About Rajul Kaushik

“Languages create relation and understanding” Rajul Kaushik Mother Tongue: Gujarati. Free Lance Column Writer: Gujarati Newspaper and Magazines. Reviews on Film, Drama and Cultural function, Articles on women empowerment. Contact: rajul54@yahoo.com Mobile:508 581 0342 Related Websites: https://rajul54.wordpress.com/ https://www.facebook.com/rajulshah1954

૧ – સદાબહાર સૂર-પ્રસ્તાવના- રાજુલ કૌશિક

પ્રિય વાચક મિત્રો,

૨૦૨૦ની સાલનું બસ હમણાં જ શરૂ થયેલું નવું વર્ષ સૌના જીવનમાં એક નવી આશા, નવા લક્ષ્ય અને એ નિર્ધારિત લક્ષ્યને આંબવાનું અનેરુ જોશ લઈને આવ્યું છે.  …..એ લક્ષ્ય સિદ્ધ થાય એવી સૌને દિલથી શુભેચ્છા.

છેલ્લા બે વર્ષથી આપણે ‘બેઠક’ના ઉપક્રમે એકમેકને મળતા અને ગમતા રહેવાનો સરસ મઝાનો અભિગમ આપનાવ્યો છે. દરેક પાસે પોતાનો એક વિષય છે, પોતાની અભિવ્યક્તિ છે અને સૌની એ અભિવ્યક્તિને આપણે સૌએ બિરદાવી છે, વધાવી છે.

આમ તો એમ કહેવાય છે કે જે પાછળ છૂટી ગયું છે અથવા જે ભૂતકાળ પાછળ છૂટી ગયો છે એને વળી વળીને પાછી નજર માંડીને જોવાના બદલે દ્રષ્ટિ ભાવિ તરફ રાખવી એ સફળતાની સાચી કેડી તરફ આગળ વધવાની નિશાની છે પણ ભૂતકાળના મીઠ્ઠા સંસ્મરણો વાગોળવા તો કોને નથી ગમતા? આજે હુ પણ એક મીટ ગત વર્ષ પર માંડુ છું અને મારા ‘કવિતા શબ્દોની સરિતા’ના એ લેખો અને એ લેખને આપ સૌએ જે રીતે વધાવ્યા એની યાદ આવે છે તો મનમાં ઉમંગની છોળ તો ઉઠે જ છે.

એક સવારે જ્યારે પ્રજ્ઞાબેને ‘કવિતા શબ્દોની સરિતા’ વિષય પર વિચારવાનું ,લખવાનું કહ્યું ત્યારે પદ્યના ઊંડાણને સમજવાની, એમાંથી જીવનના અર્થ-અર્ક પામવાની તક સમજીને એ સૂચન સ્વીકારી લીધું હતું જેનો આજે ય એટલો જ આનંદ છે કે એક નવા વિષયને અનોખી રીતે સમજવાની એમાં જે વાત હતી એ સાચે જ અત્યંત મઝાની હતી અને એ ‘કવિતા શબ્દોની સરિતા’ સફર પણ સાચે જ અત્યંત મઝાની રહી.

‘કવિતા શબ્દોની સરિતા’ના સમાપન સમયે મેં એક વાત એ પણ કહી હતી કે એ એક વહેણ હતું, જેના રસ્તા-વળાંકો બદલાશે આપણે નહીં. આપણે તો મળતા જ રહીશું. કોઈ અન્ય સફરે, કોઈ અન્ય મુકામે અને સાથે એ પણ કહ્યું હતું કે આપણી હવેની સફરનું નિમિત્ત ફરી કોઈ કવિ કે લેખકનું સર્જન જ હોવાનું કારણ કે આપણા જીવનમાં કવિતાઓ જે રીતે વણાયેલી છે એ તો આપણા અંત સુધી ય સાથે જ રહેવાની છે, સાથે જ વહેવાની છે.

પણ આ કવિતા એટલે શું? જેમાં પ્રાસ હોય એ? જેને લય, છંદમાં બાંધી હોય એ કવિતા? તો પછી અછાંદસ કવિતા એટલે શું? શ્રી સિતાંશુ યશશ્ચંદ્ર કહે છે એમ કવિતાના ત્રણ પ્રકાર, છાંદસ, અછાંદસ અને ગીત-ગઝલ.

અછાંદસ અને છાંદસ કવિતા વચ્ચેના તફાવત વિશે એક સરસ વાત સાંભળી હતી. એક થાળીમાં સરસ મઝાના રંગબેરંગી ફૂલો મૂક્યા હોય તો ય એ ફૂલો સરસ તો જ લાગવાના પણ એ જ ફૂલોને એક માળામાં સરસ રીતે પોરવીને એની વેણી બનાવી હોય તો વધુ શોભી ઉઠે ને? કદાચ અછાંદસ અને છાંદસ કવિતા વચ્ચે ય આ જ ફરક હોવાનો.

કવિતાઓ ય વાંચવી સાંભળવી તો ગમે જ છે પણ એને ય જો સૂર અને તાલમાં ઢાળવામાં આવે તો એ વધુ કર્ણપ્રિય બની જાય. કવિતામાં ગીતનો લહેકો ભળે, સંગીત ભળે તો? સરસ મઝાના સૂરતાલમાં ગવાતું ગીત સાંભળીને તો કોઈપણ ઝૂમી ઉઠે ને? કદાચ સાથે સાથે ગણગણી પણ ઉઠે. અંગ્રેજ કવિ જહોન કિટસે કવિતા માટે કહ્યું છે કે,” The poetry comes out naturaly as leaves come to a tree.” કોઈ વૃક્ષમાં કૂંપળ એકાએક ફૂટી નીકળે તે રીતે અચાનક કવિતાનો છોડ કવિના મનમાં અને હ્રદયમાં ઊગે નિકળે છે.”

કવિતા જો વૃક્ષ પર એકાએક ફૂટી નીકળેલી કૂંપળ હોય તો ગીત એ કૂંપળને ફૂલમાં પરિવર્તિત થવા જેવી સુંદર ઘટના જ તો…જેને મધુર સ્વરોમાં ગાઈ શકાય એવી તાલબધ્ધ, સુંદર કર્ણપ્રિય શબ્દરચના એટલે ગીત.

ગીત સંગીતના પણ કેટલા પ્રકારો? સામાન્ય રીતે પ્રચલિત કહી શકાય એવા સુગમ સંગીત, શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત. એમાં આ સુગમ ગીત-સંગીત માટે તો કહેવાય છે કે એ ભારતીય સંગીત વિદ્યાનું એક એવું અંગ છે જેને નિયમોથી બાંધવામાં ન આવ્યું હોય, જે લોકોમાં પ્રિય હોય અને દરેક એક જણ પણ નિરાંતે ગાઈ શકે.

આવતી કાલનો સૂર્ય ઉત્તરો ઉત્તર ઉત્તર તરફ ઢળીને દિવસને વધુ ઉજાસમય બનાવતો જાય એવી રીતે આપણા મનને વધુ ઉજાસમય, ઉર્જાવાન, આંદોલિત બનાવતા આપણા ગીત-સંગીત જીવનના અવિભાજ્ય અંગ તો ખરા જ ને?

હવે જે વાત કરવી છે એ આવા જ તન-મનને તરંગિત કરી મુકે એવા ગીતો અને ગીતકારની છે. મારા-તમારા-સૌના મનમાં વસેલા અને ઘર ઘરને ગૂંજતુ કરનાર ગીતકારની છે. આપણા જીવનના દર એક શુભ મંગલ પ્રસંગને યાદ કરીએ તો મનમાં એક સૂરીલા ગીતનો ગુંજારવ તો ઉઠે જ ને?  

તો બસ મળીએ સાવ નજીકના સમયમાં એક નવા સૂર-તાલ સાથે.

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

૮ -કવિતા શબ્દોની સરિતાની સ્મૃતિ-રાજુલ કૌશિક

તાજેતરમાં જ કોમ્યૂટર સાયન્સમાં માસ્ટર્સ ડીગ્રી લઈને જોબ શોધતા હણહણતા વછેરાની વાત છે. એક સાથે દુનિયાભરમાં ડંકો વગાડતી એમેઝોન, માઇક્રોસોફ્ટ અને ગુગલ એમ ત્રણે કંપનીઓમાંથી ઇન્ટરવ્યુ આવ્યા અને એની કાબેલિયતના બળે એને ત્રણે કંપનીમાંથી જોબ ઓફર પણ મળી.. કેટલા આનંદ, કેટલા ગૌરવની વાત ! સ્વભાવિક છે. આજે આવી કેટલીય આઇ.ટી.કંપનીઓ છે જેમાં ગણ્યા ગણાય નહી એટલા કોમ્પ્યૂટર એક્સપર્ટ્સ કામ કરતા હશે.

આ સિવાય ફેસબુક, વ્હોટ્સ એપ જેવી અનેક માતબર કંપનીઓએ વિશ્વભરના લોકોને પોતાની મુઠ્ઠીમાં કરી લીધા છે.

હર સવાલો કા જવાબ ગુગલ…સવારે ઉઠવાથી માંડીને રાત્રે ઉંઘવા સુધીની સમસ્યાઓના હલ ગુગલ ગુરુ/ ગુગલ મહારાજ પાસે મળી જ જાય.- જય ગુગલદેવ….

ગુગલની વાત તો આજે ઘેર ઘેર ગવાવા માંડી છે પણ આજથી લગભગ ૧૨ વર્ષ પહેલાની એટલે કે ૨૦૦૭ની વાત છે. એ સમયે મણીરત્નમની ધીરુભાઈ અંબાણીની બાયોપિક -ફિલ્મ ગુરુ રજૂ થઈ હતી. હજુ તો ગુરુ વિશે જરા વાત જ કરતા હતા અને એક આઇ.ટી ફિલ્ડના ટેક્નૉસાવીએ માત્ર બે મિનિટમાં ગુરુ ફિલ્મ અને ધીરુભાઈ અંબાણીની આખેઆખી કુંડળી વાંચી સંભળાવી. અમે તો અચંબિત કારણકે એ સમયે આ ગુગલ નામના જાદુગરને આપણે એટલા ક્યાં જાણતા હતા?

આજે તો ક્યાં જવું છે થી માંડીને શું ખાવું છે, કેવી રીતે બનાવવું છે એનો ચપટી ભરતામાં ઉકેલ મળી જાય છે. અમેરિકામાં કે અન્ય દેશોમાં પણ દાદી-નાની વગર ઉછરતા બાળકોના દાદી-નાની પણ ગુગલદેવી જ બની ગયા છે.

ના, આજે આ ટેક્નોલૉજિ વિરુધ્ધ કોઈ વાત નથી કરવી કારણકે એનાથી થકી જ તો આપણે પણ એકબીજાથી  એટલા નિકટ છીએ ને? આજે વાત કરવી છે પરિવર્તનની. છેલ્લા લેખના અનુસંધાનમાં સ્તો… પ્રકૃતિ જેટલી સ્વભાવિકતાથી પુનરાવર્તન અને પરિવર્તન સ્વીકારી લે છે એવી જ સ્વભાવિકતાથી આપણે પણ પુનરાવર્તન અને પરિવર્તન સાથે અનુસંધાન મેળવી લેવાનું છે.

