સિનીયર સિટિઝન બેંક

સિનીયર સિટિઝન બેંક

અમુક વર્ષ પહેલાં કોઈને મહિલાઓનું પેટમાં બળ્યું અને મહિલા બેંક અસ્તિત્વમાં આવી’તી. આજ કાલ દૂનિયાભરમાં સિનીયર સિટીઝનો માટે કંઇક કરી છૂટવાની વાતો ચાલી છે ત્યારે કોઈને વિચાર કેમ નહિ આવતો હોય કે, એક સિનીયર સિટિઝન બેંક ખોલીએ? ખબરદાર, જો કોઈએ આ વાતને હસવામાં કાઢી છે તો!

આઠમા ધોરણમાં મેં ‘મારા સપ્નનું ભારત’ નિબંધ લખ્યો ત્યારે અમારાં ક્લાસ ટીચર હેમકુંવરબેને મને શાબાશી આપી’તી. બસ, એ જ રીતે, આજે મને ‘મારા સ્વપ્નની બેંક’ પર લખવાનું શૂરાતન ચડ્યું છે.

આજ કાલ બેંકમાં અટવાતા, ભટકતા, મૂંઝાતા, ગભરાતા, ગેરમાર્ગે દોરવાતા, છંછેડાતા, તરછોડાતા, છેતરાતા સિનીયર સીટીઝનોને જોતાં હું દુઃખ અનુભવું છું. હું ખુદ આ સમૂહનો સભ્ય હોવા છતાં પલાયનવાદી બનીને હું સિનીયર સિટિઝન ન હોવાનો દંભ આચરું છું. હું અજાણ્યો બનીને બધો તાગ જોયા કરું છું, મરકું છું અને સરકું છું.

મારું એક સ્વપ્ન છે, મારી એક હઠ છે કે, એક એવી આદર્શ સિનીયર સિટિઝન બેંકની રચના કરવામાં આવે જેનો મુદ્રાલેખ હોય ‘માનવંતા વૃધ્ધો માટે સુવિધા અને આત્મસન્માન’!

દરેક બેન્કને પોતાનો આગવો રંગ (visual identity) હોય છે, આ બેંકની ઓળખ હોય લહેરાતો સપ્તરંગી પટ્ટો!

હું ઈચ્છું કે, સિનીયર સિટિઝન બેંકનાં સંચાલકો અને પ્રમોટરો પોતાના ગ્રાહકના મન, વર્તન અને અપેક્ષાઓના ગહન અભ્યાસુ હોય. આ કસ્ટમર કેવો ચીકણો લાક જેવો છે એ વાત સમજીને ચાલે એટલે સમજો બેંક ચાલવાની. સિનીયર સિટીઝનને એમના પૈસાનું શું કરો છો એની પડી નથી હોતી, એમના પૈસા સાચવો છોને, બસ, વાત પૂરી! એમને બીજું કંઈ ન જોઈએ, પાસ બૂક ભરી આપો એટલે ન્યાલ! ડિપોઝિટો કાઢી આપો એટલે ખૂશ! એ લડશે, ઝઘડશે, અકળાશે, ગીન્નાશે પણ છલ્લે શાંત પડશે ત્યારે સગા બાપ જેવા હેતાળ લાગશે.

હું ઈચ્છું કે, આ બેંક બિલ્ડીંગના પ્લાન CEPT અને ઇન્ટીરિયર-ફર્નિચરની ડિઝાઈન NID ને સોપાય. બેંકમાં પગથિયાંને બદલે રેલિંગવાળા સ્લોપ હોય. એસી માફક ન આવતું હોય એવી બહોળી સંખ્યા હોય એટલે માત્ર ધીમા પેડેસ્ટલ ફેન અને ઉનાળામાં દરવાજા પર વાળાની ટટ્ટી ગોઠવાય. વોલ ટૂ વોલ કાર્પેટ હોય જેથી લપસી ન પડાય. દરેક દીવાલ પર મસમોટાં કેલેન્ડરો અને મોટાં આંકડાવાળી ઘડિયાળો મૂકાય. વેઈટીંગ એરિયામાં ધીમેથી બેસી શકાય એવા ઊંચા સોફા મૂકાય અને લાઈનમાં થાક ખાવા માટે શિરડી, તિરુપતી જેવી સીટ પણ હોય. ચાર- પાંચ બાથરૂમોની સુવિધા અને લીંબુ-ગ્લૂકોઝ મિશ્રિત પાણી મફત અપાય. એક પેરા મેડીકની વ્યવથા ગોઠવાય જે જરૂર પડે ગ્રાહકનું બીપી, બ્લડ સ્યુગર મોનિટર કરે, વૃદ્ધોના સ્વાથ્યની કાળજી લે.

દરેક કાઉન્ટર માઈકથી સજ્જ હોય જેથી ગ્રાહકોને વારંવાર ‘શું? શું?’’ હેં? હે?’ કરવું જ ન પડે.

હું ઈચ્છું કે, બેંકમાં ‘નાણાંકીય સહાયકો’ હોય, જે ગ્રાહકને ફોર્મ, ચેક, વિડ્રોઅલ, પે-સ્લિપ ભરી આપે, પૈસા ગણી આપે, પાસબુકની એન્ટ્રીઓ અને બેંક સ્ટેટમેન્ટ સમજાવે કે ફિક્સ ખોલાવવામાં મદદરૂપ બને. એક વિજીલન્સ અધિકારી ગ્રાહકોનાં થેલી-થેલા, ચશ્માં, બોલપેન, લાકડી, છત્રી, મોબાઈલ સાચવે અને કશું ભૂલી ન જાય એવી સતત દેખરેખ રાખે.

હું ઇચ્છું કે, આ સિનીયર સિટિઝન બેંકનું ખાસ વાર્ષિક કેલેન્ડર બને. સમય સવારે દસથી બપોરના સાડા બાર અને બપોરે ચારથી સાંજના છ. મહિનાની આખર તારીખો એટલે કે, ૨૯-૩૦-૩૧ તથા મહિનાની વ્યાજ ગણાવાની અને પગાર તારીખો એટલે કે એક થી સાત બેંક એક કલાક વહેલી ખૂલે અને એક કલાક મોડી બંધ થાય. બેંકમાં પંદર ઓગસ્ટ અને છવ્વીસ જાન્યુઆરી સિવાય વાર-તહેવારની રજા ન હોય. અલબત્ત, ગાંડા જેવા વરસાદમાં કે કાળજું કંપાવતી ઠંડીના દિવસોમાં બેન્કનું કામકાજ બંધ રહે જેની જાહેરાત છાપાંના બેસણાવાળા પેજ પર છપાય, જેથી વૃધ્ધોને હાલાકી ન પડે.

અને હા, બે સ્પેશ્યલ કાઉન્ટરો પર માત્ર પેન્શનરોનું જ કામ-કાજ થાય એટલે ભયોભયો! શક્ય છે કે, અમુક ‘ટટ્ટાર’ સિનીયર સીટીઝનોને આ સૂક્ષ્મ સુવિધાઓનો લાભ મળી જાય!Anupam Buch

મારી કલ્પનાની ‘સપ્તરંગી’ સિનીયર સિટિઝન બેંકની અઢળક થાપણોની વર્લ્ડ બેંક નોંધ લેશે અને અંબાણી ઈર્ષા કરશે ત્યારે હું વિના સંકોચ અને ગૌરવભેર કહીશ કે, ‘હું પણ સિનીયર સિટિઝન છું.’ હા, ત્યાં સુધી બેંકના ખીચોખીચ હોલમાં ઉંમરના લેબલ વિનાનો હું એક ખોવાયેલ સંનિષ્ઠ નાગરિક બની રહીશ.

અભિવ્યક્તિ -૩૪-હ્યુમન માઇકોલોજી-અનુપમ બુચ

હ્યુમન માઇકોલોજી

મણસે માઇકની શોધ કરીને ઈશ્વરને પણ આશ્ચાર્યચકિત કર્યા છે. દેવોની સભામાં જ્યારે જ્યારે આ મુદ્દે ચર્ચા નીકળે છે ત્યારે ત્યારે દરેક દેવતાઓ માઇકની શોધ કરવા બદલ માણસનાં વખાણ કરતાં થાકતા નથી હોતા.

‘લાઇટ એન્ડ સાઉન્ડ’ના દેવ તો વિના સંકોચ કબૂલે છે કે, માણસ ઈશ્વરને ઓળખવામાં સદીઓથી થાપ ખાતો આવ્યો હશે, પણ માઇક શોધાયા પછી માણસને ઓળખવાનું અત્યંત કપરું કામ દેવતાઓ માટે ખૂબ સરળ થઈ ગયું છે.

