ઘણાં લોકો પળને જીવે છે, ઘણાં લોકો પળને માત્ર માણે છે, પણ, હું પળને જીવીને માણું છું. – મૌલિક વિચાર.
“હૅપી બર્થ ડે” કેટલું સુંદર વાક્ય છે. જેની પણ વર્ષગાંઠ હોય એને આ “હૅપી બર્થ ડે” કહેવામાં આવે તો કેટલો હરખાઈ જાય! સરસ જ છે ને! નો ઑફેન્સ! પણ જે વ્યક્તિને આ શબ્દથી બહું ઝાઝી ફરક ન પડે એ માણસ દુનિયાનો અત્યંત સુખી અને ખુશ માણસ હોય. એનું કારણ ખબર છે? કેમકે, તેના માટે દરેકે દરેક દિવસ હૅપી જ હોય. એ હૅપી દિવસ નહીં પણ હૅપી દિવસો જીવવા ટેવાયેલો હોય. એનાં માટે “હૅપી બર્થ ડે”ની શુભેચ્છાઓ સામાન્ય જ લાગે કેમકે દરેક દિવસ એનાં માટે ખાસ હોય. ૩૬૪ દિવસ માત્ર જીવવા ખાતર જીવતા જીવો પણ ભરપૂર છે. જીવન માત્ર જીવી નાખવું, ક્યાંતો જીવી જવું એ અભિગમ તો આ ધરતી માટે શ્રાપ છે. પણ જીવન જીવીને માણવું એ તો આ સૃષ્ટિ માટે વરદાન છે. માત્ર જીવન જીવવાવાળો જીવ પણ નક્કામો અને માત્ર માણવાવાળો જીવ પણ નક્કામો. માત્ર જીવવાવાળો જીવ ઘર, સોસાયટી, સમાજ, દેશ..માં માત્ર માયૂસી અને માનસિક માંદગી જ ફેલાવશે. તેનાથી પ્રત્યક્ષ કોઈ નુકશાન નહીં હોય પરંતુ પરોક્ષ રીતે તે આજુબાજુનું વાતાવરણ મંદ કરી નાખશે. અને માત્ર માણવાવાળો જીવ હશે તે તો “ફલાયિંગ ઈન ધ એર” મોડમાં જ હશે. તેને તે પોતે કરે તે બધું સાચું જ લાગતું હશે. તેના દિવસની શરૂઆત કીટલીથી અને અંત બાટલીથી થતો હશે. અતિશયોક્તિ તે તેનો સ્વભાવ હશે. આવાં માણવાવાળા જીવને લીધે તેની નિકટનું વાતાવરણ રંગબેરંગી તો હશે પરંતુ વિકટ અને ડામાડોળ પણ તેટલું જ હશે! ખેર, આપણે તો બધાં જ જીવીને માણવાવાળા લોકો છીએ. જે વ્યક્તિ જીવન જીવતા જીવતા માણી શકે તે આ સમાજ અને સરાઉન્ડિંગની અમૂલ્ય મૂડી છે. તે આવનારી પેઢીને જીવન કઈ રીતે જીવવું તેનું ઉદાહરણ બનીને પારદર્શક સંદેશ આપે છે. આવી વ્યક્તિ પોતાની જીવન જીવવાની કળા થકી સમાજને કિંમતી મોરલ વૅલ્યુઝ આપીને જાય છે. આવું વ્યક્તિત્વ એવું ઉદાહરણ બનીને નિખરે છે કે જીવનમાં ચારિત્ર્ય અને સદ્ગુણોથી જ સાચું બ્લિસફુલ જીવન જીવાય છે. હું નાનો હતો ત્યારે ખૂબ ધમાલી હતો. સંયુક્ત કુટુંબમાં અમે રહેતા હતાં. જયારે પણ હું સ્કૂલેથી આવું એટલે મારે “ચા પીવી છે, ભૂખ લાગી છે…” જેવી નાદાન બૂમો પાડતો. ટી.વીમાં એમ.ટી.વી પર પોપ સોંગના ધમપછાડા ચાલુ થઇ જતાં. ત્યારે મારાં કાકી મજાકમાં એક કહેવત કહેતાં કે “આ આવ્યો એટલે જણાયો..” બસ, એ જ આશીર્વાદ સાથે જીવન જીવવું છે કે હું જઈશ તો પણ લોકોને જણાશે..
“તો મારા બચ્ચાએ આજે શું ખાવાનું બનાવ્યું છે?” “ઉમમ..પપ્પા આજે તો હું પૂડલા ખાવાની છું.” બોલતાની સાથે જ હૈદ્રાબાદમાં મેડિકલનું ભણતી પ્રાઇવેટ ફ્લેટમાં રહેતી જ્ઞાનીએ ડબૂક કરતા ઈંડાની સફેદી ફ્રાયપેનમાં પધરાવી. “પ્રાઉડ ઑફ યુ બેટા.” “પપ્પા..આઈ એમ વેરી હેપ્પી ટુડે.”મિત્રોના શોરબકોરની વચ્ચે, ફ્રાયપેન પરની ઑમલૅટ ઉથલાવતા જ્ઞાનીએ પપ્પાને પોતાની ખુશી વ્યક્ત કરી. વાત આગળ ધપે તે પહેલા જ રાતપાળી કરી રહેલાં ડૉ. પંડ્યાને જાણે કે ઍમ્બ્યુલન્સની રથયાત્રા નીકળી હોય એમ ઉપરાછાપરી ચાર-પાંચ ઍમ્બ્યુલન્સનો ચિત્કાર સંભળાયો. “ચલ બેટા ટૉક ટુ યુ ઈન સમટાઈમ. ઈટ સિમ્સ સમ ઈમરજંન્સી.” વાત અધૂરી મૂકતા જ ડૉ. પંડ્યાએ જ્ઞાનીને પછી વાત કરીશું તેમ જણાવ્યું. હજી દીકરી જ્ઞાનીનો ફૉન મૂકે અને ડૉ. પંડ્યા કોરીડોરમાં આવે ત્યાં તો કાળી મેસ જેવાં બળી ગયેલા પાંચ-છ દર્દીઓના સ્ટ્રેચર અંદર આવતાં જોયાં. “ઑહ માય ગૉડ..ઍક્સિડન્ટ કેસ?” ડૉ. પંડ્યાએ સ્ટ્રેચરની સાથે ઘસી આવતાં ડૉ. દવેને પૂછ્યું. “ના, કોમી હુલ્લડ” ડૉ. દવેના ઉત્તરમાં અને બોડી લેંગ્વેજથી જણાતું હતું કે હજી પણ ઘણી ઍમ્બ્યુલન્સ લાઈન લગાવીને ઊભી છે. ફેબ્રુઆરીની મોડી રાત હતી. વાતાવરણમાં ઠંડક હતી પરંતુ શહેરમાં આગના ગુબ્બારા ઝગારા મારતા હતાં. થોડાં કલાકો પહેલાં જ અમદાવાદ શહેરની નજીકમાં આવેલાં ગોધરામાં સ્વયંસેવકોનો ટ્રેનનો ડબ્બો બાળ્યો હોવાના સમાચારથી ડૉ. પંડ્યા અજાણ હતા. પોતાની ધૂનમાં જ મશગૂલ, વિવેકી, ચૂસ્ત કર્મકાંડી ડૉ. પંડ્યા સમાચાર સાંભળવા કે વાંચવામાં ઝીરો હતાં. એમનાં વાંચનના શોખમાં ધર્મનું વાંચન પહેલાં હતું. દરેક વેકેશનમાં હિલ સ્ટેશન કરતા મંદિરોની મુલાકાતની પસંદગી મોખરે રહેતી. ધણી વખત એમનાં પત્ની ગીતાબહેન તો મજાકમાં કહેતા કે “મેં તો સંસારી સાધુ સાથે લગ્ન કર્યા છે.”
ગોધરાની દુર્ઘટનાને પંદર કલાક જેટલાં થઇ ગયાં હતાં. સાથેસાથ શહેરમાં પણ વાતાવરણ તંગ થઇ ગયું હતું. વહેલી સવારે થયેલી દુર્ઘટનાના સમાચાર વાયુ વેગે ફેલાતા બપોરથી જ અમદાવાદ શહેરમાં નાનામોટા છમકલાં ચાલુ થઇ ગયા હતાં. મોડી સાંજ સુધીમાં તો શહેર ભડકે બળવાનું ચાલુ થઇ ગયું હતું. જે શહેરમાં માણસ વસતા હતાં ત્યાં અચાનક દાનવોએ પગપેસારો કરી દીધો હતો. હોસ્પિટલના પરિસરમાં પીડિતોની કતાર લાગી ગઈ હતી. કોઈકના ગળામાં હનુમાનજીનું માદળિયું હોય તો કોઈકના હાથમાં લાલ નાડાછડી. સંપ્પન ધમાલી હોય એનાં હાથમાં ૐ કોતરેલી વીંટી હોય તો કોઈકના કપાળે લાલ કંકુનો માતાજીનો તિલક. પરંતુ એ બધાની સાથે જ કોઈકનો પગ ભાંગેલો તો કોઈકનો હાથ તૂટેલો. કોઈકના કપાળેથી લોહી વહેતુ તો કોઈકના ગળામાં ચપ્પાનો ઊંડો ઘા જણાતો. ઉપરાછાપરી કેસ પર કેસ આવતા હતાં. એમ.એલ.સી માટે પણ પોલીસ આવી શકે તેમ ન હતી.
ચુસ્ત બ્રાહ્મણ ડૉ. પંડ્યાને પહેલેથી જ વિધર્મીઓ માટે ખારાશ તો હતી જ. હવે તો એમની વાણીમાં અવનવાં શ્લોકો આવી ગયાં હતાં. ખાસ મિત્ર ડૉ. દવેએ તો ડૉ. પંડ્યાની વાણીમાં માત્ર ધર્મધ્યાનની પવિત્ર વાતો જ સાંભળી હતી. અત્યારે તો એમનું રૂપ જ બદલાઈ ગયું હતું. શહેરની લગભગ બધી જ હોસ્પિટલની બહાર જાણે કે હાઉસફૂલનું પાટિયું વાંચીને એક રિક્ષા હોસ્પિટલના ઈમરજંસી ડિપાર્ટમેન્ટના દરવાજે આવીને અટકી. લગભગ અડધો અડધ બળી ગયેલો માણસ રિક્ષામાંથી સ્ટ્રેચરમાં ઠાલવ્યો. ઔપચારિક વિધિ પતાવવા એનો રીક્ષાચાલક નાનો ભાઈ રિસેપ્શન પર ગયો. દર્દીનું નામ પૂછતાની સાથે જ ચકચકાટ ક્લિન શેવ કરેલા નાનાભાઈએ પોતાનાં મોટાભાઈ ઈબ્રાહિમ પઠાણનું નામ ઈશ્વરભાઈ પટેલ જણાવ્યું. સમય જ એવો હતો કે બીજી કોઈ પણ ઓળખવિધિ થાય તે પહેલાં દર્દીની સારવાર કરવી ખૂબ જ જરૂરી હતી. નામ : ઈશ્વર પટેલ ઉંમર વર્ષ : ૩૯ માત્ર આટલી જ જાણકારી સાથે ઇબ્રાહિમ પઠાણને ઈમરજંસી ડિપાર્ટમેન્ટમાં બર્ન કેસ છે તેમ કરીને એને અંદર લેવામાં આવ્યો. ખડે પગે સમાજની સેવા કરવાં ઊભેલા ડૉ. પંડ્યા અને ડૉ. દવે ઇબ્રાહિમ ઉર્ફ ઈશ્વરની સારવાર કરવા તૈનાત થઇ ગયાં. અચાનક જ ડૉ. પંડ્યાની નજર ઇબ્રાહિમના કપાળ પર લાગેલાં કાળા ડાઘ પર પડતા જ એણે હાથમાં લીધેલા સારવારના શાસ્ત્રો હેઠાં મૂકી દીધા. પહેલાં તો ડૉ. દવેને સમજાયું નહીં. પરંતુ ડૉ. પંડ્યા એ કહ્યું કે “દવે, આ દર્દીનો ભાઈ આપણને ઉલ્લુ બનાવે છે.” “કેમ?” “આ તો નમાઝી માણસ છે.” ડૉ. પંડ્યાનો પીતો આસમાને ચઢી ગયો. “પંડ્યા, જીભની સાથે તારું મગજ પણ અવળે પાટે ચઢી ગયું છે.” “નો..દવે…આઈ એમ સ્યોર..” ડૉ. દવે બહાર ગયા અને એનાં ભાઈને કડકાઈથી પૂછતાછ કરતા એણે કબૂલ્યું કે “હા, સાહેબ! પણ મારો ભાઈ નિર્દોષ છે. એ તો ટ્રેન સ્ટેશનેથી આવતો હતો અને અચાનક એનાં પર હુમલો થયો. સદ્દભાગ્યે હું સમયસર ત્યાં પહોંચી ગયો અને એને ત્યાંથી લઈને ટોળાઓની વચ્ચેથી ભાગી નીકળ્યો.” “મિત્રની રિક્ષામાં ઘણી બધી હોસ્પિટલ ફર્યો પણ અંતે ફરતા ફરતા માત્ર આપની હોસ્પિટલમાં જ એને સારવાર માટે અંદર લેવામાં આવ્યો.” “હા તો એમાં જુઠ્ઠું કેમ બોલ્યો?” ડૉ. દવે એ છણકો કર્યો. “સાહેબ સાચું બોલત તો…….” સાવ સીધાસાદા ઘરનો લાગતો ઇબ્રાહિમનો ભાઈ ઢીલો પડી ગયો. “સારું ચિંતા ન કર. અમે એની પ્રાથમીક સારવાર કરી દઈએ છીએ. પણ તુરંત જ તમે અહિયાંથી સહી સલામત નીકળી જજો.” કહીને ડૉ. દવે અંદર ગયા. “પંડ્યા, યુ વર રાઈટ, બટ ઇટ્સ ઑ.કે. લેટ્સ ડુ અવર ડ્યુટી.” “નો દવે…” ડૉ. પંડયાએ જોરથી રાડ નાખી. ડૉ. પંડ્યા અને ડૉ. દવે વચ્ચે બોલાચાલી ચાલુ થઇ ગઈ. આજે ગીતાનો સાર સંભળાવવાનો વારો ડૉ. દવેનો હતો. અંતે ડૉ. પંડ્યાએ પોતાના મિત્રની વાત માની. એમને પણ પોતાની ડ્યૂટીનું ક્ષણિક ભાન ભૂલાઈ જવાનો અહેસાસ થયો. અંતે તેઓ સારવાર કરવા તૈયાર થયા અને ઇબ્રાહિમને ઇબ્રાહિમ સમજીને જ સારવાર શરૂ કરી. પીડિતોની કતાર તો લાંબી જ હતી. સવારના સાત વાગી ગયાં હતાં. ડૉ. દવે અને ડૉ. પંડ્યા બીજાં ડૉક્ટર્સ આવી ગયાં હોવાથી કૅન્ટીનમાં ચા પીવા ગયાં. નવા-સવા લીધેલા મોબાઈલ ફૉનમાં પોલિફૉનિક રિંગ વાગી. જ્ઞાનીનો ફૉન હોવાથી આખી રાત દર્દીઓની સારવાર કરીને થાકેલા ડૉ. પંડ્યાના ચહેરા પર ચમક આવી. “હેલ્લો, બેટા..ગુડ મોર્નિંગ!” “ગુડ મોર્નિંગ પપ્પા!” સામેથી એટલી જ ઉષ્માથી જ્ઞાનીએ ડૉ. પંડ્યાની સવાર ઉઘાડી. “કાલે તો તું બહું ખુશ હતી બેટા!” રાતની અધૂરી રહી ગયેલ વાત માટે પપ્પાએ આતુરતા દાખવી. એમ.બી.બી.એસ.ના છેલ્લા વર્ષમાં ભણી રહેલી જ્ઞાનીએ પપ્પાને કહ્યું, “પપ્પા, આઈ એમ ઈન લવ ઍન્ડ હી ઇઝ રૅડી ટુ મૅરિ મી.” કંઈ જ પણ બોલતાં પહેલાં બાપની આંખમાં હરખના આંસુ છલકાયા. એમ.બી.બી.એસ. પત્યાં પછી જે કામ કરવાનું હતું અને જે કપરું લાગતું હતું તે કામ દીકરીએ પહેલેથી જ પતાવી દીધું. “વાહ બેટા…આઈ એમ વેરી હેપ્પી ટુડે..શું નામ છે ભૂદેવનું?!” “જ્ઞાનીએ પોતાનાં ઊપસી ગયેલાં પેટ પર વ્હાલથી હાથ ફેરવતાં કહ્યું, આરીફ!”