હમણાં થોડા દિવસ પહેલા એક એવા સમાચાર વાંચ્યા કે લોકમિલાપ પુસ્તક ભંડાર ૨૦૨૦ના જાન્યુઆરીમાં બંધ થઈ રહ્યો છે અને તે પણ આપણા પ્રજાસત્તાક દિન એટલે કે ૨૬મી જાન્યુઆરીએ.

આ તો આપણા જુના અને જાણીતા એક માત્ર પુસ્તક ભંડારની વાત છે પણ આપણી જાણ બહાર કેટલાય આવા પુસ્તક ભંડાર બંધ થઈ ગયા હશે. કોને સમય છે આજે પુસ્તક ભંડાર તરફ દોટ મુકવાનો? ઘેર બેઠા પગ લંબાવીને ફિલ્મ જોવા મળતી હોય તો થિયેટર સુધી ય કોણ લાંબુ થાય છે?

અરે! જ્યાં નેટ પર કંઈ કેટલીય વાંચન સામગ્રી હાથવગી હોય અને વળી પાછી એને કિંડલમાં ડાઉન લોડ કરી શકાતી હોય ત્યાં કોને આવો સમય આપવાનું મન થાય ?

હશે આ પરિવર્તન પણ સ્વીકારવું જ રહ્યું. આપણે પણ એમાંના એક બનવું જ રહ્યું. ત્યારે ગત વર્ષના વિશ્વ પુસ્તકદિને લખેલી વાતના સંદર્ભમાં રાજેશ વ્યાસ મિસ્કિન લિખિત એક કવિતા આજે ફરી યાદ આવી ગઈ…

પુસ્તક મિત્ર છે આપણા એકાંતનું,
તે વડીલ છે, સંસ્કારનું.
તે ભવિષ્ય છે આપણાં બાળકનું.

પુસ્તક અંધકારમાં દીવો લઈને
ઊભું હોય છે અજવાળું પાથરવા.

અને જીવનમાં જ્યારે ભૂલા પડો છો
ત્યારે તેનાં વાક્યો અને પંક્તિઓ
તમને રસ્તો બતાવે છે.

જ્યારે શ્રદ્ધા ડગી જાય,
મન થાકી જાય, હૈયુ હારી જાય ત્યારે
નિર્જિવ લાગતાં પુસ્તકનાં પાનાંઓ
તમારામાં પ્રાણ પૂરે છે.

પુસ્તક દીવાદાંડી છે
પુસ્તક બહાર અને
ભીતર જોડાતો સેતુ છે.

પુસ્તક વિનાનો માણસ ફરી પાછો કોઈ આરંભકાળનો
આદિવાસી બની જાય તે પહેલા ચાલો,
પુસ્તકના જગતમાં પ્રવેશ કરીએ.

પણ હવે ક્યાં એવું પુસ્તક જગત મળશે જ્યાં આપણાં જેવા વાચકોનો મેળો હોય? પુસ્તકની સાથે મન પણ વંચાતા હોય. એક સારું, મનગમતું પુસ્તક લાયબ્રેરીમાંથી મળી જાય એ દિવસ તો ઉત્સવ બની જાય.

એનો અર્થ એ નથી કે હવે કોઈ કશું વાંચતું નથી. વંચાય છે અઢળક વંચાય છે અને વાચક વર્ગ પણ વિસ્તરતો જાય છે કારણકે એને વાંચવા માટે ક્યાંય જવું પડતું નથી. ઘેર બેઠા ગંગા છે બસ એમાંથી આચમની ભરી લેવાની છે.

શક્ય છે ભવિષ્યમાં એક હતો રાજાની જેમ એક હતું પુસ્તક ભંડાર એવું કહેવાશે? તો તો એનો અર્થ એ કે આપણા માટે આજ સુધી દીવાદાંડી બની રહેલા, બહાર અને ભીતરને જોડતા સેતુ સમાન પુસ્તકનો ઈતિહાસ ભૂતકાળ બની જશે? જો કે લોકમિલાપના સંચાલકો તો કહે છે કે દરેક પ્રારંભનો અંતિમ પડાવ તો આવતો જ હોય છે. આપણે પણ એવી જે ખેલદિલીપૂર્વક આ વાત સ્વીકારવી જ રહી ને? પણ ના,  હવે એક વાત અહીંથી થોડી જુદી અને રાજી થવાની પણ સાંભળી કે શ્રી ઝવેરચંદ મેઘાણીના પુસ્તકો પ્લે-સ્ટોર પરથી મળશે જેમાં શ્રી મેઘાણીના પ્રખ્યાત પુસ્તકોનો સમાવેશ જોયો.. જો એક ૭૦ વર્ષ જુની સંસ્કૃતિ નવિનતા અપનાવી શકતી હોય તો આપણે ય ટેક્નોલૉજિમાં આવતા પરિવર્તનને મોકળા મને સ્વીકારવું રહ્યું ને? સમય સાથે તાલ તો મેળવવો જ રહ્યો ને?   

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

૭ -કવિતા શબ્દોની સરિતાની સ્મૃતિ-રાજુલ કૌશિક

આ ડીસેમ્બર તો આવ્યો…જોત જોતામાં ૨૦૧૯નું શરૂ થયેલું વર્ષ પણ પૂર્ણતાના આરે આવીને ઉભુ. ક્યારેક એવું લાગે છે કે સમય જાણે આગળ ખસતો જ નથી અને ક્યારેક પસાર થઈ ગયેલા સમય વિશે વિચારી તો એમ લાગે કે અરે! આ હમણાં તો વર્ષ શરૂ થયું અને એટલામાં પુરુ પણ થવા આવ્યુ? કેટલીય ક્ષણો આપણામાં તાજગી ભરતી ગઈ, કેટલીય ક્ષણો વ્યથા આપતી ગઈ પણ આ ક્ષણોનો સરવાળો એટલે જ તો સમય અને સમય એટલે શું? એ તો નિરાકાર છે.એને આપણે ક્યાં જોઈએ છીએ કે પકડી શકીએ છીએ ? એ તો એના પગલાની ય છાપ ક્યાં મુકતો જાય છે કે ભીંતે થાપા દેતો જાય છે અને છતાંય એના પસાર થઈ ગયાની અસર કે અનુભૂતિ તો આપણા મન પર આપણા જીવન પર છોડતો જ જાય છે ને?
ક્યારેક એમ લાગે કે સમય તો મુઠ્ઠીમાં ભરેલી રેતે, ગમે એટલો પકડવા મથો, ગમે એટલો સાચવવા મથો પણ એ તો બંધ મુઠ્ઠીમાંથી પણ સરતો જ જાય. ક્યારેક એવું પણ લાગે કે સમય સ્થિર થઈ ગયો છે. જડ થઈ ગયો છે. એને આગળ ધકેલવા મથો તો પણ જાણે ચસોચસ બારણા ભીડીને એ બેસી ગયો છે. એની સ્થિરતા, એની જડતા આપણને અકળાવનારી પણ બની જાય. આવા વહી ગયેલા સમય પર સરસરતી નજર નાખીએ તો કોણ જાણે કેટલીય યાદો મન છલકાવતી પણ જાય.
દર વર્ષની જેમ નોર્થ અમેરિકામાં સ્નૉએ પોતાનું સામ્રાજ્ય સ્થાપવાના શ્રીગણેશ કરી દીધા છે. થોડા સમય પહેલાના લીલાછમ દેખાતા વૃક્ષોએ અવનવા રંગો ધારણ કરીને પોતાના પીંછા પણ ખેરવી લીધા અને જોતજોતામાં સફેદી ધારણ કરીને બેસી ગયા, જાણે શ્વેત  કેશી- જટાધારી-લાંબી દાઢી ધરાવતા કોઈ પૂજનીય તપસ્વી..

આ કુદરત પણ કેટલી સરળ અને સ્વાભાવિક છે નહીં? જ્યારે જે પરિસ્થિતિ હોય એ તરત અપનાવીને એમાં એકરૂપ થઈ જતા જરાય વાર લાગે છે?

આપણે એવા છીએ ખરા? આપણામાં એટલી સ્વભાવિકતા છે ખરી કે આવશે ખરી?

હજુ ગઈ કાલની જ વાત છે. એક શબ્દ રોટેશન… અને એના વિશે અમારી વચ્ચે ચર્ચા ચાલી. આ રોટેશન એટલે શું? ચક્રમેનિકમ-ચક્રના આરાનો ક્રમ, પુનરાવર્તન..કુદરતનું પણ એક વણથંભ્યુ ચક્રમેનિકમ છે. સતત, નિરંતર, અવિરત ચાલ્યા જ કરે છે.પ્રકૃતિના તમામ તત્વોને પણ આ ઘટમાળ, આ પુનરાવર્તન મંજૂર જ હશે ને એટલે તો એ દરેક મોસમમાં, બદલાતી ઋતુના રંગમાં આસાનીથી ઢળી જાય છે. વસંતમાં પુલકિત થઈને મહોરી ઉઠતી પ્રકૃતિ વર્ષામાં વહી જવામાં ય બાધ નથી રાખતી તો ઉનાળાની ધોમધખતી ગરમીને ય સહી લે છે. ઠંડીમાં ય એ એટલી જ સ્થિતપ્રજ્ઞ….. અને આપણે?

આપણે આ ચક્રના આરાની જેમ જીવાતા જીવનના એકધારા ક્રમથી, પુનરાવર્તનથી ય ખુશ નથી કે પરિવર્તનથી ય રાજી ક્યાં હોઈએ છીએ? કરવું શું? આપણે તો હંમેશા સમય સાથે વહેવાના બદલે સમય આપણને અનુકૂળ થાય તો કેવું એની કલ્પનામાં રાચીએ છીએ.

એક ક્ષણ પણ એવો વિચાર નથી આવતો કે આ પુનરાવર્તન કે પરિવર્તન જે કંઈ છે એ આપણા હાથમાં તો નથી જ તો શા માટે આ ક્ષણ જે આપણી છે એને જ આનંદથી જીવી લઈએ? પ્રકૃતિની જેમ સહજતાથી ઢળી જઈએ?

ગત વર્ષના ‘કવિતા શબ્દોની સરિતા’ના એક લેખના સંદર્ભમાં પ્રજ્ઞાબેને કૉમેન્ટમાં એક સમજવા જેવી વાત લખી હતી એ આજે યાદ આવી…

બળી જશે લાકડા, ઠરી જશે રાખ, તારી ખુમારી તારી પાસે રાખ.

જીવી લે જીંદગી, મોજ મસ્તીની, તારી અકડ તારી પાસે રાખ.

રોપી દે પ્રેમનું તરુ, હેતનું ખાતર એમાં નાખ.

ઉગશે ફળ, મધ ભરેલું, વિશ્વાસના હોઠે એને ચાખ.

પૈસો કાંઈ બધુ જ નથી, માનવતાની બનાવ શાખ.

