને ટુ! પણ દરેકની અંદર કશુંક વિશિષ્ઠ પેક કરેલું છે! એનો આપણા સિવાય બીજાને કશો અર્થ નથી. અને આપણે માટે? એ તો આપણું સર્વસ્વ છે. આપણું સાવ આગવું પરબિડીયું

     બેઠકનાં મિત્રો વચ્ચે આપણે અલગતા ત્યજી, પોતીકાપણાની હરિયાળી ધરતીની સોડમ અને શીતળતા સર્જી ન શકીએ?

    બેઠક જ શા માટે? સમસ્ત માનવજાત માટે નિજી પોતીકાપણાનો ભાવ ન અનુભવી શકીએ? 

  તમે શું માનો છો?    

   આ જ ભાવનું એક કવિતડું –

હર ક્ષણે નિત નવાં દ્રશ્ય સરજે ક્ષિતિજ,
હર કદમ અવનવા રૂપ ધરતી જમીન
રંગ બદલે પળે પળ આ ઊંચું ગગન
સ્થાન બદલે ઘડી, હર ઘડી સર્વ ચર
કિંતુ આ સર્વની વચ્ચે અવિચળ છું હું.

એક સરિતા સમા ખ્યાલો, ભાવો વહે.
ભાત ઘટનાની બદલાય છે હર ક્ષણે
હાલ ને ભુત, ભાવિમાં વહે છે સમય
હું તો બાળક, યુવા, વૃદ્ધ ને શબ બનું
કિંતુ આ સર્વની વચ્ચે અવિચળ છું હું.

હર જીવિત માને છે, તે જ છે માત્ર હું
હાય! આ સૌને શાને ય સર્જ્યા છે મેં?
બનીને રહ્યો હોત જો માત્ર  હું 
હાય! દૂનિયા ય કેવી સરળ હોત તો..
રે! અવિચળ છું, પણ સાવ ખંડીત છું હું.


લાલ અક્ષરમાં પરમ તત્વ, ઈશ્વર, ખુદા, યહોવા… અભિપ્રેત છે ! *


*  આજથી સાતેક  વર્ષ પહેલાં આર્લિંગ્ટન લેક પર એક અંગ્રેજી કવિતા લખી હતી – તેનું ભાષાંતર. તે આજે યાદ આવ્યું અને અહીં પ્રકાશિત કર્યું. ]

 

 

અભિવ્યક્તિ -૩૧-‘ઝભલાં’ ગયાં, થેલી આવી!

 

આખરે ઝભલાં થેલી ગઈ સમજો! અરેરે, ઝભલાં થેલી વિના આપણા હાથ અડવા લાગશે, નહિ? હસતે મોઢે ઝભલાં થેલી હાથમાં ઝૂલાવતા યુવાવર્ગને સૂતરાઉ થેલી પકડવાની શરમ આવશે, નહિ?

આ ઝભલું પંદર-વીસ વરસથી તો ચારેય તરફ એવું ઘૂસી ગયું’તું કે જાણે એના વિના વેપાર અને વહેવાર ચાલતા જ નહિ. જ્યાં જૂઓ ત્યાં ઝભલાં થેલી. માંગો એ સાઈઝમાં ઉપલબ્ધ, વજનમાં હલકી ફૂલ અને પાણીથીય સસ્તી. વળી, ચારેય તરફથી ભેગી કરેલાં ઝભલાંઓનું કબાટ ભરીને કલેક્શન થાય એ નફામાં!

મને તો ઝભલાંનાં અમાપ ઉપયોગોનું ભારે કૌતૂક થાય. શાક-ભાજી અને કરિયાણું ભરવા માટે મહત્તમ ઉપયોગ થાય. પાંચ કિલો બટેટાં કે અથાણાંની કેરી ઊંચકવાં હોય અને મૂઠ્ઠી જેટલાં ઘાણા-આદુ-મરચાં ભરવાં હોય, ત્રણ કિલો ખાંડ લેવી હોય કે સો ગ્રામ મોરૈયો, ઝભલું જોઈએ.

સાડીઓ, તૈયાર કપડાં, વાસણ અને દરેક વપરાશી ચીજ-વસ્તુઓ મૂકવા, ઝભલું. ખાદ્ય ચીજો, ફાસ્ટ ફૂડ, નાસ્તો અને લંચ બોક્સ મૂકવા, ઝભલું.

સાહેબ, રૂપિયાના બંડલો વીંટવા, કીમતી દસ્તાવેજ મૂકવા, ઘરેણાં અને સેફ ડિપોઝીટ વોલ્ટમાં મૂકાતાં લખો રૂપિયાની જવેલરીના બોક્સ લપેટવા, ઝભલું. મંદિર કે કથાનો પૂજાપો અને ભગવાનને બીલીપત્ર-ફૂલો ચઢાવવા, ઝભલું, અંતિમ યાત્રાના ક્રિયાકર્મનો સામાન પહોંચાડવા, ઝભલું. વરસાદ પડે ત્યારે જેઠો, ભીખલો કે મોંઘીએ માથે પહેરી ભાગવું હોય, ઝભલું. કામવાળાં મંગુબેનને કે વાળવાવાળા કાનાને કોઈ વાર વધ્યું ઘટ્યું ભરીને આપવું હોય, ઝભલું. ઘરનાં એઠવાડ, કચરો-કસ્તર ભરીને ફેંકવું હોય, ઝભલું!

ઝભલાં થેલીઓ આવી ત્યારે મને આપણી સૂતરાઉ થેલીનો અમર વારસો ઝૂંટવાઈ ગયાનો રંજ થયો’તો. ત્રણ પેઢીથી ખીંટી પર ટીંગાઈ રહેતી બે-ત્રણ શાકની સૂતરાઉ થેલીઓનો વપરાશ લગભગ બંધ થઇ ગયો’તો. નામ હતું શાકની થેલી પણ એ થેલીઓનો અન્ય જરૂરિયાત માટે પણ ઘણો ઉપયોગ થતો.

કેવી મજાની અને મજબૂત હતી એ ધરમશી કે વાલાજીની સિવેલી થેલીઓ? કોઈ થેલીના નાકાનો રંગ જુદો હોય, કોઈ થેલી બે-ત્રણ જાતનાં કપડાંમાંથી બની હોય, તો કોઈનું નાકું લાંબું હોય. કોઈ થેલી ટૂંકાં પડી ગયેલાં સ્કર્ટમાંથી બની હોય એટલે હાથમાં ગુલાબી ફૂલોનો બગીચો ઝૂલતો હોય એવી લાગે. કોઈ થેલી વળી ઝળી ગયેલ બેડશીટમાંથી બની હોય એટલે ચટાપટાવાળી પણ હોય. કોઈ થેલીનું કપડું બ્લ્યુ ને સિલાઈનો દોરો સફેદ હોય. એમ થાય છે કે એ બધી ‘ડિઝાઈનર’ થેલીઓ એકઠી કરીને કોઈ ‘ઇન્ટરનેશનલ ફેશન ડિઝાઈન ફેયર’માં મૂકાય તો ચપોચપ વેચાઈ જાય અને ઊપરથી લોકો ‘વાઉ, વાઉ!. હાઉ નાઈસ!’ કહે.