ઊંડાણથી વિચારો. માઇક એટલે આપણામાં મૌન બેઠેલા માહ્યલાનો પડઘો.

કોઈ એવા છે જે માઇકથી સખત ડરતા હોય છે. માઇક જાણે સળગતું લાકડું હોય એમ આઘા જ ભાગતા હોય છે. માઇક હાથમાં પકડાવો તો હોંઠ ધ્રૂજવા લાગે, હાર્ટબીટ વધી જાય. કેટલાક વળી એવા હોય છે જેમની સામે તમે માઇક ધરો તો કોઈએ અચાનક છરો બતાડ્યો હોય એવા હાવભાવ એમના ચહેરા પર આવી જતા હોય છે. કેટલાકને તો માઇક જોઈને તરત જ શરમનાં શેરડા પડવા લાગે છે. એમના તરફ તમે માઇક ધરો તો એમ પાછું ઠેલે કે પોતે જાણે સોળ વરસની કુંવારી કન્યા ન હોય! એમની હથેલી પાણી પાણી થઇ જાય અને આંખોમાં મીઠો ગભરાટ ચળકી ઊઠતો હોય છે.

કેટલાક વળી માઇકને જન્મથી ધિક્કારતા હોય એમ માઇકથી મોઢું ફેરવી લેતા હોય છે. બહુ આગ્રહ કરો તો ચિડાઈ જાય. કેટલાક લોકોને માઇકમાં બોલવાની ઈચ્છા તો હોય પણ હિંમત ન હોય. સાંભળનારા શું કહેશે? હાંસી ઉડાવશે તો?’ ‘અવાજ સારો નહિ લાગે તો?’ આવી આવી મૂંઝવણ અનુભવતાં ‘દ્રાક્ષ ખાટી છે’ જેવું વલણ બતાવી છટકી જતા હોય છે.

આ બધા ભીરુ, શંકાશીલ, શરમાળ, પૂર્વગ્રહવાળા કે માઇકથી અકળાતા લોકો વચ્ચે સાવ અલગ તરી આવતો એક વર્ગ છે, જેના પર દેવોને પણ ભરપૂર માન છે. ‘માઇકઘેલા’. માઇક જોતાં જ એમના મોઢામાં પાણી છૂટતાં હોય છે, જાણે ખસખસ ભભરાવેલ લાડુ જોયો ન હોય! માઇક મળે તો આવા લોકોને શેર લોહી ચઢે. આવા માઇકપ્રિયજનોનો આત્મવિશ્વાસ જ જૂદો હોય છે.

આમાંના કેટલાક સભાન હોય છે કે એમનું ગળું મીઠું છે. પછી શું? પોતાનો મધમીઠો અવાજ સંભળાવવા, શ્રોતાઓને અભિભૂત કરવા હરઘડી તત્પર જ હોય છે. માઈક હાથમાં આવ્યાની જ વાર!

અલબત્ત, ‘માઇકપ્રિય’ અને ‘માઇકભૂરાયા’ વચ્ચે મોટો ભેદ છે.

‘માઇકપ્રિય’ માઇક માંગે, ‘માઇકભૂરાયો’ માઇક ઝોંટે. ‘માઇકભૂરાયો’ માઇક જોઈને ગાંડો થઈ જતો હોય છે. ઝાલ્યો ઝાલાય નહિ! પછી ભલેને બોલવામાં કે અવાજમાં ઠેકાણું ન હોય! એમનું બોડી લેન્ગવેજ જ ચાડી ફૂંકી દે કે, ‘ક્યારે માઇક હાથમાં આવે ને ક્યારે હું આખેઆખું માઇક ગળી જાઉં!’ આવા માઇકેશ્વરોનાં ઘરનાં ઠાકોરજીમાં કદાચ રોજ માઉથ-પીસ પર કંકુ-ચોખા-તિલક થતાં હોય તો નવાઈ નહિ!

માઇકની દૂનિયામાં કરાઓકે! Karaoke! OMG! માઇકના આ પ્રકારે તો માઝા મૂકી છે. (થોડું-ઘણું સારું કે ઠીક ગાતાં હોય એમણે માઠું લગાડવું નહિ!) કરાઓકે માટે દેવતાઓ વિસ્મિત પણ છે અને ચિંતિત પણ છે.

તૈયાર મ્યુઝિક ટ્રેક સાથે હાથમાં માઇક લઈ ગાતાં ગાતાં ડોલનારાઓનો આ નવોનક્કોર સમૂહ વૈશ્વિક નાગરિકત્વ ધરાવે છે. મૂંગી ફિલ્મો પછી ગીત-સંગીતવાળી પહેલી ફિલ્મના ગીતથી લઈને આજ સુધીના ગીતો આવડે! હું તો માનું છું કે એક એવાં દેશનું સર્જન કરવું જોઈએ જ્યાં ‘કરાઓકે ક્રેઝી માઇક લવર્સ’ દિવસ-રાત, જે ગાવું હોત એ બે-રોકટોક ગાયા કરેAnupam Buch

સાચું પૂછો તો મને કરાઓકેપ્રિય ‘માઇકભક્તો’નો નિજાનંદ ગમે છે. કેવા નિખાલસ, નિ:સંકોચ ગાયકો! પરદેશના કોઈ હાઉસના બેઝમેન્ટમાં ગણ્યાં-ગાંઠ્યાં લોકો વચ્ચે લેપટોપ સામે માઇક પકડી ઝૂમતા કે પછી ખાલી એપાર્ટમેન્ટમાં અટૂલા કોઈ કરાઓકે ચાહકને દિલ ખોલી ફિલ્મી ગીતો ગાતાં જોઉં છું ત્યારે મારું મન ભરાઈ આવે છે. એક માઇક એમને ભીતરનો અવાજ ઉલેચવાનો કેવો મજાનો મોકો આપે છે!

માત્ર ગીત-સૂર-સંગીત જ કેમ? એક માઇકે ઘેરા અવાજવાળા ઉપદેશકો અને પ્રભાવશાળી વિચાર ઘરાવતા મોટીવેટરોને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધા છે! માઇકને લીધે તો પોલિટિકસ વીજળી વેગે પાંગરતું રહ્યું છે. અરે, હજારો વોટ કે ડોલ્બી સાઉન્ડમાં માર્ક એન્ટની સ્પીચ સાંભળવાની કલ્પના માત્ર મારા ધબકારા વધારી દે છે!

અવાજ મીઠો હોય કે કર્કશ, માણસના મન-હૃદયનો પડઘો કોણ પાડે? માઈક.

