દ્રષ્ટિકોણ 21: વિશ્વયુદ્ધ 2 દરમ્યાન જર્મન કપ્તાનની માનવતા – દર્શના

નમસ્તે મિત્રો. હું, દર્શના વારિયા નાડકર્ણી, તમને બેઠક માં, દ્રષ્ટિકોણ ની કોલમ ઉપર આવકારું છું. આજે ઇમિગ્રેશન અને રેફયુજીસ ઉપર ઘણી ચર્ચા થઇ રહી છે તો આપણે આજે ડિસેમ્બર 7 ના પર્લ હાર્બર હુમલાના દિવસે, ઇતિહાસ માં એક ડૂબકી મારીએ। 
વિશ્વયુદ્ધ 2 દરમ્યાન હિટલર જેવા દાનવ પેદા થયા અને ઘણા દેશો અને ઘણા લોકો માનવતાને ભૂલી ગયા. ડિસેમ્બર 7 ની વહેલી સવારે, 7:55 વાગે, 1941 માં જાપાન ના ઇમ્પિરિઅલ આર્મી એ અમેરિકા ના પર્લ હાર્બર ના નેવલ બેસ ઉપર હુમલો કર્યો અને 18 અમેરિકન શિપ અને 188 વિમાનો નો નાશ કર્યો।  2300 અમેરિકન આ હુમલા માં માર્યા ગયા અને આ હુમલા ને લીધે અમેરિકા એ પુરી રીતે વિશ્વયુદ્ધ માં પ્રવેશ કર્યો.  જો જાપાને અમેરિકા ઉપર તે હુમલો ન કર્યો હોત તો યુદ્ધ કઈ દિશા તરફ વળાટ તે કહેવું મુશ્કેલ છે. જો જાપાને હુમલો ન કર્યો હોત તો અમેરિકા યુદ્ધ માં થી બહાર રહેત તો જર્મની અને જાપાન ને લાભ મળી જાત અને તે પછી અમેરિકા યુદ્ધમાં પ્રવેશ કરત તો પણ તેમને કદાચ હરાવી ન શકત. પણ જાપાન ના પર્લ હાર્બર ના હુમલા ને લીધે અમેરિકા એ યુદ્ધ માં પ્રવેશ તો કર્યો પણ પછી જાપાન ના હિરોશિમા અને નાગાસાકી માં ન્યુક્લિઅર હથિયાર નાખ્યા જેને લીધે લાખો નિર્દોષ લોકો મોત ને ઘાટ ઉતાર્યા તે પણ અજુગતું થયું. યુદ્ધ માં મોટી હાર તો માનવતાની જ થાય છે. આજે તે યુદ્ધ ના અંત ની નહિ પણ શરૂઆત ની એક વાત કરીએ.
1939 ના સમય ની વાત છે. જર્મની એ જુઇશ લોકો ઉપર દબાવ ચાલુ કરી દીધેલો. તેમના ઘરબાર છીનવી લેવામાં આવતા, તેમની તરફ દૃષ્ટ અને ક્રૂર વર્તન અને વાતે વાતે તેમનું અપમાન કરવામાં આવતું. થોડા ઘણા જુઇશ લોકોને ગવર્મેન્ટ પૂછતાછ ના બહાને ઉપડાઈ ગયેલી. આ તેમના જુઇશ લોકોની જડમુળ માં થી નાશ કરવાના પોગરોમ ની શરૂઆત હતી. જુઇશ લોકો માટે ત્યાં જીવવું દિવસે દિવસે મુશ્કેલ બની રહ્યું હતું. અને તેઓ જર્મની માં બધું છોડી ને તક મળે ત્યારે જર્મની બહાર નીકળી રહ્યા હતા. ક્યારેક જર્મની તેમને બધીજ ઘરવખરી અને ખુબ પૈસા ના બદલે જર્મની છોડવાની પરવાનગી આપતા હતા.  એ સમયે જર્મની થી સેન્ટ લુઈસ કરીને એક સ્ટીમર, જુઇશ રેફયુજીસ ને લઈને, ક્યુબા તરફ નીકળી.   
937 પેસેન્જર ને લઈને નીકળેલી સ્ટીમર આખરે ક્યુબા પહોંચી ત્યારે ક્યુબાએ ત્યાં રેફયુજીસ ને ઉતારવાની સાફ ના પડી. તે સમયે અમેરિકા અને કેનેડા ઉપર પણ દબાણ થયું અને તે દેશોએ પણ રેફયુજીસ ને ઉતારવાની સાફ ના પડી.  આ લોકોએ તેમની બધીજ ઘરવખરી વેંચી અને મહા મુસીબતે સ્ટીમર માં સીટ મેળવેલી અને હવે જર્મની પરત જાય તો નક્કી તેમને માટે ત્યાં બચીજ શકાય નહિ તેવી પરિસ્થિતિ હતી. તેવી પરિસ્થિતિમાં સ્ટીમર પાછી જર્મની તરફ રવાના થઇ. ફ્લોરિડા ની એકદમ નજીક થી તે પસાર થઇ પણ અમેરિકા એ ઘસીને તેમને અહીં ઉતારવાની પરવાનગી આપવાની ના જ પડી. જર્મન કપ્તાન ને પેસેન્જર તરફ ખુબ જ સહાનુભૂતિ હતી. તેમણે બીજા દેશો જોડે વાટાઘાટ ચાલુ રાખી. આખરે યુરોપ ના થોડા દેશોએ થોડા થોડા પેસેન્જર ને ઉતરવાની પરવાનગી આપી.
ગ્રેટ બ્રિટને 287 પેસેન્જર ને લીધા, ફ્રાન્સ માં 224 પેસેન્જર ઉતર્યા, થોડા થોડા બેલ્જિયમ અને હોલેન્ડ માં ઉતર્યા। પણ હિટલર નો ગુસ્સો વધી ગયો. તુરંત હિટલરે યુદ્ધ ની જાહેરાત કરી અને જે દેશોએ આ પેસેન્જર ને લીધેલા તે દેશો તેમના પહેલા શિકાર બન્યા અને ત્યાં તુરંત જ બધા જુઇશ લોકોને ઉપાડી અને કોન્સેન્ટ્રેશન કેમ્પ માં નાખવાનું કાર્ય શરુ થયું. મોટા ભાગના જુઇશ લોકો તેમાં ખલાસ થઇ ગયા. માત્ર બિર્ટન માં ઉતરેલ 287 પેસેન્જર તદ્દન બચી ગયા.  કપ્તાન ને જર્મની પહોંચ્યા પછી કપ્તાન ની પદવી લઈને, એડમિનિસ્ટ્રેટિવ ડ્યૂટી ઉપર રાખી દેવામાં આવ્યા. યુદ્ધ પૂરું થયું પછી નાઝીઓની ઉપર મુકદમા જાહેર કરવામાં આવ્યા ત્યારે કપ્તાન શ્રેડર ઉપર પણ મુકદમો જાહેર થયો. પરંતુ બચી ગયેલા લોકોએ તેમની તરફેણમાં લખેલ પત્રો અને ટેસ્ટીમનીસ ના આધારે આ મુકદમો બંધ થયો. 1949 માં તેમણે તેમના આ અનુભવ ઉપર પુસ્તક લખેલ અને 1957 માં કપ્તાનને નવા જર્મની તરફથી રેફયુજીસ ની મદદ કરવા માટે પારિતોષિક ઇનામ મળ્યું અને તે પછી ઈઝરાઈલ દ્વારા પણ તેમને નવાજવામાં આવ્યા.
આખરે રહી રહીને 2009 માં અમેરિકા માં રિસોલ્યુશન પસાર થયું। તે આ પ્રમાણે છે. “અમેરિકા સ્વીકારે છે કે એ અમેરિકા અને કેનેડા એ તેમને અહીં ઉતારવાની પરવાનગી ન આપી તેથી  જર્મની ના રેફયુજીસ ની ખુબ સફરિંગ થઇ”. 2012 માં અમેરિકા સ્ટેટ ડિપાર્ટમેન્ટે સેન્ટ લુઈસ ના પેસેન્જર ની જાહેર માં માફી માંગી અને જે બચી ગયા તે અને બીજાઓના કુટુંબો ને અહીં આવકાર્યા અને તેમની વાત કહેવા માટે પ્રોત્સાહન આપ્યું. 2011 માં હેલિફેક્સ, કેનેડા માં અંતકરણ નું ચક્ર નું (wheel of conscience) કરીને મોન્યુમેન્ટ નું ઉદ્ધઘાટન કરવામાં આવ્યું અને કેનેડાએ જાહેર માં તેમના વર્તન બદલ અત્યંત અફસોસ અને નારાજી વ્યક્ત કરી. ક્યુબા તેમના વર્તન બદલ અફસોસ વ્યક્ત કરે તેની હજી રાહ જોવાઈ રહી છે.

આખરે મોટા મોટા દેશો માનવતા ભૂલી ગયા પણ એક દુશ્મન દેશના કપ્તાને માનવતા નો વાવટો ફરકાવી રાખ્યો અને જુઇશ રેફયુજીસ ને બચાવવાની અથાગ મહેનત કરી.

https://youtu.be/XWagCpz5u2M

કલ્પના રઘુ- વ્યક્તિ પરિચય

કલ્પના રઘુ 

ઘણીવારે કુદરત અનાયસે આપણને કોઈ સાથે મેળવે છે. એની પાછળ નું એક પ્રયોજન છે.બધાને ભગવાન એક ઉદેશ સાથે મોકલે છે.અને એ ઉદેશ માત્ર એક વ્યક્તિ થકી પૂર્ણ નથી થતો. બસ મારા જીવનમાં પણ આવું જ કશું બન્યું, “પુસ્તક પરબ”ની શરૂઆત કરી અને કલ્પનાબેનને જયંતભાઈ લઈને આવ્યા. માત્ર આવ્યા જ નહિ મારા ધ્યેયને પૂર્ણ કરવા જાણે એક નીમ્મિત બન્યા. ‘બેઠક’ના ના સંચાલન કાર્યમાં અજાણતા જ મારા સહભાગી થયા.અને ‘બેઠક’ની મોસમ ખીલી …અમે સાથે સાથે જાણી અને માણી,એક બીજાના પુરક બન્યા.