જેમણે પંચ હાટડી શાક માર્કેટમાં આંટો માર્યો હશે એ જાણે જ છે કે શાકની સપ્તરંગી સૂતરાઉ થેલીઓથી છવાયેલ બજારમાં વિશ્વના એકસો અઠ્ઠાવન દેશોનાં ‘રાષ્ટ્રધ્વજ’ ફરફરાટ કરતા હોય એવું દ્રશ્ય ખડું થતું!!

શાકની આ સપ્તરંગી થેલીઓ કોઈ સ્ટેટસ સિમ્બલ ન હતી. બજારમાં રોજ સવારે તાજું શાક લેવા નીકળી પડતા બધા જ લોકો ‘કોમનમેન’ હતા. કોઈ ભેદ નહિ, કોઈ સંકોચ નહિ કે નહિ ‘શોપિંગ બેગ’નો દેખાડો!

આમ તો પ્લાસ્ટિકનું ઝભલું સમૂળગું જાય તો સારું થાય. પર્યાવરણની પાયમાલી થતી તો બચશે જ ઉપરાંત ફૂટપાથ પર ફટાફટ કપડાંની થેલીઓ સિવી આપતી દૂકાનો ધમધમશે. હા, ઘેર મશીન પર છૂટક સિલાઈ કામ કરી બે પૈસા રળતી બહેનોને કામ મળશેAnupam Buch

ફરી સમય આવ્યો છે જ્યારે પંખાના પવનમાં ખીંટીઓ પર મનમોહક શાકની ખાલી થેલીઓ ઝૂલતી થાય!

૩૭)આવું કેમ? વેકેશન:ત્યારે અને આજે!

વેકેશન:ત્યારે અને આજે.

એક વાર વેકેશન પરથી આવ્યાં બાદ જોબ પર : હું કોઈને કહી રહી હતી : “ I was on vacation !”
ચાર પાંચ વર્ષનાં નાનાં બાળકોના ગ્રૂપે  મને કોઈની સાથે એ વાતો કરતા સાંભળી ; હવે અંદર અંદર એ બાળકોની ચર્ચા શરૂ થઈ : એક બાળકે બીજાને પૂછ્યું :(બરાબબર આ જ શબ્દો હતા );” What is vacation ?”
“That means you go to Disney ! “કોઈકે કાલી ભાષામાં જવાબ આપ્યો .
બાળકોની વાતમાં મને રસ પડ્યો અને પછી અનાયાસે જ વેકેશન વિષે બાળકોના વિચારો જાણવા પ્રયત્ન કર્યો ! (અને થોડું વીડિયોમાં ડોક્યુમેન્ટ પણ કર્યું ) !

“વેકેશન એટલે પ્લેનમાં કે કારમાં દૂર દૂર જવાનું ; હોટલમાં રહેવાનું અને કોઈ એમ્યુઝમેન્ટ પાર્ક જેમાં મોટા ચગડોળ કે ફજેતફાળકા હોય તેવા (આંનદમેળો ) કે વોટર પાર્ક જ્યાં પાણી સાથે રમવાનું હોય ત્યાં મઝા કરીએ તે વેકેશન ! નાનાં બાળકોની નિર્દોષ વાતોમાંથી મને જવાબો મળ્યા.

થોડી જીજ્ઞાસાવૃત્તિથી મેં કેટલાક બાળકોના મા બાપ પાસેથી પણ જવાબ શોધવા પ્રયત્ન કર્યો.
તેમના મા – બાપ માટે વેકેશનની વ્યાખ્યા, “જોબ પરથી રજા લઇ કોઈ દૂરના રિસોર્ટમાં અઠવાડિયું એય નિરાંતે રહેવું, આરામ કરવો અને બસ શાંતિથી ખાવું પીવું.” એમ હતી.
આવું કેમ ?
કારણકે સતત દોડ ધામની જિંદગીમાંથી દૂર ક્યાંક નિરાંતની અપેક્ષા આ યંગ , વર્કિંગ પેરેન્ટ્સ ઇચ્છતાં હતાં .
પણ જે જવાબ નાની ઉંમરે , શાળામાં ,આપણી પેઢીએ આપ્યો હશે – કે વેકેશન આપણે જીવ્યા હોઈશું -તેનો કોન્સેપ્ટ કે વિચાર આ પેઢીને , આ દેશમાં , કદાચ નહીંવત હશે.

સ્કૂલોમાં રજાઓ પડે એટલે ઘણાં કુટુંબોમાં વેકેશનની તૈયારીઓ થાય. ક્યાંક મોસાળમાં જઈને મામાને ઘેર મામા – ફોઈનાં છોકરાંઓ મહિનો આખો ઘર મહોલ્લો કે ફળિયું ગજવે. દાદા દાદી પણ મોંઘવારીને ગળી જઈને વ્હાલાં ભાણેજડાંઓ માટે ‘કેરી ગાળો’ કરે, ને ક્યાંક દીકરો વહુ છોકરાં લઈને લગ્નગાળો ચાલતો હોયને શહેરમાંથી ગામડે આવ્યાં હોય ત્યાંયે સહકુટુંબ , પરિવાર સહ , સાંકડે માંકડેય પણ મહિનો માસ બધાં સાથે રહે . આ એ જમાનો હતો જયારે સામાન્ય મધ્યમ વર્ગમાં , કારણ વિના, અમદાવાદ , વડોદરા જેવા મોટા ‘સુધરેલા’ શહેરોમાંથીયે કોઈ આબુ – અંબાજી , માથેરાન – મહાબળેશ્વર કે વિરપુર- સોમનાથ એમ માત્ર ફરવા માટે જતું નહોતું ! ‘ શું જરૂર છે એવા ખોટા ખર્ચા કરવાની?’ મધ્યમ વર્ગનો ગૃહસ્થી કહેતો; ‘ચાલો ગામડે, બા બાપાને ઘેર.’
અને કાપડના સીવેલા બગલથેલામાં (કે થેલીમાં) બે – ત્રણ જોડ કપડાં નાંખીને માડી સાથે અથડાતા – કુટાતાં ( ટ્રેઈન મોડી આવે , ગાડીમાં ગીર્દી પાર વિનાની હોય, ગરમી હોય ને ઘેરથી ભરીને લાવેલા પિત્તળના ઢાંકણવાળા લોટનું પાણી ખલાસ થઇ ગયું હોય ને સ્ટેશન પર પણ પાણીની એકેય પરબ ના હોય એટલે ગાડી બીજા સ્ટેશને ઉભી રહે ત્યાં સુધી તરસ્યાં જ રહેવાનું હોય) ને આવી તો નાની મોટી કૈંક મુશ્કેલીઓ હોય છતાં દાદાને ઘેર આનંદથી કાકા -બાપાના છોકરાંઓ મઝા કરે.  આ પણ એક વેકેશન હતું.

બાળકોનું જે ઘડતર થતું હતું, પુખ્ત વયના સંતાનો વચ્ચે જે સહજીવનની કડી ગુંથાયેલી રહેતી હતી ( ક્યારેક કડી ગુંચવાતી પણ હશે, તેમ છતાં) અને જીવન સંધ્યાએ પહોંચેલ વૃદ્ધ મા બાપને કુટુંબની હૂંફનો અહેસાસ થતો એ આજના વેકેશનોમાં જ્યાં બે અઠવાડિયામાં ચાર ધામ જાત્રાઓ થતી હોય કે દશ દિવસમાં યુરોપના દશ દેશ ફરીઆવીએ  અને તેય કોઈ સાવ અજાણ્યા લોકો સાથે ! ત્યાં ઘડતર , સંસ્કાર કે સહ જીવનની હૂંફ પણ એક્સપ્રેસ ટ્રેઈન જેમ ઝડપી ને ફેસ બુકના ફોટા જેટલી સીમિત જ રહેવાની..
આવું કેમ ?