હાશ!! ફોન લાગ્યો તો ખરા. મનોજની હાશમાં ટાઢક નહીં પણ અકળામણ છલકાતી હતી. “યાત્રા, ડિડ યુ પિક-અપ હૃદય?” સંગીતમાં વાગતી ક્રિસેન્ડો નોટ્સની જેમ મનોજનો ટોન પણ ધીરે ધીરે વધ્યો. “આઈ થોટ યુ આર ગોઈંગ ટુ પિક હિમ!” યાત્રાએ એનાથી પણ બમણા ઉકળાટમાં ઉત્તર આપ્યો. પ્રેમ લગ્નથી બનેલા આ બંને જીવનસાથીઓનો ફોન હંમેશા આવાં ભારે ભરખમ ગરમાગરમ ઝગડાઓથી અને અંગ્રેજી ગાળોથી છલોછલ રહેતો હતો. જેમાં યાત્રાનું પલ્લું હંમેશા ભારે રહેતું. અંતે મનોજે જ નમતું જોખવું પડતું અને માત્ર હૃદયના ભવિષ્ય માટે એ બધું જ સહન કરી લેતો હતો.
હવે તો મનોજ અને યાત્રાને જ નહીં પણ સાત વર્ષના હૃદયને પણ ખબર પડી જતી હતી કે આજે ઘરે જઈને મમ્મી પપ્પાની જામવાની છે. ઘરનો દરવાજો ખોલતાની સાથે જ યાત્રાએ કરમાઈ ગયેલાં શબ્દોનાં તોરણ બાંધ્યા. “ટ્રાય ટુ કન્ફેસ યોર મિસ્ટેક, ડૉ. મનોજ પાટીલ.” “યાત્રા, આપણે સવારે જ નક્કી થયું હતું કે આજે મારે બૅક ટુ બૅક સર્જરીસ છે. એટલે હૃદયને તારે સ્કૂલેથી લેવો પડશે.” “હં..હ..સર્જરીસ??” પોતાની ભૂલ જણાતા જ હંમેશની માફક યાત્રાએ વાત બીજાં પાટે જ ચઢાવી દીધી. “મનોજ એ માત્ર કાકા-કાકીઓના મોતિયાની સર્જરીનું કામ છે. ઈટ ઇસ નોટ એક્સપર્ટાઇઝ.” યાત્રાએ દર વખતની જેમ પાછી શબ્દોની ચાબુક મારવાની ચાલુ કરી. “તો શું થયું યાત્રા કામ એ કામ છે.” હૃદયના લીધે મનોજની જીભ હંમેશા મોળી જ રહેતી હતી. “તું થોડાં સમય માટે તારા ઇન્ટર્નને ચેક કરવા આપીને જઈ શક્યો હોત. યુ સી હમણાં સ્ટાફ શોર્ટેજ પણ બહુ છે.” ગોલ્ડ મૅડલિસ્ટ યાત્રા આખા ઇન્ડિયામાં માત્ર ત્રણ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જનમાંથી પોતે એક હતી. જેનાં લીધે એની આંખે ઘમંડના પાટા બંધાયા હતાં. દરેક ઝગડાની વચ્ચે યાત્રા સ્કિલડ સ્ટાફ શોર્ટેજના ટૉન્ટ સાથે મનોજની કાબિલિયત અને લગ્ન કરીને પસ્તાયા હોવાની જ વાત કરતી. જોકે મનોજ પણ પ્રખ્યાત આંખનો ડૉક્ટર હતો. પ્રેમાળ અને લાગણીશીલ પણ ખૂબ જ હતો. પરંતુ યાત્રા માટે એની લાયકાત એનાં જુનિયર સ્ટાફ કરતા પણ ઓછી હતી. હૃદયને પ્રેમ કરવો એ પણ યાત્રા માટે એક માત્ર જવાબદારી જેવું જ હતું. એની મમતાની મત્તામાં પણ થોડી ઉણપ આવવા લાગી હતી. હૃદય કુમળું નાનું નાદાન બાળક હતો પરંતુ દેખાવે એટલો પણ રૂપાળો ન હતો. પોતાનું બાળક હોવા છતાં પણ યાત્રાને એ ખૂંચતું હતું અને એ દોષનો ભારણ પણ મનોજના માથે જ આવતો હતો.
“આજે સ્કૂલમાં પેરેન્ટ ટીચર મિટિંગમાં એનાં મૅડમ પૂછતાં હતાં કે હૃદયના મમ્મી કેમ નથી આવ્યાં?” “એ ટીચરો તો બધા નવરા જ છે. કમ ઓન મનોજ હેન્ડલ ઑલ ધિસ્ સ્મૉલ થિંગ્સ બાય યોરસેલ્ફ.” “ઇટ્સ નોટ સ્મૉલ થિંગ્, એ આપણા હૃદય માટે જ છે.” મનોજે આપણા હૃદય પર ઘણો ભાર મૂક્યો. “આપણો હૃદય…..હં” મોઢામાં લાડવો મૂકીને બોલી હોય તેવાં ટોનમાં યાત્રાએ આખી વાતની મજાક બનાવી દીધી. “યાત્રા, તું આમ હૃદયની સામે મારી સાથે આવું વર્તન કરે છે એ યોગ્ય નથી. હવે તો તું એની સાથે પણ સારું બિહેવ નથી કરતી.” મનોજે ખૂબ જ દબાયેલા સ્વરે કહ્યું. “મનોજ તને શું ખૂંચે છે? યાત્રા તાડૂકી. “ તું હંમેશા મારી ભૂલો જ કેમ જોવે છે?” હૃદય રૂમમાં પોતાના રમકડાંઓ સાથે રમતો હતો પણ એના નાનકડા કાન દીવાલમાં જ સંતાડી રાખ્યાં હતાં. જે દિશામાં બંનેની વાત જઈ રહી હતી એનાં પરથી લાગતું હતું કે હવે મમ્મી પપ્પાની પાછી જામશે. વળી પાછું એમ જ થયું. પરંતુ જામવામાં થોડી વાર લાગી. આખરે દરેક પ્રેસેંટેશનના અંતે કન્ક્લુઝન હોય એમ યાત્રાએ જ કન્ક્લૂડ કર્યું, “વર્કલોડ, સ્ટાફ શોર્ટેજ અને તારી કાબિલિયત.” થોડી વાર તો વાતાવરણ શાંત રહ્યું. કોણ જાણે કેમ પણ આજે મનોજનો પારો પણ થર્મોમીટરની બહાર આવી ગયો હતો. “યાત્રા, હૃદયની પ્રવૃત્તિઓ સ્કૂલમાં બગડતી જાય છે. એનાં ટીચર….”વાક્ય પતે એ પહેલા જ યાત્રાએ ચોપડાવી દીધી. “થાય જ ને, બાપ એવાં બેટા…હું તો પહેલાથી જ કહું છું ને!” યાત્રાની દલીલ તો તૈયાર જ હતી. વધુમાં યાત્રાએ ઉમેર્યું કે ” આઈ ડાઉટ કે હૃદય મારો જ દીકરો…..” વાત પતી ના પતી અને યાત્રાના કહેવાતા પતિએ એને એક થપ્પડ ઝીંકી દીધી. “હાઉ ડેર યુ….યુ એ…… અને અંગ્રેજીમાં ગાળોની વર્ષા ચાલુ થઇ.” છુપાઈને જામેલી બાજી જોતા હૃદયના કાને આજે પહેલી વખત આવા અંગ્રેજીનાં અવનવા શબ્દો પડ્યા. આ વખતે ઝગડાનું આયુષ્ય થોડું લાંબુ હતું. ત્રણેય જણા પોતપોતાની મર્યાદા જેટલું રડ્યાં અને સૂઈ ગયાં. સવારે મનોજ હૃદયને સ્કૂલના કપડામાં તૈયાર કરીને બહાર હોલમાં લઈને આવ્યો. યાત્રા એક બ્લેક એન્ડ વ્હાઇટ કપડાં પહેરીને બેઠેલાં માણસ સાથે વાત કરતા જોઈ. “મિ. શેલત, હી ઇઝ માય હસબન્ડ, નાઉ યુ ડીલ વિથ હિમ.” “મિ. શેલતે થોડાં કાગળિયાં મનોજના હાથમાં થમાવ્યા, “મિ. પાટીલ, પ્લીઝ સાઈન ધિસ પેપર્સ.” “સાઈન?….વ્હોટ….?” મનોજને કઈ સમજાયું નહીં. હૃદય પણ કંઈક અવનવું થતું હતું તે જોતો જ રહ્યો. “ડિવોર્સ પેપર્સ…ઇટ્સ ડિવોર્સ પેપર્સ..” યાત્રાએ પોતાના વાળ સરખા કરતા હિન્દી ફિલ્મની હિરોઈન બોલે એવા જ લહેકામાં બોલી. હાથમાં ઉંચકેલા હૃદયને મનોજે નીચે મૂક્યો અને પેપર્સને ઉપરછલ્લું વાંચવા લાગ્યો. સ્વાભાવિક છે કે ડિવોર્સ પેપરમાં એક બાપ પોતાનાં બાળકની કસ્ટડીનો મુદ્દો પહેલાં ઊઠાવે. હૃદયની સામે જોવાં મનોજે નજર નીચી કરી તો હૃદય ત્યાં ન હતો. પોતાના રૂમમાંથી દોડીને આવતા હૃદય ઉપર ત્રણેયની નજર પડી. ગળામાં સ્ટેથોસ્કૉપ, લાંબો લચક વ્હાઇટ કોટ, અને આંખ પર મોટા મોટા ડાબલા જેવડાં ચશ્મા. દોડતો દોડતો હૃદય યાત્રા પાસે ગયો અને કહ્યું, “મમ્મી તને સ્ટાફની શોર્ટેજ છે ને!! ડૉન્ટ વરી…આજથી હું પણ તારી સાથે હોસ્પિટલ તને મદદ કરવા આવીશ.” સાંભળતાની સાથે જ યાત્રાના મોંઢામાંથી મોઢું મચકોડતા એક જ શબ્દ નીકળ્યો, “હં…હ”
કપડાંની ગડી વાળતા વાળતા મધુનું માતૃત્વ આંખથી જ દીકરા માધવને પંપાળતુ હતું ત્યાં જ ફુલ ટાઈમ રાખેલ બાઈ શકીરાના શબ્દો એનાં કાને પડ્યા. “મૅડમ, હવે તો બમણો પગાર કરવો પડશે!” મધુને આ બીજી વખતનું સફળ માતૃત્વ સુખ હતું. છતાંય બંને બાળકની વચ્ચે બાર વર્ષનું અંતર હતું. બાર-બાર વર્ષ પછી મધુનું બીજું સંતાન શારીરિક રીતે તો તંદુરસ્ત લાગતું હતું પણ મોટા દીકરા ઈશાનની જેમ એની માનસિક સ્થિતિ તો બે-ચાર વર્ષ પછી જ ખબર પડે તેમ હતી. લોકોના ડિપ્રેશન, આઘાત, ડર જેવાં માનસિક રોગોને દૂર કરવામાં માહેર મનોચિકિત્સક અને સ્પીચ થેરાપિસ્ટ ડૉ. મધુને પોતાનું આ બીજું બાળક પણ માનસિક રીતે નાદુરસ્ત હશે એ અંગે શંકા અને ડર બંને હતાં. બાઈ શકીરાને માથે હવે બે બાળકને સંભાળવાની જવાબદારી હતી. એ પણ માનસિક રીતે ડામાડોળ. બંને બાળકોને આવી કોઈ બાઈ પાસે મૂકીને ક્લિનિક જવામાં મધુનો જીવ તો ચાલતો ન હતો પરંતુ એ વગર કોઈ છુટકો પણ ન હતો. આવાં અનેક વિચારોની વચ્ચે મધુને થોડાં સમય પહેલાં આવેલા એક પેશન્ટ યાદ આવી ગઈ અને એનાં વિચારોમાં સરી પડી.
થોડાક વખત પહેલાં મધુ પોતાની કેબિનમાં લંચ લીધાં બાદ મોઢામાં પાણીનો ઘૂંટડો ગડગડાવતી હતી તે જ સમયે રિસેપ્શનિસ્ટે “લય આવી ગયો છે” એમ જણાવ્યું. પાણી ભરેલા ફુલાયેલા મોઢે મધુએ લયને અંદર લઇ આવવા ઈશારો કર્યો. લયનો આજે સ્પીચ થેરાપીનો પ્રથમ સેશન હતો. આ અગાઉ મધુએ લયને એક જ વખત જોયો હતો. એની મમ્મી સાથે. લબડતી લાળ, ઘસાઈ ગયેલું ખાખી પેન્ટ, ચાંદામાં કાણું પડ્યું હોય તેવી કાણાંવાળી ઑફ-વ્હાઇટ ટી-શર્ટ અને એક જ પિચમાં મહાપરાણે કોઈ બેસૂરો ગાયક ગાતો હોય તેવો ગણગણતો અવાજ.
“કમ ઈન બેટા!” પોતાના સગા દીકરા માધવ અને ઈશાનને બોલાવતી હોય તેવા જ વ્હાલ સાથે મધુએ લયને અંદર આવકાર્યો. સૂરોના ગણગણાટનો અવાજ પોતાની દિશામાં આવતા અવાજની પિચ થોડી ઊંચી જવા લાગી.