કલ્પનાબેન એટલે એક એવું વ્યક્તિત્વ અથવા યોગ્ય શબ્દ લખું તો એવી એક સ્ત્રી શક્તિ, એક હૃદયસ્પંદન કે સામા માણસને ઉઘડવાનું મન થાય… ઉમળકો આવે. પોતે લખે ત્યારે પહેલા કોળિયાની જેમ પહેલું વાક્ય પ્રભુને પીરસે,શ્રદ્ધા અને વિશ્વાસથી જ આગળ વધે એમની પ્રભુ પરની શ્રધા એના કાર્યમાં પરિણમે અને …લેખનમાં પોતાનું નામ નહિ પરંતુ નારાયણ નું નામ પ્રગટે …એવા કલ્પનાબેન અનેક સ્ત્રીઓ માટે સ્ત્રી શક્તિ બની પ્રેરણા આપે છે … જગત તો વિસંવાદોથી અને વિષમતાથી ભરેલું છે તેમાંથી પોતાની શક્તિ ને પારખવાની કળા કલ્પનાબેન પાસે છે અને પોતાના લેખો દ્વારા બીજાને આપી રહ્યા છે, એવા કલ્પનાબેન બેઠકની મોસમના આખું વર્ષ ખીલતું ફૂલ છે જે શબ્દોને પારખે છે. વેડફતા નથી બાવરા બોબકડા, લવારો કરનારા, વાણીના વિલાસી નથી માટે જ મોંન ની વચ્ચે શબ્દના અર્થને માણે છે.મોસમ ખીલે છે.  જીવન નો અર્થ સરી પડતા મોસમને  પાનખરમાં પણ  શબ્દનો સથવારો મળતા અર્થ સભર જીવન મળે છે….

બેઠકના આયોજક -પ્રજ્ઞા દાદ્ભાવાળા

*****************************************************************

શ્રીમતી કલ્પના રઘુ

અમદાવાદની પોળમાં જન્મેલા, આજે ૬૫ વર્ષે, છેલ્લા ૭ વર્ષથી કેલિફોર્નીયા, અમેરીકામાં દિકરાના પરિવાર સાથે, પતિ રઘુ શાહ, જે વ્યવસાયે અમદાવાદમાં ડૉક્ટર હતા, તેમની સાથે વસવાટ કરે છે. હાલમાં તેઓ અમેરીકાનાં સીટીઝન છે.

બી. કોમ.; એલ. એલ. બી.નો અભ્યાસ કરેલ છે. ઉપરાંત ડ્રોઇંગ, સંગીત, સીવણ (TCWCG), પર્સનાલીટી ડેવેલપમેન્ટ, કુકીંગ, બ્યુટી પાર્લર, કેન્ડલ મેકીંગ, ફ્લાવર એરેન્જમેન્ટ, નેપકીન-ફોલ્ડીંગ, ગીફ્ટ રેપીંગ, રેકી, આર્ટ ઓફ લીવીંગ, સિધ્ધ સમાધી યોગ (SSY), સ્પીરીચ્યુઅલ હીલીંગ, એક્યુપ્રેશર, મેડીટેશન, વગેરે કોર્સ કર્યા છે.

૧૨ વર્ષની ઉંમરે આકાશવાણી પરથી ગીતાના શ્લોકો બોલવા, ૧૫ વર્ષની ઉંમરે ઓલ ગુજરાત નાટ્ય કોમ્પીટીશનમાં એક પાત્રીય અભિનયમાં પ્રથમ સ્થાન મેળવવું તેમજ લાયન્સ ક્લબમાં વકૃત્વ સ્પર્ધા, નિબંધ હરીફાઇમાં ઇનામો મેળવવા, શાળા તેમજ કોલેજમાં ન્યૂઝ-રીડીંગ તેમજ કવિતા પઠન કરવું, તેમજ તેઓ કસરત-પિરામિડમાં લીડરશીપ સાથે C. R., L. R. તરીકે રહ્યાં છે માતા-પિતા તરફથી ખૂબજ પ્રોત્સાહન અને હૂંફને કારણે પર્સનાલીટી નીખરતી ગઇ. લગ્ન બાદ પતિનો સાથ અને સહકાર તેમના વિકાસમાં પૂરક રહ્યો માટે તેઓ કલ્પના રઘુના નામે ઓળખાવાનું પસંદ કરતાં.

અનેક જગ્યાએ પ્રવચનો, કુકીંગના ડેમોન્સ્ટ્રેશન અને પ્રોગ્રામ કોમ્પેરીંગ કરતાં. વિવિધ હરીફાઇઓ તેમજ ટી. વી. શોમાં ભાગ લેવો તેમજ પ્રાર્થના-ભજન-સંગીત તેમનો શોખ હતા. ગરબા અને વિવિધ પ્રવૃતિઓમાં તેઓ જજ તરીકે રહેતા. અમદાવાદની જાણીતી સ્ત્રી સંસ્થાઓ જેમકે ફેમીના, સખી, મીડ-એજ ક્લબ, લાયોનેસ ક્લબ, અમદાવાદ મેડીકલ એસોશીએશન-લેડીઝ ક્લબ, તેમજ ખડાયતા અને દશા પોરવાડ જ્ઞાતિની સ્ત્રી સંસ્થાઓ સાથે સંક્ળાયેલાં હતાં. ક્લબોમાં અંતાક્ષરી રમાડતાં તેમજ વિવિધ સોસાયટીઓમાં, મંડળોમાં રમત-ગમત રમાડવા જતાં. ફેમીલી કાઉન્સેલીંગ કરતાં.

Food for Body અને Food for Soul એ તેમના મન ગમતા વિષય છે. બાળપણથી વાંચન-લેખન અને ડાયરી લખવાનો શોખ હતો. અમેરીકા આવ્યા બાદ પ્રથમ ‘રીડ ગુજરાતી’માં ‘સ્ત્રી તેના અસ્તીત્વની શોધમાં’ વાર્તા લખીને તેઓ પ્રચલીત થયા. ગુજરાતી ભાષાને જીવંત રાખવા માટે બે એરિયામાં ચાલતી ‘બેઠક’ સંસ્થાના સહસંચાલીકા છે. ‘શબ્દનું સર્જન’, ‘સહિયારૂ સર્જન’, ‘પ્રતિલીપિ’ તેમજ અન્ય બ્લોગો અને મેગેઝીનમાં તેમણે લેખો અને કવિતાઓ લખી છે. કેનેડાથી પ્રકાશિત થતાં ‘ગુજરાત ન્યૂઝલાઇન’ ન્યૂઝપેપરમાં અને ઓસ્ટ્રેલીયા તેમજ ન્યૂઝીલેન્ડથી પ્રકાશિત થતાં ‘ધી દિવ્ય ગુજરાત’ ન્યૂઝપેપરમાં ‘નારી-શક્તિ’ કોલમનાં લેખિકા હતાં. આજે પણ તેઓ ‘શબ્દ-સેતુ’ કોલમના લેખિકા છે. તેઓ ન્યૂઝ-રીપોર્ટીંગ કરે છે. અમદાવાદથી પ્રકાશિત થતાં, પુષ્ટીમાર્ગના મેગેઝીનોમાં તેમના લેખો પ્રકાશિત થાય છે. હાલમાં ગીનીસ વર્લ્ડ રેકોર્ડમાં પ્રવેશવા જઇ રહેલ મહાગ્રંથ ‘સંવર્ધન માતૃભાષાનું’માં તેમના લેખોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અનેક પુસ્તકોની પ્રસ્તાવના તેમજ અભિપ્રાયો લખ્યા છે. બે એરિયાના સીનીયર સેન્ટરોમાં પ્રોગ્રામો આપે છે તેમજ લાફ્ટર યોગા કરાવે છે. મીલપીટાસ હવેલીમાં તેમનું પ્રદાન ઘણું છે. વોલીયેન્ટરીંગ વર્ક પણ કરે છે. હાલમાં ‘ગુજરાત ગૌરવ દિવસ’ની ઉજવણી પ્રસંગે સાન્તા ક્લેરા કાઉન્ટી તરફથી તેમના સોશીયલ વર્કને નવાજ્યો હતો. નિષ્પક્ષ વલણ અને સાચી સલાહ એ તેમની આગવી ઓળખ છે.