દરિયો બનશે કદી તોફાની, ધીરજની નાવ તું હાંક.

ખુલ્લી આંખે તું દુનિયા જુવે, ક્યારેક તો ભીતરે તું ઝાંખ.

હારની શરણે ના થા, આપી છે તને હોંસલાની બે પાંખ,

શ્વાસ આપ્યા પણ જીવે નહીં એમાં ઈશ્વરનો શું વાંક……..

અહીં જીવવા ખાતર જીવવાની નહીં પણ આનંદથી જીવવાની વાત છે. પ્રકૃતિની જેમ કોઈ ભાર વગર, આનંદથી એકરૂપ થઈને જીવવાની વાત છે.

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

૬ – કવિતા શબ્દોની સરિતા સાથે સ્વાનુભવની સ્મૃતિ-રાજુલ કૌશિક

આપણા તહેવારોની ઉજવણી પૂર્ણ થઈ અને આ આવ્યા અમેરિકન તહેવારોના દિવસો.. આપણી અને એમની તહેવારોની ઉજવણીમાં થોડુંઘણું ય સામ્ય તો છે જ.. આપણા તહેવારોમાં ઈશ્વર તરફની કૃતજ્ઞતાનો ભાવ ભારોભાર હોય એમ પાશ્ચાત્ય સંસ્કૃતિમાં પણ એ લોકો ઈશ્વરે આપેલા આનંદની ક્ષણો માટે પરમતત્વનો આભાર માનવાનું ચૂકતા નથી. પરિવાર સાથે પરંપરાગત ઉજવણીની સામ્યતા તો પૂર્વ અને પશ્ચિમ બંને સંસ્કૃતિમાં જોવા મળે છે.

અહીં નોર્થ અમેરિકા તરફનું વાતાવરણ ઠંડુગાર થવા માંડ્યુ છે, ઉનાળામાં જે સમય બપોરનો કહેવાય એવા સમયે તો સાંજ અંધારુ ઓઢીને આથમતી જાય છે પણ હા! મોટા મોટા સ્ટોર તો ઝળહળ ઝળહળ કારણ હવે આવશે ખરો સમય જ્યારે એકબીજા માટેના સ્નેહના પ્રતિકરૂપી ભેટ આપવાનો. આભારની લાગણી વ્યકત કરવાનો. આવા આયાસોમાં આનંદ તો ભળેલો જ હોય ને? જીવનની ઘટમાળમાં આવા અવસરોથી બીબાઢાળ જીવનમાં નવા રંગનો ઉમેરો થાય છે એ વાત પણ સાચી પણ જીવનની ઘટમાળ ક્યાં એક સરખી ચાલતી હોય છે. આજે આનંદ તો કાલે અફસોસની લાગણીઓના ચક્રવાત આપણા જીવનમાં ઉઠતા જ હોય છે. વર્ષમાં ઋતુચક્ર પણ ફરતું જ રહેતું હોય છે. આજે અસહ્ય ગરમી તો કાલે હદથી વધુ ઠંડી, ક્યારેક વરસાદનું મદહોશ કરતું વાતાવરણ તો ક્યારેક એવું વાવાઝોડુ કે સઘળું ખેદાનમેદાન…..

આ બદલાતી મોસમ સાથે આપણો પણ બદલાતો મિજાજ, સમય સાથે બદલાતા સંબંધો આ બધું આપણે ધીરે ધીરે કોઠે પાડતા જ જવું પડે છે અને સમય સાથે વહેતા રહેવું પડે છે પણ પળવાર માટે થોભીને વિચારીએ તો થાય છે કે ખરેખર એમ ટાઢા કોઠે જીવાય છે ખરું? ઘણીવાર એવું બને કે જેની સાથે આપણે કશું જ લાગે વળગતું નથી તેમ છતાં ઘણી બધી એવી ઘટનાઓ આપણને હચમચાવી મુકે છે.

બસ આવું જ કંઇક મારી સાથે બન્યું. બરાબર આ જ સમયગાળો હતો, આવું જ ટાઠકડું ઉદાસ વાતાવરણ, પ્રકૃતિમાં છવાયેલો સન્નાટો, ખરી પડેલા પાનના લીધે સૂકા-નિર્જીવ જાણે જીવનલીલા સંકેલી લીધી હોય એવા લાગતા વૃક્ષોની સાથે જાણે આપણી ચેતના પણ ઠરી ના ગઈ હોય? અને મન ઉદાસ થવા માંડ્યુ. કારણ વિચારતા લાગ્યું કે એક સૂર ખુટે છે. એ દિવસોમાં સવારના ઉઠતાની સાથે સંભળાતો એ રુસ્ટરનો અવાજ થોડા સમયથી નહોતો સંભળાતો. મન જાણે અજાણે કોઇપણ સૂરીલા તાર સાથે આપોઆપ જોડાઈ જ જતું હોય છે. આ થેન્ક્સગિવિંગના એ સમયગાળા દરમ્યાન હંમેશા ઉગતી સવાર સાથે એ સૂર જાણે  ખુટતો હતો.

એ ખૂટતા સ્વરનું કારણ કોઈએ કહ્યું એ મુજબ થેન્ક્સ ગિવિંગના ડિનર સાથે સંકળાયેલું હતું. મન સાચે જ ખુબ ઉદાસ થઈ ગયું હતું અને યાદ આવ્યા હતા કોમળ હ્રદયના કવિ કલાપી. પંખી પર અજાણતા જ પથરો ફેંકાઈ ગયો હતો. પંખી ઘવાયું હતું એમ નહોતું તેમ છતાં કવિને જે દુઃખ થયું હતું એવી જ કોઈ લાગણી મનને ઘેરી વળી હતી.

સમય સાથે દુઃખની વાત પણ વિસારે પડતી જ હશે કારણકે દુઃખનું ઓસડ દહાડા. જરૂરી નથી દરેક સમયે દુઃખની લાગણી આપણા પોતાના લોકો સાથે જ સંકળાયેલી હોય. હ્યદયમાં જો જરા જેટલી સંવેદનશીલતા હોય તો એ પારકાની પીડા પણ પોતે અનુભવે છે. આ તો એક એવા અબોલ જીવની પીડાની વાત હતી પણ એની સાથે જ હેવાનિયતનો ભોગ બનેલી અસહ્ય શારીરિક અને માનસિક પીડાના લીધે કારમી ચીસો પાડતી નિર્ભયા પણ યાદ આવી ગઈ હતી. હજુ તો નિર્ભયાની વાત લખાય છે અને હૈદરાબાદની ડૉક્ટર પ્રિયંકા રેડ્ડી પર નિર્દયી અપકૃત્ય અને હત્યાના સમાચારોની કાગારોળ મચી છે. ક્યાં જઈને અટક્શે આ?

જેમની કારમી ચીસો સંભળાતી નથી પણ એવી ચીસો વગર પણ કરૂણા ઉપજે એવું જીવન ગુજારતા ગુઝારિશ’ ફિલ્મના ઇથાન માસ્કરન્સની જેમ ક્વાડ્રિયાપ્લેજિક જેવી અસાધ્ય શારીરિક પરિસ્થિતિ એક હદથી વણસી જાય એવી બીમારીથી પીડાતા હોય એવા મા-દિકરી, જેમને કોઈને આધાર નથી એવા વૃદ્ધ દંપતિ , કે.ઈ.એમ હોસ્પિટલની અરૂણા શાનબાગ પણ સાગમટે યાદ આવ્યા હતા અને મનમાંથી ફળફળતા નિસાસા નિકળી ગયા હતા.

જ્યારે આપણે કોઈનું ય દુઃખ નિવારવા કે ઓછું કરવા માટે કે એમના માટે કશું કરવાને શક્તિમાન નથી  હોતા ત્યારે એ લાચારી ય આપણને હચમચાવી મુકે એવી હોય છે.

યાદ માત્ર સુખની ક્ષણો પુરતી જ નથી હોતી ,દુઃખની ક્ષણો પણ વિસારે નથી પડાતી. સુખની ક્ષણો ચોકલેટ જેવી હોય છે જેને મમળાવી ગમે છે અને દુઃખની યાદ કડવી દવા જેવી હોય છે જેને આપણે બને એટલી ઝડપથી ગળી જવા માંગતા હોઈએ છીએ પણ પુરતા પ્રયત્ન છતાં એની કડવાશ ક્યાં ઓછી થતી હોય છે ?

ગત વર્ષમાં સુખની સાથે આવી કડવી ક્ષણોની ય યાદ તો આવી  જ હતી જેનો વિચાર આવતા  આજે પણ મન એટલું જ ક્ષુબ્ધ બની જાય છે. મન છે ને ભાઈ, સાચું-ખોટું, સારુ- નરસું સઘળું ય સાચવ્યા કરે. સમય જતાં એ યાદ ઝાંખી થતી જાય પણ સાવ ભૂલવી શક્ય નથી જ તો વળી……

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

સંવેદનાના પડઘાની ભીતરમાં- ૪

નેશનલ એવોર્ડ મળેલ હેલ્લારો પીક્ચર જોવા ગયા. થીએટરની બહાર જ “વાગ્યો રે ઢોલ ભાઈ વાગ્યો રે ઢોલ મારા મીઠાનાં રણમાં વાગ્યો રે ઢોલ “ પર કચ્છી ચણિયાચોળી પહેરી મારી સખીઓ ગરબા કરતી હતી. ગુજરાતી પીક્ચર જોવા ગયેલા અને થીએટર તો હાઉસફૂલ.બેઠકનાં સૌ મિત્રો તો ખરાજ પણ બેએરિયાની બધીજ સંગીતની અને સાહિત્યની સંસ્થાના આપણા જ આપ્તજનો તેમજ વૈષ્ણવ મંદિરમાં આવતા પ્રિયજનો ,સમજોને આખા થીએટરમાં આપણો ગુજરાતી પરિવાર. જાણે આપણા દેશમાં જ ન આવી ગયા હોય તેવો મહોલ! ગુજરાતી ભાષાનું ,ગુજરાતી નિકટનાં સૌ મિત્રો સાથે સર્વશ્રેષ્ઠ નેશનલ સિનેમા જોતા અને કચ્છ-ખાવડાની ધરતીની વાત માણતા વતનની માટીની સુગંધ ન આવે તો જ નવાઈ?ભલેને આપણે સૌ અમેરિકામાં રહીએ પણ આવું કંઈક જોઈએ એટલે વતન ઝૂરાપો તો થાય જ ને?


હમણાંજ અમેરિકન સિટીઝન થયાં એટલે ભારત જવા માટે વીઝાની એપ્લીકેશન કરી ,ભારત જવા વીઝા લેવાના હતા. એક જોરદાર નિસાસો નંખાઈ ગયો.મારા જ દેશમાં જવા માટે મારે પરવાનગી લેવાની?આંખ જરા ઝળહળાં થઈ ગઈ.ફરી એકવાર “ભૂલું ના એક ક્ષણ તુઝે”વાર્તા લખી હતી તે જ સમયની સંવેદનાએ મનને ઘેરો ઘાલ્યો.