અભિવ્યક્તિ -૩૩-સુખડી ની વાતો -અનુપમ બુચ

સુખડી” ની આવી વાતો તમે પેહલા ક્યારેય નઈ વાંચી હોય…

ગોળપાપડી. 766 B.C.ની આસપાસ શોધાઈ ત્યારથી આજ સુધી સતત અને સર્વત્ર રાજ કરતી મીઠાઈની મહારાણી ‘ગોળપાપડી’ના ગુણગાન ગાઈએ તેટલાં ઓછાં છે.
ઇન્દ્રદેવે માણસને પહેલીવાર આ રેસિપી સુઝાડી ત્યારે નારદજી વ્યંગમાં બોલ્યા, ‘હે ભગવંત! આટલી સાદી મીઠાઈ માણસને ક્યાં સુધી રીઝવશે?! એ ખાઈ ખાઈને કંટાળશે. ત્યારે ઈન્દ્રએ નારદજીને વચન આપ્યું’તું કે ‘બીજી કોઈ પણ મીઠાઈની તુલનામાં આ સાદી લગતી મીઠાઈ સદીઓ સુધી સૌના હૃદયમાં રાજ કરશે, હંમેશા મોખરે રહેશે. નારદજી, આ મીઠાઈ ગરીબ હોય કે તવંગર, સમાજના દરેક સ્તરે વખણાશે’. ઇન્દ્રએ આ મીઠાઈને નામ પણ સાવ સાદું આપ્યું, ‘ગોળપાપડી’!
નારદજીએ પૃથ્વીના પરિભ્રમણ દરમ્યાન લોકોને આ મીઠાઈ સુખ અને શુકનથી માણતાં જોયા અને ખૂબ પ્રસન્ન થયા. નારદમુનિએ ઇન્દ્રે સુઝાડેલ અને નામાંભ્ધન કરેલ ‘ગોળપાપડી’ને ‘સુખડી’નું હૂલામણું નામ આપ્યું!
સાહેબ, દુનિયાના કોઈ પણ ખૂણે, કોઈ પણ ક્ષણે ગોળપાપડીથી વધુ સાદી, ‘સ્પીડી’, સરળ અને સ્વાદિષ્ટ બીજી કોઈ મીઠાઈ બનતી હોય તો બતાવો. સવાલ જ નથી! ‘મેગી’ કરતાં વધુ સહેલાઈથી અને ઝડપથી બની જતી આ મીઠાઈનાં ઇન્ગ્રેડીયનટ્સ એટલે હાથવગાં ઘઉંનો લોટ, ગોળ અને શુદ્ધ ઘી. નહીં કાજુ-કિસમિસ, નહીં કેસર બદામ. ઘીમાં ઘઉંનો લોટ શેકાયા પછી એમાં ગોળ પડે, ઘી ઉમેરાય એટલે ગોળપાપડીની અલૌકિક મહેક ઘરમાં ફરી વળે. એ મહેક રસોડાના ઝાળિયામાંથી ફળિયા સુધી પહોંચે ત્યારે ટૂંટિયું વાળીને સૂતેલા કૂતરાનાં કાન પણ બે ઘડી ઊંચા થઇ જાય. અરે, એ ઘઉં, ગોળ અને શુદ્ધ ધીની સહિયારી સોડમ પાસે લસલસતા શીરાની સુગંધ પણ પાણી ભરે. હા, તાજો દેશી ઢીલો ગોળ હોય તો ઘી-ગોળની જુગલબંધીની વાત જ કંઈ ઓર છે.
આહા! એ કડાઈમાં ઘસાતા તાવિથાનો આંગણા સુધી રેલાતો ‘ધાતુધ્વની’ કોઈ ખૂશી કે શુભ પ્રસંગની ચાડી ફૂંકે. એમાં પણ ધીમી ધારે પડતા વરસાદી માહોલમાં લસોટાતી સુખડીની સુગંધ જેમણે છાતીમાં ભરી છે એનો અવતાર કદિ એળે ન જાય. હા, ભલે જીભ પર ચોંટી જાય પણ ગરમ ગોળપાપડીની એક ચમચી કોઈ વાર મોઢામાં મૂકી જોજો, થનગની ઉઠશો! અમને બાળપણમાં પેંડા, શિખંડ કે બાસુંદી કો’ક જ વાર ખાવા મળતાં પણ ગોળપાપડી ખાઈને તો અમે ઉછર્યા છીંએ! આહા! એક ચોસલું! એક બટકું! ખલ્લાસ!
આ બારમાસી મીઠાઈને નથી નડતાં કોઈ દેશ કે કાળના બંધન. માળિયા હાટીનાનાં કોઈ ખેડૂતના રસોડાનાં ચૂલા પર એલ્યુમિનિયમની કડાઈમાં ઘીસોટાય કે મુંબઈમાં ‘એન્ટિલા.’ના ડિઝાઈનર કિચનની હોટ પ્લેટ પર નોનસ્ટિક વાસણમાં ખદબદે એનું નામ સુખડી! .
એક વાત તો કબૂલ કરવી પડે કે દરેક વખતે એક સરખી ગોળપાપડી બનાવવી એટલે સાંબેલું વગાડવું. કોઈવાર મોળી તો કોઈ વાર ગળી બની જાય. કોઈ વાર સહેજ પોચી તો કોઈ વાર કડક બની જાય. કોઈ વાર કાચી રહી જાય તો કોઈ વાર લોટ વધુ શેકાઈ જાય. એક સરખી ગોળપાપડી બનાવી શકે એ સાચી અન્નપૂર્ણા. મારી ચેલેન્જ છે કે જો ગોળપાપડી બનાવવાની કૂકિંગ કોન્ટેસ્ટ થાય તો બધા જ હરીફની ગોળપાપડીના સ્વાદ અને બનાવટ અલગ અલગ જ હશે એ વાત પાક્કી.
ગોળપાપડી એક શુભ અને પવિત્ર મીઠાઈ છે. ‘કૂછ મીઠા હો જાય’ ના લિસ્ટમાં ટોપ પર જો કંઈ હોય તો એ ગોળપાપડી. કોઈ શુભ સમાચાર આવે એટલે ભગવાનને ઝટ ગોળપાપડી ધરાય. મહુડીની સુખડીનો પ્રસાદ લેવાનો લાભ મળે એટલે તમે અને નસીબદાર પુણ્યશાળી! રામેશ્વરની જાત્રાએ જતા પરિવારના ભાતાનાં ડબ્બા ખોલી જૂઓ તો એમાં ગોળપાપડી મળશે, શિખંડ કે લાડુ નહીં હોય. વડોદરાનો કોઈ સથવારો મળી જાય તો હોસ્ટેલમાં રહીને ભણતા દીકરાને સવિતાબેન વેરાવળથી સુખડી મોકલશે. ગોળપાપડી નૈનિતાલ અને ઊટી-કોડાઈકેનાલની સફર પણ કરે. સક્કરપારા અને સુખડી ભરેલા ડબ્બાઓ અમદાવાદથી ન્યૂ જર્સી જતા બોઇંગ પ્લેનમાં ઓગણત્રીસ હજાર ફીટની ઊંચાઈએ હોંશે હોંશે ખૂલતા હોય છે.
ગોળપાપડી બનતી હોય ત્યારે ભજન ગણગણવાનું મન થાય, ફિલ્મી ગીત યાદ ન આવે, સાહેબ!
હું તો પ્રભુને પ્રાર્થના કરું કે રાય હો કે રંક, આંગણે શુભ સમાચાર આવે કે પછી ફળિયે ઝરમરઝરમર વરસાદ પડતો હોય, દરેક ઘરમાં એક નાની થાળીમાં ઠારી શકાય એટલી સુખડી બનાવવા પૂરતાં લોટ, ગોળ અને ઘી હોય!

અભિવ્યક્તિ -૩૨-પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી’

એક જૂના બંગલાની દસ બાય આઠની રૂમ, જમીન પર પથારી, એક ખૂણામાં આઠ વાટનો મૂંગો સ્ટવ, જમીન પર પડેલ બે ખાનાવાળા ખૂલ્લા ઘોડામાં ગોઠવેલ ચા-ખાંડના ડબ્બા, પ્યાલા-રકાબી, એક તપેલી, બે સ્ટીલના પ્યાલા, સાણસી, બીજા ખૂણામાં રકાબી ઢાંકેલ પાણીનું માટલું, ડોલ-ડબલું અને બે-ચાર જરૂરી વસ્તુઓ. લોખંડની પટ્ટીવાળા પલંગ નીચે પતરાની ટ્રંક અને એક ચેનવાળો થેલો. ખીંટી પર લટકાતાં લેંઘો, બે શર્ટ, બે પેન્ટ. ક્રોસમાં બાંધેલી દોરી પર બે-ત્રણ ઇનર્સ અને ઝાંખો ટુવાલ.
બંગલો કહેવાતા આ ટેનામેન્ટના કંપાઉંડની જમણી તરફથી પ્રદક્ષિણા કરો એટલે એક નળવાળી કોમન બાથરૂમ અને દેશી ટોઇલેટ, ખૂલ્લી ચોકડી અને નળની ઊંચી ચકલી. ચોમાસામાં છત્રી લઇ નહાવા જવાનું અને ‘કળશે જવા’ અરધી રાત્રે કસરત કરવાની. ટેનામેન્ટના કમ્પાઉંડમાં બે-ત્રણ આસોપાલવ, સફેદ કરેણન અને તુલસીજી ખરાં પણ આજુબાજુ નહિ ક્યાંય આંબો, નહિ વડ, નહિ પીપળો કે નહિ લીમડો. ક્યાંય નહિ નદી નહિ નાળા, નહિ સરોવર નહિ કૂવો.
શહેર કહેવાતા એક મોટા ગામથી નોકરી કરવા મોટા શહેરમાં નવાસવા આવેલ એક પોપટનું આ ઘર, આ એનું પ્રારંભિક રાચરચીલું.
માસીના રસોડે નિયમિત જમતો આ પોપટ રવિવારે સાંજે રસોડું બંધ હોય એટલે ભેળની લારી કે સેન્ડવીચના થડા શોધતો હોય છે. યોગાનુયોગ એક સાંજે વતનથી શહેરમાં કામ માટે આવેલ કોઈ દૂરના સંબંધીના સગાનો ભેટો થતાં જ પોપટની આંખમાં ચમક આવી જાય છે, પગમાં જોમ આવી જાય છે. એમ જ કહોને કે એની રગેરગમાં વતન વ્યાપી જાય છે. એ ત્યાંને ત્યાં રસ્તા પર જ વડિલને ભાવપૂર્વક પગે લાગે છે જાણે આખું ગામ એને આશીર્વાદ આપવા ઊતરી ન આવ્યું હોય!
બસ, પછી તો ઊભાઊભ ખબર-અંતરનો દોર ચાલે છે અને પેલા વડીલ ‘ઘરનું કંઈ પણ કામ હોય તો વિના સંકોચ જણાવ’ એવો વિવેક કરે છે. પોપટ જવાબ વાળે છે, ‘બસ, બીજું કંઇ નઈ, કે’જો કે મજામાં છું’. અને વડિલ પોસ્ટકાર્ડ બની બીજે જ દિ’ ગામ પહોંચી જાય છે અને પોપટના ઘરની ડેલીમાં દાખલ થતાંવેંત મોટે અવાજે સમાચાર આપે છે, ‘એ…પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી’. પોપટના સમાચાર સાંભળી મા-બાપને પણ પોપટ રૂબરૂ આવીને કહી ગયો હોય એવી નિરાંત થાય છે.
‘પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી’ એક કહેવત માત્ર હોવા છતાં અજાણ્યા બનીને મા-બાપ પણ સંબંધીના શબ્દમાં વિશ્વાસ મૂકે છે અને એમનો ભારોભાર આભાર માને છે.
નથી એમણે પોપટનું દસ બાય આઠનું ‘ઘર’ જોયું હોતું કે નથી એ લોકોએ ચાખી હોતી માસીના હાથની રસોઈ. છતાં એ લોકોમાં પોપટ આંબાની ડાળે ઝૂલતો હોય અને સરોવરની પાળે બેઠો હોય એવો રાજીપો ઉભરતો હોય છે. પોપટ પણ ઘર ભૂલીને ઉડાઉડ કરતો રહે છે.
ખરેખર તો ઉભય પક્ષે અણદીઠો વલવલાટ હોય છે, ભારેલો તલસાટ હોય છે. નોકરીમાંથી અઠવાડિયાની રજા ભેગી કરીને પોપટ ઘર ભણી જવા નીકળે છે ત્યારે એની પાંખમાં વેગીલો પવન વીંઝાય છે. એ આંબાની ડાળીએ બેસવા આવે છે ત્યારે વગર બોલે કબૂલાત થાય છે. પોપટને રોજ ‘ફરતું ફરતું’ ખાવા મળે છે. મા ‘અંદર ખાને’ જાણે છે કે પોપટ કેવો ભૂખ્યો હશે. બાપ પણ મનમાં સમજતો હોય છે કે પોપટ શું શું ન કરીને દર મહીને મનીઓર્ડરની કાપલીમાં પોપટ ‘હું મજામાં છું, તમે કુશળ હશો’ એવું લખતો હશે. મા વિદાય વખતે ખારાં થેપલાં અને ગોળપાપડી બાંધી આપી ઓટલે આવજો કરવા આવે ત્યારે બાપને ઓસરીથી આગળ આવવાની હામ નથી હોતી.

