૩૨ – શબ્દના સથવારે – ડગલો – કલ્પના રઘુ

ડગલો

શબ્દકોશ મુજબ ‘ડગલો’ એટલે બુતાનવાળો લાંબો કોટ, ઓવરકોટ, અસ્તરવાળો ગરમ કે સાદો અંગરખો, બાંયવાળુ જાડું પુરુષને ઉપરથી પહેરવાનું સીવેલું વસ્ત્ર, બંડી, વાઘો, રોજના કોટ કે કપડા પરથી પહેરવાનો મોટો ડગલો. ઘરની બહાર પહેરવાનો, કપડા પર પહેરવાનો સ્લીવલેસ, ખભેથી ઢીલો તેવું ઉપરણુ. અંગ્રેજીમાં ‘Cloaks’, ‘Long Coat’ કે ‘Over Coat’ કહે છે.

વરસાદ, ઠંડી તેમજ ધૂળ, ગંદકી જેવાં તત્વોથી પહેરનારને રક્ષણ આપવા માટે ડગલો પહેરવામાં આવે છે. ડગલો એક ડ્રેસ છે, જે વ્યક્તિના ટોચના ભાગને આવરી લે છે. તેનાં ધડ પર રહે છે. તે હૂડ સાથે અથવા વિના પણ હોઇ શકે. તે શણ, ઉન, લીનન, તેમજ ઢાકાની મલમલમાંથી બનાવાતા. કાશ્મીરી તેમજ સૂરતી કીનખાબમાંથી પણ રાજવી ડગલા બનતાં.

‘લાંબો ડગલો, મુંછો વાંકડી, શિરે પાઘડી રાતી,

બોલ બોલતો, તોળી તોળી, છેલ છબીલો ગુજરાતી’.

આ પંક્તિ સ્પષ્ટ કરે છે કે લાંબો ડગલો એ ગુજરાતીની ઓળખનું પ્રતિક છે. કોર્ટમાં વકીલો કાળો ડગલો પહેરે છે. કૂળ-ચિન્હવાળો ડગલો ક્યારેક પદ-પ્રતિષ્ઠા સૂચવે છે. પાદરીઓનો ખૂલતો લાંબો ડગલો જેને ‘Cope’ કહે છે. પારસી અગિયારીનાં સેવક આત્મસંતોષથી ડગલો પહેરતા. એમના હોદ્દાનું એ ગૌરવવંતું પ્રતિક કહેવાતું. પવિત્ર સ્થાનમાં પહેરવામાં આવતું આવું વસ્ત્ર એટલે ડગલો. વિદ્વાનો, પ્રભાવશાળી લોકો માટેના સાંકેતિક કપડામાં ડગલાની ગણતરી થાય છે. ક્યારેક ફેશન માટે પણ પહેરાય છે. વેશભૂષા પ્રસંગે અનેક પ્રકારના ડગલા જોવા મળે છે.

ઇશ્વરની કરામત પણ કેવી છે? નીલગગનનાં પંખેરૂ માટે કકડતી ઠંડી, ધમધોકાર ગરમી, અલ્ટ્રાવાયોલોટ કીરણોથી રક્ષણ માટે ઇશ્વરે પીંછાંનો ડગલો બનાવ્યો છે. આવો ડગલો તો માણસ પણ ના બનાવી શકે.

આ થઇ શરીર પરના પહેરાતા ડગલાની વાત જે માણસે નક્કી કર્યા છે અને માનવ સર્જિત છે. ડગલો એટલે શરીરને ઢાંકવાનું બહારનું આવરણ. આ ડગલો સ્થૂળ છે જે કોઇપણ જોઇ શકે છે. ક્યારેક વિચાર થાય કે, માણસ અને પશુમાં ફેર શું? પશુને કોઇ ડગલાની જરૂર નથી અને માણસ ડગલા વગર જીવી શકતો નથી.

આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઇએ તો શરીર આત્માનો ડગલો છે. જે માંહ્યલાને ઢાંકે છે. ૮૪ લાખ યોનિમાંથી કોઇપણ યોનિનો ડગલો જીવાત્માએ ધારણ કરેલો હોય છે. આ ડગલાને સાચવીને શરીર જીર્ણ થાય ત્યારે, થીગડા લગાવીને માનવ, જીવન વ્યતિત કરે છે. અને જીવનને અંતે આ શરીરરૂપી ડગલાને કાંચળીની જેમ ઉતારીને સૂક્ષ્મ ડગલાને એટલે કે આત્મા ઉપરનું આવરણ કે જે માણસાઇ, પદ-પ્રતિષ્ઠા, કાવા-દાવા, અનેક પ્રકારની સારી-ખરાબ ગ્રંથિઓથી ઘેરાયેલું હોય છે તે સૂક્ષ્મ ડગલો માનવ તેની સાથે બીજા જન્મે લેતો જાય છે. આ ડગલો આ ભવમાં જાણે અજાણે કરેલાં કર્મો અનુસાર તૈયાર થાય છે. કર્મ પ્રમાણે ડગલો વેતરાય છે. આ ડગલો સીવનાર મેરઇ, દરજી ઇશ્વર હોય છે. આ ડગલો અનેક ગ્રંથિઓથી રંગાયેલો હોય છે. દરેકનો ડગલો અલગ અલગ હોય છે પરંતુ આપણને હંમેશા બીજાનો ડગલો ગમે છે. ડગલાની હુંસાતુંસીમાં માનવ મંડ્યો રહે છે. ઇશ્વરે જે નિર્માણ કર્યો હોય તે ડગલો પ્રેમથી પહેરીને જીવવું જોઇએ અને ડગલાને ત્યજવાનો વખત આવે ત્યારે ડગલા માટેની મોહ, માયા, લગાવ, ગ્રંથિઓ ત્યજવાની તૈયારી માણસ કરે તો જ સરળતાથી ડગલો છોડીને તેના આત્માની ગતિ થઇ શકે છે. શુધ્ધ આત્મા, પરમાત્મામાં ભળી શકે છે નહીં તો બીજા જન્મે આ ડગલાની સમગ્ર મલિનતા એ સાથે લઇ જાય છે. સાંઇ ચરિત્રમાં કહ્યું છે કે, ‘ઇશ્વર સન્મુખ જવા માટે આવા કોઇ ડગલાની જરૂર નથી’. જે ડગલા, કાદવમાં કમળ ખીલવે તે ડગલો ધારણ કરવો જરૂરી છે પરંતુ માત્ર કાદવમાં ખરડાયેલાં રહે , તેનું આવનારૂં જીવન કાદવના ભાર સાથેનો ડગલો પહેરીને કેમ જીવાય એ તો માનવે ખુદ નક્કી કરવાનું છે! કારણ કે મૃત્યુ બાદ માનવ તેની અશુધ્ધિઓ, ખરાબ કર્મોનો ડગલો સાથે લઇને જાય છે, તેવું ‘કર્મનો સિધ્ધાંત’ કહે છે.

અંતે હરીશ મિનાશ્રુની કવિતા, ‘માટીનો ડગલો’ ઘણું બધું કહી જાય છે.

‘કાચી કબરના માપે, મેરાઇએ સીવ્યો છે,

માટીનો એક ડગલો, તમને ગમે તો પહેરો.’

 

અભિવ્યક્તિ -૨૭-પાણીના પ્યાલે….!

પાણીના પ્યાલે….!

એ પણ જમાનો હતો. મોડી સવારે ડેલીનું કડું ખખડે અને ઉલાળાથી ઠાલું બંધ કરેલું બારણું હડસેલી કોઈ પરિચિત અવાજ ઘરમાં ગજાર-પરસાળ સુધી પહોંચે છે, “કાં, આવુંને?” સામે ‘આવો આવો’નો અવાજ વાતાવરણમાં ઉષ્મા ભરી દે.

થોડા થોડા દિવસે આવો ટહૂકો કરી કોઈ સ્નેહીનું આવવું કંઈ નવી વાત ન ગણાય. અર્ધો-પોણો કલાક સુધી ઘણાં ગામ ગપાટા ચાલે, નવા સમાચારોની આપ-લે પણ થાય. આગંતૂક સ્નેહી ઉઠવાના સમયે ‘ચાલો ત્યારે જાઉં’ કહી ડેલી તરફ ડગ ભરે ત્યારે જૂની રંગભૂમિના કલાકારની અદામાં મહિલાવર્ગ બહાર ડોકું કાઢી પૂછે, “ લે, બસ જાવ છો? એમ થોડું જવાય?” આગંતુક પણ ઠાવકાઈથી જવાબ આપે, “ના, ના, ઘેર જઈ ને જમવું જ છેને. પછી કો’કવાર વાત”. ચાની વાત જ હોય ને! પણ આ ‘કો’કવાર’ ફરી ભાગ્યેજ આવે.