 

કલ્પના રઘુ

Phone: +1 (408) 216-7191

Email: kalpanaraghushah@gmail.com

અવલોકન -૨૦-કુકિંગ પ્લેટફોર્મ

      નવા ઘરમાં આવ્યે દસ મહિના થયા. આજે અચાનક જ, સવારના ચા બનાવવાના સમયે, જૂના ઘરના કુકિંગ પ્લેટફોર્મ પર અવલોકન લખ્યું હતું, તે યાદ આવી ગયું.

cooking_1

     કેટલું બધું જુદું છે આ પ્લેટફોર્મ ? પેલું તો લેમિનેટેડ ટોપ વાળું હતું , અને આ ગ્રેનાઈટ ટોપ વાળું છે. એની ચમક ધમક આંખોને આંજી નાંખે તેવી છે. એની પર ડાઘા પડતા નથી કે, દેખાતા નથી ! ખરેખર તો એમ જ છે. એની કાબરીતરી અને લીસ્સી સપાટી પર  ડાઘા પડે છે તો ખરા,  પણ  નજરે ચઢતા નથી. હા! હાથ ફેરવીએ ત્યારે જ એની જાણ થાય. પેલાને તો કામ પત્યે તરત જ સાફ સુધરૂં કરી નાંખવું પડે. અહીં  એટલી કડાકૂટ તો ઓછી !

   અને કોણ જાણે કેમ?  – મીરાંબાઈનો કાળો કામળો યાદ આવી ગયો.

ઓઢું હું કાળો કામળો, બીજો રંગ ન લાગે કોઈ.

અહીં વાંચો અને સાંભળો. ]

એકતાન થઈ જવાય એવાં મીરાં ભજનો પણ આ રહ્યાં…

      કેટલું બધું વિષયાંતર થઈ ગયું – નહીં વારૂ? ચાલો,  પાછા  કુકિંગ પ્લેટફોર્મ પર !

     બે દૃષ્ટિ – અને એકમેકથી સાવ અલગ. એકમાં રંગ ન લાગી જાય, દોષ પ્રવેશી ન જાય, એનું ગૌરવ.  બીજામાં એ દેખાય નહીં તેનું મહાત્મ્ય. બન્ને પોતપોતાના સંદર્ભમાં સાચા જ ને?

       એ જ વાત આજે કરવાની છે. અધ્યાત્મના મોટા ભાગના ઉપદેશો રાગ – દ્વેષથી પર થઈ જવા પર ભાર મુકે છે. મીરાંબાઈના કાળા કામળા જેવું ચિત્ત થવા લાગે – તેનો મહિમા. પણ સામાન્ય માણસના જીવનમાં એ બહુ દુષ્કર હોય છે. એને જીવનની સમસ્યાઓનો  કાંઈક સમાધાનકારક ઉકેલ જોઈતો હોય છે – ગ્રેનાઈટના ટોપ વાળા કુકિંગ પ્લેટફોર્મ જેવો ! ડાઘ પડે પણ દેખાય નહીં !

      આ  મારી, તમારી, સૌની ઉલઝન  છે.

બોલો! તમે શું માનો છો?
–  આ બાબતમાં? 

એ અંગે વિચાર પછી કરજો . આ  જૂનું  અવલોકન પહેલાં માણી  લો …….


       જીવનના પ્રભાત સમા, સવારના પહોરમાં કુકિન્ગ પ્લેટફોર્મ આગળ હું મારી સવારીય ફરજો નિભાવવા પહોંચી જાઉં છું. એ સાવ ચોખ્ખું ચંદન જેવું છે – સાવ નવજાત શિશુ સમાન. એ કોરી સ્લેટ જેવું, સાવ ખાલીખમ્મ છે.

      ચા બનાવવાની સામગ્રી એક પછી એક, હું કાઢતો જાઉં છું – ચા, ખાંડ, દૂધ, આદુ, ઈલાયચી. એમ જ બધાં સાધનો – તપેલી, સાંડસી, ગળણી, પ્યાલા, રકાબી. દસ વરસના મહાવરાથી પ્રાપ્ત કરેલી, ચા બનાવવાની ક્ળાના જ્ઞાનના આધારે, હું માપથી તપેલીમાં પાણી લઉં છું; અને શક્તિના સ્રોત સમો સ્ટવ ચાલુ કરી, એને ગરમ કરવા મૂકું છું. પછી એ જ જ્ઞાનથી જાણીતા થયેલ માપથી ચા અને આદુ એમાં પધરાવું છું.

      સમયાન્તરે એમાં ઊભરો આવે છે. નિયત સમય માટે એને ઊભરવા દઈ, એમાં હવે માપથી દૂધ ઉમેરું છુ. પછી નિયત માપથી ખાંડ અને બીજો ઊભરો આવતા છેલ્લે, ચપટીક મઘમઘતી ઈલાયચી પણ એમાં હોમાય છે.

    અને લો! સરસ, સોડમવાળી ચા તૈયાર. માપમાં ક્યાંક સહેજ ફેર થઈ જાય તો ચાનો સ્વાદ અને સોડમ અણગમતા બની જાય.

     કદીક ધ્યાન બીજે જતું રહે તો? ઊભરો તપેલીની બહાર આવીને બધી મહેનત પર પાણી ફેરવી દે. નવી બબાલ ઊભી થઈ જાય !

       ખેર….   ચા ગળી, નકામા થઈ ગયેલા કૂચા કચરાપેટીમાં પધરાવું છું.  બધી મહેનતના પ્રતાપે બનેલી ચાથી છલોછલ,  પ્યાલા  ડાઈનિંગ ટેબલ પર ગોઠવાઈ જાય છે. માંજવા માટે તૈયાર તપેલી અને અન્ય વાસણો સિન્ક્માં સ્થાન પામે છે. ગંદું થયેલું કુકિન્ગ પ્લેટફોર્મ પોતાં વડે સાફ થઈ જાય છે.

     અને એ ફરી પાછું હતું તેવું, પ્રારંભની સ્થિતિમાં આવી જાય છે.

     અને બીજો એક સવાલ …..


આ અવલોકન કુકિન્ગ પ્લેટફોર્મનું છે કે,
આપણા જીવનનું?

 

૨૪ – શબ્દના સથવારે – નનામી – કલ્પના રઘુ

નનામી

નનામી એટલે ઠાઠડી,મરણ ખાટલી, અરથી, વંજુશય્યા એટલે કે શબને લઇ જવાની વાંસની એક બનાવટ. નામ વગરની વસ્તુને પણ નનામી કહેવાય. નામ વિનાનું વાહન એટલે નનામી. અંગ્રેજીમાં એને ‘bier’ કહે છે.

xNanami 5-62

વ્યક્તિ જન્મે ત્યારે નામ વગરની હોય છે અને મૃત્યુ પછી નનામી બની જાય છે. નનામી નામને લેતી જાય છે. આત્મા નામ મૂકીને ચાલ્યો જાય છે. નામવાળાની નનામી નીકળે છે અને નામી વ્યક્તિ નામ મૂકીને નનામી થઇને જાય છે. કોઇએ સુંદર લખ્યુ છે, ‘નિસરણી સમજીને ચઢતાં રહ્યાં આ જીન્દગીને, થાકી ગયા ને આડી કરી તો નનામી થઇ ગઇ …’ ઘોડિયાથી નનામી સુધીની યાત્રા એક શાશ્વત સત્ય છે. એક ગીતના શબ્દો છે, ‘જીતે લકડી, મરતે લકડી, દેખ તમાશા લકડીકા …’ માણસ જન્મે ત્યારે ઘોડિયુ, શાળામાં પાટલી, પેન્સીલ, ઘર-ઓફીસમાં ખાટલો, ટેબલ, ખુરશી, ઘડપણમા લાકડી, મૃત્યુ બાદ ઠાઠડી અને છેલ્લે ચિતા પણ લાકડાની. ઘરથી સ્મશાન સુધીનો રસ્તો નનામી પર સૂતા સૂતા પસાર કરે છે. જેને જોવાથી જોનારાને ક્ષણભંગૂર જીવન માટે સ્મશાન વૈરાગ્ય ઉભુ થાય છે.

નનામીના ઉપરના શણગાર પરથી પુરુષ, સ્ત્રી કે સુહાગણ સ્ત્રીનું શબ છે તે ખબર પડે છે. શબને પવિત્ર કરી ગૌમૂત્ર-છાણના ચોકા પર તૈયાર કરવામા આવે છે. ત્યારબાદ નનામી પર શણગારીને બાંધવામાં આવે છે. શબને નનામી પર બાંધવુ એ પણ એક કળા છે. ક્યારેક નનામીમાંથી મડદુ બેઠા થયાના કિસ્સા સાંભળવા મળે છે. તેને કાંધ આપનાર ૪ જણ જોઇએ. સ્મશાન યાત્રામાં જોડાનાર ડાઘુઓ કહેવાય. આગળ દોણી લઇને દીકરો ચાલતો હોય. પાછળ સ્ત્રીઓ, રોકકળ સાથે છાતી કુટતી ચાર રસ્તા સુધી જાય. હવે ઉચકનારા ઓછા થઇ ગયા છે માટે ઘરના ઝાંપા અથવા ચાર રસ્તા સુધી શબ-વાહિનિ આવે છે જેમાં નનામીને સ્મશાન સુધી લઇ જવાય છે.

હિન્દુ વિધિ મુજબ ભારતમાં નનામી શબ્દની આજુબાજુ અનેક લૌકીક વ્યવહાર કરવામાં આવે છે. જેનો ગરૂડપુરાણમાં ઉલ્લેખ છે. નનામીના દર્શન કરવાથી યજ્ઞ કર્યાનું પુણ્ય મળે છે. જ્યોતિષમાં શબયાત્રાના દર્શન કરવા શુભ ગણાવ્યા છે. અર્થીને કાંધ આપવાથી પુણ્ય મળે છે. હવે તો દીકરી પણ નનામીને કાંધ આપે છે. સ્ત્રીઓ સ્મશાનયાત્રામાં પણ જોડાય છે. અગ્નિદાહ પણ આપે છે.