મધુએ એની ટ્રીટમેન્ટ ચાલુ કરી. બે-ચાર ઔપચારિક પ્રશ્નો બાદ લયના સૂરોના લયની ઝડપ કોઈક ઈશારા સાથે વધી. પહેલા તો મધુને એ ઈશારામાં કંઈ ખબર ન પડી. મનોચિકિત્સક અને સાથે સ્પીચ થેરાપિસ્ટ મધુએ પોતાનું થોડું મગજ કસ્યું તો એનાં મૌન ઈશારાનો અવાજ પારખી ગઈ. લય પોતાનાં લબડી ગયેલાં હાથે ઈશારો કરીને એનું પેન્ટ ઉતારવાનો ઈશારો કરતો હતો. અજુક્તું તો હતું જ છતાંય મધુએ સ્ટાફને બોલાવી લયનું પેન્ટ કાઢવા જણાવ્યું. મધુ અને સ્ટાફ બંનેને લાગ્યું કે લયને બાથરૂમ જવું હશે. ક્યાં તો એણે પેન્ટ બગાડ્યું લાગે છે! “હાશ! ડાઇપર તો પહેર્યું જ છે.” સ્ટાફના મોઢાનાં ભાવ પરથી મધુએ પારખી લીધું. પણ ડાઇપર તો ચોખ્ખું જ હતું! પેન્ટ કાઢતાની સાથે જ લયના ચહેરા પર અનુકૂળતાના ભાવ દેખાયા. મધુના મધુર સ્વભાવના કારણે ઑટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડરમાં તે પ્રખ્યાત હતી. ઘણાં ખરા વર્ષથી પ્રેક્ટીસ કરતી મધુ માટે આવો બનાવ પ્રથમ વખત બન્યો હતો.
પ્રથમ સેશનમાં એટલી સફળતા તો ન જ મળે પણ લય તરફથી મળતો પ્રતિસાદ માયાળુ લાગ્યો.
નિર્ધારિત સમયે બીજાં સેશનમાં પણ લય ટાઈમ પર આવ્યો. આ વખતે રિસ્પૉન્સ એવો જ પોઝિટિવ! પરિણામમાં માત્ર મોંઢા પરનું સ્મિત થોડું વધ્યું હતું. પરંતુ સેશન દરમ્યાન એ જ પેન્ટ કાઢવાના ઈશારાથી મધુના ચહેરા પરનું સ્મિત થોડું મંદ પડી ગયું. મધુના મનમાં અનેક પ્રકારના વિચારો ચાલુ થઇ ગયાં. મધુને લાગ્યું કે નક્કી આ મેઇડ જ લયની કાળજી રાખવામાં કંઈક અધૂરું રાખે છે. જોકે બંને સેશનમાં લયના માતા-પિતા તો આવ્યાં જ ન હતા. લયની મમ્મી શરૂઆતમાં માત્ર એક જ વખત મળવા આવી હતી. મર્સીડીઝમાં આવેલી એની માએ દરેક સેશન માટે ખાસ્સું એવું ડિસ્કાઉન્ટ પણ કરાવ્યું હતું. ઘણી ખરી કચકચ સાથે “મારાં દીકરાને આમ, મારા લયને તેમ” જેવી આરતી પહેલાની અઢળક પ્રસાદી પણ આપીને ગઈ હતી. તે નફામાં. લયની સાથે આવતી મેઇડ પહેરવા-ઓઢવામાં એકદમ સાફસૂથરી હતી. “બાબા..બાબા” કરીને લયને સગા દીકરા કરતાંય સારી રીતે સાચવતી હશે એવું લાગતું હતું.
શેડ્યૂલ પ્રમાણે લય નિયમિત રીતે એનાં સ્પીચ થેરાપીના સેશનમાં આવવા લાગ્યો. લગભગ પાંચ-છ સેશન થયા હશે. લયની સ્પીચના સુધારાની ગતિ થોડી મંદ હતી. હંમેશની માફક એને એની મેઇડ જ લઈને આવતી હતી. દરેક સેશનમાં લય જેવો મધુની સામેના ટેબલ ઊપર બેસે એટલે તરત જ પેન્ટ ખેંચીને એને કાઢવા માટે ઈશારો કરે. સાથે સાથે આમ તેમ ડાફોળિયાં પણ મારે. જાણે કે બિલિયન ડૉલર્સ ખર્ચીને ચંદ્ર પર આવી ગયો હોય એમ. વળી પાછું એ જ ટી-શર્ટ, એ જ પેન્ટ અને એ જ પ્રવૃત્તિઓ. મધુને આ 12 વર્ષનાં છોકરાને ડાઇપરમાં બેસેલો જોઈને અજુક્તું તો લાગતું જ હતું પણ એનું કારણ જણાતું ન હતું. લય ડાઇપરમાં જે કમ્ફર્ટ અનુભવતો તેવી જ કમ્ફર્ટ એણે પેન્ટ પહેર્યું હોય ત્યારે જણાતી ન હતી. લયની મમ્મી તો એક પણ સેશન દરમ્યાન આવી જ ન હતી. હકીકતમાં મધુની પણ એ જ ઈચ્છા હતી. કે એની મમ્મી ના જ આવે તો સારું! મધુ મનમાં વિચારતી કે લયની મમ્મી સાથે કાઉન્સેલિંગ કરવાનું આવશે ત્યારે પાછું એનું એ જ “અમે તો આમ અને અમે તો તેમ”ની માથાઝીંક ચાલુ થશે. લયની મમ્મી એક જ વખત મળી હતી પણ એ એપિસોડ ઘણો લાંબો ચાલ્યો હતો.
હવે તો મધુએ પણ પોતાની બાઈ પર નજર રાખવાનું ચાલુ કરી દીધું હતું. પોતાના દીકરા ઈશાનની કાળજીમાં પણ બાઈ…..!!!
લયની સ્પીચમાં કોઈ જ સુધારો જણાતો ન હતો એ તો મધુ માટે એક મોટો પ્રશ્ન હતો જ પણ સાથે લયના દર વખતના એ જ કપડાં, રૂમમાં ડાફોળિયાં મારવા અને જેવો ટેબલ પર બેસે એટલે ઠરાવી નાખે તેવાં એ.સીમાં પણ લય પેન્ટ કાઢવા માટે ઈશારો કરે. કોઈ પણ પેશન્ટની મેઇડને પૂછવું એ મધુ માટે તો અયોગ્ય જ હતું છતાં પણ એક સેશન દરમ્યાન જેવો લયે ઈશારો કર્યો ત્યારે પોતાના સ્ટાફને બોલાવાની જગ્યાએ મધુએ એની મેઈડને અંદર મોકલવા જણાવ્યું. મહારાષ્ટ્રીયન લિબાસમાં હિન્દી ભાષી બાઈ મધુની કેબીન-કમ-થેરાપી રૂમમાં પ્રવેશી. “જી..મે’મ સા’બ?” “બાઈ..દેખો યે ક્યાં કેહ રહા હૈ?” લયનો ઈશારો જોઈને બાઈને જરાક પણ નવાઈ ન લાગી. મધુએ વિચાર્યું કે બાઈને તો શું ખબર પડે! બાઈને એમ હશે કે મારે ઈન્જેકશન મારવું હશે એટલે લય આમ ઈશારો કરે છે. “અચ્છા બહેન આપ કિતને સાલ સે લય કી દેખભાલ કરતે હો?” “લયબાબા જબ એક સાલ કે થે તબ સે..” બાઈના અવાજમાં લય માટે લાગણી છલકાતી હતી. મધુને થયું કે આ યોગ્ય સમય છે પૂછવા માટે. “એક બાત બતાઓ..ઇસે યે પેન્ટ પસંદ નહીં હૈ, ફીર ભી ઉસે યે હી પેન્ટ કયું પહેનાતે હો?” હિન્દીભાષાએ ગુજરાતી સાડલો પ્હેર્યો હોય એવાં ગુજરાતી લહેકામાં મધુએ બાઈને પૂછ્યું. “મેડમ એક બાત બતાઉં…આજ તક બાબાને કભી પેન્ટ પહેના હી નહીં હૈ, યે સમજ લો કે કપડે હી નહીં પેહને હૈ! ઉનકો પહેનાને કે લીયે માલકીનને હમે સિર્ફ યે એક પેન્ટ ઓર એક ટી-શર્ટ હી દીયા હૈ! લયબાબા કભી ભી રૂમ કે બહાર નહીં નિકલ શકતે. ઓર ઠંડી હો યા ગર્મી ઉનકો પૂરા દિન સિર્ફ ડાઇપર મે હી રહેનેકા. કિસી કો ઉનકી નહીં પડી હૈ…ઇન્સે અચ્છા તો ઘર કે ચાર કુત્તે…….”
“ડાઇપર મંગાવી લેજો મૅડમ…પતવા આયા સ..” સાંભળતા જ મધુ ઝબકી અને વાળવા માટે હાથમાં પકડેલ મોટાં દીકરાનું પેન્ટ આંસુથી ભીનું લથબથ થઇ ગયેલું જોતી જ રહી.
“સર, હાઉસકીપિંગ હેડ ધીરજ એનાં ભાઈને લઈને આવ્યો છે. એને અંદર ઑફિસમાં મોકલું?” ખડ્ડુસ ડીપાર્ટમેન્ટ હેડ ડૉ. પ્રિતેશે રિસેપ્શનિસ્ટ શેફાલીબેનનાં પ્રશ્નના ઊત્તરરૂપે હકારમાં માત્ર ડોકું જ હલાવ્યું. “અંદર આવું સર?” સિનીયર હાઉસકીપિંગ સ્ટાફ ધીરજે થોડાં દબાયેલા સ્વરે પૂછ્યું. રૂપિયાના ચાર અડધા સ્વભાવના ડૉ. પ્રિતેશે વળી પાછું હકારમાં અડધું જ ડોકું હલાવ્યું અને ધીરજને અંદર આવવા ઈશારો કર્યો. ધીરજ અને એનો ભાઇ મોહિત બંને અંદર આવ્યાં. ડૉ. પ્રિતેશે મોહિતનું ઉપરથી નીચે સુધી નિરીક્ષણ કર્યું. “અલ્યા છોકરા, આ ટિફિન હાથમાં લઈને કેમ આવ્યો છે?” ડૉ. પ્રિતેશને જાણે કોઈ રસ જ ન હોય એમ બેધ્યાન બની બે-ચાર કાગળીયાઓ ઉથલપાથલ કરતાં પૂછ્યું. “સાહેબ, આજથી નોકરી ચાલું કરવાની છે એટલે જ સ્તો.” મોહિતના અવાજમાં જેટલી નમ્રતા હતી તેટલો જ એનાં શબ્દોમાં આત્માવિશ્વાસ હતો. “ધીરજ, તારા ભઈલાને ખબર નથી કે એ દુકાનમાં નોકરી લેવા નથી આવ્યો! આ તો કોર્પોરેટ હોસ્પિટલ છે. એમાં પહેલા ઇન્ટરવ્યૂમાં પાસ થાઓ પછી નોકરીનાં ગોળધાણા ખવાય.” “સર, આઈ રેડી યુ ઇન્ટરવ્યૂ ટેક” સિનિયર ડૉક્ટર્સ પણ ડૉ. પ્રિતેશની સામે વાત કરતા ગભરાતા હતા અને હાઉસકીપિંગની નોકરી માટે આવેલ છોકરો વગર શરમે તૂટ્યા ફૂટ્યાં ઇંગ્લિશમાં ઇન્ટરવ્યૂની ચેલેન્જ આપતો હતો. આ સમયે ડૉ. પ્રિતેશને ગુસ્સો આવવો સ્વભાવિક હતો પણ એને આ છોકરાની ડેરિંગમાં રસ પડ્યો. એક તો પહેલેથી નોકરી મળી જ જશે એવાં આત્મવિશ્વાસ સાથે ટિફિન લઈને આવ્યો છે અને વગર શરમે તૂટ્યા ફૂટ્યાં અંગ્રેજીમાં ચેલેન્જ!! “ક્યાં રહે છે તું છોકરાં.” ડૉ. પ્રિતેશે ઊંચા અવાજે હોસ્પિટલની સૌથી નીચલી કક્ષાની પદવીના ઇન્ટરવ્યૂની શરૂઆત કરી. “ભા…સાથે જ, નગરવાડના છાપરાંની ચાલીમાં” “કેટલી ચોપડી ભણ્યો છે.” “સાહેબ, ચાર ચોપડી…” “બસ….તો બીજાં બધાં વર્ષ શું કર્યું, રખડી જ ખાધુને!” ડૉ. પ્રિતેશે ધીરજની સામે જોઈ જાણે પેલાં છોકરાની ઠેકડી ઉડાડતો હોય એમ થોડું કટાક્ષમાં હસ્યો.. મોહિતે વળતો જવાબ આપ્યો “સાહેબ…બીજા બધાં વર્ષ તો હું ગણ્યો છું.” “હેં…એટલે?” ડૉ. પ્રિતેશ થોડા ચોંક્યા. “સાહેબ બીજી બધી જ જગ્યા એ મને પગાર અને નોકરી બંને કચરા પોતાં અને ચાદરો બદલવાની મળતી પણ હું કામ તો નર્સિંગનું પણ કરી શકતો હતો. લોકોનું જોઈ જોઈને અને રેસિડેન્ટ ડૉક્ટરોની મદદથી હું ઘણું શીખ્યો હતો. સર હું તો આઈ.વી લાઈન પણ લઇ શકું છું. જૂની હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ પોતાનું પેપર વર્ક મારી પાસે જ કરાવતા હતા અને રાતની પાળીમાં બધાં જ દર્દીઓનાં વાઈટલ્સ હું જ સમયાંતરે ચેક કરવાં જતો. મારાં ભરોસે બધાં ઊંઘતા જ હોય.” “હેં..શું કે છે!!” હાઉસકીપિંગની નોકરી લેવાં આવેલાં આ અઢાર વર્ષના છોકરાનું મેડિકલ શબ્દભંડોળ જોઈને ડૉ. પ્રિતેશને આ મોહિતમાં રસ પડવા લાગ્યો. ‘સર, હાર્ટ રેટ, બ્લડ પ્રેશર, ઑક્સિજન સેચ્યુરેશન, રેસ્પિરેશન, ટેમ્પ્રેચર જેવાં વાઈટલ્સ તો મને દરેક દર્દીના બે-ત્રણ દિવસના યાદ રહી જાય.’ મોહિતે હવે તો માસ્ટરને જ માસ્ટર સ્ટ્રોક મારી દીધો. ડૉ. પ્રિતેશ પણ આ છાપરાં અને ચાલીમાં રહેતાં છોકરાની આવડતથી દંગ થઇ ગયાં. જો આ છોકરાને થોડો ટ્રેઈન કરીયે તો નર્સિંગ સ્ટાફનો પણ સુપરવાઈઝર થઇ જાય. ડૉ. પ્રિતેશે વિચાર્યું કે આ ગાડી તો બહું જ ફાસ્ટ છે એટલે હમણાં તો એને હાઉસકીપીંગમાં જ નોકરી આપવી. “ધીરજ, એનું ટિફિન આજ પૂરતું તમારા લોકરમાં મુકાવી દો, કાલે એનાં જોબ કન્ફર્મેશનની ફોર્માલિટી પતાવી દઈશું. આજથી જ આની ટ્રેનિંગ ચાલું કરાવી દેજો.” મોહિતે એના પહેલાં જ દિવસે આખા સ્ટાફનાં નામ કડકડાટ યાદ કરી લીધાં. જેને પણ બોલાવે એને નામથી જ બોલાવે અને પાછળ ‘સર’ કે ‘મેડમ’ જાણે કે બધાની એક જ અટક હોય એમ. બીજાં દિવસે કયો ડિપાર્ટમેન્ટ કયા માળ ઊપર આવેલો છે એ પણ એનાં જીભ પર ચડી ગયું. દસ માળની હોસ્પિટલમાં કયા ડૉક્ટરને ક્યાં શોધવાં એ જાણવું હોય તો મોહિત હરતું ફરતું સર્ચ એન્જીન જ હતું. કંઈ વસ્તુ ક્યાં છે? કેટલી સ્ટોકમાં છે? ક્યારે જરૂર પડશે? વિગેરે વિગેરે…. પહેલાં તો એની જાણકારી સાફ સફાઈનાં લિકવીડ, બેડશીટ્સ અને ટિસ્યુ પેપર સુધી જ સીમિત હતી. પણ હવે તો સિરીંજ, ફ્લશ વિગેરે પણ ક્યાં અને કેટલાં પડ્યાં છે એ પણ એનાં સર્ચ એન્જીનમાં ફિટ થઇ ગયું. પહેલાં તો એ ધીરજનાં નાનાભાઈથી ઓળખાતો હતો. હવે તો એણે જ એની ઓળખ ઊભી કરી દીધી હતી. એનાં ચહેરાં પરની સૌમ્યતા અને વાણીમાં નમ્રતા એ એની આવડતની શોભા વધારતા હતાં. મોહિતની ખાસિયત હતી કે કોઈ પણ કામમાં “ના” હોય જ નહીં. દરેક કામ કરવાના. ક્યારેક કોઈ સ્ટાફ મેમ્બરનું પર્સનલ કામ પણ કરી લેતો. કામમાં ચીવટ અને ચપળતા, ચોખ્ખાઈ અને ચેલેન્જ બધું જ મોહિત માટે રમત વાત હતી. મોહિતને પૈસા કરતાં સંતોષ કમાવવામાં વધારે મજા આવતી હતી.