લગવા (વારા)નું દૂધ ગણતરી પ્રમાણે માથાદીઠ આવતું હોય એમાં ટપકી પડતા મહેમાનની ચા માટે ‘એક્સ્ટ્રા’ દૂધ ક્યાંથી કાઢવું? અને, અવરજવર એટલી બધી રહેતી કે ચાનો વિવેક ઘરનું માસિક બજેટ ખોરવી નાખે. સવાર-સવારમાં ચૂલા-સઘડી પર દાળ ઉકળતી હોય ત્યાં તપેલું ઊતારીને ચા બનાવવી કેમ ફાવે? અલબત્ત, કોઈ ખાસ સગું, વહેવાઈ કે બહાર ગામથી મળવા આવેલ મહેમાન માટે સઘડી ઊપરથી શાકનું તપેલું ઉતારી ને પણ એક પ્યાલો ચા બનતી ખરી પણ એક જ પ્યાલો બને. મહેમાન ચા પીવે અને યજમાન જૂએ! મહેમાન પણ સમજતા જ હોય એટલે એકલા ચા પીતાં અચકાય નહિ.

એવું નથી હો કે કે લોકોમાં વિવેક નહોતો. હા, એટલું જ કે, ‘શું લેશો?’ ‘ચા પીશો?’ ‘ચા કે ઠંડુ?’ ‘કોફી લેશો કે ચા?’ જેવા ‘શાબ્દિક વિવેક’નો ઉપયોગ સાવધાનીપૂર્વક થતો. ક્યારેક વિના કારણે ‘હા-ના’ની રકઝક બહુ લાંબી ચાલતી અને મોટા ભાગે યજમાન ઝટ માની જતા! હા, પાણી ચોક્કસ મળે.

આપણા ડ્રોઈંગ રૂમમાં ચાના વિકલ્પમાં ‘કોફી’ બહુ મોડી આવી. કોફી પીવાનું સદ્ભાગ્ય માંદા પાડો ત્યારે જ પ્રાપ્ત થાય. અમારા ઘરમાં ચા-ખાંડના ડબ્બાની સાથે કોફીની નાની પતરાની ડબ્બી પડી રહેતી. જવલ્લે જ ખુલતી આ ડબ્બી ત્રણ-ચાર મહિના ચાલતી. તળિયામાં ભેજ કે ભીની ચમચીને કારણે કોફી ગંઠાઈ જાય ત્યારે જ નવી ડબ્બી આવે. દૂધ-પાણી મિશ્રિત,એ માઈલ્ડ કોફીનો સ્વાદ તો જેમણે કોફી ચાખી હોય એ જ જાણે. કોફીનો ભૂકો ચવાય!

બાકી પાણીના પ્યાલે સંબંધો મીઠા જ હતાને! શું ચા, શું કોફી, શું શરબત!

હવે પહેલાં જેવી મૂંઝવણ ક્યાં છે? આપણા ફીઝ ચા માટે આદુ, ફ્રીઝમાં એક્સ્ટ્રા દૂધ, નેસ કાફે ગોલ્ડ, થમ્સઅપ, રૂહે અબ્ઝા અને કાજુ-દ્રાક્ષના આઈસ્ક્રીમથી ભરચક્ક હોય છે.

મૂંઝવણ તો એ વાતની છે કે હવે કોઈ આપણા ઘરનો ઉલાળો બેધડક ખોલતું નથી. અને, આપણા ઘરનાં બારણા હવે ‘ઠાલાં બંધ’ ક્યાં હોય છે? બે સ્ટોપર અને સેફટી ચેઈનવાળાં બારણા દિવસમાં કેટલી વાર ખૂલે છે? હવે કોઈ ડોરબેલ મારતું નથી, કોઈ ટાઈમ ક-ટાઈમ ટપકી પડતું નથી. કોને પૂછવું ‘શું લેશો? ઠંડુ કે ગરમ? ચા કે કોફી?’Anupam Buch

અરે, કોઈ હસતે મોઢે “કાં, આવુંને?” કહે તો સામું કહીએને કે “આવો, આવો!!” કોઈ ગામ ગપાટા મારવા આવે તો ચા-કોફીનું પૂછીએને? હવે તો પાણીના પ્યાલા પણ કોરા ધાક્કોર પડ્યા રહે છે!!

૩૩) આવું કેમ ? મેમોરિયલ ડે – શહીદ દિવસ !

૩૩) આવું કેમ ? મેમોરિયલ ડે – શહીદ દિવસ !

મેમોરિયલ ડે લોન્ગ વિકેન્ડની રાહ બધાં ઘણા સમયથી જોતાં હતાં!
એક તો ઠંડીમાં ઠીકરાઈને છ છ મહિના જાણે કે પેટીમાં પુરાઈ રહ્યાં હતાં, તે સહેજ ઠંડી ઓછી થઇ અને વળી આ લોંગ વિકેન્ડ મળ્યો ! શનિ , રવિ , સોમ ! ત્રણ દિવસની જાહેર રજા!

બધાં આવી રહેલ ઉનાળાના પ્રોગ્રામો કરવા બેસી જાય ! હરવું , ફરવું , પિકનિક અને પાર્ટીઓ !
તો શું મેમોરિયલ ડે વિકેન્ડ એટલે મોજ – મઝા?

“પ્લીઝ! મેમોરિયલ ડે ના દિવસે કોઈને ‘ હેપ્પી મેમોરિયલ ડે’ કહેશો નહીં !”સીલ -૬ ના કેપ્ટ્ન રોબ ઓ નાઈલના શબ્દો છે: જેમણે બિન લાદનને , મધરાતે પાકિસ્તાનમાં ,એના છુપા ઘરમાં જઈને એને ગોળીએ ઠાર કર્યો. ‘મહેરબાની કરીને આ દિવસને ‘ હેપ્પી’ ના કહેશો ! એ હેપ્પી થઈને ઉજવણી કરવાનો દિવસ નથી !’ એ કહે છે!
એવું કેમ?

કારણકે મેમોરિયલ ડે એ હેપ્પી થવાનો દિવસ નથી .. એ તો
દેશનું રક્ષણ કરતાં ખપી ગયેલ વીર જવાનોને અંજલિ આપી એમની વીરતાને યાદ કરવાનો દિવસ.સદગતના આત્માને સેલ્યુટ કરવાનો દિવસ.

તુમ યાદ ઉન્હેં ભી કરેલો .. જો લોટકે ઘર ના આયેં ! . જો લોટકે ઘર ના આયેં !
દેશની સ્વતંત્રતા માટે , અને એ સ્વતંત્રતાની રક્ષા માટે , જે અમેરિકાને આપણે Land of Opportunity કહીએ છીએ , તેના પાયામાં રહેલ લોકશાહીની રક્ષા માટે અપાયેલાં બલિદાનોને યાદ કરવાનો આ દિવસ.
આમ તો આ દિવસની ઉજવણી છેક સિવિલ વોરથી થઇ છે. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં અમેરિકા કાળા ગોરાના ભેદભાવથી વહેચાયેલું હતું અને સિવિલ વોર શરૂ થઇ- ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા અંદર અંદર યુદ્ધે ચઢ્યા. ત્યારે યુદ્ધમાંથી ઘેર પાછા ના ફરેલ વીર જવાનોને કબ્રસ્તાનમાં જઈ અંજલિ આપવાનો દિવસ નક્કી થયો હતો .

જો કે ત્યાર પછી વીસમી સદીના પ્રારંભે પહેલા વિશ્વયુદ્ધ પછી , સમગ્ર અમેરિકાએ એક થઈને યુદ્ધમાં ભાગ લીધો .યુદ્ધ પૂરું થયે અનેક અજણ્યા પાર્થિવ દેહ દેશ આવ્યા.. જેની ઓળખાણ ના પડી , પણ જેણે દેશ માટે બલિદાન આપ્યાં હતાં એવા કોઈના એ લાડકવાયાની યાદમાં Tomb of the Unknown રચાઈ.

અમેરિકાએ વિશ્વની ઘણી બધી લડાઈઓમાં ભાગ લીધો છે. (વિશ્વમાં નંબર વન રહેવાની શું આ કિંમત ચૂકવવી પડતી હશે ? ) આપણે ત્યાં દેશમાં , આપણે પરતંત્ર હતાં ત્યારે , અંગ્રેજોએ આપણાં લોકોને વિશ્વ યુદ્ધોમાં મોકલ્યાં હતાં. તો અંગ્રેજ સામેની સ્વરાજ્યની લડતમાં વીર ભગતસિંહ જેવા અનેકોએ બલિદાનો આપ્યા છે.. પણ એ વિષે ફરી ક્યારે ચર્ચા કરીશું …

તો અહીં અમેરિકામાં , બીજુ વિશ્વયુદ્ધ , કોરિયન વોર અને પછી આવી વિયેતનામ વોર. લોકો ભલે કંટાળ્યા હતાં આ બધાં યુદ્ધોથી; પણ એમાં શહાદતને વોહરેલા જવાનો , એમના કિંમતી જીવનને બિરદાવ્યે જ છૂટકો અને કબ્રસ્તાનો અને અન્ય સ્થળોએ પાળિયાઓને ,આ જવાંમર્દોને અંજલિ અર્પવાના , ત્યાં , કબર પાસે દેશનો રાષ્ટ્રધ્વજ ફરકાવી તેમને બિરદાવવાની પ્રણાલિકા શરૂ થઇ.

