અજ્ઞાતવાસ -૫

રીઝલ્ટનું રીઝલ્ટ

ડરબી પછી તો અમે સૌ માલદાર અને સ્કુટર ,ગાડીનાં માલિક બની ગયાં હતા.ઈન્ટર સાયન્સનાં રીઝલ્ટનાં આગલે દિવસે હું તો પાસ જ છું એવા વિશ્વાસ સાથે મોડી રાત સુધી મિત્રોની ટોળકી સાથે મઝા કરતો હતો.આ વખતે તો મેં,મારા બદલે પરીક્ષા આપવા ડમી તરીકે,બી.એસ.સીનાં છેલ્લા વર્ષમાં ભણતાં જરુરીયાતમંદ વિદ્યાર્થીને બેસાડવા ,પૈસા ટ્યુશન સરને આપ્યા હતાં.મિત્રો ચિંતા કરતા હતાં રીઝલ્ટની ,પણ હું તો એકદમ ખુશ હતો અને બીજે દિવસે પાસ થવાની પાર્ટી અંગે વિચારતો હતો.રીઝલ્ટની આગલી રાત્રે મોડો ઘેર આવ્યો ત્યારે રુખીબાએ બારણું ખોલ્યું.તે રોજ હું ઘેર પાછો ન આવું ,ત્યાં સુધી જાગતાં જ હોય.મારા શર્ટમાંથી સિગરેટની વાસ આવે એટલે મને કહેતાં “ નકુલ, શર્ટ પાણી ભરેલ ડોલમાં પલાળી દે જે.” શશી જાણશે તો આવી બનશે!

મને સાથે બેસાડી કેટલીએ વાર પ્રેમથી સમજાવતાં “બેટા! તું આ ખોટી ટેવનાં રવાડે ચડ્યો છું,હજુ શોખથી કે દેખાડો કરવા પીતો હો તો બંધ કરી દે.જો ,હવે આ છીંકણીં મારાથી છૂટતી નથી અને તને ખબરછે ને?શશી કેટલી ગુસ્સે થાય છે!
મારી રોજની સવાર ભાઈ (પપ્પા)અને (મમ્મી)બહેનનાં પ્રેમભર્યા સંવાદથી પડતી.બહેન,ભાઈને વહેલી સવારે ચા આપતાં પૂછતી” શું પટેલ,આજનો શું પ્રોગ્રામ છે? કયા નાટકનો શો છે આજે?કે કયા નાટકનું રીઅલસર છે ?બંને જણાં અઠવાડિયામાં એકાદ નાટક જોવા પણ સાથે જતાં.તેમની વચ્ચે ખૂબ સુંદર કેમેસ્ટ્રી હતી.તેઓ એક બીજાનાં પર્યાય હતાં.ઝઘડો કે ઘાંટાંઘાંટ મેં ક્યારેય મારાં ઘરમાં જોયા જ નહોતા.ભાઈ રાત્રે ગમે તેટલા મોડા આવે,તો પણ બહેન ઊંઘમાંથી ઊઠીને તેમને જમવાનું ગરમ કરી પીરસતી.રુખીબા તો બહેનને દીકરીથીએ વધુ પ્રેમ કરતા.માત્ર મને રોજ બટાકાની ચિપ્સ કરી આપે કે મારાં ઈસ્ત્રી કરેલ કપડાં મારાં કબાટમાં રુખીબા ગોઠવી આપે ત્યારે બહેન બૂમાબૂમ કરતી કે ‘ બા,તમે નકુલને સાવ બગાડી દીધો છે,થોડું કામ તો એને જાતે કરવા દો.અને આ બટાકા ખવડાવ્યા કરો છો તો લીલાં શાકભાજી કે ફુ્ટ્સ ખાતાં ક્યારે શીખશે?

બહેનને હાઈ બ્લડપ્રેશર રહેતું.તેથી જ્યારે તેનું ધાર્યું ન થાય,તો તે ગુસ્સે થઈ જતી. નહીંતો તેનો ચહેરો તો સદાય હસતો ,અને તેનાં ખુલ્લા હાસ્યનાં અવાજથી અમારું ઘર ગુંજતું રહેતું.
પણ તે દિવસની સવાર ખૂબ હતાશાભરી ઊગી!! મેં બહેનનો રડવાનો અવાજ સાંભળ્યો.ભાઈ શાંતિથી તેને સમજાવી રહ્યા હતા.”જો,શશી,આપણા બાળક પર આપણાથી કોઈ જાતની જબરદસ્તી ન કરાય.એવું કરતાં તેનો વિકાસ રુંધાઈ જાય.નકુલને ડોક્ટર ન બનવું હોય તો,તેને જે કરવું હોય તે ખુશીથી કરવા દે.તું મારી જ વાત જો,કેટલો નાનો હતો અને બાપાજી ગુજરી ગયા.હું ,રુખીબા સાથે મામાને ઘેર જ મોટો થયો.ઉદ્યોગપતિ મામા મને પણ તેમનાં દીકરાઓની જેમ બિઝનેસમેન બનાવવા માંગતાં હતાં,પણ મારે નાનપણથી એક્ટર જ બનવું હતું ,તો હું ઘરમાંથી ભાગીને મુંબઈ આવ્યો અને એક્ટર જ બન્યોને? જો તારા સહકારથી હું આજે એક્ટર બની કેટલો ખુશ છું જિંદગીથી!ખરું ને?”
બહેન રડતાં રડતાં બોલી” આ નાટકમાંથી તમે થોડું ધ્યાન નકુલ પર આપ્યું હોત તો તે નપાસ ન થાત!”
બહેનનાં દુખી અવાજમાં બોલાએલ આ શબ્દેા સાંભળી હું પથારીમાંથી સફાળો ઊભો થઈ ગયો! ત્યારે રીઝલ્ટ છાપામાં આવતું. બહેન વહેલી સવારે ઊઠી છાપામાં મારો નંબર શોધી રહી હતી,નહીં મળતાં તેણે ભાઈને ઊઠાડ્યા. બહેનની રડારોળ જોતાં જ રુખીબા મારા રુમમાં આવી મને છાતી સરસો ચાંપી બોલ્યા” બેટા!શશી ગુસ્સામાં છે,તું નાપાસ થયો પણ ચિંતા ન કરતો ,ફરીથી પરિક્ષા આપી દે જે !પણ શશી બહુ દુ:ખી છે તેને માફી માંગી ,ધીમેથી સમજાવજે.”
હું પણ એકદમ આઘાતમાં હતો. ત્યાં જ યોગાસરનો ફોન આવ્યો ,”નકુલ,મારે તારી સાથે અગત્યની વાત કરવી છે!
મેં ધીરેથી કહ્યું “પછી વાત કરીશું”

ત્યાં તો યોગાસર એકી શ્વાસે બોલી ગયા”જે ડમી તરીકે બેસવાનો હતો તે છોકરો છેલ્લી ઘડીએ પકડાઈ જવાની બીકે ગભરાઈ ગયો અને પરીક્ષા આપવા ગયો જ નહીં અને પૈસા સાહેબને પાછા આપી ગયો.સાહેબોની તારી સાથે વાત કરવાની હિંમત ન હતી.એ પૈસા સાહેબો તને પાછા આપવા મને આપી ગયાં છે”હું ચોંકીને સાંભળતો જ રહ્યો.
પછી મનમાં જ બબડ્યો”પણ પૈસાને હું શું કરું ? મારે તો પાસ થવું હતું.”
હું બહેન પાસે જઈ બેઠો.હું તો ઇચ્છતો હતો કે “ભાઈ મને કહી દે ….કે નીકળી જા ઘરની બહાર ના ભણવું હોય તો અને બહેન ગુસ્સે થઈ મારાં ગાલ પર બે ત્રણ તમાચા લગાવી દે. પણ એ બંનેએ આવું કંઈ જ ન કર્યું.
અને મારે ….મારે પણ મેં તેમને છેતર્યા માટે તેમની માફી માંગવી હતી ….પણ હું ખૂબ દુ:ખી ચહેરે ,ચૂપચાપ નીચે મોંઢે બેસી રહ્યો.
બહેન તો ખૂબ દુ:ખી થઈને હિંબકા ભરીને રડી રહી હતી.ભાઈ કહી રહ્યાં હતાં,” શશી ,નકુલ એક વર્ષ નાપાસ થયો તો
કંઈ દુનિયા ઊંધી નથી પડી જવાની.એક વાર નાપાસ થયો તો હવે તેને તેની જવાબદારીનું ભાન થશે.જો,એને તો ડોક્ટર થવું જ નહોતું.આપણી ઈચ્છા તેના પર થોપી તેનું જ આ પરિણામ છે.
બહેનનું મન તો ચાર સાહેબ રાખ્યા છતાં હું નાપાસ થયો તે માનવા તૈયાર જ નહોતું.બહેન કહેતી હતી”,મારી બંને દીકરીઓ જૂઓ!નીના ડોક્ટર થઈ અને હર્ષા ડીઝાઈનર ,બંને ડબલ ગ્રેજ્યુએટ થઈ અને અમેરિકામાં જઈને ત્યાં પણ ફરી M.S કરે છે અને મારો દીકરો ઈન્ટર સાયન્સમાં નાપાસ? અને તે પાછી રડવા લાગી….
ટીનાનાં ઉપરાઉપરી ફોન આવતા હતાં,હું ફોન ઉપાડતો નહોતો.ભાઈએ કીધું “બેટા,તું ફોન લે,તારા મિત્રો તને ફોન કરી રહ્યાં છે.” 
એમાં ફોન ઉપાડ્યો તો ટીના ધ્રુસકે ધ્રુસકે રડતી હતી.”નકુલ ! કેવીરીતે આવું થયું? ચાલ,પેપર રીચેક કરાવવા ,આજે જ એપ્લીકેશન આપી દઈએ.”
હું થોડીવાર ફોન પકડી ઊભો રહ્યો…..હું પછી ફોન કરું છું કહી મેં ફોન મૂકી દીધો.
હું હતપ્રભ થઈ ગયો હતો.મને અસીમ પ્રેમ કરતાં મારાં માતાપિતાના હ્રદયને મેં આટલી બધી ઠેસ પહોંચાડી!!તે વાતથી હું હલી ગયો હતો.હું ગમે તેમ કરી તેમને ખુશ કરવા માંગતો હતો.
એ સમયમાં ઈન્ટર સાયન્સમાંથી અધવચ્ચેથી કોમર્સ જવાતું નહોતું.તપાસ કરતાં વલ્લભ વિદ્યાનગરમાં એ જ વર્ષે B.B.A. નો કોર્સ (બેચલર ઈન બિઝનેસ એડમીનીસ્ટ્રેશન)નવો શરુ થયો હતો.ભાઈનાં મામાના દીકરાની વિદ્યાનગરમાં બહુ મોટી ઈન્ડસ્ટ્રી હતી.તેમની ઓળખાણથી મને ત્યાં B.B.A.માં એડમીશન મળી ગયું. ફેક્ટરીનાં ડિરેક્ટર,ભાઈનાં ખાસ મિત્ર હતાં. તેમનાં ઘેર રહેવાનું નક્કી થયું.ટીના જયહિંદ કોલેજમાં હતી,તેથી તેની ઈચ્છા હતી કે હું મેટ્રીકનાં રીઝલ્ટ પર જયહિંદમાં એડમીશન લઉં ,પણ હું હવે બહેનને કોઈરીતે દુ:ખી કરવા તૈયાર નહોતો.
પરીક્ષામાં નાપાસ થયેલ હું જાણે જિંદગીમાં ફેલ ગયેલ હોઉં તેમ મને લાગતું હતું.થોડી એનર્જી અને હૂંફ મેળવવા બીજે દિવસે સવારે હું રીશેલ્યુને મળવા ગયો.રેસમાં જીત્યા પછી તો હું ને રીશેલ્યુ એકબીજા સાથે ખૂબ મઝા કરતાં.આજે મને એકદમ ઉદાસ જોઈ રીશેલ્યુ શાંત થઈ ગયો.મેં તેને જોયો ,હું તેને વળગી પડ્યો અને મારી આંખમાંથી આંસું સરવા લાગ્યા.મારાં આંસુનાં રેલા તેના ગળા પર પડ્યા અને તેના કાન ટટાર થઈ ગયા,તે વ્હાલથી તેના મોંને મારા ચહેરા પાસે અડાડી ઘસવા લાગ્યો.તેના ગરમ શ્વાસથી મને પ્રેમભરી હૂંફ આપવા લાગ્યો.તેની આંખમાંથી પણ આંસુ રેલાવા લાગ્યા.મેં રીશેલ્યુ ને જોરથી ભેટતાં રડમસ અવાજે કીધું”,રીશુ!!!હું ફેઈલ થઈ ગયો….બબુ! તને ખબર છે હવે મારે તને છોડીને દૂર દૂર જવું પડશે….મેં બધાંને દુ:ખી કર્યા છે.રીશુ ,આપણે એકબીજાને મળ્યા વગર કેવીરીતે રહીશું?????રીશુ ,તેનું મોં મારી નજીક લાવી તેની લાંબી જીભ બહાર કાઢી મને ચાટીને પ્રેમથી વ્હાલ કરવા માંગતો હતો.મેં તેની દર્દભરી આંખો સામે જોઈ તેના કપાળ પર અને મોં પર કેટલીએ પપ્પી કરી…અને મને મારી પર જ ખૂબ …ગુસ્સો આવ્યો ….મેં બધાંને કેટલાં દુ:ખી કર્યા!!!મારા રીશુને પણ…અને અચાનક હું રીશેલ્યુને છોડીને ચાલવા લાગ્યો.ક્યાંય દૂર સુધી તેની આર્દભરી હણહણાટી મને સંભળાતી રહી…..

કમને હું વિદ્યાનગર જતો રહ્યો. વિદ્યાનગર હું રહેતો હતો પણ …હાજીઅલીનાં દરિયાની વહેલી સવારની ખારી ખુશનુમા હવા,રીશેલ્યુ,રેસકોર્સ,વ્હાલી ટીના,મિત્રો ,રુખીબા,બહેન અને ભાઈ બધાં મને ખૂબ યાદ આવતાં હતાં. અને…વિદ્યાનગર તો મને સાવ જુદું ,ગામડા જેવું લાગતું હતું.ત્યાંની કોલેજનાં છોકરા-છોકરીઓ,ત્યાંનુ વાતાવરણ,બીજાને ઘેર રહેવાનું સાવ અલગ હતું…રેસ વગર ઘોડાને મળ્યા વગર જીવવાનું મને ખૂબ અઘરું લાગતું હતું.
આખી આખી રાત મને ઊંઘ નહોતી આવતી.હું પથારીમાં પાસા ઘસતો રહેતો.હારની હતાશામાં અધખુલ્લી આંખોથી ઊંઘને શોધતો …કયાંક મારામાં જ છુપાએલ કોઈને શોધતો રહેતો…મારી જાતને ફંફોસી મારામાં જ રીશેલ્યુને હું શોધતો રહેતો…સૂનકારને ખાળવા ,સપનામાં સ્મરણોની હેલીમાં ન્હાતો રહેતો…રીશુની વાસ ક્યાંક મારાં શર્ટમાં ભરાઈ ગઈ હોય તેમ જાણી મારાં શર્ટને હું સૂંઘતો રહેતો…ક્યારેક વિચારતો હમણાંજ પાછો મુંબઈ જતો રહું પણ ના …હવે ,મારે બહેનને દુ:ખી નથી કરવી અને ચૂપચાપ પથારીમાં ઊંઘવા પાસા ફેરવતો રહ્યો…
નકુલ બધું ભૂલીને વિદ્યાનગરમાં જ રહી ભણશે કે રીશેલ્યુ વગર નહીં રહી મુંબઈ પાછો જશે કે બીજું કંઈ ,જાણવા મળીએ આવતા પ્રકરણે…..

