અવલોકન -૪- ગરાજ સેલ,- સુરેશ જાની

કેટલા ઉમંગ અને પ્રેમથી એ ડ્રેસ જીવનસાથીએ જન્મદિવસે ભેટ આપ્યો હતો? માંડ એક બે વખત જ પહેર્યો હતો. અને પછી તો અહીંની વ્યસ્ત જિંદગીમાં એ પહેરવાનો અવસર જ ક્યાં મળ્યો?
      સેલમાંથી સાવ સસ્તા ભાવે એ શર્ટ લાવ્યા હતા. પણ જ્યારે જ્યારે પહેરવાનો સમય આવે ત્યારે; એનો રંગ ગમતો ન હતો, એટલે એ પહેરાયું જ નહિ .
     બાબા માટે કેટલા બધા, સરસ મજાના બાબાસૂટ લાવ્યા હતા; અને બર્થડે પાર્ટી વખતે ભેટમાં મળ્યા હતા. પણ બાબલો તો માળો ઝટપટ એટલો તો વધવા લાગ્યો કે, એ બધા એમનાં એમ પડી રહ્યાં.
     રમકડાંના ઢગલે ઢગલા ભેગા થઈ ગયા છે. સહેજ વપરાયા, ન વપરાયા અને એ પણ સાવ અણગમતા થઈ ગયા. પેલા રમકડાંને તો બાબલો અડ્યો પણ ન હતો.
      દર વરસે અહીં તો નવા ઈલેક્ટ્રોનિક સાધનો ખરીદી લાવીએ. અને જૂનાં પડ્યાં જ રહે. કોમ્યુટર તો  ત્રણ વરસ થાય અને નવું મોડલ આવી જ ગયું હોય. જૂનું આઈપોડ તો એમનું એમ પડી રહ્યું છે. ત્રણ કેમેરા ભેગા થઈ ગયા છે. હવે તો સેલફોન અને આઈપેડથી ફોટા પાડવાની આદત થઈ ગઈ છે. સીધો ઈમેલથી આખી દુનિયામાં ફેલાયેલા મિત્રો અને સંબંધીઓને ક્લિક કરતાં જ પહોંચાડી દેવાય.
      ચોપડીઓના ઢગલે ઢગલા ભેગા થઈ ધૂળ ખાઈ રહ્યા છે. હવે તો ઢગલે ઢગલા ઈ-બુક  આઈપેડ પર અવનવી સગવડો સાથે મફતમાં વાંચી શકાય છે.
      કસરત કરવાનું ટ્રેડમિલ . પણ બહાર ચાલવા જવાની મજામાં એય ક્યાં ખાસ વપરાય છે? જિમના સભ્ય બની ગયા છીએ, એટલે ડોલર વસૂલ કરવા પણ ત્યાં જ જઈએ છીએ. અને ત્યાં એક નહીં વીસ ટ્રેડ મીલો અને લાઈનો ની લાઈનો ભરીને જાતજાતનાં કસરતનાં સાધનો, સ્પા , સ્ટીમ રૂમ અને  પૂલ ! હવે ટ્રેડ મિલ પર વંચાયેલાં, ન વંચાયેલાં છાપાં અને મેગેઝિનો ધૂળ ખાય છે.
     આમ ને આમ કેટલો બધો સામાન – સાવ વપરાશ  વગરનો, નકામો, મહામૂલી જગ્યા રોકતો કે ગરાજમાં ધૂળ ખાતો, ભેગો થઈ ગયો છે? નવી ચીજો મૂકવા જગ્યા જ નથી!

અને એ બધો વેચી દીધો
પાણીના મૂલે
ગરાજ સેલમાં.