એકવીસમી સદીમાં યુદ્ધની સ્ટાઇલ બદલાઈ ! ન્યુયોર્કના વર્લ્ડટ્રેડ સેન્ટર પર આતંકી હુમલો થયો પછી ટેરરિઝમ વધી ગયું . સદ્દામ સાથેની ઇરાકની વોર પછી, અફઘાનિસ્તાન અને સિરિયન વોરમાં પણ અનેક જુવાનો શહીદ થયા . કેમિકલ વેપન અને આતંકવાદે સમગ્ર વિશ્વનો જાણે કે નકશો જ બદલી નાખ્યો ! પણ યુદ્ધની રીત બદલાઈ પણ શાંતિ માટે યુદ્ધની જરૂરિયાત તો ઉભી જ છે અને અસંખ્ય જુવાનો દેશની રક્ષા કાજે હથેળીમાં પોતાનો જીવ લઈને ઝઝૂમે છે. એ સૌને – જે જીવે છે તેમને બિરદાવવાનો દિવસ તે વેટરન્સ ડે; અને શહીદ થયેલ વીર સ્ત્રી પુરુષોને અંજલિ આપવાનો દિવસ તે મેમોરિયલ ડે પણ એમાં આ પિકનિક અને પાર્ટી ક્યાંથી આવ્યાં? કોઈ પૂછશે .ઉત્સવ પ્રેમી આપણે સૌ, આવી ત્રણ રજા સાથે મળે એવું વર્ષમાં પણ ભાગ્યેજ બે – ત્રણ વાર મળે- એટલે  આ દિવસોમાં પ્રવાસ કરીએ , પિકનિક અને પાર્ટી કરીએ., મોજ અને મઝા કરીએ પણ જેના થકી આ મોજ મઝા છે,  જેઓના બલિદાનોથી આ દેશ વિશ્વમાં અગ્રેસર છે તે શહીદોને અંજલિ આપવાનું જ આપણે ભૂલી જઈએ ? અને એને હૅપ્પી મેમોરિયલ ડે કહીને નવાજીએ ?એવું કેમ ?તુમ યાદ ઉન્હેં ભી કરેલો .. જો લોટકે ઘર ના આયેં ! . જો લોટકે ઘર ના આયેં !

૩૭- હકારાત્મક અભિગમ – સાલસતા -રાજુલ કૌશિક

એક સર્વ સામાન્ય માન્યતા…..

“હું જ સાચો અથવા હું જ સાચી. મારી તો ભૂલથી પણ ભૂલ ના જ હોય. મેં જે કઈ કીધું એ સમજવામાં તમારી જ ભૂલ હશે…” વગેરે વગેરે વગેરે…

આવું જ હંમેશા બનતું આવ્યું છે અને મોટાભાગે બનતું રહેવાનું છે. તો પછી આમ આદમી અને અનોખી વ્યક્તિ વચ્ચે શું ફરક ? તો ચાલો એ પણ જોઇએ..

અંગ્રેજોનું રાજ્ય હતું. એમની ગુલામીમાંથી ભારતને મુક્ત કરાવવા ગાંધીજીનો શું ફાળો હતો એ પણ સૌ જાણે છે પરંતુ ગાંધીજી અને શ્રીમતી એની બેસન્ટ વચ્ચે ક્યાંક કોઇ મુદ્દે મતભેદ રહેતા હતા એ કદાચ થોડા-ઘણા લોકો જ જાણતા હશે.

મુંબઈ ખાતે શ્રીમતી એની બેસન્ટના જન્મદિને એક સમારોહનું આયોજન થયું હતું જેના અધ્યક્ષપદે ગાંધીજીની નિમણૂંક થઈ હતી. હવે આવા અભિવાદનના સમયે સ્પષ્ટ વકતા તરીકે ગાંધીજી શું બોલશે અને એના કેવા પ્રત્યાઘાત આવશે એ જાણવાની  સ્વભાવિક રીતે સૌને અધીરાઈ હતી

ગાંધીજીએ માઇક હાથમાં લીધુ કે સભાગૃહમાં સન્નાટો છવાઈ ગયો. ગાંધીજીએ એમની એકદમ હળવી શૈલીમાં અત્યંત સાહજિકતાથી પ્રવચન શરૂ કર્યું. જેનો સાર એવો હતો કે ગાંધીજી શ્રીમતી એની બેસન્ટને ઘણા લાંબા અરસાથી જાણતા હતા અને લંડનના વિક્ટોરિયા હોલમાં એમનું પ્રવચન સાંભળ્યું ત્યારથી એની બેસન્ટ માટે એમને આદરભાવ ઉપજ્યો હતો. એની બેસન્ટ એમના માટે એક સન્માનનીય મહિલા હતા.આગળ વધીને એમણે એમ કહ્યું કે શ્રીમતી એની બેસન્ટની અગણિત સેવાઓ માટે જો એમને કંઇક કહેવાનું હોય તો એનું વર્ણન કરવા શેષનાગની જેમ હજાર જીભની જરૂર પડશે.

ગાંધીજીએ અત્યંત નિખાલસતાપૂર્વક કહ્યું હતું કે શ્રીમતી એની બેસન્ટ અને એમની વચ્ચે જે કોઇ મતભેદ હતા ત્યારે એમાં એમને પોતાની જ ભૂલ જણાઇ હતી. એમણે પોતાના વક્તવ્યને સમર્થન આપવા એક દ્રષ્ટાંત આપ્યું કે  “આપણે સૂરજ સામે ખુલ્લી આંખે ન જોઇ શકીએ તો એમાં દોષ સૂરજનો નહીં પણ આપણી આંખોનો હોય છે.આપણી કીકીઓનો હોય છે.”

સરળતા, સાલસાઈ, સલૂકાઈ,  એ જ વ્યક્તિને આમ વ્યક્તિમાંથી અનોખી બનાવે છે. અન્યનો જ માત્ર દોષ તો સૌ કોઇ શોધી શકે પરંતુ મતભેદની વચ્ચે પણ સામેની વ્યક્તિનું સૌંદર્ય પારખે એવી વિશિષ્ટતા-વિલક્ષણતા કે તટસ્થતા તો ભાગ્યેજ કોઇમાં હોય.

 

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

 

.

અવલોકન -૩૬-રિવર વોક અને બંધ બારી

       ઓસ્ટિનના સરસ મજાના રિવરવોકના લોખંડના એક બાંકડા ઉપર હું બેઠો છુ; અને મારી સામેની બધી ચહલ પહલ નિહાળી રહ્યો છું.

       સામે, નદીની પેલે પાર ડાઉન ટાઉનની ગગનચુંબી ઈમારતો ખડી  છે – કોઈક વીસ માળની, તો કો’ક ચાળીસ માળની, તો કો’ક પચાસ માળની. સૌથી ઉંચી ઈમારત પર સ્વાભાવિક રીતે બધાંની નજર પડે; તેમ મારી નજર પણ ખેંચાય છે. એની આડી અને ઉભી, બધી  બારીઓ બંધ છે – સાવ નિષ્ક્રીય અને કોઈ ચેતન વિનાની. હું એ બારીઓની પેલે પાર શું ચાલી રહ્યું છે; તે જોઈ શકતો નથી. કદાચ ત્યાં કોઈ આતરરાષ્ટ્રીય કમ્પનીનો કરોડો ડોલરનો કારોબાર ચાલી રહ્યો હશે. કો’ક માંધાતા તેની કુશાંદે ચેમ્બરમાં વૈભવશાળી ખુરશીમાં બેસી મ્હાલી રહ્યો હશે. કદાચ તેની ઘણે નીચે આવેલા પરિસરમાં સળવળતાં માનવ જંતુઓને જોઈ મૂછમાં મલકી રહ્યો હશે.

     એની આગળ નદી વહી રહી છે. એનાં પાણી હજારો વર્ષોથી આમ જ સતત  વહેતાં રહ્યાં છે. એમાં જાત જાતની અને ભાત ભાતની હોડીઓ આવન જાવન કરી રહી છે.

    નદીની મારી તરફ રિવરવોક છે. એની ઉપર જાતજાતનાં અને ભાતભાતનાં લોકો – પુરુષો, સ્ત્રીઓ, બાળકો – ચાલી, દોડી રહ્યાં છે. કોઈક ધસમસતા સાઈકલ ચલાવીને જઈ રહ્યા છે. કોઈકની સાથે જાતજાતના અને ભાતભાતના કૂતરા પણ છે.

     લોખંડનો એ બાકડો સાવ નિર્જીવ છે. એમાં કોઈ જ ચહલપહલ નથી. એ તો એમનો એમ જ, સાવ જડ અવસ્થામાં પડેલો રહેવાનો છે. એમાં કોઈ પરિવર્તનને અવકાશ નથી. હા! હું મારી કલ્પના અને વિજ્ઞાનના થોડાક જ્ઞાનને સહારે, એના અણુ અને પરમાણુમા સતત ચાલી રહેલી ગતિ  વિશે વિચારી શકું છું. પણ બાંકડો એ જાણે છે ખરો?

     મારી નજર હવે એ બાંકડાની બાજુએ આવેલ ઝાડ પર પડે છે. એની ડાળીઓ મને શીતળ છાયા આપી રહી છે. એનાં પાદડા પવનમાં ફરફરી રહ્યાં છે. એના લીલાં પાન તડકામા તપતાં શ્વસી રહ્યાં છે; વૃક્ષનો જીવનરસ સતત બનાવી રહ્યાં છે. સૂકી ભંઠ લાગતી એની ડાળીમાં ક્યાંક નવાંકુર ફૂટું ફૂટું કરી રહ્યો છે, થોડાક દીવસોમા એમાંથી કુંપળ ફૂંટશે અને નવી ડાળીનો કે કદાચ એક ફૂલની કળીનો નવો નક્કોર જન્મ થશે. પણ એ ઝાડ જોઈ શકતું નથી, સાંભળી શકતું નથી, સ્પર્શી શકતું નથી. એને કોઈ વિચાર પણ નથી આવતા. એ કશેય એક તસુ પણ  ખસી શકતું નથી. એની ચેતના બાકડાના લોખંડની ચેતનાથી થોડેક આગળ આવીને અટકી ગયેલી છે.