એક સિક્કો – બે બાજુ :5) વિજ્ઞાન અને ધર્મ ! સોક્રેટિસ ની વાત !

વાચક મિત્રો ; ગયા અઠવાડીએ ધર્મમાં શ્રદ્ધા અને વિજ્ઞાનમાંવિશ્વાસની – સત્યનારાયણની કથાની વાત કરી હતી : પણ પછી બે ત્રણ મિત્રોએ ફોન દ્વારા ચર્ચા કરી , અને અમુક મિત્રોએ ટિપ્પણીમાં પોતાનાં વિચારો અને માન્યતાઓ દર્શાવી ; પછી લાગ્યું કે સોક્રેટિસની વાત કર્યા વિના આ સિક્કાની બે બાજુને પુરી રીતે ન્યાય આપ્યો ગણાશે નહીં !
“ દરેકે દરેક પરિસ્થિતિને બે બાજુ હોય છે , અને જો એ ના હોત- બધું ચોખ્ખે ચોખ્ખું દેખાતું હોત તો દુનિયામાં કોઈ યુદ્ધો જ થયા હોત નહિ !” સુભાષે વૈશ્વિક ડહાપણ ડહોળ્યું ; “ સૌની માન્યતાઓ , પોતાની પરિસ્થિતિ પ્રમાણે બદલાય છે !”
“ તું શું માને છે :” સુભાષે પૂછ્યું , “લોકશાહીનો વિચાર જે દેશમાં સૌ પ્રથમ વાર ઉદ્ભવ્યો માનવામાં આવે છે એવા ગ્રીસ દેશના એથેન્સમાં થઇ ગયેલ સોક્રેટીસને ઝેર આપીને મારી નાંખ્યો તે શું એ લોકોએ સોક્રેટિસની સારી બાજુ જોઈ હશે ખરી?
લોકોની સિક્કાની બીજી બાજુએથી જોવાની દ્રષ્ટિ હોત તો શું એમણે સોક્રેટીસને ઝેર આપ્યું હોત ? ”
સોક્રેટિસ વિષે આપણને સૌને ખબર છે. આજે અઢી હજાર વર્ષ પછી પણ આપણે એને યાદ કરીએ છીએ . તર્કશાસ્ત્રનો એ પિતા ગણાય છે . અને એવી મહાન વિભૂતિને ઝેર આપવામાં આવ્યું હતું ! એ વ્યક્તિ કે જે લોકપ્રિય હતી , અને છતાં કઈ ભૂલ માટે એના ઉપર કેસ કરવામાં આવ્યો હશે ? એથેન્સમાં ત્યારે રાજા હતો પણ ત્યારે ત્યાં કોઈ આપખુદ રાજાશાહી નહોતી , પણ ગણતંત્ર હતું ! લોકશાહીને નામે સોક્રેટીસ ઉપર મુકદ્દમો ચાલ્યો હતો ! કઈ દ્રષ્ટિથી એને ગુનેગાર ગણવામાં આવ્યો હતો ?
જવાબ છે ધર્મની દ્રષ્ટિથી!!!
સોક્રેટિસ , અને પછી એના શિષ્યો – પ્લેટો અને એરિસ્ટોટલ – જેને આજે પણ આપણે યાદ કરીએ છીએ , એ ફિલોસોફર , તત્વવેત્તા , તર્કશાસ્ત્રી સોક્રેટીસે એવું તે શું ધર્મ વિરુદ્ધ કહ્યું હતું કે એને ઝેર મળ્યું ?
“ધર્મ અનેવિજ્ઞાન એક જીવન રૂપી સિક્કાની બે બાજુ છે ; ધર્મ દિલથી અનુભવાય અને વિજ્ઞાન બુદ્ધિથી ! એક કુશળ રાજકર્તા માટે ધર્મ ની વ્યાખ્યા બદલાઈ જાય છે .” સુભાષે સમજાવ્યું ; “ સોક્રેટિસ જયારે એથેન્સની ગલીઓમાં યુવાનોને ભેગાં કરીને એમને એમનો “ધર્મ” સમજાવતો હતો , બસ , એ જ વાત એથેન્સનાં રાજગુરુઓને અધાર્મિક લગતી હતી !”
શું હતું એની વાતોમાં ?
હા , મને યાદ છે કે સોક્રેટિસ દેશ ભક્ત હતો , અને પોતાનું એથેન્સ શહેર આબાદ રહે તે માટે શું કરવું જોઈએ એનું મંથન કરતો હતો. ત્યાંનાં યુવાનોને એ સીધા જવાબો આપવાને બદલે પ્રશ્નો પૂછીને ,સાચો જવાબ મેળવવા પ્રેરણા આપતો હતો .
એણે પૂછ્યું : “ માણસ ખોટું ક્યારે કરે છે ?”
મિત્રો , કૃષ્ણ ભગવાન જયારે દુર્યોધન પાસે સંધિ કરવા ગયા ત્યારે દુર્યોધનને યુદ્ધ રોકવા કહ્યું હતું અને દુર્યોધને સ્પષ્ટ કહ્યું હતું : જાનામિ ધર્મ ન ચ મે પ્રવૃત્તિ !
પણ અહીં સોક્રેટીસે સીધું જ યુવાનોને પૂછ્યું ; “ ચોરી કરવી એ ખોટું છે એમ જાણવા છતાં કોઈ ચોરી શું કામ કરે છે ?
સોક્રેટીસે કહ્યું કે માણસને સમજ પડે છે કે સાચું શું છે અને ખોટું શું છે ; પણ એ છતાંયે ખોટું કરે છે ! કારણ કે , એને એ ક્ષણે એવું લાગે છે કે સાચું કરવા કરતાં આ ખોટું કરવાનો લાભ વધારે છે ! સોક્રેટીસે કહ્યું કે માણસના નૈતિક મૂલ્યોનો માપ દંડ , એના વિચારો , જુદા અને બદલાતા રહે છે – એ સીધા નથી , આડા યે નથી – એ વાંકા ચૂંકા હોય છે !”
સુભાષે સમજાવ્યું . “ એટલે કે આપણે મન સાથે નક્કી કરીને જ પહેલેથી જ સિક્કાની એક બાજુ પસંદ કરી લેતાં હોઈએ છીએ ! તમે એને ‘ધર્મ’ની બાજુ કહો કે ‘વિજ્ઞાનની’ ! આખરે તો બંને એક જ સિક્કાની બે બાજુઓ છે ને !
મિત્રો , અહીં મન વિષે રજનીશજીની વાત યાદ આવે :
મન એ જ જુએ છે જે એને જોવું હોય છે ! રજનીશજી કહે છે .
સોક્રેટીસે ગામવાસીઓને કહ્યું કે ભગવાન એક જ છે , અને એથેન્સને ચારે બાજુથી રક્ષણ કરનારાં બધાં દેવો એ કોઈ જુદાં નથી ! પણ એના કમનસીબે એ અરસામાં પ્લેગ ફાટી નીકળ્યો .વળી , નજીકના રાજાએ પણ યુદ્ધ જાહેર કર્યું ! એથેન્સવાસીઓને લાગ્યું કે આ બધું દેવો ગુસ્સે થઈને કરાવે છે ! અને એ માટે આ લઘરવઘર કપડામાં ફરતો , લાંબા ગંદા વાળ અને વિચિત્ર દેખાતો સોક્રેટિસ જ જવાબદાર છે !
અહીં મને કૃષ્ણભગવાને ટચલી આંગળીએ ગોવર્ધન પર્વત ઊંચક્યો હતો તે વાત યાદ આવે છે ! ભયન્કર વરસાદ આવે છે અને ઇન્દ્ર કોપાયમાન થયા છે તેમ સમજીને લોકો ભયભીત થાય છે ત્યારે કૃષ્ણ તેમને બચાવે છે ! પણ સોક્રેટીસના નસીબમાં એવું કાંઈ ન હતું ! મુશ્કેલીઓથી એથેન્સ ઘેરાયેલું હતું અને સોક્રેટિસ એને માટે જવાબદાર છે એમ લોકોને લાગ્યું !
સોક્રેટિસ એક અલગારી માણસ હતો . ઘરમાં પણ કર્કશા પત્નીથી કંટાળ્યો હતો . એણે પોતાનાં વિરુદ્ધની વાતો ગંભીર રીતે લીધી નહીં . એની ઉપર કેસ ચલાવવામાં આવ્યો અને ગામને મુશ્કેલીમાં મુકવા બદલ – યુવાનોને ભડકાવવા બદલ અને દેવ દેવતાનું અપમાન કરવા બદલ શું શિક્ષા કરવી જોઈએ એમ એને પૂછવામાં આવ્યું . પણ સોક્રેટીસે એને પણ ગંભીરતાથી લીધું નહીં . આખરે એણે પોતાની જાતે જ ઝેર પીને મૃત્યુ વહોરવું એમ નક્કી થયું .
એનાં પરમ શિષ્યો પ્લેટોએ એને છાનાં માંના ભાગી જવા ખુબ વિનંતી કરી , પણ સોક્રેટીસે એને રાજ્યની મર્યાદાની વિરુદ્ધમાં કહેવાય એમ કહીને નાસી જવાને બદલે ઝેર પીવાનું નક્કી કર્યું !
“ સોક્રેટીસે ધાર્યું હોત તો એ ત્યાંથી નાસી શક્યો હોત !” “ લોકોને , પડોશના રાજ્યોમાં સૌને , એને માટે માન હતું , પણ એ ભાગ્યો નહીં ! એને એથેન્સ વહાલું હતું !”
કેમ ? શું સાચું ? શું ખોટું ? એ નક્કી કરવાવાળા આપણે કોણ ?
પણ એટલું તો જરૂર કહી શકાય કે જે ઝેર આપવામાં આવ્યું હતું એ ધર્મને નામે અપાયું હતું !
ધર્મની રક્ષા કરવાને નામે અપાયું હતું !
દેશના હિત માટે આપવામાં આવ્યું હતું !
ધર્મ અને વિજ્ઞાનનો આ સંવાદ – વિસંવાદ કાંઈ નવો નથી . બે હાજર વર્ષ પૂર્વે , જેના નામથી આ ઈસ્વીસન સંવત શરૂ થઇ છે તે શાંતિ ચાહક દેવદૂત ફરિશ્તો જીસસ ક્રાઈષ્ટને પણ વધસ્થંભ પર ચઢાવવામાં આવ્યા હતા !
કારણ ?
કારણ કે એ ધર્મની વિરુદ્ધ વાતો કરીને લોકોને બહેકાવે છે ! એમ ધર્મગુરુઓ માનતા હતા !!
અરે એ બધી તો હજારો વર્ષ પુરાણી વાતો થઇ. ; પણ હજુ છ સદી પહેલાં નરસૈંયાને “ ધર્મને અભડાવ્યો ! એ તો ભંગીને ઘેર નાચ્યો !’ કહીને એનીયે અવહેલના શું ઓછી થઇ હતી ? છૂત અછૂત , આભડછેટ , ઊંચ નીચના ભેદભાવ આ બધું જે આપણને અહીં હાસ્યાસ્પદ લાગે છે તે ત્યારે ધર્મને નામે શિક્ષાને પાત્ર હતું ! અરે દરિયો ઓળંગવાના ગુના બદલ ગાંધીજીને ય નાત બહાર નહોતા મૂક્યા? કસ્તુરબાએ પોતાના વિષે લખ્યું છે કે ગાંધીજી જયારે લંડન ગયા ત્યારે હું મારે પિયર ત્રણ વર્ષ રહેવા જવાની હતી , પણ એ લોકોને નાત બહાર મૂક્યાં હતાં એટલે પિયરમાં જવાનું ઉચિત નહોતું ! અને આ બધું ધર્મને નામે થતું હતું અને હજુએ એવું થઇ રહ્યું છે !
“ પણ આમ જુઓ તો” મેં સુભાષને કહ્યું ; “ આપણે ત્યાં ચાર વેદ ને આપણાં ધર્મગ્રંથો માનવામાં આવે છે ‘ બરાબર ? તેમાં સાહિત્ય છે , કલા છે , સંગીત છે અને આયુર્વેદિક ઔષધિઓ પણ છે – વિજ્ઞાન પણ છે અને તેના પ્રયોગો પણ છે ! તેમાં ચમત્કારો છે એમાં વિજ્ઞાનના પારખાં ના થાય : એમાં. વિજ્ઞાન છે ત્યાં ચમત્કારની દ્રષ્ટિથી પરીક્ષણના કરાય ! ધર્મ : અને વિજ્ઞાન ! એક જ સિક્કાની બે બાજુઓ . આ સિક્કો છે એ આપણું જીવન જ સમજી લો !
આજે કોરોના કાળમાં સ્વજનને કોરોના થઇ ગયાનું સાંભળીને આપણાંમાંથી કેટલાં જાણ એવાં હશે કે જેમણે સ્વજન માટે પાર્થના ના કરી હોય ? બધાં જ ત્યારે ભગવાનમાં શ્રદ્ધા રાખવા મંડીએ છીએ . પ્રાર્થનામાં એક પ્રબળ તાકાત છે એમ કહીને મૃત્યુંજય મંત્ર પાઠ કે અખન્ડ દીવો કે વ્રત – બાધા માની લઈએ છીએ ! અને ચમત્કાર થાય છે પણ ખરા ! મૃત્યુનાં મુખમાંથી, વેન્ટિલેટર પર મહિનો રહ્યાં પછી એ વ્યક્તિએ આંખ ઉઘાડી હોય અને જીવતાં પાછા આવ્યાં હોય તેમને અમે અંગત રીતે જાણીએ છીએ ! હા , વિજ્ઞાનના પ્રયાસ સાથે પ્રાર્થનાની તાકાત અને ભગવાનની કૃપાથી એ શક્ય બન્યું છે !
તો વાચક મિત્રો ; પ્રશ્ન છે સાચું શું ? વિજ્ઞાન કે ધર્મ ?

