આ મુબઈ છે…-વડાપાઉં -પ્રજ્ઞા દાદભાવાળા

લોકો વતનથી જયારે કમાવા મુંબઈ આવે ત્યારે પેટનો ખાડો પુરવા વડાપાઉં ખાઈ ગુજરાન કરે છે ત્યારે પાઉંવડા એને દોસ્ત ની જેમ સાથ આપી સમાવી લે છે……

મુંબઈ શહેરની વધુ એક જાણવા જેવી વાત છે…‘વડાપાઉં …ફ્રેશ વડાપાઉં… ચટણી સાથે વડાપાઉં… મુંબઈ પ્રસિધ્ધ છે રેકડી ના ફાસ્ટ ફૂડ માટે હા રેકડી નું ખાવાનું એટલે કે વડાપાઉં,દરેક લતામાં એક વડાપાઉં ની લારી હોય છે.મુબઈમાં વેચાતા વડાપાઉં ખાવાની મજા જ કંઈક અલગ હોય છે… તાજેતરમાં રણબિર કપૂરે તેના રિયાલીટી ટીવી શો ‘મિશન સપને’ના પ્રમોશન માટે સડક પર વડાપાઉં વેચતા જોવા મળ્યો હતો,અને આ દરમિયાન તેના ચાહકોએ મનપસંદ સ્ટારના હાથના વડાપાઉંની મજા માણી હતી. મુંબઈની જિંદગી સાથે જે તાણાવાણાની જેમ વણાઈ ગયું છે તે ફૂડ છે વડાપાઉં … હા મુંબઈની એક ઓળખ વડાપાઉં છે બટાટા વડા સાથે ડબલ રોટી અને મરચાં અથવા લસણની ચટણી…ચાલો ખાવાની વાતમાં રેસીપી પણ આપી દૂઉ (બાફેલા બટેટાને મસળી, તેમાં લીલું મરચું, કોથમીર, આદુ, હળદર વગેરે મિશ્ર કરી. તેમાં મીઠા લીમડા, રાઈ, હિંગ, અડદની દાળ વગેરેનો વઘાર કરવામાં આવે છે. આ પ્રકારે તૈયાર કરેલા માવાના ગોળા કરી, તેને બેસન (ચણાનો લોટ)ના ખીરાંમાં બોળી, ઉકળતા તેલમાં તળી લેવામાં આવે છે.પાંવને વચ્ચેથી કાપીને તેમાં લસણની સૂકી ચટણી કે અન્ય કોઈ ચટણી લગાડી, તેમાં વડું મૂકી ખવાય છે. પાંવ ઘરમાં નથી બનાવાતા, તેને બેકરીમાંથી ખરીદીને લવાય છે.આ પાંવનો એક વિશિષ્ટ સ્વાદ હોય છે. આ ડબલ રોટીનો ઈજારો ઈરાનીઓ નો ભલે હોય પણ પાઉંવડા સાથે એનું ધમધોકાર વેચાણ થાય છે .ઓછું મૂડી રોકાણ નો ખુબ ચાલતો અને માનવીને ચલવતો વેપલો એટલે વડાપાઉં .લોકલ ટ્રેનની વાતો કરીએ તો વડાપાઉં યાદ આવે જ કારણ ટ્રેન પકડતા પકડતા લોકો હાથમાં ફટાફટ કૈક આરોગવું હોય તો એ છે વાડાપાઉં .. ..મુંબઈમાં કોઈપણ ભુખ્યા માણસને ચોવીસે કલાક, ખાવાનું મળી રહે છે. ગરીબ કે તવંગર સૌના પોકેટને પોસાય એવું ભોજન કહો કે નાસ્તો જે કહો તે વડાપાઉં. એવા વડાપાઉંનું નામ આ બુફેમાં એક વાનગી ના લીસ્ટમાં હોય છે। ..હા અમારા મિત્ર પ્રદીપભાઈ આમ તો અમેરિકામાં ન્યુજર્સી ના ખુબ જાણીતા વિસ્તારમાં ઘણા વરસોથી રહે છે પણ આજે 60 વર્ષે પણ જન્મદિવસે ઉજવણીમાં વડાપાઉ યાદ કરે છે ..ઘરમાં રસોઈ ભાવતી ન બને તો નબીરા રેક્ડીના પાઉંવડા જરૂર ખાય છે ..મુંબઈમાં વડાપાઉંનું એક ખાસ મહત્વ છે. 25 લાખ પાઉંનો વપરાશ રોજ મુંબઈના વડાપાઉં વાળા કરે છે.. મંબઈ નગરી બધાને સમાવી લે છે દરિયાની સાથે રહેતા દરિયાઈ દિલ રાખે છે અને એટલે જ વતનથી આવેલા માણસો લોકો જયારે કમાવા મુંબઈ આવે ત્યારે પેટનો ખાડો પુરવા વડાપાઉં ખાઈ ગુજરાન કરે છે ત્યારે પાઉંવડા એને દોસ્ત ની જેમ સાથ આપી સમાવી લે છે.. હા સુખ દુઃખ ને લગતી બધીજ ઘટનાઓની ઉજવણી પાઉંવડા ની સાક્ષીએ મુંબઈગારાઓ કરતા હોય છે.જે લોકો ને નોકરી-ધંધાર્થે ઘર થી દુર રહેવાનું બન્યું હશે તે આ બાબતને સારી રીતે સમજી શકશે. આ રેકડીઓજ એકલતા ભુલાવવાની જગ્યા બની જાય છે. વડાપાઉં ની રેકડીઓનું મુંબઈમાં વસેલા લોકોની સ્મૃતિમાં વિશિષ્ટ સ્થાન છે.મુંબઈના વડા પાઉંની મજા જ કઈક ઔર હોય છે. લસણની સૂકી ચટણી, સાથે લીલા મરચાં અને સાથે મિત્રો ની મજાક મસ્તી કરતા દિવસો આજે પણ અનેક લોકોના મનમાં આનંદ ઉપજાવે છે ..વડાપાઉં ખાતા ખાતા ઘણા પીઝા અને બર્ગર સુધી પોહ્ચે છે ખરા પણ વડા નો સ્વાદ ભૂલી શકતા નથી અને સાથે વડાપાઉં ના દિવસો યાદ કરી બે આશું પણ સારી લે છે.
ફિલ્મ ના કલાકારો કે સામન્ય માણસ પોતાની જીવન કથની કે સ્ટ્રગલ ની વાતોમાં વડાપાઉં ના દિવસો જરૂર યાદ કરી ઉલ્લેખ કરે છે. વડાપાઉં ખાનારો રોજ નવી આશા બાંધે એ ક્યારેય નિરાશ થતો નથી કારણ એને ખબર છે કે કૈ નહી તો હું વડાપાઉં લારી નાખીશ પણ ભૂખ્યો તો નહિ જ રહું….હા એક પણ વડાપાઉં વાળો બેકાર નથી એ વાત ચોક્કસ છે..એક જમાનો હતો કે શિવસેના વાળા લોકોને કામે ચડાવવા વડાપાઉંની લારી લોન પેટે આપતા એટલે જ બટાટાવડા અને મુંબઈ બંનેના રોમરોમમાં ધગસ છે. મુંબઈ અને વડાપાઉં બન્નેમાં કંઈક એવું છે કે જેને ખાતા અને શ્વાસમાં ભરતા લોકો એના ચાહક થઇ જાય છે…આજ કાલ વડા પાવના પાવને ગ્રીલ કરી, તેમાં ચીઝ ઉમેરી, માખણ (બટર) માં શેકી, સૂકી લસણની ચટણીને બદલે તીખી કે મીઠી ચટણી ઉમેરી વેચાય છે. સામાન્ય પાવને બદલે બર્ગરના ગોળાકાર પાવ અને થોડોક મોટો વડો બનાવી જમ્બો વડા પાવ નામે વેચાય છેપણ આજે પણ .મુંબઈની સવા દોઢ કરોડની વસ્તી સિવાય અનેક લોકો લારીના વડાપાઉં ના ચાહક છે……
મુંબઈ ના દરેક લોકોનું જીવન એક અથવા બીજી રીતે જટિલ હોય છે આમ જોવા જઈએ તો બટાટા વડાની લારી પાસે રોજ આવતા ઘરાગનું જીવન જોઈએ તો એક ન લખાયેલો ગ્રંથ છે. વડાપાઉં અને પૈસાની લેવડ-દેવડ વચ્ચે લારીવાળો ની ગ્રાહક સાથે આત્મીયતા સહજ રીતે કેળવાય જાય છે. વડા પાઉં એ લોકોને સ્વાદ સાથે ભૂખ ના સંતોષ સાથે હુંફ અને આશા પણ આપે છે આજે ઘણા માટે વડાપાઉં એક જતનપૂર્વક સાચવી રાખેલી હૃદય ની યાદ છે.તો ઘણાનું તો વિશ્વજ વડાપાઉં ની લારી છે.કહે છે પ્રેમને પામવા પેટને પોહચો તો બસ આજ વાત વડાપાઉં ની છે દરેકની ભૂખ સંતોષી સ્વાદ સાથે પ્રેમથી આગળ વધવાનું બળ આપે છે મુંબઈ શહેરમાં માણસોની મૂળભૂત ઈચ્છા ત્યાં ટકી જવાની હોય છે જે માત્ર વડાપાઉં પુરી કરે છે માણસ શ્રદ્ધા ગુમાવતો નથી અને બીજે દિવસે ફરી તૈયાર થઇ મુંબઈ ની સડક પર પોતાના તકદીરને શોધવા નીકળી પડે છે કારણ દોસ્ત આ મુબઈ છે …