મૃત્યુ-સંસ્કારમાં વાંસનો ઉપયોગ નનામી બાંધવામા કરવામા આવે છે પરંતુ લાશને અંતિમસંસ્કાર આપી, અગ્નિદાહ સમયે, વાંસને બહાર કાઢીને માત્ર લાશને જ ચિતા પર મૂકીને સળગાવવામા આવે છે. શાસ્ત્રોક્ત રીતે વાંસને સળગાવવાથી પિતૃદોષ લાગે છે. વૈજ્ઞાનિક રીતે જોતા વાંસમાં લૅડ હોય છે જે હવામાં ભળી લૅડ-ઓક્સાઇડ બને છે જેનાથી વાતાવરણ દૂષિત બને છે અને સ્વાસ્થય માટે હાનિકારક હોય છે.

હવે તો ભારતમાં પણ નનામી લઇ જતી અંતિમયાત્રાનો અંત નજીક છે એમ કહી શકાય. જ્યારે બીજા દેશોમાં ફ્યુનરલ હોમવાળા શબને લઇ જાય છે. શબને કોફીનમાં સજાવીને મૂકવામાં આવે છે. સગા-વહાલા કહે તે દિવસે, જે તે સમાજના રીવાજ મુજબ શબ-પેટીમાં લઇ જઇને અંતિમક્રિયા કરવામાં આવે છે. શબને નનામી પર ખભે ઉંચકીને લઇ જવામાં આવતુ નથી.

નનામી એટલે કુદરતની જપ્તી, બધું અહીં મૂકીને જવાનુ છે. જોડે કંઇજ નથી લઇ જવાનુ. માનવ તેનો સ્વભાવ પણ નનામી સાથે નથી લઇ જઇ શકતો. જીવન-પથ દરેક જણ પોતાની રીતે નક્કી કરી શકે છે પરંતુ મૃત્યુ બાદ દરેક વ્યક્તિનુ ગંતવ્ય એકસરખુ હોય છે. ‘રામ બોલો ભાઇ રામ’ના ઉચ્ચારણ સાથે આ છેલ્લુ વાહન જે મનુષ્યને વાજતે ગાજતે અંતિમ સ્થાને લઇ જાય છે. રામનુ નામ એટલેજ બોલાય છે કારણકે જીવને શિવમાં ભળવાનું હોય છે અને શિવ હંમેશા રામના ધ્યાનમાં બેઠેલા જોવા મળે છે. શિવને પામવા, રામનું નામ બોલે જ છુટકો છે. બાકી જીવતા માણસની તાકાત નથી કે નંબર પ્લેટ વગરની નનામી પર સવારી કરી શકે.

૨૨-આવું કેમ ? આંતરરાષ્ટ્રિય મહિલા દિવસ :

માર્ચ મહિનો એટલે ચારે તરફ વુમન્સ ડે સેલિબ્રેશન. સામાજિક સ્તરે , આર્થિક ક્ષેત્રે , રાજકારણમાં અને સાંસ્કૃતિક ફલક પર કંઇક આગવું યોગદાન કર્યું હોય તે મહિલાઓને પોંખવાનો દિવસ.
એવાજ એક કાર્યક્રમમાં હાજરી આપવા રિક્ષાની રાહ જોતાં ઉભી હતી ત્યાં પાડોશી ભાઈ મળ્યા. ઔપચારિક વાતચિતમાં મેં જણાવ્યું ,’ આંતરરાષ્ટ્રિય મહિલાદિન (International Woman’s Day)નીઉજવણીના એક કાર્યક્રમમાં જાઉં છું .’

“આ બધાં પશ્ચિમના પવન છે “ એ ભાઈએ અકળાઈને કહ્યું ;”બાકી આપણે ત્યાં જેટલું સ્ત્રીનું ગૌરવ થાય છે એટલું ક્યાંય થતું નથી.’ એમણે કહ્યું ;’ યત્ર નાર્યાસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ.
સ્ત્રી સન્માન આપણી સંસ્કૃતિના પાયામાં છે. આ જુઓ આપણાં ધાર્મિક તહેવારો : સ્ત્રીના સાથ વિના બધું અધૂરું. ગમે તેવી પૂજા – યજ્ઞ વગેરે કરવા હોય તો બાજુમાં જ ધર્મપત્નીનું આસન હોય. તે વિના યજ્ઞ ફળ ના મળે.દેવો પણ બધાં દેવીઓ સાથે જ પૂજાય  અને જયારે અસુરોને હણવા મુશ્કેલ બને ત્યારે આખરે તો મહાકાલી કે માં દુર્ગા કે પછી અંબામા સિંહે અસ્વાર થઈ, ત્રિશૂળ હાથે ધરી મહિસાસુર કે બીજા જે તે અસુરને હણે અને માડીના ભક્તો એના સ્તુતિ – સ્તોત્રો રચે. બોલો , આનાથી વધારે સ્ત્રી શક્તિ મહિમા કઈ સંસ્કૃતિમાં છે? કઈ સંસ્કૃતિએ મહિલા ગૌરવ આટલી ઉચ્ચ કોટીએ દર્શાવ્યું છે?”

એમનો આક્રોશ કદાચ વ્યાજબી હશે  પણ રિક્ષા મળતાં જ એ વાત પણ ત્યાં જ અટકી  પણ મનમાં એ વિચારધારા ચાલુ જ રહી ..

એવું કેમ ? એ દિવ્ય સંસ્કૃતિ કેવી રીતે કલુષિત થઈ? કન્યા વિક્રય , પુત્રેષ્ણા અને સ્ત્રી શિક્ષણનો અભાવ આજે પણ શ્રમજીવી વર્ગમાં એટલો જ છે જેટલો ગઈ સદીમાં હતો. સ્ત્રી ભૃણહત્યા આજે પણ ખાનગીમાં થાય છે જ.  એવું કેમ?

આપણી સંસ્કૃતિને, એ દિવ્ય ભૂતકાળને શાનું કેન્સર થઈ ગયું ? સ્ત્રીને દેવી કહી પછી તેની પાસે દેવોને અનુરૂપ દિવ્યતા અને પવિત્રતાની એક બહુ ઊંચી અપેક્ષા રાખવામાં આવી અને એના અતિરેકમાં અગ્નિ પરીક્ષાઓ અને સતના પારખાંઓ થવા માંડ્યાં. તો પાશ્ચાત્ય જગતે સ્ત્રીને આનંદ પ્રમોદ માટે અને પ્રજોત્તપત્તિની પાર્ટનર ગણી એને રીઝવવા સુધીની જ મહત્વતા દર્શાવી.

પણ વીસમી સદીની શરૂઆતમાં અમેરિકામાં સૌ પ્રથમવાર મહિલાદિન ઉજવવાનો વિચાર સ્ફૂર્યો અમુક મહિલાઓને.! આમ પણ અમેરિકાના બંધારણમાં જ યુરોપના – સાહસિક નવા વિચારના લોકો રહેલા છે .

તેમની સ્ત્રીઓએ વીસમી સદીના પહેલા દાયકામાં સમાન મહેનતાણું અને મતાધિકારની માંગણી કરી  અને ત્યાર પછી દર વર્ષે આવી ચળવળ સક્રિય રાખવા યુરોપના દેશો પણ જોડાયા. જો કે ખુબ જોરશોરમાં ચાલતી આ ચળવળને છેક ૧૯૭૫માં યુ નો એ મંજુર કરી.

સ્ત્રીઓને સમાન હક્ક મળવા જોઈએ એ તેમની માંગ છે અને હજુ આજે એકવીસમી સદીમાં પણ શું એ સ્વપ્ન સાકાર થયું છે? સમાજમાં સ્ત્રી સન્માન અને સ્ત્રીની સલામતી માટે સરઘસો , રેલીઓ ને સેમિનારો , કોન્ફરન્સ અને ગ્રુપ ડિસ્કશનો ,ટી વી , રેડીઓ અને સોશિઅલ મીડિયામાં એ વિષે જાગૃતિ જોવા મળે છે . આ વર્ષે Pressing for Progress (પ્રગતિ માટે પ્રયત્ન )એ થીમ હેઠળ સ્ત્રીની ઈચ્છા વિરુદ્ધ એની નબળાઈનો લાભ લેનાર સામે કાયદેસર કાર્યવાહી માટે પ્રયત્નો થઈ રહ્યા છે અને એ જ તો છે આ વર્ષનું થીમ: પણ હજુ મંઝીલ ઘણી દૂર છે..એવું કેમ ?

આખ્ખો દિવસ મહિલા દિન ઉજવણીમાં ગાળ્યા પછી, સાંજ ઢળી , સૂરજ આથમે આ શહેરના વિકસતા વિસ્તારમાંથી રીક્ષા પસાર થઈ રહી છે અને એક વિચાર આવી જાય છે, પૃથ્વી પરની વસ્તીના ૫૦ ટકા જે સ્ત્રી વર્ગ છે તે આ અંધાર ઢળતાં જ -જો તે કોઈ અજાણ જગ્યાએ હોય તો -કોઈ અગમ્ય અસલામતી અનુભવે છે -માત્ર સ્ત્રી હોવાથી જ – એવું કેમ ?આટ આટલી ચળવળો છતાં હજુ પાયામાં ફેરફાર કેમ થતો નથી ? સમાન મહેનતાણું કે સમાન સામાજિક દરજ્જા માટે હજુ મંઝીલ દૂર જ?

એવું કેમ ?