૫-વાર્તા અલકમલકની-રાજુલ કૌશિક

બંગાળ અને બંગાળી ભાષા એના ઉત્તમ સાહિત્ય અને સાહિત્યકારોથી સમૃદ્ધ છે. બંગાળી લેખક શ્રી સમરેશ બાસુને એમની નવલકથા ‘શામ્બા’ માટે ભારતની રાષ્ટ્રીય એકેડમી એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.
શ્રી સમરેશ બાસુએ ફક્ત ૨૧ વર્ષની ઉંમરે એમની પ્રથમ નવલકથા ‘નયનપુરે મતિ’ લખી જે નવલકથા સ્વરૂપે પ્રગટ થવાના બદલે સિરિયલરૂપે આકાર પામી. ત્યારબાદ એમણે ‘ઉત્તરાંગા’ નવલકથા લખી. શ્રી સમરેશ બાસુએ એમની કથાઓમાં ગ્રામ્ય અને શહેરના મધ્યમવર્ગી જીવન અને એમની સમસ્યાઓને સુપેરે વાચા આપી છે. .
તો આજે પ્રસ્તુત છે એમની એક અત્યંત સંવેદનશીલ વાર્તા
***** ખુદા હાફિઝ*****
રાતનો અંધકાર આખા શહેરને ભરડામાં લઈને બેઠો હતો. નાનો અમસ્તો અવાજ થાય તોય એનાથી ભયના વાતાવરણમાં ઉમેરો થઈ જાય એટલી હદે સન્નાટો છવાયેલો હતો.  એટલામાં ચારેકોર સન્નાટાનું વાતાવરણ જાણે ખળભળી ઉઠ્યું. શહેરની સ્મશાનવત શાંતિને ચીરતી મિલિટરી વાનની સાયરનથી શહેર કંપી ઊઠ્યું.
શહેરમાં કહેરનું વાતાવરણ છવાયેલું હતું. શહેર ભડકે બળતું હતું. રાતના અંધકારમાં આ ભડકે બળતા મકાનોથી જે પ્રકાશ રેલાતો હતો એ તો ભયાવહતામાં વધુ ઉમેરો કરતો હતો. ક્યાં કોણે આ સળગાવ્યું એ સવાલ અહીં અર્થહીન હતો. શહેરના હિંસક વાતાવરણને કાબૂમાં લેવા શહેર મિલિટરીને સોંપાયું હતું. કદાચ મિલિટરીને શુટ એટ સાઈટ અર્થાત દેખો ત્યાંથી ઠાર કરો એવી સત્તા અપાઈ ગઈ હતી. પેલી મિલિટરીની વાન એક રસ્તેથી પસાર થઈને બીજા રસ્તે વળી.
ઠપ ઠપ ઠપ… કોઈ દોડ્યું. જીવ બચાવવા સ્તો.
ઠક ઠક ઠક… દૂર પહેરો ભરતા મિલિટરીના જવાનના બુટનો અવાજ એની પાછળ પડ્યો હોય એમ સંભળાયો.
ભયથી કાંપી ગયેલો એ માણસ જીવ બચાવવા જ્યાં જે જગ્યા મળી ત્યાં સંતાવા મથ્યો. ઠક ઠક ઠક… મિલિટરીના જવાનના પગલાં દૂર થતાં ગયા. એ માણસનો જીવ હેઠો બેઠો પણ એથી કરીને જીવ બચશે કે કેમ એ નક્કી કરી શકતો નહોતો. એણે હજુ સંતાયેલા રહેવાનું જ નક્કી કરીને ત્યાં પડેલા કચરાના મોટા ડબ્બાની આડશ લીધી. માંડ શ્વાસ હેઠો બેઠો ત્યાં અવાજ આવ્યો..
“કોણ છું તું?” માંડ હેઠો બેઠેલો પેલાનો શ્વાસ થંભી ગયો.
વળી પાછો કચરાના એ ડબ્બામાંથી અવાજ આવ્યો અને એ અવાજની સાથે એક માણસનું ડોકું પણ બહાર આવ્યું.
એ પણ પેલા માણસની જેમ જીવ બચાવવા અહીં આ કચરના ડબ્બામાં સંતાયો હતો.
બીજાએ એને ફરી પૂછ્યું, “કોણ છું તું, હિંદુ કે મુસલમાન?”
“તું કોણ છું, હિંદુ કે મુસલમાન?”એ જ સવાલ પહેલાએ બીજાને પૂછ્યો.
બંનેના ચહેરા અને અવાજ આતંકિત હતા.
“ખબર છે ને અહીં કરફ્યૂ છે, જુવો ત્યાં ઠાર મારોનો હુકમ છે. તું ક્યાં જતો હતો? આગ લગાડવા કે બોંબ ફેંકવા?” હજુ ક્ચરાના ડબ્બામાં સંતાયેલા બીજા માણસના અવાજમાં શંકા હતી.
સમય જ એવો હતો કે દરેકનો બીજા પરનો વિશ્વાસ ઊઠી ગયો હતો.
“તું કેમ અહીં સંતાઈને બેઠો છું. કોઈનું ખૂન કર્યું છે કે કરવા માટે સંતાયો છું?” પહેલાએ પૂછ્યુ.
અને એટલામાં ફરી સાયરનનો અવાજ આવ્યો અને બંનેની વાત અટકી ગઈ. શ્વાસ પણ સંભળાય એવી શાંતિમાં અવાજ તો ઘણો મોટો કહેવાય. બંને ચૂપ થઈ ગયા. સાયરનનો અવાજ દૂર થતાં ફરી એ સવાલ પર આવીને બંને અટક્યા, એક બીજાને ઓળખવા જરૂરી હતા પણ સાચી ઓળખ આપવામાં બંનેને જોખમ લાગતું હતું.
બંને એકબીજાનું નામ પહેલા જાણવાની જીદે ચઢ્યા હતા. જરા વારે પેલા પહેલા આવેલા માણસે ખચકાતા પોતાનું નામ આપ્યુ,
“ગુલાબ”
“અરે પણ ગુલાબ મોહમદ કે ગુલાબચંદ?” બીજાને હજુ વધુ ખાતરી જોઈતી હતી.
સામે જવાબ ન મળ્યો..
“ઠીક છે એ બધું, અત્યારે તો આપણે બંને વખાના માર્યા અહીં સંતાયા છીએ એ જ એક સત્ય છે.” કચરાના ડબ્બામાંથી અવાજ આવ્યો, “હું અહીંયા સાત-આઠ કલાકથી સંતાયો છું જો આ કરફ્યૂ બીજા બે દિવસ લંબાયો તો શું થશે? અહીં સામે કરફ્યૂમાં ભાગવા જતા એક માણસને ગોળી મારી અને કૂતરાની જેમ ઠસડીને લઈ ગયા એ મેં મારી નજરે જોયું છે.”
“એણે કંઈક તો કર્યુ હશે ને..કોણ હતો એ?” ગુલાબે પૂછ્યુ.
“અહીં નજીક મિલ છે એનો મજૂર જ હશે.”
“અહીં તો મજૂર કે મારાઓમાં કોઈ ફરક રહ્યો નથી.” ગુલાબે કહ્યું
વળી સાયરનનો અવાજ અને હિંદુ છે કે મુસલમાન એ જાણ્યા વગર બંને એક સાથે કચરાના ડબ્બામાં સંતાયા. ભયની એક એક પળે એ એકબીજાની વધુ નજીક આવી રહ્યા હતા. જ્યારે માણસ ભયમાં હોય કે ભાવમાં એના હોઠે સાચા શબ્દો સરી પડે અને એવી કાચી ક્ષણે બીજાથી અલ્લાની રહેમ માટે શબ્દો સરી પડ્યા..
હવે એની ઓળખ તો પાકી થઈ ગઈ.
“મુસલમાન છું તું” ગુલાબ એકદમ આતંકિત બની ગયો.
“ડરી ગયો? બીજાએ ગુલાબને પૂછ્યું.
“હા..” એકાક્ષરી જવાબ આપીને ગુલાબ ચૂપ.
“અરે, એટલું તો વિચાર કે અત્યારે એકબીજાને મારીને આપણને શું મળવાનું છે? લોકો આ ડરથી જ એકબીજાને મારે છે.”
સાયરનોના ઉપરાઉપરી અવાજની વચ્ચે હવે બંને જણ વચ્ચે વિશ્વાસની હવા બંધાવા માંડી.
બીજાએ પોતાની વ્યથાની વાત માંડી, એ શહેરમાં બાળ-બચ્ચાં માટે કપડાં અને રમકડાં લેવા ગયો હતો. શહેરમાં એ એના એક હિંદુ દોસ્તના ઘેર રોકાયો હતો. શહેરનું વાતાવરણ થોડું સલામત બન્યું છે એવા સમાચાર સાંભળીને ઘેર જવા નીકળ્યો અને અહીં ફસાઈ ગયો .”
“હું પણ મારા મુસલમાન દોસ્ત રહેમાનના ઘેર રોકાયો છુ એવી લોકોને ખબર પડી અને એનું ઘર સળગાવ્યું. હું પાછળના બારણેથી નીકળી શકુ એના માટે સળગતો દરવાજો રોકીને એ ઊભો રહ્યો. મને બચાવવા જતા એના હાથ બળી ગયા. એ એટલો તો અચ્છો કારીગર છે પણ હવે મશીન પર કામ કેવી રીતે કરશે?” ગુલાબની પણ પોતાની કથા હતી.
“હું ઘાટી પર સામાન ઉતારવાનું કામ કરુ છું. પૈસા મળે ત્યારે ત્યાંથી જ થોડીઘણી ખરીદી કરીને પાછો વળી જઉ છુ.પણ કાલે ઈદ છે એટલે આ વખતે અહીં મોટા શહેર સુધી આવી ગયો. બનેવી સાથે  સામાન ખરીદી રહ્યો હતો અને અચાનક ભાગદોડ શરૂ થઈ ગઈ. દંગલ શરૂ થઈ ગયું . એક બાજુ હર હર મહાદેવ અને બીજી બાજુ અલ્લા હો અકબરના નારા શરૂ થઈ ગયા. હું ય એક તરફ ભાગ્યો તો ખરો પણ પછી બનેવીને ન જોતા એને શોધવા ગયો તો એ એકબાજુ લોહીથી લથબથ પડ્યો હતો. કોઈએ એને છરો મારી દીધો હતો. કોઈએ એને પૂછ્યું હશે કરું કે એ હિંદુ છે કે મુસલમાન? બનેવીને ખભે નાખીને ભાગવા ગયો ત્યાં કોઈએ મારો હાથ પકડીને એના ઘરમાં ખેંચી લીધો. એ પારો હતી. અમારા ગામની. એણે મને બચાવી લીધો.પણ હવે અહીથી ગમે તેમ કરીને મારે નીકળવું પડશે. ઘાટી પર મારી નાવ પડી છે. ઘેર બીવી બચ્ચા રાહ જોતા હશે. એમણેય આ સમાચાર સાંભળી લીધા હશે. મને શોધવા નીકળી પડે એનો મને ડર છે. મારે અહીંથી નીકળવું જ પડશે.”
“અરે પણ અહીંથી નીકળીને જઈશું ક્યાં?” ગુલાબે એનો ડર છતો કર્યો.
“અને અહીં બેસી રહીશું તો ય બચીશું એની ખાતરી છે ખરી? હવલદારે જોયા તો વગર કારણના માર્યા જઈશું.”
અને બંને હિંમત એકઠી કરીને કચરાના ડબ્બામાંથી બહાર નીકળ્યા. કોણ હિંદુ અને કોણ મુસલમાન. અત્યારે તો બંને એકમેકનો હાથ થામીને જીવ બચાવવા ભાગતા હતા. રસ્તામાં પગે અથડાતી લાશ જોઈને અરેરાટી થાય પણ અત્યારે લાશની ચિંતા છોડીને જીવતાની ચિંતા કરવાનો સમય હતો. ઠેબા ખાતા ખાતાય એ ભાગતા રહ્યા.
કેવા કારમા સંજોગો હતા ! કોની ચિંતા કરે? થોડા સમય પહેલા જીવતાં જાગતાં માનવી લાશ બનીને આમથી તેમ આથડતાં હતાં. કોને બાળવા કે કોને દાટવા?
હવે તો પહેલો જીવ પર આવી ગયો હતો. એને જ્યાં સંતાયા હતા એ આડશની સામે થોડે દૂર દેખાતી ગલી સુધી પહોંચવું હતુ,
“બસ એક વાર ત્યાં સુધી પહોંચી જઈએ પછી વાંધો નહી આવે. એ ગલીમાંથી આપણે સીધા મારે જે ઘાટ પર જવું છે ત્યાં પહોંચી જઈશું.”
“પણ હું ત્યાં બદામતલા ઘાટ પર આવીને શું કરીશ?” ગુલાબનો પ્રશ્ન વ્યાજબી હતો.
“તારી મરજી, પણ હું તો નીકળીશ.” બીજાના અવાજમાં આ પાર કે પેલે પાર ઝંપલાવાનું વલણ હતું. જ્યાં સંતાયા હતા એ ગલીની બીજા છેડે પહેરો દેતી પોલીસની નજરથી બચીને જો એ એના ઘર સુધી જતી ગલી સુધી પહોંચી જશે તો એ સલામત રીતે ઘર તરફ જઈ શકશે એવી આંધળૂકિયાવૃત્તિ પર એ ઉતરી આવ્યો હતો.
“હું શું કરીશ અહીંયા, સવાર થઈ જશે પછી પણ આ લોકો મને જવા દેશે એની ક્યાં ખબર છે?” ગુલાબનો ડર વ્યાજબી હતો.
“એટલે જ મારે સવાર થાય એ પહેલા મારા ઘેર પહોંચવું છે.”
બંનેની નજર ગલીના છેડે પહેરો દેતી પોલીસ પર પહેરો દેતી હતી. બે-પાંચ મિનિટ એમની ખુરશીઓ ખાલી જોઈને બીજાએ હિંમત એકઠી કરી.
“ગુલાબચંદ,હું જઈશ હવે.”
“અવતાર, અવતાર મારું નામ છે.હું તારી પાસે ખોટું બોલ્યો હતો.” ગુલાબે કહ્યું
“કરીમ. મારું નામ કરીમ છે.”
હવે બંનેને સાચી ઓળખ આપવામાં ખચકાટ ન થયો.
“સાચવીને જજે ભાઈ, તું મને હંમેશા યાદ રહીશ.” અવતારના અવાજમાં હમદર્દીની સાથે ભાઈચારાનો રણકો કરીમને સંભળાયો.
“મને પણ તું યાદ આવીશ અને હા, અલ્લાની મરજી હશે તો ફરી ક્યારેક મળીશું. ખુદા હાફિઝ.” અને કરીમે હળવેથી સરકવાની પેરવી કરવા માંડી. જતા જતા એ પાછુ વળીને અવતારને જોતો રહ્યો. અવતાર એ ગલીના છેડે સલામત રીતે પહોંચે એની ફિકરમાં એને જોતો રહ્યો. એના હ્રદયના વધી રહેલા ધબકારા એ પોતે સાંભળી શકતો હતો.
કરીમ ગલીના વળાંક પર દેખાતો બંધ થયો અને એણે નિરાંતનો શ્વાસ લીધો પણ એટલામાં ઠક ઠક ઠકા ઠક…કરીમ જે ગલીમાં વળ્યો હતો એ ગલી તરફ મિલિટરીના જવાનોના બુટના અવાજ સંભળાયા.
શ્વાસ રોકીને અવતાર બેસી રહ્યો..
ધાંય.. ધાંય…. ગોળીઓનો અવાજ અને ફરી સન્નાટો…
શ્વાસ રોકીને બેઠેલો અવતાર હીબકે ચઢ્યો.