દેશપ્રેમ એક એવી સંવેદના છે કે તે દેશમાંજ હોઈએ તેના કરતાં દેશથી દૂર હોઈએ ત્યારે વધુ અનુભવાય. એટલેજ દેશ કરતાં પણ અમેરિકામાં આપણાં બધાંજ તહેવારો અને પ્રસંગો આપણે વધુ ઉત્સાહથી ઊજવીએ છીએ.
સંવેદનાના પડઘાની સફરમાં આ દેશદાઝને અનુભવતી જુદી જુદી સંવેદનાની રજૂઆત થઈ તેની ચોંટ દૂર દૂર સુધીના અમેરિકાના અને ભારતના લોકોને પણ લાગી. “ભૂલું ના એક ક્ષણ તુઝે” વાર્તાને ખૂબ સુંદરપ્રતિભાવ મળ્યા.

વડીલ સુરેશભાઈ જાનીએ લખ્યું વાત તો સાચી જ છે. દેશમાંથીઅહીં આવી નાગરિક બનતી વખતની આપણી સૌની સંવેદનાને બહુ જ સરસ વાચા આપી.અંગત સંજોગોને કારણે આપણેn દેશ ત્યાગ કરવો પડે, બીજે નાગરિક થવું પડે –એ નિયતિ છે. પણ દિલમાં ઘરેણાંની જેમ સાચવી રાખેલા સંસ્કારોને ન વિસરીએ એ નીતિ છે.નિયતિ અને નીતિ બન્નેનો પૂર્ણપ્રેમથી સ્વીકાર – એ જીવન જીવવાની કળા છે.


તો રાજુલે કીધું,
જિગિષા,આજે પ્રસંગને અનુરૂપ જે વાત લખી છે એ સીધી જ દિલથી અનુભવેલી હોય એવી રીતે આલેખી છે અને એ લગભગ સૌના મનની જ વાત છે.સમય અને સંજોગોના લીધે કે પરિવારની માયામાં લપેટાયેલા જે કોઈ અહીં આવ્યા પણ મૂળીયા તો વતનમાં જ ને?એટલે એ ક્યારેક પણ મન પાછું એ તરફ ખેંચાયા વગર રહે ?દિલની વાત દિલ સુધી પહોંચે એટલી સરસ રીતે મુકી છે.


આ વાર્તા વાંચી વોટ્સ અપ પર પણ અનેક પ્રતિભાવ મળ્યા .મારાં કુટુંબીજનો અને ભાઈબહેનને પણ વાર્તા ખૂબ ગમી અને તેમણે તેમના મિત્રવૃંદને આગળ મોકલી.તેમાં મારી બહેનનાં મિત્ર અશ્વિનભાઈ સુપ્રિમ કોર્ટના જજ તેમણે જ્યારે મને મેસેજ કર્યો ત્યારે ખરેખર હું ખૂબ ખુશ થઈ ગઈ અને હું મારી સંવેદનાથી લોકોના હ્રદયને ભીંજવી શંકુ છું તેનો અનુભવ કર્યો.


મોદીજીની ૨૦૧૯ની બીજીવારની ચુંટણીમાં જીતના આનંદ સાથે લખાયેલ “સૌગંધ મુંજે ઈસ મિટ્ટી કી” લેખ અને આતંકવાદી હુમલામાં એકસાથે પુલવામામાં શહીદ થયેલા સૈનિકોની હ્રદયને હલાવી દેતી વેદના સાથે લખાએલ” અમર વો નવ જવાઁ હોગા” લેખ મારી અંદર ઘરબાએલ મારા દેશપ્રેમની જ પ્રતિતી છે.અને એટલે જ આજે પણ મોદીજી આપણા દેશના એક અદના પ્રધાનમંત્રી કેમ છે? તેને લગતો લેખ લખ્યો છે તે અહીં પ્રસ્તુત કરું છું.સૌ જરુર વાંચજો અને વાત સાચી લાગે તો જરુર ફોરવર્ડ કરજો જેથી વધુમાં વધુ લોકોને આ જાણકારી મળે.આ દૂર રહીને કરેલી દેશસેવા જ છે.


મોદીજી જ કેમ???

મોદીજીની વાત આવે એટલે તેમનાં વિરોધીઓ હમેશાં મોદીના ભક્તો વિરુદ્ધ બળાપા કાઢતા મેં સોશ્યલ મિડીયા પર અનેક વાર વાંચેલા અને સાંભળેલા.સામાન્ય જ્ઞાન ધરાવતા અને ગાડરીયા પ્રવાહ સાથે વહેતા લોકો વિશે આપણો અભિપ્રાય પૂરતી જાણકારી વગર ન અપાય. એવામાં ભારતથી કૌટિલ્ય જેવી વિચક્ષણ બુધ્ધિવાળા એક ઉદ્યોગપતિ અમારે ઘેર રહેવા આવ્યા.રાત્રે અમે પરિવાર સાથે બેઠા હતા તો બીજા સમાચાર સાથે મને મારા દેશની પણ સત્ય હકીકત અને સમાચાર જાણવા હતા.


આ એવી વ્યકિત હતી જેને ના ભાજપ સાથે કંઈ લેવાદેવા હતી કે ન આર.એસ.એસ સાથે.મેં પત્રકારની અદાથી તેમને પૂછ્યું કે મોદીજી અંગે આપનું શું કહેવું છે?

તેમણે કીધું “આજ સુધી આપણા દેશને આવો નેતા ખરેખર નથી મળ્યેા.


મેં કીધું મોદીજી તો Gst લાવ્યા તેથી બધાંને ડબલ ટેક્સ આપવો પડે છે એવી ફરિયાદ લોકો કરે છે.તેમણે કીધું ”દેશવાસીઓને રસ્તા સારા જોઈએ છે.બધી સગવડો વિદેશ જેવી જોઈએ છે અને ટેકસ નથી ભરવો તે કેમ ચાલે? “અને તેમણે મોદીજીએ દેશ માટે આમ જનતા ન જાણતી હોય તેવી અનેક જાણકારી આપી.તેમણે જે કીધું તે મને લોકો સુધી પહોંચાડવા જેવું લાગ્યું.

તેમણે કીધું “જે મોટી કંપનીઓના કરોડોમાં નફા થતા હોય તેમને તેમનો ટેકસ ભર્યા પછી તેમની કમાણીના બે ટકા સરકાર કહે ત્યાં દાન કરવાનું. તેમાં ગામડાઓમાં સ્કૂલ,કોલેજ,હોસ્પિટલ માટે જેવા અનેક ઓપ્શન સરકાર આપે.આ શું ગરીબ-તવંગરના ભેદને સરસ રીતે ઓછા કરવાની જ રીત નથી? ૪૦૦ કરોડનો નફો કરતી કંપનીએ ટેકસ ભર્યા પછી તેના બે ટકા એટલે કે આઠ કરોડનું ફરજિયાત સરકારની સુચવેલ યાદી મુજબ દાન કરવાનું.પોતાના દીકરાની શાળામાં દાન ન કરી શકે! “

આગળ વાત વધારતા તેમણે કીધુ,
“મોટી-નાની કંપનીઓએ ટેકસ ઓનલાઈન ભરવાનો તેથી વકીલોના ડીપાર્ટમેન્ટમાં જવાના ધક્કા બચ્યાં અને અમદાવાદની કંપનીનું એસએસમેન્ટ કોચીનમાં ઓનલાઈન ઓફીસર કરતો હોય તેથી
અમારે અમદાવાદના ઓફીસરોને જે લાંચ આપવી પડતી હતી ત્યારે ઈન્કમટેક્ષનાં કેસ પતતા હતા તે મગજમારી ગઈ અને ટેક્સના ભરેલા વધારાના TDS ના પૈસા પણ મહિનામાં પાછા આવી જાયછે.એટલે જેને સાચું કરવું છે તેને તો મોદીથી કોઈ તકલીફ જ નથી.”

પછી તેમણે કીધું કે હમણાં તે ચારધામ ગયા હતા ટેક્સીવાળા અને ત્યાંની ગરીબ પ્રજા બધા કહે છે કે મોદીજીએ ઉત્તરભારતનાં રસ્તા એટલા સરસ કરી દીધા છે કે ટેકસીવાળાઓને અને નાનામોટા ધંધા કરવાવાળાને ખૂબ રોજીરોટી મળે છે.ઉપરાંત મોદી વિરોધીઓ કહે કે મોદી હિમાલયમાં આવીને રહ્યા એ પબ્લીસીટી સ્ટંટ છે ત્યારે પેલા ગરીબ ડ્રાઈવરે કીધું કે મોદીજી આવીને ગયા પછી એટલા બધા પ્રવાસી આવે છે કે અમારો ધંધો સો ટકા વધ્યો છે.એ તો હિમાલય પ્રવાસના અમારા એમ્બેસેડર બની ગયા.

આટલી વાત ચાલતી હતીને ત્યાંજ અમારા મહેમાનના પત્ની બોલ્યાં” સફાઈ અભિયાન એટલું સરસ ચાલુ કર્યું છે કે પ્લાસ્ટીકના ઉપયોગ પર પ્રતિબંધ મુક્યો એના લીધે બધાં કપડાંની થેલીઓ વાપરતા થયા,પ્લાસ્ટિકના ડબ્બા નાસ્તા માટે અને રેસ્ટોરન્ટનાં ખાવાના માટે મળતા તે અને પ્લાસ્ટિકની પાણીની બોટલો બંધ થઈ ગઈ .અડધો કચરો તો આમ જ સાફ થઈ ગયો. ગાયો પ્લાસ્ટિક ખાતી બંધ થઈ તે વધારામાં.”

આ ઉપરાંત ટ્રાફીકનાં નિયમો એવા કર્યા કે રાત્રે બે વાગે અમેરિકાની જેમ અમદાવાદનો યુવાન લાલ લાઇટ પર ઊભા રહે છે.અને જીબ્રા ક્રાેસીંગની સફેદ લાઇનને ગાડી અડી ન જાય તેનું દયાન રાખે.દારુ પીને ગાડી ચલાવે તો યુવાનની સાથે રહેતા માતપિતા પણ જવાબદાર ગણાય.આ બધું ભારત દેશમાં થાય તે માત્ર અને માત્ર મોદીજીને જ આભારી છે.

ત્યાંજ અમારા મહેમાનભાઈ બોલ્યા” બીજી એક વાત કહું જેનો વિચાર અત્યાર સુધીના કોઈ પ્રધાનમંત્રીને આવ્યો નથી.તેમની કંપનીને હમણાં જ વેપાર ક્ષેત્રે એક એવોર્ડ મળ્યો.તેમણે કીધું “મારી અડસઠ વર્ષની ઉંમરમાં મારી કંપનીને અનેક એવોર્ડ મળ્યા છે તેમાં એવોર્ડ તરીકે હમેશાં તાજમહેલ મળતો.એના બદલે આ વખતે સરદારનું સ્ટેચ્યું ઓફ યુનિટી મળ્યું.હું એટલો ખુશ થયો કે આવા વિચાર તો માત્ર મોદીજીને જ આવે.”

