ઊર્જા
“ના માલે નથી લમવું. તું જા!” લીસ્સા સોફ્ટ ગાલ, ભમ્મરિયા વાળ, ગોળાકાર ગુલાબી હોઠ અને હાથમાં નજરના લાગે એની ધાતુની બંગડી પહેરેલી આઠ વર્ષની ઊર્જાના કાલાઘેલાં પણ સૂકાં રુક્ષ વાક્યમાં દર્દની ભીનાશ હતી.
આ નાની ભૂલકી ઊર્જાને બહેનપણીઓ સાથે રમવાનું તો ખૂબ જ મન થતું હતું.
પણ “તું ન રમી શકે” એવું તેનાં ઘરેથી ટોકીટોકીને એનાં મગજમાં ફિટ કરી દેવાયું હતું.
ઘરેથી “ના” પાડવા છતાંય બે-ચાર વખત સ્કૂલમાં મિત્રો સાથે રમવા તો ગઈ પણ ઘડીકભરમાં જ ઊર્જાની બધી ઊર્જા ફૂસ્સ્સ્સ થઇ ગઈ.
માટે ‘દોડ-પકડ’ હોય કે ‘સંતાકૂકડી’, ‘ચલકચલાણી’ હોય કે ‘નદી-પર્વત’ બધામાં એને હારનો સામનો કરવો પડતો. એટલે હવે તો તેણે પણ સ્વીકારી લીધું હતું કે “હું ન જ રમી શકું!”
આઠ વર્ષની માસૂમ ઊર્જાને જયારે જયારે પણ એની મમ્મી ન્હાવા લઇ જતી ત્યારે પોતાની છાતી પરનો નાનકડો ચીરો જોતા એને અણસાર તો આવતો હતો કે બધા એનાં તરફ સહાનુભૂતિ કેમ દાખવે છે.
પોતાના મમ્મી-પપ્પા, બહેનપણીઓના મમ્મી પપ્પા, સ્કૂલના શિક્ષકો, અરે સ્કૂલની બહાર ઊભો રહેતો પેલો કોઠું વેચવાવાળો પણ ક્યારેક ઊર્જા માટે એની મમ્મીને મફતમાં કોઠું આપતો હતો.
ઊર્જાએ એની આ અવસ્થા સ્વીકારી લીધી હતી.
છ મહિનાની ઉંમરે જ થયેલી હાર્ટની સર્જરીને લીધે એનામાં લોહીના દબાણનું પ્રમાણ પણ ઊંચું રહેતું હતું.
ઊર્જાની સમજશક્તિ એની ઉંમર કરતા ઝડપી વધવા લાગી.
મમ્મી કે પપ્પાએ એને સ્પષ્ટપણે કહેવાની જરૂર ન જણાઈ કે એને હૃદયમાં કાણું હતું. અને એની સર્જરી કરાવી હતી.
સમોવડીયા મિત્રોને નાચતા કૂદતા અને ખુલ્લા મેદાનમાં રમતા જોઈ ક્યારેક ઊર્જાને પણ નાચવાની ઈચ્છા થઇ જતી હતી.
પરંતુ જરાક પણ વધુ પડતું હલનચલન કરતી કે તરત જ હાંફ ચઢી જતો હતો.
સમય સાથે એનાં શ્વાસની નૈયા પણ ડામાડોળ ચાલતી હતી.
રોજ રાત્રે પ્રાર્થના કરીને સૂઈ જતી હતી કે “હે ભગવાન, જો કાલ સવારનો સૂરજ જોવાં મળે તો હું કોઈક સેવા કાર્ય કરી શકું તેવી પ્રેરણા અને શક્તિ આપજો.”
ઊર્જા જયારે પણ નાની હતી ત્યારે સગાસંબંધીઓ સ્વાભાવિકપણે નાના છોકરાઓને પૂછે તે કૉમન પ્રશ્ન પૂછતાં હતા કે “બેટા, મોટી થઈને શું બનવું છે તારે?”