ડૉ. પ્રિતેશ હેલ્થ મિનિસ્ટ્રી તરફથી આવેલ ઇન્સ્પેકશનમાં બે-ત્રણ દિવસ વ્યસ્ત હતાં. એટલે મોહિત હોસ્પિટલના સિનિયર સર્જન ડૉ. કેતા પાસે આવ્યો. “મેડમ..મેડમ…એક તાત્કાલિક મદદની જરૂર છે.” ડૉ. કેતાએ મોહિતના હસતા ચહેરા પર આજે પહેલી વખત આંસુ જોયા હતાં. “શું થયું મોહિત મને કહે તો, કેમ રડે છે?..છાનો થા…અમને જણાવ શું થયું?” મોહિતનું આવું આક્રંદ જોઈને ડૉ. કેતા પણ ચિંતામાં થોડાં ઢીલાં પડી ગયાં.
“મેડમ…મમ્મીને તાત્કાલિક સર્જરી કરાવવી પડે એવી છે અને એનો ખર્ચ સવા લાખ રૂપિયા જેટલો આવે તેમ છે. ગામની હોસ્પિટલવાળા બધાં જ પૈસા એડવાન્સ માંગે છે. પ્રિતેશસર બે-ત્રણ દિવસ નથી, નહીંતર એમને જ મારી મદદ કરવા માટે રિકવેસ્ટ કરત.” “ચિંતા ના કર મોહિત…હું છું ને..મમ્મીને શેની સર્જરી કરાવવાની છે?” “ગળામાં ગાંઠ થઇ છે.” મોહિતનું ગળું પણ હવે રડી રડીને સુકાતું હતું. “એક કામ કર મોહિત એમનાં બધાં જ રિપોર્ટ મંગાવ અને મને બતાવ. જો આપણી જ હોસ્પિટલમાં શિફ્ટ થતાં હશે તો આપણે એમને અહીંયા જ બોલાવીને ટ્રીટમેન્ટ કરાવી લઈશું. અને રહી વાત પૈસાની તો અમે બધાં જ ડૉક્ટર્સ ભેગાં મળીને તને મદદ કરીશું.” “સારું મેડમ ધીરજભાઈ ગામડે જ ગયા છે. હું એમની પાસે મમ્મીના રિપોર્ટ્સ મંગાવી લઉં.” મોહિતને થોડી રાહત થઇ. પંદર-વીસ મિનિટમાં મોહિત રિપોર્ટ્સ બતાવવા ડૉ. કેતા પાસે પાછો આવ્યો. ડૉ. કેતાએ રિપોર્ટ્સ જોયાં. રિપોર્ટ્સ તો યુરિનમાં ઇન્ફેકશનનાં હતાં. ડૉ. કેતાએ રિપોર્ટ્સ વધુ ચીવટથી જોયાં. દર્દીની ઉંમર બત્રીસ વર્ષ હતી અને જેન્ડરમાં મેલ હતું. ડૉ. કેતાને કંઈક અજુક્તું હોવાની ગંધ આવી. એણે મોહિતને કહ્યું “ચિંતા ન કર તને હમણાં જ પૈસાની વ્યવસ્થા કરાવી દઉં છું. મને આ બધાં રિપોર્ટસ વોટ્સઅપ કરી દે.” મોહિતના ચહેરા પર થોડી લાલી આવી અને એણે તુરંત જ એ બધાં રિપોર્ટ્સ મેડમને ફોરવર્ડ કરી દીધાં. ડૉ. કેતાએ તાત્કાલિક ડૉક્ટર્સ મીટિંગ બોલાવી. સિનિયર ડૉક્ટર્સ, જુનિયર ડૉક્ટર્સ, રેસિડેન્ટ, કન્સલ્ટન્ટ..વિગેરે. જોત જોતામાં પાંત્રીસ જેટલાં ડૉક્ટર્સ અને સ્ટાફનું ટોળું કૉન્ફરન્સ રૂમમાં આવી ગયું. મોહિત પણ ખૂણામાં ઊભો હતો.
“ગુડ આફ્ટરનૂન ડૉક્ટર્સ, આ અર્જન્ટ મીટિંગ બોલાવવાનું કારણ છે કે મોહિતની મમ્મીને ગળાની ગાંઠ થઇ છે અને એને ઓપરેશન કરવા માટે સવા લાખ રૂપિયાની જરૂર છે!” બધા જ ડૉક્ટર્સના ચહેરાં ઉપર કોઈ ભાવ ન આવ્યો. જાણે કે એ લોકો પહેલાથી જ જાણતા હોય. “મમ્મી…ગાંઠ…સવા લાખ….આ બધું તદ્દન જુઠ્ઠું છે. એણે બધાં જ રિપોર્ટ્સ ગોગલ પરથી ડાઉનલોડ કર્યા છે. માટે મહેરબાની કરીને કોઈ એક પણ રૂપિયો આપતા નહીં. પ્રિતેશસર આવશે એટલે એને…..” ડૉ. કેતાનું વાક્ય પતે તે પહેલાં જ કૉન્ફરન્સરૂમ જાણે માણેકચોકનું શેર બજાર બની ગયું અને ઘોંઘાટ ચાલુ થઇ ગયો. “મેડમ…પાંચ હજાર…ત્રણ હજાર….પંદર હજાર…પાંત્રીસ હજાર…” ઓહ માય ગોડ…સરવાળો કરો તો બે લાખ ઊપર પહોંચતો’તો. બધાએ યથાશક્તિ પ્રમાણે મદદ કરવા પૈસા આપ્યાં હતાં. બધાં જ આંકડા પછી છેલ્લે કેમિસ્ટે કહ્યું “મેડમ મેં તો એને પૈસા આપવાં માટે મારો મોબાઇલ પણ વેચી નાખ્યો.” શોરબકોર ચાલુ જ હતો અને ત્યાં ડૉ. પ્રિતેશ આવ્યાં. “હેલ્લો ઓલ…શું માંડ્યું છે આ બધું…કેટલો ઘોંઘાટ કરો છો..એની સ્પેશ્યલ રીઝન.” ડૉ. કેતા એ કહ્યું, “સર મેં જ આ મીટિંગ તાત્કાલિક બોલાવી છે…આ નઠારાંએ બધાંને છેતરીને પૈસા ઉઘરાવ્યાં છે અને જુઓ નફ્ફટની જેમ હસે છે. ઓન્લી યુ એન્ડ મી આર લકી..” “ડૉ. કેતા, ઓન્લી યુ આર લકી..ગયા અઠવાડિયે મેં પણ એને એંસી હજાર આપ્યાં છે.”
દરેક પરિવારોમાં બને તેમ એક કાકાને ત્યાં બધા જ ભાઈ-બહેન ભેગાં થયા હતા અને રક્ષાબંધનનો તહેવાર ઉજવતા હતા. “અમીદીદી જલ્દી કરોને મારે હોસ્પિટલ જવું છે. મોડું થાય છે.” ડૉ. તેજસ બધી બહેનોનો લાડકો હતો. એનાં મુખ્ય બે-ત્રણ કારણ હતા. એક તો એને એકેય સગી બહેન ન હતી. બીજું કે એનું ખિસ્સું હંમેશા ભરેલું જ હોય એટલે દરેક વર્ષે બધી બહેનોને શ્રાવણ મહિનાની હાથ ખર્ચી તો તેજસ પાસેથી જ મળી રહે. અને ત્રીજું અગત્યનું કારણ એ કે ઘરના બધા લોકોનું ઓ.પી.ડી એક સાથે દિવસે ત્યાં કાકાના ઘરે જ ભરાય. કાકાને મસા થયાની સમસ્યા હોય તો કાકીને સાંધા દુઃખતા હોય. પિતરાઈ ભાઈ પ્રિયાંકને જવાનીમાં ખીલ સતાવતા હોય, તો કોઈ કઝિન બહેનને મેનોપોઝની સમસ્યા હોય. રક્ષાબંધનના દિવસે ડૉ. તેજસની આરતી ઉતાર્યા પછી બધા જ એક પછી એક પોતાની સમસ્યા લઈને આવી જાય. કાકી વળી કાકાના મસા માટે કોઈક પડીકીમાં ફાકી લાવ્યા હોય અને પોતાના સાંધાના દુખાવા માટે પણ કોઈ ધોળી ધોળી ચૂસવાની ગોળીઓ લઈને આવે. આ બધા ઉપચારથી તેજસને ઘણી નફરત હતી.
“અરે કાકી આવી ફાકીઓથી કંઈ ના થાય, હવે ના રોગ તો બધા હઠીલા હોય છે!” “અલા, તેજ્યા અમે તો નાનપણથી આવી પડીકીઓ ફાકીએ છીએ, સારુંય થઇ જાય છે. જો તારી અમીદીદીને જ જો..વાળ કેવાં ઘટ્ટ થઇ ગયા આ ફાકીથી, હવે સહેજે ઉતરતા નથી.” “કાકી પૌષ્ટિક ખાવાનું ખાઈએ એટલે આવી ફાકીઓની કોઈ જરૂર ન પડે. આમાં તો ઊંટવૈદ્યુ થઇ જાય!” “લે! આ તારા કાકા ક્યાં તીખ્ખું ખાય છે. તોય એમને મસા થયા જ ને!, પણ આ ફાકીથી બેસીય જાય છે.” “એ તો થોડો ટાઈમ જ બેસે, એનો તો એક માત્ર જ ઉપાય છે. ઑપરેશન!” ડૉ. તેજસે તો હોઠને ગોળ દડા જેવો કરીને ઑ….એવું લંબાયું કે કાકી છંછેડાઈ ગયાં. “હશે અવે તેજ્યા, ના જોયો હોય મોટો ડૉક્ટર..અમે તો તને ભણાયો છે…” “હારું, આ અમીની સુવાવડ પછી તારા કાકાના ઑપરેશનનું કંઈક વિચારીયે. ત્યાં સુધી આ ફાકીઓ લઈને મસા બેસાડી દઈશું.”