પછી ઉત્સાહમાં આવીને કહે “હું મારા કામથી દેશ-વિદેશમાં સતત ફરતો હોઉં છું. દીલ્હીનાં ,મુંબઈના,અમદાવાદના એરપોર્ટ જુઓ …..બહેન દિલ્હીના એરપોર્ટ પર ખમણ ઢોકળાં મળે.
અરે ! હમણાં અમદાવાદના એરપોર્ટ પર નવરાત્રિમાં ઉતર્યા તો સ્વર્ણીમ્ ગુજરાતનું એરપોર્ટ પર નવરાત્રિના સુંદર રાસ-ગરબા,ચાંલ્લા અને હાર પહેરાવી યાત્રિકોનું સ્વાગત જોઈ આનંદથી ગદગદ થઈ ગયો અને મન
મ્હોરી ઊઠ્યું ને બોલી ગયું વાહ વાહ મોદી….”

મને કહે, ” ક્યારેક પાણીનું આછું પાતળું વહેણા તો ક્યારેક સાવ સૂકી ભઠ્ઠ બની જતી સાબરમતીના બદલે રીવરફ્રન્ટ અને કાંકરીયાના નઝારાએ તો અમદાવાદની સિકલ બદલી નાંખી છે.અરે !સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે તેમના વિરોધીઓ બોલવા ખાતર કંઈપણ બોલતા હતા કે તેની આજુબાજુનાં લોકોની જમીન લઈ લીધી વગેરે …….પણ સાચીવાત તો એ છે કેઆજુબાજુનાં ગામના લોકોને અનેક પ્રવાસીઓને લીધે એટલી રોજગારી મળી છે કે આખા વિસ્તારના લોકોને કામ મળ્યું છે ને વિસ્તારનો સુંદર વિકાસ થયો છે.”

“માત્ર ગુજરાત જ નહીં દરેકે દરેક રાજ્યનાં અને દેશના નાનામાં નાના માણસ અને ગામડા પર તેમનું ધ્યાન છે.કાશ્મીરમાં ૩૭૦ના કાયદાની નાબૂદી તો ઉત્તરભારતનાં હિમાચલ પ્રદેશના રસ્તાઓ ,ગંગા જેવી નદીઓની સફાઈ તો દ્વારકા,સોમનાથ,કેદારનાથના મંદિરોની તો સિકલ જ બદલાઈ ગઈ.પરદેશનાં સંબંધોની સુધારણા સાથે જે તે દેશની દરેક સારી વસ્તુ જોઈને આપણા દેશમાં પણ તેને અપનાવવાના પ્રયત્ન કર્યા.વિધવા ,સિનીયર સિટીઝન,નારી સુરક્ષા અને દીકરીઓના ભણતરના કાયદા અને ફાયદા પણ ખૂબ સરાહનીય છે.”

તેમનું છેલ્લું વાક્ય મનને અડી ગયું.”અત્યાર સુધી આટલા પ્રધાનમંત્રીઓ આવ્યા છે પણ દેશના વિકાસ માટે મોદીજીએ દરેક ક્ષેત્રે દરેક રાજ્યમાં દરેક વ્યક્તિ માટે જે અગણિત કાયદા અને સુધારા કર્યા છે તે હજુ સુધી કોઈએ કર્યા નથી.અને મોદીજી પણ ભગવાન તો છે નહી.તેમની કોઈ ક્ષતિ હોય તો પણ જેણે દેશની અંદર અને વિદેશમાં ભારતની સિકલ જ બદલી નાંખી તો તેમની કોઈ નાની ક્ષતિ હોય તો માફ છે અમારે માટે અને ભક્તો માટે જય મોદીજી.તેમના વિરોધીઓને જે કહેવું હોય તે કહે -પૂંઠ તો પાદશાહની

જિગીષા દિલીપ પટેલ

 

૫ -કવિતા શબ્દોની સરિતા સાથે સ્વાનુભવની સ્મૃતિઓ-રાજુલ કૌશિક

એકાવન સપ્તાહ એટલે કે એક વર્ષ….

આ આખું વર્ષ સાવ અલગ અલગ અનુભૂતિ લઈને આવ્યું અને સાવ અનેરી અનુભૂતિ સાથે પસાર થયું. સમય સાથે કેટલાક સંબંધો તાજા થયા. જીવનમાં કેટલાક સંબંધો લોહીના તો કેટલાક લાગણીના. આવા કેટલાક સાવ પરિચિત સંબંધોની નોખી અનોખી રીત વિશે વાત થઈ.

કેટલાક એવા સંબંધો જેના તાણાવાણા અત્યંત નાજુક હોવા છતાં રેશમના કીડાનું જતન કરતાં કોશેટા કરતાંય મજબૂત, આપણા જન્મની સાથે જન્મેલા અને જોડાયેલા લોહીની સગાઈની સાથે લાગણીથી જોડાયેલા સહોદરના સંબંધોની વાત થઈ.

જ્યારે જ્યારે પ્રણયની વાત આવે, વેલેન્ટાઇન્સ ડે આવે ત્યારે ત્યારે પ્રણયનો ઇતિહાસ રચનાર, પ્રણયના ઇતિહાસમાં પોતાનું નામ કાયમ કરનાર, એના બ્રાન્ડ ઍમ્બૅસેડર જેવા રાધા-કૃષ્ણની વાત થઈ. આમ તો એમના વિશેની વાતો તો અખૂટ જ છે ને?

આજે પરણીને કાલે પસ્તાયા હોય એવા યુગલની પણ વાત થઈ અને સાથે છેલ્લા શ્વાસ સુધી અત્યંત પ્રેમપૂર્વક સાથ નિભાવનાર, સપ્તપદીમાં હાથમાં હાથ લઈને અગ્નિની સાક્ષીએ ફેરા ફરીને જીવનના અંત સુધી કરચલીવાળા હાથની મુલાયમતા માણતા, દોસ્ત જેવી દિકરીની હાજરીથી લીલીછમ ઘરની દિવાલોને વચ્ચે ગમતાનો ગુલાલ કરતાં દંપતિની વાત થઈ.

વચ્ચે આવ્યો મધર્સ ડે. સ્વભાવિક છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ સંબંધની વાત તો થવાની જ. મા વિશે લખીએ તો ગ્રંથો ભરાય પણ એ દિવસે લોહીના સગપણ કરતાંય ચઢે એવા લાગણીના સંબંધો ધરાવતા મધર ટેરેસા જેવા બાલાશ્રમના એક મા વિશે ય વાત થઈ. આવી વ્યક્તિઓને મળવાનું થાય ત્યારે આપોઆપ માનથી મસ્તક નમી જાય.

તો જેના ખભે બેસીને દુનિયા જોવાનો લ્હાવો મળે, જીવનની આંટીઘૂંટી સમજવાનું જ્ઞાન મળે. જેનો લગાવ-પ્રભાવ-અનુરાગ આપણી સાથેના સંબંધનો પાયો છે, સમત્વબુદ્ધિથી જે આપણને કેળવે એવા પિતાને ફાધર્સ ડે પર યાદ કર્યા.

જેને સુરેશ દલાલ જેવા કવિએ વૃક્ષનો છાંયો, નદીનું જળ, આકાશનો ઉઘાડ, થાક્યાનો વિસામો, રઝળપાટનો આનંદ, બુદ્ધનું સ્મિત, મીરાંનું ગીત કહીને મહિમા ગાયો છે એવી મૈત્રીની વાત તો કેવી મઝાની અને એ તો વળી કુંડળી મેળવ્યા વગર સ્થાપિત થતો અને આજીવન કાયમી રહેતો સંબંધ. એક સાવ અનોખા પણ સૌના જીવનમાં ખુબ વ્હાલસોયા લાગતા, જેમાં અપેક્ષા ઓછી અને વિશ્વાસ વધુ છે એવા મૈત્રીના સૂરની વાત કર્યા વગર તો કેમ ચાલે?

સાવ નાનકડી ઉંમરે સ્વબળે આગળ આવવાની નેમ ધરાવતા અહીંના બાળકો અને એમના આત્મવિશ્વાસ વિશે પણ વાત થઈ તો સ્થાયી જીવનની પરવા કર્યા વગર રાજી રાજી પોતાની જોબ અન્યને આપી દેતી મેલિસાને કેમ ભૂલાય?

જેમના નામ સાથે લેખક-દિગ્દર્શક-નાટ્યકાર, કાર્ટુનિસ્ટ, ભવાઈકાર, ચિત્રકાર, યોગસાધકની ઓળખ જોડાયેલી છે, ગુજરાતી રંગભૂમિ પર પ્રથમવાર શતપ્રયોગી નાટક ભજવવાનું બહુમાન મળ્યુ છે એવા નાટ્યકારને તો યાદ કરવા જ પડે ને?

તો મા-બાપ, ભાઈ-ભાંડુથી દૂર, ઘણે દૂર માભોમ માટે મરી ફીટતા, જેમને આપણે લાગણીશૂન્ય માની લઈએ છીએ એવા લાગણી પર ફરજનું એક અભેદ કવચ ચઢાવીને આપણી સલામતી માટે ખડે પગે રહેતા મિલિટરીના જવાનોને સન્માન્યા વગર કેમ ચાલે?

કહેવાનું તાત્પર્ય એ કે પાછું વાળીને નજર કરું છું તો સાચે જ લાગે છે એક વર્ષમાં કેટ-કેટલા સંબંધો જીવી લીધા ! એ તમામ સંબંધોની સાથે શબ્દ સ્વરૂપે કાવ્યની અભિવ્યક્તિ કેવી કેવી રીતે જોડાયેલી છે એ વિચારું છું તો લાગે છે આપણું કાવ્ય જગત કેટલું સમૃદ્ધ છે? અહીં તો આપણા જ માત્ર ગણ્યા ગાંઠ્યા સંબંધોની વાત કરી પણ ભાવવિશ્વ તો ભરચક છે. આ ભરચક ભાવવિશ્વ માટે પણ કેટ કેટલા કવિઓએ કેટલું કહ્યું છે . કવિતા એટલે થોડા શબ્દોમાં મનને-હ્રદયને સ્પર્શે એવી રીતે ઘણીબધી વાત કહી જતી રચનાઓ…

કવિતાને આપણે સંવાદી સૂર કહીશું? કવિતાને આપણે મનની ઉર્મીઓની અભિવ્યક્તિ કહીશું? કે છંદ-અલંકારોમાં વહેતી વાણી કહીશું?

ઘણુંબધું કહી શકાય આ કવિતાઓ માટે પણ આજે તો હું એટલું તો કહીશ જ કે આ કવિતાઓ એટલે મારી અને તમારી વચ્ચેનો એક એવો સંવાદ જેના થકી હું વ્યક્ત થઈ અને તમે મને વહાલથી વધાવી લીધી.