     ત્યાં ગળે માલિકના પટાથી બંધાયેલો એક કૂતરો દોડતો દોડતો અને મોંમાંથી જીભ બહાર લબડાવતો આવી પહોંચે છે. સ્વભાવવશ, કશીક મનગમતી ચીજને સૂંઘતો, સૂંઘતો, આમતેમ આથડતો, તે મારા  પગને પણ સૂંઘી લે છે. પણ માલિકના ઈશારાથી મને અવગણીને વિદાય લે છે. કૂતરાની ચેતના ઝાડની ચેતના કરતાં ઘણી જટિલ છે. તે જોઈ શકે છે; સાંભળી શકે છે; સૂંઘી શકે છે; ચાખી શકે છે. કરડી અને ભસી શકે છે. તે ચાલી, દોડી, કુદી પણ શકે છે. પણ તેની વિચાર શક્તિ બહુ જ સીમિત છે.

…………..

     આ બધું નિહાળતો હું કુતરા કરતાં ઘણું વધારે કરી શકું તેમ છું. મારી પાસે માણસને મળેલી મહાન દોલત – માનવ મન છે. હું ધારું તો એ બાંકડાને તોડી ફોડી, ગરમ કરી તેના પૂર્જાઓના અવનવા ઘાટ ઘડી શકું છું; તેને ભઠ્ઠીમાં ઓગાળી, તેના રસને બીબામાં ઢાળી સુંદર મૂર્તિ બનાવી શકું છું.

    હું એ ઝાડને કુહાડી વડે કાપી, તેના લાકડામાંથી આગ પેદા કરી શકું છું. અથવા એના બીજ અન્ય જગ્યાએ વાવી, એવાં અનેક ઝાડ ઘણે દૂર, નવા જ કોઈ બગીચામાં ઊગાડી શકું છું.

     હું તે કૂતરાને અથવા એના જેવા બીજા અનેક કૂતરા કે બીજાં પ્રાણીઓને પાળી, મારો માલિકી ભાવ સંતોષી શકું છું.

    ‘મારી ચેતના કૂતરાની ચેતના કરતાં અનેક ગણી ચઢિયાતી છે.’–  તેવો ગર્વ મારા મનમાં આકાર લેવા માંડે છે.

     પણ ..

એમ ન બને કે….

  • મારાથી અનેક ગણું ચઢિયાતું કોઈક હોવાપણું એવી અપ્રતિમ ચેતના ધરાવતું હોય……
    • જેના થકી એને કોઈ દેખીતા રંગ, રૂપ, આકાર કે હોવાપણાંની જરુર જ ન હોય?
    • જેને માનવ મનની કે અસ્તિત્વ/ અનસ્તિત્વની મર્યાદાઓ નડતી ન હોય?
    • જે આ બધાંયની મ્હાંયલી પા અણુએ અણુમાં વ્યાપીને રહેલું હોય?
    • જે આ બધાંયને હાલતાં, ચાલતાં, શ્વસતાં; કારણસર કે કારણ વિના, ધસમસતાં અને પ્રગટ અસ્તિત્વ વાળાં કરી દેતું હોય?

      – પચાસ માળ ઉંચે આવેલી બંધ બારીની પેલે પાર બેઠેલા, પણ મારી આંખે ન દેખાતા ઓલ્યા માંધાતાની જેમ?


 નોંધ 

     આ અવલોકન ૨૦૦૯ની સાલમાં  થઈ ગયું હતું – મારાં માનીતાં અવલોકનોમાંનું એક છે; કદાચ એ એક સ્તૂતિ છે! મૂળ જગ્યાએ એની ઘણી ચર્ચા પણ થઈ હતી. હ્યુસ્ટનના વડીલ મિત્ર શ્રી. ચિમન પટેલે (ચમન) તો એનો અનુવાદ કરવાની પણ ફરમાઈશ કરી હતી , જેથી ગુજરાતી વાંચી ન શકતો યુવાન વર્ગ એની પાછળના વિચાર અને  ભાવને માણી શકે.

આ રહ્યો એ અનુવાદ ….

      ત્યાર બાદ એના આધાર પરથી જૂન – ૨૦૧૪માં  ‘Scratch’ પર હોબી પ્રોગ્રામિંગનો એક પ્રોજેક્ટ પણ બનાવ્યો હતો. એની મદદથી બનાવેલ એનિમેશન વિડિયો …..

 

અભિવ્યક્તિ -૨૬-‘દુખડાં હરે સુખડી’ 

‘દુખડાં હરે સુખડી’

ગોળપાપડી. 766 B.C.ની આસપાસ શોધાઈ ત્યારથી આજ સુધી સતત અને સર્વત્ર રાજ કરતી મીઠાઈની મહારાણી ‘ગોળપાપડી’ના ગુણગાન ગાઈએ તેટલાં ઓછાં છે.

ઇન્દ્રદેવે માણસને પહેલીવાર આ રેસીપી સુઝાડી ત્યારે નારદે વ્યંગમાં કહ્યું’તું, ‘હે ભગવંત! આટલી સાદી મીઠાઈ માણસને ક્યાં સુધી રીઝવશે?! ત્યારે ઈન્દ્રએ વચન આપ્યું’તું કે ‘બીજી કોઈ પણ મીઠાઈની તુલનામાં આ મીઠાઈ હંમેશા મોખરે રહેશે, ગરીબ હોય કે તવંગર, ગોળપાપડી સદીઓ સુધી સૌના હૃદયમાં રાજ કરશે’. પૃથ્વીના પરિભ્રમણ દરમ્યાન લોકોને આ મીઠાઈ સુખ અને સંતોષથી માણતાં જોઇને નારદમુનિએ ગોળપાપડીને ‘સુખડી’નું હૂલામણું નામ આપ્યું!

સાહેબ, દુનિયાના કોઈ પણ ખૂણે, કોઈ પણ ક્ષણે ગોળપાપડીથી વધુ સાદી, ‘સ્પીડી’, સરળ અને સ્વાદિષ્ટ બીજી કોઈ મીઠાઈ બનતી હોય તો બતાવો, સવાલ જ નથી! ‘મેગી’ કરતાં વધુ સહેલાઈથી અને ઝડપથી બની જતી આ મીઠાઈનાં ઇન્ગ્રેડીયાનટ્સ એટલે હાથવગાં ઘઉંનો લોટ, ગોળ અને શુદ્ધ ઘી. નહીં કાજુ-કીસમીસ, નહીં કેસર બદામ. ઘીમાં ઘઉંનો લોટ શેકાયા પછી એમાં ગોળ પડે અને ગોળપાપડીની અલૌકિક સુગંધ રસોડાના ઝાળિયામાંથી ફળિયામાં પહોંચે ત્યારે ટુંટીયું વાળીને સૂતેલા કૂતરાનાં કાન પણ બે ઘડી ઊંચા થઇ જાય. અરે, એ ઘઉં, ગોળ અને શુદ્ધ ધીની સહિયારી સોડમ પાસે લસલસતા શીરાની સુગંધ પણ પાણી ભરે. હા, તાજો દેશી ઢીલો ગોળ હોય તો ઘી-ગોળની જુગલબંધી ઓર જામે.

આહા! એ ‘લોહ્યાં’માં ઘસાતા તાવિથાનો આંગણા સુધી રેલાતો ‘ધાતુધ્વની’ કોઈ હોંશની કે શુભ પ્રસંગની ચાડી ફૂંકે. એમાં પણ બહાર વરસાદના ફોરાં પાડતાં હોય ત્યારે લસોટાતી સુખડીની જેમણે સુગંધ છાતીમાં ભરી છે એનું જીવતર એળે ન જાય. કોઈ વાર ભલે જીભ પર ચોંટી જાય પણ ગરમ ગોળપાપડીની એક ચમચી મોઢામાં મૂકજો, થનગની ઉઠશો!

બાળપણમાં અમે પેંડા, શિખંડ કે બાસુંદી કો’ક જ વાર ખાવા મળતી પણ ગોળપાપડી ખાઈને તો અમે ઉછર્યા છીંએ! આહા! એ ચોસલું! એ બટકું!
બારમાસી ગોળપાપડીને નથી નડતાં કોઈ દેશ-કાળના બંધન. માળિયા હાટીનાનાં કોઈ ખેડૂતના રસોડાનાં ચૂલા પર એલ્યુમિનિયમની કડાઈમાં ઘીસોટાય કે મુંબઈમાં ‘એન્ટિલા.’ના ડિઝાઈનર કિચનની હોટ પ્લેટ પર નોનસ્ટિક વાસણમાં ખદબદે.