ઘણું જાણવામાં થોડું માણવાનું વિસરાઈ ગયું !
વેકેશન પણ હવે સ્માર્ટ ફોનની જેમ નવા સ્વરૂપે આવે છે !

સ્માર્ટ ફોનની જેમ ?
હા ! સ્માર્ટ ફોનની જેમ.
આજે વેકેશનની વ્યાખ્યા બદલાઈ. સમય બદલાયો. ફરવાનાં સ્થળ બદલાયાં. રીત બદલાઈ! રિવાજ બદલાયાં. વેકેશન હવે સ્માર્ટ બની ગયાં.

જે જણ સુરત વડોદરાની બહાર નહોતો નીકળતો એ હવે કેરાલા, સિમલા ,સિંગાપુર – જાપાન કે યુરોપ વેકેશન માણવા જાય છે  ને હવે ખખડધજ ધર્મશાળાઓ ને બદલે સરસ હોટલોમાં રહે છે. પરંતુ; “વેકેશનમાં અમે દાદા- બા સાથે હીંચકે બેસી ગીતો ગાયાં!” કે; “ આ વેકેશનમાં દાદાએ અમને એમના બાળપણની વાર્તાઓ કહી કે હનુમાન કે ભીમની વાર્તા કરી” એવું કહેનારા બહુ ઓછા મળશે ! રામાયણમાં શું બન્યું’તું એતો હવે બાળકો સ્માર્ટ ફોનમાંથી શોધીને, ગૂગલ કરીને જાણી લેશે. એમની જ્ઞાનની તરસ તો છીપાઈ; પણ પેલી લાગણીઓનું શું?આવું કેમ ?

દાદીબાની સુખડીમાં હવે કોઈને ઝાઝો રસ નથી ! “Too much sugar and butter is not good for health !”સ્માર્ટ સંતાનો કહેશે: નવી થિયરી પ્રમાણે ઘઉંના લોટને બદલે કઠોળ વાપરવાં જોઈએ.  શું ખાવું અને શું જોવુંનાં અતિશય જ્ઞાનમાં નિરુદ્દેશે મુક્ત ભ્રમણ ભુલાઈ ગયાં ! પહેલાં વેકેશનો સાથે જાણ્યે અજાણ્યે હૂંફ લાગણીના સંબંધો જોડાયેલાં હતા. કરકસર અને મુશ્કેલી વચ્ચે પણ આનંદમાં ગુજારેલ વેકેશનના દિવસોમાં બંધાયેલ સ્નેહની ગાંઠ કપરા સમયે આસું લુછવા કામમાં આવતી ને સમય પર કહ્યા વિના ઘણું સમજાઈ જતું .. ઉછરતાં બાળકોના કુટુંબને માટે કહેવાય Family who prays/eats together , stays together ! હવે એક નવો પણ નીવડેલો વિચાર Families who vacation together stay together.

આજે બધાં સ્માર્ટ થઇ ગયાં. બંધન વિનાના સગવડિયા વેકેશનો.આવું કેમ? થોડા સમયમાં ઘણું જોવું છે, જાણવું છે, મેળવી લેવું છે. સ્માર્ટ ફોન સોલ્યુશન તો બતાવશે ;પણ આસું લુછવા રૂમાલ આપવા માટે સ્માર્ટ ફોનમાંથી જ કોઈ હાથ નીકળે એવી શોધ હજુ સુધી થઇ નથી ને ત્યાં સુધી હૂંફ માટે માણસને માનવીની જરૂર રહેવાની અને ધરતીનો છેડો ઘર જ રહેવાનો.

આવું કેમ?

૪૧ -હકારાત્મક અભિગમ- સમયની શરણાગતિ-રાજુલ કૌશિક

એક દિવસની વાત છે. અનરાધાર વરસાદના લીધે ઉપરવાસમાંથી જાણે પાણીનો ધોધ ફાટ્યો. નદી તો જળબંબાકાર. આ ગામથી પેલા ગામ જવા માટે નદી પર બાંધેલો લાકડાનો પૂલ તુટી ગયો. પૂલ પરથી પસાર થતા હતા એવા બે જણા પૂલમાંથી સીધા જ નદીમાં પડ્યા અને નદીના ધસમસતા વહેણ સાથે ખેંચવા લાગ્યા.

પાણીનું વહેણનો જે રીતનો પ્રવાહ હતો એ જોઇને તો લાગતું જ હતું કે બેમાંથી કોઇ ઉગરી નહીં શકે. કાંઠે ઊભેલા લોકો બૂમાબૂમ કરવા માંડ્યા. એમને બચાવવા માટે શક્ય એટલા પ્રયત્નો કરવા માંડ્યા. કોઇએ દોરડું ફેંકીને એમને ઉગારવા પ્રયત્ન કર્યો તો કોઇએ લાકડાના થડિયા વહેતા મૂક્યા જેથી એમના હાથમાં જે આવે એ પકડીને બચી જાય. પરંતુ એવી કોઇ શક્યતા જ નહોતી કારણકે પાણીનો ધસમસતો પ્રવાહ દોરડું કે થડિયું પહોંચે એ પહેલાં તો એમને ક્યાંય આગળ તાણી જતો.

આ બે વ્યક્તિમાંથી એક જણને તો તરતા આવડતું હતું એટલે  એના બચવાની તો થોડી-ઘણી શક્યતા હતી. એણે તો બાથોડિયાં મારવાના ચાલુ પણ કરી દીધા. શરીરમાં હતી એટલી પૂરેપૂરી તાકાતથી એણે પ્રવાહમાં તરીને કિનારા તરફ આવવા મથામણ આદરી એ પણ લોકોએ જોયું. પણ બીજાનું શું? એનો તો અંત નિશ્ચિત જ હતો.

વરસાદ અટકતા પાણીનું જોશ પણ ધીમું પડ્યું. નદીનો પ્રવાહ પણ જરા ધીમો પડ્યો. હવે લોકોએ પેલા બે જણની શોધ આદરી. સૌની નવાઇ વચ્ચે જેને તરતા નહોતું આવડતું એ ક્યાંક આગળ જઈને તુટી પડેલા ઝાડ વચ્ચે ફસાઇને ત્યાં જ અટકી ગયો હતો. જ્યારે બીજાનું નામ નિશાન નહોતું. પેલા માણસને બચાવીને બહાર લાવવામાં આવ્યો.

“ભારે નસીબદાર ભાઇ તું!

“હા વાત તો તમારી સાચી, પેલાએ જવાબ આપ્યો. નસીબદાર તો ખરો જ પણ આમાં તો નસીબની સાથે મારી સાદી સમજ પણ કામ તો આવી જ.પાણીનો પ્રવાહ આપણા માટે અનુકૂળ નહોતો એટલે હું જ પાણીના પ્રવાહને અનુકૂળ બની ગયો. એના ધસમસતા પ્રવાહમાં અર્થહીન બાથોડિયાં ભરવાના બદલે મેં મારી જાતને જ એમાં વહેતી મૂકી દીધી. જો સામે પડવા પ્રયત્ન કર્યો હોત તો હું થાકી જાત, હારી જાત .”