પ્રજ્ઞા દાદભાવાળા 

અહેવાલ

બે એરિયામાં રહેતા ગુજરાતીભાષાના પ્રેમીઓએ બોલાવેલી “બેઠક”માં “ઘરના વિષય ને અનુરૂપ   “બેઠક” એજ ઘર અને ઘર એજ પાઠશાળા જેવું વાતાવરણ સર્જાયું. 

બેઠકની શાળામાં ઉમેરાયો એક નવો  વિષય “સહિયારું વાંચન’

bethak

બે એરિયામાં 29મી ઓગસ્ટે   ૨૦૧૫ ​એ​ ​ગુજરાતી “બેઠક” ​ ​ઇન્ડિયા કોમ્યુનીટી સેન્ટર મિલ્પીટાસ​​ કેલીફોર્નીયા ​ખાતે યોજાઈ.બેઠકનો વિષય હતો ​”ઘર  એટલે ઘર” ​આવા ​ગમતા વિષયને સર્જકોએ ખુબ વધાવ્યો.આજ ની બેઠકનું સંચાલન માનનીય પ્રતાપભાઈ એ કર્યું  સાથે કલ્પનાબેન અને બેઠકના આયોજક પ્રજ્ઞાબેને સંચાલનમાં સાથ આપ્યો.બેઠક માં મહેન્દ્રભાઈ મહેતાએ હાજરી આપી પ્રોત્સાહન આપ્યું .

meghlataben

“બેઠક”ની શરૂઆત કલ્પનાબેને પ્રાર્થના  દ્વારા કરી અને માનનીય મેઘલાતાબેનને શ્રધાંજલિ આપતા પ્રજ્ઞાબેને જણાવ્યું કે મેઘલતા બેન સદાય મારે માટે માર્ગદર્શક રહ્યા અને એમણે એના અનુભવની અને જ્ઞાન ની સંદુક દરેક ગુજરાતીને અર્પણ કરી સદાય માટે આપણા હ્યુદયમાં સ્થાન લઇ લીધું છે.​તેઓ ​એક સર્જક હતા કલાકાર હતા અને કલાકાર ક્યારેય મૃત્યુ પામતા નથી.બેઠક સદાય એમના માટે માનની લાગણી અનુભવશે.

26-08===01

કેલીફોર્નીયામાં ગુજરાતી “બેઠક”માં ગુજરાતી ભાષા ​અને  પદ્ય અને ગદ્યને માણનારો વર્ગ અત્રે એકત્રિત થઇને તેના સર્જન,સંવર્ધન અને પ્રચાર પ્રસારણ છેલ્લા ઘણા વખતથી  ખુબ સક્રિય રહી કરે છે. છે..જેની શરૂઆત ‘પુસ્તક પરબ”ના પ્રણેતા પ્રતાપભાઈ પંડ્યા દ્વારા થઇ હતી.આજે લોકભારતી વિદ્યા પીઢે સમાજ ચેતનાના જાગ્રત પ્રહરી શ્રી પ્રતાપભાઈ પંડ્યાને સન્માન પત્રથી નવાજ્યા છે,ત્યારે “બેઠક”, દરેક વાચક અને સર્જક ગૌરવની લાગણી અનુભવે છે.અમેરિકામાં “બેઠક”ની પ્રવૃતિને વેગ આપવા પ્રતાપભાઈ પંડ્યાનો સદાય સહકાર રહ્યો છે “પુસ્તક પરબ” ની આ પ્રવૃત્તિ દ્વારા અત્યાર સુધી ૪૦ લાખ રૂપિયાનાં પુસ્તકો વિવિધ વાંચકો સુધી પહોંચાડી પ્રતાપભાઈએ સંતોષની લાગણી સાથે જીવન સાર્થક્ય અનુભવ્યું છે. જે ખરેખર પ્રસંસનીય છે “બેઠક”માં લેખન સાથે વાંચન થવું જરૂરી છે તેને વેગ આપવા અર્થે એક નવો સુજાવ મહેન્દ્રભાઈ મહેતા એ આપ્યો કે સારા પુસ્તકો સહિયારા વાંચવા અને ચર્ચા કરવી  તે માટે  મહિનામાં એકવાર ભેગા થવું….પ્રજ્ઞાબેન આ વાત સાથે સમંત થતા કહ્યું સારા પુસ્તકો ના વાંચન દ્વારા સર્જન શક્તિ નો નિખાર આવશે જ, આપણા “પુસ્તક પરબ”નો મુખ્ય હેતુ લોકોને વાંચન માટે આકર્ષવાનો​ અ​ને એના દ્વારા વિકાસ સાધતા માત્રુ ભાષાને પરદેશમાં પણ ચલણમાં રાખવાનો છે..વાંચન વગર વિકાસ  થશે નહિ, તો જ્ઞાન લોકોની વચ્ચે જાયએ જરૂરી છે​​…માટે પુસ્તકો ​એમના ઘેર લઇ જાય..અથવા જે કોઈ વાંચી ન શકતા હોય તેમના માટે વાંચો, બિમાર કે વયોવૃદ્ધ વય્ક્તિ માટે વાંચો, બાળકોને વાંચતા  કરો અથવા  સહિયારા વાંચો,.​સાહિત્ય અને વાંચન  હૃદયની વિશાળતા અને સંવેદનાના વિકાસ માટે અત્યંત પ્રબળ માધ્યમ છે…