હવે તો કાચી ઉમરનાં પોપટ-પોપટીના ઝૂંડેઝૂંડ શહેર ભણી ઉડે છે. પાણી માગો ત્યાં અને રહેવું-વિહરવું એટલે જાહોજલાલી! પોપટ-પોપટીને ગોળપાપડી નથી ભાવતી, એમને મેકડોનાલ્ડ કોઠી પડી ગયું છે. પોપટ-પોપટીને ઝટ આંબાની ડાળી નથી સાંભરતી. મન પડે ત્યારે ‘કાચ અને કચકડા’ પર ‘એ..રામ રામ!’ બોલે છે. પોપટ ખરેખર ભૂખ્યો નથી અને તરસ્યો પણ નથી. એ ખરેખર આંબાની ડાળ અને સરોવરની પાળ ભૂલવાના પાઠ શીખે છે!Anupam Buch

તમે જૂની કહેવતનો પોપટ હો તો તમારા પૌત્ર-પૌત્રીને આંબાની ડાળના એ પોપટની દંતકથા કહી હળવા થજો.

અનુપમભાઈ બુચ

અભિવ્યક્તિ -૩૧-‘ઝભલાં’ ગયાં, થેલી આવી!

 

આખરે ઝભલાં થેલી ગઈ સમજો! અરેરે, ઝભલાં થેલી વિના આપણા હાથ અડવા લાગશે, નહિ? હસતે મોઢે ઝભલાં થેલી હાથમાં ઝૂલાવતા યુવાવર્ગને સૂતરાઉ થેલી પકડવાની શરમ આવશે, નહિ?

આ ઝભલું પંદર-વીસ વરસથી તો ચારેય તરફ એવું ઘૂસી ગયું’તું કે જાણે એના વિના વેપાર અને વહેવાર ચાલતા જ નહિ. જ્યાં જૂઓ ત્યાં ઝભલાં થેલી. માંગો એ સાઈઝમાં ઉપલબ્ધ, વજનમાં હલકી ફૂલ અને પાણીથીય સસ્તી. વળી, ચારેય તરફથી ભેગી કરેલાં ઝભલાંઓનું કબાટ ભરીને કલેક્શન થાય એ નફામાં!

મને તો ઝભલાંનાં અમાપ ઉપયોગોનું ભારે કૌતૂક થાય. શાક-ભાજી અને કરિયાણું ભરવા માટે મહત્તમ ઉપયોગ થાય. પાંચ કિલો બટેટાં કે અથાણાંની કેરી ઊંચકવાં હોય અને મૂઠ્ઠી જેટલાં ઘાણા-આદુ-મરચાં ભરવાં હોય, ત્રણ કિલો ખાંડ લેવી હોય કે સો ગ્રામ મોરૈયો, ઝભલું જોઈએ.

સાડીઓ, તૈયાર કપડાં, વાસણ અને દરેક વપરાશી ચીજ-વસ્તુઓ મૂકવા, ઝભલું. ખાદ્ય ચીજો, ફાસ્ટ ફૂડ, નાસ્તો અને લંચ બોક્સ મૂકવા, ઝભલું.

સાહેબ, રૂપિયાના બંડલો વીંટવા, કીમતી દસ્તાવેજ મૂકવા, ઘરેણાં અને સેફ ડિપોઝીટ વોલ્ટમાં મૂકાતાં લખો રૂપિયાની જવેલરીના બોક્સ લપેટવા, ઝભલું. મંદિર કે કથાનો પૂજાપો અને ભગવાનને બીલીપત્ર-ફૂલો ચઢાવવા, ઝભલું, અંતિમ યાત્રાના ક્રિયાકર્મનો સામાન પહોંચાડવા, ઝભલું. વરસાદ પડે ત્યારે જેઠો, ભીખલો કે મોંઘીએ માથે પહેરી ભાગવું હોય, ઝભલું. કામવાળાં મંગુબેનને કે વાળવાવાળા કાનાને કોઈ વાર વધ્યું ઘટ્યું ભરીને આપવું હોય, ઝભલું. ઘરનાં એઠવાડ, કચરો-કસ્તર ભરીને ફેંકવું હોય, ઝભલું!

ઝભલાં થેલીઓ આવી ત્યારે મને આપણી સૂતરાઉ થેલીનો અમર વારસો ઝૂંટવાઈ ગયાનો રંજ થયો’તો. ત્રણ પેઢીથી ખીંટી પર ટીંગાઈ રહેતી બે-ત્રણ શાકની સૂતરાઉ થેલીઓનો વપરાશ લગભગ બંધ થઇ ગયો’તો. નામ હતું શાકની થેલી પણ એ થેલીઓનો અન્ય જરૂરિયાત માટે પણ ઘણો ઉપયોગ થતો.

કેવી મજાની અને મજબૂત હતી એ ધરમશી કે વાલાજીની સિવેલી થેલીઓ? કોઈ થેલીના નાકાનો રંગ જુદો હોય, કોઈ થેલી બે-ત્રણ જાતનાં કપડાંમાંથી બની હોય, તો કોઈનું નાકું લાંબું હોય. કોઈ થેલી ટૂંકાં પડી ગયેલાં સ્કર્ટમાંથી બની હોય એટલે હાથમાં ગુલાબી ફૂલોનો બગીચો ઝૂલતો હોય એવી લાગે. કોઈ થેલી વળી ઝળી ગયેલ બેડશીટમાંથી બની હોય એટલે ચટાપટાવાળી પણ હોય. કોઈ થેલીનું કપડું બ્લ્યુ ને સિલાઈનો દોરો સફેદ હોય. એમ થાય છે કે એ બધી ‘ડિઝાઈનર’ થેલીઓ એકઠી કરીને કોઈ ‘ઇન્ટરનેશનલ ફેશન ડિઝાઈન ફેયર’માં મૂકાય તો ચપોચપ વેચાઈ જાય અને ઊપરથી લોકો ‘વાઉ, વાઉ!. હાઉ નાઈસ!’ કહે.