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

“પ્રકૃતિના પગલે” પ્રકરણ 2 -કુમુદબેન પરીખ

મિત્રો આજે પ્રસ્તુત છે ‘वाचिकं सर्व वाङ्ग्मयम्’માં  ઇન્ડો અમેરિકન જીવન ઉપર આધારિત વાર્કતાઓનો સંગ્રહ “પ્રકૃતિના પગલે”પ્રકરણ -૧ 

લેખિકા -કુમુદબેન પરીખ  અને રજૂઆત -વાગ્મી કચ્છી

હોપસ્કોપ વાર્તા – 5

શિવમ, આ તારા રોજ રોજના નાટકો વધી ગયાં છે.’ રશ્મિના મગજનો પંખો આજે ફાસ્ટ ફરતો હતો.
‘મમ્મી, મને બહું જ માથું દુ:ખે છે, સાચ્ચે કહું છું.’
રોજ બરોજના બહાનાંથી હવે રશ્મિને પણ જાણ થઇ ગઈ હતી કે સ્કૂલે જવું ના પડે એટલે શિવમ બહાનાં કાઢતો હોય છે.
‘મમ્મી સાચ્ચે કહું છું’ શિવમની આંખોમાં પાણી આવી ગયા અને હાથ પણ ધ્રૂજવા લાગ્યાં.
“મારો દીકરો, મારો શિવુ” કહી કહીને તે જ છાપરે ચડાવ્યો છે’,’શિવમ તને ખબર છે ને છાપરે કોણ હોય?’ સુકેતુએ પણ શિવમ અને રશ્મિ બંનેને આડે હાથે લઇ લીધા.
‘મમ્મી….પપ્પા…’ નેટવર્ક વગરના રેડીયા જેવો અવાજ આવ્યો અને શિવમ જમીન પર પટકાઈ ગયો.
ગાદલા જેવું પેટ, ઓશીકા જેવાં ગાલ. નિસ્તેજ ચહેરો, હંમેશા કમ્પ્યુટરમાં મોઢું નાખીને બેસવાની આદતના કારણે વળી ગયેલી ડોકવાળું, જાડું એવું શિવમનું આ મહાકાય શરીર રશ્મિએ જમીન પર અસ્તવ્યસ્ત હાલતમાં પડેલું જોયું.
‘શિવુ….’ મમ્મી એ રાડ પાડી અને સુકેતુએ ગાડી કાઢી.
‘ડૉકટર મૅડમ, શિવમ કેટલાંય દિવસથી માથું દુઃખે છે, છાતીમાં દુઃખે છે, ગળામાં દુઃખે છે, મગજની નસ ખેંચાય છે, એવી ઘણી બધી જાતજાતની ફરિયાદો કરી ચૂક્યો છે.
છેલ્લાં એક મહીનામાં હોસ્પિટલની અમારી આ પાંચમી મુલાકાત છે.’ સુકેતુએ અથથી ઇતિ સુધી બધું જ આ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલની સિનિયર કન્સલ્ટન્ટ ડૉ. પ્રિયાને જણાવ્યું.
ડૉ. પ્રિયા સુકેતુની વાતો તો સાંભળતા જ હતા પણ એમનું ધ્યાન સતત શિવમ ઉપર જ હતું. શિવમ હવે ભાનમાં હતો એટલે પ્રિયાને થયું કે શિવમને શું થાય છે એ એને જ પૂછવું યોગ્ય છે.
પ્રિયા શિવમ પાસે ગઈ તો ખરા પણ શિવમે એની ઝાઝી નોંધ ના લીધી. પ્રિયાએ ખોંખારો ખાઈને શિવમને પૂછ્યું કે, ‘તને શું થાય છે શિવમ?’
‘કંઈ નહીં, હું તો બહુ થાકી ગયો હતો.’ શિવમે હાથ પર ખંજવાળતા બેદરકારી ભર્યો જવાબ આપ્યો.
‘શિવમ તું કમ્પ્યુટર કે સ્માર્ટ ફોનમાં ગેમ રમે છે?’ પ્રિયાએ કાકલૂદી કરતાં લાડમાં પ્રશ્ન પૂછ્યો.
અરે મૅડમ, કમ્પ્યુટર પર જાતભાતના વિડીયો, સ્માર્ટ ફોનમાં ડબલ પ્લેયર્સની ગેમ્સ, ટિક્ટોક, પબજી અને સ્નેપ ચેટ પર મિત્રો સાથે ટાઈમ પાસ એ જ એની દિનચર્યા છે.
શિવમે પાછું મોઢું બગાડ્યું.
‘તને કોઈ ચોક્કસ સમયે જ માથું કે છાતીમાં દુખે છે કે……’ ડૉ. પ્રિયાએ તો શિવમને જ પ્રશ્નો પૂછવાના ચાલુ રાખ્યા.
‘હું જયારે ક્રિકેટ રમુ કે ટેનિસ રમુ ત્યારે મને છાતીમાં દુખે.’
‘કોઈ ચોક્કસ પ્રકારના શોટ મારે ત્યારે દુખે?’
‘એવું તો નહીં, ક્યારેક દુખે ક્યારેક ના દુખે, ક્યારેક હાથ-પગ દુખે, મને ખબર નથી મને શું થાય. આ તો મને આખો દિવસ ઊંઘ જ આવ્યા કરે. પણ વધારે પડતું મગજની નસમાં સણકા વાગે’ અલ્લા તલ્લાં કરતાં શિવમે હજી પણ બરોબર સહકાર ના આપ્યો.
પ્રિયાને એક ભાળ તો મળી ગઈ કે શિવમ એની સમસ્યા કહી શકતો નથી, ક્યાંતો કહેવાં માંગતો નથી.
‘મિ. સુકેતુ, આપણે શિવમનો MRI કરાવી લઈએ અને જોઈએ કોઈ ન્યુરોલોજિસ્ટની સલાહ લેવાની જરૂર લાગે તો આપણે એમને કન્સલ્ટ કરીશું.’
થોડીક જ ક્ષણોમાં શિવમનો MRI રિપોર્ટ આવી ગયો. MRI રિપોર્ટ સાવ નોર્મલ હતો.
પહેલા તો લાગ્યું કે પરીક્ષા કે અપૂરતી ઊંઘના કારણે કદાચ એ પડી ગયો હશે, પણ આટલા બધાં લક્ષણો હતાં અને સુકેતુભાઇના કહેવા પ્રમાણે છેલ્લાં મહિનામાં શિવમને ઘણી બધી વખત હોસ્પિટલ લઇ જવો પડ્યો છે. સાથે સાથ એનાં ચહેરા પર કોઈ ભય દેખાતો નથી.
આમ તો હોસ્પિટલમાં એડમિટ કરવાનું કોઈ કારણ જણાતું ન હતું. શિવમ ત્યાં હાજર જ હતો એટલે પ્રિયાએ એની છાતીમાં દુખાવાની ફરિયાદને પણ ધ્યાનમાં લઇને હાર્ટની રીધમ, ECG વગેરે પણ તપાસ્યા, એમાં પણ બધું જ નોર્મલ હતું.
શિવમને કોઈક બીમારી હશે એનાં કરતાં હવે શિવમને શું બીમારી છે એ પકડાતું ન હતું એ સુકેતુ અને રશ્મિ માટે મોટું ચિંતાનું કારણ હતું.
શિવમના બધા જ ઇન્વેસ્ટિગેશન નોર્મલ આવતાં હવે ડૉ પ્રિયાએ શિવમને રજા આપવાનું જણાવ્યું અને કહ્યું કે આ કોઈ થાક કે ડિહાઈડ્રેશનના કારણે લાગે છે. એને લીકવીડ વધારે આપજો, સારું થઇ જશે.
પ્રિયાના મનમાં હજી પણ ગુથ્થી સુલઝતી ન હતી. પ્રિયાને મન હજી પણ ઇન્વેસ્ટિગેશનમાં કંઈક કચાશ લાગતી હતી.
જો શિવમ એકાદ વખત જ બેભાન થયો હોત તો નક્કી થાક, અપૂરતી ઊંઘ, પરીક્ષાનું ટેન્શન કે ડિહાઈડ્રેશન હોઈ શકત પણ સુકેતુભાઇના કહેવા પ્રમાણે શિવમને કોઈક બીમારી એવી તો હતી જ કે જે પકડાતી ન હતી.
સુકેતુ, રશ્મિ અને શિવમ ત્રણેય જણા બહાર જવા ઊભાં જ થતા હતાં ને ત્યાં જ પ્રિયાએ તેમને અટકાવ્યાં.
‘સુકેતુભાઈ, આપણે શિવમનો CT સ્કેન પણ કરાવી જોઈએ’. હાલાકી CT સ્કેનની જરૂર હતી તો નહીં પણ એનાં અનુભવના કારણે કંઈક એબ્નોર્મલ તો છે એવી પ્રિયાને ખાતરી હતી.
મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ હોઈ CT સ્કેન મશીન ત્યાં જ હતું. શિવમને સ્કેનીંગ મશીનમાં સૂવડાવ્યો અને ડૉ પ્રિયા મોનીટર રૂમમાં સ્ક્રીન પાસે જ ઊભી રહી. સ્કેનીંગ ચાલુ થયું.
રિબ કેજ, હાર્ટ વેસલ્સ, ફેફસાં બધું જ નોર્મલ હતું. ડૉ પ્રિયા હવે હતાશ જણાતી હતી. ડૉ પ્રિયાના કપાળે કરચલીઓ પડવા લાગી,
ફટાક કરી તાળી પાડીને પ્રિયા કૂદી પડી, ‘ગોટ ઈટ’, ‘સમથીંગ ઇસ રોંગ’. પ્રિયાએ બારીકાઈથી જોયું, શિવમના બંને હાથમાં નાના નાના એર બબલ્સ હતા. પ્રિયા દોડતી શિવમ પાસે ગઈ અને એનાં શર્ટની બાંય ઊંચી કરીને જોઈ અને ચોંકી જ ગઈ.
‘આ શું?’ નાના નાના કાળા ડાઘા પડ્યાં હતાં.
પ્રિયાએ સુકેતુ અને રશ્મિ પાસે આવીને કહ્યું, ‘પ્લીઝ આનાં રૂમની તપાસ કરો. શિવમને હું અહીંયા જ એડમીટ રાખું છું.’ જો તમને કંઈ પણ અજુગતુ મળે તો તરત જ મને ફોન કરો.’
અડધો કલાકના અરસામાં જ પ્રિયાના ફોન પર સુકેતુનો ફોન આવ્યો.
રડમસ અવાજે સુકેતુએ જણાવ્યું ‘મૅડમ અહીંયા ઘણી બધી સિરીંજ અને નાના બોરની સોય મળી છે, શું આ DRU…?’ બોલતાની સાથે જ સુકેતુ ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યો.
‘મિ. સુકેતુ, કંટ્રોલ યોરસેલ્ફ, આ DRUGS નથી.’
‘તો…’
‘એ બધો જ સામાન લઈને તમે બંને પાછા હોસ્પીટલ આવો, હું તમને જણાવું.’

મિ. સુકેતુ, મેં સાઈકિયાટ્રીક સ્પેશ્યાલિસ્ટ પણ બોલાવેલ છે. આપણે શિવમને ઘણું બધું કાઉન્સેલીંગ પણ કરવું પડશે.’
‘એ જુઓ’, કાચના દરવાજા પાસેથી ડૉ પ્રિયાએ રૂમની અંદર આંગળી ચીંઘી.
ઓરેન્જ જ્યુસનો ગ્લાસ હાથમાં લઈને શિવમ ડૉક્ટર સાથે મજાની વાતો કરતો હતો.
‘તમારા કહેવા પ્રમાણે એને ભણવું ગમતું નથી, સ્કૂલે જવું ગમતું નથી, એ બધાંથી છુટકારો મેળવવા એણે આર્ટિફિશ્યલ-કમ-નેચરલ રસ્તો શોધ્યો. આવાં બાળકો કોમ્પ્યુટર પર આવાં અવનવાં નુસ્ખાઓ શોધતા હોય છે.’
‘જરૂર એણે આ તરકીબ યુટ્યૂબ કે એવા કોઈ માધ્યમથી શીખી છે. આ બધી જ સિરીંજ અને નાના બોરની સોય એ કોઈ મેડીકલ સ્ટોરમાંથી લાવ્યો છે અને જયારે પણ એને સ્કૂલે ના જવું હોય ત્યારે થોડાં સમય પહેલાં એ ૦.૫ મીલી ગ્રામની હવા સિરીંજ વાટે નસમાં ભેળવે એટલે એને આવું ડિઝીનેસ અને ચક્કર આવે.’
‘શરૂઆતમાં તો એ ઇંજેક્શન લેતાં ડરતો હતો એટલે એને જ્યાં જ્યાં જાડી ચામડી હતી ત્યાં જ એ ઇંજેક્શન લેતો હતો’,’પછી તેને ફાવટ આવી જતા ૦.૫ મિલી ગ્રામથી માંડી ૧ ગ્રામ એર લેવાનું ચાલુ કર્યું.’
‘આનાથી થોડીક જ ક્ષણોમાં એને ડિઝીનેસ થાય અને ચક્કર આવીને ફસડાઈ પણ પડે.’
‘મૅડમ તમને કોણે જણાવ્યું’ લાળવાળા દુપટ્ટાનો એક છેડો મોઢાં પર દબાવીને રોતાં રોતાં રશ્મિએ ડૉક્ટરને પૂછ્યું.
‘અત્યારે તે ઓડિયો વિડીઓ કાઉન્સેલીંગ રૂમમાં છે અને અમારી હોસ્પિટલના સાઈકિયાટ્રીક સ્પેશ્યાલિસ્ટ ડૉ. અનંત સાથે જ એ વાતો કરે છે અને હમણાં જ એણે એની જાતે જ ગામડેથી આ સીરીંજ અને નીડલ લાવવાની વાત કબૂલી છે અને આ નુસખો એણે યુટ્યૂબ જેવાં માધ્યમ પરથી શીખ્યો હોવાનું જણાવ્યું.’
‘આવો તમારે શિવમ અને ડૉ અનંતની વાતો સાંભળવી હોય તો તમને કેબીનના સ્પીકરમાં સંભળાવું.’
‘સર, હવે તો મને ઇંજેક્શન મારતા આવડી ગયું છે, તો હું પણ તમારી જેમ ડૉક્ટર બની શકીશને’ શિવમના ચહેરા પર પહેલી વખત આજે ભણવાની આશા જાગતી દેખાઇ.
મૌલિક નાગર

સ્પંદન -5.નજરથી નજર મળવાની વાત છે
હૃદય એક ધબકાર ચૂકયાની વાત છે
વાણી અવાચક થયાની વાત છે
ગાલે લાલી છવાયાની વાત છે
સમયનું ભાન ભૂલાયાની વાત છે
તડપની ભરતી ઉઠ્યાની વાત છે
સંગાથે શમણાં સજાવવાની વાત છે
હર દિલમાં પ્રફુલ્લ પ્રેમની પ્યાસ છે

કેવી છે આ પ્રફુલ્લ પ્રેમની પ્યાસ?  જાણે ચાતકને વર્ષાની પ્યાસ. વર્ષાના અમી છાંટણા થાય  અને ચાતકની તરસી આંખો ચમકી ઊઠે, કદાચ એ જ રીતે પ્રેમના છાંટણા થાય અને માનવ મન મહોરે, હ્રુદયમાં ઊઠે કલશોર અને મનડું થનગને.

ક્યારેક  એવું બને કે અજાણી નજરો સાથે નજર મળે અને તે જાણીતી બની જાય.
કયારેક …
નજરોથી નજરો મળે..
અને…દિલ પણ ધડકન ચૂકે..
અજાણી નજરો જાણીતી લાગે
કોઈની વાતો માનીતી લાગે..
અને …અંગે અંગ જો ઉમંગ લાગે
ઉરમાં જો વસંત ગાજે…
સપનાઓ શત રંગ લાગે..
તો..તે છે પ્રેમ.

પણ…
પ્રેમ એ જાણવાની ચીજ નથી, પણ માણવાની ચીજ છે. પ્રેમ એ એવી ઉષ્મા છે, જેમાં મન મીણબત્તીની જેમ પીગળે છે અને  પ્રેમીઓ ક્યારેક ફના થવાની તૈયારી સાથે જ તેમાં ઝંપલાવે છે. ત્યારે પ્રેમ એક ચમકાર બની આંખોમાં છવાય છે અને મૂકી જાય છે સ્નેહ, સમર્પણ અને સંગદિલીની ગાથા. ફેબ્રુઆરી મહિનો અને વેલેનટાઈન ડે આવે એટલે ચારે તરફ જાણે પ્રેમની લહેર દોડવા લાગે છે. પ્રેમ ઠાલા શબ્દોમાં નથી, પ્રેમ એ તો ભીની અનુભૂતિ છે. તેમાં કોઈ ગણતરી ન હોય, પ્રેમ હંમેશા નિર્દોષ હોય બાળક જેવો હોય. પ્રેમમાં હંમેશા આપવાનું હોય છે. પ્રેમ ભોગ માગે છે- સ્વયંનો, અહમનો. પ્રેમ પોતાની જાતને ઓગાળીને બીજાને સ્વીકારે…બીજાના દોષ ભૂલીને ગુણનું સ્મરણ કરે.