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

૪ – કવિતા શબ્દોની સરિતા સાથે સ્વ આનંદની સ્મૃતિઓ-રાજુલ કૌશિક

આપણે જન્મથી માંડીને સાંભળેલી વાત સમજતા થઈએ ત્યારે અને એ પહેલાં પણ ઘણુંબધુ સાંભળતા મોટા થઈએ છીએ. પારણામાં અડધી ઊંઘમાં સરતા પહેલાં માએ જે કોઈ હાલરડા ગાયા એ જ આપણા માટે તો પ્રથમ કવિતા થઈ. ત્યારે ય ક્યાં સમજતા હતા કે મા શું કહેવા માંગે છે. એ હાલરડામાં વ્હાલનો જે ભાવ હતો એ આપણને ગમતો, પોતિકો લાગતો અને આપણે આરામથી ઊંઘી જતા. ઊઠડતી વખતે પણ મા કંઈક તો ગણગણતી….શું ગણગણે છે એ સમજીએ એ પહેલા તો મોટા થવા માંડ્યા પણ આ હાલરડાથી શરૂ થયેલા, પ્રભાતિયાથી આગળ વધીને એ જોડકણામાં ક્યારે પરિવર્તિત થયા એની ય સમજ આવે એ પહેલાં તો સ્કૂલે જતા થઈ ગયા અને પછી તો ચાંદો સૂરજ રમતા’તા ગાતા થઈ ગયા.

એકડો સાવ સળેકડો ને બગડો ડીલે તગડો…. એકડો ઘૂંટતા શીખ્યા ત્યારે પણ આ જોડકણાએ જ એકડો ઘૂંટવાનું મોજીલું  બનાવ્યું

આજે આ યાદ આવવાનું, કહેવાનું તાત્પર્ય માત્ર એ કે ગીતો-કવિતાઓ આપણી સમજ પહેલાથી આપણી જોડે જોડાયેલા કે પછી આપણે એની સાથે જોડાયેલા? સમય વિતતા એ જુની કવિતાઓ-ગીતો આપણા ભૂતકાળની સ્મૃતિની સાથે થોડા ઝાંખા ય તો થયા જ પણ ‘કવિતા શબ્દોની સરિતા’થી ફરી એકવાર કાવ્યમય સફર શરૂ થઈ અને એ સમય-સંજોગ અને ઘટનાને આધારિત મનની સપાટી પર તરી આવ્યા.

ક્યારેક વાસ્તવિક વાતની સાથે જોડાયેલી મારી એ અનુભૂતિમાં આપની લાગણીઓના પણ પડઘા ઉમટ્યા. મારી ‘હેપ્પીનેસની બરણી’ની વાત ઘણાને ગમી ગઈ. આ હેપીનેસની બરણી એટલે એક એવી સરસ મઝાની બરણી જેમાં આપણે સૂતા પહેલા એ દિવસની સૌથી મઝાની મોમેન્ટ વિશે નાનકડી ચબરખીમાં લખીને મુકી દેવાની. બસ પછી ક્યારેક મુડ ખરાબ હોય ત્યારે એ ખોલીને કોઇપણ ચબરખી વાંચવાની. બની શકે કે એ સુખની પળો યાદ કરીને આપણો મુડ પણ સારો થઈ જાય. કમ સે કમ આપણે એવું વિચારીને હસી પડીએ કે અરે! આવી નાની વાતમાં પણ આપણે કેવા ખુશ થઈ શકતા હતા.

એ બરણીની વાત આજે યાદ આવી ગઈ. એ સમયે મારી જેમ જ આપને પણ એ વિચાર ગમી ગયો હતો યાદ છે ને?

કલ્પનાબેને એમના પ્રતિભાવમાં કહ્યું કે,

રાજુલબેન! ખૂબ ખૂબ,ખૂબ સરસ વાત,’હેપીનેસની બરણીની’….પ્રયત્ન કરવા જેવો ખરો.માણસ હમેશા ફરિયાદને ફરી ફરીને યાદ કરે છે,ઈશ્વરે જે આપ્યું છે તેને TAKE IT FOR GRANTED ગણી લે છે.સુખને પણ યાદ કરવુજ રહ્યું.અને……ક્યારેક એ ચીઠ્ઠીઓ વાંચીએ ત્યારે…!!!કેવી મજા આવે?…અનુભવ કરવો રહ્યો.આભાર ,તમારા નવા કીમિયા માટે….

ખરેખરી વાત તો એ છે કે આજે ‘કવિતા શબ્દોની સરિતા’ જાણે મારી હેપીનેસની બરણી બની છે. આજે એમાનો કોઈપણ લેખ ખોલીને વાંચું છું ત્યારે મને એ હેપીનેસની બરણીમાં સરકાવેલી ચબરખી જેવો આનંદ આપે છે અને મન પ્રસન્ન તો થાય છે જ..

જોયું? ક્યારે કઈ વાત આપણા માટે ખુશી લઈને આવે એ નિશ્ચિત નથી હોતું પણ આપણા રોજીંદા જીવનમાં અનુભવેલી  પ્રસન્નતાની પળો ફરી તાજી થાય તો એ પણ પ્રસન્નતા તો આપે જ છે.

એવી મારી બીજી આનંદની અનુભૂતિ સૌને પહોંચી હતી એ પણ આજે આ હેપીનેસની બરણીની ચબરખીમાંથી મળી આવી. ઑગસ્ટનો સમય હતો અને અમારી એક સફરની, સફરમાં પ્રકૃતિ સાથે એકાકાર થયાની સાવ તાજી અનુભૂતિ હતી. પ્રકૃતિ સાથે પરમતત્વને પામવાની જે વાત હતી એ મેં શ્રી માધવ રામાનૂજની કાવ્ય પંક્તિઓ સાથે મુકી હતી અને મઝાની વાત તો એ થઈ કે આપ સૌને એ સ્પર્શી ગઈ.

જિગીષાએ કહ્યું,

તારી ગદ્ય કવિતા વાંચીને મન બાગ બાગ થઈ ગયું.કોઈ કુદરતને આ હદે માણી અને જાણી શકે એ વાતે આંખમાં અહોભાવના આંસુ અને રૂંવાડા ઊભા થઈ ગયા.સાથે માણેલ કેનેડીઅન રોકીને તે એટલી સુંદર અને સહજતાથી વર્ણવી છે કે મારું ચાલે તો હું તને દુનિયાની સફર ભેટ કરી દઉં.અત્યાર સુધીના વાંચેલા તારા લેખમાં one of the best લેખ છે.
કુદરતને માણવાની તારી રીત અદ્ભૂત છે….”

પ્રજ્ઞાબેને લખ્યું,

” રાજુલબેન ખુબ સરસ લેખ માત્ર લેખ નહિ સાહિત્યની ગણનામાં આવે તેવો લેખ……. અનંત સાથે નું જોડાણ, શબ્દ દ્વારા સર્જકની અનુભૂતિ પ્રકટ થઇ છે.તમારી પોતાની અનુભૂતિમાં જે એક અલૌકિક આનંદ રહેલો છે અને અમે અહી મહેસુસ કર્યો છે.ભાવક પણ સર્જકને થયેલો આનંદ પ્રાપ્ત કરે છે.તમારું માધ્યમ ભલે શબ્દ હોય પણ એનું પ્રગટીકરણ એટલું સરસ છે કે માધ્યમ મટી જઈ સીધે સીધું જોડાણ પ્રકૃતિ સાથે કરાવે છે. વાહ ક્યાં બાત હે…”

તો દેવિકાબેન પણ હ્યુસ્ટનથી ટહુક્યા..

ઓહોહોહો….અદભૂત વર્ણન..કાબિલેદાદ..’ જાસ્પર’ જેવું…જાસ્પર માટે.. સાથે એકાદ પિક્ચર અને જગાનું નામ લખી એડિટ કરે દો અથવા ફરી મૂકો. કલમને સલામ.”

દૂર દેખાતી આકાશ અને અવની વચ્ચે ખેંચાયેલી પેલી ક્ષિતિજરેખાનો એમને અલગ કરવાના બદલે એકાકાર કરી દે એવો નજારો છે. ” ખૂબ સરસ. બીજી કોમેન્ટ મૂકવાનું મન થયું.”

આજે વિચારું છું તો લાગે છે કે આ તમામ વાતો હેપીનેસની બરણીની ચબરખીઓ સ્તો..

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

વિદેશમાં ગુજરાતી સાહિત્ય-સંસ્કૃતિને આગળ ધપાવતાં મહિલા: પ્રજ્ઞા દાદભાવાળા- નવગુજરાત સમય > પ્રતિભા (રાજુલ કૌશિક)

વિદેશમાં  ગુજરાતી સાહિત્ય-સંસ્કૃતિને આગળ ધપાવતાં મહિલા: પ્રજ્ઞા દાદભાવાળા

1 / 1

પ્રજ્ઞાબેન પોતાની સિદ્ધિનો યશ પતિ અને પરિવારને આપે છે

– કેલિફોર્નિયાના બે એરિયા અને હ્યુસ્ટનના સાહિત્યરસિકો સાથે મળીને તેમણે અનેક લેખકોના કાર્યને સંકલિત કરીને ‘સંવર્ધન માતૃભાષાનું’ નામનો મહાગ્રંથ તૈયાર કર્યો, જેમાં વાર્તા, નિબંધ, નવલિકા, નવલકથા, ચિંતન લેખો, ગીત, કાવ્ય, ગઝલ જેવા અનેકવિધ સાહિત્ય પ્રકારો આવરી લીધા છે.

નવગુજરાત સમય > પ્રતિભા (રાજુલ કૌશિક)

બુદ્ધિ, મેધા, અક્કલ, જ્ઞાન, ડહાપણ, સમજશક્તિ, બુદ્ધિશાળી સ્ત્રી…. આ તમામ શબ્દોનોનો એક પર્યાય છે -પ્રજ્ઞા. એવી જ રીતે અનેક સંદર્ભ એક નામ સાથે જોડાય એ નામ છે પ્રજ્ઞા દાદભાવાળા. પ્રજ્ઞાબેન વર્સેટાઈલ-સર્વતોમુખી પ્રતિભા ધરાવે છે.
૧૯૫૭ની સાલમાં રાજકોટમાં જન્મેલી આ બાળાનું નામ પ્રજ્ઞા રાખ્યું એ ક્ષણે જ એની કુંડળીમાં સફળતાના ગ્રહો આવીને ગોઠવાઈ ગયા હશે. મુંબઈની તે સમયની જાણીતી અમુલખ અમીચંદ ભીમજી વિદ્યાલય અને SIES કોલૅજમાંથી ફિલોસોફી અને સાઈકોલૉજિના ભણતરે એમની પ્રતિભા નિખારી. એમણે કાવ્ય રચના લખવાની શરૂઆત કરી જે કુમાર માસિકમાં પ્રગટ થઈ. SNDT યુનિવર્સિટીમાંથી પત્રકારના કોર્સ દરમ્યાન સુરેશ દલાલ, હરિન્દ્ર દવે તેમજ પ્રદીપ તન્ના જેવા પ્રખ્યાત સાહિત્યકારોનો સંપર્ક થયો જેના લીધે એમની વિચારશક્તિને એક નવો આયામ મળ્યો.