એક વાત તો કબૂલ કરાવી પડે કે દરેક વખતે એક સરખી ગોળપાપડી બનાવવી એટલે સાંબેલું વગાડવું. કોઈવાર મોળી તો કોઈ વાર ગલી બની જાય. કોઈ વાર સહેજ પોચી તો કોઈ વાર કડક બની જાય. કોઈ વાર કાચી રહી જાય તો કોઈ વાર લોટ વધુ શેકાઈ જાય. એક સરખી ગોળપાપડી બનાવી શકે એ સાચી અન્નપૂર્ણા. મારી ચેલેન્જ છે કે જો ગોળપાપડી બનાવવાની કૂકિંગ કોન્ટેસ્ટ થાય તો બધા જ હરીફની ગોળપાપડીના સ્વાદ અને બનાવટમાં ફેર હોય એ નક્કી.

ગોળપાપડી એટલે એક પવિત્ર મીઠાઈ. ‘કૂછ મીઠા હો જાય’ ના લિસ્ટમાં ટોપ પર જો કંઈ હોય તો ગોળપાપડી. કોઈ શુભ સમાચાર આવે એટલે ભગવાનને ઝટ ગોળપાપડી ધરાય. મહુડીની સુખડીનો પ્રસાદ લ્યો એટલે તમે પુણ્યશાળી! રામેશ્વરની જાત્રાએ જતા પરિવારના ભાતાંનાં ડબ્બા ખોલી જૂઓ તો એમાં ગોળપાપડી મળશે, શિખંડ કે લાડુ નહીં હોય. વડોદરાનો કોઈ સથવારો મળી જાય તો હોસ્ટેલમાં રહીને ભણતા દીકરાને સવિતાબેન વેરાવળથી ગોળપાપડી મોકલશે. સક્કરપારા અને ગોળપાપડીના ભરેલા ડબ્બાઓ અમદાવાદ- ન્યૂ જર્સી બોઇંગ પ્લેનમાં ઓગણત્રીસ હજાર ફીટની ઊંચાઈએ ખૂલે છે. ગોળપાપડી નૈનિતાલ અને ઊટી-કોડાઈકેનાલની સફર પણ કરે. ગોળપાપડી બનતી હોય ત્યારે ભજન ગણગણવાનું મન થાય, ફિલ્મી ગીત યાદ ન આવે, સાહેબ!

હું તો પ્રભુને પ્રાર્થના કરું કે રાય હો કે રંક, આંગણે શુભ સમાચાર આવે કે પછી ફળિયે ઝરમરઝરમર વરસાદ આવે ત્યારે એક નાની થાળીમાં ગોળપાપડી ઠારી શકાય એટલો લોટ, ગોળ અને ઘી દરેક ઘરમાં હોય!

૩૨) આવું કેમ ? રાજકુમારનું લગ્ન અધિક માસમાં ?

રાજકુમારનું લગ્ન અધિક માસમાં ?

આ વીકએન્ડમાં અમે રાજાના કુંવરના લગ્નમાં મ્હાલ્યા.  અલબત્ત , ટી .વી . માં જોઈને જ , હોં!
ઇંગ્લેન્ડની રાણીને ઘેર મોટો પ્રસંગ હતો. એના દીકરા ચાર્લ્સનો દીકરો હેરી ઘોડે ચઢે એટલે દાદીમા ઇલિઝાબેથને આનન્દ તો થાય જ ને ? અને કન્યા હતી આપણા અમેરિકાની : મેગન,  મેઘન માર્કલ.
લડંન નજીકના વિન્ડસર નામના ગામમાં ચર્ચમાં લગ્ન કરી આ નવદંપતિ વિન્ડસર મહેલમાં ગયાં ત્યારે એક લાખ લોકો તેમને જોવા ઉભાં હતાં. રાજકુમાર હેરી એના મોટાભાઈ વિલિયમ કરતા જરા વધારે બોલ્ડ એટલેકે હોશિયાર. એણે ચર્ચના પગથિયાં ઉપર નવી પરણેતર મેઘનને કીસ આપી અને પછી મોટી મસ ચાર સફેદ અશ્વની બગીમાં ગૃહ પ્રયાણ આદર્યું. લગ્ન પછી નવવધૂ મેઘન સાથે બગીમાં જાન પ્રસ્થાન થઇ ત્યારે અમે બધાંએ ગાયું: પરણ્યાં એટલે પ્યારાં લાડી , ચાલો આપણે ઘેર રે !

સાંજે દાદીમા એલિઝાબેથ અને ફિલિપ દાદાએ ગૃહ પ્રવેશ બાદ સત્કાર સમારંભ રાખ્યો હતો , જેમાં હેરી અને મેઘનને કંસાર જમાડ્યો – સોરી કેક -બીજા બધાં મિષ્ટાન સાથે કેક પણ પિરસાઈ. જોકે અમે બધાં હોંશીલાંઓએ તો ગાયું : લાડો લાડી જમે રે કંસાર , સંસાર એવો ગળ્યો લાગશે !

અને ‘અમે ઈડરિયો ઘડ જીત્યાં રે, આંનદ ભયો ‘એમ લગ્નમાં મ્હાલી આવ્યાં હોય તેમ આંનદ કર્યો.
ને આમ ગીતો ગાતાં , આનંદ માણતાં , સાંજે જ્યાં અહીંના એક મંદિરમાં ગયાં , ત્યાં અધિક માસની કથા ચાલતી હતી . મહારાજે કતરાતી આંખે અમારી સામે જોયું. અમે સૌ ઉત્સાહીઓએ ઘરચોળાં ને સેલાં , સફારી , ચુડીદાર વગેરે પહેરેલાં તેથી એ નારાજ થયા.

‘આ શું ? ‘ મહારાજે પૂછ્યું ;” આ લગ્નના કપડાં ? અધિક માસમાં તો કોઈ શુભ કામ થાય જ નહીં. લગ્ન, વાસ્તું, House warming party ,ગૃહપ્રવેશ , યજ્ઞ પૂજા , આ બધાનો આ માસમાં નિષેધ છે. આ તો મલિન , મેલો માસ છે!’

લે , કર વાત !આવું કેમ ?

“પણ આ હેરી અને મેગન , એમણે લગ્ન કર્યાં તો એમને શું અધિકમાસની કુદ્રષ્ટિ ના નડે ? “
“અરે એ તો બધાં બીજા ધરમના છે! “મહારાજે કહ્યું .
પણ એવું કેમ ?

મારુ અવળચંડુ મન પૂછતું હતું ! હું જો અધિક માસમાં House warming party કરું અને નવા ઘરમાં જાઉં તો નર્કમાં પડું પણ મારી બેનપણી ક્રિશ્ચિયન હોય તો એ મારે ત્યાં આવે, જમે અને મઝા કરે પણ એ મારી સાથે નર્કમાં ના આવે!

આવું કેમ?

આપણું લ્યુનાર કેલેન્ડર ચન્દ્રની ગતિ પ્રમાણે ઓગણત્રીસ દિવસ પાંચ કલાકનો મહિનો ગણે. સોલાર કેલેન્ડર સૂર્યની આસપાસ પૃથ્વી ફરે છે તે ઉપરથી બાર મહિના ને ૩૬૫ દિવસનું વર્ષ થાય. જયારે આપણાં લ્યુનાર કેલેન્ડરમાં દર વર્ષે પૃથ્વીને પૂરું ચક્કર પતાવવામાં થોડાક દિવસો ઘટે .. ( ઓછા પડે ) એટલે દર ૩૨ મહિના ,૧૬ દિવસે એક મહિનો આ રીતે વધારાનો મુકવો પડે. આ બધું સાયન્ટિફિક છે. દુનિયાના અમુક ધર્મોમાં ( બુદ્ધ ધર્મ માં, યહૂદી ધર્મમાં ) તેથી સૂર્ય ચન્દ્રને સાથે રાખી કેલેન્ડર રચવામાં આવે છે પણ આપણે ત્યાં આમ વધારાનો મહિનો મુકવો પડતો હોવાથી તેને આપણી સંસ્કૃતિમાં એને મલિન માસ કહે છે અને પછી પદ્મપુરાણમાં વાર્તા આવે છે તેમ એ અધિક માસ રડવા માંડ્યો. ભગવાનને દયા આવી , બીજા બાર માસને કોઈ ને કોઈ દેવ હતાં એટલે સાક્ષાત વિષ્ણુ ભગવાને એને પોતાનું નામ આપ્યું અને એ પુરુષોત્તમ માસ કહેવડાયો પણ આ માસમાં સારું કામ ના થાય માત્ર પાપ ધોવા , પ્રાયશ્ચિત કરાય , જપ તપ ઉપવાસ , ઉપાસના , સાધના ને દાન ધર્મ કરાય.

આ દાન ધર્મ, આપવું, મદદ કરવી એ બધી સારી ભાવના , પણ અસ્પૃશ્ય , મલિન વગેરે શબ્દોને તિલાંજલિ આપી હોય તો?

આજે એકવીસમી સદીમાં મેઘન માર્કલે અને પ્રિન્સ હેરીએ પહેલ કરી , વિન્ડસરના ચર્ચમાં આફ્રિકન અમેરિકન બિશપ પાદરી માયકલ કરીએ આ નવયુગલને લગ્નના શપથ લેવડાવ્યાં.