જેમણે પંચ હાટડી શાક માર્કેટમાં આંટો માર્યો હશે એ જાણે જ છે કે શાકની સપ્તરંગી સૂતરાઉ થેલીઓથી છવાયેલ બજારમાં વિશ્વના એકસો અઠ્ઠાવન દેશોનાં ‘રાષ્ટ્રધ્વજ’ ફરફરાટ કરતા હોય એવું દ્રશ્ય ખડું થતું!!

શાકની આ સપ્તરંગી થેલીઓ કોઈ સ્ટેટસ સિમ્બલ ન હતી. બજારમાં રોજ સવારે તાજું શાક લેવા નીકળી પડતા બધા જ લોકો ‘કોમનમેન’ હતા. કોઈ ભેદ નહિ, કોઈ સંકોચ નહિ કે નહિ ‘શોપિંગ બેગ’નો દેખાડો!

આમ તો પ્લાસ્ટિકનું ઝભલું સમૂળગું જાય તો સારું થાય. પર્યાવરણની પાયમાલી થતી તો બચશે જ ઉપરાંત ફૂટપાથ પર ફટાફટ કપડાંની થેલીઓ સિવી આપતી દૂકાનો ધમધમશે. હા, ઘેર મશીન પર છૂટક સિલાઈ કામ કરી બે પૈસા રળતી બહેનોને કામ મળશેAnupam Buch

ફરી સમય આવ્યો છે જ્યારે પંખાના પવનમાં ખીંટીઓ પર મનમોહક શાકની ખાલી થેલીઓ ઝૂલતી થાય!

અભિવ્યક્તિ -૩૦-‘સીંગતેલ ક્યાં?’

‘સીંગતેલ ક્યાં?’

સોનું અને સીંગતેલની ખરીદારીમાં ખરી સમજદારી હતી એ સમયને સલામ!

ખાસ કરીને ઘરમાં પ્રસંગ આવવાનો હોય એ વર્ષ દીકરી કે દીકરાનો બાપ સોનું અને સીંગતેલની પાકે પાયે વ્યવસ્થા કરી નિશ્ચિંત થઇ જતો એ યુગ હવે અસ્ત થયો.

દેવ દિવાળીના કોડિયામાં છેલ્લું છેલ્લું તેલ પૂરાયા પછી ફળિયામાં રેંકડામાં સીંગતેલના તેલના ડબ્બા ઉતરવા શરૂ થાય. કોઈને ત્યાં બે-ત્રણ તો કોઈને ત્યાં છ-સાત. જેવો જેનો ‘વસ્તાર’ અને જેવી જેની પહોંચ. પંદર કિ.ગ્રા.નાં આ મોટાં ટીન કોઠાર, રસોડું કે નાની ઓરડીનાં ખૂણામાં ગોઠવાય એટલે આખા વર્ષની પરમ શાંતિ! અલબત્ત, એક જ ફળિયામાં સીઝનનું સીંગતેલ ન ભરી શકે છતાં સંતોષ અને સ્વમાનથી જીવતાં અન્ય કુટુંબો પણ છૂટક શુદ્ધ સીંગતેલ ખરીદીની એટલી જ કાળજી રાખતાં.

ટૂંકમાં, અમારા અર્થતંત્રની ધોરી નસમાં શુદ્ધ સીંગતેલ વહેતું એ વાત કોણ માનશે?

જેમણે ચોમાસા પછી લહેરાતાં મગફળીનાં લીલુડાં ખેતરો અને ભાદરવાના આકરા તડકામાં સૂકાતા મગફળીના છોડના ઢગલા નથી જોયાં, જેમણે તાજા લીલવણી માંડવીના ઓળા નથી ચાખ્યા અને મુઠ્ઠી ફાટ સીંગદાણા નથી જોયા, જેમણે તાજી પીલાતી મગફળીની સોડમ નથી લીધી, ‘એમનો એળે ગયો અવતારજી’!

એ મોટા ટીનમાંથી બરણીમાં ઠલવાતા સીંગતેલની સોનાવર્ણી ધાર અને ખૂશ્બૂ પર કદિ કોઈ કવિને કાવ્ય રચવાનું કેમ સ્ફૂર્યું નહિ હોય?

કડાઈમાં દડા જેવી ફૂલાઈને ઝારીને હલેસે તરતી પુરીની સોડમ છોડતું, ઊંધિયાનો સ્વાદ અને સુગંધ રેલાવતું, ગરમાગરમ ગોટા, ગાંઠિયા અને ભજીયાં તળતું, લાલ ચટ્ટક અથાણામાં તરતું, ઢોકળાં, હાંડવો અને પાટવડી સાથે જામતું, દાળ પર વઘાર બની શોભતું, રોજ હનુમાનદાદાને ચઢતું, મંદિરમાં પ્રજ્વલિત દીપશીખા માટે બળતું, નવરાત્રીમાં માતાજીના અખંડ દીવામાં પુરાતું શુદ્ધ સીંગતેલ આજે છે અને છતાં નથી.

એક સમય હતો જયારે ગુજરાતમાં સીંગતેલ સિવાય બીજાં કોઈ ખાદ્યતેલનો પ્રવેશ નિષેધ હતો! આજે તો ઘણાં પ્રકારના ખાદ્યતેલોના કેરબા, જાર અને બોટલો આપણા સ્ટોરરૂમોમાં ગોઠવાઈ ગયાં છે. સીંગતેલની મોનોપોલી તૂટી રહી છે. બીજી તરફ સીંગતેલ આરોગ્ય માટે હાનીકારક હોવાના વૈજ્ઞાનિક તારણો પણ નીકળ્યાં છે. કોઈ એક બ્રાન્ડ તો એવો દાવો કરે છે કે વારંવાર ખાદ્યતેલ બદલાતા રહેવું સ્વાસ્થ્ય માટે હિતાવહ છે!

ખરેખર, મગફળીના લીલાંછમ્મ ખેતરો ઘટતાં જાય છે અને પીળાં અને સફેદ ખેતરો વધતાં જાય છે. તલનું તેલ, કપાસિયાનું તેલ, સનફલાવર તેલ, રાઈસબ્રાન તેલ, પામોલિન તેલ, રાયડાનું તેલ, મકાઈનું તેલ…લીસ્ટ લાંબુ જ થતું જાય છે. ઓલિવ ઓઈલ અને એના પણ વિવિધ પ્રકારોના ઉપયોગ પ્રમોટ કરતી ફૂડ ચેનલો અને શેફ તો જાણે સીંગતેલના દુશ્મન જ બની બેઠા છે! અરે, કોઈ ઓળખ વિનાના ‘એક્ટિવ’, ‘સ્લિમ’ કે ‘હેલ્ધી’ જેવા વિશેષણોને નામે વેચતાં ખાદ્યતેલો ગૃહિણીઓનું શોષણ કરે છે અને ખિસ્સાં કાપે છે. ‘ખાદ્યતેલ જેમ વધુ મોંઘુ એમ વધુ સારું’ એવી માનસિકતાથી આજનો ગ્રાહક પીડાય છે. અલબત્ત, સીંગતેલના શોખીન હજી સાવ મરી નથી પરવાર્યા. આજે પણ એવા બંદા પડ્યા છે જે સંપૂર્ણપણે (હોટેલ-રેસ્ટોરાં સિવાય) સીંગતેલના વપરાશનો આગ્રહ રાખે છે.

મને તો લાગે છે કે જેમ સીંગતેલનો વપરાશ ઘટતો જાય છે તેમ ‘સ્ટેન્ટ’ મૂકાવવાવાળાની સંખ્યા વધતી જાય છે. નિતનવા સંશોધનો બહાર પડતાં જાય છે. મને આશા છે કે એક દિવસ કોઈ જર્નલમાં રિપોર્ટ આવશે, ‘મૂંહફલી જૈસા કોઈ તેલ નહી’!

બસ, ત્યારે સૌરાષ્ટ્રના રસ્તાની બન્ને તરફ તમારી નજર પડે ત્યાં સુધી ચાસ પડેલાં લીલાંછમ્મ ખેતરો ફરી પાછાં લહેરાતાં દેખાશે. ત્યારે ઘેરઘેર કુણી રોટલી માટે લોટમાં શુદ્ધ સીંગતેલનું મોણ નખાતું થશે અને મંદિરોમાં ૧૦૦% શુદ્ધ સીંગતેલનાં દીવાઓનો પ્રકાશ પથરાશે. બાકી, અત્યારે તો….’સીંગતેલ ક્યાં?’