તેજસને પણ મોડું થતું હતું એટલે એણે બહું ચર્ચા ના કરી અને બધી બહેનોને બોણી આપી અને હોસ્પિટલ જવા રવાના થયો. તેજસ ગલીની બહાર પહોંચ્યો જ હશે ને પ્રિયાંકનો ફોન આવ્યો. “તેજસભાઈ, પાછા ઘરે આવોને અમીદીદીને છાતીમાં બહું જ દુખાવો થાય છે.” અમીદીદી પ્રેગ્નન્ટ હોવાથી છાતીમાં નહીં પણ પેટમાં દુખાવો થતો હશે તેવું માનીને તેજસ કાકાના ઘરે પાછો આવ્યો. અમીદીદીની છાતી સાચે જ લબકા લેતી હતી. બોલવામાં હાંફ હતો. અમીદીદી માત્ર છાતી પર હાથ મસળીને ઈશારો જ કરી શકતા હતા. તેજસને ચોક્કસ થઇ ગયું કે અમીદીદીને છાતીમાં જ દુખાવો છે. તેજસ પોતાની જ ગાડીમાં અમીદીદીને હોસ્પિટલ લઇ ગયો. અમીદીદીના વધતા જતા દુખાવાની સાથેસાથે તેજસની ગાડીની સ્પીડ પણ વધતી હતી. સાથે બેઠેલા પ્રિયાંક અને કાકા કાકીના ધબકારા પણ એ જ ગતિએ વધતા હતાં. થાય જ ને! પોતાની સગી દીકરીને આવી હાલતમાં જોવી અને ક્યાંક કંઈક ઊંચનીચ થઇ જાય તો સમાજમાં અને અમીના સાસરામાં બધા એમનાં માથે માછલાં ધોવે! તેજસની ગાડી હોસ્પિટલ પહોંચી ગઈ. ડૉ. તેજસની ઇમરજન્સીની ટીમ એમની રાહ જોઈને જ ઉભી હતી. વાઈટલ્સ મોનિટર અટેચ કરતા જ ડૉ. તેજસે જોયું કે આ તો કાર્ડિયાક અરીધમીયા છે. સમયસર શૉક આપવાથી હાર્ટની રિધમ તો નોર્મલ થઇ ગઈ. પણ ધબકારાની ગતિ ખૂબ જ ધીમી પડી ગઈ હતી. બનેવી કાર્તિકની પરવાનગી લઇ કાર્ડિયોલોજિસ્ટે અમીદીદીના હાર્ટમાં પેસમેકર મૂક્યું. ઓબ્ઝર્વેશન માટે અમીદીદીને બે દિવસ માટે આઈ.સી.યુમાં રાખવામાં આવ્યાં. બધી જ જવાબદારી તેજસે પોતાના ઉપર લઇને કાર્તિકજીજાજીને નિશ્ચિન્ત થઈને ઘરે જવા જણાવ્યું. ઘરનો જ દીકરો ડૉક્ટર હતો એટલે બધાને થોડી માનસિક રાહત હતી છતાં પણ કાકા કાકીએ બાધા માની લીધી હતી કે જે દિવસે અમીને હોસ્પિટલથી રજા મળશે એ દિવસે સત્યનારાયણની પૂજા કરાવીશું. “હેલ્લો, જીજાજી, દીદી ઇસ પરફેક્ટલી ફાઇન એન્ડ બાય ટુમોરો શી ઇઝ ગેટીંગ ડિસ્ચાર્જડ” “ગ્રેટ, આઈ વિલ કમ ટુ પીક હર. જોઈન ફોર સત્યનારાયણ પૂજા ટુમોરો, થેન્ક્સ ફોર ઓલ યોર હેલ્પ, થેન્ક યુ…થેન્ક યુ સો મચ…આઈ ઓ યુ….” વિગેરે લાંબા લચક મેસેજથી એક સાથે બે જાન બચવાનો હરખ જીજાજી કાર્તિકના મેસેજમાં સ્પષ્ટ છલકતો હતો. બીજા દિવસે કાકા કાકી અને આખો પરિવાર સત્યનારાયણની પૂજાની તૈયારીમાં લાગી ગયો અને બીજી બાજુ બનેવી કાર્તિક ઇમર્જન્સી ડિપાર્ટમેન્ટની લોન્જમાં અમીની રાહ જોઈને બેઠાં હતાં. “જીજાજી, કંઈ પણ કામ હોય તો મને મેસેજ કરજો એક ટ્રોમાનું પેશન્ટ આવ્યું છે એટલે મારે જવું પડશે, દીદીની ડિસ્ચાર્જ સમરી બને એટલે તરત એમને નીચે લાવશે. મને મળીને જ જજો.” પોતાની ડૉક્ટરની ડ્યુટી નિભાવવા તેજસ ત્યાંથી વોર્ડ તરફ ગયો. જીજાજીને કંઈક કહેવું છે એવો અણસાર તો થયો પણ હવે ડૉ. તેજસનો જીવ પેલાં મરતા માણસમાં ભરાયો હતો. “અગર ઉન્હેં કોઈ હેલ્પ ચાહીયે તો…..” સિક્યુરિટીને કહીને ડૉ. તેજસ જેવો ડિપાર્ટમેન્ટમાં અંદર પ્રવેશ્યો અને ત્યાં એને “સર……” સિક્યુરિટીની બૂમ સંભળાઈ… અમીદીદીને લેવા આવેલા જીજાજી કાર્તિક પણ છાતી પર હાથ મૂકીને મસળતા હતાં અને હાંફતા હતા. અડધો ડઝન સ્ટાફ ત્યાં પહોંચી ગયો. એ જ પ્રક્રિયા, વાઈટલ્સ મોનિટર અટેચ કર્યું અને એમને પણ કાર્ડિયાક અરીધમીયા. આ વખતે ડૉ. તેજસના પણ પરસેવા છૂટી ગયાં. જીજાજીને પણ શોક આપ્યાં. હાર્ટની રિધમમાં કોઈ સુધારા નહિ. ઓન ડ્યૂટી કાર્ડિયોલોજિસ્ટ પણ આવી ગયા. જીજાજીનો શ્વાસ પાતળો થતો હતો. ડિપાર્ટમેન્ટમાં મોનિટરોના બીપ સાઉન્ડની વચ્ચે સાળા અને કુશળ ઇમર્જન્સી સ્પેશ્યલિસ્ટ ડૉ. તેજસને કંઈક અણબનાવ બનવાની બીક ભરાઈ. આ બાજુ અમીદીદી પણ નીચે આવી ગયા હતાં. “કાર્તિક અને આખા પરિવારને મળીને પેટ ભરીને શિરો ખાઈશું” એકાદ કલાક પહેલાં જ અમીદીદી એ એવી ચર્ચા તેજસ સાથે કરી હતી. વાઈટલ મોનિટર હાર્ટની રિધમના તો અવનવાં જ આકાર બતાવી રહ્યું હતું. ડૉ. તેજસ અને સિનિયર ઓન ડ્યુટી કાર્ડિયોલોજિસ્ટે અનેક તર્ક લગાવ્યાં. “ત્રણ દિવસ પહેલાં અમીદીદીને કાર્ડિયાક અરીધમીયા, હવે જીજાજીને પણ એવાં જ લક્ષણો!” અમીદીદી અને જીજાજી જો ભાઈ-બહેન હોત તો જિનેટિક ડિસઓર્ડર પણ હોઈ શકત, પરંતુ પતિ પત્નીમાં જિનેટિક ડિસઓર્ડર તો શક્ય નથી! “તો શું હોઈ શકે? આ તો જોગાનુજોગ કહેવાય.” તેજસના ફોનની ઘંટડી વાગી…”કાકી, જય શ્રી કૃષ્ણ! થોડી વારમાં કરું ફોન?” પ્રશ્નાર્થમાં જ ક્યાંક ઉત્તર છુપાયેલો જણાયો. ફોન મૂકતાની સાથે જ ડૉ.તેજસે બૂમ પાડી “બ્રધર નિખિલ, એમનો હેવી મેટલ ટોક્સિન ટેસ્ટ માટે સેમ્પલ મોકલાવો અને અમી દીદીનો પણ!!!” કમનસીબે…થોડાક જ કલાકમાં કાર્તિકજીજાજી એ છેલ્લા શ્વાસ લીધાં. સત્યનારાયણની કથાના શ્લોક અને વાર્તાઓમાં મહામૃત્યુંજય મંત્ર ભળ્યો. ઘરનું વાતાવરણ ગમગીન તો હતું જ હવે શોકમય બન્યું. તેજસના હાથની સુખડની રાખડીમાંથી પસ્તાવાની ગંધ આવતી હતી. તેજસને જીજાને ન બચાવી શકવાનો ઊંડો આઘાત લાગ્યો હતો. અમીદીદીની હાલત તો ચાલતી લાશ જેવી હતી. અમુક જ કલાકમાં શું બની ગયું એનું કંઈ ભાન જ ન રહ્યું. બધા જ સમયના ગુલામ બની ગયા હતા. અમીદીદીએ બે દિવસથી કંઈ ખાધું પણ ન હતું અને એટલે બધાં એને અનેક જાતની સલાહ, સૂચન, હિમ્મત વગેરે આપતા હતાં. વીલ પાવરમાં સ્ટ્રોંગ કાકી અમીદીદીની નજીક આવ્યા અને કહ્યું “બેટા ખાઈ લે, કેટલાય દિવસથી તે આ પડીકીની ફાકી પણ નથી લીધી. લઇ લે!” ફાકી સાંભળતા જ તેજસે જમણાં હાથમાં બાંધેલી સુખડની રાખડી જોઈ અને રક્ષાબંધનનો દિવસ યાદ આવ્યો.” ડૉ. તેજસના ફોનની રિંગ વાગી “સર, બોથ હેવ હેવી મેટલ ટેસ્ટ પોઝિટિવ.”
“ડૉક્ટર સાહેબ, અમદાવાદ- હીથ્રો અને રિટર્નમાં હીથ્રો-અમદાવાદ વાયા દુબઇ. આ રૂટની બેસ્ટ ડીલ મળે છે! બોલો શું કરું?” “પરફેક્ટ છે મનીષભાઈ, તમતમારે કરો બુક” ઢગલો વખત યુ.કેનો પ્રવાસ કરી ચૂકેલા ડૉ. શાહે ટ્રાવેલ એજન્ટને હોલિડેની ટિકિટ બુક કરી દેવા જણાવ્યું. લંડનનું નામ આવે એટલે શાહ સાહેબ હંમેશા ગેલમાં આવી જાય. લંડન એટલે એમનું બીજું ઘર. ગમે તેટલા દિવસ ત્યાં રોકાય પણ એમને રોકાણના દિવસો તો ખૂટે જ. ડઝન જેટલાં સગા વ્હાલા ત્યાં રહે અને અડધો ડઝન જેટલાં અંગત મિત્રો. ડૉ. શાહનો સ્વભાવ એટલે પોતાના ક્લીનીકની એક નીડલ હોય કે લેટેક્સના ગ્લોઝ એક પણ વસ્તુનો વ્યય ન થવા દે. ડૉ શાહ કંજૂસ નહીં પણ ચોક્સાઈમાં માનવાવાળા. મિ. પરફેશનિસ્ટ. બધાં જ માટે ડૉ. શાહ એટલે પાક્કા વાણીયા. સ્વભાવ અને વર્તનથી ભારોભાર કૃષ્ણપંથી અને હવેલી સંગીતના શોખીન. ડૉ. શાહ ઉંમરમાં તો સુડતાલીસ વર્ષના જ પણ જીવનશૈલીની ઢબે ૧૯૪૭ના જમાનાના. ડૉ. શાહ ઘડિયાળના કાંટે જ આખા દિવસનો કાર્યક્રમ ગોઠવે અને અનુસરે. એકેએક કામને ડાયરીમાં નોંધવાની ફાવટ તો એમને એમનાં સ્કૂલના સમયથી જ હતી. થોડાં વર્ષો પહેલાં એમણે સિંગાપુરથી ડિજિટલ ડાયરી પણ વસાવી હતી પરંતુ તેમને એ માફક ન આવી. ક્રિકેટ અને સિનેમાનાં શોખીન એટલે તેઓ બધાને કહે કે “ઓલ્ડ ઇઝ ગોલ્ડ બાકી બધું જ ક્લીન બોલ્ડ!” પેશન્ટ તપાસવા રાઉન્ડમાં જાય એટલે એમની ચોકસાઈના કિસ્સાઓની સાથેસાથે એમની સસ્તી રમૂજની લ્હાણી પણ કરતા જાય.
ડૉ. શાહ રાઉન્ડ પતાવીને ઑફિસમાં આવ્યા અને પાછો એમનો ફોન રણક્યો. “યસ સર, ટિકિટ ઇઝ બુક્ડ. મસ્ત ડીલ મળી ગઈ. એન્જોય કરજો સર, છોકરાઓને પણ મજા આવશે..” પેમેન્ટ કરાવી દેજો એટલું જ કહેવાનું બાકી હતું. બાકી બધી જ સલાહો ટ્રાવેલ એજન્ટે આપી દીધી. પણ ડૉ. શાહ પણ એટલાં ચીવટવાળા કે ચાલુ ફોને જ પેલાં એજન્ટનું પેમેન્ટ ટ્રાન્સફર કરી દીધું.
સૌથી પહેલા મિસિઝ શાહને ફોન કર્યો, એમનાથી સ્વભાવમાં સાવ વિપરીત, હંમેશા મિસિઝ શાહના દિમાગનો પંખો ફાસ્ટ જ ચાલે અને જીભ સુપર ફાસ્ટ. “બેબી, ટિકિટ ઇઝ કંફર્મ, વી વીલ ફ્લાય નેક્સટ વીક!” “અવે આ શું બેબા ને બેબી…લંડન જવાનું નામ આવે એટલે જાણે તમને તો અંગ્રેજ વળગે!” “હા..હા..અવે..” શાહ સાહેબ પણ થોડાં છંછેડાયા. લગેજમાં શું લઇ જઈશું એનું ચેક લિસ્ટ બનાવી દે! અને હા તારા ઢેબરાં અને અથાણાં……!” છેલ્લે ક્રિકેટ રસિક ડૉ. શાહ સાહેબે કટાક્ષનો છક્કો મારી જ દીધો. “ચેક લિસ્ટ તમે જ બનાવી લે જો…તમારી તો અડધો અડધ ડાયરીઓ શાયરીઓ અને એવાં ચેક લિસ્ટ જેવાં આયોજનોથી તો ભરેલી હોય છે.” મિસિઝ શાહના સુપર સોનિકની સામે શાહ સાહેબની લોકલ ટ્રેન જેવી જીભની ગતિ ધીમી પડી ગઈ.
