મિત્રો હું અત્યારે ભારતમાં આવી છું,મારા છન્નું વર્ષના સાસુજી ને મળવા .એકલા રહે છે,અને પોતાનું દરેક કાર્ય જાતે કરે છે ,એમને મળ્યા પછી થાય છે ઉંમર સાથે એમને લેવા દેવા નથી થોડા દિવસ પહેલા .પ્રજ્ઞાજુ ની પોસ્ટ મળી એક સરસ વાસ્તવિક કવિતા જે મારા સાસુના વિચારો ને રજૂ કરતી હતી .
હા આ મારા સાસુને લાગુ પડતી હોય તેમ લાગે.મેં એજ કવિતા મારા સાસુ ના શબ્દોમાં વર્ણવી છે
જે અહી રજૂ કરું છું .છન્નું વર્ષના મારા બા ને વૃદ્ધ કહેવા એ આમતો ગુનો કહેવાય.કારણ હજી પણ એજ ખુમારી અને ગૌરવ …જે એમને વૃદ્ધ નથી થવા દેતું .
દાદા મજમુંદાર મારા સાસુને મળ્યા તો મને કહે આમને જોઈને મારૂં ગુમાન ઉતરી ગયું .એક સ્ત્રી ચોરાણું વર્ષે (ત્યારે બા ૯૪ના હતા )આવી ખુમારીથી જીવે છે ..બા વર્તમાનમાં જીવે છે માત્ર જીવતાં નથી માણે છે !.શું નથી કર્યું એ યાદ નથી કરતા પણ પોતે શું હતા અને છે ,એ યાદ રાખ્યું છે,અને વર્તમાનને સાચા અર્થમાં ઝીન્દાદીલીથી ઝીલે છે ! બા કોઈ પણ હાલત માં આનંદ ગોતી શકે છે ..આજે પણ તેનું કામ જાતે કરે છે .ભગવાન સાથે વાતો કરે છે પણ ફરિયાદ નથી ..બા વૃદ્ધ નથી કારણ હજી એ સપના જોવે છે! ..Words of an Old & Wiser One અગ્રેજી કવિતાને મારા સાસુના શબ્દોમાં વર્ણવી છે .
અમારા બા

રે રે ઉભી રે …હમણાં યાદ આવશે ..હું શબ્દો વીસરી જાવ છું …
પહેલાતો બધુજ મને કળકળાટ યાદ રહેતું .
હમણાં હમણાં ભૂલી જાવ છું પણ હા પછી મને યાદ તરત આવે છે ..
જેમ જેમ ઉમર વધે છે તેમ હું પહેલા જેવી થોડી રહેવાની ,
એ તો ઉમર ઉમરનું કામ કરે ..
પણ તેના માટે હું દરકાર કે ખેદ શા માટે કરું .?.
હું કીડી જેવા નાનાં ગામમાં જન્મી
અને પંદર વરસે તો પરણીને ઘર સંભાળી લીધું ,
આજે પણ કહો તો તમને જમાડું …દૂધપાક
હું બધું સમજુ છું .. મારા.. પંચાણું વર્ષ પાણીમાં નથી ગયા
તો માટે શા માટે ખેદ કરું ?
હા હું આ પગને લીધે ધીમી જરૂર થઇ છું અને …કયારેક ભૂલી જવાય …
પણ મારી દવા મારી જાતે જ ખાવ છું ..
પાણીનો પ્યાલો માંગવો નથી પડતો ..
તમે સમજો છો હું બધાને ભૂલી જાવ છું ..પણ ના એ તમારો વેહેમ છે
અરે દોસ્ત ગુરુદેવે કહું છે કે ભૂલવામાં જ મજા છે !
અહી જંગલમાં એકલી રહું છું …
મને તેના માટે અભિમાન છે .
મને મારી ઉમંર અને ડાહપણ નું ગૌરવ છે !.
હું ભૂલી જાવ છું પરંતુ હું શુદ્ધ આત્મા છું એ નથી ભૂલી ….
એ તમે યાદરાખજો …
મને… નાખી દીધેલી વસ્તુની જેમ નહિ ગણતા ..વર્તતા પણ નહિ !.
જો તમે મને કંઈ ખબર નથી પડતી એવું સમજતા હો
તો એ તમારી ભૂલ છે,
હું જેવી છું તેવી છું .
સીમંધર સ્વામી મારી સાથે છે .
બસ મારી સાથે મારો પ્રભુ છે .
જે બધું જોઈ રહ્યો છે !
મારી દયા ખાવાની જરૂર નથી પરન્તું..
તમે તમારા સંસ્કાર યાદ રાખો તો સારું ..
મને જે માનથી જોતાં હતા તેવુજ માન આપો !
હું માત્ર એટલું જ ઈચ્છું છું !