સીધી વાત! પડકારો ઝીલીને સફળ થવાનો તો સો ટકા પ્રયાસ કરવો જ જોઇએ પણ સાથે પ્રતિકૂળ પરિસ્થિતિમાં વ્યર્થ હવાતિયાં મારવાના બદલે થોડા સમય માટે એને આધીન થઈને શાંતિથી સમય પસાર કરવામાં અને શાંતચિત્તે એનો ઉકેલ લાવવામાં શાણપણ તો છે જ.

 

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

 

 

 

૩૫ – શબ્દના સથવારે – વાંસળી – કલ્પના રઘુ

વાંસળી

Vasali 41Ikz3ZPfPL

શબ્દકોશ પ્રમાણે વાંસળી એટલે વાંસનો બનાવેલો પાવો, બંસી, વેણુ, મોરલી, બાંસુરી, બંસરી. ફૂંકીને વગાડવાનું નળી જેવું એક વાદ્ય. તે વાંસની બનતી હોઇ ને વાંસળી કહેવાય છે. હવાથી વાગતા વાદ્યમાં તે સહુથી મુખ્ય છે. વાંસની લગભગ ૧ ફૂટ લાંબી પોકળ લાકડીમાં ખૂલ્લા છેડા તરફ સાથે ૬ છીદ્રો અને જે તરફ બંધ છેડો હોય છે ત્યાં ૧ એમ મળી ૭ છીદ્ર હોય છે. બંધ છેડા ઉપરનાં છીદ્ર આગળ હોઠ રાખી ફૂંક મારવાથી નાદ ઉત્પન્ન થતાં નીચેથી અનુક્રમે છીદ્રો ખૂલતાં ૭ શુધ્ધ સ્વર નિકળે છે. આ વાદ્યમાં અનુભવી વાદક સિવાય અન્યથી સૂર કાઢી શકાતા નથી કારણ કે તે કાઢવા અતિ દુર્ઘર છે. રૂપિયા ભરવાની સાંકડી લાંબી કોથળી પણ વાંસળી કહેવાય. તે કમરની આસપાસ બંધાય છે. નૃત્યમાં ગત ભરવાનાં ૧૬ માંહેનો એ નામનો એક પ્રકાર. એની રીત એવી છે કે, ૨ હાથની વાંસળી જેવી કૃતિ કરી જાણે વગાડતાં હોઇએ તેવું મુખ કરી જમણી તરફ રાખી, પગ ઉપર પગ વાંકો રાખી નૃત્ય કરવું. અંગ્રેજીમાં ‘Flute, Bassoon’ કહેવાય છે.

વાંસળી આદિકાળનું વાદ્ય છે. સ્લોવેનિયામાં ૪૩,૦૦૦ વર્ષ જૂની વાંસળી મળી આવેલી. દક્ષિણ ભારતનાં નાગરકોઇલમાં થતાં વાસનની ઉત્તમ વાંસળી બને છે. ભારતીય શાસ્ત્રિય સંગીતમાં ભારતનાટ્યમાં ઉપયોગી ૧૦ ઘાટની વાંસળીના સૂર પ્રમાણભૂત ગણાય છે.

સારા આરોગ્ય માટે દિવસમાં એક વખત વાંસળી વગાડવી જોઇએ. ૧ શ્વાસ દરમ્યાન ૧ કરતાં વધારે સુરો નિકળે અને સુરો નિકળતા રહે ત્યાં સુધી શ્વાસ ખેંચાતો રહે. આમ વાંસળી વાદનથી એક્સર્સાઇઝ થાય છે, થાક ઉતરી જાય છે. તેનાં સૂર, સાંભળનારને ધ્યાનાવસ્થ બનાવી દે છે. માટે આજકાલ ફ્લૂટ મેડીટેશનને મહત્વ અપાય છે. વાંસળીનાં સૂરની અસર પશુ ઉપર પણ થતી હોય છે. નવતર અભિગમ દ્વારા નડીયાદ રહેવાસી વાંસળીવાદક પિતા-પુત્રની જુગલબંદી વાંસળી વગાડીને ગાયોની સારવાર કરે છે. તેઓની વાંસળીના સૂર પ્રસરતાંજ ગાયોનું ટોળુ તેમની આસપાસ ભેગું થાય છે. તેઓ વાંસળી દ્વારા અવનવા રાગો થકી ગૌમાતાની સેવા કરી રહ્યાં છે જેને કારણે ગાયો રોગમુક્ત બને છે અને દૂધ પણ સારૂં આપે છે. આમ વાંસળી ઔષધની ગરજ સારે છે. ફેંગશૂઇમાં વાંસમાંથી બનેલી વાંસળીને ઉન્નતિ અને પ્રગતિની સૂચક માનવામાં આવે છે. તે ઘરમાં રહેલાં વાસ્તુદોષને દૂર કરે છે.

વાંસળી શબ્દ યોગેશ્વર શ્રીકૃષ્ણની યાદ અપાવે છે. યોગની ભાષા શું કહે છે? હ્રદય વૃંદાવન છે, આત્મા કૃષ્ણ છે, ભીતરથી ઉઠતો અનાહત નાદ કૃષ્ણનો વેણુનાદ છે. આ વેણુ સાંભળીને અંતઃકરણની વૃત્તિરૂપ ગોપીઓ આત્મારૂપી કૃષ્ણને મળવા માટે અંતર્મુખ થઇને દોડે છે. આ ખોળિયાનાં મિલનની વાત નથી. આ તો આત્માનાં મિલનની વાત છે. ગોપીઓની ચિત્તવૃત્તિનો નિરોધ આત્મારૂપી કૃષ્ણ થકી વાંસળીના સૂરે થાય તેનું નામ જીવ અને શિવ વચ્ચે રચાતી રાસલીલા અને એજ શ્રીકૃષ્ણ સાથેનો યોગ.

આ વાંસળી, જે વાંસનાં ટૂકડામાંથી બને છે તેનું આટલું મહત્વ કેમ? તેનાં સૂર જડને ચેતન બનાવે  અને ચેતનને જડ. આવું કેમ? સમસ્તના મનને ચોરી લે, કનૈયો ક્યારેય અળગી ના કરે, તેની અધરસુધાનું પાન કરવાની શક્તિ માત્ર વાંસળીમાં છે, તો વાંસે એવાં તો પૂર્વજન્મમાં શું પુણ્ય કર્યાં હશે? આ પ્રશ્નોની મૂંઝવણ ભાગવતજીમાં વાંચવા મળે છે. આનું વર્ણન વેણુગીત, ગોપીગીત, યુગલગીતમાં અવર્ણનીય છે. સંતોએ સુંદર જવાબ આપ્યાં છે.