અને તેઓને દરેક બાળક જેવો જ ઊર્જાનો પણ સહજ ઉત્તર મળતો “ડૉક્ટર”.
ઊર્જાની લાગણી સેવા કરવાની હતી તે ચોક્કસ હતું પરંતુ ન તો તે સ્કૉલર હતી કે ના તો એનાં પરિવારની આર્થિક સ્થિતિ મજબૂત હતી કે જે દાક્તરીના અભ્યાસની ભારે ભરખમ ફી ભરી શકે.
માટે એણે પોતે ડૉક્ટર બનીને લોકોની સેવા કરી શકશે એ વિચારવાનું માંડી જ વાળ્યું હતું.
પરંતુ “સેવા” શબ્દ જ એટલો જાદુઈ છે ને કે એ તમે જેટલો વાગોળો એટલો જ તમારા મનોબળને મજબૂત કરે.
ઊર્જાના કિસ્સામાં પણ એ જ થયું. ઊર્જા હૃદયથી ભલે નબળી હતી પણ મનથી મક્કમ હતી.
ફૂલ નહીં તો ફૂલની પાંદડી.
ઊર્જાએ કોઈ ચમત્કાર થશે એવી સપનાની દુનિયામાં જીવવા કરતા પ્રેક્ટિકલ નિર્ણય લીધો.
નર્સિંગનો અભ્યાસ ચાલુ કર્યો.
એણે ચાર વર્ષનાં નર્સિંગના સ્નાતકના કોર્સમાં દરેક વર્ષે બેસ્ટ સ્ટુડન્ટ ઑફ ધ યરના ખિતાબ સાથે ઈન કૅમ્પસ ઇન્ટરવ્યૂમાં જ અમદાવાદ શહેરની બહુમાળી કોર્પોરેટ હોસ્પિટલમાં નોકરી મેળવી લીધી.
ઊર્જાને તો પગાર, નોકરીના કલાકો, ડિપાર્ટમેન્ટ વિગેરે કરતા તો એને જે આ તક મળી છે એમાં જ રસ હતો.
નોકરીના પ્રથમ દિવસે જ આઠ કલાક ઊભા રહેવાની સાથે સાથે આ ડિપાર્ટમેન્ટમાંથી પેલાં ડિપાર્ટમેન્ટના આંટાફેરામાં જ ઊર્જાના મોતિયાં મરી ગયાં.
એક-બે દિવસ, મહિનો, બે મહિના જેમ જેમ સમય ગુજરતો ગયો તેમ તેમ એનામાં એક નવી જ ઊર્જા આવી.
નવી નવી સિસ્ટમ, નવો સ્ટાફ, નામાંકીત ડૉક્ટરો વિગેરેની વચ્ચે હવે ઊર્જાએ પોતાની પણ એક ખાસ ઓળખ ઊભી કરી દીધી.
હવે તો સ્ટાફ પરિવાર બની ગયો હતો.
“ઊર્જાબેન તમે મારી જોડી બનશો?” લંચના સમયે સાથે જમી રહેલી નર્સિંગ સ્ટાફ મીરાંએ ઊર્જાનો પૂછ્યું.
“શેની જોડી? શું વાત કરે છે?” ઊર્જાના ચહેરાં પર હજી પણ એ જ નાનપણ જેવી લાલાશ હતી.
“તમે તો નોટીસ બોર્ડ જ ક્યાં વાંચો છો?” મીરાંએ ચહેરા પરના દેશી લચકા સાથે વધુમાં ઉમેર્યું, “અરે…આપણી હોસ્પિટલમાં દર વર્ષે જન્માષ્ટમી મહોત્સવ ઉજવાય છે. આપણા ચેરમેન સાહેબ વૈષ્ણવ છે ને!!”
“….” ઊર્જાનો કોળીયો એનાં ખુલ્લાં મોંઢા પાસે જ અટકી ગયો.