બહાર કંઈક કૅશલેસ ઇન્સ્યોરન્સને લઈને કકળાટ ચાલતો હતો. માત્ર એમના સ્ટાફ પાસેથી એટલું જ સંભળાયું કે “તમારે અત્યારે તો અમને કેશ જ આપવા પડે પછી તમારે અને તમારા વીમા એજન્ટે ફોડી લેવાનું…..” સ્ટાફની વાત તો સાચી હતી. માટે તે અવગણીને શાહ સાહેબે તો વોટ્સઅપમાં લંડન ટ્રીપ માટે લંડન સ્થિત મિત્રોનું ગ્રુપ પણ બનાવી લીધું. ગ્રુપનું નામ રાખ્યું, “નાઉ ઓન્લી રેડ વાઈન..નો રે…” સ્માઈલી સાથે મિત્રોના મેસેજો ટપોટપ ચાલું થઇ ગયાં….એમાં પણ ટિક, ડબલ ટિક અને બ્લુ ટિકની રમત જામી.. “અફકોર્સ ઇટ્સ અ ફેમિલી ટ્રીપ ટોપા..” ટોપા શબ્દથી જ ગ્રુપમાં કોલેજના દિવસો તાજા થઇ ગયાં. બીજા મિત્રે લખ્યું, “હા…હા..યુ આર મેરીડ બુલ નાઉ…:)” ત્રીજો થોડો સીધોસાદો મિત્ર હતો, “ધીસ ટાઈમ નો કેશ એન્ડ કેરી, ઓન્લી આઉટીંગ..” વિગેરે વિગેરે…. શાહ સાહેબ, એમનાં પત્ની અને બે દીકરાઓએ ભેગા થઈને ચેક લિસ્ટ તૈયાર કર્યું અને બીજા જ દિવસથી એ ચારેય મંડળી ખરીદી કરવાં મંડી પડી. ફ્લાઈટની ટિકિટનું બુકિંગ તો થઇ ગયું હતું એટલે શાહ સાહેબનું મોટું કામ પત્યું હતું. કેબ બુકીંગ, કરન્સી ચેન્જ જેવાં નાનાં-મોટાં કામ જ બાકી હતાં. નાસ્તા, સૉક્સ, અન્ડરવેર જેવાં નાના-મોટા કામ મિસિઝ શાહ અને બે દીકરાઓએ પતાવી દીધાં. ચેક લિસ્ટ પર ટિકની નિશાની લંડન જવાના છેક છેલ્લા દિવસ સુધી લગાવી પડી. લાસ્ટ મિનિટ શોપિંગ પતાવી શાહ પરીવાર એરપોર્ટ પહોંચ્યું અને ત્યાંથી વિમાનમાં લંડન. ઇમિગ્રેશન ઓફિસરે ચારેયના બોર્ડિંગ પાસ અને વિઝા જોતા જોતા અંગ્રેજી ઢબમાં જાણે ગુજરાતીમાં વાત કરતો હોય એમ બબડ્યો…”મિ. આનંદ હસમુખ શાહ.” નામની આગળ ડૉક્ટર સાંભળવાની ટેવવાળા શાહ સાહેબને “મિ” સાંભળી અજુક્તુ લાગ્યું. ખેર! એમણે પ્રત્યુત્તર આપ્યો.. “યસ સર, ઇટ્સ મી….શી ઇઝ માય વાઈફ ખુશી આનંદ શાહ..માય કિડ્સ હર્ષ એન્ડ ઉલ્લાસ” આખાય પરિવારની માત્ર નામમાં જ નહીં પણ ત્રણ ત્રણ પેઢીમાં ખુશી અને હર્ષોલ્લાસ જ હતો. લંડન એરપોર્ટ પર તો સાક્ષાત આનંદ, ખુશી અને હર્ષોલ્લાસનો સ્નો પડ્યો. આયોજનના બાદશાહે આયોજનમાં એક પણ બાદબાકી રાખી ન હતી. આખા પરિવારને ચાર પાંચ વખત જણાવી અને જતાવી પણ દીધું હતું કે જો પોતે ડૉક્ટર ન હોત તો તે એક સફળ ટ્રાવેલ એજન્ટ એન્ડ એડવાઈઝર હોત. એક પછી એક મિત્રો સગા વહાલાંઓની વિઝિટ, પ્રથમ વખત ટ્રાવેલ કરી રહેલા બંને દીકરાઓ માટે જોવાલાયક સ્થળોની મુલાકાત, ઇસ્કોન મંદિરથી માંડી મદિરા સુધીની બધી જ પ્રવૃતિઓ સોળે કળાએ ખીલી હતી. એક દિવસ એક મિત્ર સાથે મોર્નિંગ ટૂરનું આયોજન હતું. સેન્ટ્રલ લંડનમાં ફન ફેસ્ટિવલમાં બુકીંગ કરાવ્યું હતું. તેમાં મોર્નિંગની અવનવી પ્રવૃતિઓ, હેરિટેજ સાયકલિંગ રાઈડ અને છેલ્લે બ્રન્ચ કરીને ઘરભેગાં થવાનું હતું. એટલે મિત્રના ઘેર ભેગા થવાનું હતું. એકાદ-બે કલાક રેડબુલ ફન ગેમ રમ્યા પછી, બધાં જ હેરિટેજ લેનમાં સાયકલિંગ કરવાં ગયાં. નાની નાની ઇમારતો હતી. સાંકળા રસ્તા અને લાલ ગુલાબી રંગબેરંગી ઓલ્ડ ફેશન સાયકલો હતી. સેલ્ફીની શેઠાણી ખુશીભાભી માટે આ સાયકલિંગ પ્રવૃત્તિ ખૂબ રોમાંચક હતી. ખુશીભાભીએ અમદાવાદની સાંકળી શેરીમાં તો સાયકલ ચલાવી હતી. હવે લંડનની સાંકળી ગલીઓમાં સાયકલ ચલાવવા માટે આતુર હતી. સાયકલનું એક પેડલ માર્યું અને ભાભીને સ્કૂલના દિવસોની યાદ આવી ગઈ. અદ્લ આવી જ રીતે ખુશીભાભીએ સ્કૂલના પહેલા જ દિવસે સાયકલ લઇ જવા માટે પેડલ માર્યું. એમાં ગટરનું ઢાંકણું તૂટ્યું અને સાથોસાથ પગની ઢાંકણી પણ તૂટી. અને બે મહિનાનો ખાટલો ભેટમાં મળ્યો તે અલગ. થવાનું શું હતું! એ જ ઘટનાનું પુનરાવર્તન… અરે આ તો દેશથી દૂર બનેલી ઘટના બની હતી એટલે આ ઘટના નહીં પણ આ તો દૂર-ઘટના કહેવાય. ભૂગોળમાં ભારે ખુશીબેન ધબાક કરતા જમીન પર પડ્યાં અને પાછળ આવતા આનંદભાઈ, હર્ષ-ઉલ્લાસ અને બીજાં મિત્રના પરિવારના સભ્યોએ દસ ફૂટ દૂર જ પોતાની સાયકલ થંભાવી દીધી. રખેને કોઈ અડફેટે ચઢી જાય. ખુશીભાભી ભોંય પર ઠરીઠામ થયા એટલે બધા એમની પાસે દોડ્યાં… ઓ…માં…ઓ..માંના બરાડા વચ્ચે એમને નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં. જોકે એમના કરતા તો વધારે એમની સાયકલને વાગ્યું હતું એટલે ડિપોઝિટના પચાસ પાઉન્ડ પણ પાછા ન મળ્યાં. એમને માત્ર પગનું ફ્રેક્ચર જ થયું… અમદાવાદની સ્ત્રીઓ અને એમનાં એક્ટિવા/કાઇનેટિક વચ્ચે પણ આવાં ફ્રેક્ચર,પાટાપિંડી જેવાં ગાઢ સંબંધો હોય છે જ. એટલે એ ન્યાયે તો આ પગનું ફ્રેક્ચર માત્ર સામાન્ય ફ્રેક્ચર જ કહેવાય. હોસ્પિટલમાં દુખાવાની દવા તો ફ્રીમાં અપાવી પણ પ્લાસ્ટર, ઑપરેશન અને બીજાં ડ્રેસિંગ થઈને સાત હજાર પાઉન્ડનો એસ્ટિમેશન ખર્ચ આવ્યો. સાત હજાર પાઉન્ડ એટલે ભારતના લગભગ છ-સાત લાખ. ડૉ. શાહે પોતાની બેગ પેકમાંથી ટિકિટના બંચની સાથે ચેક લિસ્ટવાળી ચબરખી પણ કાઢી.. એમની એક નજર કૅશલેસ માટે ઝગડતા પોતાના મિત્ર સામે પડી, બીજી નજર નાખુશ પત્ની ખુશી ઉપર પડી. હળવેકથી હર્ષોલ્લાસને પણ જોઈ લીધાં અને વળી પાછી છેલ્લી નજર પોતાના ચેક લિસ્ટ પર પડી. જેમાં ટ્રાવેલ ઇન્સ્યોરન્સમાં કોઈ ટિક ન હતી….ન સિંગલ ટિક..ન ડબલ ટિક….ન બ્લુ ટિક…..કોઈ પણ ટિક નહીં. સુપર સોનિકના એન્જિનની જેમ ધબકતા હાર્ટની રિધમ સાથે પેલી ગોરી ડૉક્ટરનો સૂરીલો સ્વર સંભળાયો…..”ઈટ ઇઝ નથિંગ ટુ ડીલ વિથ અસ, યુ નીડ ટુ સોર્ટ આઉટ વિથ યોર ઇન્સ્યોરન્સ એજન્ટ.” ડૉ. શાહ સાહેબે મનમાં એ જ વાક્યનું રૂપાંતર ગુજરાતીમાં કર્યું, “……………એ તો તમે અને તમારા વીમા એજન્ટે ફોડી લેવાનું.”
“વડલા નીચે જયારે ગામની બેઠક જામે એટલે સમજી લેવાનું કે કોઈક તો સારા સમાચાર છે જ.” ગામનાં લોકોની સાથે સરપંચની બેઠક તો હંમેશા જીવાબાપા અને મીઠી બાના ડેલામાં જ થતી હતી. આજે નક્કી ગામવાળા માટે કંઈક સારા સમાચાર લાગે છે. બેઠકની બે દિવસ પહેલા ગામમાં સરપંચની બેઠકનો ઢંઢેરો પીટાયો ત્યારથી જ ગામલોકમાં ચર્ચા ચાલુ થઇ ગઈ.
વડલા નીચે ગામનાં સરપંચ જીવાબાપા એક હાથમાં ચાની રકાબી અને બીજાં હાથમાં હુક્કાનું નાળચું પકડીને પગ પર પગ ચડાવીને બેઠાં હતાં. બૈરાંઓના ટોળામાં મીઠીબા મુખ્ય હરોળમાં હતાં અને પુરુષોના ટોળાંમાં એમનો વીસ વરસનો પુત્ર અને ગામના યુવા મોરચાનો પ્રમુખ નાથુ પ્રથમ હરોળમાં બેઠો હતો. એ પણ પોતાના બાપા જીવાબાપાની જેમ થોડી થોડી વારે હમણાં જ નવી-નવી ફૂટેલી મૂછ મરોડતો હતો. ગામનાં બધાય લોકો ટોળાં વળીને બેઠકની આજુબાજુ બેસી ગયાં. અમુક ભોંય પર બેઠાં તો અમુક ઉભલખ પગે બેઠાં. ઘણાં લોકો વડલાની ફરતે બેઠાં. બૈરાઓ બૈરાના ટોળાં બેઠાં અને યુવા મોરચાના સભ્યો નાથુ પાસે બેઠાં.
હુક્કાના સિસકારા અને બે ત્રણ ખાંસીના ખખડાટ સાથે સરપંચ જીવાબાપાએ ગામ લોકોનું અભિવાદન કર્યું. “ગામ ભાઈઓ, આપણા ગામના લોકોની સંખ્યા ધીરે ધીરે વધતી જાય છે એટલે સુવિધાઓ પણ વધારવી જ પડશે.” બીજો સુટ્ટો માર્યો, જીવાબાપાની અંદરનું ફર્નિચર પાછું ખખડ્યું. “ભાઈઓ, આપણા ગામમાં સ્નાનાગાર છે. પુસ્તકાલય છે. નિશાળ છે. કુસ્તી અને કસરતના સાધનોની સુવિધા પણ છે.સિનેમા…ખાણીપીણી….” જીવાબાપાએ પાછો સુટ્ટો માર્યો અને મૂછ મરોડીને બધાના ચહેરાઓ તરફ એમના હાવભાવ જોવાં લાગ્યાં. “અરે હા..હા..બાપા….આપણા ગામ પાસે બઘી સુવિધાઓ તો છે જ હવે શેની જરૂર છે?” એમનો દીકરો થોડો અધીરો થયો. કેમકે કોઈને બાપા શું વિચારતા હતા એની જાણ ન હતી. “જો પેલ્લી જમીન દેખાય છે?” જીવાબાપાનું શરીર તો સ્થિર રહ્યું. માત્ર ડોક ફેરવીને વિશાળ જમીન તરફ આંગળી ચીંધતા કહ્યું. “તો?” “ત્યાં હવે ગામ માટે એક વાડી બનાવવી છે. જ્યાં ગામના લોકોનાં જન્મ-મરણ અને લગ્નોના જમણવારો થશે. મેળાવડાને ઉજાણીઓ કરીશું.” “થોડી ઘણી આર્થિક સહાયોથી એક પરિવારનો પ્રસંગ આખા ગામનો પ્રસંગ બની જશે.” બાપાએ વળી પાછી મૂછ મરડી અને ગામના લોકોમાં હોહાપો મચી ગયો. બધા જાણે અત્યારે જ ઉજાણીમાં આવ્યા હોય એમ રાજી રાજી થઇ ગયા. રાજા રજવાડાનો જમાનો હોત તો બધાએ જીવાબાપાની જય પણ બોલાવી હોત. પણ આ ગામ તો વિકસતા જમાનાનું જાગૃત ગામ હતું. ગામ જેવી રહેણીકરણી પણ ઓછી હતી અને બોલીમાં પણ સુધારો હતો. “બાપા…આમાં હું સહમત નથી થાતો.” ગામના લોકોમાં તો જીવાબાપા સામે બોલવાની તાકાત ન હતી. પણ નાથુ તો એમનો જ દીકરોને. એ પણ નવો નવો યુવા મોરચાનો પ્રમુખ એટલે એને પણ કંઈ કારણ હોય કે ન હોય સરકાર વિરુદ્ધ નન્નો જ ભરવાનો.. એટલે એણે આ વાડી બનાવવાની વાત સામે વાંધો ઉઠાવ્યો.
