મેઘાણી આજે આપણાં સૌનાં ઘરોમાં !
આજે અચાનક ભગવાને શું જાદુની છડી ફેરવી દીધી આ વિશ્વ ઉપર , તે બધાંને ઘરમાં ભરાઈ જઈને , કામધંધા છોડીને ,કુટુંબ સાથે ફરજીયાત સમય ગાળવા ના સંજોગો ઉભા થયા !
ગમે કે ના ગમે ; પણ પરાણે કે પ્રેમથી ઘરમાં બાળકો સાથે સમય પસાર કરવો જ પડે તેમ છે ; ત્યારે મેઘાણીની આ લેખમાળામાં તેમનાં બાળગીતો અને બાળસાહિત્ય વિષે લખવું યોગ્ય થઇ પડશે .!!
બની શકે કે કદાચ તમારે જ એ બાળકોને વાર્તા કહેવાનો અવસર આવે; અને ઝવેરચંદ મેઘાણીનું બાળસાહિત્ય તમને મદદે આવે !
તમારું બાળક કદાચ તમને કહેશે
‘નાના થઈને નાના થઈને નાના થઈને રે !
બાપુ તમે નાના થઈને રે ,મારા જેવા નાના થઈને રે
છાનામાના રમવા આવો નાના થઈને રે !’
સો એક વર્ષ પહેલાં, ઝવેરચં મેઘાણીએ , જયારે હજુ પંડિત યુગ ચાલતો હતો , ત્યારે , ઉપરની પંક્તિઓ લખી હતી ! ઋજુ દિલના મેઘાણી લોકસાહિત્યની શોધમાં ચારણ, બારોટ ,ઘાંચી ,મોચી ,માળી, મીર, રબારાં, કુંભાર સૌને મળ્યા છે ; સૌની સાથે દિલથી આત્મિયતા કેળવી છે ; પણ તેથીયે વધુ ઋજુ દિલ , પિતા તરીકેનું એમનું કોમળ દિલ ,એમનાં સંતાનો સાથેના વ્યવહારમાં પ્રગટ થાય છે! દીકરી ઇન્દુબેન અને જોડકા દીકરાઓ મસ્તાન અને નાનકના ઉછેર દરમ્યાન લખેલ બાળગીતો અને હાલરડાં આજે સો વર્ષ બાદ પણ એટલાં જ મોહક મધુરાં છે !
આજે જયારે બાલમંદિર અને નિશાળો બંધ છે ત્યારે , ઘરમાં બેસીને બાળકો સાથે ગુજરાતી ભાષામાં , વાર્તાઓ અને બાળગીતો ગાઈ શકાય એ હેતુથી , આ લેખમાળામાં આજે મેઘાણીના લોકસાહિત્યમાં બાળગીતો વિષયને સ્પર્શીએ !
આપણે ત્યાં બાળસાહિત્ય આમ પણ પ્રમાણમાં ઓછું ! તેમાંયે સાક્ષર યુગ તો ભારેખમ શબ્દો અને ભણેલ સુજ્ઞ સમાજ માટે લખેલ પાંડિત્ય ભરેલ ભાષાનો યુગ ! ત્યારે , ગુજરાતના છેક પશ્ચિમ છેવાડાના ઝાલાવાડિયા ભાવનગર પ્રાંતના બરડા ડુંગર અને બરડ ભૂમિનો આ સપૂત એકલે હાથે યુગ પરિવર્તનનું કામ કરતો હતો !
ભર્યુઁ ભર્યુઁ ભાષા માધુર્ય ,શબ્દાવલીમાંથી સરતો સરળ સંવાદ અને તેમાંથી ઉભું થતું સુંદર પ્રસંગ ચિત્ર ! આબાલ વૃદ્ધ સૌ બાલકસા હ્ર્દયને જીતી લે તેવાં આ સરળ બાળગીતો !
આ પ્રસંગ ચિત્ર કલ્પો .
નાનકડા ભઈલાને હીંચકો નાખતી બા , ને બહાર રમવા જવા અધીરો થતો બાળ :
બાળ માનસનું નિર્દોષ નિરૂપણ!
‘ ખેંચી દોરી ખુબ હિંડોળે ,થાકેલી બા જાશે ઝોલે ,
ભાગી જાશું બેઉ ભાગોળે ,સાંકળ દઈને રે !….
નાની આંખે નાનકાં આંસુ ,બાની સાથે રોજ રિસાશું,
ખાંતે એના ધબ્બા ખાશું , ખોળે જઈને રે ! ‘
કેવું નિર્દોષ હૃદયંગમ દ્રશ્ય !