માર્ટિન લ્યુથર કિંગને અનેક વાર યાદ કરી , પ્રેમની તાકાતનો અહેસાસ કરાવ્યો. જગતની સર્વ કડીઓમાં પ્રેમની સૌથી વડી. એ સંદેશો આપ્યો અને ચર્ચના ગીતોનું સંચાલન એક સ્ત્રીએ કર્યું : ગીત ઊપડ્યું .. Stand by me !મારી સાથે રહે જે.. એક કટ્ટર રાજાશાહી રાજ મહેલમાં આ રાજ વંશની નહીં, અરે એ દેશની પણ નહીં એવી મિક્સ વંશ -જાતિની સામાન્ય છોકરી પરણીને જતી હોય અને એ કટ્ટર રાજાશાહીમાં પણ બદલાવ આવતો હોય તો આપણે તો સારા ભવિષ્ય માટે , બદલવાની તૈયારીઓ સાથે આ દેશમાં આવ્યાં છીએ  તો અધિકમાસને અધિક નૂતન દ્રષ્ટિકોણથી કેમ જોઈને વધાવી ના શકાય ? કાંઈક નવો પવન , નવો વિચાર , નવું- સારું લાવીએ તો ?તો કેવું ?આશ્ચર્ય થશે , પણ એટલા મોટા રોયલ કુટુંબમાં પણ નિયમ છે કે ઘરના વડીલ રાણી એલિઝાબેથ જ્યાં સુધી ડિનર ટેબલ પર હોય ત્યાં સુધી એમને માન આપવા કોઈએ ત્યાંથી ઉઠવાનું નહીં. એ જમવાનું શરૂ કરે પછી જ બધાએ જમવાનું શરૂ કરાય. વગેરે વગેરે કૌટુંબિક રીત રિવાજોને ઘરની બધી વ્યક્તિએ અનુસરવું પડતું હોય છે.. તો પ્રશ્ન થાય છે કે :આવું કેમ ?

કેમ આપણે આપણાં સંસ્કાર ભૂલીને નવા પવનમાં ઘરડાં વડીલોની ઉપેક્ષા કરીએ છીએ ? પાછું એને જુનવાણી કહીને હાંસી ઉડાવીએ છીએ ? આવું કેમ? અને યાદ રાખીએ કે, આ જ રૂઢિચુસ્ત રાજાશાહીએ ઘણું નવું અપનાવ્યું છે : ક્રિશ્ચ્યાનીટીમાં ડિવોર્સ માન્ય નથી પણ રાણીએ એ પણ પુત્રના હિતમાં અપનાવ્યું! જો આટલી મોટી રાજાશાહીમાં સમય પ્રમાણે ધર્મમાં પણ બદલાવ આવે અને સારી પ્રણાલીઓ ચાલુ રહેતી હોય તો આપણે પણ સારું ગ્રહી ફોતરાં જેવું કેમ ફેંકી ના દઈએ? આવું કેમ??

3૬ – હકારાત્મક અભિગમ -શ્રેષ્ઠતા-રાજુલ કૌશિક

રિક મોરેનિસ – હોલીવુડના  સૌથી ખ્યતનામ કૉમેડી કલાકારની અહીં વાત કરવી છે. રિકે ૮૦થી ૯૦ના દાયકા દરમ્યાન ઘણી યાદગાર ફિલ્મો આપી. જેમાં ઘોસ્ટબસ્ટર, હની આઇ શ્રન્ક ધ કિડ્સ, લિટલ શૉપ ઓફ હોરર, સ્પેસબોલ જેવી ફિલ્મો તો કદાચ આજે પણ ઘણાને યાદ હશે જ. હમણાં હમણાં જે કરોડ-ક્લબનો વાયરો વાયો છે એ તો કદાચ ઘણા વર્ષો પહેલા રિકે શરૂ કર્યો. ૧૯૮૬ની સાલમાં એન બેલ્સ્કી નામની રૂપકડી કૉચ્યુમ ડીઝાઇનર સાથે પ્રભુતામાં પગલાં માંડ્યા. સુખી સંસારના પરિપાકરૂપે બે સંતાનો થયા.

સંસારની સાથે રિકની કારકિર્દી પણ સફળતાના આસમાનને ચૂમતી જતી હતી પણ જ્યારે એને ખબર પડીને એનને કેન્સર છે ત્યારે  રિકનો આ સુખ નામનો પ્રદેશ આંધીમાં અટવાયો . કેન્સર સામે લડત આપીને અંતે એન ૧૯૯૭માં મૃત્યુ પામી. એ સમયે એ માત્ર ૩૫ વર્ષની આયુ ધરાવતી હતી. સ્વભાવિક છે બંને બાળકો સાવ જ નાનકડા હતા. રિકને અનુભવે સમજાયું કે સફળતાના શિખરો સર કરવા કરતાંય આ વધુ કપરા ચઢાણ છે. એક તરફ અધધ કમાણી કરાવતી કારકિર્દી પણ ટોચ પર હતી અને બીજી બાજુ નમાયા સંતાનોની ચિંતા.

આવા સમયે કદાચ કોઇ વ્યક્તિ ફરી એકવાર લગ્ન કરવાનો અને સંતાનોની જવાબદારીનો ભાર હળવો કરવાનો નિર્ણય પણ લઈ જ શકે. કોણ આવી અત્યંત સફળ કારકિર્દી સાથે સમાધાન કરવાનો વિચાર સુધ્ધાં કરે? પણ ના ! રિક તો કોઇ જુદી માટીનો જ નિકળ્યો. જે સમાજમાં લગ્ન એટલે જીવનભરનો સાથ,  એક પતિ કે એક પત્નિવ્રત જેવી કોઇ વ્યાખ્યા જ જાણતું ન હોય એવા સમાજમાં ઉછરેલા રિકે પોતાની આસમાનને ચૂમતી કારકિર્દી ત્યજીને પોતાના સંતાનો માટે ક્ષેત્રસંન્યાસ લેવાનો નિર્ણય લઈ લીધો.

એની આસપાસના વર્તુળના લોકોને, એના ચાહકોને રિકનો આ નિર્ણય તરંગી લાગ્યો. કોઇએ તો વળી એનું મગજ ચસકી ગયું  હશે એવું ય વિચારી લીધું. પણ રિકના નિર્ણયમાં કોઇ ફરક ના પડ્યો. મોટાભાગે લોકોના જીવનમાં ઘટતી ઘટનાઓને અનુલક્ષીને કોઇ ચોક્કસ સમાધાન કરવા પડતા હોય કે નિર્ણય તો લેવા જ પડતા હોય છે અને સાવ સામાન્ય રીતે વિચારીએ તો રિક જેવો નિર્ણય લેવાનું તો કોઇ ભાગ્યેજ વિચારે પરંતુ એણે પોતાની કારકિર્દીની તુલનામાં પોતાનો પરિવાર અને સંતાનોને વધુ મહત્વના માન્યા.

સંતાનો ઘેર આવે ત્યારે નૅની કે કેર-ટેકરના બદલે પ્રેમાળ પિતાની હાજરી હોય, ઘરનું સંગીતમય વાતાવરણ હોય અને સંતાનો માટે વ્હાલથી તૈયાર કરેલી રસોઇ હોય એવા પ્રસન્ન ઘરની કલ્પના તો કરી જુવો !  રિકે આ બધું જ કર્યું . આવા સ્નેહાળ રિકે એક આદર્શ પિતાની એક નવી જ ઇમેજ પ્રસ્થાપિત કરી.

હા! સાથે સાથે એણે પોતાનું સત્વ પણ જાળવી રાખ્યું. આ વર્ષો દરમ્યાન એણે પોતાના બે આલ્બ્મ બહાર પાડ્યા.ક્યારેક રેડિયો પર પણ પોતાનો અવાજ આપ્યો પરંતુ ૧૯૯૭ સુધી એ રૂપેરી પરદા પર દેખા ના જ દીધી.

એને જ્યારે પૂછવામાં આવ્યું કે ક્યારેય એને પોતાની આ સર્જનાત્મક પ્રવૃત્તિથી દૂર રહેવા માટે અફસોસ અનુભવ્યો છે ખરો?

રિકે ખુબ સરસ જવાબ આપ્યો, “ હું ક્યારેય સર્જનાત્મક પ્રવૃત્તિથી દૂર થયો જ નહોતો. મેં મારી સઘળી સર્જનાત્મકતાને મારા ઘર, મારા બાળકો તરફ વાળી. હું ક્યારેય બદલાયો જ નથી માત્ર મેં મારું ફોકસ બદલ્યું છે.”

જ્યારે સંતાનોની જવાબદારી હળવી થઈ ત્યારે ફરી એકવાર ૨૦૧૭થી ફરી એણે એની કારકિર્દીની બીજી ઇનિંગ શરૂ કરી અને તે પણ એક એવી વ્યક્તિ માટે કે જેનું જીવન કરોડરજ્જૂની ઇજાના લીધે પેરેલિસિસથી  સ્થગિત થઈ ગયું હતું.

આપણે હંમેશા રિકને એક અદ્ભૂત કલાકાર તરીકે યાદ રાખીશું પણ એના સંતાનો તો એને એક અદ્ભૂત પિતા તરીકે યાદ રાખશે . રિકને એના આ નિર્ણય માટે ક્યારેય રતિભાર પણ અફસોસ થયો જ નથી.

અહીં વાત સફળ વ્યક્તિ કે  વ્યક્તિની સફળતાના બદલે કરવી છે એના સમર્પણની, એની શ્રેષ્ઠતાની.