“નાથુ..તમને યુવા મોરચો સંભાળવા આપ્યો છે એ સારી પેઠે સંભાળો…આપણા ગામે ઘણું નરસું વેઠ્યું છે. ભૂકંપ, વાવાઝોડા, પૂર…રોગચાળા વિગેરે વિગેરે” “તો?” પાછો તોંતેર મણનો તો બોલી નાથુ અટકી ગયો. “તો શું! હવે આપણે માણવાના દિવસો છે..સારી એવી જમીન પણ પડી છે.. કોન્ટ્રાક્ટર પણ ગામના જ છે..એટલે આપણને એટલો ખર્ચ પણ નહીં નડે.” “બાપા..મારી માનો તો એ જ ખર્ચ અને એ જ જમીનથી આપણા જ ગામમાં જો કોઈ સારી અસ્પતાલ બનાવીએ તો આપણા ગામના લોકોને જીલ્લા અસ્પતાલમાં ના જવું પડે. હવે તો ત્યાં પણ કલેક્ટરની ચિઠ્ઠી હોય તો જ મફતમાં સારવાર થાય છે..” યુવા મોરચાનું ભાષણ કરતો હોય એમ નાથુ ઉભો થઇને બોલવા લાગ્યો. “અવે…ગામમાં અસ્પતાલ તો છે જ ને!! અને હું પણ વૈદ્ય છું.” “ચાલીસ ચાલીસ વરસથી ગામના લોકોની સારવાર કરું જ છું. સરપંચ તો ગામવાળાએ મને બનાવ્યો છે..” બાપા થોડાં ઉકળી ગયાં. ગામના લોકો તો આ શબ્દોની ટેબલ ટેનિસ જોતાં જ રહી ગયાં. બંનેમાંથી એકેય પોતાનો બોલ પડવા ન હતું દેતું. “હા બાપા અસ્પતાલનાં નામે જાળા બાઝી ગયેલું જર્જરિત મકાન છે..જયારે જુઓ ત્યારે અસ્પતાલના પલંગમાં દર્દી નહીં પણ અહીંના કામચોર દાક્તરો જ આડા પડ્યાં હોય છે.” બધાય દાક્તરોનો એક જ જવાબ હોય છે કે બે-ચાર દા’ડા આરામ કરો..સારું થઇ જશે..દાઢ દુખે તોય આરામ? આવી કેવી દાક્તરી?” આ સાંભળીને ગામના લોકો પણ અંદર અંદર ગુસપુસ કરવા લાગ્યાં. “ના જ કામ કરેને કેમકે આપણા ગામમાં તો કોઈ માંદુ જ નથી પડતું ને! બધાં લોકો દિવસના બે-બે લીટર દૂધ પીવે છે..ઘીથી લથબથ લાડવા ખાય છે..જમ્યા પછી પાછો મોહનથાળ જોઈએ એ અલગ….” સાંભળતા જ નાથુએ મોં મચકોડ્યું અને એ દલીલ કરવાં જાય એ પહેલા જીવાબાપા પાછા તાડુક્યાં. “આ તો તમે બધાં ગોલ્ડસ્પોટ પીવાવાળા માંદા પડો!” “અમારે તો સફેદ એ સોનુ…દૂધ પીને તો અમારી કાયા ઘડાઈ છે.” ગોલ્ડસ્પોટ સાંભળીને નાથુનો પિત્તો ગયો. “તો તમે શું લોકોનો ઈલાજ કરવાના, હોમિયોપેથી અને આયુર્વેદનો ફરક તો મેં સમજાયો તમને બાપા..!” આ સાંભળતાની સાથે જ મીઠીબા અને બીજાં બે ચાર બૈરાંઓ પણ ઊભા થઇ ગયાં.. “તું શું મને સમજવાનો. હે….હું તારો બાપ છું…!!” જીવાબાપા એ જોરથી રાડ પાડી… “અવે..આને ઊંટવૈદ્યુ કહેવાય..ઊંટવૈદ્યુ…પોતાનો ડાયાબિટીસનો રોગ તો સરખો થતો નથી અને ગામમાં ઉજાણીઓ કરવી છે..” બંને બાજુ રાડારાડ મચી ગઈ… આખુંય ગામ જામેલી મેચ જોવા ઉભું થઇ ગયું….. એકાદ-બે એ તો એવું પણ વિચારી લીધું હશે કે નક્કી આજે એકાદ વિકેટ પડવાની… ઊંટવૈદ્યુ સાંભળીને…જીવાબાપા ઉભા થઇને મોંઢામાંથી લાંબી લચક…..ગાળ નીકાળવા જ જતાં હતાં અને ત્યાં જ એમનું અડધું શરીર અક્કડ થઇ ગયું અને ખાટલે પટકાયા.. હાય…હાય… શું થઇ ગયું? શું થઇ ગયું? જીવાબાપા..જીવાબાપાની રાડારાડ અને ચીસાચીસની વચ્ચે આખોય સંઘ જીવાબાપાને જિલ્લાની હોસ્પિટલમાં લઇ ગયો. બેઠકની જાણે જગ્યા ફેરવાઈ ગઈ હોય એમ 5-7 જીપ અને ખટારા ભરીને ગામ લોક પણ ત્યાં પહોંચી ગયાં. પોતે સરપંચ અને નાથુ યુવા નેતા એટલે કોઈ ચિઠ્ઠીની જરૂર ન પડી…
બેભાન હતા એટલે ડૉક્ટરોની સૌ પ્રથમ તપાસ સુગરની જ હોય. એટલે લેબમાંથી ટેક્નિશિયનને જીવાબાપાની સુગર ચેક કરવાં માટે બ્લડ સેમ્પલ લેવાં બોલાવ્યો. ટેક્નિશિયને બ્લડ લેવાં જેવી સોંય નસમાં નાખી અને જોયું તો…..આ શું? “આવું ઉજળું પ્રવાહી!” જીવાબાપાની ભેંસના દૂધ જેવું સફેદ..! બ્લડ તો માત્ર દસ ટકા જ લોહી લેનાર ટેક્નિશિયન પણ ચકડોળે ચડી ગયો. એણે તુરંત જ પેથોલોજીસ્ટને આ વાતની જાણ કરી. એમણે બ્લડની તપાસ કરાવવાનું કહ્યું. ચકાસણી કરતા જાણવા મળ્યું કે જીવાબાપાના લોહીમાં આ સફેદ કલરનું પ્રવાહી તો ટ્રાઇગ્લિસરાઇડ નામની ચરબી છે. “અરે…અરે…જીવાબાપાને શહેરની અસ્પતાલમાં લઇ જવા પડશે.” નાથુએ કહ્યું “ડૉક્ટર સાહેબ જીવાબાપા તો ગામના સરપંચ છે. આખાય જિલ્લાના લોકલાડીલા છે. ચિંતા ન કરો હમણાં તો આખુંય શહેર જ અહીંયા આવી જશે.” નાથુના એક ફોનથી શહેરથી ચાર ડૉક્ટરની ટીમ થોડી જ વારમાં જિલ્લા અસ્પતાલ આવી પહોંચી. જીવાબાપાના શરીરમાંથી ચરબીવાળું લોહી કાઢી અને નવું લોહી ચઢાવવાની ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી. સાથેસાથ ડાયાબિટીસને કંટ્રોલ કરવાના ઇંજેક્શન પણ ચાલુ કરી દીધા. બે દિવસે જીવાબાપા ભાનમાં આવ્યાં અને સ્વસ્થ થયા ત્યાં સુધી આ ચાર ડૉક્ટરની ટીમ ત્યાં ગામમાં જ રહી. કેમકે શહેરથી આવેલ એ ચારેય ડૉક્ટર એમના ગામના જ હતા અને જીવાબાપાના માર્ગદર્શન અને ઘણી ખરી આર્થિક સહાયથી જ ડૉક્ટર બનીને શહેરમાં સ્થાયી થયા હતા. “જીવાબાપા તમે તમારા ડાયાબિટીસનું ધ્યાન તો નથી જ રાખ્યું, સાથે સાથ સુગરના કારણે લોહીમાં વધતી ચરબીનું ધ્યાન પણ નથી રાખ્યું. શહેરથી આવેલા ડાયાબિટીસ નિષ્ણાતે કહ્યું. બાપા ચરબીના લીધે તમારું લોહી તો દૂધ જેવું ઉજળું થઇ ગયું હોં!! બીજા ડૉક્ટરે પણ સૂર પૂરાવ્યો. બેટા…મીઠીનું લોહી પીવું તો ડાયાબિટીસ આકાશે આંબે. અને ચરબીના કારણે મારૂં લોહી પણ ભેંસના દૂધ જેવું ઉજળું થઇ ગયું.” લગભગ વડલા નીચેની આખે આખી બેઠક આ અસ્પતાલના રૂમમાં સમાઈ ગઈ. જીવાબાપાએ બેઠકને જણાવ્યું કે ગામલોક હવે એ ગામની જમીનમાં આ ચારેય દાક્તરોના નેતૃત્વ હેઠળ એક આધુનિક અસ્પતાલ બનશે! વાડીનો પ્રોગ્રામ કેન્સલ..! હવે લોહી લોહીની જગ્યાએ અને દૂધ દૂધની જગ્યાએ….બધાં ખડખડાટ હસવા લાગ્યાં.
દરવાજો ખુલતાની સાથે જ ફૂલનો ગુલદસ્તો લઈને ઉભેલા શૈલેન્દ્રદાદાને જોઈને દિવ્યતા ખુશ ખુશ થઇ ગઈ. “દા…દા…આજે તો ઇંજી નથી લાવ્યાંને?” “અરે બેટા, તારા માટે તો ચૉકલેટ કેક લાવ્યો છું..મેની મેની હેપ્પી રિટર્ન્સ ઓફ ધ ડે ટુ માય એંજલ દિવ્યતા એન્ડ યોર મમ્મી અવની.” હેપી બર્થ ડેના મધુરા સૂરો પછી શૈલેન્દ્રદાદાએ પ્રેમાળ અવાજે પૂછ્યું, “ક્યાં ગઈ અવની? “એ જાડી તો ઉપર હશે! મમ્મી અને પપ્પા બંને કંઈક રક્ઝક કરતા હતાં.” દસ વર્ષની દિવ્યતાએ કાલા કાલા લહેકામાં દાદાને કહ્યું. “જાડી” અને “રક્ઝક” સાંભળતાની સાથે જ શૈલેન્દ્રદાદા બાર વર્ષ જૂની સ્મૃતિમાં ખોવાઈ ગયાં.
“જીદ હું નથી કરતી મિસ્ટર શાલીન, તમે જીદ કરો છો!” ત્રીસ ત્રીસ વર્ષે પણ માતૃત્વથી કોરી રહી ગયેલ અવનીની જીદ આજે તોફાને ચડી હતી. “અવની, આઈ લવ યુ સો મચ ડાર્લિંગ, પણ જે શક્ય નથી તે નથી જ.” શાલીનને આ “મિસ્ટર શાલીન”નો કટાક્ષ અસહ્ય લાગ્યો. જયારે કોઈ પણ વિવાહિત સ્ત્રી જો માતૃત્વથી વંચીત રહે તો એનામાં પણ આવાં કટાક્ષકાર લેખકોની આત્મા આવી જાય. “મારે પણ બાળક જોઈએ છે, પણ શૈલેન્દ્રફુઆએ તને શું કહ્યું છે કે હજી થોડું વજન વધાર તો ડિલિવરીમાં તને કોઈ વાંધો ના આવે.” સુકલકડી અવનીના સૂતળી જેવા બાવડા પકડીને હિન્દી સીરિયલના હીરોની જેમ શાલીન બોલ્યો. “હા, તો શું? આજથી પણ જો ગણતરી કરીયે તો મારી પાસે નવ-નવ મહિના છે.” નવ મહિના બોલતાની સાથે જ અવનીમાં રોમાંચ આવી ગયો. “તું નહીં સમજે એટલે નહીં જ સમજે અવની, ખરું ને?” શાલીનથી એક રાડ નંખાઈ ગઈ. શાલીનમાં આવું વર્તન પહેલી જ વખત જોઈ રહેલી અવનીનું આખું શરીર ધ્રુજવા લાગ્યું અને સોફા પર જોરથી પછડાઈ. શાલીને પણ બધો ગુસ્સો અને ચર્ચા બાજુ પર મૂકીને કાગળિયા જેવા અવનીના શરિરને આલિંગન કર્યું અને એનું માથું પોતાનાં ખોળામાં લઇ પીઠ થાબડવા લાગ્યો.
“શાલીન મને બહું જ ચક્કર આવે છે, મારી કમર બહું જ દુઃખે છે.” “પાછી તારી આ કમ્પ્લેઇન્ટ ચાલુ થઇ ગઈને! જયારે જયારે પણ તું ગુસ્સે થાય છે કે નારાજ થાય છે ત્યારે તારી આ કૉમન કમ્પ્લેઇન્ટ હોય છે.” “અત્યારે અસહ્ય દુખે છે, આઈ નીડ પરમેનન્ટ સોલ્યૂશન યાર. સીન્સ લાસ્ટ ફ્યુ ડેયઝ ઇટ્સ ઈમ્બેરેબલ.” “સારું, કાલે હું વર્કફ્રોમ હોમ કરીને આપણે શૈલેન્દ્ર ફુઆને બતાવી આવીએ.” આજે રજા નહીં લેવાય..હમણાં હમણાં બહું જ રજાઓ પાડી છે.
“આવો..આવો શાલીનકુમાર, આવ બેટા અવની, હોલીડેનો થાક હજી ઉતર્યો નથી હે ને?” અમદાવાદ શહેરના નામી ગાયનેકોલોજિસ્ટ અને અવનીના ફુઆ ડૉ. શૈલેન્દ્ર શાહે શાલીન અને અવનીને માનભર્યો આવકાર આપ્યો. “સોનોગ્રાફી રિપોર્ટ લઈને આવ્યાં છો ને?” ફુઆએ શાલીનકુમારને પૂછ્યું. “હા, ફુઆ..પણ…” “મને ખબર છે તમે બંને ચિંતિત છો કે મેં અવનીને ચકાસ્યા વગર જ સોનોગ્રાફી કરાવવાનું કેમ કહ્યું. હે ને?” ડૉક્ટર કમ ફુઆએ સોનોગ્રાફી રિપોર્ટ હાથમાં લેતાં હળવેકથી કહ્યું. “અમે ડૉક્ટરો થોડાં શંકાશીલ તો ખરા જ!!” “હા, પણ એ શંકા ક્લિનિક સુધી જ..” આવા ગરીબ જોકનું માન રાખવા શાલીન અને અવની ખોટું તો ખોટું હસ્યાં! ફુઆ પણ રિક્ષાના ડાંચકા વાગે એમ થોડું હસ્યાં પણ રિપોર્ટ વાંચતાની સાથે જ એમનાં બાળસહજ મોઢાં પર ગંભીરતા આવી ગઈ. “આઈ હેડ અ ડાઉટ એન્ડ ઈટ…” ડૉ. શૈલેન્દ્ર એમનાં મેડિકલ ઇન્વેસ્ટિગેશન માટે પ્રખ્યાત હતાં. શાલીન અને અવનીએ એમને મળવાની વાત કરી હતી તે જ વખતે તેમણે અવનીનો સોનોગ્રાફી રિપોર્ટ કરાવીને જ આવવા જણાવ્યું હતું. બંનેને આ રિપોર્ટ કરાવવું અજુક્તું તો લાગ્યું હતું પણ એમને ડૉક્ટર ફુઆની કાબિલિયત પર ઊંડો વિશ્વાસ હતો. “બેટા, આઈ એમ સોરી ટુ સે બટ યુ હેવ “સી.કે.ડી” (ક્રોનિક કિડની ડિસીઝ).” “ઈનફેક્ટ આ રિપોર્ટ પ્રમાણે તારી એક કિડની નાનપણથી જ કામ નથી કરતી અને એનાં કારણે તને આ બીજી કિડની ઉપર ખૂબ લોડ પડે છે.” ફુઆ ડૉક્ટરના અંદાજમાં બોલ્યા તો ખરાં પણ સૌથી વધારે એમને જ વેદના થઇ. કારણકે એમની પત્નિ દિવ્યાનું અવસાન પણ ક્રોનિક કિડની ડિસીઝના કારણે જ થયું હતું. થોડીવાર વાતાવરણ ઠંડુ ગાર થઇ ગયું. શાલીન અને અવની બંને તો બરફની મૂર્તિની જેમ સજ્જડ થઇ ગયાં. ભવિષ્ય સામે દેખાતું જ હતું કે અવની ટૂંક સમયમાં પીગળીને પાણી થઇ જવાની અને એનાં વગર શાલીન પણ ક્યાં જીવી શકવાનો હતો. ફુઆનું એક વાક્ય જ વાવાઝોડું બની ગયું. “શાલીનકુમાર આમ બંને જણા ઢીલા ન પડો. હવે આ જમાનામાં આપણે કિડની ટ્રાન્સપ્લાન્ટ જેવાં અનેક ઉપાયો છે.” બંનેના ડુસકાઓને ઘડીક આશ્વાશન મળ્યું. “પણ એ ક્યાંથી…કઈ રીતે..કોણ…” શાલીનની અધીરતા એનાં પ્રશ્નોમાં દેખાઈ. “જુઓ, મારાં બે-ત્રણ મિત્રો નેફ્રોલોજિસ્ટ છે. આપણે એમની સલાહ લઈશું. જો આપણને કોઈ કિડની ડોનર મળી જાય તો અવનીની કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ કરાવીને એને નવજીવન આપી શકીશું.” ‘રામ રાખે તેને કોણ ચાખે’ના ન્યાયે સ્ટેટ કિડની ફાઉન્ડેશનની મદદથી એક કિડની ડોનર મળી જ ગયો. અવનીની કિડનીનું સફળ ટ્રાન્સપ્લાન્ટ પણ થઇ ગયું. પણ નેફ્રોલોજિસ્ટ ડૉક્ટરની સલાહ હતી કે મોડે મોડે પરણેલ આ યુગલ હવે સ્વપ્ને પણ બાળકનું ન વિચારે.