_DSC0023

ત્યાર બાદ દાવડા સાહેબે બેઠકના આ મહિનાનો વિષય “ઘર એટલે ઘર” ઉપર ખુબ સરસ રજુઆત કરી દાવડા  સાહેબની અનોખી બોલવાની શૈલી એ વાતાવરણ ને હળવું બનાવ્યું ત્યારબાદ જયવંતીબેન,કુન્તાબેન, વસુબેન,બધાએ સુંદર રજૂઆત કરી તો દર્શના વરિયાએ એક જુદીજ રીતે  ઘરની વ્યાખ્યા સમજાવી ઘર વગરના  લોકો અને અનાથ બાળકો માટે પોતાની રજૂઆત દ્વારા સંવેદના ઉભી કરી બેઠકમાં સેવાના ભાવ ઉપજાવ્યા, તો કલ્પનાબેને પોતાની  એક સુંદર વાંચન શૈલીના ​પ્રભાવ ની છાપ વાચી ઉભી કરી ઘરની દરેક દીવાલ અને ખુણા ને આવરી લેતો એમનો “ઘર એટલે ઘર”નો લેખ જાણે બેઠકના વિષયને આવરી લેતો સાબિત થયો  _DSC0046આ સાથે દેશી રેડીઓ જોકી જાગૃતિ બેઠકમાં આવી અને બેઠકના કાર્યને પ્રોત્સાહન આપતા પ્રથમ ઇનામ વિજેતા જયવંતીબેનને પ્રતાપભાઈ પંડ્યાના હાથે ટ્રોફી પણ આપી, જાગૃતિ સદાય બેઠકનું બળ બની રહી છે અને એણે કહ્યું આજના વિષયમાં મારા બે શબ્દો જોડતા કહીશ કે હું અહી આવું ત્યારે તમારા બધા પાસે જયારે બેસું છું ત્યારે ઘરની સંવેદના અનુભવું છું. .આ સાથે જાગૃતિબેનના પતિ નીલેશ ભાઈ એ પણ સુંદર વાત કરી કે આપણે શરીરને આપણું ઘર સમજી સાચો આત્માનો માર્ગ ભૂલ્યા છીએ તો દિલીપભાઈ શાહ ઘરની વાત કરતા ગળગળા થઇ ગયા અને કહ્યું ઘર ને છોડીયે અથવા છોડવું પડે ત્યારે એનું મુલ્ય સમજાય છે.

bethak-3_DSC0034પ્રતાપભાઈ પંડ્યા એ બધાને પ્રોત્સાહન આપતા જણાવ્યું કે તમારે જે પુસ્તકો જોઈ​તા હોય તે બે​ડક મારી પાસે મંગાવશો હું ભારતથી મંગાવી દઈશ પરંતુ વાંચન ક્યારેય રોકશો નહિ…આ લોકભારતી વિદ્યા પીઢે દીધેલું સન્માન પત્રના તમે સાચા હક્કદાર છો પુસ્તક પ્રવૃત્તિ કરતાં દરેક પુસ્તક પરબના આયોજક, સર્જકો અને વાચકોની સાધનાનુ પરિણામ છે. હું આ સન્માન આપ સૌને વહેંચી આપુ છું. પુસ્તક પરબની પ્રવૃત્તિના વિકાસ માટે જોઈતી દરેક મદદ અને પ્રોત્સાહન માટે હું અહી બેઠો છું….હું ઓટલા પર સૂતેલો એક બાળક… માત્ર જ્ઞાન અને વાંચન થકી ડૉ. પ્રતાપભાઈ પંડ્યા બન્યો છું.લોકભારતીએ જે મૂલ્યો-અર્થસભર કેળવણી આપી તેનું હું સદૈવ જતન-સંવર્ધન કરતો આવ્યો છું અને હું ઇચ્છુ છું કે કોઈને વાંચવા માટે ક્યારેય પુસ્તકનો અભાવ ન વર્તાય  તેમજ વાંચન ને વેગ આપવા વાંચન કલબ ખોલવાના મહેન્દ્રભાઈના વિચાર ને ટેકો આપું છું..  સાથે પ્રવિણાબેન શાહ નો 75મો જન્મદિવસ પણ ઉજવ્યો.અને ઘરના વિષય ને અનુરૂપ ઘર જેવું વાતાવરણ પામી છુટા પડ્યા.

_DSC0035

_DSC0037_DSC0049_DSC0039 _DSC0058_DSC0060
_DSC0038 
_DSC0048_DSC0062

આ સાથે  બેઠક એક નવો  સંકલ્પ કર્યો કે  “આપણે સહુ સહિયારું વાંચન કરશું” અને આમ “બેઠક”માં એક “પુસ્તક પરબ”ના પાંખડા રૂપે સહિયારું વાંચન કરવા “વાંચન કલબ” શરુ કરવાનો સહિયારો નિર્ણય લેવાણો ​​અને બેઠકની શાળામાં ઉમેરાયો એક નવો  વિષય “સહિયારું વાંચન’

pragnaji-પ્રજ્ઞા દાદભાવાળા

વીરાને……ક્લ્પના રઘુ

rakhi-16વીરાને,

બેનના ભીતરથી પ્રગટેલી, લાગણીથી ભીંજાયેલી,

ભાઇના ભીતરમાં પ્રેમ પ્રગટાવતી, આ રાખી,

મારા હસ્તે તુજ હસ્તને બાંધતી આ રાખી,

મંગલ કામના ભાઇ કાજે કરતી આ રાખી,

ભઇલો મારો, મન વાંછીત ફલ પાવે,

ઇશ્વરને હ્રદયમાં ધરી સર્વ કાર્ય કરે,

સદ્‍બુધ્ધી ધરી મનમાં પ્રભુકૃપા પામે,

બસ એ જ દુઆ, આ રક્ષાબંધનના પર્વે,

આ બેનની ભાઇ અને તેના પરિવાર માટે.

ક્લ્પના રઘુ

મને પહેલી રાખડી બાંધ-તરુલતા મહેતા

Brother

મિત્રો,

 શ્રાવણ માસની શ્રાવણી પૂનમ આપણે  ‘રક્ષાબંધન’ ઉજવીએ છીએ. ભાઈ-બહેનના પ્રેમને ઉજાગર કરતો તહેવાર છે.મારો પ્રિય તહેવાર છે. નાનપણમાં એમ થતું કે બહેન તરીકે મારુ   મહત્વ વધી ગયું।’મને પહેલી રાખડી બાંધ’ એમ કહેતા ચારે ભાઈઓ રાહ જોતા.રાખડી બાંધવાની,પેંડો ખવડાવવાનો અને ખાવાનો. રૂપિયો મળે તે લઈ દોડાદોડી કરવાની.રક્ષાકવચ,રક્ષણની ભાવના એવો અર્થ સમજાયો ત્યારે ટપાલમાં મોકલાતી રાખડી અમૂલ્ય લાગી. વેલેન્ટાઈન ડે ,મધર્સ ડે ફાધર્સ ડે –સૌ દિલખોલીને ઉજવવાના તહેવાર છે.પ્રેમનો અહેસાસ,તેનો સ્વીકાર અને અભિવ્યક્તિ જીવનનો ઉત્સવ છે.

પ્રેમ અને પાણી આપણા જીવનના ધારક તત્વો વિવિધ રૂપે ,રંગે,આકારે ,નામે -અનામે અનંત સમયથી સ્થળમાં અને વ્યક્તિમાં વહેતા રહે છે.પાણી ઉછળતું કે વહેતું ન દેખાય પણ જમીનના સાત પડોની અંદર હોય છે.ઉડું ખોદાય ત્યારે મીઠું જલ નીકળે,પ્રેમ -માતૃપ્રેમ ,પિતૃપ્રેમ ,સંતાનપ્રેમ,પતિપત્ની ,મિત્રપ્રેમ  દાદી દાદાનોપ્રેમ,પ્રકુતિ અને પશુપંખી પ્રત્યેનો પ્રેમ —બસ જ્યાં નજર કરો ત્યાં પ્રેમ.જેને પ્રેમ કરીએ તેનુ રક્ષણ કરવાનો ભાવ હોય છે.જેમકે અસુરોથી રક્ષણ કરવા ઇન્દ્ગાણીએ રાખડી તેયાર કરી હતી,જે દેવોના ગુરુએ ઇન્દ્રને બાંધી હતી.કુંતામાતાએ અભિમન્યુને યુધ્ધમાં જતી વખતે બાંધી હતી.યમુનાએ પોતાના ભાઈ યમને બાંધી હતી.એ સૌમાં ભાઈ-બહેનના પ્રેમની વાત નિરાલી છે.ભાઈ-બહેન બાળપણમાં સાથે રમે,જમે લડે ત્યારે  એમની વચ્ચે આત્મીયતાની એવી રેશમી દોરીનો અતૂટ સબંધ વિકસે છે,જે જીવનભર આનંદ,ઉત્સાહ અને બળ આપે છે. ક્યારેક બહારથી લાપરવાહ, લાગતા ભાઈનું  હદય અંદરથી નરમ માખણ જેવું હોય છે.ભાઈ -બહેન પરસ્પરની રક્ષા સહજ ,નિર્વાજ્ય ભાવથી કરે છે. ‘પ્રેમનો સેતુ ‘ એવી એક વાર્તા છે.