સાહિત્યની સાથે સાથે તેમણે સ્વ.દીના પાઠકના માર્ગદર્શનમાં અભિનય શીખવાનું શરુ કર્યું. રેડિયો પર નાટક ભજવ્યા. સંગીત સ્પર્ધામાં પુરુષોત્તમ ઉપાધ્યાયને હસ્તે ઈનામ મેળવ્યું. સાહિત્ય-સંગીત- અભિનય- નૃત્યની સાથે કમર્શિઅલ આર્ટ, ફેશન ડિઝાઈનિંગ અને બ્યુટી પાર્લરનો કોર્સ પણ કર્યો.

૧૯૮૦માં શરદભાઈ દાદભાવાળા સાથે લગ્નગાંઠે બંધાયા પછી મુક્ત વિચારસરણીવાળા પતિ અને પરિવારના સાથને લીધે એમનું વ્યક્તિત્વ, આવડત અને શક્તિ વધુ નિખરતા ગયા. એમના વાચાળ સ્વભાવે વીમા એજન્ટની કારકિર્દીમાં સફળતા અપાવી. ફેશન ડિઝાઈનિંગના કૌશલ્યને કામે લગાડીને ઘરમાંથી જ જાતે ડિઝાઈન કરેલા વસ્ત્રોનું પ્રદર્શન અને વેચાણ શરુ કરીને એમાં પણ સફળતા મેળવી. સાવ જ અલગ જ ક્ષેત્રનું ખેડાણ કરવા માટે જે ખંત જોઈએ એની તો પ્રજ્ઞાબેનમાં ક્યાં ખોટ હતી?
દિકરીઓના જન્મ પછી દિકરીઓ પણ એમના જીવનમાં પ્રગતિ કરે એ ઉદ્દેશથી સહકુટુંબ અમેરિકા આવ્યા. સાવ અજાણી ધરતી, અજાણી સંસ્કૃતિ, સાવ અજાણ્યા લોકો વચ્ચે રહીને પણ પોતાનું સ્વત્વ જાળવવાની મથામણમાં એ પાર ઉતર્યા. સંઘર્ષની શરૂઆતમાં સાવ સાદી સેફ વે ની આઠ કલાકની નોકરીથી શરૂઆત કરીને બેંકની વ્હાઈટ કૉલર જોબ સુધી પહોંચ્યા.

જોબ તો અમેરિકામાં આર્થિક સ્થિરતા માટે જરૂરી હતી પણ અંદરના સાહસી અને સાહિત્યિક જીવને કંઇક નવું કરવું હતું. કેલિફોર્નિયામાં આવીને એમણે વૃદ્ધ નાગરિકોને ઉપયોગી થવા ટ્રેનિંગ લઈને સમાજસેવાની શરૂઆત કરી. આ પ્રવૃત્તિના અનુસંધાનમાં એમણે અમેરિકાના ‘રેડિયો જિંદગી’ પર વાર્તાલાપ આપ્યો જેનાથી વડીલોને જરૂરી માર્ગદર્શન મળે. સમાજસેવાની સાથે સાહિત્યસેવાની જે શરૂઆત કરી એ ગુજરાતી સંસ્થાઓ ‘બે એરિયા ગુજરાતી સમાજ’ અને ‘ડગલો’- Desi American of Gujarati Language Origin’માં પરિણમી. ડગલો દ્વારા ગુજરાતી સાહિત્ય,સંગીત અને ભાષાને જીવંત રાખવાના પ્રયાસની સફળતાએ વિદેશની ધરતી પર સ્વદેશી ભાષા, સંસ્કૃતિને ઉજાગર કરવાના એમના આયાસમાં પતિ શરદભાઈનો સાથ મળ્યો. છેલ્લા નવ વર્ષોથી પ્રજ્ઞાબેન ગુજરાત ગૌરવ દિનની ઉજવણી કરે છે.

૨૦૧૪માં પ્રસ્તુત કરેલા ‘નરસૈયો’ કાર્યક્રમ એમની કલાકુશળતાની સિધ્ધિ હતી. બે એરિયાની ‘પુસ્તક પરબ’ની શરૂઆત કરી એમણે માતૃભાષાનું ગૌરવ કર્યું.કલા-સંગીતને પ્લેટફોર્મ આપ્યું. લગભગ ૨૦૧૪થી મિલપીટાસના ગુજરાતીઓને સાહિત્યમાં રસ લેતા કર્યા એટલું જ નહીં પણ પ્રતાપભાઈ પંડ્યાની પ્રેરણાથી શરૂ કરેલી ‘પુસ્તક પરબ’ની પ્રવૃત્તિને હ્યુસ્ટનના વિજયભાઈ શાહના માર્ગદર્શન હેઠળ એક અલગ સ્વરૂપમાં ઢાળી. નામ આપ્યું ‘બેઠક’. જેમાં એમના પ્રોત્સાહનથી અનેકને કલમ દ્વારા-“શબ્દોના સર્જન” બ્લોગ પર પોતાના વિચારોને વ્યકત કરતા કર્યા અને ‘બેઠક’ના લેખકોના લેખોનું સુંદર રીતે સંપાદન કરીને એમણે એમેઝોન પર ૨૬થી વધુ પુસ્તકો પબ્લિશ કર્યા. દર મહિનાના છેલ્લા શુક્રવારે યોજાતી આ બેઠકમાં પોતાના મૌલિક વિચારો રજૂ કરવાની સૌને તક આપી. બેઠકના સદસ્યો અહીં આવીને સ્વલિખિત રચનાઓનું વાચિકમ કરી શકે એટલો આત્મવિશ્વાસ પ્રજ્ઞાબેને સૌમાં જગાવ્યો. કેલિફોર્નિયાના બે એરિયા અને હ્યુસ્ટનના સાહિત્યરસિકો સાથે મળીને અનેક લેખકોના કાર્યને સંકલિત કરીને લગભગ બાર હજાર પાનાનો ‘સંવર્ધન માતૃભાષાનું’ નામનો મહાગ્રંથ તૈયાર કર્યો જેમાં વાર્તા, નિબંધ, નવલિકા, નવલકથા, ચિંતન લેખો, ગીત, કાવ્ય, ગઝલ જેવા અનેકવિધ સાહિત્ય પ્રકારો આવરી લીધા છે.વિદેશની ધરતી પર આપણી સંસ્કૃતિ, આપણા સાહિત્યનું નામ ઉજાળતા પ્રજ્ઞાબેનના “શબ્દોના સર્જન” બ્લોગ ઉપરાંત “કસુંબલ ગીતોનો વૈભવ”, “સંભારણા” જેવા ય બીજા બ્લોગ છે. મૌલિકતાભર્યા વિચારો ધરાવતા પ્રજ્ઞાબેન અચ્છા વક્તા છે. કોઈ વિષયને લઈને ઊંડી જાણકારી સાથે બોલે એટલી જ સરળતાથી પૂર્વ તૈયારી વગર પણ એ વ્યક્ત થઈ શકે છે. જે વ્યક્તિ સૌને લખતા કરે એનું તો લેખન પર પ્રભુત્વ હોય જ ને? કેનેડાના “ગુજરાતી ન્યુઝ લાઈન”માં “ આ મુંબઈ છે” નામની તેમની કોલમ પણ પ્રસંશા પામી. પ્રજ્ઞાબેનની આ કાર્યસિદ્ધિ ને બિરદાવવા કોંગ્રેસના મેયરે એમને નવાજ્યા છે.

પ્રજ્ઞાબેન આ પ્રયાસોનું કારણ આપતા કહે છે કે આપણા વડીલો અમેરિકા આવ્યા પણ એ સૌનો માતૃભાષા સાથેનો સંબંધ ઓછો થતો ગયો. ભાષા તો એક એવો પટારો છે જેમાં આપણા સાહિત્ય અને સંસ્કૃતિનો ખજાનો જળવાયેલો રહે છે. ભાષા સમાજની સભ્યતા, સંસ્કાર અને સંસ્કૃતિની રખેવાળ છે. વડીલોએ આ વારસો ભાષાની સંદૂકમાં આવતી પેઢી માટે સુરક્ષિત રીતે સોંપતા જવાનું છે. આ માટે જરૂરી છે કે વડીલો પણ પોતાના વિચારોને વાચા આપે. એમની સર્જન શક્તિ ખીલશે તો એમના માર્ગદર્શનથી આગલી પેઢી જાગૃત બનશે. સમૃધ્ધ બનશે.

પ્રજ્ઞાબેન પોતાની સિદ્ધિનો યશ પતિ અને પરિવારને આપે છે. ‘બેઠક’ પરિવારના સદસ્યોને સર્જન કરતા,આગળ વધતા જોઈને એ ગૌરવ અનુભવતા કહે છે,


શબ્દો જ મારું વસિયતનામું
જે છે એ બધું તમારું ન લ્યો તો બધુ જ મારું
શબ્દો તણા છાંટણાથી બે ચાર ક્ષણો હું રંગી જાણું
જીવનને ગમતી ક્ષણોને કંડારી મેં શબ્દોમાં
સાચવશો તો સચવાશે, 
નહીં તો ખાલીખમ છે વસિયતમાં
લ્યો શાહી વિનાના કાગળ પર લખ્યું 
મેં મારું વસિયતનામું

૩ – કવિતા શબ્દોની સરિતા સાથે સ્વ આનંદની સ્મૃતિઓ-રાજુલ કૌશિક

સમય…. એ જ તો છે જે ક્યારેય કોઈના ય માટે અટકતો નથી કે નથી પાછું વાળીને જોતો.. એક આપણે છીએ કે સરી ગયેલા સમય પર પણ વળી વળીને નજર માંડતા જ રહીએ છીએ અને એમાંય જ્યારે આપણી સાથે કોઈ સરસ ઘટના બની હોય ત્યારે તો એ આપણા મન પર અવારનવાર ટકોરા મારીને એની યાદ અપાવે છે.

આ પેલી કૂકૂ ક્લૉક તો ખબર છે ને? બંધ બારણાની પાછળ સંતાયેલી એ કૂકૂનો સમય થાય એટલે આપમેળે પેલા નાનકડા બારણા ખુલે અને એમાંથી બહાર આવીને એ કૂકૂ કૂકૂ કરતી કેટલા વાગ્યા એ આપણને કહી જાય. એનો રણકાર પણ એવો મીઠ્ઠો કે આપણને સાંભળવો ગમે પણ ખરો. બસ એવી જ રીતે કોઈ એક દિવસે બનેલી મનગમતી ઘટના આપણા મનનું બારણું ખોલીને કૂકૂ કરતી એ યાદનો રણકાર મુકતી જાય.

બરાબર એક વર્ષ પહેલાં આવી જ એક ઘટના મારી સાથે બની અને આજે એ મીઠી યાદની કૂકૂએ ફરી એકવાર મારી યાદોના બંધ બારણા ખોલીને એના રણકારથી મારા મનને આનંદિત કરી દીધું.

ઘણા વર્ષો પહેલા અવારનવાર જેને મળવાનું થતું, એની સાથે હેતે-પ્રિતે પસાર કરેલા એ દિવસો ય ભૂતકાળ બની ગયા હતા. જેની સાથે નાનપણથી સ્નેહનો સંબંધ હતો એવી વ્યક્તિ સાવ જ વિખૂટી પડી ગઈ હતી અને વચ્ચેના સમયના ક્યાંય સૂરતાલ શોધ્યા ય મળતા નહોતા. એવું નહોતું કે મળવું નહોતું પણ મળવાના સંજોગો જ નહોતા.