વ્યક્તિ કોઇપણ ક્ષેત્રમાં હોય કે સંસારમાં હોય એનું સમર્પણ જો સો ટચના સોના જેવું હશે તો એ કોઇપણ સ્થાને એની શ્રેષ્ઠતા સિધ્ધ કરી જ શકવાની છે. શાન, શૌકત તો વ્યક્તિની સંલગ્નતા સાથે જ સંકળાયેલા છે. દરેક વ્યક્તિનું કોઇ નિશ્ચિત સ્થાન હોય છે. જરૂર છે એ સ્થાનને પોતાની સંલગ્નતા કે સમર્પણથી શોભાવાની. જેના ફાળે જે જવાબદારી આવી છે એ જવાબદારીમાં સાંગોપાંગ ખરા ઉતરવાની.

 

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

 

 

ગુજરાત ગૌરવ દિવસ (Gujarat Day) – May, 2018

ગુજરાત ગૌરવ દિવસ નિમિતે દર વર્ષની જેમ આ વર્ષે પણ બે એરિયા ના ગુજરાતીઓએ ગુજરાતી  ભાષાને, ગૌરવવંતા ગુજરાતીઓને, અને ગુજરાતી સાહિત્ય, કલા અને કલાકારોને એક સુંદર કાર્યક્રમમાં વણીને ખુબજ સુંદર કાર્યક્રમ રજુ કર્યો તે માટે સહુ પ્રસ્થિત મહાનુભાવોનો અને સાથીઓનો આભાર. . શ્રી સુરેશમામા મામી, માનનીય પ્રતાપભાઈ, રમાબેન, મનીષાબેન અને નરેન્દ્રભાઈ જેવા મહાનુભાવોના સહકાર અને પ્રોત્સાહન વગર તેમજ રઘુભાઇ, કલ્પનાબેન, રાજેશભાઈ વગેરે પ્રેણનાપૂરક કાર્યકર્તાઓ વગર શક્યજ નથી અને તેમને ખુબ ખુબ અંતરથી બે એરિયાના બધાજ ગુજરાતીઓ વતી ખુબ ખુબ આભાર.

વધુ અહીં વાંચો ……

via ગુજરાત ગૌરવ દિવસ (Gujarat Day) – May, 2018

 

ગુજરાત ગૌરવ દિનની ઉજવણી -તરુલતાબેન મહેતા

પરદેશમાં  આપણા મલકની સોડમ-ગુજરાત ગૌરવ દિવસ   

13મી મે  રવિવારે  2018ના ગુજરાત ગૌરવ દિનની ઉજવણીમાં મિલપિટાસ આઈ.સી સી ના હોલમાં  ‘જય જય ગરવી ગુજરાત’નું અરૂણ પ્રભાત દીપી  ઊઠ્યું હતું!  તેમાં ભળી મધર્સ’ ડે ની મધુરતા . મોટી સંખ્યામાં ગુજરાતપ્રેમીઓ  સજીધજીને ગુજરાત દિનની ઉજવણીમાં ભાગ લેવા આવ્યા હતા. ‘છેલ છબીલા ‘નર નારીઓ આનન્દને હિલ્લોળે ઝૂલતાં હતાં .‘ચોળી,ચણિયો ને પાટલીનો ઘેર અને  આગળ શોભતા છેડાવાળી ગુજરાતી સાડીમાં ઉલ્લાસમાં ગુજરાતણો   ઘુમતી હતી. માનો છેડલો એટલે અજંપાનું ઓસડ .

ગુજરાત ગૌરવ દિવસ  બે એરિયાની  ગુજરાતી સમાજ  નોર્ધન કેલિફોર્નિયાના નેજા હેઠળ ખરો પણ  અનેક સંસ્થાઓ તથા ગુજરાતીઓના સહકારથી અમેરિકામાં ઉત્સાહપૂર્વક ઉજવાયો. આપણી  માતૃભૂમિ ગુજરાતી ,માતૃભાષા ગુજરાતી અને સાંસ્કૃતિક વારસાના  જતન અને વિસ્તારના  શુભપ્રસંગની સાંસ્કુતિક ઉજવણી બેવડા આનંદથી થઈ.  સૌએ પોતાની જન્મદાત્રી  જનની પ્રત્યેના પ્રેમ અને ઋણને  ‘મધરસ’ ડે ‘થી નવાજ્યો.તેથી સોનામાં સુગંધ ભળી.હોલની બહાર રસિયા ગુજરાતીઓના હાથમાં ગરમ ચા -કોફીના પ્યાલાની સુગંધ આવતી હતી તો હોલની અંદર   સાંસ્કૃતિક  અવસરની  મહેક    હતી. “અમેં  સૌ  ગુજરાતી છીએ,સાકર સરખા મીઠા સૌ જન સાથે હળીએ મળીએ હળવે હસતા હસતા.’ (પદમાબેન કનુભાઈ શાહ )આપણને વારસામાં સાંસ્કૃતિક ,ધાર્મિક ,આધ્યાત્મિક પરંપરા  સહજ રીતે મળે છે.સંસ્કુતિ ,ભાષા -સાહિત્ય અને સંસ્કાર માતાના ગર્ભમાંથી બાળકના  લોહીમાં એકરૂપ થાય છે , હાલરડાંનું  મીઠું ગૂંજન હર પળે તેના જીવનમાં  વહ્યા કરે છે, તેની ઉજવણી દિવાળી જેવા ઉત્સાહથી થઈ તે ગુજરાતના ગૌરવને વધારે છે .ભીના કંઠે ગાવાનું મન થઈ જાય ‘ગુજરાત મોરી મોરી રે ‘. આવડી વિશાળ પુથ્વી પર એક મુલકને મારો કહીએ ત્યારે કેટલું પોતીકું લાગે છે! પરદેશમાં  મુલકની સોડમ  લઈ ફરીએ ત્યારે એક આગવો ગુજરાતી મૂડ હોય છે.બે ગુજરાતી મળે તો મેળો અને ગુજરાત ગૌરવ દિન ભેગાં મળી ઉજવીએ ત્યારે  તો દિવાળી જેવા માનીતા બધા ય  અવસરોની એકસાથે ધૂમ મચી જાય.

 હદયના છલકતા  ઊર્મિહિલોળથી સઁચાલકો અને કલાકરોએ સાચા અર્થમાં ગુજરાતની ગરિમાનું સન્માન કર્યું છે.’ગુજરાત ગૌરવદિન’ની ઉજવણી નિમિતે તૈયાર કરેલ ‘સંભારણાં ‘ નામક સ્મરણિકા  (સોવિનયર ) માહિતીસભર અને મનોરંજક છે.અનેક મહાનુભાવોના સંદેશા ,જૂની રંગભૂમિનો ઇતિહાસ ,તે જમાનાના કલાકારોની  નાટક પ્રત્યેની જીવનભરની મહેનત અને ત્યાગનું જીવંત ચિત્ર તેમાં છે.ભૂલી વિસરી જૂની રંગભૂમિને અપાયેલી આ અંજલિ યાદગાર બની રહેશે. ‘ભાંગવાડી ભલે સમયની નજરે ભાંગ્યું  પણ તેનું પ્રદાન ગુજરાતી નાટકમાં સદાય સ્મરણીય રહેશે. જૂની રંગભૂમિના ગીતોનો આસ્વાદ અને અન્ય માહિતીપૂર્ણ લેખો સોવિનયરને પ્રસંશનીય  બનાવે છે.સંભારણાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનારા બે-એરિયાના મોંઘેરા કલાકારોના સુંદર ફોટા  સોવિનિયરની શોભા તો છે જ પણ એથી વધુ અત્રે વસતા ગુજરાતી સમાજની  પ્રતિષ્ઠા છે.ભારતની બહાર વસતા આ કલાકરોની  સાધના અને રિયાઝને સલામ!  ગુજરાત ગૌરવ દિને સન્માન પ્રાપ્ત કરતા  ગર્વીલા ગુજરાતીઓના ફોટા જોઈ કહેવું જોઈએ:

‘પુરૂષાર્થને પ્રેમ કરે સાહસથી સીંચે માટી ,ખમીરવંતી છાતી લઈ જે જીવે એ ગુજરાતી (હિતેન આનંદપરા) રસતરસ્યા ગુજરાતીઓ માટે  કાર્યક્રમની શરૂઆત થઈ . ઉત્સાહથી છલકાતાં ,સુંદર ગુજરાતી સાડીમાં શોભતાં કલ્પનાબેન રધુના મધુર સ્વરે સરસ્વતી વંદના થઈ . કાર્યક્રમના આયોજક અને સંચાલક પ્રજ્ઞાબેને  ગુજરાતી સુંદર સાડીમાં માઈક્ને સંભાળ્યું. ખૂલ્લાદિલે હસીને સૌનુ સ્વાગત કર્યું ને પ્રેક્ષકોમાં ઉલ્લાસ પ્રસરી ગયો.ત્યારપછી નોર્ધન કેલિફોર્નિયા ગુજરાતી સમાજના સહ સૂત્રધાર સુરેશભાઈ પટેલે  (લાડીલું નામ મામા ) ગુજરાતીઓને પાનો ચઢે તેવું સરળ પણ સચોટ સંબોધન કર્યું .તેમણે બે એરિયા ગુજરાતી સમાજ નોર્ધન કેલિફોર્નિયા ગુજરાતી સમાજની ચાર પ્રતિભાઓની સન્માનવિધિ કરી.