પ્રેમ એ ક્યારેક વાણીને અવાચક કરી દે છે. જે પાત્રને મળવા માટે જાત જાતની યોજનાઓ ઘડી હોય, તે જો સન્મુખ થાય તો ક્યારેક વાચા હરાઈ જાય છે. આવી પળો પણ પ્રેમનો અહેસાસ તો કરાવે જ છે. પ્રેમી પાત્ર જાય પછી થાય કે ઓહ, આ તો કહેવાનું હતું પણ ન કહેવાયું.
શાયર નક્શ લાયલપુરીના શબ્દો યાદ કરીએ તો….
યું  મીલે કે મુલાકાત હો ના સકી
હોઠ કાંપે મગર બાત હો ના સકી…

તો ક્યારેક હોઠથી વાત ના થાય પણ આંખોથી બધુ જ કહેવાઈ જાય છે. પણ પ્રેમ એવી લાગણી છે, જે ક્યારેક લજ્જાની લાલી ચેહરા પર લાવે છે. કદાચ આનંદનો અનુભવ પણ તેનું કારણ હોઈ શકે. પ્રેમમાં દિવસ રાતનું પણ જ્ઞાન રહેતું નથી. હૈયે આનંદની એવી ભરતી ઊઠે છે કે માનવી સ્ત્રી હોય કે પુરુષ, પ્રેમમય બની જાય છે. ભવિષ્યના સપના સજાવવામાં પ્રેમીઓ ખોવાઈ જાય છે. એક નવી જ સૃષ્ટિ રચાય છે. પ્રેમની આ સૃષ્ટિ અદભુત છે, જે આનંદનો અનુભવ કરાવે છે. તેથી જ સાહિત્યનું લાલિત્ય કહો કે ગીત સંગીતનું માધુર્ય તેમાં પ્રેમગીત જ સર્વવ્યાપી છે. પ્રેમ પ્રાચીન પણ છે અને અર્વાચીન પણ છે. દેવદાનવની પૌરાણિક વાર્તામાં પણ દેવગુરુ બૃહસ્પતિનો પુત્ર કચ અને દાનવોના ગુરુ શુક્રાચાર્યની પુત્રી દેવયાની વચ્ચેના પ્રેમની વાત છે. કવિ કાલિદાસના અભિજ્ઞાન શાકુંતલમાં રાજા દુષ્યંત અને શકુંતલાની પ્રેમકથા કઇ રીતે ભૂલાય? મોગલેઆઝમની અનારકલી અને શાહજાદા સલીમની પ્રેમકથા એ વાતની ગવાહી પુરે છે કે પ્રેમનું સામ્રાજ્ય મોગલ સામ્રાજ્યને પણ પડકાર ફેંકી શકે છે. પ્રેમ એવો મજબૂત તંતુ છે, જે શાહજહાં અને મુમતાજમહલના પ્રેમના પ્રતીક તરીકે આજે પણ તાજમહલને પ્રસ્તુત કરે છે.

પ્રેમ ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળનું સાતત્ય છે. વર્તમાનમાં તો દરેક પ્રેમ એક કથા છે. વર્તમાન પ્રેમ કબૂતર જા …જા..ના યુગથી આગળ નીકળીને બની ગયો છે .હાઈ ટેક. હવે પ્રેમમાં પરાકાષ્ટા પહેલાં ઝડપ આવી ગઈ છે, વિરહ જેવી લાગણીઓનું વિસર્જન થઈ ગયું છે. મોબાઈલની આ ઝડપ વિરહની વેદનાને નામશેષ કરતી ચાલી છે. બધું જ ઇન્સ્ટન્ટ છે. પ્રેમની અભિવ્યકિત પણ સરળ છે. કદાચ એક ગુલાબનું ફૂલ અને વેલેનટાઇન ડે એ પ્રેમની અભિવ્યક્તિ છે.  અને પ્રેમ કે ગુલાબ…
………by any other name,it smells sweet ….

પ્રેમનો અહેસાસ, એતબાર અને એકરાર એક જ માળાના મણકા છે. પ્રેમમાં કાયમ ઝંખના, પ્રતીક્ષા હોય…પ્રેમ ઇંતેજાર, રાહ જોતાં શીખવે…ત્યારે રાધાકૃષ્ણના પ્રેમને કેમ ભૂલી શકાય? ભગવાન શ્રીકૃષ્ણના વેણુનાદનું માધુર્ય એ પ્રેમમય ભક્તિનું સ્વરૂપ છે. પ્રેમ એક સુખદ સપનું છે. પ્રેમમાં કોઈ મંઝિલ નથી, પ્રેમ તો પ્રવાસ છે, યાત્રા છે…. આવો, આપણે પણ ધરતી પરના આ જીવનપ્રવાસને પ્રેમમય બનાવીએ….

રીટા જાની

https://youtu.be/YbojAwM9ZEs

૫. “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” – અલ્પા શાહ

વૈશ્વિક કવિતાના ભાવવિશ્વમાં એક સફર

English Poem “I Carry Your Heart with Me” By E.E. Cummings

નમસ્કાર મિત્રો,
ફેબ્રુઆરી મહિનાની પ્રેમની મોસમ પુરબહાર માં ખીલી ઉઠી છે. આ અઠવાડિયે તો પ્રેમના પમરાટને સમર્પિત એવા Rose Day, Propose Day, Chocolate Day  એવા દિવસોની હારમાળા ચાલી રહી છે.  પ્રેમના એકરારનો દિવસ એટલે કે Valentine’s Day આવીજ પહોંચ્યો છે. “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” લેખમાળા અંતર્ગત આજે આપણે  E. E. Cummings દ્વારા લિખિત એક સુપ્રસિદ્ધ અંગ્રેજી કવિતા I Carry Your Heart with Me નો ભાવાનુવાદ અને રસાસ્વાદ માણીશું. પોતાના પ્રિયજન પ્રત્યેના નિર્મળ પ્રેમને શબ્દોમાં વહાવતી આ કવિતાની અંગ્રેજી રજૂઆત તમે આ લિંક પર માણી શકશો. https://www.poetryfoundation.org/poetrymagazine/poems/49493/i-carry-your-heart-with-mei-carry-it-in.
 અત્રે મેં આ કવિતાનો પદ્ય ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે જે હું રજુ કરું છું.
E.E. Cummings ખુબ પ્રખ્યાત અમેરિકન કવિ હતા. તેમણે ૩૦૦૦ થી વધુ કવિતાઓની રચના કરી હતી. તેઓ તેમની આગવી અને પોતીકી શૈલી માં કવિતાઓની રચના માટે ખુબ પ્રસિદ્ધ હતા. He incorporated unconventional style of utilizing the punctuation, capitalization, and intentional misspelling in his poems. Moreover, he was keeping the use of the pronoun “i” in the lowercase letter throughout the poem. He has used all these techniques deliberately to make his poems unique. Many grammatical mistakes are also found in the poem like absence of commas, full stops, spaces, the wrong placing of nouns and adjectives etc. but these mistakes are the reasons behind the creation of a masterpiece.
૧૯૫૨ માં publish થયેલી આ નાનકડી કવિતામાં કવિ પોતાના પ્રિયજન પ્રત્યેના સાત્વિક અને સાશ્વત પ્રેમને શબ્દો દ્વારા રજુ કરે છે. પોતાના પ્રિયજનને ઉદેશીને કવિ પ્રથમ ચાર પંક્તિઓમાં તેમના પ્રિયજન સાથે જે અસ્તિત્વનું સાયુજ્ય સધાયું છે તેની વાત કરે છે અને પ્રિયજન સાથેની અવિભાજ્ય એકરૂપતા દર્શાવે છે. પ્રેમમાં સધાતી આ  એકરૂપતાની તાકાત પર કવિ આગળ જતા કહે છે કે હવે તેઓ ભવિષ્યના ડરથી ભયમુક્ત છે કારણકે તેમનું જગત તેમના પ્રિયજનમાંજ સમાય છે અને રવિના કિરણો રૂપે કે પ્રેમના પ્રતીક એવા ચંદ્રની ચાંદની રૂપે પ્રિયજનની હાજરી જ રેલાય છે. છેલ્લી ચાર પંક્તિઓમાં પ્રકૃતિના વિવિધ રૂપકો આપી કવિ પ્રેમમાં રહેલી પ્રચંડ તાકાતની ઝાંખી કરાવે છે.
આ કવિતામાં પ્રેમ અને માત્ર પ્રેમજ કેન્દ્ર સ્થાને છે. ઘણીવાર આપણને એવો સવાલ થાય કે આ અઢી અક્ષર નો શબ્દ “પ્રેમ” એટલે શું?
                       પ્રેમ એટલે સ્નેહની સરવાણીની સરગમ રેલાવતું સ્તવન?
                                              કે પછી
                       પ્રેમ એટલે છલકાયેલી લાગણીઓનું આખેઆખું નંદનવન?
આ અઢી અક્ષરના શબ્દ પ્રેમમાં મનુષ્યના ભાવજગતના બધાજ ભાવોનો સમાવેશ થઇ જાય. પ્રેમમાં વાત્સલ્ય, સખ્ય  કે દાસ્ય ભાવ હોય ત્યાં સુધી પ્રેમની પારદર્શકતા અને પવિત્રતા જળવાઈ રહે છે પણ પ્રેમમાં જેવો આધિપત્યનો ભાવ પ્રવેશે, એટલે પ્રેમ પોતાની પવિત્રતા ખોઈ બેસે છે અને એ એક લેવડ-દેવડ નો સબંધ બનીને રહી જાય છે.
આ કવિતામાં કવિ પોતાના પ્રિયજન પ્રત્યેનો પ્રેમ બહુ નિખાલસ ભાવે કોઈ પણ જાતના આધિપત્ય કે અપેક્ષા વગર ખુબ પારદર્શિતાથી પ્રદર્શિત કરે છે. અહીં ક્યાંક કોઈ જાતનો માલિકી ભાવ નથી. કવિવર રવીન્દ્રનાથ ટાગોરે ખુબ સુંદર રીતે આ વિચાર પ્રદર્શિત કરેલ છે.
Love Does Not Claim Possession, But Gives Freedom
પ્રેમ ની પહેલી શરતજ સ્વતંત્રતા છે. પ્રેમ તો મનની મોકળાશ અને લાગણીની ભીનાશ વચ્ચે ખીલતો છોડ છે.  તમે કોઈને પ્રેમ કરો છો એટલે તમે એમના માલિક નથી બની જતા.આ બાબત દુનિયાના દરેક સંબધમાં ખીલતા પ્રેમને લાગુ પડે છે. પતિ-પત્ની, બે મિત્રો કે પ્રિયજન સાથેનો પ્રેમ કે બીજા કોઈ પણ સંબંધમાં ખીલતા  પ્રેમમાં જો માલિકી ભાવ પ્રવેશ્યો તો પ્રેમનો છોડ મુરઝાવા લાગે છે. વળી તમે કોઈને પ્રેમ કરો તેનો મતલબ એવો નથી કે તે વ્યક્તિએ પણ તમને પ્રેમ કરવોજ પડે. There is no compulsion in love. હા, તમે જેને પ્રેમ કરતા હોવ એ પાત્ર પણ તમને એટલીજ પારદર્શિતા થી પ્રેમ કરે તો સોનામાં સુગંધ ભળે.
આ કવિતા વિશેની એક આડ વાત. આ કવિતા ૧૫ લીટીની નાનકડી કવિતા છે But still it is considered a Sonnet. The word “sonnet” is derived from an Italian word “sonetto” which means “small lyric” or “little song. Sonnets are the poems that are traditionally written in 14 lines that follow a rhyming scheme and a final rhyming couplet, but Cummings reinvented the sonnet and wrote this poem in a new version of sonnet, utilizing all the modern techniques. This poem became very popular especially after being used in the film” In her shoes”.
તો ચાલો, આ Valentine’s Day ના દિવસે, આપણે પોતાનું સ્વઅવલોકન કરીને નક્કી કરીએ કે આપણે જેને પ્રેમ કરીએ છીએ, તેને આપણે આધિપત્ય અને અપેક્ષાઓના ઓછાયા હેઠળ બાંધીને તો નથી રાખ્યાને! Because after all as Richard Bach has said,
If you love someone, set them free. If they come back, they are yours; if they do not, they never were.”
 ફરી મળીશું આવતા ગુરુવારે એક બીજા આવા જ એક સુંદર કાવ્ય સાથે. ત્યાં સુધી મારી કલમને વિરામ આપું છું. તમારા માર્ગદર્શન અને અભિપ્રાયો ની અપેક્ષા સાથે….
અલ્પા શાહ

અજ્ઞાતવાસ- ૪-જિગીષા દિલીપ

ડરબી
 
હવે મારાં મિત્રોને ખબર પડી ગઈ હતી કે હું રેસમાં બહુ પૈસા કમાઉં છું.મને ઘોડાની ભાષા સમજાય છે અને ઘોડા સાથે મારી ગજબની કેમેસ્ટ્રી છે.હવે રેસકોર્સ પર ડરબી રમાવાની હતી.હું રેસકોર્સ પાસે ગેલોપ રેસ્ટોરન્ટની બહાર રોજ સવારે બ્રેકફાસ્ટ કરતો.ત્યાનાં પતલા ટોસ્ટ અને પ્રખ્યાત ફૂદીનાવાળી ચા ,લિજ્જત સાથે પીતાં-પીતાં બધાંની વાતો સાંભળતો.ઘોડાનાં કેરટેકર ,ટ્રેઈનર તેમજ ઘોડાનાં માલિકો પણ વહેલી સવારે ત્યાં ચાની ચુસકીઓ સાથે ,કયો ઘોડો જીતે તેમ લાગે છે? તેમજ ઘોડાની રેસ પહેલાની એનર્જી અંગે વાતો કરતા.ઘોડાનાં માલિક પણ પોતાનાં ઘોડા વિશે કેરટેકરને પૂછતા.ડરબીને દિવસે હું બ્રેકફાસ્ટ કરતો હતો.કોઈ ટ્રેઈનર કે કેરટેકર મને રીશેલ્યુનું નામ બોલતું સંભળાયું નહીં.બધાં ની ફેવરીટ તો આ વખતની ઘોડી Heliantha હતી.કારણ તે કોઈ રેસ હારી નહોતી.પણ રેસને આગલે દિવસે હું જ્યારે રીશેલ્યુને મળ્યો ત્યારે મેં તેની આંખ વાંચી લીધી હતી.તેની એનર્જી જોઈને ,મેં જાણી લીધું હતું કે રીશેલ્યુ ચોક્કસ જીતવાનો છે.
 
ડરબીને આગલે દિવસે મિત્રમંડળ ભણવાને બહાને મારાં ઘેર સૂવા અને રહેવા આવ્યું.મુકેશ નાન્હાશા,,કમલેશ કાકડી,કલ્લુ,મફત લેંઘો,પરેશ ફેન્ટમ, મુજાહી બધાં આવ્યાં.મુજાહી સંતાડીને તેનાં લેંઘામાં બિયરની બે બોટલ લાવ્યો હતો.ફેન્ટમ ભાઈખલ્લાથી તારદેવ ઉતરી સરદારની પાઉંભાજી લેતો આવ્યો.હું તો ‘Cole ‘ની ઘોડાની ચોપડીનો વધારો જે બુધવારે નીકળે, એમાં કયો ઘોડો જીતે ?તેનો અભ્યાસ કરતો હતો.પરીક્ષા નજીક હોવાથી બેમિત્રો ભણી રહ્યાં હતાં.ત્યાં કાકડી કમલેશે પૂછ્યું ,” અરે યાર ,હમ સબકો યે ડરબી ખેલને તેા જાના હૈ, પર કીસીકો પતા ભી હૈ ,કે યે ડરબી હોતા હૈ ક્યા ?
 