પછી તો એ વ્યક્તિ પણ મનના કોઈ અગોચર ખૂણામાં ધરબાઈ ગઈ હતી અને સાવ અચાનક એવા સંજોગો ઊભા થયા કે એ સામે આવીને ઊભી રહી.

તે સમયની અમારા મનની સ્થિતિ એવી હતી કે ભૂતકાળનો આખો ચોપડો ખુલી ગયો હતો અને મઝાની વાત તો એ હતી કે બંનેને યાદ રહી ગયેલી એ તમામ ક્ષણો સરખામણી કર્યા વગર પણ એક સરખી જ વાત કહેતી હતી અને ત્યારે તો તને સાંભરે રે, મને કેમ વિસરે રે…વાળો ભાવ જ મન પર છવાઈ ગયો હતો.

એ સમયે મને વિચારતી કરી મુકી હતી કે ખરેખર આવું બને ખરું? અને જ્યારે આવું બને ત્યારે લાંબા સમયે મળેલી એ વ્યક્તિઓની મનઃસ્થિતિમાં કેવા અને કયા ભાવો હોઈ શકે? આશ્ચર્યના? આનંદના?

સાચું કહું તો આનંદ અને આશ્ચર્ય બંને ભાવનો અનુભવ હતો એ.

સરખામણી તો અહીં ક્યાંય નથી, સમાનતા ય નથી પણ એ પસાર થઈ ગયેલી સાનંદાશ્ચર્યની એ ક્ષણોનો ઉભરો ય ઘણા સમયે ઓસર્યો ત્યારે મને પ્રેમાનંદની એ પંક્તિઓ જ યાદ આવી. શામળિયા અને સુદામા મળ્યા હશે જે ભાવ બંને અનુભવ્યો એ પ્રેમાનંદે શબ્દોમાં મુક્યો અને એ ભાવ જાણે શાશ્વત થઈ ગયો. એ શબ્દો ય ચિરસ્થાયી બનીને રહી ગયા અને જ્યારે જ્યારે આપણે એવી જ કોઇ અનુભૂતિમાં એકરસ હોઈએ ત્યારે એ જ શબ્દો જાણે આપણા જ બની જાય એ કેવી અદ્ભૂત વાત જ કહેવાય ને?

આપણા ૧૪મી, ૧૫મી કે ૧૬મી સદીના આદ્ય કવિઓ- નરસિંહ મહેતા કે પ્રેમાનંદ આજે પણ આપણી સાથે કેટલા વણાયેલા છે એની અનુભૂતિ એ દિવસે થઈ. ઘટના ભલે વર્તમાનમાં બનતી હોય પરંતુ એના તાંતણા એ સદીઓ સુધી આપણને સાંકળી લે છે. સદીઓ પહેલા રચાયેલી રચનાઓ સાથે એટલી હદે વણાયેલા હોય છે કે એને આપણે યાદ સુધ્ધા કરવા નથી પડતાં. એ આપોઆપ આપણા મનમાં ઉગી આવે છે.

ક્યારેક જાગીએ ત્યારે અજાણતા ય મનમાં કૃષ્ણ ગોવાળિયાને જગાડતો નરસૈંયાનો સૂર આપણી ચેતનાને ઝંકૃત કરી દે છે ને? ક્યાંક ક્યારેક વૃંદાવન શબ્દ કાને પડે અને ગગનમાં ગાજતી વૃંદાવનની મોરલીનો નાદ આપણા મનમાં ઉઠે છે. આજે પણ અઢાર વાંકા અંગવાળા ઊંટને જોઈને દલપતરામને યાદ કરીને સહેજ હસી તો પડાય જ છે ને?  

આપણે ક્યાં નરસૈંયાને, પ્રેમાનંદને કે મીરાંને મળ્યા છીએ? બરાબર ? તેમ છતાં એ સૌ આપણામાં જ વસતા હોય એવું ઘણીવાર અનુભવીએ છીએ ને? એમની રચનાઓ, પદો અને આપણી લાગણીઓ એકાકાર થઈ જાય ત્યારે કવિતાઓ શબ્દોની સરિતામાં મુકાઈ જાય.

બસ, એવી જ રીતે એ દિવસની ઘટના અને પ્રેમાનંદના શબ્દો એકાકાર થઈ ગયા…


Rajul Kaushik
http://www.rajul54.wordpress.com 

૨ -કવિતા શબ્દોની સરિતા સાથે સ્વ આનંદની સ્મૃતિઓ-રાજુલ કૌશિક

એ સમય હતો દિવાળીના દિવસોનો. મોટાભાગે એવું ય બનતું હોય છે કે જ્યારે આપણે જ્યાં નથી હોતા એની યાદ આપણને વધુ આવતી હોય. તમે પણ જો જો, ઘણા બધા લોકો આપણી દિવાળી પહેલા કેવી હતી એની મીઠી યાદો વાગોળતા રહેતા હોય છે. કારણ એનુ માત્ર એ કે એ ભૂતકાળની મીઠી-મનગમતી યાદો આજે પણ આપણને એટલી જ વહાલી લાગે છે અને જે વહાલું લાગે એ વાગોળવાનું તો સતત મન થયા જ કરે.
આજે પણ એવી જ એક યાદની વાત કરવી છે.
આજથી લગભગ  એક વર્ષ પહેલા એટલેકે દિવાળીના દિવસની જ આ વાત છે. આમ તો દિવાળી હોય એટલે આપણે દેવદર્શને તો જવાના જ. એ દિવસે અમે મંદિર પહોંચ્યા ત્યારે મંદિરના બારણા અંદરથી લૉક હતા પણ કાચના બારણાની પેલે પાર ઘણા બધા લોકો હિલચાલ કરતા તો દેખાયા. અમારી સાથે વડીલ હતા એટલે એમની અવસ્થાને લીધે અમને લૉક ખોલીને અંદર લીધા અને ત્યારે જોયું તો અહીં વડીલો માટેની પ્રવૃત્તિ ચાલતી હતી. જરા વધારે તપાસ કરતા જાણવા મળ્યું કે અહીં વયસ્ક લોકો માટે યોગ, અલગ અલગ વ્યક્તિઓને બોલાવીને વડીલોને રસ પડે એવી વાતો, ક્યારેક ગીત -સંગીત તો ક્યારેક રાસ-ગરબા અને ક્યારેક વડીલોના વાંચન-જાણકારી કે જ્ઞાનને અનુરૂપ ક્વિઝનું આયોજન થતું હોય છે. વળી વડીલોને પ્રિય એવા ભજનની સાથે ભોજનની પણ વ્યવસ્થા પણ ખરી હોં…. દર સપ્તાહે અલગ અલગ જગ્યાએ પિકનિક અને શોપિંગ પર પણ ખરું. અહીં એને  સિનિઅર ડે કેર સેન્ટર કહે છે. ઢળતી ઉંમરે પહોંચ્યા પછી ય આવું પ્રવૃત્તિથી ભરપૂર , તેજીલું જીવન કોને ના ગમે?
મઝાની વાત હવે આવે છે. અમે ખાસ જેમના માટે દેવદર્શને ગયા હતા એ વડીલ તો આ જાણીને રાજી રાજી અને એ તો જોડાઈ ગયા આ ડે કેર સેન્ટરમાં અને હવે તો મળીએ ત્યારે એમની રોજ-બરોજની પ્રવૃત્તિ વિશે એટલા તો ઉત્સાહથી એ વાતો કરતા હોય છે કે જાણે એક નવું જીવન શરૂ થયું.
વાત જાણે એમ હતી કે દેશમાં એમનું પોતાનું સરસ મજાનું ગ્રુપ હતું જેમાં અનેકવિધ પ્રવૃત્તિથી એમના દિવસો સરસ રીતે પસાર થતા હતા. પાછલી ઉંમરે જીવનસાથીની ચિરવિદાય પછી પરિવાર અહીં અમેરિકામાં હોવાથી  એમને અહીં લઈ આવ્યા. ઘરનું સ્નેહભર્યું વાતાવરણ, પુત્ર અને પુત્રવધુ બંને ડૉક્ટર એટલે એમના દ્વારા સંપૂર્ણ કાળજી છતાં જાણે જીવનમાં કશુંક ખુટતું હોવાનો સતત અહેસાસ રહ્યા કરતો. સ્વભાવિક છે જીવનના ૬૦ વર્ષ જેની સાથે ગાળ્યા એની વસમી વિદાય તો એક કારણ હતું જ પણ આ ડે કેરમાં જોડાયા પછી અમને સમજાયું કે એમના જીવનસાથીની સાથે સાથે એમને હમઉમ્ર સાથીઓને પણ ખોટ સાલતી હતી.  જે ખોટ પુરાવાની નથી એના માટે તો કોઈ ઉપાય નહોતો પણ જે ઉપાય મળ્યો એનાથી એમનું અહીં રહેવું સહ્ય જ નહીં સરળ બન્યું.
એ સમયે મંદિરમાં જે જોયું, અનુભવ્યું ત્યારે મારા મનમાં સાગમટે આપણી દિવાળી, આપણા ભજન,ગીત-ગરબા જે સાવ નાનપણથી સાંભળતા આવ્યા હતા એ તો યાદ આવ્યા, જાણે મનનું તળ વિંધીને ઉગી આવ્યા. એના પરથી પ્રેરાઈને જે લખ્યું એ મારી અભિવ્યક્તિ હતી પરંતુ જે આજ સુધી જોઈ રહી છું, અનુભવી રહી છું એ સત્ય તો ખરેખર ખુબ સુંદર છે. કાવ્યો સાથે આપણા મનનો મેળ સધાય એના કરતાંય મધુર કાવ્યમય જીવન જીવાય એ મઝાની વાત નથી?
આજના દિવસે પણ એ વડીલના સૂરમાં એ ગીતોનો ગુંજારવ સંભળાય છે અને ત્યારે સાચે જ મન પ્રસન્ન થઈ જાય છે. એમની પ્રવૃત્તિની વાત કરતા હોય ત્યારે એમના ચહેરા પરની ચમક અને મન મોર બની થનગાટ કરે ગીત પર એમનો થનગાટ જોઈએ છીએ ત્યારે એમનો રાજીપો અંતરને ઉજાળી જાય છે. એ એક દિવસની ઘટના જીવનભરના આનંદમાં તબદીલ થતી જોઈ. કોઈક ઘટના એવી હોય જેનો આનંદ ક્ષણિક હોય અને કેટલીક ઘટનાઓનો આનંદ ચિરસ્થાયી.. આ ચિરસ્થાયી ઘટનાઓને જ આપણે પ્રસંગનું નામ આપતા હોઈશું ને?
“કવિતા શબ્દોની સરિતા”એ મને આવી તો અનેક ચિરસ્થાયી યાદો આપી છે. એની પણ વાત કરીશું…..

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com