     ‘ પ્રેમનો સેતુ ‘   તરુલતા મહેતા

  1980ની  સાલમાં    અમેરિકાની ધરતી પર પગ  મૂક્યા પછી જોબ શરૂ કરી ત્યારે અમીને સમજાયું કે વીકેન્ડમાં રજા  હોય તેથી  તહેવાર ઉજવાય.કામના દિવસો -સોમથી શુક્ર અમેરીકન સમય અને કેલેન્ડરમાં જીવાતા હતા.  ભારતીય કેલેન્ડરમાં પૂનમની તીથિ પ્રમાણે શુક્રવારે ‘રક્ષાબંધન હતી,પણ તે દિવસે તેને સાંજે આઠ સુધી કામ કરવું પડે તેમ હતું.તેનો ભાઈ જોબ પૂરી થાય પછી બાલ્ટીમોરથી ડ્રાઈવ કરીને કોઈ હિસાબે હેરીસબર્ગ  આવી શકે નહિ,તેથી ફોનથી ભાઈ સાથે વાત થઈ ત્યારે અમીએ કહ્યું હતું ,’સમીર ,શનિવારે  નિરાંતે રહેવાય તેમ આવજે.’ નાની નિશા નારાજ થઈ ખાધા વિના બેસી રહી.એ મામાના દીકરા પીન્ટુ જોડે રમવા અધીરી થઈ હતી. અમીએ કહ્યું કે ,’હું ઈવાને તારી સાથે રમવા બોલાવીશ.’ નિશાનું બેબીસીટીગ કરતી ઈવા કોલેજમાં ભણતી હતી,પણ અમીને જરૂર પડે ત્યારે નિશાનું ધ્યાન રાખતી.હાલના સંજોગોમાં તેને તેના પતિ અમરની ખોટ સાલતી હતી.તેઓ ભારતથી અમેરિકામાં પરમેનન્ટ સેટલમેન્ટ માટે આવ્યાં હતાં,શરૂઆતના બે મહિના જોબ શોધવામાં નીકળી ગયા,ઘીરજ ખૂટી હતી.પાછું વતનમાં જતા રહેવાનું મન થતું હતું।તે વખતે એના ભાઈ સમીરે ટકી રહેવાની હિમત આપી હતી. છેવટે  બન્ને જણને જોબ મળી એટલે એપારટમેન્ટ રાખ્યું ,નિશાને સ્કૂલમાં દાખલ કરી.જરાક ‘હાશ’ થઈ,પણ તે ઝાઝી ટકી નહિ.વતનમાં અમરના પપ્પાને હાર્ટએટેક આવ્યો,અમરને દોડીને   જવું પડ્યુ,ઘરના બિઝનેસને સમેટવામાં સમય નીકળી જશે,એવું લાગતું હતું.અમર ફોનમાં આગ્રહપૂર્વક અમીને  કહેતો હતો કે તે પાછો અમેરિકા ન આવે ત્યાં સુધી તે  એના ભાઈ સમીરને ધેર જાય.સમીર શનિવારે એની મોટી વેન લઈ આવવાનો હતો,જેથી અમીની  બેગો ડીકીમાં મૂકી શકાય.વર્ષો પછી ભાઈને રાખડી બાંધવાનો પ્રસંગ હતો પણ અમી  દ્વિધામાં મૂકાઈ ગઈ હતી,એક તરફ અમરની વાત સાચી હતી કે તે કદી આપમેળે સ્વતંત્ર એકલી રહી નથી,નિશાને સાચવવાની,નોકરી કરવાની તેમાં અમેરિકાથી સાવ અજાણ એપાર્ટમેન્ટમાં એકલી શી રીતે રહેશે?

બીજી તરફ એ વિચારતી હતી નિશાની સ્કૂલ ,નોકરી ,એપાર્ટમેન્ટ બધું અધવચ્ચે છોડીને જતું કેમ રહેવાય?શું એનામાં હિમત નથી?તેને અમર પર ગુસ્સો આવ્યો,તેને કારણે તે અત્યારે ‘ઘરની યે નહિ ને ઘાટની પણ નહિ ‘ જેવી કફોડી હાલતમાં આવી હતી.તેને થયું સમીરને મારા મનની વાત કરું તો તે સમજશે।નાનપણમાં સમીર ધમાલિયો અને તોફાની હતો.શાંતિથી બેસી કોઈની વાત સાંભળતો નહિ.પણ હિમતવાળો હતો અને ધાર્યું કામ પાર પાડતો.વીસ વર્ષની વયે ‘સ્ટુડટ વીસા ‘લઈ અમેરિકા આવી ગયેલો.નીતા સાથે લગ્ન આપમેળે જ કરેલા.હાલ બન્ને જણા ફેડરલ ગવર્મેન્ટની જોબ કરતાં હતાં.સમીરના મોટા ‘હાઉસમાં’અમી માટે બેડરૂમ હતો.પણ અમીનું મન માનતું નથી.

શુક્રવારે રાત્રે અમી જોબ પરથી આવતી   હતી, ટ્રાફિક હતો તેથી તે  સાચવીને કાર ચલાવતી હતી,શુક્રવાર હતો એટલે કોલેજના યુવાન વિદ્યાર્થીઓ પણ ક્યાંક પાર્ટીમાં જવા સૂમ સૂમ કરતા કાર ભગાડતા હતા.અમીને થતું હતું જાણે કોઈ હરીફાઈમાં તે સૌથી પાછળ રહી ગઈ હતી.  કદાચ સ્પીડ લીમીટ કરતાં ધીરી જતી હતી.એની પાછળની કોઈ કારે  હોર્ન માર્યું ,એટલે એ ચમકી ગઈ,એના માટે હેરીસબર્ગના રોડ   હજી નવા હતા. કાર ચલાવવાનું કઠિન લાગતું હતું. હજી મન  દેશના રસ્તા ,ટ્રાફિકની મધ્યે અટવાતું હતું.રોડ પર એને લાગ્યું કે કોઈ કાર તેને ફોલો કરે છે,તેણે તેની સ્ટ્રીટ પર વળાંક લીધો,પાછળની કારે પણ વળાંક લીધો,અદીઠ ભયથી હવે અમીની છાતીમાં  શ્વાસનું તોફાન ઉમટ્યું ,ગળામાં ચીસ  ઠરી ગઈ,અમરના શબ્દો પથ્થરની જેમ એના માથામાં વાગતા હતા ,’તારાથી એકલા નહિ રહેવાય —નહિ રહેવાય –‘થોડી વાર માટે એના ઘરનો નમ્બર ભૂલી ગઈ,ક્યાં આવી છે?તે ભૂલી ગઈ,ત્યાં એની કારની આજુબાજુ માણસોથી તે  ધેરાઈ ગઈ હોય તેવું લાગ્યું।એના એપારમેન્ટની બહાર અંદર બધે લાઈટો હતી ,નિશા ,ઇવા  તાળી પાડી હસતા હતા.એમની નજીક બીજું કોણ છે?સમીર અને નીતા ખડખડાટ હસતાં હતાં,પીન્ટુ ‘ફોઈ -આંટી ‘કહેતો દોડીને એને વળગી પડ્યો ત્યારે અમીનો ભયનો ફૂગ્ગો ફૂટી ગયો, પોતાની જાત પર હસી પડી,સમીરને ધબ્બો મારતા બોલી ,’તોફાની,બહેનને ડરાવી પાછો હસે છે.’ સમીર બોલ્યો ,’મારી વેન તેં ન ઓળખી.’ અમી કહે,’તું આટલો મોડો આજે આવીશ,તે મેં ધાર્યું નહોતું.’નીતા હસીને બોલી ,તમને સરપ્રાઈઝ આપવા જ સમીરે આજે રાત્રે આવવાનું ગોઠવ્યું।’અમીને  આનંદ થયો પણ ‘ભઇને શું જમાડીશ ?’તેની ચિંતા થઈ,આજે તેને સમય મળ્યો નહોતો,એણે સેન્ડવીચથી ચલાવ્યું હતું,અને નિશાને ને માટે મેક્રોનીચીઝ બનાવ્યાં હતાં,સમીરે બહેનની ટીખળી કરતા કહ્યું,’તું બરોબર અમેરિકન થઈ ગઈ.’ અમી મનોમન વિચારતી હતી,’હજી મારામાં આત્મવિશ્વાસ નથી કે હું  એકલી રહું’