મૈ કહ્યું ,” અબે સાલે,મેં સમજાતા હૂં ન!દેખો તીન સાલમેં જો ઘોડે સબસે અવ્વલ આતે હૈ,ઔર જો ઘોડે રેસમેં એક,દો,તીનમેં આયે હો ,વોહી ઘોડે ડરબીમેં દૌડતે હૈ સમઝે!,ઔર આપ સબકો પતા હૈ ,કી ઈસ બાર તો મેરા રીશેલ્યુ ડરબીમેં દોડને વાલા હૈ! તો વો હી જીતેગા!
 
બધાંએ કીધું અમે પણ રેસ રમવા આવીશું.ડરબીને દિવસે કલ્લુ કાકડી,મફત લેંઘો,પરેશ ફેન્ટમ બધાં પોતાની બચતનાં કે પોકેટમનીનાં પૈસા લઈને આવી ગયા.કોઈ ૧૦૦રૂપિયા તો કોઈ ૨૦૦ તો કોઈ ૨૫૦રુપિયા લઈ આવ્યા.રેસકોર્સ પર સૌ મિત્રો આવ્યા એટલે,પહેલાં મેં એ લોકોને પૂછ્યું,” બોલો તમારે બધાંને Place માં રમવું છે કે win માં? તમારે Tote માં રમવું છે કે બુકી પાસે?તો કમલ કહે ,” એય,નકુલ! તુમ ક્યા બકવાસ કર રહે હો? હમેં યે place,win ,Tote કુછ પતા નહીં ,પહેલી બાર તો તુમ્હારે ભરોસે ,તુમ્હારે સાથ આયે હૈ,તું હી બતા હમેં સબ કુછ,હમેં ક્યા પતા?
 
મેં મિત્રોને સમજાવ્યું કે ,દેખો ,હરેક ઘોડે પે ઉસકા નંબર લીખા હોતા હૈ ઔર યે બોર્ડ પે હર ઘોડે કે નંબર કે સામને ઉસકા ભાવ લીખા હૈ. જો ઘોડે આગેકી રેસમેં જીતે હુએ હો ,ઓર ઉસકા ટ્રેઈનર કૌન હૈ, ઘોડે કા માલિક કૌન હૈ,ઘોડા કો ખિલાતે ક્યા હૈ,કૌન સી જાતિ કા હૈ ,ઉસકા ભાઈ ,બહેન ,મા-બાપ ,મામા-માસી કૌન હૈ,સબ ઘોડે કી કુંડલી નિકાલકે દેખતે હૈ,ઉસકી બુક કો પઢકે ,સબ ઘોડે માર્ક કરતે હૈ.સબકો બુક પઢકે લગતા હૈ ,યે ઘોડા જીતેગા ,ઉસકા ભાવ ડબલ ઔર તીન ગુના હોતા હૈ.મગર જો રેસમેં જીતેગા હી નહી ઐસા લગનેવાલે ઘોડે કા ભાવ ૮૦ ગુના ઔર ૬૦ ગુના હોતા હૈ મગર ઐસા જ્યાદા ભાવ ખાલી ડરબીમેં હી હોતા હૈ .ઉસકો કોઈ માર્ક નહીં કરતા.વો ઘોડા નવમે,દસવે નંબરપે દોડતા હૈ.ઔર ડરબીમેં ઐસે ૮૦ ગુના ભાવ નહીં જીતનેવાલે ઘોડેકા હોતા હૈ,સમઝે?
 
અગર આપકો એક હી ઘોડા માર્ક કરનેકા હો તો win મેં ખેલનેકા ,જો એકદમ રીસ્કી હોતા હૈ.
આપકા માર્ક કિયા હુઆ ઘોડા ફર્સ્ટ આયા તો જિતને પૈસે આપને લગાએ હો ,ઉતને કા ઘોડેકે ભાવ કે હિસાબસે દુગના ઓર તીનગુના પૈસા આપકો મિલેગા.ઔર આપકા ઘોડા નહીં જીતા તો જીતને ભી પૈસે આપને લગાયે હો વો ગયે,સમઝે?પર અગર આપને Place મેં ખેલા તો આપને જો ઘોડે પર પૈસે લગાયે હો ,વો ઘોડા પહેલે તીનમેં હો તો ,આપકો પૈસે ઘોડેકે ભાવ કે હિસાબસે મિલતે હૈ.સમઝે સબ….મગર આજ તો હમ જિતને વાલે હી હૈ ,ક્યુંકી અપના રીશેલ્યુ રેસમેં દૌડ રહા હૈ .
 
મગર સુનો મૈં એક બાત બતા રહા હૂં વો ધ્યાનસ્થ સુનો! મૈં દૂસરોં કી તરહ નહીં ખેલતા હુઁ.મૈં તો જબ પેડોકપે ઘોડેકો દેખતા હું ,તો ઉસકી બોડી લેગ્વેંજ કો દેખતા હું.સુબહમેં જબ ઘોડે કો કસરત કરાને લે જાતે હૈ તબ ઉસકે કેરટેકર(syces) કી ઘોડે કે સાથ કી કેમેસ્ટ્રી કો દેખતા હુઁ .મૈં જો ઘોડેકે બારેમેં જાનતા હુઁ ઔર મેરી સિકથસેન્સ મેરેકો ક્યા કહતી હૈ ઉસકે હિસાબસે ઔર હો સકે તો ઘોડેસે બાતચીત કરકે,કૌનસા ઘોડા માર્ક કરના હૈ ,યે તય કરતા હુઁ.પર આજકી તો બાત હી અલગ હૈ ક્યોંકી આજ તો મેરા રીશેલ્યુ રેસમેં ભાગનેવાલા હૈ.
 
બધાંને સમજાવી હું મોહનલાલ બુકીની રીંગ પર ઘોડો માર્ક કરાવવા ગયો.બોમ્બે રેસકોર્સ માં અત્યાર સુધી હું Tote પર જ ૧૦૦,૨૦૦કે૩૦૦ રુપિયા રમ્યો હતો. પણ છેલ્લી બે રેસમાં રીશેલ્યુ જીત્યો હતો એટલે મારી પાસે ભેગા થયેલા પૈસા હતા.અને આ વખતે પણ રીશેલ્યુ દોડવાનો હતો એટલે હું એકદમ ખુશ હતો.રેસકોર્સ પર બધાં બુકીઓની સરકારમાન્ય કરેલ રીંગ હોય છે.આ વખતે પહેલી વાર મારે બુકી પાસે રમવું હતું.હું મોહનલાલ બુકી પાસે ગયો.રીશેલ્યુનો ભાવ તેનાં નંબર સાથે ૮૦ નો winમાં હતો.
 
મેં મોહનલાલને કીધું,” ભૈયા,મેરા રીશેલ્યુ winમેં ૧૦૦૦રુપિયા લીખો.મોહનલાલ મારી સામે જોતાં જ રહ્યા.
 
પછી ગુસ્સે થઈને બોલ્યા,” અબે એય ! પહેલી બાર આયા હૈ ક્યા? ચલ નિકલ યહાં સે….ભાવ દેખા હૈ રીશેલ્યુ કા?બોલતા હૈ સાલા,રીશેલ્યુ લીખો ,કિતને સાલકા હૈ?આઈ ડી હૈ તેરે પાસ ખેલનેકા?
 
હું અત્યાર સુધી Tote માં જ રમતો હતો.બુકી પાસે પહેલીવાર રમવા ગયો હતો.મારે તો winમાં જ રમવું હતું પણ મોહનલાલે ઘાંટાં પાડ્યા એટલે મેં કીધું,”મેરા placeમાં રીશેલ્યુ ૫૦૦ રુપિયા લીખો.place માં રીશેલ્યુનો ભાવ ૨૦નો હતો.ફરી મોહનલાલે મને નાનો છોકરો કંઈ સમજતો નથી અને રમવા આવી ગયો છે એમ સમજી મને કીધું”યે રીશેલ્યુ જીતનેવાલા નહીં હૈ.”
 
મેં કહ્યું,’ આજ તો રીશેલ્યુ હી જીતનેવાલા હૈ આપ લીખો.
 
મોહનલાલે બબડતા બબડતા ચિઠ્ઠી બનાવી આપી.
 
‘સાલે કો કુછ પતા હોતા નહીં ,ઓર રેસકોર્સમે ચલે આતે હૈ.’
 
ત્યાં તો મારાં મિત્રોએ મને બોલાવ્યો.બધાંએ કમલને પોતપોતાનાં પૈસા લખાવી મને ૨૦૦૦ રુપિયા ભેગા કરીને આપ્યા.હું પાછો મોહનલાલ પાસે ગયો.મેં દરેકનાં નામ સાથે નાની નાની ચિઠ્ઠીઓ બનાવી ર૦૦૦ રુપિયા મિત્રોનાં રીશેલ્યુનાં placeમાં ર૦નાં ભાવે લખાવ્યા.અને મારાં બીજા પર્સનલ ૧૦૦૦ રૂપિયા Place માં રીશેલ્યુ પર લખાવ્યા.અને મેં મોહનલાલને ધીમેથી કીધું,” મેરા ૫૦૦ રુપિયા રીશેલ્યુ win મેં ભી લીખો.હવે મોહનલાલ ભીડમાં મારી સાથે માથાકૂટ કરવા નહોતા માંગતાં તેથી મને કહે “તુમ્હારા ઘોડા જીતનેવાલા નહીં હૈ ,મગર જીતેગા તો મેરે પાસ ૪૦,૦૦૦ કેશ નહીં હૈ ,બોલો ,ચેક ચલેગા? મૈનેં બોલા ‘ચલેગા.’
 
ટોટલ મારાં એકલાનાં ૧૫૦૦ રૂપિયા place માં અને ૫૦૦ winમાં અને મિત્રોનાં ભેગા કરેલ ૨૦૦૦ રીશેલ્યુ પર place માં ૨૦ નાં ભાવે લગાડ્યા.મોહનલાલે ટેક્સનાં પૈસા માંગ્યા મેં મિત્રોના અને મારા
ટેક્સનાં પૈસા પણ આપ્યા.
 
સ્ટેડિયમ માણસોથી ચિક્કાર ભરેલું હતું.હું તો કોઈ અનેરા ઉન્માદની લાગણી સાથે એકબાજુ ઊભો રહીને બધાંને જોતો હતો .ત્યાં તો ડરબીનું બ્યુગલ વાગ્યું.વન,ટુ ,થ્રી અને રેસ લોકોની બૂમાબૂમ વચ્ચે ચાલુ થઈ.મારા મિત્રો પહેલી વાર આવ્યા હતા તેથી ખૂબ એક્સાઈટેડ હતા. તે સૌ ધક્કામુક્કીમાં અંદર જઈ ,રીશેલ્યુના નામની બૂમો પાડતા હતા.ભીડ એટલી હતી અને અમે વીનીંગ પોસ્ટથી ઘણાં દૂર હતા.રીશેલ્યુ ‘ગોકુળદાસ મૂલચંદ’નો ઘોડો હતો અને તેના જોકીનો ડ્રેસ બ્લેક એન્ડ ચેરી બ્રાઉન હતો.ભીડ એટલી હતી કે અમે ચોથે માળ ચડી ગયાં હતાં છતાં જોકીનાં કપડાંનો કલર જ દૂરથી દેખાતો હતો. રેસ પૂરી થવાની ૫૦ મીટરની વાર હતી અને ત્યારે અમને ચાર ઘોડા ધસમસતા વીનીંગ પોસ્ટ તરફ દોડતા દેખાયા.તેમાં રીશેલ્યુનાં જોકીનો બ્લેક-બ્રાઉન કલર પહેલાં ચાર ઘોડામાં દેખાયો અને અમે સૌ વિનીંગ પોસ્ટ તરફ ચિચિયારીઓ કરતાં દોડ્યા.ત્યાં પહોંચ્યાં ત્યારે ખબર પડી કે રીશેલ્યુ અને topmost ઘોડા વચ્ચે પહેલો કોણ તે માટે ફોટોફીનીશ જાહેર થયું હતું.નરી આંખે કોણ જીત્યું તે જજને પણ દેખાતું નહતું.
 
અમે સૌ અડધો કલાક શાંતિથી ચિંતા કરતા ઊભા રહ્યાં.મારાં મિત્રોનાં તો બધાં પૈસા Placeમાં જ હતાં એટલે એ લોકોને તો પૈસા મળવાનાં જ હતાં.મનમાં તો ,એ લોકો તેમનાં ૨૦૦ કે ૩૦૦ રુપિયાનાં કેટલા વધુ પૈસા મળવાનાં હતાં તે ગણી રહ્યાં હતાં.પણ જો રીશેલ્યુ જીતે તો મને ૪૦,૦૦૦ રુપિયા મળે ,તો બધાંને જલસા કરવા મળે ,એટલે સૌ શાંત હતાં.હું મોહનલાલ બુકીનાં ટેન્ટ પાસે ગયો.તે મને કહેવા લાગ્યો ‘તું તો બહોત લકી હૈ બેટા! તું ઐસા કર એ objectionમેં કુછ નહીં હોગા ,મેં તુમ્હે ૫૦૦૦ દેતા હું,તુ તુમ્હારા Place પે જો પૈસે લગાયે હૈ ઔર યે ૫૦૦૦ લેકે ચલે જાઓ.’ મેં મોહનલાલને ના પાડી દીધી અને કહ્યું’મેરા રીશેલ્યુ હી જીતેગા’
 
ફોટોફીનીશનું રીઝલ્ટ આવ્યું. કલકત્તાનો ઘોડો Topmost પહેલો,રીશેલ્યુ બીજો અનેYoung stallion ત્રીજો આવ્યો.અને સૌની ફેવરીટ Heliantha નું તો નામ જ બોર્ડ પર નહોતું.Richelieu અને topmost સાથે પહોંચ્યાં હતા પણ topmost નો પગ અડતાં રીશેલ્યુનો પગ ક્રોસલાઈન પર topmost પછી પડ્યો હતો.આના પછી રીશેલ્યુનાં જોકી આલ્ફર્ડે ઓબ્જેક્શન લીધું Topmost પર કે છેલ્લા ૨૦ મીટરમાં મને તેણે ક્રોસ કર્યો એટલે મારી જગા જતી રહી હતી,નહીંતો હું રેસ જીતી જાત.આલ્ફર્ડે ઓબ્જેક્શન લીધું એટલે અમે તો ગેલમાં આવી રીશેલ્યુ,રીશેલ્યુની બૂમો પાડવા લાગ્યા.રીપ્લે જોવામાં steward roomમાં ઓબ્જેક્શન ૩૦ મિનિટ ચાલ્યું.પણ છેલ્લે ઓબ્જેક્શન ઓવરરુલ્ડ થયું અને રીશેલ્યુ બીજો જ આવ્યો.થોડા નિરાશ થયા.પણ….
 
અમને Placeમાં તો બધાંને પૈસા મળ્યા જ હતાં.મને ૩૦,૦૦૦ અને મિત્રોને તેમનાં ભાગ પ્રમાણે પૈસા મળ્યા.બીજે અઠવાડિયે બધાં મિત્રોએ તેમને મળેલ પૈસામાંથી સેકંડહેન્ડ બજાજ સ્કુટર ખરીદ્યાં અને મેં સેકન્ડહેન્ડ ફીઆટ ગાડી. ફેન્ટમનાં ફ્લેટની બાજુનાં ગેરેજવાળા પાસે ગાડીને નવો કલર કરાવી, મોટી લાઇટો નાંખી શણગારી.એ ગુજરાતની ગાડી હતી તે નંબર હતો GjA 3241 જે આજે પણ મને યાદ છે.
 