આજના અતિથિ વિશેષ પુસ્તકપરબના પ્રણેતા શ્રી ડો.પ્રતાપભાઈ પંડ્યા, શ્રી ચન્દ્રકાન્તભાઈ પટેલ,શ્રી નરેન્દ્રભાઈ પાઠક તથા લેખિકા જયશ્રીબેન મર્ચન્ટને તેમણે સમાજમાં આપેલા યોગદાન માટે સન્માનિત કરી સૌ ગુજરાતીઓએ ગર્વની ભાવના અનુભવી.તેમનો પરિચય આપનારા વક્તાઓ રાજેશભાઈ શાહ ,દર્શનાબેન નાડકર્ણી તથા કલ્પનાબેન રઘુએ સુંદર કામગિરી બજાવી. બેઠકની બહેનો જયવંતીબેન,ઉષાબેન ,જ્યોત્સ્નાબેન તથા કલ્પનાબેનના હસ્તે મહેમાનોને ફૂલગુચ્છ અર્પિત થયા.શ્રી નરેદ્રભાઈ પાઠક દ્રારા સેનેટ  તરફથી  બે એરિયામાં ગુજરાતી સમાજની વિશેષ સેવા કરતા ગુજરાતની અસ્મિતાને બળ આપવાની સાંસ્કૃતિક પ્રવુતિ કરતાં પ્રજ્ઞાબેન,કલ્પનાબેન  રધુ તથા રાજેશભાઈનું સર્ટિફિકેટ આપી સન્માન થયું.

સ્ટેજનું જૂની ગુજરાતી રઁગભૂમિની યાદ આપતું , કલાવારસાને અનુરૂપ નયનરમ્ય સુશોભન ગમી ગયું. (જેનો શ્રેય ખ્યાતીબેન ને જાય છે.)તેમાં ય બે એરિયાના કોકિલકંઠી માધવીબેન મહેતાની સૂત્રધાર જેવી કોમેન્ટ્રીમાં સાદ આપતા ,પૂર્તિ કરતાં   હાસ્યના ખજાનચી પ્રજ્ઞાબેનની જુગલબંધી એવી જામી કે પ્રેક્ષકોનો આજનો દિવસ સાર્થક થઈ ગયો. જૂની રંગભૂમિ પર બનતું તેવું સહજ વાતાવરણ તેઓએ વાતચીત કરતાં હોય તેવા સંવાદો દ્રારા જીવંત કર્યું.

રંગભૂમિને  માટે નાટ્કો લખતા ઊચ્ચ કોટિના  લેખકોની નિષ્ઠા ,લગન અને ત્યાગની ભાવનાનો પરિચય નાટ્યમય શેલીમાં  આપવાનું   કઠિન કામ જીવંત સંવાદો દ્રવારા  -અભિનયપૂર્વક  માધવીબેન ,પ્રજ્ઞાબેન અને અન્ય કલાકારોએ અદભુત કર્યું છે.તે દેશી નાટકોના મૂળ સ્વરૂપને સદેહે કરવાનું બીડું બે એરિયાના ગાયકો,સંગીતકારો અને કલાકારોએ પ્રેક્ષકોના દિલને જીતી પાર પાડયું છે.સોને મારાં અભિનન્દન. જૂની રંગભૂમિના તેજસ્વી સિતારાઓની  ઓળખનો   ક્રમબદ્ધ ઇતિહાસ ઊંડા સંશોધન ,વાચન પછી થયો હશે ! શુદ્ધ ગુજરાતી ઉચ્ચારો। લકેકાઓ અને રણકાર મારા કર્ણપટલને આનન્દ આપતા હતા. હે, અમેરિકામાં વસતા ગુજરાતી ગાયકો અને કલાકારો તમે માતૃભાષા અને કલાને  મુઠ્ઠી ઊંચેરી કરી છે.ધન્યવાદ !

રઘુનાથ  બ્રમભટ્ટ ,પ્રભુલાલ દ્રિવેદી, મૂળશકર  મુલાણી ..લાંબી યાદીમાં કોઈ વિસરાયું નથી. જૂની રંગભૂમિની ઓળખ  પારસીઓના નાટકો વિના કેમ અપાય ? સ્ટેજ પર પારસી વેશભૂષામાં 
પારસી બોલી બોલતું યુગલ (દર્શનાબેન -નરેન્દ્રભાઈ) પ્રેક્ષકોને આનન્દ આપી ગયું અને પારસી  નાટકોની ઓળખ કરાવી.હાસ્યરસથી ભરપૂર પારસી નાટકો જોવા એક લહાવો હતો.

જૂની રંગભૂમિના ગીતો લોકોના દિલ પર છવાયાં હતાં . ‘મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા ‘ ,ઝટ જાઓ ચંદનહાર હાર લાવો. જેવાં અનેક ગીતો   રેડિયો ,ટીવી. કે બીજા કોઈપણ સાધન વિના લોકોને કંઠસ્થ હતાં . ગલીએ ,પોળે, ચોરે ચૌટે હોંશથી લોકો મસ્તીમાં ગાતા.આ ગીતોમાં કવિતા હતી.ગાયકી-સંગીત હતું ,લહેકા અને લટકા ,પ્રેમ ને રિસામણાં ,મીઠાં મહેણાં -ટોણાં ,હાસ્ય અને કરુણતા હતી.સૌને મોખરે નાટકના ભાગરૂપે અભિનેય હતાં .આજના ચલચિત્રોમાં ગાયનો ક્યારેક વસ્તુને અનુરૂપ ના પણ હોય !

બે એરિયા સંગીતજ્ઞ મધુરકંઠી ગાયકો માધવી-અસીમ  મહેતા ,આણલ -અચલ અંજારિયા ,હેતલ જાગીરદાર ,પ્રજ્ઞાબેન વગેરેએ ખૂલ્લા ગળે આ ગીતોને અભિનયથી ગાયાં।  સ્ટેજ પર હરતાં  ,નાચતાં દ્રશ્યરૂપે કર્યાં .  દરેક ગીતોમાં તે સમયના વેશ પહેરેલા અભિનેતા અને અભિનેત્રીઓએ એવું સુંદર નૃત્ય ,ગરબા ,નાટક કર્યું કે તાળીઓના ગડગડાટથી ‘વન્સ મોર ‘ થયું.ગીતા-સુભાષ ભટ્ટનું રોમેન્ટિક ગીત તથા ઝટ  લાવોનો પ્રજ્ઞાબેનનો ઝટકો અને સૌ કલાકારોની કલા અને શ્રમને જેટલી દાદ આપીએ તેટલી ઓછી છે !

માસ્ટર ફૂલમણી-સ્ક્રીપ્ટ નો શ્રેય શ્રી ચંદ્રકાંતભાઈ શાહ ને જાય છે.

.જૂની રંગભૂમિ અને આ ક્રાર્યક્રમ જેના વિના અધૂરા  છે,તેવા જયશન્કર  સુંદરીના  સ્ત્રી પાત્રના અભિનયને ‘વાહ’ કહેવું પડે બીજી વાર ‘વાહ ‘સૌભાગ્ય સુંદરી ‘નાટકના લેખક મૂળશન્કર મુલાણીના અભિ નયને રજૂ કરનાર શરદભાઈ દાદભાવાલાને અને સુંદરીનું પાત્ર ભજવનાર બે એરિયાના કલાકાર અંબરીશ દામાણીને નવાજવા પડે.’મોહે પનઘટ  ગીતને ‘ લટકાથી રજૂ  કર્યું। અન્ય સૌ કલાકારો પારુલ, મિતિ પટેલ ,મોનીક ધારિયા,નરેન્દ્ર શાહ,વિકાસ સાલવી ,પરિમલ ઝવેરી,દિવ્યા શાહ સૌને ખૂબ  અભિનન્દન.

 

પ્રત્યેક સ્વંયસેવક ,કલાકાર,આયોજકોની મહેનત કાર્યક્રમમાં રંગ લાવી તેને યાદગાર બનાવ્યો છે.’બેઠક’માં  અને આ કાર્યક્રમમાં ઉત્સાહથી રાતદિવસ મહેનત કરનાર સંચાલિકા,લેખિકા,ગાયિકા અને અભિનેત્રી પ્રજ્ઞાબેન દાદભાવાલાને ધન્ય છે. રાજેશભાઈની આભારવિધિ બદલ આભાર.બે એરિયાના ગુજરાતીઓને ગુજરાત દેશે પહોંચાડનાર તમે જ છો .અંતે લંચ બોક્સમાં શ્રીંખડ -પૂરીની સાથે જૂની  રંગભૂમિના ગીતોનો રસથાળ લઈ પસન્ન  થઈ સૌ ગયા ..  ‘આવતા વર્ષે પધારજો ‘.  આવનાર અનેક ગુજરાત ગૌરવ દિન ઉજવતા રહીએ તેવી શુભકામના !

જય ગુર્જરદેશ ,જય ભારત

હું વિશ્વ માનવી બનું તેવી અભ્યર્થના

તરૂલતા મહેતા 17 મે 2018

(આ બધા ફોટાનો શ્રેય  રઘુભાઈ શાહ ને જાય છે.)