અમીને મૂઝાતી જોઈ સમીરે કહ્યું ,’બધાં જલદી કારમાં બેસી જાવ,ઇન્ડીયન રેસ્ટોરાન્ટ ખૂલ્લું હશે.’

નીતા કહે ,’શુક્રવારે મારે કીચનની છુટ્ટી,ક્યાંક પાર્ટીમાં જવાનું હોય કે રેસ્ટોરન્ટમાં જમીએ.’

સમીરની વાતો ખૂટતી નથી,અમી તેને ઘેર આવશે તેથી તે વઘુ ખુશ હતો.અમી  સમીર કરતાં બે વર્ષે મોટી પણ કોલેજમાં સમીરની દાદાગીરી એટલી કે કોઈ છોકરાઓ અમી પાસે આવતા નહિ.દશ વર્ષ પછી ભાઈ-બહેન સાથે રહીશું એમ વિચારી અમીને આનંદ થતો હતો,પણ હાલના સંજોગોમાં હેરીસબર્ગનું બધું છોડી,હિમત હારી ભાઈને ત્યાં જવાનું એને મન નથી.

 ડીનર પતાવી તેઓ  ઘેર આવતાં  હતાં,છોકરાં કારમાં જ સૂઈ ગયાં,સમીરે અમીને પૂછ્યું :’તારા  એપાર્ટમેન્ટનું લીઝ ક્યાં સુધી છે?’

અમીને ગળામાં કઈક ખટકતું લાગ્યું।તે બોલી શકી નહિ,

સમીરે કહ્યું ,’ તું ચિંતા ન કરીશ,હું બધું જોઈ લઇશ.’

સમીરનો સેલ્ફકોન્ફિડન્સ જોઈ અમી અંદરથી ખળભળી ઊઠી.સમીર પ્રેમથી એને આજે  મદદ કરશે,પણ એમ કોઈની મદદથી અમેરિકામાં કાયમ ન રહેવાય.તેણે ઘેર જઈ સમીર સાથે વાત કરવાનું વિચાર્યું।

સમીરે સૂતા પહેલાં અમીને કહ્યું,’તું થાકી ગઈ છું કે પછી અમરને મીસ કરે છે?એકલીને ગમતું નહિ હોય મારે ઘેર શાંતિથી રહેજે.’

અમીને કહેવું છે કે મારે અહી જ રહેવું છે,મારે જોબ છે,નિશાને સ્કૂલ છે.મારામાં અને તારામાં સરખું લોહી ,સરખા જિન્સ છે, તારા જેવી હિમત મારામાં હશે, પત્ની,બહેન કે માતાનાં ચોખટા ઉપરાંતનું કોઈ પ્રભાવશાળી વ્યક્તિત્વ મારી અંદર દટાઈને પડ્યું છે,જે મારે મારી જાતને ક્સીને,અગ્નિમાં તાવણી કરીને,પ્રગટ કરવાનું છે. હાલના સંજોગોમાં તું મને મદદ ન કરે તેમાં મારું હિત હશે, જે તને ,અમરને કે ખુદ મને ભાવનાને  કારણે દેખાતું નથી.અમી મોડી રાત સુધી મનોમન પોતાની જાત સાથે લડતી રહી.પડખાં ફેરવતી રહી,

અમી બિલ્લીપગે ઘરમાં આંટા માર્યા કરે છે.ન કળાય તેવી બેચેની -પીડાથી એનું શરીર અને મન પીડાય છે,એને યાદ આવ્યું નિશાના જન્મની આગલી રાત્રે પ્રસવની પીડાથી એ બેચેન હતી,કેમે કરી ઊઘ આવી નહોતી ,વહેલી સવારે અમર તેને હોસ્પિટલમાં લઈ ગયો હતો.નિશાના જન્મ પછી તેને પીડા ભોગવ્યાની સાર્થકતા લાગી હતી.નિશાના જન્મ સાથે તેનામાં માતાનો જન્મ થયો હતો.આજે અમી તેના પોતાના નવજન્મ માટે તડપતી હતી.

અમી બારી પાસેના સોફામાં ચાંદનીના શીળા તેજમાં પવનમાં હાલતાં વુક્ષોને જોઈ રહી,ડાળીઓ ઝૂલતી પરસ્પરને સ્પર્શી જતી હતી,પાંદડાની મર્મરથી દૂરદૂરના વુક્ષોને કોઈ ભેદી સંદેશ મળતો હતો.સમીર ચૂપચાપ અમીની પાસે બેઠો,

એણે હળવેથી અમીનો હાથ દબાવ્યો,સમીરના જમણા હાથમાં એણે બાંધેલી લાલ રાખડી ચાંદનીમાં ચમકતી હતી.અમીને થયું એમનાં હાથ વુક્ષોની ડાળીઓ છે.એક નીરવ,અદ્રશ્ય પ્રેમના  સેતુને તેઓ અનુભવી રહ્યાં છે.અમીને લાગ્યું એના મનની પીડા સમીર સમજી ગયો છે,

તરુલતા મહેતા

ઘર એટલે ઘર…(24) હેતલ બ્રહ્મભટ્ટ

વ્હાલા પ્રજ્ઞા બેન,
બેઠક ના વિવિધ વિષયો પર લખાયેલું ઘણું વાંચ્યું છે પણ આવો લાગણીશીલ વિષય જોઇને થોડુક લખવાનું મન થઇ ગયું.

ઘર.
કાનો, માત્રા, અનુસ્વાર વગરનો એક સાવ નાનકડો શબ્દ. એના નાનકડા સ્વરૂપમાં એ કેટલી મોટી દુનિયા સમાવે છે!
તેર વર્ષના વિદેશવાસ પછી, ઘરની મારી વ્યાખ્યા ઘણી બદલાઈ છે.

સાવ નાનપણમાં મમ્મી, પપ્પા અને બહેનીના સહવાસમાં જ ઘર લાગતું. પછી માસી, ફોઈ, કાકા, દાદા, નાનીને ત્યાં પણ ઘરોબો લાગતો. નવી નવી અમેરિકા આવી, પહેલી વાર મહિનાઓ સુધી ચાલેલી ‘homesickness’ અનુભવી ત્યારે મારા ઘર નું મૂલ્ય સમઝાવાનું શરુ થયું … હવે મમ્મી, બહેનીનું વર્ષો સુધી મ્હો જોવા ના મળે ત્યારે અવારનવાર અનુભવતી ઉદાસી વળી પાછી મને વારેવારે ઉડાડીને ઘરે જ તો લઇ જાય છે…અત્યંત આત્મીય ઘરથી પડેલું અઢળક અંતર જાણે ક્યારેક મને દઝાડે, ક્યારેક ઓગાળે ને ક્યારેક વળી સાવ જ પીગળાવી દે…ને છતાં, મારી અંદર જ સદા અકબંધ અને જીવંત છે મારું ઘર.