ઈન્ટર સાયન્સનુ ફાઈનલ રીઝલ્ટ સૌથી પહેલું અને વહેલું આવે કારણ તે પછી ડોક્ટર કે એન્જિનયરીંગમાં જવાનું હોય.મારું રીઝલ્ટ આવી ગયું.શું આવ્યું તે જાણવા આવતાં પ્રકરણે મળીએ.
 
જિગીષા દિલીપ
 
 
 

એક સિક્કો – બે બાજુ :4) વિજ્ઞાનમાં શ્રદ્ધા કે શ્રદ્ધામાં વિશ્વાસ ? By Subhash Bhatt

“એક વસ્તુ મને ક્યારેય સમજાતી નથી કે જયારે કોઈ ધાર્મિક ક્રિયાકાંડની વાત આવે ત્યારે માંડ ગરીબીની રેખા ઉપર જીવતાં મધ્યમ વર્ગનાં અમુક લોકો એકદમ ઉદાર , ધર્મ પરાયણ અને સક્ષમ ક્યાંથી થઇ જાય છે? જેમનાં ઘરમાં બાળકોને આપવા માટે પૂરતાં ઘી -દૂધ – નથી એમની પાસે અચાનક આ વિધિઓ કરવાના પૈસા કેવી રીતે આવી જાય છે ?” મેં અકળાઈને પૂછ્યું .
“ કોઈ ભગવાનનું કાર્ય કરતું હોય તેમાં આવી શંકા ના કરાય !” ગીતાએ મને રોક્યો ; “ એ લોકોની આર્થિક પરિસ્થિતિ સારી નથી પણ એમને ભગવાનમાં શ્રદ્ધા છે , એમની ભાવના છે તો ભલે ને કરે !”
વાત જાણે એમ હતી કે ગીતાનાં દૂરનાં સગાં માસી ગ્રીનકાર્ડ પર અહીં દીકરાને ઘેર સેટ થવા આવ્યાં હતાં ને અમે એમને મળવાં ગયેલ . દીકરાની આમ પણ સાવ સામાન્ય નોકરી અને કુટુંબમાં પણ આંતરિક પ્રોબ્લેમ હતાં. વધારામાં એક પાંચેક વર્ષની નાનકડી દીકરી હતી એ પણ જાણે કે મંદ બુદ્ધિની હોય તેમ લાગતું હતું ! આ બધી મુશ્કેલીઓ વચ્ચે હવે એ લોકોએ સત્યનારાયણની કથા રાખેલી.

અમે અમારે ઘેર જવા નીકળતાં હતાં ત્યાં માસીએ હાથમાં દૂધનું એક ગેલન પકડાવ્યું ,કહે : અમારા વતી મંદિરમાં અભિષેક માટે આ દૂધ જરા મૂકતાં જજો ને.”
“શું જરૂર છે આવી કથાઓ , જપ -તપ , પૂજા પાઠ અને અભિષેકોની ?” ગાડીમાં બેસીને , મારાથી હૈયા વરાળ ઠાલવ્યા વિના રહેવાયું નહીં .

પણ ગીતાને તો જાણે કે સાક્ષાત ભગવાને ફોન કરીને કામ ચીંધ્યું હોય તેમ એણે ઉત્સાહથી દૂધનું ગેલનીયુ સાથે લઇ લીધેલ અને અમે સહેજ અવળા ડ્રાઇવ કરીને , મંદિરમાં મુકવા પણ ગયાં.

“આ દૂધ માં’રાજનાં છોકરાં પીવાનાં ! ભલું હશે તો એની પાસે દસ બાર ગેલન દૂધ આવ્યું હશે તો હમણાં પાછું દસ દસ ડોલરના ભાવે પ્રસાદી રૂપે લોકોને વેચી દેશે ! અને લોકો ખરીદશે પણ ખરાં.” મને આ બધું મગજમાં ઉતરવું મુશ્કેલ હતું . “ આવી સીધી અને સ્પષ્ટ વાત લોકો કેમ સમજતાં નથી ? એમ કથાઓ કરાવડાવવાથી કે યજ્ઞો કરાવવાથી મુશ્કેલીઓ દૂર ના થાય .”

પણ ગીતાને જાણેકે આ બધું જરાયે અજુગતું લાગતું નહોતું.“ કોઈની શ્રદ્ધાને આમ તોડી પડાય નહીં. ભગવાનને ધરાવેલ દૂધ પ્રસાદ બની જાય , એ મેળવીને જો કોઈ ધન્યતા અનુભવે તો આપણે શા માટે જીવ ટૂંકો કરવો અને માસીને જો કથા કરાવવી હોય તો એ તો એમની શ્રદ્ધાનો વિષય છે . એમની પરિસ્થિતિ એવી નબળી છે કે એ ભગવાનથી ડરે છે. એમને એમ છે કે એ એવું બધું કરશે તો ભગવાનની કૃપા દ્રષ્ટિ થશે એટલે એ ભગવાનને રીઝવવા પ્રયત્ન કરે છે.”
ગીતાએ એનું જ્ઞાન -જેની સાથે હું સંમત નથી તે – મારા ઉપર ઢોળ્યું.’ “ આપણને ખબર છે અને સમજાય છે કે આ ધરમ ધાગા એ બધું ધતિંગ છે, પણ માસી માટે અને એમનાં ઘરનાં સૌ માટે આ એક આશાનું કિરણ છે !” ગીતાએ કહ્યું ;
“ભગવાનનો વિચાર જ આમ તો કદાચ ભયમાંથી ઉત્પન્ન થયો હશે. ભયં ચ અભયમ ચ એવ! આમ જુઓ તો જેણે આ સૃષ્ટિ ઘડી તેને શું આ એક દૂધનું ગેલન કે થોડાં કેળાં કે સફરજન જોઈએ? ના , પણ એ તો એક માત્ર નમ્ર પ્રયાસ છે; કદાચ આ એક આશ્વાસન છે !જયારે આપણે એમ કહીએ છીએ કે,
‘ફલેન ફલિતમ સર્વે , ત્રૈલોક્યમ સચરાચર,
તસ્માત ફલ પ્રદાનેન સફલા મેં મનોરથાઃ’

આ ફ્ળ ( શ્રીફળ , સફરજન વગેરે )આપને અર્પીને , ઓ ત્રૈલોકના નાથ મારા મનનાં મનોરથ પૂરાં કરવાનું ફળ મને આપો !
અને એ વિનંતી ભગવાન સ્વીકારે એ માટે ,સાથે સત્યનારાયણની કથા કે બીજાં પૂજા પાઠનો આર્થિક બોજો પણ ઉઠાવવા એ તૈયાર થાય છે!’ ગીતાએ મને બીજી બાજુએથી વિચારવા મજબુર કર્યો .

પણ , મૂળ પ્રશ્ન તો હજુ ઉભો જ છે ! મેં પૂછ્યું ; “ શું કથા કરવાથી એના ઘરમાં શાંતિ થશે ? એની દીકરી સાજી થઇ જશે ? શું એની આર્થિક સ્થિતિ સુધરી જશે ?- ના ! ઉલ્ટાનું, આર્થિક બોજો વધશે ! ઘરમાં કંકાશ વધશે . દીકરી પણ વધારે કન્ફ્યુઝન અનુભવશે.” મેં કહ્યું.

“ખરેખર એ ધરમ કર્મની વાતો છોડીને , કોઈ યોગ્ય દિશામાં નક્કર પગલાં લેવાં જોઈએ . કોઈ સારા થેરાપિસ્ટની પાસે જઈને ફેમિલી કાઉન્સેલિંગ કરાવવું જોઈએ . પતિ પત્નીએ જે ખરેખરો પ્રોબ્લેમ છે તેને સંબોધીને ઉપાય લેવાં જોઈએ અને માસીના દીકરાની પાસે ભારતનું શિક્ષણ છે , નામું લખવાનો અનુભવ છે તો અત્યારે કરે છે તેવી જેવી તેવી નોકરીને બદલે એકાઉન્ટિંગ શીખીને વ્યવસ્થિત એ ફિલ્ડમાં નોકરી શોધવી જોઈએ . અને દીકરી માટે શું કરી શકાય એની તને ખબર છે ગીતા, તારું તો એ ક્ષેત્ર છે , તેં બાળકો સાથે વરસો સુધી કામ કર્યું છે, એને તું જ કહે શું ટ્રીટમેન્ટ આપી શકાય ?’

“પહેલાં એનું નિરીક્ષણ કરીને , નિદાન કરવું જોઈએ . કદાચ એ છોકરી આ બધાં ગૂંચવાળાઓ વચ્ચે પોતે જ ગૂંચાઈ ગઈ છે! એક તો પારકો દેશ છે , નાનકડી બાળકીને મૈત્રી કરતાં પણ શીખવું પડે , એમાં માતા પિતાના ઝગડાં અને દાદીબાનાં ‘ આ તો પૂર્વ જન્મના પાપનું પરિણામ’ છે ‘ વગેરે સાંભળી સાંભળીને હવે એની બુદ્ધિ બહેર મારી ગઈ લાગે છે !” ગીતાએ કબુલ્યું.

“તો તારી માસીને આ કથા અને યજ્ઞો કરાવવાની ના કહી દેજે .” મેં કહ્યું .
“ના હોં! કથા યજ્ઞ વિધિઓ વગેરે શ્રદ્ધાનો વિષય છે. કોઈની શ્રદ્ધાને ઠેસ પહોંચાડવાનો આપણને અધિકાર નથી. માસીને મંતરેલાં દોરા ધાગામાં શ્રદ્ધા છે , એ રાશિ ભવિષ્ય પણ વાંચે છે અને મુહર્ત જોઈને જ બધાં કામ કરે છે . આપણે એમને જેવું તેવું કહીએ તો બિચારાનો જીવ મૂંઝાય.” ગીતાએ સ્પષ્ટ ઇન્કાર કર્યો.

“જાનામિ ધર્મ , ન ચ મે પ્રવૃત્તિ – એવું થયું કહેવાય ! તને સમજાય છે કે દોરા ધાગા અને કથા યજ્ઞો બધું ધતિંગ છે , અને છતાં તારે એ લોકોને સમજાવવું નથી ! આ જો અમેરિકાના પ્રમુખે પ્રમુખપદની શપથ વિધિ કરી ત્યારે કયું ચોઘડિયું હતું ખબર છે ? ભારતીય સમય પ્રમાણે કાળ ચોઘડિયું હતું ! એમ મને કોઈએ મેસેજમાં કહ્યું હતું. બોલ, કાળ ચોઘડિયામાં શપથ લીધાં એમ કહેવાય.”

“એ તો સમય બતાવશે કે એ કાળ ચોઘડિયું હતું કે અમૃત !” ગીતાએ પણ મારી સાથે મજાકમાં ભાગ લીધો, “ જો કે એ વાત સાચી છે કે આપણે ત્યાં આ બધી વિધિ વિધાનો કરનાર મહારાજોનું ભણતર કાંઈ હોતું નથી . બાપદાદાનો ચાલ્યો આવતો ધંધો કરે અને થોડુંઘણું કમાય ! ભોળી પ્રજાને છેતરે અને પૈસા પડાવે ! પણ ઘણી વખત એ શ્રદ્ધા પણ જીવન જીવવા મહત્વની થઇ પડે છે ! અમુક હઠીલા રોગોને હઠાવવા , દવા કરતાં મનની તાકાત વધુ મહત્વની છે એ ધ્યાનમાં રાખીને ક્યારેક દર્દીને પ્લાસિબોની દવા પણ આપવામાં આવે છે . અને એ ખાલી ગોળીઓ પણ દર્દી પર અસર કરે છે ! જેમ ડુબતું માણસ તરણું ઝાલે એમ ઘણી વાર આવાં કાર્યોથી મનને શાતા વળે છે .

“પણ એ લોકો જ સૌની અંધશ્રદ્ધા વધારે છે. પેલાં ધર્મગુરુઓ આ લોકોને પ્રોત્સાહન આપે છે ! અહીંયા તું જો, ધર્મ સ્થળોએથી કેટલું બધું ચેરીટેબલ કાર્ય થાય છે ! ગરીબોને સહાય કરવા ચર્ચ અને સીનેગાગ ( જ્યુઈશ ચર્ચ )ફંડ ફાળો ઉઘરાવે છે . અનાથ આશ્રમો અને સ્ત્રી વિકાસ ગૃહ , આરોગ્ય કેન્દ્રો અને બાળ સંભાળ કેન્દ્રો સાથે ઘરડાં માટે , માંદા માટે , એકલાં હોય તે સૌ માટે અવનવા સપોર્ટ ગ્રુપ ક્રિશ્ચિયન ચર્ચ અને જુઈસ સીનેગાગ તરફથી હોય છે! આપણે ત્યાં ધરમ ગુરુઓ અષ્ટમ પષ્ટમ ભણાવીને આગલાં ભવનાં કર્મનું ફળ ભોગવો એમ કહીને વ્યક્તિને નસીબ ઉપર છોડી દે છે. ઘડીકમાં ભગવાન રૂઠશે અને શ્રાપ આપી દેશે એમ આપણને ભય નીચે જ રાખવાનું કામ એ લોકો કરે છે. તું ફોન કરીને માસીને કહી દેજે કે આપણે કથામાં આવી શકીશું નહીં.” મેં ગીતાને માપવા કહ્યું .
“મને તો સાધુ વાણીયાની વાત સાંભળવી બહુ ગમે છે , અને સત્યનારાયણ કથાનો પ્રસાદ પણ બહુ ભાવે છે , વળી બધાં સગાં સંબંધી પણ આવવાનાં છે એટલે આપણે તો જવું જ પડશે ! શ્રદ્ધા કહો કે અંધ શ્રદ્ધા, એ પછી નક્કી કરીશું !” એણે ચાલાકીથી કહ્યું .
જો કે એને ખબર નથી કે સત્યનારાયણ કથાનો પ્રસાદ અને યજ્ઞની ધૂપમાંથી ઉભી થતી દિવ્ય ધૂપ સુગંધ મને પણ કેટલી બધી પ્રિય છે ! એટલે આપણે કથામાં જઈશું તો ખરાં જ -!

પ્રિય વાચક મિત્રો ! તમે શું માનો છો ? તમને શ્રદ્ધામાં વિશ્વાસ છે કે વિજ્ઞાનમાં શ્રદ્ધા છે ?

૪-વાર્તા અલકમલકની -રાજુલ કૌશિક

મન્નૂ ભંડારી.

૧૯૫૦થી ૧૯૬૦ના દાયકા દરમ્યાનના લેખનકાળ દરમ્યાન ‘નઈ કહાની મુવમેન્ટ’મા પ્રણેતા તરીકે જેમનું નામ લેવાય છે એવા હિંદી સાહિત્યના લેખિકા મન્નૂ ભંડારીની ‘આપકા બંટી’, ‘મહાભોજ’ અને ‘એક ઈંચ મુસ્કાન’ લોકપ્રિય નવલકથાઓ છે.

હિંદી અકાદમી, દિલ્હી કા શિખર સમ્માન, બિહાર સરકાર, ભારતીય ભાષા પરિષદ, કોલકાતા, રાજસ્થાન સંગીત નાટક અકાદમી, વ્યાસ સમ્માન તેમજ ઉત્તર-પ્રદેશ હિંદી સંસ્થાઓ દ્વારા જેઓ સન્માનિત થયા છે એવા લેખિકા મન્નૂ ભંડારી પ્રમાણમાં લાંબી કહી શકાય એવી ટૂંકી વાર્તાઓ માટે વધુ જાણીતા છે તો આજે પ્રસ્તુત છે મન્નૂ ભંડારીની એક એવી ટૂંકી વાર્તા.