૨૩ – શબ્દના સથવારે – રવૈયો – કલ્પના રઘુ

રવૈયો

45_1443302321

રવૈયો એટલે દહીં વલોવવાનો વાંસ, માખણ કાઢવાનું યંત્ર, વલોણું. નાના રવૈયાને રવઇ, વલોણી, ઝેરણી, છાશ કરવાનું વતરણું, રવેણી તરીકે ઓળખવામાં આવે છે. અંગ્રેજીમાં તેને blender, churnner કહેવાય છે. રવૈયાનો બીજો અર્થ રીત-રીવાજ એટલે કે custom થાય છે. વલોણાંમાં મૂતરવું એટલે સારા કામમાં અડચણ નાંખવી. પહેલાં ગામડામાં ખેડૂતોને ત્યાં દહીંનાં વલોણાં થતાં ત્યારે મોટી રવઇ ફેરવવામાં નેતરાં (દોરડા) વપરાતાં. બે નેતરાંથીજ રવઇ ફરે અને માખણ નીકળે. પરંતુ હવે વલોણાં બંધ થતાં ગોળી, રવઇ, નેતરાં, દોણી અલોપ થઇ ગયાં છે. હવે તો નાની રવઇ કે વલોણી, રસોડામાં રહી ગયાં છે અને ઇલેક્ટ્રીક બ્લેન્ડર કે ચર્નરે રસોડામાં સ્થાન લીધું છે.

પરંતુ હજુ પણ જ્યાં આપણી સંસ્કૃતિ જીવે છે ત્યાં મૂળમાં આ સાધનો પડેલાં છે, તેને તરોતાજા કરીને મમળાવવા ગમે ખરાં! તેનો આનંદ જ અનેરો છે. ગામડામાં પરોઢિયે ઘમ્મર વલોણાનો અવાજ, હાથમાં રવૈયો લઇને ગોરી મથે, ઘમ્મર ઘમ્મર ઘૂમે વલોણું મારૂં ઘમ્મર ઘમ્મર ઘૂમે … ગાતાં ગામડાની નારી ગ્રામ્ય જીવનને ધબકતું રાખતી હતી. કાઠીયાવાડમાં કાઠી દરબારોમાં ઘરનાં શણગાર રૂપે પછીત એટલે ઘરની પાછલી ભીંત પર પછીતપાટી જોવા મળતી જેમાં લગ્નપ્રસંગની આકૃતિઓથી સજ્જ પછીતપાટીમાં વલોણું વલોવતી સ્ત્રીનાં ચિત્રો હતાં. વલોણું એ ગૃહજીવનમાં નારીનું કાર્યરત જીવન દર્શાવે છે, તેમાં ભરતકામમાં વલોણાંનાં ચિત્રોનો સમાવેશ કરવામાં આવે છે. લોકમેળામાં પણ ગ્રામ્ય મહિલાનાં ભીંતચિત્રોમાં વલોણાં વલોવતી સ્ત્રીઓનાં ચિત્રો ગ્રામ્ય સંસ્કૃતિને જાગૃત કરતાં હોય છે.

પુરાણોમાં લખેલી જાણીતી વાત છે કે ઇન્દ્ર તેની સંપત્તિના ગર્વમાં ભાન ભૂલે છે ત્યારે સ્વર્ગનું રાજ્ય પાછું મેળવવા વિનંતિ કરે છે ત્યારે ભગવાન સમૃદ્રમંથન કરવાનું કહે છે જેનાંથી અમૃત નિકળે તે પીવાથી દેવો અમર થાય. સમૃદ્રમંથન માટે મંદરાચળ પર્વતની રવઇ (વલોણુ) અને વાસુકી નાગનું દોરડુ બનાવવામાં આવ્યું. દેવો અને દૈત્યો અમૃત મેળવવા માટે સમુદ્રનું મંથન કરવા લાગ્યા તે વખતે મંદરાચળ પર્વત જે રવઇ બન્યો હતો તે સમુદ્રમાં ડૂબવા લાગ્યો.ત્યારે વિષ્ણુ ભગવાને કૂર્માવતાર ધારણ કરીને પોતાની પીઠ પર મંદરાચળને ધારણ કર્યો. આ પ્રસંગનુ રહસ્ય એવું છે કે સંસાર એ સમુદ્ર છે. સમુદ્રમંથન એ જીવનું મંથન છે જે સંસાર સાગરનું વિવેકથી મંથન કરી જ્ઞાન અને ભક્તિરૂપી અમૃતનું પાન કરશે તે સંસાર સાગરમાં ડૂબશે નહીં અને અમર થઇ જશે. મનરૂપી મંદરાચળને આધારની જરૂર હોય છે.

મનને મથે તે મન્મથ. એક વાર જો મન્મથનું વિચાર વલોણું ફરી વળે અને એ હકારાત્મક હોય તો સારૂં માખણ મળે. પરંતુ નકારાત્મક હોય તો તે વિષ બરાબર ગણાય. જેમ વલોણું દહીંને મથી નાંખે તેમ મન પણ તન, મન, બુધ્ધિ, આત્મા, બધાંને મથી નાંખે છે. જ્યારે વલોણું ચાલતુ હોય છે ત્યારે આઘાત- પ્રત્યાઘાત થવાથી દહીં વલોવાતું હોય છે. ત્યારે દહીંમાં સ્થિરતા હોતી નથી. એવીજ રીતે મનના વેગ-આવેગ આગળ બધાં લાચાર થઇ જાય છે. વલોણાંમાંથી માખણ નીકળે પણ વલોણાંને શાંતિ ના હોય. સત્ય પ્રસ્તુત થતું હોય ત્યારે તે પણ અશાંતિ જગાડીને પછી થતું હોય છે. જેના જીવનમાં મંદરાચલનું વલોણું વલોવાયુંજ નથી તેને માખણ ન મળે.

રવઇને લગ્નવિધિમાં સ્થાન મળ્યું છે. માંડવે આવેલા વરરાજાને કન્યાની માતા પોંખવા આવે છે. આ વિધિમાં લાકડાનાં નાનાં રવઇ, મૂસળ, ધૂંસરી અને તરાકથી સાસુ વરરાજાને પોંખે છે. ક્યારેક ચાંદીની રવઇ પણ વપરાય છે. આ પ્રતિકાત્મક છે. સાસુ જમાઇને માયરામાં આવતા પહેલાં જ સાવધાન કરે છે. માખણ કાઢવા માટે જેમ દહીંને રવૈયાથી વલોવવામાં આવે તેમ દામ્પત્યજીવનને પ્રેમમમય બનાવવા માટે મનના તરંગોનું મંથન કરીને પ્રેમનું દોહન કરવાનું શીખવે છે અને એનો જવાબ વરરાજા સંપૂટને તોડીને આપે છે.

કોઇ પ્રસંગ, સંગીત, અભિનય, વાંચન કે વક્તવ્ય એવું હોય કે તે જોવા કે સાંભળવાથી નખશીખ વલોવાઇ જવાય છે, આખાને આખા હચમચી જવાય છે. તેનાં પરિપાક રૂપે સંવેદના જન્મે છે. આ સત્સંગ રવઇનું કામ કરે છે, ફળસ્વરૂપ એક કવિ કે લેખકનો જન્મ થાય છે અને સાહિત્યનું સર્જન થાય છે!

ધ્યાનક્રિયામાં મેરૂદંડમાં નીચેથી ઉપર અને ઉપરથી નીચે કુંડલીનીનાં જવાથી જે વલોણાની ક્રિયા થાય છે તેનાથી ચક્રભેદન થઇને અનેક કર્મો કપાય છે જેનાથી સાધકની સાધના સંપન્ન થાય છે. આમ રવૈયો માનવજીવનમાં વણાયેલો છે.

અભિવ્યક્તિ -૧૯-‘તિથિ તોરણ’માં તારીખ!

 

‘તિથિ તોરણ’માં તારીખ!

મારી બેડરૂમના સ્વિચબોર્ડ પર એક ‘તિથિ’તોરણ લટકે છે. હું રોજ સવારે ઊઠું ત્યારે મારું ધ્યાન એ ‘તિથિતોરણ’ પર અચૂક પડે છે. મારું પહેલું ધ્યાન તારીખ પર પડે છે, તિથિની મને પડી નથી હોતી. વર્ષો પહેલાં અમારા ઘરની પરસાળમાં એક પૂઠાંનું કેલેન્ડર લટકતું રહેતું. એ કેલેન્ડર પર ચાર-પાંચ વર્ષ માતાજી, ચાર-પાંચ વર્ષ શંકર ભગવાન તો ચાર-પાંચ વર્ષ રામનો રાજ્યાભિષેક અમારા પર કૃપા દ્રષ્ટિ કરતો. એ કેલેન્ડરમાં વચ્ચે પીન કરેલો ડટ્ટો રોજ સવારે અમને તારીખ-તિથિ-વારનું ભાન કરાવતો. મારા પિતાજી સવારે ઊઠીને પહેલું કામ એ ડટ્ટામાંથી બાજુ-બાજુમાં તારીખ અને તિથિ છાપેલ ‘તારીખિયા’નું એક પાનું ફાડતા.

કૃષ્ણ ભગવાન શ્રાવણ વદ આઠમને દિ’ કારાવાસમાં જન્મ્યા’તા. ત્યારે નહોતાં ઢોલ-ત્રાંસા વગડ્યાં કે નહોતાં ટોડલે તોરણ બંધાયાં. બધું છાનુંમાનું પાર પડ્યું હોવાનું આપણે વાંચ્યું છે. કૃષ્ણ ચોક્કસ તિથિએ જન્મ્યા પણ તારીખ કઈ? મને રહી રહીને ઉત્સુકતા વધી એટલે હું ગુગલ મહારાજને શરણે ગયો. ત્યાં મારા જ્ઞાનમાં સાચો-ખોટો વધારો થયો કે કાનુડો 27July, 3112 BCEના રોજ જન્મ્યો’તો!