હું માનતી હતી, કે તમે જેમાં વસો એ તમારું ઘર.
વર્ષો-વર્ષ અને હજારો માઈલોના અંતર પછી સમજાયું – જે તમારામાં વસે, એ તમારું ઘર.

~ હેતલ બ્રહ્મભટ્ટ

ઘર એટલે ઘર…(24) પ્રજ્ઞા દાદભાવાળા

મામા નુ ઘર કેટલે…

મામાનું ઘર કેટલે ?
દીવો બળે એટલે.
દીવો મેં તો દીઠો,
મામો લાગે મીઠો.

 

 

મારી એક મીઠી યાદ કહો તો મારું મોસાળ… .”મામા નુ ઘર”…બાળપણના ઘણાખરા ઉનાળુ વેકેશન નાના-નાની,  ઘરે જ વીત્યા છે.એની  વાતો યાદ આવતા ,શબ્દની સાથે જ સંવેદનાઓથી હૃદય છલકાવા લાગે છે.  મારું મોસાળ રાજકોટ ,જન્મ પણ ત્યાં જ થયો ભલે મુંબઈમાં વસવાટ કર્યો પણ દર વેકેશનમાં મામાને ઘેર જવાનું થાય ,એટલે એની વાતો કરું એટલી ઓછી પડે હો…. ….

આમ પણ  રાજકોટિયા કોઈ ભેગા થાયને કે તરત જ રાજકોટની વાતો કરવા મંડી પડે ,શરૂઆત કરે પહેલા તો તમારે ક્યા રહેવાનું થી  થાય ,પછીતો  લે લે હું ને તારી મામી એકજ શાળામાં જતા,ખાસ મિત્ર  ,લે કર વાત અને શરુ થઇ જાય। ..હવે તું તો મારી દીકરી જેવી કહેવાય… ભાણીબા લેલે તું આટલી મોટી થઇ ગઈ। .અને પછી રાજકોટ ની શેરીઓ ,જીગદના ભજીયા ,પટેલનો આસ્ક્રીમ ,ધર્મેન્દ્ર કૉલેજ અને પેલો ત્રિકોણ બાગ ,જુબિલી ગાર્ડન ,શ્રોફનો બંગલો ,અને યાદ છે ,તને કયાંથી યાદ હોય? ,ત્યારે તું સાવ નાની, મને યાદ છે તારા નાકમાંથી શેડા હાલે જાય …તને અમે શેડાડી  કહેતા….. રેસકોર્સ પર અમે દાડમની ભેળ ખાતા ,અને પેંડા ને ભજીયાના ચસકા લેતા એવી વાતો કરે કે બાજુમાં ઉભેલો। ..રાજકોટને ન હોય જાણના તો હોય તો પણ .. જાણે પોતે રાજકોટ નો હોય તેવું લાગવા માંડે,અને એટલું જ નહિ પાછા તાળિયું દેતા જાય હવે આવા રાજકોટને કેમ ભૂલાય ? મારા સગાવાળા 30 વર્ષથી રાજકોટ છોડી અહી રહે છે ત્રીજી પેઢી હમણાં પરણશે પણ હજી પૂછો તો કહેશે રાજકોટ એટલે રાજકોટ। ….  આમ જોવો તો રાજકોટના લોકો પોતે જ પોતાના વખાણ પણ કરે અને સંભાળવા પણ ખુબ ગમે ,મારા મામા અમેરિકા આવ્યા ત્યારે મેં કહું મામા શરીર ખુબ વધી ગયું નહિ ? પણ રાજકોટવાળા નું કામ બધું બાપુ જેવું ! …તો કહે હા અમે જાડા ખરા પણ અદોદરા નહિ હો ….

ખેર મારા માટે ,મારું રાજકોટ એટલે મારા મામાનો ડેલો.દેવકુરબા સ્કુલ,.ધારશી શામજી ઘીવાળા નો ડેલો,એથી આગળ વધો તો રયા નાકા રોડ એના છેડે આવેલું  ટાવર જરીક આગળ નીકળો તો લુહાણા પરા અને ર્ય ટાવરની ડાબી બાજુ વળો તો  કંસારા બજાર,માંડવી ચોકનું દેરાસર જય સીયારામ ના પેંડા,અને કેસર કેરી,રવિવારની સાંજ એટલે રેસકોર્સ ની  દાડમ ભેળ અને કોઠમ્ડાની ચટણી ,અને પછી ખાવાનો પટેલનો આઈસ્ક્રીમ.આમ જોવો તો રાજકોટના બધા  લોકો ખાવાના પણ એટલા જ  શોખીન  છે.વરસાદ  પડ્યો  નથી  કે  તરત  જ  બધા  ભજીયા  ખાવાનો વિચાર આવે  અહીના  લોકોના  ફેવરીટ આ  સિવાય વણેલા ગાંઠિયા, સાથે પપૈયાં નો મરચાંનો  સંભારનું  પણ  ચલણ ..

મારા નાનાનાં ડેલામાં સાત ભાઈના સાત ઘર,બધાય એક સાથે અને રસોડા જુદા,ડેલામાં દાખલ થાવ કે એય મજાનું મોટું ફળિયું  અને ફળીયામાં વચો વચ્ચ પાણી નીડંકી અને ડંકીની બાજુમાં બાંધેલી ચોકડી,બાલદી રાખવાની અને ડંકી સીચી પાણી ભરવાનું ,સવારે દૂધવાળી ભરવાડન આવે ,માથા પર તાંબાના ઘડામાં દૂધ લાવે ,કમ્ખું પહેરેલું હોય અને હાથમાં મોટા પાટલા બાવળા સુથી ચડાવેલા હોય અને પગમાં ચાંદીના કડા નાખ્યા હોય અને આવે ભેગી હોકારો કરે ..દૂધ લેજો…બધા પોત પોતાના ઠામ વાસણ લઇ આવે અને બધાને દૂધ આપે હું દોડતી કાસાનું છાલીયું લઈને જાઉં એટલે મને મારા કાંસાના વાટકામાં દૂધ આપે,હું રાજી રેડ થતી ઘરમાં દોડી જાઉં..

સવારે ફળિયાની પાળી ઉપર દાતણ કરતી બેઠી હોઉં ત્યાં તો મારા નાના દેરાસરથી દર્શન કરી પાછા આવે, અને મોટેથી બોલતા જાય। …પગુડી (પ્રજ્ઞા)ઉઠી કે નહિ ?એટલા જોરથી બોલે કે બધા ઘરની વહુ બધી જટ  લાજ કાઢી લે અને કોઈ આડી ન ઉતરે…આજ સંસ્કૃતિ ,આજ માન અને મર્યાદા…..કહેવાનું નહિ માત્ર સમજી જાય ..મારા નાના ઘરના મોભી એટલે આમ માન સચવાય ….અંદર આવ્યા ભેગા મારા મામાને ઉઠાડવા બુમા બુમ કરે ચમનીયો ઉઠયો કે નહિ ?(મુળ  નામ ચંદ્રકાંત )અને પછી નાનાજી ની આરતી નો ઘંટ સંભળાય ,દીવો રે દીવો પ્રભુ માંગલિક દીવો।…આરતી થાય એટલે અખા ઘરમાં પાણી છાંટી શુદ્ધ કરે,અને પછી સીરામણ આલજો। …કહી મામીને બોલાવે ,ત્યાંતો ઉપરથી રોજની ટેવ મુજબ બાબુકાકા ખોખરો ખાતા મામાને હોકારો કરતા બોલે… દુકાને નથી જવાનું  ચમન ?…અને મારા મામા જવાબ આપે ભાણીયા આવ્યા છે મુંબઈ થી… તો જલેબી ને ગાંઠિયા ખાઈ મોડો નીકળીશ ,તમ તમારે નીકળો ,અને આજે અભયસિંગ ની ગાડી મંગાવી છે તો રાજકોટ ફેરવશું ભાણીયાઓને….