     કોઈક એક ડોલરમાં તો કોઈક બે ડોલરમાં. ૨૫૦ ડોલરમાં કેટલા હરખથી મ્યુઝિક કીબોર્ડ લાવ્યા હતા? – બેબી બિથોવન જેવી મહાન સંગીતકાર બને તેવાં ખ્વાબો સાથે. પચીસ ડોલરમાં એ ગયો ત્યારે હાશ થઈ!  જૂનું નોટબુક કોમ્પુટર ૬૦ ડોલરમાં એક મેક્સિકન એની બેબીને તાલીમ માટે લઈ ગયો ત્યારે તો હરખ હરખ થઈ ગયો. દોડીને ઘરમાં અંદર બધાને આ શુભ સમાચાર પાઠવી દીધા !
     ગરાજ સેલ પાંચ દિવસ ચલાવ્યું! કેટલા ઉમંગથી હજારો ડોલર ખર્ચીને ખરીદેલો આ બધો કાટમાળ વેચતાં ગાડાંના પૈડાં   જેવા ૫૦૦ ડોલર હાથમાં આવ્યા ત્યારે ઊનાળાની બળબળતી બપોરે આસમાનમાં મેઘધનુષ્ય દેખાવા લાગ્યું!
      વસ્તુની કિમ્મત કેટલી ક્ષણિક હોય છે? દુકાનમાંથી પગ બહાર મૂક્યો અને એની કિમ્મત અડધી થઈ જાય. થોડોક વપરાશ કે વપરાશ વગરનો સમય વીતે અને એની કશી કિમત જ નહી.એ બધી ચીજો  પાણીના  મૂલે વેચતાં મળેલી એ મહાન રકમ પાછી બીજી વસ્તુઓ ખરીદી આપશે; અને એ વસ્તુઓની પણ આ જ ગતિવિધી.
     અને આપણે પણ ક્યાં એવાં ને એવાં રહ્યાં છીએ ? ભણતા વિદ્યાર્થી હતા ત્યારે પરીક્ષામાં માર્ક અગત્યના હતા. લગ્ન થયા ત્યારે જીવનસાથી સિવાય જગતમાં બીજું કાંઈ દેખાતું ન ન હતું. પહેલું બાળક આવ્યું અને આપણે સાતમા આસમાનમાં મા કે બાપ બન્યાનો ફાંકો રાખીને ઊડવા લાગ્યા હતા.
અને હવે….
બે રોટલી ખાતાં ખાતાં પણ હાંફી જવાય છે ! સાંજે તો માત્ર એક સફરજન જ.

પરિવર્તન…
પરિવર્તન…
પરિવર્તન…

કશું શાશ્વત જ નહીં. કિમત બદલાય, વપરાશ બદલાય, રૂચિ બદલાય, ચીજો બદલાય. જ્યારે આપણે એ ઘટમાળની અંદર ખૂંપેલા હોઈએ ત્યારે, એના સિવાય બીજા કશા તરફ ધ્યાન જાય  જ નહીં. અને થોડાક જ સમય પછી ચિત્ત બીજે ક્યાંક . પેલું તો …………. ગયું !
    સતત અનિત્ય ભાવ કેળવીએ  તો ?

6 thoughts on “અવલોકન -૪- ગરાજ સેલ,- સુરેશ જાની

 1. સુરેશભાઈએ સરસ વાત કરી. વસ્તુઓ જૂની થાય ત્યારે એની કિમ્મત ઘટવા લાગે છે અને ઘરમાં/મનમાં જગ્યા રોકે છે!. એ પ્રમાણે ઘરના ઘરડાઓની પરિસ્થિતિ પણ….ન કહેવાય ને ન સહેવાય જેવી! સિક્કાની બીજી બાજુ જોતાં થાય કે માળા મંદિરો અને બાપુઓ તો વધતા જ જાય છે; જૂના થતા નથી! આ બાપુઓ શું નવી ઈલેક્ટ્રોનિક સાધનો જેવી થઈ ટોળાઓને આકર્ષે છે? શ્રી રામ! શ્રી રામ!!

  Like

 2. Excellent !! અતિ સરસ લેખ. વિગત, શૈલી, ભાવ, ફીલોસોફી અને સંદેશ, બધી વાતોનો એક સાથે ઉપયોગ. સુરેશભાઈ તમારી આ લેખમાળા ખૂબ જ સારા સર્જનમાં ગણાશે.

  Like

  • કેટલું સુંદર અવલોકન! જીવનની ઢળતી સંધ્યાએ જયારે પરિવર્તન અટકી જાય છે ત્યારે માત્ર અવલોકન બાકી રહે છે.અને આ અવલોકનનો યુવા પેઢી જો લાભ લે તો તો સોનામાં સુગંધજ ભળે.આખરે તો શાશ્વતના સ્વીકારમાંજ મજા છે.પરિવર્તન એટલે વહેવું.તરુલાતાબેને સાચુજ કહ્યું! સમગ્ર જીવન દરમિયાન અનિશ્ચિતતા પાછળજ દોડતા રહ્યા.અંતે સમજાય છે કે નિશ્ચિત શું છે? ‘ગરાજ સેલ’ દ્વારા આપે ઘણું સમજાવ્યું.

   Like

 3. Pingback: રિસાયકલ કેન – એક અવલોકન | "બેઠક" Bethak

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.