વાંસળી જ્યારે વાંસનાં રૂપે વનમાં હતી ત્યારે ટાઢ, તાપ, વરસાદ ઘણું બધું સહન કર્યું. પછી વાંસળી બનાવનાર તે વાંસને વાઢીને લઇ આવ્યો. તેને કોતરીને ટૂકડાં કર્યાં. એમાં છિદ્રો પાડ્યાં. કેટલું સહન કર્યું! અનેક જખમ સહીને, પોતાનું અસ્તિત્વ મીટાવીને તે ઇશ્વરને અર્પણ થાય છે. અંતે તમામ પીડા સહન કરીને મધુર રીતે કૃષ્ણને ગમતાં સૂર છેડે છે. માત્ર તેટલું નહીં પણ તે અંદરથી પોલી છે અને સાતે છિદ્રોને ખૂલ્લા મૂકી દે છે. એના પેટમાં પાપ નથી અને પૂર્ણપણે કૃષ્ણને સમર્પિત છે. પૂષ્ટીમાર્ગમાં ભક્ત પાસેથી શ્રીકૄસ્ણ સમર્પણ માંગે છે. માટે વાંસળીને શ્રીકૃષ્ણએ ક્યારેય અળગી કરી નથી. કૃષ્ણ પોતાનાં અધરો પર વાંસળી ધારણ કરી ઋષભ, નિનાદ આદિ સ્વરોમાં રાગ-રાગિણીઓ છેડતાં ત્યારે બ્રહ્મા, શંકર, ઇન્દ્રાદિ મોટાં મોટાં દેવતાઓ પણ તલ્લીન થઇ જતાં.

છેલ્લી વાર કૃષ્ણ મથુરા જતી વખતે ભાંગી પડેલાં રાધાજીને મળે છે ત્યારે પ્રાણપ્યારી વાંસળીને રાધાજીને સોંપતાં કૃષ્ણ પ્રથમ વાર તેને અળગી કરે છે અને કહે છે, “આપણાં વિશુધ્ધ પ્રેમની નિશાની તને આપતો જાઉં છું. હવે હું વાંસળી નહીં વગાડું.

વાંસળી માનવને શીખ આપે છે. જેમ વાંસળી અનેક જખમ સહેવા છતાં, મધુર રીતે પોતાનાં સૂર છેડે છે, પોતાનું અસ્તિત્વ મીટાવી ઇશ્વરને અર્પણ થાય છે તેમ આ શરીર અને જીવન ઇશ્વરે સર્જેલું છે અને ઇશ્વરને અર્પણ કરવાંનું છે તો તમામ સુખદુઃખ સ્વીકારીને હસતાં મોઢે સહીને જીવનને સુવાસિત બનાવવું જોઇએ. જીવન વાંસળી જેવું છે, જો વગાડતાં આવડે તો સાતે સૂર બરાબર વાગે. આદમ ટંકારવીએ કહ્યું છે, ‘ખરૂં પૂછો તો ફૂંકોમાં ફરક છે, નહીંતર એક સરખી જ વાંસળી છે.’

માટે જ રાધા બનીને કાનાને કહેવાનું મન થાય કે, ‘હે કાના, મારાં આ પ્રાણ શરીરને તારી વાંસળી બનાવ. સાત ચક્રોનું ભેદન કરીને બ્રહ્માસ્મી અને એકોહમ્ ના   સંગીતથી તારા સૂર છેડીને વિશ્વચેતનામાં ભેળવી દે. હું ક્યાં નથી જાણતી કાના? તારી વાંસલડી પણ આ તારી રાધા જ છે.’

હવે અનિરુદ્ધ ભાઈ નથી

પરમ કૃપાળુ પરમાત્મા સદગતના પવિત્ર આત્માને શાંતી અર્પે

તથા પરિવારને આ દુઃખ સહેવાની હિંમત આપે એવી પ્રાર્થના ..!

સૂરસાધના

anirudh

    ગાંધીનગરથી પ્રકાશિત થતા ‘ન્યુઝ ઓફ ગાંધીનગર’ના તંત્રી શ્રી. પ્રદીપ રાવળના પિતાશ્રી અનિરૂદ્ધ ભાઈ અવસાન પામ્યા છે.

    પરમ કૃપાળુ પરમાત્મા સદગતના આત્માને પરમ શાંતિ અર્પે એવી પ્રાર્થના આપણે કરીએ.

anirudh_1 ‘ન્યુઝ ઓફ ગાંધીનગર’ માં સદગતને શ્રદ્ધાંજલિ

sincere-condolences-autumn-leaves-main


નોંધ – 

    શ્રી. પ્રદીપભાઈ રાવળ અવાર નવાર ઈમેલથી તેમના દૈનિકની પી.ડી.એફ. ફાઈલ મોકલી મિત્રોને રોજબરોજના સમાચારોથી વાકેફ કરતા રહે છે.

anirudh_2

View original post

અવલોકન -૪૧-રિસાયકલ કેન

recycle

   કચરો રિસાયકલ કરવા માટેના કેન પર નજર પડી- અને બારેક વર્ષ પહેલાં ‘રિડર્સ ડાયજેસ્ટ’માં વાંચેલ ત્રણ ‘રિ’ વાળો લેખ યાદ આવી ગયો. ગુજરાતી ભાષામાં ‘રિ’ અથવા રિસાયકલનો કોઈ સામાન્ય વપરાશનો અને ટૂંકો ને ટચ પર્યાય મળ્યો નહીં; એટલે તરત ગળે ઉતરી જાય તેવું આ જ શિર્ષક રાખીએ ! અને આમેય નામ કે રૂપમાં શું? તત્વ જ સમજવા જેવું હોય છે ને?
       ‘રિડર્સ ડાયજેસ્ટ’ ના એ લેખમાં વિશ્વમાં વધતી જતી માનવવસ્તી અને બધા જ દેશોમાં અને પ્રજાઓમાં સુખાકારી અને આધુનિક સુખ-સગવડો માટે વધી રહેલી દોડના કારણે સર્જાઈ રહેલી એક અપરિવર્તનશીલ, અને સર્વનાશ તરફ દોરી જતી; કઠોર, કડવી, વાસ્તવિકતા અને કરૂણ શક્યતા તરફ અંગુલિનિર્દેશ કરવામાં આવ્યો હતો. આના એક ઉપાય તરીકે ત્રણ ‘રિ’ ની ત્યાં ભલામણ કરવામાં આવી હતી.

Reduce : Reuse : Recycle

 વપરાશ ઓછો કરો.
વસ્તુઓ ફરીથી વાપરો.
કચરો ઉત્પાદન માટે ફરીથી વાપરો.