મારા ભાઈનો બાંસઠમો જન્મ દિવસ 23 March ના રોજ કેક-ઈડલી-ગુલાબ જામુનથી રંગેચંગે ઉજવાયો’તો. સવારથી ‘હેપી બર્થ ડે’ની હેલી ચઢી’તી. બર્થ ડે પતી ગઈ અને ભૂલાઈ પણ ગઈ. પાંચ દિ’ પછી એમણે વહેલી સવારે હજી ‘તારીખિચા’નું પાનું નહોતું ફાડયું ત્યાં મોબાઈલ રણક્યો, “હેલો…” સામેથી માસીનો ઉમળકાભેર અવાજ આવ્યો, “તને જન્મ દિવસના આશીર્વાદ છે…! તિથિ લેખે આજે તારી ‘જમોસ’ છે ને?” ભાઈએ દિવાલ પર લટકતા કેલેન્ડર સામે ઝીણી આંખે જોયું. તારીખના ખાનામાં તિથિ વાંચી એ બબડ્યો, ‘ઠીક આજે મારો છાનો જન્મ દિવસ છે, તિથિ લેખે!’

તમને ખબર છે તમારો તિથિ લેખે જન્મ દિવસ ક્યારે છે? તમને તમારી લગ્ન તારીખ જરૂર યાદ હશે પણ લગ્નતિથિ યાદ છે? તમને તમારાં વડિલોની મૃત્યુતારીખ યાદ હશે, એમની મૃત્યુતિથિ કેટલાને યાદ છે? ઘરમાં લગ્ન, વેવિશાળ, એનિવર્સરી કે બીજા કોઈ પણ શુભ પ્રસંગની તારીખ સાથે તિથિ કઈ છે એ જાણવા ‘તિથિ’તોરણ જોવું પડતું હશે.

આહા! એક સમય હતો જ્યારે કેલેન્ડરોથી ઘરની દિવાલો શોભતી! કોઈને કોઈ કંપની તરફથી ગિફ્ટમાં આવેલું અને આપણને રી-ગિફ્ટ તરીકે મળેલું ‘કુદરતી દ્રશ્યો’ના ૧૨ પેજ વાળું કેલેન્ડર ડ્રોઈંગ રૂમમાં એમ.એફ. હૂસેનનું પેઇંટિન્ગની ગરજ સારતું. ક્યાંક રામ-લક્ષ્મણ-જાનકી-હનુમાનજીના ચિત્રવાળું એક કેલેન્ડર દસ વરસ સુધી મોંઘા પોર્ટરેટની અદામાં લટકતું રહેતું અને એના પર પ્રતિ વર્ષ માત્ર ‘ડટ્ટા’ બદલાતા રહેતા.

અલબત્ત, હવે તો કેલેન્ડરની જગ્યાએ વારલી પેઈંટિન્ગ અને અવનવી ટેક્સચર્ડ વોલ ઈફેક્ટ માભો પાડે છે. તારીખ સાથે બે-ત્રણ ધર્મોની તિથિઓ છાપેલ ‘તિથિ’તોરણ પૂજારૂમમાં કે પછી બેડરૂમના સ્વિચ બોર્ડ પર લટકતાં થયાં.

અપણે એટલા સુધરી ગયા છીએ કે આપણને તારીખની ગુલામી વધુ અનુકૂળ આવે છે. તો પછી છતાં આપણે તિથિને સમૂળગી તિલાંજલિ કેમ નથી આપી શકતા? સીધી વાત એમ સીધી ગળે ન ઊતરે. હકીકતમાં, અપણે ધર્મભીરૂ છીએ. આપણને શાસ્ત્રોથી છેડો ફાડતાં ડર લાગે છે.

ઊંડા મનોમંથનને અંતે મને તારીખ અને તિથિની ભેળસેળ ગમવા લાગી છે. માણસ એક જ વાર જન્મે છે અને એક જ વાર મૃત્યુ પામે છે છતાં વરસમાં બે વાર જન્મ દિન ઉજવાય કે બે નિર્વાણ દિન મનાવાય તો એમાં ખોટું શું છે? એક જ વાર પરણ્યા હોવા છતાં તારીખ અને તિથિ એમ બે વખત મેરેજ એનિવર્સરી ઉજવી શકાય એ કેવું મજાનું? હું તો કહું છું કે શાસ્ત્રો અને સંશોધાકોના તારણને માન આપીને કૃષ્ણજન્મ દર વર્ષે ગોકુલઅષ્ટમી ઉપરાંત તારીખ પ્રમાણે દર 27, July પર પણ કેમ ન ઉજવવો? હૃદયથી નજીક હોય એવો કોઈ પ્રસંગ કે ઘટનાની તારીખ સાંભરે પણ તિથિ વિસરાઈ જાય તો આપણો જીવ બળવો જોઈએ. મારો જીવ તો બળે છે.

માત્ર તારીખના ગુલામો કમનસીબ છે કે એ લોકો પોતાનો જન્મ વર્ષમાં એક જ વખત ઉજવી શકે છે અને દિવંગત વડીલને વર્ષમાં એક જ વખત યાદ કરે છે. હું ઈચ્છું કે હું રોજ સવારે કેલેન્ડર કે ‘ડટ્ટા’માં તારીખ અને તિથિ બંને જોઉં અને બંનેનો એકસરખો આદર કરતો રહું. હા, હું મારા મા-બાપના ફોટા પાસે દીવા-અગરબત્તી કરી આંખો બંધ કરી દિવંગતોને વર્ષમાં બે-બે વખત યાદ કરું છું. ચાલો, રામલલ્લાની જન્મ તારીખ શોધી કાઢીએ અને ભગવાનના જન્મની ‘પંજરી’નો પ્રસાદ વરસમાં બે વાર વહેંચીએ! Anupam Buch

૨૫- હકારાત્મક અભિગમ- જીવન જીને કા નામ-રાજુલ કૌશિક

જીવનના કોઇપણ રસ્તા સહેલા-સુગમ જ હોવાના , દરેક ચઢાણો સરળ જ હોવાના એવી માન્યતામાં કેટલું તથ્ય? જીવનમાં આગળ વધતા કોઇ રસ્તો  ઉખડ-બાખડ ન આવે તો એ આપણું સદનસીબ. પરંતુ જીવનમાં આવતી સમસ્યાને જોનારાના પણ અલગ-અલગ દ્રષ્ટીકોણ હોવાના. એના માટે અહીં બે વાત યાદ આવે છે.

એક છે શાહમૃગવૃત્તિ.  પક્ષીઓમાં વિશાળ અથવા કદાવર કહી શકાય એવા ઉત્તર આફ્રિકામાં જોવા મળતા શાહમૃગની પ્રકૃતિથી આપણે જ્ઞાત છીએ. જ્યારે એનો શિકાર કરવા કોઇ પીછો કરે ત્યારે એ જાત બચાવવા દોડવા કે સામનો કરવાના બદલે એ પોતાનું માથું જમીનમાં ખોસી દે છે અને એવું માની લે છે કે હવે એને કોઇ જોઇ શકશે નહીં. એનું કદ વિશાળ હોવાના લીધે એ ઊડી નથી શકતું એ સમજાય એવી વાત છે પણ જે મજબૂત પગ એને મળ્યા છે એના સહારે એ દોડવાને તો શક્તિમાન છે જ એવી સમજણના અભાવે એ માથુ રેતીમાં ખોસીને નિશ્ચિંત બની જાય છે કે હવે એને મુસીબત આંબી નહી શકે.

બીજુ ઉદાહરણ છે શાહમૃગના જેવી જ કદાવર કાયા ધરાવતા એની જેમ જ આફ્રિકામાં  જોવા મળતા જિરાફની. જિરાફનું બચ્ચું જન્મ સમયે માતાના ગર્ભમાંથી જે ઊંચાઇએથી જમીન પર પછડાય છે ત્યારે એ નવજાતને બચ્ચાને માંડ કળ વળી ના વળી અને મા એ નવજાત બચ્ચાને પોતાના પગ વડે જોરથી લાત મારે અને જરા આઘી જઈ ઊભી રહે. આઘાત લાગે એવી વાત છે નહીં? પણ એ વાસ્તવિક હકીકત છે. બચ્ચુ ઊભુ થવા પ્રયત્ન કરે ત્યાં તો ફરી એક લાત.. ફરી બચ્ચુ ઊભુ થવા જાય અને ફરી એક લાત. માન્યામાં ના આવે એવી વાત છે ખરૂં ને? અંતે લાત ખાઇ ખાઇને બચ્ચુ ફરી બીજી લાત ન પડે એના માટે ઊભુ થઇને દોડવા માંડે અને ત્યારે જઈને  માતા- જિરાફ એના બચ્ચાને વ્હાલથી ચાટવા માંડે છે. મા છે. એને ય બચ્ચુ વ્હાલું તો છે જ પણ એ જાણે છે કે જો જન્મથી જ એને આત્મ-રક્ષણ માટે સજ્જ નહી કરવામાં આવે તો નવજાત પ્રાણીનું તાજું માંસ પસંદ છે એવા જંગલી પ્રાણીઓ એને ફાડી ખાશે.