ટ્રાન્સપ્લાન્ટના થોડાક જ સમયમાં અવનીનું સ્વાસ્થ્ય દિવસેને દિવસે સુધરવા લાગ્યું હતું. મનના મક્કમ સ્વભાવને લીધે એનાં શરીરની નબળાઈ હવે સ્વસ્થ થવા લાગી હતી. રોજીંદુ જીવન પાછું આવતા બંને જણાએ એકાદ બે વર્ષ તો જનેતા બનવાની ઈચ્છાને દબાવીને રાખી. પણ એક દિવસ અચાનક જ ડૉક્ટરની સલાહને અવગણીને અવનીએ શાલીન સમક્ષ મા બનવાની ઈચ્છા વ્યક્ત કરી. શાલીન અને શૈલન્દ્રફુઆના ઘણું સમજાવવા છતાં પણ અવની એકની બે ન થઇ. જીદે ચડેલી અવનીની ઈચ્છાને અંતે હકારની મહોર લાગી. કુદરતને પ્રાર્થના કરીને બે-બે વખત પ્રયત્ન કરવાં છતાં પણ અવનીના ખોળાને અસફળ ડિલિવરીની જ સોગાદ મળી. અવનીની મા બનવાની લગની હજી પણ અકબંધ હતી. એની આટલી બધી હકારાત્મકતા જોઈને પ્રખ્યાત ગાયનેકોલોજિસ્ટ અને પોતાના સગા ફુઆ ડૉ શૈલેન્દ્ર શાહે અવનીને “આઈવીએફ” પધ્ધતિ દ્વારા પણ માતૃત્વ પ્રાપ્ત કરી શકાય છે તેવી નવી આશા આપી. આખરે માતૃત્વની જીત થઇ અને અવનીના જન્મદિવસે જ એને કુદરતે એક પુત્રીની સોગાદ આપી. સલાહ, સૂચન, સાથ, સહકાર અને સકારાત્મકતામાં હંમેશા સંગાથે રહેલા શૈલેન્દ્ર ફુઆના ફાળે આજે ફોઈનું કર્મ કરવાનું નસીબમાં આવ્યું. અવનીની ઇચ્છામાં માતૃત્વની દિવ્યતા નીતરતા જોઈ ફુઆએ અવની અને શાલીનની દીકરીનું નામ “દિવ્યતા” રાખ્યું.
“પપ્પા મારે મોટા થઈને ડૉક્ટર બનવું છે!” ચિન્ટુ ઉર્ફે ટેણીયો ઉર્ફે ભોલુ આવાં અનેક નામોથી ઓળખાતો સૌનો લાડકો આ પ્રેમાળ ચિંતન પપ્પાનાં ખોળામાં માથું મૂકી સૂઈ જાય અને રોજ નવી નવી વાર્તાઓ સાંભળે. વાર્તાઓ રોજ અલગ અલગ હોય પણ સામે એની દિલની ખ્વાહિશ કહો કે સપનું એક જ હોય કે “પપ્પા મારે મોટા થઈને ડૉક્ટર બનવું છે!” બાપ દીકરાનો રોજનો આ નિત્યક્રમ. જમી પરવારીને ચિન્ટુના પપ્પા એને સૂવડાવવા ખોળામાં લે અને માથે હાથ ફેરવીને સંસ્કારનો લેપ લગાવતા હોય એમ પ્રેરણાત્મક વાર્તાઓ સંભળાવે. “પપ્પા મારે મોટા થઈને ડૉક્ટર બનવું છે!” એ ગાયત્રી મંત્ર કહો કે કે ગીતાનો સાર ચિન્ટુ માટે બધું જ આ વાક્યમાં સમાઈ જતું હતું. ડૉક્ટર બનવાની લગની ચિન્ટુને પપ્પાની પ્રેરણાત્મક વાર્તાઓમાંથી નહીં પણ મમ્મી સાથેનાં એનાં અઢાર મહિના ટૂંકા જ સંબંધના કારણે હતી. ચિન્ટુ માત્ર નવ મહિનાનો હતો ત્યારે જ એની મમ્મી કિડનીની અપૂરતી અને બેદરકારીભરી સારવારના કારણે એને મૂકીને તારલાઓના પરિવારની સભ્ય થઇ ગઈ હતી. ત્યાર બાદ ચિન્ટુ અને પપ્પા ગામ છોડીને 70કિલોમીટર દૂર આવેલા અમદાવાદ શહેરમાં આવીને વસ્યા હતાં. ચિન્ટુના પપ્પા શિક્ષક હતા એટલે વિદ્યાર્થીઓનો પરિવાર તો ખૂબ મોટો હતો. પૂરતી કમાણી હતી. કોલેજ અને ટ્યૂશનનો સમય બાદ કરતા એમને ચિન્ટુ માટે પૂરતો સમય પણ મળતો હતો. કુદરતી થયેલ એ ગોઠવણના લીધે ચિન્ટુની કેળવણી ઉત્તમ કક્ષાની કરી શકતા હતાં. પહેલાં ધોરણથી બારમાં ધોરણ સુધી દરેક વખતે બીજાં વિદ્યાર્થીઓએ પોતાના રેન્કિંગની આશા ‘બે’ નંબરથી જ કરવી પડતી કેમકે ‘નંબર વન’ તો ચિંતન જ હોય. હા, ચિન્ટુ હવે ચિંતન તરીકે જ ઓળખાવા લાગ્યો. લોકોના પ્રેમની સાથે સાથે માનપાન પણ વધ્યાં. ચિંતનની માત્ર એક જ કમજોરી હતી. એ હતી એનો ભોળો સ્વભાવ. ચિંતન હવે મોટો થઇ ગયો હતો એટલે એનો મંત્ર પણ બદલાયો હતો. હવે ઉંમરમાં જ નહીં પણ ડૉક્ટરીમાં પણ મોટો થઇ ગયો હતો. એણે દરેક પરીક્ષાઓની જેમ મેડિકલની એન્ટ્રન્સ ટેસ્ટ હોય કે એની સ્પેશ્યલાઈઝેશનની ફાઇનલ્સ. બધામાં નંબર વન એન્ડ ગોલ્ડ મેડલીસ્ટ. અલગ અલગ હોસ્પિટલ્સમાં પણ વિઝિટિંગ ડૉક્ટર તરીકે નંબર વન યુરોસર્જનની ખ્યાતિ મેળવી. જોતજોતામાં પોતાની પ્રેક્ટિસના ખૂબ જ ટૂંકાગાળામાં જ 3 માળની કિડની હોસ્પિટલની સ્થાપના કરી. સમયની હરીફાઈ સાથે એ હોસ્પિટલ પણ જીતી અને ગુજરાત રાજ્યમાં કિડનીની નંબર વન હોસ્પિટલ બની ‘એ-વન કિડની ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટર’
“યસ સર, હાઉ કેન આઈ હેલ્પ યુ?” “ના..ના…એવું તો કંઈ નહીં બુન…મારે ચિંતન સાહબને મલવું હ” આ ભાઈની બોલીમાં જ ખાલી ગામઠી લહેકો હતો. બાકી ઈસ્ત્રી ટાઈટ કપડાં, સોનાની બે બે જાડી ચેઇન, અડધો ડઝન વીંટીઓ અને હાથમાં રુદ્રાક્ષની સોને મઢેલી લકી જોઈને તો એ સજ્જન ફેક્ટરીના માલિક લાગતા હતા. આ સજ્જનની પંચ્યાશી વર્ષની માતાને કિડનીમાં પરુ થઇ ગયું હોવાથી હોસ્પિટલમાં બીજે માળે દાખલ હતાં. “સર, આજે શુક્રવાર છે. ચિંતન સર મંગળવારે અને શુક્રવારે નથી આવતાં. તમે એમનાં આસિસ્ટન્ટ ડૉક્ટરને મળી શકો છો.” રિસેપ્શનિસ્ટ બહેનની ભાષા ગુજરાતી હતી પણ એક્સન્ટ અંગ્રેજી હતી. “હોવે…” કહીને ભાઈએ બધી વિગતો આપી અને ભાઈ આસિસ્ટન્ટ ડૉક્ટરને મળ્યાં. ઑફિસમાંથી બહાર નીકળ્યાં એટલે પેલાં રિસેપ્શનિસ્ટ લેડીએ એમને નમ્રતાથી રોક્યાં. “એક્સક્યુઝ મી સર..” સાંભળતાની સાથે જ ભાઈના મોઢાના હાવભાવ બદલાયાં. “સર, આપનું પાર્ટ પેમેન્ટ બાકી છે, પ્લીઝ આજે ભરાવી દેજો ને…!!” “હોવે બુન..મને ખબર સ..અમે કંઈ નાહી નહીં જવાનાં, તમારા આવા ખોબા જેવડાં પૈહાની હામે અમે અમાર મા તમને આલી હ..સાહબ તો હ નૈ, આવા લવરમૂછિયા ડૉક્ટરો હું કાંદો કાડવાના હ..” એક પછી એક આ સજ્જનના ડાયલોગો દુર્જનતા તરફ જતાં હતાં. એવું જ લાગતું હતું કે આ ભાઈ આ ડાયલોગોનું બે-ત્રણ દિવસથી રિહર્સલ કરતાં હોય. વચ્ચે એકાદ બે ના સમજાય એવી ગાળો પણ આવી ગઈ. આવી પ્રેમાળ ઉઘરાણીથી પેલાં સજ્જનનું ઘમંડ ઘવાયું હોય એવું લાગ્યું. લવરમૂછિયા ડૉક્ટરો સાંભળતા પેલાં આસિસ્ટન્ટ ડૉક્ટર પણ બહાર આવ્યા. એમની સજ્જનતાનો ગ્રાફ પણ મંદીમાં લેવાયેલા ખોટા શેરની જેમ નીચે ગયો. થોડી ઘણી હાથાપાઈ પણ થઇ. “જોઈ લઈશ તમને બધાને, ઑય તમ બધા પૈસા જ કમાવા બેઠા સો, માણહ રિબાય એ નૈ જોતાં, બસ પૈહા…પૈહા…પૈહા..” બબડતા પેલાં સજ્જને બે-ત્રણ ગાળોના તમાચા આપ્યાં અને જતા રહ્યાં.
હાંફતા ધ્રુજતા રઘવાયેલા અવાજે પેલાં સજ્જને ગામડે એનાં ભાણિયાને ફોન કર્યો.”રામ..રામ..ભાણા..ચ્યોં હ તું??” “ખેતરે..મામા…હું થ્યું..ચમ હાંફો સો…બાને ચમ સ?” “એક કોમ કર…તારા ભાઈબંધોને લઈને ઓય અમદાવાદ આઈ જા..તારી બાને જ્યાં દાખલ કરી સ ત્યાં ડખો કરવાનો સ” ભાણિયાએ તો બીજી બધી વાત મેલ પડતા. રઘલા, કાના, મુકલા, ઘનાના નામની હાંક મારી અને આઠ દસ જણા લાઠી કરવત લઇ બધાંય ટેમ્પામાં ચડી ગયાં. એકાદ સવા કલાકમાં બધાય અમદાવાદ આવી પહોંચ્યા..મામા એ પણ હોસ્પિટલનો રસ્તો બતાડ્યો. એ બધાની રાહ જોઈને મામા હોસ્પિટલની બહાર જ ઊભા હતાં. મામાની સાથે બધાયના લોહી તપતા હતાં. ક્યારે હાથ સફાઈ ચાલુ કરીએ એની જ રાહ જોતાં હતાં. એમાંથી એકેયને જાણકારી તો હતી જ નહીં કે આ બબાલ શેની છે. ગાયો હાંકતા હોય એમ હોસ્પિટલના કંપાઉન્ડમાં મૂકેલા મની પ્લાન્ટના કૂંડાને લાકડીઓ મારી તોડ્યાં. એ પહેલાં ચોકીદારને ફટકાર્યો. હોસ્પિટલના કર્મચારીઓમાં અફરાતફરી મચી ગઈ. એન્ટ્રન્સમાં આવેલો ઑટોમૅટિક કાચનો સ્લાઈડિંગ ડોર તોડતાં અને તોડફોડ કરતા આખોય ઢોરનો પ્રવાહ રિસેપ્શન સુધી પહોંચ્યો. પહોંચતાની સાથે જ ભાણિયાની નજર રાષ્ટ્રપતિના હાથે પુરસ્કાર લેતાં ડૉ. ચિંતનની તસ્વીર પર પડી. એણે બધાને હાંક મારીને રોક્યાં. “ખબરદાર જો કોઈ એક લાકડી પણ ઉગામશે તો!!!” “હું થ્યું ભાણા આ લૂંટારાઓને તો આજ બતાવી જ દૈ કે આપણે કુન સીએ.” “મામા, લૂંટારા ઈ નૈ આપડે સે, આ ફોટાવાળા સાહબ તો ભગવાન સ.” સાંભળતાની સાથે જ બધાંની ઉચ્ચે ઉગામેલી લાઠીઓ હેઠી પડી ગઈ. “આ દાક્તર સાહબના બાપા તો આપણા ગોમના જ હતાં, મામા તમે ઓળખો સો મારી માની બેનપણી પ્રેરણામાસી?” “ઇમનો જ સોકરો, ઈ માસીને કિડનીની બીમારી હતી અને ઈનાં લીધે જ ઈ મર્યા. તાર પસી માસા અને ઈમનો દીકરો આય આવીને રહ્યાં…ઈ માસા મને મફતમાં ભણાવતાંય હતાં.” “ઈ ગમે એ હોય ભાણા..લૂંટારા ઈ લૂંટારા…” “મામા….માતાજીના હમ જો અવે કઇ પણ બોલ્યાં તો…!!” ભાણ્યાએ જોરથી હાંક પાડી. “ઈ ચિંતન સાહબ અત્યારે અમાર ગોમડે જ અઇશે. છેલ્લા કેટલાંય વર્ષોથી કોઈ પણ પરિસ્થિતિ હોય પણ ઈ ચિંતન સાહબ દર મંગળવારે અને શુક્રવારે ગોમડે આવે સ!” “કોઈનેય કિડનીની તકલીફ હોય તો તે ઇમનો મફતમાં ઈલાજ કર સ. ઈ પોતે દવા આલે તો ઈના પૈહાય નૈ લેતા…અને ઇ તો ગોમમાં બધોંય સલાહ આલે કે પોતાના સોકરાઓને ભણાવજો..જે ખરચ થાય તમતમારે ચિંતા ના કરતા..ચિંતન સ તમારી હારે…તમારી ભોંણીનો ઈલાજ પણ ઈમણે જ કર્યો સ….ઈ પણ મ.…” મફત શબ્દને નિરર્થક બનાવવા પેલાં સજ્જન હજાર હજારની નોટના તાજેતાજા જ ભીનાં થયેલાં બંડલો એક પછી એક રિસેપ્શન પર મૂકતા જ ગયા…..