        હવે તમે જ કહો કે, એનું વધારે વિવરણ જરૂરી છે ખરું ? સત્યનારાયણના  શીરાની જેમ ગળે ઊતરી જાય એવી છે કે નહીં?! છતાં હકીકત એ છે કે, અમેરિકા જેવા સૌથી વધુ વ્યય અને બગાડ કરતા દેશમાં આ શીરો વધારે ખવાવા માંડ્યો છે! જો કે, આ બાબતમાં અમેરિકા આખા વિશ્વનો સૌથી વધુ ‘પછાત’ દેશ પણ છે! પણ ‘શીરા ખાતર શ્રાવક થનાર‘ – બધા વિકસતા દેશો અમેરિકન જીવન-પદ્ધતિના આંધળા અનુકરણમાં અને એ ખતરનાક દોડમાં વ્યસ્ત છે.
     પણ એ તો ત્રીજો ‘રિ’ થયો. આગળના બીજા બે ‘રિ’ એટલે –
       આની વાત અન્ય જગ્યાએ કરેલી છે, એટલે એ દોહરાવતો નથી. એમની ઉપર ક્લિક કરીને વાંચી લેજો. પણ બહુ દૂર જણાતી એ ભયાવહ શકયતા દોહરાવવી જરૂરી છે. કદાચ….ત્રણ ભાગમાં વહેંચાયેલી આ સ્વપ્નકથા એ ભયાનક શક્યતાની અને એમા શકવર્તી ઉકેલની પ્રતીતિ કરાવી દેશે.
અમેરીકન હાઈવે પરની ત્રણ ઘટનાઓ
     ડલાસ અને ફોર્ટવર્થના મહાનગરોને વીંધીને સોંસરવા જતા; એટલેંટિક અને પેસિફિક મહાસાગરોને જોડતા; રાષ્ટ્રની અર્થવ્યવસ્થાની ધોરી નસ જેવા; ઈન્ટરસ્ટેટ હાઈવે ઉપરથી મારી ગાડી કલાકના ૬૦ માઈલની ઝડપે પૂરપાટ પસાર થઈ રહી છે. આ રશ-અવર છે. મારી આજુબાજુ રસ્તાની ચાર લેનો મારા જેવી જ અસંખ્ય ગાડીઓ, વાનો અને ખટારાઓથી ભરચક ભરેલી છે. વાહનોની વચ્ચે બહુ જ ઓછી જગ્યા છે. ગાડીઓનો સતત પ્રવાહ ધસમસી રહ્યો છે.  સામેની દિશાની ચાર લેનોની પણ આ જ પરિસ્થિતિ છે. મને એમ પ્રતીતિ થઈ રહી છે કે, હું દેશની ધોરી નસ જેવા આ હાઈવેમાંથી વહી રહેલા, અને દેશના આર્થિક વ્યવહારને ધમધમતું રાખતા, કરોડો રક્તકણો જેવો એક રક્તકણ છું. ગતિનો પ્રાણવાયુ અને નાણાંના પેટ્રોલનું ઈંધણ મને ફૂલાવીને ટેટા જેવો બનાવી રહ્યાં છે!  સતત ધસમસતા મારા જેવા આ બધા રક્તકણો; તેમજ ટ્રેનો, જેટપ્લેનો અને મહાકાય સ્ટીમરોમાં વહી રહેલા, આવા જ અનેક રક્તકણો રાષ્ટ્રની આર્થિક વ્યવસ્થાને ધમધમતી રાખી રહ્યાં છે.વિવીશ્વના આ સૌથી સમૃદ્ધ દેશ જેવા તગડા બનવા, દુનિયાના પ્રત્યેક રાષ્ટ્રે હોડ બકી છે. આખું માનવજગત એક ન અટકાવી શકાય તેવી દોડમાં પ્રવૃત્ત છે; અને પ્રત્યેક ક્ષણે આ દોડ જેટની ઝડપે, સતત વર્ધમાન થતી રહે છે. આ મૂષકદોડનો કોઈ અંત નજર સમક્ષ દેખાતો નથી. બધાં વિનાશની, સર્વનાશની દુર્ગમ ખીણ તરફ, પ્રચંડ ગતિએ, એકશ્વાસે, ધસમસી રહ્યાં છે. કોઈને બ્રેક લગાવવાની ફુરસદ, ઈચ્છા કે સમય નથી.
ત્યાં જ આવી વિચારધારામાં મારા ખિન્ન માનસમાં સત્યનો એક ઝબકારો થાય છે કે, હું એક એક્ઝિટ ચૂકી ગયો છું; અને ખોટો એક્ઝિટ લઈ પૂર્વ(!) દિશામાં જવાને બદલે પશ્ચિમ(!) તરફ ધસી રહ્યો છું!
***********
    મારા આખા શરીરે પરસેવો વળી ગયો છે. હું મારી પથારીમાં સાવ શબવત્ પડેલો છું. એક બિભીષણ દુઃસ્વપ્ન હમણાં જ પસાર થઈ ગયું છે. એ સ્વપ્ન ચાલીસ વરસ પછીના આ જ આઈ-૨૦  હાઈવેનું હતું. આખો રસ્તો સવારના આઠ વાગે ભેંકાર, ખાલી પડેલો હતો. એની ઉપરથી સમ ખાવા બરાબર, એક પણ વાહન ચાલી રહ્યું નહોતું. એની ઉપર ઠેકઠેકાણે વનરાજીએ સામ્રાજ્ય જમાવી દીધું હતું. વીતેલી અર્થવ્યવસ્થાના મહા-અજગર જેવો આ હાઈવે શબની જેમ સડી રહેલો જણાતો હતો. દુર્દશાની અસંખ્ય કીડીઓ તેના દેહનું ભક્ષણ કરી રહી હતી. બધી જ રેલ્વે લાઈનો, બધાજ મહાસાગરો અને સમસ્ત આકાશમાં ક્યાંય એક પણ વાહન સરકી રહ્યું ન હતું. આખી દુનિયામાંથી પેટ્રોલિયમનું છેલ્લું ટીપું અને કોલસાનો છેલ્લો ટૂકડો વપરાઈ ગયાને પણ પાંચ વર્ષ વીતી ગયાં હતાં. તોડી નાંખવામાં આવેલા બંધોને કારણે બધાં જળાશયો પણ ખાલી પડેલાં હતાં. થોડા વરસ પહેલાં, પાણી અને શક્તિસ્રોતો માટે ખેલાયેલા, ત્રીજા વિશ્વયુદ્ધમાં નેવું ટકાથી ય વધારે માનવજાત નાશ પામી ચૂકી હતી. અણુયુદ્ધના કારણે પેદા થયેલી ગરમીથી પીગળેલા ધ્રુવીય બરફે વિશ્વનાં બધાં જ બંદરોને પાણી નીચે ગરકાવ કરી દીધાં હતાં. બધી સલ્તનતો તહસ નહસ બની ચૂકી હતી. જગતની બધી અર્થવ્યવસ્થા, અરે! સમગ્ર સમાજજીવન ભાંગીને ભુક્કો બની ગયાં હતાં. મારા જેવાં ગણ્યાંગાંઠ્યાં કોક’જ દુર્ભાગી માનવજીવો આમતેમ ખોરાક અને પાણી માટે જંગલોમાં વલવલતાં, આથડતાં હતાં. જૂના શહેરના બહુમાળી મકાનોના બધાં ખંડેરો ભયાવહ વનરાજીમાં અરણ્યરુદન કરી રહ્યાં હતાં. સમસ્ત માનવજીવન ખોડંગાતું, કણસતું, આક્રંદતું ગુફાજીવન તરફ મંથર ગતિએ, કીડીવેગે સરકી રહ્યું હતું. આજુબાજુના જંગલનો ભાગ બની ચુકેલા આઈ- ૨૦ ઉપર હું ભુખ્યો અને તરસ્યો, નિર્વિર્ય  અને નિષ્પ્રાણ, હતપ્રભ અને હતાશ ઊભેલો હતો. કઈ ઘડીએ, કોઈ રાની જાનવર આવીને મારો કોળિયો કરી જશે, તેના ભયથી હું થરથરી રહ્યો હતો. મારું આખું શરીર આ ભરશિયાળામાં પણ પસીને રેબઝેબ બની ગયેલું હતું.
     મારા ખોટા એક્ઝિટે (!) મને ક્યાંથી ક્યાં લાવી મૂક્યો; તેની મરણપોક પાડીને હું ઝબકીને જાગી ગયો છું.
***********
       બાથરૂમમાંથી પાછો આવી હું પથારીમાં સૂઈ ગયો છું. પેલી દુર્દમ દશા તો એક સ્વપ્ન જ હતું, તેની પ્રતીતિ થતાં હું ફરી પાછો નિદ્રાદેવીને શરણે જાઉં છું. ઘસઘસાટ ઊંઘની વચ્ચે એક નવું પરોઢ ઊગી નીકળે છે. હું ફરી પાછો એવા જ રશ-અવરમાં, એ જ આઈ-૨૦ હાઈવે પરથી, મારી હાઈ-પાવર બેટરી-સંચાલિત નાનકડી ગાડીમાં પૂરપાટ પસાર થઈ રહ્યો છું. પણ હવે પહેલાં જેવો ધમધમાટ નથી. હવે શહેરમાં ગણીગાંઠી અને નાનકડી ઓફિસો જ છે. સૌ પોતાના ઘેરથી જ ઈન્ટરનેટ પર કામ કરી લે છે. જીવનજરૂરી બધી વસ્તુઓ હવે તેમને ઈ-ઓર્ડર પ્રમાણે ઘેર પહોંચાડવામાં આવે છે. માત્ર શોખની વસ્તુઓ માટે જ લોકો માર્કેટમાં જાય છે. અથવા આનંદપ્રમોદ માટે કે મિત્રો અને સંબંધીઓને મળવા જવા, મારી જેમ ગાડીઓ વાપરે છે. તે ગાડીઓ પણ સ્વયંસંચાલિત વિજળીના રેલ સ્ટેશનો પર જ પાર્ક કરવામાં આવેલી હોય છે. મોટા ભાગની યાતાયાત, સ્વયંસંચાલિત, અત્યંત આધુનિક અસંખ્ય સંખ્યાની બૂલેટ ટ્રેનો વડે જ થાય છે. બધાં કારખાનાં રોબોટો ચલાવે છે. બધા સામાનની આપ-લે પણ સ્વયંસંચાલિત સ્ટોરોમાં રોબોટો જ સંભાળે છે. હાઈવે પર ચાલી રહેલા મોટા ભાગનાં વાહનોમાં આવા રોબોટ ચાલકો જ છે! મારા જેવા કો’ક જ સહેલાણીઓ અથવા ઈલેક્ટોનિક સાધનો, મહાકાય પાવરહાઉસો કે કારખાનાંઓના તાત્કાલિક મરામતકામ માટે જતાં સ્ત્રીપુરૂષો જ ગાડીઓમાં બેઠેલાં છે. બાકીનું બધું રોજિંદું ઉત્પાદન અને મરામતકામ તો રોબોટો જ સંભાળે છે. આખા વિશ્વની શક્તિ-જરુરિયાતો માટે હવે કરોડો ‘ટોકામેક’ સુસજ્જ છે. તેમાં પેદા થતી વિજળી આખા વિશ્વની હજારો વર્ષોની જરુરિયાત માટે પર્યાપ્ત છે. સૂર્યના નાનકડા સંતાન જેવા આ ‘આદિત્યો’એ આખાય વિશ્વની રૂખ બદલી નાંખી છે. બધો વ્યવહાર તેમના થકી પેદા થતી વિજળી વડે ચાલે છે. સમુદ્રના પાણીમાંથી આ જ વિજળી અમર્યાદિત જથ્થામાં શુદ્ધ પાણી પણ બનાવી દે છે. પ્રદૂષણ એ ભુતકાળની, અને બિનજરૂરી ઘટના બની ચૂકી છે. પાણી અને શક્તિ સ્રોતો માટેના દેશ દેશ વચ્ચેના ઝગડા અને ભીષણ યુદ્ધો ભુતકાળની ઘટનાઓ બની ચૂકી છે. માનવજાતના એક જ ઝંડા નીચે સમસ્ત વિશ્વ એક જ રાષ્ટ્ર બની ચુક્યું છે.
હું ‘શાર્દૂવિક્રીડિત’ માં ગણગણી રહ્યો છું …..
આશા એક જ એ રહી જગતને અસ્તિત્વની દોટમાં.
વ્હાલા સૂરજદેવ! આજ જગવો વિસ્ફોટ નાના કણે.
   એ આશાભર્યા વિસ્ફોટના પ્રતાપે CTNR ( Controlled Thermo Nuclear Reaction)તો અત્યારે મારી આ ગાડી ચાલી રહી છે. માનવજાતની બધી દુર્વૃત્તિઓ, દર્પ, ઈર્ષ્યા, સામર્થ્ય માટેની દોડ અને ખેંચાખેંચી પણ ભુતકાળની બાબતો બની ચૂકી છે. મારી ગાડીના રેડિયો પરથી મંગળના ગ્રહ પરથી પ્રસારિત થઈ રહેલી, મધુર ગુજરાતી ગઝલોની સૂરાવલીઓ મારા ચિત્તને દિવ્ય આનંદ આપી રહી છે.
આ નવા એક્ઝિટે તો મને મહામાનવજાતિનો એક અંશ બનાવ્યો છે.