***** ફાંસ*****

“ગજબની વાત છે  આ તો.. દિવસોના દિવસો લંબાતા જાય છે, તારીખો બદલાતી જાય છે અને સુનવણીનોય કોઈ અંત નથી આવતો!” અકળાયેલા શેખરના મનમાં લાવાની જેમ આક્રોશ ખદબદતો હતો. શેખરે સાંભળ્યું તો હતું કે કોર્ટમાં કેસ. કેસના ચૂકાદા ઠેલાતા જતા હોય છે પણ આવા સંજોગો એના પોતાના જીવનમાં આવશે એવું તો સપનામાં વિચાર્યું નહોતું. કહી, સાંભળેલી વાત અને અનુભવની વાતમાં કેટલું અંતર છે એ આજે શેખરને સમજાતું હતું. આમ તો કેસ એણે જ ફાઈલ કર્યો હતો જે કરવો એના માટે, એની પ્રતિષ્ઠા માટે કેટલો જરૂરી હતો એ તો માત્ર શેખર જ જાણતો  હતો. એની અત્યંત લોકપ્રિય નવલકથા સાથે આમ કોઈ ચેડાં કરશે કે વ્યવસાયના નામે એની સાથે આટલી હદે છેડછાડ થશે એવુંય ક્યાં વિચાર્યું હતુ?

શેખર….

એક પછી એક સફળ નવલકથા આપ્યા પછી શહેરમાં અત્યંત મોખરાના લેખકોમાં જેની ગણના થતી હતી એવું એક સન્માનીય નામ. માત્ર નામ કમાવા માટે કે વ્યવસાય માટે લેખન કરવું એવી એની પ્રકૃતિ જ નહોતી એટલે તો એ આજ સુધી ટી.વી. કે ફિલ્મો જેવા માધ્યમોથી દૂર રહ્યો હતો પણ કોણ જાણે કેમ પણ એ અજાણતાં જ એ આ ઝાકમઝોળ દુનિયાની અડફેટમાં આવી જ ગયો. એ મુંબઈના નિર્દેશકે એવી એવી તો વાતો કરી હતી કે શેખર એની નવલકથા પરથી ફિલ્મ બનાવવાની પરવાનગી આપી બેઠો. હા, એક શરત મૂકી હતી કે એ ફિલ્મની સ્ક્રિપ્ટ એ પોતે જ લખશે. કદાચ….કદાચ જો ફિલ્મને અનુરૂપ કથામાં ફેરફાર કરવાની આવશ્યકતા ઊભી થશે તો એમાં એની અનુમતિ લેવી પડશે.

એ નિર્દેશકે એની બધી શરતો મંજૂર રાખતા, એને વિશ્વાસ આપતા કહ્યું હતું, કે “આ કથા પરથી એકદમ સફળ ફિલ્મ બનશે. એક તરફ ફિલ્મનું કામ સમાપ્ત થશે કે ડિસ્ટ્રિબ્યૂટર લાઈન લગાવી દેશે. સિલ્વર જ્યુબિલી તો પાકી જ સમજો. અરે! આ નવલકથા જેટલી ચર્ચાઈ છે એનાથી વધારે ચર્ચા એની ફિલ્મ પર થશે… મારી ખાતરી દાદા,”

આ વખતે તો નિર્દેશકની જોડે એક નિર્માતા પણ હતા. મુંબઈના એક બિલ્ડરે એના વિતરણ હકો લીધા હતા. એણે પણ નિર્દેશકની વાતને ટેકો આપતા કહ્યું હતું કે,

“અરે, દાદા જોજો ને આ ફિલ્મથી તમે તો નામ કમાશો સાથે અમે પણ એટલા પૈસા કમાઈશુ કે જેની તમે કલ્પના પણ ના કરી હોય.“

બસ, આજે શેખરને એ વાતનો અફસોસ થતો હતો કે કેમ એણે બિલ્ડરની એ વાત પર ધ્યાન ન આપ્યું કે પછી એના મન પર ફિલ્મનો નશો ચઢી ગયો હતો? એ સમયે એણે મનોમન ગણતરી કરી હતી કે આ નવલકથાની કેટલી આવૃત્તિ છપાઈ અને કેટલા વાચકોએ વાંચી. એની સામે ફિલ્મ બનશે તો કેટલા લોકો સુધી એ પહોંચશે અને અંતે આપણે લખીએ છીએ શેના માટે? આપણી વાત લોકો સુધી પહોંચે એના માટે? માધ્યમ કોઈ પણ હોય પણ કેટલા લોકો સુધી પહોંચે છે એ મહત્વનુ છે.

બસ શેખરે પોતાની શરતો સાથે ફિલ્મ બનાવવાની મંજૂરી આપી દીધી અને પોતાનું સમગ્ર ધ્યાન સ્ક્રિપ્ટ લખવામાં કેન્દ્રિત કરી દીધું. સ્ક્રિપ્ટ તો સરસ લખાઈ હતી પણ ફિલ્મ એનાથી પણ વધુ ચોટદાર બનશે એવી નિર્દેશકે ખાતરી આપી દીધી.

અંતે ફિલ્મ તૈયાર થઈ એ જોઈને તો શેખર હતાશ થઈ ગયો. એની ઉત્કૃષ્ટ નવલકથા પર આવી ઉતરતી કક્ષાની ફિલ્મ બનશે એવી તો કલ્પના ક્યાંથી કરી હોય? શેખરે ફિલ્મ રજૂ કરવા સામે પ્રતિબંધ મૂકી દીધો પણ એમ એના વિરોધથી નિર્માતા ક્યાં માને એમ હતો?  ફિલ્મની પાછળ એનુ એસીં લાખ રૂપિયાનું રોકાણ હતું અને શેખરનું? નિર્માતાના કહેવા પ્રમાણે એનું રોકાણ તો બે, ચાર કે બાર પાનાનું જ ને?

શેખર ગમે એટલો ગુસ્સામાં હોય પણ સામે નિર્માતા હજુ શાંત હતો. એણે શેખરને સમજાવવા  પ્રયાસ કર્યો જ કે પુસ્તક અને ફિલ્મ બે અલગ માધ્યમની વાત છે. એમાં જરૂરી ફેરફાર કરવા પડે. સત્યજીત રાય જેવા દેશ-વિદેશમાં પ્રખ્યાત દિગદર્શકે પણ પ્રેમચંદ જેવા લેખકની કથા પરથી ‘શતરંજ કે ખેલાડી” બનાવી એમાંય ફેરફાર કર્યા જ હતા.

સિદ્ધાંતવાદી શેખરને આ મંજૂર નહોતું. આજ સુધી એ પોતાના લેખન માટે સંપૂર્ણપણે સમર્પિત હતો. એની નવલકથા પ્રસિદ્ધ થતી ત્યારે એ સમગ્રતયા ચર્ચાના કેન્દ્રમાં રહેતો. વાચકો પ્રસંશાથી ભરપૂર પત્રો  એને લખતાં. શેખરે સમૃદ્ધિ કરતાં સ્વમાન અને સિદ્ધાંતને મહત્વ આપ્યું. એણે કોર્ટમાં કેસ ફાઈલ કર્યો. કોર્ટ કે કાનૂનને શેખરના નામ. યશ કે એની પ્રસિદ્ધિ સાથે કોઈ લેવાદેવા નહોતી. અહીં તો બસ વકીલોના તર્ક અને દલીલોનો આધાર હતો. ત્રણ વર્ષે નીચલી કોર્ટે ચૂકાદો આપ્યો જેમાં શેખર કેસ હારી ગયો.

કારણ કહો કે તારણ એ નીકળ્યું કે ક્યાં તો વકીલની દલીલોમાં દમ નહોતો કે વકીલ સામા પક્ષની સાથે મળી ગયો હશે અથવા ચૂકાદો પોતાની તરફેણમાં આવે એના માટે નિર્માતાએ અઢળક રૂપિયા ખર્ચી કાઢ્યા હશે.

શેખરના હાથ અને હથિયાર હેઠા પડ્યા હતા. શું કરે એ? બિલ્ડરના હાથે આમ એ પોતાની નવલકથાને આમ સાવ સસ્તી પ્રસિદ્ધિ માટે સોંપી દે?

હવે એના માટે આ કેસ એના આત્મસન્માન, પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયો હતો. આજ સુધી ન તો એ ક્યારેય સત્તા સામે ઝૂક્યો હતો કે ન તો એણે કોઈની કદમબોસી કરી હતી કે ક્યારેય ઈમર્જન્સી દરમ્યાન ઈંદિરા ગાંધીની સરકાર સામે નમતુ તોળ્યુ હતુ.

હવે તો આ પાર કે પેલે પાર. ડગલું ભર્યું કે ના હટવુંના જોમ સાથે વધુ દમદાર વકીલ રોકીને શેખરે ઉપલી કોર્ટમાં કેસ ફાઈલ કર્યો. એવો વકીલ જે કોર્ટને કોપી રાઈટનું મહત્વ સમજાવી શકે. નવલકથાના અભ્યાસ અને ફિલ્મ જોયા પછી વકીલે કોપી રાઈટનું ઉલ્લાંઘન કરીને બનેલી ફિલ્મ પર જે દલીલો કરી એનાથી શેખરને લાગ્યું કે હવે આ કેસનો ચૂકાદો એની તરફેણમાં ચોક્કસ આવશે. વળી પાછી તારીખ પર તારીખનો સિલસિલો ચાલુ થયો.

વકીલને શું નડ્યું ? એણે તો દરેક હાજરી માત્ર માટે દસ હજાર રૂપિયા ફી લેવાનું ઠેરવ્યું હતું.  હવે શેખર માટે વકીલની ફી ચૂકવવાની સમસ્યા વિકટ બનવા માંડી. માથે દેવાનો બોજ વધતો ચાલ્યો અને મિત્રો, સ્નેહીઓનો સાથ ઘટતો ચાલ્યો. નવું કશુંક લખી આપવા માટે પ્રકાશકોનું દબાણ વધતું ચાલ્યું. અખબારો, પત્રિકાઓ, પૂરા સાહિત્યિક જગતમાં શેખરના કેસ અંગે ચકચાર ચાલી. શેખરને જેની સૌથી વધારે જરૂર હતી એ પૈસા સિવાય સલાહ, સૂ્ચન, સમભાવનો અતિરેક થવા માંડ્યો.

શેખર કરે તો શું કરે? અને ત્યારે એને આશાનું એક ઉજળું કિરણ દેખાયું. એને ઉજળું કહેવું કે કેમ એ શેખર નક્કી કરી શકતો નહોતો પણ આ સમયે એ જ એક ઉપાય હતો.

બે-પાંચ વર્ષ પહેલાં એક પ્રકાશકે એની પાસે વર્તમાન પ્રવાહને અનુરૂપ સાહિત્ય લખવાનું કહ્યું હતું.. શેખર માટે તો કોઈ આર્ટ ફિલ્મ બનાવવાવાળાને સસ્તી મનોરંજક કમર્શિયલ ફિલ્મ બનાવવાની હોય એવો પ્રસ્તાવ હતો. જાણે આધ્યાત્મિકમાંથી અશ્લીલતા તરફ જવાનો ઈશારો હતો. શેખરે એ પ્રકાશકને દરવાજો દેખાડી દીધો હતો પણ કદાચ શેખરનો વિચાર બદલાય તો એમ વિચારીને એ પ્રકાશક થોડાક પુસ્તકો મૂકતો ગયો હતો. શેખરે એક બેઠકે એ સાતે પુસ્તકો વાંચી લીધા. પુસ્તકો સાવ અશ્લીલ તો નહોતા પણ નર્યો બકવાસ ભારોભાર લાગ્યો.

આવા બકવાસ માટે એ પ્રકાશક જોઈએ એટલા પૈસા આપવા તૈયાર હતો અને આજે શેખરને પૈસા જ જોઈતા હતા. મનના વિચારોને, અંતરમાં ઉભરાતા જાત માટેના ધિક્કારભાવને એણે પાછા હડસેલી દીધા. કલમ ઉપાડી અને નામ બદલીને એક વર્ષમાં છ પુસ્તકો લખી માર્યા… સાવ સરળ હતું આવું લખવાનું અને પૈસા તો દર એક પુસ્તકે દસ હજાર…વાહ!

હવે કોર્ટના કેસ માટે વકીલને પૈસા ચૂકવવાની ચિંતા ટળી ગઈ. તારીખો બદલાતી રહી. સવાલો અને જવાબો બદલાતા રહ્યા અને અંતે શેખરને પોતાના બચાવમાં કંઈક કહેવાની તક મળી.

શેખરે દમદાર વક્તવ્ય આપ્યુ. સમાજના એક પ્રતિબદ્ધ લેખકની ભૂમિકા, એના યોગદાન, ત્યાગ વિશે વાત કરતાં શેખરે જજને કહ્યું, “ જજસાહેબ, કોઈપણ મારા જેવો લેખક પૈસા માટે સમાજને ગેરમાર્ગે દોરે એવું કશું જ નહી લખે. એ લખે છે સમાજને જાગૃત કરવા માટે, એ લખે છે સરકારની ખોટી નિતિ અને સમાજ વિરોધી કારનામા માટે, જનતાની તકલીફોને ઉજાગર કરવા માટે., આજે વ્યવસાયિકતા અને પૈસાને લઈને લોકોની સંવેદનાઓ ખોખલી બનતી જાય છે. મૂલ્યો નામશેષ થતાં જાય છે ત્યારે એની સામે લેખક લાલબત્તી ધરવાનું કામ કરે છે. આજ સુધી હું ક્યારેય સત્તા સામે નમ્યો નથી કે નથી પદ ,પ્રતિષ્ઠા માટે થઈને કોઈ જાતનું સમાધાન કર્યું તો પછી મારી ઉત્કૃષ્ટ નવલકથા પરથી કોઈ આવી ભદ્દી, છીછરી ફિલ્મ બનાવે એ હું ક્યારેય સહન કરી ન શકુ. માત્ર પૈસાના જોરે આવી હરકત કરી શકાય એમ નિર્માતાએ માની લીધું પણ કાનૂન અને સમાજના મૂલ્યોની દ્રષ્ટિએ વિચારો તો પણ મારો પક્ષ મજબૂત છે. તમે નવલકથા પણ વાંચી છે અને ફિલ્મ પણ જોઈ છે. હવે તમે જ નક્કી કરો કે કોપી રાઈટને અવગણીને આ ફિલ્મ બની એ યોગ્ય છે?” અને એ ચૂપ થઈ ગયો.

કોર્ટમાં ટાંકણી પડે તોય સંભળાય એવી સ્તબ્ધતા ફેલાઈ ગઈ. હાજર સૌ શેખર સામે અહોભાવથી જોઈ રહ્યા. જજ ફેંસલો આપે એ પહેલા વકીલે ખાતરીપૂર્વક શેખર જીતશે એવો ચૂકાદો આપી દીધો.

દમદાર વક્તવ્ય આપ્યા પછી શેખર ચૂપ હતો. એને કોઈની પ્રશંસા, વકીલનો વિશ્વાસ કશું જ સ્પર્શતુ નહોતું. એક જ પ્રશ્ન એના મનને ઘા કરી રહ્યો હતો, ફાંસની જેમ ખૂંચી રહ્યો હતો કે ખરેખર એ જીતશે પણ એ એની સાચી જીત હશે ખરી?


Rajul Kaushik
http://www.rajul54.wordpress.com