સવારે અમને દૂધ સાથે બોર્નવીટા જોઈએતો ખાસ લઇ આવે ,રસોડાની ભીતમાં એક ચાર ખાનાવાળું પીંજરું ,જે આજના જમાનામાં ફ્રીજ ની ગરજ સારે ,તેમાં થી રોટલા કાઢવાના અને સીરામણ કરવાનું ,રસોડાની ત્રણ દીવાલમાં અભેરાય અને એક ખૂણે ચૂલો, એક બાજુ સિકુ એમાં પેંડા રાખે કીડીયું ન ચડે માટે। ..જરીક બહાર નીકળો એટલે ઓસરીમાં પાણીયારું ,અને એના ઉપર ઓસરીમાં અભરાય જ્યાં મામી રોજ પ્યાલા ,લોટા રાખથી માનજી ચકચકિત કરી ને હાર બંધ ગોઠવે ,એક માટલું અને બે ગોરી અને ગાગર ,પાણી લેવાનો નો ડોયો,પાણીયારા નીચે કાળો પત્થર લાદીમાં જડેલો જેમાં તમામ પ્રકારનું વાટવાનું કામ થાય। …મિક્ષચર ની જરૂર જ નહતી ,અમે જઈએ ત્યારે મામા એકવાર જરૂર વાટીદાળ ના ભજીયા ખવડાવે ..

  આમ જોવા જાવતો મારા મામા રાજકોટમાં ખુબ પ્રખ્યાત ,સ્ટેશને ઉતરો અને કોઈ ઘોડા ગાડી વાળાને પૂછો કે ચીમનભાઈ ક્યા રહે તો તરત લઈ જાય,અને સરનામું પૂછો તો કહેશે રાય ટાવર પાસે જમણી બાજુ વળી સીધા નાકની દાંડીએ હાલ્યા જાવ અને દેવકુવરબા સ્કુલની સામે ધારશી શામજી નો ડેલો એટલે તમે પુગી ગયા હમજો। …. મામાનો  વટ  એટલે  અહીનું  રેસકોર્સ  ! . કોઈ પણ મહેમાન આવે એટલે રેસકોર્સ ખાસ લઇ જવાના પણ યાદ રાખજો અહી  રેસકોર્સમાં ઘોડા નથી,હ્હા માણસો ખુબ દેખાય , રસ્તા ઉપર બાઈકની અને  કારની  અવર -જવર  ખાસ્સી  છે,તો રયાનાકા રોડ ની નાની ગલ્લીમાં ગાડીઓ જતી પણ નથી ,મામા  શરદ પુનમ હોય તો દૂધ પૌઆ ખાવા પણ આજી ડેમે લઇ  જાય જ। ….અહી આમ જોવા જઈને તો પેંડા એટલે લીલાલહેર છે ,અને નાકે નાકે પણ આઈસ્ક્રીમ ની દુકાન છે,મામા ખાય અને ખવડાવી જાણે ,અને  વખાણ પણ કરતા જાય ,

આમ જોવા જીઈએ તો રાજકોટના ઘરમાં એક ઓસરી ,ઉતારા બે ઓરડા ,એક બાજુ રસોડું ,અને ઓસરીની બાજુમાં કોઠાર ,કોઠારની બાજુમાં ઘંટલો ,ઓરડાની પાછળ નવેરું.. અને એના ખૂણા માં પાણી નો ટાંકો એને અડીને નાનો ઓટલો ..એને બંધ કરતો દરવાજો એટલે બાથરૂમ ..બાજુમાં થી પાણી બહાર જાય માટે ખુલ્લી ખાળ open drain ….વેકેશનમા …આખે આખું ઘર  ધમાલ મસ્તીથી ભરચક, હાસ્યની છોળોથી રંગાયેલુ  ……નવાઈ વાત તો એ છે કે ત્યાં કયારેય મહેમાન ને અગવડ નથી પડી। ..મામા મામી નું દિલ ખુબ મોટું,સૌથી વધુ આકર્ષણ મને બા ના ઘંટલા નું રહેતું ,બા મને અડવા ના દે ,કારણ હું ખુબ જોરથી ફ્રેરવું અને પથ્થર ઘસાય ,તો લોટમાં કાંકરી આવે અને પાછો ટાંકવા જવો પડે તે વધારાનું ,ડંકી સિંચવી ખુબ ગમે ,રોજે રોજના તાજા દળેલા લોટના રોટલા ખાવ તો મજા પડી જાય ઉપર ઘી ને ગોળ,ન ખોટા રાતના ઉજાગરા,ન ખોટા ખર્ચા ,સાદું સાત્વિક જમવાનું ,સહજતાથી જીવવાનું અને બીજાને જીવવા દેવાના,સંતોસ ,કોઈ જાતની ચડસા ચડસી નહિ, દેખાડો નહિ,મારું તારું નહિ ,બધું સહિયારું,ખુબ મજા આવતી ,ઓસરીમાં હિચકે બેસવાનું ,ગીત ગાવાના ,સાથે ચણીયા બોર, જામફળ ખાતા ખાતા કહેવાનું મામાનું ઘર કેટલે દીવો બળે એટલે… ..આજે પણ એ યાદો સગપણના તાંતણે અમને બાંધી રાખે છે,એ નિસ્વાર્થ પ્રેમ અને લાગણી। …જાણે અમને ખેચી રહી છે …એ અનુભૂતિ શબ્દોમાં સમાવવી શક્ય નથી..

…..મોટા ભાગના બાળકો વકેશન શરૂ થતાં જ મમ્મી સાથે મામાના ઘરે જતાં હોય છે, પરંતુ અનાથાશ્રમમાં રહેતાં ઘણાં માસૂમોને માટે તો ‘મામાનું ઘર કેટલે?’ એ માત્ર  જોડકણું…..

 

પ્રજ્ઞાજી- પ્રજ્ઞા દાદભાવાળા  

ઘર એટલે ઘર…(23) કવિશ્રી મુકેશ જોશી

ઘર જયારે સન્નાટો ઓઢી લે છે

 ઘર એટલે ભર્યું-ભાદર્યું જીવન,બાળકોના કિલ્લોલથી ગૂંજતું ઘર ,હર્યા-ભર્યા ઘરમાં જીવનની સંધ્યા માણવાના ઓરતા દરેક માંને હોય છે.પણ એવું બનતું નથી.

બાના ઘરમાં વેકેશન જ્યાં માળો બાંધી રહેતું ત્યાં બાળકોના કિલ્લોલથી ગૂંજતું ઘર જયારે સન્નાટો ઓઢી લે છે ત્યારે સુનકાર ને સન્નાટાઓ ઘરમાં પહેરો ભરવા માંડે ..હૈયું હચમચાવી દે એવી કવિશ્રી મુકેશ જોશીની આ કવિતામાં  ઘરની એકલતામાં ઝૂરતાં બાની મૂક વેદનાનું હૃદયદ્રાવક ચિત્રણ થયું છે.

.