છે ને બે વિરોધાભાસી વાત?  એક છે સમસ્યાથી દૂર ભાગતી, ઉકેલ લાવવાના બદલે એને નજરઅંદાઝ કરવાની વૃત્તિની અને બીજી છે સકારાત્મક દ્રષ્ટીકોણ ધરાવતી, કોઇપણ સમસ્યાને સામી છાતીએ પહોંચી વળવા જાતને સજ્જ રાખવાની વૃત્તિની. આવી વ્યક્તિઓમાં બીજી પણ એક ખાસિયત જોવા મળશે. એ કોઇપણ સમસ્યાનો સામનો કરવાના સૌથી શ્રેષ્ઠ માર્ગના વિકલ્પ શોધશે. જો ક્યાંક કોઇ ગણતરી ખોટી પડી તો નિસંકોચ ભૂલ સ્વીકારીને અન્ય વિકલ્પ અજમાવશે. શાહમૃગની જેમ મ્હોં  તો નહીં  જ સંતાડે.

જીવન જીવી લેવું અને જીવી જાણવું , બંનેમાં ફરક તો ખરો જ..

 

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

 

 

૨૨ – શબ્દના સથવારે – સમય – કલ્પના રઘુ

સમય

સમય એટલે વખત, કાળ, મોસમ, લાગ, અવસર, સંજોગ, સંકેત, પ્રતિજ્ઞા, વદાડ કે શાળાનો પીરિયડ થાય છે. અંગ્રેજીમાં તેને ‘time’, ‘period’ કહે છે. સમયના કોષ્ટકમાં સેકન્ડ, મીનીટ, કલાક, દિવસ, મહિના, વર્ષનો સમાવેશ થાય છે. કોઇ બે સ્થળ વચ્ચેનું અંતર કાપવામાં સમય એક માપ છે. સમયની તમામ ગતિ-અવધિ સાપેક્ષ છે. વ્યક્તિની આંતર-બાહ્ય મનો-શારીરિક અવસ્થા પર તેમજ તેના ભાવજગત પર આધારિત છે. યોગવશિષ્ઠ રામાયણમાં કહ્યું છે, કાળ, અનંત બ્રહ્માંડોને ગળી જનારો અને જગતવ્યાપી છે. સેંકડો કલ્પ વિતતા પણ તે અસ્ત કે ઉદય પામતો નથી. કાળ દેહાધિકનાં અધ્યાસવાળા જીવોને સ્વર્ગ તથા નર્ક આદિમાં ઘુમાવ્યા કરે છે.

સદીઓથી સમય માપવા માટે વિવિધ સાધનોનો ઉપયોગ થતો આવ્યો છે. સૂર્યના કિરણે પડતા પડછાયા પર આધાર રાખતી ઘડિયાળોથી માંડીને મીણબત્તી, જળ, રેતી અને પારાની શક્તિથી ચાલતી ઘડિયાળ, યાંત્રિક ઘડિયાળ અને હવે અણુ ઘડિયાળની શોધ થઇ.

Samay 0c206aa3cf634cc8c3bfe98a8e5f01da

 

સમય હવે કાંડા ઘડિયાળમાંથી નીકળી મોબાઇલના સ્ક્રીનમાં કેદ થઇ ગયો છે. આજનો માનવ રૂપીયા ખર્ચી મોંઘી ઘડિયાળ ખરીદી શકે છે પરંતુ ખર્ચાઇ ગયેલ સમય ખરીદવા માટે ધનિકાધિક વ્યક્તિ પણ અસમર્થ હોય છે. માટેજ સમયને ઓળખો, પારખો અને સદ્‍માર્ગે ખર્ચો. પરિવાર તેમજ વડીલોને સમય આપો. વૃધ્ધાશ્રમમાં વૃધ્ધો સાથે ગાળેલો સમય મોટામાં મોટું દાન ગણાય. સમયને તમે સાચવો તો જ સમય તમને સાચવશે.

સમય એકજ દિશામાં વહે છે. હા, ગતિ બદલાય છે. તેના માટે નથી કોઇ વિશ્રામ કે વિસામો. તેના રૂપ, રંગ, દેખાવ વ્યક્તિની મનોદશા પર નિર્ભિત હોય છે. બાળપણ, યુવાની અને ઘડપણમાં, ક્યારેક સમય હરણફાળ લે છે તો ક્યારેક થંભી જાય છે, ક્યારેક ઘડિયાળના કાંટે સ્થિરતાથી પસાર થાય છે તો ક્યારેક જોતજોતામાં રેતીની જેમ સરી જાય છે. સમય જ એવી મૂડી છે કે જે નિર્ધન કે તવંગર, દરેક પાસે સરખા પ્રમાણમાં હોય છે. રાજા હોય કે રંક, દરેક માટે ૨૪ કલાક જ ફાળવેલ હોય છે. સમય કોઇને મરવા જેવો લાગે છે તો કોઇને જીવી લેવા જેવો. ઘડિયાળ અટકી જઇ શકે પરંતુ સમય નહીં કારણ કે ઘડિયાળ માણસની શોધ છે જ્યારે સમય કુદરતની દેન છે.

આ ત્રણ અક્ષરનાં કાના માત્ર વગરનાં શબ્દ ‘સમય’માં કેટલી તાકાત હોય છે? તે રાતોરાત રોડપતિને કરોડપતિ તો વળી કરોડપતિને રોડપતિ બનાવી શકે છે. સમય માનવજાત માટે રહસ્યમય કોયડો છે. તે એક મહાન શિક્ષક છે. એ ઘણું બધું શીખવી જાય છે. સમયને જીવવા અને જીતવા માટે ટાઇમ મેનેજમેન્ટ જરૂરી છે. તે એક ચિકિત્સક પણ છે અને કોઇપણ પીડાનો અક્સીર ઇલાજ પણ છે. ‘દુઃખનું ઓસડ દહાડા’. ઘા ભરવાનો મલમ સમય છે. ઘડિયાળ રીપેર કરવાવાળા ઘણા હોય છે પણ સમયને સાધનાર એકમાત્ર ઇશ્વર છે માટેજ અંતસમયે ગવાતી પ્રાર્થના, ‘સમય મારો સાધજે વહાલા, કરૂં હું તો કાલાવાલા’, ખૂબ જાણીતી છે.

સમય અને દરિયાના મોજાં કોઇની રાહ જોતાં નથી. જીન્દગીની પાછલી વયે એક વૃધ્ધ આયનામાં પોતાનું શરીર નિહાળે છે ત્યારે નખશીખ નજર નાંખતા, ભૂતકાળમાં અનુભવેલાં સમયના તમામ રંગોની પીંછી ફરી વળે છે. સમય પોતે છે પ્રશ્નાર્થચિન્હ, સમયનું ક્યાં છે પૂર્ણવિરામ? આ વાસ્તવિકતા જે સ્વીકારે છે તે પૂર્ણતાને પામે છે. જીવનમાં આવતી પ્રતિકૂળતાનો કે અનુકૂળતાનો એક જ જવાબ હોય છે, ‘યહ દિન ભી ચલા જાયેગા’.

પ્રેમ કરવાથી સમય થંભી જાય છે. મનગમતી પ્રવૃત્તિ કરવાથી તેનો સદ્‍ઉપયોગ કરી શકાય છે. અષ્ટાવક્ર ગીતામાં કહ્યું છે, ‘જન્મ-મૃત્યુ, સફળતા-અસફળતા, સંપત્તિ- વિપત્તિ બધું જ સમય પર થાય છે. કશું જ સમયથી પહેલા નથી થતું. જ્યારે સમયથી પહેલા કંઇક માંગીયે ત્યારેજ મુશ્કેલી કે અશાંતિ ઉભી થાય છે’.

મહાભારતનો એક પ્રસંગઃ એક યાચક યુધિષ્ઠિર પાસે કંઇક માંગે છે ત્યારે તેઓ તેને કાલે આવવાનું કહે છે. ત્યારે ભીમ કહે છે કે મહારાજે કાળ પર વિજય મેળવ્યો છે કારણકે તેમને ખબર છે કે તેઓ કાલે જીવતા હશે! તરતજ યુધિષ્ઠિર પોતાની ભૂલ સુધારે છે. કબીરજીએ પણ તેમના દોહામાં કહ્યું છે, ‘કલ કરે સો આજ કર, આજ કરે સો અબ’.

મહાભારત વખતે શ્રીકૃષ્ણ કહે છે, ‘હું જ સમય છું, દુઃખ કે સુખ મારા પ્રવાહને રોકી શકતાં નથી પરંતુ ક્યારેક ભાગ્યની રેખા આગળ મારૂં કંઇજ ચાલતુ નથી. એનો અર્થ આપણે સમયને કોસીએ છીએ પરંતુ સમય ભાગ્ય મુજબ ચાલે છે. અને ભાગ્ય માનવે જાણે અજાણે કરેલાં કર્મ અનુસાર ઘડાય છે. આમ કર્મ અનુસાર ભાગ્ય અને ભાગ્ય અનુસાર સમયની પરિભાષા બને છે જેની કઠપુતળી બનીને માનવ જીવન-રંગમંચ પર જીવે છે. મૃત્યુ તેના જીવન માટેનો આખરી સમય હોય છે.

માનવનો ગર્વ ઉતારવાનું માત્ર સમયના હાથમાં હોય છે માટે સમયના પ્રવાહમાં તણાવા કરતાં તેની સાથે વહેવું જરૂરી છે. તેની સાથે સરસાઇનાં બદલે તેને શરણે જવામાં જ સાર છે કારણકે ‘સમય સમય બલવાન હૈ, નહીં મનુષ્ય બલવાન’.

૨૦-એવું કેમ ? પદ યાત્રા અને વોકાથોન! Walkathon !

