ચાદર
ચાદર એટલે ઓછાડ, સ્ત્રીઓનો સાડી ઉપરનો ઓઢો, પિછોડી, ધોળાં કપડાંનો પાંચ-સાત હાથ લાંબો કટકો, ચોફાળ, પલંગપોશ, કબર પર કે મડદાંને ઓઢાડવાનું કપડું, નદી કે પહાડનાં નીચાણવાળા સપાટ ભાગ ઉપરથી થોડાં તરત નીચેનાં ભાગ ઉપર પડતો પાણીનો પથરાયેલો વિસ્તાર, ધોધનાં આકારની એક આતશબાજી (જ્વાળા), એક પ્રકારની પુરાતની તોપ, ઉપર ઘી ચૂરમામાં નાંખેલ ખાંડ અથવા સાકરનો ભૂકો, ગોળીનો વરસાદ, ચાદરપાટ, દેવતા અથવા પૂજાસ્થાન ઉપર ચડાવવામાં આવતો ફૂલોનો સમૂહ, ફૂલ ગૂંથીને બનાવાતી ચાદર, લોઢાનું પતરું વગેરે. અંગ્રેજીમાં ‘bed-sheet’, ‘counterpane’, ‘coverlet’, ‘covering mattress’, ‘sheet for covering oneself’, ‘for covering a dead body’, ‘iron sheet’.
ચોમાસામાં મેધરાજાની મહેરથી મા ધરતી પણ હરિયાળી ચાદર ઓઢે છે. વરસાદી, બરફની, ધુમ્મસની ચાદર જેવા શબ્દો વપરાય છે. ચાદર શિયાળામાં ઠંડીથી, મચ્છરોનાં ત્રાસથી રક્ષણ કરે છે. મોટેભાગે હોટલોમાં કે ઘરમાં રાત્રે સફેદ રંગની ચાદર પાથરવામાં આવે છે કારણકે સફેદ રંગ આંખોને આરામ આપે છે તેમ જ તણાવને દૂર કરે છે અને ઉંઘ સારી આવે છે. નિષ્ણાતોનાં મત અનુસાર રોજ વપરાતી ચાદર બેક્ટેરીયા કે ફંગસનું ઘર બની જાય છે જે નરી આંખે જોઇ શકાતું નથી માટે એલર્જી, અસ્થમા કે ત્વચાનાં રોગોથી બચવા માટે ચાદર નિયમીત ધોવાવી જોઇએ.
અકબર બીરબલની એક બોધકથા છે, ‘સવા ગજની ચાદર’. અક્બરે સવા ગજની ચાદર તૈયાર કરાવી. તેનાં હજૂરીયાઓને કહ્યું કે, ‘મને આ ચાદર એવી રીતે ઓઢાડી દો કે મારું આખું શરીર ઢંકાઇ જાય’. અને તે સૂઇ ગયો. સૌએ યુક્તિઓ કરી. પરંતુ ચાદર પગ તરફ ખેંચે તો મોઢું ખુલ્લું રહે અને મોઢા તરફ ખેંચે તો પગ ખુલ્લાં રહે. આખરે બીરબલને બોલાવ્યો. બીરબલે અકબરનાં પગ બેવડા વાળીને ચાદર ઓઢાડી દીધી. આખું અંગ ઢંકાઇ ગયું. બીરબલે કહ્યું, ‘હજૂર! લાંબા પગે ટૂંકી ચાદર ઓઢાય? પગ જોઇને પાથરણું તાણવું જોઇએ’. કદાચ આ પ્રસંગ પરથી આ કહેવત બની હશે. ‘ચાદર પ્રમાણે સોડ તાણો’. આનો એવો પણ અર્થ થાય કે માણસે આવક પ્રમાણે ખર્ચ કરવો જોઇએ તેમજ ક્ષમતા પ્રમાણે કામ કરવું જોઇએ.