અને આજે કોઈ પણ બાળકને તમે ગાઈ સંભળાવો તેવું આ ગીત જુઓ :
‘હા રે દોસ્ત ચાલો દાદાજીના દેશમાં !
મધુર મધુર પવન વાય ,નદી ગીતો કાંઈ ગાય,
હસ્તી હોડી વહી જાય ..હા રે દોસ્ત ચાલો દાદાજીના દેશમાં !’
બાળકને વાર્તા રૂપેય કહી શકાય તેવું આ ગીત છે :
આજે રાત્રે ઘરમાં રહીને કોરોના વાઇરસના કર્ફયુથી કંટાળેલાં બાળકને જો માત્ર આ ગીત વાર્તાથી જ શરૂઆત કરશો તો એ દોડીને તમારી પાસે વાર્તા સાંભળવા બેસી જશે :
‘સાત સાગર વીંધીને વ્હાણ ચાલશે ,નાગ કન્યાના મહેલ રૂડા આવશે ,
એની આંખોમાં મોતી હસતાં હશે ,હા રે દોસ્ત ચાલો દાદાજીના દેશમાં !…..
મેઘાણીનાં આ અને અન્ય બાળગીતો પ્રત્યે મને પક્ષપાત છે , કારણકે અમારા બાલમંદિરમાં ઘણી વાર એમનાં ( અને દલપતરામનાં) બાળગીતોને મેં મારી જરૂરિયાત મુજબ અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરીને ,જોડકણાં બનાવીને Circle time songs , Pretend play songs વગેરેમાં કંડાર્યાં છે ! (આ સાપ્તાહિક કોલમનું નામ ‘ હાં રે દોસ્ત , હાલો અમારે દેશ’ કદાચ એ વિચારે જ પસંદગી પામ્યું હશે ?)
દૂધવાળાનું ગીત પણ તમને કદાચ યાદ હશે. આમ તો આ ગીત પીડિત દર્શન માં આવે , પણ જો તમારે બાળકોને વાર્તા સ્વરૂપે કહેવું હોય તો તેમને રસ પડે તેવું કાવ્ય છે :
‘હાં રે ઓલો દૂધવાળો ઘંટડી બજાવે !
હાં રે પીટ્યો દૂધવાળો ઘંટડી બજાવે ! ‘
ઘરમાં બાપુજી , બા બધાંને વહેલી સવારની નિંદરમાંથી ઉઠવું ગમતું નથી : એટલે –
‘બા કહે બાપુ જાઓ ; બાપુ કહે , બા , જા!
આપ તો મોટા રાજા !નાકમાં વાગે વાજાં!
હાં રે પીટ્યો દૂધવાળો ઘંટડી બજાવે !’
મેઘાણીનાં બાળગીતોમાં પરિસ્થિતિ પ્રમાણે શબ્દોની પસંદગી ( અહીં પીટ્યો શબ્દ તળપદી ભાષા અને ઘેરી ઊંઘમાંથી ઉભા થવાથી પ્રગટતી નારાજગી દર્શાવવા વપરાયો છે ) તો સાથે સાથે સંવાદો , તેમાંથી પ્રગટતો નાદ અને તે સાથે વહેતો ભાવ ને સરસ રીતે ગૂંથીને ગીત તૈયાર થાય છે !
બાળકોને વાર્તા સાંભળવી ગમે જ , જો સરસ રીતે વાર્તા કહીએ તો !
તલવારનો વારસદાર બાળગીત આજેય, આટલાં સો વર્ષ પછી , ને તેય વતનથી ૧૨૦૦૦ માઇલ દૂર , તમે બાળકોને કહી જો જો !
ભેટે ઝૂલે છે તલવાર , વીરાજી કેરી ભેટે ઝૂલે છે !
ભીંતે ઝૂલે છે તલવાર , બાપુજી કેરી ભીંતે ઝૂલે છે !
પછી વાર્તા આગળ મંડાય છે :
મોટો મહાલે છે મો’લ મેડીની સાહ્યબી ,નાનો ખેલે છે શિકાર ..
બંને સંતાનોની સરખામણી કરે છે :
મોટો હાથીની અંબાડીએ , નાનો ઘોડે અસવાર ! મોટો કાવા કસુંબામાં પડ્યો છે ને નાનો ઘૂમે ઘમસાણ! વગેરે વગેરે જીવન રીતિની સરખામણીઓ ….બાળકોની જીજ્ઞાશા સતેજ કરે છે – કે હવે શું થશે ?