વહેલી પરોઢે , વાતાવરણમાં ગુલાબી ઠંડી  હોય , બોગનવેલ પર રાતાં પાંદડા અને કેસૂડાં પર કેસરી ફૂલો મ્હોર્યા હોય ને એ આહ્લલાદક પર્યાવરણમાં તમે કોઈ સંઘ સાથે પદયાત્રાએ જઈ રહ્યા હોવ ..કલ્પના કરો !કેવું દિવ્ય અલૌકિક હોય એ દર્શન !

બસ , એ જ રીતે સેંકડો યાત્રાળુઓ તમને આજ કાલ ગુજરાતમાં ઠેર ઠેર માર્ગ પર પગપાળા પ્રયાણ કરતાં જોવા મળશે. આ સૌ અમદાવાદથી,ગોધરાથી, વડોદરા કે આણંદથી ડાકોર ભગવાન શ્રી રણછોડરાયના દર્શન કરવા પદયાત્રામાં જઈ રહ્યાં છે.  એ જ રીતે જો તમે સૌરાષ્ટ્ર તરફ ડ્રાઈવ કરશો તો માર્ગમાં તમને દ્વારિકાધિશનાં દર્શનાર્થે નીકળેલા પદયાત્રીઓનો સંઘ જરૂર ક્યાંક જોવા મળશે.

આમ તો દર પૂનમે પણ આ ફાગણી પૂનમે તો ખાસ – આવી પદયાત્રાઓનું મહત્વ હોય છે.
રસ્તામાં ઠેર ઠેર સેવા કેન્દ્રો -જે માત્ર સ્વયંસેવકોની ભાવપૂર્ણ સેવાને કારણેજ ચાલતા હોય છે -તેમાં ઠંડા પાણીથી માંડીને ચા , કોફી , નાસ્તો , છાસ અને ક્યાંક ગરમ ભોજન પણ આ ભાવિક પદયાત્રીઓ માટે અમુક દાતાઓના દાનને લીધે નિઃશુલ્ક આપવાની પ્રણાલિકા છે.  લગભગ એક લાખ પદયાત્રીઓ આ અઠવાડિએ માત્ર અમદાવાદથી જ ડાકોર પગપાળા જશે એવો અંદાજ છે.  હોળી – ધુળેટી પર આમ પદયાત્રાઓનું ખાસ મહત્વ છે.
લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે આપણાં ધર્મમાં ઋષિ મુનિઓએ આવા પ્રયોગો હજ્જારો વર્ષ પૂર્વેથી આપ્યા છે.

આપણે પગપાળા ચાલતાં જઈએ એટલે પ્રકૃતિ સાથેનું તાદાત્મ્ય અનાયાસે જ સંધાય.  માર્ગમાં આવતાં વનસ્પતિ અને રાહદારી સૌ સાથે બે ઘડી સંબંધ  બંધાય . રસ્તે આવતાં ગામડાઓમાં ગ્રામવાસીઓને મળવાનો મોકો મળે.  સ્વૈચ્છીક રીતે ઉભા કરેલ આવકાર કેન્દ્રોમાં આ પદયાત્રીઓને વિસામા દરમ્યાન મૈત્રી ભાવ બંધાય. ગાડીમાં જઈએ તો આપણે ઝડપથી આ બધું પસાર કરી નાખીએ. ના કોઈ કેસૂડાંનું અવલોકન કે ના કોઈ વટેમાર્ગુ સંગ ગોષ્ઠી પણ ધીમે ધીમે ચાલતાં ચાલતાં જઈએ તો આપણાં અંતર્ચક્ષુને ય વાચા મળે! કુદરતનું સૌંદર્ય નિહાળતાં બેઘડી આપણી જાત સાથે ય વાત કરવાની તક મળે.

પાશ્ચાત્ય સંસ્કૃતિમાં આ જાતની પદયાત્રાનો વિચાર બહુ પુરાણો નથી . બલ્કે હજુ ગઈ સદીમાંજ ઉદ્દભવેલો છે  અને તે પણ ધર્મને નામે નહીં પણ માનવ ધર્મને નામે. “તમે અમુક માઈલનું અંતર પગપાળા કાપો , તમારા આ સાહસ માટે અમે તમને અમુક પૈસા આપીશું.” અને આ મોટા સમૂહમાં સાથે ચાલવાથી જે પૈસા- ફાળો ભેગો થયો તે કોઈ માનવતાના હિતાર્થે વપરાય ! જુદા જુદા પ્રકારના કેન્સરના રિસર્ચ માટે- બ્રેસ્ટ કેન્સર , પ્રોસ્ટેટ કેન્સર , ફેફસાં કે હૃહદયરોગ કે કિડની ટ્રાન્સપ્લાન્ટ કે એઇડ્સ કે ડાયાબિટીસ. ગમે તે અસાધ્ય રોગો પર સંશોધન કરવા ફાળો ભેગો કરાય.  એમાં એક હકારાત્મક અભિગમ એ જોવા મળે છે કે કોઈ સારા કાર્ય પાછળ લોકોનો સપોર્ટ મળે તે પહેલા જ એ પ્રોજેક્ટ માટેની જાગૃતિ પણ ઉભી થાય.  જે લોકો આવા રોગોનો ભોગ બન્યા હોય તેમના કુટુંબીઓ અને મિત્રો પણ આવી પદયાત્રાઓને પ્રોત્સાહન આપી પોતાની કમ્યુનિટીમાંથી સ્પોન્સર શોધે અને ફાળો ભેગો કરે . (વોકાથોનની જેમ બીજી પણ અનેક ફિજિકલ ચેલન્જની રીતો પ્રચલિત છે)

બંને દેશોની પદયાત્રાઓ આખરે તો શરીરને પડકાર આપે છે.  છે તાકાત ? તો ચાલી બતાવ પચ્ચાસ – પંચોતેર માઈલ.  જાઓ ચાલતાં ડાકોર કે દ્વારકા કે નેશનલ પાર્ક કે ન્યુયોર્ક. આ એક ચેલેન્જ છે. આધુનિક વિજ્ઞાન આને Quantum Physics ક્વોન્ટમ ફિજીક્સ કહે છે: આપણું શરીર ( અને દુનિયાની તમામ ચીજ વસ્તુઓ ) ને તેના મૂળભૂત ગુણધર્મ હોય છે.પણ આ ગુણ ધર્મો સિવાય ઉત્સાહ , આવેગો અને ઉભરો આવતાં હોય ત્યારે મન પોતે શરીરને વધારે ( કે ઓછું ) કરવા આદેશ આપે: આને મન શરીરનું તાદાત્મ્ય: કહેવાય . Mind and Body Connection .મારા પગમાં ચાલવાની તાકાત છે પણ મન આળસને લીધે ચાલવાની
ના કહે છે.  એવી જ રીતે શરીરને કષ્ટ આપી કોઈ શુભ સંકલ્પ માટે મનને પડકારીને પદયાત્રામાં જોડાયેલાં મોટાભાગનાં પદયાત્રીઓ બીજે વર્ષે ફરીથી આવા પડકારો ઝીલીને જોડાતાં હોય છે !અને પછી એ માત્ર’ લાગણીનો ઉભરો ‘ ના રહેતા એક ટેવ પડી જાય છે.

બે દેશ : બે સંસ્કૃતિ !
બંનેમાં કુદરતને ખોળે ઘડીભર તાદાત્મ્ય સાધવાનો અભિગમ . બંનેમાં શરીરને કસવાનું – જરા વધારે, હજુ જરા વધારેની ભાવના પણ આપણે ત્યાં સ્વનાં કલ્યાણની ભાવના. ચાલતાં જાઓ ને રણછોડરાયને રીઝવો. આત્મા પરમાત્માની વાતો. ધર્મ જેટલો શ્રદ્ધા તરફ વળે એટલું મનોબળ વધે.  મારે પરમાત્માને પ્રસન્ન કરવા છે.  મારે પુણ્ય કમાવું છે.  મારે મૃત્યુ પછી સ્વર્ગમાં જવું છે. ધર્મ જેટલો વિજ્ઞાન તરફ લઇ જઈએ તેટલો સમાજને લાભ થાય. પણ આપણે ત્યાં એવી ભાવના કેમ નથી?
એવું કેમ?

મનોબળ વધારીને ઉપવાસો અઠ્ઠાઈ કે અન્ય કષ્ટદાયક પ્રવૃત્તિઓથી સ્વનાં હિત સાથે સમષ્ટિના હિતનો વિચાર કર્યો હોય તો?

આપણે શીતળા , બળિયા કે પોલિયો જેવા બાળરોગોને નાથવા શીતળામાતા અને બળિયાબાપજીની પૂજાઓ કરી. તેમને રીઝવવા ઊંધા પગલે , આડા પગલે , એક પગે ,ચાલીને શરીરને કષ્ટ આપી મનોબળ મજબૂત કર્યું .
પશ્ચિમે એ બાળરોગોની રસી શોધી બાળરોગને કાબુમાં લીધા.

પણ એવું કેમ ? કેમ આપણી દ્રષ્ટિ સ્વકેન્દ્રી જ રહી ? કેમ આપણી દ્રષ્ટિ સ્વથી આગળ વધતી જ નથી?
એવું કેમ? પશ્ચિમની સંસ્કૃતિમાંથી ઘણું ઘણું ન અપનાવવા જેવું યે મોર્ડન છે કહીને આપણે આંધળું અનુકરણ કરીએ જ છીએ તો આ પદયાત્રાઓ સ્ત્રી શિક્ષણ , બાળઉછેર વગેરેની અવેરનેસ – જાગૃતિ માટે યોજવાનો વિચાર કેમ કોઈને આવતો નથી?
એવું કેમ?