અભિવ્યક્તિ -૨૯-છત વિનાની ‘દુકાન’

છત વિનાની ‘દુકાન’

આપણે ત્યાં અગરબત્તી મંદિરો કરતાં ફૂટપાથ પર વધારે સળગે છે.

પ્લાસ્ટર ઊખડેલ કમ્પાઉન્ડ વોલ પર લટકાવેલ આઈ શ્રી ખોડીયાર માતાજીના ફોટા સામે કે પતરાંની પેટીના ખૂલ્લા ઢાંકણા પર ચીપકાવેલ ચામુંડા માતાજીના ફોટા સામે કે લીમડાના વૃક્ષ નીચે ગોઠવેલ ગોગા મહારાજના ફોટા સામે અગરબત્તી ઘૂમાવી દિવસના ધંધાનો પ્રારંભ કરતા હજ્જારો ‘દુકાનદારો’ બે ઘડી માટે ફૂટપાથ મઘમઘાવતા હોય છે.

સવાર સવારમાં ફૂટપાથ પર ધાર્મિક ડેરી-મઝારમાં ખોડેલી અગરબત્તીની ‘જૂડી’ની ઉઠતી ધૂમ્રસેર અને એ બાંધકામની આડશમાં કે બંધ મકાનની દીવાલના ખૂણામાં ધમધમતી ચાની કિટલી કે શાકની લારી નજીક થતા ધૂપની ઉઠતી ધૂમ્રસેર જુઓ તો સમજવું કે છત વિનાની બધી ‘દુકાન’ ખૂલી ગઈ.

કોઈ વાર કાન માંડજો, આ ‘દુકાનો’માં અગરબત્તીઓ થાય ત્યારે તમને નકરા પુરુષાર્થની ઝાલર સંભાળશે.

અમારા એરિયામાં એક ફૂટપાથ પર વર્ષોથી જેઠો મોચી બેસે છે. સોરી, જેઠાની ‘દુકાન’ છે. સહેજ આગળ એક બંગલાની ફેન્સિંગ પાસે કાળુની સ્કૂટર રિપેરીંગની ‘દુકાન’ છે. થોડેક આગળ એલઆઈસીની કમ્પાઉન્ડ વોલ પાસે ઓપન-ટુ-સ્કાય બાર્બર ‘શોપ’ છે. પાછળ આઇઆઇએમની ફૂટપાથ પર જૂનાં પુસ્તકોની વર્ષો જૂની ‘દુકાન’ છે. કેટલાંય વર્ષોથી હું આવી ‘દુકાનો’ પાસેથી પસાર થાઉં છું પણ હું જાડી ચામડીનો થઇ જાઉં છું. ક્યારેક એ બધા ‘દુકાનદારો’ને હું એન્ક્રોચર્સ ગણી ધૂંધવાઉં છું.

કેવી હોય છે આ ‘ખૂલ્લી દૂકાનો’, નહિ? નહિ ઊપર છાપરું, નહિ બારી-બારણાં. નહિ આગળિયો-સ્ટોપર કે તાળાં છતાં એ ખૂલે અને બંધ પણ થાય! ફૂટપાથની ધૂળ પર બુઠ્ઠી સાવરણી ફરે અને અગરબત્તી થાય પછી એ ‘દુકાનો’નો વેપાર આખો દિ’ ધમધમે. તો ક્યાંક ફૂટપાથ પર બે પેઢી જૂની લાકડાની મોટી પેટી ‘દુકાન’ બનીને ખોડાણી હોય. એને નાનું અમથું તાળું માર્યું હોય. સવારમાં એનું ઢાંકણું ઉઘડે એટલે સમજો ‘દુકાન’ ઉઘડી.

અરે, તમે એક વખત આવી કોઈ છત વિનાની ‘દુકાન’ પાસે સમી સાંજે ઉભા રહી નિરીક્ષણ કરજો. તમે ‘દુકાન’ની શ્રદ્ધાપૂર્વક ‘વસ્તી’ કરતા ‘દુકાનદાર’ને જોઇને અવાક થઇ જશો. અંધારું થયા પછી એ ‘દુકાન’ અલોપ થઇ જાય! ત્યાં ‘રવિવારની રજા’ પણ ખરી! ટાઢ-તડકાની પરવા ન કરે પણ અનરાધાર વરસાદ હોય ત્યારે ફરજિયાત બંધ રહેતી આ ‘દુકાનો’ હું બંધ જોઉં છું ત્યારે ‘દુકાનદારો’ શું કરતા હશે એવો વિચાર મને ક્યારેય નથી આવ્યો.

ખૂલ્લી ‘દુકાન’ની સુવાંગ માલિકી એમની. હા, કોઈને હપ્તો આવો પડતો હોય તો તો વહેવારની વાત ગણાય. કાં કોઈ બંગલાવાળો એમ વિચારે, ‘ભલે બેઠો બિચારો, કોઈના પેટમાં લાત શા ,અતે મારવી?’ આમ, કોઈના દયાભાવથી ‘દુકાન’ ટકી રહે. નહિ કોઈ રૂકો, નહિ કોઈ ગુમાસ્તા ધારાની ઝંઝટ! છતાં નૈતિક માલિકી એવી કે બીજી-ત્રીજી પેઢી સુધી કોઈ પેશકદમીનો ભય નહિ! કહે છે ને, ‘કબજો બળવાન છે’. વર્ષોથી આવી છત વિનાની ‘દુકાન’ એવી ને એવી જ ઊભી હોય. એ જ બાંકડા, એ જ ડબલાં, એ જ હનુમાનજી, એ જ ખોડિયારમા, એ જ પાવાગઢવાળી! Anupam Buch

ફૂટપાથની કોઈક શુકનવંતી ‘દુકાનો’ એવી પણ હશે જેના ‘માલિક’ ‘પાકી’ દુકાન ભેળા થયા હશે. પણ, સેંકડો જેઠાઓ અને હજારો મકનજીઓના નસીબમાં કમ્પાઉન્ડ વોલની આડશે અને રસ્તાના ખૂણામાં ‘દુકાનો’ ખોલી બેસવાનું હોય છે. ત્યાં રોજ કચરો વળાય છે, રોજ અગરબત્તી થાય છે. ત્યાં રોજ તાળાં વિનાનો ગલ્લો અને પાંચના પેટ ભરાય છે!

અભિવ્યક્તિ -૨૮-દાંડી તૂટેલ પ્યાલા

દાંડી તૂટેલ પ્યાલા

પિત્તળની અડાળીની કટારી જેવી ધારને આંગળાં ધગી ન જાય એ રીતે પકડવી, હોંઠ દાજે નહિ એમ ચાનો સ્વાદ સીધો જીભ પર ઝીલવો એક કલા હતી. અમે વડીલોને આવી રકાબીમાંથી વરાળ કાઢતી ચાના સબડકા લેતાં જોયા છે.

અલબત્ત, અમે તો ચીનાઈ માટીના પ્યાલા-રકાબીના યુગમાં જન્મ્યા અને ઉછર્યા. સફેદ, જાડા અને વજનદાર, રીમ પર લીલી કે બ્લૂ લાઇન અને ત્રણ તરફ ટિકડી ડિઝાઈન એ અમારી ક્રોકરી.

દિવસમાં બે વખત ‘સાચવી સાચવી’ને વપરાશમાં લેવાતા ચિનાઈ માટીના પ્યાલા-રકાબીનું આયુષ્ય માણસની જીંદગી સાથે સરખાવું છું ત્યારે હું ગમગીન થઇ જાઉં છું. કોઈ પ્યાલા કે રકાબીનું આયુષ્ય ટૂંકુ હોય ને ફૂટી જાય ત્યારે ઘરમાં સન્નાટો વ્યાપી જાય. ઘર આખામાં આ અકસ્માતની હવા બંધાઈ જાય અને કોનાથી પ્યાલો ફૂટ્યો એ પ્રશ્ન મુંબઈના બોમ્બ ધડાકા કરતાં વધુ ગંભીર બને. જેનો વાંક હોય એ વ્યક્તિ છોભીલી પડી જાય. એનો ચહેરો ‘માફી’ ભાવે નિસ્તેજ થઇ જાય. કોઈ કડક શબ્દોમાં વાઢાય તો કોઈને મીઠો ઠપકો મળે, કોઈનું મોઢું ચઢી જાય તો કોઈ ‘કંઈ વાંધો નહિ, કાચ છે, ફૂટે. જો જો વાગે નહિ, હોં!’ એવા હેતાળ શબ્દો સાંભળી હાશ અનુભવે.