મોટો જીવ્યો છે પાય શત્રુના પૂજતો, નાનેરો સૂતો સંગ્રામ !
ને પરાકાષ્ઠા : મોટાનાં મોત ચાર ડાધુડે જાણિયા, નાનાની ખાંભી પૂજાય!
કહેવાય છે કે જયારે આ ગીત મેઘાણીનાં કંઠે ગવાયું અને એની રેકર્ડ બહાર પડી ત્યારે , એ સમયનાં મેઘાણીનાં તમામ પુસ્તકોનાં વેચાણમાંથી થયેલ કમાણી કરતાં માત્ર આ એક જ રેકર્ડમાંથી એની કમ્પનીને ૨૦ ગણી વધારે આવક થઇ હતી !
ઘણાં મિત્રોનું સૂચન છે કે હું આ બદલાતાં સમય અને સંજોગો અનુસાર , મેઘાણીનાં આ બાળગીતો ઉપર પ્રકાશ પાથરું .
મને તો મેઘાણીનાં આ બાળગીતો જાણેકે દાદીમાની મગશની લાડુડી જેવાં લાગે છે ! ચોકલેટના સ્વાદ કરતાં આ મગશની લાડુડી વધારે મીઠી લાગે છે !
એમનો પ્રથમ કાવ્ય સંગ્રહ ‘ વેણીનાં ફૂલ’ અને પછી ‘ કિલ્લોલ’ માં બાળગીતોનો અમૂલ્ય ખજાનો અકબંધ છે .
‘એક ઝાડ માથે ઝુમખડું! ઝુમખડે રાતાં ફૂલ રે ,
ભમર રે રંગ ડોલરિયો !’
આ લાલ રંગ જે લીલા ઝાડની વચ્ચે રાતાં ફૂલમાં છુપાયો છે , તે બીજે ક્યાં ક્યાં હોઈ શકે ? તમે પૂછી શકો છો આ પ્રશ્ન , પેલાં નાનકડાં બાળકોને ! મેઘાણીએ તો રાતાં રંગને સરસ લડાવ્યો છે :
પોપટની રાતી ચાંચ , પારેવાંની રાતી આંખ, કૂકડાની લાલ કલગી , માતાની કેડે બેઠેલ બાળકના રાતા ગાલ ,અને પહાડની ઉપર આથમતી સંધ્યાનો રાતો રંગ અને દરિયા કિનારે , અને અંતે :
એક સિંધુ પાળે સાંજલડી, સાંજડીએ રાતા હોજ ,
ભમર રે રંગ ડોલરિયો !!
તો, વાચક મિત્રો , બાળકો સાથે તમે પણ આ રીતે સંવાદ શરૂ કરી શકો છો !
હજુ વધારે લાલ રંગોની લ્હાણ કરાવું? મેઘાણી તો રંગોના જ કવિ છે ! બાળપણ જેમનું નિસર્ગને ખોળે વીત્યું હોય તેને કુદરતના રંગો પ્રત્યે અનુરાગ હોય જ ને ?
‘રાતો રંગ ‘ કાવ્યમાં લખે છે : માડીને સેંથે ભરેલ ઓલો રાતુડીઓ રંગ !
બાલુડી બેનીના હોઠે ઝરતો રાતુડીઓ રંગ , ને પછી કાવ્ય આગળ વધે છે .. શૂરવીરના ઝખ્મનો શોણિત રંગ , પરદેશ જતા પ્રિયતમાનો પ્રીતનો રંગ વગેરે વગેરે ..
ને છેલ્લે
હાં રે એક કૂડો, ક્રોધાળ માનવીની કો જીભ તણો રાતુડો રંગ !
વાચક મિત્રો , આપણે પણ બાળકને પ્રશ્ના પૂછી શકીએ ને ઘરમાં નજરે પડતાં રંગો વિષે ?
અહીં મેઘાણીનાં બાળગીતો દ્વારા બાળકો સાથે સંવાદ રચવાની રમત દર્શાવી છે .. બાળકોની કલ્પના શક્તિ ખીલવવા મેઘાણીનાં કાવ્યોનો આધાર લીધો છે .. મેઘાણીનું ‘ ચારણ કન્યા’ ગીત આ સર્વેમાં શિરમોર છે .. એમનાં હાલરડાંઓ ને તેમાંયે શિવજીનું હાલરડું વગેરે વિષે આગળ ઉપર વાત કરીશું !