સૂફી સંતની દરગાહ પર લોકો ચાદર ચઢાવતા હોય છે, ક્યારેક કપડાંની તો ક્યારેક ફૂલોની. સંતોનાં કહેવા મુજબ આમ જોઇએ તો આ શરીર શું છે? હાડ-માંસ, લોહી-પરુથી બનેલું પોટલું. દરેક માણસનું સરખું જ છે. માત્ર બહાર સફેદ કે કાળી કે રેશમી ચાદરથી લપેટાયેલું હોય છે. જો ચાદર ના હોય તો ચિતરી ચઢે.
આઇન્સ્ટાઇનની થિયરી ઓફ રિલેટીવીટી પહેલાં વૈજ્ઞાનિકો માનતાં હતા કે ગ્રહો, તારાઓ અને બીજાં પદાર્થો બ્રહ્માંડમાં તરી રહ્યાં છે જ્યારે આઇન્સ્ટાઇનનું માનવું હતું કે તે એક ચાદર ઉપર રહેલાં છે. ૨૦૧૧માં નાસાએ જાહેર કર્યું કે બ્રહ્માંડની ચાદર ખરેખર જ મરોડાઇ હતી. મતબલ સાચેજ બ્રહ્માંડ ચાદર જેવું લચીલું છે. આઇન્સ્ટાઇનની થિયરી પ્રમાણે તેમાં તાણા વાણાં છે જેને વિજ્ઞાનીઓ વર્લ્ડલાઇન કહે છે.
ચાદરની વાત આવે એટલે ૧૫મી સદીમાં થઇ ગયેલ સંત કબીરજી યાદ આવ્યાં વગર ના રહે. કબીરજી જૂલાહા એટલે કે વણકર હતાં. ચાદર વણતાં વણતાં, ચાદરને મનુષ્ય શરીર અને આત્માનાં પ્રતીક બનાવીને તેમણે ઉત્તમ વાતો વણી છે. શ્વાસ અને ઉચ્છવાસનાં તાણાંવાણાંથી આ જીવનરૂપી ચાદર વણાય છે. એમનાં ખૂબ જાણીતાં ભજનને યાદ કરીએ,
ચદરિયા ઝીની રે ઝીની યે રામ નામ રસભીની…
અષ્ટ કમલકા ચરખા બનાયા, પાંચ તત્ત્વકી પુની,
નૌ દસ માસ બુનન કો લાગે, મૂરખ મૈલી કીની …
જબ મોરી ચાદર બન ઘર આયી, રંગરેજ કો દીની,
ઐસા રંગ રંગા રંગરેજને, લાલેં લાલ કર દીની …
ચાદર ઓઢ શંકા મત કરીઓ, યે દો દિન તુમકો દીની,
મૂરખ લોગ ભેદ નહીં જાને, દિન દિન મૈલી કીની …
ધ્રુવ પ્રહ્લાદ સુદામાને ઓઢી, શુકદેવને નિર્મલ કીની,
દાસ કબીરને ઐસી ઓઢી, જ્યું કી ત્યું ધર દીની …
તેઓએ કહ્યું છે, ‘વણકરે ચાદર તો સરસ બારીક વણી છે પણ એ ચાદરને દેવ-માનવ-મુનિ સહુ ઓઢીને મેલી કરી નાંખે છે’. કબીરે પોતાનાં દેહરૂપી ચાદરને વિકારોથી મલિન થવા દીધી નહોતી. પરમાત્માએ જે શુધ્ધ અને નિર્મળ દેહરૂપી ચાદર આપી હતી તેવીને તેવીજ મૃત્યુ સમયે પરમાત્માને ચરણે ધરી.
આધુનિક યુવા કવિ અનિલ ચાવડાએ પોતાનાં કાવ્યમાં ખૂબ ઊંચી વાત લખી છે.
‘શ્વાસ નામની સીમેન્ટ લઇને જીવન ચણવા બેઠા,
અમે કબીરની પહેલાંની આ ચાદર વણવા બેઠા’.
મૃત્યુ બાદ ઓઢાડેલા કફનમાં ખીસ્સું હોતું નથી માટે માનવે ‘ચાદર’ શબ્દ દ્વારા આ જીવનલક્ષી અધ્યાત્મવાદી વાત સમજવી જ રહી.