એક પછી એક રકાબી ઓછી થાય. પ્યાલા ઓછા ફૂટે પણ એની દાંડી તૂટે. આમ, ધીમે ધીમે પ્યાલા-રકાબી ઓછા થતા જાય એટલે છ જોડી નવાં પ્યાલા રકાબી ઉમેરાય. કોઈવાર નવાં અને જૂનાં પ્યાલા-રકાબીના કજોડામાં ચા પીવી પડતી. આજે પણ કોઈવાર એમ થાય, ‘ચાલને મનવા, એકવાર આવા કજોડ પ્યાલા-રકાબીમાં ચા પીયેં!’

દાંડી તૂટેલ પ્યાલાનું વપરાશમાં છેલ્લે સુધી ટકી રહેવું ક્રોકરીના ઇતિહાસની ગૌરવશાળી ઘટના છે. ટૂકડા થઇ ગયેલ રકાબી કચરામાં જાય પણ દાંડી તૂટેલ પ્યાલાના અગણિત ઉપયોગ હતા, ઘણાને યાદ હશે. અમારા વાડાના ખૂણામાં ઊંધા પડી રહેતા દાંડી તૂટેલ બે પ્યાલા કોઈક વાર ચત્તા થતા. કામવાળા બેનને કે પાછળ ડેલો વાળવા આવતા, ભંગાર લેવા આવતા કે ઘઉંની ગૂણ ઉતારવા આવતા શ્રમિકને વધેલી ચા પીવરાવવા આ દાંડી વિનાના પ્યાલા બહુ કામ આવતા. અને છતાં એ લોકો જે પ્રેમથી ચા પીતા એ સંતુષ્ટ ચહેરાઓ કેવા ગમતાં! ‘દાંડી ન હોય તો શું થયું, ચા તો છેને!’

પછી તો ચિનાઈ માટીની જગ્યાએ કાચના પ્યાલા-રકાબી આવવા લાગ્યા’તા. પ્યાલા-રકાબીનો પરિવાર વિસ્તાર્યો અને ક્રોકરીનું રૂપાળું નામ મળ્યું. કીટલી અને ચા–દૂધના પોટ સાથે ટી-સેટ મળતાં થયા’તા. ઉચ્ચ ક્વોલિટીના ગ્લાસ અને ‘કોર્નીંગ’થી અમારા શો-કેસ શોભવા લાગ્યા’તા. રોજ વપરાશના પ્યાલા-રકાબી જૂદાં અને મહેમાનો માટે ક્રોકરી જૂદી. વિવિધ રંગ, શેડ્ઝ અને ડીઝાઈનોમાં કેટલાંક પ્યાલા રકાબી તો એવાં હોય કે હાથમાં જ બટકી જવાની બીક લાગે!

અવનવા કાચનાં પ્યાલા-રકાબી સાથે ‘ક્રોકરી ક્રાંતિ’ ભલે આવી પણ ચા પીવાની અસલી મજા ઝૂંટવાઈ ગઈ. પ્યાલામાંથી રકાબીમાં ચા કાઢીને પીવું અસભ્ય ગણાવા લાગ્યું. રકાબી કોરી રહી જાય અને માત્ર પ્યાલાથી ચા સીપ કરવાની! મારા ફાધર ગુજરી ગયા એ સવારે એમણે રકાબીમાં ચા કાઢીને મારેલો છેલ્લો ‘અસભ્ય’ સબડકો મારી સ્મૃતિમાં સચવાયેલો સૌથી મીઠો અવાજ છે.

અમને હવે પડી નથી પ્યાલા ફૂટે કે રકાબી. બે-ત્રણ કપ કે રકાબી ફૂટી પણ જાય તો અમે નવો સેટ જ ખરીદી લઈએ છીએ. કોઈને મોઢે ‘અરે વાહ! આ ક્રોકરી તમે ક્યાંથી લાવ્યા?’ કહેતા સાંભળવું અમને ગમે છે માટે કોઈ આવે કે ન આવે, અમે જુદી જુદી ક્રોકરીથી કાચના કબાટો ભરી રાખીએ છીએ.

એમ તો હવે અમે થરમોકોલ કપ, પ્લાસ્ટિક કપ, પેપર કપ કે ડેકોરેટિવ મગ, ગમે તેમાં ચા-કોફીનાં ઘૂંટડા ભરીએ છીએ. ચા સાથે ઘૂંટાયેલ અમારી સંવેદના બુઠ્ઠી થઇ ગઈ છે.

પેલી ચીનાઈ માટીનાં દાંડી તૂટેલ પ્યાલા કે કજોડ પ્યાલા-રકાબીમાં ચા-કોફી પીવાનો અહેસાસ અમે ક્યારના ભૂલી ગયા છીએ.

Anupam Buch

અભિવ્યક્તિ -૨૭-પાણીના પ્યાલે….!

પાણીના પ્યાલે….!

એ પણ જમાનો હતો. મોડી સવારે ડેલીનું કડું ખખડે અને ઉલાળાથી ઠાલું બંધ કરેલું બારણું હડસેલી કોઈ પરિચિત અવાજ ઘરમાં ગજાર-પરસાળ સુધી પહોંચે છે, “કાં, આવુંને?” સામે ‘આવો આવો’નો અવાજ વાતાવરણમાં ઉષ્મા ભરી દે.

થોડા થોડા દિવસે આવો ટહૂકો કરી કોઈ સ્નેહીનું આવવું કંઈ નવી વાત ન ગણાય. અર્ધો-પોણો કલાક સુધી ઘણાં ગામ ગપાટા ચાલે, નવા સમાચારોની આપ-લે પણ થાય. આગંતૂક સ્નેહી ઉઠવાના સમયે ‘ચાલો ત્યારે જાઉં’ કહી ડેલી તરફ ડગ ભરે ત્યારે જૂની રંગભૂમિના કલાકારની અદામાં મહિલાવર્ગ બહાર ડોકું કાઢી પૂછે, “ લે, બસ જાવ છો? એમ થોડું જવાય?” આગંતુક પણ ઠાવકાઈથી જવાબ આપે, “ના, ના, ઘેર જઈ ને જમવું જ છેને. પછી કો’કવાર વાત”. ચાની વાત જ હોય ને! પણ આ ‘કો’કવાર’ ફરી ભાગ્યેજ આવે.

લગવા (વારા)નું દૂધ ગણતરી પ્રમાણે માથાદીઠ આવતું હોય એમાં ટપકી પડતા મહેમાનની ચા માટે ‘એક્સ્ટ્રા’ દૂધ ક્યાંથી કાઢવું? અને, અવરજવર એટલી બધી રહેતી કે ચાનો વિવેક ઘરનું માસિક બજેટ ખોરવી નાખે. સવાર-સવારમાં ચૂલા-સઘડી પર દાળ ઉકળતી હોય ત્યાં તપેલું ઊતારીને ચા બનાવવી કેમ ફાવે? અલબત્ત, કોઈ ખાસ સગું, વહેવાઈ કે બહાર ગામથી મળવા આવેલ મહેમાન માટે સઘડી ઊપરથી શાકનું તપેલું ઉતારી ને પણ એક પ્યાલો ચા બનતી ખરી પણ એક જ પ્યાલો બને. મહેમાન ચા પીવે અને યજમાન જૂએ! મહેમાન પણ સમજતા જ હોય એટલે એકલા ચા પીતાં અચકાય નહિ.

એવું નથી હો કે કે લોકોમાં વિવેક નહોતો. હા, એટલું જ કે, ‘શું લેશો?’ ‘ચા પીશો?’ ‘ચા કે ઠંડુ?’ ‘કોફી લેશો કે ચા?’ જેવા ‘શાબ્દિક વિવેક’નો ઉપયોગ સાવધાનીપૂર્વક થતો. ક્યારેક વિના કારણે ‘હા-ના’ની રકઝક બહુ લાંબી ચાલતી અને મોટા ભાગે યજમાન ઝટ માની જતા! હા, પાણી ચોક્કસ મળે.

આપણા ડ્રોઈંગ રૂમમાં ચાના વિકલ્પમાં ‘કોફી’ બહુ મોડી આવી. કોફી પીવાનું સદ્ભાગ્ય માંદા પાડો ત્યારે જ પ્રાપ્ત થાય. અમારા ઘરમાં ચા-ખાંડના ડબ્બાની સાથે કોફીની નાની પતરાની ડબ્બી પડી રહેતી. જવલ્લે જ ખુલતી આ ડબ્બી ત્રણ-ચાર મહિના ચાલતી. તળિયામાં ભેજ કે ભીની ચમચીને કારણે કોફી ગંઠાઈ જાય ત્યારે જ નવી ડબ્બી આવે. દૂધ-પાણી મિશ્રિત,એ માઈલ્ડ કોફીનો સ્વાદ તો જેમણે કોફી ચાખી હોય એ જ જાણે. કોફીનો ભૂકો ચવાય!

