સીડીનું પગથિયું 6
જેમ દરિયાના મોજા અવિરત દોડતા કુદતા નજરે પડે છે તેમ વિચારો ના મોજા પણ હંમેશા ચાલુ જ રહેતા હોય છે સ્વપ્નમાં જૂની સ્મૃતિ નવી સ્મૃતિ કોઈવાર જોયેલુ કાને સાંભળેલું અનુભવેલું બધાને જોડેથી એક નવી જ ફિલ્મ સપના દ્વારા જોવા મળે છે આટલા નાના મગજ માં આટલી બધી યાદો કયા ખૂણામાં સંતાઈ ને બેઠી હશે? એ અકલ્પનીય છે.
આજે મારા મનમાં પણ એક જૂની યાદ તાજી થઇ. જીવનમાં ઘણા ખાટા-મીઠા કડવા અનુભવમાંથી આપણે પસાર થતા જ હોઈએ છીએ. એ બધા અનુભવોમાંથી કંઈક તો શીખવા મળતું જ હોય છે. મારું મન પણ સરખામણી કર્યા વગર રહેતું નથી.
ઇન્ડિયામાં ચાર વર્ષ શિક્ષિકાની નોકરી કર્યા બાદ અમેરિકા આવી. ૧૯૬૬ની સાલ હતી. અને મને પહેલી જોબ IBM કંપનીમાં મલી.
હું થોડી શરમાળ આત્મવિશ્વાસનો અભાવ એના લીધે હું કોઈનામાં ભળતી નહીં..બ્રેક ટાઈમે પણ શાંતિથી બધાને સાંભર્યા કરતી. પણ એમાં ભાગ લેતી નહીં. મારી સુપરવાઇઝર આ બધું નોટિસ કરતી. મને ઇન્ડિયા વિશે જાતજાતના પ્રશ્નો પૂછતી પોતે ઊંચી પોસ્ટ પર હોવા છતાં નાનામાં નાની વ્યક્તિનું ધ્યાન રાખતી. મારી ભૂલ ને પણ શાંતિથી શીખવાડવાનો પ્રયત્ન કરતી.
બીજી એક વાત અમારી કંપની નો ટોપ મેનેજરે મને એની ઓફિસમાં બોલાવી મનમાં તો હું ગભરાતી હતી કેમ બોલાવી હશે? મારી શું ભૂલ થઇ હશે? ધીમે રહીને બારણા પર knock કર્યું .અને તેને મને પ્રેમથી આવકારી. હું ખુરસી માં બેઠી ત્યાં સુધી એ ઉભા રહ્યા. મને કોઈ તકલીફ નથી તે પૂછવા લાગ્યા. એમની લાગણીસભર વાતો આજે પણ ભુલાતી નથી.
ત્રીજો પ્રસંગ યાદ આવે છે મારી પ્રેગ્નન્સીના કારણે કામ કરતા કરતા જ મને ઘણીવાર ઊંઘ આવી જતી. મશીન પર જ માથું ઢળી પડતું. તે વખતે મારી સુપરવાઇઝર ગુસ્સે થયા વગર મને પ્રેમ થી થપથપાવી જગાડતી અને કહેતી આઇ અન્ડર સ્ટેન્ડ. ત્યારે મારાથી ઇન્ડિયાના બોસ અને અમેરિકાના બોસ ની સરખામણી કર્યા વગર રહી શકાતું નથી.
ઇન્ડિયામાં મારા બોસ પ્રભાવ પાડવા કે પોતે બોસ છે એ સતત યાદ કરાવવા પ્રયત્ન કરતા જ રહેતા. કદાચ બધા એવા ના પણ હોઈ શકે. આ તો મારા પોતાના અનુભવની વાત છે. બધાની વચ્ચે મારી ભૂલને દોહરાવતા પણ અચકાતા નહીં.
ચારેક વર્ષ વીતી ગયા મારા સંસારમાં બાળકોની જવાબદારી વધતી ગઈ. અને જોબ ની વિદાય લઇ ઘર ની જોબ સ્વીકારી લીધી. થોડા વર્ષો બાદ અમે અમારો મેનેજમેન્ટનો બિઝનેસ શરૂ કર્યો અને અમારી કંપનીની હું બોસ બની ગઈ. ઘણીવાર ઘણા પ્રોબ્લેમ આવતાં રાત્રે વાવાઝોડાની જેમ વિચારો ઘુમરાતા. અને આંખમાં ઊંઘ વેરણ થઈ જતી. મને હંમેશા બીજાની ભૂલ જ વધારે દેખાતી. સવારે ઉઠતા જ મને થતું ક્યારે ઓફિસમાં જાઉં અને જેને ભૂલ કરી હોય તેને ધમકાવી નાખુ અને ઓફિસમાં જતાં જ બધાની વચ્ચે તેમને ધમકાવી નાખતી. ત્યારે મને લેસન શિખવાડનાર મારી ઓફિસનો મેનેજર મારી ઓફિસ કેબીનમાં આવી મને કહે “કુમુદ પેહેલા ગુડ મોર્નિંગ કહે પછી શાંતિથી અમે શું ભૂલ કરી એ તું કહે. બધાને જ રિસ્પેક્ટ વહાલુ હોય છે પ્રેમથી કહીશ તો તારા અને અમારા બંને માટે લાભદાયક છે”. અને એ દિવસથી એક લેસન હું શીખી રિસ્પેક્ટ, રિસ્પેક્ટ બધાને જ પ્યારૂ હોય છે. એના ફાયદા પણ મને ઘણા થયા. ફાયદા એટલે સુધી થયા કે મારા અપાર્ટમેન્ટ મેનેજરને મારે ફાયર કરવાનો પ્રસંગ આવે ત્યારે એની ભૂલ હું તેને શાંતિથી સમજાવતી અને તેઓ પણ કોઈ પણ પ્રોબ્લેમ આપ્યા વગર ચાલી જતા.
૨૫ વરસ મારી કંપનીમાં કામ કર્યું. અને રિસ્પેક્ટ મંત્ર થી આજ પણ મારા સ્ટાફના માણસો નો પ્રેમ સંપાદન કર્યાનો મને ખૂબ જ આનંદ છે. આજે તો મારી દીકરીઓ કંપની સંભાળે છે અને તેમને પણ આ જ મંત્ર શીખવાડવાનો પ્રયત્ન કરું છું આમ જીવનમાં નવું નવું શીખતાં શીખતાં સીડીનો છઠ્ઠું પગથિયું ચઢી ગઈ.
કુમુદ પરીખ