     વાચકોને લાગશે કે, આ તો આ અમદાવાદી જણની ખાસંખાસ વાત! પણ સૌને વિનંતિ કે, નિજાનંદ અને મસ્તીમાંથી  થોડો સમય કાઢી આ વાત પર ગંભીરતાથી વિચાર કરે.

કલ્પના રઘુ- વ્યક્તિ પરિચય

કલ્પના રઘુ 

ઘણીવારે કુદરત અનાયસે આપણને કોઈ સાથે મેળવે છે. એની પાછળ નું એક પ્રયોજન છે.બધાને ભગવાન એક ઉદેશ સાથે મોકલે છે.અને એ ઉદેશ માત્ર એક વ્યક્તિ થકી પૂર્ણ નથી થતો. બસ મારા જીવનમાં પણ આવું જ કશું બન્યું, “પુસ્તક પરબ”ની શરૂઆત કરી અને કલ્પનાબેનને જયંતભાઈ લઈને આવ્યા. માત્ર આવ્યા જ નહિ મારા ધ્યેયને પૂર્ણ કરવા જાણે એક નીમ્મિત બન્યા. ‘બેઠક’ના ના સંચાલન કાર્યમાં અજાણતા જ મારા સહભાગી થયા.અને ‘બેઠક’ની મોસમ ખીલી …અમે સાથે સાથે જાણી અને માણી,એક બીજાના પુરક બન્યા.

કલ્પનાબેન એટલે એક એવું વ્યક્તિત્વ અથવા યોગ્ય શબ્દ લખું તો એવી એક સ્ત્રી શક્તિ, એક હૃદયસ્પંદન કે સામા માણસને ઉઘડવાનું મન થાય… ઉમળકો આવે. પોતે લખે ત્યારે પહેલા કોળિયાની જેમ પહેલું વાક્ય પ્રભુને પીરસે,શ્રદ્ધા અને વિશ્વાસથી જ આગળ વધે એમની પ્રભુ પરની શ્રધા એના કાર્યમાં પરિણમે અને …લેખનમાં પોતાનું નામ નહિ પરંતુ નારાયણ નું નામ પ્રગટે …એવા કલ્પનાબેન અનેક સ્ત્રીઓ માટે સ્ત્રી શક્તિ બની પ્રેરણા આપે છે … જગત તો વિસંવાદોથી અને વિષમતાથી ભરેલું છે તેમાંથી પોતાની શક્તિ ને પારખવાની કળા કલ્પનાબેન પાસે છે અને પોતાના લેખો દ્વારા બીજાને આપી રહ્યા છે, એવા કલ્પનાબેન બેઠકની મોસમના આખું વર્ષ ખીલતું ફૂલ છે જે શબ્દોને પારખે છે. વેડફતા નથી બાવરા બોબકડા, લવારો કરનારા, વાણીના વિલાસી નથી માટે જ મોંન ની વચ્ચે શબ્દના અર્થને માણે છે.મોસમ ખીલે છે.  જીવન નો અર્થ સરી પડતા મોસમને  પાનખરમાં પણ  શબ્દનો સથવારો મળતા અર્થ સભર જીવન મળે છે….