બા એકલાં જીવે                
                             બા સાવ એકલાં જીવે
એકલતાનાં વર્ષો એને ટીપે ટીપે પીવે  
                                  બા સાવ એકલાં જીવે

બાના ઘરમાં વેકેશન જ્યાં માળો બાંધી રહેતું
રસગુલ્લાની ચાસણી જેવું વ્હાલ નીતરતું વ્હેતું
દોડાદોડી પકડા-પકાડી સહુ પકડાઇ જાતાં
ભાઇ-ભગિની ભેળાં બેસી સુખનો હિંચકો ખાતા
સુખડીમાં ઘી રેડી રેડી બા સહુને ખવડાવે
ઊડવાનું બળ આપી પાછી ઊડવાનું શિખડાવે
સુખનો સૂરજ છાનો માનો જલતો બાના દીવે
                                                    બા સાવ એકલાં જીવે

કાળ કુહાડી ફરી કપાયાં વેકેશનનાં ઝાડ
કોઇ હવે પંખી ના ફરકે ચણવા માટે લાડ
સુનકાર ને સન્નાટાઓ ઘરમાં પહેરો ભરતા
બાના જીવતરની છત પરથી ઘણા પોપડાં ખરતાં
સુખડીનો પાયો દાઝેલો શેમાં એ ઘી રેડે
બાએ સહુનાં સપનાં તેડયાં: કોણ બાને તેડે
ફાટેલા સાળુડા સાથે કૈંક નિસાસા સીવે
                                                  બા સાવ એકલાં જીવે

કમ સે કમ કો ટપાલ આવે તાકે આંખો રોજ
નીચું ઘાલી જાય ટપાલી ખાલી થાતો હોજ
દાદાજીના ફોટા સામે કંઇક સવાલો પૂછે
ફ્રેમ થયેલા દાદા એની આંખો ક્યાંથી લૂછે
શબરીજીને ફળી ગયાં એ બોર અને એ નામ
બાનાં આસુ બોર બોર પણ ના ફરકે એ રામ
જીવતરથી ગભરાવી મૂકી મોતથી જે ના બીવે
                                              બા સાવ એકલાં જીવે

– મૂકેશ જોશી

ઘર એટલે ઘર…(22) દેવિકાબેન ધ્રુવ

વીતેલી સમયવીણા પર,

         સ્મરણનખલી ફરે છે ઘરમાં,
સુખી સૂરીલા સૂરો છેડે,
જાણે આરતી ઘરમંદિરમાં
હળવે ફરે છે ઘરના જૂનાં,
પાના હજી યે મનમાં તાજાં,
પ્રસંગો ખૂલે છે ખૂણે ખૂણે,
પ્રગટી રહે જેમ દીવે દીવા.
શૈશવ વીત્યું સંતાનોનું,
બાદાદાની શીળી  છાંયમાં,
ભણ્યાં ગણ્યાં ને પરણી માંડ્યાં,
ઘરમાં કુમકુમ પગલાં.
મોંઘામૂલા દિવસો એ કેવાં,
સ્વજન મિત્રોના નિકટ સાથમાં,
ટૂંકા નાના સીમિત આંચલમાં,
પોષાયાં સૌ પ્રેમમંદિરમાં,
ક્ષણકણ વીણી ઘરથી,
બાંધ્યા સૌએ નીજના માળા.
ભૂલાય કેમ હા સૌની વચમાં,
પરમ શિવ તો સતત ઘરમાં.
વીતેલી સમયવીણા પર,
સ્મરણનખલી ફરે છે ઘરમાં..

દેવિકાબેન ધ્રુવ 

ઘર એટલે ઘર…(21) દર્શના વારિયા નાડકરણી

“ઘર એટલે” — “Home is…” (poem dedicated to homeless children).

“ઘર એટલે” — “Home is…” (poem dedicated to homeless children)

આ મહિના ની બેઠક નો વિષય છે “ઘર એટલે”.  કાનો માત્ર વગરના બે અક્ષરના ઘર શબ્દ માં ઘણું સમાયેલું છે.  તેમાં લાગણી, પ્રેમ, સલામતી અને સંતોષ ભર્યા હોય છે.  જો ઘરની ભીત બોલે તો તે ભાન્દુડા ની લડાઈ માં કોણ વધારે નટખટ હતું તે સાક્ષી પુરાવે।  ઘરની ભીંતો મમ્મી પપ્પા ને પાટા મારી ને વચ્ચે કરેલી સુવા માટેની જગ્યા ની જુબાની આપે, દાદીના હેત નો વરસાદ વરસાવે ને ઘરે પધારેલા મિત્રો અને મહેમાનોથી દિવાલોને શણગારી શકે.

પણ જયારે આપણા માટે, આ વિશાળ દુનિયા માં, ઘર એક એવો ખૂણો છે કે ત્યાં મળે છે લાગણી, પ્રેમ, સબંધ અને સંસ્કાર, ત્યાં મળે છે સંવેદના, મિત્રોનો કોલાહલ, અવનવું ભણતર અને ગણતર, ત્યારે આપણે આજે યાદ કરીએ એ બાળકોને કે જેમને આ કશુજ હાસિલ થતું નથી.  એ બાળકોને કે જેમને ઘર જેવી કોઈ વાસ્તવિકતાનો અનુભવ જ નથી.  ક્યારેક એ બાળકો શેરીએ શેરીએ ભટકે છે અને ક્યારેક ફોસ્ટર કેર માં અટવાયેલા છે.  અને એ બાળકો જેમના ભાગ્યમાં ઘર છે તો તે માત્ર દીવાલો છે, નથી ઘર માફક કોઈ સુવિધા કે સગવડ।

અનાથ બાળક શેરી એ શેરી એ ભટકે
તડકો છાયો સમાન, આભ એનું ઘર છે

દિવાલોની હુંફ તેને ક્યારેય મળી નથી
માં બાપ થી અલગ, ભટકે તે દર દર છે

દીવડામાં શોભતી હવેલી ના જગમગાટમાં
કોને અટુલા અનાથ બાળક ની દરકાર છે

ગરીબડું બાળક કચરામાં બટકું રોટલી શોધે
વહાલે પીરસેલી રસોઈની એને ક્યાં ખબર છે

શીખવાનો શોખ ને ચોપડી ના પાના ઉથલાવે
મજુર માની દીકરીને ક્યાં હાસિલ ભણતર છે

મખમલની રજાઈ તળે ઊંઘતા, તમે કહેશો
આ તો વળી અમથી વાત નું વતેસર છે

ઘર ના મીઠા સ્મરણોને સંભારીએ, ત્યારે શું
ભૂલી જઈશું જે આપણી વચ્ચે બેઘર છે?

દર્શના વારિયા નાડકરણી

ઘર એટલે ઘર…(20)ડૉ.મહેશ રાવલ

  ગઝલઘરનાં બારણે……. જ્યાં આડકતરો પણ અહમ  ઉંબરે  પણ પોષાય નહીં।.ઘર એટલે સૌમ્ય, સાલસ, સાહજિકતા,ભીતરી સૌંદર્ય, રાગ નહીં કે દ્વેષ નહીં, ખણખોદ કે ખટરાગ નહીં‘ને સાદગી થી શણગારેલું ઘર  એટલે ઘર ……આખરે ઘર તો ઘર જ હોય છે અ પછી એ ગઝલનું કેમ  ન હોય….

તો, બારણાં ખુલ્લા જ છે…

http://drmahesh.rawal.us/?p=1877

અર્થ અંગીકાર હો તો બારણાં ખુલ્લા જ છે
લાગણી, આધાર હો તો બારણાં ખુલ્લા જ છે

આડકતરો પણ અહમ આ ઉંબરે પોષાય નહીં
પાત્રતા પુરવાર હો તો બારણાં ખુલ્લા જ છે

એક માર્ગી છે હ્રદયની સલ્તનતનાં માર્ગ સહુ
આવવા તૈયાર હો તો બારણાં ખુલ્લા જ છે

ફળવગરનાં કર્મ નહીં પણ, કર્મનાં ફળનું ચલણ
માન્ય જો સો વાર હો તો બારણાં ખુલ્લા જ છે

રાગ નહીં કે દ્વેષ નહીં, ખણખોદ કે ખટરાગ નહીં
માપસર વ્યવહાર હો તો બારણાં ખુલ્લા જ છે

સૌમ્ય સાલસ સાહજિકતા,ભીતરી સૌંદર્ય, ‘ને
સાદગી શણગાર હો તો બારણાં ખુલ્લા જ છે !

લઇ ખુમારીનો અનાહત વારસો બેઠા છીએ
દબદબો સ્વીકાર હો તો બારણાં ખુલ્લા જ છે

ડૉ.મહેશ રાવલ