બાકી પાણીના પ્યાલે સંબંધો મીઠા જ હતાને! શું ચા, શું કોફી, શું શરબત!

હવે પહેલાં જેવી મૂંઝવણ ક્યાં છે? આપણા ફીઝ ચા માટે આદુ, ફ્રીઝમાં એક્સ્ટ્રા દૂધ, નેસ કાફે ગોલ્ડ, થમ્સઅપ, રૂહે અબ્ઝા અને કાજુ-દ્રાક્ષના આઈસ્ક્રીમથી ભરચક્ક હોય છે.

મૂંઝવણ તો એ વાતની છે કે હવે કોઈ આપણા ઘરનો ઉલાળો બેધડક ખોલતું નથી. અને, આપણા ઘરનાં બારણા હવે ‘ઠાલાં બંધ’ ક્યાં હોય છે? બે સ્ટોપર અને સેફટી ચેઈનવાળાં બારણા દિવસમાં કેટલી વાર ખૂલે છે? હવે કોઈ ડોરબેલ મારતું નથી, કોઈ ટાઈમ ક-ટાઈમ ટપકી પડતું નથી. કોને પૂછવું ‘શું લેશો? ઠંડુ કે ગરમ? ચા કે કોફી?’Anupam Buch

અરે, કોઈ હસતે મોઢે “કાં, આવુંને?” કહે તો સામું કહીએને કે “આવો, આવો!!” કોઈ ગામ ગપાટા મારવા આવે તો ચા-કોફીનું પૂછીએને? હવે તો પાણીના પ્યાલા પણ કોરા ધાક્કોર પડ્યા રહે છે!!

અભિવ્યક્તિ -૨૬-‘દુખડાં હરે સુખડી’ 

‘દુખડાં હરે સુખડી’

ગોળપાપડી. 766 B.C.ની આસપાસ શોધાઈ ત્યારથી આજ સુધી સતત અને સર્વત્ર રાજ કરતી મીઠાઈની મહારાણી ‘ગોળપાપડી’ના ગુણગાન ગાઈએ તેટલાં ઓછાં છે.

ઇન્દ્રદેવે માણસને પહેલીવાર આ રેસીપી સુઝાડી ત્યારે નારદે વ્યંગમાં કહ્યું’તું, ‘હે ભગવંત! આટલી સાદી મીઠાઈ માણસને ક્યાં સુધી રીઝવશે?! ત્યારે ઈન્દ્રએ વચન આપ્યું’તું કે ‘બીજી કોઈ પણ મીઠાઈની તુલનામાં આ મીઠાઈ હંમેશા મોખરે રહેશે, ગરીબ હોય કે તવંગર, ગોળપાપડી સદીઓ સુધી સૌના હૃદયમાં રાજ કરશે’. પૃથ્વીના પરિભ્રમણ દરમ્યાન લોકોને આ મીઠાઈ સુખ અને સંતોષથી માણતાં જોઇને નારદમુનિએ ગોળપાપડીને ‘સુખડી’નું હૂલામણું નામ આપ્યું!

સાહેબ, દુનિયાના કોઈ પણ ખૂણે, કોઈ પણ ક્ષણે ગોળપાપડીથી વધુ સાદી, ‘સ્પીડી’, સરળ અને સ્વાદિષ્ટ બીજી કોઈ મીઠાઈ બનતી હોય તો બતાવો, સવાલ જ નથી! ‘મેગી’ કરતાં વધુ સહેલાઈથી અને ઝડપથી બની જતી આ મીઠાઈનાં ઇન્ગ્રેડીયાનટ્સ એટલે હાથવગાં ઘઉંનો લોટ, ગોળ અને શુદ્ધ ઘી. નહીં કાજુ-કીસમીસ, નહીં કેસર બદામ. ઘીમાં ઘઉંનો લોટ શેકાયા પછી એમાં ગોળ પડે અને ગોળપાપડીની અલૌકિક સુગંધ રસોડાના ઝાળિયામાંથી ફળિયામાં પહોંચે ત્યારે ટુંટીયું વાળીને સૂતેલા કૂતરાનાં કાન પણ બે ઘડી ઊંચા થઇ જાય. અરે, એ ઘઉં, ગોળ અને શુદ્ધ ધીની સહિયારી સોડમ પાસે લસલસતા શીરાની સુગંધ પણ પાણી ભરે. હા, તાજો દેશી ઢીલો ગોળ હોય તો ઘી-ગોળની જુગલબંધી ઓર જામે.

આહા! એ ‘લોહ્યાં’માં ઘસાતા તાવિથાનો આંગણા સુધી રેલાતો ‘ધાતુધ્વની’ કોઈ હોંશની કે શુભ પ્રસંગની ચાડી ફૂંકે. એમાં પણ બહાર વરસાદના ફોરાં પાડતાં હોય ત્યારે લસોટાતી સુખડીની જેમણે સુગંધ છાતીમાં ભરી છે એનું જીવતર એળે ન જાય. કોઈ વાર ભલે જીભ પર ચોંટી જાય પણ ગરમ ગોળપાપડીની એક ચમચી મોઢામાં મૂકજો, થનગની ઉઠશો!

બાળપણમાં અમે પેંડા, શિખંડ કે બાસુંદી કો’ક જ વાર ખાવા મળતી પણ ગોળપાપડી ખાઈને તો અમે ઉછર્યા છીંએ! આહા! એ ચોસલું! એ બટકું!
બારમાસી ગોળપાપડીને નથી નડતાં કોઈ દેશ-કાળના બંધન. માળિયા હાટીનાનાં કોઈ ખેડૂતના રસોડાનાં ચૂલા પર એલ્યુમિનિયમની કડાઈમાં ઘીસોટાય કે મુંબઈમાં ‘એન્ટિલા.’ના ડિઝાઈનર કિચનની હોટ પ્લેટ પર નોનસ્ટિક વાસણમાં ખદબદે.

એક વાત તો કબૂલ કરાવી પડે કે દરેક વખતે એક સરખી ગોળપાપડી બનાવવી એટલે સાંબેલું વગાડવું. કોઈવાર મોળી તો કોઈ વાર ગલી બની જાય. કોઈ વાર સહેજ પોચી તો કોઈ વાર કડક બની જાય. કોઈ વાર કાચી રહી જાય તો કોઈ વાર લોટ વધુ શેકાઈ જાય. એક સરખી ગોળપાપડી બનાવી શકે એ સાચી અન્નપૂર્ણા. મારી ચેલેન્જ છે કે જો ગોળપાપડી બનાવવાની કૂકિંગ કોન્ટેસ્ટ થાય તો બધા જ હરીફની ગોળપાપડીના સ્વાદ અને બનાવટમાં ફેર હોય એ નક્કી.

ગોળપાપડી એટલે એક પવિત્ર મીઠાઈ. ‘કૂછ મીઠા હો જાય’ ના લિસ્ટમાં ટોપ પર જો કંઈ હોય તો ગોળપાપડી. કોઈ શુભ સમાચાર આવે એટલે ભગવાનને ઝટ ગોળપાપડી ધરાય. મહુડીની સુખડીનો પ્રસાદ લ્યો એટલે તમે પુણ્યશાળી! રામેશ્વરની જાત્રાએ જતા પરિવારના ભાતાંનાં ડબ્બા ખોલી જૂઓ તો એમાં ગોળપાપડી મળશે, શિખંડ કે લાડુ નહીં હોય. વડોદરાનો કોઈ સથવારો મળી જાય તો હોસ્ટેલમાં રહીને ભણતા દીકરાને સવિતાબેન વેરાવળથી ગોળપાપડી મોકલશે. સક્કરપારા અને ગોળપાપડીના ભરેલા ડબ્બાઓ અમદાવાદ- ન્યૂ જર્સી બોઇંગ પ્લેનમાં ઓગણત્રીસ હજાર ફીટની ઊંચાઈએ ખૂલે છે. ગોળપાપડી નૈનિતાલ અને ઊટી-કોડાઈકેનાલની સફર પણ કરે. ગોળપાપડી બનતી હોય ત્યારે ભજન ગણગણવાનું મન થાય, ફિલ્મી ગીત યાદ ન આવે, સાહેબ!

હું તો પ્રભુને પ્રાર્થના કરું કે રાય હો કે રંક, આંગણે શુભ સમાચાર આવે કે પછી ફળિયે ઝરમરઝરમર વરસાદ આવે ત્યારે એક નાની થાળીમાં ગોળપાપડી ઠારી શકાય એટલો લોટ, ગોળ અને ઘી દરેક ઘરમાં હોય!