“તો એમાં રાત્રે દસથી બાર વાગ્યા સુધી આપણો આખોય સ્ટાફ કૃષ્ણભજન, નાટકો અને નૃત્ય વિગેરેનો કાર્યક્રમ કરે.
ચેરમેન સાહેબ સ્ટાફને ઇનામ વિતરણ કરે અને પછી બાર વાગે સાહેબ શ્રીના હાથે જ પારણું ઝુલાવીને કૃષ્ણ જન્મ થાય.”
નૃત્ય સાંભળતાની સાથે જ ઊર્જાનાં પગમાં વગર ઝાંઝરે થનગનાટ ચાલુ થઇ ગયો.
ઊર્જાએ પોતાની શારીરિક ખામી વિશે બધાથી છૂપાવ્યું હતું. એણે ઇમપ્લૉયમન્ટ ફૉર્મમાં પણ તે વિગત જણાવી જ હતી.
નર્સિંગનું નૃત્યવૃંદ પ્રૅક્ટિસમાં લાગી ગયું.
આખા દિવસના કામના થાકની સાથે આ નવું નાચવા કૂદવાનું ઉમેરાયું.
જેમતેમ સીધાસાદા સ્ટેપથી રાસની તૈયારી તો થઇ ગઈ.
જન્માષ્ટમીની સાંજે સિનિયર ડૉક્ટરો સહીત બધાં જ સ્ટાફના લોકોએ પોતાના પર્ફોર્મન્સ આપ્યાં.
હવે નર્સિંગના સ્ટાફનો વારો હતો. રાસના સ્ટેપ સીધાસાદા જ હતા.
જેમ-જેમ ગરબો જામતો ગયો એમ ઊર્જા નક્કી કરેલા સ્ટેપ્સ ભૂલીને કોઈ અલગ જ તાનમાં આવી ગઈ.
વર્ષો વરસનો જુસ્સો આજે એનામાંથી છલકાઈ રહ્યો હતો.
જુસ્સો કહો કે પોતાની નબળાઈનો ગુસ્સો આજે બધું જ એક મંચ પર ઠલવાતું હતું.
એના આવાં અલગ જ સ્ટેપ્સ જોઈને સાથી કલાકારો તો બધા દૂર જ ખસી ગયા.
સતત નાચ્યાં બાદ રાસની બીટ બંધ થઇ અને એના હૃદયની બીટ ત્રણ ઘણી સ્પિડે ભાગવા લાગી. અને ચક્કર ખાઈને સ્ટેજ પર પટકાઈ ગઈ.
પ્રેક્ષકમાં બેઠેલા ચેરમેન સાહેબ જે હાર્ટ સ્પેશ્યલિસ્ટ હતા. તેઓ દોડતાં સ્ટેજ પર આવ્યાં અને ઊર્જાની અવસ્થા જોઈને જ ખબર પડી ગઈ કે “ઈટ મસ્ટ બી હાયપરટેન્સિવ.”
તુરંત જ એને બ્લડ પ્રેશર કંટ્રોલ કરવાનું ઇંજેકશન આપવામાં આવ્યું અને વૉર્ડમાં શીફ્ટ કરાઈ.
થોડીક જ વારમાં ઊર્જાનું બ્લડ પ્રેશર નૉર્મલ થવાં લાગ્યું. હોસ્પિટલના મેઈન એરિયામાં હજુ પણ પ્રોગ્રામ ચાલું જ હતો.
માઇકનો આછો આછો અવાજ વૉર્ડ સુધી આવતો હતો.
ઊર્જાના કાને શબ્દો પડ્યા..”ઍન્ડ ધ અવોર્ડ ઑફ મોસ્ટ અગ્રેસિવ ઍન્ડ એફિશિઅન્ટ સ્ટાફ ઓફ નર્સિંગ ગોઝ ટુ …………..”