બેઠકના આયોજક -પ્રજ્ઞા દાદ્ભાવાળા

*****************************************************************

શ્રીમતી કલ્પના રઘુ

અમદાવાદની પોળમાં જન્મેલા, આજે ૬૫ વર્ષે, છેલ્લા ૭ વર્ષથી કેલિફોર્નીયા, અમેરીકામાં દિકરાના પરિવાર સાથે, પતિ રઘુ શાહ, જે વ્યવસાયે અમદાવાદમાં ડૉક્ટર હતા, તેમની સાથે વસવાટ કરે છે. હાલમાં તેઓ અમેરીકાનાં સીટીઝન છે.

બી. કોમ.; એલ. એલ. બી.નો અભ્યાસ કરેલ છે. ઉપરાંત ડ્રોઇંગ, સંગીત, સીવણ (TCWCG), પર્સનાલીટી ડેવેલપમેન્ટ, કુકીંગ, બ્યુટી પાર્લર, કેન્ડલ મેકીંગ, ફ્લાવર એરેન્જમેન્ટ, નેપકીન-ફોલ્ડીંગ, ગીફ્ટ રેપીંગ, રેકી, આર્ટ ઓફ લીવીંગ, સિધ્ધ સમાધી યોગ (SSY), સ્પીરીચ્યુઅલ હીલીંગ, એક્યુપ્રેશર, મેડીટેશન, વગેરે કોર્સ કર્યા છે.

૧૨ વર્ષની ઉંમરે આકાશવાણી પરથી ગીતાના શ્લોકો બોલવા, ૧૫ વર્ષની ઉંમરે ઓલ ગુજરાત નાટ્ય કોમ્પીટીશનમાં એક પાત્રીય અભિનયમાં પ્રથમ સ્થાન મેળવવું તેમજ લાયન્સ ક્લબમાં વકૃત્વ સ્પર્ધા, નિબંધ હરીફાઇમાં ઇનામો મેળવવા, શાળા તેમજ કોલેજમાં ન્યૂઝ-રીડીંગ તેમજ કવિતા પઠન કરવું, તેમજ તેઓ કસરત-પિરામિડમાં લીડરશીપ સાથે C. R., L. R. તરીકે રહ્યાં છે માતા-પિતા તરફથી ખૂબજ પ્રોત્સાહન અને હૂંફને કારણે પર્સનાલીટી નીખરતી ગઇ. લગ્ન બાદ પતિનો સાથ અને સહકાર તેમના વિકાસમાં પૂરક રહ્યો માટે તેઓ કલ્પના રઘુના નામે ઓળખાવાનું પસંદ કરતાં.

અનેક જગ્યાએ પ્રવચનો, કુકીંગના ડેમોન્સ્ટ્રેશન અને પ્રોગ્રામ કોમ્પેરીંગ કરતાં. વિવિધ હરીફાઇઓ તેમજ ટી. વી. શોમાં ભાગ લેવો તેમજ પ્રાર્થના-ભજન-સંગીત તેમનો શોખ હતા. ગરબા અને વિવિધ પ્રવૃતિઓમાં તેઓ જજ તરીકે રહેતા. અમદાવાદની જાણીતી સ્ત્રી સંસ્થાઓ જેમકે ફેમીના, સખી, મીડ-એજ ક્લબ, લાયોનેસ ક્લબ, અમદાવાદ મેડીકલ એસોશીએશન-લેડીઝ ક્લબ, તેમજ ખડાયતા અને દશા પોરવાડ જ્ઞાતિની સ્ત્રી સંસ્થાઓ સાથે સંક્ળાયેલાં હતાં. ક્લબોમાં અંતાક્ષરી રમાડતાં તેમજ વિવિધ સોસાયટીઓમાં, મંડળોમાં રમત-ગમત રમાડવા જતાં. ફેમીલી કાઉન્સેલીંગ કરતાં.

Food for Body અને Food for Soul એ તેમના મન ગમતા વિષય છે. બાળપણથી વાંચન-લેખન અને ડાયરી લખવાનો શોખ હતો. અમેરીકા આવ્યા બાદ પ્રથમ ‘રીડ ગુજરાતી’માં ‘સ્ત્રી તેના અસ્તીત્વની શોધમાં’ વાર્તા લખીને તેઓ પ્રચલીત થયા. ગુજરાતી ભાષાને જીવંત રાખવા માટે બે એરિયામાં ચાલતી ‘બેઠક’ સંસ્થાના સહસંચાલીકા છે. ‘શબ્દનું સર્જન’, ‘સહિયારૂ સર્જન’, ‘પ્રતિલીપિ’ તેમજ અન્ય બ્લોગો અને મેગેઝીનમાં તેમણે લેખો અને કવિતાઓ લખી છે. કેનેડાથી પ્રકાશિત થતાં ‘ગુજરાત ન્યૂઝલાઇન’ ન્યૂઝપેપરમાં અને ઓસ્ટ્રેલીયા તેમજ ન્યૂઝીલેન્ડથી પ્રકાશિત થતાં ‘ધી દિવ્ય ગુજરાત’ ન્યૂઝપેપરમાં ‘નારી-શક્તિ’ કોલમનાં લેખિકા હતાં. આજે પણ તેઓ ‘શબ્દ-સેતુ’ કોલમના લેખિકા છે. તેઓ ન્યૂઝ-રીપોર્ટીંગ કરે છે. અમદાવાદથી પ્રકાશિત થતાં, પુષ્ટીમાર્ગના મેગેઝીનોમાં તેમના લેખો પ્રકાશિત થાય છે. હાલમાં ગીનીસ વર્લ્ડ રેકોર્ડમાં પ્રવેશવા જઇ રહેલ મહાગ્રંથ ‘સંવર્ધન માતૃભાષાનું’માં તેમના લેખોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અનેક પુસ્તકોની પ્રસ્તાવના તેમજ અભિપ્રાયો લખ્યા છે. બે એરિયાના સીનીયર સેન્ટરોમાં પ્રોગ્રામો આપે છે તેમજ લાફ્ટર યોગા કરાવે છે. મીલપીટાસ હવેલીમાં તેમનું પ્રદાન ઘણું છે. વોલીયેન્ટરીંગ વર્ક પણ કરે છે. હાલમાં ‘ગુજરાત ગૌરવ દિવસ’ની ઉજવણી પ્રસંગે સાન્તા ક્લેરા કાઉન્ટી તરફથી તેમના સોશીયલ વર્કને નવાજ્યો હતો. નિષ્પક્ષ વલણ અને સાચી સલાહ એ તેમની આગવી ઓળખ છે.

 

કલ્પના રઘુ

Phone: +1 (408) 216-7191

Email: kalpanaraghushah@gmail.com